દંગલ

 • dangal-poster-large-listicleપહેલાં તો વેરી વેરી સોરી અને બિગ બિગ થેન્ક યુ. સોરી, કેમકે આટલી મચ અવેઇટેડ મુવી રિલીઝ થઈ અને બરાબર એ જ વખતે હું ‘મિસ્ટર ઇન્ડિયા’ થઈ ગયો. અને થેન્ક યુ સો વેરી મચ, કેમકે જે રીતે ગયા ગુરુવારની રાતથી જ જે રીતે લોકોએ પ્રેમપૂર્વકના હક્કથી ‘રિવ્યુ લાવો’ની માગણી કરી એ જોઇને હું તો રણથંભોરની હૉટેલના બાથરૂમમાં જઇને બંધ બારણે ચાર આંસુડાં સારી આવ્યો, ટચ (ટાઇગર) વૂડ્સ!
 • છેલ્લા ચાર દિવસમાં મેં ‘દંગલ’ બે વખત જોયું. પહેલી વાર જયપુરના ‘રાજ મંદિર’માં. ત્યાં જે ભયાવહ અનુભવો થયા એનાથી ત્રાસીને બીજીવાર અમદાવાદના PVR, એક્રોપોલિસમાં જઇને શાંતિથી જોઈ આવ્યો. રાજ મંદિરના અનુભવ વિશે તો અલાયદી પોસ્ટ ઠપકારવાનો છું. અહીં PVRમાં જાણે એનું વળતર આપતા હોય તેમ ફિલ્મ ભેગાં અંગ્રેજી સબટાઇટલ્સ પણ હતાં અને ફુલહાઉસમાં ઑડિયન્સ પણ એકદમ શાંત. (બંને વખતની ટિકિટ દીઠ છસ્સો રૂપિયાની અડી ગઈ. ઉપરથી આવવા જવાની ‘ઉબર’, પેટ્રોલ, છૂટ્યા પછી ચા-બોઇલ્ડ ઍગ્સ… છોડો હવે, ક્યાં ફેમિલી ઑડિયન્સ વચ્ચે ‘ઍગ્સ’ની ‘નોન વેજ’ વાતો કરવી?!)
 • અત્યારે હું માની લઉં છું કે સર્વે ફેસબુકજનોએ ‘દંગલ’ જોઈ લીધી હશે. ન જોઈ હોય તો ‘સ્પોઇલર્સ અહેડ’ના લાલ વાવટા સાથે અહીંથી વાંચવાનું અટકાવો અને પહેલાં ફિલ્મ જોઈ આવો બાકી બાતેં બાદ મેં. જોઈ નાખી હોય તો હાલો મારી ભેળા.
 • ફ્રેન્ક્લી કહું તો ‘દંગલ’ પાસેથી મને ખાસ આશા નહોતી. ‘ચક દે..’થી લઇને ‘સુલ્તાન’ સુધીની આપણી પ્રીડિક્ટેબલ સ્પોર્ટ્સ ફિલ્મોથી આગળ શું પિરસશે, અને ખાસ તો ‘કેવી રીતે’ પિરસશે તે જાણવામાં જ રસ હતો. ‘દંગલ’ પ્રીડિક્ટેબલ તો છે જ, પણ આખા પૅકેજમાં મને મુઠો ભરીને વાતો ગમી ગઈ અને ચપટીક વાતો ન પણ ગમી. પહેલાં ગમી ગયેલી વાતોની વાત…
 • ‘દંગલ’ના ટાઇટલ ટ્રેકમાં અમિતાભ ભટ્ટાચાર્યે લખ્યું છે, ‘માં કે પેટ સે મરઘટ (=સ્મશાન) તક હૈ તેરી કહાની પગ પગ પ્યારે દંગલ દંગલ…’ એક્ઝેક્ટ્લી. સિમ્પલ સ્ટોરીમાં એક કોન્ફ્લિક્ટ-સંઘર્ષ હોય. સ્માર્ટ સ્ટોરીમાં એક જ વાર્તામાં એકથી વધુ કોન્ફ્લિક્ટ વણી લીધા હોય. દંગલની સિમ્પલ પરંતુ એકદમ સ્માર્ટ રીતે લખાયેલી સ્ટોરીમાં એક પછી એક આવતા જતા કોન્ફ્લિક્ટની હારમાળા છે. પહેલાં આમિર એટલે કે મહાવીર ફોગાટના પોઇન્ટ ઑફ વ્યુથી જુઓ. એનો પહેલો સંઘર્ષ છે પોતાની જાત સામે. છોરો જ મૅડલ લાવે, છોરી તો ચુલ્હા-ચૌકા કરે. એ મેન્ટાલિટીના કોન્ફ્લિક્ટ જીત્યો તો બીજો સંઘર્ષ આવ્યો પરિવારને મનાવવાનો, ‘હાય હાય, છોડીને તે વળી અખાડામાં ઉતારાય? માંસ ખવાય?’ પત્નીને-ભાઈને મનાવ્યાં, તો ત્રીજો સંઘર્ષ આવ્યો ગામલોકોનો-સમાજનો. સૌના ઉપહાસ-કટાક્ષ-ટીકાઓને અવગણીને એણે પોતાનું કામ ચાલુ રાખ્યું. છતાંય મહાવીરની પોતાની અંદર એક પ્રેમાળ-પ્રોગ્રેસિવ બાપ અને કડક રૅસલિંગ કૉચનું મલ્લયુદ્ધ પણ ચાલતું હોય. લોકોએ ફેંકેલા પથ્થરોનાં પગથિયાં બનાવીને થોડા સફળ મુકામે પહોંચ્યો ત્યાં પછાત માનસિકતાવાળી સિસ્ટમ સામેના દંગલનું નવું સ્ટેપ આવ્યું. એક તો નોન ક્રિકેટિંગ સ્પોર્ટ, એમાંય ફીમેલ સ્પોર્ટ, એટલે પ્રોફેશનલ ટ્રેનિંગના ખર્ચાને પહોંચી વળવાની મદદના નામનું તો નાહી જ નાખવાનું. તે અડચણ પણ પાર કરીને દીકરીને ઇન્ટરનેશનલ લૅવલ સુધી પહોંચાડી, ત્યાં આખું ચક્કર પૂરું કરીને અર્જુનની જેમ પોતાની જ દીકરી સાથે અને પોતે આપેલી ટ્રેનિંગની સામે જ નવો સંઘર્ષ ઊભો થયો.

  હવે થોડો ઍન્ગલ બદલીને દીકરીઓના દૃષ્ટિકોણથી વિચારો. હિટલર જેવો ‘હાનિકારક બાપુ’ પોતાનું સપનું પૂરું કરવા બેહિસાબ ત્રાસ જેવી લશ્કરી ટ્રેનિંગ આપે, સ્કૂલમાં દોસ્તો દ્વારા મશ્કરી થાય, વાળનું કટિંગ થાય, બાળપણ છિનવીને અખાડાની માટી પકડાવી દેવાય, હાડોહાડ કોન્ટેક્ટ સ્પોર્ટ એવી કુસ્તીમાં છોકરાઓ સામે બથ્થંબથ્થા લડવાનું, આખી દુનિયા વિરુદ્ધમાં હોવા છતાં પિતાનું સપનું પૂરું કરવાનું પ્રેશર વેંઢારવાનું, બહારની દુનિયા જોયા પછી ઉંમરસહજ આનંદ કરવાનો કે નહીં? બહારનું શિક્ષણ સાચું કે પિતાએ શીખવ્યું એ? એવી દ્વિધામાં અટવાવાનું. એટલે ‘દંગલ’ મહાવીર ફોગાટની જર્ની હોવા ઉપરાંત એની દીકરીઓની પણ જર્ની છે. જે રીતે આમિરની જ ‘જો જીતા વોહી સિકંદર’ સ્પોર્ટ મુવી હોવા છતાં એક ‘કમિંગ ઑફ ઍજ’ મુવી હતી, તેવો ટ્રેક અહીં ગીતા ફોગાટની સ્ટોરીમાં પણ છે.

 • ‘દંગલ’માં બીજી મસ્ત વાત છે ડિટેલિંગ. આમિરના શરીરનું ટ્રાન્સફર્મેશન તો આપણને ખબર છે, પણ એની સાથોસાથ ફિલ્મમાં એની ચાલ-બૉડી લૅંગ્વેજમાં પણ ફેરફાર થતા રહે છે. એટલે જ લોટામાં અધ્ધરથી પાણી પીતો આમિર સ્ટાર કરતાં એક પાત્ર વધારે લાગે છે. (હવે બૉલિવૂડમાં થોડી ઑવરડૉઝ થઈ રહેલી) હરિયાણવી બોલી, મિડલ ક્લાસ પરિવારનું ઘર, ગામ-ગલીઓ, પહેરવેશ તો પર્ફેક્ટ લાગે જ, પણ તે ઉપરાંત વાર્તાને ઑથેન્ટિક બનાવતી સાવ નાની વાતો પણ જુઓ. પ્રોફેશનલ રૅસલિંગની મૅચ ચાલતી હોય ત્યારે મૅટ પર કુસ્તીબાજનાં રબરનાં શૂઝના સોલ ઘસાય એનો અવાજ પણ આપણને સંભળાય તેનુંય અહીં ધ્યાન રખાયું છે. બારણા પાસે પુરાયેલા આમિરના શ્વાસમાંથી નીકળેલી વરાળથી બારણાનો કાચ પણ ઝાંખો થયેલો જોઈ શકાય. પહેલીવાર ઘરના ટીવીમાં રિશિ કપૂરની ‘રફૂચક્કર’ ચાલતી હોય, બીજી વાર સ્પોર્ટ્સ એકેડમીમાં ‘DDLJ’ અને થોડા સમય પછી ‘જાને તૂ યા જાને ના’નો અવાજ પણ સાંભળી શકાય. એટલે માત્ર સ્ક્રીન પર દેખાતી સાલથી જ નહીં, બલકે આ રીતે પણ પસાર થતો સમય જોઈ શકાય.
 • (સહેજ રઝા મુરાદ જેવા દેખાતા) કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડાએ ખરેખર દિલથી કલાકારો પસંદ કર્યા છે. એમાંય નાની ગીતા-બબીતા (અનુક્રમે ઝાઇરા વસીમ અને સુહાની ભટનાગર) તો ૨૦૦૦ની નવી નોટથી નજર ઉતારવાનું મન થાય એવી ક્યુટ પ્લસ ઇફેક્ટિવ છે. જે સીનમાં આમિરને સ્ટ્રાઇક થાય છે કે મ્હારી છોરિયાં ભી કુસ્તી લડ સકે હૈ એ સીન ટ્રેલરમાં જુઓ. જ્યારે છોટી ગીતા ‘મૈંને ભી ધર દી દો-ચાર’ બોલે ત્યારે એની બૉડી લૅંગ્વેજ અને ચહેરા પરનાં એક્સપ્રેશન જોઇએ ત્યારે પહેલીવાર એનામાં રહેલો ફાઇટ સ્પિરિટ દેખાય. એટલો જ સુપર ઇફેક્ટિવ છોટો ઓમકાર (‘ફેરારી કી સવારી’ ફેમ રિત્વિક સહોરે) છે. અને આમિર તો માશાઅલ્લાહ પાણીની જેમ ગમે તે પાત્રમાં ઢળી જાય એવો ધાકડ એક્ટર છે જ! એના સૂપડા જેવા કાન સતત ઇજાઓને કારણે-ખેંચાઇને કુસ્તીબાજોના ‘કૉલિફ્લાવર ઇઅર્સ’ તરીકે કામમાં આવી ગયા છે એ ખાસ માર્ક કરજો! આ ઉપરાંત તમે અહીં (કમનસીબે દીપક ડોબ્રિયાલ જેવા ઑવર એક્ટિંગનુમા થઈ ગયેલા) યુવાન ઓમકાર (અપારશક્તિ ખુરાના), બડી ‘ગીત્તા-બબીત્તા’ (ફાતિમા સના શેખ-સાન્યા મલ્હોત્રા)થી લઇને ચિકનના વેપારી, પુત્ર પેદા કરવાની સલાહ આપતા બોખા ડોસા જેવાં નાનકડાં પાત્રોને લઈ લો તો એ લોકો પણ એટલા જ સ્વાભાવિક લાગશે. એવું જાડું નિવેદન કરી શકાય કે આખી ફિલ્મમાં ક્યાંય કોઈ ઍક્ટિંગ કરતું હોય એવું લાગતું જ નથી. (જોકે નાની ગીતા મોટી થઈ એટલા સુધીમાં એના બંને ગાલમાં ડિમ્પલ કેવી રીતે પડી ગયા એ સમજાયું નહીં! જોકે આટલાં બધાં ક્યુટ લાગતાં હોય તો મેલો ને પંચાત, ભૈશાબ!)
 • હવે ફરીવાર જ્યારે ‘દંગલ’ જુઓ ત્યારે માત્ર બધા જ કલાકારોના ચહેરા પર ફોકસ કરજો. આમિર, સાક્ષી તંવર, છોટી-બડી ગીતા-બબીતા, છોટા-બડા ઓમકાર વગેરે સૌએ ચહેરાથી જેટલી વાતો કહી છે એ સિનેમાના ગ્રામરના મસ્ત ઉપયોગ (‘બતાઓ મત, દિખાઓ’)નું પર્ફેક્ટ એક્ઝામ્પલ છે. એટલે જ માત્ર ચહેરો જોઇને આપણે હસી પડીએ, આંખના ખૂણા ભીંજાય અને જોશ પણ ચડે. (આટલી સટલ્ટી હોવા છતાં ફિલ્મમાં વોઇસ ઓવરની ભરમાર છે. ઇવન આમિરના મનોભાવ જાણવા માટે પણ આપણે ગીતા-બબીતાના કઝિન ‘ઓમકાર’ના વોઇસ ઓવરની રાહ જોવી પડે!)
 • ફિલ્મની ગીતા-બબીતા નાની હોય કે મોટી બંને બહેનો વચ્ચેની કેમિસ્ટ્રી ખરેખર હાઇડ્રોજન-ઑક્સિજન જેવી પર્ફેક્ટ છે. માર્ક કરવા જેવી એક વસ્તુ એ પણ છે કે બંને બહેન એક જ પ્રોફેશનલ સ્પોર્ટમાં હોવા છતાં બંને વચ્ચે જરાય સિબલિંગ રાઇવલરી નથી. બંને બહેન સતત એકબીજાને સપોર્ટ કરતી, પાનો ચડાવતી દેખાય છે. એકની સફળતાથી બીજીને ઇર્ષ્યા, ઇનસિક્યોરિટી થતી નથી. આમાં તમે એમના કઝિન ઓમકારને પણ ઉમેરી શકો. પ્લસ આ વાતને મહાવીર ફોગાટના કૉચિંગ સાથે પણ જોડી શકો. એક સારા કૉચનું-ગુરુનું કામ માત્ર ટકોરાબંધ ખેલાડી-વિદ્યાર્થી તૈયાર કરવાનું જ નથી, બલકે તેની ક્ષમતામાં સતત વિશ્વાસ રાખવાનું-રેડવાનું પણ છે. એવો વિશ્વાસ જે તેની હારમાં પણ ટકી રહે. એવો વિશ્વાસ જે વિદ્યાર્થીની અંદર પણ આત્મવિશ્વાસ પેદા કરે, જેથી એને પોતાને પણ પોતાની ક્ષમતા અંગે પ્રશ્નો ન ઉપસ્થિત થાય, ક્યારેય ઇનસિક્યોરિટી ન આવે. સારા અને નૉટ સો સારા શિક્ષક વચ્ચેનો આ તફાવત મહાવીર ફોગાટ અને કોમનવેલ્થના કૉચ પ્રમોદ કદમ (મસ્ત મરાઠી એક્ટર ગિરીશ કુલકર્ણી)નાં પાત્રો દ્વારા એકદમ સરળ રીતે સમજાવી દેવાયો છે. એવો આડકતરો સંદેશ પણ વાંચી શકાય કે આપણા દેશમાં મહાવીર ફોગાટ જવા સારા કૉચ વેડફાઈ જાય છે અને લેભાગુઓ ચડી બેસે છે.
 • જો ‘દંગલ’નું ઍડિટિંગ સરસ ન હોત, તો તે એક ટિપિકલ અન્ડરડૉગ સ્ટોરી કે વિકિપીડિયા પૅજનું ફિલ્મ વર્ઝન બનીને રહી ગઈ હોત. પરંતુ વાર્તામાં આગળ બંદૂક દેખાડી હોય તો ક્યારેક એ ફૂટવી જોઇએ, એ ન્યાયે ‘હાનિકારક બાપુ’ સોંગમાં આમિર બંને દીકરીઓને નદીમાં જમ્પ મારવાનો હુકમ કરે છે, પછીના જ શૉટમાં બંને દીકરીઓ ભીના શરીરે ધ્રુજતી દેખાય છે. એની વચ્ચે ગુરુ આમિરે શું શીખવેલું તે આપણને છેક છેલ્લી ફાઇટ વખતે બતાવાય. એ જ રીતે પાંચ પોઇન્ટવાળો દાવ કયો હશે તે પણ પ્રેક્ટિસ વખતે ભલે હસવામાં કાઢી નખાયો હોય, પણ દર્શક તરીકે અંદરખાને આપણને થાય જ કે આ ‘ઇન્દ્રધનુષ’ છેલ્લી ફાઇટ વખતે દોરાવાનું છે જ. આ મજબૂત રાઇટિંગ-ઍડિટિંગનો જ કમાલ છે કે ‘કોમનવેલ્થ 2010’ની ત્રણ ફાઇટ ફિલ્મમાં એક્ઝેક્ટ ૩૦ મિનિટ સુધી ભારે લિજ્જત અને પૂરી ડિટેઇલ કે સાથ ચાલે છે, છતાં આપણને તેનો થાક-ભાર લાગતો નથી. ઇવન ૧૬૧ મિનિટની હોવા છતાં ફિલ્મ લાંબી લાગતી નથી. જે રીતે ફિલ્મ સતત એક હળવો ટૉન પકડી રાખે છે એ વાત પણ મને તો ગમી ગઈ. આગલા સીનમાં આંખનો ખૂણો ભીંજવ્યો હોય, તો તરત જ હાસ્યનો રૂમાલ લઇને એક હળવો સીન હાજર થઈ જાય. જોકે એ કોમિક રિલીફ આપવાની લ્હાયમાં જ બડ્ડા ઓમકાર (અપારશક્તિ ખુરાના)નું પાત્ર હાસ્યાસ્પદ થઈ ગયું છે.
 • હવે મને ખૂંચેલી ચપટીક વાતો (મારી ચપટી થોડી મોટી છે, બાય ધ વે!). ‘દંગલ’ હરિયાણા જેવા હાડોહાડ મૅલ શૉવિનિસ્ટ, સ્ત્રીઓને દબાવીને રાખતા, દીકરીઓને સાપનો ભારો સમજતા અને ભયંકર હદે અસંતુલિત જૅન્ડર રૅશિયો ધરાવતા રાજ્યમાં દીકરીઓને સમાન તક આપીને આગળ લાવવાની વાત કરે છે. થ્રી ચિયર્સ ફોર ધેટ. છતાં ફિલ્મમાં સતત એક પુરુષવાદી અન્ડરટૉન વહેતો તમે અનુભવી શકો. જેમ કે, મહાવીર ફોગાટ ઘરમાં-રૂમમાં પ્રવેશે ત્યારે સૌ, ખાસ કરીને સ્ત્રીઓ ઊભી થઈ જાય, એને પોતાની વાત વચ્ચેથી કોઈ કાપે તે ગમે નહીં વગેરે. ચલો, આ તો મહાવીર ફોગાટની પર્સનાલિટીનું એક પાસું છે, પરંતુ ફિલ્મમાં નેશનલ ચેમ્પિયનશિપ વખતે ઓમકારના મુખે કહેવાયેલી વાતમાં પણ આવું કહેવાની જરૂર હતી ખરી કે ‘ગીતા ને તો અખાડો કે લડકોં કો પછાડ દિયા થા, યે તો ફિર ભી લડકિયાં થી’?!
 • મને તો એ જાણવામાં પણ રસ હતો કે મહાવીર ફોગાટ આટલો બધો રિઝર્વ્ડ કેમ છે? એના મનની અંદર ખરેખર શું ચાલે છે? જો એ આખી દુનિયાની સામે લડીને દીકરીઓને પહેલવાન બનાવી શકે એવો મજબૂત હતો, તો એણે પોતાને આખી જિંદગી અંદરથી સળગતા રાખે એવું પોતાનું રૅસલિંગનું સપનું આટલી સહેલાઈથી અભેરાઈ પર ચડાવીને નોકરી કેમ સ્વીકારી લીધી? ત્યાં કેમ એણે પોતાનો ફાઇટિંગ સ્પિરિટ ન દાખવ્યો?
 • (આગળ કરેલી કૉચવાળી વાતનું અનુસંધાન) ચલો માન્યું કે મહાવીર ફોગાટ રિયલ લાઇફ દ્રોણાચાર્ય છે. પરંતુ કોમનવેલ્થ વખતના નેશનલ કૉચ આટલા બધા ડફોળ હોય, કે તે પોતાના ખેલાડીની નૅચરલ ગેમ પણ સમજી ન શકે? નાની અમથી વાતનો આટલો મોટો ઇગો ઇશ્યૂ બનાવી દે અને છેક છેલ્લી પાટલીએ જઇને બેસે? ફિલ્મમાં એ વાતનું જસ્ટિફિકેશન નથી, એટલે એવું જ સમજાય છે કે કૉચ તરીકે મહાવીરની લીટી મોટી કરવા (અને ફિલ્મમાં ડ્રામાનો શૉર્ટકટ ઉમેરવા) માટે જ કૉચ પ્રમોદ કદમના પાત્રને સાવ છિછરું ચીતરવામાં આવ્યું છે. બે દિવસ પહેલાં જ એ વખતે નેશનલ કૉચ રહી ચૂકેલા પી. આર. સોંઢીએ આ વાતે વિધિવત્ વાંધો ઉઠાવ્યાના સમાચાર આવ્યા છે.
 • અલબત્ત, ફિલ્મની શરૂઆતમાં જ ચોખવટ કરી દેવાઈ છે કે ‘દંગલ’માં ગીતા, બબીતા અને મહાવીર સિવાયની બધી વાતોમાં આર્ટિસ્ટિક લિબર્ટીનું મોણ નાખ્યું છે. એટલે જ મૅચ વખતે આમિરને રૂમમાં પૂરી દેવાનો, ગીતાની કોમનવેલ્થ ગેમ્સની ફાઇનલ મૅચના બેને બદલે ત્રણ રાઉન્ડના બાઉટ, મહાવીરના પિતા, એમના કૉચ, મહાવીરના ભાઈ અને એમની હત્યા બાદ મહાવીરે દત્તક લીધેલી એમની બે દીકરીઓ વગેરે કશું જ અહીં લેવાયું નથી. ધેટ્સ ફાઇન.
 • પણ તો પછી ફિલ્મમાં જ્યારે સિમ્બોલિક જૅસ્ચર તરીકે ભારતનું રાષ્ટ્રગીત વાગે ત્યારે દર્શકોએ ઊભું થવું કે નહીં? ચાલુ ફિલ્મે ઊભા થતા દર્શકો સન્માનથી ઊભા થાય છે? બીકથી થાય છે? માસ હિસ્ટિરિયામાં થાય છે? કે પછી કન્ફ્યુઝનમાં થાય છે? ન ઊભા થનારા લોકો એને પોતાની ‘પૅટ્રિયૉટિક લિબર્ટી’ ગણીને બેસી રહી શકે? જો ફિલ્મમાં આખું રાષ્ટ્રગીત વગાડવું હતું અને ફિલ્મ મૅકર્સ દર્શકોને ત્યાં ઊભા કરવા ઇચ્છતા હતા, તો વાતે વાતે આળા થઇને ‘સ્મોકિંગ કિલ્સ’ ટાઇપની સૂચનાઓ ડિસ્પ્લે કરતા સૅન્સર બૉર્ડે એ સીનમાં કેમ કોઈ લેખિત સૂચના ન આપી? ધ નૅશન વૉન્ટ્સ ટુ નૉ!
 • આખી ફિલ્મ પ્રોગ્રેસિવ મેસેજથી ભરચક હોય, તો તેમાં સ્ટેમરિંગવાળા યુવાનની મજાક ઉડાવવાની શી જરૂર હતી? બૉક્સિંગ-રૅસલિંગ વગેરે ગેમ્સમાં મૅચ પૂર્વે મીડિયા સામે એકબીજાને ટોણા મારવાની સાઇકોલોજિકલ ગૅમ જૂની છે. મોહમ્મદ અલી તો એમાં ચૅમ્પિયન હતો. પણ તો પછી માત્ર ઑસ્ટ્રેલિયાની કુસ્તીબાજને જ શા માટે મહેણાં મારીને ઉદ્ધત બતાવવી? ગીતા પ્રત્યે આપણને અન્ડરડૉગની, સિમ્પથીની ફીલ આવે એ માટે? (હકીકતમાં ગીતાએ એને સળંગ બે રાઉન્ડમાં ચારોં ખાને ચિત્ત કરી નાખેલી. ગીતા એ વખતે અન્ડરડૉગ નહોતી જ.)
 • મન્ને તો યો બાત ભી સમજ મેં ના આઈ, કે જો ગામનો ચિકનવાળો પોતાની બે દીકરીઓને લઇને ગીતા ફોગાટની મૅચ જોવા આવી શકતો હોય, તો એની સગી મા ગીતાની બાકીની બંને સગી બહેનોને લઇને મૅચ જોવા કેમ ન આવે? અલબત્ત, ફિલ્મનું સ્ટૉરીટેલિંગ અને મૂળ મેસેજ એટલાં બધાં ફોર્સફુલ છે કે મારા આ બધા વાંધા અત્યારે ATMમાં પડેલી કૅશની જેમ ક્યાંય ગાયબ થઈ જાય છે.
 • આટલું કહ્યું છે તો બે વાત ફિલ્મના મસ્ત મ્યુઝિક વિશે પણ કહેવી પડે. પ્રીતમ ભલે અહીંતહીંની ભેળપુરી પિરસતો હોય, પણ અહીં એની મહેનત દેખાય છે. કાળજીપૂર્વકના પ્રસંગોએ મુકાયેલાં ગીતોમાં એ પણ ખબર પડે પાનો ચડાવવો હોય ત્યારે મિકા, હની, બાદશાહ ન ચાલે, ત્યારે બડે ભૈયા દલેરપાજી સિવાય મેળ ન પડે. પરંતુ દંગલનાં ગીતોનો અસલી હીરો છે ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય. બે અઠવાડિયાં પહેલાં ‘મિન્ટ લાઉન્જ’ને આપેલી મુલાકાતમાં એણે ‘હાનિકારક બાપુ’ ગીતની રચના વિશે મસ્ત વાત કરેલી. ઑવર ટુ અમિતાભ, ‘પ્રીતમના પંચગનીના બંગલે બેસીને આ ગીત વિશે અમે ઘણા આઇડિયા વિચારેલા. ગામડાની બે દીકરીઓ પોતાના માથાફરેલ બાપ વિશે ફરિયાદ કરતી હોય તો કેવા શબ્દો હોય? અમે ‘ફસ ગયે રે બાપુ’, ‘બાપુ મોગેમ્બો’, ‘હન્ટરવાલા બાપુ’ વિચારેલા. જમીને હું ગાર્ડનમાં સિગારેટ પીવા ગયો ત્યારે મારું ધ્યાન પૅકેટ પરની સૂચના પર ગયું. બસ, લાઇન સૂઝી ગઈ, ‘સેહત કે લિયે હાનિકારક બાપુ!’
 • એટલે નિતેશ તિવારીની ‘દંગલ’માં આમ જુઓ તો એવું કશું જ નવું નથી, જે અગાઉ ન કહેવાયું હોય. છતાં બધા જ ડિપાર્ટમેન્ટના ઑલ રાઉન્ડ પર્ફોર્મન્સને કારણે આ ફિલ્મ ન જોઇએ તો હળાહળ પાપ લાગે તેવી મસ્ટ વૉચની કૅટેગરીમાં આવી ગઈ છે. મેં ગણાવેલા વાંધા છતાં ફિલ્મને સ્ટાર આપવા જ હોય તો હસતાં હસતાં (અને પીઠમાં એક સબાકો નીકળી જાય એવા ટિકિટના ભાવ છતાં) **** (ચાર સ્ટાર) આપી શકાય.

P.S.-1 મહાવીર ફોગાટની જરાય ફિક્શનના મોણ વિનાની ખરેખરી લાઇફ સ્ટોરી જાણવામાં રસ હોય તો સૌભર દુગ્ગલે 91hv1qsd0wlલખેલી હમણાં જ રિલીઝ થયેલી એમની સત્તાવાર બાયોગ્રાફી ‘અખાડાઃ ધ ઑથોરાઇઝ્ડ બાયોગ્રાફી ઑફ મહાવીર સિંહ ફોગાટ’ અચૂક વાંચવી જોઇએ.

P.S.-2 ‘દંગલ’ ફિલ્મમાં બતાવવામાં આવેલી અમુક સિક્વન્સ ખરેખર બનેલી કે કેમ એવો પ્રશ્ન થયો હોય, અને આખી બુક વાંચવાની આળસ આવતી હોય તો શૉર્ટકટ રૂપે આ લિંક પર પહોંચી જાઓઃ http://www.thebetterindia.com/79838/dangal-facts-mahavir-singh-phogat-geeta-phogat/

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

સાલા ખડૂસ

મદ્રાસની મેરી કોમ

***

ટિપિકલ અન્ડરડૉગની સ્ટોરી કહેતી આ ફિલ્મમાં કંઈ કહેતા કંઈ જ નવું નથી.

***

562ac91cd4f68ef5f559332f8b67b4b0આપણે ત્યાં સ્પોર્ટ્સના બૅકડ્રોપમાં કોઈ ફિલ્મ બને એટલે તેમાં સ્વાભાવિક રીતે જ અન્ડરડૉગની વાર્તા આવી જાય છે. અન્ડરડૉગ એટલે એવું પાત્ર જેના સફળ થવાની કોઇએ આશા રાખી ન હોય અને છતાં તે તમામ અવરોધોને ઓળંગીને પણ સફળ થઇને બતાવે. આંગળીને વેઢે ગણવા બેસો એટલે ધડાધડ ‘જો જીતા વોહી સિકંદર’, ‘ચક દે ઇન્ડિયા’, ‘લગાન’, ‘ઇકબાલ’, ‘હવાહવાઈ’, ‘ભાગ મિલ્ખા ભાગ’, ‘મેરી કોમ’ યાદ આવી જાય. આર. માધવન સ્ટારર ‘સાલા ખડૂસ’ પણ આ જ કેટેગરીની ફિલ્મ છે. લોચો એ છે કે દિગ્દર્શિકા સુધા કોંગરાએ જાણે ‘મેરી કોમ’ની રિમેક બનાવી હોય એમ તેમાં કશું જ નવું કરવાનો પ્રયાસ કર્યો નથી.

કડવા લીમડે વઘારેલું કારેલું

એક છે આદિ તોમર (આર. માધવન). વીતેલાં વર્ષોનો બૉક્સર અને અત્યારનો કોચ. એની કરિયરમાં દેવ ખત્રી (ઝાકિર હુસૈન) નામના બીજા એક ખેલાડીએ એવી ફાચર મારી કે આદિ હંમેશ માટે ઇત્યાદિ થઈ ગયો. ત્યારથી એ કાયમ આકરે પાણીએ જ રહે છે. ઇવન એની પત્ની પણ એને છોડીને જતી રહી છે. ફિલ્મી પડદાનો ઝાકિર માધવન પર તબલાની એવી થાપ મારે છે કે માધવન બિચારો હરિયાણાથી સીધો ચેન્નઈ જઇને પડે છે. પરંતુ ત્યાં એને પોતાની જ ઝેરોક્સ કૉપી જેવી એક ટેલેન્ટેડ છોકરી દેખાય છે. એ છોકરી એટલે મદી (રિતિકા સિંઘ). એની મોટી બહેન લક્ષ્મી (મુમતાઝ સરકાર, જાદુગર પી. સી. સરકારની દીકરી) બૉક્સિંગ શીખે અને મદી માછલી વેચે. મદીનો મિજાજ પણ લાલ મરચાં જેવો. એના મુક્કાનો પ્રહાર જોઇને આદિ-ઇત્યાદિને લાગ્યું કે આ છોકરીમાં દમ છે. બસ, બૉક્સિંગનાં ગ્લવ્સ પહેરીને અશક્યને શક્ય બનાવવાની જદ્દો-જહદ શરૂ. પણ ફિલ્મના વિલન એમ કંઈ મંજિરાંની જોડ લઇને થોડાં બેસી રહે?

નયા ક્યા હૈ, બાંગડુ?

આ ફિલ્મની દિગ્દર્શિકા સુધા કોંગરાએ એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે ૨૦૦૬માં જ્યારે ભારતની ટીમ ‘વર્લ્ડ બૉક્સિંગ ચેમ્પિયનશિપ’માં ચાર ગોલ્ડ સહિત આઠ મૅડલ જીત્યું ત્યારથી આ વાર્તા એમના મગજમાં ચામાચીડિયાની જેમ ઘુમરાતી હતી. ફાઇન, પરંતુ લોચો એ છે કે એ પછી તો પ્રિયંકા ચોપરાએ પણ બૉક્સિંગ ગ્લવ્સ પહેરીને ‘મેરી કોમ’ બનીને મુક્કાબાજી કરી લીધી. તેનાં માંડ દોઢ વર્ષ પછી જ તમે ફરી પાછી બૉક્સિંગ પર જ અન્ડરડૉગ ફિલ્મ બનાવો અને તેમાં કશું જ નવું ન હોય, તો તમારો પ્રયાસ ગમે તેટલો પ્રામાણિક હોય, પણ વેજિટેરિયન લોકોય તમારા પર માછલાં જ ધુએ. આર. માધવને આ ફિલ્મ માટે બૉડી બનાવવામાં જેટલો પરસેવો પાડ્યો છે, એટલો જો સુધાબહેને વાર્તા પાછળ પાડ્યો હોત તો આ ફિલ્મ એકદમ નૉકઆઉટ પંચવાળી બની શકી હોત.

હા, એક વાત બંને કાનની બુટ પકડીને સ્વીકારવી પડે કે આ ફિલ્મનો આત્મા એની જગ્યાએ યથાવત્ છે. એટલે જ કૉચ માધવન હોય કે એની શિષ્યા રિતિકા હોય, બધાં જ પાત્રો આપણને ફિલ્મી નહીં બલકે વાસ્તવિક લાગે છે. ઇવન ફિલ્મમાં ‘મેરી કોમ’ જેવો લાર્જર ધેન લાઇફ બનવાનો ભાર પણ વર્તાતો નથી. લાંબા વાળ-દાઢી અને ગઠ્ઠેદાર બૉડીવાળા માધવનનો ક્યુટનેસ ક્વૉશન્ટ દિવસે ને દિવસે વધતો જાય છે. પ્રોબ્લેમ માત્ર એટલો જ છે કે માધવન જ્યારે ગુસ્સામાં આવીને ધાણીફૂટ હિન્દી બોલે છે ત્યારે કેટલાય સંવાદો કાગળના વિમાનની જેમ ઉપરથી જતા રહે છે.

saala-khadoos-unveils-actress-ritika-singh-71ફિલ્મમાં ‘મદી’ બનતી રિતિકા સિંઘને માધવને ફિલ્મમાં શોધી કાઢી હોય, પણ એ રિયલ ટેલેન્ટ છે. એક તો રિતિકા સાચુકલી મિક્સ્ડ માર્શલ આર્ટ્સની ખેલાડી છે, એટલે એ જ્યારે દોડે છે, પંચ મારે છે, ત્યારે તે એકદમ જેન્યુઇન લાગે છે. ફિલ્મમાં તેનો બિનધાસ્ત એટિટ્યૂડ પણ જોવો ગમે છે. આ છોકરીમાં એક રૉ સેક્સઅપીલ છે. આ કોમ્બિનેશન એને ઍક્શનપૅક્ડ રોલ માટે પર્ફેક્ટ કેન્ડિડેટ બનાવી દે છે. બશર્તે એને કોઈ સારો રોલ ઑફર થાય.

ફિલ્મની મોટા ભાગની સ્ટોરી તેના ટ્રેલરમાં જ બતાવી દેવાનું સૌથી મોટું જોખમ એ છે કે તેમાં ખૂટતી કડીઓ સ્માર્ટ દર્શકો જાતે જ જોડી લે છે અને મૅકર્સે પછી તેમાં કંઇક નવું આપવું અનિવાર્ય બની જાય છે. અનફોર્ચ્યુનેટલી, ‘ચક દે ઇન્ડિયા’ અને ‘મૅરી કોમ’એ જે લીટી તાણી છે, તેનાથી બહારનું અનએક્સપેક્ટેડ કશું જ આ ફિલ્મ આપતી નથી. માત્ર બે બહેનો વચ્ચેનો સિબલિંગ રાઇવલરીનો એકમાત્ર ટ્વિસ્ટ અહીં નવો છે (જે અગેઇન આપણે ‘બ્રધર્સ’માં જોયેલો). ઇવન જેમણે બૉક્સિંગ પર જ બનેલી હૉલીવુડની ‘મિલ્યન ડૉલર બૅબી’ ફિલ્મ જોઈ હશે, તેમને અહીં ‘સાલા ખડૂસ’માં માધવન-રિતિકાના આલિંગનના સીનમાં પણ તેની છાયા દેખાશે.

રાજકુમાર હિરાણી અને આર. માધવને મળીને પ્રોડ્યુસ કરેલી ‘સાલા ખડૂસ’ એક અંગ્રેજી ફિલ્મને પણ લઘુતાગ્રંથિ લાવી દે તેવી માત્ર ૧૦૯ મિનિટની જ છે. તેનો ફાયદો એ થયો છે કે આપણે કંટાળીએ ત્યાં તો ફિલ્મ પૂરી થયેલી જાહેર કરી દેવાય છે. વળી, ક્લાઇમૅક્સમાં શું થવાનું છે એ વિશે પણ ઝાઝો વિચારવાને અવકાશ રહેતો નથી (અગેઇન, પ્રીડિક્ટેબલ). હા, અહીં દર બીજી-ત્રીજી ફિલ્મોમાં જોવા મળતાં ટિપિકલ લૉકેશનોને બદલે ચેન્નઈના દરિયાકિનારે આવેલી મચ્છી માર્કેટ, હિમાચલના ધરમશાલાનાં લોકેશન જોવાં ગમે ખરાં.

‘સાલા ખડૂસ’ એકસાથે તમિળ અને હિન્દીમાં બનાવવામાં આવી છે. એટલે જ તેમાં નાસિર જેવા દક્ષિણના સિનિયર કેરેક્ટર એક્ટર દેખાયા છે. ફિલ્મમાં ઝાકિર હુસૈન, એમ. કે. રૈના જેવા મંજાયેલા અને સ્વાનંદ કિરકિરે જેવા શૌકિયા અભિનેતાઓ છે, પરંતુ ફિલ્મ જોઇને જેના નામે પાર્ટી આપી શકાય એવું પર્ફોર્મન્સ એકેયનું નથી. એક તો આ ફિલ્મ એક્સાઇટમેન્ટના લેવલે સરેરાશથી ઉપર જઈ શકતી નથી, ત્યાં ગ્રહણ ટાણે સાપ કાઢતા હોય તેમ દલા તરવાડી સ્ટાઇલમાં એક પછી એક પાંચેક ગીતો ઠપકારી દીધાં છે. તેને કારણે ફિલ્મ સાવ શિયાળાના પાણી જેવી થઈ જાય છે.

ફાઇનલ પંચ

કહે છે કે દરેક વ્યક્તિની અંદર એક અન્ડરડૉગ પડેલો જ હોય છે. એટલે જ આવી લાખ અવરોધોને પાર કરીને સફળ થવાની વાર્તા કહેતી ફિલ્મ નસ નસમાં પ્રેરણાનાં ઇન્જેક્શન આપે તેવી હોવી જોઇએ. અફસોસ કે આવું કોઈ પ્રોત્સાહન કે રોમાંચ આ ફિલ્મ આપી શકી નથી. ફિલ્મના ટ્રેલરમાં સ્પોર્ટ્સમાંથી પોલિટિક્સ હટાવવાની જે વાત કરેલી, તેને પણ માત્ર અડકીને ભૂલી જવામાં આવી છે. આખી ફિલ્મનાં બે જબ્બર પ્લસ પોઇન્ટ હોય તો તે છે કે માધવન અને રિતિકાનાં પર્ફોર્મન્સ. જોકે તેના માટે કંઈ થિયેટર સુધી લાંબા ન થઇએ તો ચાલે.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

મેરી કોમ

લોખંડી મહિલાનું તકલાદી ચિત્રણ

***

જથ્થાબંધ મેસેજ આપનારી હોવા છતાં મેરી કોમ જેવી ધરખમ પ્રતિભા પર આવી નબળી ફિલ્મ બનાવીને એક ઉમદા બાયોપિકનો ચાન્સ વેડફી નાખ્યો છે.

***

mary-kom-poster-4આપણા દેશમાં એવરેજ ભારતીયને કદાચ સચિનની સેન્ચુરીઝ કે ધોનીનો રેકોર્ડ યાદ હશે, પરંતુ પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલી ભારતીય બોક્સિંગ ખેલાડીનું નામ સુધ્ધાં ખબર નહીં હોય! એનું કારણ છે કે આપણો દેશ ક્રિકેટ નામના એક જ ધર્મમાં માને છે. એટલે જ ‘ભાગ મિલ્ખા ભાગ’ કે ‘ચક દે ઈન્ડિયા’ જેવી ફિલ્મો ‘અન્ડરડોગ’ની સ્ટોરી બનીને રહી જાય છે.  એવી વધુ એક સ્ટોરી એટલે પ્રિયંકા ચોપરાને ચમકાવતી ‘મેરી કોમ’. મેરી કોમના પાત્રમાં ઘૂસવા માટે પ્રિયંકાએ ખૂબ પરસેવો પાડ્યો છે. આખી ફિલ્મ એકદમ સાફસૂથરી છે અને કેટલાય મુદ્દે આપણને વિચારતા પણ કરી મૂકે છે. પરંતુ આખી ફિલ્મ એક એવરેજ લેવલથી ઉપર ઊઠતી જ નથી.

મેગ્નિફિસન્ટ મેરી

‘મેરી કોમ’ ફિલ્મ સ્ટોરી છે મણિપુરની મેગ્નિફિસન્ટ એમ સી મેરી કોમની. એક તો ગરીબ ખેડૂતની દીકરી થઈને સ્પોર્ટ્સમાં જવાનું સપનું જોવું અને એ પણ બોક્સિંગ જેવા મારફાડ ખેલમાં. પરંતુ નાનપણથી જ ફાઇટિંગ સ્પિરિટ ધરાવતી મેરી પોતાના આ સપનાને વળગી રહી અને તેને સાકાર કરવા માટે બધાં વિઘ્નોને પંચ મારી મારીને નૉક આઉટ કરી દીધાં. શરૂઆતમાં એને પિતાનો વિરોધ સહન કરવો પડ્યો, પણ પછી એય મેરીના પેશનની સામે ઝૂકી ગયા. એક સામાન્ય સ્કૂલ ગર્લમાંથી વર્લ્ડ ચેમ્પિયન બનવાની આ સફરમાં મેરીને સાથ મળ્યો એના કોચ નારજિત સિંઘ અને પતિ ઑનલરનો. પોતાની કારકિર્દીની ટોચે હતી ત્યારે મેરીએ મેરેજ કર્યાં અને ટ્વિન્સ દીકરાઓની માતા બની. સૌને લાગ્યું કે હવે મેરીએ બોક્સિંગ ગ્લવ્સને અભેરાઈ પર ચડાવી દીધાં છે. પરંતુ એક ટ્રુ ફાઇટરને છાજે એ રીતે આઠ વર્ષ પછી મેરીએ કમ બેક કર્યું અને ફરીથી બોક્સિંગની દુનિયામાં ડંકો વગાડી દીધો. આ સ્ટોરી છે સાચુકલી મેરી કોમની અને એના પરથી બનેલી ફિલ્મની પણ.

બટ નો મેડલ ફોર ધીસ ફિલ્મ

સ્પોર્ટ્સ પર બનેલી ફિલ્મોનો ગ્રાફ દોરીએ તો તે નીચેથી શરૂ કરીને ક્લાઇમેક્સ પર આવતાં સુધીમાં એકદમ ઊંચે પહોંચી જાય તેવો હોય છે. યાદ કરો ‘લગાન’, જેમાં છેલ્લે તો આપણે ટેન્શનથી નખ ચાવી નાખીએ કે ભુવન સિક્સ નહીં મારે તો શું થશે? એવું કોઈ ટેન્શન અહીં આખી ફિલ્મમાં ક્યાંય બિલ્ડ થતું જ નથી. બોક્સિંગ જેવા હાઈ એનર્જી સ્પોર્ટ પરની ફિલ્મ હોવા છતાં આખી ફિલ્મ એકદમ ઢીલીઢાલી, થાકેલી એનર્જી વિનાની લાગે છે.

આ ફિલ્મના નવોદિત ડિરેક્ટર ઉમંગ કુમાર વર્ષો પહેલાં ‘એક મિનિટ’ નામનો પ્રોગ્રામ હોસ્ટ કરતા. એ પ્રોગ્રામની એકેએક મિનિટ આ આખી ફિલ્મ કરતાં ક્યાંય વધારે થ્રિલિંગ હતી. નો ડાઉટ, પ્રિયંકા ચોપરાએ મેરી કોમના પાત્રમાં જીવ રેડવા માટે ખાસ્સી મહેનત કરી છે, જૂના ઈલાસ્ટિક જેવી ઢીલી સ્ક્રિપ્ટ અને નબળા એક્ઝિક્યુશનમાં એ મહેનત સાવ એળે ગઈ છે. ફિલ્મનું એડિટિંગ પણ જાણે આપણે મેરી કોમનું એન્સાઇક્લોપીડિયાનું પેજ વાંચતાં હોઇએ એવું છે. એક પછી એક વર્ષવાર ચેમ્પિયનશિપ્સ આવતી જાય અને બે-ચાર મુક્કા મારે ત્યાં એ જીતી પણ જાય. એ જોઇને આપણને એવું જ લાગે કે મેરી કોમને તો દર વખતે જરાતરા મહેનતમાં જ સફળતા મળી ગઈ હશે. પરફેક્શન માટે ઝીણું ઝીણું કાંતતા પ્રોડ્યુસર સંજય લીલા ભણસાલીને પણ આ વાતનો ખ્યાલ નહીં આવ્યો હોય?

હકીકતમાં અત્યારે 31 વર્ષની મેરી કોમ પૂર્વનાં રાજ્યોમાં સખત પોપ્યુલર છે. યંગસ્ટર્સ અને ખાસ કરીને યુવતીઓની તે રોલમોડલ છે. વળી તે ત્રણ બાળકોની પ્રાઉડ મધર પણ છે. પરંતુ એમાંની એકેય વસ્તુ આ ફિલ્મમાં રિફ્લેક્ટ થતી નથી. ઊલટું જે લોકો મેરીને નથી ઓળખતા એમના મનમાં એવી જ છાપ પડે કે બિચારી આટલું જીતી તોય એને કોઈ ઓળખતું નથી અને છોકરાં સાચવવામાં તો એને કેટલી તકલીફ પડી રહી છે.

પ્રિયંકા ચોપરા ઉપરાંત એના પતિ બનતા કલાકાર દર્શન કુમાર અને કોચના રોલમાં (પ્રીતીશ નંદી જેવા) દેખાતા નેપાળી અદાકાર સુનીલ થાપાનું કામ એમની જગ્યાએ બરાબર છે. ખાસ તો મેરીના પતિનું પાત્ર જોઇને છોકરીઓને થશે કે બધાંને આવો સમજુ પતિ મળે તો કેવું સારું! આમ તો 123 મિનિટ્સની આ ફિલ્મમાં ગીતો બહુ હેરાન નથી કરતાં પરંતુ શશી-શિવમનું સંગીત એવરેજ છે. હા, ‘ઝિદ્દી દિલ’ અને ‘સૂકું મિલા’ એ બે ગીત સાંભળવામાં સારાં લાગે છે.

સોચનેવાલી બાત

આપણે ત્યાં મોટે ભાગે ઈગ્નોર થતા કેટલાક મુદ્દા પણ આ ફિલ્મ ઉઠાવે છે, પરંતુ તેને વ્યવસ્થિત રીતે મૂકવામાં આ ફિલ્મ સદંતર નિષ્ફળ ગઈ છે. જેમ કે, શા માટે આપણે મણિપુર કે પૂર્વનાં અન્ય રાજ્યોને ભારતનો હિસ્સો નથી માનતા? શા માટે દેખાવને આધારે આપણે પૂર્વભારતના લોકો સાથે ઓરમાયું વર્તન રાખીએ છીએ? હિન્દી ફિલ્મોમાં કેટલા પૂર્વના ચહેરા દેખાય છે? કરોડોમાં આળોટતા ક્રિકેટરોની સામે અન્ય રમતોના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચે તો પણ કેમ એમને પૂરતી સગવડો ન મળે? અન્ય ગેમ્સના હીરો પણ ક્રિકેટ જેટલા જ સન્માનીય છે એ સ્પોર્ટ્સ ફેડરેશન્સ, સરકાર અને દેશની જનતા ક્યારે સમજશે? ઘર અને બાળકો સાચવવા ઉપરાંત સ્ત્રીની પોતાની પણ એક આગવી ઓળખ હોય છે એવું આપણે ક્યારે સ્વીકારતા થઇશું?

ફાઈનલ પંચ

આ ફિલ્મ મેરી કોમ જેવી અદ્વિતીય પ્રતિભાને અપાયેલી નબળી અંજલિ છે. તેમ છતાં આ ફિલ્મ એકદમ સ્વચ્છ અને પારિવારિક છે. આનંદ એ વાતનો છે કે ક્વીન અને મર્દાની પછી સ્ત્રીઓને કેન્દ્રમાં રાખીને બનાવાયેલી આ વધુ એક ફિલ્મ છે. સ્ત્રીને માત્ર ગ્લેમર ડૉલ તરીકે જ નહીં, બલકે એક સશક્ત વ્યક્તિ તરીકે રજૂ કરે તેવી વધુ ફિલ્મો આવતી રહે એવી આશા રાખીએ. એવું પણ ઈચ્છીએ કે આવી ફિલ્મ્સથી દેશમાં સ્પોર્ટ્સનું કલ્ચર વિકસવામાં મદદ મળે. મહારાષ્ટ્ર સહિત ચાર રાજ્યોની જેમ આખા દેશમાં આ ફિલ્મ ટેક્સ ફ્રી થઈ જાય તો આ પ્રવૃત્તિને વેગ મળે. પણ હા, તેનાથી આ મીડિયોકર ફિલ્મને ગ્રેસના માર્ક્સ મળી જતા નથી, એટલું યાદ રાખવું ઘટે.

રેટિંગ: **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

ભાગ મિલ્ખા ભાગ

વાહ મિલ્ખા વાહ!

***

જો પાનસિંહ તોમર ડકૈત ન બન્યો હોત તો એ મિલ્ખા સિંઘ બની શકત?

***

bmb2ધોધમાર વરસાદ પડી રહ્યો છે. એક ઉજ્જડ થઇ ચૂકેલા ગામમાં બારેક વર્ષનો છોકરો પોતાનું ઘર ખોળતો ખોળતો પાછો ફરે છે. “માં… માં…” બૂમો પાડે છે પણ જવાબમાં સન્નાટા સિવાય કશું જ નહીં. અચાનક છોકરાનો પગ લપસે છે, જુએ છે તો એ લોહીના ખાબોચિયામાં પડ્યો છે. ડરી ગયેલો એ છોકરો ઊભો થઇને બે ડગલાં પાછો ચાલે છે, ત્યાં એ ફરી ગબડે છે અને આ વખતે એ છોકરાની સાથોસાથ આઘાત પામવાનો વારો આપણો પણ છે. એ પડે છે સીધો લાશોના ઢગલા પર…

***

ઉથ્થે ડૂબે ઇથ્થે નિકલે

આપણે ત્યાં હોલિવૂડની જેમ “બાયોપિક” પ્રકારની ફિલ્મો બહુ બનતી નથી. પરંતુ બને છે ત્યારે શું બને છે, બોસ! બેન્ડિટ ક્વીન, ગાંધી માય ફાધર, બોઝ ધ ફરગોટન હીરો, ગુરુ, ચક દે ઇન્ડિયા, પાન સિંહ તોમર અને હવે આવી છે રાકેશ ઓમપ્રકાશ મેહરાની મિલ્ખા સિંઘના જીવન પર બનેલી “ભાગ મિલ્ખા ભાગ”. પહેલા જ દડે સિક્સ જેવી ‘રંગ દે બસંતી’ બનાવ્યા પછી, ‘દિલ્હી-6’ જેવી કંગાળ ફિલ્મ બનાવ્યા બાદ તેજસ્વી ડાયરેક્ટર રાકેશ મહેરા ચાર વર્ષથી ગાયબ હતા. પરંતુ મોટી માછલી પાણીમાં ડૂબકી મારે તો તે ફરી પાછું માથું ઊંચકવા માટે જ હોય, એમ રાકેશ મેહરા મિલ્ખા સિંઘની કથા લઇને આવવાના હતા.

મિલ્ખા સિંઘઃ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ

કેટલાક લોકો આ દુનિયા નામની સ્કૂલમાંથી જિંદગીના પાઠ શીખે છે. આવો જ એક વિદ્યાર્થી એટલે મિલ્ખા સિંઘ. ભાગલા પહેલાં અત્યારના પાકિસ્તાનમાં જન્મેલા મિલ્ખાના પરિવારને 1947માં ભાગલા વખતે એની નજર સામે જ રહેંસી નખાયેલો. એ કારમો ઘા લઇને બાળક મિલ્ખા દિલ્હી ભાગી આવ્યો. શરણાર્થી શિબિરોમાં એક એક રોટલી માટે સંઘર્ષ કરીને મિલ્ખા મોટો થયો. યુવાનીના ઉંબરે પ્રેમ થયો, પણ રખડુ યુવકનું મહેણું ભાંગવા લશ્કરમાં સામેલ થયો. એક ગ્લાસ દૂધ, બે કાચા ઇંડાં અને પરેડમાં થાકી ગયા તો સજામાંથી મુક્તિ, એ ઇનામની લાલચે મિલ્ખા છ માઇલની રેસ એવી દોડ્યો કે એના પરસેવાના રેલામાં એનું હીર પરખાઇ ગયું. પછી તો આકરી ટ્રેનિંગ અને ઓલિમ્પિક્સથી લઇને કોમનવેલ્થ ગેમ્સ તથા એશિયન ગેમ્સમાં ભાગ લેવાનો સિલસિલો શરૂ થયો. આજે 77 વર્ષના મિલ્ખા સિંઘ કોમનવેલ્થ ગેમ્સમાં ઇન્ડિવિઝ્યુઅલ એથ્લેટિક્સમાં ગોલ્ડમેડલ જીતનારા એકમાત્ર ભારતીય એથ્લિટ છે.

ફિલ્મ છે કે મેરેથોન રેસ?

‘ભાગ મિલ્ખા ભાગ’માં સૌથી વધુ ધ્યાન ખેંચે એવી વસ્તુ છે ફરહાન અખ્તરનું એકદમ એથ્લિટ જેવું ટોન્ડ બોડી, જે સલમાનની જેમ શોઓફ્ફ કરવા માટે નહીં પણ એક ફૌજીનું ફૌલાદી બદન લાગે છે. મિલ્ખાના પાત્રને એણે એકદમ ડીપલી ઘુસ કે આત્મસાત્ કર્યું છે. એણે ફિલ્મની જેમ હકીકતમાં પણ બાલદી ભરીને પરસેવો વહાવ્યો છે, એ પરખાઇ આવે છે! બીજું આશ્ચર્ય છે પ્રસૂન જોશીની કલમ. ગીતકાર પ્રસૂને આ વખતે સ્ક્રીનપ્લે અને ડાયલોગ્સ માટે પણ કલમ ઉપાડી છે. મિલ્ખાના પાત્રને પૂરેપૂરો ન્યાય કરવા માટે પ્રસૂને એમની સાથે સારો એવો સમય ગાળ્યા બાદ સ્ક્રિપ્ટ લખી છે, પણ આ જ લાલચમાં ફિલ્મ ત્રણ કલાક અને દસ મિનિટ જેટલી મેરેથોન લાંબી થઇ ગઇ છે. એક્ટિંગ ડિપાર્ટમેન્ટમાં ફરહાન પછી સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હોય તો તે છે ‘મિલ્ખુ’ની બહેન બનતી દિવ્યા દત્તા અને ‘જવાન’ મિલ્ખાના ગુરુ બનતા પવન મલ્હોત્રાએ. કોચના રોલમાં ક્રિકેટર યુવરાજ સિંહના પપ્પા યોગરાજ સિંહ પહેલીવાર હિન્દી ફિલ્મોમાં દેખાયા છે. પંજાબી ફિલ્મોમાં તો એ જાણીતો ચહેરો છે જ (યોગરાજને જોઇને વિચાર આવે કે બરાબર છે જે માણસ યુવરાજ સિંહને પેદા કરી શકે એના હાથ નીચે મિલ્ખા તો પેદા થાય જ ને!). ફરહાનની સામે સોનમ કપૂર ફિલ્મમાં લિટરલી પાણી ભરે છે, એ પણ એક હાથમાં હાંડો અને બીજા હાથમાં બાલદી લઇને. એ સિવાય ફિલ્મમાં બિચારીનું કશું કામ નથી. ‘જયકાંત શિક્રે’ ટાઇપના રોલ કર્યે રાખતા પ્રકાશ રાજ મુચ્છડ ફૌજી અફ્સરના રોલમાં સારા લાગે છે. પરંતુ સૌથી હાસ્યાસ્પદ કાસ્ટિંગ હોય તો જવાહરલાલ નેહરુ બનતા દિલીપ તાહિલનું. ફિલ્મમાં શંકર એહસાન લોયનું મ્યુઝિક એવું જાનદાર છે કે કારમાં સાંભળતા હોઇએ તો ઉત્તેજનામાં આપણો પગ એક્સલરેટર પર દબાઇ જાય એવું બને.

રેસ જીવનની

રમખાણમાં હોમાતા પહેલાં મિલ્ખાના પિતા એને બૂમ પાડે છે, ‘ભાગ મિલ્ખા… ભાગ’, પરંતુ મિલ્ખાનું દોડવું એ ખરેખર તો એના જીવનનો સંઘર્ષ છે. બાળપણમાં એ જીવ બચાવવા દોડ્યો, પછી જીવતા રહેવા માટે દોડ્યો, પછી કશુંક બનવા માટે દોડ્યો, એ પછી દેશ માટે દોડ્યો અને આ દરેક તબક્કે એના કારમા ભૂતકાળની ભૂતાવળો એની પાછળ દોડતી રહે છે. રાકેશ મેહરાએ વર્તમાન અને ફ્લેશબેક એકસાથે કહેવાની પોતાની ‘રંગ દે બસંતી’ની જ સ્ટાઇલ અહીં વાપરી છે. અહીં તો ફ્લેશબેકમાં પણ ફ્લેશબેક છે. એટલે કોઇ તબક્કે આપણે ભૂલી જઇએ કે આપણે કયા સમયખંડમાં છીએ. એક મોટો લોચો એ છે કે લગભગ ભાગ મિલ્ખા… જેવી જ સ્ટોરી આપણે થોડા સમય પહેલાં ‘પાનસિંહ તોમર’માં જોયેલી, પણ પાનસિંહે હિંસાનો માર્ગ પકડી લીધો જ્યારે મિલ્ખાએ પોતાની ટ્રેક છોડી નહીં. એટલે જ આજે પાનસિંહ ડકૈત છે અને મિલ્ખા હીરો. જોકે પાન સિંહ તોમર જેટલી આ ફિલ્મ રિયલિસ્ટિક નથી લાગતી!

ઇન શોર્ટ, ‘ભાગ મિલ્ખા ભાગ’ આટલાં કારણોસર જોવી જ જોઇએઃ ફરહાનની મહેનત એક્ટિંગ અને બોડી બિલ્ડિંગ બંને માટે (સ્ક્રીન પર એકસાથે પચ્ચીસ-પચ્ચીસ પુશઅપ્સ કરવાં એ નાનીસૂની વાત નથી!), પ્રસૂન જોશીની કવિતા અને સ્ક્રીનપ્લે-ડાયલોગ્સ માટે, શંકર-અહેસાન-લોયના પંજાબી ફીલ આપતા સંગીત માટે અને એના મસ્ત પ્લેસિંગ માટે, 1950-60ના દાયકાનું ભારત જોવા માટે, બાળ મિલ્ખા સિંઘ બનતા બાળકલાકારની તથા દિવ્યા દત્તા અને પવન મલ્હોત્રાની એક્ટિંગ માટે, રાકેશ ઓમપ્રકાશ મેહરાના આ ફિલ્મ બનાવવા પાછળના ડેડિકેશન માટે (અને એક નાનકડા સીનમાં એમના ગેસ્ટ અપિયરન્સ માટે). પરંતુ હા, કકળાટિયા પબ્લિક આવવાની વકી હોય એવો શો પસંદ ના કરશો, નહીંતર તમારી ફિલ્મ જોવાની મજા મરી જશે!

રેટિંગઃ ***1/2 (સાડા ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.