Ballpens: લિખતે લિખતે લવ હો જાયે!

ballpen-collage29 સપ્ટેમ્બર, 2016ના દિવસે સવારના પહોરમાં લૅપટોપ ખોલ્યું અને એ દિવસનું ‘ગૂગલ ડૂડલ’ જોઇને સીધો જ નોસ્ટેલ્જિયાનો અટૅક આવી ગયો. ગૂગલે આધુનિક બૉલ પોઇન્ટ પૅનના શોધક લાઝલો જૉઝફ બિરો (કે બરો!)ના ૧૧૭મા બર્થડૅનું ડૂડલ મૂક્યું હતું. આમ તો હજી નર્મદ સ્ટાઇલમાં લમણે આંગળી મૂકીને નોસ્ટેલ્જિક થઈ જવા જેટલી ઉંમર નથી થઈ, છતાં એટલિસ્ટ બૉલપેનની બાબતમાં તો નૉસ્ટેલ્જિક થઈ જવા જેટલી સ્થિતિ આવી જ ગઈ છે. લખીને રોટલો રળવાના વ્યવસાયમાં આવ્યા પછી આજે રોજના સરેરાશ અઢી હજાર શબ્દો લખવાના થાય છે, છતાં હરામ બરાબર જો દિવસમાં એક વખત પણ બૉલપેન પકડવાની થતી હોય તો. હા, ક્યારેક ચૅક લખવાના થાય ખરા (ફિલ્મોમાં હિરોઇનનો બાપ હીરોને ચૅક આપે અને બીજા હાથમાં સિગાર સાથે કહી દે કે, ‘યે લો બ્લૅન્ક ચૅક ઔર મેરી બેટી કો હમેશા હમેશા કે લિયે ભૂલ જાઓ’ એવા ચૅક નહીં. આપણે તો ઇલેક્ટ્રિકનાં બિલ અને લોનના હપ્તાના ચૅક જ ફાડવાના હોય!). બાકી તો બૉલપેન બિચારી ટેબલ કે કબાટના કોઈ ખાનામાં મિડલ ક્લાસના માણસની જેમ ઉપેક્ષિત થઇને પડી હોય.

***

બાકી એ જમાનો યાદ છે, જ્યારે ત્રીજા ધોરણમાં જ અમે બૉલપેન વસાવવાની સિદ્ધિ પ્રાપ્ત કરી લીધેલી (કર્ટસીઃ કાકાની સ્ટેશનરીની દુકાન)! પરંતુ સ્કૂલમાં હજી સંપૂર્ણપણે બૉલપેનથી લખવાની છૂટ નહોતી મળી. પૅન્સિલ ઝિંદાબાદ. એટલે બૉલપેનથી લખવું હોય તો કાલા થઇને પૂછવું પડે, ‘ટીચર ટીચર, બૉલપેનથી લખીએ?’ એટલે ટીચર જાણે ત્રાસવાદી કૅમ્પો પર સર્જિકલ સ્ટ્રાઇક કરવાની પરવાનગી આપતાં હોય એમ ગંભીર થઇને કહે, ‘લખો, પણ ચેકચાક થઈ છે તો મર્યા સમજજો!’ એ વખતે ક્લાસમાં વળી જગદીશ નામનો છોકરો કંઇક લાઇટ પ્લસ ડિજિટલ ઘડિયાળવાળી પૅન લાવેલો ને જાદુના ખેલ બતાવતો હોય એમ આખા ક્લાસની રિસેસ બગાડેલી (પછી કોઇને ખબર ન પડે એમ ચાલુ પિરિયડે લંચબૉક્સમાંથી બુકડા ભરવા પડેલા)! પાછો તો એ જગદીશિયો દોઢડાહ્યો થાય, ‘મારા કાકા આ બૉલપેન સિંગાપોરથી લાવ્યા છે.’ આપણે પણ પાછા ઝટ ઇમ્પ્રેસ ન થઇએ {ત્યારે ખબર નહોતી કે (ઉંમરમાં) મોટો થઇને ફિલ્મોના રિવ્યૂ કરીશ!}. આપણે તો એવું વિચારીને જ મનમાં ડચકારો બોલાવેલો કે, ‘એમાં હું હવે? સિંગાપોર એટલે હશે કંઇક રેલવેના પૂલ નીચે દેખાતા જંગલ જેવી કોઈ જગ્યા! જેની નીચે બોલપેનું પાથરીને વેચવા બેસતા હશે!’

***

પછી તો જમણા હાથની બે આંગળી અને અંગૂઠા વચ્ચે બૉલપેન એવી ફિક્સ થઈ ગઈ કે લખવા માટેય સ્કૂલે જવાનું મન થવા લાગ્યું. ભાર સાથેના ભણતરની કૃપાથી અક્ષરોય એવા મસ્ત થઈ ગયેલા કે ક્લાસમાં બીજા કોઇના અક્ષર આપણા કરતાં સારા નીકળે તોય જૅલસીથી બળી મરીએ. પરીક્ષામાં ભલે આપણો ૭મો કે ૧૧મો નંબર આવતો હોય, તોય ટંગડી એવું કહીને ઊંચી રાખવાની કે, ‘હંહ, ઓલાનો પહેલો નંબર આવ્યો એમાં શું નવાઈ કરી? અક્ષર તો એના કરતાં મારા જ સારા થાય છે!’ ટીચરોય પાછાં એવાં નિષ્ઠુર કે સુલેખનની સ્પર્ધા સિવાય સારા અક્ષરોનો એકેય માર્ક એક્સ્ટ્રા ન આપે! બહુ બહુ તો ‘પાકી નોટ’ કે ‘સ્વાધ્યાય પોથી’માં પોતાની મિલકતમાંથી ભાગ આપતા હોય એમ ‘ગુડ’ કે ‘વેરી ગુડ’ લખી આપે, ધેટ્સઑલ!

***

જેમ અલગ અલગ પ્રકારના યુદ્ધ માટે જુદાં જુદાં હથિયારો હોય, એવું બૉલપેનનું પણ હોય. ‘રફ નોટ’માં લખવા માટે સાદી-૩૦ પૈસાની રિફિલવાળી પેન વાપરવાની. પાકી નોટ જાણે ‘મિસ ઇન્ડિયા.’ એના માટે થોડીક મોંઘી રિફિલવાળી પેન કામે લાગે. સાથે એના મૅકઅપ-સ્ટાઇલિંગ માટે બ્લૅક, ગ્રીન જેવા રંગોની પૅનની ફોજ ખિદમતમાં હાજર થાય (ના, લાલ પૅન ટીચરલોગ માટે રિઝર્વ્ડ જ હોય! એનો ઉપયોગ ‘નો મીન્સ નો’). પછી આવે સ્વાધ્યાયપોથી પૂરવાનો વારો. ‘નવનીત’વાળા પોતે જ સ્વાધ્યાયપોથી અને ગાઇડ બંને છાપતા હોય, બંનેમાં એક જ સવાલ છપાયો હોય, પણ સ્વાધ્યાયપોથીમાં જવાબ લખવા માટે ગણીને ચાર લાઇનની જગ્યા આપી હોય! અત્યારે ભલે અમે ‘મોહેંજો દારો’ની ખિલ્લી ઉડાવતા હોઇએ, પણ ત્યારે ‘હડપ્પા અને મોહેંજો દડોની નગરરચના સમજાવો’ એવી ટૂંકનોંધ આવે એટલે ગાઇડમાંથી સીધું જ ડિક્ટૅટ કરાવતાં ટીચર ફરમાન જારી કરે, ‘એક લાઇનમાં બે લાઇન કરીને લખજો.’ એટલે તરત જ કમ્પાસ ખૂલે અને અમારી પ્રાઇઝ્ડ પઝેશન એવી ‘રેનોલ્ડ્સ’ની પેન મેદાનમાં આવે.

રેનોલ્ડ્સની પેન માર્કેટમાં આવી એ પહેલાં અમારી હાલત DDLJના ‘રાજ’ જેવી હતીઃ ‘કિસી કી આંખે અચ્છી, કિસી કે હોઠ અચ્છે…’ પણ રેનોલ્ડ્સ એટલે રેનોલ્ડ્સ. એની એકદમ સ્લિમ-ટ્રિમ કાયા, સિમ્પલ યૅટ ઍલિગન્ટ એવો વ્હાઇટ-બ્લ્યુ કલર, લિસ્સી છતાં ફર્મ ગ્રિપ, અત્યારે સેલ્ફી પાડવા માટે છોકરીઓ ‘પાઉટ’ કરે છે એવી કમનીય વળાંકવાળી એની નિબ અને એમાંથી એકદમ પાતળી રેખામાં નીકળતા અક્ષરો… રેનોલ્ડ્સની પેન જો છોકરી હોત તો મેં બાળલગ્ન કરી લીધાં હોત, ટચવૂડ! એની સ્કાય બ્લ્યુ શાહીનો ક્રશ તો મને આજે પણ ગયો નથી. (એનું સુંવાળું નામ બદલીને આજે ‘રોરિટો’ જેવું ખરબચડું નામ કરી નાખ્યું છે. બોલીએ તો શરદીમાં ગળામાં કફ ખખડતો હોય એવું લાગે! છેહ!) હવે ધોનીની બાયોપિક ‘M S Dhoni – The Untold Story’ જોઇને ખબર પડી કે એય તે સ્કૂલમાં રેનોલ્ડની પેન જ વાપરતો હતો!

એકવાર રેનોલ્ડ્સની પેન કામે લાગે પછી આખેઆખી હડપ્પીય સંસ્કૃતિ કે ભારતની આઝાદીનો સંગ્રામ ચાર લાઇનોની જગ્યામાં સમાવી દઇએ (એ વખતે જો ચોખાના દાણા પર લખવાની પ્રૅક્ટિસ શરૂ કરી હોત તો આજે બે-ચાર ‘ગિનેસ રેકોર્ડ્સ’ મારા નામે બોલતા હોત)! ક્યારેક તો એક લાઇનમાં ત્રણ-ત્રણ લાઇનો લખી હોય, તોય એકેએક શબ્દ ચોખ્ખો વાંચી લો, કસમ સે (જોકે એ લખ્યા પછી અમે પોતેય એ લખાણ ક્યારેય વાંચતા નહીં એ અલગ ચર્ચા છે)! અત્યારે પેટ ભરીને પસ્તાવો થાય છે કે એ વખતની પાકી નોટો કે સ્વાધ્યાયપોથીઓ પસ્તીમાં પધરાવી દેવાને બદલે સાચવી રાખી હોત તો અમારા હૅન્ડરાઇટિંગનાય મીમ્સ (Memes) બનતા હોત!

ઍની વે, બૅક ટુ રેનોલ્ડ્સ. ખાસ્સા સંશોધન પછી અમે એવું શોધી કાઢેલું કે રેનોલ્ડ્સની જાદુઈ તાકાતનું સિક્રેટ એના ‘પોઇન્ટ’માં સમાયેલું છે. એટલે જ્યારે પણ રેનોલ્ડ્સની રિફિલ ખાલી થાય (જે બહુ ઓછું બનતું), ત્યારે દાંતનું પક્કડ બનાવીને પોઇન્ટ ખેંચી કાઢતા અને ૩૦ પૈસાવાળી ‘સાદી’ ‘ગરીબ’ રિફિલમાં એને ટ્રાન્સપ્લાન્ટ કરતા. ક્લાસમાં આજુબાજુની પબ્લિકને પણ કહી રાખેલું કે ખબરદાર જો રેનોલ્ડ્સની ખાલી રિફિલ ફેંકી દીધી છે તો! કોઇન કે ફિલાટેલિક કલેક્ટરની ચીવટથી અમે આવી ‘સ્યુડો રેનોલ્ડ્સ’ રિફિલોની આખી ‘મ્યુટન્ટ આર્મી’ ખડી કરેલી. એમાં કેટલીયે વાર બ્લ્યુ શાહીનો સ્વાદ ચાખેલો છે (લિટરલી!). એનું એક કારણ એ પણ હતું કે રેનોલ્ડ્સની રિફિલ સાડા ત્રણ રૂપિયાની તોતિંગ કિંમત ધરાવતી, જેનું બજૅટ અમારા જેવા પૉકેટ મની વિહોણા વિદ્યાર્થીઓને ક્યારેય પાસ થાય નહીં. એટલે જ રેનોલ્ડ્સની એક રિફિલ આખું સત્ર, ક્યારેક તો આખું વર્ષ ખેંચી કાઢતી. અને એટલે જ સ્યુડો રેનોલ્ડ્સની મ્યુટન્ટ આર્મી ખડી થાય! સામાજિક પિરામિડના ઊપલા ટોપકામાં બિરાજતા કેટલાક ક્લાસમૅટ્સ એ જ રેનોલ્ડ્સની ‘જૅટર’ નામની સ્પ્રિંગવાળી પેન પણ વાપરતા (જે એ વખતે 15 રૂપિયાની ત્રાહિમામ પોકારી જઇએ એવી પ્રચંડ મોંઘી આવતી). હદ તો ત્યારે થાય કે એની પાસે ‘રેનોલ્ડ્સ જૅટર’નો આખો સૅટ હોય અને કાઢતી વખતે આપણી સામે જોઇને પેન હાથમાં રમાડીને આપણને જલાવે! ખુન્નસ તો એવું ચડે કે સાલો, ક્યાંક એકલો મળી જાય તો ચોક્કસ જગ્યાએ લાત મારીને એની બધી જૅટરનું વિજય માલ્યા કરી નાખું (જોકે એવો મોકો ક્યારેય આવ્યો નહીં અને એવી હિંમત પણ ક્યારેય ચાલી નહીં!).

હા, મારા પક્ષે બ્લિસ એવું હતું કે કાકાની સ્ટેશનરીની દુકાન હતી, જ્યાં (વેકેશન ખૂલે ત્યારની) ‘સીઝન’માં હૅલ્પ કરાવવાના બદલામાં (આપણી ઔકાતમાં રહીને) ગમે તેટલી બૉલપેનોની ધાડ પાડવાની છૂટ રહેતી. એને કારણે કમ્પાસ બૉક્સમાં એટલી બધી બૉલપેનો ભેગી થયેલી કે એટલી તો આજે મારા ફોનમાં ઍપ્સ પણ નથી. તેમ છતાં ધારો કે કોઇએ લખવા માટે પેન માગી, તો એમાંથી સૌથી ભંગાર પેન જ આપવાની! અને કોઈ કાળ ચોઘડિયામાં કોઈ પેન ખોવાઈ, તો તો કયામત, પ્રલય, અપૉકલિપ્સ આવી જાય. લંચ બૉક્સ ભરેલું જ ઘરે આવે અને જિંદગી તો જાણે ‘સ્યાહી કા દરિયા હૈ ઔર ડૂબ કે જાના હૈ!’

જ્યારે પણ કોઈ નવી પેન માર્કેટમાં આવે અને તરત જ કાકાની દુકાનનો આંટો મારી આવીએ, યુ નૉ એ પેન ટ્રાય કરવા! અને શક્ય હોય તો કાકાને પટાવીને એ પેન ઠપકારી લેવા! છોકરીઓને પટાવવા માટે મજનુઓ ‘પિકઅપ લાઇન્સ’ વાપરે છે, એમ મારી પાસે કાકાને પીગાળીને પેન મેળવી લેવાની પિકઅપ લાઇન પણ રેડી જ હતી. મને ગમતી બૉલપેન ખિસ્સામાં મૂકીને કાકાને કહેવાનું કે, ‘આ પેન મારા ખિસ્સામાં મસ્ત લાગે છે, નહીં?!’ {મને યાદ છે, ‘રોટોમૅક’ની (‘લિખતે લિખતે લવ હો જાયે’ની ઍડવાળી) બૉલપેન લૉન્ચ થઈ ત્યારે કાકા પાસેથી મેળવવા માટે મેં અભૂતપૂર્વ ધમપછાડા કરેલા અને મેળવીને જ છૂટકો કરેલો.}

***

ધોરણ 5-6-7માં અમારા ક્લાસમાં એક છોકરી ભણતી. દૂર સામેના છેડેની બૅન્ચમાં બેસે. મારી જગ્યાએથી એના ચહેરાનો સાઇડ પૉઝ જ દેખાય. એટલી બધી ક્યુટ કે એને લીધે જ અડધો ક્લાસ શિયાળામાં પણ નાહીને આવતો! આજે તો માત્ર એનું નામ, એના કર્લી બૉયકટ વાળ, ગોળમટોળ આંખો અને એની બૉલપેન જ યાદ છે. એ કાયમ ‘કમ્ફર્ટ’ નામની એક જ કંપનીની નોન-રિફિલેબલ પેન જ વાપરતી. એને કારણે અમે પણ અમારા મોબાઇલમાં એ પેનને માનભર્યું સ્થાન આપેલું!

***

પછી તો ધીમે ધીમે એ ક્લાસમૅટ્સ, એ બૉલપેનોનું કલેક્શન, એ કમ્પાસ બૉક્સ, નવી પેનો પ્રત્યેનું આકર્ષણ બધાં સાથેનું જોડાણ ઘટતું ગયું. એક સમયે માત્ર બૉલપેનથી લખવામાં મજા પડતી. તેને હાથમાં પકડીને શક્ય તેટલા મરોડદાર અક્ષરો કાઢવામાં જે લિજ્જત-થ્રિલ આવતી એનું સ્થાન બૉર્ડની પરીક્ષાઓના હાઉએ લઈ લીધું. બૉલપેનથી લખવાનો હેતુ, મજા માણવાનો નહીં, બલકે પરીક્ષામાં વધુ માર્ક મેળવવા પૂરતો જ મર્યાદિત થવા માંડ્યો. કઈ પેન વાપરવાથી પરીક્ષામાં ઝડપથી લખી શકાય, કઈ પેનમાં સારી ગ્રિપ આવે છે, પૅપરમાં એક એક લાઇન છોડીને લખવાનું અને દરેક શબ્દ નીચે અન્ડર લાઇન કરવાની જેથી પૅપર ચૅકરનું ધ્યાન પડે વગેરે. અરે, ટ્યુશનના સાહેબો પોતાના ‘સ્ટાર’ વિદ્યાર્થીઓની સાથે સ્પેશિયલ બૉલપેનની ખરીદીમાં પણ જતા! થોડાં ઓર વર્ષ વીત્યાં એટલે બૉલપેન સારા કરિયરનું, રોટલા રળવાનું માધ્યમ બની ગઈ અને રહીસહી થ્રિલ પણ વરાળ થઈ ગઈ.

***

આજે પણ કોઈ કારણોસર સ્ટેશનરી શૉપ પર કે ઝેરોક્સની દુકાને જવાનું થાય ત્યારે નાના બચ્ચાના કુતૂહલથી નવી બૉલપેનો પર આંગળી ફરી જાય. હવે આપણું ‘પૉકેટમની’ જાતે જ કમાતા થયા છીએ અને બૉલપેન લેતા પહેલાં પપ્પા કે કાકાની પરમિશન લેવાની રહેતી નથી, એટલે જસ્ટ મજા ખાતર જ પૅન ખરીદતો રહું છું (થોડા મહિનાઓ પહેલાં એ જ રીતે પેલી બૉલપેન કમ સ્ટાયલસ એવી ‘લિન્ક ટચ’ બૉલપેન લીધેલી). પરંતુ પેન ખરીદતી વખતે પણ ખબર જ હોય છે કે આ ભાગ્યે જ વપરાવાની છે, એની રિફિલ ક્યારેય ખાલી થવાની નથી અને એનાથી રૂપિયા-પૈસાના એવા જ હિસાબો લખાવાના છે, જેણે હાથમાં પેન તો પકડાવી, પણ એને પકડતી વખતે વખતે જે રોમાંચ થતો એ છીનવી લીધો.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Arts, Inner Voice & Passion

‘હલો જયેશભાઈ, ડિસ્ટર્બ તો નહીં કિયા ના?’ આજે વહેલી સવારે અમારા કૂકે ફોન પર બાંગ પોકારી અને બે ઘડી તો મને ‘એક્ઝોર્સિસ્ટ’ જોતો હોઉં એવી ફાળ પડી ગઈ, કે આજ ફિર ગાપચી મારને કી તમન્ના હૈ, ક્યા? પરંતુ મામલો જુદો હતો. મને કહે કે, ‘મારી દીકરીનું દસમાનું રિઝલ્ટ આવ્યું છે, પણ કેવી રીતે જોવું તે એક્ઝેક્ટ્લી ખબર નથી પડતી.’ આ એક જ વાક્ય બોલીને એણે મારા દિમાગનું પૅનિક બટન દબાવી દીધું. મને ખબર જ નહોતી કે આ પર્સન્ટાઇલની ગ્રીક લૅન્ગ્વેજ કઈ રીતે ડિકોડ કરાય છે. પછી એ સાહેબ ઘરે પધાર્યા (થૅન્ક ગોડ!) ત્યારે ક્લિયર થયું કે એની દીકરીને કંઇક પાસ ક્લાસ આવેલો. વાત સાંભળીને મને થયું કે, લો, આજે ‘ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરીના ડિજિટલ ઇન્ડિયા’માં પણ ‘ધ ગ્રેટ ઇન્ડિયન કાસ્ટિસ્ટ એજ્યુકેશન બઝાર’નો સિલેબસ જરાય બદલાયો નથી.

આજે જો મારે ટાઇમ ટ્રાવેલ કરીને દોઢ-પોણા બે દાયકા પહેલાંના સમયમાં જવાનું થાય, તો પહેલું કામ હું મારી સાયન્સ સ્ટ્રીમની પસંદગી બદલીને આર્ટ્સ કરવાનું કરું. કેમ કે, અત્યંત ઉદ્ધત અને ઘોર નિરસ સાહેબોના હાથ નીચે એસેમ્બલી લાઇન પ્રોડક્શનના વર્કરની જેમ સાયન્સ ભણવાથી ભયંકર જીવનમાં બીજું એકેય મોટું ટૉર્ચર નથી. ‘રૅન્ચો’એ કહેલું એમ જ, એજ્યુકેશનની બાબતમાં આપણી મૅન્ટાલિટી તદ્દન પૈસા ઓરિએન્ટેડ અને કાસ્ટિસ્ટ છે. ગામ આખાના ચતુરો સાયન્સમાં જાય, નૉટ સો ચતુર કૉમર્સના ચોપડા ચીતરે અને ત્યારબાદ દેશની આમ જનતા જેવા બિચારાઓ આર્ટ્સની બૅન્ચો ગરમ કરે. આ બધી જ પસંદગી ફ્યુચરમાં કમાણીની સૉ કૉલ્ડ સંભાવનાઓ પરથી જ નક્કી થાય.

મારા કેટલાય ‘ચતુર’ ક્લાસમૅટ્સ આજે ડૉક્ટરો બનીને ફેસબુક પર પોતાના દર્દીઓનાં સફળ ઑપરેશનોનાં બિહામણાં ફોટા મૂકતા થઈ ગયા છે. એમને તુંકારે બોલાવીએ તો કન્હૈયા કુમારને દેશભક્ત ગણાવ્યો હોય એવું એમને ખોટું લાગી જાય. પણ મને યાદ છે, એ જ બંદાઓ બારમામાં કૅમિસ્ટ્રીની અઢીસો ફોર્મ્યુલાઓ ગોખીને બેઠા’તા. મૅથ્સના દાખલા-પ્રમેયો એમને રકમ સાથે મોઢે હતા. જ્યારે મારા જેવાને છેક ફર્સ્ટ યરમાં કૅમિસ્ટ્રીની લૅબમાં જઇને કસનળીમાં પ્રવાહી રેડ્યું ત્યારે ખબર પડી કે લે, બૅન્ઝિન તો બીજા પ્રવાહી જેવું જ હોય, એ દેખાવમાં ષટ્કોણિયું ન હોય! વર્ષો સુધી એ જ બૅન્ઝિનમાંથી પાણીથી લઇને પરમાણુ બોમ્બ બની શકે એટલી બધી પ્રક્રિયાઓ કરી નાખી, પણ એ બધું કરવાથી રિયલ લાઇફમાં એનો ઉપયોગ શું તે એકેય સાહેબે સમજાવ્યું નહીં (કેમ કે, પરીક્ષામાં એ જરૂરી નહોતું). સાયન્સના વિષયોમાં ‘સેન્ટર’માં નંબર લાવનારા ‘તેજસ્વી તારલા’ઓને અંગ્રેજીમાં રોકડા 36 માર્ક લાવતા જોયા છે. આજે ભારતીય સંસ્કૃતિની મહાનતા સાબિત કરવા બસો-દુકાનો સળગાવતા, યંગ કપલ્સને ફટકારતા, વિવિધ ડેય્ઝનો વિરોધ કરતા લોકોની જાણ સારુ, કે દાયકાઓથી બૉર્ડના વિદ્યાર્થીઓ સંસ્કૃત માત્ર એટલા માટે જ રાખતા આવ્યા છે કેમ કે તે ‘સ્કોરિંગ સબ્જેક્ટ’ છે. કૅન યુ બિલીવ, મારી વખતે ૧૨ સાયન્સમાં સંસ્કૃતના પૅપરમાં સંસ્કૃતની દેવનાગરી લિપિમાં એક શબ્દ, રિપીટ એક શબ્દ પણ લખ્યા વિના 90 માર્ક્સ લઈ શકાતા હતા. આજે યુટ્યૂબમાં ‘ખાન એકેડમી’ ટાઇપના વીડિયો જોઇએ ત્યારે સમજાય કે પરીક્ષા માટે નહીં, બલકે ‘શીખવવા’ માટે ભણાવવું હોય, તો ફિઝિક્સ, મૅથ્સ, કેમિસ્ટ્રી જેવા વિષયો કેવા અફલાતૂન છે.

અધર્મનો નાશ કરવા શ્રીકૃષ્ણ જન્મે કે ન જન્મે, પણ દરેક સ્ટુડન્ટની લાઇફની વાટ લગાડતા ‘કપૂર સા’બો’નો નાશ કરવા માટે તો કૃષ્ણે પૃથ્વીલોકનો એક આંટો મારવો જ જોઇએ. આવા કપૂર સા’બોનાં સંતાનો નાઇન્ટીઝમાં માર્ક્સ લઈ આવે અને નર્વસ બીજાનાં સંતાનો થાય. એ કપૂર સા’બોના પાપે જ માબાપો એવા કાસ્ટિઝમમાં માનતા થઈ જાય છે કે બોસ, સ્કોપ (વાંચો, પૈસા) તો ખાલી સાયન્સમાં જ છે. જાણે આર્ટ્સમાંથી બહાર પડનારાનું પ્લેસમેન્ટ તો સીધું અન્ડરવર્લ્ડમાં જ થતું હોય! અને કહેવાતી ‘ખોટી લાઇન’ પસંદ કરવાથી કે પરીક્ષામાં ફેલ થવાથી કે ઇવન ઓછા ટકા આવવાથી ટીનએજ સ્ટુડન્ટ આપઘાત કરે એનાથી વધુ વલ્ગર, ડિસ્ટોપિયન સ્થિતિ દુનિયામાં બીજી એકેય નથી.

હવે રિયાલિટીનાં રૅકેટોની વચ્ચે શટલકૉક થયા પછી સમજાયું કે આર્ટ્સ કેટલો મહાન સ્ટ્રીમ છે. કુબરિક, કુરોસાવા, હિચકોક, વૂડી એલન, આલ્મોદોવારથી લઇને આપણા રાય, રામુ, રત્નમ સુધીનાઓની ફિલ્મો જુઓ એટલે સમજાય કે સાઇકોલોજી ક્યા ચીઝ હૈ! સિગ્મંડ ફ્રોઇડ ભણ્યા હોઇએ તો દિમાગના એકેએક ન્યુરોનમાંથી અફલાતૂન સ્ટોરી પોપઅપ થતી દેખાય. એયને એક ક્લાસમાં શૅક્સપિયર ભણીએ અને બીજા ક્લાસમાં પોલિટિકલ સાયન્સમાં ધુબાકા મારીએ (જેથી, જે લોકો માત્ર આપણું જ નહીં, પણ આખા દેશનું ભવિષ્ય નક્કી કરે છે એમની ચાલાકીઓ સમજાય અને નીતિ તથા પ્રોપેગન્ડા વચ્ચેનો ફરક ખબર પડે). ઇન્ડિયન કલ્ચર, સોશિયોલોજી કે હિસ્ટરી ભણીએ એટલે દિમાગમાં થોડાં વાઇપર ચાલે અને સમજાય કે આપણે જેવા છીએ તેવા એક્ઝેક્ટ્લી શા માટે છીએ. હવે (નૅચરલી!) વિદેશી સંશોધનો કહે છે કે નવી નવી ભાષાઓ શીખો તો અલ્ઝાઇમર્સ જેવા રોગ ન થાય. તો એય ને કંઇક નિતનવી દેશી-વિદેશી ભાષા શીખીને ‘ગામ’ને ઇમ્પ્રેસ કરતા અને દિમાગની બૅટરી ચાર્જ કરતા ફરતા હોત. ધૂળની ઍલર્જી હોવા છતાં લાઇબ્રેરીમાં જઇને ઉર્દૂ, પર્શિયન કે ઇસ્લામિક કલ્ચરનાં થોથાં ઉથલાવીને જાણવાનો પ્રયાસ કરત કે એક્ઝેક્ટ્લી લોચો ક્યાં છે? ઇવન થોડું ‘હૉમ સાયન્સ’ ભણ્યા હોત તો ઘરમાં કેટલાય મોરચે શાંતિનાં કબૂતરો ઊડતાં હોત!

કેમિસ્ટ્રીની લૅબમાં એસિડિક રસાયણોની ઍલર્જીથી વલૂરતાં વલૂરતાં કસનળીઓમાં ને ફિઝિક્સની લૅબમાં ગેલ્વેનોમીટરની છેડાછેડી જોડવામાં જવાની કાઢી, એના કરતાં ‘રોમિયો, ઓ રોમિયો’ના જવાબ આપતાં કે ‘ટુ બી ઓર નોટ ટુ બી…’ બોલતાં સમય પસાર કર્યો હોત, તો ક્યા હોતા એ વિચાર માત્રથી દિલમાં વિશાલ ભારદ્વાજ જેવી ફીલિંગ્સ આવવા લાગે છે!

આ વાંચીને દિમાગનો લોજિકલ વિચારતો ડાબી બાજુનો હિસ્સો કહેશે, ‘બરખુરદાર, ગાના તો હમ ભી ગાતે હૈ, ખાને કા ક્યા કરોગે?’ ત્યારે એ જ ડાબી બાજુના હિસ્સામાંથી જવાબ જડે છે કે જો રૂપિયા જ પૅરામીટર હોય, તો સંસદથી લઇને હૉલીવુડ સુધી, બુકરથી પુલિત્ઝર સુધી આર્ટ્સવાળા લોકો ટ્રેક્ટર ભરીને પૈસા કમાય છે. ક્યાંક ઍન્જિનિયરિંગ ભણેલા લોકો TVF બનાવીને દેશના યુવાનોને જલસા કરાવે છે, ઇવન પોતાના શોખ-પૅશન-ટેલેન્ટને ફોલો કરીને આગળ આવેલા સચિનો-કોહલીઓ ચારેકોર છવાયેલા છે. મારું એ જ લોજિકલ દિમાગ ખાનગીમાં કહે છે કે સૌથી વધુ જોક્સ એન્જિનિયરિંગવાળાઓના જ બને છે. ને યુ રિયલી હૅટ ધોઝ રુડ, ઇગોઇસ્ટિક, મની માઇન્ડેડ ડૉક્ટર્સ. એમની પાસે રેલો આવે ત્યારે જ જવું પડે, જ્યારે આર્ટ્સવાળાઓનાં ક્રિએશન ઓશિકાના ટેકે મૂકીને માણવાં ગમે.

સો, ઇમ્તિયાઝ અલીની ફિલ્મોની જેમ સાયન્સ સાથે લગ્ન કર્યાં પછી સમજાયું કે બોસ, આપણે તો આર્ટ્સના પ્રેમમાં હતાં અને આર્ટ્સ સાથેની આપણી લવ સ્ટોરી ‘સૈરાટ’ જેવી અઘરી હતી. સાયન્સની સુંદરીની પાછળ સ્પર્મ-દોટ મૂક્યા પછી સમજાયું કે ‘આર્ટ્સ’ નામની એક ક્યુટ ક્વીન ખૂણામાં ઊભી આપણને બોલાવતી’તી, લેકિન હમને કભી ‘દિલ કી આવાઝ કો સૂના હી નહીં થા!’ તો ક્યા હુઆ, કિ એ દોઢ દાયકો પાછો નહીં આવે. હિન્દુ મૅરેજ એક્ટ તો દર્દીલી દુનિયામાં લાગુ પડે, દિલ-દિમાગની સલ્તનતમાં તો ‘સાયન્સ’ની સાથે બીજી ‘આર્ટ્સવાળી’ને લઈ આવીએ તોય ‘થ્રીસમ’ની જેમ મોર ધ મૅરિયર જ હોય! અગાઉનાં ફરબિડન ફ્રૂટ જેવા આર્ટ્સના વિષયોનું ‘ભણવાનું’ તો મારે ક્યારનુંયે ચાલુ થઈ ગયું છે. બસ, કેજરીવાલ માગશે તોય મારી પાસે એની ડિગ્રી નહીં હોય! પણ દુનિયાને જોવા-સમજવાનો જે પર્સ્પેક્ટિવ ઘડાય છે, જે જલસો પડે છે, એ ક્યાં કોઈ ડિગ્રીમાં લખેલો હોય છે?!

તો, આપ કન્વિન્સ હો ગયે, યા મૈં ઔર બોલું?!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.