ફિલ્લૌરી

ભૂતનો ભૂતકાળ, ભંગાર ભવિષ્યકાળ

***

આ પ્રીડિક્ટેબલ ભૂતિયા લવસ્ટોરી તેના ટ્રેલરની બહારનું કશું જ નવું પેશ કરતી નથી.

***

phillauri-poster-3-the-film-releases-on-24th-marchજાતભાતનાં પરીક્ષણો દ્વારા સાબિત થયેલું ફૅક્ટ એ છે કે પરીક્ષા પહેલાં ફૂટી નીકળતા ‘IMP’ પ્રશ્નો આખા સિલેબસનું એક ટોપકું માત્ર હોય છે. ફિલ્મોનાં ટ્રેલરનું કામકાજ પણ એવું જ હોય છે. વાજતે-ગાજતે ટ્રેલર રિલીઝ થાય, જે જોઇને લોકોને અંદાજ આવે કે આપણાં ટાઇમ અને મની ઇન્વેસ્ટ કરવા જેવું આમાં કંઈ છે કે કેમ. પરંતુ જો અઢી મિનિટના ટ્રેલરમાં જ અઢી કલાકની આખી ફિલ્મ કહી દેવાની હોય, તો પછી લોકો મફતિયું ટ્રેલર જ ન જોઈ લે? અનુષ્કા શર્માના હોમ પ્રોડક્શનની ‘ફિલ્લૌરી’ સાથે આવી જ ગેમ થઈ ગઈ છે. ટ્રેલરમાં જ આખો સિલેબસ અપાઈ ગયો છે અને ફિલ્મ માટે કશું બચ્યું જ નથી.

ભૂત-પિશાચ નિકટ આવૈ

‘કનાડા’ રિટર્ન કન્નન (‘લાઇફ ઑફ પાઈ’ ફેમ સૂરજ શર્મા) પોતાની ચાઇલ્ડહૂડ સ્વીટહાર્ટ અનુ (નવોદિતા મેહરીન પિરઝાદા) સાથે પૈણવા માટે અમૃતસર આવે છે. ઐશ્વર્યાની જેમ કન્નન પણ માંગલિક છે. હવે ઐશ્વર્યા તો પરણી ગઈ છે, એટલે કન્નનને પીપળાના ઝાડ સાથે પરણવું પડે છે અને ત્યાં જ ગેરકાયદે રહેતી LED લાઇટોવાળી ભૂત શશી (અનુષ્કા શર્મા) એની પાછળ પડી જાય છે. પરંતુ શશી હૉલીવુડના ‘કૅસ્પર’ની જેમ ફ્રેન્ડ્લી ઘોસ્ટ છે. આ બાજુ કન્નન અનુ સાથે લગ્ન કરવાં કે નહીં એ અવઢવમાં ગાંજા પર ગાંજાના દમ માર્યે જાય છે અને બીજી બાજુ ભૂતડી શશી પણ વારેવારે નોસ્ટેલ્જિયામાં જતી રહીને પોતાનો ઇતિહાસ યાદ કરતી રહે છે. ત્યારે આપણને ખબર પડે છે કે દેશ આઝાદ થયો તેનાં પણ વર્ષો પહેલાં પંજાબના ફિલ્લૌરની શશીને પોતાના જ ગામના ગવૈયા રૂપ લાલ (દિલજિત દોસાંજ) સાથે પ્રેમ થઈ ગયેલો. એ પછી શું થયું તે જાણવા માટે તમારે થિયેટર સુધી ધક્કો ખાવો પડે (આ કંઈ ટ્રેલર થોડું છે કે અમે આખી સ્ટોરી કહી દઇએ?).

ઔર ઑડિયન્સ કો ખૂબ પકાવૈ

એટલું તો ક્લિયર છે કે ફિલ્મનું પ્રિમાઇસ એક દાયકા પહેલાં આવેલી હૉલીવુડની ઍનિમેટેડ ફિલ્મ ‘કોર્પ્સ બ્રાઇડ’થી પ્રેરિત છે. એમાંય હીરોનાં લગ્ન ભૂલથી એક ભૂતડી સાથે થઈ જાય છે. તે સિવાય અહીં શશીની લવસ્ટોરી શેક્સપિયરના જમાનાથી સાંભળતા આવ્યા છીએ તે સ્ટારક્રોસ્ડ લવર્સની જ છે. આપણા બૉલીવુડને આમેય પ્રેમમાં ઊંધેકાંધ પડેલાં દુઃખી પ્રેમીઓની કથાઓમાં કંઇક વધારે પડતો રસ પડે છે.

સાથોસાથ એ પણ માનવું પડે કે ફિલ્મની શરૂઆત ખાસ્સી એન્ટરટેનિંગ છે. ‘કનાડા’થી મ્યુઝિક શીખવાના નામે ‘હ્યુમન બીટ બૉક્સ’ (જેમાં કળાકાર મોંએથી જાતભાતનું સંગીત વગાડે છે) બનીને આવેલો સૂરજ શર્મા પોતાના સરસ કોમિક ટાઇમિંગ અને બફૂનરીથી આપણને હસાવે છે. એ ભૂતથી ડરીને ભાગતો હોય અને આપણે હસતા હોઇએ. જ્યાં દૂધને બદલે દારૂથી દિવસની શરૂઆત થતી હોય, બિનધાસ્ત જાહેરમાં ઍડલ્ટ વાતો થતી હોય અને દાદી પણ વ્હિસ્કીનો ગ્લાસ ખાલી કરતાં બેઠાં હોય (શા માટે? ‘વિકી ડૉનર’ હિટ ગયેલું એટલે?) એવું ધમાલિયું ટિપિકલ પંજાબી ફેમિલી પણ ઇન્ટરેસ્ટિંગ છે. પ્રોબ્લેમ શરૂ થાય છે એ પછી.

એક તો પંજાબી શાદીનું બૅકગ્રાઉન્ડ, ચક્રમ દુલ્હો-સેન્સિબલ દુલ્હન અને સાવ પીઠી ચોળવાના ટાણે વરરાજાને શાદી ન કરવાના વિચારો આવે તે ટ્રેક ઘસાઈને એટલો લિસ્સો થઈ ગયો છે કે બાળકો તેના પર લસરપટ્ટી રમી શકે. લગભગ એક સૈકા પહેલાંનાં ફિલ્લૌરના સ્ટારક્રોસ્ડ લવર્સની પ્રેમકહાણી પણ એવી જ એક્સપાયરી ડૅટ વટાવી ચૂકેલી છે. જાતભાતના અંતરાયો છતાં બે જણાં પ્રેમમાં પડે અને એ બંનેને એક થવાને આડે આખા ગામને ચૂંક આવે. પહેલા અડધા કલાકમાં જ તમે આખી ફિલ્મ વિશે એવું પર્ફેક્ટ અનુમાન લગાવી શકો કે પોરસાઇને ભવિષ્યવાણી કરવાનો સાઇડ બિઝનેસ ખોલવાની ઇચ્છા થઈ આવે. એકમાત્ર ફિલ્મનો ક્લાઇમેક્સ ‘ઇત્તુ’ સા ઇમોશનલ અને તેને ઇતિહાસની એક ઘટના સાથે જોડવા પૂરતો સ્માર્ટ છે.

કદાચ આ ફિલ્મ બાળકોને ધ્યાનમાં રાખીને બનાવાઈ હશે, એટલે જ તે આટલી સિમ્પ્લિસ્ટિક છે. પણ જો એવું હોય તો તેમાં માંગલિક, ઝાડ સાથે શાદી, એ પછી ઘટાદાર વૃક્ષ કાપી નાખવું, ગાંજો પીવો, દાદીમા સહિત ઘરના લોકો ટેન્કર ભરીને દારૂ પીતા હોય, ભૂતિયા રેશનકાર્ડ વિના ભટકતું ભૂત, કોમેડીના નામે પીડોફિલિયાનો સૂચક નિર્દેશ એવી બધી વાતો કેવી રીતે જસ્ટિફાય થઈ હોય? જો મોટેરાંને ધ્યાનમાં રાખીને આ ફિલ્મ બનાવાઈ હોય, તો તેનું રાઇટિંગ તદ્દન આળસુના પીર જેવું છે. કેમ કે, ભૂતકાળની સ્ટોરીને સાવ ડાઇનિંગ હૉલની થાળીની જેમ પિરસી દેવાને બદલે ‘કનાડા’થી આવેલું સૂરજ શર્માનું પાત્ર ફિલ્લૌરીના ભૂતની સાથે મળીને તેના ઇતિહાસનાં સિક્રેટ એક પછી એક શોધી કાઢે એવું કંઇક રાખવા જેવું હતું, જેથી ટ્રેઝર હન્ટની થ્રિલ તો આવત. કદાચ એવું પણ બતાવી શકાયું હોત કે ગાંજાની અસરમાં ફિલ્લૌરી એને સપનામાં આવીને સાચો પ્રેમ કોને કહેવાય તે શીખવી જાય. લેકિન, અફસોસ. ફિલ્મની હાલત જોઇને કોમેડી પણ પાછલા દરવાજેથી છટકી જાય છે. અગઇન, અફસોસ.

અનુષ્કાએ પોતાના ભાઈ સાથે મળીને ઘરના પૈસા રોક્યા છે એટલે હોય કે ગમે તે, પણ એણે એકદમ પ્રામાણિકતાથી એક્ટિંગ કરી છે. આખી ફિલ્મમાં એ ‘તુઝ મેં રબ દિખતા હૈ’ સ્ટાઇલમાં એકદમ પાવિત્ર્ય ઔર ભક્તિરસ સે ભરપુર દેખાય છે. ટૂંકમાં શી ઇઝ બ્રિલિયન્ટ. અગાઉ ‘ઉડતા પંજાબ’માં કરીનાના પ્રેમમાં પડેલા પંજાબી એક્ટર દિલજિત દોસાંજે પણ પ્રામાણિકતા બતાવવાની કોશિશ કરી છે, પણ રાઇટિંગમાં દમ ન હોય, તો હાથમાં પકડાવેલા એકતારામાંથી બિચારો કાઢી કાઢીને કેટલા સૂર કાઢે? શૉકિંગ કામકાજ તો સૂરજ શર્માનું છે. આંગ લી જેવા ધરખમ એક્ટર સાથે ‘લાઇફ ઑફ પાઈ’માં દમદાર પાત્ર ભજવ્યા પછી અહીં એને બેવકૂફની જેમ ગાંડા કાઢતો જોઇને થાય કે આના કરતાં તો એ ‘રિચર્ડ પાર્કર’નો કોળિયો બની ગયો હોત તો સારું થાત. ન્યુ કમર મેહરીન પિરઝાદા બલા સી ખૂબસૂરત છે. એને ને અનુષ્કાને જોઇને આંખો ઠારવા સિવાય ખાસ કોઈ ડિવિડન્ડ છે નહીં આ ફિલ્મમાં.  હા, અનુષ્કાના ભાઈના પાત્રમાં એક્ટર માનવ વિજ ખાસ્સા પ્રભાવશાળી લાગે છે, ખાસ કરીને એમની આંખો. પ્લસ ઘરમાં નોકર બનતા એક બાળકલાકારનું કોમિક ટાઇમિંગ ખરેખર જોરદાર છે. એને વધુ ચાન્સ મળવા જ જોઇએ. ‘TVF’ની ‘પિચર્સ’ તથા ‘પર્મનન્ટ રૂમમેટ્સ’ જેવી વેબસિરીઝમાં દેખાયેલાં નિધિ બિષ્ટ અને અભિષેક બૅનર્જી જેવા કલાકારો અહીં છે, પરંતુ માત્ર ‘છે’. મેઇનલીડના સાઇડકિક બનવા સિવાય એમના ભાગે કોઈ નોંધપાત્ર સીન કે સંવાદ આવ્યા નથી. એ લોકો વેબસિરીઝમાં જ સુપર્બ લાગે છે. ફિલ્મમાં જરાતરા રઝા મુરાદ પણ છે, પરંતુ એ ગ્રામોફોન રેકર્ડ વગાડીને જતા રહે છે.

‘સાહિબા’ અને ‘દમ દમ’ જેવાં એકલદોકલ સારાં ગીત, સ્ટાર્ટિંગમાં પાત્રોના પરિચય વખતે આવતી સ્માર્ટ કોમિક સટલ્ટી, એક સૈકા પહેલાંનું નોસ્ટેલ્જિક ઇન્ડિયા, ગ્રામોફોન રેકર્ડ માટે વપરાયેલો શબ્દ ‘તવા’ અને એ વખતની રેકોર્ડિંગ પ્રોસેસ, રેકર્ડમાંથી સંભળાતો ગૌહર જાનનો અવાજ, દિલજિતનું પાત્ર ગુરુદ્વારાના કુંડમાં નહાઈને જાણે નવો જન્મ ધારણ કરે તેવું ચિત્રણ, ભાઈ-બહેનનું ઇમોશનલ બોન્ડિંગ વગેરે બાબતો ટચ્ચ કરે તેવી છે. ગ્રામોફોન રેકર્ડ સાંભળવા માટે આખું ગામ ભેગું થાય તે સીન તો અદ્દલ કેતન મહેતાની ‘મિર્ચ મસાલા’ના એવા જ દૃશ્યની યાદ અપાવે છે. જૂના સિનેમાપ્રેમીઓને તો હિન્દી અને અંગ્રેજી ઉપરાંત ઉર્દૂ અને પંજાબીમાં પણ ફિલ્મનું નામ જોઇને 50 ml લોહી ચડી જશે. લેકિન સેલિબ્રિટી સામેના કૅસની સ્પીડે ચાલતી ફિલ્મની વાર્તા અને તેના ચુકાદા જેવો જ પ્રીડિક્ટેબલ ક્લાઇમેક્સ આ પૉઝિટિવ બાબતોનું ફીંડલું વાળી દે છે.

તમે વિરાટ કોહલી છો?

આમ તો નવોદિત ડિરેક્ટર અંશાઈ લાલની આ ફિલ્મ પાસેથી ઝાઝી અપેક્ષા ખુદ અનુષ્કા શર્માને પણ નહીં હોય, એ ફિલ્મની ઠીકઠાક ટ્રીટમેન્ટ અને લૅઝી રાઇટિંગ પરથી ખબર પડે જ છે. જોકે મોટા મૅલ સ્ટાર વિના પોતાના ખભે આખી ફિલ્મ ઊંચકવાની એની હિંમતને દાદ દેવી પડે. ‘ફ્રેન્ડ્લી ભૂતનું પિક્ચર છે અને કોમેડી જેવું છે’ એવું માનીને એક્ઝામના પ્રેશરમાંથી ફ્રી થવા બાળકોને લઈ જશો તો બિચ્ચારાં બોર થઈ જશે. એટલે બચ્યા વિરાટ કોહલી જેવા અનુષ્કા શર્માના ફૅન. જો તમે એ પણ ન હો, તો ચેનલ પર આવે ત્યાં સુધી રાહ જોવામાં અનુષ્કાને ખાસ નુકસાન થવાનું નથી. એ બહાને DTHના પૈસા પણ વસૂલ થશે.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Reviewed for Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

ગોલિયોં કી રાસલીલા-રામલીલા

રોમિયો જુલિયેટ ભણસાલી સ્ટાઇલ

***

વિવાદોની વણઝાર પછી (માંડ) રિલીઝ થયેલી રામલીલા એ કમ્પ્લિટ સંજય લીલા ભણસાલી એક્સપીરિયન્સ છે.

***

b1cf1a31de917d1cf5b3f320abe49a90અંગ્રેજીમાં ‘સ્ટાર ક્રોસ્ડ લવર્સ’ નામનો શબ્દપ્રયોગ છે. તેનો અર્થ એવો થાય કે બે એવાં પ્રેમી પંખીડાં જેમના પરિવારોની કુંડળીમાં બારમે ચંદ્રમાં બેઠો હોય. છતાં બંને પ્રેમમાં પડે અને બંનેના પરિવારજનો એમને ઠેકાણે પાડવામાં લાગી જાય. આ શબ્દને વ્યક્ત કરતી સૌથી જાણીતી સ્ટોરી એટલે શેક્સપિયરનું નાટક રોમિયો એન્ડ જુલિયેટ. બાપે માર્યા વેર જેવી દુશ્મની ધરાવતાં બે પરિવારનાં ફરજંદ પ્રેમમાં ફના થઇ જાય એ સ્ટોરી પરથી બનેલી અઢળક ફિલ્મોમાં વધુ એકનો ઉમેરો એટલે સંજય લીલા ભણસાલીની વિવાદના મરીમસાલાથી ભરપુર એવી ‘ગોલિયોં કી રાસલીલા-રામલીલા’.

અગ્નિકુંડમાં ઊગેલાં ગુલાબ

રામ અને લીલા બંને ગુજરાતના રણવિસ્તારમાં વસેલી રજોડી અને સનેડો કોમનાં સંતાનો છે, જે બંને વચ્ચે છેલ્લાં પાંચસો વર્ષથી દુશ્મની ચાલી આવે છે. ગુજરાતમાં આવેલું હોવા છતાં એ ગામ જરા વિચિત્ર છે. અહીં કટલરી અને શાકભાજીની જેમ ખુલ્લે આમ બંદૂકોની દુકાનો મંડાય છે, પોપકોર્ન શેકાતાં હોય એમ ધાણીફૂટ બંદૂકો ધણધણે છે, ‘મધુશાળા’ જેવાં નામ ધરાવતી દુકાનોમાં છડેચોક દારૂ પીવાય છે, બ્લુ ફિલ્મો બતાવતાં વીડિયો પાર્લર ધમધમે છે અને જ્યાં મરચાં-પાપડ સુકાતાં હોય એમ બંદૂકની ગોળીઓ પથરાય છે. તેમ છતાં રામ (રણવીર સિંહ) અને લીલા (દીપિકા પાદુકોણ) પ્રેમમાં પડે છે. એ બંનેનો પ્રેમ પ્રભુતામાં પગલાં પાડવાં જેવા મુકામે પહોંચે એ પહેલાં બંને પરિવાર એકબીજાનાં જુવાનજોધ દીકરાઓની હત્યા કરી નાખે છે. દુશ્મનીના લાલ રંગમાં બદલાની આગ પણ ભળે છે. પરંતુ એકબીજા વિના રહી નહીં શકાય એવું લાગતાં બંને ભાગી છૂટે છે અને ઇશ્વરની સાક્ષીએ પરણે છે. લેકિન પરિવારોને આ ગોઠતું નથી અને બંનેને અલગ કરી દેવાય છે. એટલે રામ દુશ્મન કોમનાં વડાં ધનકોર બા (સુપ્રિયા પાઠક કપુર) પાસે દોસ્તીનો પ્રસ્તાવ લઇને જાય છે, પણ એમનું પ્લાનિંગ કંઇક જૂદું જ હોય છે. એ પ્લાનિંગમાં પણ કાવતરાની ફાચર વાગે છે અને આખી સ્ટોરી પલટાઇ જાય છે.

ભણસાલી એક્સપીરિયન્સ

આમ તો રોમિયો જુલિયેટની સ્ટોરી સૌને ખબર છે જ. અધૂરામાં પૂરું હજુ થોડા સમય પહેલાં જ આવેલી ‘ઇશકઝાદે’ની આ જ સ્ટોરી લોકોનાં મનમાં તાજી છે. એટલે રામલીલાની વાર્તામાં કશું જ અણધાર્યું કે નવું નથી. એટલે ફિલ્મમાં સંજય લીલા ભણસાલીએ શું નવા મોર મૂક્યા છે એ જાણવાનું બાકી જ રહી જાય છે. અને ભણસાલીએ એમાં ફરી પાછો પોતાની જૂની ને જાણીતી ભવ્ય કાવ્યાત્મક શૈલીનો ટચ બતાવ્યો છે. ભવ્ય સેટ્સ, કલાત્મક પેઇન્ટિંગ્સ અને મૂર્તિઓ, ધારદાર સંવાદો, જલસો પડે એવું મ્યુઝિક અને અત્યંત નાટ્યાત્મક એક્ટિંગ.

અહીં બે કોમ વચ્ચે દુશ્મનીની વાત એટલો બધો સમય રોકી લે છે કે બે પાત્રો વચ્ચેનો પ્રેમ સાવ દબાઇ જાય છે. એટલે રામ અને લીલાને ફટાફટ મેગી નૂડલ્સ બને એટલી ઝડપે પ્રેમમાં પાડી દેવાયાં છે (અને દેખો ત્યાં ઠાર જેવા માહોલમાં બંને સરાજાહેર કિસ પણ કરે!). પરંતુ જે રીતે આ જ સ્ટોરી ધરાવતી ‘કયામત સે કયામત તક’માં આમિર-જૂહી વચ્ચેની લવસ્ટોરી ખીલી હતી એવો પ્રેમ અહીં રણવીર-દીપિકા વચ્ચે (એટલિસ્ટ ઓનસ્ક્રીન તો) ખીલ્યો નથી. ઇન ફેક્ટ, બંને સેક્સભૂખ્યાં હોય એવું વધારે લાગે છે.

ફિલ્મનું એક સ્ટ્રોન્ગ પાસું છે એના ડાયલોગ્સ. સિદ્ધાર્થ-ગરિમા અને ખુદ ભણસાલીના આ સંવાદો ખરેખર મજા કરાવે છે. જેમ કે, બડા બેશરમ, બદતમીઝ ઔર ખુદગર્ઝ હોતા હૈ યે પ્યાર, લેકિન પ્યાર તો પ્યાર હોતા હૈ ના; ઇસસે બડી સઝા ક્યા હોગી કિ જાન નિકાલ લી ઔર ઝિંદા ભી છોડ દિયા; ડોન સોગ નહીં મનાતે, સિર્ફ જશ્ન મનાતે હૈ; જબ રામ નામ કા રાગ લગે, પાની મેં ભી આગ લગે વગેરે. પરંતુ સચિનની કારકિર્દી જેવડો મોટો લોચો એ છે કે ફિલ્મમાં અશ્લીલ સંવાદો અને સજેસ્ટિવ અશ્લીલતાની પણ ભરમાર છે. એનાં ઉદાહરણો અહીં આપવા સુરુચિનો ભંગ ગણાશે.

કલ્ચરલ લોચા

જેમ રામ ગોપાલ વર્માને હિંસા અને નેગેટિવિટીનું ઓબ્સેશન છે એ જ રીતે સંજય ભણસાલીને ભવ્યતા અને વિવિધ સંસ્કૃતિઓના સંદર્ભોનું વળગણ છે. એના અતિરેકમાં લોચા પણ થઇ જાય. જેમ કે, દીપિકા હાડોહાડ ગુજરાતી હોવા છતાં હાથમાં ધૂપદાની લઇને બંગાળી દુર્ગાપૂજાની આરતીની સ્ટાઇલમાં તે ફેરવે, રાવણદહનના સરઘસમાં દુર્ગાપૂજા મહોત્સવ જેવાં મહોરાં પહેરીને લોકો ફરતા હોય, દીપિકાના રૂમમાં તો ઠીક કોઇ સસ્તી લોજની દીવાલો પર પણ રાજા રવિ વર્માનાં પેઇન્ટિંગ્સ લાગેલાં હોય એ અતિરેક લાગે, નવરાત્રિમાં સુપ્રિયા પાઠક માતાજીને બદલે અજંતાની ગુફાઓમાં છે એવી ભગવાન શિવની મૂર્તિને આરતી કરે. આવાં ક્રોસ કલ્ચરલ રેફરન્સિસ બતાવવા પાછળ શું આશય હશે એ તો ભણસાલીને જ ખબર!

મન મોર બની થનગાટ કરે

રામલીલામાં ભણસાલીએ ગુજરાતીપણું આબેહૂબ ઝીલ્યું છે. પ્રદેશ પ્રમાણે પાત્રોના પહેરવેશ પરફેક્ટ છે. ગુજરાતી ગામના સેટ થોડા ગીચ છે પણ ગુજરાતી સંદર્ભોથી ભરચક છે (બેકગ્રાઉન્ડમાં એક થિયેટરમાં ‘પ્રીત પિયુ ને પરણેતર’ ફિલ્મ પણ ચાલતી બતાવાઇ છે!). બધાં જ પાત્રોએ ગુજરાતી તળપદી બોલી આત્મસાત્ કરી છે, એકમાત્ર સુપ્રિયા પાઠકના અપવાદ સિવાય. પોતે ગુજરાતી હોવા છતાં એમની બોલવાની સ્ટાઇલ ખિચડી સિરિયલના એમના પાત્ર હંસાની જ યાદ અપાવે છે, જે ખરેખર આયરની છે.

રામલીલા જેનાથી શરૂ થાય છે, એ મન મોર બની થનગાટ કરે ગીતની ક્રેડિટ એના સર્જક ઝવેરચંદ મેઘાણીને આપવા અંગે વિવાદ થયો એ ઊલટું સારું થયું. હવે મેઘાણીને ફિલ્મની શરૂઆતમાં જ એમના ફોટોગ્રાફ સાથે ક્રેડિટ અપાઇ છે. આશા રાખીએ કે ફિલ્મમાં બે વખત આવતું આ ગીત સાંભળીને નવી પેઢી મેઘાણી તરફ આકર્ષાય. રામલીલાનું સમગ્ર મ્યુઝિક ખુદ ભણસાલીએ કમ્પોઝ કર્યું છે એટલે એમાં કંઇ કહેવાપણું હોય જ નહીં. નગાડે સંગ ઢોલ બાજે જેવાં જોશીલા ગીત ઉપરાંત મારે ટોડલે બેઠો મોર અને ભાઇ ભાઇ જેવાં ગીતો મોટા પડદે જોઇને શેર લોહી ચડી જાય છે!

લેકિન ભણસાલી પણ પોતાની જાતને રિપીટ કરવામાંથી બચી શક્યા નથી. એમના જાણીતા સેટ્સ વગેરે ઉપરાંત દીપિકા રામના નામની બૂમો પાડે એ તમને ‘દેવદાસ’ની અને અન્ય એક સીનમાં ‘હમ દિલ દે ચૂકે સનમ’ની ઐશ્વર્યાની જ યાદ અપાવે.

સવાયા ગુજરાતીઓ

રામલીલામાં ગુજરાતી બનેલાં દીપિકા, રણવીર, અભિમન્યુ સિંઘ, રિચા ચઢ્ઢા, ગુલશન દેવૈયા, બરખા બિશ્ત, રઝા મુરાદ વગેરે બધાં પાક્કાં ગુજરાતીઓ લાગે છે. એટલું જ નહીં, એમની એક્ટિંગ પણ તલવારની ધાર જેવી છે. હોમી વાડિયા ગેટઅપમાં મસ્ત લાગે છે પણ એમના ભાગે ખાસ કશું આવ્યું નથી. ગોડમધર જેવા રોલમાં સુપ્રિયા પાઠક જામે છે, પણ એમની કેરિકેચરિશ ગુજરાતી બોલીએ દાટ વાળ્યો છે.

154 મિનિટ્સને અંતે

દોઢસો પ્લસ મિનિટ્સ લાંબી રામલીલામાં પ્રિયંકાવાળું ગીત અને અમુક સીન્સ કાપીને નાની કરવાની જરૂર હતી. અમુક ઠેકાણે અનુરાગ કશ્યપની ગુલાલની, ક્યાંક ઇશકઝાદેની તો ક્યાંક કેતન મહેતાની ‘મિર્ચ મસાલા’ની યાદ અપાવતી રામલીલા સંજય લીલા ભણસાલીની મહેનત માટે પણ જોવા જેવી તો ખરી જ. તમામ વિવાદોને સાઇડમાં મૂકીએ તો પણ એક વિચાર એ આવે કે જો ભણસાલી ગુજરાતના કલ્ચરને આટલી સારી રીતે બતાવી શકતા હોય, તો એમણે રોમિયો જુલિયેટની પરદેશી અને અત્યંત જાણીતી વાર્તા શા માટે પસંદ કરી હશે? એને બદલે એ ખુદ ઝવેરચંદ મેઘાણીની જ કોઇ અફલાતૂન વાર્તા પસંદ કરી શક્યા હોત! એની વે, તમે તૈયાર થઇ જાઓ કમ્પ્લિટ ભણસાલી એક્સપીરિયન્સ માટે!

રેટિંગઃ ***1/2 (સાડા ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.