3 સ્ટોરીઝ

અધકચરો આનંદ

***

રેટિંગઃ **½ (અઢી સ્ટાર)

 • 3-storeys-poster-bollywormકેટલાક શુક્રવાર એવા હોય જ્યારે થિયેટરોમાં એકથી વધુ ફિલ્મો રિલીઝ થઈ રહી હોય અને છતાં તમે ફિલ્મ જોવા જવાને બદલે ઑફિસે પહોંચી જાઓ. કેમ કે, ફિલ્મ જોવા જવાનો ધક્કો જ ન વાગે. આ શુક્રવારે વિચિત્ર ચશ્માં પહેરેલી તાપસી પન્નુની ફિલ્મ ‘દિલ જંગલી’, જમીન અને હવા સાથે સંભોગ કરતાં શીખવતી, એકબીજાના શરીરે બૉડી લોશન ચોપડતાં શીખવતી અને ‘સનસની’માંથી ઉઠાવેલા ડાયલોગ્સ લઇને આવેલી ‘હેટ સ્ટોરી 4’ રિલીઝ થઈ રહી હતી. એ બંને જોવા કરતાં એપેન્ડિક્સનું ઑપરેશન કરાવી લેવું સારું એમ વિચારીને ઑફિસ ભણી પ્રયાણ કર્યું (ના, ઑપરેશન કરાવવા નહીં, કામ કરવા). પછી ટાઇમ કાઢીને ‘3 સ્ટોરીઝ’ જોઈ કાઢી. કેમ કે, બાકીની બંનેમાંથી એ પ્રમાણમાં મૅચ્યોર લાગતી હતી.
 • નામ પરથી એટલું તો ક્લિયર હતું કે આ ફિલ્મ ત્રણ અલગ અલગ વાર્તાઓનો ગુલદસ્તો હશે. કંઇક એવો પણ અંદાજ હતો કે આ ફિલ્મ કોઇક રીતે એકબીજા સાથે સંકળાયેલી પણ હશે. જેમ કે, મણિ રત્નમની ‘આયુથા એઝુથુ’ (એની હિન્દી રિમેક એટલે ‘યુવા’)માં હતું, નાગેશ કુકુનૂરની ‘તીન દીવારેં’માં હતું, નિખિલ અડવાણીની ‘સલામ-એ-ઇશ્ક’માં હતું, એલેહાન્દ્રો ગોન્ઝાલેસ ઇનારિતુની ‘બેબેલ’માં અને એમની જ ‘એમોરેસ પેરેસ’માં પણ એવું જ હતું. એકથી વધુ વાર્તાઓને એકબીજા સાથે જોડવાને બદલે ઘણી વાર ફિલ્મ મૅકર્સ દોરામાં મણકા પરોવતા હોય એ રીતે એકબીજાથી સ્વતંત્ર એવી ટૂંકી વાર્તાઓને એક ફિલ્મમાં પરોવી દે. જેમ કે, ‘દસ કહાનિયાં’, અનુરાગ કશ્યપે પ્રોડ્યુસ કરેલી ‘શોર્ટ્સ’, રામુની ‘ડરના મના હૈ’‘ડરના ઝરૂરી હૈ’, બહુ ગવાયેલી ‘બોમ્બે ટૉકિઝ’ વગેરે. અમે એક જૂની જૅપનીસ હોરર ફિલ્મ જોયેલી ‘ક્વાઈદાન’. એમાં પણ આવું જ હતું. એ ફિલ્મનું હૉન્ટિંગ બૅકગ્રાઉન્ડ મ્યુઝિક આજેય કાનમાં ગૂંજે છે અને અમે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ જોઇને એને કાઉન્ટર કરીએ છીએ (યુ નૉ, લોહા લોહે કો કાટતા હૈ એન્ડ ઑલ! આયમ જોઓઓકિંગ!)
 • નડિયાદી ભૂસાની જેમ એકમાં અનેક રીતે પેશ કરાતી આવી ચવાણાછાપ ફિલ્મોને ‘એન્થોલોજી મુવીઝ’ કે પછી ‘હાઇપરલિંક સિનેમા’ કહે છે. ‘3 Storeys’ના સ્પેલિંગ પરથી ક્લિયર હતું કે આ ફિલ્મની ત્રણ વાર્તાઓ ત્રણ માળની એક બિલ્ડિંગનાં અલગ અલગ ઘરોમાં રહેતા લોકોની વાત કહેતી હશે. ‘લિપસ્ટિક અન્ડર માય બુરખા’માં હતું એવું જ કંઇક. એમાં ભોપાલની વાત હતી, અહીં મુંબઈની એક લોઅર મિડલ ક્લાસ ચાલીની વાત છે. એક સ્ટોરીમાં બીજી સ્ટોરીનાં પાત્રો અવર જવર કર્યાં કરે, માત્ર તેમનું ફોકસ જેની વાર્તા ચાલતી હોય તેના પર રહે.
 • પહેલી વાર્તા છે એકલી રહેતી વૃદ્ધ, ગોવાનીઝ વિધવા સ્ત્રી મિસિસ ફ્લોરા મેન્ડોન્સા (રેણુકા શહાણે)ની. ફ્લોરા આ ચાલીમાં જ રહીને મોટી થઈ છે, પણ હવે એને પોતાની આ ખોલી વેચી કાઢવી છે. એ પણ માર્કેટ પ્રાઇસ કરતાં ચારગણા ભાવે. એક દિવસ સલમાન ખાનના ડુપ્લિકેટ જેવો દેખાતો એક યુવાન (પુલકિત સમ્રાટ) તે ખોલી ખરીદવા આવે છે. ઉપરથી એકદમ સિમ્પલ લાગતી એમની વાતો પાછળ પુણેનાં મિસળ પાંવ જેવું તીખું તમતમતું સિક્રેટ છુપાયેલું છે.
 • બીજી સ્ટોરી છે એ જ બિલ્ડિંગમાં રહેતી ગૃહિણી વર્ષા (માસુમેહ માખીજા)ની. એક જમાનામાં એ શંકર (શર્મન જોશી) નામના યુવાનને પ્રેમ કરતી હતી. પરંતુ આજે એ એક દારુડિયા પતિની ગુલામી વેંઢારી રહી છે.
 • ત્રીજી સ્ટોરી છે વોહી ચ બિલ્ડિંગમાં પ્રેમમાં પડેલાં પુખ્ત વયનાં ટીનેજર્સની. બંનેને એકબીજા સાથે લગ્ન કરવાં છે પણ પેરેન્ટ્સ હૈ કિ માનતે હી નહીં. એમાં એક લોચો એ છે કે એ બંનેમાંથી એક પાત્ર હિન્દુ છે અને  બીજું મુસ્લિમ. એટલે મુદ્દો નેશનલ ઇન્ટરેસ્ટનો છે. પરંતુ એથીયે મોટો બીજો એક લોચો પણ છે, જે સિક્રેટ છે.
 • આ બિલ્ડિંગમાં એક ચોથી-ઇત્તુ સી સ્ટોરી પણ આકાર લઈ રહી છે, જે ‘શોલે’નાં જય-રાધા (અમિતાભ-જયા)ની લવસ્ટોરીની જેમ ઓલમોસ્ટ સાઇલન્ટ્લી આગળ વધતી રહે છે. એ સ્ટોરી છે રિચા ચઢ્ઢા અને એક સમયે ચુંબનો કરવામાં ઇમરાન હાશમી પણ જેને ગુરુપદે સ્થાપે છે એવા હિમાંશુ મલિકની. ટકલુ અને PNBના કૌભાંડ જેવા જાડિયા થઈ ગયેલા હિમાંશુ મલિકને ઓળખવા માટે કોન્ટેસ્ટ રાખવા જેવી છે!
 • મોડરેટલી ઇન્ટરેસ્ટિંગ એવી આ ફિલ્મ લગભગ પોણા બે કલાકની છે, જેમાં સ્ટોરીઝ ઇન્ટરેસ્ટના ઊતરતા ક્રમમાં ગોઠવાયેલી છે. યાને કે રેણુકા શહાણેની સ્ટોરી સૌથી વધુ ઇન્ટરેસ્ટિંગ અને ઓલમોસ્ટ સાઇલોકોજિકલ થ્રિલર ટાઇપની છે. બાય ધ વે, લાંબા સમયે ફિલ્મી પડદે દેખાયેલાં રેણુકા શહાણેના ચહેરા પર જૂની બિલ્ડિંગ જેવો ડાઘાદાર મેકઅપ અને પૅકિંગ મૂકીને બનાવાયેલું બેડોળ શરીર જોઇને હાયકારો નીકળી જાય એવું છે. અમને તો સિદ્ધાર્થ કાક સાથે કોરસમાં ‘નમસ્કાર’ બોલીને ‘દૂરદર્શન’ પર ટૂથપેસ્ટની મૉડલ જેવા સ્માઇલ સાથે ‘સુરભિ’ની શરૂઆત કરતાં રેણુકા શહાણે જ પસંદ છે. હા, એમની એક્ટિંગને કોઈ ડાઘ નથી લાગ્યા!
 • બીજી અને ત્રીજી સ્ટોરીમાં ક્રમશઃ લોજિક અને મજા બંનેનો ઘટાડો થવા લાગે છે. એકબીજાથી વિખૂટાં પડી ગયેલાં પ્રેમી પંખીડાંવાળી શર્મન-માસુમેહની સ્ટોરીનું કારણ જાણીએ તો એ બંનેને વીસ વર્ષ સુધી ‘બિગ બોસ’ના હાઉસમાં પૂરી રાખવાની પાશવી ઇચ્છા થઈ આવે!
 • હા, એટલું ખરું કે ત્રણમાંથી એકેય સ્ટોરી સાવ આર્ટિફિશિયલ લાગતી નથી. તેનું કારણ છે ફિલ્મનાં અસરદાર એક્ટર્સ અને એમની ઓલમોસ્ટ રિયલિસ્ટિક એક્ટિંગ. વચ્ચે વચ્ચે ગીતોનાં બમ્પરિયાં આવતાં રહેવા છતાં ફિલ્મ આપણો રસ જાળવી રાખે છે.
 • લેકિન પ્રોબ્લેમ એ છે કે આ વાર્તાઓમાં જ ખાસ વજન નથી, ખાસ કરીને બીજી અને ત્રીજી વાર્તા. અને ત્રણેય વાર્તાઓમાં આગળના ટ્વિસ્ટને અગાઉથી કળી શકાય એવી પ્રીડિક્ટેબિલિટી પણ ખરી.
 • ઇન્ટરેસ્ટિંગ છે, ફિલ્મનો ક્લાઇમેક્સ. અહીં ફર્સ્ટ ટાઇમ ડિરેક્ટર એવા અર્જુન મુખર્જી અને રાઇટર અલ્થિયા કૌશલે ટ્વિસ્ટ એન્ડિંગનો ઇન્ટરેસ્ટિંગ ઉપયોગ કર્યો છે. જેને જોઇને આપણે મુસ્કુરાઈ ઊઠીએ અને આપણને શ્યામ બેનેગલની ‘વેલકમ ટુ સજ્જનપુર’, ‘ચોકલેટ’ (મૂળ હૉલિવૂડની ‘યુઝવલ સસ્પેક્ટ્સ’), હોરર ફિલ્મ ‘પિત્ઝા’ જેવી ફિલ્મો યાદ આવી જાય.
 • એમ તો ડ્રોન કેમેરાના ઉપયોગથી એક પછી એક લોકોનાં ઘરોમાં ડોકિયાં કરાવતી ટ્રીટમેન્ટ જોઇને મને અલ્ફ્રેડ હિચકોકની ક્લાસિક ફિલ્મ ‘રિઅર વિન્ડો’ પણ મગજમાં પોપઅપ થયા કરતી હતી.
 • ‘3 સ્ટોરીઝ’ જેવી શૉર્ટ ફિલ્મો જોઇને મને કાયમ એક સવાલ થતો રહે છે કે શૉર્ટ ફિલ્મ્સ કાયમ સૅડ, મૅલન્કોલિક, ટ્રેજિક કે મગજનું GST થઈ જાય એવી સાઇકોલોજિકલ આંટીઘૂંટીઓ જ શા માટે હોય છે? અહીં તો સૅડનેસ ઉપરાંત ભૂતકાળની ભૂતાવળો પણ ચામાચીડિયાંની જેમ ઘૂમરાતી રહે છે. પરંતુ વાત એ છે કે શૉર્ટ ફિલ્મો ‘કન્ચે ઔર પોસ્ટકાર્ડ’ જેવી હળવીફુલ કેમ ન હોય? ખેર…
 • જાતભાતની કોમ્પિટિશન્સ અને ડિજિટલ રિવોલ્યુશનના પ્રતાપે અત્યારે ઇન્ટરનેટ પર શૉર્ટ ફિલ્મોનો રાફડો ફાટ્યો છે. ત્યારે આવી સુસાઇડ મિશન જેવી આવી ફિલ્મોમાં પૈસા રોકવા માટે ફરહાન અખ્તરની ‘એક્સેલ એન્ટરટેનમેન્ટ’ને પણ શાબાશી આપવી જોઇએ. પરંતુ ‘3 સ્ટોરીઝ’માં સિનેમેટિક એક્સલન્સ જેવા કોઈ તારા જડેલા છે નહીં. એટલે આ ફિલ્મને થિયેટરમાં જઇને જોવાનું તો સજેસ્ટ કરાય એવું છે નહીં. હા, ઑનલાઇન પ્લેટફોર્મ પર આવે ત્યારે જોઈ લેવાય ખરી.

રેફરન્સ જંક્શનઃ

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

ફુકરે રિટર્ન્સઃ 10 પોઇન્ટ્સ રિવ્યુ

fukrey-30x20રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

 1. 2013માં નોન પંજાબી-નોન દિલ્હીઆઇટ્સની વોકેબ્યુલરીમાં નવો શબ્દ ઉમેરાયેલો ‘ફુકરે’. ચાર નવરીબજાર જુવાનિયાંવની આ ક્વર્કી કોમેડી સરપ્રાઇઝ હિટ થઈ એટલે ચાર વર્ષે ડિરેક્ટર મૃગદીપ સિંહ લાંબાની મૃગતૃષ્ણા ઊઘડી ને ફરહાનના એક્સેલ એન્ટરટેનમેન્ટને પણ મનીક્ષુધા જાગ્રત થઈ. એટલે રિલીઝ થઈ ‘ફુકરે રિટર્ન્સ’.
 2. ‘ફુકરે રિટર્ન્સ’ ફેઇથફુલ સિક્વલ છે. ‘ફુકરે’ની ઑરિજિનલ કાસ્ટના સ્વર્ગસ્થ થયેલા એક્ટર અશરફુલ હકને પણ યાદ કરાયો છે, એટલી ફેઇથફુલ સિક્વલ છે આ. કોઇએ પ્રિક્વલ ન જોઇ હોય તેમના માટે સોંગમાં રિકેપ મુકાયો છે. મસ્ત ઇનોવેટિવ આઇડિયા.
 3. ‘ફુકરે’ સિરીઝનું કાસ્ટિંગ એટલું જબરદસ્ત છે કે હની, લાલી, ભોલી પંજાબન કે પંડિતજી તો લોકોને યાદ છે જ, પણ ખાસ કરીને ‘ચૂચા’ને ઓળખતા લોકો હાર્ડલી એનું સાચું નામ જાણતા હશે.
 4. પ્રિક્વલના એક વર્ષ પછીથી શરૂ થતી આ ‘રિટર્ન્સ’માં સૌથી મોટો વિલન છે એનો અટપટો, વિચિત્ર, કન્ફ્યુઝિંગ, દિમાગની બાઉન્ડરી પર ટપ્પી જ ન પડે તેવો પ્લોટ અને નાહકની 2 કલાક 21 મિનિટની લંબાઈ. ગુંડી ‘ભોલી પંજાબન’ (રિચા ચઢ્ઢા) જેલમાંથી બહાર આવવા નેતા સાથે કરોડોનો કડદો કરે અને એ નાણાં ભરપાઈ કરવા માટે એને જેલભેગા કરનારી ચાર ફુકરાઓની ગેંગને ધંધે લગાડે. એ પછી પ્લોટ એકના ડબલ કરી આપે એવી એક સ્કીમ, બંધ પડેલા ઝૂમાંથી પ્રાણીઓની તસ્કરી, હ્યુમન ઑર્ગન ટ્રાફિકિંગ, એક જૂનું સ્પોર્ટ્સ કૌભાંડ, ખજાનાની શોધ, હરીફ ચીફ મિનિસ્ટર જેવી જાતભાતની ગલીઓમાંથી પસાર થાય છે. લેકિન થેન્ક ગોડ, ચૂચા ઇઝ ધેર!
 5. આમ તો વરુણ શર્માની બૉલિવૂડમાં એન્ટ્રી થઈ ત્યારથી એ ‘ભાઈ’થી શરૂ થતા અને ‘ભાઈ’થી પૂરા થતા ડાયલોગ્સવાળા રોલ જ કરે છે (‘ફુકરે રિટર્ન્સ’ની તો શરૂઆત જ એના ‘ભાઈ’ બોલવાથી થાય છે!). પરંતુ હવે આજીવન એના પર ‘ચૂચા’નો સિક્કો લાગી જવાનો છે. બટ, એટલું માનવું પડે કે એક ડમ્બ પાવલી કમ જુવાનિયા તરીકે એનું કોમિક ટાઇમિંગ પર્ફેક્ટ છે. આખી ફિલ્મમાં સૌથી વધુ લાફ્ટર એણે જ ઊસેટ્યું છે. દરઅસલ, એને લઇને હૉલિવૂડની ‘ડમ્બ એન્ડ ડમ્બર’ ટાઇપની આઉટ એન્ડ આઉટ સિલી કોમેડી ફિલ્મ બનાવી શકાય એવો દમ છે એનામાં. વરુણ શર્માની સાથે કોમેડીમાં કોમ્પ્લિમેન્ટ કર્યું છે પંકજ ત્રિપાઠીએ. રિચા ચઢ્ઢાને સ્ક્રીન સ્પેસ સરસ મળી છે, પણ એ અને બાકીના કલાકારો (પુલકિત સમ્રાટ, મનજોત સિંઘ, અલી ફઝલ)ના ભાગે કશું જ આવ્યું નથી. એમાંય અલી ફઝલ સતત રોતલ ડાચું રાખીને ફરતા દેવદાસ જેવા રોલ કરતાં કરતાં ‘વિક્ટોરિયા એન્ડ અબ્દુલ’ અને ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ-7’ જેવી ઇન્ટરનેશનલ ફિલ્મો કેવી રીતે મેળવી લે છે એ આ વિશ્વની આઠમી અજાયબી છે! આ ફિલ્મમાં ભ્રષ્ટ મંત્રી બાબુલાલ ભાટિયા તરીકે દેખાયેલા એક્ટર રાજીવ ગુપ્તા આ ફિલ્મમાં બરાબર ખીલ્યા છે. અત્યાર સુધી તેઓ છૂટક ભૂમિકાઓમાં જ દેખાયા છે. તેઓ વધુ સારા-મોટા રોલ મેળવવાને હકદાર છે જ.
 6. ફિલ્મમાં અમુક ઠેકાણે ખરેખર સારાં વનલાઇનર્સ, જોક્સ કે ગૅગ્સ છેઃ ‘જાત કે ઝમાને લત ગયે પાપાજી, અબ ઝમાના ઔકાત કા હૈ’, ‘ઉમ્મીદ પે નહીં, જુગાડ પે દુનિયા કાયમ હૈ’, ‘જન્નત કે ખ્વાબ જિહાદીઓં કો દેખને દે, તુ મધર અર્થ કી બાત કર’, ‘ઝહર સે મુઝે ઍલર્જી હૈ’, ‘યે શેર કે લિયે બીફ બૅન નહીં હૈ ક્યા?’, ‘જબ ચૂચે કો ફ્યુચર દિખે તો ઉસે દેજાચૂ કહતે હૈ’, ‘અબે, યહાં તો લાઇફ ઑફ ચૂ ચલ રહી હૈ…’ હિન્દી ફિલ્મોમાં ઑડ-ઇવન સ્કીમ કે યોગા ડૅ સેલિબ્રેશનની આસપાસ પહેલી હળવી-સટાયરિકલ કોમેડી આવી છે.
 7. ચૂચાનો શાહરુખ સ્ટાઇલ રોમેન્સ, માઉથ ટુ માઉથ રિસસ્કિટેશન આપવું, શરીરના ચોક્કસ ભાગ પર સાપ કરડી જવો, ચૂચાનું લવારીએ ચડી જવું, ગર્લફ્રેન્ડને પ્રાણીસંગ્રહાલયમાં મળવા બોલાવવી અને એની પાસેથી કંઇક ભળતું જ કામ કરાવવું (ના અશ્લીલ નથી, ડૉન્ટ વરી!) વગેરે ગૅગ્સ ગૅરન્ટીડ લાફ્ટર છે.
 8. સોંગ્સ કમ્પ્લિટલી અનનેસેસરી અને કંગાળ છે. સોંગ્સની સ્થિતિ એ વાત પરથી જ ખબર પડી જાય છે કે પ્રિક્વલનું હિટ સોંગ ‘અંબર સરિયા’ અને જૂના ‘ઓ મેરી મેહબૂબા’નું રિમિક્સ અહીં ઠપકારી દેવામાં આવ્યું છે.
 9. પ્રિક્વલમાં પૈસા માટે વલખાં મારતા ચાર ફુકરા લોગની બરાબરની વાટ લાગી છે તેવું આપણને ફીલ થતું હતું. અહીં એ જ કેરેક્ટર્સ છે, પણ એવી સેન્સ ઑફ અર્જન્સી ક્યાંય ફીલ થતી નથી.
 10. ઇન શૉર્ટ, આ ફિલ્મ એક તદ્દન ટાઇમપાસ ફિલ્મ છે, જેને પૈસા ખર્ચીને થિયેટરમાં ન જોવા જઇએ તો કશું જ ગુમાવવા જેવું નથી. ફિલ્મના સ્ટાર્ટિંગમાં આવતો લોગો કહે છે કે થોડા સમયમાં આ ફિલ્મ ‘એમેઝોન પ્રાઇમ’ પર પણ આવી જ જવાની છે. ત્યારે નિરાંતે જોઈ શકાય. સારું પોટેન્શિયલ ધરાવતી હોવા છતાં નક્કર સ્ટોરીના અભાવે એવરેજ બનીને રહી ગયેલી ‘ફુકરે રિટર્ન્સ’ને અઢી સ્ટાર આપી શકાય.

  (Reviewed for divyabhaskar.co.in)

  Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

મસાન

જિંદગીનું ઘમસાણ

***

ગંગાને સમાંતરે વહ્યે જતી બે વાર્તાઓ કહેતી આ ફિલ્મ રિયલ સિનેમાના ચાહકોએ ચૂકવા જેવી નથી.

***

masaan_ver3_xlgબે પ્રકારની ફિલ્મો હોય. એક, તમને વાસ્તવિકતા ભુલાવીને કલ્પનાની પાંખે ડિરેક્ટરે સર્જેલી દુનિયામાં લઈ જાય. બીજી ફિલ્મો સિનેમાના પડદાને સપાટ અરીસામાં બદલી નાખે અને આપણા સમાજનું જ પ્રતિબિંબ પાડે. આ શુક્રવારે રિલીઝ થયેલી નવોદિત દિગ્દર્શક નીરજ ઘૈવાનની ફિલ્મ ‘મસાન’ આ બીજા પ્રકારમાં આવે છે. આ વર્ષના ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં ધૂમ મચાવનારી આ મસાન (ગુજરાતીમાં કહીએ તો મસાણ એટલે કે સ્મશાન)ને પહેલી નજરે કોઈ આર્ટ ફિલ્મ ગણીને એનાથી દૂર ભાગે, પરંતુ આપણી લાગણીઓને હચમચાવી મૂકે, વિચારતા કરી દે અને છતાં જીવન ચલને કા નામનો ઉમદા મેસેજ આપે એવી ફિલ્મ જોવી ગમતી હોય તો એણે તો આ ‘મસાન’ ચૂકવી પાલવે તેમ જ નથી.

બે વાર્તાનો સંગમ

પહેલી વાર્તા છે દેવી પાઠક (રિચા ચઢ્ઢા)ની. એક કમ્પ્યુટર ક્લાસમાં ટીચર એવી દેવી એક યુવાન મિત્ર સાથે સસ્તી હૉટેલમાં સમય પસાર કરવા જાય છે. ત્યાં જ પોલીસની રેડ પડે છે અને કઢંગી હાલતમાં બંને ઝડપાય છે. પરંતુ દુનિયાની બીક બતાવીને પોલીસ દેવી અને એના સંસ્કૃતના નિવૃત્ત પ્રાધ્યાપક વિદ્યાધર પાઠક (સંજય મિશ્રા)ને બ્લેકમેલ કરવાનું શરૂ કરે છે. વિદ્યાધર પાઠક ગંગાના એક ઘાટ પર પૂજાપાની હાટડી ચલાવે છે. બીજી બાજુ દેવી મન મક્કમ કરીને જિંદગીને પાટે ચડાવવામાં લાગી જાય છે.

બીજી વાર્તા છે સિવિલ એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં ભણતા દીપક ચૌધરી (વિકી કૌશલ)ની. દીપકને પ્રેમ થઈ જાય છે શાલુ ગુપ્તા (શ્વેતા ત્રિપાઠી) નામની એક ક્યુટ છોકરી સાથે. પરંતુ દીપક એક વાસ્તવિકતાથી ભાગવા માગે છે, તે છે એની ઓળખ અને એનું કામ. દીપક વારાણસીના અસ્પૃશ્ય ગણાતી ‘ડોમ’ જ્ઞાતિનો છે. એનો પરિવાર પેઢીઓથી ત્યાંના હરિશ્ચંદ્રઘાટ પર મડદાં બાળવાનું કામ કરે છે. દીપક પણ કરે છે. આખરે ગંગામૈયાનો પ્રવાહ એવો વળાંક લે છે કે આ બંને વાર્તાઓ એક સંગમ પર આવીને ભેગી થઈ જાય છે.

મસાન શા માટે જોવી?

નદી, દરિયામાં ઉપરથી શાંત વહ્યે જતા પ્રવાહની નીચે બીજા કેટલાય પ્રવાહો વહેતા હોય છે. ‘મસાન’ ફિલ્મમાં દિગ્દર્શક નીરજ ઘૈવાન અને લેખક વરુણ ગ્રોવરે એકદમ સરળ લાગતી આ બે વાર્તામાં એટલા બધા પ્રવાહો વણી લીધા છે કે થિયેટરમાંથી બહાર નીકળીએ તેના દિવસો સુધી તે આપણા દિલ-દિમાગ પર કબ્જો જમાવીને બેસી રહે છે.

પ્રવાહ-૧: દરેક પાત્રનું આંતર્દ્વન્દ્વઃ દેવી એના પિતાની આબરુ લીલામ કર્યાનો અને પિતાની મરણમૂડીને લાલચુ પોલીસ અધિકારીને હવાલે કરી દેવાનો ભાર લઇને ફરે છે. છતાં પોતાની પીડા બહાર છલકાવા દેતી નથી અને પોતે જે કર્યું તે વિશે ગિલ્ટી ફીલ કરવાને બદલે મક્કમપણે આગળ વદ્યે જાય છે. છતાં એના મનમાં એક્ઝેક્ટ્લી શું ચાલે છે તે ક્યારેય કળાવા દેતી નથી. પિતાના મનમાં ગિલ્ટ છે કે ક્યાંક ને ક્યાંક એ પોતાની પત્નીના મૃત્યુ માટે નિમિત્ત છે અને દીકરીનો અપરાધી છે. રેતીની જેમ સરકતી આબરુ બચાવવાના સંઘર્ષમાં પિતાની નૈતિકતા ઢીલી પડી રહી છે. બીજી બાજુ મડદાં બાળીને મોટો થયેલો યુવાન આ ઓળખને, આ કામને ફગાવી દેવા માગે છે. ઇવન એના પ્રેમની આડે પણ આ ઉચ્ચ જ્ઞાતિ અને નિમ્ન વર્ણની ખાઈ આવીને ઊભી રહે છે. દિગ્દર્શકનાં બંને સ્ત્રીપાત્રો એટલાં મજબૂત છે કે સમાજનાં બંધનોને ફગાવીને કોઇપણ ભોગે આગળ વધવા મક્કમ રહે છે.

પ્રવાહ-૨: ભારતીયતાઃ ‘મસાન’ની એકેક ફ્રેમમાંથી વિશુદ્ધ ભારતીયતા ટપકે છે. મોટાં શહેરો, મૉલ, મલ્ટિપ્લેક્સ, કોન્વેન્ટિયું અંગ્રેજી બોલતા યુવાનો, સુંવાળી ગાડીઓ ધરાવતા ‘ઇન્ડિયા’થી દૂર ધબકતું ‘ભારત.’ જ્યાં આબરુની જેલમાંથી આઝાદ થવું આકરું છે. આ ફિલ્મનાં પાત્રો ફેસબુક-મોબાઇલથી સંપર્કમાં રહે છે, પણ પ્રેમમાં પડે છે દુષ્યંત કુમાર, નિદા ફાઝલી, બ્રિજ નારાયણ ચકબસ્તની કવિતાઓથી. એ કોઈ પૉશ કૉફી શૉપમાં નહીં, પણ દુર્ગાપુજાના પંડાલમાં કે ગંગાને કિનારે મળે છે. વ્હોટ્સએપથી નહીં, મેળામાં ફુગ્ગા ઉડાડીને પ્રેમનો એકરાર કરે છે.

પ્રવાહ-૩: સચ્ચાઈઃ તમે તેને ફિલ્મના કલાકારોની એક્ટિંગનો પાવર કહો કે ડિરેક્ટર નીરજ ઘૈવાનનો કમાલ, પરંતુ ક્યાંય કોઈ પાત્ર એક્ટિંગ કરતું હોય એવું એક પળ માટે પણ લાગતું નથી. એકબીજાંનાં શરીરના સ્પર્શ અને જાતીયતાની પહેલી અનુભૂતિ વખતે વર્તાતો ખચકાટ, નાના શહેરનો ૨૪ કેરેટનો શુદ્ધ દેશી રોમાન્સ, પોલીસની ક્રૂરતાનું વિકરાળ સ્વરૂપ, જવાબદારી, લાચારી, અપરાધભાવ, ક્રોધ વચ્ચે પીસાતા પિતાની અકળામણ, પિતા-પુત્રી વચ્ચે એકબીજાની સામે પણ જોયા વિના થતી ટપાટપી અને માથું ફાટી જાય એવું મૌન વગેરે બધું જ જાણે સેલાઇનની બૉટલની જેમ આપણી નસોમાં ઊતરતું અનુભવી શકાય છે. અરે, ચિતાઓની આગની ગરમી અને બળતા માંસની વાસ પણ તમે અનુભવી શકો. ગંગાને કિનારે સળગતી ચિતાઓમાં તમે સંબંધો, પ્રેમ, આશા, સપનાં બધું જ ભડભડ બળતું જોઈ શકો. ડિરેક્ટરે કલાકારોને કાશીને આખેઆખું યથાતથ સ્વીકારી લેવાનું કહ્યું હતું. આપણેય એવું કરીએ એટલે ક્યાંય એવું ન લાગે કે ડિરેક્ટર ‘ઍક્શન’ બોલ્યા હશે અને પાત્રોએ ડાયલોગ બોલવાનું શરૂ કર્યું હશે. છેલ્લી એક સિક્વન્સને બાદ કરતાં ક્યાંય ફિલ્મી નાટ્યાત્મકતાનો છાંટો પણ ન મળે.

પ્રવાહ-૪: સંગીતઃ ‘મસાન’માં ગણીને ત્રણ જ ગીત છે, એય પાત્રો હોઠ ફફડાવતાં હોય એવા ‘લિપ-સિંક’વાળાં નહીં. અગરબત્તીની સુગંધની જેમ વાતાવરણમાં ભળી જાય એવાં. હિન્દી કવિ દુષ્યંત કુમારની પ્રસિદ્ધ રચના ‘તુ કિસી રેલ સી ગુઝરતી હૈ, મૈં કિસી પૂલ સા થરથરાતા હૂં’ને વરુણ ગ્રોવરે ‘મેઘદૂત’ જેવો ટર્ન અને સ્વાનંદ કિરકિરેએ પોતાનો પહાડી અવાજ આપ્યો છે. બાકીનાં બંને ગીતો ‘મન કસ્તુરી’ અને ‘ભોર’ને પણ રૉક બૅન્ડ ‘ઇન્ડિયન ઑશન’એ સૂફી મિજાજ બક્ષ્યો છે. આ બધું જ ભેગું થઇને ‘મસાન’ એક ફિલ્મથી આગળ વધીને એક એક્સપિરિયન્સ બની રહે છે.

ચાલો, મોક્ષનગરી

અહીં આપણી રેગ્યુલર મસાલા ફિલ્મોમાં બને છે એવું આપણી અપેક્ષા મુજબનું કશું બનતું નથી. એટલે જ કેટલેક ઠેકાણે આપણે અકળાઈ ઊઠીએ, ક્ષુબ્ધ થઈ જઇએ એવુંય લાગશે. ફિલ્મને જાણે વરવી વાસ્તવિકતાનો ડૉક્યુડ્રામા બનાવી દેવા માગતા હોય એમ દિગ્દર્શકે નિરાંતે સળગતી ચિતાઓ અને ક્યાંક બળતાં મડદાં બતાવ્યાં કર્યાં છે (જે ખાસ કરીને ૨૦૦૮માં આવેલી ડૉક્યુમેન્ટરી ‘ચિલ્ડ્રન ઑફ ધ પાયર’ની યાદ અપાવે છે). વાતને રિયાલિસ્ટિક ટચ આપવા માટે ઘણે ઠેકાણે બૅકગ્રાઉન્ડ મ્યુઝિક પણ નથી. ગંગામાં તરતી હોડીની જેમ ધીમે ધીમે આગળ વધતી આખી ફિલ્મમાં સતત એક સૅડ ફીલિંગ, એક પીડા, મોતનો ભય હવામાં તર્યા કરે છે. આ બધું જ માત્ર મનોરંજન ઝંખતા દર્શકોને આ ફિલ્મથી છેટા જ રાખશે. તેમ છતાં તમને જો આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી ચૂકેલી અને ‘સિનેમા’ની કેટેગરીમાં મૂકી શકાય તેવી ફિલ્મ જોવામાં મજા પડતી હોય તો આ ફિલ્મ ચૂકવા જેવી નથી. ફિલ્મ જોઇને બહાર નીકળશો ત્યારે તો તમે એવો જ પોઝિટિવ મેસેજ લઇને બહાર આવશો કે આ જીવન પણ આખરે ગંગા નદીની જેમ વહેતું જ રહે છે, તો આપણે પણ શા માટે કોઈ પડાવ પર અટકી રહેવું?

અને હા, જો આ ‘મસાન’માં મજા પડે તો નીરજ ઘૈવાને અગાઉ બનાવેલી શૉર્ટ ફિલ્મો ‘ઇપિફની’ (Epiphany) અને ‘શોર’ જેમાં સામેલ હતી તે પાંચ ટૂંકી ફિલ્મોના સંગ્રહવાળી ‘શૉર્ટ્સ’ પણ જોઈ પાડવી જ જોઇએ. (‘મસાન’નો એક સીન તો ‘શૉર્ટ્સ’ ફિલ્મમાં સામેલ નવાઝુદ્દીન સિદ્દિકી સ્ટારર એક શૉર્ટ ફિલ્મ ‘મેહફુઝ’ની જ કાર્બન કૉપી છે). આ બધી જ ફિલ્મો ‘યુટ્યૂબ’ પરથી મળી રહેશે.

રેટિંગઃ **** (ચાર સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

તમંચે – પ્યાર મેં દિલ પે માર દે ગોલી

સ્ટાઇલ ચકાચક, સ્ટોરી સફાચટ

***

ગુંડા મીટ્સ ગુંડીની આ ફિલ્મનું પેકેજિંગ મસ્ત છે, પરંતુ રાઇટર ડિરેક્ટર એમાં સ્ટોરી નાખતા ભૂલી ગયા છે.

***

કલ્પના કરો, તમે એક ચકાચક શોપિંગમૉલમાં છો. જાણે અમેરિકામાં આંટા મારતા હોઇએ એવી ઝાકઝમાળ ધરાવતા એ મૉલમાં ચારેકોર મસ્ત મજાનું વાતાવરણ છે. પરંતુ ખરીદવા માટે સમ ખાવા પૂરતો એક હાથરૂમાલ પણ આપણા બજેટમાં આવે એમ નથી. એટલે બે કલાક મૉલમાં આંટા મારી સસ્તામાંનો સોફ્ટી આઇસક્રીમ ખાઇને આપણે ખાલી હાથે જ પાછા બેક ટુ પેવેલિયન થઈ જઇએ છીએ. ડિટ્ટો આવી જ ફીલિંગ આ અઠવાડિયે રિલીઝ થયેલી બીજી ફિલ્મ ‘તમંચે’ જોઇને થાય છે.

ગુડ, બેડ એન્ડ અગ્લી

મુન્ના મિશ્રા (નિખિલ દ્વિવેદી) અને બાબુ (રિચા ચઢ્ઢા) બંને એક નંબરનાં ગુંડાઓ છે. અલગ અલગ ઠેકાણે કોઈ કાંડ કરીને ભાગતાં બંને પકડાય છે અને અનાયાસે જ પોલીસની ખટારીમાં ભેગાં થઈ જાય છે. પરંતુ કરમનું કરવું અને ખટારીનો એક્સિડન્ટ થાય છે. દિલ્હીની ડ્રગ ડીલર બાબુ અને યુપીનો ખંડણીખોર મુન્ના બંને આમ તો કાચકાગળ જેવાં બરછટ છે, પરંતુ એ બરછટપણામાંથી પ્રેમનાં મુલાયમ અંકુર ફૂટી નીકળે છે. થોડાં લવ સોંગ્સ ગાયાં પછી બાબુ અચાનક ગાયબ થઈ જાય છે, અને આ મુન્નો એને શોધતો શોધતો આખું દિલ્હી ખૂંદી વળે છે.

આખરે બાબુ મળે છે. વાસ્તવમાં એ એક હરિયાણવી ડ્રગ માફિયા રાણા તાઉ (નવોદિત દમનદીપ સિધુ)નો સુંવાળો સાથ છે. પોતાની દિલરુબાને મેળવવા માટે મુન્નો ત્યાં જ રહી પડે છે અને ધીમે ધીમે તાઉની ગેન્ગને ઉધઈની જેમ કોતરવા માંડે છે. પરંતુ બંને પ્રેમીપંખીડાંની બેય બાજુથી બેન્ડ વાગે છે. એક તરફ જડભરત જેવો રાણા તાઉ છે, તો બીજી તરફ શિકારી કૂતરાની જેમ શોધતી પોલીસ છે. બંનેનું મિલન આસાન નથી.

બોલી અને ગોલી છતાં ફિલ્મ એકદમ પોલી

113 મિનિટની સન્માનજનક લંબાઈ ધરાવતી આ ફિલ્મ શરૂ થાય છે ‘મહાન’ ફિલ્મના કિશોર-આશા-આર.ડી. બર્મનના ધમાકેદાર સોંગ ‘પ્યાર મેં દિલ પે માર દે ગોલી’થી. એમાંય બપ્પી લાહિરીનો ચટાકેદાર અથાણા જેવા અવાજનો ટ્વિસ્ટ. પછી એકદમ રિયાલિસ્ટીક ફીલ આપતા શેકી કેમેરા એન્ગલ્સ સાથે હીરો-હિરોઇનની એન્ટ્રી પડે છે. હીરો ‘કૈસન હો બબુઆ’ ટાઇપની યુ.પી.ની બોલી બોલે છે. જ્યારે હિરોઇન ‘ઝ્યાદા હોશિયારી ના બિખેરિયો’ ટાઇપની ટિપિકલ દિલ્હીની ઝુબાનમાં વાત કરે છે. ફિલ્મની શરૂઆત જોઇને આપણને રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘દૌડ’ પણ યાદ આવી જાય. પંદરેક મિનિટ આ ફીલ લેવાની મજા પડે, પરંતુ પછી આપણી મજા ચ્યુઇંગ ગમની જેમ મોળી પડવા માંડે. કેમ કે, બધાને ખબર હોય કે આ બંને હીરો-હિરોઇન ભલે અત્યારે કૂતરા-બિલાડાંની જેમ ઝઘડે પણ આવતા અડધા કલાકમાં એ બંને વચ્ચે પ્રેમ થવાનો જ છે. અને થાય પણ ખરો. પરંતુ એ પછી ફિલ્મમાં કોઈ નક્કર ટ્વિસ્ટ આવે જ નહીં. હા, પેલા ગુંડા રાણા તાઉની એન્ટ્રી થાય ત્યારે એની ‘થારો નામ કે હૈ રે છોરે?’ ટાઇપની હરિયાણવી બોલી સાંભળવાની મજા પડે. લેકિન ડિરેક્ટર નવનીત બહલ તાઉ, સ્ટોરી કિથ્થે હૈ?

હા, ફિલ્મને સાવ અન્યાય કરાય એવું પણ નથી. ભલે ફિલ્મમાં કોઈ મોટી સ્ટારકાસ્ટ નથી. ઇવન કોઈ સપોર્ટિંગ કાસ્ટ પણ નથી. માત્ર ઈન, મીન ને તીન જેવાં ત્રણ જ મુખ્ય કેરેક્ટર્સ છે. પરંતુ ફિલ્મનું મ્યુઝિક, ગીતો ઓફિસ જતાં સાંભળવાં ગમે એવાં છે. ખાસ કરીને ફિલ્મનું બેકગ્રાઉન્ડ ખરેખર નોંધપાત્ર છે. ‘શોલે’ અને જેમાં ટોપીવાળા કાઉબોય ઘોડા પર બેસીને ધાણીફૂટ ગોળીબાર કરતા હોય એવી હોલિવૂડની ‘સ્પઘેટી વેસ્ટર્ન’ પ્રકારની ફિલ્મોની યાદ અપાવી દે, તેવી એક મસ્ત વ્હિસલ પણ આખી ફિલ્મમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક તરીકે વાગ્યા કરે છે. એટલે માત્ર આવી છૂટીછવાઈ ફીલ સિવાય ફિલ્મમાં કશું જ નવું નથી.

ત્રણેય મુખ્ય પાત્રોની એક્ટિંગ પણ જોવી ગમે તેવી છે. ખાસ કરીને રિચા ચઢ્ઢા. આ અભિનેત્રી વધુ ને વધુ સારી ફિલ્મો કેમ નહીં કરતી હોય?

સોચ લો, તાઉ!

દુ:ખ એ વાતનું થાય કે રિચા ચઢ્ઢા જેવી ટેલેન્ટેડ એક્ટર હોય, એક સાથે ત્રણ રાજ્યોની દિલકશ બોલીની ફ્લેવર હોય અને ઠીકઠાક કર્ણપ્રિય ગીતો હોય તથા મજા પડે એવું બેકગ્રાઉન્ડ મ્યુઝિક નાખ્યું હોય, તો પછી દમદાર સ્ટોરી કેમ નહીં નાખી હોય? માત્ર થોડી હટ કે ફીલ માટે આ ફિલ્મ જોવી હોય તો જોઈ શકાય, બાકી જૈ રામજી કી!

રેટિંગ: ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

ગોલિયોં કી રાસલીલા-રામલીલા

રોમિયો જુલિયેટ ભણસાલી સ્ટાઇલ

***

વિવાદોની વણઝાર પછી (માંડ) રિલીઝ થયેલી રામલીલા એ કમ્પ્લિટ સંજય લીલા ભણસાલી એક્સપીરિયન્સ છે.

***

b1cf1a31de917d1cf5b3f320abe49a90અંગ્રેજીમાં ‘સ્ટાર ક્રોસ્ડ લવર્સ’ નામનો શબ્દપ્રયોગ છે. તેનો અર્થ એવો થાય કે બે એવાં પ્રેમી પંખીડાં જેમના પરિવારોની કુંડળીમાં બારમે ચંદ્રમાં બેઠો હોય. છતાં બંને પ્રેમમાં પડે અને બંનેના પરિવારજનો એમને ઠેકાણે પાડવામાં લાગી જાય. આ શબ્દને વ્યક્ત કરતી સૌથી જાણીતી સ્ટોરી એટલે શેક્સપિયરનું નાટક રોમિયો એન્ડ જુલિયેટ. બાપે માર્યા વેર જેવી દુશ્મની ધરાવતાં બે પરિવારનાં ફરજંદ પ્રેમમાં ફના થઇ જાય એ સ્ટોરી પરથી બનેલી અઢળક ફિલ્મોમાં વધુ એકનો ઉમેરો એટલે સંજય લીલા ભણસાલીની વિવાદના મરીમસાલાથી ભરપુર એવી ‘ગોલિયોં કી રાસલીલા-રામલીલા’.

અગ્નિકુંડમાં ઊગેલાં ગુલાબ

રામ અને લીલા બંને ગુજરાતના રણવિસ્તારમાં વસેલી રજોડી અને સનેડો કોમનાં સંતાનો છે, જે બંને વચ્ચે છેલ્લાં પાંચસો વર્ષથી દુશ્મની ચાલી આવે છે. ગુજરાતમાં આવેલું હોવા છતાં એ ગામ જરા વિચિત્ર છે. અહીં કટલરી અને શાકભાજીની જેમ ખુલ્લે આમ બંદૂકોની દુકાનો મંડાય છે, પોપકોર્ન શેકાતાં હોય એમ ધાણીફૂટ બંદૂકો ધણધણે છે, ‘મધુશાળા’ જેવાં નામ ધરાવતી દુકાનોમાં છડેચોક દારૂ પીવાય છે, બ્લુ ફિલ્મો બતાવતાં વીડિયો પાર્લર ધમધમે છે અને જ્યાં મરચાં-પાપડ સુકાતાં હોય એમ બંદૂકની ગોળીઓ પથરાય છે. તેમ છતાં રામ (રણવીર સિંહ) અને લીલા (દીપિકા પાદુકોણ) પ્રેમમાં પડે છે. એ બંનેનો પ્રેમ પ્રભુતામાં પગલાં પાડવાં જેવા મુકામે પહોંચે એ પહેલાં બંને પરિવાર એકબીજાનાં જુવાનજોધ દીકરાઓની હત્યા કરી નાખે છે. દુશ્મનીના લાલ રંગમાં બદલાની આગ પણ ભળે છે. પરંતુ એકબીજા વિના રહી નહીં શકાય એવું લાગતાં બંને ભાગી છૂટે છે અને ઇશ્વરની સાક્ષીએ પરણે છે. લેકિન પરિવારોને આ ગોઠતું નથી અને બંનેને અલગ કરી દેવાય છે. એટલે રામ દુશ્મન કોમનાં વડાં ધનકોર બા (સુપ્રિયા પાઠક કપુર) પાસે દોસ્તીનો પ્રસ્તાવ લઇને જાય છે, પણ એમનું પ્લાનિંગ કંઇક જૂદું જ હોય છે. એ પ્લાનિંગમાં પણ કાવતરાની ફાચર વાગે છે અને આખી સ્ટોરી પલટાઇ જાય છે.

ભણસાલી એક્સપીરિયન્સ

આમ તો રોમિયો જુલિયેટની સ્ટોરી સૌને ખબર છે જ. અધૂરામાં પૂરું હજુ થોડા સમય પહેલાં જ આવેલી ‘ઇશકઝાદે’ની આ જ સ્ટોરી લોકોનાં મનમાં તાજી છે. એટલે રામલીલાની વાર્તામાં કશું જ અણધાર્યું કે નવું નથી. એટલે ફિલ્મમાં સંજય લીલા ભણસાલીએ શું નવા મોર મૂક્યા છે એ જાણવાનું બાકી જ રહી જાય છે. અને ભણસાલીએ એમાં ફરી પાછો પોતાની જૂની ને જાણીતી ભવ્ય કાવ્યાત્મક શૈલીનો ટચ બતાવ્યો છે. ભવ્ય સેટ્સ, કલાત્મક પેઇન્ટિંગ્સ અને મૂર્તિઓ, ધારદાર સંવાદો, જલસો પડે એવું મ્યુઝિક અને અત્યંત નાટ્યાત્મક એક્ટિંગ.

અહીં બે કોમ વચ્ચે દુશ્મનીની વાત એટલો બધો સમય રોકી લે છે કે બે પાત્રો વચ્ચેનો પ્રેમ સાવ દબાઇ જાય છે. એટલે રામ અને લીલાને ફટાફટ મેગી નૂડલ્સ બને એટલી ઝડપે પ્રેમમાં પાડી દેવાયાં છે (અને દેખો ત્યાં ઠાર જેવા માહોલમાં બંને સરાજાહેર કિસ પણ કરે!). પરંતુ જે રીતે આ જ સ્ટોરી ધરાવતી ‘કયામત સે કયામત તક’માં આમિર-જૂહી વચ્ચેની લવસ્ટોરી ખીલી હતી એવો પ્રેમ અહીં રણવીર-દીપિકા વચ્ચે (એટલિસ્ટ ઓનસ્ક્રીન તો) ખીલ્યો નથી. ઇન ફેક્ટ, બંને સેક્સભૂખ્યાં હોય એવું વધારે લાગે છે.

ફિલ્મનું એક સ્ટ્રોન્ગ પાસું છે એના ડાયલોગ્સ. સિદ્ધાર્થ-ગરિમા અને ખુદ ભણસાલીના આ સંવાદો ખરેખર મજા કરાવે છે. જેમ કે, બડા બેશરમ, બદતમીઝ ઔર ખુદગર્ઝ હોતા હૈ યે પ્યાર, લેકિન પ્યાર તો પ્યાર હોતા હૈ ના; ઇસસે બડી સઝા ક્યા હોગી કિ જાન નિકાલ લી ઔર ઝિંદા ભી છોડ દિયા; ડોન સોગ નહીં મનાતે, સિર્ફ જશ્ન મનાતે હૈ; જબ રામ નામ કા રાગ લગે, પાની મેં ભી આગ લગે વગેરે. પરંતુ સચિનની કારકિર્દી જેવડો મોટો લોચો એ છે કે ફિલ્મમાં અશ્લીલ સંવાદો અને સજેસ્ટિવ અશ્લીલતાની પણ ભરમાર છે. એનાં ઉદાહરણો અહીં આપવા સુરુચિનો ભંગ ગણાશે.

કલ્ચરલ લોચા

જેમ રામ ગોપાલ વર્માને હિંસા અને નેગેટિવિટીનું ઓબ્સેશન છે એ જ રીતે સંજય ભણસાલીને ભવ્યતા અને વિવિધ સંસ્કૃતિઓના સંદર્ભોનું વળગણ છે. એના અતિરેકમાં લોચા પણ થઇ જાય. જેમ કે, દીપિકા હાડોહાડ ગુજરાતી હોવા છતાં હાથમાં ધૂપદાની લઇને બંગાળી દુર્ગાપૂજાની આરતીની સ્ટાઇલમાં તે ફેરવે, રાવણદહનના સરઘસમાં દુર્ગાપૂજા મહોત્સવ જેવાં મહોરાં પહેરીને લોકો ફરતા હોય, દીપિકાના રૂમમાં તો ઠીક કોઇ સસ્તી લોજની દીવાલો પર પણ રાજા રવિ વર્માનાં પેઇન્ટિંગ્સ લાગેલાં હોય એ અતિરેક લાગે, નવરાત્રિમાં સુપ્રિયા પાઠક માતાજીને બદલે અજંતાની ગુફાઓમાં છે એવી ભગવાન શિવની મૂર્તિને આરતી કરે. આવાં ક્રોસ કલ્ચરલ રેફરન્સિસ બતાવવા પાછળ શું આશય હશે એ તો ભણસાલીને જ ખબર!

મન મોર બની થનગાટ કરે

રામલીલામાં ભણસાલીએ ગુજરાતીપણું આબેહૂબ ઝીલ્યું છે. પ્રદેશ પ્રમાણે પાત્રોના પહેરવેશ પરફેક્ટ છે. ગુજરાતી ગામના સેટ થોડા ગીચ છે પણ ગુજરાતી સંદર્ભોથી ભરચક છે (બેકગ્રાઉન્ડમાં એક થિયેટરમાં ‘પ્રીત પિયુ ને પરણેતર’ ફિલ્મ પણ ચાલતી બતાવાઇ છે!). બધાં જ પાત્રોએ ગુજરાતી તળપદી બોલી આત્મસાત્ કરી છે, એકમાત્ર સુપ્રિયા પાઠકના અપવાદ સિવાય. પોતે ગુજરાતી હોવા છતાં એમની બોલવાની સ્ટાઇલ ખિચડી સિરિયલના એમના પાત્ર હંસાની જ યાદ અપાવે છે, જે ખરેખર આયરની છે.

રામલીલા જેનાથી શરૂ થાય છે, એ મન મોર બની થનગાટ કરે ગીતની ક્રેડિટ એના સર્જક ઝવેરચંદ મેઘાણીને આપવા અંગે વિવાદ થયો એ ઊલટું સારું થયું. હવે મેઘાણીને ફિલ્મની શરૂઆતમાં જ એમના ફોટોગ્રાફ સાથે ક્રેડિટ અપાઇ છે. આશા રાખીએ કે ફિલ્મમાં બે વખત આવતું આ ગીત સાંભળીને નવી પેઢી મેઘાણી તરફ આકર્ષાય. રામલીલાનું સમગ્ર મ્યુઝિક ખુદ ભણસાલીએ કમ્પોઝ કર્યું છે એટલે એમાં કંઇ કહેવાપણું હોય જ નહીં. નગાડે સંગ ઢોલ બાજે જેવાં જોશીલા ગીત ઉપરાંત મારે ટોડલે બેઠો મોર અને ભાઇ ભાઇ જેવાં ગીતો મોટા પડદે જોઇને શેર લોહી ચડી જાય છે!

લેકિન ભણસાલી પણ પોતાની જાતને રિપીટ કરવામાંથી બચી શક્યા નથી. એમના જાણીતા સેટ્સ વગેરે ઉપરાંત દીપિકા રામના નામની બૂમો પાડે એ તમને ‘દેવદાસ’ની અને અન્ય એક સીનમાં ‘હમ દિલ દે ચૂકે સનમ’ની ઐશ્વર્યાની જ યાદ અપાવે.

સવાયા ગુજરાતીઓ

રામલીલામાં ગુજરાતી બનેલાં દીપિકા, રણવીર, અભિમન્યુ સિંઘ, રિચા ચઢ્ઢા, ગુલશન દેવૈયા, બરખા બિશ્ત, રઝા મુરાદ વગેરે બધાં પાક્કાં ગુજરાતીઓ લાગે છે. એટલું જ નહીં, એમની એક્ટિંગ પણ તલવારની ધાર જેવી છે. હોમી વાડિયા ગેટઅપમાં મસ્ત લાગે છે પણ એમના ભાગે ખાસ કશું આવ્યું નથી. ગોડમધર જેવા રોલમાં સુપ્રિયા પાઠક જામે છે, પણ એમની કેરિકેચરિશ ગુજરાતી બોલીએ દાટ વાળ્યો છે.

154 મિનિટ્સને અંતે

દોઢસો પ્લસ મિનિટ્સ લાંબી રામલીલામાં પ્રિયંકાવાળું ગીત અને અમુક સીન્સ કાપીને નાની કરવાની જરૂર હતી. અમુક ઠેકાણે અનુરાગ કશ્યપની ગુલાલની, ક્યાંક ઇશકઝાદેની તો ક્યાંક કેતન મહેતાની ‘મિર્ચ મસાલા’ની યાદ અપાવતી રામલીલા સંજય લીલા ભણસાલીની મહેનત માટે પણ જોવા જેવી તો ખરી જ. તમામ વિવાદોને સાઇડમાં મૂકીએ તો પણ એક વિચાર એ આવે કે જો ભણસાલી ગુજરાતના કલ્ચરને આટલી સારી રીતે બતાવી શકતા હોય, તો એમણે રોમિયો જુલિયેટની પરદેશી અને અત્યંત જાણીતી વાર્તા શા માટે પસંદ કરી હશે? એને બદલે એ ખુદ ઝવેરચંદ મેઘાણીની જ કોઇ અફલાતૂન વાર્તા પસંદ કરી શક્યા હોત! એની વે, તમે તૈયાર થઇ જાઓ કમ્પ્લિટ ભણસાલી એક્સપીરિયન્સ માટે!

રેટિંગઃ ***1/2 (સાડા ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.