બાજીરાવ મસ્તાની

સલામ-એ-ઈશ્ક

***

સંજય લીલા ભણસાલીની વધુ એક લાર્જર ધેન લાઇફ લવસ્ટોરી અપેક્ષા પ્રમાણેનો જ જલ્સો કરાવે છે.

***

bajirao-mastaniઅંગ્રેજીમાં ‘સ્ટારક્રોસ્ડ લવર્સ’ નામનો એક શબ્દપ્રયોગ છે. રોમિયો-જુલિયેટ ટાઇપનાં એવાં પ્રેમીઓ એક ન થાય એટલા માટે આખી દુનિયા એમની પાછળ આદુ ખાઈને પડી ગઈ હોય. વિશ્વમાં એવી વાર્તાઓની કમી નથી. ખુદ સંજયભાઇએ જ પોતાની મોટાભાગની ફિલ્મોમાં એ જ થીમ પર બનાવી છે. એમની આ નવી ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ ડિટ્ટો એ જ વાત કરે છે, પણ ભણસાલી સ્ટાઇલમાં. એયને આંખો પહોળી થઈ જાય એવા જાયન્ટ સેટ, હિસ્ટરી ચેનલમાં ઘૂસી ગયા હોઇએ એવા પહેરવેશ, નજર પહોંચે ત્યાં સુધી પથરાઇને બાખડતું સૈન્ય, સામસામી તલવારબાજી જેવા વાક્યે વાક્યે આવતા ધારદાર સંવાદો અને દરેક લાગણીનો ઉત્સવ મનાવાતો હોય એવાં જાજરમાન ગીતો. બાજીરાવ મસ્તાનીમાં આ બધાં જ ઍલિમેન્ટ પિરસવામાં સંજયભાઈ બરાબરના ખીલ્યા છે.

ચીતે કી ચાલ, બાઝ કી નઝર ઔર બાજીરાવ કી તલવાર

૧૮મી સદીની શરૂઆતનો સમય છે. પૂનાના પેશ્વા બાજીરાવ (રણવીર સિંહ) ભારે પરાક્રમી શાસક છે. એક પછી એક યુદ્ધો જીતતા જાય છે અને મરાઠા સામ્રાજ્યનો ભગવો ધ્વજ લહેરાવતા જાય છે. એમની પત્ની કાશીબાઈ (પ્રિયંકા ચોપરા) સાથે એ સુખી છે. એક યુદ્ધ મેદાનમાં અચાનક બુંદેલખંડની રાજકુમારી મસ્તાની (દીપિકા પાદુકોણ) દુશ્મનો સામે બાજીરાવની મદદ માગે છે અને બાજીરાવ કરે પણ છે. બસ, આ યુદ્ધ પછી બાજીરાવ અને મસ્તાની વચ્ચે કટારની ધાર પર પ્રેમ પાંગરે છે. પરંતુ મસ્તાની તો હિન્દુ રાજા છત્રસાલની મુસ્લિમ નર્તક પત્ની રુહાની બાઈની દીકરી. બીજી બાજુ બાજીરાવ પણ બચરવાળ રાજા. છતાં બાજીરાવ પરિવાર, રિવાજ ને સમગ્ર રાજ્યની વિરુદ્ધ જઇને મસ્તાનીને પત્ની જાહેર કરે છે. દુશ્મવો સામે સતત અજેય રહેલા બાજીરાવના આ પ્રેમની આડે સતત એમના પરિવારના જ લોકો અંતરાય ઊભો કરે છે.

પ્યાર, પેશન ને પરિવાર

શરૂઆતમાં કહ્યું એમ સંજય ભણસાલી એકની એક વાર્તા જ ફરી ફરીને કહેતા રહે છે. પછી એ સમીર-નંદિની હોય કે દેવદાસ-પારો હોય કે પછી રામ-લીલા હોય. બે પ્રેમી આ ભવે ભેળા થાય તો ધરતી રસાતળ જાય. ઇવન ‘ગુઝારિશ’માં પણ હૃતિક-ઐશ્વર્યાની આડે બીમારીનો અંતરાય હતો. તેમ છતાં ભણસાલી એવા પૅશનથી વાર્તા કહે કે એમની ફિલ્મની એકેક ફ્રેમમાંથી આપણને તે ઝનૂન ટપકતું દેખાય.

‘રામલીલા’માં વિરોધનો સામનો કરી ચૂકેલા સંજયભાઈએ આ વખતે ફિલ્મની શરૂઆતમાં જ ‘મિચ્છામી દુક્કડમ’ પ્રકારની લાંબી ચોખવટ કરીને કહ્યું છે કે જુઓ, અમે આ ફિલ્મ નાગનાથ ઇનામદાર નામના મરાઠી લેખકની નવલકથા ‘રાઉ’ પરથી બનાવી છે. ઐતિહાસિક તથ્યોનું ધ્યાન રાખવાનો પૂરો પ્રયત્ન કર્યો છે, તેમ છતાં ભૂલચૂક લેવીદેવી. એટલે એ રીતે જોતાં આ ફિલ્મને આપણે પણ ઐતિહાસિક દસ્તાવેજને બદલે પેશ્વા બાજીરાવ પહેલાના ફિક્શનલાઇઝ્ડ વર્ઝન તરીકે જ જોવી જોઇએ.

૧૫૮ મિનિટની આ ફિલ્મમાં સૌથી પહેલું ધ્યાન ખેંચે દમદાર એક્ટર ઇરફાન ખાનનો વોઇસ ઓવર. એ પછી તરત જ પેશ્વા બનવા માટે પોતાની દાવેદારી નોંધાવતા બાજીરાવ યાને કે રણવીર સિંહની એન્ટ્રી પડે અને આપણે એની એનર્જીના મેગ્નેટિક ફીલ્ડમાં કેદ થઈ જઇએ. આ એક્ટર રિયલ લાઇફમાં જેટલા ગાંડા કાઢે છે, એનાથી તદ્દન વિપરિત એનું દમદાર પર્ફોર્મન્સ છે. પૂરેપૂરો બાજીરાવના બીબામાં ઢળી ગયેલો રણવીર પાત્ર પ્રમાણે લાઉડ થાય છે, પણ એનામાં ક્યાંય ઓવરએક્ટિંગ દેખાતી નથી. એની હાજરી માત્રથી સ્ક્રીન ભરચક લાગે છે અને ધીમી પડતી ફિલ્મ પણ કંટાળાજનક લાગતી નથી.

ફિલ્મમાં સતત જલસો કરાવતા રહે છે પ્રકાશ કાપડિયાએ લખેલા બાજીરાવની તલવાર જેવા જ ધારદાર સંવાદો. ‘બાજીરાવને મસ્તાની સે મોહબ્બત કી હૈ, ઐયાશી નહીં’, ‘જબ દીવારોં સે ઝ્યાદા દૂરી દિલોં મેં આ જાયે તો છત નહીં ટિકતી’, ‘યોદ્ધા હૂં, ઠોકર પથ્થર સે ભી લગે તો હાથ તલવાર પર હી જાતા હૈ’… આવા સીટી બજાઉ ડાયલોગ્સ દર બીજી મિનિટે આવતા રહે છે. માત્ર ડાયલોગ માણવા માટે પણ તમે અલગથી ફિલ્મ જોઈ શકો. સારી વાત એ છે કે આ ડાયલોગ કૃત્રિમ કે નાટકીય નથી લાગતા, બલકે ફિલ્મની ઓવરઑલ ઇમ્પેક્ટમાં વધારો કરે છે.

ભણસાલીની તમામ ફિલ્મોમાં સ્ત્રીઓનાં પાત્રો એકદમ સશક્ત અને અલગ તરી આવે તેવાં પાવરપૅક્ડ હોય છે. અહીં પ્રિયંકા અને દીપિકા બંનેની તદ્દન વિરોધાભાસી પર્સનાલિટીને સફળતાપૂર્વક એસ્ટાબ્લિશ થઈ શકી છે. પ્રિયંકા જેટલી ઠસ્સાદાર અને જાજરમાન છતાં ગભરુ મરાઠી મુલગી લાગે છે, તો સામે પક્ષે દીપિકા પણ જેના રૂપ અને કૌવતને બાજીરાવ જેવો જ કોઈ વીર ઝીલી શકે એવી ‘ફેમ ફેટલ’ લાગે છે. આ ભણસાલીનો જ કમાલ છે કે આ બે દમદાર અભિનેત્રીઓ હોવા છતાં ફિલ્મમાં બાજીરાવનાં માતા બનતાં તન્વી આઝમી પણ એટલા જ પ્રભાવશાળી લાગે છે.

આજે નહીં તો કાલે, પણ આ ફિલ્મને સારું પ્રોજેક્શન ધરાવતા થિયેટરમાં જ જોવાની મજા પડે તેવું પાસું છે તેની અફલાતૂન સેટ ડિઝાઇન અને કેમેરાવર્ક. ‘બાહુબલી’ની યાદ અપાવે તેવાં જાયન્ટ મહેલો-કિલ્લા-મેદાન, વિરાટ સૈન્ય, એક જ ફ્રેમમાં સહેજે સો-બસ્સો લોકો દેખાય એવું લાર્જ કૅન્વસ અને આ બધાને પક્ષીની જેમ હવામાં તરીને કેદ કરતો કેમેરા. અરે, ઘણાં દૃશ્યો તો જાણે આપણે રાજા રવિ વર્માએ દોરેલું કોઈ પેઇન્ટિંગ જોતા હોઇએ એવી જ ફીલ આપે છે. એક રિચ પિરિયડ ડ્રામાની ભરચક ફીલિંગ આપવા માટે આટલું પૂરતું છે.

જોકે ‘બાજીરાવ મસ્તાની’ પર આપણે આખું મુંબઈ-પુણે ઓવારી જઇએ એવી મહાન ફિલ્મ તો નથી જ. છેલ્લા લગભગ દોઢ દાયકાથી સંજય ભણસાલી આ ફિલ્મ બનાવવા માગતા હતા. પરંતુ મેળ પડ્યો નહીં અને વચ્ચે એમણે ‘દેવદાસ’થી લઇને ‘રામલીલા’ બનાવી કાઢી. કદાચ એટલે જ આ ફિલ્મમાં ‘પિંગા’ કે ‘મોહે રંગ દો લાલ’ જેવાં ગીતો પર ‘દેવદાસ’ની, ‘મલ્હારી’ પર ‘રામલીલા’ના ‘તતડ તતડ’ની અને રણવીરના ડ્રામેટિક મોનોલોગ્સમાં ‘રામલીલા’નું સ્પષ્ટ રિપીટેશન દેખાય છે. ઇવન એક તબક્કા પછી બિનજરૂરી રીતે ખેંચાઈ જતી આ ફિલ્મ ધડ દઇને ‘દેવદાસ’ના ખાનામાં જઈ પડે છે. વિરોધનો ભય હોય કે કેમ પણ બાજીરાવ અને મસ્તાનીનો રોમાન્સ જોઇએ તેવો ખીલ્યો નથી. સાબિતી વગર સ્વીકારી લેવાના પ્રમેયની જેમ આપણે બંનેને પ્રેમમાં પડેલાં સ્વીકારી લેવાનાં રહે છે. ઇવન આ ડ્રામેટિક ફિલ્મનો ક્લાઇમૅક્સ પણ કોઈ આર્ટફિલ્મના જેવો લાગે છે, જે તડ ને ફડવાળા દર્શકોને પૂરેપૂરો ગળે ન પણ ઊતરે.

‘સાંવરિયા’ અને ‘રામલીલા’ની જેમ અહીં પણ મ્યુઝિક ડિપાર્ટમેન્ટ ખુદ ભણસાલીએ જ સંભાળ્યો છે. આખું આલબમ ગ્રેટ તો નથી, પણ લોંગ ડ્રાઇવ પર જતાં કારમાં સાંભળવાની મજા પડે એવું તો છે જ. કેરેક્ટર એક્ટર યતીન કર્યેકરનો કદાચ આ સૌથી દમદાર રોલ હશે. ફિલ્મમાં મિલિંદ સોમણ, મહેશ માંજરેકર, બેન્જામિન ગિલાની, રઝા મુરાદ અને બે સીન પૂરતા આદિત્ય પંચોલી છે, એ જસ્ટ જનરલ નૉલેજ ખાતર.

બાજીરાવનો જય હો

લાગણીઓને રેડિયોએક્ટિવ તત્ત્વની શિદ્દતથી વ્યક્ત કરવામાં સંજય લીલા ભણસાલીનો જોટો જડે તેમ નથી. તમને જો એમની આ પ્રકારની પિરિયડ ડ્રામા ફિલ્મ ગમતી હશે તો ‘બાજીરાવ મસ્તાની’ તમારા માટે છે. હવે આશા રાખીએ કે સંજયભાઈ આ પ્રકારના સ્ટારક્રોસ્ડ લવર્સની વાર્તાઓમાંથી બહાર આવીને કશુંક સાવ નવું પીરસે.

રેટિંગઃ ***1/2 (સાડાત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

હવાઈઝાદા

ઈશકઝાદા

***

જો સંજય લીલા ભણસાલીના ‘સાંવરિયા’એ પ્રેમ કરવા સિવાયનો ટાઇમપાસ કરવા માટે પ્લેન બનાવ્યું હોત તો એ આ ‘હવાઈઝાદા’ કરતાં જરાય જુદો ન હોત.

***

hawaizaadai_film_posterબાયોપિક બનાવવી એ વાઘની સવારી કરવા જેવું અઘરું કામ છે. એક તો જે હસ્તી પર ફિલ્મ બનાવી રહ્યા છે તેની આભાને નુકસાન ન પહોંચે તે ધ્યાન રાખવાનું અને સાથોસાથ એ વ્યક્તિની પ્રતિભા યથાતથ લોકો સુધી પહોંચે એ પણ જોવાનું. એમાંય જો ડિરેક્ટર તરીકે પહેલી ફિલ્મમાં બાયોપિકનું સળગતું લાકડું પકડીએ અને ઉપરથી આપણે અગાઉ સંજય લીલા ભણસાલી જેવા દિગ્દર્શકના આસિસ્ટન્ટ રહી ચૂક્યા હોઇએ ત્યારે તો ખેલ ઓર ખતરનાક બની જાય છે. આ ડિરેક્ટર એટલે વિભુ વિરેન્દર પુરી, જે આ શુક્રવારે આપણા માટે લઇને આવ્યા છે ‘હવાઈઝાદા’. હવાઈઝાદા બાયોપિક છે શિવકર બાપુજી તળપદેનું, જેમણે ઈ.સ. ૧૮૯૫માં વિશ્વમાં પહેલું વિમાન બનાવીને ઉડાડ્યું હોવાનું કહેવાય છે. એટલે કે અમેરિકાના રાઇટ બ્રધર્સે પહેલું વિમાન ઉડાડ્યાનાં પણ આઠ વર્ષ પહેલાં. આ હકીકતની કેટલીયે કડીઓ ખૂટે છે, પરંતુ વિભુ પુરીએ તેમાં ભારતીયોને માફક આવે એવી કલ્પનાના રંગો પૂરીને વાર્તા રજૂ કરી છે. વાંધો અહીંથી શરૂ થાય છે. આ ફિલ્મમાં સંજય લીલા ભણસાલીની એટલી બધી સ્ટ્રોંગ છાપ વર્તાય છે કે જાણે એમનો ‘સાંવરિયો’ પ્રેમમાં પડીને સાઇડમાં પ્લેન બનાવવા નીકળ્યો હોય એવું લાગે છે.

પ્રેમનો રનવે અને કલ્પનાની ઉડાન

વાત છે ઈ.સ. ૧૮૯૫ના અરસાના મુંબઈની. શિવકર બાપુજી તળપદે (આયુષ્માન ખુરાના) નામનો જુવાનિયો આમ બુદ્ધિશાળી. શાસ્ત્રોનું વાંચન પણ ખરું, પરંતુ દુન્યવી બાબતોમાં ઝાઝો રસ ન પડે. એટલે જ ચોથા ધોરણમાં આઠવાર દાંડી ડૂલ થયેલી. એની આવી હરકતોથી ઘરના લોકો પરેશાન. ઉપરથી એ એક નાચનારી યુવતી સિતારા (પલ્લવી શારદા)ના પ્રેમમાં પડી ગયો. એટલે બાપાએ કર્યો ઘરમાંથી તડીપાર. ત્યાં પંડિત સુબ્બાઆર્ય શાસ્ત્રી (મિથુન ચક્રવર્તી) નામના સનકી આધેડને લાગ્યું કે આ છોકરો તો હીરો છે. એટલે એમણે આ શિવકરને પોતાના ખૂફિયા પ્રોજેક્ટમાં જોતરી દીધો. એ ખૂફિયા પ્રોજેક્ટ એટલે માણસને લઈને આભને આંબે એવું વિમાન બનાવવું. એક તો પૈસાના અભાવે આ તરંગી વિચારને સાકાર બનાવવાનું પ્રેશર. ઉપરથી એક ભારતીય થઇને આવું પરાક્રમ કરી જાય તો અંગ્રેજ સરકારની પણ ખફગી વહોરવી. તો આ વિમાન બનાવવું તો કઈ રીતે?

વિમાનની વાર્તામાં લવસ્ટોરીનું હાઇજૅક

કોઈ ભારતીય કશુંક નક્કર કામ કરી ગયો હોય અને આજે એનું પ્રદાન કાળની ગર્તામાં ધરબાઈ ગયું હોય એવા અઢળક દાખલા છે. પરંતુ સમયની એ ધૂળ ખંખેરીને એ વિભૂતિનું પ્રદાન આપણી સામે લાવે તેવી ‘હરિશ્ચંદ્રાચી ફેક્ટરી’ (દાદાસાહેબ ફાળકે) અને  ‘રંગરસિયા’ (રાજા રવિ વર્મા) જેવી ફિલ્મો બને તો આપણે દસેય આંગળીએ ટચાકા ફોડીને તેનાં ઓવારણાં લઇએ. પરંતુ વિભુ પુરીની આ પિરિયડ ડ્રામા ફિલ્મ ‘હવાઈઝાદા’માં એક શોધકના ઝનૂનને બદલે એક આશિકની દીવાનગી વધારે દેખાય છે. અઢી કલાક ઉપરની આ ફિલ્મમાં ખાસ્સો એવો સમય લવ સ્ટોરી ખાઈ જાય છે. શોધક પ્રેમમાં પડે તેમાં આપણને જરાય વાંધો ન હોય, પરંતુ જ્યારે એ પ્રેમકહાણી ફિલ્મની મૂળ વાર્તા પર ગ્રહણ લગાડવા માંડે ત્યારે કાન ખેંચવો પડે.

વળી, સવાસો વર્ષ પહેલાંના સમયની વાર્તાને અનુરૂપ સેટ ઊભા કરવા પડે એ પણ સમજી શકાય. પરંતુ ફિલ્મના દિગ્દર્શક સંજય લીલા ભણસાલીના શિષ્ય રહી ચૂક્યા હોય એટલે એમની ફિલ્મોમાં હોય છે એવા જ સેટ બને એ કેવું?. એટલું જ નહીં, જાણે એ સેટ બતાવવા માટે ફિલ્મ બનાવી હોય એ હદે સેટ ફિલ્મ પર હાવી થઈ જાય એવું લાગવા માંડે. ઇન ફેક્ટ, દિલફેંક આશિક જેવો હીરો નાટકોમાં કામ કરતી એક અદાકારાની આગળ-પાછળ ગરબા ગાયા કરે એવી જ ‘સાંવરિયા’ ફિલ્મ જેવી ટ્રીટમેન્ટનું અહીં શબ્દશઃ રિપીટેશન થયું છે (ઇવન ફિલ્મનું પોસ્ટર પણ ‘સાંવરિયા’ની જ યાદ અપાવે છે). તેની સાથે દર થોડી વારે આવતાં ગીતો આ ફિલ્મને કોઈ પેશનેટ શોધકની નહીં, બલકે આશિકની વાર્તા કહેતા હોય એવી બનાવી દે છે.

saawariya-year-2007-director-sanjay-leela-bhansali-sonam-kapoor-ranbir-bdpde1ભણસાલીનો પ્રભાવ આ ફિલ્મ પર એટલો બધો વર્તાય છે કે ફિલ્મના ડાયલોગ પણ એમની યાદ અપાવે છે. જેમ કે, ‘હવાઈઝાદા’માં એક સંવાદ છે, ‘પ્યાર મેં હિસાબ બરાબર નહીં હોતા… પ્યાર મેં તો હિસાબ હી નહીં હોતા.’ આની સામે ભણસાલીની ‘દેવદાસ’માં એક સંવાદ છે, ‘તવાયફોં કે નસીબ મેં શૌહર નહીં હોતે… તવાયફોં કે તો નસીબ હી નહીં હોતે, ઠકુરાયન!’

ફિલ્મમાં આયુષ્માન અને મિથુનનાં પાત્રો વિમાન બનાવવા માટે એકદમ ઝનૂની છે, પરંતુ ફિલ્મ ક્યારેય એ લોકો વિમાન કેવી રીતે બનાવે છે તેની ટેક્નિકમાં ઊતરતી જ નથી. બસ, બંને જણા સતત મુગ્ધ બનીને વિમાનનાં મોડલોની સામે જોઈ રહે છે. ડિરેક્ટર પ્રેમના ડિટેલિંગમાં જેટલા પડ્યા, એટલા પ્લેનના ડિટેલિંગમાં નથી પડ્યા. શિવકર તળપદે વિશે બહુ ઓછી માહિતી ઉપલબ્ધ છે એ તો સમજ્યા, પરંતુ આ ફિલ્મમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને લોકમાન્ય ટિળક જેવા મહાનુભાવો પણ આવે છે. એટલે ફિલ્મમાં કલ્પના અને વાસ્તવિકતા વચ્ચેનો ભેદ તારવવાનું લગભગ અશક્ય બની જાય છે.

ક્રૂ મેમ્બર્સ

એટલું તો માનવું પડે કે દિગ્દર્શક વિભુ પુરીએ ફિલ્મ પાછળ ખાસ્સી મહેનત કરી છે. એટલી જ મહેનત આયુષ્માન ખુરાનાની એક્ટિંગમાં દેખાય છે. અત્યાર સુધી દિલ્હીના પંજાબી યુવકની ભૂમિકામાંથી એણે મરાઠી યુવકમાં આબેહૂબ પરકાયા પ્રવેશ કર્યો છે. મિથુન ચક્રવર્તી એમના સનકી શોધકના પાત્રમાં બિલિવેબલ લાગે છે, માત્ર એમની ગંદી વિગ સિવાય. બોરિંગ હિરોઇન પલ્લવી શારદા સાથેની ઢીલી અને કંટાળાજનક લવસ્ટોરીને સ્પેસ આપવામાં જયંત કૃપલાણી, બ્રિજેન્દ્ર કાલા, લિલેટ દુબે, મેહુલ કજારિયા વગેરેને તદ્દન ઓછી સ્ક્રીન સ્પેસ મળી છે. હા, ‘બોમ્બે ટૉકિઝ’ અને ‘ચિલ્લર પાર્ટી’ ફેમ ટેણિયો નમન જૈન અહીં પણ કોઈ મંજાયેલા અભિનેતા જેવી એક્ટિંગ કરી ગયો છે.

આ ફિલ્મનું સ્ટોરી પર હાવી થઈ ગયેલું સંગીત ભલે આખી ફિલ્મને કોઈ બ્રોડવેના મ્યુઝિકલની ફીલ આપી દેતું હોય, પરંતુ અત્યારનાં બીબાંઢાળ ઘોંઘાટિયાં ગીતોની સરખામણીએ ખાસ્સું ફ્રેશ અને કાનને ગમે તેવું છે.

બૉર્ડિંગ પાસ મંગતા?

જો તમને સંજય લીલા ભણસાલી જે પ્રકારની ફિલ્મો બનાવે છે તે ગમતી હોય, આયુષ્માન ખુરાનાના ગાલનાં ડિમ્પલ પર તમે ફિદા હો અને અબોવ ઑલ એક વીસરાઇ ગયેલા ભારતીયનું પરાક્રમ તાજું કરવાની ઇચ્છા હોય, તો થિયેટર સુધી ધક્કો ખાઈ શકાય. બાકી આ ફિલ્મ રનવે પરથી ટેક ઑફ્ફ કરીને ઝાઝી ઊંચે જઈ શકી નથી એ હકીકત છે.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

ગોલિયોં કી રાસલીલા-રામલીલા

રોમિયો જુલિયેટ ભણસાલી સ્ટાઇલ

***

વિવાદોની વણઝાર પછી (માંડ) રિલીઝ થયેલી રામલીલા એ કમ્પ્લિટ સંજય લીલા ભણસાલી એક્સપીરિયન્સ છે.

***

b1cf1a31de917d1cf5b3f320abe49a90અંગ્રેજીમાં ‘સ્ટાર ક્રોસ્ડ લવર્સ’ નામનો શબ્દપ્રયોગ છે. તેનો અર્થ એવો થાય કે બે એવાં પ્રેમી પંખીડાં જેમના પરિવારોની કુંડળીમાં બારમે ચંદ્રમાં બેઠો હોય. છતાં બંને પ્રેમમાં પડે અને બંનેના પરિવારજનો એમને ઠેકાણે પાડવામાં લાગી જાય. આ શબ્દને વ્યક્ત કરતી સૌથી જાણીતી સ્ટોરી એટલે શેક્સપિયરનું નાટક રોમિયો એન્ડ જુલિયેટ. બાપે માર્યા વેર જેવી દુશ્મની ધરાવતાં બે પરિવારનાં ફરજંદ પ્રેમમાં ફના થઇ જાય એ સ્ટોરી પરથી બનેલી અઢળક ફિલ્મોમાં વધુ એકનો ઉમેરો એટલે સંજય લીલા ભણસાલીની વિવાદના મરીમસાલાથી ભરપુર એવી ‘ગોલિયોં કી રાસલીલા-રામલીલા’.

અગ્નિકુંડમાં ઊગેલાં ગુલાબ

રામ અને લીલા બંને ગુજરાતના રણવિસ્તારમાં વસેલી રજોડી અને સનેડો કોમનાં સંતાનો છે, જે બંને વચ્ચે છેલ્લાં પાંચસો વર્ષથી દુશ્મની ચાલી આવે છે. ગુજરાતમાં આવેલું હોવા છતાં એ ગામ જરા વિચિત્ર છે. અહીં કટલરી અને શાકભાજીની જેમ ખુલ્લે આમ બંદૂકોની દુકાનો મંડાય છે, પોપકોર્ન શેકાતાં હોય એમ ધાણીફૂટ બંદૂકો ધણધણે છે, ‘મધુશાળા’ જેવાં નામ ધરાવતી દુકાનોમાં છડેચોક દારૂ પીવાય છે, બ્લુ ફિલ્મો બતાવતાં વીડિયો પાર્લર ધમધમે છે અને જ્યાં મરચાં-પાપડ સુકાતાં હોય એમ બંદૂકની ગોળીઓ પથરાય છે. તેમ છતાં રામ (રણવીર સિંહ) અને લીલા (દીપિકા પાદુકોણ) પ્રેમમાં પડે છે. એ બંનેનો પ્રેમ પ્રભુતામાં પગલાં પાડવાં જેવા મુકામે પહોંચે એ પહેલાં બંને પરિવાર એકબીજાનાં જુવાનજોધ દીકરાઓની હત્યા કરી નાખે છે. દુશ્મનીના લાલ રંગમાં બદલાની આગ પણ ભળે છે. પરંતુ એકબીજા વિના રહી નહીં શકાય એવું લાગતાં બંને ભાગી છૂટે છે અને ઇશ્વરની સાક્ષીએ પરણે છે. લેકિન પરિવારોને આ ગોઠતું નથી અને બંનેને અલગ કરી દેવાય છે. એટલે રામ દુશ્મન કોમનાં વડાં ધનકોર બા (સુપ્રિયા પાઠક કપુર) પાસે દોસ્તીનો પ્રસ્તાવ લઇને જાય છે, પણ એમનું પ્લાનિંગ કંઇક જૂદું જ હોય છે. એ પ્લાનિંગમાં પણ કાવતરાની ફાચર વાગે છે અને આખી સ્ટોરી પલટાઇ જાય છે.

ભણસાલી એક્સપીરિયન્સ

આમ તો રોમિયો જુલિયેટની સ્ટોરી સૌને ખબર છે જ. અધૂરામાં પૂરું હજુ થોડા સમય પહેલાં જ આવેલી ‘ઇશકઝાદે’ની આ જ સ્ટોરી લોકોનાં મનમાં તાજી છે. એટલે રામલીલાની વાર્તામાં કશું જ અણધાર્યું કે નવું નથી. એટલે ફિલ્મમાં સંજય લીલા ભણસાલીએ શું નવા મોર મૂક્યા છે એ જાણવાનું બાકી જ રહી જાય છે. અને ભણસાલીએ એમાં ફરી પાછો પોતાની જૂની ને જાણીતી ભવ્ય કાવ્યાત્મક શૈલીનો ટચ બતાવ્યો છે. ભવ્ય સેટ્સ, કલાત્મક પેઇન્ટિંગ્સ અને મૂર્તિઓ, ધારદાર સંવાદો, જલસો પડે એવું મ્યુઝિક અને અત્યંત નાટ્યાત્મક એક્ટિંગ.

અહીં બે કોમ વચ્ચે દુશ્મનીની વાત એટલો બધો સમય રોકી લે છે કે બે પાત્રો વચ્ચેનો પ્રેમ સાવ દબાઇ જાય છે. એટલે રામ અને લીલાને ફટાફટ મેગી નૂડલ્સ બને એટલી ઝડપે પ્રેમમાં પાડી દેવાયાં છે (અને દેખો ત્યાં ઠાર જેવા માહોલમાં બંને સરાજાહેર કિસ પણ કરે!). પરંતુ જે રીતે આ જ સ્ટોરી ધરાવતી ‘કયામત સે કયામત તક’માં આમિર-જૂહી વચ્ચેની લવસ્ટોરી ખીલી હતી એવો પ્રેમ અહીં રણવીર-દીપિકા વચ્ચે (એટલિસ્ટ ઓનસ્ક્રીન તો) ખીલ્યો નથી. ઇન ફેક્ટ, બંને સેક્સભૂખ્યાં હોય એવું વધારે લાગે છે.

ફિલ્મનું એક સ્ટ્રોન્ગ પાસું છે એના ડાયલોગ્સ. સિદ્ધાર્થ-ગરિમા અને ખુદ ભણસાલીના આ સંવાદો ખરેખર મજા કરાવે છે. જેમ કે, બડા બેશરમ, બદતમીઝ ઔર ખુદગર્ઝ હોતા હૈ યે પ્યાર, લેકિન પ્યાર તો પ્યાર હોતા હૈ ના; ઇસસે બડી સઝા ક્યા હોગી કિ જાન નિકાલ લી ઔર ઝિંદા ભી છોડ દિયા; ડોન સોગ નહીં મનાતે, સિર્ફ જશ્ન મનાતે હૈ; જબ રામ નામ કા રાગ લગે, પાની મેં ભી આગ લગે વગેરે. પરંતુ સચિનની કારકિર્દી જેવડો મોટો લોચો એ છે કે ફિલ્મમાં અશ્લીલ સંવાદો અને સજેસ્ટિવ અશ્લીલતાની પણ ભરમાર છે. એનાં ઉદાહરણો અહીં આપવા સુરુચિનો ભંગ ગણાશે.

કલ્ચરલ લોચા

જેમ રામ ગોપાલ વર્માને હિંસા અને નેગેટિવિટીનું ઓબ્સેશન છે એ જ રીતે સંજય ભણસાલીને ભવ્યતા અને વિવિધ સંસ્કૃતિઓના સંદર્ભોનું વળગણ છે. એના અતિરેકમાં લોચા પણ થઇ જાય. જેમ કે, દીપિકા હાડોહાડ ગુજરાતી હોવા છતાં હાથમાં ધૂપદાની લઇને બંગાળી દુર્ગાપૂજાની આરતીની સ્ટાઇલમાં તે ફેરવે, રાવણદહનના સરઘસમાં દુર્ગાપૂજા મહોત્સવ જેવાં મહોરાં પહેરીને લોકો ફરતા હોય, દીપિકાના રૂમમાં તો ઠીક કોઇ સસ્તી લોજની દીવાલો પર પણ રાજા રવિ વર્માનાં પેઇન્ટિંગ્સ લાગેલાં હોય એ અતિરેક લાગે, નવરાત્રિમાં સુપ્રિયા પાઠક માતાજીને બદલે અજંતાની ગુફાઓમાં છે એવી ભગવાન શિવની મૂર્તિને આરતી કરે. આવાં ક્રોસ કલ્ચરલ રેફરન્સિસ બતાવવા પાછળ શું આશય હશે એ તો ભણસાલીને જ ખબર!

મન મોર બની થનગાટ કરે

રામલીલામાં ભણસાલીએ ગુજરાતીપણું આબેહૂબ ઝીલ્યું છે. પ્રદેશ પ્રમાણે પાત્રોના પહેરવેશ પરફેક્ટ છે. ગુજરાતી ગામના સેટ થોડા ગીચ છે પણ ગુજરાતી સંદર્ભોથી ભરચક છે (બેકગ્રાઉન્ડમાં એક થિયેટરમાં ‘પ્રીત પિયુ ને પરણેતર’ ફિલ્મ પણ ચાલતી બતાવાઇ છે!). બધાં જ પાત્રોએ ગુજરાતી તળપદી બોલી આત્મસાત્ કરી છે, એકમાત્ર સુપ્રિયા પાઠકના અપવાદ સિવાય. પોતે ગુજરાતી હોવા છતાં એમની બોલવાની સ્ટાઇલ ખિચડી સિરિયલના એમના પાત્ર હંસાની જ યાદ અપાવે છે, જે ખરેખર આયરની છે.

રામલીલા જેનાથી શરૂ થાય છે, એ મન મોર બની થનગાટ કરે ગીતની ક્રેડિટ એના સર્જક ઝવેરચંદ મેઘાણીને આપવા અંગે વિવાદ થયો એ ઊલટું સારું થયું. હવે મેઘાણીને ફિલ્મની શરૂઆતમાં જ એમના ફોટોગ્રાફ સાથે ક્રેડિટ અપાઇ છે. આશા રાખીએ કે ફિલ્મમાં બે વખત આવતું આ ગીત સાંભળીને નવી પેઢી મેઘાણી તરફ આકર્ષાય. રામલીલાનું સમગ્ર મ્યુઝિક ખુદ ભણસાલીએ કમ્પોઝ કર્યું છે એટલે એમાં કંઇ કહેવાપણું હોય જ નહીં. નગાડે સંગ ઢોલ બાજે જેવાં જોશીલા ગીત ઉપરાંત મારે ટોડલે બેઠો મોર અને ભાઇ ભાઇ જેવાં ગીતો મોટા પડદે જોઇને શેર લોહી ચડી જાય છે!

લેકિન ભણસાલી પણ પોતાની જાતને રિપીટ કરવામાંથી બચી શક્યા નથી. એમના જાણીતા સેટ્સ વગેરે ઉપરાંત દીપિકા રામના નામની બૂમો પાડે એ તમને ‘દેવદાસ’ની અને અન્ય એક સીનમાં ‘હમ દિલ દે ચૂકે સનમ’ની ઐશ્વર્યાની જ યાદ અપાવે.

સવાયા ગુજરાતીઓ

રામલીલામાં ગુજરાતી બનેલાં દીપિકા, રણવીર, અભિમન્યુ સિંઘ, રિચા ચઢ્ઢા, ગુલશન દેવૈયા, બરખા બિશ્ત, રઝા મુરાદ વગેરે બધાં પાક્કાં ગુજરાતીઓ લાગે છે. એટલું જ નહીં, એમની એક્ટિંગ પણ તલવારની ધાર જેવી છે. હોમી વાડિયા ગેટઅપમાં મસ્ત લાગે છે પણ એમના ભાગે ખાસ કશું આવ્યું નથી. ગોડમધર જેવા રોલમાં સુપ્રિયા પાઠક જામે છે, પણ એમની કેરિકેચરિશ ગુજરાતી બોલીએ દાટ વાળ્યો છે.

154 મિનિટ્સને અંતે

દોઢસો પ્લસ મિનિટ્સ લાંબી રામલીલામાં પ્રિયંકાવાળું ગીત અને અમુક સીન્સ કાપીને નાની કરવાની જરૂર હતી. અમુક ઠેકાણે અનુરાગ કશ્યપની ગુલાલની, ક્યાંક ઇશકઝાદેની તો ક્યાંક કેતન મહેતાની ‘મિર્ચ મસાલા’ની યાદ અપાવતી રામલીલા સંજય લીલા ભણસાલીની મહેનત માટે પણ જોવા જેવી તો ખરી જ. તમામ વિવાદોને સાઇડમાં મૂકીએ તો પણ એક વિચાર એ આવે કે જો ભણસાલી ગુજરાતના કલ્ચરને આટલી સારી રીતે બતાવી શકતા હોય, તો એમણે રોમિયો જુલિયેટની પરદેશી અને અત્યંત જાણીતી વાર્તા શા માટે પસંદ કરી હશે? એને બદલે એ ખુદ ઝવેરચંદ મેઘાણીની જ કોઇ અફલાતૂન વાર્તા પસંદ કરી શક્યા હોત! એની વે, તમે તૈયાર થઇ જાઓ કમ્પ્લિટ ભણસાલી એક્સપીરિયન્સ માટે!

રેટિંગઃ ***1/2 (સાડા ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.