Oxford Book Store, Darjeeling

1દાર્જીલિંગનાં ‘સાઇટ સીઇંગ’ના ફિક્સ્ડ પોઇન્ટ્સ, હેરિટેજ ‘ટોય ટ્રેન’ અને શોપિંગમાંથી ટાઇમ કાઢીને મૉલ રોડ કહેતા નેહરુ રોડ પર ટહેલવા નીકળો એટલે રોડના સામેના છેડે એક જબરદસ્ત ચોક આવે. ત્યાં એને ‘ચૌરસ્તા’ નામ અપાયું છે. ચીનના ‘ટિયાનનમેન સ્ક્વેર’ કરતાં સહેજ જ નાનો હશે! એયને મોટો ચોક, ચોકના એક છેડે વિશાળ એમ્ફિ થિયેટર, તેને અડીને અમદાવાદના કોઈ મલ્ટિપ્લેક્સ કરતાં જરાક મોટો સ્ક્રીન (જેના પર ટાટા સ્કાય કૃપાથી IPL ચાલતી હોય). અમે ગયાં ત્યારે કોઈ બંગાળી ફિલ્મના શૂટિંગ માટે દુર્ગાપૂજાનો વિશાળ પંડાલ ઊભો કરવાનું કાર્ય જોરશોરથી ચાલી રહ્યું હતું! ચોકની વચ્ચે ઘોડેસવારી કરાવનારાઓ રોકડી કરી લેવાની ફિરાકમાં હોય. સમગ્ર મૉલ રોડ અને ચૌરસ્તા પર વાહનોને નો એન્ટ્રી એટલે આખો વખત ‘હેપ્પી સ્ટ્રીટ’ જ ચાલતી હોય! તમે ચાહો તો મહાકાલ માર્કેટમાં ગરમ કપડાં જોઈ શકો, સ્ટ્રીટ વેન્ડર પાસેથી મોમો-ચાઉમીન-એગ રોલ ખરીદીને પેટમાં પધરાવી શકો કે પછી ચોકની બાઉન્ડરીએ બેસાડેલા બાંકડાઓ પર બેસીને શાંતિથી બ્લેક ટીની ચુસ્કીઓ લેતાં લેતાં આંખ સામેના આઈ મેક્સ દૃશ્યને દિમાગની મેમરીમાં ભરી શકો. આ બધુંય કરી લીધા પછી મારી આંખો ફોકસ થઈ સામે આવેલી પહાડી સ્ટાઇલની લીલા રંગની એક દુકાન પર. નામ હતું, ‘ઓક્સફર્ડ બુક્સ એન્ડ સ્ટેશનરી કંપની’. એકઝાટકે મોમોને મોંમાં ઓરીને ને પેન્ટની પાછળ હાથ લૂછીને સ્લો મોશનમાં હડી કાઢતો પહોંચી ગયો ત્યાં અંદર.
 
કસમથી કહું છું, બાજુમાં ચાર-પાંચ સારા લેખકોનાં પુસ્તકોની થપ્પી કરી રાખી હોય તો વાંચીએ નહીં તોય, કંઇક સારા લોકોની સોબતમાં છીએ એવી ટાઢક તો જરૂર થાય! જ્યારે અહીં તો ઉમળકાથી રડી પડીએ એટલો વિરાટ પુસ્તકોનો સંસાર મારી આંખ સામે હિલ્લોળા લઈ રહ્યો હતો. ભોંયતળિયાથી લઇને લિટરલી છતને અડે ત્યાં સુધી પુસ્તકો જ પુસ્તકો. ટ્રાવેલ અને એમાંય હિમાલયને કેન્દ્રમાં રાખીને લખાયેલાં પુસ્તકોનું જે વૈવિધ્ય ત્યાં હતું તે અત્યાર સુધી બીજે ક્યાંય જોયું નથી. ઇન્ટરનેટ ફેંદતાં જણાયું કે પહાડી સ્ટાઇલમાં બંધાયેલો આ સ્ટોર એટલિસ્ટ છ દાયકાથી ત્યાં ઊભો છે. ઇવન ત્યાંના સ્ટાફમાં પણ ચચ્ચાર દાયકાથી કામ કરતા માણસો મળી આવે. સ્ટોરની સજાવટ કે પ્રેઝન્ટેશનને બદલે પુસ્તકો જ ત્યાં કેન્દ્રમાં હતાં. બહાર સ્વેટરોની દુકાનમાં જેટલી ભીડ હતી તેના દસમા ભાગના લોકો પણ આ સ્ટોરમાં નહોતા. શૉપની અંદર એક પ્લેકાર્ડ પણ ઝૂલતું હતું, ‘વોન્ટેડ બ્રાઉઝર્સ, નો એક્સપિરિયન્સ રિક્વાયર્ડ.’ થોડી ખિન્નતા થઈ, પણ ત્યાં પ્રાઇમરી સ્કૂલની બે ટબુડીઓ જે રીતે પેંગ્વિન ક્લાસિક્સની એક પછી એક બુક હાથમાં લઇને એના વિશે ચર્ચા કરી રહી એ જોઇને હૈયે કાંચનજંઘા પર્વતનો મસ્ત ઠંડો બરફ પડ્યો.
 
શહેરી ચકાચૌંધથી દૂર નાનકડા સ્થળે આવો જબરદસ્ત બુક સ્ટોર જોઇને મને ગાડું ભરીને અદેખાઈ પણ આવી ગઈ કે મારા શહેરમાં આવો સ્ટોર કેમ ન હોય? (હા, અહીંયા ‘ક્રોસવર્ડ’ છે, બટ એ ઓક્સફર્ડ જેવા ડેડિકેટેડ સ્ટોરની વાત જ અલગ છે.) જો હોય તો હું મંદિરે જવાની નિયમિતતાથી ત્યાં આંટાફેરા કરતો રહું.
 
એ સ્ટોરમાં થોડી વારમાં તો હું ભૂલી ગયો કે હું ક્યાં છું. મારા ફેમિલી મેમ્બર્સને ખબર છે કે આના દિમાગની રેકર્ડમાં પિન એક ઠેકાણે ચોંટે પછી આગળ ખસવી મુશ્કેલ છે. એટલે ખૂબ બધું ચાલીને પણ એ લોકો ત્યાં ખાસ્સી વાર ટહેલતાં રહ્યાં અને મને અંકલ સ્ક્રૂજની જેમ પુસ્તકોના એ કુબેર ભંડારમાં ડૂબકીઓ મારવા દીધી (આમેય મને પરાણે ખેંચ્યો હોત તો ૩૫ વરસનો ઢાંઢો જમીન પર બેસીને પગ પછાડતો કજિયો કરતો હોય એ થોડું સારું લાગે?!).
 
બહાર અંધારું થવા માંડ્યું એટલે મને યાદ આવ્યું કે હજી હોટેલ પર પણ જવાનું છે. પરંતુ ખાલી હાથે તો એ મસ્ત સ્ટોરમાંથી કેવી રીતે નીકળાય? વળી, નવી મીઠી મૂંઝવણ શરૂ થઈ, કઈ બુક ખરીદવી? બધું જ ખરીદવા જેવું લાગે! કોઈ બુક હાથમાં લઇએ ત્યાં આપણો મિડલક્લાસ આત્મા પોકારી ઊઠે, ‘અલ્યા, આ બુકમાં તો એમેઝોન પર ૩૬ ટકા ડિસ્કાઉન્ટ છે!’ ખાસ્સી ગડમથલ કર્યા પછી થયું કે આમ તો મારો પાર જ નહીં આવે, હવે બ્રહ્માસ્ત્ર જ ચલાવવું પડશે. એ બ્રહ્માસ્ત્ર એટલે વન એન્ડ ઓન્લી ‘ધ રસ્કિન બોન્ડ’. ક્યારેય કોઇને, કોઇપણ ઉંમરની વ્યક્તિને ગિફ્ટમાં પુસ્તક આપવું હોય અને કયું પુસ્તક આપવું એ કન્ફ્યુઝન હોય તો બિનધાસ્ત રસ્કિન બોન્ડની કોઇપણ બુક આપી દેવાની. ‘તેરા વચન ન જાયે ખાલી’ની જેમ એને પસંદ પડશે જ પડશે.
 
2અને આમેય રસ્કિન બોન્ડ રહ્યા પહાડી માણસ. હિમાલયની ગોદમાં જ ઉછર્યા છે અને દાર્જીલિંગ જેવા જ મસૂરી પાસેના લેન્ડોરમાં તેઓ વસ્યા છે. પહાડી લાઇફ પર એમના જેવું આહલાદક ભાગ્યે જ બીજું કોઈ લખી શકે. પ્લસ, મસૂરીના આવા જ મૉલ રોડ પર આવેલા ‘કેમ્બ્રિજ બુક ડેપો’માં દર શનિવારે બોન્ડ સાહેબ શિરકત કરે છે અને એમના ચાહકો એમની રાહ જોઇને જ ઊભા હોય છે. એટલે મેં પસંદ કરી રસ્કિન બોન્ડની સંસ્મરણાત્મક બુક ‘સીન્સ ફ્રોમ અ રાઇટર્સ લાઇફ’. એમણે આ બુક પાછી મને ડેડિકેટ કરી છે, મીન્સ કે, એમણે અર્પણના પેજ પર ‘ફોર યુ, માય જેન્ટલ રીડર’ એવું લખ્યું છે! ઉપરથી દાર્જીલિંગના એ ‘ઓક્સફર્ડ બુક સ્ટોર’માંથી ખરીદ્યાની નિશાની તરીકે બુકમાં ત્યાંનો સ્ટેમ્પ અને ચાના બગીચાથી લહેરાતું એક લીલુંછમ બુકમાર્ક પણ છે. આજથી બે-ચાર દાયકા પછી જ્યારે આ બુકનાં પાનાં પર હાથ ફેરવીશ ત્યારે ઉપર લખેલી આખીયે વાત એટલી જ તીવ્રતાથી સજીવન થઈ જશે!34

 
લોંગ લિવ બુક્સ, લોંગ લિવ ધ રીડર!
હેપ્પી વર્લ્ડ બુક ડે.
Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.
Advertisements

બસ ને મહેતા સાહેબ, આવી કિટ્ટા કરી દેવાની?

‘દુનિયાને ઊંધાં ચશ્માં’ના સર્જક તારક મહેતાને શ્રદ્ધાંજલિ

***

 • 01-1488357223-tarakmehta2ઇન્ટ્રોવર્ટ બાળકોનું એક લક્ષણ હોય, એમને સાચુકલા મિત્રો ઓછા ને કાલ્પનિક મિત્રો વધારે હોય. મારુંય એવું જ હતું. પણ મારે કાલ્પનિક મિત્રો બનાવવા માટે કલ્પના કરવાની જરૂર નહોતી. કેમકે મારા માટે તારકભાઈએ કલ્પના કરીને આખેઆખી સૃષ્ટિ ખડી કરી દીધેલી. એ જ મારાં મિત્રો અને એ જ મારું યુનિવર્સ. માંડીને વાત કરું.
 • નાનપણમાં વેકેશનમાં નાના-નાનીના ઘરે (ઊના) જતાં ત્યારે અમુક દિવસ અમારો મુકામ ત્યાં જ રહેતાં અમારાં માસીને ત્યાં હોય. માસીની દીકરી-અમારી બડી કઝિન સિસ્ટર બહારગામ રહીને કોલેજનો અભ્યાસ કરે. એટલે એ પણ એ જ અરસામાં ત્યાં આવી હોય. માસીને ત્યાં દાયકાઓથી ‘ચિત્રલેખા’ આવે. તેના અંકોના થપ્પેથપ્પા એમની દીકરી વેકેશનમાં આવે ત્યારે વાંચી શકે એટલા માટે સાચવીને રાખેલા હોય. ઉનાળાની બપોરે કેરીનો રસ ઝાપટ્યા પછી હું ઝોકાં ખાતો બેઠો હોઉં, ત્યારે એ સિસ્ટર ચિત્રલેખા લઇને વાંચતી હોય. આટલે સુધી તો બરાબર, પણ વાંચતાં વાંચતાં એને હસવું આવે. એકદમ ખડખડાટ હાસ્ય. ક્યારેક તો એવી હસવે ચડી જાય કે મેગેઝિન બાજુ પર મૂકીને પેટ પકડીને હસ્યા જ કરે. હસતાં હસતાં આંખોમાંથી પાણી નીકળી આવે. મને આ જોઇને બહુ કૌતુક થાય. એવું તે વળી એમાં શું છે કે આને આટલું બધું હસવું આવે છે?! પણ એટલા ઝીણા અક્ષરોમાં લખેલું વાંચીને સમજવા જેટલી ઉંમર નહોતી. માસીના ઘરે મહેમાનો આવે તો વાતોમાંય કંઇક આવું આવે, ‘હવે ટપુડામાં પહેલાં જેવી મજા નથી આવતી…’ જવાબમાં મારી કઝિન સિસ્ટર કહે, ‘ના હોં, હજીયે એટલી જ મજા આવે છે…’
 • અમુક વેકેશનો પછી અમારી એ કઝિનની જગ્યાએ હું હતો. પછી તો ક્રમ થઈ ગયેલો. વેકેશનમાં માસીને ત્યાં રહેવાનું, સવારથી ખાંખાખોળાં કરીને વન બાય વન ચિત્રલેખા કાઢવાનાં અને ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ વાંચવા માંડવાનું. ત્યારથી લઇને આજ સુધી તારકભાઇએ સર્જેલાં એ પાત્રો સાથે એવી આત્મીયતા બંધાઈ કે આજની તારીખે પણ હું એ માની શકતો નથી કે જેઠાલાલ-ટપુડો, બેમાથાળો બોસ, રંજનદેવી, માળો વગેરે પાત્રો અસલી નહીં, બલકે કાલ્પનિક છે! વર્ષો પહેલાં એમની કોલમનો (દુનિયાને ઊંધાં ચશ્માં પહેરાવેલો) લોગો, લેખ સાથેનાં કાર્ટૂનિસ્ટ નારદનાં અને ત્યારબાદ દેવ ગઢવીનાં કાર્ટૂન અને ચાર-પાંચ પાનાંમાં પથરાયેલો એમનો નિતાંત સુંદર લેખ. એ વખતે તો એવું જ થતું કે બસ, આખી જિંદગી આ લેખો વાંચતાં વાંચતાં જ પસાર થઈ જાય તો કેવી મજા પડે!
 • હું અને મારો ભાઈ બંને વાંચવાના શોખીન છીએ એવી મમ્મી-પપ્પાને ખબર પડી એટલે અમારા ઘરે પણ ચિત્રલેખા-અભિયાન-સફારી આણિ મૅગેઝિનો આવતાં થયાં (પપ્પા તો આજની તારીખે પણ ચિત્રલેખામાં પહેલો લેખ એ જ વાંચી નાખે!). તારકભાઈનાં એ પાત્રો મારામાં અને હું એ પાત્રોની સાથે મોટો થતો ગયો. એમના ઘણા લેખો કટિંગ કરીને સાચવવાનું શરૂ કર્યું. લાઇબ્રેરીમાંથી પણ મળ્યાં તેટલાં પુસ્તકો લાવીને વાંચી નાખ્યાં. એમની સુપર્બ ડૅરિંગ આત્મકથા ‘એક્શન રિપ્લે, ભાગ 1-2’ તો બબ્બે વાર વાંચી નાખેલી. તેમાં એમણે બતાવેલી નિખાલસતા, હિંમત તો આજે ડાયનોસોરની જેમ તદ્દન લુપ્ત થઈ ગઈ છે. એક આત્મકથા કેવી હોય, તારક મહેતાના જીવનના અનેક રસપ્રદ કિસ્સા, એમનાં પાત્રોની સર્જનયાત્રા બધું એમની સ્ટાઇલમાં કહેતી એ આત્મકથા કોઇપણ પુસ્તકરસિયા માટે એકદમ મસ્ટ રીડ છે.
 • પોતાની જાતનું ‘ફિક્શનલાઇઝ્ડ વર્ઝન’ એવો શબ્દપ્રયોગ તો ‘ધ બિગ બૅન્ગ થિયરી’ જેવી સિટકોમ જોતા થયા ત્યારથી સાંભળવામાં આવ્યો. તારકભાઈએ દાયકાઓ અગાઉ તે સર્જી નાખેલું. પોતે, એમના ભૂતકાળના અનુભવો, સાંપ્રત રાજકારણ-ફિલ્મ-સમાજ વિશેનાં એમનાં અવલોકનો બધું અસલી હોય, પરંતુ મુંબઈનો એમનો માળો, માળાના રહેવાસીઓ, એમની ઑફિસ, મહેમાનો બધું કલ્પનાના રંગે રંગાયેલું હોય. જો એમના લેખો વાંચવાના અનુભવી ન હો, તો ક્યાં વાસ્તવિકતા પૂરી થાય અને ક્યાં એમની કલ્પનાસૃષ્ટિ શરૂ થાય એ કહી જ ન શકો. જ્યોતીન્દ્ર દવેને તેઓ પોતાના ગુરુ માને એટલે સેલ્ફ ડેપ્રિકેટિંગ હ્યુમર એમનામાં આપમેળે આવે (હવે તો સેલ્ફીના અને બેશરમ સેલ્ફ માર્કેટિંગના જમાનામાં સેલ્ફ ડેપ્રિકેટિંગ હ્યુમરનો પણ કાંકરો નીકળી ગયો છે). પોતાને રાજકારણમાં ટપ્પી પડતી નથી એવું કહે અને છતાં બેએક પેરેગ્રાફમાં એવું પૉલિટિકલ ઍનાલિસિસ કરી દે કે અત્યારના બની બેઠેલા પૉલિટિકલ ઍનાલિસ્ટોને તો પાણીની બાલદી પકડાવી દેવાનું મન થાય. તેઓ ફિલ્મ જોઇને તેને પોતના લેખમાં વણી લે, એ ઑબ્ઝર્વેશન કોઈ આલાગ્રૅન્ડ રિવ્યૂ કરતાં કમ ન હોય. છતાં ક્યાંય કશું હાસ્યના ભોગે નહીં.
 • તેઓ પોતાનાં પાત્રોને લઇને વૈષ્ણોદેવી, કુંભમેળો, ગોવા, કેરળ, આફ્રિકા, અમેરિકા, મિડલ ઇસ્ટની યાત્રાએ જાય, અને મને અંદરથી મજા પડી જાય. કોઈ પાત્ર સાથે ન હોય, તો મીઠી ખીજ ચડે કે લઈ લો ને, તમારે ક્યાં એની ટિકિટ ખરીદવાની છે? ટપુ ટોળકી સાથેની એ યાત્રાશ્રેણીઓ કોઇપણ ટ્રાવેલોગને ટક્કર આપે એવી બની છે, જેમાં જે તે સ્થળની માહિતી અને ઊંધાં ચશ્માં બ્રાન્ડ મનોરંજન બંનેનું H2O જેવું કોમ્બિનેશન હોય. એમાંય કોઈ નજીકની ટુરમાં ‘પાઉડર ગલી’ વિસ્તારના ખાઉધરા ‘એસ.ઈ.એમ. ચંદુલાલ’ સાથે હોય, કાઠિયાવાડી શૈલીમાં ‘ભાયું-બેનડિયું’ બોલતાં એ ખાવા-પીવાની ગાંસડીઓ બસમાં મુકાવે ત્યારે જે કૉઝી ફીલ આવે એનું શબ્દોમાં ટ્રાન્સલેશન શક્ય જ નથી.
 • એમનાં લખાણ અમારાં લોહીમાં એવાં ભળી ગયાં છે કે લોહી ટેસ્ટ કરાવીએ તો ‘ઊંધાં ચશ્માં’નાં સૅમ્પલ મળી આવે! પીધેલા જેઠાનું ‘મહેતુસ, યુ આર લાઇક બ્રધર યાર!’, ‘બેમાથાળા બૉસે (હોકલીમાંથી) ગુડ ગુડ ગુડ એવો અવાજ કર્યો’, ‘ચેતન બૅટરીએ ગજવામાંથી બૅટરીને બદલે ચાકુ કાઢ્યું અને જયેશ નામના યુવાનને મારી નાખ્યો. ચેતન બૅટરી તત્કાળ ચેતન ચાકુ થઈ ગયો’, ‘મહેતાસાહેબ, તમે યાર બહુ જુદાઈ રાખો છો, યાર’, ‘શરીરના ચોક્કસ ભાગમાં’, ‘પાછળના માંસલ ભાગમાં’, ‘ભળતું જ’, ‘કઢંગી હાલતમાં’, ‘સત્તાવાહી અવાજ’, ‘ભૈશાબ’… વગેરે ઢગલાબંધ શબ્દપ્રયોગો હું ને ભાવિન આજેય બોલચાલમાં વાપરીએ છીએ. તારકભાઈનાં ‘શ્રીમતીજી’ની જેમ જ મારાં ‘શ્રીમતીજી’ની સામે હું કોઈ બાબતે મોટેથી ‘હાય! હાય!’ બોલું ને એ સખ્ખત અકળાય!
 • સ્ટૅન લીનાં પાત્રો પરથી એક આખું ‘માર્વેલ યુનિવર્સ’ રચાયું છે, એ જ રીતે ‘ઊંધાં ચશ્માં’ એ તારક મહેતાનાં પાત્રોનું યુનિવર્સ છે (જેમાં ઓબ્વિયસલી ખુદ તારક મહેતા તેના કેન્દ્રમાં રહેલા બ્રાઇટેસ્ટ તારક એટલે કે સ્ટાર હોય!). તમે એમનું કોઇપણ પાત્ર પકડો એટલે એની બૅક સ્ટોરી હોય અને એની એક પોતીકી પર્સનાલિટી હોય. ફોર એક્ઝામ્પલ, બેમાથાળા બૉસ બાબુલાલ ઝવેરી. એ તુંડમિજાજી, બિઝનેસમાઇન્ડેડ, તરંગી હોય, છતાં પત્ની મંજરીદેવીથી દબાયેલા હોય. મંજરીદેવી હાઈસોસાયટીનાં શેઠાણી હોય. એમનો દીકરો યોગેશ સૅલી નામની ખ્રિસ્તી યુવતીને પરણ્યો હોય, જેનું નામ બદલીને સ્મિતા કરાયું હોય. ઇવન ઑફિસના મહાખેપાની પારેખને પણ એક ઘરજમાઈ માથે પડ્યો હોય, જે ફાસ્ટફૂડનો બિઝનેસ કરતો હોય અને એને લીધે જ પારેખને સજોડે રસોડામાં સૂઈ રહેવું પડતું હોય. ‘માર્વેલ’ એટસેટરાથી વિપરિત તારકભાઈની મજા એ કે કોઇપણ પાત્રની બૅક સ્ટોરી જાણવા માટે વિકિપીડિયા ફંફોસવું ન પડે. તમે ગમે તે આર્ટિકલથી વાંચવાનું શરૂ કરો કે કોઈ પાત્રની ઍન્ટ્રી થાય કે તારકભાઈએ તેની બૅક સ્ટોરી ઉમેરી જ દીધી હોય. જેમ કે, મલબાર હિલવાળાં શાંતિમાસા કઈ રીતે એમને પોતાની આત્મકથા લખવાનું પ્રેશર કરતા હોય અને એટલે જ ખૂબ પ્રેમભાવ છતાં એમને ત્યાં જવાનો કંટાળો આવતો હોય, જેઠાલાલ સાખપાડોસી હોય, તંબક તાવડો શા માટે પંચિયું પહેરીને ચાલીમાં સૂઈ રહે છે, વાંકો વિભાકર કોણ છે, શ્રીમતીજીને સૌ શા માટે ‘ચીકુબહેન’ કહે છે, તારક મહેતાને શા માટે પોતાના જ માળામાં જમાઈ તરીકે રહેતા હોય તેવું લાગે છે, વચલીને ‘વચલી’ શા માટે કહે છે, બેમાથાળા બૉસનાં સાસુ સુલોચનાબેન એટલે કે સુલુમાશી અને ચંપકલાલને કઈ રીતે મનમેળ થયો… મૂળ નાટકના જીવ એટલે એમનાં બધાં પાત્રોમાં, એમની સાઇકોલોજીમાં અને એના વર્ણનમાં એમણે એટલી બારીક કોતરણી કરી હોય કે તે પાત્ર થ્રી ડાઇમેન્શનમાં આપણી સામે ઊભું થઈ જાય (પાત્રોનાં વર્ણનોનું તો એક કમ્પાઇલેશન થઈ શકે!). લાંબું પૉલિટિકલ ઍનાલિસિસ તેઓ ‘બેસ્ટ’ની બસમાં એમના સહપ્રવાસી એવા પારસી સદગૃહસ્થ પાસે અથવા તો પાનના ગલ્લે ‘પત્રકાર પોપટલાલ પરિષદ’માં છત્રીધારી પોપટલાલ પાસે કરાવે (જે વ્હિસ્કીની અસર તળે હળવે હળવે ઝૂલતા હોય). ફિલ્મ જોતી વખતે ચંપકલાલના બખાળા સાંભળો તો અત્યારના તોતિંગ પૈસા વસૂલીને શૉ કરતા સ્ટેન્ડઅપ કોમેડિયનો પાની કમ ચાય લાગે.
 • કોઇપણ ઉંમરની વ્યક્તિ એમની આ લેખસિરીઝ વાંચે તો એટલો જ જલસો પડે. છતાં ક્યાંય કશું બાલિશ નહીં. ભલભલાને મરચાં લાગી જાય એવાં સટાયર હોવા છતાં ક્યારેય બિલો ધ બૅલ્ટ વાત નહીં. છાકો પાડવા માટે ફ્લૅશી ભાષા નહીં કે શબ્દોનાં જોડકણાંની જગ્લરી નહીં. એક જોકને ખેંચીને લેખમાં ખપાવવાની ખોરી દાનત તો દૂર દૂર સુધી નહીં. આપણે ત્યાં તો લોકો નવલકથાઓની નવલકથાઓ ઘસડી મારે છે, પણ બધાં પાત્રો એક જ ભાષા બોલતાં હોય. જ્યારે અહીં હિમ્મલલાલ માસ્તર, બેમાથાળા બૉસ, ચંપકલાલ, ટપુડો, સીંધી ચંદીરામાની, જસબીર કે એની પારસણ પત્ની નરગિસ તો ઠીક, એકાદ હપ્તા પૂરતાં ડોકાતાં પાત્રોની પણ બોલવાની આગવી સ્ટાઇલ હોય. કોઈ નોનસ્ટોપ બોલે, કોઈનો ‘કારણ શું?’ જેવો તકિયાકલામ હોય, બાલકૃષ્ણ બારોટ ઉર્ફ ‘બાબા’ને પગ ઘસડીને ચાલવાની ટેવ હોય, ભાર્ગવ પંડિત કેવી રીતે શ્રીમતીજીને એમના હાથની દાળઢોકળીનો મસ્કો મારતો હોય… એશિયન પેઇન્ટ્સનું શૅડ કાર્ડ પણ નાનું પડે એટલી બધી વેરાયટી એમનાં પાત્રોમાં હોય. આવી ટનબંધ વાતો કરી કરીને મેં વર્ષોથી બહુ બધાને બોર કર્યા છે (પૂછો મારાં શ્રીમતીજીને!).
 • ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ના લેખની સાથે શરૂઆતમાં નારદ અને ત્યારપછી દેવ ગઢવીનાં કાર્ટૂન્સ છપાતાં. એ કાર્ટૂન્સમાં પણ આ બંને દિગ્ગજ કાર્ટૂનિસ્ટોએ તારકભાઈની પાત્રસૃષ્ટિને કેવી આત્મસાત્ કરી છે તે એમનાં જબરદસ્ત ડિટેલિંગવાળાં (ડૅવિડ લો, લક્ષ્મણની યાદ અપાવે તેવાં) કાર્ટૂન્સ જુઓ એટલે સમજાઈ જાય. આપણાં મનમાં પાત્રોનો દેખાવ ઘડવામાં આ બંને કાર્ટૂનિસ્ટનો ફાળો જેવોતેવો નથી.
 • અફ કોર્સ, તારકભાઈએ ‘ઊંધાં ચશ્માં’ સિવાયનું પણ પુષ્કળ લખ્યું છે (એ પણ મેં છોડ્યું નથી, જેમ કે એમના ‘ખુલ્લા ખાનગી પત્રો’, ‘દોઢ ડાહ્યાની ડાયરી’, ‘સચ બોલે કુત્તા કાટે’, ‘બાવાનો બગીચો’), પરંતુ મારે મન તો ‘ઊંધાં ચશ્માં’ દૂસરો ન કોય! નેવુંના દાયકામાં તો એવી સ્થિતિ હતી કે એક અઠવાડિયું એમનો લેખ ન વાંચ્યો હોય, તો ચેન ન પડે. એમાંય ‘ચિત્રલેખા’ના દિવાળી અંકને તો હું ધિક્કારતો. કેમ કે, એક તો વચ્ચે એકાદ અંક બંધ હોય અને દિવાળી અંકમાં ઊંધાં ચશ્માંને બદલે સ્વતંત્ર હાસ્યલેખ હોય. એટલે જ એમના માળામાં ભાગ્યે જ ક્યારેય દિવાળી આવી છે! સાયન્સ સ્ટ્રીમમાં ઘૂસી ગયા પછી અવારનવાર ટપકી પડતા સ્ટ્રેસને ભગાડવા માટે એમના આ લેખોનાં કટિંગ્સ જ મારી એન્ટિ ડિપ્રેશન્ટ દવાઓ હતાં. જ્યારે મૂડની બૅટરી ડાઉન થાય કે થપ્પામાંથી રેન્ડમલી ગમે તે લેખ કાઢીને વાંચી નાખું, એટલે બૅટરી 100% ચાર્જ્ડ!
 • જર્નલિઝમમાં આવ્યો, હું પોતે લખતો થયો, હાસ્યનું પણ લખ્યું, ત્યારે સમજાયું કે એક તો લખવું અઘરું છે. સારું લખવું ક્યાંય અઘરું છે. એમાંય એક સ્તર જાળવી રાખીને લોકોને હસાવવા એ તો જાણે હાથીને ગલગલિયાં કરવાં! લોકો વાંચીને હસે એવું લખવા માટે આપણે આપણા વાળ ખેંચી નાખીએ એટલો સ્ટ્રેસ થઈ આવે. ત્યારે તારકભાઈએ ચચ્ચાર દાયકા સુધી એકધારું લખ્યું. એ પણ આવી વિરાટ મલ્ટિ લૅયર્ડ અમર પાત્રસૃષ્ટિ સર્જીને. એ પણ જ્યોતીન્દ્ર દવેના લેખ વાંચતા હોઇએ કે હૃષિકેશ મુખર્જી-બાસુ ચૅટર્જીની ફિલ્મો જોતા હોઇએ એવું હળવુંફુલ નિર્ડંખ હાસ્ય પીરસતા લેખો. છતાંય ક્યાંય કશું રિપીટેશન નહીં. ઘણા જૂના વાચકોને ફરિયાદ હોય કે હવે પહેલાં જેવી મજા નથી આવતી. જ્યારે ખુદ તારકભાઈએ જ એની ચોખવટ કરતા હોય કે, ‘એવી ફરિયાદની સામે અનેક વાચકો હોય જે કહેતા હોય કે બહુ મજા આવે છે, ચાલુ રાખો!’ 2001માં તારકભાઈના મિત્ર લેખક-તંત્રી બહેરામ કોન્ટ્રાક્ટર ઉર્ફ ‘બિઝી બી’ ગુજરી ગયા ત્યારે તારકભાઈએ એમની ઑબિચ્યુઅરી લખેલી. એ પછી જ મને એમના વિશે ખબર પડેલી. ડિસેમ્બર, 2015માં એમના જન્મદિવસે મેં એમની એક વર્ષો જૂની વાર્તા નામે ‘ટિફિન’ અને 2013ની મુવી ‘લંચબૉક્સ’ વચ્ચે ગજબનાક સામ્યની વાત કરતી એક પૉસ્ટ મૂકેલી (એ આર્ટિકલ બ્લોગ પર પણ છે).
 • મારી પાસે તારકભાઈ સાથેનો એક પણ ફોટોગ્રાફ નથી, કે એમના ઑટોગ્રાફ સુદ્ધાં નથી. પણ મારી પાસે મેં સાચવી રાખેલા એમના લેખો છે. ઍન્ટિ ડિપ્રેશન્ટ ગોળીઓ તરીકે એ લેખોની અસરકારકતા આજે પણ જરાય ઓછી થઈ નથી. આજે પણ એમાંનો કોઈ લેખ કાઢું છું ને ફરી પાછાં એ પાત્રો મને આંગળી પકડીને પોતાની વર્ચ્યુઅલ રિયાલિટીમાં લઈ જાય છે. ત્યાં આજે પણ ટપુડો પોતાની ટોળકી સાથે તોફાન કરે છે, વચલીને હેરાન કરે છે, માસ્તર સાહેબનું બીપી લૉ થાય છે, જેઠાલાલ રંજન પર લટ્ટુ છે, ચંપુ એમની સુલુ પાસે સીધા ચાલે છે, રસિક (ગાળ, ગાળ, મહાગાળ) બોલે ત્યારે પોપટલાલ એને છત્રીનો ગોદો મારે છે, જસબીર દારૂ પીને તોફાન કરે છે જેનાથી રિસાઈને નરગિસ પિયર જતી રહે છે (સામે જસબીર આત્મહત્યાનું ત્રાગું કરીને એને મનાવી લાવે છે), પારેખ-વાંકો વિભાકર બૉસને હેરાન કરે છે, શાંતિમાસાનો ગોળમટોળ રૂપેશ ગબડી પડે છે, મટકાકિંગ મોહનલાલની આણ યથાવત્ છે, હિંમતલાલનું ‘મિસ્ટર મહેતા આ બરાબર નથી થતું’વાળી માસ્તરગીરી પણ યથાવત્ છે, શ્રીમતીજી પિયર જાય ત્યારે વચલી તારક કાકાની ચા બનાવી જાય છે અને ખુદ તારક મહેતા રવિવારે નિરાંતે ઊઠે છે, બખોલ જેવડા બૅડરૂમમાં આડા પડીને સૅકન્ડ હેન્ડ ક્રાઇમ થ્રિલર કથાઓ વાંચે છે… આ યુનિવર્સમાંથી હું તો ક્યારેય બહાર નથી આવવાનો, ખાસ કરીને એવી દુનિયામાં કે જ્યાં એ જ તારકભાઈ ન હોય…

  અલવિદા, તારકભાઈ.

P.S. તારક મહેતાની એક વર્ષો જૂની વાર્તા અને ઈ.સ. ૨૦૧૩માં આવેલી ‘ધ લંચબોક્સ’ મુવી વચ્ચેની ગજબ સામ્યતા વિશે તારકભાઈના જન્મદિવસે લખેલી પોસ્ટની લિંકઃ
https://jayeshadhyaru.wordpress.com/2015/12/26/tarak-mehta-the-lunchbox/

 

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Ved Prakash Sharma: Obituary

ved-prakash-sharma_express-photo-by-ravi-kanojia_759મને યાદ છે, 1993નું વર્ષ હતું. પાંચમા ધોરણથી અમને સ્કૂલમાં હિન્દી ભણાવવાની જસ્ટ શરૂઆત થઈ હતી. મને રોમાંચ થતો કે આ તો એ જ ભાષા છે જે ટીવીમાં ને પિક્ચરોમાં બોલે છે. એ જ વખતે જૂનાગઢમાં મારા કાકા ક્યાંકથી થેલો ભરીને ચોપડીઓ લઈ આવેલા. થેલો એટલે લિટરલી વિદેશ જવા માટે લોકો જેવડી સૂટકેસો લાવે છે એટલો મોટો. એમાં ભરેલી ચોપડીઓ પણ કંઇક અલગ પ્રકારની હતી. એક તો બધી હિન્દીમાં હતી. ઉપરથી એનાં કવરપેજ પેઇન્ટ કરેલાં ચિત્રો જેવાં અને પુસ્તકોનાં નામ ઉપસેલા અક્ષરોમાં હોય. અંદર ખોલીએ તો પાનાં સાવ કાળાં ને મેલાંઘેલાં. અલગ પ્રકારનાં એ પુસ્તકોનાં નામ ને કિંમત ખાલી 10 રૂપિયા. એ બધાને ‘પલ્પ ફિકશન’, ‘લૂગદી સાહિત્ય’ કહેવાય એ તો બહુ પાછળથી ખબર પડેલી. આપણે તો ખાંખાંખોળાં કરવામાં માસ્ટર એટલે આખો થેલો ઊલેચી નાખેલો. એમાં માર્ક કર્યું કે એક બુકનું નામ બધી ચોપડીઓનાં બેકકવર પર જોવા મળતું હતું: ‘વર્દી વાલા ગુંડા’. સાથે લટકણિયું પણ હોય ‘વેદ પ્રકાશ શર્મા કા અભૂતપૂર્વ ઉપન્યાસ જો આપકે રોંગટે ખડે કર દેગા.’ મારા આશ્ચર્ય વચ્ચે એ ‘વર્દી વાલા ગુંડા’ પોતે પણ એ ઉત્ખનન કાર્યમાંથી નીકળી! એટલે મને થયું કે હાલો આપણેય રોંગટા ખડા કરીએ!

વાંચવાનું શરૂ કર્યું. પણ હવે એ તો આપણી ‘ચંપક’, ‘નિરંજન’, ‘ફૂલવાડી’ વાંચવાની ઉંમર. એમાં આવડું મોટું દળદારvardi2bwala2bgunda થોથું, એ પણ હિન્દીમાં અને એય હાડોહાડ ક્રાઇમ ફિક્શન, ક્યાંથી મેળ પડે? તોય મેં કંઇક 30-40 પાનાં વાંચેલાં એવું પાકું યાદ છે. એમાં વપરાયેલા શબ્દપ્રયોગોથી હું ખરેખર અંજાઈ ગયેલો. કેમકે એ મારા માટે સાવ નવા હતા: ‘ઉસકે ઝેહન મેં બિજલી સી કૌંધ ગયી’, ‘ચીતે કી માનિંદ વો ઝપટ પડા’, ‘ઉસકે બદન મેં એક સિરહન સી દૌડ ગયી’… દિવસો સુધી એ બધા મારા તકિયાકલામ બની ગયેલા! પુસ્તક-ચોપડીને પણ હું ‘કિતાબ’ કહેતો થઈ ગયેલો.

પછી તો વેકેશન પૂરું થયું. પેલો થેલો પણ ક્યાંક ગાયબ થઈ ગયો. ભણવાના ચક્કરમાં બધું ભુલાઈ ગયું. યાદ રહી ગયા તો એ ચાર-પાંચ હિન્દી શબ્દપ્રયોગો અને એ નામ વેદ પ્રકાશ શર્મા. ધીમે ધીમે એટલી ખબર પડેલી કે એ બહુ જાણીતા લેખક છે અને મેરઠ બાજુ ક્યાંક રહે છે. ઈન્ટરનેટ તો હતું નહીં કે પટ દઇને બધું શોધી લઇએ. બસ-રેલવે સ્ટેશનોના બુકસ્ટોલ્સમાં જોતો એમની બુક્સ: ‘શાકાહારી ખંજર’, ‘ડાયન’, ‘પૈંતરા’, ‘કુબડા’, ‘કેશવ પંડિત’, ‘બહુ માંગે ઇન્સાફ’, ‘સુલગ ઉઠા સિંદૂર’… વાંચવાનું બહુ મન થતું પણ ખિસ્સામાં પૈસા તો હોય નહીં. અને ‘આવાં’ પુસ્તકો ખરીદવા માટે ઘરેથી મળે ખરા?! લાઈબ્રેરીનો મેમ્બર ખરો, પણ ત્યાંનાં ‘સભ્ય-સંસ્કારી’ પુસ્તકોની જમાતમાં અગેઇન ‘આવાં’ પુસ્તકોને સ્થાન મળતું હશે?!

730_1_5એકબાજુ ભણવાનું ટેંશન, એની ચોપડીઓ અને શોખથી લાઈબ્રેરીઓમાંથી લાવેલી બુક્સ વાંચવાનું ચક્કર એવું ચાલ્યું કે વેદ પ્રકાશ શર્માનો વારો જ ન આવ્યો. સિરિયસ કરિયર સ્ટાર્ટ થયા પછી ફિલ્મો, ઇન્ટરનેટ, ટીવી વળગ્યાં. ખબર પડી કે હજી તો આ પણ વાંચવાનું બાકી છે ને પેલું પણ જોવાનું બાકી છે, એટલે પેલા શર્માજીનો નંબર ફરી પાછો ન લાગ્યો. ‘દિવ્ય ભાસ્કર’માં મેં ચેતન ભગત, અમીશ ત્રિપાઠી, વિકાસ સ્વરૂપ (જેમની ‘Q & A’ નોવેલ પરથી ‘સ્લમડોગ મિલ્યનેર’ બનેલું), જુડી બાલન, ‘ચાચા ચૌધરી’ના સર્જક પ્રાણ વગેરેના ઇન્ટરવ્યૂ લીધા હતા. ત્યારે વિચાર આવેલો કે વેદ પ્રકાશ શર્મા અને સુરેન્દ્ર મોહન પાઠકના ઇન્ટરવ્યૂ કરવા. સુરેન્દ્ર મોહન પાઠકનો તો પર્સનલ મોબાઇલ નંબર પણ મેળવી લીધેલો. બસ, ડાયલ કરવાની વાર હતી. પણ પછી થયું કે મેં એમની એકેય બુક વાંચી નથી. હું એમને શું પૂછવાનો? આ બંને ભારતના સૌથી વધુ વેચાતા લેખકો છે. એમની બુક્સની નાખી દેતાં પણ લાખો-કરોડો નકલો વેચાય છે. બંને 150+ નવલકથાઓ લખી ચૂક્યા છે અને મેં એકેય વાંચી નથી. એક પત્રકાર હોવા સિવાય મારી યોગ્યતા શું છે એમનો ઇન્ટરવ્યૂ લેવાની? એટલે ફરી તારીખ પડી. કન્વિક્શન ઓછું હતું એટલે પુસ્તકો વાંચ્યાં નહીં અને ઇન્ટરવ્યૂ પણ લેવાયા નહીં.
***
હવે આજે સમાચાર આવ્યા કે વેદ પ્રકાશ શર્માનું માત્ર 62 વર્ષની વયે અવસાન થયું છે. 176 નવલકથાઓના લેખક. amir-khansએમાંય એમની ‘વર્દીવાલા ગુંડા’ની તો 8 કરોડ નકલો વેચાઈ હોવાનું કહેવાય છે! 8 કરોડ! અતિશયોક્તિ લાગતી હોય અને ખાલી 5-25 લાખ નકલો જ વેચાઈ હોવાનું માનો તોય વાત ક્યાં પહોંચે?! અક્ષય કુમારની બે ફિલ્મો ‘સબસે બડા ખિલાડી’ અને ‘ઇન્ટરનેશલ ખિલાડી’ જેવી ફિલ્મોના પણ એ રાઇટર હતા. પાંચેક વર્ષ પહેલાં આમિર પણ એમને કોઈ વાર્તા માટે મળી આવ્યો હતો. વિશાલ ભારદ્વાજે પણ પોતાની ‘એક થી ડાયન’ ફિલ્મની રિલીઝ વખતે વેદ પ્રકાશ શર્માની ‘ડાયન’ લૉન્ચ કરી હતી. ‘પલ્પ ફિક્શન’ની સાહિત્યિક વેલ્યુ પર વિવેચકો ચર્ચા કરતા રહ્યા અને VPS-SMP કરોડો વાચકો સુધી પહોંચતા રહ્યા.

7ss9hniszux3zemi-d-0-writer-ved-prakash-sharma-with-filmmaker-vishal-bharadwaj-at-the-launch-of-film-ek-thi-daayan-book-titled-daayan-by-ved-prakash-sharmaમારી આળસ અને પ્રયોરિટીના અભાવે હું વેદ પ્રકાશ શર્માનો ઈન્ટરવ્યુ ન કરી શક્યો એ અફસોસ દૂર કરવાનો હવે કોઈ વિકલ્પ નથી. હા, એની બુક્સ જરૂર વાંચીશ. હિન્દીમાં એમના પ્રદાન અને બીજા કોઇએ લીધેલો એમનો ઇન્ટરવ્યૂ વાંચવો હોય તો ‘લલ્લન ટોપ’ નામની હિન્દી વેબસાઇટની બે લિંક નીચે પોસ્ટ કરી છે.

અલવિદા, વેદ પ્રકાશ શર્મા સા’બ.

P.S. વેદ પ્રકાશ શર્માની ઓબિચ્યુઅરી અને મુલાકાતની ‘લલ્લન ટોપ’ વેબસાઇટની લિંક્સઃ

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Anger Management

abh01291-621x414ક્યારેક મને આશ્ચર્ય થાય કે ફેસબુક પર કાયમ બધા હૅપ્પી હૅપ્પી જ કેમ રહેતા હશે? જાણે બધા ‘ઉડતા પંજાબ’થી લાવેલા કોઈ ડ્રગ્સમાં હાઈ હોય એ રીતે ‘ફીલિંગ હૅપ્પી’, ‘એક્સાઇટેડ’, ‘ઑસ્સમ’, ‘કૂલ’, ‘વન્ડરફુલ’, ‘ગ્રેટ’ એવું જ પોસ્ટ કરતા હોય. એટલે ક્યારેક સવાલ થાય કે આ લોકોને ખરેખર ક્યારેય ગુસ્સો નહીં આવતો હોય? જોકે સાવ એવુંય નથી. લોકોને ગુસ્સો તો આવે, પણ ઢાકા, ઓર્લેન્ડો, દાદરી, મુઝફ્ફરપુર, પૅરિસ, FTII વગેરે મોટી ઘટનાઓ પર આવે. પણ ડેઇલી લાઇફમાં તો આપણી સાથે જોડાયેલી બાબતોને લીધે જ ગુસ્સો આવતો હોય ને? ઑફિસે જવાનું મોડું થતું હોય ને કોઇક આપણા વાહનની હવા કાઢી ગયું હોય અથવા તો મ્યુનિસિપાલિટી કૃપાથી ટાયરમાં પંક્ચર પડે, મહેમાનો આવ્યા હોય ત્યારે જ કામવાળા ખાડો પાડે કે સોસાયટીની પાણીની મૉટર બગડે, બહાર જતી વખતે ઘરનો દરવાજો બંધ કરો એ જ સૅકન્ડે યાદ આવે કે લૅચની ચાવી તો ઘરમાં જ રહી ગઈ, ટાણે જ રેલવેનું ફાટક બંધ થાય અને ઑફિસે અંકે સવા ચાર મિનિટ મોડા પહોંચો એમાંય હિટલરની સરોગેટ ઓલાદો જેવા લોકો તમારો હાફ ડૅ ગણી લે, નવાં કપડાં ધોવાનું માંડ મુહૂર્ત નીકળ્યું હોય અને સૂકવ્યાં હોય, બરાબર એ જ વખતે તમારી ઉપરના ફ્લૅટવાળાઓને બાલ્કની ધોવાનું ચોઘડિયું આવે… આવું કશું કોઈ ફેસબુક પર સતત ‘ઑસ્સમ’ લાઇફ જીવતા લોકો સાથે થતું જ નહીં હોય? હું નથી માનતો. રાધર, પોસિબલ જ નથી. જો દુઃખી અને ફ્રસ્ટ્રેટેડ આત્માઓ આ જગતમાં ભટકતા ન હોત, તો ‘દર્દભરે નગ્મે’ની જથ્થાબંધ સીડીઓ ક્યાંથી વેચાતી હોત?!

જ્યારે તમારી અપેક્ષા મુજબનું ન થાય, કોઈ એ મુજબ ન વર્તે, કશા વાંક વગર તમારી વાટ લાગે અથવા તો વાટ લાગેલી હોય અને તમે એમાં કશું જ ન કરી શકો, ત્યારે ગુસ્સાનું વાદળ ફાટે. સિચ્યુએશન ગબ્બરની જેમ અટ્ટહાસ્ય કરીને કહેતી હોય, ‘અબ આયા સસુરા પહાડ કે નીચે! ચિલ્લા, ઔર ચિલ્લા!’ અને તમે ઠાકુરની જેમ બંધાયેલી હાલતમાં ‘ફડફડાવા’ સિવાય કશું જ ન કરી શકો.

