દેખ તમાશા દેખ

ભારતની શાશ્વત એબ્સર્ડિટીનો આયનો

***

ધર્મના નામે ઝઘડતા રહેતા આપણા દેશના લોકોએ હોમવર્ક કે દવાના ભાગરૂપે પણ જોવા જેવી ફિલ્મ.

***

351462xcitefun-dekh-tamasha-dekh-movie-posterઆપણે દાયકાઓથી પાઠ્યપુસ્તકોમાં ભણતા આવ્યા છીએ કે આપણો દેશ જ્યારે અંગ્રેજોનો ગુલામ હતો ત્યારે અંગ્રેજો હિન્દુ અને મુસ્લિમોને લડાવી મારતા. ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ વાપરીને બે કોમ વચ્ચે, બે રજવાડાં વચ્ચે લડાઈ-યુદ્ધો કરાવીને પોતાનું સામ્રાજ્ય ચલાવતા રહેતા. હજારો સ્વતંત્રતાસેનાનીઓની કુરબાની પછી દેશ આઝાદ થયો. પરંતુ હિન્દુ-મુસ્લિમો વચ્ચેનાં કોમી રમખાણો બંધ ન થયાં, બલકે વકર્યાં. બેશક એમને લડાવનારા અંગ્રેજો હવે નથી. તો શું થયું? હવે અંગ્રેજોનું સ્થાન નપાવટ રાજકારણીઓ, પીંઢારા જેવા બિઝનેસમેન, ધર્મને ઢાલ અને ધર્મને જ હથિયાર તરીકે વાપરીને નિર્દોષોના કાનમાં ઝેર રેડતા કહેવાતા બની બેઠેલા ધર્મગુરુઓ અને ઘણે અંશે વેપાર બની ગયેલા મીડિયાએ લીધું છે. પરંતુ કહેવત છેને કે માણસે ઈતિહાસમાંથી એટલું જ શીખવાનું છે કે માણસ ઈતિહાસમાંથી કશું જ શીખ્યો નથી. એ જ રીતે એકનું એક કડવું સત્ય ફરી ફરીને સામે આવતું હોવા છતાં હિન્દુ, મુસ્લિમ કે ફોર ધેટ મેટર કોઈપણ ધર્મના લોકો નફરતનું ઝેર ફગાવી દઈને પ્રેમથી-ભાઈચારાથી રહેવાનું નહીં શીખે. આ જ વરવી વાસ્તવિકતાને ‘ગાંધી માય ફાધર’ જેવી અફલાતૂન ફિલ્મ બનાવનારા ગુજરાતી સર્જક ફિરોઝ અબ્બાસ ખાને એમની લેટેસ્ટ ફિલ્મ ‘દેખ તમાશા દેખ’માં બતાવી છે.

સ્ટોરી નામે આપણો દેશ

ભારતનું કોઈ એક ગામ કલ્પી લો. એમાં નથ્થા શેઠ (સતીષ કૌશિક) અખબાર ચલાવે છે અને નેતા બનવાની ખ્વાહિશ ધરાવે છે. એનું એક જાયન્ટ કટઆઉટ અકસ્માતે નીચે પડે છે અને તેની નીચે દબાઈને એક ઘોડાગાડીવાળો નામે હમીદ મરી જાય છે. હજી એને માંડ સુપુર્દ-એ-ખાક કર્યો હોય, ત્યાં જ હિંદુ સંગઠનના કેટલાક કાર્યકરો આવીને કકળાટ મચાવી દે છે કે મરનાર માણસ મુસ્લિમ હમીદ નહીં, બલકે હિન્દુ કિશન હતો અને એ રીતે એની લાશ એમના હવાલે કરીને તેનો અગ્નિસંસ્કાર કરવામાં આવે. આથી એની લાશ કબરમાંથી બહાર કાઢીને શબઘરમાં ધકેલાય છે. એમાં વાત એવી છે કે મૂળ વિધુર એવો કિશન ગામની મુસ્લિમ વિધવા ફાતિમા (તન્વી આઝમી) સાથે નિકાહ કરે છે અને હમીદ નામ સ્વીકારે છે. પરંતુ એને ખબર નહોતી કે એના નામે શહેરમાં આટલું લોહી વહેશે.

બસ, પછી તો એની લાશ કોને મળવી જોઈએ એ મુદ્દે કોર્ટમાં કેસ ચાલે છે, ગામમાં કોમી રમખાણો ફાટી નીકળે છે. બંને કોમનાં નિર્દોષોનાં ઘરો સળગે છે, જેને આખા મામલા સાથે કશી જ લેવાદેવા નથી એવા લોકોનું લોહી રેડાય છે. ઉપરથી સ્વાર્થી ધર્મગુરુઓ આવીને લોકોની કાન ભંભેરણી કરે છે, અખબારો ભડકાઉ હેડલાઈન્સ બનાવે છે અને આખી આગમાં પેટ્રોલ રેડે છે.

યે આગ કબ બૂઝેગી?

સામાન્ય રીતે આપણે ત્યાં સટાયરિકલ પ્રકારની ફિલ્મો બનાવવાની કોઈ હિંમત કરતું નથી. કારણ કે મોટા ભાગની પબ્લિકને સટાયર બમ્પર જાય છે અને એટલે આવી ફિલ્મોના ઝાઝા લેવાલ મળતા નથી. ફિરોઝ અબ્બાસ ખાનની ‘દેખ તમાશા દેખ’ સાથે પણ આવું જ થયું છે. એક તો હોલિવૂડ અને બોલિવૂડની મસાલા ફિલ્મોની રિલીઝના પૂરમાં દેખ તમાશા દેખને સાવ જૂજ શોઝ મળ્યા છે, અને જે મળ્યા છે તેને દર્શકો મળતા નથી.

જોકે આ ફિલ્મ ‘પીપલી લાઈવ’ની જેમ સમજવી સહેલી નથી. તેમાં ઘણી બધી વાતો એકદમ સટલી, અમુક સિમ્બોલ્સથી કે બે ચીજોને સરખાવીને કહેવાઈ છે. માત્ર 108 મિનિટ્ની જ હોવા છતાં કેટલેક ઠેકાણે ફિલ્મ ખેંચાઈ પણ છે. તેમ છતાં ડાયરેક્ટર ફિરોઝ અબ્બાસ ખાન અને લેખક શફાત ખાને જે મુદ્દા ઉઠાવ્યા છે તે આપણને હચમચાવી મૂકે તેવા છે. સતત રોટી અને શાંતિની તલાશમાં રહેતો આમઆદમી કેટલી સહેલાઈથી નેતા, ધર્મગુરુઓ કે મીડિયાથી દોરવાઈ જાય છે, એ જોઈને આપણે ખિન્ન થઈ જઈએ. પડદા પાછળ મળેલા ધાર્મિક સંગઠનોના નેતાઓ કોઈની દોરવણી હેઠળ લોકોને કપાવી મારે, અખબારના તંત્રીને કૂતરા સાથે સરખાવતો ખંધો મીડિયાનો માલિક અલ્લાહના દરબારમાં ચાદર ચડાવવાનાં નાટકો કરે, અખબારો-ચેનલ્સમાં સત્યને બદલે સનસનાટી વેચાય, પત્રકારોને બદલે માર્કેટિંગના મેનેજરો મથાળાં નક્કી કરે… આ પ્રકારની સિક્વન્સીસ આપણને વિચારવા પર મજબૂર કરી દે કે આખરે આપણે કોના પર વિશ્વાસ મૂકવો? વળી, જે નિર્દોષોને ધર્મની દુહાઈઓ દઈને ઉશ્કેરવામાં આવે છે એ આમ આદમી તો ક્યાંય વધારે આઝાદ ખયાલો ધરાવે છે.

આવા ગંભીર ઈશ્યૂઝને સતીષ કૌશિક, તન્વી આઝમી, હિન્દુ નેતા બનતા શરદ પોન્ક્શે, ભ્રષ્ટ ઈન્સ્પેક્ટર બનતા ગણેશ યાદવ જેવા કલાકારોના સશક્ત અભિનયનો સાથ મળ્યો છે. ‘આજકલ દેશભક્તિ કા માર્કેટ નહીં હૈ’ અને ‘યહાં કે લોગોં કો દંગો કી આદત હૈ. લોગ એક દુસરે કો મારતે હૈં ઔર અપના ગુસ્સા શાંત કરતેં હૈં’ જેવા દમદાર ડાયલોગ્સ પણ સીધા તીરની જેમ ખૂંપી જાય છે. સેન્સર બોર્ડે આવા બોલ્ડ સબ્જેક્ટ અને એનાથીયે બોલ્ડ ડાયલોગ્સ ધરાવતી આ ફિલ્મને પાસ કરી દીધી એ માટે એમને પણ ધન્યવાદ આપવા ઘટે.

તમે તૈયાર છો?

દેખ તમાશા દેખ માત્ર ફિલ્મ નથી, આપણો કદરૂપો ચહેરો બતાવતો આયનો છે. બની શકે કે તમે આ ફિલ્મ જોવા જાઓ અને તમને એમાં જરાય મજા ન આવે. ધેટ્સ ફાઈન. પરંતુ આવી ફિલ્મો બને, લોકો તેને જુએ અને ખાસ તો તેને કારણે એટલિસ્ટ મુઠ્ઠીભર લોકોની વિચારસરણીમાં પણ પરિવર્તન આવે, તોય આવા પ્રયાસ સાર્થક ગણાશે. એક હોમવર્ક કે દવા સમજીને પણ દરેકે આ ફિલ્મ જોવી જોઈએ.

રેટિંગઃ ***1/2 (સાડા ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements