સરકાર-3

ઇડિયટ્સ-૩

***

જૂની ગુડવિલ, ગળે ન ઊતરે તેવો પ્લોટ, પૂરતું ન દેખાય તેવા કેમેરા ઍન્ગલ્સ અને બહેરા કરી મૂકે તેવું બૅકગ્રાઉન્ડ મ્યુઝિકનો સરવાળો એટલે રામ ગોપાલ વર્માની આ નવી ફિલ્મ.

***


વિવિધ અવાજોને તીવ્રતાના ચડતા ક્રમમાં કંઇક આમ ગોઠવી શકાયઃ મચ્છરનો ગણગણાટ, પક્ષીઓનો કલબલાટ, માણસનો અવાજ, ટેલિવિઝનનો સાઉન્ડ, પાટા પર દોડતી ટ્રેન, જસ્ટિન બીબરના કોન્સર્ટનાં સ્પીકર, ટેક ઑફ થતું પ્લેન, સુપરસોનિક વિમાનની સોનિક બૂમનો ધડાકો અને ત્યારપછી રામ ગોપાલ વર્માની ફિલ્મનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક. એમની આ ‘સરકાર-૩’નું મ્યુઝિક એટલું બધું ઘોંઘાટિયું છે કે ફિલ્મની શરૂઆતમાં ઍન્ટિ સ્મોકિંગની સાથોસાથ કાનની સલામતીની પણ જાહેરાત મૂકવા જેવી છે. બૅકગ્રાઉન્ડ નોઇઝ ઉપરાંત પણ ફિલ્મમાં ઘણા બધા પ્રોબ્લેમ છે.

ઍન્ગ્રી ઓલ્ડ મેન

બે ફિલ્મોમાં બબ્બે દીકરા-વહુ ગુમાવ્યાનાં વર્ષો પછીયે સુભાષ નાગરે (અમિતાભ બચ્ચન)નો ‘સરકાર’ તરીકેનો દબદબો બરકરાર છે. કેટલાક વિશ્વાસુ માણસો સાથે તેઓ પોતાના અંધારિયા ઘરમાં બીમાર પત્ની (સુપ્રિયા પાઠક) સાથે રહે છે. પહેલા પાર્ટમાં ટ્રાઇસિકલ ચલાવતો છોકરો ચીકુ હવે યુવાન શિવાજી (અમિત સાધ) બનીને પાછો આવ્યો છે. પરંતુ એનાં લખ્ખણ સારાં નથી. ઉપરથી ગોકુલ (રોનિત રોય) જેવા એકલ-દોકલ વફાદારોને બાદ કરતાં મુંબઈથી દુબઈ સુધીના લોકો સરકારના દુશ્મન છે. દુબઈનો એક પાણી અને પ્રાણીપ્રેમી ડૉન માઇકલ વાલ્યા (જૅકી શ્રોફ), રાજકારણી મા-બેટા રક્કુબાઈ (રોહિણી હતંગડી) અને ગોવિંદ દેશપાંડે (મનોજ બાજપાઈ), કાજળધારી અન્નુ (યામી ગૌતમ), યુનિયન લીડર ગોરખ (ભરત દાભોળકર) વગેરે ‘સરકાર હૅટર્સ’ નામની IPL ટીમ બનાવી શકાય એટલા બધા લોકો એમની સામે પડ્યા છે. ૧૩૨ મિનિટની આ ‘કાનલેવા’ ફિલ્મમાં સરકારનું શું થશે?

લાઉડ, કેમેરા, એક્શન

એક સમય હતો જ્યારે પોસ્ટરમાં ‘અ રામ ગોપાલ વર્મા ફિલ્મ’ જોઇને લોકો થિયેટર ભણી દોટ મૂકતા. જ્યારે હવે આ જ શબ્દપ્રયોગ લોકોને ડરાવવા માટે વપરાય છે. કેમ કે, ફિલ્મ ગમે તે હોય અમુક તત્ત્વો વિના અપવાદે સરખા જ રહેવાનાં. જેમ કે, ફિલ્મના કેન્દ્રમાં કોઈ નકારાત્મક પાત્ર જ હશે અને એના દ્વારા બદલાની ભાવનાથી કરાયેલી હિંસાને જસ્ટિફાય કરાઈ હશે. CCTV કે જાસૂસી કેમેરાની જાહેરખબર માટે વાપરી શકાય તેવા ગાંડાઘેલા કેમેરા ઍન્ગલ્સ હશે, બહાર આવ્યા પછી ગરમ તેલમાં કકડાવેલાં લસણનાં ટીપાં નાખવા પડે એવું ગગનભેદી બૅકગ્રાઉન્ડ મ્યુઝિક હશે, મચ્છરની જેમ લોકો મરતા હશે ને ફિલ્મ જોયા પછી આ દુનિયા હવે જીવવા જેવી રહી જ નથી એવો વિષાદયોગ છવાઈ જશે. આ તમામનો વધુ એક સરવાળો એટલે ‘સરકાર-૩’.

‘ગોડફાધર’ના ભારતીય વર્ઝન તરીકે દાયકા પહેલાં રજૂ થયેલી ‘સરકાર’માં રામ ગોપાલ વર્મા પાસે નવું કહેવા માટે કશું જ નથી. ઇન ફૅક્ટ, ઘણે અંશે આ ફિલ્મ ‘સરકાર-૧’ની રિમેક જેવી જ છે. પરંતુ જેમ એક સ્ટારનો ચાર્મ જતો રહે અને તે પોતાના ભવ્ય ભૂતકાળના પડછાયા જેવો બનીને રહી જાય એવું આ ફિલ્મનું થયું છે. ‘સરકાર-૧’ની પહેલી દસ-પંદર મિનિટમાં જ સરકાર અને અન્ય પાત્રો એસ્ટાબ્લિશ થઈ જતાં હતાં. મ્યુઝિક, કેમેરા ઍન્ગલ્સ અને પાત્રોની નજર બધું જ તેને પૂરક હતું. જ્યારે આ ફિલ્મ રામુજીએ પોતાની જ પૅરડી બનાવી હોય તેવી લાગે છે.

અહીં બૅકગ્રાઉન્ડ મ્યુઝિક અને ‘ગોવિંદા ગોવિંદા’ની સિગ્નેચર ટ્યુન કોઈ જ કારણ વિના એટલી લાઉડ છે કે સરહદ પર વગાડ્યાં હોય તો ત્રાસવાદીઓ એના ડરથી જ ભાગી જાય. અમિતાભ સહિત તમામ પાત્રો દરેક વખતે કંઇક અગત્યનું જ બોલે છે એવું પુરવાર કરવા માટે સૌ શબ્દે શબ્દ છૂટા પાડીને ભાર દઈ દઈને બોલે છે. શૂટિંગ પહેલાં સૌને કડક કાથા-ચૂના જેવું કંઇક ખવડાવી દીધું હોય એમ બધાના અવાજને ખખરી બાઝી ગઈ છે. અગાઉ સરકાર પોતાના વિશ્વાસુ લોકો સામે સૂચક નજરે જુએ તેની પાછળ કોઈ સંદેશ-આદેશ છુપાયેલો રહેતો. અહીં બધા જ લોકો જાણે આંખમાંથી લૅસર કિરણો કાઢવાની પ્રેક્ટિસ કરતા હોય એ રીતે ડોળા કાઢીને જોયા કરે છે. આ બધું શા માટે? રામુ જાણે.

‘સરકાર-૩’માં સૌથી વધુ ક્રિએટિવિટી દાખવી છે સિનેમેટોગ્રાફરે. ઓશિકાની પડખે, પડદા પાછળ, સ્ટ્રેચર નીચે, ચાના કપના નાકાની આરપાર, થેપલાંની ડિશ લંબાવતા હોય એ રીતે ડાઇનિંગ ટેબલ પર, શાર્ક માછલીની નીચે, ટેલિવિઝન-મોબાઇલ ફોનની પાછળ… ટૂંકમાં તમે કલ્પના પણ ન કરી શકો એવા સ્થળોએ કેમેરા ગોઠવવામાં આવ્યા છે. શા માટે? રામુ જાણે. વળી, પાત્રો જ્યારે કોઈ ખૂંખાર પ્લાન બનાવતા હોય કે ગંભીર વાત ચર્ચતા હોય ત્યારે એમની પાસે કરાવવું શું? રામુ પાસે સિમ્પલ સોલ્યુશન છે, કુછ ભી પીવડાવી દો. સરકાર રકાબી મોઢે માંડીને સ્ટિરિયોફોનિક સબડકા લે ત્યાં સુધી બરાબર છે, પરંતુ આ તો ખુદ સરકાર બબ્બે વખત ચા બનાવે, દૂધ પીવે, બાકીના લોકો વિના અપવાદે ચા-કૉફી પીવે, વાઇન-વ્હિસ્કી પીવે, અને આખી ફિલ્મ યુ નૉ, આપણું બ્લડ પીવે. વિના અપવાદે બધાનાં ઘરોમાં ઘોર અંધારાં. સરકારના ઘરનું અંધારું કદાચ એકલા પડી ગયા બાદ સરકારની લાઇફમાં વ્યાપેલા અંધકારનો મૅટાફર હોય, પરંતુ બાકીના લોકો શુંકામ અંધારે કુટાય છે? એમના રૂમમાં પણ દૂર ક્યાંક કોઈ ઝાંખો પીળો બલ્બ ચાલતો હોય એવું ઝાંખું અજવાળું આવ્યા કરે. એટલો પ્રકાશ પણ ખમાતો ન હોય, એમ પાછા અંદર પણ કાળા ગોગલ્સ પહેરી રાખે, TV જોતી વખતે પણ.

આખી ફિલ્મમાં માત્ર એક જ ટ્વિસ્ટ રસપ્રદ છે (જોકે એનુંય પૂરું જસ્ટિફિકેશન તો નથી જ). બાકીની પોણા ભાગની ફિલ્મનું રાઇટિંગ અનહદ કંગાળ છે. અગાઉ સરકાર નિષ્ફળ ગયેલી સિસ્ટમનો સમાંતર વિકલ્પ અને એક વિચારધારા હતો. અહીં એવું કશું જ નથી. કાર્ટૂન જેવા અડધો ડઝન વિલનો ભેગા મળીને પણ સરકારને કે એમની સોચને ખતમ કરવાનો એક પર્ફેક્ટ પ્લાન ઘડી શકતા નથી. મળે છે તો  માત્ર આવા ડાયલોગઃ ‘મછલી કિતની ભી તેઝ ક્યૂં ન હો, ઉસકી આવાઝ નહીં આતી, પતા હૈ ક્યોં? પાની કી વજહ સે’, ‘અગર તૂ ઔર મૈં દોનો સમઝ ગયે તો સમઝ કા ક્યા ફાયદા?’ બોલો, તમને સમજાયું કંઈ? આ બંને મહાન ડાયલોગ બોલાયેલા છે આ ફિલ્મના સૌથી ખૂંખાર અને સૌથી અનઇન્ટેન્શનલ કોમિક પાત્ર ટાઇગર પિતા જૅકી શ્રોફના મુખે. આખી ફિલ્મમાં તેઓ વિવિધ જળચર પ્રાણીઓ અને એક અલ્પ વસ્ત્રધારી કન્યા સાથે રહીને ઇન્ટરનેશનલ કૉલિંગ જ કર્યા કરે છે. ધેટ્સ ઇટ.

અમિતાભ બચ્ચનની હાલત ડૂબતા જહાજના કૅપ્ટન જેવી થઈ છે. સારા ડાયલોગ્સ કે સ્ક્રિપ્ટ ન મળે તો સરકારને પણ કયા સરકાર બચાવે? અમિત સાધના ભાગે ફિલ્મમાં ફૂંફાડા મારવા સિવાય ખાસ કંઈ આવ્યું નથી. યામી ગૌતમને તો સીધી જ ‘ફેર એન્ડ લવલી’ની ઍડમાંથી ઊંચકીને ‘નજર સુરક્ષા કવચ’ના પાત્રમાં બેસાડી દીધી હોય તેવી બિહામણી લાગે છે. એક્ટિંગની તો વાત જ નથી થતી. વધુ પડતાં પાત્રો અને ફાલતુ સીનમાં રોનિત રોય જેવો ઉમદા એક્ટર વેડફાઈ ગયો છે. રોહિણી હતંગડી થોડી વાર માટે દેખાયાં અને એક ગ્લાસ દારૂ પીને ગાયબ થઈ ગયાં. એકમાત્ર મનોજ બાજપાઈ ફોર્મમાં દેખાય છે. સુપ્રિયા પાઠકનું મરાઠી સમજવા માટે કોઈ દુભાષિયાની જરૂર પડે એવું છે. હા, અભિષેક બચ્ચન પણ તસવીર સ્વરૂપે ફિલ્મમાં છે (છતાંય એના ચહેરા પર જ્હોન અબ્રાહમ કરતાં વધુ એક્સપ્રેશન્સ દેખાય છે, બોલો).

‘સરકાર-૩’માં વધુ એક વાંધો ગાંધીજીના દુરુપયોગ સામે પણ લઈ શકાય. એક તો અહીં ગાંધીજીનું પૂતળું ‘લગે રહો મુન્નાભાઈ’ના દિલીપ પ્રભાવલકર જેવું દેખાય છે. ઉપરથી એક માફિયા પાત્રની અટક ગાંધી છે, જેને યામી ગૌતમ ‘ગાંધીજી ગાંધીજી’ કહીને બોલાવે છે. આટલું પૂરતું ન હોય તેમ ફિલ્મમાં બાપુના લક્ષ્ય અને સાધનશુદ્ધિના વિચારને પણ તોડી-મરોડીને વિકૃત રીતે પેશ કરાયો છે. આ બધું શા માટે, ભઈ?

બસ કરો, રામુ

‘સરકાર-૩’ એક સરસ ફિલ્મશ્રેણીને હાસ્યાસ્પદ કેવી રીતે બનાવી શકાય તેનો પર્ફેક્ટ નમૂનો છે. અમિતાભ બચ્ચનનો પ્રામાણિક પ્રયત્ન, મનોજ બાજપાઈના બે-ત્રણ લાઉડ-કેરિકેચરિશ છતાં ઇમ્પ્રેસિવ સીન અને એકાદ જગ્યાએ સરસ કટ્સ દ્વારા થયેલું જક્સ્ટાપોઝિશન, આવા જૂજ પૉઝિટિવ્સને બાદ કરતાં આખી ફિલ્મ ટૉર્ચર મટિરિયલ છે. આશા રાખીએ કે આ ‘સરકાર’ હવે અહીં જ પડી ભાંગે. અને હા, તમારે આ ફિલ્મ જોવી હોય તો ઘરે TV પર જ જોજો, કમ સે કમ તેમાં વોલ્યુમ ધીમું તો કરી શકાય.

રેટિંગઃ * (એક સ્ટાર)

(Reviewed for Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

રામ ગોપાલ વર્મા કે સાઇડ ઇફેક્ટ્સ!

ram-gopal-varma-asks-allah-jesus-and-balaji-to-discuss-on-terrorists

એક જમાનો હતો, ‘અ રામ ગોપાલ વર્મા ફિલ્મ’ લખેલું મુવી રિલીઝ થાય એટલે અમે દોસ્તારો ક્લાસમાં બંક મારીએ અને હડી કાઢતાં થિયેટરે પહોંચી જઇએ. હવે આવું જ લખાણ ધરાવતી ફિલ્મ આવે એટલે ભરઉનાળે ટાઢનું લખલખું પસાર થઈ જાય છે, કે મરી ગ્યા, આ પાછો ‘આઈ જ્યો’! છતાં અમારે બચ્ચન સાહેબની જરાક શરમ ભરવી પડે એટલે આજે અભિષેક બચ્ચનની કરિયરબેસ્ટ એક્ટિંગવાળી ફિલ્મ જોવા પોગી ગ્યા! પણ પછી અમારી જે હાલત થઈ છે, એ તમે જ હોંભરો, આઈ મીન વોંચો…

***

132 મિનિટની આ ફિલ્મ પત્યા પછી મારા કાનમાં સતત ‘સિટોટી’ જ વાગતી રહી. અંધારાવાળી ફ્રેમો અને આડાતેડા કેમેરા એન્ગલ્સને કારણે આંખના ડોળાય કેરમની કૂકરીની જેમ ફરતા રહ્યા (એમાં ને એમાં જ ઓલા કેરીવાળા રોયાએ કેસરને બદલે તોતાપુરી પકડાવી દીધી!). ઘરે આવ્યો, ગરમ તેલમાં લસણ કકડાવીને કાનમાં ટીપાં નાખ્યાં ત્યારે સિટોટી બંધ થઈ ને અવાજનો વાહનવ્યવહાર ચાલુ થયો. પણ ના, હજી ઑલ ઇઝ વેલ નો’તું!

મમ્મીને પૂછ્યું કે આજે જમવામાં શું બનાવ્યું છે? ત્યારે મમ્મીએ મારી સામે એસિડ નજરે જોયું (એમાં જ મારા શર્ટની બાંયમાં કાણું પડી ગ્યું). પપ્પાએ બૅકગ્રાઉન્ડમાં રકાબીમાં કાઢેલી ચાનો પ્રચંડ સબડકો બોલાવ્યો, અને બૅકગ્રાઉન્ડમાં મને મોટા અવાજે સંભળાવા લાગ્યું, ‘શાક, દાળ, ભાત, છાશ.. શાક, દાળ, ભાત, છાશ…’ મેં (તેલવાળા) કાનમાં આંગળીઓ ખોંસી ને પૂછ્યું, ‘ને સંભારામાં?’ ત્યાં દીવાલમાંથી બે પોપડા ખરી પડે એવા વોલ્યુમ પર વાગ્યું, ‘ટિંડોળા, ટિંડોળા, ટિંડોળા, ટિંડોળાઆઆઆ…!’

મને થયું જ કે આજે મારા પર કોઇક ભેદી માઠી બેઠી છે. એટલે છાનોમાનો જમવા બેસી ગ્યો. થોડીવાર થઈ ત્યાં કપડાંનો ગાંસડો લઇને ધોબી આવ્યો. મારા નવેનવા ટીશર્ટ પર એણે કંઇક ભેદી ડાઘો પાડેલો અને એના પર ઇસ્ત્રીય ફેરવી દીધેલી. મેં ખખડાવ્યો, તો મારી સામે એણે અમિત સાધ જેવા ડોળા કાઢ્યા, ને કહે, ‘સાય્બ, બેદાગ કપડે એક સોચ હૈ! કપડે ઇસ્ત્રી મેં દેને સે પહલે આપકો ઇસ સોચ કો બદલના પડેગા!’ મકું, તારી ભલી થાય. ‘હમારે યહાં ગલતી પહલી બાર નહીં, આખરી બાર હોતી હૈ’ બોલીને એને કાઢ્યો.

પછી લુસ લુસ જમ્યો (એમાં જ પેલી તોતાપુરીની ચાંચ તાળવામાં વાગી ગઈ!). જમતી વખતે સતત એવો ભાસ થતો રહ્યો કે બાથરૂમના હૅન્ડલમાંથી, ખુરશીના બે પાયા વચ્ચેથી, બાલ્કનીમાં સૂકવેલા બાજુવાળાના ગંજીનાં કાણાંમાંથી, સામેના બ્લૉકની બાલ્કનીની દોરી પર સૂકવવા મૂકેલી દૂધની ધોયેલી કોથળીઓમાંથી કો’ક મને જોઈ રહ્યું છે!

જમીને ફોન હાથમાં લીધો તો એક ચિબાવલા દોસ્તારનો વ્હોટ્સએપ આવેલો પડ્યો હતોઃ ‘આજ તો તમારા જૂના ફેવરિટ રામુનું ને ઑલ ટાઇમ ફેવરિટ અમિતાભનું ફિલમ. એટલે દોથા ભરી ભરીને સ્ટાર દેહો ને, કાં?!’

મેં ઈ ગોલકીનાને કચકચાવીને રિપ્લાય કર્યોઃ

‘મુઝે જો સહી લગતા હૈ, મૈં વૈસા હી રિવ્યૂ કરતા હૂં,

વો ચાહે ભગવાન જૈસે સ્ટાર્સ કે ખિલાફ હો,

માર્કેટિંગ-હાઇપ કે ખિલાફ હો,
ફેન્સ, ફેસબુક… યા ફિર પૂરે PR સિસ્ટમ કે ખિલાફ ક્યૂં ના હો…’

(પાછું બૅકગ્રાઉન્ડમાં મને સંભળાયું, ટિંડોળા, ટિંડોળા, ટિંડોળા, ટિંડોળાઆઆઆ…!)

‘ઔર હાઁ, જો ઉસૂલોં કે રાસ્તે પે ચલતે હૈ, ઉસકે દોસ્ત કમ હોતે હૈ ઔર દુશ્મન ઝ્યાદા…’

ત્યાં જ એક ધબાકો થ્યો. બહાર નીકળીને જોયું તો રામાએ વાઘબકરી ચા હાર્યે ફ્રી આવેલો ગ્લાસ ફોડ્યો હતો. હું જરા પાંચેક ડિગ્રી તપી ગ્યો, ‘શાંતિથી કામ કરો ને…’

તો ઈ ડબ્બલ તપ્યો, ‘અબ, મેં યહાં કામ નહીં કરુંગા… ઔર કિસી કો કરને ભી નહીં દૂંગા!’

મેં મારા ચશ્માંમાંથી ઍન્ટિગ્લૅર કાઢી, ‘કોઈ ભી ફૈસલા ચુનાવ સે હોના ચાહિયે, દબાવ સે નહીં! તું મારે ત્યાં પાંચ વર્ષથી કામ કરે છે.’

ઈ મને ક્યે, ‘બાજુના બ્લોકવાળા દોઢો પગાર આપવા રેડી છે.’

મેં કીધું, ‘નઝદીકી ફાયદા દેખને સે પહલે દૂર કા નુકસાન સોચના ચાહિયે. અને તું ગમ્મે એટલા દી’ ખાડા પાડે અમે કોઈ દી’ તને ના પાડી છ? પગાર કાપ્યો છ?’

તો હહરીનો કહે કે, ‘જિસકે પાસ પાવર હૈ, ઉસકા રોંગ ભી રાઇટ હો જાતા હૈ!’

પછી તો મેં લીધો એને, ‘લાલચ ઔર ડર… કિસીકો ભી ગદ્દાર બના દેતે હૈ. ઔર હર અચ્છાઈ કી એક નિર્ધારિત કીમત હોતી હૈ…’

ત્યાં મારાં મમ્મી વચ્ચે પડ્યાં ને મને કહે કે, ‘તું તારું કામ કરને ભાય… હું હમજાવી લઉં છું આને. અમેય મૂળે કાઠિયાવાડી, ઑપરેશન પૂરા અમદાવાદી!’

***

પરંતુ આખી વાત પાંચેક વાગ્યે ભયંકર વણસી ગઈ. મેં આવી ગરમીમાં કાળો ઝભ્ભો પહેર્યો. ગોમુખીમાંથી રુદ્રાક્ષની માળા કાઢીને ગળામાં પહેરી લીધી. જેવો અરીસા સામે ઊભો રહીને અમારાં ‘એ’ની લાલ રંગની લિપસ્ટિકથી કપાળ પર લાંબું તિલક કરવા જતો’તો ત્યાં લાઉડ બૅકગ્રાઉન્ડ મ્યુઝિક તરીકે અમારાં ‘એ’નું ‘હાય હાય..’ સંભળાયું. એણે મારા હાથમાંથી લિપસ્ટિક ઝટી લઇને બાવડું ઝાલીને મને બહાર કાઢ્યો. સીધો સ્કૂટરમાં બેસાડીને બાજુના દવાખાને લઈ ગઈ. ડૉક્ટરે અલગ અલગ ઍન્ગલથી લાઇટો મારી ને મને ચૅક કર્યો. બધી પૂછપરછ કરી. છેલ્લે નિદાન કર્યું, ‘તમારા હસબંડને RGV સ્ટ્રોક થયો છે. ઘણા એને ‘રામ ગોપાલ વર્મા કી આગ’ પણ કહે છે. રામુની દરેક ફિલ્મ રિલીઝ વખતે હમ રોઝ કરીબ પચાસ ઐસે નયે કૅસ દેખતે હૈ. યે જયેશ કી કહાની હૈ!’

પછી એમણે પ્રિસ્ક્રિપ્શનમાં કંઇક લખી આપ્યું. દવા લેવાં અમે અમારા રેગ્યુલર વીડિયો લાઇબ્રેરીવાળા પાસે ગયાં. ત્યાં ‘હમ આપકે હૈ કૌન, હમ સાથ સાથ હૈ, મૈં પ્રેમ કી દીવાની હૂં’ જેવી ફિલ્મોની થ્રી ઇન વન DVD લીધી (ડૉક્ટરે ઍન્ટિડોટ તરીકે સૂરજ બડજાત્યાની ફિલ્મો જોવાનું કહેલું). ઘરે બેસાડીને પરાણે જોવડાવી.

***

આ ‘ઇમર્જન્સી સારવાર’ પછી માંડ RGV સ્ટ્રોકની અસર દૂર થઈ છે. તમે લોકો ‘સરકાર 3’ જોવા જાઓ તો જરા જાળવજો. આ તો જનહિત મેં જારી.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

વીરપ્પન

હેડિંગઃ આહ આહ રામજી

ઇન્ટ્રોઃ આ ફિલ્મમાં ખૂંખાર વિલન છે, ભયંકર ક્રૂરતા છે, અવળચંડા કેમેરા ઍન્ગલ છે. બસ એક અસલી રામ ગોપાલ વર્મા જ નથી.

છેલ્લા એક દાveerappan-movie-posterયકાથી ઑડિયન્સે રામ ગોપાલ વર્માના નામનું નાહી નાખેલું. પોતાની જ સ્ટાઇલની મિમિક્રી જેવી એકથી એક ભંગાર ફિલ્મોને ગંભીરતાથી લેવાનું પણ બંધ થઈ ગયેલું. પરંતુ જ્યારથી એની કન્નડ ફિલ્મ ‘કિલિંગ વીરપ્પન’નું ટ્રેલર રિલીઝ થયું, ત્યારથી જ એમના હાર્ડકોર ફૅન ‘દેખો વો આ ગયા’ ટાઇપની ગર્જનાઓ કરવા માંડેલા. કન્નડમાં એ ફિલ્મ હિટ ગઈ અને તેના હિન્દી વર્ઝનની પણ જાહેરાત થઈ એટલે ગર્જનાઓનું વોલ્યુમ વધ્યું. હવે આ ફિલ્મ જોયા પછી એના પર એકદમ ચિલ્ડ વૉટર રેડાઈ ગયું છે. કેમ કે અમુક ચમકારાને બાદ કરતાં આ તો રામુની એ જ ઘિસીપિટી સ્ટાઇલમાં બનેલી જસ્ટ અનધર ક્રાઇમ થ્રિલરથી વિશેષ કશું જ નથી. ચાહકો જેનું સામૈયું કરવા કંકાવટી લઇને ઊભા છે એમને હજી રાહ જોવી પડશે.

લાદેનથીયે ખોફનાક

સૌ જાણે છે તેમ, વીરપ્પન (અમેઝિંગ સંદીપ ભારદ્વાજ) ભારતીય ઇતિહાસનો સૌથી ખૂંખાર અપરાધી છે. પોલીસ ચોપડે નોંધાયેલા રેકોર્ડ પ્રમાણે એણે ૯૭ પોલીસ તથા વન્ય અધિકારીઓ સહિત ૧૮૪ લોકોની હત્યા કરી હતી, ૯૦૦ હાથીઓને મારીને કરોડોની કિંમતનાં દંતશૂળ વેચી મારેલાં અને લગભગ ૧૦ હજાર કિલોગ્રામ ચંદનનાં લાકડાંની પણ તસ્કરી કરેલી. ફિલ્મમાં વીરપ્પનનો ભોગ બનેલા એક પોલીસ અધિકારીની પત્ની શ્રેયા (લિઝા રૅ)ની મદદથી વીરપ્પન સુધી પહોંચવા તેની પત્ની મુથુલક્ષ્મી (ઉષા જાધવ)ની જાસૂસી કરાવાય છે. આખરે વીરપ્પનનો ફેંસલો આણી દેવા માટે ‘સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ’ના ઑફિસર (સચિન જોશી)એ ‘ઑપરેશન કકૂન’ ઘડી કાઢ્યું અને એક રાતે…

વીરપ્પનનું રામુફિકેશન

ફિલ્મ સ્ટાર્ટ થયાની પાંચેક મિનિટની અંદર જ જંગલની વચ્ચેથી રસ્તો કરીને આવતો વીરપ્પન પોતાની ટ્રેડમાર્ક મૂછો સાથે સ્ક્રીન પર એન્ટ્રી મારે છે. જાણે શાકભાજી સમારતો હોય એ રીતે કુહાડીથી પોલીસ અધિકારીઓના હાથ-પગ કાપી નાખે છે, પથ્થર વડે માથાં છુંદી નાખે છે, ઠંડા કલેજે હાથીઓને ઠાર કરે છે. પોલીસ અધિકારીના હાથ-પગ કાપ્યા પછી વધુ ક્રૂરતા આચરવા માટે જે રીતે એ આજુબાજુ કંઇક શોધે છે અને પછી હડિમદસ્તા જેવો પથ્થર ઊંચકી લે છે, એ ભલભલાને થથરાવી મૂકે એવું દૃશ્ય છે. શરૂઆતની એ પાંચ મિનિટમાં જ વીરપ્પન તમારા લમણે બેજોટાળી તાકીને ઊભો રહે છે. એનાં બે કારણ છે, એક તો વીરપ્પન બનતો કલાકાર સંદીપ ભારદ્વાજ. બીજું કારણ છે ખુદ ગબ્બર જેવો રામ ગોપાલ વર્મા. પહેલાં વાત આ ફિલ્મી વીરપ્પનની.

પોલીસે જેટલું જોર વીરપ્પનની શોધમાં લગાવ્યું હશે એટલું જ કદાચ રામુએ એના પાત્ર માટે પર્ફેક્ટ કલાકાર શોધવામાં લગાવ્યું હોવું જોઇએ. ઑરિજિનલ વીરપ્પન કરતાંય આ પડદા પરનો વીરપ્પન વધુ ખોફનાક લાગે છે. એની આઇકનિક મૂછોથી લઇને તગતગતી મોટી આંખો, કર્લી વાળ, લાંબું નાક, સ્કીનટૉન, સોટી જેવાં કદ-કાઠી અને સૌથી વધુ એની હદ બહારની ક્રૂરતા. આ બધું એ હદે રિયલ છે કે આપણને બીક લાગી જાય કે હમણાં પડદાની બહાર નાળચું ફેરવીને આપણનેય ભડાકે દેશે. એ કાસ્ટિંગ અને સંદીપ ભારદ્વાજની ઍક્ટિંગ માટે ફુલ માર્ક્સ.

લેકિન વાત જ્યારે રામુભૈયાની આવે ત્યારે પિરિયડ લાંબો ચાલે. શરૂઆતની એ અનહદ ક્રૂરતાનાં દૃશ્યો ઉપરાંત જંગલોમાંથી પસાર થતી વખતની ચૅઝ પ્લસ એક્શન સિક્વન્સ અને ફિલ્મનો ક્લાઇમૅક્સ, એ જોઇને નાનું બચ્ચુંય કહી આપે કે યસ્સ, ધેટ્સ રામુ. ક્યાંક અચાનક ફાયરિંગ કે બ્લાસ્ટ તમને ચોંકાવી દે, તો ક્યાંક એક પણ કટ વગર ચાલતો ગોળીબાર, કે પછી ડ્રૉન કેમેરા વડે જંગલની વિશાળતા અને ગીચતાનો ખ્યાલ આપતા ઍરિયલ શૉટ્સ બધું લાજવાબ છે. પરંતુ આ બધાનો ટોટલ મારો તો ગણીને વીસેક મિનિટ થાય, બાકીની પોણા બે કલાકનું શું?

એક તો વીરપ્પન સિવાયનું ફિલ્મનું બાકીનું કાસ્ટિંગ ‘રામસે બ્રધર્સ’ની ફિલ્મ જેવું હોરિબલ છે. વીરપ્પનને પતાવી દેવા માટે નીકળેલી ટીમનો લીડર છે સચિન જોશી, જેના ચહેરા પર વીરપ્પનની મૂછના એક વાળ જેટલા પણ હાવભાવ દેખાતા નથી. આ લખતાં હાથ ધ્રૂજે છે, પણ નરગિસ ફખરી જેવા ઊપસેલા હોઠ અને વિચિત્ર પ્રકારની બ્યુટિ ટ્રીટમેન્ટ કરાવીને આવેલી લિઝા રૅ અત્યંત કદરૂપી લાગે છે. એનો દેખાવ વધારે કદરૂપો છે કે એના હાવભાવ વધુ ભૂંડા છે કે પછી એનું હિન્દી ડબિંગ વધુ થર્ડક્લાસ છે, એ શોધવા માટે અલગ ટાસ્ક ફૉર્સ બેસાડવી પડે. એક માત્ર વીરપ્પનની પત્ની બનતી મરાઠી અભિનેત્રી ઉષા જાધવ કંઇક નેચરલ લાગે છે, પણ એય તે ઘરની અંદર પણ શુંકામ ગોગલ્સ પહેરીને ફર્યા કરે છે એ તો રામુ જાણે. આ ઉપરાંત વિકૃત રીતે હસતા, કપાળ પર તાવીજ પહેરતા, ઝૂકેલી પાંપણવાળા કદરૂપા સાઇડ કલાકારો તો હવે રામુની ફિલ્મની આઇડેન્ટિટી બની ગયા છે.

રામુની એવી જ બીજી આઇડૅન્ટિટી એટલે એના ગમે ત્યાંથી ફૂટી નીકળતા કેમેરા ઍન્ગલ્સ. સ્ટોરીને વધુ અસરકારક રીતે કહેવા માટે નહીં, પણ માત્ર સ્ટાઇલ મારવા માટે જ અહીં એણે પંખાની ઉપર, લાશની પાછળ, માણસના માથાની-કાનની પાછળ, સિલિંગ ફૅનની ઉપર, જીપના સ્ટિયરિંગની અંદર, ખુરશી-સ્ટ્રેચરની નીચે, ઝાડની ડાળીમાં… ટૂંકમાં જ્યાં જગ્યા મળી ત્યાં કેમેરા ગોઠવી દીધા છે. વળી, એ કેમેરા એવા શટલકૉકની જેમ જમ્પ મારે કે વર્ટિગોના પૅશન્ટને તો ચક્કર આવવા માંડે.

વીરપ્પન શું કામ ખૂંખાર ગુંડો બન્યો, એની સાઇકોલોજી કેવી હતી, એને કેવા કેવા રાજકીય નેતાઓનો સપોર્ટ હતો, જંગલની બહાર એનું નૅટવર્ક કેવું હતું, રાજ કુમાર જેવા સુપરસ્ટારનું અપહરણ એણે કેવી રીતે કર્યું, શ્રીલંકન ત્રાસવાદીઓની એને કેવીક મદદ મળતી હતી વગેરે એકેય વાતનું અહીં નામોનિશાન નથી. જાણે માત્ર બે જ ઑફિસરે મળીને વીરપ્પનની ગેમઑવર કરી નાખી હોય એવું ચિત્ર ઊપસે છે. અરે, જેના પર આખી ફિલ્મ બની છે તે ‘ઑપરેશન કકૂન’નો કે ઇવન ચંદનનાં લાકડાંનાં નામનો ફિલ્મમાં ઉલ્લેખ સુદ્ધાં નથી. વીરપ્પનના એન્કાઉન્ટરનું કારણ પણ અહીં બદલી નાખવામાં આવ્યું છે.

થિયેટરમાં ફિલ્મ જોયા પછી તમે પેરાસિટામોલની ગોળી શોધવા માંડો તો વાંક આ ફિલ્મના ઘોંઘાટિયા બૅકગ્રાઉન્ડ મ્યુઝિકને આપજો. ‘વીર વીર વીરપ્પન’ જેવાં ભંગાર શબ્દોવાળા ટાઇટલ સોંગમાં ‘લલ્લા લલ્લા લોરી’ જેવા શબ્દો મૂકવાનો બાલિશ આઇડિયા કોનો હશે? આખી ફિલ્મમાં શૉકિંગલી એક પણ કૅચી ડાયલોગ નથી. ઊલટું, કેટલેય ઠેકાણે શીખાઉ રીતે વાર્તા કહેવાતી જોઇને લાગે કે રામુ પોતાના આસિસ્ટન્ટોને શૂટિંગ સોંપીને ઘરે જતા રહ્યા હશે. એક બાજુ હત્યાઓ થતી હોય અને એ જ ઠેકાણે ફિલ્મનાં પાત્રો શાંતિથી ચા-કૉફી પીતાં હોય એ દૃશ્યો રામુએ પોતે જ કેટલીયે વાર વાપર્યાં છે. ફિલ્મની શરૂઆતમાં રામુએ એક ક્વૉટ મૂક્યો છે, ‘સમાજ જેને લાયક હોય છે એવા ક્રિમિનલ જ તેને મળે છે.’ રામુએ આ ક્વૉટ ફ્રેન્ચ ચિંતક વૉલ્તેરના નામે ચડાવ્યો છે. જ્યારે ‘ગૂગલ’ તેના રચયિતા તરીકે સ્કોટિશ ક્રાઇમ રાઇટર વાલ મૅકડર્મિડથી લઇને અમેરિકન રાજકારણી રૉબર્ટ કેનેડીનાં નામ આપે છે, વૉલ્તેર સિવાય. સાચું તો રામુ જાણે.

અસલી રામુ હાઝિર હો

ક્લિયર છે કે રામ ગોપાલ વર્મા હજી ફોર્મમાં આવ્યા નથી. એનાં નેગેટિવ પાત્રોનાં આકર્ષણના લિસ્ટમાં આ વધુ એક ઉમેરો છે એટલું જ. બાકી એણે વીરપ્પન જેવું અફલાતૂન પાત્ર વેડફી નાખ્યું છે એ હકીકત છે.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

સત્યા – 2

દિમાગની હત્યા

***

રામ ગોપાલ વર્માને હિંસા અને નેગેટિવિટીનું એટલી હદે ઓબ્સેશન થઇ ગયું હોય એવું લાગે છે કે એ જો રામાયણ પરથી ફિલ્મ બનાવે તો એ પણ રાવણના પોઇન્ટ ઓફ વ્યૂથી હોય!

***

satya_2_poster_2013ધારો કે દેશમાં અન્યાયનો ભોગ બનેલી કોઇ વ્યક્તિ એવું નક્કી કરીને મેદાને પડે કે જે સિસ્ટમે મારી આ હાલત કરી છે, એ સિસ્ટમ જ ન જોઇએ. બીજા શબ્દોમાં કહીએ તો અંધાધૂંધી અને હિંસા એ જ એકમાત્ર સિસ્ટમ હોય તો? આવું વિચારીને પણ ડર લાગે છે ને? એવી સ્થિતિને ‘ડિસ્ટોપિયા’ એટલે કે નકારાત્મકતાની ચરમસીમા કહે છે. રામ ગોપાલ વર્માની સત્યા-2 આવી જ ડિસ્ટોપિયન ફિલ્મ છે. પરંતુ લોચો એ છે કે આ ફિલ્મ પોતે જ એક ડિસ્ટોપિયા જેટલી ખરાબ છે.

ફરી એ જ હિંસાનો લોહિયાળ ખેલ

સત્યા (પુનીત સિંઘ રત્ન) એક ઓછાબોલો જુવાનિયો છે, જે મુંબઇ પોતાના ફિલ્મ સ્ટ્રગલર દોસ્ત પાસે મુંબઇ આવે છે. પરંતુ એ કોણ છે, ક્યાંથી આવ્યો છે, શા માટે આવ્યો છે એની કોઇને કશી જ ખબર નથી. સત્યા એક બિલ્ડર (મહેશ ઠાકુર)ને ત્યાં એન્જિનિયર હોવાનું કહીને નોકરી લે છે, પરંતુ એ બિલ્ડરના હરીફને ટપકાવી દેવાનો એક ગેમપ્લાન રજૂ કરીને બિલ્ડરનો ખાસ માણસ બની જાય છે. ધીમે ધીમે તે અન્ય તવંગરોના દુશ્મનોને પણ ખતમ કરતો જઇને પોતાનું ‘ટેલન્ટ’ પુરવાર કરે છે. ધીમે રહીને સત્યા એક ‘કંપની’ શરૂ કરે છે, જેની કોઇ ઓફિસ ન હોય, કોઇ માલિક ન હોય. પરંતુ કંપનીનું ઉત્પાદન હોય, ડર, ભય, બીક. પોતાની કંપનીની ધાક બેસાડવા તે સિસ્ટમથી નારાજ કેટલાક લોકો એકઠા કરે છે અને દેશના સૌથી મોટા બિઝનેસમેન, શહેરના પોલીસ કમિશનર અને એક ચેનલના માલિકની હત્યાઓ કરાવી દે છે. સરકાર આ અજાણ્યા શત્રુને જેર કરવા માટે જે અધિકારી નીમે છે એને પણ સત્યા પતાવી દે છે. એટલે છાને ખૂણે એક નિવૃત્ત એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટને કામ સોંપાય છે. પણ ત્યાં સુધીમાં સત્યા રાજ્યના મુખ્યમંત્રીની હત્યા કરીને એની જગ્યાએ પોતાનો માણસ બેસાડવાની તૈયારી કરી લે છે.

આ રામુને થયું છે શું?

રંગીલા, દૌડ, મસ્ત જેવી ફિલ્મોને બાદ કરતાં રામ ગોપાલ વર્માની લગભગ બધી જ ફિલ્મોની થીમ એકસરખી છે, બદલો-રિવેન્જ. એમને ક્રાઇમ અને નેગેટિવ કેરેક્ટર્સનું એ હદે ઓબ્સેશન છે કે એમણે 26/11ના હુમલા પરની ફિલ્મ બનાવી તો એમાં પણ આપણા જાંબાઝ જવાનો નહીં, બલકે કસાબ કેન્દ્રમાં હતો. એક સમયે રામ ગોપાલ વર્મા ભારતીય ફિલ્મોમાં ક્રાંતિકારી યુવાસર્જક ગણાતા હતા, પરંતુ છેલ્લાં વર્ષોમાં એ જાણે ફિલ્મ મેકિંગની કળા ભૂલી રહ્યા હોય એમ એમની ફિલ્મો વધુ ને વધુ ખરાબ થઇ રહી છે. એમની ફિલ્મો એ હદે પ્રીડિક્ટેબલ અને બીબાંઢાળ બની ગઇ છે કે તેમાં એકસરખાં એલિમેન્ટ્સ જ જોવા મળે છે. જેમ કે, રિવેન્જ સ્ટોરી, ખુન્નસથી ભરેલાં પાત્રો, એ બધાં એ હદે ટ્રિગર હેપ્પી હોય કે ચણા-મમરાની જેમ લોકોને મારી નાખતા જરાય સંકોચ ન અનુભવે, એ હત્યાઓ પણ એટલી ક્રૂરતાથી થાય કે આપણે થિયેટરમાં પણ ધ્રૂજી ઊઠીએ, ફિલ્મનો સ્પષ્ટ મેસેજ એવો હોય કે આ દેશની સિસ્ટમ એ હદે સડી ગઇ છે કે હિંસા એ જ એકમાત્ર રસ્તો બચ્યો છે, સ્ત્રીઓ અને આમઆદમી માત્ર ઉપયોગ અને કચડવાનું જ સાધન માત્ર હોય, ચહેરા પર કોઇ જ એક્સ્પ્રેશન ન હોય એવાં કદરૂપા ચહેરાવાળા સહકલાકારો, ત્રાસદાયક બેકગ્રાઉન્ડ મ્યુઝિક- ગીતો અને વોઇસ ઓવર વગેરે. આ સિવાયનું બીજું કોઇ ફ્રેશ એલિમેન્ટ તમે રામુની ફિલ્મમાં છેલ્લે ક્યારે જોયેલું?

152 મિનિટની એનાકોન્ડા જેવડી લાંબી આ ફિલ્મ એવાં દુઃખદ વિચારો રજૂ કરે છે કે આપણને ત્રાસ થઇ જાય. ફિલ્મમાં કહેવાયું છે કે “દેશની સિસ્ટમ પોતે જ એક અંડરવર્લ્ડ છે અને સિસ્ટમથી નારાજ લોકો નવું અંડરવર્લ્ડ બનાવે છે… સંનિષ્ઠ પોલીસકર્મીઓ પણ ત્રાસવાદીઓની જેમ બ્રેઇનવોશ થયેલા લોકો છે… ક્રાઇમ એ તો માત્ર લીગલ ટર્મ છે. ક્રાઇમની ટીકા કરતાં પહેલાં એને સમજવો જોઇએ, પછી તમને એના પ્રત્યે ઘૃણા નહીં થાય…” બોલો, આ છે બાબા રામ ગોપાલની સત્યા-2ના મહાન વિચારો!

અધૂરામાં પૂરું રામુના સત્યાને ગેંગસ્ટર્સ પ્રત્યે એટલી બધી હમદર્દી છે કે એ દાઉદને ‘મિસ્ટર દાઉદ ઇબ્રાહિમ’ અને અબુ સાલેમને ‘અબુ સાલેમ સા’બ’ કહીને બોલાવે છે!

ફિલ્મ નહીં, ટોર્ચર ચેમ્બર કહો

હવે રામ ગોપાલ વર્માની ફિલ્મો જોવાની નહીં, સહન કરવાની બની ગઇ છે. ફિલ્મમાં ક્યારે ક્યાંથી ગોળી વછૂટશે અને કોણ મરી જશે એની સતત બીક રહ્યા કરે. આતંકવાદી હુમલાની જેમ અણધારી હિંસાથી રામુ પ્રેક્ષકોને એટલા ભયમાં રાખે કે થિયેટર જાણે એક મોટી ટોર્ચર ચેમ્બર બની જાય છે. સત્યા-1 વખતે અંડરવર્લ્ડની આ પ્રકારની રિયલિસ્ટિક ફિલ્મોનો કન્સેપ્ટ નવો હતો, જ્યારે હવે એ સાવ ચવાઇ ગયો છે. જો સત્યા-1 યુટોપિયા હતી તો સત્યા-2 રામુની ડિસ્ટોપિયા છે. સત્યા-1માં અદભુત એક્ટિંગ, સારું સંગીત અને અનુરાગ કશ્યપ-સૌરભ શુક્લાનું અફલાતૂન રાઇટિંગ હતું. અહીં એમાંનું કશું જ નથી. બલકે ફિલ્મ તદ્દન પ્રીડિક્ટેબલ છે.

આ ફિલ્મમાં સિસ્ટમથી નારાજ સત્યા સિસ્ટમની અંદર જ એક બીજી ભાંગફોડિયા સિસ્ટમ ઊભી કરે છે. પરંતુ વાસ્તવમાં તે ઓવર સિમ્પ્લિસ્ટિક અને મલ્ટિલેવલ માર્કેટિંગ જેવી ખોખલી છે. સત્યા કહે છે કે એની આ સિસ્ટમ એક સોચ છે, જે સત્યા વિના પણ ચાલશે. હકીકતમાં લીડર વિના, એક માસ્ટરમાઇન્ડ વિના અલ કાયદા પણ ચાલી ન શકે. સેનાપતિ વિના કોઇ લશ્કર લડાઇ લડી કે જીતી ન શકે. વળી, ફિલ્મમાં રામુ કહેવા માગે છે એમ સિસ્ટમથી નારાજ મોટા ભાગના લોકો કંઇ આમ બંદૂકો લઇને ધાણીફૂટ ગોળીબારના રવાડે ન ચડી જાય.

દરેક ડિપાર્ટમેન્ટમાં લોચા

આખી ફિલ્મમાં સત્યા તોબરો ચડાવીને ફર્યા કરે છે, જે આપણને સખત ઇરિટેટ કરે છે. એ પૂરતું ન હોય એમ રક્તચરિત્રની જેમ આ ફિલ્મમાં પણ રામુએ સ્ટોરી ટેલિંગ માટે વોઇસ ઓવરની મદદ લીધી છે. એ અવાજ મકરંદ દેશપાંડેનો હોવા છતાં ઇરિટેટ કરે છે. વોઇસ ઓવરની ટેક્નિક ડોક્યુમેન્ટરીમાં સારી લાગે, ફીચર ફિલ્મમાં એ પાત્રો અને પ્રેક્ષકો વચ્ચેનો સેતુ તોડી નાખે છે. ફિલ્મમાં વારે વારે સત્યાના નામનાં ઓવારણાં લેવાય છે કે સત્યા તો બહુ તેજ દિમાગ ગેંગસ્ટર છે. હકીકતમાં એ ફિલ્મમાં એવું એકેય કામ કરતો નથી જેનાથી એને બહુ શાતિર દિમાગ હોવાનો ઇલકાબ આપી શકાય. ફિલ્મમાં થતી ભાંગફોડ ઓછી ન હોય એમ વચ્ચે આવતાં અત્યંત નબળાં ગીતો વાર્તાના પ્રવાહની ભાંગફોડ કરે છે. નરગિસ ફખરી કરતાં પણ વધારે ઊંટ જેવા હોઠ ધરાવતી હિરોઇન અનૈકા સોતી સહિત એક પણ પાત્ર કોઇ જ અસર પેદા કરતું નથી. છેલછોગાળાવેડા કરતા બિલ્ડરના પાત્રમાં મહેશ ઠાકુર તો ઊલટા ફન્ની લાગે છે!

ફિલ્મનો એક માત્ર પોઝિટિવ પોઇન્ટ છે એનો ડિસ્ટોપિયન વિચાર અને કેટલાક કેમેરા એન્ગલ્સ. ધેટ્સ ઓલ.

ઇન શોર્ટ, રામુનો ધ એન્ડ?

રામ ગોપાલ વર્મા પાસે સખત ટેલેન્ટ હોવાનું કહેવાય છે. પણ તો પછી એ પોતાની જ ફિલ્મોની રિમેક અને સિક્વલ શા માટે બનાવ્યા કરે છે? (હજી તો સત્યા-2ની પણ સિક્વલ આવશે એવું લાગી રહ્યું છે!) શા માટે એ અંડરવર્લ્ડમાંથી બહાર આવતા નથી? મોટા ભાગની ફિલ્મો ગુડ વર્સસ ઇવિલનો જંગ હોય છે. જ્યારે રામુની ફિલ્મો ઇવિલ વર્સસ ઇવિલનો જંગ બનીને રહી જાય છે. એમની ફિલ્મોમાં જથ્થાબંધ વિલન હોય છે, પરંતુ હવે એમની ફિલ્મોના સૌથી મોટા વિલન ખુદ રામુ બનીને રહી ગયા છે. આશા રાખીએ કે રામુ એક લાંબું વેકેશન લે, મેડિટેશન જેવું કંઇક કરે અને ફ્રેશ આઇડિયાઝ સાથે કંઇક નવું બનાવે, નહીંતર નવા ટેલેન્ટના ધોધમાં રામુ તણાઇ જાય તો નવાઇ નહીં લાગે!

અને આપણે? રામુજીની આ હથોડા છાપ અંડરવર્લ્ડ ફિલ્મ જોવા કરતાં ઓરિજિનલી હથોડો વીંઝતા સુપરહીરો થોરની આ શુક્રવારે જ રિલીઝ થયેલી ફિલ્મ ‘થોરઃ ધ ડાર્ક વર્લ્ડ’ જોવી વધારે સારી રહેશે.

રેટિંગઃ * (એક સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.