બૅન્ક ચોર

ચોર કરે બોર

***

કોમેડીનું ટ્રેલર બતાવીને થ્રિલર પકડાવી દેનારી આ ફિલ્મમાં નથી સરખી કોમેડી કે નથી ઠેકાણાસરનું થ્રિલ.

***

bankchor-2કુંદન શાહની કલ્ટ કોમેડી ફિલ્મ ‘જાને ભી દો યારો’ના ક્લાઇમેક્સનો ‘મહાભારત’વાળો સીન યાદ છે? સ્ટેજ પર ‘મહાભારત’નું નાટક ભજવાતું હોય અને દર થોડી વારે નવાં નવાં પાત્રોની ઍન્ટ્રી થયા કરે. ગરબડ-ગોટાળા અને એવા ભવાડા થાય કે સિંહાસન પર બિરાજેલા ધૃતરાષ્ટ્ર બિચારા દર થોડીવારે બોલ્યા કરે, ‘યે સબ ક્યા હો રહા હૈ?’ ડિટ્ટો એવી જ સ્થિતિ આ ફિલ્મ ‘બૅન્ક ચોર’ જોતી વખતે થાય છે. એક તો ટ્રેલરમાં આપણને બતાવવામાં આવેલું કે આ ફિલ્મ આઉટ એન્ડ આઉટ કોમેડી ઑફ ઍરર્સ હશે. ડબલ મીનિંગ ટાઇટલ પરથી એવી પણ બીક હતી કે આ ફિલ્મ અશ્લીલ જોક્સની ભરમાર ધરાવતી પણ હોઈ શકે. લેકિન નો. આ ફિલ્મ બેમાંથી કશું જ નથી. સ્ટાર્ટિંગની થોડીવાર પછી આ ફિલ્મ એક સિરિયસ ક્રાઇમ થ્રિલરમાં કન્વર્ટ થઈ જાય છે અને આપણું માથું ચૂલા પર મૂકેલા પ્રેશર કૂકરમાં, જે ગમે ત્યારે ફાટી શકે છે.

બૅન્કનું નહીં, બુદ્ધિનું ઊઠમણું

ચંપક ચંદ્રકાંત ચિપલુણકર (રિતેશ દેશમુખ) નામનો મરાઠી માણુસ પોતાના બે ભાડુતી સાગરિતો સાથે એક બૅન્કમાં ઘૂસે છે. ઘોડા અને હાથીના માસ્ક પહેરીને આવેલા આ ત્રણેય વાસ્તવમાં બુદ્ધિના બળદિયા છે. એટલે બૅન્ક લૂંટવામાં લોચા પર લોચા મારે છે. બહાર મીડિયા, પોલીસ, CBIનું ‘પીપલી લાઇવ’ શરૂ થઈ જાય છે. બૅન્કમાં ધાડ પડ્યાના સમાચાર સાંભળીને રાજ્યના ગૃહ મંત્રીની પણ હવા ટાઇટ થઈ જાય છે. ગભરાયેલા ચોરલોકો નક્કી કરે છે કે ચૂલામાં ગઈ બૅન્ક રોબરી, પતલી ગલી સે છટકો અહીંથી. બહાર CBI ઑફિસર અમજદ ખાન (વિવેક ઓબેરોય) મૂછો મરડતો રહી જાય છે અને બૅન્કનું ઑપરેશન પાર પણ પડી જાય છે. બટ વેઇટ. બૅન્કમાંથી શું ચોરાયું? કોણે ચોર્યું? કેવી રીતે ચોરાયું? શા માટે ચોરાયું? જો તમારું દિમાગ ચોરાયું નહીં હોય તો ફિલ્મના અંતે આવતા ટ્વિસ્ટમાં આ સવાલોના જવાબ મળી જશે.

બમ્પી રાઇડ

આ ફિલ્મના ડિરેક્ટરનું નામ બમ્પી છે. એમના નામ કરતાં ક્યાંય વધુ બમ્પ આ ફિલ્મમાં છે અને એમાં જ ફિલ્મ ક્યાંય આગળ વધતી નથી. ફિલ્મની શરૂઆત ટિપિકલ ગૂફી કોમેડીથી અને સીધી બૅન્ક રોબરીથી જ થાય છે. બૅન્કનું નામ ‘બૅન્ક ઑફ ઇન્ડિયન્સ’ છે. ત્રણમાંથી બે ચોર દિલ્હી-NCRના છે અને એક ચોર બમ્બૈયા મરાઠી છે. ત્રણેય વચ્ચે સતત દિલ્હી વર્સસ મુંબઈ અને ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ની ‘માયા સારાભાઈ’ની સ્ટાઇલમાં ‘ફરિદાબાદ વર્સસ ગાઝિયાબાદ’ની નોકઝોક ચાલે છે. એક તબક્કે એ લોકો મુંબઈમાં આઉટસાઇડરો પર થતા હુમલાના મુદ્દે પણ સળી કરી લે છે. એકેય બૅન્ક લૂંટારૂની ગનમાં સરખી ગોળીઓ નથી, તો એક ચોર વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષમાં માને છે. બૅન્કમાં બંધક બનાવાયેલા લોકોમાં બાબા સેહગલ પણ છે, એઝ હિમસેલ્ફ. એ પોતાની સ્ટાઇલમાં રૅપ સોંગ પણ ગાય છે અને અત્યારના ‘યો યો’ કરતા ગાયકોની પટ્ટી પણ ઉતારે છે. બહાર સતત મૂછે તાવ દીધે રાખતા CBI ઑફિસર અમજદ ખાનને પુછાય છે, ‘કિતને આદમી થે?’ હાઈ હીલ અને વધુ પડતું લૉ કટ ટૉપ પહેરીને રિપોર્ટિંગ કરતી ન્યુઝ ચૅનલની રિપોર્ટરનું નામ છે ગાયત્રી ગાંગુલી, જે પોતાને ‘ગાગા’ (એઝ ઇન લૅડી ગાગા) તરીકે ઓળખાવે છે. એનો રોલ મૉડલ છે ‘આર્ગો’ યાને કે અર્નબ ગોસ્વામી.

એટલું સ્વીકારવું પડે કે શરૂઆતની આ સિક્વન્સીસ આપણને હસાવે છે. આપણા મગજમાં સિતારના બૅકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે આપણને એવાય વિચારો આવવા માંડે કે જો આમ જ ચાલતું રહ્યું તો આ ફિલ્મ હૉલિવૂડની ‘ડૉગ ડે આફ્ટરનૂન’ જેવી સિરિયસ ફિલ્મની મસ્ત સ્પૂફ બની શકશે. ત્યાં જ ડિરેક્ટર બમ્પી એક બમ્પ લાવે છે. ફિલ્મમાં એક ભ્રષ્ટ નેતા (ઉપેન્દ્ર લિમયે) અને સાહિલ વૈદ્યની એન્ટ્રી થાય છે. ‘હમ્પ્ટી શર્મા’ અને ‘બદ્રીનાથ’ની દુલ્હનિયાઓમાં વરુણ ધવનનો ભાઇબંધ બનનારો સાહિલ અહીં વાળને બદલે દાઢી વધારીને આવ્યો છે. ઉપરથી કોમેડીને બદલે ગુંડાગીરી કરે છે. એ સાથે જ ફિલ્મ પ્યોર ક્રાઇમ થ્રિલરની ગલીમાં ઘૂસી જાય છે. લિટરલી કોઈ ભળતી સ્ક્રિપ્ટનાં પાનાં પર ભૂલથી શૂટિંગ થઈ ગયું હોય એવો ની જર્ક ટર્ન છે આ.

વધુ ઇરિટેશનની વાત એ છે કે ફિલ્મની સ્ટોરી આગળ વધવાને બદલે સીન બૅન્કની અંદર ને બહાર શટલકૉક થયા કરે છે. અને આપણે અગેઇન, ‘અરે ભાઈ, યે ક્યા હો રહા હૈ?’ નો ડાઉટ, સાહિલ વૈદ્ય એકદમ કૉન્ફિડન્સથી પોતાનો નેગેટિવ રોલ ભજવે છે, પરંતુ ફિલ્મના વચ્ચેના પોર્શનમાં એ એટલો બધો છવાઈ જાય છે કે રિતેશ દેશમુખ રીતસર સાઇડમાં ધકેલાઈ જાય છે. ફિલ્મનો સબપ્લોટ એવો કન્ફ્યુઝિંગ છે કે શું એક્ઝેક્ટ્લી શું થઈ રહ્યું છે, કોણ કોના માટે કામ કરે છે અને કોણ શું ચોરવા આવ્યું છે તે સમજાવવા માટે એક અલગ ગાઇડ બહાર પાડવી પડે.

પડદા પર થ્રિલ કે કોમેડી બંનેના અભાવે આપણું મન વિચારે ચડી જાય છે કે, રેગ્યુલર બૅન્ક રોબરીના કૅસમાં CBI શું કરે છે? અને CBI ક્યારથી મૌકા-એ-વારદાત પર ભડાકા કરવા માંડી? (જોકે, હવે CBIનો KRA બદલાયો છે એટલે હોઈ શકે કદાચ.) એક બાહોશ ગણાતો CBI ઑફિસર TV રિપોર્ટર પાસેથી હોસ્ટેજ ક્રાઇસિસ સોલ્વ કરવાની ટિપ્સ લે? જાણીતી ન્યુઝ ચૅનલ પર કોઇપણ વ્યક્તિ આવીને રિપોર્ટિંગ કરી જાય અને કોઇને ખબર પણ ન પડે? CBIવાળા બિનધાસ્ત કોઇપણ નેતા પર મીડિયા સમક્ષ આરોપ મૂકી શકે? મીડિયા પર્સનને ક્રાઇમ સીનમાં ઘુસાડી શકે? ગુનેગાર કોણ છે તે કોઇનેય છેક સુધી ખબર પણ ન પડે? બાબા સેહગલ હસાવતો હોવા છતાં શા માટે એને અધવચ્ચેથી જ વિદાય કરી દેવાયો?

આવા સવાલો અને ફિલ્મના લોજિક વિશે ચિંતન કરતા બેઠા હોઇએ ત્યારે જ ડિરેક્ટર વધુ એક બમ્પ લઈ આવે, ‘ટ્વિસ્ટ ઍન્ડિંગ’. રાઇટર લોગની મહત્ત્વાકાંક્ષા તમે જુઓ કે ટ્વિસ્ટ પણ સીધો હૉલિવૂડની ‘યુઝવલ સસ્પેક્ટ્સ’ કે ‘નાઉ યુ સી મી’ જેવી સુપર સ્માર્ટ ક્રાઇમ ફિલ્મોની યાદ અપાવે તેવો. એ ટ્વિસ્ટ જોઇને આપણા ચહેરા પર વધુ એક સ્મિત આવે. ત્યાં જ ટ્વિસ્ટની સમજૂતિ જોઇને ફરી પાછા કેટલાક સવાલો થવા માંડે. એ જ વખતે આપણા સદનસીબે ફિલ્મ પૂરી જાહેર કરી દેવામાં આવે અને આપણે પણ ફિલ્મના બંધકોની જેમ સહી સલામત બહાર આવી જઇએ, વેલ ઑલમોસ્ટ.

આખિર ક્યોં?

‘નેશન વૉન્ટ્સ ટુ નૉ’ જેવા સવાલ તો એ પણ છે કે શા માટે કરોડોના ખર્ચે આવી બાલિશ ફિલ્મો બને છે? અને શા માટે રિતેશ જેવો ટેલેન્ટેડ એક્ટર આવી વાહિયાત ફિલ્મોમાં પોતાની ટેલેન્ટ વેડફે છે? જોકે રાઇટિંગ ઑન ધ વૉલ ક્લિયર છે કે આ ફિલ્મથી સલામત અંતર જાળવવું. જોવી જ હોય તો ભવિષ્યમાં જ્યારે ટેલિવિઝન પર કે ઑનલાઇન જોવા મળે ત્યારે ગિલ્ટી પ્લેઝરના ભાગરૂપે જોઈ શકાય, પોતાના હિસાબે ને જોખમે.

રેટિંગઃ * (એક સ્ટાર)

(Reviewed for Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

સોનાલી કેબલ

ધીમી ગતિના સમાચાર

***

સ્થાનિક બિઝનેસને ખાઈ જતી તોતિંગ બિઝનેસ શાર્ક્સનો ઇનોવેટિવ સબ્જેક્ટ આળસુ ટ્રીટમેન્ટમાં તદ્દન વેડફાઈ ગયો છે.

***

02-sonali-cableતમને યુટ્યૂબ પર એક મસ્ત વીડિયો મળી ગયો છે. તેને જોવા માટે તમે ક્લિક કરો છો, પરંતુ તમારું કંગાળ ઈન્ટરનેટ કનેક્શન એ વીડિયો પ્લે કરવામાં એટલી બધી વાર લગાડે છે કે ત્યાં સુધીમાં તો કાચબો પણ મેરેથોન પૂરી કરી દે. આખરે કંટાળીને તમે વીડિયો જોવાનો પ્લાન જ માંડી વાળો છો. બસ, આવા જ કંઇક હાલ ક્યુટ ક્યુટ રિયા ચક્રવર્તીને ચમકાવતી ફિલ્મ ‘સોનાલી કેબલ’ના થયા છે. સ્ટોરી એકદમ તાજગીસભર, પરંતુ આખી ફિલ્મ જૂના ઇલાસ્ટિક જેવી સાવ ઢીલીઢાલી.

બડી મછલી ઇટ્સ છોટી મછલી

સોનાલી તંડીલ (રિયા ચક્રવર્તી) મુંબઈમાં ‘સોનાલી કેબલ સેન્ટર’ નામે કેબલ અને બ્રોડબેન્ડ સર્વિસ ચલાવે છે. પરંતુ અચાનક માર્કેટમાં એક કાઠિયાવાડી બિગ બિગ બિઝનેસમેન નારાયણસિંહ વાઘેલા (અનુપમ ખેર) ‘શાઇનિંગ’ નામની નવી બ્રોડબેન્ડ સર્વિસ લઇને આવે છે અને આખા મુંબઈ શહેર પર ફરી વળે છે. મોટી શાર્ક માછલી નાની નાની માછલીઓને ગળી જાય એ રીતે શાઇનિંગ કેબલ ધડાધડ નાની લોકલ કેબલ સર્વિસીઝને ખાઈ જાય છે. એમાં આ સોનાલી કેબલનો પણ વારો નીકળી જાય છે. પરંતુ સોનાલી માથા ફરેલી છે. એ આ બિઝનેસ શાર્કને તાબે થવાનો ઇનકાર કરી દે છે. પરિણામે લોહી પણ વહે છે અને સોનાલીના નામની સુપારી પણ નીકળે છે.

આ બધી ભાંજગડની વચ્ચે સોનાલી એના બાળપણના દોસ્તાર રઘુ (અલી ફઝલ) ના પ્રેમમાં પડે છે. આ રઘુ સ્થાનિક રાજકારણી મીનાતાઈ પવાર (સ્મિતા જયકર)નો અમેરિકા રિટર્ન દીકરો છે. એક તબક્કો એવો આવે છે કે શાઇનિંગ કેબલ છેક ઉપલા લેવલે સેટિંગ કરીને રાજકારણીઓ સાથે પણ સાંઠગાંઠ કરી લે છે. આખરે સોનાલી કેબલ નામની કીડી શાઇનિંગ કેબલ નામના હાથીને પછાડવા માટે એક પ્લાન ઘડી કાઢે છે.

છોટોં કા મહત્ત્વ

સૌથી પહેલી વાત, કે આ ફિલ્મનો સબ્જેક્ટ ખરેખર સારો છે. માત્ર ભારત જ નહીં, સમગ્ર વિશ્વમાં થઈ રહ્યું છે કે પાણીથી લઇને કરિયાણાની દુકાનો સુધીની વસ્તુઓમાં વિરાટ કંપનીઓ કબ્જો જમાવી રહી છે અને નાના વેપારીઓનો ખો નીકળી રહ્યો છે. આ વિષય પર હિન્દીમાં ભાગ્યે જ કોઈ મનોરંજક ફિલ્મ બની છે. રાઇટર-ડિરેક્ટર ચારુદત્ત આચાર્યે ‘સોનાલી કેબલ’માં આ મુદ્દો ઉઠાવ્યો છે. પરંતુ રાઇટિંગની નબળાઈ કહો કે એક્ઝિક્યુશનની ઊણપ, આ ઉમદા સબ્જેક્ટ તદ્દન વેડફાઈ ગયો છે.

ફિલ્મની શરૂઆત ખરેખર સારી થાય છે. જાણે સ્પાઇડરમેન આંટાફેરા મારી ગયો હોય એમ શહેરના આકાશમાં રચાયેલાં કરોળિયાનાં જાળાં જેવા કેબલના વાયર્સ બિછાવવાની ઇન્ટરેસ્ટિંગ પ્રક્રિયા, કેબલ અને ઇન્ટરનેટ પ્રોવાઇડર્સનું કામકાજ, બમ્બૈયા ટપોરી પ્લસ મરાઠી પ્લસ હિન્દી લેંગ્વેજની ખીચડી, ગમી જાય એવાં કેરેક્ટર્સ… આ બધું જ શરૂઆતમાં મજા કરાવે છે. પરંતુ એ મજા માત્ર પહેલી પંદરેક મિનિટ જ ટકે છે. પછી કેબલ કનેક્શન વિનાના ટીવીની જેમ ફિલ્મ ખાલી ડબ્બો બનીને રહી જાય છે.

આમ થવા પાછળના લોચા ઘણા છે. જેમ કે, ઢીલો સ્ક્રીનપ્લે. માત્ર 127 મિનિટની જ હોવા છતાં ફિલ્મ સાવ કોઈ સોપ ઓપેરાની જેમ ધીમી ગતિએ ચાલે છે. પરિણામે મુદ્દો ગંભીર હોવા છતાં તેની સ્મોલ વર્સસ બિગની થ્રિલ અનુભવાતી જ નથી. બીજો લોચો નબળી એક્ટિંગનો છે. હિરોઇન રિયા ચક્રવર્તી સુપર ડુપર ક્યુટ છે અને એણે સારું પરફોર્મ કરવાનો ઓનેસ્ટ્લી પ્રયાસ પણ કર્યો છે. પરંતુ બિચારીના નાજુક ખભા આખી ફિલ્મ ઉપાડી શકવા અસમર્થ છે. થોડી નોંધપાત્ર એક્ટિંગ ગુજરાતી બિઝનેસમેન બનતા અનુપમ ખેરની છે. સતત એક કાનમાં ઇઅરબડ રાખીને ફરતા અને ખાખરો ખાયા કરતા અનુપમ ક્રૂર ઉદ્યોગપતિ તરીકે જામે છે, પણ એય મહેમાન કલાકારની જેમ જ આવ-જા કર્યે રાખે છે. હિરોઇનના પપ્પા તરીકે આ વખતે ગાયક-ગીતકાર સ્વાનંદ કિરકિરે સારા લાગે છે, પણ એમના ભાગે ખાસ કશું કરવાનું આવ્યું નથી. હીરો અલી ફઝલ અને સતત હાથમાં સિગારેટ લઇને ફરતાં સ્મિતા જયકર પણ ખાસ જામતાં નથી. એક માત્ર ‘સદા’ બનતો નવોદિત જુવાનિયો રાઘવ જુયાલ મસ્ત ડાન્સ કરે છે એ જોવાની મજા પડે છે એટલું જ.

ફિલ્મમાં ચાર-ચાર સંગીતકારો છે, પણ સમ ખાવા પૂરતું એકેય ગીત મજા પડે એવું બન્યું નથી. ક્લાઇમેક્સમાં પણ ઇસ્ત્રી કરવાનાં કપડાંનું જેમતેમ પોટલું વાળી દેતા હોય એ રીતે આખી ફિલ્મનું ફીંડલું વાળી દેવામાં આવ્યું છે. ઇન શોર્ટ, કશું જામતું નથી.

સોનાલીનું કેબલ લેવાય?

અગાઉ એમટીવીની વીજે રહી ચૂકેલી રિયા ચક્રવર્તીનું નામ સાંભળીને તમારા મનમાં લડ્ડુ ફૂટતા હોય અને તમે આ ફિલ્મ જોવા માટે ધક્કો ખાઓ તો સમજી શકાય. બાકી આ ફિલ્મનો વિષય ઉમદા હોવા છતાં ટિકિટનો ખર્ચો કરવા જેવો નથી. મીન્સ સોનાલી ગમે તેટલી મસ્ત હોય, એનું કેબલ કનેક્શન લેવા જેવું નથી.

રેટિંગ: *1/2 (દોઢ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

 

સોનાલી કેબલ

મારા જેવા ઘણાય હશે જે એક જમાનામાં વીજે હોઝેની સાથે આવતી ચિબાવલી રિયા ચક્રવર્તી માટે ખાસ એમટીવી વૉસ્સપ મૂકીને બેઠા રહેતા હશે. પછી અચાનક રિયા એમટીવી પરથી મિસ ઇન્ડિયા થઈ ગઈ. એની સાથે વીજે હોઝે અને આખેઆખા પ્રોગ્રામ વૉસ્સપનું પણ ફીંડલું વળી ગયું. ત્યાં તો રિયાડી ‘મેરે ડેડ કી મારુતિ’માં આવી ને થયું કે હાશ છોકરી હજી નજર સામે જ છે! પણ પછી ચુરમાના લાડુ ભાવતા હોય અને થાળી ભરીને ચુરમું જ પીરસી દો તો કંઈ આખી થાળી થોડી બને? સારું ચલો, થોડી કડવા લીમડાની ચટણી પિરસો તોય એ ફુલ ડિશની વ્યાખ્યામાં આવે? અમને તો ન ચાલે, રિયાડીના સમ.

ફિલ્મનો સબ્જેક્ટ મજાનો છે, એકદમ ઇનોવેટિવ. માર્કેટમાં મોટી શાર્ક આવે અને નાની માછલીઓને ગળી જાય. બિઝનેસ કોઈ પણ હોય મરો નાના માણસનો જ થાય. અહીં કેબલ બિઝનેસ છે. શ્રૂડ બિઝનેસમેન અનુપમ ખેર કાઠિયાવાડી બન્યો છે (ડિરેક્ટરનો ઈશારો અંબાણીઓ તરફ હશે?). જોકે એ શ્રૂડ કરતાં ચક્રમ વધારે લાગે છે. પરંતુ ગમે તેવો ચક્કરબત્તી ગુજરાતી હોય તોય આખો દિવસ કોઈ ખાખરા ન ખાય! અહીં તો એક કાનમાં ઇયરબડ નાખીને ફરતા અનુપમે આખી ફિલ્મમાં ખાખરા ખાધા છે. સાલું એટલા ખાખરા તો પંદર દિવસ ચાલે.

જેમ થ્રીજી કનેક્શન લઇએ કે ટુજી, સ્પીડ તો ઓલમોસ્ટ સરખી જ આવે, એની જેમ સબ્જેક્ટ સારો હોય (અને હિરોઇન રાપચિક હોય) તોય અહીં કંટાળો તો એકસરખો જ આવે છે. અને આ કોણ છે યાર હીરો, અલી ફઝલ? એ સોર્ટ ઓફ બુંદિયાળ છે. એક તો ચહેરા પરથી જૂની કબજિયાતથી પીડાતો દેવદાસ લાગે છે અને એની એક્ટિંગમાં પણ કશો ભલીવાર હોતો નથી. એક્ચ્યુઅલી એનું નામ અલી ફઝલને બદલે ‘અલી ફિઝૂલ’ હોવું જોઇએ! હા, ‘સદા’ નામના પાત્રમાં એક રાઘવ જુયાલ કરીને જુવાનડો છે, એ સાલો મસ્ત નાચે છે. વિકિપીડિયા કહે છે કે કંઇક ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં પણ જલવા બિખેરીને આવ્યો છે. એને જોવો ગમે છે.

કંઈ નહીં, જવા દો. લખવાનો પણ કંટાળો આવે છે. ફિલ્મમાં વાત સાચી છે, પણ રીત ભંગાર છે. અને હા, મૉલ હોય કે કેબલ, અંતે તો ડાર્વિન દાદા જ સાચા ઠરે છે.

બાય ધ વે, આ ફિલ્મ જેવો જ સબ્જેક્ટ ધરાવતી એક અત્યંત સંવેદનશીલ કન્નડ ફિલ્મ મેં ગયા વર્ષે IFFIમાં જોયેલી, ‘ભારત સ્ટોર્સ.’ રસ હોય અને ક્યાંકથી મેળ પડે તો જોઈ પાડજો.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.