બેબી

કમ ઑન બેબી, ટેક અ થ્રિલ પિલ!

***

દેશના દુશ્મનોને એમના ઘરમાં ઘૂસીને ખેંચી લાવવાની મહત્ત્વાકાંક્ષી વાત કરતી આ ‘બેબી’ થોડી ઢીલી અને થોડી પ્રેરિત હોવા છતાં એક વાર તો નિરાંતનાં દર્શન માગે જ છે.

***

baby-movie-posterહૉલીવુડની ફિલ્મોના પોલીસ-જાસૂસોમાં અને આપણી ફિલ્મોની પોલીસમાં શું ફરક? હૉલીવુડવાળા પોલીસ જરાય ફિલ્મી થયા વિના ગુંડાલોગને ચુન ચુન કે મારે અને શક્ય હોય તો દુશ્મન દેશમાં ઘૂસીને પણ એમની ગેમ ઓવર કરી નાખે. જ્યારે ‘કાનૂન કે હાથ બહો લંબે હોતે હૈ’ની દુહાઈ દેતી આપણી ફિલ્મી પોલીસ એક તો છેક છેલ્લે એન્ટ્રી મારે. ઉપરથી સાંગોપાંગ ભ્રષ્ટ હોય અને ગુનેગારોને પકડવાને બદલે એમની સાથે જ મળીને ‘ચિયર્સ’ કરતી હોય. સીધી વાત છે, આ ફિલ્મી ચિત્રણ એક આંખવાળું છે અને સિક્કાની બીજી બાજુ પણ બતાવવી જોઇએ. કદાચ એટલે જ છેલ્લા થોડા સમયમાં આવેલી ‘એજન્ટ વિનોદ’, ‘ડી ડે’, ‘હોલિડે’ જેવી ફિલ્મો આ સ્ટિરિયોટાઇપ તોડી રહી છે. ડિરેક્ટર નીરજ પાંડેની અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘બેબી’ આ જ પરિવર્તનનું વધુ એક પ્રકરણ છે.

બિનધાસ્ત બેબી

આ વાર્તા છે એક કામચલાઉ ખૂફિયા એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડ ‘બેબી’નાં અલગ અલગ ઑપરેશનોની. ફિરોઝ ખાન (ડેની ડેન્ઝોંગ્પા) જેના હેડ છે એવા આ સંગઠનમાં અજય (અક્ષય કુમાર), જય (રાણા દગુબતી), શુક્લાજી (અનુપમ ખેર), પ્રિયા (તાપસી પન્નુ) જેવાં કેટલાંક સરફરોશીની તમન્ના દિલમાં લઈને ઘૂમતાં જાંબાઝ એજન્ટો કામ કરે છે. એક ઑપરેશનમાં ખબર પડે છે કે ત્રાસવાદીઓ દેશભરમાં ૨૬/૧૧થી પણ ચડે એવા ભયાનક આતંકવાદી હુમલા કરવાની ફિરાકમાં છે. એ નાપાક હરકતને અંજામ આપવા માટે ભારતની જેલમાં બંધ ખૂનખાર ત્રાસવાદી બિલાલ ખાન (કેકે મેનન)ને ભગાડીને દેશબહાર લઈ જવાય છે. ખબર પડે છે કે બિલાલ અત્યારે સાઉદી અલ-ડેરા નામના દેશમાં છુપાઈને બેઠો છે. એટલે પ્લાન એવો બને છે કે ત્રાસવાદીઓ કશી હરકત કરે તે પહેલાં ત્યાં જઇને બિલાલને હલાલ કરી નાખવો. ‘પિલાન કે મુતાબિક’ બધું જ આગળ વધે છે, પણ ત્યાં જ ખબર પડે છે કે અહીં તો…

સીધી બાત, નો બકવાસ

આપણી વિશ્વની સૌથી મોટી કહેવાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ જેને નખશિખ થ્રિલર કહી શકાય એવી ફિલ્મો તો ભાગ્યે જ બને છે. બધા જ પ્રકારની ઑડિયન્સને ખુશ કરવા માટે ફિલ્મમાં જરૂર ન હોય તો પણ નક્કામાં ગીતો ઠૂંસવામાં આવે. હીરો પ્રેમમાં નહીં પડે તો જાણે દેવદાસની જેમ ડિપ્રેશનમાં સરી પડવાનો હોય એમ મુખ્ય વાર્તાને અભેરાઇએ ચડાવીને હીરોની લાંબીલચક લવસ્ટોરી ફિલ્માવવામાં આવે. એ પછી ખાસ્સો એવો રોના-ધોના ટાઇપનો ફિલ્મી ડ્રામા ઊભો કરવામાં આવે… થેન્ક ગોડ, આ ‘બેબી’માં આવી કોઈ ખોટી ચરબી નથી. ફિલ્મ એની મૂળ વાર્તાને વળગી રહીને આગળ વધતી રહે છે. ફિલ્મની વચ્ચે માત્ર એક જ ગીત આવે છે અને એ પણ વાર્તાને જરાય નડ્યા વિના આવીને ચૂપચાપ જતું રહે. ડિરેક્ટરે ધાર્યું હોત તો દેશ માટે મરી ફિટતા જુવાનોના સેન્ટિમેન્ટલ ડ્રામાનું મોણ નાખી શક્યા હોત. લેકિન નો. બેબીમાં બાતેં કમ, કામ ઝ્યાદા છે.

તો શું બેબી પાંચમાંથી પાંચ આપવા પડે એવી અફલાતૂન થ્રિલર ફિલ્મ છે? જી, ના. એક તો બેબી ફિલ્મ ફર્સ્ટ હાફમાં ત્રણ અને સેકન્ડ હાફમાં બે એમ કુલ પાંચ એન્ટિ ટેરરિસ્ટ ઑપરેશનનાં કલેક્શન જેવી છે. એમાંય છેલ્લું હાફિઝ સઇદ ટાઇપના રીઢા આતંકવાદીને ખૂફિયા રીતે ભારત લાવવાનું આખું ઑપરેશન ૨૦૧૨ની બેસ્ટ ફિલ્મનો ઑસ્કર જીતી ચૂકેલી હૉલીવુડ ફિલ્મ ‘આર્ગો’થી પૂરેપૂરું પ્રેરિત છે. પરંતુ પ્રોબ્લેમ એ નથી. પ્રોબ્લેમ એ છે કે આવાં બધાં જ ઓપરેશન ચ્યુઇંગ ગમની જેમ લંબાઈ ગયાં છે અને એમાં જ થ્રિલની હવા નીકળી જાય છે. બધી વાતને નિરાંતે ડિટેઇલથી કહેવાની લાલચમાં ઇન્ટરવલ પહેલાંનો ફર્સ્ટ હાફ તો ઠરી ગયેલાં તુક્કલની જેમ ખાસ્સો નીચે ધબી જાય છે. તેને અક્ષય કુમારની પ્રામાણિક અને મજબૂત એક્ટિંગ પણ ઉપર લાવી શકતી નથી.

બીજો મહાલોચો એ છે કે અનુપમ ખેર, સુશાંત સિંઘ અને તાપસી પન્નુ જેવાં ત્રણ મહત્ત્વનાં કલાકારોની એન્ટ્રી છેક ઇન્ટરવલ પછી પડે છે. ત્યાં સુધીમાં આપણી ધીરજની સારી પેટે કસોટી થઈ જાય છે. પણ હા, એટલું કહેવું પડે કે આખી ફિલ્મમાં આપણે ટટ્ટાર થઇને નખ ચાવી જઇએ એવું ખરેખરું થ્રિલ ઇન્ટરવલ પછી જ જામે છે.

બેબીના બાશિંદાઓ

પોતાના પાત્રને રિયલ લગાડવા માટે અક્ષયે ‘સ્પેશ્યલ ૨૬’ની જેમ અહીં પણ બબૂચક જેવી મૂછો લગાવી છે, પરંતુ દુશ્મનોને એકલે હાથે ધૂળધાણી કરતા હીરોની ભૂમિકા એણે ‘હોલિડે’ ફિલ્મમાં કરી હતી ડિટ્ટો એવી જ છે. હા, એટલું ખરું કે અક્ષયને કેરેક્ટરમાં ઘૂસીને સ્ફૂર્તિથી દેશના દુશ્મનોની ઐસીતૈસી કરતો જોવાની મજા તો પડે જ છે.

કોઈ ઘેઘુર લીલુંછમ ઝાડ કપાતું જોઇને આપણને જેવો અફસોસ થાય, એવો જ અફસોસ આ ફિલ્મમાં કેકે મેનન, ડેની ડેન્ઝોંગ્પા અને સુશાંત સિંઘ જેવા અભિનેતાઓને વેડફાઇ જતા જોઇને થાય છે. એમાંય કેકે મેનનના ભાગે તો ગણીને માંડ ચારેક સીન જ આવ્યા છે, એમાંથી એકેય સીનમાં એક ખૂનખાર ત્રાસવાદી છે એવી છબિ ઉપસતી નથી. એના કરતાં તો પાકિસ્તાની ફિલ્મ ‘ખુદા કે લિયે’ના એક્ટર રશીદ નાઝના પાત્રને ક્યાંય વધારે ફૂટેજ મળ્યું છે. આખી ફિલ્મમાં ફોન પર જ વાત કર્યા કરતા ડેનીના ભાગે એક પણ આઉટડૉર સીન આવ્યો નથી.

મોડેથી આવીને પણ ફટકાબાજી કરી જતા બેટ્સમેનની જેમ અનુપમ ખેર ફિલ્મના માહોલને નવેસરથી જીવંત બનાવી દે છે. એવું જ ‘ચશ્મે બદ્દૂર’ની રિમેક ફેમ હિરોઇન તાપસી પન્નુનું છે. જે સ્ફૂર્તિથી તાપસી ફાઇટ કરે છે તે આખો સીન આપણને ફિલ્મની બહાર નીકળ્યા પછીયે યાદ રહે છે. અક્ષય કુમાર પાસેથી એ સીન એણે લિટરલી ખૂંચવી લીધો છે. ફિલ્મમાં ‘સિંઘમ’ ફેમ એક્ટર મુરલી શર્માનો એક નાનકડો રોલ છે. પરંતુ એમાં એ એટલી મજા કરાવી જાય છે કે ડાયલોગ વિના પણ લોકો હસી પડે છે. ‘બેબી’માં રાણા દગુબતી નામનો હલ્કછાપ પહેલવાન બાબો પણ છે, પરંતુ બિચારાના ભાગે બાવડાં ફુલાવીને દોડાદોડ કરવા સિવાય ખાસ કશું આવ્યું નથી.

બોલ બેબી બોલ

આપણા જવાનો પણ કંઈ ઈઝરાયેલના ‘મોસાદ’ કરતાં ઊતરતા નથી અને ભલે આખી દુનિયામાં ઇસ્લામિક ટેરરનો ખોફ પ્રવર્તતો હોય, પણ બધા મુસલમાનો સરખા હોતા નથી એવું બતાવવાનો પણ ડિરેક્ટર નીરજ પાંડે મોકો ચૂક્યા નથી. ભલે થ્રિલની પિલ થોળી મોળી પડે, ભલે ડિરેક્ટર આ વખતે જરા નિશાન ચૂકી ગયા હોય, પણ આ ‘બેબી’ ‘ઝીરો ફેટ’ થ્રિલર ફિલ્મોના રસિયાઓને સાવ નિરાશ નહીં જ કરે. ગો ફોર ઇટ! એક ભારતીય તરીકે આપણે એટલી જ આશા રાખીએ કે હૉલીવુડમાં જેમ આવી ‘આર્ગો’ જેવી ફિલ્મ સત્યઘટના પરથી બને છે, તે જ રીતે આપણી પણ ફિલ્મો આવી ટ્રુ સ્ટોરી પરથી બને.

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements