હિન્દી મીડિયમ

મિશન ઍડમિશન

***

અત્યારના ઍજ્યુકેશનલ બજારનું પર્ફેક્ટ ચિત્રણ, સ્માર્ટ સટાયરિકલ સ્ક્રીનપ્લે, દીપક ડોબ્રિયાલ-ઇરફાનની મજબૂત ઍક્ટિંગ અને સ્ટ્રોંગ મેસેજ. આ ટૅક્સ ફ્રી ફિલ્મને મસ્ટ વૉચ બનાવવા માટે બીજું શું જોઇએ?

***

hindi_medium_irrfan_facebook‘તમે લેઇટ છો મિસ્ટર, બત્રા. લોકો તો પ્રેગ્નન્સીના પહેલા ટ્રાઇમેસ્ટરથી જ પ્રયત્ન શરૂ કરી દેતા હોય છે.’ ના, આ સંવાદ કોઈ ગાયનેકોલોજિસ્ટના મોઢે નહીં, બલકે નર્સરી સ્કૂલમાં ઍડમિશન માટે બાળક અને માતાપિતાને તૈયાર કરી આપતી કન્સલ્ટન્ટ દ્વારા બોલાયેલો છે. ‘બાળકને કોઇપણ ભોગે ચકાચક સ્કૂલમાં ભણવા મૂકવું પડશે. ગુજરાતી કે ફોર ધેટ મેટર કોઇપણ પ્રાદેશિક ભાષામાં તે કંઈ ભણાતું હશે? ઇંગ્લિશ વિના ઉદ્ધાર નહીં. બાળક સ્ટડી, સ્પોર્ટ્સ, ઍક્સ્ટ્રાકરિક્યુલર ઍક્ટિવિટી, હોબી બધામાં અવ્વલ હોવું જોઇએ. આ બધા માટે જે કંઇપણ કરવું પડે તે કરો, ગમે તેટલા રૂપિયા ખર્ચાય, ખર્ચો.’ માતાપિતાઓની આ મૅન્ટાલિટી અને ઇંગ્લિશ મીડિયમ પાછળની તદ્દન ગાંડી દોડનો પર્ફેક્ટ આયનો છે, ઇરફાન ખાન સ્ટારર ‘હિન્દી મીડિયમ’.

સ્ટુડન્ટ પધરાવો સાવધાન

રાજ બત્રા (ઇરફાન ખાન) દિલ્હીના ચાંદની ચૌકની ટિપિકલ પ્રોડક્ટ છે. બાપાની નાનકડી દરજીની દુકાનને વિસ્તારીને આજે એણે મોટું ‘બત્રા ફેશન હાઉસ’ ઊભું કર્યું છે. ગ્રાહકને બાટલીમાં ઉતારીને માલ વેચતા એને બખૂબી આવડે. ‘ચાંદની ચૌકના બિઝનેસ ટાયકૂન’નું બિરુદ પણ મળ્યું છે ભાઈને. એ જ ચાંદની ચૌકમાં રહેતી પોતાની ચાઇલ્ડહૂડ સ્વીટહાર્ટ મિતા (સબા કમર) સાથે લગ્ન કરીને આજે એ ઠરીઠામ થયો છે. ચારેક વર્ષની ક્યુટ દીકરી પિયા પણ છે હવે તો. પરંતુ મિતા છે હાઈફાઈ, ઇંગ્લિશ મીડિયમ ટાઇપ. એટલે દીકરીને પણ માત્ર ઇંગ્લિશ મીડિયમ જ નહીં, દેશની ટોપમોસ્ટ સ્કૂલમાં જ મૂકવી પડે. માટે તેઓ ચાંદની ચૌક છોડીને સ્કૂલની નજીક આવેલા પૉશ વસંત વિહારમાં પણ શિફ્ટ થાય. પરંતુ મૅટ્રો સિટીમાં કદાચ ચીફ મિનિસ્ટરનું પદ મળી જાય, પણ સ્કૂલમાં ઍડમિશન ન મળે. મંત્રીથી લઇને મંદિર સુધીની બધી કોશિશો નાકામ. હવે? એક જ રસ્તો છે, ‘રાઇટ ટુ ઍજ્યુકેશન’ હેઠળ ગરીબ ક્વોટામાં ચીટિંગથી ઍડમિશન. વસંત વિહારથી અત્યંત ગરીબ એવા ભારત નગરમાં કંટ્રોલ શિફ્ટ. એવું કરતાંય ઍડમિશન મળશે? ધારો કે મળે તોય એ યોગ્ય કહેવાય?

સ્કૂલ ચલેં હમ

રાજ-મિતા સાથે આપણી પહેલી મુલાકાત બંનેની ટીનએજમાં થાય છે. રાજ દરજીની નાનકડી દુકાનમાં પપ્પાનો આસિસ્ટન્ટ છે. મિતા એમની કસ્ટમર છે, જેની પાસે કોઈ ફેશન મેગેઝિનમાં છપાયેલી ડ્રેસની તસવીર જેવો જ ડ્રેસ બનાવવાની ડિમાન્ડ છે. ટાઇટલ ક્રેડિટ્સની સાથોસાથ બૅકગ્રાઉન્ડમાં આતિફ અસલમના અવાજમાં હૂર ગીત વાગે છે અને સાથે જ રાજ-મિતાની ક્યુટ ટીનઍજ લવસ્ટોરી ચાલે છે. આજે વર્ષો પછી રાજ ભલે કરોડોપતિ થઈ ગયો હોય, પણ હાઈફાઈ પત્નીની કોઈ પણ ડિમાન્ડ પૂરી કરવામાં એ પાછો પડે એમ નથી. એટલે જ આગળ ઉપર ફિલ્મમાં ઍડમિશનના નામે એ લોકો જે કંઈ નાટકો કરે છે તે ગળે ઉતારવામાં ખાસ મહેનત નથી પડતી.

ત્રણેક વર્ષ પહેલાં આવેલી બંગાળી ફિલ્મ ‘રામધનુ’થી ઇન્સ્પાયર્ડ હોવા છતાં ‘હિન્દી મીડિયમ’ ફિલ્મનો સબ્જેક્ટ પૂરેપૂરો અપીલિંગ છે. પાકિસ્તાની એક્ટ્રેસ સબા કમર બહુ તીખા શબ્દોમાં રિયાલિટી બયાં કરે છે કે, ‘ઇસ દેશ મેં અંગ્રેજી ઝબાન નહીં હૈ, ક્લાસ હૈ.’ ઍક્ઝેક્ટ્લી. એટલે જ માતૃભાષાની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ ઘટી રહ્યા છે અને સરકાર પોતે પણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો શરૂ કરી રહી છે. પરંતુ પૈસાથી ક્લાસ થોડો આવે? નાનકડી પિયાની પૅરેનોઇડ મમ્મીની મોટી ચિંતા એ છે કે દીકરી હાઈફાઈ સ્કૂલમાં ન ભણી શકવાને કારણે લાઇફમાં નિષ્ફળ જશે અને ડ્રગ્સની બંધાણી બની જશે તો? પિયાનાં માતાપિતા આપણી આસપાસનાં આવી જ મેન્ટાલિટી ધરાવતાં કરોડો પેરેન્ટ્સનું પ્રતીક છે, જેઓ માને છે કે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ એટલે જિંદગી જીતવાની જડીબુટી (કોઈ એમને પૂછો કે ડૉ. એપીજે અબ્દુલ કલામ, સચિન તેંડુલકર, લતા મંગેશકર, કપિલ શર્મા, કંગના રણૌત કઈ સ્કૂલોમાં ભણ્યાં હતાં?).

આટલા સિરિયસ ટૉપિકને ડિરેક્ટર સાકેત ચૌધરી અને રાઇટર ઝીનત લાખાણીએ સટાયર અને કોમેડીમાં ઝબોળીને આપણને ચાબખા માર્યા છે. ચાંદની ચૌકની મેન્ટાલિટી હોય, હાઈ સોસાયટીનો દંભ હોય, ઍડમિશન પાછળનું ગાંડપણ હોય કે પછી ઍજ્યુકેશનનો બિઝનેસ હોય, બધે ઠેકાણે ખાસ મૅલોડ્રામેટિક થયા વિના સ્માર્ટ હળવાશથી આખી વાર્તા વહેતી રહે છે. ચાંદની ચૌકનું મકાન ખાલી કરે ત્યારે દુલ્હનની વિદાય ચાલતી હોય તેવો ટ્રેજિ-કોમિક સીન ખડો થાય. ઇરફાન તો આંસુડાં સારે જ પણ લુચ્ચો પાડોશી હક્કથી કહે કે, ‘ભાઈ, દુલ્હન તો તેરી હી ગાડી મેં બિદાઈ હોગી.’ સુપર કોમિકલ સિચ્યુએશન્સ અને વિટ્ટી વનલાઇનર્સ આખી ફિલ્મમાં છુટ્ટા હાથે વેરાયેલાં છે. જેમ કે, ઍડમિશનની લાઇનમાં દિલ્હીની ઠંડીમાં વહેલી સવારથી લોકો ઊભી ગયા હોય અને એકબીજાને નંબરથી ઓળખતા હોય, ઇરફાન ઘરમાં બેઠો ‘નાગિન’ સિરિયલ જોતો હોય (અને સિરિયલનો ફની ડાયલોગ બહારની સિચ્યુએશનને રિલેટ કરતો હોય), ઍડમિશન-ઇન્ટરવ્યૂ માટે જાતભાતનાં તિકડમ થાય, ઉમદા હેતુથી બનેલા સરકારી કાયદાની પણ ખિલ્લી ઉડાવાય, ગરીબ બસ્તીમાં લોકો એકબીજાને બીમારીમાં ગુજરી ગયેલા વડીલોથી ઓળખતા હોય અને એક ઠેકાણે ઇરફાન ભળતી જ જગ્યાએ ફસાયેલો હોય. બસ, એ જ વખતે ઍન્ટ્રી થાય ફિલ્મના ત્રીજા સૌથી સ્ટ્રોંગ પોઇન્ટ યાને કે દીપક ડોબ્રિયાલની.

‘તનુ વેડ્સ મનુ’ના ‘પપ્પી ભૈયા’ તરીકે લાઉડ છતાં હિલેરિયસ ઍક્ટિંગ કરનારો દીપક ડોબ્રિયાલ અહીં પોતાના બેસ્ટ ફોર્મમાં છે. અહીં એ જરાય લાઉડ નથી, બલકે કોમિક અને ઇમોશનલના સુપર્બ કોમ્બિનેશનમાં છે. એની ઍન્ટ્રીથી લઇને પોતાના દરેક સીનમાં બેસ્ટ ઇન ક્લાસ છે.

પરંતુ આ ફિલ્મમાં પણ પ્રોબ્લેમ્સ તો છે જ. જેમ કે, ભારતને કૅન્સરની જેમ ભરડો લેનારા આ ઇંગ્લિશ-ઍજ્યુકેશનના ક્રેઝને ચાબખા મારવાની લ્હાયમાં મૅકર્સે બિલકુલ બ્લૅક એન્ડ વ્હાઇટ એમ બે ભાગ પાડી દીધા છે. જેમ કે, અપર ક્લાસ તો દંભી, સ્વાર્થી જ હોય, જ્યારે ખરેખરા માણસાઈવાળા લોકો તો ગરીબો જ હોય. ગરીબ દેખાવાના પ્રયત્નોમાં ઇરફાન ગરીબ મહોલ્લામાં રહેવા આવે એ હજી સમજાય, પણ એ પોતાની ગંજાવર શૉપ છોડીને બિસ્કિટના કારખાનામાં મજૂરી કરવા જાય એ વધુ પડતું છે. એ જ રીતે કોઈ ગરીબ વ્યક્તિ બીજાને મદદ કરવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દે એ વાત પણ હજમ થાય એવી નથી. આ ફિલ્મમાં હાઈફાઈ પ્રાઇવેટ સ્કૂલોને પૈસા ખાનારા ડ્રેગન જેવી બતાવી છે, જ્યારે સરકારી સ્કૂલોની બિચારી હાલત માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માતાપિતાઓની ઉપેક્ષા જ જવાબદાર હોય એવું ચિત્ર ખડું કરાયું છે. ધારો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધરે તોય પૂરતા અને યોગ્ય શિક્ષકો વિના ઍજ્યુકેશનલ ક્વૉલિટીની ગૅરન્ટી કોણ આપશે? વળી, દર થોડા દહાડે બાળકોને અપાતાં મધ્યાહન ભોજનમાંથી ગરોળી-સાપનું બચ્ચું નીકળવાના સમાચારો આવે છે એ માટે કોણ જવાબદાર?

છતાં આગળ કહ્યું તેમ સ્માર્ટ રાઇટિંગ ઉપરાંત ઇરફાન અને દીપક ડોબ્રિયાલ આ ફિલ્મની મજબૂત કરોડરજ્જુ છે. બંનેનું કોમિક ટાઇમિંગ પણ પિચ પર્ફેક્ટ છે. પાકિસ્તાની ઍક્ટ્રેસ સબા કમર ચમત્કારિક રીતે અલ્ટ્રા રાષ્ટ્રવાદીઓની ખફગીમાંથી બચી ગઈ છે. કદાચ એટલે જ એનું બેખૌફ પર્ફોર્મન્સ બિનધાસ્ત બહાર આવ્યું છે અને પેરેનોઇડ, જર્મોફોબિક, ક્લાસ કોન્શિયસ દિલ્હીવાલીના રોલમાં એ બરાબર જામી છે. અમૃતા સિંઘથી લઇને તિલોત્તમા સોમ, સંજય સૂરિ, નેહા ધુપિયા, રાજેશ શર્મા જેવા તમામ કલાકારો માત્ર મહેમાન બનીને રહી ગયા છે. હા, અમૃતા સિંઘને વધુ મોટો રોલ આપ્યો હોત તો મજા પડત. વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆની દીકરી મલ્લિકા દુઆ હવે તો ઇન્ટરનેટ સેલિબ્રિટી છે. દિલ્હીની ટિપિકલ છોકરીઓની પટ્ટી ઉતારવામાં એની માસ્ટરી છે. અહીં પણ એ એવા જ મહેમાન રોલમાં દેખાઈ છે અને ફિલ્મોમાં એની ઍન્ટ્રી થઈ છે. આપણા ગુજરાતી મ્યુઝિક ડિરેક્ટર ડ્યુઓ સચિન-જિગરનું મ્યુઝિક સાંભળવાની મજા પડે છે, પરંતુ યાદ તો સુખબીરવાળું ઑરિજિનલ ‘ઓહોહોહો’ જ રહી જાય છે.

હૉમવર્કના ભાગ રૂપે પણ જુઓ

‘હિન્દી મીડિયમ’માં કૉમેડીમાં પૅક થયેલો મેસેજ જો આપણે સમજ્યા ન હોઇએ તો તેના ક્લાઇમૅક્સમાં ઇરફાન લિટરલી હાથમાં ડંડીકો લઇને એક લાંબા મોનોલોગમાં સમજાવે છે. પરંતુ આ ફિલ્મ કોઇપણ ભોગે, પરિવાર-મિત્રો સાથે જોઈ નાખો એ જણાવવા માટે અમારે ડંડો ઉપાડવાની જરાય જરૂર નથી. ગુજરાત અને મહારાષ્ટ્રમાં તો ફિલ્મ ઑલરેડી ટૅક્સ ફ્રી થઈ ગઈ છે, આખા દેશમાં થઈ જાય તે જરૂરી છે.

રેટિંગઃ ***1/2 (સાડાત્રણ સ્ટાર)

(Reviewed for Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

હિન્દી મીડિયમ (Trailer Reactions)

Trailer Link:
irrfan-khan-7592પહેલાં તો આ ફિલ્મમાં ‘હિન્દી’ને બદલે ‘ગુજરાતી’ મૂકીને આખી ફિલ્મ એઝ ઇટ ઇઝ રિલીઝ કરાઈ હોત તો પણ એટલી જ રિલેટેબલ બની રહેત! માય ગૉડ, ઇંગ્લિશ મીડિયમના ક્રેઝનો આટલો બધો રિલેવન્ટ સબ્જેક્ટ આપણી ભાંખોડિયાં ભરતી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઇને કેમ સૂઝ્યો નહીં હોય? (પાંચ-છ વર્ષ પહેલાં જન્મેલાં બાળકો અત્યારે પહેલા-બીજા ધોરણમાં આવી ગયાં હશે, પણ આપણી ઇન્ડસ્ટ્રી હજી સો કૉલ્ડ ‘ભાંખોડિયાં’ જ ભરે છે, બોલો!)
આપણે ત્યાં માત્ર ભણતરનું માધ્યમ જ નહીં, કપડાં, સાઇકલ-કાર, ઘર, કરિયર ચોઇસ, મોજ-શોખ, ટ્રાવેલ, લગ્ન- હનીમૂન બધું જ જરૂરિયાત, આનંદ કે સંતોષ નહીં, બલકે સ્ટેટસ સાથે જ જોડી દેવામાં આવે છે. આપણા આ દંભ પર ચાબખા મારતો ‘હિન્દી મીડિયમ’નો આ સબ્જેક્ટ મસ્ત સટાયરનો મસાલો ધરાવે છે. મસ્ત પોટેન્શિયલ હોવા છતાં સાકેત ચૌધરીની ‘શાદી કે સાઇડ ઇફેક્ટ્સ’ સેક્સિસ્ટ કોમેડી બની ગયેલી. જોકે ‘હિન્દી મીડિયમ’નું ટ્રેલર ઇરફાને નરેટ કર્યું છે અને દીકરીને ઇંગ્લિશ મીડિયમમાં મૂકવાનો દુરાગ્રહ એની મમ્મીનો છે એટલે આ ફિલ્મ પણ મૂળ મુદ્દો ચૂકીને સેક્સિઝમમાં ન ઘૂસી જાય તો સારું! અફ કોર્સ, ઇરફાન છે એટલે પોતાના સુપર્બ કોમિક ટાઇમિંગથી એક છેડો તો એ સાચવી રાખવાનો જ છે. પાકિસ્તાની એક્ટર સબા કમર જબરદસ્ત કોન્ફિડન્ટ દેખાઈ રહી છે {હાઈલા, પાકિસ્તાની?! જાગો, (અલ્ટ્રા) દેશપ્રેમીઓ જાગો!}. ઇરફાન-સબાની ક્યુટ ટેણી અત્યારે ટેલિવિઝન પર મમ્મી ટિસ્કા ચોપરાને ‘સિર્ફ તીસ રૂપયે, મમ્મા’ કહીને હેરડાઈ વેચતી દેખાય છે.
ટ્રેલરના પહેલા સીનમાં ખબર પડે છે કે દીકરીને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સ્કૂલમાં એડમિશન લેવડાવતાં પહેલાં મમ્મી-પપ્પા પોતાના ઇંગ્લિશના કોઈ ખાંટુ પ્રોફેસર પાસેથી દીકરી વિશે ઇંગ્લિશમાં બોલવાની ટ્રેનિંગ લઈ રહ્યા છે (જોકે છાંટવાળું ફ્લુઅન્ટ ઇંગ્લિશ માત્ર ગોરી ચમડીવાળા વિદેશીઓ જ બોલી શકે એવો ક્લિશે દેખાઈ રહ્યો છે). મોટાભાગની સ્ટોરી તો ઇઝિલી પ્રીડિક્ટ કરી શકાય તેવી છેઃ દીકરીને ઇંગ્લિશ મીડિયમમાં ઍડમિશન અપાવવા મિડલક્લાસ મમ્મી-પપ્પા પહેલાં ફર્નિચર-ગાડી-કપડાં (મોસ્ટ્લી ભાડે લઇને) બદલે. ગુરુદ્વારાથી લઇને મસ્જિદ-ચર્ચમાં જઇને દીકરીનું ઍડમિશન ‘હાઈફાઈ સ્કૂલ’માં થઈ જાય તે માટે દુવાઓ પણ માગે. પરંતુ એમાં એડમિશન ન મળે એટલે ગરીબ ક્વોટામાં ઘૂસવા માટે ગરીબની લાઇફસ્ટાઇલ અપનાવે. ત્યાં ગરીબો વિશેની સ્ટેન્ડઅપ કોમેડી અને એમની સ્થિતિ પર સટાયર કરવા દીપક ડોબ્રિયાલની એન્ટ્રી થાય. પરંતુ ત્યાં જ રહીને આ કપલને રિયલાઇઝ થાય કે લાઇફ કોઈ મીડિયમ કે સ્ટેટસની મોહતાજ નથી. ગરીબ બસ્તીમાં રહીને એમને પાણી ભરવાથી લઇને બસ-ટ્રેનમાં મુસાફરી કરવા સુધીની ડેઇલી સ્ટ્રગલનો પણ અહેસાસ થાય. નોર્મલ નોન-હાઈફાઈ સ્કૂલો પણ આપણે ધારીએ છીએ એટલી ખરાબ નથી એવો પણ અહેસાસ થાય અને બની શકે કે ઇરફાન દેશનાં ઇંગ્લિશ મીડિયમ ઘેલાં પેરેન્ટ્સજોગ એક લાંબો ઉપદેશાત્મક મોનોલોગ પણ આપે. પરંતુ આ ફિલ્મનો એન્ડ શું લાવે છે તે જાણવું રસપ્રદ થશે. આમાં કેન્દ્ર સરકારની કોઈ નીતિ ડોકિયું કરે છે કે કેમ તેની પણ ઇન્તેજારી રહેશે. આઈ હોપ કે ફિલ્મ માત્ર હસાવીને છટકી જવાને બદલે ઇંગ્લિશના ક્રેઝની સામે કોઈ નક્કર સોલ્યુશન પેશ કરે. રિલીઝનું ટાઇમિંગ પર્ફેક્ટ છે, ૧૨ મે. યાને કે વેકેશન.
એક્સાઇટમેન્ટ લેવલઃ વિથ ફેમિલી જોવા જેટલો અને (જો નક્કર મેસેજ આપતી હોય તો) ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરવાની અપીલ કરવા જેટલો એક્સાઇટેડ.
Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

શાદી કે સાઇડ ઇફેક્ટ્સ

પેરેન્ટિંગ કે સાઇડ ઇફેક્ટ્સ

 ***

સ્માર્ટ ઓબ્ઝર્વેશન્સથી ભરપુર આ ફિલ્મ બિનજરૂરી રીતે એટલી બધી લાંબી થઇ ગઇ છે કે એટલા સમયમાં તો સાચુકલી શાદી પણ પૂરી થઇ જાય!

***

skse1શાદી મતલબ દો આત્માઓં કા પવિત્ર બંધન, જનમ જન્માંતર કા સાથ, અગ્નિ કો સાક્ષી માનકર સાથ જીને-મરને કા વચન… આવી એકેય ઘિસીપિટી વાત આ ફિલ્મમાં નથી. પ્રેમમાં પડવું સારું લાગે, પણ એક વાર લગ્ન થઇ જાય અને મેરિડ લાઇફની વાસ્તવિકતા સામે આવે એટલે પ્રેમ સસ્તા ડિઓડરન્ટની જેમ ક્યાંય ઊડી જાય. આ વાતને સ્માર્ટ રીતે કહેતી સાકેત ચૌધરીની રોમકોમ (રોમેન્ટિક કોમેડી) ફિલ્મ ‘શાદી કે સાઇડ ઇફેક્ટ્સ’ સ્માર્ટ હોવા છતાં બિનજરૂરી લાંબી હોવાને કારણે બોરિંગ બનીને રહી જાય છે.

સ્ટોરી પધરાવો સાવધાન

અગાઉની પ્રિક્વલ ‘પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ’નાં પાત્રો સિદ્ધાર્થ રોય ઉર્ફ ‘સિદ’ (ફરહાન અખ્તર) અને ત્રિશા મલ્લિક (વિદ્યા બાલન) હવે પતિ-પત્ની બની ચૂક્યાં છે. એમની મેરિડ લાઇફ અત્યંત હેપ્પી છે, થેન્ક્સ ટુ સિદની સિમ્પલ ફોર્મ્યૂલા, વાંક બેમાંથી ગમે તેનો હોય, આપણે સોરી કહી દેવાનું! પણ ત્યાં જ ત્રિશા પ્રેગ્નન્ટ થાય છે અને બાળકના આગમન સાથે આખી હેપ્પી મેરિડ લાઇફનું શિર્ષાસન થઇ જાય છે. એક સમયે બંને જણાં પ્રેમી પંખીડાંની જેમ જીવતાં હતાં, પરંતુ હવે આખી લાઇફ બેબીની આસપાસ જ ફરવા માંડે છે. હવે બેબીનાં નેપી ચેન્જ કરવાં, બેબીને નવડાવીને તૈયાર કરવી, બેબીને બહાર ફરવા લઇ જવી વગેરે વાતો જ બંને વચ્ચે રહી જાય છે. અધૂરામાં પૂરું આ જ કારણોસર બંને વચ્ચે ઝઘડા પણ થવા માંડે છે.

એટલે સંકટ સમયની સાંકળની જેમ ફરહાન પોતાના સાઢુભાઇ રામ કપૂરની મદદ લે છે. રામભાઇ સલાહ આપે છે કે પત્ની પાસે કામનું બહાનું કાઢીને બે-ત્રણ દિવસ એકલા હોટલમાં રહેવા ભાગી જવાનું, સિમ્પલ! એટલે ગાડી પાટા પર આવી જશે. આ આઇડિયા થોડો સમય તો કામ લાગે છે, ત્યાં જ એક નવી મુસીબત ફરહાનની રાહ જોઇ રહી હોય છે. આવા એક પછી એક ખાડાટેકરામાંથી સિદ-ત્રિશાની મેરિડ લાઇફ આગળ વધતી રહે છે.

અનહેપ્પીલી એવર આફ્ટર

2006માં રાઇટર-ડાયરેક્ટરે રાહુલ બોઝ-મલ્લિકા શેરાવતને લઇને ફિલ્મ બનાવેલી, ‘પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ’. ‘શાદી કે સાઇડ ઇફેક્ટ્સ’ તેની સિક્વલ છે. એક્ચ્યુઅલી, આ ફિલ્મ શાદીની નહીં, બલકે મા-બાપ બન્યા પછી ઊભી થતી પેરેન્ટિંગની સાઇડ ઇફેક્ટ્સની વાત વધારે કરે છે.

રિલીઝ પહેલાં ફિલ્મના પ્રોમોઝ જોઇને એવું લાગતું હતું કે દુઃખી પતિ વર્સસ ફ્રસ્ટ્રેટેડ પત્ની વચ્ચેની આ નોકઝોંક એકદમ સ્માર્ટ રોમકોમ હશે. આ ફિલ્મ સ્માર્ટ છે, કેટલાંક ખરેખર સ્માર્ટ ઓબ્ઝર્વેશન્સ પણ લઇને આવે છે, જે તમને ખડખડાટ હસાવે પણ છે, પણ લગ્ન કરતાં વરઘોડો લાંબો ચાલે એની જેમ આ ફિલ્મ ખાસ્સી લાંબી થઇ ગઇ છે. ઉપરથી પ્રીતમનાં સાવ બોરિંગ સોંગ્સ આપણી મજાને સજામાં ફેરવવાનો પૂરેપૂરો પ્રયાસ કરે છે.

આ ફિલ્મમાં આખી વાતને પુરુષના જ એન્ગલથી જોવામાં આવી છે. એટલે સ્ટોરી ટેલર પણ ફરહાન પોતે જ છે. આથી જ આખી વાત બેલેન્સ થતી નથી. એના કરતાં જો ટિટ ફોર ટેટની જેમ બંને પક્ષ તરફથી એકસાથે સ્ટોરી કહેવાઇ હોત તો વાત ઓર જામી હોત. વનસાઇડેડ હોવાના કારણે ફિલ્મના બધા જ સ્માર્ટ પંચ ફરહાનના ભાગે જ આવ્યા છે, જ્યારે વિદ્યા બાલનના ભાગે માત્ર ફ્રસ્ટ્રેટ અને દુઃખી થવાનું જ આવ્યું છે.

શાદી કે સાઇડ ઇફેક્ટ્સનું આખું પેકેજિંગ શહેરી છે. ઉપરાંત ફિલ્મમાં રજૂ કરાયેલા પ્રોબ્લેમ્સ પણ વર્કિંગ કપલ્સને લાગુ પડે એવા જ રખાયા છે, એટલે તે એક અર્બન મલ્ટિપ્લેક્સ મુવી બનીને રહી જશે.

ફિલ્મમાં લગ્નજીવનમાં ત્રાસેલો ફરહાન રામ કપૂરની સલાહ લે છે, પણ એની સલાહોથી એ ઉલટાનો હેરાન થાય છે. આખી ફિલ્મ લગ્ન અને પેરેન્ટિંગ વિશેના જે ખ્યાલો રજૂ કરે છે એ એક હળવી ફિલ્મ માટે બરાબર છે, બાકી એને સિરિયસલી લઇને અમલ કરવા જઇએ તો આપણું ઘર ભાંગે એવી સ્થિતિ સર્જાય! આ ફિલ્મ વર્કિંગ અર્બન કપલ્સ માટે કોઇ સોલ્યૂશન રજૂ કરતી નથી બલકે ‘કામિયાબ શાદી કા કોઇ ફોર્મ્યૂલા નહીં હૈ, બસ એકદૂસરે સે સચ કહો’ એવું કહીને હાથ ખંખેરી નાખે છે.

રાઇટર-ડિરેક્ટર સાકેત ચૌધરીએ મેરિડ લાઇફનાં કેટલાંક ગજબ ઓબ્ઝર્વેશન્સ પકડ્યાં છે, જે આપણને ખડખડાટ હસાવવામાં સફળ થાય છે, પરંતુ આપણાં આ અટ્ટહાસ્યો લાંબાં ટકતાં નથી. કેમ કે, ફિલ્મની ધીમી ગતિ એ સ્માર્ટનેસને ખતમ કરી નાખે છે.

ફરહાન અખ્તર આખી ફિલ્મનો પ્રાણ છે. ‘ભાગ મિલ્ખા ભાગ’ના માચો લૂકની સામે અહીં એ એકદમ યંગ ચોકલેટી લાગે છે. ફિલ્મમાં પત્ની વિદ્યા બાલનને ફરહાન ખોટું બોલતાં એવું કહે છે કે એ જાડી નહીં, પણ પરફેક્ટ લાગે છે. પરંતુ વિદ્યાબેન આપણાં સગામાં થતાં નથી, એટલે આપણે કહી જ શકીએ કે એ અત્યંત જાડી લાગે છે! વળી, એનું ડ્રેસિંગ પણ એવું છે, જેથી એ ઓર ભારેખમ લાગે છે.

ફિલ્મમાં મોડેથી એન્ટ્રી મારતો વીર દાસ ડૂબતી જતી ફિલ્મમાં ઓક્સિજન બનીને આવે છે, પણ એના ભાગે ઝાઝા સીન આવ્યા નથી. ઇન ફેક્ટ, ફિલ્મમાં રામ કપૂર, ઇલા અરુણ, રતિ અગ્નિહોત્રી કે પૂરબ કોહલી પણ જોવી ગમે એવી સ્ટારકાસ્ટ છે, પણ એમના ભાગે ખાસ કશું નોંધપાત્ર કરવાનું આવ્યું નથી.

ફિલ્મનાં પ્રોડ્યુસર્સ બાલાજી અને પ્રીતીશ નાંદીએ ખર્ચો કાઢવા માટે ફિલ્મમાં વધારે પડતાં સ્પોન્સર્સ લઇ લીધાં છે, જેમને જસ્ટિફાય કરવામાં આખી સ્ટોરી વારે વારે એ એન્ડોર્સ કરેલી પ્રોડકટ્સ બતાવવાની દિશામાં જ ફંટાતી રહે છે.

આ શાદીમાં ચાંલ્લો કરવો કે નહીં?

કંગાળ મ્યુઝિક, સ્લો પેસ, વધુ પડતી લંબાઇ અને વન સાઇડેડ સ્ટોરી જેવા ઓબ્વિયસ ખાડાટેકરા દૂર કરી દેવાયા હોત, તો આ ફિલ્મ ધમાકેદાર સ્માર્ટ રોમકોમ બની હોત. પરંતુ અત્યારે પણ સાવ બોરિંગ તો નથી જ. એટલે ફિલ્મ જોવા તો બેધડક જઇ શકાય. હા, સબ્જેક્ટ એવો છે એટલે તમારે થિયેટરમાં અંકલ-આન્ટીઝ, ન્યૂલી મેરિડ કપલ્સ અને આમથી તેમ દોડતાં બચ્ચાંલોગ સાથે ફિલ્મ જોવાની તૈયારી રાખવી પડશે. ફિલ્મની વચ્ચે વચ્ચે ‘સો સ્વીટ’, ‘સો ક્યૂટ’, ‘ઑઑઑઑઑ…’  જેવા ઉદગારો સાંભળવાની પણ તૈયારી રાખવી પડશે. એટલે મેરિડ કપલ્સ તો અહીં પિરસાયેલા ઘણા પ્રશ્નો સાથે પોતાની જાતને આઇડેન્ટિફાય કરશે, પણ કુંવારા જુવાનિયાંવ માટે આ રોમકોમ ‘હોરર ફિલ્મ’ બની જાય એ શક્ય છે. એ લોકો લગ્નનો વિચાર જ માંડી વાળે અને ન્યૂલી મેરિડ કપલ્સ બાળક પ્લાન કરવાનું માંડી વાળે એવાં જોખમ પણ છે જ! એટલે એ રીતે ફિલ્મ પોતાના હિસાબે અને જોખમે જોવી!

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.