મિસ ટનકપુર હાઝિર હો

  • 220px-miss_tanakpur_haazir_ho_posterસમાજમાં બનતી વાહિયાત ઘટનાઓ સટાયર એટલે કે કટાક્ષના ચાબખા મારવામાં જો ધ્યાન ન રહે, તો તેને ફારસમાં પલટાતા વાર નથી લાગતી. આ ‘મિસ ટનકપુર હાઝિર હો’ સાથે એવું જ થયું છે. કરવા ગયા કંસાર ને થઈ ગયું થૂલું. પોતાના ઘરની કહેવાતી આબરુ ઢાંકવા માટે એક નિર્દોષ યુવાન પર ખોટો આરોપ મૂકી દેવામાં આવે, કે એણે બળાત્કાર કર્યો છે અને એ પણ એક ભેંસનો. એ ભેંસ એટલે જ મિસ ટનકપુર. બસ, પછી તો ભેંસને બળાત્કાર પીડિતા બતાવીને એને કોર્ટમાં રજૂ કરાય અને કાયદેસરની કાર્યવાહીનું ફારસ ચાલે.
  • પરંતુ ફિલ્મની આ મુખ્ય વાર્તા પર આવતાં આવતાં એટલો બધો સમય વીતી જાય છે કે તમારી ધીરજ જવાબ દઈ દે. જેને ખરેખરું સટાયર કહેવાય એવા આ ભેંસના ટ્રેક પર આવતાં સુધીમાં અડધી ફિલ્મ એટલે કે એક કલાક ઉપરાંતનો સમય નીકળી જાય છે. અને એ એક કલાકમાં શું બને છે? આધેડ વયના અન્નુ કપૂર પોતાના ગુપ્તરોગની સારવાર કરવા કોઈ બાબા પાસે જાય છે, તંત્ર મંત્ર જાણતો હોવાનો દાવો કરતો એક લેભાગુ પંડિત (સંજય મિશ્રા) એની ઑવર એક્ટિંગ સાથે આપણને બોર કરે છે, બેએક દેહાતી ગીતો આવે છે… ઇન શૉર્ટ આપણને બોર કરવાનો પૂરેપૂરો બંદોબસ્ત કરી દેવાય છે.
  • સત્યઘટના પર આધારિત એવી આ ફિલ્મ સિંગલ લાઇનમાં કહેવા એ માગે છે કે કાયદાનાં છીંડાંનો લાભ લઇને દેશમાં બની બેઠેલા લોકો ખોટેખોટા કૅસો કરીને ન્યાયતંત્રનો દુરુપયોગ કરે છે અને નિર્દોષ લોકો એનો ભોગ બને છે. પરંતુ આટલી અમથી વાત કહેવા માટે એક તો સવા બે કલાકનો સમય લીધો છે અને એ પણ એટલો ધીમે ધીમે પસાર થાય છે કે સતત તમને થિયેટરમાંથી બહાર ભાગી જવાની ઇચ્છા થયા કરે.
  • આ ફિલ્મ ત્રણ ત્રણ લેખકોએ મળીને લખી છે, પણ રાઇટિંગમાં જરાય ભલીવાર નથી. નેતા, પોલીસ, સરપંચ બધા જ ભ્રષ્ટ હોય, ખાપ પંચાયતવાળા સ્ત્રીઓ વિરુદ્ધ બેફામ ઘટિયા ફતવાઓ ફેંકતા હોય, નિર્દોષ વ્યક્તિ આત્મહત્યા કરતી હોય… આવું બધું જ આપણે અનેક ફિલ્મોમાં જોઈ ચૂક્યા છીએ. એમાંથી અહીં કશું જ નવું નથી કે અસરકારક રીતે પેશ કરાયું નથી.
  • ફિલ્મના હીરો તરીકે ‘મસ્તરામ’ ફિલ્મમાં ખુદ ‘મસ્તરામ’ બનેલો રાહુલ બગ્ગા છે, જેના ભાગે એક્ટિંગ તો છોડો, પૂરતા ડાયલોગ્સ પણ આવ્યા નથી. સૌથી વધુ ફૂટેજ ખાઈ ગયા છે અન્નુ કપૂર, સંજય મિશ્રા, રવિ કિશન અને પાછળથી ઓમ પુરી. હવે આ ચારેય ઉમદા અભિનેતાઓ છે, પણ એમને સારા લખાયેલા સીન અપાય તો સારી એક્ટિંગ કરે ને! સંજય મિશ્રા વધુ પડતું બોલ બોલ કરીને બોર કરે છે. અને ઓમ પુરીએ કાં તો હવે ફિલ્મોમાંથી સંન્યાસ લઈ લેવો જોઇએ, કાં તો પછી ખરેખર કોઇને પૂછ્યા પછી જ ફિલ્મો સ્વીકારવી જોઇએ. ‘ડર્ટી પોલિટિક્સ’ ફિલ્મ પછી આ એમનો બીજો વાહિયાત રોલ છે. આટલા દમખમવાળા એક્ટરો હોવા છતાં આપણું ધ્યાન ખેંચે છે મૌસીનો રોલ કરતાં કમલેશ ગિલ. આ દાદીમાને આપણે ‘વિકી ડૉનર’માં આયુષ્માનનાં દાદીના રોલમાં જોયેલા.
  • કોઈ કારણ વગર ખેંચાયે જતી અને ભયંકર બોર કરતી આ ફિલ્મને માત્ર એમાં ઉઠાવાયેલા વિષયને કારણે જ અડધો સ્ટાર આપી શકાય. બાકી આ ફિલ્મમાં એક મિનિટ પણ વેડફવા જેવી નથી.

    Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

બુલેટ રાજા

ઓન્લી સાઉન્ડ, નો માઇલેજ!

***

તિગ્માંશુ ધુલિયાની ઇન્ટરેસ્ટિંગ પેકેટમાં પેક થયેલી બુલેટ રાજાની ફીલ મસ્ત છે, પણ આખી ફિલ્મમાં કશું જ નવું નથી.

***

bullettraja4તિગ્માંશુ ધુલિયાની ફિલ્મ હોય એટલે આપણને ઉત્કંઠા જાગવી સ્વાભાવિક છે. એમાંય ખાસ કરીને સૈફ અલી ખાન એના ફુલ ફોર્મમાં દેખાતો હોય, ત્યારે ચટ ટિકિટ ખરીદીને પટ સ્ક્રીનિંગ જોવા પહોંચી જઇએ એ પણ સ્વાભાવિક છે. લેકિન આ વખતે તિગ્માંશુ નિશાન ચૂક્યા છે. હા, ફિલ્મનું રાઇટિંગ સ્માર્ટ છે અને અમુક સીન્સ પણ મસ્ત છે, પરંતુ આખી ફિલ્મમાં કશું જ નવું નથી.

યુ.પી.-ગુંડા-પોલિટિક્સ અને ગોલિયોં કી બૌછાર

રાજા મિશ્રા (સૈફ અલી ખાન) યુ.પી.નો એક માથાકૂટિયો દબંગ છે. એકવાર ગુંડાટોળકીથી ભાગતાં એ રુદ્ર (જિમ્મી શેરગિલ)ની બહેનનાં લગ્નમાં ઘુસી જાય છે. ત્યાં ગુંડાઓનો અટેક થાય છે અને એનો સામનો કરવામાં સૈફ-જિમ્મીની જય-વીરુ જેવી પાક્કી દોસ્તી થઇ જાય છે. એમની દિલેરી જોઇને બંનેને મિનિસ્ટર રામ બાબુ (રાજ બબ્બર) માટે કામ કરવાની ઓફર મળે છે, જે સ્વીકારીને બંને બાહુબલી બની જાય છે. પરંતુ એક મીટિંગમાં દોઢ ડહાપણ કરવા જતાં બિઝનેસમેન બજાજ (ગુલશન ગ્રોવર) બંનેનું અપમાન કરી બેસે છે. એ અપમાનનો બદલો લેવા બંને ગુલશન ગ્રોવરને કિડનેપ કરે છે. એ વખતે ગુલશન ગ્રોવર અભિનેત્રી બનવા ઇચ્છુક મિતાલી (સોનાક્ષી સિંહા) સાથે હળવી પળો માણવા બેઠા હોય છે. બસ, ગુલશનની સાથે ગુલ એટલે કે સોનાક્ષી પણ કિડનેપ થાય છે. ગુલશન તો પાંચ કરોડ આપીને છૂટી જાય છે, પણ સોનાક્ષી સૈફના પ્રેમની કેદમાં કાયમ માટે ફસાઇ જાય છે.

બે બદામના ગુંડાઓ પોતાને કિડનેપ કરીને પૈસા પડાવી જાય એ વાતનો બદલો લેવા ગુલશન બંનેને સબક શીખવવા શાર્પ શૂટર યાદવ (રવિ કિસન)ને સુપારી આપે છે. પરંતુ પછી એવી ઘટના બને છે, જેથી સૈફ માથે કફન બાંધીને ગુલશન-રવિ કિસન એન્ડ કંપનીનો ઘડો લાડવો કરવા નીકળી પડે છે. અને આ માતેલા સાંઢ જેવા સૈફને જેર કરવા મુન્ના (વિદ્યુત જામવાલ) જેવા બાહોશ ઇન્સ્પેક્ટરને કામે લગાડાય છે.

પાસિંગ વિથ ડિસ્ટિંક્શન

હીરો અને એનો સાથીદાર ભેગા મળીને ધમાલ મચાવતા હોય એવી ફિલ્મને ‘બડ્ડી મુવી’ કહે છે. હોલિવૂડમાં ‘બચ કેસિડી સનડાન્સ કિડ’થી લઇને આપણી શોલે, સુહાગ જેવી ફિલ્મો પ્રખ્યાત બડ્ડી મુવીઝ છે. અહીં બુલેટ રાજામાં સૈફ અને જિમ્મી શેરગિલની જોડી પરફેક્ટ મેચિંગમાં લાગે છે. અભિનેતા શશી કપૂરે બહુ બધી બડ્ડી મુવીઝમાં કામ કર્યું છે. એમને અંજલિ આપતા હોય એમ એક સીનમાં સૈફ જિમ્મીને ‘અરે મેરે શશી કપૂર’ કહીને પણ બોલાવે છે. બંનેની મસ્ત કેમેસ્ટ્રી આ ફિલ્મનું સૌથી પહેલું સ્ટ્રોંગ પાસું છે. વળી, ગુચ્છાદાર વાળવાળા સૈફ અને લચ્છેદાર મૂછવાળા જિમ્મીએ પોતપોતાના રોલને બખુબી જીવી જાણ્યા છે.

ફિલ્મનું બીજું સ્ટ્રોંગ પાસું છે સ્માર્ટ રાઇટિંગ. તિગ્માંશુ ધુલિયાએ કલમ ઉપાડી હોય એટલે એમાં ચમકારા ન હોય તો જ નવાઇ. એમણે લેખક અમરેશ મિશ્રા સાથે મળીને કેટલાક બહેતરીન ડાયલોગ્સ લખ્યા છે, જે અગાઉની સાઉથ ઇન્ડિયન સ્ટાઇલવાળી ગેંગસ્ટર ફિલ્મોની જેમ માત્ર પ્રાસ બેસાડવા માટે લખાયેલા નથી લાગતા. ફિલ્મના સૌથી અસરદાર ડાયલોગ્સનાં એક્ઝામ્પલ્સ જુઓઃ બ્રાહ્મણ ભૂખા તો સુદામા, સમઝા તો ચાણક્ય ઔર રુઠા તો રાવણ!; ક્યા કરેં, બડી બુરી આદત હૈ, નર્ક કે દરવાઝે પર ખડે હો કે પાપ કરતે હૈં; આપ હમેં સપોર્ટ કીજિયે, હમ વિસ્ફોટ કરેંગે; હિન્દી મેં બાત કરેંગે તો અચ્છા રહેગા, થોડી દેશભક્તિ અભી બાકી હૈ હમ મેં; હમારે યહાં બદલા લેને કી પરંપરા હૈ, કોઇ કોર્પોરેટ કલ્ચર નહીં કિ અગલી ડીલ મેં નુક્સાન એડજસ્ટ કર લેંગે…

બુલેટ રાજાનું ત્રીજું મજબુત પાસું છે, તેનો હળવો ટોન. સૈફ અને જિમ્મીના મોઢે બોલાયેલા સ્માર્ટ ડાયલોગ્સ અને બંનેનું કોમિકલ ટાઇમિંગ ધડાધડીવાળી આખી ફિલ્મને માથાનો દુખાવો બનતી અટકાવે છે. વળી, ફિલ્મની સ્ટારકાસ્ટ પણ જબરદસ્ત છે. સૈફ-જિમ્મી ઉપરાંત નાના મોટા રોલમાં દેખાયેલા ચંકી પાન્ડે, ગુલશન ગ્રોવર, વિદ્યુત જામવાલ, શરત સક્સેના, રાજ બબ્બર બધાનું કામ પોતપોતાની જગ્યાએ પરફેક્ટ છે. મજાની વાત એ છે કે આટલા બધા સાઇડ એક્ટર્સ હોવા છતાં બધાની આવન જાવન સ્મૂધ રીતે ચાલતી રહે છે, જેથી સ્ટોરીમાં કલાકારોનો ખીચડો નથી લાગતો. હા, એક ગીત અને એક સીનમાં આવેલી માહી ગિલ તદ્દન વેડફાઇ છે.

પરંતુ આટલા વિષયમાં નાપાસ

આટઆટલાં મજબુત પાસાં હોવા છતાં આખી ફિલ્મ જસ્ટ અનધર એક્શન મુવી બનીને રહી ગઇ છે. એનું પહેલું સૌથી નબળું કારણ છે ચીલાચાલુ સ્ટોરી. રાજકારણીઓનો હાથો બનતા અને પછી બદલો લેવા નીકળતા હીરોની સંખ્યાબંધ ફિલ્મો આપણે જોઇ છે. બુલેટ રાજા એમાં કશું નવું પેશ કરતી નથી. બીજું, જે કારણથી સૈફ-જિમ્મી આખી માથાકૂટ ઊભી કરે છે એ સાવ ક્ષુલ્લક છે, જે આખી સ્ટોરીને રિવેન્જ સાગા બનાવી શકવા માટે પૂરતું નથી.

તિગ્માંશુ ભાઇએ બીજો લોચો માર્યો છે, જથ્થાબંધ ગીતો નાખવામાં. લગભગ સવા બે કલાકની ફિલ્મમાં દર થોડી વારે એક ગીત આવે છે. હા, તેના શબ્દો રસપ્રદ છે, પણ એ ફિલ્મને ચ્યુઇંગ ગમની જેમ લાંબી બનાવે છે અને થ્રીલને કિલ કરી નાખે છે. ખબર નહીં, નક્કામાં ગીતો નાખવાના લાલચમાંથી આપણા ફિલ્મમેકર્સ ક્યારે મુક્ત થઇ શકશે?

પૂરેપૂરી સૈફ અને જિમ્મીની જ આ ફિલ્મમાં સોનાક્ષી સિંહાનું કંઇ કહેતા કંઇ જ કામ નથી. પ્રશ્ન એ થાય કે હિરોઇનના પ્રેમમાં પડ્યા વગરનો હીરો ન હોઇ શકે?! ‘લૂટેરા’ સિવાય એક પણ એક્ટિંગ ઓરિયેન્ટેડ ફિલ્મમાં કામ ન કરનારી સોનાક્ષી ઝડપથી નોન-એક્ટિંગ ગ્લેમ ડોલ બનવા જઇ રહી છે. બાય ધ વે, રાઉડી રાઠોડ, લૂટેરા, વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ દોબારા અને હવે બુલેટ રાજા, આ સોનાક્ષી દર બીજી ફિલ્મમાં ગુંડા-મવાલીઓના પ્રેમમાં જ કેમ પડતી હશે?

બુલેટ રાજા એ બુલેટ ફેરવતા અને બુલેટ (બંદૂકની ગોળીઓ)નો ધાણીફૂટ વરસાદ કરતા પાત્રોની સ્ટોરી છે. ફિલ્મની શરૂઆત જ ડાયલોગથી નહીં, બલકે ગોળીઓની ધણધણાટીથી થાય છે. પરંતુ આખી ફિલ્મમાં એટલી બધી ગોળીઓ છૂટે છે અને એટલી હત્યાઓ થાય છે કે કોઇ પાત્ર પ્રત્યે સહાનુભૂતિ કે ઘૃણા જેવું કશું જ આપણને ફીલ થતું નથી. ગામની વચ્ચે આખલા બાધતા હોય અને આપણે જોઇ રહીએ એવી જ હાલત થાય છે. સૈફ-જિમ્મીની દોસ્તી સિવાય કોઇપણ ઇમોશનલ એન્ગલ આ ફિલ્મ ક્રિયેટ કરી શકી નથી. જેથી આપણે કોઇ સામસામી હત્યાઓ કરવાની વીડિયો ગેમ જોતા હોઇએ એવી સ્થિતિ સર્જાય છે.

તો, ફિલ્મ જોવી કે ન જોવી?

જો તમને ઉત્તર પ્રદેશના ખરબચડા માહોલમાં ધડાધડી બોલાવતાં પાત્રોની ફિલ્મ જોવી ગમતી હોય, થોડા સ્માર્ટ ડાયલોગ્સ અને સીન્સ એન્જોય કરવા માટે આખી ફિલ્મ જોવામાં કશો વાંધો ન હોય, દર થોડી વારે વિચિત્ર શબ્દોવાળાં ગીતો આવતાં હોય તો પણ તમને કંટાળો ન આવતો હોય, તો પછી આ ફિલ્મ તમે બિન્દાસ જોઇ શકો છો. પરંતુ જો તમને તિગ્માંશુ ધુલિયાનું નામ વાંચીને બહુ બધી અપેક્ષાઓ સાથે ફિલ્મ જોવા જવાના હો તો આ બુલેટ રાજાથી દૂર રહેજો. કેમ કે આ બુલેટમાં ખાલી ધણધણાટી છે, માઇલેજ નથી!

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.