Arrival

  • દર થોડાં વર્ષે ‘અરાઇવલ’ જેવી એક ફિલ્મ આવે, જેને જોતી વખતે આપણું મોં આઈ-મૅક્સના સ્ક્રીન જેવું પહોળું રહી જાય. બે-એક કલાકની અંદર તો તે આપણા દિમાગનો એવો કબ્જો લઈ લે કે ફિલ્મ જોઇને બહાર નીકળો તે પછી ફિલ્મમાં ઉઠાવેલી વાતો જ ચાલ્યા કરે. કેટલીયે વસ્તુઓ સમજાય નહીં, જેને જાણવા માટે તમે દોસ્તો સાથે અનલિમિટેડ કપ ચા-કૉફી (કે પસંદગીનાં કોઇપણ પીણાં) સાથે ડિસ્કશન્સનો દોર ચલાવો, ઇન્ટરનેટ ઊલેચી નાખો, બીજા સિનેફાઇલ્સ એ વિશે શું કહે છે તે જાણો. સાથોસાથ અમુક એવી વાતો પણ તમારા મગજમાં ટ્રિગર થાય, જે ક્યાંય કોઇએ ન કહી હોય પરંતુ ફિલ્મ જોયા પછી સિમ્પ્લી તમારા જ પર્સેપ્શનને આધારે તમને સૂઝી હોય. આવી એક ફિલ્મ આ શુક્રવારે રિલીઝ થઈ, ‘અરાઇવલ’ (એટલે કે આગમન). મેઇન સ્ટારકાસ્ટ ઍમી ઍડમ્સ અને જેરેમી રેનર. ફિલ્મની ઝોનરા એટલે કે પ્રકાર કહીએ તો પ્યોર સાયન્સ ફિક્શન-ઍલિયન મુવી. પરંતુ આ ફિલ્મ ‘ઇન્ડિપેન્ડન્સ ડે’ કે ‘મૅન ઇન બ્લૅક’ નથી. બલકે તેનાથી તદ્દન સામા છેડાની છે. ઘણે અંશે ‘2001: અ સ્પેસ ઑડિસી’, કે ‘ઇન્ટરસ્ટેલર’ની પણ નજીક જાય છે. કદાચ એ ફિલ્મો જેટલી મહાન ન લાગે, પરંતુ એમનાથી ખાસ ઊણી ઊતરે એવી તો નથી જ. એટલે ઍલિયન્સ, ટાઇમટ્રાવેલ પ્રકારની થીમ ધરાવતી સાયન્સ ફિક્શન ફિલ્મો જોવાનો શોખ હોય એમણે તો બીજાં બધાં પડતાં કામ મૂકીને પણ વહેલી તકે આ ફિલ્મ જોઈ પાડવી જોઇએ.
  • લુઇસ બૅન્ક્સ (ઍમી ઍડમ્સ) લિંગ્વિસ્ટ એટલે કે ભાષાશાસ્ત્રી છે અને અમેરિકાની કોઈ યુનિવર્સિટીમાં ભણાવે છે. એને છાશવારે અમુક દૃશ્યો દેખાય છે, જેમાં એ પોતે એક નાનકડી બૅબી સાથે ઉંમરના અલગ અલગ તબક્કે હસી-રડી-રમી રહી છે. ત્યાં જ અચાનક પૃથ્વી પર બાર અલગ અલગ સ્થળોએ જાયન્ટ UFO (અનઆઇડેન્ટિફાઇડ ફ્લાઇંગ ઑબ્જેક્ટ) આવીને ગ્રેવિટીની ઐસીતૈસી કરીને જમીનથી થોડે ઉપર ઊભા રહી જાય છે. એટલું તો ક્લિયર છે કે પૃથ્વીવાસીઓનું આ કારસ્તાન નથી. તો પછી કોણ છે એ? અને શા માટે અહીં આવીને અડિંગો જમાવ્યો છે? તે આપણો નાશ કરવા આવ્યા છે? સ્વાભાવિક રીતે જ આ જવાબોના અભાવે આખી દુનિયામાં હાહાકાર ફેલાય છે અને તોપોનાં નાળચાં તે UFO સામે તકાય છે. પરંતુ એક તો તે ગંજાવર બહિર્ગોળ લૅન્સ જેવી દેખાતી UFOમાંથી કોઈ હલચલ થતી નથી. હા, દર ૧૮ કલાકે તેનો નીચેનો ભાગ ખૂલે છે, જેમાંથી અંદર જઈ શકાય તેવું છે. અધૂરામાં પૂરું અંદર જે કંઈ કે જે કોઈ છે તેની ભાષા કોઇને સમજાતી નથી. આથી એક નિર્ણય લેવાય છે કે આ લુઇસ બૅન્ક્સને અમુક બીજા લોકો સાથે તેની અંદર મોકલવી અને તે જે કોઈ છે તેમની સાથે કમ્યુનિકેટ કરાવવું. પછી જે થાય તે બાકીની ફિલ્મ.
  • આ ફિલ્મ વિશે પુષ્કળ વાતો કહી શકાય તેમ છે, પરંતુ કંઈ પણ કહીએ તોય સ્પોઇલર આપી દેવાનું જોખમ છે. છતાં આપણે સ્પોઇલરની બાઉન્ડરી વટાવ્યા વિના શક્ય તેટલી વાતો કરવાની ટ્રાય કરીએ.
  • મસ્ત અણિયાળું નાક ધરાવતી સુપરક્યુટ ઍમી ઍડમ્સને જો પોતાના કરિયર માટે ‘તુમ્હારે પાસ ક્યા હૈ?’ જેવા કોઈ સવાલના જવાબમાં પોતાની કોઈ એક જ ફિલ્મનું નામ આપવાનું થાય તો તે બિનધાસ્ત ‘અરાઇવલ’નું નામ આપી શકે. મિનિમમ ડાયલોગ્સ અને મૅક્સિમમ ઍક્સપ્રેશન્સ સાથે આ આખી ફિલ્મ લિટરલી એના જ ખભા પર ઊભી છે. ‘અરાઇવલ’ની સ્ટૉરી ઍમીના જ પોઇન્ટ ઑફ વ્યૂથી કહેવાઈ છે. એટલે તે જે જુએ-સાંભળે એટલું જ આપણને દેખાય-સંભળાય. ક્લાસરૂમમાં હાજરી આપવાને બદલે વિદ્યાર્થીઓ શા માટે બહાર ટેલિવિઝન સ્ક્રીનની સામે ટોળે વળ્યા છે તે આપણને ઍમી ન્યુઝ જુએ ત્યારે જ ખબર પડે. હૅલિકોપ્ટરના ઘોંઘાટમાં એને બીજા કોઇનો અવાજ ન સંભળાતો હોય અને હૅડફોન પહેરે પછી જ ક્લિયર સંભળાય, તો આપણને પણ ડિટ્ટો એ જ અનુભવ કરાવાય. ઇવન જાયન્ટ UFO પણ જ્યાં સુધી ઍમી ન જુએ ત્યાં સુધી આપણને પણ ન જોવા મળે (યાદ કરો ‘જુરાસિક પાર્ક-1’ જેમાં બે પૅલિએન્ટોલોજિસ્ટ્સ જ્યાં સુધી ડાયનોસોર ન જુએ ત્યાં સુધી આપણને પણ માત્ર ડાયનોસોરની વાતો જ સંભળાવાય. પછી પહેલી વાર જીવતો ડાયનોસોર (બ્રેકિયોસૉરસ) જુએ અને એમને જેવું આશ્ચર્ય થાય એવું આપણને પણ થાય!). એ જ રીતે એને જે દૃશ્યો દેખાય છે તે શું છે, તે UFOની અંદર શું છે એ જાણવા માટે પણ આપણે ઍમી ઍડમ્સ પર જ આધાર રાખવો પડે.
  • મિનિમમ હૅપનિંગ છતાં ફિલ્મનો ફર્સ્ટ હાફ એટલો બધો ગ્રિપિંગ અને ડરામણો છે કે ક્યારે ઇન્ટરવલ પડે એ જ ખબર પડે. હૉન્ટિંગ મ્યુઝિક, ડિમ લાઇટિંગ સાથે ફિલ્મમાં ‘ઝેનોફોબિયા’ (Xenophobia) એટલે કે ફિઅર ઑફ અનનૉનનું ઍલિમેન્ટ એટલું બધું તીવ્ર છે ગમે તે ઘડીએ કશુંક અણધાર્યું થવાની ધાસ્તી રહે (છતાં આ ફિલ્મ ઝેનોફોબિયાની સારવાર જેવી છે!). આમેય આપણે જેના વિશે જાણતા નથી અથવા તો જે આપણા કરતાં જુદા છે, જુદી ભાષા બોલે છે તેમનાથી ડરવું અને એની સાથે યુદ્ધે ચડી જવું તે આપણી હજારો વર્ષો જૂની મૅન્ટાલિટી છે. પરંતુ એવું ન કરવું હોય, તો બીજો કયો વિકલ્પ છે આપણી પાસે? રાઇટ, એમની સાથે સંવાદ સાધવાનો. એમની સાથે કેવી રીતે સંવાદ સાધશો? તો કહે, એમની ભાષા શીખીને. ઍક્ઝેક્ટ્લી એ જ વાત આ અરાઇવલ ફિલ્મ આપણને કહે છે. પરંતુ ધારો કે કોઇની ભાષા લૅંગ્વેજ વિશેના આપણા કન્સેપ્ટ કરતાં તદ્દન જુદી હોય તો? કહે છે કે નવી ભાષા શીખો તો તમારા મગજનું વાયરિંગ પણ નવેસરથી થવા માંડે. બે ભાષાશાસ્ત્રીઓએ આપેલી ‘સૅપિર-વ્હોર્ફ હાઇપોથિસિસ’ એવું પણ કહે છે કે લોકો જે રીતે વિચારે છે તેના પર એમની ભાષાનો જબ્બર પ્રભાવ હોય છે. તેને પણ આ ફિલ્મ સ્પર્શે છે. તો પછી ભાષા એ ટૂલ-સાધન છે કે હથિયાર? વેલ, સમજો તો ટૂલ, નહીંતર હથિયાર.
  • ‘અરાઇવલ’નો એક પાયાનો વિચાર છે કમ્યુનિકેશન. ધારો કે આપણે આ ફિલ્મમાં બતાવાયેલા UFOને કમ્યુનિકેશનના-સંઘર્ષના-મુશ્કેલીના-પરિવર્તનના-તકના કે કોઈ અજ્ઞાત પ્રશ્નના એક મૅટાફર તરીકે લઇએ તો? આપણે તેને સમજવાનો, તેની સાથે કમ્યુનિકેટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે પછી સીધાં તેની સામે તોપનાં નાળચાં માંડીએ છીએ? જ્યારે પણ બે વ્યક્તિથી લઇને બે રાષ્ટ્રો વચ્ચે વિવાદ ઉપસ્થિત થાય એટલે પહેલો ભોગ કમ્યુનિકેશનનો લેવાય. વાતચીત બંધ થાય. પરિણામે બંને પક્ષ એકબીજાને સમજી શકે નહીં અને પ્રશ્ન ઊકલવાને બદલે વકરતો ચાલે. જ્યારે ઘણી વાર માત્ર વાત કરવાથી, એકબીજાને-એકબીજાના પોઇન્ટ ઑફ વ્યૂ સમજવાથી જ પ્રશ્નનું નિરાકરણ આવી જતું હોય છે. ફિલ્મમાં UFOની અંદર જે કંઈ છે તેની અને માણસોની વચ્ચે કમ્યુનિકેશન સ્ટાર્ટ થાય છે તે બંને વચ્ચે પારદર્શક કાચ જેવી એક અદૃશ્ય દીવાલ છે. એ જ આ ઇન્વિઝિબલ બૅરિયર છે, જે વિશ્વનાં મોટાભાગનાં પ્રશ્નોનું મૂળ છે.
  • ‘અરાઇવલ’માં UFO સાથે તો કમ્યુનિકેટ કરવાની અને તેમના દ્વારા આવતા સંદેશા સમજવાની માથાકૂટ છે જ, પરંતુ બીજી એક વાત એ છે કે આ UFO પૃથ્વી પર ૧૨ અલગ અલગ જગ્યાએ આવીને ઊભા રહે છે. એકબીજાથી તદ્દન અલગ ભાષાઓ બોલતા તે દેશોને પણ એકબીજા સાથે કમ્યુનિકેટ કરવાની, એમનું આ વિશેનું જ્ઞાન શૅર કરવાની ફરજ પડે છે. આ આખી વાતને વધુ એક્સ્પ્લોર કરવા માટે ‘ટાવર ઑફ બૅબેલ’ની દંતકથા અને (‘બર્ડમેન’, ‘રેવેનન્ટ’વાળા) ઍલેહાન્દ્રો ગોન્ઝાલેસ ઇનારિતુની ‘બૅબેલ’ ફિલ્મ પણ રિફર કરી શકો.
  • ત્રીજી એક વાત છે સમય. ટાઇમ તો આમેય સાયન્સ ફિક્શન રાઇટરોનો ફેવરિટ સબ્જેક્ટ રહ્યો છે. આ ફિલ્મમાં ટાઇમના કન્સેપ્ટને લઇને જે કહેવાયું છે તેની વાત કરવામાં તો ભારોભાર જોખમ છે જ. કેમકે ફિલ્મના અંતે જે સિક્રેટ આપણી સમક્ષ છત્તું થાય તેની મજા ત્યારે જોવામાં જ છે. પણ હા, એટલું જરૂર કહી શકાય કે આપણા હૃષિકેશ મુખર્જી ‘આનંદ’માં જે કહી ગયા છે તે સનાતન સત્ય છે. કોનું ‘અરાઇવલ’ ક્યારે થશે, ‘ડિપાર્ચર’ ક્યારે થશે તે કોને ખબર છે? તેના પર કોનો કંટ્રોલ છે? આપણા હાથમાં શું છે? તો કહે કે, આ ક્ષણ, વર્તમાન. આવી લાખો-કરોડો ક્ષણોને જીવીએ-માણીએ-વાગોળીએ એનો સરવાળો એ જ જીવન. અરાઇવલ-ડિપાર્ચરના ચક્કરમાં પડીને દુઃખી થઇશું કે તે ક્ષણોને જીવી જાણીને ખુશ રહીશું?
  • વિકિપીડિયા પરથી ખબર પડે છે કે આટલા બધા વિચારોનું ટ્રિગર દબાવતી આ ફિલ્મ ટૅડ ચિઆંગ નામના લેખકની લઘુનવલ ‘ધ સ્ટૉરી ઑફ યૉર લાઇફ’ પરથી અડૅપ્ટેડ છે. તે અવૉર્ડ વિનિંગ નૉવેલાનો અન્ય વાર્તાઓ સાથેનો સંગ્રહ લગભગ બે દાયકાથી અવેલેબલ છે, પરંતુ આપણને તેનું અસ્તિત્વ સુદ્ધાં ખબર નથી. એય ‘ટાવર ઑફ બૅબેલ’ પ્રકારની જ એક વક્રતા છે. તો પછી આપણે શું જાણતા હોવાનું અભિમાન કરવું?
  • જોકે અધવચ્ચે અરાઇવલ થોડી સ્લૉ લાગે છે. ઇવન જ્યાં કોઈ થ્રિલિંગ મોમેન્ટ આવવાની થાય, ત્યાં તે ઍક્શન બતાવવાને બદલે સીન કટ્ થઈ જાય જે એક દર્શક તરીકે આપણને અકળાવી મૂકે. ફિલ્મના પોસ્ટરમાં પુછાયેલો સવાલ (‘વ્હાય આર ધે હિયર?’)નો જવાબ મળશે, પરંતુ ધારો કે ફિલ્મમાં અમુક સવાલો વણઊકલ્યા લાગે તો અકળાયા વિના શાંતિથી ફિલ્મ પૂરી થવા દેજો, પૂરી થયા પછી એ વિશે વિચારજો-વાંચજો. શા માટે ઍમી ઍડમ્સના ચહેરા પર સતત એક ઉદાસી છવાયેલી રહે છે એ પણ જાણવા મળશે. ફિલ્મની બ્યુટિફુલ સિનેમેટોગ્રાફી, તેના લાર્જ લૅન્ડસ્કૅપ, આંખો આંજી નાખે તેવી ફ્રેમ્સ બધું જ અફલાતૂન છે અને મીનિંગફુલ છે. થૅન્ક ગોડ કે આમાં પરાણે 3D નથી ઘુસાડ્યું. હા, હિન્દી ડબિંગ કે ઇવન ઇંગ્લિશ સબટાઇટલ્સ અવેલેબલ નથી એટલો પ્રોબ્લેમ થશે. અગેઇન, એક સાયન્સ ફિક્શનની સાથોસાથ અનેક લેવલે વિચારતા કરી મૂકે તેવી આ ફિલ્મમાં અગાઉ જોયેલું કશું જ ક્લિશૅ કન્ટેન્ટ નથી. આ ફિલ્મ કોઈ કાળે ચૂકવા જેવી નથી અને શક્ય હોય તો થિયેટરમાં જ જોવી. ‘અરાઇવલ’ એટલિસ્ટ **** (ચાર સ્ટાર) અને તમારું અટૅન્શન ડિઝર્વ કરે છે.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits

Advertisements

બાર બાર દેખો

પૂર્ણ બોરિંગ ભવિષ્ય કાળ

***

અઢી મિનિટના ટ્રેલરમાં કહેવાઈ ગયેલી જમાનાજૂની વાતને પરાણે આ અઢી કલાકની ફિલ્મમાં ખેંચવામાં આવી છે.

***

baar-baar-dekho-movie-posterઆપણે ત્યાં છોકરાંવ હજી તો નોકરી-ધંધે ન ચડ્યાં હોય ત્યાં એમને પૈણવા ઊપડે છે. પરંતુ એકમાત્ર બૉલીવુડના હીરોલોગની પ્રજાતિ જ એવી છે જેમને યુગોયુગોથી કમિટમેન્ટ ફોબિયા સતાવતો આવ્યો છે. આ અઠવાડિયાની ફિલ્મ ‘બાર બાર દેખો’નો હીરો સિદ્ધાર્થ મલ્હોત્રા એવું જ પ્રાણી છે. ઘરે લગનનાં ગીતો-ફટાણાં ગાવાનું શરૂ થઈ ગયું છે અને છેક છેલ્લી ઘડીએ ભાઈ ગ્રહણ ટાણે સાપ કાઢે છે કે ‘જાવ, મારે નથી પૈણવું.’ પહેલીવાર જેમણે ડિરેક્ટર તરીકેનું સળગતું પકડ્યું છે એવાં દિગ્દર્શિકા બાનુ નિત્યા મહેરાની આ ફિલ્મમાં દિમાગમાં ન ઊતરે એવું ઘણું બધું બન્યા કરે છે.

સંતાપ એનો સવારે સવારે

જય વર્મા (સિદ્ધાર્થ મલ્હોત્રા) અને દિયા કપૂર (કૅટરિના કૈફ) કિન્ડરગાર્ટનમાં હતાં ત્યારથી જ ફ્રેન્ડશિપ ડૅ મનાવતાં આવ્યાં છે. મોટાં થયાં પછી વેલેન્ટાઇન્સ ડૅ મનાવ્યો. ભવિષ્યમાં ઍનિવર્સરી મનાવી શકે એ માટે જ્યારે લગ્નનો વારો આવ્યો, ત્યારે અચાનક હીરોને થયું કે આ તો હાળું હલવાઈ ગયા. આમ તો બૈરી-છોકરાંમાં જ જિંદગી નીકળી જશે અને કરિયર અભેરાઈ પર ચડી જશે. લગ્નની આગલી સાંજે પાણીમાં બેસી ગયા બાદ બીજા દિવસે એ જાગ્યો તો એણે જોયું કે એનાં લગ્ન થઈ ચૂક્યાં છે અને પોતે થાઈલૅન્ડમાં હનીમૂન મનાવી રહ્યો છે. ત્રીજા દિવસે સવારે એની પત્ની એક બાળકને જન્મ આપી રહી છે. ચોથા દિવસે એનાં બચ્ચાં સ્કૂલે જવા માંડ્યાં છે. પાંચમા દિવસે એને ધોળાં આવી ગયાં છે અને પત્ની… પરંતુ આવું શાને થાય છે? આ ટાઇમટ્રાવેલ છે કે પછી વધુ પડતા છાંટોપાણીની અસર? કે પછી ત્રીજું જ કોઈ ફૅક્ટર છે?

