Ravi Subramanian & Kunal Nayyar

books૩૧મી ડિસેમ્બરની રાત્રે દુનિયા નવા વર્ષના જશ્નમાં મગ્ન હતી ત્યારે હું મારા રૂમમાં બારી-બારણાં પૅક કરીને કાનમાં ખાલીપીલી ઇયરફોનના ડટ્ટા ફિટ કરીને એક ચોપડી પૂરી કરવામાં ખૂંપેલો હતો. એ ચોપડી એટલે રવિ સુબ્રહ્મણ્યમની ‘ધ બેસ્ટસેલર શી રૉટ.’ કોઇએ (એટલે કે મેં જ) કહ્યું છે કે, કોઈ લેખકને ન વાંચ્યા હોય તો શરૂઆત એની બેસ્ટ કૃતિથી કરવી જોઇએ. પણ મેં જ એવું ન કર્યું અને રવિ સુબ્રહ્મણ્યમની અગાઉની બેન્કિંગ થ્રિલર્સને બદલે આ લેટેસ્ટ રોમકોમ હાથમાં લીધી. આમ જુઓ તો બુકમાં કશું જ નવું નથી. ટિપિકલ પતિ, પત્ની ઔર વોહની સ્ટોરી છે. ફેમિનિસ્ટ ચશ્માં પહેરીને જુઓ તો એવુંય દેખાય કે આ લેખક મહાશય એક્સ્ટ્રા મેરિટલ અફેરની તરફેણ પણ કરે છે. સ્ટાર આપવાના હોય તો બે કે મેક્સિમમ અઢી સ્ટાર આપી શકાય.

આ બુક ચેતન ભગતની ઝોન્રાની છે, પણ ચેતન ભગત જેવું સ્માર્ટ રાઇટિંગ મિસિંગ છે. એકદમ સ્માર્ટ પંચલાઇન્સ વગર આ બુક કોઈ લાઉડ બોલિવુડિયન મેલોડ્રામા જોતા હોઇએ એવી લાગે છે (‘મેરી વફા કા યે સિલા દિયા તુમને, આદિત્ય?!’). પરંતુ મજાની વાત એ છેકે આ બુકનો હીરો (આદિત્ય કપૂર) લગભગ ચેતન ભગત જ છે. યકીન નહીં આતા તો યે રહી સિમિલારિટીઝઃ રવિ સુબ્રહ્મણ્યમનો પ્રોટાગનિસ્ટ ભારતનો સૌથી મોટો બેસ્ટ સેલર લેખક છે, એની પહેલી બુક IITમાં કરેલાં તોફાનો પર આધારિત હતી, IIMમાંથી MBA થયેલો છે, એણે IIMની જ પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરેલાં છે, એ અગાઉ હોંગકોંગની એક બેંકમાં નોકરી કરતો હતો અને ત્યાંથી મુંબઈ શિફ્ટ થયો છે, એની પત્ની લાઇમલાઇટથી દૂર રહે છે, એની બુકની કિંમત હંમેશાં એવી જ રખાય છે જેથી રકમના આંકડાનો ટોટલ ‘5’ થાય, એ બુકના એક પ્રોડક્ટની જેમ માર્કેટિંગ પર બહુ ભાર મૂકે છે, ઔર ઔર ઔર… એને એક ડાન્સ રિયાલિટી શૉના જજ બનવાની ઑફર પણ થાય છે!! ચેતન ભગતની બીજી નોવલ (‘વન નાઇટ એટ ધ કૉલ સેન્ટર’)ની જેમ અહીં કારમાં ‘પહલાજ નિહલાની’ પણ થાય છે!

નેઇમડ્રોપિંગથી ફાટ ફાટ થતી આ નોવલમાં રિયલ લાઇફના એક ફિલ્મમૅકરનું લંબું-ચૌડું ગેસ્ટ અપિયરન્સ પણ છે અને આખા ક્લાઇમેક્સમાં હાજર રહે છે! બુકના કવર પર લખ્યું છે કે ‘સૂન ટુ બી અ મૅજર મોશન પિક્ચર.’ રામ જાણે કેવી બનશે ફિલ્મ? (પાછી જોવીયે પડશે!!)
***
રવિ સુબ્રહ્મણ્યમની એ બુકમાંથી ફટાફટ પરવારીને મેં હવે સ્ટાર્ટ કરી છે કુનાલ નૈયરની ‘યસ, માય એક્સેન્ટ ઇઝ રિયલ.’ સુપરડુપર હીટ અંગ્રેજી સિટકોમ ‘ધ બિગ બેન્ગ થિયરી’ના ચાહકો તો કુનાલનું નામ પડે ત્યાં જ ‘વૂ હૂ… રાજેશ કુત્રપલ્લી’ ચિલ્લાઇને હવામાં ડ્રોનની જેમ ફ્લાઇંગ કિસો ઊડતી મેલવા માંડે! આ ક્યુટ દિલ્લી કા લૌંડાએ પોતાની ફર્સ્ટ બુકમાં દિલ્હીથી બિગ બેન્ગ થિયરી સુધીની જર્ની અને એની લાઇફના એકદમ તોફાની પ્રસંગો આલેખ્યા છે (પહેલા જ ચેપ્ટરમાં એની લાઇફની ફર્સ્ટ (સંસ્કારી) કિસ અને એનું બિગ બેન્ગ થિયરી કનેક્શન લખ્યું છે). બુક હજી જસ્ટ સ્ટાર્ટ જ કરી છે, પણ એટલું કહી શકું કે એની લખવાની સ્ટાઇલ એની સિરિયલ જેવી જ એકદમ ફેન્ટાબ્યુલસ છે.

આ કુણાલિયો હમણાં પોતાની બુકના પ્રમોશન માટે દિલ્હી આંટો મારી ગયો છે અને તે દરમિયાન AIBવાળાઓએ એની સાથે એક પોડકાસ્ટ પણ કર્યું છે, જે થોડા દિવસોમાં યુટ્યૂબ પર અપલોડ થશે, એ જસ્ટ જાણ સારુ.
***
બાય ધ વે, આ બે બુકની વચ્ચે મેં ભારતના ખરેખરા બિગેસ્ટ બેસ્ટ સેલિંગ ઑથર એવા સુરેન્દ્ર મોહન પાઠકની ‘વિમલ સિરીઝ’ની પહેલી ‘પલ્પ ફિક્શન’ નોવલ ‘મૌત કા ખેલ’ ઈ-બુક તરીકે વાંચી નાખી. આ થ્રિલર ૧૯૭૧ની છે એટલે પ્લોટ થોડો જૂનવાણી લાગે, પણ ભાષા નહીં. એમની બુકમાં ઠેકઠેકાણે આવતાં ‘લેકિન ન અબ વૉ ઝમાના બાકી થા, ઔર ન ઉસ ઝમાને કા મૈં બાકી થા’ ટાઇપનાં વાક્યો વાંચીને મોંમાંથી ‘વાહ!’ નીકળી જાય!

હવે હું પાછો કુણાલિયાની લાઇફસ્ટોરીમાં પરોવાઈ ગયો છું!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements