પિંક

સ્ત્રી વિરુદ્ધ સમાજ

***

આ જબરદસ્ત ફિલ્મ આપણી પછાત પુરુષવાદી મૅન્ટાલિટી અને દેશમાં સ્ત્રીઓની સ્થિતિ વિશે એકદમ બોલ્ડ સ્ટેટમેન્ટ છે.

***

pink-movie-posterપરંપરાગત અર્થમાં જોઇએ તો ‘પિંક’ હૉરર ફિલ્મ નથી. તેમ છતાં ફિલ્મની શરૂઆતથી જ જ્યારે પણ ડૉરબેલ-મોબાઇલની રિંગ વાગે છે, દૂરથી કોઈ ગાડી આવતી દેખાય છે, ફિલ્મની ત્રણ લીડિંગ લૅડીઝમાંથી એક પણ છોકરીને આપણે ધોળે દહાડે પણ ક્યાંય જતા જોઇએ અને આપણને થિયેટરના સલામત વાતાવરણમાં બેઠાં બેઠાં પણ એમના માટે ભય લાગવા માંડે છે. ડિરેક્ટર અનિરુદ્ધ રૉય ચૌધરીએ ‘પિંક’માં એવું વાતાવરણ સરજ્યું છે જે જોઇને આપણને થાય કે આ આપણો જ દેશ છે, જેના માટે આપણે છાતી ફુલાવીને ગૌરવ લઇએ છીએ?

નો કન્ટ્રી ફોર વિમેન

ત્રણ યુવતીઓ મીનલ (તાપસી પન્નુ), ફલક (કીર્તિ કુલ્હારી) અને ઍન્ડ્રિઆ (ઍન્ડ્રિઆ તેરિઆંગ) દિલ્હીમાં ઘર ભાડે રાખીને એકલી રહે છે. પરંતુ એમની સાથે કશુંક અઘટિત થયું છે અને ત્યાર પછી આ ત્રણેય યુવતીઓ ભયંકર ડરેલી છે. એક રૉક શૉ પછી યુવતીઓ કેટલાક યુવાનો સાથે જમવા ગઈ અને એમાંના એક યુવાનને આમાંની એક યુવતીએ માથામાં શરાબની બૉટલ મારી દીધી. યુવક તો બચી ગયો, પરંતુ આ ત્રણેય છોકરીઓની જિંદગી હરામ થઈ ગઈ. એમની સાથે થયેલા અન્યાયની વાત તો દૂર રહી, એમને જ આરોપીના પાંજરામાં ખડી કરી દેવાય છે. જાહેરમાં એમનું ચારિત્ર્ય ઊછળે છે. બધું જ દૂરથી જોયા કરતા એક વયોવૃદ્ધ વકીલ દીપક સહગલ (અમિતાભ બચ્ચન) આખરે એમનો કૅસ હાથમાં લે છે. એ કૅસની દલીલોની સાથોસાથ પ્રેક્ષક તરીકે આપણને પણ એક પછી એક લપડાકો પડતી જાય છે.

મિરર મિરર ઑન ધ વૉલ

એક ઘટના બને, અખબારો-ચેનલોમાં ચર્ચાય, લોકો મીણબત્તીઓ લઇને રસ્તા પર આવે અને ધીમે ધીમે ફરી પાછું જૈસે થે થઈ જાય. ખરેખરો પ્રોબ્લેમ જ્યાં છે, તે આપણી માનસિકતામાં તસુભાર પણ ફરક ન પડે. આપણી એ પછાત પુરુષવાદી માનસિકતા સામે આ ફિલ્મ મીઠાના પાણીમાં બોળીને બરાબરની ચાબુકો ફટકારે છે.

કોઈ જ પ્રકારના સાઉન્ડ વિના એકદમ બ્લૅક બૅકગ્રાઉન્ડ સાથે શરૂ થઈ જતી ‘પિંક’ જ્યારે સ્ટાર્ટ થાય છે ત્યારે આપણને સખત ડરી ગયેલી ત્રણ યુવતીઓ દેખાય છે. એમની સાથે એક્ઝેક્ટ્લી શું થયું છે તે આપણને કહેવામાં આવતું નથી. પરંતુ એમની વચ્ચેની વાતો અને કૉર્ટમાં પેશ કરાતી દલીલોમાંથી આપણને કંઇક અંદાજ આવે છે કે શું બન્યું હશે (અલબત્ત, એ રાત્રે એક્ઝેક્ટ્લી શું થયેલું તે આપણને ફિલ્મ પૂરી થાય છે ત્યારે ઍન્ડ ક્રેડિટ્સ દરમ્યાન બતાવવામાં આવે છે). ઉદ્દેશ એવો કે દર્શક તરીકે આપણે શરૂઆતથી જ કોઈ એક પક્ષ તરફ ઢળી ન જઇએ. ઇવન યુવતીઓને પણ બિચારી-બાપડી કે દયાની ભીખ માગતી બતાવાઈ નથી. એ ઇન્ડિપેન્ડન્ટ છે, એકલી રહે છે, નોકરી કરે છે, પોતાના હક માટે લડી શકે છે. પરંતુ એ જ્યારે કફોડી સ્થિતિમાં મુકાય ત્યારે આપણને ભાન થાય કે આપણા દેશમાં સ્ત્રીઓ સાથે કશું ન થાય ત્યાં સુધી જ તે સલામત છે. મતલબ કે એમની સલામતી ભૂખ્યા વરુઓની મહેરબાની પર જ અવલંબે છે. પાવર, પૈસા કે પપ્પાના કૅફમાં ભાન ભૂલેલા એ વરુઓ ત્રાટકે ત્યારે એમને આડકતરો સપોર્ટ આપવા માટે આપણી સિસ્ટમ અને ‘બિચારી’ કહેવાતી આમ જનતાના પૂર્વગ્રહો પણ હાજર જ હોય છે.

જો નામ પરથી ધર્મ શોધવાની આપણી કુટેવને કામે લગાડીએ તો આ ત્રણેય યુવતીઓ અનુક્રમે હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મ પાળે છે. મતલબ કે ધર્મ માટે દેશમાં ભલે ગમે તેટલું લોહી વહે, પરંતુ સ્ત્રી એકલી હોય તો તે ગમે તે ધર્મની હોય, એ સરખી જ અસલામત હોય છે. એમાંય ત્રીજી છોકરી ઍન્ડ્રિઆ તો નૉર્થ-ઇસ્ટની છે, જેને આપણે ભારતમાં ગણતા નથી કે ઇવન એ રાજ્યોને આપણે એકબીજાથી અલગ પણ પાડી શકતાં નથી. એમના પર થતા અટૅક માટે આપણે બહુ ઇતિહાસ ફંફોસવાની જરૂર નથી જ.

રિતેશ શાહે લખેલી આ ફિલ્મમાં આપણને વીંધી નાખે, અકળાવી મૂકે એવા સીનની ભરમાર છે. સતત હેરેસમેન્ટથી ત્રાસેલી યુવતીઓ જ્યારે પોલીસ કમ્પ્લેઇન કરવા જાય, જ્યારે એમની ધરપકડ થાય, કૉર્ટમાં જ્યારે મહિલા પોલીસ અધિકારીને, ‘આરોપી’ને, સાક્ષીને પેશ કરાય એ બધાં જ દૃશ્યો લાજવાબ બન્યાં છે. ફિલ્મનું રાઇટિંગ એકદમ મૅચ્યોર છે. કેટલાંય વનલાઇનર્સ આપણને ગાલે થપ્પડની જેમ વાગે છે. જેમ કે, ‘ઘડિયાળનો કાંટો આપણે ત્યાં સ્ત્રીઓનું કેરેક્ટર નક્કી કરે છે’, ‘અહીંયા દારૂ ખરાબ ચારિત્ર્યની નિશાની છે, પણ સ્ત્રીઓ માટે. પુરુષો માટે તો એ માત્ર સ્વાસ્થ્યને હાનિકારક છે’ એટ સેટરા. એક મહિલા પોલીસ અધિકારી પણ જ્યારે સિસ્ટમનો હાથો બની જાય ત્યારે એ કેવી રીતે એક સ્ત્રી મટી જાય છે એ (મોસ્ટ્લી મમતા મલિકના નાનકડા પણ ટેરિફિક પર્ફોર્મન્સમાં) ખાસ માર્ક કરજો.

સ્ત્રીઓ વિશે એક વાહિયાત વાત આપણને સતત-મોટેભાગે ફિલ્મો મારફતે-પીવડાવાતી આવેલી છે કે, ‘સ્ત્રીઓની ના એટલે એમની હા હોય.’ ‘પિંક’ અત્યંત વોકલ થઇને એકથી વધુ વખત કહે છે કે, ‘નો મીન્સ નો.’ કોઇપણ સ્ત્રીની મંજૂરી-સહમતિ વગર તમને એને અડકી સુદ્ધાં શકો નહીં. પછી ભલે તે કોઈ ગણિકા હોય કે પછી તમારી પોતાની પત્ની કેમ ન હોય. અહીં કહ્યા વિના ‘મૅરિટલ રેપ’ના મુદ્દે પણ કાન ખેંચવામાં આવ્યા છે.

‘પિંક’માં કેટલીયે મોમેન્ટ્સ સિનેમેટિકલી પર્ફેક્ટ છે અને કશું જ બોલ્યા વગર ઘણું બધું કહી દે છે. જેમ કે, ચાલુ કૉર્ટમાં જજ બોલાવતા હોય ત્યારે પણ બચ્ચન નીચે ફરતા કોક્રોચની સામે જોઈ રહે છે (વાંચોઃ આપણી જ્યુડિશિયલ સિસ્ટમ કેવી જરીપુરાણી થઈ ચૂકી છે). એ જજ (ફૅન્ટાસ્ટિક ઍક્ટર ધૃતિમાન ચૅટર્જી)નું નામ પણ સૂચક છે, ‘સત્યજિત’. કૉર્ટ કેસને કારણે અજાણી વ્યક્તિ આંગળી ચીંધે ત્યારે તાપસી પન્નુ પોતાનું મોઢું ઢાંકી લે છે અને બિગ બી એનું માથું ખુલ્લુ કરી નાખે છે (વાંચોઃ ખરેખર કોણે મોઢું સંતાડવાની જરૂર હોય?). બચ્ચન દિલ્હીની હવામાં બહાર ટ્રેકિંગ માસ્ક પહેરી રાખે છે, જાણે એ દિલ્હીની ‘ગંદી’ હવા અંદર લેવા જ નથી માગતા. ઇલેક્ટ્રોનિક મીડિયા અહીં માત્ર એક સીનમાં બતાવાય છે, એ પણ અવાજ વગર. અહીં પાવરનો મિસયુઝ કરતા નેતાઓને ક્યારેય સામે બતાવવામાં આવતા નથી, માત્ર એના જોરે ફૂટકળિયાઓ નિર્દોષ લોકોને કેવા હેરાન કરી શકે એની ભયાનક ઇફેક્ટ જ બતાવાઈ છે. મોટાભાગની ફિલ્મ આપણને અકળાવી મૂકે તે રીતે મોડી રાત, વહેલી સવાર, સાંજનાં દૃશ્યોથી જ ભરચક છે. અલબત્ત, છેલ્લા શૉટમાં ત્રણેય યુવતીઓની આંખ સામે સૂર્ય ઊગતો બતાવાયો છે. હકીકતમાં સ્ત્રીઓ માટે આશાના એ સૂર્યને ઊગવા દેવો કે કેમ તે એઝ અ સોસાયટી-આપણા હાથમાં છે.

આપણે ત્યાં સ્વતંત્ર મિજાજી, મોડે સુધી બહાર ફરતી, એકલી રહેતી, નોકરી કરતી, હસીને વાત કરતી, વૅસ્ટર્ન કપડાં પહેરતી કે પોતાના હક્કો માટે સજાગ સ્ત્રીઓનું કેરેક્ટર સર્ટિફિકેટ ફાડતા લોકોની કમી નથી. તેમ છતાં અહીં એમના પણ કાન ખેંચવામાં આવ્યા જ છે. બચ્ચન કૅસની બહાર જઇને પણ સ્ત્રીઓ માટે કડવી દવા લાગે તોય એક કમાન્ડમેન્ટ્સનું લિસ્ટ આપે છે, એ ખરેખર યાદ રાખવા જેવું છે.

‘પિંક’નું કાસ્ટિંગ એકદમ પર્ફેક્ટ છે. તાપસી પન્નુ, કીર્તિ કુલ્હારી અને નવોદિત ઍન્ડ્રિયા તૅરિયાંગ એકેક ઇમોશનને પર્ફેક્ટ્લી રિફ્લેક્ટ કરે છે. એમની વચ્ચેની સ્ટ્રોંગ, ઇમોશનલ, કૅરિંગ કેમિસ્ટ્રી આપણને સતત એમના માટે ચિંતા કરતા કરી મૂકે છે. ફિલ્મની વાર્તા અને લાંબા કૉર્ટકેસને કારણે આપણને ‘પિંક’ સહેજે ‘દામિની’ની યાદ અપાવે. પરંતુ દામિનીથી વિપરિત અહીં ત્રણેય છોકરીઓની સામે જે પ્રકારની દલીલો થાય છે, એ જે સ્થિતિમાં મુકાય છે, તે એમને એકદમ રિયલ બનાવી રાખે છે. એમનાં પાત્રોમાં ભારોભાર ડ્રામા હોવા છતાં ક્યાંય ફિલ્મી કે લાઉડ લાગતાં નથી. તમે એમને તબક્કાવાર ભાંગી પડતાં જોઈ-અનુભવી શકો.

ઍન્ડ અમિતાભ બચ્ચન. થોડા વધુ પડતા ઘોઘરા અવાજ અને ગંદી વિગ છતાં અમિતાભ આ ફિલ્મનું સુપર સ્ટ્રોંગ ઍલિમેન્ટ છે. એમની સતત આરપાર વીંધી નાખતી નજર, પર્સનલ ટ્રેજેડી અને કથળેલી તબિયતને સાઇડમાં ધકેલીને પણ પૂરી મહેનતથી કૅસ લડવાનો એમનો ટેમ્પરામેન્ટ, સુપર્બ ટાઇમિંગ અને ટેક્સ્ટ બુક સમાન લાઉડ થયા વિનાના આરોહ-અવરોહથી બોલાયેલા ડાયલોગ્સ બધું જ એકદમ પિચ પર્ફેક્ટ છે. પહેલીવાર જ્યારે એ વકીલના યુનિફોર્મમાં સજ્જ થઇને દરવાજાની બહાર ઊભેલા દેખાય છે એ સીન વખતે તમને થયેલી કેવી ફીલિંગ થયેલી, બાય ધ વે?!

વકીલ (‘દામિની’ના ચઢ્ઢા માઇનસ એમની ઝટકાવાળી લટ)ના રોલમાં પીયૂષ મિશ્રા થોડા લાઉડ અને ઇરિટેટિંગ છે, પરંતુ એમના કૅરેક્ટર માટે યોગ્ય છે (જોકે બધી જ ફિલ્મોમાં હાંફતા હોય એ રીતે ડાયલોગ બોલવાની એમની એકની એક સ્ટાઇલ હવે મોનોટોનસ બનતી જાય છે). બૅડ ગાય્ઝની ટોળકીમાં અંકિતનું પાત્ર ભજવતો વિજય વર્મા ખરેખર ડરામણો લાગે છે.

અલબત્ત, આ ફિલ્મ પણ પર્ફેક્ટ નથી. કેટલીયે કાનૂની દલીલો અને તેના પરથી અપાતો ચુકાદો, અમિતાભનો ભૂતકાળ, અમુક ઠેકાણે એની સતત વીંધી નાખતી નજરો, સ્ટાર્ટિંગમાં એક વણજોઇતું આવતું ગીત વગેરે બાબતો જરાતરા ખૂંચે એવી છે. પરંતુ આ ફિલ્મ એટલી બધી મજબૂત છે કે એ બધું જ અવગણી શકાય. આવી ફિલ્મ બને એ માટે તેના મૅકર્સ અભિનંદનને અધિકારી છે (એ લોકો અભિનંદનને અધિકારી તો એ વાત જણાવવા માટે પણ છે કે સ્ત્રીઓ અને માઇનર્સને નોન-બેઇલેબલ ઑફેન્સ માટે પણ બૅઇલ મળી શકે. અત્યાર સુધી એકપણ ઠેકાણે આ વાત વાંચી-સાંભળી નહોતી).

ફિલ્મ નહીં, હૉમવર્ક

‘પિંક’ એના સ્ટ્રોંગ રાઇટિંગ, ડિરેક્શન અને ઍક્ટિંગને લીધે ‘કાનૂન’, ‘એક રુકા હુઆ ફૈસલા’, ‘મેરી જંગ’, ‘દામિની’, ‘ઓહ માય ગોડ’, ‘જોલી LLB’, ‘તલવાર’ જેવી ફિલ્મોની યાદીમાં આવી શકે તેવી મજબૂત છે. પરંતુ વાત એ છે કે અમુક ફિલ્મો માત્ર મનોરંજન માટે જ નહીં, બલકે હૉમવર્કના ભાગરૂપે પણ જોવા જેવી હોય છે. ‘પિંક’ એમાંની જ એક છે. આ ફિલ્મ ઘરના બધા જ સભ્યોને લઇને થિયેટરમાં ફરજિયાતપણે જોવી જ જોઇએ. ઇવન સરકારોએ પણ આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવી જોઇએ અને થિયેટરમાલિકોએ પોતાની ‘કૉર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી’ના ભાગરૂપે પણ આ ફિલ્મના ટૅક્સ ડિડક્શનનો લાભ લોકો સુધી પહોંચાડીને તેને શક્ય તેટલા વધુ લોકો સુધી પહોંચતી કરવી જોઇએ. આશા રાખીએ કે આવી ફિલ્મો સતત બનતી રહે, જેથી આપણા સમાજમાં એવું પરિવર્તન આવે કે જેનાથી આવી ફિલ્મો બનાવવાની જરૂર જ ન પડે.

રેટિંગઃ **** (ચાર સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

પિકુ

ટોઇલેટ હ્યુમર

***

માતાપિતા પ્રત્યેનો પ્રેમ, એમની બીમારીની આસપાસ વણાઈ જતી જિંદગી, તીવ્ર અતીતરાગ, વતન સાથે જોડાયેલાં આપણાં મૂળિયાં અને ત્યાંથી ઊખડ્યાં પછી ચીડિયો થઈ જતો સ્વભાવ અને હા, કબજિયાત… આવી તો કેટલીયે વાતો આ પારેવાની પાંખ જેવી હળવી ફિલ્મમાં અફલાતૂન રીતે પરોવી લેવાઈ છે.

***

pikuposter2_635629007822200905આપણા હાસ્યકારો કાયમ ‘હાસ્ય તો ઓબ્જરવેસનમાંથી મળે’ એવી એકની એક વાતો કરીને બોર કરતા હોય છે. પરંતુ જો ડિરેક્ટર શૂજિત સિરકાર જેવી શાર્પ આંખો-સમજ અને લેખિકા જૂહી ચતુર્વેદી જેવું અફલાતૂન લેખન કૌશલ્ય હોય, તો કબજિયાત અને છી-પીપીમાંથી પણ સાફસૂથરું હાસ્ય પેદા કરી શકાય. જાણે પીછું ફરતું હોય એવી નજાકતથી કેટલીયે લાગણીઓ, કેટલા બધા વિચારો અને કેટકેટલાં ઓબ્ઝર્વેશન્સ આપણને આપી દેતી આ ‘પિકુ’ જેવી ફિલ્મો જ આપણા સિનેમાને સાવ તામસિક-ફોર્મ્યુલેટિક બની જતાં રોકે છે.

આંતરડાંમાં ફસાયેલો અતીતરાગ

સિત્તેર વર્ષના ભાસ્કર, સોરી, ભાશ્કોર બેનર્જી (અમિતાભ બચ્ચન) પાસે જીવનમાં બે જ કામ છેઃ સવારથી સાંજ સુધી પોતાની તબિયતથી લઇને કામવાળી સુધીની બધી વાતે કકળાટ કરીને આખું ઘર માથે લેવું અને પોતાની વર્ષો જૂની કબજિયાતનું ડિસ્કશન કમ ડિસેક્શન કર્યા કરવું. એમની ત્રીસ વર્ષની આર્કિટેક્ટ દીકરી પિકુ (દીપિકા પદુકોણ) એમની આ આદતથી ત્રાસેલી છે, પણ પિતા પ્રત્યેની જવાબદારી અને પ્રેમથી ગાડું ગબડાવ્યે જાય છે. ત્યાં એક દિવસ દારૂના હેંગઓવરથી લથડેલી તબિયતથી ભાસ્કર મોશાયને થાય છે કે કોલકાતા ચાલો રે, આપણા પૈતૃક મકાનમાં. પરંતુ પ્લેનમાં એમને કબજિયાત થઈ જાય અને ટ્રેનમાં પણ સતત થતી હલહલથી એમને કબજિયાત થઈ જાય. એટલે દિલ્હીથી આખો સંઘ ઊપડે છે કોલકાતા બાય કાર.

પરંતુ પિતાનો કચકચિયો સ્વભાવ વેઠીને ચીડિયા સ્વભાવની થઈ ગયેલી પિકુથી ત્રાસીને એકેય ડ્રાઇવર હા પાડતો નથી અને અડિયો દડિયો આવે છે ટેક્સી કંપનીના માલિક રાણા ચૌધરી (ઈરફાન ખાન)ની માથે. આ ઈરફાન પોતેય એની કકળાટિયણ મમ્મી અને સાસરેથી ઘરે આવી ગયેલી માથાભારે બહેનથી ત્રાસેલો છે. દર થોડી વારે દલીલબાજી, મગજમારીથી ત્રાસીને ડચકાં ખાતો સંઘ આખરે કાશીએ થઈને કોલકાતા પહોંચે છે. વતનના એ મકાનમાં જઇને ભાસ્કર અને પિકુ બંનેને અતીતરાગ એટલે કે નોસ્ટેલ્જિયાનો તીવ્ર હુમલો આવે છે, અને…

શૌચ-વિચાર

આ ફિલ્મ એકસાથે અનેક મોરચે જલસા કરાવી દે છે. વન બાય વન જોઇએ…

મોરચા નં. ૧: લાગણીઓ
માતાપિતા કોને વહાલાં ન હોય? એમનાં પ્રત્યે જજમેન્ટલ થયા વિના પરાપૂર્વથી ચાલ્યું આવતું અહોભાવનું કોટિંગ હટાવીને જોઇએ તો મોટાભાગના લોકો સ્વીકારશે કે ગમે તે કારણસર પેરેન્ટ્સલોગ એટલાં બધાં ઇરિટેટિંગ થઈ જાય છે કે ન પૂછો વાત. નાનામાં નાની બીમારીમાંય કાગનો વાઘ કરી નાખે, પેટ સાફ ન આવે તો ઘરનાં છોકરાંથી લઇને બરાક ઓબામા સુધીનાંને અડફેટે લે, કામવાળાંની ધૂળ કાઢતાં ફરે, વહુવારુ પર છાણાં થાપે, આખો દિવસ નોનસ્ટોપ બોલ્યા કરે અને આખી દુનિયાને સલાહો આપતાં ફરે… બસ, ‘પિકુ’ના અમિતાભ બચ્ચન જેવાં પાત્રો શોધવા માટે આપણા ઘરમાં જ ડોકિયું કરવાની વાર છે.

અત્યારે ભલે વૃદ્ધાશ્રમો ઊભરાતાં હોય, પણ ‘પિકુ’ બનતી દીપિકા કહે છે તેમ, ‘એક ઉંમર પછી માબાપ એમની મેળે જીવતાં ન રહી શકે. એમને જીવતાં રાખવા પડે છે.’ એ જ રીતે નાનાં બાળકની જેમ વર્તતાં હોવા છતાં ‘આખરે તો આપણાં પેરેન્ટ્સ છેને’ એવું વિચારીને માતાપિતાને સાચવતાં સંતાનોની સંખ્યા વધારે જ છે. સાથોસાથ એમની વિચિત્ર જરૂરિયાતો, તરંગી દુરાગ્રહો અને કચકચિયા સ્વભાવને પણ નભાવતાં હોય છે. અહીં બચ્ચન રોજ મીઠું ચોરી લે છે, પોતાની ખુરશી કમ કમોડને સાથે જ લઇને ફરે છે, પોતાને કેવું છી આવ્યું તેનું ડિટેલ્ડ વર્ણન કરતો મેસેજ દીકરીની ઑફિસે મોકલાવે છે, અરે, પોતે સૂસૂ કરવા જાય તો બહાર નોકરને ‘શીશશશશ’ અવાજ કરવા ઊભો રાખે છે જેથી પોતાનાં આંતરિક અવયવોનો ટ્રાફિકજામ ક્લિયર થાય…

‘પિકુ’ એક એવા વિચારનું પણ ટ્રિગર દબાવે છે કે ક્યાંક વડીલોની ઘણી બધી સમસ્યાઓનું મૂળ એમના વતનઝુરાપામાં તો નથીને? એમની રોજિંદી કચકચ, સંતાનોનું ધ્યાન ખેંચવા માટે અજાણપણે ઊભો કરાતો બીમારીનો હાઉ, આ બધામાં એમની એકલતા તો જવાબદાર નથી ને? પણ જીવન કી આપાધાપીમાં આપણી પાસે એવું બધું વિચારવાનો સમય જ નથી.

મોરચા નં. ૨: બ્રિલિયન્સ

આ ફિલ્મના ડિરેક્ટર શૂજિત સિરકારનો બાયોડૅટા અત્યંત પ્રભાવશાળી છે. એવું જ લેખિકા જુહી ચતુર્વેદીનું છે. અહીં એકેક સીનમાં એમના કૌશલ્યનો સિક્કો જોઈ શકાય છે. વૃદ્ધ માતાપિતાની સંભાળથી લઇને સ્ત્રી સશક્તિકરણ અને વતનઝુરાપાથી લઇને એકલતા, અસલામતી જેવી લાગણીઓનું મેઘધનુષ ચીતરવા છતાં ફિલ્મ ક્યાંય મેલોડ્રામેટિક કે ભારેખમ થતી નથી કે હળવાશનો પાલવ છોડતી નથી. ના, મૃત્યુ જેવા ઘેરા પ્રસંગે પણ નહીં. એવું જ એક્ટિંગ ડિપાર્ટમેન્ટનું છે. એક્ટિંગની એબીસીડી શા માટે અમિતાભ બચ્ચનથી શરૂ થાય છે તે અહીં એમની ગ્રમ્પી ઓલ્ડ બંગાળીબાબુ તરીકેના અભિનય પરથી ખબર પડે છે. તેઓ એટલી હદે પાત્રમાં સમાઈ ગયા છે કે આખી ફિલ્મમાં એક સેકન્ડ માટેય ખ્યાલ નથી આવતો કે તેઓ કોઈ પાત્ર ભજવી રહ્યા છે. ડિટ્ટો, દીપિકા પદુકોણ. પિતાની કચકચથી ત્રાસેલી દીપિકાની એક્ટિંગ પણ એટલી જ સ્વાભાવિક છે. લેખનની દૃષ્ટિએ જોઇએ તો ઇરફાનનું પાત્ર અમિતાભ કે દીપિકા જેટલું સ્ટ્રોંગ નથી, પરંતુ એ કમી ઇરફાને પોતાની એક્ટિંગથી ભરપાઈ કરી દીધી છે. સાથોસાથ ડૉક્ટરબાબુ બનતા રઘુવીર યાદવ, બટકબોલી સાળી મૌસમી ચેટર્જી અને અન્ય નાનામાં નાના પાત્ર પણ એની જગ્યાએ જાણે જિગ્સો પઝલમાં ચિત્ર પૂરું કરતા હોય એ હદે પરફેક્ટ લાગે છે.

થેન્ક ગોડ, અહીં ફાલતુ ગીતોમાં ટાઇમ વેસ્ટ નથી કરાયો. પરિસ્થિતિને અનુકૂળ જે ત્રણેક ગીતો મુકાયાં છે, તે બૅકગ્રાઉન્ડમાં વાગીને જતાં રહે છે.

મોરચા નં. ૩: ઑબ્ઝર્વેશન્સ

ટોઇલેટનું ફ્લશ ખરાબ થઈ જવું કે ખાળ ભરાઈ જવી જેવી ડેઇલી મુશ્કેલીઓથી લઇને આંખો ઝીણી કરીએ તો કેટલીયે વાતો શ્રીખંડમાં આવતાં ડ્રાયફ્રુટ્સની જેમ વેરાયેલી મળી આવે. જેમ કે, દિગ્ગજ બંગાળી ફિલ્મમેકર સત્યજિત રાયે ‘પિકૂ’ નામની એક ફિલ્મ બનાવેલી. અહીં ‘પિકુ’ બનતી દીપિકા સત્યજિત રાયની એવી ફૅન છે કે ઘરમાં એમનું આઇકોનિક પોસ્ટર ટાંગ્યું છે અને એક છોકરાને એટલા માટે રિજેક્ટ કરી દે છે કેમ કે એણે સત્યજિત રાયની એકેય ફિલ્મ નથી જોઈ. બંગાળી ભદ્રલોકના પરિવારની જેમ અહીં પણ ઘરમાં ઠેકઠેકાણે સત્યજિત રાય, રામકૃષ્ણ પરમહંસ, રાજા રવિ વર્મા, રાજા રામમોહન રૉયનાં પોસ્ટર્સ જોવા મળે. બંગાળી પરિવારની જેમ જ ઘરના મોભી સિતાર વગાડતા હોય. આ ફિલ્મ હૃષિકેશ મુખર્જીની ફિલ્મો જેવી જ હળવી છે. એ જ હૃષિદાની ‘આનંદ’માં પણ બચ્ચન બાબુ ‘ભાસ્કર બેનર્જી’ બનેલા. ગમે ત્યાં ગમે તેની સામે છૂટથી પોતાના મળના રંગથી લઇને તેની ઘનતા સુધી વિગતવાર વાતો કરવી એ બંગાળીઓની નબળાઈ ગણાય છે. એ તો અહીં પર્ફેક્ટ્લી ઝીલાઈ છે. સાથોસાથ ઑથેન્ટિક બંગાળી વાનગીઓના પણ ખૂબ ભાલો ક્લોઝઅપ લીધા છે. એવી જ લાગણીથી (અને જરાય ઇન્ટેલેક્ચ્યુઅલ વાયડાઈ કર્યા વિના) કોલકાતા પણ ઝીલ્યું છે.

શુભસ્ય શીઘ્રમ

હા, ઘણાને આ ફિલ્મ થોડી ધીમી લાગશે. તો દીપિકા-ઇરફાનનો રોમેન્સ કે ઇવન એની જોડી જ પરાણે કરાવેલી લાગશે. એમ તો દર થોડીવારે દેખાડવામાં આવતી સ્પોન્સર્ડ પ્રોડક્ટ્સ પણ ભાતમાં કાંકરીની જેમ ખૂંચે છે. લેકિન ફિર ભી, આપણે મુક્તમને હસી પડીએ એવી અઢળક ક્ષણોથી આ ફિલ્મ ભરચક છે. કોઈપણ ફિલ્મી મરીમસાલા વિનાની અને ‘સ્લાઇસ ઑફ લાઇફ’ પ્રકારની આવી સાત્ત્વિક ફિલ્મ દરેક સિનેમાપ્રેમીએ જોવી જ જોઇએ. ઇન ફેક્ટ, આવી ફિલ્મ ચાલે તે આપણા સિનેમેટિક સ્વાસ્થ્ય માટે પણ અત્યંત જરૂરી છે. માટે વહેલી તકે સમય કાઢીને આ ફિલ્મ જોઈ પાડો. ખાસ તો, મમ્મી-પપ્પાઓને મનાવી-પટાવીને પણ સાથે લઈ જજો. કશું નહીં તો હસી હસીને એમનાં આંતરડાંને એટલી સરસ કસરત મળશે કે એમનું પણ પેટ સાફ આવી જશે.

રેટિંગઃ **** (ચાર સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits

મદ્રાસ કેફે

કોફી કડક ખરી, પણ ફિલ્ટર્ડ નથી!

***

હકીકતોના પાયા પર એક કોન્સ્પિરસી થિયરીની ઇમારત એવી આ ફિલ્મ વચ્ચે વચ્ચે પકડ ગુમાવી દે છે.

***

john-abraham-and-nargis-fakhri-in-madras-cafe-first-look-movie-poster-released-pic-1-pic-121 મે, 1991ના રોજ ચેન્નઇ પાસેના શ્રીપેરમ્બદુર ખાતે તમિળ વ્યાઘ્રો દ્વારા રાજીવ ગાંધીની હત્યા થઇ. આ બનાવના બેકગ્રાઉન્ડમાં ‘વિક્કી ડોનર’થી લાઇમલાઇટમાં આવેલા ડાયરેક્ટર શૂજિત સરકાર ‘મદ્રાસ કેફે’ નામની પોલિટિકલ થ્રિલર ફિલ્મ લઇને આવ્યા છે. જરા પણ વધારાની ‘ચરબી’ વિનાની નખશિખ થ્રિલર ફિલ્મ હોવા છતાં ફિલ્મ ઘણા ડિપાર્ટમેન્ટમાં માર ખાઇ જાય છે. વળી, ‘વિશ્વરૂપમ્’ પછી ફરી એકવાર સાબિત થાય છે કે ફિલ્મનો વિરોધ કરનારા લોકો મોટે ભાગે જોયા-સમજ્યા વિના જ ઝૂડઝૂડ કરતા હોય છે.

સત્તા, લોભ અને લોહિયાળ સંઘર્ષ

પોતાના સંઘર્ષમય ભૂતકાળની ભૂતાવળોથી ભાગીને આર્મી ઓફિસર વિક્રમ સિંહ (જ્હોન અબ્રાહમ) કસૌલીમાં આવીને દેવદાસ જેવી હાલતમાં ફરે છે. એની હાલત જોઇને ત્યાંના ચર્ચના પાદરી એને પોતાનું હૈયું ઠાલવવા કહે છે. જ્હોન અબ્રાહમની હૈયાવરાળની સાથે જ બહાર આવે છે, શ્રીલંકામાં તમિળ વ્યાઘ્રો અને સિંહાલીઓ વચ્ચેનો લોહિયાળ જંગ, ભારતના પ્રધાનમંત્રી (વાંચો, રાજીવ ગાંધી) દ્વારા દરમિયાનગીરી કરીને મોકલાયેલી શાંતિ સેના, એમની હત્યાની સાજિશ તથા એની પાછળ ખેલાયેલી ઊંડી રાજરમતની વાત. અને એક સવાલઃ શું આપણે આપણા પ્રધાનમંત્રીને બચાવી શક્યા હોત? ભારતની શાંતિ સેનાને થઇ રહેલા નુકસાનથી ત્રસ્ત ભારતીય જાસૂસી સંસ્થા રૉ (રિસર્ચ એન્ડ એનાલિસીસ વિંગ) જ્હોન અબ્રાહમને છૂપું ઓપરેશન પાર પાડવા સિવિલ વૉર ગ્રસ્ત એવા શ્રીલંકાના જાફનામાં મોકલે છે. શ્રીલંકામાં ભારતીય લશ્કરની સાથોસાથ બાલા નામનો રૉનો એજન્ટ પહેલેથી જ બધી હિલચાલ પર નજર રાખી રહ્યો છે. જાફના જઇને જ્હોને તમિળ વ્યાઘ્રોના લીડર અન્ના ભાસ્કરન્ (વાંચો, વેળુપિલ્લઇ પ્રભાકરન્)ના હરીફ એવા શ્રીને મજબૂત કરવાનો છે, જેથી અન્નાનું વર્ચસ્વ ઘટી જાય. શ્રી અન્નાનો મુકાબલો કરવા માટે હથિયારોની માગ કરે છે અને ભારત મંજૂર પણ રાખે છે. પરંતુ બાતમી લીક થઇ જાય છે અને હથિયારો શ્રીને બદલે અન્નાને પહોંચી જાય છે.

ત્યાંથી આખી વાતમાં ટ્વિસ્ટ આવે છે. ખબર પડે છે કે ભારતની સાઇડથી જ કોઇ ફૂટેલું છે. એટલું જ નહીં, ભારત અને શ્રીલંકાથી દૂર, બેંગકોકની ‘મદ્રાસ કેફે’ નામની રેસ્ટોરાંમાં એક ભયંકર ષડ્યંત્ર ઘડાઇ રહ્યું છે. એ ષડ્યંત્રમાં ભારતના જ કોઇ અધિકારી સંડોવાયેલા હોવાની પણ શંકા વ્યક્ત થાય છે. એ ષડ્યંત્ર શું હતું એ જાણવા માટે જ્હોન અબ્રાહમ આકાશ-પાતાળ એક કરી દે છે. એ ક્વાયતમાં એને લંડનથી આવેલી પત્રકાર જયા (નરગિસ ફખરી)ની પણ મદદ મળે છે.

થ્રિલ અને લોજિકનું લીકેજ

જ્યારે ‘મદ્રાસ કેફે’નું પોસ્ટર રિલીઝ થયેલું ત્યારથી જ ગણગણાટ શરૂ થઇ ગયેલો કે આ ફિલ્મ તો 2008માં આવેલી રિડલી સ્કોટની લિયોનાર્ડો દ કેપ્રિયો અને રસેલ ક્રોવ અભિનિત હોલિવૂડ ફિલ્મ ‘બોડી ઓફ લાઇઝ’ની કોપી છે. હકીકતમાં ડાયરેક્ટર શૂજિત સરકારે બોડી ઓફ લાઇઝને રાજીવ ગાંધી હત્યા કેસમાં ઢાળી દીધી છે.

અલગ તમિળ રાષ્ટ્ર માટે લડતા ‘એલટીએફ’ (વાંચો, એલટીટીઇ-લિબરેશન ટાઇગર્સ ઓફ તમિળ ઇલમ) અને શ્રીલંકન આર્મી વચ્ચે ભોગ બનતા નિર્દોષ લોકો પરની જઘન્ય હિંસાને શૂજિત સરકારે એટલી અફલાતૂન રીતે કેપ્ચર કરી છે કે આપણા રૂંવાડા ઊભા થઇ જાય. ફિલ્મની સિનેમેટોગ્રાફી હોલિવૂડની ક્લાસિક વૉર ફિલ્મ ‘એપોકલિપ્સ નાઉ’ની યાદ અપાવે છે. શાંતનુ મોઇત્રાનું સંગીત પણ ફિલ્મને જીવંત બનાવવામાં કોઇ કચાશ રાખતું નથી.

પરંતુ આની સામે ફિલ્મમાં જે ભાંગરા વટાયા છે એનું લિસ્ટ ખાસ્સું લાંબું છે. એક તો ફિલ્મને રિયલિસ્ટિક ફીલ આપવા માટે ડાયરેક્ટરે એમાં નોનએક્ટર એક્ટર્સને લીધા છે. જેમ કે ‘કૌન બનેગા કરોડપતિ’ ફેઇમ સિદ્ધાર્થ બસુ, એડવર્ટાઇઝમેન્ટ જગતમાં જાણીતા પીયૂષ પાંડે, ન્યૂઝ એન્કર દિબાંગ, બીજા એક એડફિલ્મ મેકર એન્જેલો ડાયસ વગેરેને લીધા છે. આ લોકો પોતાના ફિલ્ડના ભલે મહારથીઓ હશે, પરંતુ એક્ટિંગ એમને જરાય આવડતી નથી. સિદ્ધાર્થ બસુનો ખાસ્સો મહત્ત્વનો રોલ છે, પરંતુ જ્યારે એ સ્ક્રીન પર આવે ત્યારે આપણને એવું જ લાગે જાણે હમણાં ખિસ્સામાંથી કાર્ડ કાઢીને સવાલ પૂછવા માંડશે! (જો ન્યૂઝ વર્લ્ડમાંથી જ કલાકારો લેવા હતા, તો જ્હોન અબ્રાહમને બદલે અર્નબ ગોસ્વામીને હીરો બનાવવાની જરૂર હતી!).

બીજો લોચો છે, લોજિકમાં ગાબડાં. જ્યારે નક્કર હકીકતો પરથી ફિલ્મ બનાવતા હોઇએ ત્યારે ફિલ્મી હીરોગીરી બતાવવાનો લોભ પડતો મૂકવો પડે. જેમ કે, જ્યાં ભારતીય સૈનિકો પર તમિળ વ્યાઘ્રો ચુન ચુન કે હુમલા કરતા હોય, ત્યાં આખી ફિલ્મમાં જ્હોન અબ્રાહમ ફિયરલેસ નાદિયાની જેમ ફર્યે રાખે એ કઇ રીતે હજમ થાય? જે તમિળ લીડરને બે દેશનું સૈન્ય શિકારી કૂતરાની જેમ શોધતું હોય એને લંડનથી આવેલી એક ફૂટડી પત્રકાર આરામથી મળી આવે અને ત્યાં જઇને ફોટોગ્રાફી પણ કરી આવે! જ્હોન તમિળ વ્યાઘ્રો દ્વારા કિડનેપ થઇ જાય અને લિટરલી પાંચેક મિનિટમાં તો પાછો છૂટી પણ જાય! જે માણસ પહેલી વાર શ્રીલંકા અને એય પાછા યુદ્ધગ્રસ્ત એરિયામાં આવ્યો હોય ત્યાં એ વાહનની ડ્રાઇવિંગ સીટ પર કઇ રીતે બેસી શકે? દરેકે દરેક ખૂફિયા માહિતી જ્હોન કઇ રીતે એક્સેસ કરી શકે? આ ઉપરાંત ફિલ્મને ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આપવામાં વચ્ચે વચ્ચે થ્રિલના ટાયરમાં પંક્ચર પડી જાય છે.

ફિલ્મમાં એક ઠેકાણે હિન્દી સબટાઇટલમાં પણ લોચો છે, જે એડિટિંગ ટેબલ પર ધ્યાન બહાર ગયો હોય એવું લાગે છે. કોઇ દેશને ખતમ કરી દેવા માટે એની આર્થિક કરોડરજ્જુ ભાંગી નાખવાનો ‘ઇકોનોમિક હિટમેન’નો કન્સેપ્ટ સારો છે, પણ એને વધારે સારી રીતે સમજાવ્યો હોત તો વધુ ક્લિયર થાત. પણ ઓવરઓલ, આ ફિલ્મ એક મનોરંજક થ્રિલર ફિલ્મને બદલે ડોક્યુમેન્ટરી ફિલ્મ જેવી વધારે લાગે છે.

છતાં ફેઇથફુલ થ્રિલર ફિલ્મ

આટલા લોચા છતાં ડાયરેક્ટર શૂજિત સરકાર એક થ્રિલર સ્ટોરીને વળગી રહ્યા છે. નાચ-ગાના કે બિનજરૂરી લવ ટ્રેક જેવાં ફિલ્મી આકર્ષણોને તેઓ વશ થયા નથી. વાસ્તવિક તથ્યોને એમણે એક કોન્સ્પિરસી થિયરી સાથે ગૂંથીને થ્રિલર કથા સર્જી છે. છતાં અટપટા વળાંકોમાં દર્શક ગૂંચવાઇ જાય છે અને થિયેટરમાંથી બગાસાંના અવાજો સંભળાવા લાગે છે, એ પણ એટલી જ હકીકત છે.

એક્ટિંગ ડિપાર્ટમેન્ટમાં જ્હોન અબ્રાહમ સારો લાગે છે પણ એ રૉ એજન્ટ ઓછો અને હીરો વધારે લાગે છે (આવા વિષય પર ફિલ્મ બનાવવાની હિંમત બદલ પ્રોડ્યુસર તરીકે જ્હોન અબ્રાહમને દાદ દેવી પડે, પણ ફિલ્મમાં પોતાની હિરોગીરીને લિમિટમાં રાખવાની જરૂર હતી). નરગિસ ફખરી અને નવોદિત રાશિ ખન્નાના ભાગે ખાસ કશું કામ આવ્યું નથી. હા, ફિલ્મમાં સૌથી વધુ ધ્યાન ખેંચે છે રૉ એજન્ટ ‘બાલા’નો રોલ કરનારા થિયેટર આર્ટિસ્ટ પ્રકાશ બેલાવાડી.

કુલ મિલાકે…

થ્રિલર ફિલ્મના રસિયાઓને મજા પડશે, પણ મસાલા ફિલ્મના ચાહકો જો ‘ચૈન્નઇ એક્સપ્રેસ’ છાપ ધબાધબીની અપેક્ષા રાખશે તો નિરાશ થશે. પણ હા, ફિલ્મનાં રિયલિસ્ટિક એક્શન દૃશ્યો અને સ્યુસાઇડ બોમ્બિંગનો આખો ઘટનાક્રમ ખરેખર નખ ચાવવા મજબૂર કરી દે તેવો બન્યો છે. ફિલ્મમાં એક સસ્પેન્સ છે, પણ એને સોલ્વ કરવાને બદલે માત્ર હિન્ટ આપીને છોડી દીધું છે. જે તેને ‘બોડી ઓફ લાઇસ’થી અલગ પાડે છે અને થોડી નિરાશા પણ કરાવે છે. ‘મદ્રાસ કેફે’ના સર્જકોએ કોઇ વિવાદ ન થાય એની તકેદારી રૂપે ફિલ્મમાં પોલિટિકલ સ્ટેન્ડ હળવું (અને સત્તાધારી પક્ષને સારું લાગે એવું) બનાવી દીધું હોવાનું દેખાય છે, છતાં વિવાદ તો થયો જ. જોઇએ એ વિવાદ બોક્સ ઓફિસ પર ફળે છે કે કેમ.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.