દિમાગ કી બત્તી બુઝા દે

વિચાર કરો વર્મા આન્ટી (સારિકા)નો એકનો એક દીકરો દિલ્હી યુનિવર્સિટીમાં મૅથેમેટિક્સનો પ્રોફેસર છે. થોડા સમયમાં કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં એનું પ્લેસમેન્ટ થઈ જવાનું છે. વળી, હૅન્ડસમ તો એવો કે ક્લાસની બધી છોડીયું એનો લૅક્ચર ભરવા માટે ફેવિકોલ લગાવીને બેસી જ રહે (‘ઇન્ડિયાના જોન્સ’ની જેમ). ઉપરથી પોણું ઇન્ડિયા અદેખાઈથી બળી મરે એવી એની સ્ટેડી ગર્લફ્રેન્ડ તરીકે કૅટરિના કૈફ છે. હીરોના જીવનમાં એવી કોઈ મોટી ક્રાઇસિસ નથી જે એના મગજમાં સ્ટ્રેસના ફટાકડા ફોડે. તોય આ છોકરાને કમિટમેન્ટ ફોબિયા હેરાન કરે છે. શું કામ? ડિરેક્ટર સાહેબા જાણે. વળી, હીરો-હિરોઇન તો ચાઇલ્ડહૂડ સ્વીટહાર્ટ્સ છે. તો બંને વચ્ચે એટલીયે અન્ડરસ્ટેન્ડિંગ ન હોય કે થોડું ડિસ્કશન કરીને વાતનો નિવેડો લાવે? લેકિન નો. આ ફિલ્મના રાઇટરોની ટોળકીએ આપણા દિમાગની તમામ નસોની મજબૂતી ચૅક કરવાનું નક્કી કર્યું છે. એટલે જ તો આપણો હીરો કોઈ જ કારણ વિના બોરીવલી-ચર્ચગેટની ફાસ્ટ ટ્રેનમાં બેસતો હોય એનાથીયે ઝડપથી ટાઇમટ્રાવેલ પર નીકળી પડે છે. હૉલીવુડ હોય તો આ માટે કોઇક મશીન બનાવે, સંશોધન કરે. પરંતુ આપણા સંસ્કારી દેશનો હીરો છે એટલે તે કાંડે નાડાછડી બાંધે અને સાંજે છાંટોપાણી કરે એટલે એની ટાઇમટ્રાવેલ સ્ટાર્ટ.

મજાની નહીં, પરંતુ સજાની વાત એ છે કે આ ફિલ્મના ટ્રેલરમાં જે કંઈ બતાવી દીધેલું એની બહારનું આખી ફિલ્મમાં કશું જ કહેતાં કશું જ નથી. બસ, હીરો રોજ સવારે ઊઠે અને સાસ-બહુની સિરિયલની જેમ વાર્તાએ થોડાં વર્ષનો જમ્પ લઈ લીધો હોય. છેક છ દાયકા આગળ ગયા બાદ એને સમજાય છે કે ખરેખરી મજા તો પ્રેઝન્ટ ટેન્સમાં આવતા લાખો છોટે છોટે પલનો આનંદ માણવામાં જ હતી. બટ વેઇટ, આ વાત તો આજથી સાડાચાર દાયકા પહેલાં જ હૃષિકેશ મુખર્જીના ‘આનંદ’ અને ‘બાવરચી’ પણ કહી ગયા છે. ભવિષ્યમાં છ દાયકાની કન્ડક્ટેડ ટુર કર્યા પછીયે આ સિવાયનું આપણો હીરો કશું જ નવું શીખતો નથી.

લગભગ અઢી કલાકની આ ફિલ્મમાં સમય જમ્પ કર્યા કરે અને હીરો ઍસિડિટીના પેશન્ટની જેમ નિમાણો થઇને ફર્યા કરે. એ સિવાય કોઈ નવી વાત કે લાઇફની કોઈ નવી ફિલોસોફી પણ બહાર ન આવે. ઇવન કોઈ દમદાર વનલાઇનર્સ પણ કાને પડતાં નથી. દરઅસલ, ફ્યુચરિસ્ટિક ફૅન્ટેસી ફિલ્મ બનાવવા માટે હટકે ક્રિએટિવિટી જોઇએ. જ્યારે અહીં તો આઇડિયા એવો કે જ્યાં ત્યાં હાઇટેક સ્ક્રીન મૂકી દો એટલે ફ્યુચર આવી ગયું. બસ-કારની બારીમાં સ્ક્રીન, ઘરની દીવાલમાં સ્ક્રીન, ક્લાસના બૉર્ડ પર સ્ક્રીન, મોબાઇલ ફોનની બહાર હવામાં સ્ક્રીન. ‘ગૂગલ’વાળા અત્યારે સેલ્ફ ડ્રાઇવિંગ કાર ટેસ્ટ કરે છે, જ્યારે આપણી ફિલ્મોવાળા છ દાયકા પછીયે પોતાની કાર જાતે જ ઢસડે છે. દોઢ દાયકા પહેલાં હૉલીવુડમાં ‘અ બ્યુટિફુલ માઇન્ડ’ ફિલ્મમાં ગણિતના પ્રોફેસરે બારીના કાચ પર ગણિતનાં ચીતરામણાં કરેલાં. આપણા હીરો હજી એ જ સ્ટાઇલમાં બારીઓ બગાડે છે.

