ઘાયલ વન્સ અગેઇન

ફની દેઓલ વર્સસ બિગબ્રધર

***

ઢાઈ કિલો કા હાથને કાટ ચડ્યો છે અને ફિલ્મમાં પેશ થયેલું બાકીનું બધું જ હવે એક્સપાયરી ડેટ વટાવી ચૂક્યું છે.

***deeaae54ab33d8710d0780460c393761

રાજકુમાર સંતોષીની ‘ઘાયલ’નો સની દેઓલ આપણો નવો એન્ગ્રી યંગ મેન હતો, સ્વદેશી ‘રેમ્બો’ હતો. એણે કાયદાના નામનું નાહી નાખેલું, એટલે પોતે જ કાયદો હાથમાં લઈને ન્યાય તોળી નાખતો. ૧૯૯૦ના એ ‘ઘાયલ’ યાને કે અજય મહેરાની કથા જ્યાં પૂરી થયેલી ત્યાંથી જ વન્સ અગેઇન સ્ટાર્ટ થઈ છે. પરંતુ આ વખતે ન તો એ રાજ કુમાર સંતોષી છે, ન ગળે ઊતરે એવી સ્ટોરી છે, ન સીટીઓ વગાડવા મજબૂર કરે એવા ડાયલોગ્સ છે, ન સનીની ત્રાડમાં દમ છે કે ન એને કાંટે કી ટક્કર આપે એવું અમરીશ પુરી ટાઇપનું કોઈ પાત્ર છે. છે તો બસ, હાસ્યાસ્પદ બની જતો મેલોડ્રામા અને ટીવી પર આવતી ડબ થયેલી સાઉથ ઇન્ડિયન ફિલ્મો જેવી અતિશયોક્તિથી ફાટફાટ થતી ચૅઝ અને ફાઇટ સિક્વન્સ.

અબ વો ઝમાના નહીં રહા

૧૯૯૦માં ભાઈ કી મૌત કા બદલા લઇને ૧૪ વર્ષની જેલની સજા કાપી ચૂકેલો અજય મહેરા (સની દેઓલ) આજે એકલો છે. ભૂતકાળની ભૂતાવળોથી બચવા સકાએટ્રિસ્ટ ડૉ. રિયા (સોહા અલી ખાન)એ આપેલી એન્ટિ ડિપ્રેશનની ગોળીઓ ગળતો રહે છે. લેકિન એણે સચ્ચાઈનું દામન નથી છોડ્યું. હવે એ ‘સત્યકામ’ નામની ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમની વેબસાઇટ ચલાવે છે. સાઇડમાં પોતાની પ્રાઇવેટ જસ્ટિસ લીગ પણ ચલાવે છે. જેમાં ગુનેગારોને પોતાના ઢાઈ કિલો કા હાથનો પરચો બતાવીને અદાલતની આબરૂ બચાવે છે.

એક દિવસ ચાર જુવાનિયાંવ પાસે અકસ્માતે જ એક ગુનાનો વીડિયો પુરાવો આવી જાય છે. એ પુરાવા જો બહાર આવી જાય, તો મુંબઈમાં બાન્દ્રા-વરલી સી લિંકની પડખે હૅલિપેડવાળો વિશાળકાય ટાવર બનાવીને રહેતા મારવાડી ઉદ્યોગપતિ રાજ બંસલ (નરેન્દ્ર ઝા)ના એમ્પાયરના કાંગરા હલી જાય. નેતાઓ, પોલીસ, મીડિયા, ટેક્નોલોજી બધું જ આ બંસલના ખિસ્સામાં છે. હવે એક જ આશા છે, વન એન્ડ ઑન્લી ‘ધ સની દેઓલ’.

બે બાવડે ન્યાય

‘અર્જુન’, ‘ઘાયલ’થી લઇને ‘ઘાતક’, ‘ઝિદ્દી’ અને ઘાયલની આ સિક્વલ, એ બધી ફિલ્મો કંઇક અંશે ડિસ્ટોપિયન કથાઓ છે. ધારો કે રાજતંત્ર-ન્યાયતંત્ર ઊઠીને સાવ છેલ્લી પાટલીએ બેસે અને કોમનમેન કાયદો પોતાના હાથમાં લેવા માંડે તો? અંગ્રેજીમાં એને ‘વિજિલાન્ટે જસ્ટિસ’ પણ કહે છે. હીરો ‘તારીખ પે તારીખ’ની પળોજણમાં પડ્યા વિના માર બૂધું અને કર સીધુંની જેમ તાબડતોબ ફેંસલો આણી દે તે પબ્લિકને બહુ ગમે. આ ફિલ્મમાં તો આપણને જ્યોર્જ ઑરવેલની મશહૂર ડિસ્ટોપિયન કથા ‘બિગબ્રધર’ની યાદ અપાવી દે તેવા એક ઉદ્યોગપતિ પણ છે. દેશનું તમામ મિકેનિઝમ એમના ખિસ્સામાં છે. એટલું જ નહીં, પોતાના આલિશાન ટાવરમાં બેસીને એ શહેરના ચપ્પેચપ્પા પર નજર રાખે છે, ઓબામાની જેમ કોઇપણ ઘટનાનું લાઇવ ટેલિકાસ્ટ જુએ છે, કોઇના પણ ફોન ટૅપ કરે છે, ગમે તેની વેબસાઇટો હૅક કરી લે છે. શહેરમાં બસ એમનું જ રાજ ચાલે. ગયા જમાનાના બલવંતરાય (અમરીશ પુરી) તો આ બિગબ્રધર ઇન્ડસ્ટ્રિયાલિસ્ટના પાવરની સામે બચોળિયું લાગે.

સામે આપણા સનીપાજી ‘હલ્ક’ની જેમ ગુસ્સે થયા તો કોઇના નહીં. એકસાથે ‘બાહુબલી’ અને ‘કટપ્પા’ને પણ ઊંચકીને વસઈની ખાડીમાં ફેંકી આવે. એ સિસ્ટમમાં રહીને સિસ્ટમ બદલવામાં નથી માનતો, બલકે એ પોતે જ ન્યાયની એક પેરેલલ સિસ્ટમ છે. પરંતુ જૂની ઘાયલ જો માત્ર સની દેઓલના કરિશ્માને લીધે હિટ થયેલી એવું માનતા હો તો રસોડામાં જઇને બે ચમચી ખાંડના ફાકડા મારી આવો. અગાઉ જે સુપર્બ ડાયલોગ્સ હતા એ અહીં કમ્પ્લિટલી મિસિંગ છે. ફિલ્મમાં સમ ખાવા પૂરતો એકેય ચિયરવર્ધી ડાયલોગ નથી (અને એટલે જ પબ્લિકને મનોજ જોશીના મુખે બોલાયેલી એક વલ્ગર લાઇન પર ચિયર કરવું પડે છે). એને બદલે ‘અગર હમ સચ કે સાથ હૈ તો જીતને તક હમેં હાર નહીં માનની ચાહિયે’ જેવા કોઈ બાબાજીના પ્રવચન ટાઇપનો ફિલોસોફિકલ સંવાદથી સંતોષ માનવો પડે છે.

