3 સ્ટોરીઝ

અધકચરો આનંદ

***

રેટિંગઃ **½ (અઢી સ્ટાર)

 • 3-storeys-poster-bollywormકેટલાક શુક્રવાર એવા હોય જ્યારે થિયેટરોમાં એકથી વધુ ફિલ્મો રિલીઝ થઈ રહી હોય અને છતાં તમે ફિલ્મ જોવા જવાને બદલે ઑફિસે પહોંચી જાઓ. કેમ કે, ફિલ્મ જોવા જવાનો ધક્કો જ ન વાગે. આ શુક્રવારે વિચિત્ર ચશ્માં પહેરેલી તાપસી પન્નુની ફિલ્મ ‘દિલ જંગલી’, જમીન અને હવા સાથે સંભોગ કરતાં શીખવતી, એકબીજાના શરીરે બૉડી લોશન ચોપડતાં શીખવતી અને ‘સનસની’માંથી ઉઠાવેલા ડાયલોગ્સ લઇને આવેલી ‘હેટ સ્ટોરી 4’ રિલીઝ થઈ રહી હતી. એ બંને જોવા કરતાં એપેન્ડિક્સનું ઑપરેશન કરાવી લેવું સારું એમ વિચારીને ઑફિસ ભણી પ્રયાણ કર્યું (ના, ઑપરેશન કરાવવા નહીં, કામ કરવા). પછી ટાઇમ કાઢીને ‘3 સ્ટોરીઝ’ જોઈ કાઢી. કેમ કે, બાકીની બંનેમાંથી એ પ્રમાણમાં મૅચ્યોર લાગતી હતી.
 • નામ પરથી એટલું તો ક્લિયર હતું કે આ ફિલ્મ ત્રણ અલગ અલગ વાર્તાઓનો ગુલદસ્તો હશે. કંઇક એવો પણ અંદાજ હતો કે આ ફિલ્મ કોઇક રીતે એકબીજા સાથે સંકળાયેલી પણ હશે. જેમ કે, મણિ રત્નમની ‘આયુથા એઝુથુ’ (એની હિન્દી રિમેક એટલે ‘યુવા’)માં હતું, નાગેશ કુકુનૂરની ‘તીન દીવારેં’માં હતું, નિખિલ અડવાણીની ‘સલામ-એ-ઇશ્ક’માં હતું, એલેહાન્દ્રો ગોન્ઝાલેસ ઇનારિતુની ‘બેબેલ’માં અને એમની જ ‘એમોરેસ પેરેસ’માં પણ એવું જ હતું. એકથી વધુ વાર્તાઓને એકબીજા સાથે જોડવાને બદલે ઘણી વાર ફિલ્મ મૅકર્સ દોરામાં મણકા પરોવતા હોય એ રીતે એકબીજાથી સ્વતંત્ર એવી ટૂંકી વાર્તાઓને એક ફિલ્મમાં પરોવી દે. જેમ કે, ‘દસ કહાનિયાં’, અનુરાગ કશ્યપે પ્રોડ્યુસ કરેલી ‘શોર્ટ્સ’, રામુની ‘ડરના મના હૈ’‘ડરના ઝરૂરી હૈ’, બહુ ગવાયેલી ‘બોમ્બે ટૉકિઝ’ વગેરે. અમે એક જૂની જૅપનીસ હોરર ફિલ્મ જોયેલી ‘ક્વાઈદાન’. એમાં પણ આવું જ હતું. એ ફિલ્મનું હૉન્ટિંગ બૅકગ્રાઉન્ડ મ્યુઝિક આજેય કાનમાં ગૂંજે છે અને અમે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ જોઇને એને કાઉન્ટર કરીએ છીએ (યુ નૉ, લોહા લોહે કો કાટતા હૈ એન્ડ ઑલ! આયમ જોઓઓકિંગ!)
 • નડિયાદી ભૂસાની જેમ એકમાં અનેક રીતે પેશ કરાતી આવી ચવાણાછાપ ફિલ્મોને ‘એન્થોલોજી મુવીઝ’ કે પછી ‘હાઇપરલિંક સિનેમા’ કહે છે. ‘3 Storeys’ના સ્પેલિંગ પરથી ક્લિયર હતું કે આ ફિલ્મની ત્રણ વાર્તાઓ ત્રણ માળની એક બિલ્ડિંગનાં અલગ અલગ ઘરોમાં રહેતા લોકોની વાત કહેતી હશે. ‘લિપસ્ટિક અન્ડર માય બુરખા’માં હતું એવું જ કંઇક. એમાં ભોપાલની વાત હતી, અહીં મુંબઈની એક લોઅર મિડલ ક્લાસ ચાલીની વાત છે. એક સ્ટોરીમાં બીજી સ્ટોરીનાં પાત્રો અવર જવર કર્યાં કરે, માત્ર તેમનું ફોકસ જેની વાર્તા ચાલતી હોય તેના પર રહે.
 • પહેલી વાર્તા છે એકલી રહેતી વૃદ્ધ, ગોવાનીઝ વિધવા સ્ત્રી મિસિસ ફ્લોરા મેન્ડોન્સા (રેણુકા શહાણે)ની. ફ્લોરા આ ચાલીમાં જ રહીને મોટી થઈ છે, પણ હવે એને પોતાની આ ખોલી વેચી કાઢવી છે. એ પણ માર્કેટ પ્રાઇસ કરતાં ચારગણા ભાવે. એક દિવસ સલમાન ખાનના ડુપ્લિકેટ જેવો દેખાતો એક યુવાન (પુલકિત સમ્રાટ) તે ખોલી ખરીદવા આવે છે. ઉપરથી એકદમ સિમ્પલ લાગતી એમની વાતો પાછળ પુણેનાં મિસળ પાંવ જેવું તીખું તમતમતું સિક્રેટ છુપાયેલું છે.
 • બીજી સ્ટોરી છે એ જ બિલ્ડિંગમાં રહેતી ગૃહિણી વર્ષા (માસુમેહ માખીજા)ની. એક જમાનામાં એ શંકર (શર્મન જોશી) નામના યુવાનને પ્રેમ કરતી હતી. પરંતુ આજે એ એક દારુડિયા પતિની ગુલામી વેંઢારી રહી છે.
 • ત્રીજી સ્ટોરી છે વોહી ચ બિલ્ડિંગમાં પ્રેમમાં પડેલાં પુખ્ત વયનાં ટીનેજર્સની. બંનેને એકબીજા સાથે લગ્ન કરવાં છે પણ પેરેન્ટ્સ હૈ કિ માનતે હી નહીં. એમાં એક લોચો એ છે કે એ બંનેમાંથી એક પાત્ર હિન્દુ છે અને  બીજું મુસ્લિમ. એટલે મુદ્દો નેશનલ ઇન્ટરેસ્ટનો છે. પરંતુ એથીયે મોટો બીજો એક લોચો પણ છે, જે સિક્રેટ છે.
 • આ બિલ્ડિંગમાં એક ચોથી-ઇત્તુ સી સ્ટોરી પણ આકાર લઈ રહી છે, જે ‘શોલે’નાં જય-રાધા (અમિતાભ-જયા)ની લવસ્ટોરીની જેમ ઓલમોસ્ટ સાઇલન્ટ્લી આગળ વધતી રહે છે. એ સ્ટોરી છે રિચા ચઢ્ઢા અને એક સમયે ચુંબનો કરવામાં ઇમરાન હાશમી પણ જેને ગુરુપદે સ્થાપે છે એવા હિમાંશુ મલિકની. ટકલુ અને PNBના કૌભાંડ જેવા જાડિયા થઈ ગયેલા હિમાંશુ મલિકને ઓળખવા માટે કોન્ટેસ્ટ રાખવા જેવી છે!
 • મોડરેટલી ઇન્ટરેસ્ટિંગ એવી આ ફિલ્મ લગભગ પોણા બે કલાકની છે, જેમાં સ્ટોરીઝ ઇન્ટરેસ્ટના ઊતરતા ક્રમમાં ગોઠવાયેલી છે. યાને કે રેણુકા શહાણેની સ્ટોરી સૌથી વધુ ઇન્ટરેસ્ટિંગ અને ઓલમોસ્ટ સાઇલોકોજિકલ થ્રિલર ટાઇપની છે. બાય ધ વે, લાંબા સમયે ફિલ્મી પડદે દેખાયેલાં રેણુકા શહાણેના ચહેરા પર જૂની બિલ્ડિંગ જેવો ડાઘાદાર મેકઅપ અને પૅકિંગ મૂકીને બનાવાયેલું બેડોળ શરીર જોઇને હાયકારો નીકળી જાય એવું છે. અમને તો સિદ્ધાર્થ કાક સાથે કોરસમાં ‘નમસ્કાર’ બોલીને ‘દૂરદર્શન’ પર ટૂથપેસ્ટની મૉડલ જેવા સ્માઇલ સાથે ‘સુરભિ’ની શરૂઆત કરતાં રેણુકા શહાણે જ પસંદ છે. હા, એમની એક્ટિંગને કોઈ ડાઘ નથી લાગ્યા!
 • બીજી અને ત્રીજી સ્ટોરીમાં ક્રમશઃ લોજિક અને મજા બંનેનો ઘટાડો થવા લાગે છે. એકબીજાથી વિખૂટાં પડી ગયેલાં પ્રેમી પંખીડાંવાળી શર્મન-માસુમેહની સ્ટોરીનું કારણ જાણીએ તો એ બંનેને વીસ વર્ષ સુધી ‘બિગ બોસ’ના હાઉસમાં પૂરી રાખવાની પાશવી ઇચ્છા થઈ આવે!
 • હા, એટલું ખરું કે ત્રણમાંથી એકેય સ્ટોરી સાવ આર્ટિફિશિયલ લાગતી નથી. તેનું કારણ છે ફિલ્મનાં અસરદાર એક્ટર્સ અને એમની ઓલમોસ્ટ રિયલિસ્ટિક એક્ટિંગ. વચ્ચે વચ્ચે ગીતોનાં બમ્પરિયાં આવતાં રહેવા છતાં ફિલ્મ આપણો રસ જાળવી રાખે છે.
 • લેકિન પ્રોબ્લેમ એ છે કે આ વાર્તાઓમાં જ ખાસ વજન નથી, ખાસ કરીને બીજી અને ત્રીજી વાર્તા. અને ત્રણેય વાર્તાઓમાં આગળના ટ્વિસ્ટને અગાઉથી કળી શકાય એવી પ્રીડિક્ટેબિલિટી પણ ખરી.
 • ઇન્ટરેસ્ટિંગ છે, ફિલ્મનો ક્લાઇમેક્સ. અહીં ફર્સ્ટ ટાઇમ ડિરેક્ટર એવા અર્જુન મુખર્જી અને રાઇટર અલ્થિયા કૌશલે ટ્વિસ્ટ એન્ડિંગનો ઇન્ટરેસ્ટિંગ ઉપયોગ કર્યો છે. જેને જોઇને આપણે મુસ્કુરાઈ ઊઠીએ અને આપણને શ્યામ બેનેગલની ‘વેલકમ ટુ સજ્જનપુર’, ‘ચોકલેટ’ (મૂળ હૉલિવૂડની ‘યુઝવલ સસ્પેક્ટ્સ’), હોરર ફિલ્મ ‘પિત્ઝા’ જેવી ફિલ્મો યાદ આવી જાય.
 • એમ તો ડ્રોન કેમેરાના ઉપયોગથી એક પછી એક લોકોનાં ઘરોમાં ડોકિયાં કરાવતી ટ્રીટમેન્ટ જોઇને મને અલ્ફ્રેડ હિચકોકની ક્લાસિક ફિલ્મ ‘રિઅર વિન્ડો’ પણ મગજમાં પોપઅપ થયા કરતી હતી.
 • ‘3 સ્ટોરીઝ’ જેવી શૉર્ટ ફિલ્મો જોઇને મને કાયમ એક સવાલ થતો રહે છે કે શૉર્ટ ફિલ્મ્સ કાયમ સૅડ, મૅલન્કોલિક, ટ્રેજિક કે મગજનું GST થઈ જાય એવી સાઇકોલોજિકલ આંટીઘૂંટીઓ જ શા માટે હોય છે? અહીં તો સૅડનેસ ઉપરાંત ભૂતકાળની ભૂતાવળો પણ ચામાચીડિયાંની જેમ ઘૂમરાતી રહે છે. પરંતુ વાત એ છે કે શૉર્ટ ફિલ્મો ‘કન્ચે ઔર પોસ્ટકાર્ડ’ જેવી હળવીફુલ કેમ ન હોય? ખેર…
 • જાતભાતની કોમ્પિટિશન્સ અને ડિજિટલ રિવોલ્યુશનના પ્રતાપે અત્યારે ઇન્ટરનેટ પર શૉર્ટ ફિલ્મોનો રાફડો ફાટ્યો છે. ત્યારે આવી સુસાઇડ મિશન જેવી આવી ફિલ્મોમાં પૈસા રોકવા માટે ફરહાન અખ્તરની ‘એક્સેલ એન્ટરટેનમેન્ટ’ને પણ શાબાશી આપવી જોઇએ. પરંતુ ‘3 સ્ટોરીઝ’માં સિનેમેટિક એક્સલન્સ જેવા કોઈ તારા જડેલા છે નહીં. એટલે આ ફિલ્મને થિયેટરમાં જઇને જોવાનું તો સજેસ્ટ કરાય એવું છે નહીં. હા, ઑનલાઇન પ્લેટફોર્મ પર આવે ત્યારે જોઈ લેવાય ખરી.

રેફરન્સ જંક્શનઃ

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

સુપર નાની

યે નાની બડી ડ્રામા ક્વીન હૈ!

***

અવતાર કે બાગબાનની ફીલ આપતી આ ફિલ્મમાં રેખા સિવાય કશું જ જોવા જેવું નથી.

***

03-super-naniબચ્ચાં લોગને એમનાં માતાપિતાની કદર ન હોય અને ડગલે ને પગલે એમનું અપમાન કરતાં હોય એવી થીમવાળી ફિલ્મો આપણે ગુજરાતીમાં ‘વિસામો’, હિન્દીમાં ‘અવતાર’થી લઇને ‘બાગબાન’ વગેરેમાં જોઈ ચૂક્યા છીએ. આપણા ગુજરાતી નાટક ‘બાએ મારી બાઉન્ડરી’ પરથી ઈન્દ્ર કુમારે બનાવેલી ફિલ્મ ‘સુપર નાની’ આ જ ફિલ્મોનું ફિમેલ વર્ઝન છે. પરંતુ નાટકના એડપ્ટેશનમાં લેખક વિપુલ મહેતા અને ડિરેક્ટર ઈન્દ્ર કુમારે એટલી વેઠ ઊતારી છે કે ફિલ્મ સાવ વાસી, અત્યંત ઉપદેશાત્મક અને ભયંકર મેલોડ્રામેટિક બની ગઈ છે. ઉપરાંત નવીનતાના નામે કંઈ કહેતા કંઈ જ નથી.

નાની બની સુપરસ્ટાર

ભારતી ભાટિયા (રેખા) એક આદર્શ ભારતીય નારી છે, જેણે પોતાનું આખું જીવન પરિવાર પાછળ ખર્ચી નાખ્યું છે. બદલે મેં ઉસ બિચારી કો ક્યા મિલા? તો કહે, પતિ આર. કે. ભાટિયા (રણધીર કપૂર), દીકરો સુકેતુ (સારાભાઈ વર્સસ સારાભાઈનો રોશેષ, રાજેશ કુમાર), પુત્રવધૂ, દીકરી બધાં એમને હૈડહૈડ કરતાં ફરે છે. ત્યાં જ ઠાકોરજી એમનું સાંભળે છે અને અમેરિકાથી ભારતીબેનના દોહિત્ર મન (શર્મન જોશી)ની એન્ટ્રી થાય છે. કોન્વેન્ટિયા વિદ્યાર્થીઓ જેવું ભાંગ્યું તૂટ્યું હિન્દી બોલતા મનથી નાનીની આ હાલત જોવાતી નથી. એટલે એ આ ફિલ્મના ડિરેક્ટરની દીકરી રિયા (નવોદિતા શ્વેતા કુમાર)ની સાથે મળીને દેશી નાનીને સુપર નાની બનાવી દે છે. આ કામમાં એને એડ ફિલ્મ મેકર સેમ ઉર્ફ બમ્બૂ (અનુપમ ખેર)ની પણ મદદ મળે છે.

હમારે આદર્શ, હમારે સંસ્કાર

આપણા ગુજરાતી નાટક પરથી બિગ બજેટની ફિલ્મ બને, ગુજરાતી સર્જકોને ફિલ્મની શરૂઆતમાં મોટા અક્ષરોમાં ક્રેડિટ મળે, તો એક ગુજરાતી તરીકે આપણને ગાડું ભરીને હરખ થાય એ સ્વાભાવિક છે. પરંતુ એક તો નાટક અને ફિલ્મ એ બંને અલગ માધ્યમો છે અને જ્યારે નાટક પરથી ફિલ્મ બને ત્યારે આખી વાર્તાને નવેસરથી ઘડવી પડે. બીજું, જે કૃતિને અડેપ્ટેશન માટે લઇએ તેનું ટાઇમિંગ અને રિલેવન્સ પણ જોવું પડે. પદ્મારાણી અને સનત વ્યાસ સરીખાં અદાકારોથી શોભતું ગુજરાતી નાટક ‘બાએ મારી બાઉન્ડરી’ સરસ મનોરંજન પ્લસ મનોમંથન કરાવતી કૃતિ હતી. પરંતુ એના પરથી ફિલ્મ બનાવવામાં સર્જકોએ એ ધ્યાન નથી રાખ્યું ડિટ્ટો આ જ પ્રકારની વાત કહેતી ઘણી ફિલ્મો આપણે ત્યાં આવી ગઈ છે.

બીજું, નાટકમાં પાત્રો લાઉડ થઈને મોટે મોટેથી લાંબા સંવાદો બોલે તો સમજી શકાય, પરંતુ ફિલ્મમાં આ જ વસ્તુ ત્રાસદાયક લાગવા માંડે છે. માતાની કદર કરવી જોઇએ, સંતાનોની હાજરીમાં પત્નીને માનથી બોલાવવી જોઇએ, એક સ્ત્રીએ પરિવારની સેવા પાછળ પોતાનું અસ્તિત્વ એ હદે ન ઓગાળી નાખવું જોઇએ કે તે પોતાની જાતને જ અરીસામાં ન ઓળખી શકે… આવા મેસેજ આપણા દર્શકો અસંખ્ય વખત મેળવી ચૂક્યા છે. ઇન ફેક્ટ, બદલાતા સમયમાં પરિવારોના પ્રશ્નો આ ફિલ્મમાં બતાવાયા છે તેના કરતાં ક્યાંય વધારે જટિલ બન્યા છે. એટલે આખી ફિલ્મ- ખાસ કરીને નવી પેઢીના દર્શકોને-ખાસ્સી આઉટડેટેડ અને એકપક્ષી લાગે છે. વર્ષો અગાઉ આવી જીવનમૂલ્યો સમજાવતી ફિલ્મો કાદર ખાન સાહેબ લખી ચૂક્યા છે, પરંતુ એમાં કાદર ખાનના ધારદાર સંવાદોનો મોટો ફાળો રહેતો. અહીં ‘મૈંને તુઝે નૌ મહિને અપની કોખ મેં પાલા હૈ’ ટાઇપના ઘિસાપિટા ડાયલોગ્સ માથા પર સૂકું નાળિયેર અફળાતું હોય એવા ત્રાસદાયક લાગે છે. ઉપરથી વાસી માલને ફરીથી વઘારી કારવીને પિરસતા હોય એમ જૂના એક્સપાયરી ડેટ્સ વટાવી ચૂકેલા એસએમએસિયા જોક્સ વાપરવાનો પણ છોછ રખાયો નથી.

વો જો હૈ ના રેખા અપની

અતિશયોક્તિ કરીને પણ કહી શકાય કે ડાર્વિનનો ઉત્ક્રાંતિનો નિયમ કદાચ રેખાને લાગુ પડતો લાગતો નથી. આજે પણ રેખા અત્યંત ખૂબસૂરત અને નમકીન લાગે છે. એમનો અવાજ આજે પણ ‘સિલસિલા’ના ટાઇમ જેટલો જ માદક છે. ફિલ્મના એક દૃશ્યમાં રેખા ટ્રેડિશનલ ડાન્સ કરે છે ત્યારે એવું જ લાગે કે અત્યારની અડધો ડઝન હિરોઇનોએ એમની પાસેથી બાકાયદા ટ્યૂશન્સ લેવાં જોઇએ. આ ફિલ્મમાં જોવાની મજા પડે એવું એકમાત્ર તત્ત્વ રેખા જ છે. હા, એમને વધારે ગ્લેમરસ બતાવવાની લાલચમાં એમના ચહેરા પર મેકઅપના એટલા બધા થપેડા કરવામાં આવ્યા છે કે ઘણા સીનમાં રેખાજી બિહામણાં લાગવા માંડે છે. જોકે, આજની તારીખે પણ પોતાના પાકિટના ચોરખાનામાં રેખાનો પાસપોર્ટ સાઇઝ ફોટો રાખીને ફરતા એમના આશિકોને રેખાજીનો આ અંદાજ જોવાની મજા જ પડશે.

તખતાના બીજા કલાકારો

એક તો આ નબળી અને પ્રીડિક્ટેબલ ફિલ્મ જોઇને એવું સહેજે લાગતું નથી કે આ એ જ ઈન્દ્ર કુમારની ફિલ્મ છે, જેમણે ભૂતકાળમાં દિલ, બેટા, રાજા, મન, ઈશ્ક જેવી ‘ધમાલ’ ફિલ્મો આપી છે. શર્મન જોશી આ ફિલ્મને બચાવવાના કેજરીવાલ જેવા પ્રામાણિક પ્રયત્નો કરે છે, પરંતુ એમના પ્રયત્નો તો દિલ્હીની સરકાર કરતાં પણ ઓછા સમય સુધી ટકે છે. અને મહેરબાની કરીને રણધીર કપૂરે વધારે ફિલ્મો ન કરવી જોઇએ, કેમ કે એમનો અવાજ એટલી હદે હસ્કી થઈ ગયો છે કે ધમણમાંથી આવતો હોય એવું લાગે છે. વળી, એમની આંખો પરના હાથીછાપ થોથરને કારણે એમના ચહેરા પર કોઈ હાવભાવ સ્પષ્ટ દેખાતા પણ નથી. રણધીર કપૂર કરતાં આપણા ગુજરાતી નાટકમાં સનત વ્યાસનું કામ હજાર દરજ્જે સારું હતું. લગભગ દર અઠવાડિયે નવી નવી ફિલ્મોમાં દેખાતા અનુપમ ખેરે પણ આ ફિલ્મમાં નાનો અને ટિપિકલ રોલ જ કર્યો છે. હા, આ ફિલ્મથી ઈન્દ્ર કુમારની દીકરી શ્વેતા કુમારે એક્ટિંગના પહેલે પગથિયે પગ મૂક્યો છે. પરંતુ એ બિચારીની કેરમની કૂકરી જેવડી મોટી આંખો સિવાય એનામાં બીજું કશું નોંધપાત્ર દેખાતું નથી. અને ફિલ્મના સ્પીડબ્રેકર જેવા સંગીત વિશે પણ વાત ન કરવામાં ટાઈમ ન બગાડીએ એ જ સારું છે.

આ નાનીને કહો ના

આગળ કહ્યું એમ આજેય હૃદયનો એક ખૂણો રેખા માટે રિઝર્વ રાખીને બેઠેલા એમના ડાઇહાર્ડ ચાહકો સિવાય કોઈને મજા પડે એવી આ ફિલ્મ નથી. ટૂંકમાં એક વાક્યમાં ફિલ્મ વિશે માત્ર એટલું જ કહી શકાય કે તમારાં મમ્મી-પપ્પાને માન આપો, નહીંતર તમને આ ફિલ્મ દસ વાર જોવાની સજા ફટકારવામાં આવશે!

રેટિંગ: * (એક સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

ગેંગ ઑફ ઘોસ્ટ્સ

ભૂતના નામે ફારસનું કલેક્શન

***

ભૂતોની ક્રિકેટ ટીમ બનાવવી હોય એટલાં જથ્થાબંધ ભૂત ભેગાં મળીને પણ એક સારી ફિલ્મ બનાવી શક્યાં નથી.

***

gang-of-ghosts-first-look-2ધારો કે, તમારી બાજુમાં રહેતાં બંગાળી મિશ્ટિબેન કોઇ બંગાળી વાનગી બનાવે છે. એ જોઇને આપણાં (એટલે કે પોતપોતાનાં) શ્રીમતીજી એ જ રેસિપી પરથી પોતાની સ્ટાઇલમાં વાનગી બનાવે, ત્યાં સુધી તો સમજી શકાય. પરંતુ મૂળે એ બંગાળી વાનગી જ સાવ ભંગાર હોય તો એનું નવું વર્ઝન ક્યાંથી સારું બનવાનું? કૂવામાં હોય તો હવાડામાં આવે ને! બસ, એવી જ સ્થિતિ આ શુક્રવારે રિલીઝ થયેલી બીજી ભૂતપ્રેતની ફિલ્મ ‘ગેંગ ઓફ ઘોસ્ટ્સ’ની થઇ છે. 2012માં આવેલી બંગાળી ફિલ્મ ‘ભૂતેર ભવિષ્યત’ની ફ્રેમ બાય ફ્રેમ રિમેક એટલે ગેંગ ઓફ ઘોસ્ટ્સ. મૂળ એ બંગાળી ફિલ્મ જ નબળી પોટબોઇલર મુવી છે, પછી તેની હિન્દી રિમેકમાં શી ભલીવાર હોય!

ભૂત જુડતે ગયે, ભૂતબંગલા બનતા ગયા

‘કહાની’ ફિલ્મમાં સાત્યકિ બનેલો પરંબ્રત ચેટર્જી એક નવોદિત ડિરેક્ટર છે, જે પોતાની પહેલી જ ફિલ્મ માટે એક સો વરસ જૂના ભૂતિયા બંગલામાં શૂટિંગ માટેનું લોકેશન જોવા આવે છે. પરંતુ ત્યાં એને એક સ્ટ્રગલ ફિલ્મ રાઇટર રાજુ (શરમન જોશી) મળે છે, જે કહે છે કે મારી પાસે ભૂતોની એક ફેન્ટાસ્ટિક સ્ટોરી છે. શરમન પરંબ્રતને સ્ટોરી સંભળાવવી શરૂ કરે છે. કે એ ભૂતબંગલાના માલિક રાયબહાદૂર ગૈંદામલ હેમરાજ (અનુપમ ખેર)ને એની મિલના કામદારો બંગલા સાથે જીવતો સળગાવી મારે છે. ગૈંદામલનો નાનો ભાઇ ગુલાબચંદ (ચંકી પાંડે) બગડેલો રઇસઝાદો છે, જેના પ્રેમમાં દેવદાસી બનીને ફિલ્મની હિરોઇન મનોરંજના કુમારી (માહી ગિલ) આત્મહત્યા કરે છે. આ બધાં એક પછી એક મૃત્યુ પામે છે અને ભૂત બનીને એ બંગલામાં ભેગાં થાય છે.

પરંતુ સમય વીતતાં મુંબઇમાં જૂની ઇમારતો તૂટીને, વૃક્ષો કપાઇને તેની જગ્યાએ નવાં મૉલ, મલ્ટિપ્લેક્સ, સ્કાયસ્ક્રેપર્સ બનવા લાગે છે અને ભૂતો બિચારાં બેઘર થઇ જાય છે. એટલે ભૂતભાઇ અનુપમ અને બીજા એક અંગ્રેજ ભૂતભાઇ મિસ્ટર રામસે મળીને નક્કી કરે છે કે આપણા બંગલાને આપણે ભૂતોનું અનાથાશ્રમ જેવું બનાવવું, જ્યાં બેઘર ભૂતો બિન્ધાસ્ત રહી શકે. આ માટે ઇન્ડિયન આઇડલ સ્ટાઇલમાં એક ઇન્ટરવ્યૂ ગોઠવાય છે, જેમાં ભાંતિ ભાંતિના ભૂતો આવે છે અને કેટલાંક ફાઇનલી સિલેક્ટ પણ થાય છે. સિલેક્ટ થયેલાં ભૂતોમાં સૌરભ શુક્લા, યશપાલ શર્મા, રાજપાલ યાદવ, અસરાની, એક યુવા કન્યા (નવોદિત મીરાં ચોપરા) અને એક હરિયાણવી ગિટારિસ્ટનો સમાવેશ થાય છે. થોડી નોકઝોંક અને પેલી હિરોઇન માહી ગિલની પાછળ ભૂતોની લટ્ટુગીરી પછી કહાનીમાં ટ્વિસ્ટ આવે છે કે એક બિલ્ડર નામે ભૂતોરિયા (રાજેશ ખટ્ટર) એ બંગલો ખરીદીને તેની જગ્યાએ મૉલ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. એટલે બધાં જ ભૂત ભેગાં મળીને એ બિલ્ડરને રોકવા માટે એક ખૂનખાર ભાઇના ભૂત બાબુ હાથકટા (જેકી શ્રોફ)ને સુપારી આપે છે. પછી આગળ ઉપર આ આખી ભૂત કંપની પોતાનું ઘર બચાવી શકે છે કે કેમ અને જે ડિરેક્ટર (પરંબ્રત) આ સ્ટોરી સાંભળી રહ્યો છે, તેનું શું થાય છે એ વાત ક્લાઇમેક્સમાં આવે છે.

થોડી કોમેડી, ખૂબ બધા લોચા

‘રાગિણી એમએમએસ-2’ એટલી બાલિશ ફિલ્મ છે કે તમને ડરવાને બદલે હસાવે છે, જ્યારે આ ફિલ્મ ‘ગેંગ ઓફ ઘોસ્ટ્સ’ તમને હસાવવાના પ્રોમિસ સાથે જ બની છે. પરંતુ અહીં પણ એ જ લોચા છે. ફિલ્મમાં એટલાં બધાં પાત્રો છે કે જેનાં ઇન્ટ્રોડક્શનમાં જ ઇન્ટરવલ પડી જાય છે. એટલે ખરેખર સ્ટોરી તો ઇન્ટરવલ પછી જ શરૂ થાય છે. એક તો ફિલ્મની વાર્તા જ નબળી છે, ઉપરથી પડ્યા પર પાટું મારતા હોય એ રીતે ફિલ્મમાં સાત ગીતો ઠપકારવામાં આવ્યાં છે. અને સમ ખાવા પૂરતું એક પણ ગીત સારું બન્યું નથી.

હા, ફિલ્મને ન્યાય કરવા માટે એટલું કહેવું પડે કે તેના રાઇટિંગમાં વનલાઇનર્સના ચમકારા છે (જોકે ત્રણેક ઠેકાણે અશ્લીલ વનલાઇનર્સ નિવારી શકાયા હોત). છૂટક છૂટક સીન્સ પણ સારા બન્યા છે. પરંતુ મૂળે વાર્તા જ નબળી હોય, તો સ્ટીવન સ્પીલબર્ગ પણ સારી ફિલ્મ ન બનાવી શકે, જ્યારે આ તો સતીષ કૌશિકની ફિલ્મ છે! વધુ પડતાં ગીતોને કારણે મૂળ બંગાળી ફિલ્મ નબળી પડી ગયેલી એ વાતની જાણ હોવા છતાં સતીષભાઇએ આટલાં બધાં અને એ પણ આટલાં ગંદાં ગીતો શા માટે ફિલ્મમાં ઠાંસ્યાં હશે એ જ સમજાતું નથી. જો ગીતો પર કાતર ચલાવીને ફિલ્મની વાર્તાને ફટાફટ આગળ ચલાવી હોત તો ફિલ્મ સારી બની શકી હોત.

વળી, એન્સેમ્બલ કાસ્ટ તરીકે એટલાં બધાં કલાકારો ફિલ્મમાં છે કે દરેકના ભાગે થોડી થોડી મિનિટ્સ જ આવી છે. એટલામાં માત્ર સૌરભ શુક્લા અને માહી ગિલ જ આપણું ધ્યાન ખેંચવામાં સફળ રહે છે, બાકીનાં લોકોએ બસ પોતાના ભાગે આવેલું પાત્ર નિભાવી જાણ્યું છે. ફિલ્મની શરૂઆતમાં અન્ય હોરર ફિલ્મોની મજાક ઉડાવવામાં આવી છે કે તેમાં લોજિક હોતું નથી, પરંતુ ખુદ આ જ ફિલ્મમાં લોજિકને દેશવટો આપી દેવાયો છે. ફોર એક્ઝામ્પલ, ભૂત પોતાને મનફાવે ત્યારે અદૃશ્ય રહે અને મન ફાવે ત્યારે ગમે તેને દેખાય, એવું?!

હા, ફિલ્મનો મેસેજ સારો છે, કે આપણા વારસાને ભૂલીને આડેધડ ઇમારતો બાંધીને આપણે આપણું પોતાનું જ નુકસાન કરી રહ્યા છીએ. પરંતુ જો મેસેજ માત્રથી સારી ફિલ્મ બનતી હોત તો એન્ટિ સ્મોકિંગ કેમ્પેઇન પણ સિલ્વર જ્યુબિલી થતાં હોત!

એક તક ભૂતને આપવા જેવી ખરી?

ના, જરાય નહીં. જો આ વીકએન્ડ પર ખાલી ટાઇમપાસ કરવા માટે ફિલ્મમાં જવું હોય તો ગેંગ ઓફ ઘોસ્ટ્સમાં લગભગ સવા બે કલાક બગાડી શકાય, બાકી ઘરે બેઠાં ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપ જોવો વધારે ફાયદાનો સોદો સાબિત થશે.

રેટિંગઃ *1/2 (દોઢ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

વૉર… છોડ ના યાર

સુપર્બ છે, યાર!

***

ભારતની પહેલી ‘વૉર કોમેડી’ તરીકે આવેલી આ ફિલ્મ ધારી અસર નિપજાવવામાં સફળ રહી છે.

***

war-chod-na-yaar-poster-2એક જૂની વાત છે કે જે વસ્તુ અતિશય ઘૃણાસ્પદ હોય, એના પર ગમે તેટલો ગુસ્સો કરો છતાં એનો કોઇ અર્થ સરે એમ ન હોય, તો પછી એ વાતને હસી કાઢવી એ વધારે સારો રસ્તો છે. ભારત-પાકિસ્તાનનો ઝઘડો આવી જ બાબત છે, જે આપણને દુઝતા ઘાવની જેમ છેલ્લાં પાંસઠ વર્ષથી પીડા આપી રહ્યો છે. પરંતુ જરા દૂર જઇને, થોડા ઠંડા કલેજે વિચારીએ તો ભારત-પાકિસ્તાનનો ઝઘડો અને એમાં અમેરિકા-ચીન જેવા દેશોનો સ્વાર્થ એ બધું તદ્દન હાસ્યાસ્પદ લાગવા માંડે છે. બસ, આ જ વાત પર લિકવિડ એસિડમાં બોળેલા ચાબખા પડે એવા તીવ્ર કટાક્ષથી ભરપુર ફિલ્મ બનાવી છે નવા ડિરેક્ટર ફરાઝ હૈદરે, ‘વૉર… છોડ ના યાર’.

સાડા છ દાયકાથી ચાલી આવતી સ્ટોરી

રાજસ્થાનના સૂકાભઠ રણમાં ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર કાંટાળી તારની બંને બાજુ બેય દેશોના સૈનિકો ચૌબીસ ઘંટે ચૌકન્ના રહીને ડ્યૂટી બજાવી રહ્યા છે. પરંતુ બે બાધોડકાં સાસુ-વહુ પણ લાંબો સમય સાથે રહે તો એમને એકબીજા પ્રત્યે લગાવ થઇ જાય, એમ ભારત અને પાક બંનેના સૈનિકોને એકબીજા સાથે ‘ફાવી’ ગયું છે. રાત પડ્યે બંને દેશના કેપ્ટન્સ યાને કે ભારતનો કેપ્ટન રાજવીર (શરમન જોશી) અને પાકિસ્તાનનો કેપ્ટન કુરેશી (જાવેદ જાફરી) એન્ડ કંપની સરહદની બંને બાજુએ પત્તાંની મહેફિલ જમાવે છે.

બીજી બાજુ દિલ્હીમાં ન્યૂઝ ચેનલની હોનહાર રિપોર્ટર ઋત દત્તા (સોહા અલી ખાન)ને ભારતના રક્ષા મંત્રી (દલીપ તાહિલ)નું તેડું આવે છે. સ્નૂકર રમતાં રમતાં અત્યંત હળવાશથી દલીપ સોહાને કહે છે કે જો, ભારત અને પાકિસ્તાન વચ્ચે બે દિવસ પછી વૉર ડિક્લેર થવાની છે. એટલે તું મારી સાથે સરહદ પર ચાલ અને આપણે ત્યાં ભારત પાકિસ્તાનને મૂંહતોડ જવાબ આપશે એવું શૂટિંગ કરી લઇશું, જે યુદ્ધ શરૂ થઇ જાય પછી લાઇવના નામે તમે ચલાવી દેજો. આવું સેટિંગ પાર પાડવા ન્યૂઝ ચેનલની ગાડી અને મંત્રીજીનો કાફલો (શરમન જોશી જ્યાં તૈનાત છે) ત્યાં આવે છે, પરંતુ દેશ કે નામ સંદેશ આપતાં આપતાં ગોળીઓના અવાજથી ડરીને એ ત્યાંથી નૌ દો ગ્યારહ થઇ જાય છે.

હવે સૈનિકોની વચ્ચે રહીને સોહાને ખબર પડે છે કે બે દેશો વચ્ચેની જાની દુશ્મનીની ઉપરછલ્લી વાતની સામે જમીની હકીકત શું છે. બંને દેશોના સૈનિકો સામસામી અંતાક્ષરી પણ ગાય છે અને સાસુ-વહુની જેમ એકબીજા સાથે નોકઝોંક પણ કરે છે.

ત્યાં જ અમેરિકાના પૈસા અને ચીનના હથિયારોના ખીલે કટકી ખાઇને કૂદતા લાલચુ પાકિસ્તાની નેતા (અગેઇન, દલીપ તાહિલ) અને સૈન્ય વડા (મનોજ પાહવા) ન્યુક્લિયર હથિયાર સરહદ પર રવાના કરી દે છે. એ સાથે જ બે દેશના સૈનિકો વચ્ચે સરહદ પર સામસામો ગોળીબાર શરૂ થઇ જાય છે. સોહા નક્કી કરે છે કે આ યુદ્ધ ગમે તેમ કરીને બંધ કરાવવું જ જોઇએ.

દરેક સીનમાં સટ્ટાક સટાયર

વર્ષો પહેલાં ટીવી પર 8 પીએમ નામની વ્હિસ્કીની એડ આવતી. જેમાં બે દુશ્મન દેશ વચ્ચેની સરહદ પર ઊભેલા બે સૈન્ય અધિકારીઓ (અમર તલવાર અને મનોજ પાહવા) આઠ વાગે એટલે દારૂનો ગ્લાસ એકબીજાને પાસ કરે છે. આ જાહેરાત પરથી ડિરેક્ટર ફરાઝ હૈદરને આ ફિલ્મ ‘વૉર… છોડ ના યાર’નો આઇડિયા આવ્યો હોય તો કહેવાય નહીં. પરંતુ આપણે ત્યાં સટાયરિકલ કોમેડી આમ પણ ઓછી બને છે. એમાં પણ દેશભક્તિથી તરબોળ લજામણી જેવા સંવેદનશીલ વિષયને કટાક્ષની ધારથી હસી કાઢવો એ ખરેખર દાદ માગી લેતું કામ છે, જે ફરાઝ હૈદરે બખુબી બજાવ્યું છે.

આ ફિલ્મમાં કોઇને પણ છોડ્યા નથીઃ દેશને ફોલી ખાતા ભ્રષ્ટ અને ડરપોક નેતાઓ, બે દેશોને લડાવીને પોતાના રોટલા શેકતી મહાસત્તાઓ, ધર્મના નામે બંદૂકો લઇને ગમે ત્યાં ઘૂસી આવતા અફઘાની ઘૂસણખોરો, ન્યૂઝ માટે ગમે તે હદ સુધી જતું આપણું મીડિયા, માત્ર સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર જ દેશભક્તિ બતાવતા (ભારત અને પાક) બંને દેશોના યુવાનો અને અબોવ ઓલ સરહદ પર કઇ સ્થિતિમાં જીવે છે એનો કોઇને ખ્યાલ સુદ્ધાં નથી એવા લશ્કરના જવાનો. ફિલ્મમાં આ બધી જ વાતો આપણને ગલગલિયાં સાથે ચીંટિયો ભરીને ડિરેક્ટરે કહી છે.

એકબીજાની સાથેની દુશ્મનીના મુદ્દે ભારત અને પાકિસ્તાન ભલે નાહકના જઝબાતી બની જતા હોય, પરંતુ અમેરિકા-ચીન જેવા દેશો માટે તો આપણી દુશ્મની એ નર્યો બિઝનેસ જ છે. ભારત-પાક હોય કે અમેરિકા- ચીન, બધા જ દેશના રાજકારણીઓ અંતે તો એકસરખા ખંધા, ધીટ અને સ્વાર્થી જ હોય છે. એ બતાવવા માટે ડિરેક્ટરે એ બધા જ રોલમાં દલીપ તાહિલને કાસ્ટ કર્યા છે. કમર્શિયલ સિનેમામાં ભાગ્યે જ જોવા મળે એવું બિટવિન ધ લાઇન ડિટેઇલિંગ પણ આ ફિલ્મમાં ઘણે બધે ઠેકાણે છે.

જ્યારે પણ સરહદ પર લડતા સૈનિકોની વાત નીકળે એટલે આપણે સૌ ‘ઝરા આંખ મેં ભર લો’ ટાઇપના સેન્ટિમેન્ટલ થઇ જઇએ છીએ. પરંતુ પૂરતાં કપડાં-ભોજન વગેરેના અભાવ વગેરેમાં જીવતા સૈનિકો ત્યાં કેવી સ્થિતિમાં જીવે છે એ આપણે કોઇ વિચારતા જ નથી. એ લોકો પણ પોતપોતાના દેશની કુટિલ રાજરમતથી ત્રાસેલા હોઇ શકે એવો નવો શોકિંગ વિચાર આ ફિલ્મ આપણને આપે છે. બની શકે કે સૈનિક હોવા છતાં એ લોકો પોતે જ યુદ્ધથી કંટાળેલા હોય.

બંને દેશોના યુવાનો પર અહીં કશું જ કહ્યા વિના પણ સરસ કમેન્ટ કરાઇ છે, કે એ લોકો ફેસબુક પર એકબીજા સાથે ચેટ કરશે, સ્ટેટસની આપ-લે કરશે પણ એમનેય યુદ્ધમાં રસ નથી. જોકે એ લોકોની દેશભક્તિ માત્ર ફેસબુક પૂરતી જ સીમિત રહે છે. ભારત અને પાકિસ્તાન બંને દેશનું સંગીત, ખાણીપીણી, શોખ બધું જ સરખું છે. છતાં એ બંને એકબીજા સાથે શા માટે લડ્યા કરે છે એ જ સમજાતું નથી.

સુપર્બ એક્ટિંગ અને તીખાં વનલાઇનર્સ

શરમન, જાવેદ, સોહા, દલીપ તાહિલ, સંજય મિશ્રા, મનોજ પાહવાની એક્ટિંગ તો સરસ છે જ, પરંતુ અફઘાનિસ્તાની ઘૂસણખોર બનતા મુકુલ દેવની આટલી અદભુત એક્ટિંગ અગાઉ ક્યારેય નહોતી જોઇ. આ ઉપરાંત આ ફિલ્મનું સૌથી મોટું જમા પાસું છે એનું સુપર્બ રાઇટિંગ. અહીં એટલાં બધાં તીખા તમતમતાં વનલાઇનર્સ છે કે નોંધવા બેસીએ તો ફિલ્મનો આખો સમય લખવામાં જ જાય. સેમ્પલ, યે પાકિસ્તાન હૈ યહાં બગાવત કે લિયે જનરલ્સ વઝિર કી ઇજાઝત નહીં લિયા કરતે; આજ ખાને મેં ક્યા હૈ ખાને મેં ક્યા હૈ યે પૂછ પૂછ કે જાન લોગે ક્યા? ફિર ગોલી મારને કી ઝરૂરત હી નહીં રહેગી; ફસા હુઆ તો પૂરા દેશ હૈ અબ તો નિકાલને કા વક્ત હૈ; સર, યે મુર્ગિયાં પાકિસ્તાની હૈ. દેખિયે ગલે મેં તાવીજ હૈ…

ફિલ્મની ઘણી સિચ્યુએશન્સ જોરદાર હિલેરિયસ છે. જેમ કે, બંને દેશના સૈનિકો એકબીજા સાથે માઇક પર અંતાક્ષરી રમે છે (અને પાકિસ્તાનના સૈનિકો ‘યે દેશ હૈ વીર જવાનોં કા’ અને ‘આઇ લવ માય ઇન્ડિયા’ જેવાં ગીતો ગાય છે!), સરહદની બંને બાજુ સૈનિકો પત્તાં રમે છે, ચીની રાજકારણી ટ્રાન્સલેશન ડિવાઇસથી સિદ્ધુની સ્ટાઇલમાં પંજાબી બોલે છે (જે બતાવે છે કે પૈસા માટે એ લોકો કોઇની પણ ભાષા બોલી શકે છે!), એકની એક સિચ્યુએશન્સ છતાં બેવકૂફ બનતા અફઘાની ઘૂસણખોરો, હલકી ક્વોલિટીના ચાઇનીઝ હથિયારો, સારા ખોરાક-પાણી વિના સૈનિકો પર વતન પર મર-મિટવાની વાતો હાસ્યાસ્પદ પુરવાર થાય છે… વગેરે.

કોઇને આ ફિલ્મ ફુવડ, હાસ્યાસ્પદ કે શીખાઉ લાગી શકે, પરંતુ કોઇ દેખીતા કારણ વિના દાયકાઓથી એકબીજા સાથે લડતા રહેવાની વાત એના કરતાં પણ હાસ્યાસ્પદ છે એ યાદ રાખવું ઘટે.

કુલ મિલા કે

ફિલ્મનું એક માત્ર નબળું પાસું છે ધીમા સ્ટોરીટેલિંગને ઓર ધીમું પાડતું એનું કંગાળ મ્યુઝિક. એ બાદ કરીએ તો આ ફિલ્મ આપણને ચાર્લી ચેપ્લિનની ‘ધ ગ્રેટ ડિક્ટેટર’, સાચા બેરન કોહેનની (બેન કિંગ્સ્લે અભિનિત) ‘ધ ડિક્ટેટર’, અને 2010માં આવેલી ‘ફંસ ગયે રે ઓબામા’ જેવી સટાયરિકલ ફિલ્મો યાદ કરાવી જાય છે. જો તમને ખરેખર સારી સટાયરિકલ ફિલ્મ જોવામાં રસ હોય તો નવરાત્રિના ઢોલમાં આ ફિલ્મ ઢબૂરાઇ અને વીસરાઇ જાય એ પહેલાં જોઇ આવો.

રેટિંગઃ ***1/2 (સાડા ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.