ભવિષ્યમાં ડોકિયું કરીને વર્તમાન સુધારવાનો આ ફિલ્મનો પાયાનો વિચાર હૉલીવુડની ‘ઇન્સેપ્શન’ ફિલ્મની જેમ જાયન્ટ સપનું હતો કે પછી કોઈ ચમત્કાર હતો તેની કોઈ જ ચોખવટ કરાઈ નથી. બની શકે કે ફિલ્મની દિગ્દર્શિકા આ ‘ઇન્સેપ્શન’ અને હૉલીવુડની જ ‘ક્લિક’ નામની બીજી કોમેડી ફિલ્મ જોતાં જોતાં ઊંઘી ગઈ હોય અને એને આ ફિલ્મ સપનામાં આવી હોય. જો એવું હોય, તોય આ ફિલ્મ એક કમિટમેન્ટ ફોબિક યુવાનના ફૉલ્ટી ફેમિનિસ્ટ ચિત્રણ સિવાય કશું જ નથી.

જોકે આ ફિલ્મ પરથી એટલું જાણવા મળે છે કે છ દાયકા પછીયે કૅટરિનાના ચહેરા પર કોઈ એક્સપ્રેશન્સ આવવાનાં નથી કે નથી એની ઍક્ટિંગ સુધરવાની. સિદ્ધાર્થ મલ્હોત્રા કાયમ આવો જ ક્યુટ અને ક્લુલેસ દેખાવાનો છે. એકદમ ચકાચક પૅકિંગમાં પેશ થયેલી ‘બાર બાર દેખો’ સારિકા, રામ કપૂર, રજિત કપૂર, સયાની ગુપ્તા જેવાં દમદાર કલાકારોનો અક્ષમ્ય વેડફાટ છે.

દેડકાની જેમ કૂદાકૂદ કરવા છતાં ગોકળગાયની ગતિએ ચાલતી આ ફિલ્મનું એકમાત્ર પોઝિટિવ પાસું છે તેનું મ્યુઝિક. પાંચ રસોઇયા એટલે કે સંગીતકારોએ મળીને એવું મસ્ત મ્યુઝિક આપ્યું છે કે આખું આલ્બમ ગમે ત્યારે, ગમે તેટલીવાર સાંભળવાની મજા પડે એવું બન્યું છે. પરંતુ એના માટે કંઈ થિયેટર સુધી લાંબા ન થવાય. એમ તો ફિલ્મનું હૉમ વીડિયો સ્ટાઇલનું ક્યુટ સ્ટાર્ટિંગ અને ઑવરઑલ પૈસાદાર ફીલ પણ બે ઘડી ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રીમાં બેઠા હોઇએ એવી અનુભૂતિ કરાવે છે.

એક બાર ભી ક્યું દેખો?

વક્રતા છે કે આ ફિલ્મમાં હીરોની લાઇફ ફાસ્ટ ફોરવર્ડમાં ચાલે છે, પણ ફિલ્મ તદ્દન સ્લો મોશનમાં જ ચાલ્યા કરે છે. જો કૅટરિના-સિદ્ધાર્થના ફૅન હો, પૈસાદાર હો અથવા તદ્દન નવરા હો અને આ ફિલ્મમાં જાગતા બેસી રહ્યા હો, તો તમને સતત ઇચ્છા થશે કે કાશ આપણેય આ હીરોની જેમ ટાઇમ ટ્રાવેલ કરીને આ ફિલ્મ જોવાનો આઇડિયા કૅન્સલ કરી નાખીએ તો?

રેટિંગઃ *1/2 (દોઢ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

24 (Tamil Movie)

24 The Movie Posters– આપણે ત્યાં સાયન્સ ફિક્શન ફિલ્મો બનાવવી એટલે ‘બડે બચ્ચોં’ કે લિયે બાળવાર્તાઓ લખવી. બચ્ચાલોગ તો ‘ઇન્ટરસ્ટેલર’ પણ પચાવીને બેઠા હોય, પણ એના રવાડે ચડીને હિન્દી ફિલ્મવાલાઓ ‘સાયન્ટિફિક’ થિયરી ભભરાવવા જાય, તો હાલત ‘મિ. એક્સ’ જેવી થાય (‘રઘુ કે કપડેં જલ કે ઉસકે શરીર મેં મિલ ચૂકે હૈ!’ WTF! વળી કોઈ ‘આવું તે કંઈ હોતું હશે?’ એવો સવાલ ન પૂછે એટલે ઈશ્વરના નામનું પૅનિક બટન દબાવી દેવાનું, ‘જિસ ચીઝ કા સાયન્સ કે પાસ જવાબ નહીં હોતા હૈ, ઉસકા આન્સર હોતા હૈ ગોડ!’ ટિંગ!) એટલે થિયરીની બબાલમાં નહીં પડવાનું. વધુમાં વધુ ‘મિસ્ટર ઇન્ડિયા’માં હતું એમ ‘સફારી’ સ્ટાઇલમાં સિમ્પ્લિફાય કરીને સમજાવી દેવાનું કે, ‘અગર કોઈ ઐસી ચીઝ હો જો હમારે જિસ્મ મેં ઐસા અસર પૈદા કરે કિ રૌશની ટકરાકર વાપસ આને કે બજાય પાર નિકલ જાયે તો આદમી દિખાઈ નહીં દેગા!’ બટન દબાઓ, ખુદ જાન જાઓ! (બાય ધ વે, ‘મિ. ઇન્ડિયા’ના જે સીનમાં અશોક કુમાર ક્લાસમાં સ્ટુડન્ટ્સને થિયરી સમજાવે છે એ વખતે આગળ ટેબલ પર કેમિસ્ટ્રીથી લઇને ફિઝિક્સનાં સાધનો પડ્યાં છે. પાછળ બૉર્ડ પર મેથ્સની ફોર્મ્યુલાઓ લખેલી છે અને લખ્યું છે, ‘બૉનીઝ લૉ ઑફ સ્પેસ ટાઇમ કન્ટિન્યુઅમ.’ બૉની બોલે તો કપૂર! મૅટાહ્યુમર!)

– ઔર ઇસી પરંપરા કો કાયમ રખતે હુએ મિ. લૉર્ડ, સાઉથ કા ઑરિજિનલ ‘સિંઘમ’ સુપ્રીમલી હેન્ડસમ સુપરસ્ટાર સૂર્યા ખુદ પ્રોડ્યુસ કરતા હૈ, તમિળ ફિલ્મ ‘24.’ સાયન્સ ફિક્શન હોતે હુએ ભી આમાં મસાલિયામાં રહેલા તમામ સ્પાઇસીસ છેઃ સાયન્સ, ફેન્ટેસી, ત્રણ ત્રણ રોલમાં સૂર્યા, હિલ સ્ટેશનની ઠંડક જેવો રોમેન્સ, બબ્બે ક્યુટ હિરોઇનો [એમાંય એક તો નિત્યા મેનન (#Crush!)], કોમેડી, દિમાગી કસરત, ક્રૂર વિલન, ટાઇમટ્રાવેલની ફેન્ટેસ્ટિકલ ચેઝ સિક્વન્સ, માં કી મમતા, ચલો થોડો ધોનીયે છે! (ઇતના પૈસા મેં ઇતનાહીચ મિલેંગા!) ઉપરથી સાબિતી વગરના પ્રમેયની જેમ એવું સ્વીકારી લેવાનું કે ‘ટાઇમ ટ્રાવેલ હોતા હૈ, હોતા હૈ, હોતા હૈ!’

– ૨૬ વર્ષ પહેલાં એક સાયન્ટિસ્ટ (સૂર્યા) ટાઇમટ્રાવેલ કરાવતી ઘડિયાળ શોધી કાઢે, પણ એ ‘ડૉ. જેકિલ’નો ‘મિ. હાઇડ’ જેવો ક્રૂર મર્સીલેસ જોડિયો ભાઈ (સૂર્યા નંબર-2) મોગેમ્બોની જેમ એ ‘ફાર્મૂલા’ની પાછળ પડ્યો છે. સુપ્પક એક્શન પછી સ્ટોરી ૨૬ વર્ષ આગળ આવે, સાયન્ટિસ્ટનો યુવાન થઈ ગયેલો દીકરો (સૂર્યા નંબર-3) હવે કુશળ વૉચમૅકર છે. એના હાથમાં એ ફાર્મૂલા આવી જાય. બીજી બાજુ પેલો મોગેમ્બો હજી એ ફાર્મૂલાની પાછળ છે. વળી પાછી ટાઇમટ્રાવેલની જર્ની અને ઇતિહાસ કો બદલ ડાલો ટાઇપની ઍક્શનપૅક્ડ ક્વાયત.

– સૂર્યાના ચાર્મિંગ મૅજિક ઉપરાંત આ ફિલ્મની સૌથી મસ્ત વાત એ છે કે તે એકદમ સ્માર્ટલી લખાયેલી છે. જેવો તમને કોઈ સવાલ થાય, કે તરત જ ડિરેક્ટરે એનો જવાબ બડી સ્માર્ટલી તૈયાર રાખ્યો જ હોય. ઇવન કેટલી બધી જગ્યાઓએ આપણને એટલે કે ઑડિયન્સને છક્કડ ખવડાવી દે તેવી લાજવાબ મોમેન્ટ્સ પણ છે. સ્ટોરીમાં લીધેલી સિનેમેટિક લિબર્ટી પણ એવી સ્માર્ટ છે મનમોહન દેસાઈની ફિલ્મોની જેમ તમે હસતાં હસતાં ગળે ઉતારી જાઓ. ‘સ્પાઇડરમેન’ને પોતાની શક્તિઓની ખબર પડે કે આપણા ‘અરુણ વર્મા’ને ઇન્વિઝિબિલિટી ગેજેટની શક્તિનો પરચો મળે અને જે ગાંડા ગાંડા થઈ જાય, એવી જ સિચ્યુએશન અહીં પણ છે. લેકિન રાઇટર-ડિરેક્ટર વિક્રમ કુમારે એને લવસ્ટોરી સાથે એવું દિલ્લોજિકલી મિક્સ કર્યું છે કે તમને લવ-સાયન્સની ડબલ ફ્લેવર માણવા મળે. જ્યાં હીરો પોતાની હિરોઇનને ટાઇમ ટ્રાવેલનું સિક્રેટ કહી ન શકે, ત્યાં બડી ચાલાકીથી ‘ઇમેજિન-ઓ-રોમેન્સ-ઓ-ફિલિયા’ નામની ટર્મ ભેળવી દીધી છે, એટલે હાર્ટવૉર્મિંગ કોમેડી પણ આવી જાય. ઇન્ટરવલ પહેલાંની મોમેન્ટ પણ એવી ખોફનાક છે કે એ ‘લૂ બ્રેક’ પણ ટાઇમટ્રાવેલ કરીને ડિલીટ કરી નાખવાની ઇચ્છા થઈ આવે.

– ‘ગ્રેટ પાવર કમ્સ વિથ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી’ની થિયરી મુજબ અહીં હીરો ક્યારેય ‘અપની શક્તિયોં કા ગલત ઇસ્તેમાલ’ નથી કરતો. હા, થોડુંઘણું કરે તો એ હળવાશમાં નીકળી જાય. એ હળવાશની અને બીજી કેટલીયે પળો તમને ‘X-મેન’ના ‘ક્વિકસિલ્વર’ની યાદ અપાવી દેશે.

– ‘ટાઇમ’નું મોટિફ અહીં ‘બેન્જામિન બટનના ક્યુરિયસ કેસ’ની જેમ વારંવાર આવ્યા કરે છે. ટાઇમટ્રાવેલ, એના શોધકનો દીકરો વૉચ મિકેનિક, વારેઘડીએ ઘડિયાળના ક્લોઝઅપ્સ, વૉચ કંપની, ઘડિયાળના કાંટે છૂટતું મૌનવ્રત… મસ્ત! ફિલ્મનું નામ ‘24’ શું કામ છે એ પણ તમને પછી જ ક્લિયર થાય.

– આ મોંઘીદાટ ફિલ્મમાં સિનેમેટોગ્રાફી અને સ્પેશ્યલ ઇફેક્ટ્સ પાછળ ખર્ચાયેલો એકેએક રૂપિયો વસૂલ થયો છે. એક ખાલી થકવી દેતી પોણા ત્રણ કલાક ઉપર લાંબી આ ફિલ્મના મ્યુઝિકમાં એ. આર. રહેમાને દાટ વાળ્યો છે.

– ભાષામાં ટપ્પી ન પડતી હોય, સબટાઇટલ્સની મદદથી જ ફિલ્મ જોવાની હોય, છતાં મને સાઉથની કે ફોર ધેટ મેટર વિશ્વભરની ફિલ્મો જોવાની મજા એટલા માટે આવે છે કે એ લોકો ઇમેજિનેશનને કોઈ ફિક્સ ફોર્મેટમાં બાંધીને રાખતા નથી. અને આ સૂર્યા જેવા સ્ટાર એક્સપરિમેન્ટ કરતા સહેજ પણ અચકાતા નથી (‘24’માં એક સીન છે, જે આપણો કોઈ હિન્દી એક્ટર ન કરે.). પાંચ વર્ષ પહેલાં આવેલી મુરુગાદૌસની સૂર્યા સ્ટારર ‘એલમ અરિવુ’ [(મીનિંગઃ સાતમી ઇન્દ્રિય), જે હિન્દીમાં ‘ચેન્નઈ ટુ ચાઇના’ના નામે ડબ થયેલી]માં પણ પ્રાચીન ફૅક્ટ, સાયન્સ અને ફિક્શનનું સ્પીલબર્ગ સ્ટાઇલનું કોમ્બિનેશન હતું. ‘બોધિધર્મન’ અને ‘માર્શલ આર્ટ’ના જન્મની એ સ્ટોરી મને આજે પણ ફેસિનેટ કરે છે. સૂર્યાની ‘માત્તરાન’માં પણ કોન્જોઇન્ડ ટ્વિન્સની હટકે વાત હતી.

– ‘24’માં ટાઇમટ્રાવેલના નિયમોનું કદાચ પાલન નહીં થતું હોય, પણ જે રીતે ડિરેક્ટરે આખી વાર્તા ગૂંથી છે અને જે ખૂબીથી ક્લાઇમેક્સને અંજામ આપ્યો છે, એ જોવાની કેસર કેરી ખાવા જેવી મજા છે.

– અગેઇન મને તમિળ ઑડિયન્સ સાથે જોવાની મજા પડી. ‘ડાઇકિન એરકન્ડિશનર’ કરતાંય વધુ કમ્પ્લિટ સાયલન્સ. છતાં દર થોડી વારે સીટીઓનો ધૂંઆધાર વરસાદ! વ્હાટ ઍન એક્સપિરિયન્સલા!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.