હું એવા કેટલાય લોકોને ઓળખું છું, જેમને મેં લિટરલી ક્યારેય ગુસ્સે થતા જોયા જ નથી. કદાચ ગુસ્સે થયા હોય તોય ટીવી ચેનલ ફેરવવાની સ્પીડે એમના ગુસ્સાની ચેનલ ફરી પાછી ‘સબ ટીવી’માં ચેન્જ થઈ જાય. ઢગલો ડૅટા સાથેની હાર્ડડિસ્ક સાથે આખું લૅપટોપ પતી જાય કે ઇમ્પોર્ટન્ટ ડૉક્યુમેન્ટ ખોવાઈ જાય, તોય જાણે ખાતામાં પેલા પંદર લાખ જમા થઈ ગયા હોય એ રીતે વાત કરતા હોય. એવા સુખી લોકોની મને કાયમ અદેખાઈ આવે. કેમ કે હું એ કેટેગરીથી પચાસ પચાસ કોસ દૂરનો માણસ છું. કંઇક અંશે દુર્વાસા ઋષિને સેઇમ પિંચ કહેવું પડે એવો. બસ, ખાલી હોલસેલમાં શ્રાપ ન દઇએ એટલું જ (અને દઇએ તોય નક્કી જ હોય કે એની હાલત કસ્ટમર કૅરમાં કરેલા કૉલ જેવી જ થવાની છે)! એમાં પાછી મારાં મમ્મીની ફેવરિટ કહેવત યાદ આવે, ‘પ્રાણ ને પ્રકૃતિ લાકડાં હારે જ જાય!’ પત્યું?!

ઍન્ગર મેનેજમેન્ટવાળા ભલે ગમે તે ટ્રિકો બતાવે, ગુસ્સાનું ટ્રિગર દબાય એટલે માણસમાંથી ‘વૅપન ઑફ માસ ડિસ્ટ્રક્શન’ જ બની જઇએ. મારા કિસ્સામાં તો રનિંગ, વૉકિંગ, મ્યુઝિક કશું જ કામ કરતું નથી. ઊલટું જે ગીતો સાંભળીને, ફિલ્મો જોઇને ડિપ્રેશન દૂર થયું હોય એ જ ઘોંઘાટ લાગવા માંડે. અને બીજું કે, આપણે કંઈ રોબિન્સન ક્રૂસો તો છીએ નહીં, એટલે ઍન્ગ્રી બર્ડની જેમ લાલચોળ થઇને જ્યાં ને ત્યાં લોકો સાથે અથડાતા ફરીએઃ ‘મારું આ રબર પ્રિન્ટવાળું ટીશર્ટ લૉન્ડ્રીમાં શું કામ આપ્યું?’, ‘ફરી પાછું આ જ શાક? આઈ એમ ડન!’, ‘અરે યાર, આ અડધી રાત્રે કારને રિવર્સ લેવામાં આખું ગામ સાંભળે એમ સારે જહાં સે અચ્છા શું કામ વગાડે છે? એટલી જ દેશભક્તિ ઊભરાઈ પડતી હોય તો કાશ્મીર જા ને!’, ‘આ મોટે ઉપાડે થિયેટર ખોલીને બેઠા છો તો પાર્કિંગ સ્પૅસ આપવાની તમારી ફરજ નથી? ક્યાં છે તમારો મેનેજર?’, ‘આ ટુ વ્હીલર પાર્કિંગમાં કાર શું કામ પાર્ક કરવા દીધી?’, ‘મહિને હજાર રૂપિયા ઇન્ટરનેટના ઠોકી લો છો, તો કનેક્ટિવિટી આપવામાં તમારા ચોક્કસ ભાગ પર કાંટા શેના વાગે છે?’ આવી અનેક (અ)હિંસક અથડામણો થવા માંડે. એકવાર તો S.G. હાઇવે પર આગળ જતી રિક્ષામાંથી એક નમૂનાએ પાનની પિચકારી મારી અને પવનને લીધે બે કથ્થઈ છાંટા મારા આઠસો રૂપિયાના નવેનવા પર્ફેક્ટ્લી વ્હાઇટ ટીશર્ટ પર પડ્યા ને મારો દિમાગ લાલ. હું ગુજરાતી મીડિયામાં છું અને મારા પપ્પાને સાઉદીમાં એકેય તેલનો કૂવો નથી, તોય મેં પોણો કિલોમીટર સુધી એ રિક્ષાનો પીછો કર્યો અને રિક્ષા રોકાવી. એ ખેંખલી નમૂનો કાનમાં ભૂંગળાં ભરાવીને ડ્રાઇવરની બાજુમાં બેઠેલો. ના, બે ઊંધા હાથની લગાવી તો નહીં, પણ એના બેય ઇયરફોન સહિત કાન ખરી પડે એવી (માઇનસ ગાલી-ગલોચ) સંભળાવી ખરી. આઈ નૉ, એ જડભરત સુધરશે નહીં, પણ બીજીવાર ચાલુ વાહને થૂંકતાં પહેલાં એને આ બનાવ યાદ આવે તોય ઘણું.

પાછા આપણા ગુસ્સાનાય પ્રકાર હોય. અમુક ગુસ્સા સૂતળીબોમ્બની જેમ ફાટીને શાંત થઈ જાય. જ્યારે કેટલાક પેલા ‘ધીમી બળે અને વધુ લિજ્જત આપે’ની જેમ દિવસો સુધી ફાંસની પેઠે હેરાન કર્યા કરે. વીકડેય્ઝમાં તો કામની મજૂરીમાં ગુસ્સે થવાનો ટાઇમ ન મળે, પણ સન્ડે એ ગુસ્સો અને આપણે બેય નવરા હોઇએ. એટલે સ્લોમોશનમાં હીરો-હિરોઇન સામસામાં દોડીને ભેટતાં હોય એમ આપણી અનિચ્છા છતાં એ ગુસ્સો પ્રેતાત્માની જેમ વળગી પડે. એકના એક સવાલ ચામાચીડિયાની જેમ ઘુમરા માર્યા કરે, ‘હાઉ કૅન યુ બિહેવ લાઇક ધેટ? હાઉ કૅન યુ ડુ ધેટ? વ્હાઇટ આર વી સો હેલ્પલેસ? વ્હાય શુડ વી સફર બિકોઝ ઑફ અધર પીપલ્સ મિસ્ટેક્સ?’ વર્ષોના એવા લા-ઇલાજ ગુસ્સાની ‘પ્રૅક્ટિસ’ પછી એક દવા લાગુ પડી છે, અને તે છે ‘ક્રોસવર્ડ.’ ઑનલાઇન શૉપિંગના વાવાઝોડા સામે ટકી રહેલો બુક સ્ટોર.

એક બુક ખરીદવાની અને ત્રણ-ચાર કલાક સુધી જાતભાતની બુક્સ વીખતા રહેવાનું. ઘડીક ન્યુ અરાઇવલમાં ડોકિયું કાઢવાનું, તો ઘડીક સિનેમા સેક્શનમાં નવી આવેલી બુક્સ ફેંદવાની. ક્યાંક ટ્રાવેલ સેક્શનમાં ખૂંપી જઇએ તો ક્યાંક બાયોગ્રાફી, ક્રાઇમ, નોનફિક્શનમાં કલાકો નીકળી જાય. રસ પડે તો કોઇક બુક્સનાં ચૅપ્ટરો ઉલાળી નાખવાનાં. ટેબલ ન મળે તો શાંત ખૂણામાં પલાંઠી વાળીને જામી પડવાનું. બૅકગ્રાઉન્ડમાં કોઈ હળવું મ્યુઝિક વાગતું હોય અને નાનાં બચ્ચાં ‘મમ્મા, યે બુક લેની હૈ’ કરતાં દોડાદોડ કરતાં હોય. ઍસ્કેપિઝમ કહો કે ગમે તે, પણ કલાકો સુધી આ રીતે ક્રોસવર્ડમાં બુક-મૅડિટેશન કરવામાં જાણે આપણી ભંગાર દુનિયામાંથી કોઈ શાંત, સુખદ, રિલેક્સ્ડ દુનિયામાં પહોંચી ગયા હોઇએ એવી ફીલિંગ આવે. શબ્દોથી સર્જાયેલી એ વર્ચ્યુઅલ દુનિયા સાચુકલી લાગવા માંડે અને એક્ચ્યુઅલ વર્લ્ડનો ત્રાસ કરોડો પ્રકાશવર્ષ દૂર લાગવા માંડે. જ્યાં આપણને ગુસ્સે કરવા માટે કોઈ ન હોય, આપણે પણ નહીં. ચાર-પાંચ કલાકે દિમાગમાં એ ખુમાર સાથે બહાર નીકળીએ, ત્યારે પેલો ગુસ્સો તો દૂર ન થયો હોય, પણ એના પર શબ્દોનો મલમ જરૂર લાગી ગયો હોય.

ત્યાં આપણને એક કહેતાં પચાસ બુક્સ ગમે અને બધી ખરીદી લેવાનું મન થાય. પણ પછી મિડલક્લાસ આત્મા ‘એમેઝોન’માં ક્રોસચેક કરવાનું કહે અને ભાવમાં જેટલો ડિફરન્સ દેખાય એટલામાં તો બીજી નવી બુક આવી જાય. ત્યાં નજર સામે બુકનાં બૅક કવર પરની પ્રાઇસ જોયા વગર ખરીદી રહેલા પૈસાવાળાઓ દેખાય ત્યારે મનોમન પ્રાર્થના થઈ જાય કે આ લોકોનાં ખિસ્સાં ભરેલાં રાખજો અને એમની પાસે આમ જ પુસ્તકો પાછળ પૈસા ખર્ચાવતા રહેજો, જેથી આવા સ્ટોર અને અમારા જેવાઓનું ઍન્ગર મેનેજમેન્ટ ચાલતું રહે!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Ravi Subramanian & Kunal Nayyar

books૩૧મી ડિસેમ્બરની રાત્રે દુનિયા નવા વર્ષના જશ્નમાં મગ્ન હતી ત્યારે હું મારા રૂમમાં બારી-બારણાં પૅક કરીને કાનમાં ખાલીપીલી ઇયરફોનના ડટ્ટા ફિટ કરીને એક ચોપડી પૂરી કરવામાં ખૂંપેલો હતો. એ ચોપડી એટલે રવિ સુબ્રહ્મણ્યમની ‘ધ બેસ્ટસેલર શી રૉટ.’ કોઇએ (એટલે કે મેં જ) કહ્યું છે કે, કોઈ લેખકને ન વાંચ્યા હોય તો શરૂઆત એની બેસ્ટ કૃતિથી કરવી જોઇએ. પણ મેં જ એવું ન કર્યું અને રવિ સુબ્રહ્મણ્યમની અગાઉની બેન્કિંગ થ્રિલર્સને બદલે આ લેટેસ્ટ રોમકોમ હાથમાં લીધી. આમ જુઓ તો બુકમાં કશું જ નવું નથી. ટિપિકલ પતિ, પત્ની ઔર વોહની સ્ટોરી છે. ફેમિનિસ્ટ ચશ્માં પહેરીને જુઓ તો એવુંય દેખાય કે આ લેખક મહાશય એક્સ્ટ્રા મેરિટલ અફેરની તરફેણ પણ કરે છે. સ્ટાર આપવાના હોય તો બે કે મેક્સિમમ અઢી સ્ટાર આપી શકાય.

આ બુક ચેતન ભગતની ઝોન્રાની છે, પણ ચેતન ભગત જેવું સ્માર્ટ રાઇટિંગ મિસિંગ છે. એકદમ સ્માર્ટ પંચલાઇન્સ વગર આ બુક કોઈ લાઉડ બોલિવુડિયન મેલોડ્રામા જોતા હોઇએ એવી લાગે છે (‘મેરી વફા કા યે સિલા દિયા તુમને, આદિત્ય?!’). પરંતુ મજાની વાત એ છેકે આ બુકનો હીરો (આદિત્ય કપૂર) લગભગ ચેતન ભગત જ છે. યકીન નહીં આતા તો યે રહી સિમિલારિટીઝઃ રવિ સુબ્રહ્મણ્યમનો પ્રોટાગનિસ્ટ ભારતનો સૌથી મોટો બેસ્ટ સેલર લેખક છે, એની પહેલી બુક IITમાં કરેલાં તોફાનો પર આધારિત હતી, IIMમાંથી MBA થયેલો છે, એણે IIMની જ પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરેલાં છે, એ અગાઉ હોંગકોંગની એક બેંકમાં નોકરી કરતો હતો અને ત્યાંથી મુંબઈ શિફ્ટ થયો છે, એની પત્ની લાઇમલાઇટથી દૂર રહે છે, એની બુકની કિંમત હંમેશાં એવી જ રખાય છે જેથી રકમના આંકડાનો ટોટલ ‘5’ થાય, એ બુકના એક પ્રોડક્ટની જેમ માર્કેટિંગ પર બહુ ભાર મૂકે છે, ઔર ઔર ઔર… એને એક ડાન્સ રિયાલિટી શૉના જજ બનવાની ઑફર પણ થાય છે!! ચેતન ભગતની બીજી નોવલ (‘વન નાઇટ એટ ધ કૉલ સેન્ટર’)ની જેમ અહીં કારમાં ‘પહલાજ નિહલાની’ પણ થાય છે!

નેઇમડ્રોપિંગથી ફાટ ફાટ થતી આ નોવલમાં રિયલ લાઇફના એક ફિલ્મમૅકરનું લંબું-ચૌડું ગેસ્ટ અપિયરન્સ પણ છે અને આખા ક્લાઇમેક્સમાં હાજર રહે છે! બુકના કવર પર લખ્યું છે કે ‘સૂન ટુ બી અ મૅજર મોશન પિક્ચર.’ રામ જાણે કેવી બનશે ફિલ્મ? (પાછી જોવીયે પડશે!!)
***
રવિ સુબ્રહ્મણ્યમની એ બુકમાંથી ફટાફટ પરવારીને મેં હવે સ્ટાર્ટ કરી છે કુનાલ નૈયરની ‘યસ, માય એક્સેન્ટ ઇઝ રિયલ.’ સુપરડુપર હીટ અંગ્રેજી સિટકોમ ‘ધ બિગ બેન્ગ થિયરી’ના ચાહકો તો કુનાલનું નામ પડે ત્યાં જ ‘વૂ હૂ… રાજેશ કુત્રપલ્લી’ ચિલ્લાઇને હવામાં ડ્રોનની જેમ ફ્લાઇંગ કિસો ઊડતી મેલવા માંડે! આ ક્યુટ દિલ્લી કા લૌંડાએ પોતાની ફર્સ્ટ બુકમાં દિલ્હીથી બિગ બેન્ગ થિયરી સુધીની જર્ની અને એની લાઇફના એકદમ તોફાની પ્રસંગો આલેખ્યા છે (પહેલા જ ચેપ્ટરમાં એની લાઇફની ફર્સ્ટ (સંસ્કારી) કિસ અને એનું બિગ બેન્ગ થિયરી કનેક્શન લખ્યું છે). બુક હજી જસ્ટ સ્ટાર્ટ જ કરી છે, પણ એટલું કહી શકું કે એની લખવાની સ્ટાઇલ એની સિરિયલ જેવી જ એકદમ ફેન્ટાબ્યુલસ છે.

આ કુણાલિયો હમણાં પોતાની બુકના પ્રમોશન માટે દિલ્હી આંટો મારી ગયો છે અને તે દરમિયાન AIBવાળાઓએ એની સાથે એક પોડકાસ્ટ પણ કર્યું છે, જે થોડા દિવસોમાં યુટ્યૂબ પર અપલોડ થશે, એ જસ્ટ જાણ સારુ.
***
બાય ધ વે, આ બે બુકની વચ્ચે મેં ભારતના ખરેખરા બિગેસ્ટ બેસ્ટ સેલિંગ ઑથર એવા સુરેન્દ્ર મોહન પાઠકની ‘વિમલ સિરીઝ’ની પહેલી ‘પલ્પ ફિક્શન’ નોવલ ‘મૌત કા ખેલ’ ઈ-બુક તરીકે વાંચી નાખી. આ થ્રિલર ૧૯૭૧ની છે એટલે પ્લોટ થોડો જૂનવાણી લાગે, પણ ભાષા નહીં. એમની બુકમાં ઠેકઠેકાણે આવતાં ‘લેકિન ન અબ વૉ ઝમાના બાકી થા, ઔર ન ઉસ ઝમાને કા મૈં બાકી થા’ ટાઇપનાં વાક્યો વાંચીને મોંમાંથી ‘વાહ!’ નીકળી જાય!

હવે હું પાછો કુણાલિયાની લાઇફસ્ટોરીમાં પરોવાઈ ગયો છું!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.