ઇત્તેફાક

ન્યુ બૉટલ, ઓલ્ડ વાઇન, નોટ સો ફાઇન

***

રાઇટિંગનો જ કમાલ છે કે 48 વર્ષ પહેલાં આવેલી ફિલ્મ આજે પણ મૅચ્યોર લાગે છે અને 2017માં રિલીઝ થયેલી ફિલ્મ આઉટડૅટેડ.

***

રેટિંગઃ ** (બે સ્ટાર)

***

ittefaq-poster‘મિ. લૉર્ડ, આજે ઘણા સમય બાદ આપની સિને-કૉર્ટમાં એક ઇન્ટરેસ્ટિંગ મુકદ્દમો આવ્યો છે. આ વખતે કૅસ ફરી સો કૉલ્ડ રિમેકનો છે.’

‘હમ્મ… આમેય અત્યારે જૂનું ભુલાવી દઇને નવું રિ-ક્રિએટ કરવાની ફેશન ચાલે છે. યુ મૅ પ્રોસીડ.’

‘થૅન્ક યુ મિ. લૉર્ડ.વાત આ શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ ‘ઇત્તેફાક’ની છે. આ ફિલ્મ આમ તો ઈ.સ. 1969માં આવેલી આ જ નામની રાજેશ ખન્ના સ્ટારર ફિલ્મની ઓલમોસ્ટ રિમેક છે.’

‘ઓલમોસ્ટ રિમેક?’

‘હા, એટલે મૂળ પ્લોટ યથાવત રાખીને તેનું બહારનું કલેવર બદલી નાખવામાં આવ્યું છે.’

‘સરકારી યોજનાઓમાં થાય છે એવું?’

‘સર, વાત પોલિટિકલ થઈ જશે અને આમેય આચાર સંહિતા ચાલુ છે.’

‘ઓહ, યસ યસ. પ્લીઝ કન્ટિન્યુ.’

‘તો સર, વિકિપીડિયાનાં પાનાં ફેરવનારાઓ જાણે છે કે આ ઇત્તેફાકનું મૂળ જૂની ઇત્તેફાકમાં અને તેનાં મૂળ ‘ધુમ્મસ’ નામના એક ગુજરાતી નાટકમાં છે. વધુ ઊંડા ઊતરીએ તો એક હૉલિવૂડ ફિલ્મ અને એક પરદેશી નાટક પણ મળી આવે છે.’

‘ઇન્ટરેસ્ટિંગ. એવું તે શું છે આ સ્ટોરીમાં કે પાંચ દાયકાથી ફરી ફરીને બનતી રહે છે?’

‘મિ. લૉર્ડ, વાત એક નઠારા કોઇન્સિડન્સની છે. પત્નીની હત્યા કરીને ભાગતો એક માણસ પોલીસથી બચવા એક ઘરમાં આશરો લે છે. પરંતુ એ ઘરમાં પહેલેથી જ પોતાનાં ડીપ ડાર્ક સિક્રેટ્સ છુપાયેલાં છે.’

‘વ્હોટ? મિસ્ટર પ્રોસિક્યુટર, મારી કૉર્ટમાં સ્પોઇલર કહી દેવા એ કન્ટેમ્પ્ટ ઑફ કૉર્ટનો ગંભીર ગુનો બને છે. ડૉન્ટ યુ નૉ ધેટ?’

‘રિલેક્સ,યૉર ઑનર. ઑરિજિનલ સ્ટોરીની આ જ તો બ્યુટિ છે કે વાત દેખાય છે એટલી સિમ્પલ નથી. સત્યને આડે કેટલાંય પડળ છે.જોકે આ મર્ડર મિસ્ટરી ફિલ્મમાંબે દાયકા જૂની બીજી એક હિન્દી મર્ડર મિસ્ટરી ફિલ્મનું સિક્રેટ બડી બેશર્મીથી છત્તું કરી નાખવામાં આવ્યુંછે. એ વિશે તો હું પોતે જ એક સિને ઇન્ટરેસ્ટલિટિગેશન કરવાનો છું.’

‘ઇટ્સ પથેટિક. સિને-કૉર્ટ આ વાતની ગંભીર નોંધ લે છે.લેકિન સિને-કૉર્ટમાં આ ફિલ્મને ઘસડી લાવવાનો મુખ્ય આશય શો છે?’

‘મિ. લૉર્ડ, ટિકિટના ભાવ જ્યારે ફિલ્મની લંબાઈ કરતાં બમણા થઈ જાય અને દર્શકો પર અધકચરા રિવ્યુઝનો મારો ચાલવા લાગે ત્યારે ઑથેન્ટિસિટીનું મહત્ત્વ વધી જાય છે.’

‘કૉપી ધેટ.પણ આ કૅસ એક પક્ષીય છે? ડિફેન્સ ક્યાં છે?’

‘હિઅર આઈ એમ, મિ. લૉર્ડ.ઇફ યુ પરમિટ, કેન આઈ સ્ટાર્ટ?’

‘યસ પ્લીઝ. ગો અહેડ.’

‘થેન્ક યુ, મિ. લૉર્ડ. ફર્સ્ટ ઑફ ઑલ ‘હુ ડન ઇટ’ પ્રકારની સસ્પેન્સ-મિસ્ટરી ફિલ્મ બનાવવી તે ઓલમોસ્ટ સુસાઇડલ મિશન છે. કેમ કે, એક વખત સિક્રેટ છત્તું થયા પછી એમાં કશી ઉત્તેજના રહેતી નથી ને ફિલ્મની રિપીટ વેલ્યુ ઑલમોસ્ટ ખતમ થઈ જાય છે. એમાંય અત્યારે તો પરાણે ઇરોટિક ને ઑબ્જેક્ટિફિકેશનવાળાં આઇટેમ સોંગ્સ ઘુસાડીને ફિલ્મ વેચવાનો ધંધો કરાય છે.અમે એવું કશું જ કર્યું નથી. એ જ બતાવે છે કે અમારો ઇરાદો નેક છે.’

‘ઑબ્જેક્શન મિ. લૉર્ડ.’

‘સસ્ટેઇન્ડ.’

‘યૉર ઑનર. ક્લિશૅ ભાષામાં કહું તો ‘મારા કાબિલ દોસ્ત’ એ ભૂલી જાય છે કે પોતાને મ્યુઝિક ડિરેક્ટર તરીકે ઓળખાવતા તનિશ્ક બાગચી નામના એક શખ્સ પાસે ‘રાત બાકી બાત બાકી’ જેવા ક્લાસિક સોંગનું સો કૉલ્ડ ‘રિમિક્સ’કરાવીને ફિલ્મને પ્રમોટ કરવાનો પ્રયાસ કર્યો જ છે. એ તનિશ્ક બાગચી પર તો જૂનાં સોંગ્સનું ‘સિરિયલ કિલિંગ’ કરવાનો એક અલગ કૅસ લઇને હું નામદાર કૉર્ટ પાસે આવવાનો છું. લેકિન સોનાક્ષી સિંહાના ઑબ્જેક્ટિફિકેશનવાળા આ ‘રિમિક્સ’ જેવી જ હાલત આખી ફિલ્મની છે.’

‘એન્ડ વ્હોટ્સ ધેટ?’

‘બંનેમાં ઍનર્જી જ નથી, સર.’

‘ઑબ્જેક્શન ફ્રોમ માય સાઇડ એઝ વેલ.’

‘એન્ડ સસ્ટેઇન્ડ ટૂ.’

‘આભાર, નામદાર. અમારી ફિલ્મ માત્ર 107 મિનિટની જ છે. કોઈ ખોટી ચરબી નહીં, સીધી ખૂન કૅસથી જ સ્ટોરી સ્ટાર્ટ થાય અને છેક સુધી તેને જ વળગી રહે.’

‘વાત સાચી, મિ. લૉર્ડ. પણ ફિલ્મની પૅસ એટલી સ્લો છે કે આટલી ઓછી લંબાઈ પણ વધુ લાગે છે. અર્જન્સી ઊભી કરવા માટે કૅસને કોઈ જ લોજિક વિના ત્રણ દિવસમાં સોલ્વ કરવાની ડૅડલાઇન અપાય છે. એ પછીયે ફિલ્મમાં એક ફાસ્ટ પૅસ્ડ સસ્પેન્સ થ્રિલરને છાજે એવી સ્પીડ તો આવતી જ નથી.’ ફિલ્મ એટલી સ્લો પૅસમાં આગળ વધ્યા કરે કે ખરેખર કાતિલ કોણ છે અને કત્લ શી રીતે થયાં તે જાણવાની આપણી ઉત્કંઠા જ મરી જાય.’

‘ઓહ, ઇઝ ધેટ સો?’

‘યસ મિ. લૉર્ડ. ફિલ્મના યંગ ડિરેક્ટર અભય ચોપરાએ-જેઓ ખુદ સદગત રવિ ચોપરાના દીકરા છે, તેમણે-આ ફિલ્મને સિમ્પલ રીતે કહેવાને બદલે ‘રશોમોન ઇફેક્ટ’ વાપરી છે.’

‘રશોમોન ઇફેક્ટ?’

‘યૉર ઑનર, ઈ.સ. ૧૯૫૦માં દિગ્ગજ જૅપનીઝ ફિલ્મમૅકર અકિરા કુરોસાવાએ ‘રશોમોન’ નામની ફિલ્મ બનાવેલી. તેમાં વગડામાં થયેલા એક બળાત્કાર અને હત્યા કૅસની વાત હતી. આખી ફિલ્મમાં તે કૅસ સાથે સંકળાયેલા લોકો એક જ ઘટનાને પોતપોતાના દૃષ્ટિકોણથી જુએ ત્યારે સમગ્ર ઘટના અને આરોપી ધરમૂળથી બદલાઈ જાય તેની વાત હતી. જૅપનીસ સિનેમાને રાતોરાત આખી દુનિયામાં જાણીતું કરી દેનારી આ ફિલ્મ વર્લ્ડ સિનેમાની વન ઑફ ધ ગ્રેટેસ્ટ મુવીઝ ગણાય છે. એ ફિલ્મની સફળતાને પગલે જ ‘રશોમોન ઇફેક્ટ’ શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે. છેલ્લે આપણે ત્યાં ‘તલવાર’ ફિલ્મમાં એ પ્રકારના સ્ટોરીટેલિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એમ તો આ ફિલ્મને ‘અનરિલાયેબલ નૅરેટર’ની કેટેગરીમાં પણ મૂકી શકાય, જેમાં વાર્તાના સૂત્રધાર જ વાર્તા જોનાર-સાંભળનારને અવળે પાટે ચડાવી દે. જોકે એ વિશે વધુ ચર્ચા કરીશું તો ફરી પાછો સ્પોઇલરનો પ્રશ્ન ઉપસ્થિત થશે.’

‘વેરી ઇન્ટરેસ્ટિંગ. પણ પોતાની પહેલી જ ફિલ્મમાં એ છોકરા અભય ચોપરાએ સ્ટોરી ટેલિંગની આવી અનોખી ટેકનિક વાપરી હોય, તો એ સારું જ કહેવાય ને?’

‘યસ, બટ જો સ્ક્રીનપ્લે પર્ફેક્ટ્લી ન લખાયેલો હોય તો ઓછી લંબાઈની ફિલ્મ પણ લાંબી, કંટાળાજનક અને રિપિટિટિવ લાગવા માંડે. જોકે આ વાતની ફિલ્મના રાઇટરલોગને પણ ખબર છે જ. એટલે જ એમણે હ્યુમરનો પૂરતો ડોઝ ઉમેર્યો છે.’

‘જેમકે?’

‘જેમકે, પહેલાં તો ફિલ્મનો નાયક ‘મશહૂર રાઇટર’ છે અને એનું નામ રખાયું છે ‘વિક્રમ સેઠી’. સૌ જાણે છે એમ રિયલ લાઇફમાં પણ ‘અ સ્યુટેબલ બૉય’થી જાણીતા વિક્રમ સેઠ નામના રાઇટર છે જ. અને આ રાઇટરને ન વાંચવા બદલ ફિલ્મનું એક પાત્ર બીજા પાત્ર વિશે કહે છે, ‘યે તો સિર્ફ ચેતન કે ભગત હૈ.’એક બીજો ચાબખા જેવો ડાયલોગ પણ છે, કે ‘આજકલ તો ઇન્ડિયા મેં ક્રાઇમ કર કે NRI બન જાને કા ફૅશન ચલ રહા હૈ.’ યાને કે મૅટા હ્યુમર-સટાયર, મિ. લૉર્ડ!પ્લસ પુલિસવાલાઓજ્યાં મર્ડર થયું હોય ત્યાં-ક્રાઇમ સીન પર ચા બનાવીનેએકબીજાને પીરસતા હોય,સિક્યોરિટી ગાર્ડ પોતાના ખરાબ પેટનું એકદમ ડિટેઇલમાં વર્ણન કરે, ઇન્વેસ્ટિગેશન રૂમમાં લબુક ઝબુક થતી ટ્યુબલાઇટ બદલવા માટે ખુદ આરોપીની જ મદદ લેવામાં આવે…આવી ઘણી કોમિક મોમેન્ટ્સ છે, જે ફિલ્મને સાવ ડલ બનતાં રોકે છે.’

‘ગુડ, પણ તો પછી તમારા અવાજમાંથી મને નિરાશાનો ટોન કેમ સંભળાય છે?’

‘કેમકે પહેલાં તો આ ફિલ્મના કાસ્ટિંગમાં જ લોચો છે. સિદ્ધાર્થ મલ્હોત્રા સૂટિંગ-શર્ટિંગના મૉડલ તરીકે સરસ છે, પણ એક્ટર? નો મિ. લૉર્ડ. એના ચહેરા પર કોઈ કહેતા કોઈ એક્સપ્રેશન આવતું જ નથી. ફિલ્મમાં એના પર ‘ક્રાઇમ ઑફ પૅશન’નો આરોપ છે, પણ એના પાત્રમાં કોઈ પૅશન દેખાતું નથી. એ રડે, ફ્રસ્ટ્રેટ થાય, નિરાશ થાય, ગુસ્સે થાય… બધું જ ચાવી ભરેલા રમકડાની જેમ. સોનાક્ષીનું પણ એવું જ છે. આ બંનેનાં પાત્રો-ઍક્ટિંગ એ હદે ફિક્કાં છે કે એમના કરતાં તો પોલીસ કોન્સ્ટેબલનાં કેરેક્ટર્સક્યાંય વધુ જીવંત લાગે છે. હા, અક્ષય ખન્ના આ ફિલ્મનું ઓલમોસ્ટ સરપ્રાઇઝિંગ ઍલિમેન્ટ છે. ગંભીર રહીને ઇમોશન્સ ચૅન્જ કરવાની અને કરડાકી બતાવવાની એની કાબેલિયતને દાદ દેવી જોઇએ.છતાં અંગત રીતે એવું લાગે છે કે અક્ષય ખન્નાને બદલે ફિલ્મમાં ઇરફાન, નવાઝુદ્દીન સિદ્દીકી કે કે.કે. મેનન હોત, સિદ્ધાર્થને બદલે રાજકુમાર રાવ, ઇમરાન હાશ્મી કે આયુષ્માન ખુરાના હોત, અને સોનાક્ષીને બદલે રાધિકા આપ્ટે કે તાપસી પન્નુ હોત, તો આ ફિલ્મ ક્યાંય વધુ જોવાલાયક બની હોત.’

‘ઑબ્જેક્શન મિ. લૉર્ડ.’

‘સસ્ટેઇન્ડ.’

‘મિસ્ટર પ્રોસિક્યુટર માત્ર એઝમ્પ્શન-જો અને તો વાળી ધારણાઓ પર દલીલો કરી રહ્યા છે. એ ભૂલી રહ્યા છે કે ફિલ્મનું કાસ્ટિંગ મૅકર્સનો અધિકાર હોય છે.’

‘રાઇટ. આ વાત હું માત્ર મારા અભિપ્રાય, અનુભવ અને ઑબ્ઝર્વેશનને આધારે જ કહી રહ્યો છું. પરંતુ એ વાતનો કોઈ ઇનકાર થઈ શકે તેમ નથી કે આ મિસ્ટરી ફિલ્મ ખાસ્સી આઉટડેટેડ છે.’

‘આઉટડેટેડ?’

‘યસ, યૉર ઑનર, આઉટડેટેડ. તમે જ કહો કે અત્યારે જ્યાં ‘ક્રાઇમ પેટ્રોલ’ના પોણા ભાગના કૅસ પણ શકમંદોની કૉલ ડિટેલ્સ અને એમનું મોબાઇલ લોકેશન ટ્રેસ કરીને સોલ્વ કરાય છે. અહીં તેનો ઉલ્લેખ સુદ્ધાં નહીં. આવી ફિલ્મ બનાવતાં પહેલાં ફિલ્મના રાઇટર્સે જો ‘શેરલૉક’ જેવી ટેલિવિઝન સિરીઝ જોઈ હોય તો એમને ખ્યાલ આવે કે ‘હુ ડન ઇટ’ ટાઇપની વાર્તાઓ કેટલી આગળ વધી ચૂકી છે. એવી જ બીજી એક ઇલ્લોજિકલ સિક્વન્સમાં ટૅક ઑફ થતું વિમાન રોકવા માટે ફિલ્મનું પોલીસ સાથે સંકળાયેલું એક પાત્ર કોઈ જ લોજિક વિના દોડાદોડ કરી મૂકે છે. જ્યારે રિયલ લાઇફમાં એક ચક્રમ માણસે મૂકેલી ચિઠ્ઠીથી આખી ફ્લાઇટ ડાઇવર્ટ થઇને ઇમર્જન્સી લૅન્ડિંગ કરી શકતી હોય ત્યારે પોલીસના ફોનથી ફ્લાઇટ શા માટે થોડા સમય સુધી ડિલે ન થઈ શકે? શોધવા બેસીએ તો આવી બીજી બાબતો પણ મળી શકે તેમ છે. પરંતુ તેનું ડિસ્કશન કરવા જતાં સ્પોઇલર આવી જાય તેમ છે. રાઇટર્સે ફિલ્મને ટ્વિસ્ટ ઍન્ડિંગ આપવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ સસ્પેન્સ ફિલ્મો જોવા ટેવાયેલા લોકોને અંદાજ આવી જ જાય કે આ સિક્રેટ શું હશે. યાને કે સિક્રેટ છત્તું થાય ત્યારે ભાગ્યે જ કોઈ સરપ્રાઇઝ કે શૉકની ફીલિંગ આવે છે.’

‘હમ્મ. ડિફેન્સને આ મુદ્દે કોઈ સફાઈ પેશ કરવી છે?’

‘નો, યૉર ઑનર.’

‘તો બંને પક્ષની દલીલો-પ્રતિદલીલો સાંભળ્યા બાદ નવોદિત ફિલ્મમૅકર અભય ચોપરાની ફિલ્મ ‘ઇત્તેફાક’ વિશે આ સિને-કૉર્ટ એ નિર્ણય પર પહોંચી છે કે ફિલ્મ મર્ડર-મિસ્ટરી વાર્તાઓના શોખીનોને પણ માઇલ્ડ એન્ટરટેનમેન્ટ આપે તેવી છે. ફિલ્મ રાઇટર્સને આ સિને-કૉર્ટ તાકીદ કરે છે કે તેઓ નવી, ફ્રેશ અને મૅચ્યોર સ્ટોરીઝ લખવાની ચૅલેન્જ ઉપાડે, કેમ કે હવે દુનિયાભરનું નમૂનેદાર કન્ટેન્ટ એક જ ક્લિક પર અવેલેબલ છે. એટલે જૂનો માલ ફરીથી વઘારીને પેશ કરવાની ટ્રિક લાંબો સમય કામ નહીં કરે. અને હા, અક્ષય ખન્નાને તાકીદ કરવામાં આવે છે કે તે પૂરેપૂરું હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવીને વધુ ને વધુ ફિલ્મોમાં દમદાર ભૂમિકાઓ ભજવે. ધ સિને-કૉર્ટ ઇઝ ઍડજર્ન્ડ ટિલ નેક્સ્ટ રિલીઝ.’

(Reviewed for divyabhaskar.co.in)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

 

Advertisements

બાર બાર દેખો

પૂર્ણ બોરિંગ ભવિષ્ય કાળ

***

અઢી મિનિટના ટ્રેલરમાં કહેવાઈ ગયેલી જમાનાજૂની વાતને પરાણે આ અઢી કલાકની ફિલ્મમાં ખેંચવામાં આવી છે.

***

baar-baar-dekho-movie-posterઆપણે ત્યાં છોકરાંવ હજી તો નોકરી-ધંધે ન ચડ્યાં હોય ત્યાં એમને પૈણવા ઊપડે છે. પરંતુ એકમાત્ર બૉલીવુડના હીરોલોગની પ્રજાતિ જ એવી છે જેમને યુગોયુગોથી કમિટમેન્ટ ફોબિયા સતાવતો આવ્યો છે. આ અઠવાડિયાની ફિલ્મ ‘બાર બાર દેખો’નો હીરો સિદ્ધાર્થ મલ્હોત્રા એવું જ પ્રાણી છે. ઘરે લગનનાં ગીતો-ફટાણાં ગાવાનું શરૂ થઈ ગયું છે અને છેક છેલ્લી ઘડીએ ભાઈ ગ્રહણ ટાણે સાપ કાઢે છે કે ‘જાવ, મારે નથી પૈણવું.’ પહેલીવાર જેમણે ડિરેક્ટર તરીકેનું સળગતું પકડ્યું છે એવાં દિગ્દર્શિકા બાનુ નિત્યા મહેરાની આ ફિલ્મમાં દિમાગમાં ન ઊતરે એવું ઘણું બધું બન્યા કરે છે.

સંતાપ એનો સવારે સવારે

જય વર્મા (સિદ્ધાર્થ મલ્હોત્રા) અને દિયા કપૂર (કૅટરિના કૈફ) કિન્ડરગાર્ટનમાં હતાં ત્યારથી જ ફ્રેન્ડશિપ ડૅ મનાવતાં આવ્યાં છે. મોટાં થયાં પછી વેલેન્ટાઇન્સ ડૅ મનાવ્યો. ભવિષ્યમાં ઍનિવર્સરી મનાવી શકે એ માટે જ્યારે લગ્નનો વારો આવ્યો, ત્યારે અચાનક હીરોને થયું કે આ તો હાળું હલવાઈ ગયા. આમ તો બૈરી-છોકરાંમાં જ જિંદગી નીકળી જશે અને કરિયર અભેરાઈ પર ચડી જશે. લગ્નની આગલી સાંજે પાણીમાં બેસી ગયા બાદ બીજા દિવસે એ જાગ્યો તો એણે જોયું કે એનાં લગ્ન થઈ ચૂક્યાં છે અને પોતે થાઈલૅન્ડમાં હનીમૂન મનાવી રહ્યો છે. ત્રીજા દિવસે સવારે એની પત્ની એક બાળકને જન્મ આપી રહી છે. ચોથા દિવસે એનાં બચ્ચાં સ્કૂલે જવા માંડ્યાં છે. પાંચમા દિવસે એને ધોળાં આવી ગયાં છે અને પત્ની… પરંતુ આવું શાને થાય છે? આ ટાઇમટ્રાવેલ છે કે પછી વધુ પડતા છાંટોપાણીની અસર? કે પછી ત્રીજું જ કોઈ ફૅક્ટર છે?

દિમાગ કી બત્તી બુઝા દે

વિચાર કરો વર્મા આન્ટી (સારિકા)નો એકનો એક દીકરો દિલ્હી યુનિવર્સિટીમાં મૅથેમેટિક્સનો પ્રોફેસર છે. થોડા સમયમાં કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં એનું પ્લેસમેન્ટ થઈ જવાનું છે. વળી, હૅન્ડસમ તો એવો કે ક્લાસની બધી છોડીયું એનો લૅક્ચર ભરવા માટે ફેવિકોલ લગાવીને બેસી જ રહે (‘ઇન્ડિયાના જોન્સ’ની જેમ). ઉપરથી પોણું ઇન્ડિયા અદેખાઈથી બળી મરે એવી એની સ્ટેડી ગર્લફ્રેન્ડ તરીકે કૅટરિના કૈફ છે. હીરોના જીવનમાં એવી કોઈ મોટી ક્રાઇસિસ નથી જે એના મગજમાં સ્ટ્રેસના ફટાકડા ફોડે. તોય આ છોકરાને કમિટમેન્ટ ફોબિયા હેરાન કરે છે. શું કામ? ડિરેક્ટર સાહેબા જાણે. વળી, હીરો-હિરોઇન તો ચાઇલ્ડહૂડ સ્વીટહાર્ટ્સ છે. તો બંને વચ્ચે એટલીયે અન્ડરસ્ટેન્ડિંગ ન હોય કે થોડું ડિસ્કશન કરીને વાતનો નિવેડો લાવે? લેકિન નો. આ ફિલ્મના રાઇટરોની ટોળકીએ આપણા દિમાગની તમામ નસોની મજબૂતી ચૅક કરવાનું નક્કી કર્યું છે. એટલે જ તો આપણો હીરો કોઈ જ કારણ વિના બોરીવલી-ચર્ચગેટની ફાસ્ટ ટ્રેનમાં બેસતો હોય એનાથીયે ઝડપથી ટાઇમટ્રાવેલ પર નીકળી પડે છે. હૉલીવુડ હોય તો આ માટે કોઇક મશીન બનાવે, સંશોધન કરે. પરંતુ આપણા સંસ્કારી દેશનો હીરો છે એટલે તે કાંડે નાડાછડી બાંધે અને સાંજે છાંટોપાણી કરે એટલે એની ટાઇમટ્રાવેલ સ્ટાર્ટ.

મજાની નહીં, પરંતુ સજાની વાત એ છે કે આ ફિલ્મના ટ્રેલરમાં જે કંઈ બતાવી દીધેલું એની બહારનું આખી ફિલ્મમાં કશું જ કહેતાં કશું જ નથી. બસ, હીરો રોજ સવારે ઊઠે અને સાસ-બહુની સિરિયલની જેમ વાર્તાએ થોડાં વર્ષનો જમ્પ લઈ લીધો હોય. છેક છ દાયકા આગળ ગયા બાદ એને સમજાય છે કે ખરેખરી મજા તો પ્રેઝન્ટ ટેન્સમાં આવતા લાખો છોટે છોટે પલનો આનંદ માણવામાં જ હતી. બટ વેઇટ, આ વાત તો આજથી સાડાચાર દાયકા પહેલાં જ હૃષિકેશ મુખર્જીના ‘આનંદ’ અને ‘બાવરચી’ પણ કહી ગયા છે. ભવિષ્યમાં છ દાયકાની કન્ડક્ટેડ ટુર કર્યા પછીયે આ સિવાયનું આપણો હીરો કશું જ નવું શીખતો નથી.

લગભગ અઢી કલાકની આ ફિલ્મમાં સમય જમ્પ કર્યા કરે અને હીરો ઍસિડિટીના પેશન્ટની જેમ નિમાણો થઇને ફર્યા કરે. એ સિવાય કોઈ નવી વાત કે લાઇફની કોઈ નવી ફિલોસોફી પણ બહાર ન આવે. ઇવન કોઈ દમદાર વનલાઇનર્સ પણ કાને પડતાં નથી. દરઅસલ, ફ્યુચરિસ્ટિક ફૅન્ટેસી ફિલ્મ બનાવવા માટે હટકે ક્રિએટિવિટી જોઇએ. જ્યારે અહીં તો આઇડિયા એવો કે જ્યાં ત્યાં હાઇટેક સ્ક્રીન મૂકી દો એટલે ફ્યુચર આવી ગયું. બસ-કારની બારીમાં સ્ક્રીન, ઘરની દીવાલમાં સ્ક્રીન, ક્લાસના બૉર્ડ પર સ્ક્રીન, મોબાઇલ ફોનની બહાર હવામાં સ્ક્રીન. ‘ગૂગલ’વાળા અત્યારે સેલ્ફ ડ્રાઇવિંગ કાર ટેસ્ટ કરે છે, જ્યારે આપણી ફિલ્મોવાળા છ દાયકા પછીયે પોતાની કાર જાતે જ ઢસડે છે. દોઢ દાયકા પહેલાં હૉલીવુડમાં ‘અ બ્યુટિફુલ માઇન્ડ’ ફિલ્મમાં ગણિતના પ્રોફેસરે બારીના કાચ પર ગણિતનાં ચીતરામણાં કરેલાં. આપણા હીરો હજી એ જ સ્ટાઇલમાં બારીઓ બગાડે છે.

ભવિષ્યમાં ડોકિયું કરીને વર્તમાન સુધારવાનો આ ફિલ્મનો પાયાનો વિચાર હૉલીવુડની ‘ઇન્સેપ્શન’ ફિલ્મની જેમ જાયન્ટ સપનું હતો કે પછી કોઈ ચમત્કાર હતો તેની કોઈ જ ચોખવટ કરાઈ નથી. બની શકે કે ફિલ્મની દિગ્દર્શિકા આ ‘ઇન્સેપ્શન’ અને હૉલીવુડની જ ‘ક્લિક’ નામની બીજી કોમેડી ફિલ્મ જોતાં જોતાં ઊંઘી ગઈ હોય અને એને આ ફિલ્મ સપનામાં આવી હોય. જો એવું હોય, તોય આ ફિલ્મ એક કમિટમેન્ટ ફોબિક યુવાનના ફૉલ્ટી ફેમિનિસ્ટ ચિત્રણ સિવાય કશું જ નથી.

જોકે આ ફિલ્મ પરથી એટલું જાણવા મળે છે કે છ દાયકા પછીયે કૅટરિનાના ચહેરા પર કોઈ એક્સપ્રેશન્સ આવવાનાં નથી કે નથી એની ઍક્ટિંગ સુધરવાની. સિદ્ધાર્થ મલ્હોત્રા કાયમ આવો જ ક્યુટ અને ક્લુલેસ દેખાવાનો છે. એકદમ ચકાચક પૅકિંગમાં પેશ થયેલી ‘બાર બાર દેખો’ સારિકા, રામ કપૂર, રજિત કપૂર, સયાની ગુપ્તા જેવાં દમદાર કલાકારોનો અક્ષમ્ય વેડફાટ છે.

દેડકાની જેમ કૂદાકૂદ કરવા છતાં ગોકળગાયની ગતિએ ચાલતી આ ફિલ્મનું એકમાત્ર પોઝિટિવ પાસું છે તેનું મ્યુઝિક. પાંચ રસોઇયા એટલે કે સંગીતકારોએ મળીને એવું મસ્ત મ્યુઝિક આપ્યું છે કે આખું આલ્બમ ગમે ત્યારે, ગમે તેટલીવાર સાંભળવાની મજા પડે એવું બન્યું છે. પરંતુ એના માટે કંઈ થિયેટર સુધી લાંબા ન થવાય. એમ તો ફિલ્મનું હૉમ વીડિયો સ્ટાઇલનું ક્યુટ સ્ટાર્ટિંગ અને ઑવરઑલ પૈસાદાર ફીલ પણ બે ઘડી ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રીમાં બેઠા હોઇએ એવી અનુભૂતિ કરાવે છે.

એક બાર ભી ક્યું દેખો?

વક્રતા છે કે આ ફિલ્મમાં હીરોની લાઇફ ફાસ્ટ ફોરવર્ડમાં ચાલે છે, પણ ફિલ્મ તદ્દન સ્લો મોશનમાં જ ચાલ્યા કરે છે. જો કૅટરિના-સિદ્ધાર્થના ફૅન હો, પૈસાદાર હો અથવા તદ્દન નવરા હો અને આ ફિલ્મમાં જાગતા બેસી રહ્યા હો, તો તમને સતત ઇચ્છા થશે કે કાશ આપણેય આ હીરોની જેમ ટાઇમ ટ્રાવેલ કરીને આ ફિલ્મ જોવાનો આઇડિયા કૅન્સલ કરી નાખીએ તો?

રેટિંગઃ *1/2 (દોઢ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

કપૂર એન્ડ સન્સ

દુઃખદર્શન

***

કપૂરના નામે આપણે થિયેટરમાં બેસીને એકતા કપૂરની સિરિયલ જોતા હોઇએ એવી દુખભરી ફીલ આ ફિલ્મમાંથી સતત આવ્યા કરે છે.

***

આપણાં મોટેરાં વર્ષોથી કહેતાં આવ્યાં છે કે ઘર હોય તો વાસણ ખખડેય ખરાં. પત્ની એવું કહેતી ફરતી હોય કે મારે તો કૂકિંગનું ને બ્યુટિપાkapoor_and_sons_lookર્લરનું કરવું’તું, પણ આ ઘરની જંજાળમાં બધું છૂટી ગયું. બહુધા પતિદેવો બહાર નજરોનાં લંગસિયાં ફેંકતા ફરતા હોય. જ્યારે દર બીજા છોકરાને એવું લાગતું હોય છે કે મમ્મી-પપ્પા મારા કરતાં મારાં ભાઇ કે બહેનને વધુ લાડ લડાવે છે. આ મોસ્ટ્લી કહાની ઘર ઘર કી છે. પરંતુ તમે એના પર કેમેરા માંડીને એક ફિલ્મ ઉતારી નાખો, તો પછી તમારે કોઈ નવાં ઇમોશન્સ એક્સપ્લોર કરવા પડે. રાઇટર-ડિરેક્ટર શકુન બત્રાએ પોતાની લેટેસ્ટ પેશકશ ‘કપૂર એન્ડ સન્સ’માં આવાં જ ઇમોશન્સની ભેળપુરી બનાવી છે, પણ વાત તો અલ્ટિમેટલી એ જ છેઃ લાઇફ છે, ચાઇલા કરે.

મોટો પરિવાર, દુખી પરિવાર

નેવું વર્ષના રિટાયર્ડ મિલિટરી મેન અમરજીત કપૂર (ઋષિ કપૂર)ને લાગે છે કે એમનો ટૉકટાઇમ હવે પૂરો થવામાં છે. પરંતુ એ પહેલાં તમામ બચ્ચાં-કચ્ચાંને પોતાના કૂનૂરના ઘરે બોલાવીને બરજાત્યા સ્ટાઇલનો એક વિશાળ ફેમિલી ફોટો પડાવી લઇએ. પરંતુ આ બરજાત્યા નહીં, કપૂર ફેમિલી છે. એટલે જ્યારે એમના બે પૌત્રો રાહુલ (ફવાદ ખાન) અને અર્જુન (સિદ્ધાર્થ મલ્હોત્રા) ઘરે પાછા ફરે છે, ત્યારે ઝઘડાઓનું બ્યુગલ ફૂંકાય છે. દીકરો હર્ષ (રજત કપૂર) અને પુત્રવધૂ (રત્ના પાઠક શાહ) સહિત ઘરના બધા જ સભ્યો પોતાની અંદર એક દાઝ કે અધૂરપ લઇને ફરે છે. એટલે જ નાની નાની વાતમાં બધાને વડચકાં ભરતા ફરે છે. બીજી બાજુ, હિલ સ્ટેશનની ઠંડી હવામાં ગરમાવો લાવવા માટે મુંબઈથી ટિયા મલિક (આલિયા ભટ્ટ) પણ કૂનૂર આવી છે. એ વગર ફેસબુકે આ બે ભાઈમાંથી એકના પ્રેમમાં પડી જાય છે. હવે આ કપૂર પરિવારનું ઠામ એવું વિચિત્ર છે કે એમાં ઘી ઠારવું બહુ અઘરું છે.

તુંડે તુંડે ઝઘડા ભિન્ન

યંગ ડિરેક્ટર શકુન બત્રા પપ્પાઓ જેના માટે પોતાના દીકરાઓને ખીજાતા હોય છે, એવા કપૂર સા’બના લડકા જેવો ટેલેન્ટેડ છે. રિયલ લાઇફનાં બારીક નિરીક્ષણો અને એના કોમિકલ પ્રેઝન્ટેશનમાં એને સચિનની બૅટિંગ જેવી ફાવટ છે. હવે કદાચ એમને લાગ્યું હશે કે પરિવારની અંદર ઝઘડા કરાવીને એકતા કપૂર જો આખું બાલાજી એમ્પાયર ઊભું કરી શકતી હોય, તો આપણે એક ફિલ્મ ન બનાવી શકીએ? ખેર, ટ્રેલરમાંથી જ ક્લિયર હતું કે અહીં આપણને ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ ટાઇપની ફેમિલીની નોંકઝોંકમાંથી નીપજતી કોમેડીના ચમકારા માણવા મળવાના છે. ઇવન અહીં તો ખુદ ‘માયા સારાભાઈ’ યાને કે રત્ના પાઠક શાહ પણ હાજર છે. પરંતુ થયું છે એવું કે કોમેડીનો ડિપાર્ટમેન્ટ ઋષિ કપૂરે હાઇજૅક કરી લીધો છે, જ્યારે દેકારા અને દર્દની દુકાન ચલાવવાની જવાબદારી બાકીનાં પાત્રોને માથે આવી પડી છે.

અંગ્રેજીમાં જેને ‘ડિસફંક્શનલ ફેમિલી’ કહે છે એવો આ પરિવાર છે. એમનો સંઘ જન્મારેય કાશીએ પહોંચે નહીં. ડિરેક્ટરે આ લડાકુ પરિવારને એકદમ રિયલ રાખ્યો છે. મતલબ કે તેઓ પ્લમ્બરથી લઇને પાણીનો ગ્લાસ, ગાડી, ફોટોગ્રાફ, ખર્ચા, સગાં-સંબંધી, ગંજીફાની રમત વગેરે વેરાયટીવાળી વાતો પર ઝઘડી પડે છે. પરંતુ એકવાર આ ઝઘડો શરૂ થાય, કે તરત જ તે લાઉડ અને મેલોડ્રામાની બાઉન્ડરી વટાવી જાય. ફરક એટલો કે આ ભણેલો પરિવાર છે, એટલે અંગ્રેજીમાં ઝઘડે. તેમ છતાં આ ઝઘડા ઘણે અંશે વાસ્તવિક લાગે છે, તેનું કારણ છે સતત હાલકડોલક થતા કેમેરાથી શૂટ થયેલાં દૃશ્યો અને લગભગ નહિંવત્ રહેલું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક.

આ ફિલ્મ હૉટ કલાકારોનું મૅન્યુ કાર્ડ છે. સિદ્ધાર્થ, ફવાદ ખાન, આલિયા અને ઇવન રજત કપૂર ને રત્ના પાઠક પણ માશાઅલ્લાહ કંઈ કમ હૉટ નથી. પરંતુ આ બધામાં સૌથી વધુ જલસો કરાવે છે ૯૦ વર્ષના દદ્દુ ઋષિ કપૂર. એમની મિલિટરી સ્ટાઇલની તડાફડીવાળા એકદમ સ્માર્ટ ડાયલોગ અને અફલાતૂન કોમિક ટાઇમિંગ આખી ફિલ્મમાં સૌથી વધુ લાફ્ટર ઉઘરાવી જાય છે. એમણે માત્ર એક ઇમોશનલ સીન કર્યો છે, પણ પબ્લિક હિબકે ચડી જાય એવું પર્ફોર્મન્સ આપ્યું છે. એમના ચહેરા પર ગાડું ભરીને પ્રોસ્થેટિક મૅકઅપ કરાયો હોવા છતાંય ઇન્ડસ્ટ્રીમાં રહેલા પોણા ભાગના નવા વછેરાઓ કરતાં એમના ચહેરા પર વધુ એક્સપ્રેશન્સ આવે છે.

આ ફિલ્મને સરસ ઑપનિંગ અપાવનાર ઑબ્વિયસ ફૅક્ટર છે આલિયા ભટ્ટ. અહીં પણ ટિપિકલ બબલી ગર્લ જ બની છે અને એકાદ સીનમાં નાકનાં ફોયણાં હલાવીને રડી લે છે. પાર્ટી સોંગથી શરૂ થતી એની એ જ અર્બન લવસ્ટોરી હોવા છતાં આલિયાના નખરા જોવા ગમે છે. આ ફિલ્મના બંને હીરો લેખક છે. એમાંથી એક સિદ્ધાર્થ મલ્હોત્રાના પાત્રનું તો નામ પણ ‘અર્જુન કપૂર’ છે. એટલે એક હળવું ઑબ્ઝર્વેશન એવું છે કે ૨૩ વર્ષની ટૂંકી લાઇફમાં આલિયા ભટ્ટને ત્રણ લેખકો અને એમાંથી બે તો ‘અર્જુન કપૂર’ ભટકાયા છે (યાદ કરો, ‘2 સ્ટેટ્સ’). લેકિન આલિયા-સિદ્ધાર્થ-ફવાદની ત્રિપુટી યંગસ્ટર્સને અપીલ કરશે. કદાચ એ યંગ ઑડિયન્સને હસાવવા માટે જ ડિરેક્ટરે બિલો ધ બેલ્ટ હ્યુમર પણ ભભરાવ્યું છે. આ વાર્તા કપૂર પરિવારની છે, એટલે ઇન્ટરવલ પછી ખાસ્સા સમય સુધી આલિયા ગાયબ પણ રહે છે.

‘કપૂર એન્ડ સન્સ’ને તમે આરામથી ઝોયા અખ્તરની ‘દિલ ધડકને દો’ સાથે સરખાવી શકો, પરંતુ આ કરણ જૌહરે પ્રોડ્યુસ કરેલી ફિલ્મ છે. એટલે જ્યાં સુધી આપણા દેશમાં ‘ઇન્ડિયન પીનલ કોડ’ની ‘કલમ 377’ નાબૂદ નહીં થાય, ત્યાં સુધી એ પોતાનો ઍન્ગલ ફિલ્મોમાં નાખ્યા જ કરશે.

એક સુપરહિટ સોંગ સાથેની આ ફિલ્મની સૌથી મોટી સ્ટ્રેંથ છે તેના કલાકારોની પર્ફેક્ટ એક્ટિંગ. પરંતુ તેનો બિગ્ગેસ્ટ માઇનસ પોઇન્ટ છે વધુ પડતી અને ઇન્ટરવલ પછી તો કૃત્રિમ બની જતી રોનાધોના મોમેન્ટ્સ. ઘણે ઠેકાણે તો આપણે દૂરથી જ ટ્વિસ્ટ આવતો કળી શકીએ. અંત સુધીમાં તો આ ફિલ્મમાં એટલી બધી રડારોળ થઈ જાય છે કે ફિલ્મને બદલે કોઈ બેસણામાં આવ્યા હોઇએ એવું લાગવા માંડે છે.

રૂમાલ તો દેના મામુ

ઋષિ કપૂરના તમામ સીન, અકસ્માતે ફની બની જતા ઝઘડાના સીન, એકદમ કૂલ દાદા અને પૌત્રો વચ્ચેની મીઠડી કેમિસ્ટ્રી જેવી ઘણી મોમેન્ટ આ ફિલ્મમાં વેરાયેલી પડી છે. પરંતુ આ પરિવારના પ્રોબ્લેમ વિજય માલ્યા કરતાં પણ વધારે છે. જો આજે ઋષિકેશ મુખરજી હોત તો રાજેશ ખન્ના જેવા કોઈ ‘બાવરચી’ને મોકલીને આ કપૂર પરિવારના તમામ પ્રશ્નો સોલ્વ કરી નાખ્યા હોત. અફસોસ કે એ નથી, એટલે આપણે ફિલ્મ જોવા જઇએ તો કૉટનનો સારામાંનો એક રૂમાલ સાથે રાખવો.

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

બ્રધર્સ

આંસુ બને અંગારે

***

ફર્સ્ટ હાફમાં રડારોળ અને સેકન્ડ હાફમાં ઢીકાપાટું. એ પછી તમે કહેશો, બધું જોયેલું છે મારું બેટું.

***

brothers-hindi-movie-posters-3કલ્પના કરો કે આપણું બૉલીવુડ એક જાયન્ટ સાઇઝનું અનોખું કૉપીઅર મશીન છે. તેમાં એક છેડેથી ગમે તેવો ફોરેનનો માલ નાખો, પરંતુ બીજા છેડેથી આપણી ટિપિકલ બૉલીવુડિયન સ્ટાઇલની કૉપી જ બહાર નીકળે. તેનું એકદમ ગરમાગરમ એક્ઝામ્પલ છે બાબા અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘બ્રધર્સ.’ સૌ જાણે છે તેમ આ ફિલ્મ ૨૦૧૧ની હૉલીવુડની મસાલા મુવી ‘વૉરિયર’ની સત્તાવાર રિમેક છે. સત્તાવાર મીન્સ કે એમણે આ ફિલ્મ ક્યાંથી આયાત કરી છે તેનાં નામ-ઠામ સાથે ક્રેડિટ પણ આપી છે. પરંતુ હૉલીવુડની એ ફિલ્મ જોઇને બેઠેલા લોકો પોપકોર્નનો ફાકડો મારતાં મારતાં કહે છે કે એ અંગ્રેજી ફિલ્મ તો નખશિખ મસાલા મુવી હતી, જ્યારે અહીં તો એટલી બધી રડારોળ છે કે આખો રૂમાલ પલળી જાય. વાત સાચી છે, પરંતુ સાથોસાથ બીજા કેટલાક મુદ્દા પણ ચર્ચવા જેવા છે.

લડ મેરે ભાઈ

ગાર્સન ફર્નાન્ડિઝ (જૅકી શ્રોફ) ફાઇટર જોરદાર, લેકિન એક નંબરનો બેવડો. દારૂના નશામાં જ એણે એવાં બે પાપ કરી નાખ્યાં કે આખ્ખી લાઇફ બરબાદ થઈ ગઈ. પાપની સજા પૂરી થઈ, તો ખબર પડી કે જેને ફાઇટર બનાવવા માટે આટલી મહેનત કરેલી એ મોટો દીકરો ડેવિડ (અક્ષય કુમાર) તો જૅની (જૅક્લિન ફર્નાન્ડિઝ) નામની એક પોટ્ટી સાથે શાદી બનાવીને ખુશ છે. એની એક છ વર્ષની બૅબી પણ છે. ઉપરથી એનું મોઢું જોવા પણ રાજી નથી. ગાર્સનનો નાનો દીકરો મોન્ટી (સિદ્ધાર્થ મલ્હોત્રા) પણ હવે તો ક્વાર્ટરમાંથી પટિયાલા જેવો લાંબો થઈ ગયો છે. એય બાપ કી માફિક સ્ટ્રીટ ફાઇટર છે. પરંતુ નીલી છતરીવાલા ગોડની ગેમ એવી છે કે મોટા દીકરાને સગા બાપ અને નાના ભાઈ બંને સાથે જરાય બનતું નથી. નાનો દીકરો પણ મોટા ભાઈ પ્રત્યેના ધિક્કારના જ્વાળામુખી પર બેઠો છે. બડે ભૈયાની મજબુરી અને લિટલ બ્રધરના વોલ્કેનોને ફાટવાનું સ્ટેજ મળે છે ‘રાઇટ ટુ ફાઇટ’ નામની ‘મિક્સ્ડ માર્શલ આર્ટ્સ’ની કોમ્પિટિશનમાં. એક જ સ્ટેજ પર બંને ભાઇઓ સામસામે.

ભાઈ, તુમ ફાઇટ કરોગે યા નહીં?

ફિલ્મનું નામ ‘બ્રધર્સ’ અને ટૅગલાઇન ‘બ્લડ અગેઇન્સ્ટ બ્લડ’ રાખવાનો સૌથી મોટો ગેરફાયદો એ થયો કે ફિલ્મ જોયા પહેલાં જ ક્લિયર થઈ ગયેલું કે ‘દીવાર’ ફિલ્મની જેમ અહીં બે ભાઈ સામસામે ટકરાવાના છે. એટલા પૂરતી ફિલ્મ પ્રીડિક્ટેબલ થઈ ગઈ. એટલે સસ્પેન્સ માત્ર કયા સંજોગો બંને ભાઇઓને એકબીજાની સામે લાવીને મૂકી દે છે તે જ વિચારવામાં રહ્યું.

મેલોડ્રામા ભલે ગમે તેટલો લાઉડ અને ફિલ્મી લાગે, પરંતુ આપણે ત્યાં લોકો પાણીપૂરીની જેમ તેને સિસકારા બોલાવતાં પણ ચાટી જાય છે. પછી ફિલમવાળાઓ આખી વસઈની ખાડી ભરાઈ જાય એટલો મેલોડ્રામા ઠપકારે જ ને. એટલે જ એક્શન ફિલ્મની રિમેક પણ અહીં ઇમોશનલ થઈ જાય છે. ફર્સ્ટ હાફમાં શેખર કપૂરની ‘માસૂમ’ની ફીલ આપતી ‘બ્રધર્સ’ વિશે જોકે એટલું કહેવું પડે કે જૅકી શ્રોફ અને અક્ષય કુમાર બંનેની ઇમોશનલ બૅકસ્ટોરી અફલાતૂન રીતે ઝીલાઈ છે. જેમ કે, જૅકી શ્રોફનો શરૂઆતનો આખો ટ્રેક કરુણ હોવાની સાથોસાથ એટલો જ ડરામણો લાગે છે. એ જ રીતે અક્ષય કુમારની ફેમિલી લાઇફમાં પણ કૂટી કૂટીને ક્યુટનેસ ભરી છે.

પરંતુ સમજાતું એ નથી કે જથ્થાબંધ મેલોડ્રામા કર્યા પછીયે આપણી ફિલ્મોને લાગણીઓ વ્યક્ત કરવા માટે ગીતોની શા માટે જરૂર પડે છે? મમતા બતાવવા માટે એક ગીત, પર્ફેક્ટ ફેમિલી છે તો નાખો એનું એક સોંગ. ઇવન પાત્રો એકાદા આઇટેમ સોંગ વિના તો ખુશ જ ન થઈ શકે. એડિટિંગ ટેબલ પર બેઠેલા એડિટર તથા ડિરેક્ટરને એક વાર પણ એવો વિચાર ન આવે કે આ બધો પોચો પોચો મસાલો નાખવામાં ફિલ્મ લંબાઈ રહી છે અને તેની ગતિ અત્યંત ધીમી પડી રહી છે. ડિરેક્ટર કરણ મલ્હોત્રાએ અગાઉ બનાવેલી ‘અગ્નિપથ’માં પણ એમની સાથે મ્યુઝિક ડિરેક્ટર તરીકે અજય-અતુલ જ હતા. એ ફિલ્મનું ‘અભી મુઝ મેં બાકી હૈ’ ગીત હીટ ગયું એટલે ડિટ્ટો એવું જ ગીત ‘સપના જહાં’ ઠપકાર્યું છે. ત્યાં ‘ચિકની ચમેલી’ ચાલી ગયું એટલે અહીં કશી જરૂર નહોતી તોય કરીના પાસે ‘મેરા નામ મૅરી’ જેવું સાવ સસ્તું આઇટેમ સોંગ કરાવડાવ્યું છે. મજાની વાત એ છે કે આ ગીત સંગીતકાર અજય-અતુલે પોતાની  ૨૦૦૬માં આવેલી મરાઠી ફિલ્મ ‘જત્રા’ના ગીત ‘યે ગો યે યે મૈના’ને જ રિસાઇકલ કર્યું છે. યાને કે ગીતની પણ રિમેક.

આ ફિલ્મ મિક્સ્ડ ફીલિંગ્સથી ભરચક છે. એક તરફ આપણને તેનાં દુખિયારાં પાત્રોથી કંટાળો આવવા માંડે, તો બીજી તરફ તેમાં શેફાલી શાહની અને જૅકી શ્રોફની એક્ટિંગ સારી પણ લાગે. એમાંય જૅકી શ્રોફના હૅલુસિનેશનવાળો સીન અને આંસુઓ ખાળીને હસતી શેફાલી શાહની એક્ટિંગ બંને દમદાર છે. એક તરફ થાય કે આખો સૅકન્ડ હાફ તદ્દન પ્રીડિક્ટેબલ અને અક્ષય કુમારની જ ‘ખિલાડીયોં કા ખિલાડી’માં જોઈ ચૂક્યા છીએ તેવી ‘WWE’ ટાઇપની ફાઇટિંગને જ હવાલે કરી દીધો છે. પરંતુ એ જ ફાઇટિંગ જોતી વખતે આપણું જડબું ભીંસાઈ જાય અને ઑડિયન્સની ચિચિયારીઓની વચ્ચે આપણનેય મજા તો આવી જ જાય. એક તરફ થાય કે આપણા બંને હીરોને એકદમ મસ્ક્યુલાઇન અને સિરિયસ બતાવવા માટે જ એમના હરીફોને સાવ કાર્ટૂન જેવા ચીતરી દીધા છે. તો બીજી તરફ જોઇને લાગે કે દાઢી ભલે સફેદ રહી, પણ અક્ષય કુમાર આજેય એવો જ ફિટ છે. એક તરફ ફિલ્મમાં લગભગ કોઈ યાદગાર સંવાદો નથી, તો બીજી બાજુ ‘હર બેટા બાપ નહીં હોતા’ જેવી છૂટક લાઇન્સ પણ આશુતોષ રાણા ઉપાડી ગયો છે. એક બાજુ થાય કે સિદ્ધાર્થ મલ્હોત્રાએ માત્ર બૉડી જ બનાવી છે, એક્સ્પ્રેશન્સ પર ધ્યાન આપ્યું નથી, પરંતુ સાથોસાથ એવોય વિચાર આવે કે એનું પાત્ર સતત એક લાગણીઓના સુષુપ્ત વોલ્કેનો પર બેઠું છે, જે ગમે ત્યારે ફાટશે.

એક જ સ્થળે બાપ-બેટાઓના ભૂતકાળ અને વર્તમાનનાં પાત્રો હોય કે લોહિયાળ જગ્યાએ ક્યુટ બાળક ઊભેલું દેખાય, આ બંને શૉટ્સ વિઝ્યુઅલી એકદમ સુપર્બ લાગે છે. પરંતુ એ જ વખતે બૅકગ્રાઉન્ડમાં રાજ ઝુત્સીની તદ્દન વાહિયાત કોમેન્ટરી સતત સંભળાતી રહે છે (એના કરતાં ‘પોગો’ ચેનલ પર આવતા ‘તાકાશીસ કૅસલ’ પ્રોગ્રામમાં જાવેદ જાફરીની કોમેન્ટરી ક્યાંય રસપ્રદ હોય છે). ગુસ્સો ત્યારે આવે કે કુલભૂષણ ખરબંદા, આશુતોષ રાણા, કિરણ કુમાર જેવા દમદાર એક્ટરો કરતાં પણ રાજ ઝુત્સીના કાર્ટૂનિયા પાત્રને ક્યાંય વધારે ફૂટેજ મળતું દેખાય. જૅક્લિનને હવે શ્રીલંકન મૅનિકિન બનવાનું ફાવી ગયું છે, એટલે એના ચાહકોએ તો એને ટૂંકું ખોખલું ટૉપ પહેરીને કૂદતી જોવામાં જ ખુશ થવાનું છે. લેખકોએ રાઇટિંગમાં એટલી આળસ કરી છે કે જુલિયસ સિઝરના પ્રખ્યાત ક્વૉટ ‘વેની વિદી વિકી’નું ‘વો આયે, વો લડે ઔર વો ચલે ગયે’ જેવું સીધું જ હિન્દી ટ્રાન્સલેશન કરી નાખ્યું છે.

નૉકઆઉટ પંચ

કુલ મિલા કે, તમામ બૉલીવુડિયા મસાલા સાથેની આ ફિલ્મમાં આપણે અગાઉ ન જોયું હોય એવું કશું જ નથી. તેમ છતાં દર થોડા સમયાંતરે પાણીપુરી ખાવાની ઇચ્છા થાય, એ રીતે આ ફિલ્મ જોઈ શકાય. મીન્સ કે તમે જો અક્ષય કુમારના ફૅન હો, ચપટી જેટલી જૅક્લિનને જોવામાં પણ ધન્ય થઈ જતા હો અને અમુક ખરેખર સારા બનેલા સીન, સારી રીતે કોરિયોગ્રાફ થયેલી ફાઇટ સિક્વન્સીસ તથા હિન્દી ફિલ્મોમાં દુર્લભ એવું લખાણ ‘અડેપ્ટેડ સ્ક્રીનપ્લે’ના સાક્ષી બનવું હોય, તો આ ફિલ્મ જોઈ શકાય. પરંતુ ફુરસદે ટીવી પર જોશો તો પણ તમારી મજામાં કંઈ ખાસ ઘટાડો (કે વધારો) નહીં થાય.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

એક વિલન

ફટા પોસ્ટર નિકલા વિલન

***

બધા જ ભારતીય ફિલ્મી મસાલાઓથી ભરપુર આ ફિલ્મ એક ટાઇમપાસ વીકએન્ડ એન્ટરટેઇનર છે.

***

ac793d5484e4a79c6102a335ba2e2df3આપણી એક ખાસિયત છે, ચાઈનીઝ, ઈટાલિયન, થાઈ… કોઈપણ વાનગી હોય, આપણા દેશમાં આવે એટલે તે ટિપિકલ દેશી બની જાય. તેમાં આપણા મસાલા અને આપણી ફ્લેવર એવી ભળે કે સૌને ઓરિજિનલ વાનગી કરતાં આપણું દેશી વર્ઝન જ વધારે ભાવે. ફિલ્મોનું પણ એવું જ છે. જેમ કે, આ શુક્રવારે રિલીઝ થયેલી ‘એક વિલન’નો બેઝિક પ્લોટ દક્ષિણ કોરિયાની 2010માં આવેલી ફિલ્મ ‘આઈ સૉ ધ ડેવિલ’થી ઈન્સ્પાયર છે, પણ એક વિલન આપણા દેશી મસાલા જેવા કે પ્યાર-મહોબ્બત, દર્દ-હમદર્દ, બદલા, જીને નહીં દૂંગા-મરને નહીં દૂંગા, એન્ટિ હીરો, કાન વાટે હૃદયમાં ઊતરી જાય એવાં ગીતો વગેરેથી ભરપુર છે. પરિણામ સ્પષ્ટ છે, અત્યારે પ્રેક્ષકો, ખાસ કરીને યંગસ્ટર્સ એક વિલનની ટિકિટો માટે પડાપડી કરી રહ્યા છે!

લવ, શૉક ઔર બદલા

ગુરુ (સિદ્ધાર્થ મલ્હોત્રા) ગોવાનો એક ગુંડો છે, જે દિવાસળી સળગાવવા જેટલી સહજતાથી કોઈનું મર્ડર કરી નાખે એવો ક્રૂર છે. ત્યાં જ એની જિંદગીમાં આઈશા (શ્રદ્ધા કપૂર)ની એન્ટ્રી થાય છે. એકદમ ક્યૂટ અને નિર્દોષ એવી આઈશા જબ વી મેટની કરીના, લગે રહો મુન્નાભાઈની વિદ્યા બાલન અને ગજિનીની અસિનનું કોમ્બિનેશન છે. પરંતુ બિચારી એક અસાધ્ય બીમારીથી પીડાઈ રહી છે, જેને કારણે એના હાથમાં હવે મુઠ્ઠીભર દિવસો જ બચ્યા છે. બાકી રહેલા દિવસોને દિલથી જીવી લેવા માટે આઈશાએ પોતાની ઈચ્છાઓનું એક ‘બકેટ લિસ્ટ’ બનાવ્યું છે, જેને તે વન બાય વન પૂરી કરી રહી છે. બંને વચ્ચે પ્રેમનું ઝરણું ફૂટી નીકળે છે અને વિલન જેવા ગુરુની અંદર રહેલો હીરો બહાર આવવા લાગે છે.

ત્યાં જ એક ખરેખરા વિલન રાકેશ મહાડકર (રિતેશ દેશમુખ)ની એન્ટ્રી થાય છે. રાકેશ જિંદગીમાં કશું જ ન ઉકાળી શકેલો ટેલિકોમ કંપનીનો કર્મચારી છે. ઈવન એની પત્ની સુલોચના (આમના શરીફ) પણ એને મહેણાં-ટોણા મારવામાં કશું બાકી નથી રાખતી. એટલે આ રિતેશ એની સામે આવતી જે સ્ત્રી એનું અપમાન કરે, એના ઘરે પહોંચી જઈને એને સ્ક્રૂ ડ્રાઈવર જેવા હથિયારથી તેની કરપીણ હત્યા કરી નાખે છે. પરંતુ એક દિવસ એ એવું કામ કરી નાખે છે, જેને કારણે સિદ્ધાર્થ અને રિતેશ બંને સામસામે આવી જાય છે.

ઢીલી, પણ સ્વાદિષ્ટ વાનગી

આશિકી-2ની સુપર સફળતા પછી એક વિલનનાં ગીતોએ પણ જલસો કરાવ્યો, એટલે એટલું તો સ્પષ્ટ હતું કે આ ફિલ્મને ઓપનિંગ તો સારું મળશે. ઉપરથી એના પ્રોમોએ પણ લોકોમાં આતુરતા જગાવેલી કે ફિલ્મમાં એક્ઝેક્ટ્લી છે શું. 129 મિનિટ્સની આ ફિલ્મ શરૂ થાય તેની પહેલી પંદર મિનિટમાં જ એવો આંચકો આપે છે કે લોકોનું કુતૂહલ મોંઘવારીની જેમ ઊંચું જતું રહે. એ પછી ડિરેક્ટર મોહિત સૂરી આપણને ફ્લેશબેક અને વર્તમાન વચ્ચે અપડાઉન કરાવતા રહે છે. જેમાં ભારતીય ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે એવા સિરિયલ કિલરની વાત આવે છે.

ગઠીલા બદનવાળા સિદ્ધાર્થ મલ્હોત્રાને જોઈને યુવતીઓ સિસકારા બોલાવે છે, તો શ્રદ્ધા કપૂરનો ઈનોસન્ટ ચાર્મ પણ યંગસ્ટર્સમાં બરાબર ક્લિક થઈ ગયો છે. ફિલ્મમાં ગોવાનાં બ્યુટિફુલ લોકેશન્સમાં ફિલ્માવાયેલી એ બંનેની લવસ્ટોરી જોવી ગમે તેવી છે. બંનેનો ટિપિકલ બોલિવૂડિયન કેન્ડી ફ્લોસ રોમેન્સ આપણે અનેકવાર જોઈ ચૂક્યા હોવા છતાં કર્ણપ્રિય ગીતોને કારણે એમાં કંટાળો નથી આવતો.

પરંતુ ઈન્ટરવલ આવતાં સુધીમાં સસ્પેન્સ અને થ્રિલનાં બધાં જ પાનાં ખુલ્લાં થઈ જાય છે. એટલે હવે શું થશે એવું કોઈ કુતૂહલ બાકી રહેતું નથી. એક આશા ઉંદર-બિલ્લી જેવી ચેઝ પર ટકી રહે છે, પરંતુ એવી થ્રિલિંગ ચેઝ પણ બીજા ભાગમાં જોવા મળતી નથી. ઉપરથી (પ્રાચી દેસાઈને ચમકાવતું) એક વણજોઇતું આઈટેમ સોંગ નાખીને ઢીલી પડેલી વાર્તાને ઓર રબ્બર જેવી કરી દેવાઈ છે. આ ફિલ્મ ફિલ્મી કો-ઈન્સિડન્સિસથી ભરપુર છે એટલે ‘આવું થોડું હોય?’ એવા  લોજિકની ગલીમાં ઘૂસવા જેવું નથી.

ઢીલા સેકન્ડ હાફને બાદ કરતાં ડિરેક્ટર મોહિત સૂરીની તમામ ગણતરીઓ સાચી પડી છે. ફિલ્મે રિલીઝ પહેલાં લોકોમાં કુતૂહલ જગાવ્યું અને થિયેટર સુધી ખેંચાઈ આવેલા લોકો નિરાશ થાય એવી તો ફિલ્મ જરાય નથી. ઉપરથી અંકિત તિવારી, મિથૂન અને સોચ બેન્ડ દ્વારા કમ્પોઝ થયેલાં મોટા ભાગનાં ગીતો હિટ થયાં છે. એમાંય અંકિત તિવારી અને શ્રદ્ધા કપૂરે ગાયેલું ‘તેરી ગલિયાં’ તો ઓલરેડી ચાર્ટ બસ્ટરની કેટેગરીમાં આવી ગયું છે.

ખિલેલા ગુલાબની પાંખડી પર ઝામેલા ઝાકળ જેવી માસૂમ લાગતી શ્રદ્ધા કપૂર જેટલી કન્વિન્સિંગ લાગે છે, એટલું જ સિદ્ધાર્થ મલ્હોત્રાને ગુંડો ગણવામાં મન માનતું નથી. ખબરબચડા ખૂનખાર ગુંડા કરતાં એ કોઈ પૈસાદાર બાપાનો દીકરો વધારે લાગે છે. પરંતુ ફિલ્મનું સૌથી મોટું સરપ્રાઈઝ પેકેજ છે રિતેશ દેશમુખ. ગયા અઠવાડિયે એને હમશકલ્સમાં ગાંડાવેડા કરતો જોયા પછી લાગતું હતું કે આની પાસે આનાથી વધારે ટેલેન્ટ નહીં હોય, પણ વિકૃત દિમાગના સિરિયલ કિલરના રોલમાં એ ખરેખર જામે છે. એટલું જ નહીં, એનું પાત્ર પણ સૌથી સારું લખાયેલું છે. જોકે એની ક્રૂરતા હજી વધારે ખૂલીને બહાર આવી હોત તો આ ફિલ્મમાં થ્રિલનું તત્ત્વ ઓર વધારે જામ્યું હોત.

ટ્વિટર પર જે સૌથી વધુ ગાળો ખાય છે એ ફ્લોપ એક્ટર કમાલ આર. ખાન (કેઆરકે) પણ આ ફિલ્મમાં એક નાનકડી ભૂમિકામાં છે. પોતાની ટ્વિટર પર્સનાલિટી જેવા જ રોલમાં રહેલો કેઆરકે જોકે એની વાહિયાત એક્ટિંગથી કોમિક રિલીફ પૂરું પાડે છે. ગેંગસ્ટર ‘સિઝર’ના રોલમાં ગાયક રેમો ફર્નાન્ડિઝ પણ એમનાં ટ્રેડમાર્ક ગોળ કાચવાળાં ગોગલ્સ પહેરીને આવી ગયા છે, પરંતુ રેમો પણ ધ્યાન ખેંચવામાં તો નિષ્ફળ જ રહ્યા છે. મિલાપ મિલન ઝવેરીએ એક વિલનના ડાયલોગ્સ લખ્યા છે, પરંતુ એણે ‘તુમ સે ઝ્યાદા કામ તો ઈસ ઓફિસ મેં ઝેરોક્સ મશીન કરતી હૈ’ ટાઈપના અલપ ઝલપ ચમકારાને બાદ કરતાં ચવાયેલા હિન્દી મસાલા ડાયલોગ્સ જ ઠપકાર્યા છે.

વીકએન્ડ ટાઇમપાસ

ઠંડા કલેજે હત્યાઓ કરતા સિરિયલ કિલરને બાદ કરતાં એક વિલનમાં એવું જ કશું જ નથી જે આપણે અગાઉ ન જોયું હોય. તેમ છતાં ‘ગજિની’ ટાઈપની આ રિવેન્જ સ્ટોરી એક સરસ વીક એન્ડ એન્ટરટેઇનર તો છે જ. પ્રીડિક્ટેબલ હોવા છતાં જરાય કંટાળો આપતી નથી. આપણી ઑડિયન્સને મજા પડે એવા તમામ મસાલાથી ભરપુર આ વાનગી એકવાર ટેસ્ટ કરવા જેવી ખરી.

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

હસી તો ફસી

મેરી મંગેતર કી સિસ્ટર!

***

આ ફિલ્મ અવનમાં હાફ બેક થયેલી વાનગી જેવી છે, ઉપરથી કડક અને અંદરથી એકદમ કાચી -પોચી.

***

hasee_toh_phasee_ver6_xlgફિલ્મનું કામકાજ ક્રિકેટની જેમ ટીમવર્કનું છે. એકલો વિરાટ કોહલી સેન્ચુરી મારે તેનાથી મેચ જીતી ન શકાય. એ માટે પૂરેપૂરી ટીમનું સો ટકા પરફોર્મન્સ જોઇએ. Manટીમના બીજા ખેલાડીઓ પાંચ-પચ્ચીસ રન ફટકારે કે બે-ત્રણ વિકેટ્સ લે એનાથી કંઇ શુક્કરવાર ન વળે. ફર્સ્ટ ટાઇમ ડિરેક્ટર વિનિલ મેથ્યુની આ અઠવાડિયે રિલીઝ થયેલી ફિલ્મ ‘હસી તો ફસી’માં એવું જ થયું છે. એકલી પરિણીતી ચોપરાની જ મહેનત દેખાય છે. બાકી મ્યુઝિકને બાદ કરતાં બીજા બધા ડિપાર્ટમેન્ટ્સે નાદારી નોંધાવી છે.

સુસ્ત રોમકોમ

આઇપીએસ ઓફિસર (શરત સક્સેના)નો દીકરો નિખિલ ભારદ્વાજ (સિદ્ધાર્થ મલ્હોત્રા) મુંબઇમાં સાડીઓના મોટા ગુજરાતી વેપારી દેવેશભાઇ (મનોજ જોશી)ની ત્રીજા નંબરની દીકરી કરિશ્મા (અદા શર્મા) સાથે લવ ટર્ન્ડ અરેન્જ મેરેજ કરી રહ્યો છે. ત્યાં જ ઘરમાં ચોરીછૂપે મીતા (પરિણીતી ચોપરા)ની એન્ટ્રી થાય છે. મીતા દેવેશભાઇની ચોથા નંબરની દીકરી છે, પણ સાત વર્ષ પહેલાં એમની બીજા નંબરની દીકરી દીક્ષાનાં મેરેજ વખતે એ ઘરમાંથી પૈસા ચોરી કરીને ભાગી ગયેલી અને ત્યારે દેવેશભાઇ બિચારા હાર્ટ અટેકમાંથી માંડ બચેલા.

આ મીતા એટલે કે પરિણીતી ભારે ભેદી કેરેક્ટર છે. એ આમ જિનિયસ છે, પણ કંઇક ભેદી પ્રકારની ગોળીઓ ખાધા કરે છે, વિચિત્ર રીતે (અને ક્યારેક તો ચાઇનીઝ) બોલે છે , આંખો પટપટાવે છે અને હા, ટૂથપેસ્ટ ખાય છે! એને કોઇપણ વસ્તુ રિપેર કરતાં આવડે છે. બધા જ સવાલોના જવાબ એની પાસે હાજર સ્ટોકમાં છે. પોતાના માથાભારે કાકા (સમીર ખખ્ખર) અને પપ્પાની સામે આવી શકે એમ નથી એટલે તે કરિશ્માના કહેવાથી સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરમાં ખોટી ઓળખ સાથે રહે છે.

બીજી બાજુ સિદ્ધાર્થ મલ્હોત્રાની અને એ જેની સાથે પરણી રહ્યો છે એ અદા શર્માની લવસ્ટોરી પણ આપણી લોકસભા જેવી છે, ચાલે છે ઓછી અને ખોરંભે વધારે ચડે છે. પરિણામે થાય છે એવું કે ધીમે ધીમે સિદ્ધાર્થ-પરિણીતી એકબીજાનાં પ્રેમમાં પડે છે અને ફિલ્મ આપણે જોયેલી અનેક બોલિવૂડ રોમેન્ટિક કોમેડી ફિલ્મોની કેટેગરીમાં જઇને પડે છે.

તાઝી હવા કા ઝૌંકા

રિલીઝ પહેલાં ‘હસી તો ફસી’એ જબરદસ્ત આશાઓ જન્માવેલી, પરંતુ એ મોટા ભાગના ડિપાર્ટમેન્ટ્સમાં ફિસડ્ડી પુરવાર થાય છે. સૌથી પહેલાં વાત કરીએ પરિણીતી ચોપરાની.

પ્રિયંકા ચોપરાની કઝિન તરીકે બોલિવૂડમાં એન્ટ્રી લેનારી પરિણીતી ફ્રેશનેસનું પાવર હાઉસ છે! એનો તાજગીસભર ચહેરો, બોલકી આંખો અને એનાથી પણ વધુ બોલકી ખુદ પરિણીતી પોતે. તદ્દન અલગ પ્રકારની ભૂમિકાઓથી એવો સીધો મેસેજ આપી રહી છે કે એ અહીં માત્ર એક ગ્લેમ ડોલ બની રહેવા માટે નહીં, બલકે મીનિંગફુલ એક્ટર બનવા માટે આવી છે. અહીં એણે જે ખૂબીથી બે પ્રકારનાં વ્યક્તિત્વોને એકસાથે નિભાવ્યાં છે, તેના જ ટેકે આખી ફિલ્મ ટકી રહી છે. અહીં એનું કેરેક્ટર થ્રી ઇડિયટ્સના ‘રેન્ચો’ના ફિમેલ વર્ઝન જેવું લાગે છે.

અહીં રાઇટિંગ ડિપાર્ટમેન્ટમાં બધું મળીને કુલ છ નામ છે, જેમાં ઊડીને આંખે વળગે એવું નામ છે અનુરાગ કશ્યપનું. અનુરાગે આ ફિલ્મ કરણ જૌહર અને વિક્રમાદિત્ય મોટવણે જેવાં જાણીતાં નામો સાથે મળીને પ્રોડ્યુસ કરી છે, એટલું જ નહીં ડાયલોગ્સમાં પણ પોતાનું ક્રિયેટિવ પ્રદાન આપ્યું છે. તેની ચોખ્ખી અસર ફિલ્મમાં દેખાય છે. ફિલ્મમાં અફલાતૂન રીતે લખાયેલી ઘણી બધી સિચ્યુએશન્સ છે જે તમારા ચહેરા પર નવજોત સિંઘ સિદ્ધુ અને અર્ચના પૂરનસિંઘ જેવું હાસ્ય લાવી દેશે.

ઇવન મ્યુઝિક ડિપાર્ટમેન્ટમાં પણ વિશાલ-શેખર અને અમિતાભ ભટ્ટાચાર્ય જેવાં ટેલેન્ટેડ નામોએ ભેગાં થઇને ફ્રેશ મ્યુઝિક આપ્યું છે. આ ફિલ્મમાં ગીતો વખતે પોપકોર્ન લેવા ન જશો, નહીંતર એના શબ્દોની ક્રિયેટિવિટી મિસ થઇ જશે. ખાસ કરીને શેઇક ઇટ લાઇક શમ્મી, (ગુજરાતી ગીત) બધું ભેગું સે અને યે છોરી બડી ડ્રામા ક્વીન હૈ. આ ઉપરાંત પંજાબી વેડિંગ સોંગ, ઇશ્ક બુલાવા, ઝેહનસીબ વગેરે ગીતો પણ ઓફિસ જતી વખતે કારમાં સાંભળવાની મજા પડે એવાં છે.

તો લોચો ક્યાં છે, બોસ?

પહેલો લોચો છે, ફિલ્મની ધીમી ગતિના સમાચાર જેવી ગોકળગાય છાપ ગતિમાં. ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ જેવી એકદમ ફાસ્ટ શરૂઆત પછી અચાનક આખી ફિલ્મ ટેસ્ટ મેચના મોડમાં જતી રહે છે. હીરો-હિરોઇનને પ્રેમમાં પાડવા માટે એટલો બધો ટાઇમ લેવાય છે કે એટલી વારમાં તો આપણા મોબાઇલની બેટરી ખલાસ થઇ જાય, પણ ફિલ્મ આગળ ન વધે! ઇવન ફિલ્મમાં આટલાં બધાં ગીતોની પણ જરૂર નહોતી.

બીજો ડાયનોસોર જેવડો મોટો લોચો છે, સેકન્ડ હાફમાં એની એ જ ઘિસીપિટી લવ ટ્રાયેંગલની સ્ટોરી. જે સ્ટોરી આપણે સંગમ કે સાજનથી લઇને દિલ ચાહતા હૈ, જાને તૂ યા જાને ના અને જબ વી મેટ કે લવ આજ કલ જેવી ફિલ્મોમાં જોઇ ચૂક્યા હોઇએ, એનો એ જ પ્રીડિક્ટેબલ ટ્રેક ફરી ફરીને જોવામાં શી મજા આવે?! ફિલ્મ ‘મેરે બ્રધર કી દુલ્હન’નું લેડીઝ વર્ઝન બનાવ્યું હોય એવી બની જતી આ ફિલ્મનું નામ ‘મેરી મંગેતર કી સિસ્ટર’ હોવું જોઇએ! બાય ધ વે, ફિલ્મનું નામ ‘હસી તો ફસી’ શા માટે રખાયું હશે?

એક્ટિંગ વેક્ટિંગ

આગળ કહ્યું એમ ‘હસી તો ફસી’માં પરિણીતીનું પરફોર્મન્સ ટેન આઉટ ઓફ ટેન જેવું પરફેક્ટ છે. એમાં ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’વાળો સિદ્ધાર્થ મલ્હોત્રા બિચારો સાઇડ હીરો જેવો બનીને રહી ગયો છે. એ ઉપરાંત ફિલ્મમાં શરત સક્સેના, મનોજ જોશી, નીના કુલકર્ણી, સમીર ખખ્ખર, લીલી પટેલ જેવાં અદાકારો પણ છે. અરે, વચ્ચે ટીનૂ આનંદ અને કરણ જૌહર પણ સ્ક્રીન પર આંટો મારી જાય છે! પરંતુ અમુક ચમકારાને બાદ કરતાં કોઇને ઝાઝું ઝળકવાનો ચાન્સ મળતો નથી. માત્ર એક અપવાદ છે, અનુ મલિકના ફેન બનતા અદાકાર અનિલ માંગેનો. ચારેક સીન્સમાં તો એ બીજાં કલાકારોને રીતસર ખાઇ જાય છે!

સિંહ કે શિયાળ?

સ્પષ્ટ વાત છે, એક પાત્રને ઉપસાવવામાં અડધો ડઝન લેખકોએ ભેગા મળીને ફિલ્મની સ્ટોરીની રસોઇ બગાડી નાખી છે. તેમ છતાં, ફિલ્મમાં ઘણા સીન્સ મજા કરાવવામાં સફળ રહે છે. ઇવન ગીતોમાં પણ મહેનત દેખાય છે. પરંતુ ફિલ્મના રિઝલ્ટનો ગ્રાન્ડ ટોટલ સેકન્ડ ક્લાસમાં પહોંચીને અટકી જાય છે. ઇન શોર્ટ, આ ફિલ્મની ડીવીડી બહાર પડે કે ચેનલ પર આવે ત્યાં સુધી રાહ જોવામાં કશો વાંધો નથી.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.