હાઉસફુલ-૩

કોલમઃ ફિલ્મ રિવ્યૂ

હેડિંગઃ પેઇનફુલ

ઇન્ટ્રોઃ આ ફિલ્મનું નામ ‘પેઇનફુલ’ જ હોવું જોઇતું હતું, કેમ કે જોયા પછી માથું, કાન, આંખો ઇવન વાળમાં પણ દુખાવો થવા માંડે છે, એ પણ ત્રણ ગણો.

‘પ્રેમ અને જંગમાં બધું જ ચાલે’ એ કહેવતમાં હવે એક ઉમેરો કરવાની જરૂર છે, તે છે ફુવડ કોમેડી. સાજિદ નામધારી ફિલ્મમૅકરોcheck-out-the-ensemble-cast-in-the-brand-new-posters-of-housefull-3-22, પછી તે સાજિદ ખાન હોય, સાજિદ નડિયાદવાલા હોય કે પછી સાજિદ-ફરહાદ હોય, તે એકવાર જિદ્દ લઇને બેસે કે લોકોનું જે થવાનું હોય તે થાય, આપણે તો હસાવીને જ છૂટકો કરવાના. બસ, પછી ‘હાઉસફુલ-૩’ જેવી ફિલ્મોનું જ ઉત્પાદન થાય. એટલે આ ફિલ્મનું ટ્રેલર જોયા પછીયે જો તમને ઍડવેન્ચર સ્પોર્ટ તરીકે તે જોવાના અભરખા થતા હોય, તો ટિકિટ ખરીદતાં પહેલાં આટલી વસ્તુઓ ચૅક કરી લેજોઃ કાનમાં નાખવાનાં રૂનાં પૂમડાં, માથાના દુખાવાની ગોળી અને તમારી મૅડિક્લેઇમ કે લાઇફ ઇન્સ્યોરન્સ પૉલિ
સી. સલામતી ખાતર હૅલમેટ પહેરીને ફિલ્મ જોશો તો બચવાના ચાન્સીસ વધી જશે. થોડાઘણા વાળ પણ શહીદ થતા બચી જશે.

લોઢાના લાડુ

લંડનની માલીપા ત્રણ વાંઢી કન્યાઓના એક ગુજરાતી બાપ બટૂક પટેલ (બમન ઇરાની) રહે છે. થેમ્સ નદીને કાંઠે રહેતી એમની ત્રણ દીકરીઓ ગંગા (જૅકલિન ફર્નાન્ડીઝ), જમના (લિઝા હૅડન) અને સરસ્વતી (નરગિસ ફખરી)નાં જોબનિયાં બે કાંઠે ઉછાળાં મારે છે. પરંતુ ખમણ ખાતા પિતાના ખોળિયામાં એક વહેમનો ખીલો ખોડાયેલો છે કે જો દીકરીઓનાં લગ્ન થશે તો તરત જ એમનાં ચૂડી-ચાંલ્લા ભાંગશે. લેકિન દીકરીઓએ તો ઑલરેડી ત્રણ મરદ મૂછમૂંડાઓને દલડાં દઈ દીધાં છે. બાપાની ટેક પૂરી કરવા એ ત્રણેય ભાયડાઓ સૅન્ડી (અક્ષય કુમાર), ટેડી (રિતેશ દેશમુખ) અને બન્ટી (અભિષેક બચ્ચન)ને અનુક્રમે વ્હીલચેર ગ્રસ્ત, અંધ અને મૂક બનાવીને ઢોકળા પટેલની સામે પેશ કરે છે. ઢોકળા પપ્પા એમનો ટેસ્ટ લઇને પાસ તો કરે જ છે, પરંતુ ક્યાંકથી ત્રણ વિલન અને મુંબઈના એક રિટાયર્ડ ડૉન ઊર્જા નાગરે (જૅકી શ્રોફ) ફૂટી નીકળે છે. દિમાગ બહારવટે ચડી જાય એવો ટ્વિસ્ટ આવે છે અને ભડાકે દઈ દેવાનું મન થાય એવી ભાંજગડ સાથે ફિલ્મનો ફાઇનલી અંત આવે છે.

ભાંગી નાખો, તોડી નાખો, ભુક્કો કરી નાખો

સામાન્ય રીતે ફિલ્મોમાં પહેલાં પાત્રો નક્કી થાય, એ પછી તે કેવી રીતે વર્તશે તે નક્કી થાય. અહીં છપ્પન વ્હોટ્સએપ ગ્રૂપોના ઍડમિન જેવા સાજિદ-ફરહાદે પોતાના મોબાઇલ ફોનમાં વહેતા જોક્સને આધારે પાત્રો તૈયાર કર્યાં છે. જેમ કે, લંડનમાં જ મોટી થઈ હોવા છતાં ત્રણેય હિરોઇનો તમામ અંગ્રેજી વાક્યોનું હિન્દી ટ્રાન્સલેશન કરે છે. ‘હમ લોગ બચ્ચે નહીં બના રહે’ મતલબ કે ‘વી આર નૉટ કિડિંગ’, ‘બાહર લટકતે હૈં’ યાને કે ‘હૅન્ગ આઉટ’, ‘સાંઢ કી આંખ માર દી’ એટલે ‘હિટ ધ બુલ્ઝ આઈ.’ જો તમને આમાં હસવું ન આવ્યું હોય, તો ડૉન્ટ વરી. કન્યાઓના પપ્પાના જોક્સ ટ્રાય કરો. એ બિચારા આજે પણ ત્રણ વર્ષ પહેલાંના જોક્સમાં અટકેલા છેઃ ‘આદમી સીધા હોના ચાહિયે, ઉલ્ટા તો તારક મહેતા કા ચશ્માં ભી હૈ’, ‘સંસ્કાર બડે હોને ચાહિયે, છોટા તો ભીમ ભી હૈ’… વળી, ડિરેક્ટરો કેવા સારા કે આમાંથી અમુક જોક્સ એમને કદાચ હાઈ લેવલના લાગ્યા હશે એટલે એને સમજાવ્યા પણ છે.

શું કહ્યું, આ જોક્સ સાંભળેલા છે? તો એમાં ગભરાઈ શું ગયા, સાજિદ-ફરહાદના મોબાઇલમાં 256 GB ભરીને જોક્સ છે. એમાંથી નીકળેલો રીતેશ દેશમુખ હિન્દી શબ્દો બોલવામાં લોચો મારે છે, એટલે બિચારો ‘વિરોધ’ને ‘નિરોધ’, ‘વાઇફ’ને ‘તવાયફ’, ‘હિસાબ’ને ‘પિશાબ’ એવું બધું કહી બેસે છે. બફૂનરીનો ખિલાડી અક્ષય કુમાર અહીં સ્પ્લિટ પર્સનાલિટીનો રોગી છે, ‘ઇન્ડિયન’ શબ્દ સાંભળતાં જ સૅન્ડીમાંથી ‘સુન્ડી’ થઇને ગાંડા કાઢવા માંડે છે. પાછળથી એન્ટ્રી મારતા ભીડુ જગ્ગુદાદા ‘ATM’ યાને કે ‘આજ તુઝે મારુંગા’ ટાઇપના જનરલ નૉલેજ વધારે એવા જોક્સ કરે છે. આ ગિર્દીમાં ચન્કી પાન્ડે પણ છે, જેમનું નામ છે ‘આખરી પાસ્તા.’

જો એક વખત પણ તમને વિચાર આવ્યો હોય કે આ શું ફુવડગીરી છે? તો હોલ્ડ ઑન, આ ફિલ્મમાં આ ઉપરાંત પણ રેસિસ્ટ, હોમોફોબિક, પોટી હ્યુમર, વિકલાંગો પરની મજાક જેવી જેના ઘરમાં દીકરી ન દેવાય એવી કોમેડી પણ છે. જેમ કે, ઘરની નોકરો બ્લેક સ્ત્રીઓ હોય અને એમની સાથે વિલન લોકોનો બળજબરીથી સૅક્સ કરાવી દેવાય. યુ નૉ, જસ્ટ ફોર ફન. ઇન્ડિયન છોકરાને સિંગલ સ્ક્રીન કહેવાય અને વિદેશી છોકરાને મલ્ટિપ્લેક્સ. જોઈ ન શકતી વ્યક્તિને ‘કાનૂન’ કહેવાય, કેમ કે યુ નૉ ‘અંધા કાનૂન.’

આ કમ્પ્લિટ ભવાડાપન્તીમાં કલાકારો જ્યારે પોતાના પર જ જૉક કરે છે ત્યારે હસવું આવે છે. અક્ષય પોતાની દેશભક્તિવાળી ફિલ્મોની ખિલ્લી ઉડાવે, રિતેશ જેનેલિયાને વચ્ચે લાવે, અભિષેક પપ્પા બિગબી અને પત્ની ઐશ્વર્યાના ટેકે કોમેડી કરે, ત્યારે બાય ગૉડ દિલના ચમનમાં મૅટા હ્યુમરની બહાર આવી જાય છે.

અક્ષય અને રિતેશને તો જાણે દર થોડા ટાઇમે આવી ગાંડીઘેલી ફિલ્મો કરવાનો અટૅક આવે છે, એટલે એનું તો સમજાય. પરંતુ અભિષેકને બિચારાને ટાઇમપાસ કરવા માટે કંઇક તો જોઇએ ને? (બધા કામે ગયા હોય તો ઘરે એકલો માણસ કરે શું? હવે તો દીકરી પણ સ્કૂલે જતી હશે.) એટલે આ ફિલ્મમાં એ પણ નાના બાબાને પરાણે વાળ કપાવવા બેસાડ્યો હોય એવું મોઢું કરીને ઍક્ટિંગ કરે છે. બમન ઇરાની ગુજરાતી બન્યા છે, પણ સુરતી પારસી જેવું કંઇક બોલે છે, પરંતુ સરવાળે તો ઘોંઘાટમાં વધારો જ કરે છે. ત્રણ હિરોઇનોનું ‘મૅડમ તુસ્સો’ના વૅક્સ મ્યુઝિયમ સાથે કંઇક કનેક્શન છે એટલે એ પૂતળાં પણ બનાવી જાણે છે. પરંતુ બિલીવ મી, કેટલાય સીનમાં ત્રણેય હિરોઇનો અને એ વૅક્સ સ્ટેચ્યુ વચ્ચેનો ફરક જ ખબર નથી પડતો. એકમાત્ર જૅકીભાઈની દાદાગીરી જોવી ગમે છે. આ બધા ભેગા મળીને આપણને હસાવવા માટે એટલા બધા ધમપછાડા કરે છે ક્યારેક આપણે જીવદયાથી પ્રેરાઇને પણ હસી પડીએ.

ડાયલોગ અને કહેવાતી સ્લૅપસ્ટિક કોમેડીનો ત્રાસ ઓછો હોય એમ આ ફિલ્મમાં ગીતોય છે. ગીતો પણ કેવાં, તો કહે ‘પ્યાર કી માં કી’ અને ‘ટાંગ ઉઠા કે.’ કોઇએ જોડો ઉઠા કે કેમ માર્યો નથી હજી એ જ સવાલ છે.

ખબર નહીં, ગુજરાતીઓને આવી ચક્કરબત્તી ફિલ્મો વધારે ગમે છે કે કેમ, પરંતુ આ ફિલ્મમાં એક લાંબો સીન ગુજરાતીમાં છે. જેમાં બધા કલાકારો ગુજરાતીમાં ભરડે છે. આશા રાખીએ કે આવી કોઈ ફિલ્મ એ લોકો ગુજરાતીમાં ન બનાવવાના હોય.

કમ્પ્લિટ નોનસેન્સ

સીધી વાત છે ‘AIB રૉસ્ટ’ જોવા ગયા હોઇએ ત્યાં સંસ્કારી કોમેડીની આશા ન રખાય, પરંતુ આ તન્મય ભટના લેટેસ્ટ ‘લતાજી-સચિન’વાળા વીડિયો જેવી ભંગાર કોમેડી છે. જો તમને આવી સડકછાપ કોમેડી ગમતી હોય અથવા તો તમારા દિમાગની કૅપેસિટી પર પૂરો વિશ્વાસ હોય, તો ઑલ ધ બેસ્ટ. બાકી ભલે તમે આમાંથી કોઈ સ્ટારના ફૅન હો, તેમ છતાં આ ‘હાઉસફુલ-૩’ જોવાનું જોખમ લેવા જેવું નથી. એના કરતાં જૂની ચાર્લી ચૅપ્લિન, બસ્ટર કીટન કે ઇવન ટૉમ એન્ડ જૅરીની ફિલ્મો જોઈ નાખો એ હજાર દરજ્જે બહેતર ઑપ્શન છે. આ ‘હાઉસફુલ-૩’ આખી ફિલ્મ કરતાં છેલ્લે આવતી ગૅગરીલ વધારે ફની છે, પણ એ જોવા માટે તમારે આખી ફિલ્મ જોવી પડશે. છોડો ત્યારે.

રેટિંગઃ * (એક સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

હેપી ન્યૂ યર

શાહરુખ શાહરુખ હોતા હૈ!

***

ત્રણ કલાકની તોતિંગ લંબાઈ ધરાવતી આ ફિલ્મમાં કશું જ નવું નથી, છતાં રજાઓમાં મજા કરાવે એવી ફિલ્મ તો છે જ.

***

10547243_10152631255869596_9046159849784897034_oચોરીની વાર્તાઓમાં એક ‘હાઇસ્ટ’ (Heist) નામનો કથાપ્રકાર છે, જેમાં એક ગુંડાટોળકી ચોરીનો કાંડ કરવા માટે ભેગી મળે, ચોરીનું પ્લાનિંગ કરે અને પછી ચોરીનું ઓપરેશન પાર પાડે. શાહરુખની ફારાહ ખાને ડિરેક્ટ કરેલી લેટેસ્ટ ફિલ્મ ‘હેપ્પી ન્યૂ યર’ આવી જ એક હાઇસ્ટ ફિલ્મ છે. યકીન માનો, આ ફિલ્મમાં સમ ખાવા પૂરતું એક પણ એલિમેન્ટ નવું નથી, તેમ છતાં આ ફિલ્મ પરફેક્ટ દિવાલી એન્ટરટેનર છે.

મ્યુઝિકલ ચોરી

સ્ટાઇલથી ફાટ ફાટ થતો ચંદ્રમોહન શર્મા ઉર્ફ ચાર્લી (શાહરુખ ખાન) એઇટ પેક એબ્સ બનાવીને ચરન ગ્રોવર (જેકી શ્રોફ) નામના માણસની પાછળ પડ્યો છે. શાહરુખનું ટાર્ગેટ છે કે એ ગમે તે ભોગે એ ગ્રોવરની  ગેમ ઓવર કરી નાખવી. ત્યાં એને ખબર પડે છે કે એ ગ્રોવર એક પાર્ટીના ત્રણસો કરોડ રૂપિયાની કિંમતના હીરા દુબઈ ખાતે લાવવાનો છે. જે દિવસે એ હીરા ત્યાં આવશે એ જ દિવસે એક ડાન્સ કોમ્પિટિશન પણ છે. એટલે શાહરુખભાઈ નક્કી કરે છે કે આપણે ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લેવો અને સાથોસાથ એ હીરા પણ સફાચટ કરી લેવા. હવે આ કામ એકલાથી તો થાય નહીં. એટલે એ જેક (સોનુ સૂદ), ટૅમી (બમન ઇરાની), નંદુ ભીડે (અભિષેક બચ્ચન) અને એક કમ્પ્યુટર હેકર રોહન (વિવાન શાહ)ની મદદ લે છે.

પરંતુ આ પાંચેય જણા નાચે તો સાંઢિયો કૂદતો હોય એવું લાગે. એટલે એમને ડાન્સ શીખવવા માટે એક બાર ડાન્સર મોહિની જોશી (દીપિકા પદુકોણ)ની મદદ લેવાય છે. આ છ જણાની ટીમ ભારતમાંથી સિલેક્ટ થઈને ફાઇનલ રાઉન્ડ માટે દુબઈ પહોંચે છે અને ત્યાં હીરાની ચોરીનું પરાક્રમ અમલમાં મૂકે છે.

એક મિનિટ, પણ આ ચાર્લી પેલા ગ્રોવરની પાછળ શું કામ પડ્યો છે? અને બાકીના લોકો પણ એની સાથે શા માટે જોડાય છે? અને સૌથી મોટો સવાલ, એ લોકો સફળ થશે? વેલ, હવે એ માટે તો તમારે આખી ફિલ્મ જ જોવી પડે, અેમાં અમે કશું જ ન કરી શકીએ!

શાહરુખ શૉ

શાહરુખ ખાન માટે એક સનાતન ફરિયાદ એવી છે કે એ કોઈ પણ ફિલ્મમાં શાહરુખ જ હોય છે. મતલબ કે એ ઇરફાન કે આમિરની જેમ પોતાના પાત્રમાં ડૂબી જવાને બદલે પોતે શાહરુખ-ધ સુપરસ્ટાર તરીકે જ વર્તતો હોય છે. અગાઉ ચેન્નઈ એક્સપ્રેસમાં પણ એવું જ હતું અને અહીં હેપ્પી ન્યૂ યરમાં પણ એવું જ થયું છે. શાહરુખ પોતે પોતાની અગાઉની ફિલ્મોના જ ડાયલોગ્સ બોલે છે અને એનો એ જ જૂનો બે હાથ પહોળા કરવાનો ટ્રેડમાર્ક ડાન્સ કરે છે.  ફારાહ ખાને પણ શાહરુખની સુપરસ્ટાર ઇમેજને વટાવવામાં કોઈ કસર છોડી નથી.

ફેમિલી એન્ટરટેનર

અમુક ઠેકાણે ગાલીપ્રયોગને બાદ કરતાં આ ફિલ્મ તહેવારો માટે શ્યોર શોટ ફેમિલી એન્ટરટેનર ફિલ્મ છે. પરંતુ બીજા પોઇન્ટ ઓફ વ્યૂથી પણ આ ફિલ્મને ફેમિલીની વ્યાખ્યામાં મૂકવી પડે એવું છે. એક તો આ ફિલ્મનું પ્રોડક્શન શાહરુખની કંપની રેડ ચિલીઝે અને શાહરુખની પત્ની ગૌરીએ સંભાળ્યું છે. ફારાહ ખાન સાથે શાહરુખ આણિ મંડળીને ફેમિલી જેવા સંબંધો છે. ફિલ્મમાં પણ સાજિદ ખાન પોતે દેખા દે છે. અરે, માત્ર સાજિદ જ નહીં, શાહરુખનો સૌથી નાનો ટેણિયો દીકરો અબરામ અને ફારાહ ખાનનાં ટ્રિપલેટ્સ સંતાનો પણ પડદા પર આંટાં મારી જાય છે. આ ઉપરાંત હેપ્પી ન્યૂ યરના જથ્થાબંધ મહેમાન કલાકારોમાં ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ, સંગીતકાર વિશાલ દદલાણી, મલાઇકા અરોરા, પ્રભુ દેવા, અનુપમ ખેર, ડીનો મોરિયા, કોરિયોગ્રાફર ગીતા કપૂર, ડેઇઝી ઇરાની, એન્કર્સ વિશાલ મલ્હોત્રા અને લોલા કુટ્ટી… ઉફ્ફ ગણતાં થાકો એટલાં મહેમાન કલાકારો છે ફિલ્મમાં. હવે એમાં એવું છે કે ફારાહ ખાન આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પોતાનું ફેમિલ જ ગણે છે. એટલે એ બંને ભાઈ-બહેન પોતાની ફિલ્મોમાં ગમે તેની મજાક ઉડાવતાં ફરે છે. આ વખતે એમણે પીઢ કોરિયોગ્રાફર સરોજ ખાનની મજાક ઉડાવીને લોકોનું લાફ્ટર ઉસેટવાનો પ્રયત્ન કર્યો છે. હા, આ ફિલ્મમાં અન્ય ફિલ્મોના એટલા બધા સંદર્ભો છે કે તમે શોધી શકો તો એ મજા તમારી.

હેપ્પી બાતેં

શરૂઆતથી છેક છેલ્લે સુધી આ ફિલ્મ હળવો ટોન જાળવી રાખે છે. દરેક પાત્રની આગવી લાક્ષણિકતાઓ ફારાહે બખૂબી ઉપસાવી છે. જેમ કે, સોનુ સૂદ એક કાને બહેરો છે અને માનું નામ સાંભળીને ઇમોશનલ થઈ જાય છે. મોહિની એટલે કે દીપિકા પદુકોણ કોઇને ઇંગ્લિશ બોલતાં સાંભળીને એના પર ઓવારી જાય છે. બમન તાળાં ખોલવામાં માસ્ટર છે, પણ એની મમ્મીથી ડરે છે અને એની થેલીમાંથી એ કંઈ પણ વસ્તુ કાઢી શકે છે. ઇન ફેક્ટ, આ ફિલ્મનું સૌથી ધારદાર પરફોર્મન્સ બમન ઈરાનીનું જ છે. લોકોને એન્ટરટેઇન કરવા માટે એને એઇટ પેક એબ્સ બનાવવાની કે કપડાં ઉતારવાની પણ જરૂર પડી નથી. એ માત્ર પોતાની એક્ટિંગથી જ આ કામ કરી બતાવે છે.

અમુક અમુક કોમેડી સીન્સ ખરેખર સારા બન્યા છે. જેમ કે, એક સીનમાં દીપિકા શાહરુખની ચક દે ઇન્ડિયાવાળી સ્પીચ આપે છે, બીજા એક સીનમાં છએ છ પાત્રો એક જ લિફ્ટમાં ભરાઇને કશું બોલ્યાં વગર માત્ર વિચારીને જ એકબીજાં સાથે જીભાજોડી કરે છે, ‘નોનસેન્સ કી નાઇટ’ ગીતનું અનોખું પિક્ચરાઇઝેશન વગેરે. અરે એકે સીનમાં તો મોદીસાહેબ (અલબત્ત ડુપ્લિકેટ તરીકે) પણ દેખાય છે! સારી સિનેમેટોગ્રાફી અને દુબઈદર્શનને કારણે હવે દુબઈ જનારા ભારતીયોમાં ઓર વધારો થવાનો.

સૅડ બાતેં

અત્યારના ફાસ્ટ જમાનામાં ત્રણ કલાકની તોતિંગ લંબાઈ અસહ્ય પુરવાર થઈ પડે છે. અમુક બિનજરૂરી ફાઇટિંગ, ગીતો વગેરે કાપી નખાયાં હોત તો ફિલ્મ હજી ચુસ્ત બની શકી હોત. પહેલા પોણા કલાક સુધી તો બધાં પાત્રોનો પરિચયવિધિ જ ચાલ્યા કરે છે. અરે, ખુદ દીપિકા પદુકોણની એન્ટ્રી પણ ખાસ્સા એક કલાક પછી થાય છે. એ પછી છેક મૂળ વાર્તાનાં મંડાણ થાય છે. વળી, આગળ કહ્યું એમ આ ફિલ્મમાં કશું જ નવું નથી. ઉપરથી આખી સ્ટોરી એટલી પ્રીડિક્ટેબલ છે કે આપણે અનુમાન લગાવતાં જઇએ અને તેવું જ બનતું જાય. વળી, આપણને થાય કે શાહરુખ એટલો બધો સેલ્ફ ઓબ્સેસ્ડ હશે કે દરેક ફિલ્મમાં એને પોતાની  જાતને જ રિપીટ કરવી પડે? અને જો ફિલ્મમાં લોજિક શોધવા ગયા તો દિમાગને ભડાકે દેવાનું મન થઈ આવે. જાણે ફ્રિજમાંથી આઇસક્રીમનો કપ કાઢવાનો હોય એ રીતે નાચતાં નાચતાં હીરા ચોરી લાવવાનું આખું ઓપરેશન તદ્દન ચાઇલ્ડિશ લાગે છે. વચ્ચે વચ્ચે આપણને એવું પણ થાય કે આ ફિલ્મ તો ‘ધૂમ થ્રી’ જોતા હોઇએ એવી કેમ લાગે છે? અને હા, અનુરાગ કશ્યપ અને વિશાલ દદલાણીએ સસ્તા ગે જોક્સ કરવાનું કેમ સ્વીકાર્યું હશે?

મનવા લાગે અને ઇન્ડિયાવાલે ગીતો કંઇક સહ્ય છે, બાકીનાં ગીતો તો ફિલ્મને લાંબી કરવા સિવાય કશા ખપનાં નથી.

શાહરુખ કે નામ પર

આમ તો શાહરુખ ખાનના ભક્તો તો કોઇપણ ભોગે આ ફિલ્મ જોવા ધસી જ જવાના છે. પરંતુ જેમને પૈસા ખર્ચવા કે નહીં તેની અવઢવ હોય એમને એટલું તો કહી શકાય કે ભયંકર લાંબી હોવા છતાં આ ફિલ્મ સાવ ‘હથોડો’ની કેટેગરીમાં મૂકી શકાય એવી નથી. બલકે બચ્ચાંલોગને તો મજા પડે એવી છે. જો પેલી ગંદી ગાળો ન નાખી હોત તો બાળકોને લઈ જવામાં જરાય કચવાટ ન થાત. અને હા, ફિલ્મ પૂરી થયા પછી છેલ્લા ગીત માટે બેસી રહેજો. ફારાહ ખાને એની સ્ટાઇલ પ્રમાણેના અનોખાં એન્ડ ક્રેડિટ્સ અહીં પણ મૂક્યાં છે.

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

એન્ટરટેનમેન્ટ

એન્ટરટેનમેન્ટ કે લિયે કુછ ભી કરેગા!

*** 

જો દિમાગને ડીપ ફ્રીજમાં મૂકવાનો વાંધો ન હોય, તો આ ફિલ્મ ટાઇમપાસ ફેમિલી વીક એન્ડ એન્ટરટેનમેન્ટ બની શકે તેવી છે.

***

04-its-entertainmentએવી એક સનાતન (અને વાજબી) ફરિયાદ છે કે આપણે ત્યાં બાળકોની ફિલ્મો બનતી નથી. એક્ચ્યુઅલી, આપણે ભારતીયો કરકસરિયા સ્વભાવના છીએ એટલે બાળકો માટે સ્પેશિયલી અલાયદી ફિલ્મો બનાવવાને બદલે મોટાઓની ફિલ્મો જ એવી બાલિશ બનાવીએ છીએ કે જેથી તેમાં મોટાઓની સાથોસાથ બાળકોને પણ એટલી જ મજા પડે. વન્ડર ડોગ ‘જુનિયર’ ઉર્ફ ‘એન્ટરટેનમેન્ટ’ને ચમકાવતી આ ફિલ્મ જોવા માટે બચ્ચાલોગ તો મમ્મી-પપ્પાલોગને થિયેટર સુધી ખેંચી જ લાવવાના છે, પરંતુ પેરેન્ટ્સલોગને પણ એન્જોયમેન્ટ મળી રહે એટલે ફિલ્મમાં અક્ષયકુમાર આણિ સિનિયર મંડળી પણ છે.

હર કુત્તે કા દિન આતા હૈ

અખિલ લોખંડે (અક્ષય કુમાર) એક નંબરનો કડકો બાલુસ માણુસ છે, જે નાનાં મોટાં કામ કરીને ફાઇવસ્ટાર હોસ્પિટલની ખટિયા પર પડેલા એના પિતાનો ઈલાજ કરે છે. પાર્ટટાઇમમાં એ સફેદી કી ચમકાર જેવી સોપ ઓપેરાની એક્ટ્રેસ એવી સાક્ષી (તમન્ના ભાટિયા) સાથે ઈલુ ઈલુ કરે છે. પરંતુ જ્યારે લગ્નની વાત આવે છે, ત્યારે સાક્ષીના પપ્પા (મિથુન ચક્રવર્તી) આલોકનાથમાંથી અમરીશ પુરી બની જાય છે, અને કહે છે કે તારા જેવા કડકા સાથે મારી દીકરી ન પરણાવું. મારા જમાઈ બનવું હોય તો બિલ ગેટ્સ જેટલા પૈસા કમાઈને લાવ.

 

ત્યાં જ અક્ષય કુમારને ખબર પડે છે કે હકીકતમાં તો એ બેંગકોકના મશહુર ઝવેરી પન્નાલાલ જોહરી (દલીપ તાહિલ)નો ડીએનએ છે, એટલે કે ડેડી કી નાજાયઝ ઔલાદ છે. બરાબર એ જ વખતે પન્નાલાલ પોતાની ત્રણ હજાર કરોડની જાયદાદ એમના વફાદાર કૂતરા એન્ટરટેનમેન્ટ (જૂનિયર – ધ વન્ડર ડોગ)ના નામે કરીને આ દુનિયામાંથી કલ્ટી થઈ જાય છે. બસ, એ જાયદાદ મેળવવા માટે અક્કી બેંગકોક જઈને કુત્તાને રાસ્તામાંથી હટાવવાની કોશિશ શરૂ કરી દે છે. પરંતુ કૂતરો ડેઢ શાણો છે, એ દર વખતે બચી જાય છે.

 

વળી, આ કહાનીમાં બીજો ટ્વિસ્ટ આવે છે. પન્નાલાલના બે બદમાશ કઝિન્સ કરણ (પ્રકાશ રાજ) અને અર્જુન (સોનુ સૂદ) બેંગકોકની જેલમાંથી સજા કાપીને બહાર નીકળે છે. એમનું કહેવું છે કે કઝિન હોવાને નાતે એ જાયદાદ એમને મળવી જોઇએ. એટલે અક્કી કુત્તે કે પીછે, ઔર કઝિન્સ અક્કી કે પીછે,  લાસ્ટ મેં કુત્તા ઔર અક્કી દોનો કઝિન્સ કે પીછે… ટૂ મચ ફન!

બાઉ વાઉ, દિમાગ કો સાથ મેં મત લાઓ!

આમ તો ટ્રેલર્સ જોઇને જ ખબર પડી જાય છે કે આ ફિલ્મ જોવા માટે દિમાગને સ્લીપિંગ મોડમાં મૂકીને જવાનું છે. કેમ કે દિમાગ લઈને સાજિદ ખાનની ફિલ્મ હમશકલ્સ જોવા ગયેલા લોકો ભારોભાર પસ્તાયેલા, જ્યારે આ ફિલ્મ તો સાજિદ ખાનની બે ફિલ્મો લખી ચૂકેલા ભાઈઓ સાજિદ-ફરહાદની છે. સાજિદ ખાનને જેમ પોતાની ફિલ્મોમાં પીજે (પૂઅર જોક્સ) ઘુસાડવાનો શોખ છે, એ જ રીતે આ સાજિદ-ફરહાદે પણ પોતાની અગાઉની ફિલ્મો (ગોલમાલ2-3, સિંઘમ, ચેન્નઈ એક્સપ્રેસ વગેરે)ની જેમ ચાર હાથે પીજે ઠપકાર્યા છે. સેમ્પલ તરીકે આ જુઓ, અક્ષયકુમારનો દોસ્તાર જુગનુ (કૃષ્ણા) વીડિયો લાઇબ્રેરી ચલાવે છે, જેનું નામ છે, ‘મેરે પાસ સિને-મા હૈ!’ અને એ બધા જ ડાયલોગ્સ ફિલ્મો અને ફિલ્મસ્ટાર્સનાં નામવાળાં જ બોલે છે. મતલબ કે ‘આઈ રજનીકાંટ બિલીવ ઈટ’,  ‘એક બાર ગિરા તો ઈસકી અનુપમ ખેર નહીં!’ વગેરે.

ટેક્નિકલી જોવા જઇએ તો આ ફિલ્મ ફુવડ-સ્લેપસ્ટિક કોમેડીથી ભરપુર છે, જેમાં લગભગ કશું જ અનએક્સ્પેક્ટેડ કે શોકિંગ બનતું નથી. ફિલ્મમાં અક્ષય કુમાર કૂતરા સાથે વાતો કરે છે, કૂતરાની આંખમાંથી આંસુ નીકળી આવે છે, કૂતરા મલ્ટિપ્લેક્સમાં શોલે જોવા જાય છે, હિરોઇનનો બાપ પોતાની દીકરીને કૂતરા સાથે લગ્ન કરવાની સલાહ આપે છે, બંને વિલન વાતેવાતે ઈમોશનલ થઈ જાય છે અને આવું તો ઘણું બધું છે જેને લોજિક સાથે કશી જ લેવાદેવા નથી. ફિલ્મના ડાયલોગ્સ લખતી વખતે જોક્સ ખૂટી પડ્યા હશે, એટલે સાજિદ-ફરહાદે વર્ષો જૂના ચવાયેલા જોક્સ પણ ઠપકારી દીધા છે. અરે, જૂની હિન્દી ફિલ્મ ‘પ્યાર કિયે જા’નો મહેમૂદ-ઓમપ્રકાશવાળો સીન પણ બેઠ્ઠો મૂકી દેવાયો છે. પરંતુ આ બધાનો સરવાળો કરો, તો લગભગ અઢી કલાકની આ ફિલ્મ હસાવે છે, વચ્ચે જરા ઢીલી પણ પડે છે, પરંતુ કંટાળો તો જરાય આપતી નથી.

એક્શનવેક્શન કર લો જી!

મજાની વાત એ છે કે લોકોને થિયેટર સુધી ખેંચી લાવવા માટે અહીં હીરો અક્ષયકુમાર છે, પણ સૌથી વધુ લાફ્ટર ઉઘરાવી જાય છે, કૃષ્ણા, જ્હોની લિવર, પ્રકાશરાજ અને ક્યુટ ડોગી એન્ટરટેનમેન્ટ. આ ઉપરાંત ફિલ્મમાં પોણો ડઝન જેટલા મહેમાન કલાકારો છે, જે ખાલી એકએક સીનમાં હાઉકલી કરીને જતા રહે છે. અરે હા, ફિલ્મમાં રૂડીરૂપાળી હિરોઇન તમન્ના ભાટિયા પણ છે, પરંતુ એ બિચારી કરતાં ફિલ્મમાં પેલા ડોગીના સીન વધારે છે!  એક્ટિંગની બાબતમાં પણ એવું જ છે. તમન્ના કરતાં પેલો ડોગી વધારે વિવિધતાવાળાં એક્સપ્રેશન્સ આપે છે. અને નોટ ટુ ફર્ગેટ, પ્રકાશરાજ. આ માણસ ગજબ એક્ટર છે. એ જેટલી સ્વાભાવિકતાથી વિલનગીરી કરી શકે છે એટલી જ સહજતાથી લોકોને હસાવી પણ શકે છે.

ડોગી લોકોને સૂસૂ લાગે, તો એ લોકો થાંભલો શોધે. જ્યારે આપણી ફિલ્મોમાં પણ લોકોની આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જરૂર હોય કે ન હોય, વચ્ચે વચ્ચે ગીતો મૂકવામાં આવે છે, જેથી લોકો બચ્ચાં-કચ્ચાંને લઈને બાથરૂમ યાત્રા કરી આવે. અહીં આપણા ગુજ્જુભાઈ મયૂર પુરીએ લખેલા અને બીજા ગુજ્જુભાઈઓ સચિન-જિગરે કમ્પોઝ કરેલાં ગીતો છે. આમ તો ગીતોમાં ખાસ કશો ભલીવાર નથી, પરંતુ ‘જ્હોની જ્હોની’ અને ‘વીરે દી વેડિંગ હૈ’ પોપ્યુલર થયાં છે.

ટાઇમપાસ એન્ટરટેનમેન્ટ

શરૂઆતમાં કહ્યું એમ આ ફિલ્મ બાળકોને મજા કરાવશે. ‘આપણે તો ખાલી ટેન્શન ફ્રી થવા માટે જ ફિલ્મો જોઈએ છીએ’ એવું કહેતાં મોટેરાંને પણ આ ફિલ્મ જોઇને આનંદ થશે. હા, વચ્ચે વચ્ચે જરાતરા બિલો ધ બેલ્ટ કહી શકાય એવી સિચ્યુએશન્સ છે, પરંતુ કમનસીબે હવે તો એ પણ ‘ફેમિલી ફિલ્મ’ની વ્યાખ્યામાં જ આવે છે. એટલે નાના ગલૂડિયા જેવી શોર્ટ એન્ડ સ્વીટ વાત એ છે કે આ ફિલ્મ માઇન્ડલેસ વીકએન્ડ એન્ટરટેનમેન્ટ છે, બચ્ચાંકચ્ચાંને લઈને જોઈ આવો.

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.