ચલ મન જીતવા જઇએ

chal-man-jeetva-jaiye-et00066642-06-12-2017-10-36-18‘શિવા ટ્રિલજી’થી જાણીતા લેખક અમીશ ત્રિપાઠીને એમની આ સુપર સક્સેસફુલ નવલકથા શ્રેણીના આઇડિયા વિશે અનેક વખત પૂછાઈ ગયું છે. 2010માં એમની સાથે પહેલી વાર વાત કરી ત્યારે મેં પણ આ સવાલ પૂછેલો. અમીશ કહે છે, ‘ઇવિલ-અનિષ્ટ-દાનવ-અસુર ખરેખર કોણ છે? આપણે તદ્દન અલગ હોવા માત્રથી એકબીજાને શા માટે ધિક્કારવા લાગીએ છીએ?’ ઇતિહાસના ચાહક-વાચક એવા અમીશે આ ફિલોસોફી પર એક નોનફિક્શન બુક લખવી શરૂ કરી. ફિલોસોફીની આ થિસિસ એણે પોતાના ભાઈ-ભાભીને બતાવી. થિસિસ અત્યંત બોરિંગ હતી. ભાઈ-ભાભીએ સલાહ આપી, ‘એક કામ કર, આ થિસિસને બદલે એક થ્રિલર-ઍડવેન્ચર વાર્તા લખ અને તારી ઑરિજિનલ ફિલોસોફીને તે કથામાં વણી લે.’ અમીશે એક્ઝેક્ટ્લી એવું જ કર્યું અને પછી જે કંઈ સર્જાયું તે ઇન્ડિયન પબ્લિશિંગ ઇન્ડસ્ટ્રીમાં હિસ્ટરી છે.

પણ આ ઓલમોસ્ટ એક દાયકા જૂની વાત અત્યારે શા માટે યાદ કરી? યાદ કરી કારણ કે ગઇકાલે (શનિવારે) રાત્રે મેં ગુજરાતી ફિલ્મ ‘ચલ મન જીતવા જઇએ’ જોઈ. યસ, ફાઇનલી. પાછલાં બે અઠવાડિયાંમાં લગભગ ડઝનેક લોકો મને પૂછી ગયા હતા કે તમે આ ફિલ્મ જોઈ? તમારો ઑપિનિયન શું છે? ફ્રેન્ક્લી ટ્રેલર મને કંઈ ખાસ નહોતું લાગ્યું. સૂફિયાણી વાતો સિવાય કશું હતું પણ નહીં એમાં. એટલે જોવાનો ધક્કો પણ નહોતો વાગ્યો. પરંતુ મિત્રોએ વખાણ કરેલાં, ‘પદ્માવતી’ કોન્ટ્રોવર્સીને લીધે સ્પૅર ટાઇમ મળ્યો એટલે જોઈ જ નાખી. મારા આશ્ચર્ય વચ્ચે પુષ્કળ શૉઝ હતા અને અમે જે થિયેટરમાં ગયેલાં તે શૉ હાઉસફુલ હતો.

***

ફિલ્મની સિંગલ લાઇન સ્ટોરી કંઇક આવી છેઃ મુંબઈનો એક અતિ ધનાઢ્ય સંયુક્ત પરિવાર રાતોરાત એક મુશ્કેલીમાં આવી પડે છે. હવે એમની સામે બે રસ્તા છે, કાં તો નીતિનો રસ્તો છોડીને સ્વાર્થ સાધી લેવો, અથવા ભારોભાર મુશ્કેલી ભરેલા નીતિમત્તા-સંસ્કારના માર્ગે જ આગળ વધવું. નિર્ણય કપરો છે અને ઘરના લોકો પાસે ભલભલા મોટિવેશનલ સ્પીકર્સને પણ હંફાવી દે તેવો આર્ગ્યુમેન્ટ્સનો ખજાનો ભરેલો ખુલ્લો મુકાય છે.

***

પહેલાં ફિલ્મના પૉઝિટિવ-મને ગમેલા પોઇન્ટ્સની વાત. સૌથી પહેલું તો ફિલ્મનું કાસ્ટિંગ. ધર્મેન્દ્ર ગોહિલ ગજબ એક્ટર છે. અલબત્ત, એમને જુવાન દીકરાના પિતા તરીકે જોવા થોડું કઠે, પણ એ બોલે ત્યારે તમને બીજા કોઇને સાંભળવાની ઇચ્છા ન થાય. એક વીડિયોમાં એમણે કહ્યું છે કે રોલની બાબતમાં એ એકદમ ચૂઝી છે. દર્શકોનો લોસ બીજું શું! રાજીવ મહેતા aka ‘પ્રફુલ’. અહીં એ ખૂબ લાઉડ અને મૅલોડ્રામેટિક છે. પણ એ ધારે ત્યારે લાફ્ટર ક્રિએટ કરી શકે છે, માત્ર એક્સપ્રેશન્સથી પણ. સિનિયર ફિમેલ કાસ્ટ અને હેમેન ચૌહાણ પણ સરસ-એકદમ નૅચરલ. ફિલ્મની ભાષા. આમ તો આખી ફિલ્મ બોલવાને બદલે લખવાની ભાષાથી ફાટફાટ થાય છે. છતાં છેલ્લાં ઘણાં વર્ષોમાં આવેલી ગુજરાતી ફિલ્મોની સરખામણીએ ‘ચલ મન…’ ભાષાની દૃષ્ટિએ સૌથી વધુ રિચ-વૈવિધ્યપૂર્ણ છે. એ માટે ફુલ માર્ક્સ ટુ રાઇટર-ડિરેક્ટર દિપેશ શાહ (વિપુલ શાહનું બચ્ચનવાળું ‘આંખે’ જોયું હશે તો ‘ડેલનાઝ ને બોલા રાઇટ તો રાઇટ’ બોલતા દિપેશ શાહ યાદ હશે જ!). દિપેશ શાહને એ વાતે પણ શાબાશી આપવી પડે કે આવા સબ્જેક્ટ પર, માત્ર રાઇટિંગ-પર્ફોર્મન્સના જોરે ઊભેલી, સોંગ્સ-રોમાન્સ અને ઓલમોસ્ટ એક જ લોકેશન પર આકાર લેતી ફિલ્મ બનાવવી એ પણ હિંમતનું કામ છે. ચોથો અને સૌથી મહત્ત્વનો સ્ટ્રોંગ પોઇન્ટ છે ફિલ્મનો મૅજર પોર્શન ખાઈ જતી તેની ડિબેટ અને તેનું કન્ટેન્ટ. પેરેન્ટલ પ્રેશર, એમાં બાળકનો રૂંધાઈ જતો વિકાસ, નીતિમત્તા, બિઝનેસ ઍથિક્સ, ફેમિનિઝમ, બ્રાન્ડ વેલ્યૂ, ફેમિલી વેલ્યૂઝ, પેરેન્ટિંગ, આત્મવિશ્વાસ-ઇનસિક્યોરિટીઝ… આ ફિલ્મે બહુ બધા મુદ્દા પર ખાસ્સી ક્વૉલિટેટિવ ડિબેટ આપી છે.

***

બટ ધ થિંગ ઇઝ, ધ ફિલ્મ ડિડન્ટ વર્ક ફોર મી. મને ફિલ્મમાં મજા ન આવી.  મારા માટે આ ફિલ્મ એક લંબી-ચૌડી, લાઉડ, ઉપદેશાત્મક ફિલોસોફિકલ બુક હતી. એવી બુક જેમાં હમણાં લખ્યા એ તમામ વિષયો પર હવામાં વાતો જ કરી હોય, એ પણ કૅસ સ્ટડી વિના. અને એવી બુક જેને વાંચવા અને જીવનમાં ઉતારવા કરતાં તેની ડઝનબંધ કૉપીઓ ખરીદીને લોકોને ગિફ્ટમાં આપવાનું માહાત્મ્ય વધારે હોય છે. એવી બુક જેની શરૂઆતમાં ગિફ્ટ કરતી વખતેનો મેસેજ લખવા માટેનું એક સ્પેશિયલ પાનું આપેલું હોય છે. મારા આ થૉટ પર કન્ફર્મેશનનો સિક્કો વાગ્યો ફિલ્મને અંતે, જ્યારે અલગ અલગ ક્ષેત્રની જાણીતી હસ્તીઓએ આવીને એ જ ફિલ્મ વિશે તારીફોના મહેલ બાંધવા માંડ્યા. કોઈ ફિલ્મમાં તે જ ફિલ્મ વિશેનું આવું ઑન યૉર ફૅસ માર્કેટિંગ અગાઉ ક્યારેય જોયું નથી. આવો આઇડિયા અમલમાં મૂકવા માટે પણ જુદા પ્રકારની હિંમત જોઇએ!

આ હદની પ્રીચી ફિલ્મ પણ મેં અગાઉ લગભગ ક્યારેય નથી જોઈ. હા, એક જ છત નીચે ૧૧ લોકો ભેગા થઇને કોઈ મુદ્દે ડિબેટ કરતા હોય અને એકબીજાને કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરતા હોય એવો આઇડિયા 1957ના ટેલિપ્લે ‘12 એન્ગ્રી મેન’માં અજમાવાયો હતો, જેને બાસુ ચૅટર્જીએ 1986માં ‘એક રુકા હુઆ ફૈસલા’ નામે હિન્દીમાં બનાવી હતી. પરંતુ તેમાં અને ‘ચલ મન…’માં જે ફરક છે, ત્યાં જ શરૂઆતમાં ટાંક્યું તે અમીશ ત્રિપાઠીનું એક્ઝામ્પલ આવે છે. અમીશે પોતાની ફિલોસોફીને એક થ્રિલિંગ વાર્તામાં એ રીતે વણી લીધી જેથી વાંચનારને તે ફિલોસોફીના હેવી ડોઝનો જરાય ભાર ન લાગે. ફિલ્મમાં સોશિયલ મેસેજ વણી લેવાનું સ્પેક્ટ્રમ આપણે ત્યાં રાજ કપૂરથી લઇને રાજકુમાર હિરાણી સુધી વિસ્તરેલું છે. પરંતુ તેના કેન્દ્રમાં તો વાર્તા અને જીવતાં-જાગતાં-ધબકતાં પાત્રો જ હોય. હસતાં-હસાવતાં ક્યાં ઍજ્યુકેશન સિસ્ટમની ખામીઓ, ઇનર કૉલિંગ, ગાંધી વિચારધારા, મૅડિકલ ફીલ્ડમાં ઍમ્પથીનો અભાવ, ધર્મના નામે ભયનો બિઝનેસ જેવી વાતો આવી જાય તે ખબર જ ન પડે. પરંતુ ‘ચલ મન…’ જેવી હેવી હેન્ડેડનેસ તો એકદમ રૅર છે.

‘ચલ મન…’માં વાર્તાનું કોટિંગ છે, પરંતુ અંદરનું સ્ટફિંગ તો પૂરેપૂરું ઉપદેશોનું જ બનેલું છે. અહીં પાત્રો મોટેભાગે થૉટ્સ અને કાઉન્ટર થૉટ્સ, આર્ગ્યુમેન્ટ-કાઉન્ટર આર્ગ્યુમેન્ટ રજૂ કરવાનાં ટૂલ માત્ર છે. એમાંય એક-બે પાત્રને બાદ કરતાં આપણે કોઇને ઓળખતા નથી, એટલે એમની સાથે ઇમોશનલી કનેક્ટ થવું પણ અઘરું છે.

માત્ર લોજિકના ટ્રેક પર જ આર્ગ્યુમેન્ટ કરવાની શરત મૂકીને અંત આવતા સુધીમાં તો ફિલ્મ ઇમોશનલ મૅનિપ્યુલેશનના ટ્રેક પર ચડી જાય છે. ભલે ઑવર એક્સપેક્ટેશન્સ હેઠળ દબાયેલું દેવ સંઘવી (અભિનેતા કૃષ્ણ ‘તેનાલી રામન’ ભારદ્વાજ)નું કેરેક્ટર ઇન્ટલેક્ચ્યુઅલ પરંતુ પોતાની ઇનસિક્યોરિટીઝ નીચે કચડાયેલું હોય, પરંતુ જે રીતે તેને પેશ કરાયું છે તે જોતાં એ કોઈ ચિંતનની કોલમનો રાઇટર કે વધુ પડતી ચિંતનાત્મક ફાકીઓ ફાંકી ફાંકીને થયેલી સાઇડઇફેક્ટ્સથી પીડાતો હોય તેવું વધારે લાગે છે! અને અડધા રસ્તેથી ફિલ્મ મૂળ વાત પરથી ભટકીને તેને ઇનસિક્યોરિટીઝમાંથી બહાર કાઢવાના પાટે પણ ચડી જાય છે. વળી, એને સૂત્રધાર બનાવ્યો હોવા છતાં ફોર્થ વૉલ બ્રેક કરીને દર્શકો સાથે વાત કરાવવાનું લોજિક પણ સમજાયું નહીં!

ફિલ્મ જોવા ગયો ત્યાં સુધી મને તે એક જ સીનમાં પૂરી થઈ જશે તેવો કોઈ અંદાજ નહોતો. એટલે હું તે સીન પૂરો થવાની રાહ જોતો રહ્યો (અને એમાં જ ફિલ્મ પૂરી થઈ ગઈ)! શાહરુખ-આલિયાની ‘ડિયર ઝિંદગી’માં પણ આવાં લાઇફ ટિચિંગ્સની ભરમાર હતી. પરંતુ ગૌરી શિંદેએ બડી ચતુરાઈથી દરિયા કિનારો, સાઇક્લિંગ, વૉકિંગ વગેરેના સીન્સથી વિઝ્યુઅલ મોનોટોની બ્રેક કરી હતી. અહીંયા પણ ડિરેક્ટરે ધાર્યું હોત તો ઘરના એક જ લોકેશનને બદલે કોઈ ત્રીજી જગ્યા (જેમ કે, ફાર્મ હાઉસ વગેરે)એ જઇને વિઝ્યુઅલ મોનોટોની તોડી શક્યા હોત.

પરંતુ માત્ર ડાયલોગ્સ પે ડાયલોગ્સ ફેંકીને વાતોનાં વડાં તળવાને બદલે બે ફિલોસોફી પર પાત્રોને આગળ વધારીને પણ નીતિમત્તાની જીત બતાવી શકાઈ હોત. કંઇક અંશે ભગવદ ગીતાની વાત કહેતા ‘ઓહ માય ગોડ’માં કરાયેલું એવું. અહીં વાત ભલે રિયલ લાઇફની થતી હોય, પરંતુ છે માત્ર વાતો અને કેવળ વાતો. બીજાં રાજ્યો-દેશોની ખબર નથી, પરંતુ આપણે ત્યાં તો લોકોને પ્રવચનો સાંભળવામાં કંઇક વધારે પડતો જ રસ છે. એટલે જ બાવા-બાપુઓનાં પંડાલો, મોટિવેશનલ સ્પીકરોનાં હૉલ અને ચિંતનની કોલમોમાં લોકોની ગિરદી ક્યારેય ઓછી થતી નથી. અને જે રીતે સવાર પડ્યે આપણાં વ્હોટ્સએપમાં આખી દુનિયાનું જ્ઞાન ઠલવાય છે. લોકોને આ ફિલ્મ અપીલ કરી રહી હોવા પાછળ આ સાઇકોલોજી જવાબદાર હોય તોય નવાઈ નહીં.

બાકી ટીવી સિરીઝ ‘24’ની જેમ ઓલમોસ્ટ રિયલ ટાઇમમાં આકાર લેતી આ ફિલ્મમાં મીડિયા સર્કસ, ગલિબલ પોલીસ, ‘ધ ટ્રુમેન શૉ’ ફિલ્મ જેવું લાઇવ ટેલિકાસ્ટ અને તેના પર ઑવર રિએક્ટ કરતાં લોકો અને લોજિકની બાઉન્ડરીની બહાર આકાર લેતી ઘટનાઓ-વાતચીતોની ભાંજગડમાં તો આપણે હજી પડ્યા જ નથી.

ખેર, જે હોય તે, પરંતુ એ વાત તો ક્લિયર છે કે ફિલ્મનું હાર્ટ એની જગ્યાએ છે. ફિલ્મનો મેસેજ સરસ છે, પૉઝિટિવ છે. આ ફિલ્મ જોઇને સમાજમાં એકાદ ટકા પૉઝિટિવિટીનો-નીતિમત્તાનો સંચાર થાય તો મને આ ફિલ્મ ન ગમી એનો જરાય મલાલ નહીં રહે.

રેટિંગઃ ** (બે સ્ટાર)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

 

Advertisements

હેપ્પી ફેમિલી પ્રાઇવેટ લિમિટેડ

ઇરિટેટિંગ ફેમિલી

***

અર્બન ગુજરાતીના લિબાસમાં આવેલી આ ફિલ્મનો માંહ્યલો એટલો નબળો છે કે આ સતત ઝઘડતા રહેતા તેના હેપ્પી ફેમિલીથી દૂર રહેવામાં જ સારાવટ છે.

***

maxresdefaultજ્યારથી ગુજરાતીમાં અર્બન, મોડર્ન કે ન્યૂ એજ ફિલ્મો બનાવવાનો વાયરો ફૂંકાયો છે, ત્યારથી ગમે તેવી ધડ-માથાં વિનાની ફિલ્મો રિલીઝ થવા લાગી છે. આ ફિલ્મોનું માત્ર ક્લેવર આધુનિક હોય છે, સ્ટોરી- સ્ક્રીનપ્લેમાં એ જ જરીપુરાણા લોચા હોય છે. આ શુક્રવારે રિલીઝ થયેલી ‘હેપ્પી ફેમિલી પ્રા. લિ.’ આવી જ એક નબળી અર્બન ગુજરાતી ફિલ્મ છે.

ખખડતાં વાસણવાળું ફેમિલી

ઉત્તમ મહેતા (રાજીવ મહેતા) મુંબઇના એક મોટા ગુજરાતી બિલ્ડર છે, જે જેટલાં મકાન બાંધે છે એના કરતાં વધારે લોકોને ફાયર કરે છે. એમનો મોટો બંગલો છે, પણ બંગલામાં વસતાં લોકો ભારે વિચિત્ર છે. ઉત્તમભાઇનાં પત્ની કામિની ઉર્ફ કિમિ મહેતા (સોનિયા શાહ) ફિટનેસ ફ્રીક છે. એ કોઇપણ ઉંમરની સ્ત્રીઓને અઢાર વર્ષની બનાવવાના યજ્ઞમાં લાગેલાં છે. દીકરી અનાયા (સ્મૃતિ ખન્ના)એ માત્ર શોપિંગ કરવા માટે અવતાર ધારણ કર્યો હોય એમ ક્રેડિટ કાર્ડ ઘસાવીને શોપિંગ કરતી ફરે છે. કહેવાય છે કે ઉપરવાળો જ્યારે અક્કલ વહેંચતો હતો ત્યારે એ બેન શોપિંગ કરવા ગયેલાં. ઉત્તમ ભ’ઇનો એક ગેંડા જેવો જાડિયો પાડિયો દીકરો પણ છે, પરંતુ એનું નામ ટાઇગર (કરણ આશર) છે. એ આખો દિવસ ખાઉં ખાઉં જ કરતો રહે છે.

અચાનક એક દિવસ ઉત્તમભઇ પર ફાયરિંગ થાય છે અને એમને વિથ ફેમિલી અંડરગ્રાઉન્ડ થઇ જવાનો વારો આવે છે. એટલે એ ગૂગલ પર શોધવા છતાંય ન મળે એવા ગુજરાતના એક નાનકડા ગામ એન્ટિલાપુરમાં રહેતા પોતાના મોટા ભાઇ પુરુષોત્તમ મહેતા (દીનેશ હિંગુ) પાસે જતા રહેવાનું નક્કી કરે છે. આ એન્ટિલાપુર પણ ગજબનું ગામ છે, ત્યાં પૈસા નહીં બલકે બાર્ટર સિસ્ટમ ચાલે છે. મતલબ કે કામની સામે કામ કરી આપવાનું. દાઢી કરાવવી હોય તો એના બદલામાં કપડાં ધોઇ આપવા પડે એવું. પૈસા ધરો તો એ લોકો એનું વિમાન બનાવીને ઉડાડી મૂકે.

મુંબઇની હાઇફાઇ લાઇફમાં રહેવા ટેવાયેલો આ પરિવાર એ વિચિત્ર ગામમાં માંડ એડજસ્ટ થાય છે, ત્યાં પુરુષોત્તમ ભાઇની તબિયત લથડે છે અને એ કહે છે કે અહીં ગામનો એક માથાભારે માણસ નામે પિંકીભાઇ (વ્રજેશ હીરજી) અમારાં નંદિની માતાને કિડનેપ કરીને બેઠો છે. તમે એને છોડાવી લાવો તો હું શાંતિથી સ્વર્ગે સિધાવું. બસ, પોતે જે કામ માટે આવેલા એ કામ પડતું મૂકીને હવે આ ફેમિલી એ નંદિની માતાને છોડાવવાની ભાંજગડમાં લાગી જાય છે.

અર્બન કે નામ પર કુછ ભી

ગુજરાતીઓ પોતાની જ ફિલ્મો જોતાં નથી અને એમને માતૃભાષા પ્રત્યે કશો પ્રેમ નથી એવું મહેણું એમના માથે મારવામાં આવે છે. વળી, જ્યારથી ‘કેવી રીતે જઇશ’ હિટ ગઇ છે અને કહેવાતી અર્બન ગુજરાતી ફિલ્મોનો રાફડો ફાટ્યો છે. અને ત્યારથી જ ગુજરાતી પ્રેક્ષકોના માથે તેને હિટ કરાવવાની અદૃશ્ય જવાબદારી નાખી દેવામાં આવી છે. એટલે આવી સો કોલ્ડ ‘હટ કે’ ગુજરાતી ફિલ્મ જોતી વખતે તેને પરાણે ગમાડવાનો એક અપરાધભાવ જોડાઇ જાય છે.

પરંતુ એનો અર્થ એ નથી કે આધુનિક પહેરવેશમાં ગમે તેવી ફિલ્મો ગુજરાતીઓના માથે મારવામાં આવે, એને લોકો જુએ અને એનાં ઓવારણાં પણ લે. ‘હેપ્પી ફેમિલી પ્રા. લિ.’ના લેખન સાથે દીલિપ રાવલ જેવું મંજાયેલું નામ જોડાયેલું હોવા છતાં ફિલ્મનું રાઇટિંગ તદ્દન કંગાળ છે. ‘સફેદ સાડી મને સૂટ નથી થતી’ કે ‘ગાય ભેંસ દીવાલ પર કઇ રીતે છી છી કરે’ જેવાં જોક્સ એક્સપાયરી ડેટ વટાવી ગયાને પણ જમાનો વીતી ગયો હોવા છતાં હજી અહીં ઘુસાડવામાં આવ્યા છે.

એરોગન્ટ બોસ, તુમાખીવાળી ફિટનેસ ફ્રીક શેઠાણી, પાવલી કમ દીકરી, ખાઉધરો છોકરો, ચક્રમ વિલન… આ બધાં જ ક્લિશે હિન્દી ફિલ્મોમાં અને સિરિયલોમાં પણ જૂના થઇ ગયા છે. એટલે એમાંનું કશું જ અહીં નવું લાગતું નથી. ફિલ્મનું નામ હેપ્પી ફેમિલી છે, પણ અહીં જે ફેમિલી છે તે એટલી બધી રાડારાડી અને કચકચ કર્યે રાખે છે કે હસવાને બદલે ઇરિટેટ થઇ જઇએ.

હા, રૂપિયો સમાજમાં અસમાનતા ઊભી કરે છે એને બદલે બાર્ટર સિસ્ટમ હોય એવો સિંગલ લાઇન કન્સેપ્ટ સારો છે, પરંતુ એ કન્સેપ્ટ પર એક સારી સ્ટોરીની ઇમારત ખડી કરવામાં લેખકો અને દિગ્દર્શક રઘુવીર જોશી તદ્દન નિષ્ફળ ગયા છે. ફિલ્મના લેખક જાણે હોલિવૂડથી અત્યંત પ્રભાવિત હોય એમ હુમલાખોર અહીં ‘ધ ડાર્કનાઇટ’ ફિલ્મના વિલન ‘જોકર’ના ગેટઅપમાં છે (અને બિલકુલ આઉટ ઓફ ધ બોક્સ એવું ‘વ્હાય સો સરસ?’ એવું બોલે છે), જ્યારે વ્રજેશ હીરજી પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયનના જેક સ્પેરોના ગેટઅપમાં દેખાય છે. જે ગામનાં બાળકોએ રૂપિયાની નોટો ન જોઇ હોય એ ગામના લોકો રેપ સોંગ કઇ રીતે ગાઇ શકે?  કે ‘હકુના મટાટા’ જેવો શબ્દ પ્રયોગ ત્યાં કેવી રીતે ચલણી બન્યો હોઇ શકે?

ફિલ્મના રિસર્ચ વર્કમાં પણ લોચા લાગે છે. ગામના દવાખાનાની ઉપર માત્ર દવાખાનું એવું જ લખ્યું હોય, ‘એન્ટિલાપુરનું દવાખાનું’ એવું ન લખેલું હોય. અને બ્રાહ્મણો જનોઇ જમણા કાને ચડાવે, ડાબા કાને નહીં. ફિલ્મમાં એક નાનકડું સસ્પેન્સ પણ છે, પરંતુ એ બાલિશતાની હદે પ્રીડિક્ટેબલ છે.

ફિલ્મમાં લગભગ એક પણ જોક હસાવવામાં સફળ થતી નથી. ઇવન વ્રજેશ હીરજીની ફટિચર શાયરીઓ પણ હસાવી શકતી નથી. (સેમ્પલઃ કાલે દોઢિયું શીખાવડ્યું’તું, આજે હિંચ શીખવાડીશ; જલદી ઊઠો નહીં તો કાન નીચે એક વગાડીશ!)

જસ્ટ અનધર ગુજરાતી નાટક જેવી ફીલ આપતી આ ફિલ્મનું સંગીત પણ અત્યંત કંગાળ છે અને એમાં કરાતાં ડાન્સ સ્ટેપ્સ પણ જરીપુરાણાં છે. એડિટિંગ ટેબલ પર લોચો થયો હોય કે કેમ, પણ ફિલ્મમાં અમુક ઠેકાણે એટલા ગંદા કટ્સ વાગે છે કે આંખમાં વાગે.

ફેમિલીમાં હેપ્પી થવા જેવું કશું છે ખરું?

આ ફિલ્મમાં એનિમેશનનો ઉપયોગ સરસ લાગે છે, અને એનિમેશનની ક્વોલિટી પણ ઇન્ટરનેશનલ લેવલની હોય એવું લાગે છે. ઉમદા કલાકાર રાજીવ મહેતા એ આ ફિલ્મનો એકમાત્ર નક્કર પ્લસ પોઇન્ટ છે. કાશ એમને ખીચડીના પ્રફુલ જેવી સ્ટ્રોંગ સ્ક્રિપ્ટ મળી હોત. હા, દિનેશ હિંગુને સ્ક્રીન પર જોવા એ લાહવો છે, પરંતુ અહીં એમનું ટ્રેડમાર્ક ફેફસાંફાડ અટ્ટહાસ્ય ગાયબ છે. રાધર, એ ખાસ્સા અશક્ત દેખાય છે.

જ્યારથી મલ્ટિપ્લેક્સનો જમાનો આવ્યો છે ત્યારથી ગુજરાતી ફિલ્મોને ‘ખાસ ઘ. દરે’ (ઘટાડેલા દરે) બતાવવાનો રિવાજ પણ સિંગલ સ્ક્રીન થિયેટરોની સાથે જ જતો રહ્યો છે. એટલે આપણને માતૃભાષ। ગુજરાતી પ્રત્યે ગમે તેટલો પ્રેમ હોય અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ફરીથી જીવિત કરવાની ગમે તેટલી હોશ હોય, તેમ છતાં ઠોઠ વિદ્યાર્થીને વધુ પડતા ગ્રેસના માર્ક આપીને ચઢાવો પાસ કરવાનું પાપ કરવા જેવું નથી. આમ કરવાથી તો વધુ નબળા માલ પધરાવવાની વૃત્તિને પ્રોત્સાહન મળશે. માટે, આ ફેમિલીથી દૂર જ રહેજો.

રેટિંગઃ * (એક સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.