બીજું, અહીં બિગબ્રધર ટાઇપનો પાવરફુલ વિલન હોવા છતાં બલવંતરાય જેવો ખોફ વર્તાતો નથી. (અગાઉ ‘હૈદર’ના પપ્પા બનેલા) નરેન્દ્ર ઝા સરસ એક્ટર છે, પરંતુ નબળા રાઇટિંગ નીચે એમની એક્ટિંગ દબાઈ ગઈ છે. આમ જુઓ તો ફિલ્મમાં ટેલેન્ટેડ એક્ટરોની કમી નથી. ઓમ પુરી, મનોજ જોશી, ટિસ્કા ચોપરા, સચિન ખેડેકર, ઝાકિર હુસૈન, રમેશ દેવ, હર્ષ છાયા સરીખાં કલાકારો છે, પણ કોણ જાણે કેમ રાઇટર-ડિરેક્ટર સની દેઓલે બધાં પાસે એકદમ લાઉડ મેલોડ્રામા જ કરાવ્યો છે. (ગલુડિયાં જેવાં પાંચ જુવાનિયાંવ અને એક સોહા પણ છે. એ માત્ર ‘પ્રેઝન્ટ ટીચર’ બોલવા ખાતર.) શેક્સપિયરને પણ લઘુતાગ્રંથિ થઈ જાય એટલો બધો ડ્રામો ધરાવતી આ ફિલ્મનાં દર બીજા સીનમાં બધા રાડારાડી જ કરે છે. જે વાત શાંતિથી કહી શકાય એના માટે પણ ફાઇલો ફેંકશે, કાચ ફોડશે, દરવાજા-ટેબલ-ખુરશી પછાડશે, આંગળીઓ ચીંધીને આંખોના ડોળા કાઢશે. ટૂંકમાં લગભગ અર્નબ ગોસ્વામીનો શૉ જોતા હોઇએ એવી ફીલિંગ સતત આવ્યા કરે છે.

આ બધું જ અત્યારની સ્માર્ટ જનરેશન માટે અનઇન્ટેન્શનલ લાફટર બની જાય છે. પડદા પર સની દેઓલ પીલુડાં પાડતો હોય, કે મનોજ જોશી સતત બીવડાવતા હોય કે ‘આ ફાટેલ મગજનાને વતાવવા જેવો નથી’, ત્યારે પબ્લિક કપિલ શર્માનો શો જોતી હોય એમ ખિખિયાટા કાઢે. કહેવાનું તાત્પર્ય એ છે કે ફિલ્મનું રાઇટિંગ અને ટ્રીટમેન્ટ ખાસ્સાં આઉટડેટેડ છે.

સચ્ચાઈ માટે સની દેઓલ કુછ ભી કરેગા. એ કાર, ટ્રક, ટ્રેન ગમે તેની સામે જમ્પ મારી શકે છે. એ  હેલિકોપ્ટર પણ ઉડાડી શકે છે અને લાદેન સ્ટાઇલમાં બિલ્ડિંગમાં ઘુસાડી પણ શકે છે. પરંતુ ‘અપના લક પહન કે’ ચાલતા સની દેઓલને એક ખરોંચ પણ આવતી નથી. મીન્સ કે ઑલ્ડ ફેશન્ડ અને ટીવી પર આવતી ડબ થયેલી સાઉથ ઇન્ડિયન ફિલ્મો જેવી એક્શનના રસિયાઓ માટે અહીં લિટરલી સાઇકલથી લઇને હેલિકોપ્ટર સુધીનો વેરાયટીવાળો મસાલો છે. ફિલ્મમાં બે ખતમ થવાનું નામ જ ન લેતી લાંબી ચૅઝ સિક્વન્સ છે. જેમને મજા પડે એ ટટ્ટાર થઇને જોશે અને બાકીના કહેશે, ‘પતાવો યાર હવે.’

ફિલ્મની શરૂઆતમાં અને વચ્ચે ઑરિજિનલ ‘ઘાયલ’નો ફ્લૅશબૅક છે, જે અઢી દાયકા પહેલાં મોટા પડદે એ ફિલ્મ જોનારાઓને નોસ્ટેલ્જિક કરી દેશે. જોકે એમાં મીનાક્ષી શેષાદ્રીના ક્યુટ અવાજને બદલે કર્કશ ડબિંગ સાંભળીને ઘણા ડચકારા પણ બોલાવશે. એમ તો સની દેઓલની ‘તહલકા’ સ્ટાઇલની વેબસાઇટનું ‘સત્યકામ’ નામ સાંભળીને પણ ઘણા હૃષિકેશ મુખરજીને યાદ કરીને બે કાનની બૂટને અડકી લેશે.

આ નવી ‘ઘાયલ’ના નામનાં થોડાં વધુ ફટાણાં ગાવાં હોય તો કહી શકાય કે સ્પેશ્યલ ઇફેક્ટ્સ બાલિશ છે, એકાદું ગીત છે જે તદ્દન સમયની બરબાદી છે (એના કરતાં જૂની ફિલ્મનો સાઉન્ડટ્રેક વાપર્યો હોત તો?), ક્લાઇમેક્સમાં ખરાખરીની સ્થિતિમાં અચાનક એક નવો ટ્રેક ફૂટી નીકળે છે અને ‘એક્શન ટીવી’માંથી એકાએક ‘સ્ટાર પ્લસ’ શરૂ થઈ જાય છે.

ઘાયલ, ફિર ભી શેર

થોડો ઉંમરનો ભાર વર્તાય છે, પણ સની દેઓલ આજે પણ ઘણો ફિટ લાગે છે. ભલે એમના હાથ ઢાઈ ગુણ્યા બે એમ પાંચ કિલોના હોય, પણ એમણે આખી ફિલ્મનો ભાર એકલા ઉપાડવાને બદલે કોઈ સારા રાઇટરની અને ડિરેક્ટરની મદદ લેવી જોઇએ. ‘પોટ બૉઇલર’ બની રહેલી આ ફિલ્મને એના નોસ્ટાલ્જિઆ માટે, એક્શન સિક્વન્સીસ માટે અને સમાજ કેવો ન હોવો જોઇએ તેનો મેસેજ લેવા માટે જોઈ શકાય. બાકી, સની દેઓલનો સાચો પરચો બતાવવા માટે વડીલોએ પોતાનાં યુવાન સંતાનોને ઑરિજિનલ ‘ઘાયલ’ (અને પછી ‘અર્જુન’, ‘ઘાતક’, ‘દામિની’ પણ) બતાવવી જોઇએ.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

આઈ લવ NY

કંટાળાનું બીજું નામ

***

માત્ર કંગનાના ક્રેઝને વટાવી ખાવા માટે જ ડબામાં પડેલી આ ડબા જેવી ફિલ્મને અત્યારે રિલીઝ કરવામાં આવી છે. આપણે તેનાથી પચાસ પચાસ કોસ દૂર જ રહેવું.

***

i-love-ny-movie-first-look-posterઅમુક વર્ષે એક જ વાર દેખાતા ધૂમકેતુ જેવી દુર્લભ ઘટના એ છે કે આ અઠવાડિયે રિલીઝ થયેલી ‘આઈ લવ NY’ ફિલ્મની રિલીઝ અટકાવવા માટે ખુદ એની હિરોઇન કંગના રનોટે જ ભરચક પ્રયાસો કરેલા. આ ફિલ્મ છેલ્લાં બે વર્ષ ઉપરથી ડબામાં પડી હતી. અચાનક કંગના ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ‘ક્વિન’ બની ગઈ એટલે પ્રોડ્યુસર ટી-સિરીઝને લાગ્યું કે જૂનો નુકસાનીવાળો માલ માર્કેટમાં પધરાવી દેવાનો આ ગોલ્ડન ચાન્સ છે. કંગના રનોટ અને સની દેઓલના કજોડાવાળી આ ફિલ્મ એટલી બધી બોરિંગ છે કે ભવિષ્યમાં શબ્દકોશમાં કંટાળાના એક સમાનાર્થી તરીકે ‘આઈ લવ NY’ ફિલ્મનું નામ લખાય તો નવાઈ નહીં.

ટ્રેજેડી ઑફ એરર્સ

છોકરાંવ અંકલને બદલે ગ્રાન્ડપા કહેવા માંડે એ ઉંમર સુધી વાંઢો રહી ગયેલો રંધીર સિંઘ (સની દેઓલ) શિકાગોમાં પોતાની બોરિંગ બીબાંઢાળ લાઇફ જીવે છે. હવે રહી રહીને રિયા (તનિષ્ઠા ચેટર્જી) નામની પોતાની માથાભારે ગર્લફ્રેન્ડ સાથે પૈણું પૈણું કરી રહ્યો છે. ન્યુ યરની આગલી સાંજે એના દોસ્તારો સાથે છાંટોપાણી કરીને ફુલ ટાઇટ થયા પછી, દોસ્તારને બદલે એ પોતે ન્યુ યૉર્ક પાર્સલ થઈ જાય છે. હવે કરમનું કરવું અને ન્યુ યૉર્કમાં પણ શિકાગો જેવું જ સરનામું અસ્તિત્વ ધરાવે છે. એટલે બેવડો સની પોતાનું ઘર સમજીને કોઇકના ફ્લેટમાં ઘૂસીને નસકોરાં બોલાવવા માંડે છે. હકીકતમાં એ ફ્લેટમાં ટિક્કુ વર્મા (કંગના રનોટ) પોતાની એક એરહોસ્ટેસ બહેનપણી સાથે રહે છે. કંગનાના બેડરૂમમાં એક પરપુરુષને અર્ધનગ્નાવસ્થામાં સૂતેલો જોઇને કંગનાનો અમેરિકન ઇંગ્લિશ બોલતો બૉયફ્રેન્ડ વિલનવેડા કરવા માંડે છે. ખાસ્સી વારે ભાનમાં આવેલો સની સોરી સોરી કહ્યા કરે છે, પણ પાછો શિકાગોભેગો થવાનું નામ લેતો નથી. એને લીધે ગરબડ ગોટાળાઓની હારમાળા સર્જાયા કરે છે અને તમે માથાના દુખાવાની ગોળી શોધવા માંડો છો.

અંતહીન દુઃસ્વપ્ન

પહેલો સવાલ તો એ જ થાય કે આ ફિલ્મમાં કંગના રનોટની અપોઝિટ સની દેઓલને લેવાનો આઇડિયા કોનો હશે? ૨૮ની કંગનાની સામે ૫૭નો સની? યે બાત ઝરા ભી હઝમ નહીં હુઈ. એક્ચ્યુઅલી, ફિલ્મની સ્ટોરીમાં મોટી ઉંમરનો હીરો જ લેવો પડે એવી કોઈ જરૂરિયાત જ નથી. એના કરતાં કોઈ યંગ અને અપીલિંગ હીરોને લીધો હોત તો ફિલ્મ થોડુંક ‘વાઉ ફેક્ટર’ ક્રિયેટ કરી શકી હોત.

આ ફિલ્મની ડિરેક્ટર જોડી રાધિકા રાવ અને વિનય સપ્રુ નેવુના દાયકાના ઇન્ડિપોપ મ્યુઝિકના જમાનામાં આશા ભોંસલે, પંકજ ઉધાસ, ફાલ્ગુની પાઠકથી લઇને ‘કાંટા લગા’ જેવા અફલાતૂન મ્યુઝિક વીડિયોઝ બનાવી ચૂકી છે. એટલું જ નહીં, એમણે સલમાન સ્ટારર ‘લકી’ ફિલ્મ બનાવેલી અને ‘દબંગ’, ‘જય હો’, ‘રમૈયા વસ્તાવૈયા’ જેવી ફિલ્મોનાં ગીતો પણ બનાવ્યાં છે. ટૂંકમાં આ જોડીને મ્યુઝિક વીડિયો બનાવવામાં હથોટી છે, ફિલ્મોમાં નહીં. પરંતુ એક આખી પેઢીની યુવાનીના ભાગરૂપ બની ગયેલાં ગીતો બનાવનારાં જ્યારે આવી કંગાળ ફિલ્મ બનાવે ત્યારે એ ગીતોના ચાહક તરીકે પણ દુખ થાય.

એન્સાઇક્લોપીડિયા કહે છે કે ‘આઈ લવ NY’ ફિલ્મ એક સોવિયેત રશિયન રોમેન્ટિક કોમેડી ટેલિફિલ્મ ‘ધ આયરની ઑફ ફૅટ’ પરથી પ્રેરિત થઇને બનાવાઈ છે. આપણનેય એ જ વિચાર આવે કે જો સવા બે કલાકની આ ફિલ્મને આપણે ત્યાં પણ માળીની કાતર વડે કાપકૂપ કરીને કલાકેકની ટેલિફિલ્મ તરીકે સીધી ટીવી ચેનલ પર જ રિલીઝ કરાઈ હોત, તો કંગના અને સની દેઓલના નામે ઊંચા દામે વેચાઈ જાત અને જોવાઈ પણ જાત.

રાઇટિંગથી લઇને એક્ટિંગ સુધીના દરેક તબક્કે આ ફિલ્મમાં ઘોર નિરાશા જ વ્યાપેલી દેખાય છે. એક પછી એક નક્કામાં દૃશ્યો આવ્યાં કરે છે અને સ્ટોરી આગળ વધવાનું નામ જ લેતી નથી. જો આ ફિલ્મ રોમેન્ટિક કોમેડી હોય, તો તેના એકેય સીનમાં હસવું આવતું નથી. હા, ક્યારેક અચાનક હસવું આવી જાય, જ્યારે સની દેઓલ (જેને ડાન્સ સાથે કશી લેવાદેવા નથી એ) કંગનાને કહે છે, ‘મૅ આઈ હેવ અ ડાન્સ વિથ યુ?’ જો આ ડ્રામા ફિલ્મ હોય, તો એવો કોઈ ડ્રામા પણ દેખાતો નથી. જો તે માત્ર રોમેન્ટિક ફિલ્મ હોય, તો બાપ-દીકરીની ઉંમરનાં હીરો-હિરોઇનને પરાણે પ્રેમમાં પડતાં જોઇને ‘બેટી બચાવો આંદોલન’નો ઝંડો લઇને નીકળી પડવાની ઇચ્છા થઈ આવે. ક્યાંક એડિટિંગમાં લોચા છે, તો ફિલ્મના અંતે પહેલું જ નામ સુરેખા સિક્રીનું આવે છે, જે ફિલ્મમાં ક્યાંય છે જ નહીં. એટલે ફિલ્મમાં કેટલી હદે વેઠ ઊતરી છે એ સમજી શકાય એવું છે.

ડંકી ઉખાડવા ટેવાયેલો સની દેઓલ અહી રોમેન્ટિક રોલમાં જરાય કમ્ફર્ટેબલ નથી એ દેખાઈ આવે છે. પ્રેમ ચોપડા, રીમા લાગુ, માયા અલઘ જેવાં સિનિયર એક્ટર્સ હાઉકલી કરીને જતાં રહે છે. મૅચમાં હાર નિશ્ચિત હોવા છતાં રહી સહી ઇજ્જત બચાવવા માટે એક જ ખેલાડી પ્રામાણિકતાથી રમ્યે જતો હોય, એમ એકમાત્ર કંગના પોતાનું સો ટકા પર્ફોર્મન્સ આપે છે. આમ તો આ ફિલ્મ થિયેટરની ઠંડકમાં ઊંઘી જવા માટે પર્ફેક્ટ છે, પરંતુ તાજા ખીલેલા ગુલાબ જેવી ફ્રેશ અને મનમોહક દેખાતી કંગના તમારું ધ્યાન પોતાના પરથી હટવા દેતી નથી. સરવાળે તમને ઊંઘવા પણ દેતી નથી.

બસ, એક ગીત

બળબળતા રણમાં મીઠી વીરડી જેવી એક માત્ર શાતાદાયક વાત છે, આ ફિલ્મમાં લેવાયેલું ‘આજા મેરી જાન’ ગીત. તેને આર. ડી. બર્મને મૂળ બંગાળીમાં કમ્પોઝ કરેલું અને એમણે પોતે તથા આશા ભોંસલેએ ગાયું. પછી ટી-સિરીઝની ૧૯૯૩માં આવેલી ફિલ્મ ‘આજા મેરી જાન’માં એસ. પી. બાલાસુબ્રહ્મણ્યમ અને અનુરાધા પૌંડવાલના અવાજમાં લેવાયું. હવે એ જ ગીત આપણા ગુજરાતી ગીતકાર મયુર પુરીએ લખેલા નવા શબ્દો સાથે ફરીથી લેવાયું છે. પરંતુ તે એક ગીત માટે કંઈ થિયેટરમાં લાંબા થવાય નહીં. યુટ્યૂબમાં જોઈ લેવાય.

ટૂંકમાં આ ફિલ્મને હિરોઇન કંગના સહિત સૌ કોઈ ભૂલી ગયા છે અથવા તો ભૂલવા માગે છે. આપણેય યાદ રાખીને મગજની હાર્ડડિસ્કમાં ખોટી જગ્યા રોકવાની જરૂર નથી.

રેટિંગઃ * (એક સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

ઢિશ્કિયાઉં

2014ની મોહરા!

***

આ સ્ટાઇલિશ ક્રાઇમ થ્રિલર એટલી બધી કન્ફ્યુઝિંગ છે કે બે કલાકને અંતે તમારા મગજમાંથી અવાજ આવશે, ઢિશ્કિયાઉં’!

***

starring-harman-and-sunny-the-second-pos190214124808534_480x600શિલ્પા શેટ્ટી અને પતિદેવ રાજ કુંદરા બોલિવૂડનું કદાચ સૌથી ભેદી કપલ છે. ક્યારેક એનાં માતાપિતા ફાઇનાન્શિયલ ફ્રોડમાં ફસાય છે, ક્યારેક તેના નામે રંગભેદની કોન્ટ્રોવર્સી સર્જાય છે, ક્યારેક હોલિવૂડનો સ્ટાર રિચર્ડ ગેર એને સરેઆમ ચુંબનોથી નવડાવીને વિવાદ નોતરે છે, તો ક્યારેક એના પતિદેવ રાજ કુંદરા અને એમની આઇપીએલ ટીમ મેચ ફિક્સિંગના આરોપોમાં ઘસડાય છે. એટલું જ નહીં, એ રાજ કુંદરા પાછા ક્રાઇમ થ્રિલર નવલકથા પણ લખે અને પત્ની શિલ્પુ ક્રાઇમ થ્રિલર ફિલ્મ બનાવે! આ શિલ્પુની લાઇફસ્ટોરી જેટલી કન્ફ્યુઝિંગ છે, એટલી જ કન્ફ્યુઝિંગ એણે પ્રોડ્યુસ કરેલી ફિલ્મ ‘ઢિશ્કિયાઉં’ છે.

ક્રાઇમ ક્રાઇમ કી બાત હૈ પ્યારે

આમ તો આ ફિલ્મની સ્ટોરી એટલી બધી કન્ફ્યુઝિંગ છે કે તેને સમજવા માટે તમારે એક આખો ફ્લો ચાર્ટ બનાવવો પડે! પરંતુ શોર્ટ કટમાં સમજી લઇએ તો ફિલ્મમાં કંઇક એવું થાય છે કે બે ડ્રગ ડીલર માફિયા કાલરા ગુજ્જર અને ઇકબાલ ખલીફા પોતપોતાનું વર્ચસ્વ જમાવવા માટે સાંઢની જેમ લડે છે. એમાં વચ્ચે બડા ટોની (પ્રશાંત નારાયણન્) નામનો છોટો ગુંડો ખલીફાને પતાવવા માટે ગુજ્જરને મદદ કરે છે. હવે નાનપણથી જેને ગેંગસ્ટર બનવાનું સપનું હતું એવો વિકી કારતૂસ (હરમન બવેજા) ક્રાઇમમાં ટોનીનું ‘માનસ સંતાન’ છે. પરંતુ ટોનીનો એક માણસ રોકી (આનંદ તિવારી) ડબલ ક્રોસ કરીને ખલીફા સાથે ભળી જાય છે અને દગાથી ટોનીની ગેમ કરી નાખે છે. આથી, ગુસ્સાથી સળગી ઊઠેલો વિકી કારતૂસ બનીને ખલીફાને ઢિશ્કિયાઉં કરી દેવાની ગેમ શરૂ કરી દે છે. આમાંથી અડધી સ્ટોરી વિકી ઢાઇ કિલો કા હાથવાળા લકવા ભાઇ (સન્ની દેઓલ)ને સંભળાવે છે અને આપણને ફ્લેશબેકમાં જોવા મળે છે.

ક્રાઇમ એમનો અને પનિશમેન્ટ આપણી

અત્યારે બિપાશા બસુ સાથે મિંગલ કરી રહેલા હરમનનું બેડલક જ ખરાબ છે. આ ફિલ્મમાં એણે નાચગાનાને બદલે એક્શન પેક્ડ અને ખરેખર સિન્સિયર પરફોર્મન્સ આપ્યું છે, પરંતુ ફિલ્મની સ્ટોરીએ દાટ વાળ્યો છે. બે કલાકની ફિલ્મનો આખો ફર્સ્ટ હાફ ફ્લેશબેકમાં અને કંટાળાજનક નરેશનમાં જાય છે. ફિલ્મમાં દર થોડી વારે એક નવું પાત્ર ઉમેરાય છે, જેથી પાત્રોનો એવો ખીચડો થાય છે કે કોણ શું છે અને શું કામ બધી મગજમારી કરે છે એ જ સમજાય નહીં. ઘડીકમાં ગેંગસ્ટર્સની માથાકૂટ આવે, વચ્ચે ત્રણ દોસ્તો અને પ્રેમમાં દગાખોરીની વાત આવે, ત્યાં એક નવી જ લવસ્ટોરી ફૂટી નીકળે, વળી એક પોલીસ ઇન્સ્પેક્ટર (આદિત્ય પંચોલી)ની એન્ટ્રી થાય- જેની થોડી વારમાં એક્ઝિટ પણ થઇ જાય… અને આ બધામાં આપણે કંટાળીને બોલી ઊઠીએ, ‘અરે ભાઇ, યે ક્યા હો રહા હૈ?’

આટલો કન્ફ્યુઝિંગ કંટાળો ઓછો ન હોય, એમ પલાશ મુછાળ અને (‘ગેંગ્સ ઓફ વસેપુર’ ફેમ) સ્નેહા ખાનવિલકરે મળીને એટલાં ભંગાર ગીતો પિરસ્યાં છે જે ફિલ્મની ગતિમાં સ્પીડબ્રેકર બનવા સિવાય બીજું કોઇ કામ નથી કરતાં. એક્ચ્યુઅલી, આ ફિલ્મમાં લવસ્ટોરીનો ટ્રેક નાખવાની કોઇ જરૂર જ નહોતી. નવોદિત હિરોઇન (આયેશા ખન્ના) પાસે ગિટાર લઇને ગીતો ગાવા સિવાય બીજું કોઇ કામ નથી ફિલ્મમાં.

ઇવન (ગંદા અને એ પણ પેઇન્ટ કરેલા આઇબ્રો સાથે કાર્ટૂન લાગતો) સન્ની દેઓલ પણ આખી ફિલ્મમાં હરિયાણવી કહેવતો બોલવા સિવાય લિટરલી બીજું કશું જ નથી કરતો. આ ફિલ્મમાં રજિત કપૂર (‘વ્યોમકેશ બક્શી’ ફેમ), દયાશંકર પાંડે, હર્ષ છાયા અને આદિત્ય પંચોલી પણ છે, પરંતુ કમ્પ્લિટ વેસ્ટ.

તેમ છતાં

આ ફિલ્મમાં ગાંધીજીનો સિદ્ધાંત સાવ ખોટી રીતે રજૂ કરાયો છે, તેમ છતાં થોડી પોઝિટિવ વાત કરીએ. કારણ કે ગાંધીજીને એક વાર કોઇએ ગાળો ભાંડતો લાંબો પત્ર મોકલ્યો. બાપુએ તે વાંચીને તેમાંથી ટાંકણી કાઢીને સાચવીને મૂકી દીધી અને પત્ર કચરાપેટીમાં નાખી દીધો. કોઇએ પૂછ્યું, બાપુ આ શું? ત્યારે બાપુ હસીને કહે, ‘આમાંથી કામની વસ્તુ મેં અલગ તારવી લીધી!’ એ જ રીતે આ ફિલ્મમાં પણ થોડી પોઝિટિવ વાતો છે, જેની નોંધ લેવી જોઇએ. જેમ કે, હરમન બવેજાએ પોતાના પાત્રમાં રહીને ખરેખર સારી એક્ટિંગ કરી છે. પરંતુ સૌથી વધુ ધ્યાન ખેંચે છે બડા ટોની બનતા અંડરરેટેડ એક્ટર પ્રશાંત નારાયણન્ અને મોટે ભાગે જાહેરખબરોમાં દેખાતા આનંદ તિવારી.

નવોદિત ડાયરેક્ટર અને રાઇટર સનમજિતસિંહ તલવારની આ ફિલ્મમાં ચોટદાર સંવાદો ઠેરઠેર વેરાયેલા પડ્યા છે, જે ફિલ્મનો સૌથી મોટો અને અનફોર્ચ્યુનેટલી એકમાત્ર સ્ટ્રોંગ પોઇન્ટ છે. ફિલ્મ જોયા પછી માત્ર એના સંવાદો જ યાદ રહે એવું છે.

મોહરા 2.0

એક લાંબી ક્રાઇમ થ્રિલર જેવી આ કન્ફ્યુઝિંગ ફિલ્મના અંતે આપણને અચાનક ટ્યૂબલાઇટ થાય કે હાઇલા, આ તો બે દાયકા પહેલાં આવેલી રાજીવ રાયની ફિલ્મ ‘મોહરા’ની જ રિમેક હોય એવું લાગે છે! તો પછી ફરી એક વાર મોહરા જ જુઓને બાપલ્યા, એટલિસ્ટ એમાં ગીતો તો ‘મસ્ત મસ્ત’ હતાં! આ ઢિશ્કિયાઉંમાં તો કુંદરા પરિવાર અને બવેજા પરિવાર સિવાય કોઇને રસ પડે એવું નથી!

રેટિંગઃ * (એક સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

મહાભારત (એનિમેટેડ મુવી)

આના કરતાં ચૌદ વર્ષનો વનવાસ સારો!

***

મહાભારત જેવી શાશ્વત કથા પરથી કેવી એનિમેટેડ ફિલ્મ ન બનાવવી જોઇએ તેનું પરફેક્ટ ઉદાહરણ છે આ ફિલ્મ.

***

mahabharat-3d-animation-movie-posterમહાભારત, ધ ગ્રેટેસ્ટ સ્ટોરી એવર ટોલ્ડ. સંખ્યાબંધ પાત્રો, દરેક પાત્રની બેકસ્ટોરી અને અત્યારના સંદર્ભમાં ચકાસવા બેસો તો તેનું જ્યોગ્રાફિકલ અનુસંધાન પણ મળી આવે. તેના વિશે સાચું જ કહેવાયું છે કે જે અહીં છે તે જ સઘળે છે, અને જે અહીં નથી તે ક્યાંય નથી. આ સંસારની બધી જ સ્ટોરીઓનું, દરેક પ્લોટનું અનુસંધાન મહાભારતની કથામાં મળી આવે. પ્રેમ, દોસ્તી, દગો, રાજકારણ, મિસ્ટ્રી, ફેન્ટેસી, ચમત્કાર, યુદ્ધ, ભક્તિભાવ કે ઇવન સાયન્સ ફિક્શનની કડીઓ પણ તમે મહાભારતમાંથી શોધી શકો. મહાભારત એટલે ભારતીય સંસ્કૃતિની એવી મહાગાથા, જે ક્યારેય જૂની થતી નથી. હજારો વર્ષો થયા પછીયે આપણને એવી ને એવી જ તરોતાજા અને નવી લાગે છે. યુગો યુગોથી અનેક સર્જકો પોતપોતાની શક્તિ અને મતિ પ્રમાણે આ કથા ફરી ફરીને કહેતા આવ્યા છે અને આવનારાં સૈકાઓમાં પણ આ ક્રમ ચાલુ જ રહેવાનો છે. આ જ ક્રમમાં વધુ એક કડી એટલે અમાન ખાન દિગ્દર્શિત એનિમેટેડ ફિલ્મ ‘મહાભારત’. પરંતુ બોલિવૂડના જથ્થાબંધ સ્ટાર્સને લઇને બનાવાયેલી આ ફિલ્મ વિશે ખુશ થવા જેવી એકેય વાત નથી.

એનિમેશન નહીં, ઝોમ્બિફિકેશન

આ ફિલ્મની સ્ટોરી એટલે કે મૂળ મહાભારતની સ્ટોરી તો ગજિનીના આમિર ખાન જેવો દિમાગી કેમિકલ લોચો ધરાવતા લોકોને પણ ખબર હોય, એટલે એમાં ઊંડા ઊતરવાની કશી જરૂર નથી. ઇવન ફિલ્મના મેકર્સ પણ મહાભારતની કથાના મુખ્ય મુખ્ય બનાવોને બાદ કરતાં એમાં ઊંડા ઊતર્યા નથી.

મહાભારત ફિલ્મ વિશે ઊડીને આંખે ખૂંચે એવી પહેલી વાત છે તેનું અત્યંત નબળું અને રાધર, ગંદું એનિમેશન. આ ફિલ્મ મોટી ઉંમરના લોકોને તો અપીલ કરી શકે એવી છે નહીં, એટલે એવું સ્વીકારી લઇએ કે બાળકો તેનું ટાર્ગેટ ઓડિયન્સ છે, તો પછી તેનું એમેચ્યોરિશ એનિમેશન બાળકોને પણ અપીલ કરી શકે એવું નથી. કારણ કે, અત્યારનાં બાળકો હોલિવૂડની લાયન કિંગ, આઇસ એજ, માડાગાસ્કર, બ્રેવ, ટેન્ગલ્ડ વૉલ ઇ, ફાઇન્ડિંગ નિમો જેવી સુપર્બ એનિમેશનવાળી ફિલ્મો જોઇ જ ચૂક્યાં છે. એટલું જ નહીં, બાળકોની ચેનલ્સમાં પણ અફલાતૂન ક્વોલિટીનું એનિમેશન પિરસાય છે. ત્યારે આ ફિલ્મનું એનિમેશન બાળકોને પણ ચાઇલ્ડિશ લાગે એ હદે બાલિશ છે. આ પ્રકારના એનિમેશનમાં નથી કોઇ પાત્રના ચહેરા પર હાવભાવ આવતા, નથી એમનું હલનચલન સ્વાભાવિક કે નથી એમના હોઠ પ્રોપર્લી ફફડતા. સોરી ટુ સે, પણ બધાં જ પાત્રો હાલતાં ચાલતાં ઝોમ્બી જેવાં દેખાય છે.

મહાભારતનું બોલિવૂડીકરણ

વળી, લોકોને આકર્ષવાના એક ભાગરૂપે હોલિવૂડ સ્ટાઇલમાં અહીં દરેક મુખ્ય પાત્ર માટે બોલિવૂડનાં સુપરસ્ટાર્સનો અવાજ લેવામાં આવ્યો છે. જેમ કે, અમિતાભ બચ્ચન (ભીષ્મ પિતામહ), શત્રુઘ્ન સિંહા (શ્રીકૃષ્ણ), અજય દેવગણ (અર્જુન), અનિલ કપૂર (કર્ણ), સન્ની દેઓલ (ભીમ), મનોજ બાજપાઇ (યુધિષ્ઠિર), જેકી શ્રોફ (દુર્યોધન), વિદ્યા બાલન (દ્રૌપદી), અનુપમ ખેર (શકુનિ), દીપ્તિ નવલ (કુંતી) વગેરે. આ સ્ટાર વેલ્યૂ ઉમેરવાની લાલચમાં દરેક પાત્રનો ચહેરો પણ જે તે સ્ટાર જેવો જ કરવામાં આવ્યો છે. એટલે ભીષ્મ પિતામહ અમિતાભ જેવા અને અર્જુન અજય દેવગણ જેવો દેખાય એવું. એટલે સુધી કે મનોજ બાજપાઇના લમણે છે તે મસો પણ અહીં યુધિષ્ઠિરના લમણે મુકાયો છે! એટલે કોઇ પાત્ર મહાભારતનું હોય એવું લાગતું જ નથી, બલકે તદ્દન ફિલ્મી લાગે છે. એમાંય સન્ની દેઓલવાળું ભીમનું પાત્ર તો એટલું ફિલ્મી લાગે છે કે જાણે હમણાં બોલી ઊઠશે, ‘યે હાથ નહીં, ઢાઇ કિલો કા હથૌડા હૈ. એક બાર પડતા હૈ તો…!’ શકુનિનો અવાજ આપનાર અનુપમ ખેરે વીતેલા જમાનાના ખલનાયક જીવનની યાદ અપાવે એવો અવાજ કાઢ્યો છે, જ્યારે એમનો લુક અનુપમના જ ભાઇ રાજુ ખેર જેવો લાગે છે. સૌથી નિરાશાજનક પોર્ટ્રેયલ શ્રીકૃષ્ણનું છે. એક તો એમનો લુક ‘અશોકા’ ફિલ્મમાં હતો એ દક્ષિણના હીરો અજિતકુમાર જેવો છે અને અવાજ શત્રુઘ્ન સિંહાએ આપ્યો છે, જે શ્રીકૃષ્ણની રમતિયાળ પર્સનાલિટીને જરાય મેચ નથી કરતો.

રિસર્ચના નામે મીંડું

આ ફિલ્મ ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી એનિમેટેડ ફિલ્મ હોવાનું અને સાત વર્ષની મહેનત પછી બની હોવાનું કહેવાય છે. જો એ વાત સાચી હોય તો થોડોક ખર્ચો રિસર્ચ માટે પણ કરી લેવો જોઇતો હતો! આ તો કોઇએ માત્ર બી. આર. ચોપરાની મહાભારત સિરિયલ જોઇને આ ફિલ્મ બનાવી નાખી હોય એવું લાગે છે. કેમ કે, એક તો મહાભારતના જાણીતા પ્રસંગો સિવાય એક પણ સબપ્લોટના ઉંડાણમાં જવામાં નથી આવ્યું. એટલું પૂરતું ન હોય એમ, હસ્તિનાપુરના રાજમહેલ જયપુરના સિટી પેલેસ જેવા લાગે છે. એનાથી પણ ખરાબ, ઘણા પેલેસમાં ચોખ્ખી ઇસ્લામિક આર્કિટેક્ચરની છાંટ દેખાઇ આવે છે. હવે ઇતિહાસ કહે છે કે મહાભારતકાળમાં ઇસ્લામ ધર્મનું અસ્તિત્વ જ નહોતું. પાત્રો પાસે જે હિન્દી બોલાવવામાં આવ્યું છે તે પણ ઉર્દૂમિશ્રિત છે, જે ન હોવું જોઇએ. ઘણાં બધાં પાત્રો અને ઘટનાઓ અહીં મિસિંગ છે અથવા તો તેનો ઉપરછલ્લો જ ઉલ્લેખ છે.

હસ્તિનાપુરનું સભાગૃહ, માયામહલનું ડિઝાઇનિંગ અને યુદ્ધનાં દૃશ્યો સારાં બન્યાં છે, પરંતુ બાકીના પ્રસંગો જોઇએ તેટલા ભવ્ય નથી લાગતા, જે એક એનિમેશન મુવી પાસેથી અપેક્ષિત હોય છે. જો આ ફિલ્મનું એનિમેશન રિયલિસ્ટિક હોત અને ફિલ્મને થ્રીડીમાં બનાવવામાં આવી હોત તો તેની આભા જ કંઇક ઓર હોત.

ખરેખર તો મહાભારત જેવી મહાગાથા પરથી ફિલ્મ બનાવવી હોય તો કાં તો તેની કોઇ સબસ્ટોરી કે કોઇ પાત્ર પરથી ફિલ્મ બનાવવી જોઇએ, અથવા તો તેને અલગ એંગલથી કે અલગ પરિપ્રેક્ષ્યમાં મૂકવી જોઇએ. નહીંતર આ રીતે એકની એક રીતે સ્ટોરી કહેવામાં સમય, શક્તિ અને (મેકર્સ તથા પ્રેક્ષકો બંનેના) પૈસાની બરબાદી સિવાય કશું જ નથી.

આ મહાભારત જોવું કે ન જોવું?

જો આપ ‘ધૂમ-3’ના આઘાતમાંથી બહાર આવી ગયા હો અને બાળકોને મહાભારતની કથા વિશે ઉપરછલ્લી માહિતી આપવા માગતા હો તો આ ફિલ્મ એમને બતાવી શકાય. બાકી, બી. આર. ચોપરાની મહાભારત સિરીયલ આજે પણ એટલી જ અસરદાર છે. છતાં આ ફિલ્મને જે કંઇ રેટિંગ મળે છે એ માત્ર સારા ઇરાદા, અત્યારે આ સ્ટોરી કહેવાની હિંમત અને અમુક સારી સિક્વન્સીસને જ આભારી છે.

રેટિંગઃ * (એક સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

સિંઘ સા’બ ધ ગ્રેટ

સની સિંઘમ દેઓલ!

***

માત્ર સન્ની દેઓલના ફેન ફોલોઇંગને એનકેશ કરવા માટે જ બનાવાયેલી આ ફિલ્મમાં એમની સુપરહીરો છાપ ફાઇટિંગ સિવાય બીજું કશું જ નથી.

***

singh-saab-great-poster_138295835400‘ગદર’ ફેઇમ અનિલ શર્મા અને ‘ઢાઇ કિલો કા હથૌડાવાલા હાથ’ ફેઇમ સન્ની દેઓલ ‘સિંઘ સા’બ ધ ગ્રેટ’ સાથે ફરી પાછા ત્રાટક્યા છે. એ બંનેએ સાથે મળીને ફિલ્મમાં મ્યુનિસિપાલિટીની ડિમોલિશન શાખાનાં બુલડોઝર કરતાં પણ વધારે તોડફોડ કરી છે! પરંતુ એમનું આ આગમન એટલું બધું મોડું છે કે ફિલ્મમાં બધું જ આઉટડેટેડ અને વાસી લાગે છે.

સન્ની સિંઘમ સ્ટાઇલ

આમ તો આ આખી ફિલ્મ ન્યૂઝ ચેનલની રિપોર્ટર અમ્રિતા રાવના નરેશનવાળા ફ્લેશબેકમાં રજૂ થાય છે, પરંતુ આપણે એવી બધી બબાલમાં પડ્યા વિના ફટાફટ ફિલ્મની સ્ટોરીલાઇન જોઇ લઇએ. સરનજિત સિંઘ તલવાર ઉર્ફ સન્ની (સન્ની દેઓલ) ભદૌરી ગામના કલેક્ટર છે. એ અત્યંત પ્રામાણિક છે એટલે એમની દર થોડા સમયાંતરે બદલીઓ થઇ જાય છે. એ પોતાના બંગલાની બહાર જરૂરિયાતમંદ લોકોની લોકઅદાલત યોજે છે અને યોગ્ય કાર્યવાહી કરે છે. એમાં વાત બહાર આવે છે કે શહેર પર સૈકાઓથી રાજ કરતા આવેલા ખાનદાનના વર્તમાન વંશજ ભૂદેવ સિંહ (પ્રકાશ રાજ) ગુનાખોરીની ડિક્શનેરીમાં હોય એવા બધા જ ગુના કરે છે. એમના લાખોના એક્સાઇઝની વસૂલી માટે સિંઘસા’બ એને નોટિસ મોકલે છે. એટલે અકળાયેલા ભૂદેવ સિંઘસા’બ પાસે આવીને એમની બહેન વિશે એલફેલ બોલે છે અને સિંઘસા’બ પોતાના ખાસ અંદાજમાં એમને એક તમાચો રસીદ કરે છે. સમસમી ઊઠેલા ભૂદેવ ‘કર્મા’ ફિલ્મના ડોક્ટર ડેન્ગની જેમ સિંઘસા’બની જિંદગી બરબાદ કરી દેવાનાં કસમ ખાય છે.

પહેલાં તો એ સિંઘસા’બની પત્ની (ઉર્વશી રૌતેલા)ને મરાવી નાખે છે અને પછી કરપ્શન સહિત જાતભાતના ચાર્જિસ લગાવીને એમને સોળ વર્ષની જેલમાં મોકલી દે છે. પરંતુ સારી ચાલચલગત અને પોતાના એક જૂના આઇપીએસ મિત્ર (રજિત કપૂર)ની મદદથી એ સાત જ વર્ષમાં બહાર આવી જાય છે. બહાર આવીને એ ફરી પાછા ભદૌરી આવીને ભ્રષ્ટાચાર તથા અન્યાય સામે ‘પીપલ્સ બીટ’ નામે ચળવળ શરૂ કરે છે. આ સાથે પ્રકાશ રાજ અને સન્ની દેઓલ બંને આમને સામને આવી જાય છે.

ઓન્લી સન્ની દેઓલ શો

આ ફિલ્મ માત્ર અને માત્ર સન્ની દેઓલના ડાઇ હાર્ડ ફેન્સ માટે જ છે. એમના માટે એ ફરી પાછા પોતાની ઘાતક, ઝિદ્દી જેવી ફિલ્મોની સ્ટાઇલમાં પાછા ફર્યા છે. અનિલ શર્મા અને સન્ની દેઓલને કદાચ એવું લાગ્યું હશે કે એમના પછી આવેલા અક્ષય કુમાર, સલમાન જેવા સ્ટાર્સ જો સાઉથ ઇન્ડિયન એક્શન ફિલ્મોની સ્ટાઇલમાં ધબાધબી બોલાવી શકતા હોય તો અમે શા માટે રહી જઇએ?! એટલે આ ફિલ્મમાં તેઓ એક્શનનો એક પણ મોકો ચૂકતા નથી. આ વખતે સન્નીપાજી હલ્ક અને ક્રિશને પણ લઘુતાગ્રંથિ આવી જાય એવા અવતારમાં છે. એ એક મુક્કા સાથે હવામાં જ ઘઉંની બોરી તોડી નાખે છે, છ ફૂટિયા પહેલવાનને એક હાથે ઊંચકીને ફેંકી દે છે, એક હાથે કાર રોકી દે છે, જિપને ફેરવી નાખે છે, ટ્રકના પૈડા નીચેથી પોતાનો હાથ સહીસલામત બહાર કાઢી લે છે… જો તમને આ બધું વધારે પડતું લાગતું હોય તો ફિલ્મની શરૂઆતમાં જ એની ચોખવટ કરી દેવાય છે કે અગાઉ એમનો હાથ ઢાઇ કિલોનો હતો, હવે ભારતની વસ્તી વધીને 127 કરોડ થઇ ગઇ છે એટલે એમના હાથની કેપેસિટી પણ વધી ગઇ છે!

પરંતુ ગુડ વર્સસ ઇવિલની આ રિવેન્જ સ્ટોરીમાં કશું જ નવું નથી. બલકે અજય દેવગનને સ્થાને સન્ની દેઓલને લઇને સિંઘમ ફરીથી બનાવી હોય એવું લાગે છે. એટલે સુધી કે સિંઘમના જયકાંત શિકરે યાને કે પ્રકાશ રાજ પણ એવી જ એક્ટિંગ સાથે અહીં હાજર છે.

હકીકતમાં આ બંને સ્ટાર સિવાય અહીં બીજા કોઇની જરૂર જ નથી, પરંતુ પછી કિડનેપ કોને કરવા, કોની હડ્ડીપસલી એક કરવી એવા પ્રશ્નના ઉત્તર સ્વરૂપે અન્ય પાત્રો ભભરાવવામાં આવ્યાં છે. એવાં પાત્રોમાં અહીં નવોદિત અભિનેત્રી ઉર્વશી રૌતેલા, અમ્રિતા રાવ, જ્હોની લીવર, સંજય મિશ્રા વગેરે કલાકારોને લેવાયાં છે, જેમનું લગભગ કશું જ કામ નથી.

બીજા બધા ડિપાર્ટમેન્ટ્સની ઐસીતૈસી

સિંઘસા’બ ધ ગ્રેટમાં માત્ર એક્શન ડિપાર્ટમેન્ટમાં જ મહેનત કરવામાં આવી છે. સન્ની દેઓલની ગળું ફાટી જાય એવી ચિલ્લાચિલ્લી અને પ્રકાશ રાજની સનકી વિલનગીરી સિવાય કોઇનું કામ અહીં નોંધમાં આવતું નથી. સોનુ નિગમે કમ્પોઝ કરેલું ટાઇટલ સોંગ ‘સિંઘસા’બ ધ ગ્રેટ’ ગીત ટેક્સી સર્કિટમાં હિટ થયું હશે, બાકી આનંદ રાજ આનંદનાં બધાં ગીતો આ બોરિંગ ફિલ્મને વધુ બોરિંગ બનાવવાનું જ કામ કરે છે. ફિલ્મી પડદે આવ્યા વિના રહી ગયા હોય એમ ધર્મેન્દ્ર અને બોબી દેઓલ પણ એક ગીતમાં દેખાય છે. દાઢી વિના ઓલ્ડી લાગતા સન્ની દેઓલે કદાચ પહેલી વાર પડદા પર કિસિંગ સીન કર્યો હશે.

ઇન શોર્ટ

જો તમે (હજી) સન્ની દેઓલના સખ્ખત ફેન હો અથવા તો તમે સિંઘમ કે રાઉડી રાઠૌર જેવી ફિલ્મો જોઇ જ ન હોય કે પછી તમારી યાદદાસ્ત બહુ બધાં વર્ષો પછી અચાનક પાછી ફરી હોય, તો જ આ ફિલ્મ જોવાની હિંમત કરજો. અને હા, તમારી સાથે માથાના દુખાવાની ટિકડી રાખવાનું ભૂલશો નહીં!

રેટિંગઃ *1/2 (દોઢ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements