Social Media & Plagiarism

– બહાર નીકળો અને કોઈ ક્યુટ ટાબરિયું દેખાઈ જાય, એટલે તમે એને સ્માઇલ આપો, થોડું રમાડો-કલાવો, એનાં મમ્મી-પપ્પાને ‘બહુ મીઠડું છે, હોં!’ જેવાં કોમ્પ્લિમેન્ટ્સ પણ આપો. પરંતુ ધારો કે બચ્ચાની સાથે એનાં પેરેન્ટ્સ ન હોય, તો એ ટેણિયાને તેડી લઇને ચાલવા માંડો ખરા? એ ટેણિયાને તમારા સંતાન તરીકે ખપાવી દો? નહીં ને?

– પરમ દિવસે મેં ‘ડિયર મોન્સૂન’વાળું (વરસાદને નામ પત્રવાળું) સ્ટેટસ લખીને મૂક્યું, લોકોને ગમ્યું, શૅર કર્યું, વાઇરલ પણ થયું. ફાઇન. ફેલ્ટ ગુડ. પણ થોડાક કલાક પછી જ એ સ્ટેટસને પોતાના નામે ચડાવવાનો સિલસિલો શરૂ થયો. કેટલાય મિત્રોએ ખૂણેખાંચરેથી એવાં અડધો-પોણો ડઝન સ્ટેટસો શોધી કાઢ્યાં, જેમાં એ મહાનુભાવોએ મારા સ્ટેટસને પોતાની કળાકૃતિ તરીકે ઠપકારી દીધેલી. એમાંથી એક સાહેબ પોલીસ અધિકારી હતા, કોઈ અમારા જ પ્રિન્ટ મીડિયા જગતના બાશિંદા હતા અને એમણે નીચે લિખિતંગ પાસે પોતાનું નામ જડાવી દીધેલું. એક કાકો તો અગાઉ મારા ફ્રેન્ડલિસ્ટમાં હતો, અને ખબર નહીં કયા અંગમાં શેનું દર્દ હશે કે કોઈ કાળે એણે મને અનફ્રેન્ડ કરીને બ્લૉક કરી દીધેલો (ચલો, આ બહાને ખબર પડી!). એણેય આ સ્ટેટસ પોતાના નામે ચડાવેલું. કોઇએ ધ્યાન દોર્યું તો મોદી સાહેબની સ્ટાઇલમાં કહે કે, ‘હું ક્રેડિટ આપતોય નથી ને લેતોય નથી.’ (ઐ શાબાશ! તો આ શું હતું?) બાકીનાઓએ જવાબ આપવાની પણ તસ્દી ન લીધી. આખી ક્વાયતમાં માંડ બેએક વ્યક્તિઓએ સ્ટેટસ ઍડિટ કરીને મારા નામની ક્રેડિટ મૂકી (એમને સલામ!).

– દિવસ ચડતો ગયો તેમ મિત્રો સ્ક્રીનશૉટ્સ મોકલતા ગયા કે, ‘તમારા લખાણને લોકો પોતાના નામે ચડાવીને વાહવાહી બટોરે છે, આ જુઓ.’ પછી તો નૉટિફિકેશન આવે ને ફાળ પડે કે વળી પાછું કોણે તફડાવ્યું? એક બાજુ આપણા સર્જનને બધા આટલું પસંદ કરી રહ્યા છે એનો આનંદ થાય અને બીજી બાજુ એ જ લખાણ બીજાના નામે ચડી ગયેલું જોઇને સરોગેટ મધર જેવો વિષાદ પણ થાય. ફેસબુકમાં જ માત્ર ‘ડિયર મોન્સૂન’ લખીને સર્ચ મારો એટલે જે જે લોકોએ ક્રેડિટ વગર કે પોતાના નામે શૅર કર્યું છે એનો ઢગલો હાજર થઈ જશે! હું સ્ક્રોલ કરતાં કરતાં થાકી ગયો! હવે તો કોઇને કહીએ કે એ લખાણ મારું છે, તોય વિશ્વાસ ન કરે એવી સ્થિતિ છે. આખરે દિવસના અંતે હું રીતસર મનોમન પ્રાર્થના કરવા માંડ્યો કે હવે આ સ્ટેટસ મરે, તદ્દન ઠરી જાય, શૅર થતું બંધ થાય તો સારું. પરંતુ હજી એ સિલસિલો ચાલુ જ છે.

– માન્યું કે વ્હોટ્સએપમાં કોઈ વસ્તુ સતત ફોરવર્ડ થતી હોય એટલે તેના મૂળ સર્જકની માહિતી ન હોય, પણ એ જ વસ્તુ ફેસબુક આણિ પ્લેટફોર્મ પર શૅર કરો ત્યારે તમારા નામે ચડાવી દેવાની? એમાં ‘વાયા વ્હોટ્સએપ’ કે ‘ફોરવર્ડેડ’ન લખી શકાય? અને કોઈ ધ્યાન દોરે, ઑરિજિનલ સર્જકના પુખ્તા સબુત મળે, લેખક પોતે આવીને કહે એ પછીયે ક્રેડિટ નહીં આપવાની? આ તે કેવી હલકાઈ? અને ક્રેડિટ સાથે શૅર કરવા માટે જ તો ફેસબુકમાં ‘શૅર’નું બટન આપ્યું છે. આમ તો નિયમિત વાંચનારાઓને લખાણ કોનું છે તેનો આઇડિયા આવી જ જાય. બીજી બાજુ કોઇએ તે લખાણને પોતાના નામે ચડાવ્યું હોય, ત્યારે પણ લોકો જાણતા હોય કે આ નમૂનો કરિયાણાનું લિસ્ટ બનાવવા બેસે તોય પચાસ ભૂલો કરે છે, એને આવું લખવા માટે અંકે ચોર્યાશી લાખ ફેરા કરવા પડે. તોય કદાચ મેળ ન પડે. પણ શું છે કે વ્હોટ્સએપ-ફેસબુકની માલીપા ‘વાહ વાહ! જોરદાર લાયા બાકી હોં!’ની દાદ દેવાતી હોય, ત્યારે મૂછે તાવ દેવાના તોરમાં ક્રેડિટ-બેડિટની બબાલમાં કોણ પડે?

– કોઇને લાગશે કે, ‘આવી તો રોજની પાંચસો ‘આઇટમો’ મોબાઇલમાં ટપકતી હોય છે; વાંચી, ગમી, શૅર કરી, ભૂલી ગ્યા. એમાં આટલી બબાલ શીદને કરો છો?’ વ્હોટ્સએપ એટસેટરામાં ફરતી વાતોને પરમસત્ય માની લેતા અને ફોરવર્ડ કરનારને તેનો સર્જક માની લેતા ભોળા માનુષોની સામે કોઈ ફરિયાદ નથી. એવા લોકો જ પછી બાવા-બાપુઓના સમારંભોમાં ધક્કામુક્કી કરતા હોય છે. ગુસ્સો પેલા જાગતા મૂતરનારા, પારકા ટેલેન્ટના ખીલે ક્રિએટિવ થવા કૂદકા મારતા લોકો સામે છે.

– સોશ્યલ મીડિયાના આ યુગમાં પબ્લિક ડોમેઇનમાં કોઈ વસ્તુ મૂકો અને પછી પ્લેજરિઝમની ફરિયાદ કરો એ સોનાની લગડી ચાર રસ્તા પર મૂકવા જેવું જ છે, આઈ નૉ. લેકિન કુછ તો ડિસન્સી મંગતા કે નહીં? સિવિક સૅન્સની જેમ, સોશ્યલ મીડિયા સૅન્સ જેવું પણ કંઇક હોય કે નહીં? હું ૧૨ વર્ષથી જર્નલિઝમમાં છું, લગભગ એટલાં જ વર્ષોથી સતત લખતો રહ્યો છું. નોકરીના નામે મારે પણ અંગ્રેજીમાંથી ઉતારા કરવા પડ્યા છે. રોટલા રળવા માટે મેં જેટલું ઘોસ્ટરાઇટિંગ કર્યું છે એટલું તો જરા અમથું ચરકીને હુપાહૂપ કરતા વછેરાઓએ પોતાનાં નામ સાથે પણ નહીં લખ્યું હોય. પણ કાલ્પનિક નામે કે નામ વગર લખવું અને તમારું લખાણ બીજી વ્યક્તિના નામે ચડેલું જોવું એ બંનેમાં હૉલિવૂડની (અનકટ) ‘G’ અને ‘R’ સર્ટિફિકેટવાળી ફિલ્મો જેટલો તફાવત છે. વર્ષો પહેલાં એક લેખકશ્રીએ મારી પાસે આખા પુસ્તકનો અનુવાદ કરાવીને તેને પોતાના નામે છપાવડાવી નાખેલું એ પરિસ્થિતિમાંથી પણ હું પસાર થઈ ચૂક્યો છું, એટલે હવે ઍન્જાઇના પેઇન સ્ટાર્ટ થઈ જાય એવો આઘાત નથી લાગતો. અને મારા માટે આ કંઈ પહેલીવારનું પણ નથી. હમણાં 2015ની દિવાળી વખતે પણ થયેલું અને તે પહેલાં પણ બની ચૂક્યું છે. બસ, જાહેરમાં આવો કકળાટ નથી કાઢ્યો એટલું જ. પણ હા, એટલું તો ખરું જ કે માત્ર ગુનેગારો જ નહીં, હીરો, નેતા, ફિલ્મો, સર્જકો સુદ્ધાંમાં આપણે ઍઝ અ સોસાયટી જેને લાયક હોઇએ એવા જ લોકો આપણા માથે ટિચાય છે.

– બેશક આપણા લખાણને લાઇક મળે, લોકો બિરદાવે એ મને પણ ગમે છે. એટલે જ તો ફેસબુક પર મૂકું છું, નહીંતર લખીને કમ્પ્યુટરની ડી ડ્રાઇવમાં જ સૅવ ન કરી દેતો હોત? પણ પછી લાઇક મળે એટલા ખાતર જ સાવ ‘હું હું’થી ખદબદતી સેલ્ફ ઇન્ડલ્જન્ટ પોસ્ટ નથી મૂકતો, અટેન્શન સીકિંગ માટે દિવસમાં બે વાર DP ચેન્જ કરવાની કે PDAવાળી તસવીરો અપલોડ કરવાની વૃત્તિ પણ ટાળી છે. જો માત્ર લાઇકો ઉઘરાવવાનો જ ઇરાદો હોત તો ચિંતન, મોટિવેશન, કુણી કુણી લાગણીઓનો ઘાણ ઉતારવાનું શરૂ કરી દીધું હોત. મારી કોલમ ‘મૂડ ઇન્ડિગો’ના દિવસોમાં ટ્રાય કરી ચૂક્યો છું. બિલીવ મી, ભયંકર ઇઝી છે અને ગાંઠિયા-ભજિયાંની જેમ જોરદાર ઊપડે છે! પણ બને ત્યાં સુધી મને મારા લેવલ પ્રમાણેની ન લાગે ત્યાં સુધી હું ફેસબુકની પોસ્ટ પણ મૂકતો નથી. અરે, હું ક્યારેય વ્હોટ્સએપિયા/ફોરવર્ડેડ જોક્સ કે વનલાઇનર્સ પણ અપલોડ નથી કરતો. (મારું સીધું અને ક્રિએટિવલી એરોગન્ટ લોજિક છે, કે માર્કેટમાં ફરતા એ સબસ્ટાન્ડર્ડ કચરા કરતાં એટલિસ્ટ એક કરોડ ગણું વધુ ક્રિએટિવ હું જાતે સર્જી શકું છું. પછી બીજાનો કચરો શું કામ ચાટવો?! આઈ બૅક માય ઑન બ્રેડ, ઑલ્વેઝ!) પ્રિન્ટ માટેના એક લેખ કરતાં પણ વધુ મહેનત હું ફેસબુકના સ્ટેટસ માટે કરતો હોઉં છું. મારી કોઇપણ પોસ્ટની ઍડિટ હિસ્ટરી ચૅક કરજો, નાની નાની જોડણીઓ સુધારવા માટે પણ મેં અનેક વખત સ્ટેટસો ઍડિટ કરેલાં છે. દરેક વખતે તમને-વાચકોને મજા પડશે કે નહીં, એ વિચાર પાયામાં હોય જ છે. આ ‘ડિયર મોન્સૂન’વાળા સ્ટેટસની મને (‘છુક છુક ગાડી’વાળી) માત્ર એક લાઇન સૂઝેલી અને પછી લખવાનું સ્ટાર્ટ કર્યું એટલે લેટર સ્ટાઇલમાં ડેવલપ કરવાનો આઇડિયા આવ્યો. મોબાઇલના ટાંચા કીબૉર્ડમાં એ સ્ટેટસ ટાઇપ કરવા માટે મેં આખી સવાર બગાડેલી. લેખક તરીકે મારો એક પ્રોબ્લેમ એ છે કે કોઈ ક્રિએટિવ આઇડિયા આવે, કશુંક સૂઝે અને જો એને કીબૉર્ડ પર ન ઉતારું ત્યાં સુધી ચેન ન પડે. વચ્ચે કોઈ બોલાવે-કામ ચીંધે તોય નહોરિયાં ભરી લેવાની હિંસક ઇચ્છા થઈ આવે (જોકે ભર્યાં નથી હજી. મારા નખ પણ એટલા પાવરફુલ નથી! હા, છણકા જથ્થાબંધ કર્યા છે!). આપણે એવા લોહીઉકાળા કરીને એક લખાણ, પ્યોર ક્રિએટિવ પીસ સર્જ્યો હોય, અને બીજું કોઈ માત્ર એક કમાન્ડથી પોતાના નામે ચડાવી દે, તો જનાબ, યે એક્સેપ્ટેબલ નહીં હૈ!

– પણ શું થઈ શકે? અમુક મિત્રોએ સલાહ આપી કે ઇમેજમાં કન્વર્ટ કરીને પોસ્ટ મૂકો. લોચો એ છે કે હું વનલાઇનર, સુવિચારો, કવિતાઓ કે જોડકણાં મૂકતો નથી, કે સુલેખનની સ્પર્ધાની જેમ ચીપી ચીપીને લખેલા અક્ષરોમાં બાજુમાં ઇન્ડિપેન-ફૂલ મૂકીને કે પછી રંગબેરંગી તસવીરો સાથે ટાઇપ કરીને ઇમેજ અપલોડ કરું. મારાં લખાણ (આ પોસ્ટની જેમ જ!) એનાકોન્ડા છાપ લાંબાં હોય છે, એની ઇમેજ વાંચવા યોગ્ય રહે ખરી? લોકો ક્લિક કરીને વાંચવાની તસ્દી લે ખરા? સ્ટેટસ કૉપી કરતી વખતે કોન્શિયસ બાઇટ કરે (યુ નૉ, ધેટ સિલી થિંગ કૉલ્ડ અંતરાત્મા?!) એટલે નીચે કૉપીરાઇટનો સિમ્બોલ [©] મૂકવાનું પણ સ્ટાર્ટ કરેલું. હવે વેબસાઇટો પણ દરેક આર્ટિકલની નીચે ડિસ્ક્લેમર મૂકે છે કે આ પીસ તમે સૌથી પહેલાં અહીં વાંચ્યો છે. પરંતુ એટલો ‘કચરો’ ડિલીટ કરતાં કેટલી વાર લાગે?! તો ફિર કિયા ક્યા જાયે?

– આવા બનાવો પછી એવું સ્મશાન વૈરાગ્ય પણ થઈ આવે કે આના કરતાં તો કંઈ મૂકવું જ નહીં. આમેય પાઈની પેદાશ નહીં, ને ઘડીની નવરાશ નહીં. આ કંઈ આપણી કોલમ તો છે નહીં, અને ઝકરભાઉને ત્યાંથી મહિને દહાડે ચૅક પણ આવવાનો નથી કે, ‘લો આ ડૉલરિયો ચૅક. સિલિકોન વૅલી લેખક મંડળ આપલા આભારી આહે!’ ઘણા સિનિયર મિત્રોએ ભૂતકાળમાં એવી જૅન્યુઇન સલાહ પણ આપી છે કે આવી સોનાની ક્રિએટિવ જાળ સોશ્યલ મીડિયાનાં પાણીમાં ન નખાય. પણ સામે પક્ષે એવુંય થાય કે હજી ‘એન્ગ્રી બર્ડ્સ’, ‘દો લફ્ઝોં કી કહાની’, ‘કન્જુરિંગ-2’થી લઇને કેટલીયે ફિલ્મો વિશે, હમણાં વાંચેલી બુક્સ-મસ્ત આર્ટિકલ્સ-ઇન્ટરવ્યૂઝ વિશે, મજા પડી છે એ રેસ્ટોરાં વિશે તો લખ્યું જ નથી!

– તો ફિર કિયા ક્યા જાયે?!
‘અરે ભાઈ જુગલ, કોઈ કરે તો ક્યા કરે?!’

P.S. મારું આ લખાણ વ્હોટ્સએપ-ફેસબુકમાં બીજાના નામે ચડી ગયેલું જોઇને તેમનું ધ્યાન દોરનારા, મને જાણ કરનારા મિત્રો, સહૃદયીઓ, શુભચિંતકોને દિલી સલામ. વિનયભાઈ (દવે), સ્પેશ્યલ સ્ટેટસ મૂકવા બદલ મૅની મૅની થેન્ક્સ. આપ સૌનો આવો નિઃસ્વાર્થ પ્રેમ જ ફેસબુકની માલીપા લખતા રાખે છે.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements