Kabali

kabali-tamil-movie-poster-rajinikanth

 • ફાઇનલી, રિલીઝ થયાના પાંચમા દિવસના છેલ્લા શૉમાં આપણે બી ‘કબાલિશ્વર’નાં દર્શને જઈ આવ્યા. સાથોસાથ શ્રી શ્રી ૧૦૦૦૦૮ રજની સા’રની ફિલ્મના ૫૨,૫૦,૦૦૦મા દર્શક બનવાનું ગૌરવ પણ પ્રાપ્ત કર્યું (તાલિયાઁ)! (કબાલી વર્લ્ડવાઇડ 3500 સ્ક્રીનમાં રિલીઝ થઈ, એમાં રોજના સરેરાશ 5 શૉઝ અને દરેક શૉમાં 300 લોકોની સરેરાશ પકડીએ તો આ જ આંકડો આવે! આ સાંભળીને કબાલી સર કહેત, ‘બહોત ખૂબ!’) ઉપરથી કબાલીની ૩૦૦ કરોડ રૂપિયા જેવી પ્રચંડ કમાણીમાં મારા ૧૦૦ રૂપિયાનું પ્રચંડ યોગદાન પણ ખરું!
 • હવે હું કબાલી પર લખું અને એના માટે ‘રિવ્યૂ’ એવો શબ્દ વાપરું, તો સતત ડર રહે કે ક્યાંક ચેન્નઈ બાજુથી કોઈ બોથડ પદાર્થ ઊડતો ઊડતો આવશે અને મારી ખોપરીની ખાંડવી કરી નાખશે તો? એના કરતાં રજની સા’રના વિરાટ દર્શનમાં આપણે આપણી સીમિત બુદ્ધિથી જે કંઈ જોયું-અનુભવ્યું એની જ ચોપાઈઓ રચી નાખીએ એ વધુ સલામત ઉપાય છે.
 • એક્ચ્યુઅલી, આખા સ્ક્રીન પર જેટલા મોટા અક્ષરોમાં ‘સુપર સ્ટાર રજની’ લખાયેલું આવે છે, એ જોતાં એમના માટે આઇમૅક્સનો સ્ક્રીન પણ નાનો પડે. (મોબાઇલના પાંચ ઇંચના સ્ક્રીનમાં રજની સા’રની ફિલ્મ જોનારાઓને તો સ્ક્રીન પર ખાલી રજનીકાંતનાં શૂઝ જ દેખાતાં હશે!)
 • રજનીસા’રની એઝ અ કબાલી (ફિલ્મમાં બોલાય છે, ‘કબ્બાલી’) ઍન્ટ્રી થોડી અન્ડરવ્હેલ્મિંગ છે, લેકિન બોસ, એનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક અને ‘નેરુપ્પુ ડા’ (હિન્દીઃ આગ હૂં મૈં) ગીત એકદમ ‘સુઉઉઉઉઉઉપર’ છે! રજનીભક્તો પોતાની સ્વરપેટીઓ, ફૅફ્સાં વગેરેની કૅપેસિટીની કસોટી કરી શકે એનો પૂરેપૂરો ખ્યાલ રખાયો છે (આપણેય તે થોડું ગળું ખંખેરી લીધેલું!).
 • રજનીકાંતની ફિલ્મથી થિયેટરની સાઉન્ડ સિસ્ટમ ઉત્તેજિત થઈ ગઈ હોય કે કેમ ખબર નહીં, પરંતુ પહેલી વાર મને કોઈ ફિલ્મ અને તેનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક આટલાં ઘોંઘાટિયાં લાગ્યાં હશે (આ વીકએન્ડમાં હવે ઑડિયોગ્રામ ટેસ્ટ કરાવવાનું વિચારી રહ્યો છું!). કબાલી સર કશું પણ બોલે એ માત્ર નૉર્મલ ડાયલોગ ન બની રહેતાં એક એનાઉન્સમેન્ટ બની જાય તેનો પૂરો ખ્યાલ રખાયો છે (રજનીકાંત ડઝન્ટ સ્પીક, હી અનાઉન્સીસ, માઇન્ડ ઇટ!).
 • ઇવન રજનીકાંતનો બૂટથી ગોગલ્સ સુધીનો વાયા ચકાચક સૂટવાળો ડિટેઇલ્ડ લુક, એમની ઝુલ્ફોં ઝટકવાની, પગ પર પગ ચડાવીને બેસવાની, ગોગલ્સ કાઢવાની, ઊંચે જોઇને અટ્ટહાસ્ય કરવાની સ્ટાઇલ… બધામાં એમની લાર્જરધેન લાઇફ પર્સોના રિફ્લેક્ટ થાય એનુંય ઇત્મિનાનથી ધ્યાન રખાયું છે. આ જ લોજિકથી લૉ ઍન્ગલ કૅમેરા શૉટ્સ અને સ્લો મૉશન વૉકનો છૂટથી છંટકાવ કરવામાં આવ્યો છે (થૅન્ક ગૉડ, એમને પેટ્રોનાસ ટાવર પર પગ મૂકીને ઊભેલા નથી બતાવાયા! આમેય છે તો એ હમારે અપને ‘ધ બિગ ફ્રેન્ડ્લી જાયન્ટ’!). રજનીકાંતની ચાલવાની સ્ટાઇલ મૂનવૉક જેવી જ દર્શનીય છે. ચાલતી વખતે એ જાણે કોઈ ડાન્સ સ્ટેપ કરતા હોય એવું લાગે છે. અને હા, જમતી વખતે એ બંને હાથમાં ફોર્ક (કાંટા) વડે ખાય છે, નો ચમ્મચ, નો મચમચ!
 • બે પર્ટિક્યુલર શૉટ્સ મને ગમી ગયેલા. એકમાં કેમેરા કારના કાચમાં થયેલા બંદૂકની ગોળીના હોલમાંથી કેમેરા બહાર આવે છે, જ્યારે બીજામાં રજનીકાંતના ક્લોઝઅપથી કેમેરા ઝૂમઆઉટ થતો થતો છેક આખા વિસ્તારના ઍરિયલ વ્યૂ સુધી પહોંચી જાય છે. બંને CGI હોય તોય સૂઉઉપર છે!
 • ટિપિકલ ગૅંગવૉર અને પર્સનલ ટ્રેજેડીનો બદલો, બંને મુખ્ય ટ્રેક તદ્દન વાસી, ક્લિશૅ અને પ્રચંડ બોરિંગ છે. રજનીકાંતની મૅગ્નેટિક પર્સનાલિટી છતાં કંટાળ્યા વિના અઢી કલાકની આ ફિલ્મ પૂરી કરવા માટે મગજ, કાન, આંખો, જઠર, યકૃત, નાનું-મોટું આંતરડું જેવાં અવયવો એકદમ ટનાટન સ્થિતિમાં હોવા જોઇએ. જે ટ્રેકને રાઇટર-ડિરેક્ટર પા. રંજિત (સાઉન્ડ્સ લાઇક ‘પાપા રંજિત’, હેય્ય!)એ ફ્લૅશબૅકમાં સૂવડાવી દીધો છે એ જો વાર્તાના કેન્દ્રમાં હોત તો મજા પડત. કેવી રીતે એક માઇગ્રન્ટ તમિળ શ્રમિક પોતાના લોકોના હક, સામાજિક-આર્થિક દરજ્જા માટે લડે છે અને ટોચ પર પહોંચીને બતાવે છે.
 • રિલીઝ વખતે એવા મેસેજ વહેતા થયેલા કે, ‘જુઓ જુઓ, આ ફિલ્મની પાછળના મોટાભાગના કસબીઓ રિયલ લાઇફમાં દલિત છે.’ મને આ વાત તદ્દન વાહિયાત લાગે છે. ફિલ્મો મારે મન નખશિખ સેક્યુલર માધ્યમ છે અને તેમાં કામ કરતા કસબીઓનો એક જ ધર્મ હોય છે, સિનેમા. હા, આ ફિલ્મમાં જે સટલ્ટીથી દલિત ઇશ્યૂ ઉમેરી દેવાયો છે એની સ્પેશ્યલી વાત કરવી જ પડે. એન્ટ્રી વખતના પહેલા જ સીનમાં રજનીકાંતને ‘માય ફાધર બાલૈયા’ નામનું પુસ્તક વાંચતા બતાવાયા છે. લેખક વાય. બી. સત્યનારાયણના પોતાના પિતા વિશેના આ પુસ્તકમાં એક અસ્પૃશ્ય-દલિતમાંથી સંઘર્ષ કરીને આગળ આવવાની દાસ્તાન આલેખાયેલી છે. (મારી નોંધ કહે છે કે ગઈ ફિલ્મ ‘લિંગા’માં એમને જોસેફ કેમ્પબૅલની ‘ધ હીરો વિથ અ થાઉઝન્ડ ફેસીસ’ વાંચતા બતાવાયા હતા.) એક તબક્કે રજનીકાંત અન્ય એક પાત્રને ડૉ. આંબેડકરનું ઉદાહરણ આપીને કહે છે કે એમનું સૂટ-બૂટનું ચકાચક ડ્રેસિંગ વિરોધનો જ એક પ્રકાર છે. ઇવન ક્લાઇમૅક્સમાં પણ એ ચાઇનીઝ વિલન ટૉની લીને કહે છે કે, ‘જો હું આગળ વધું એ જ તારો મુખ્ય પ્રોબ્લેમ હોય, તો હવે તો એ જ કરીને બતાવું.’ આ વાતને સીધી જ દલિતો દ્વારા વિરોધીઓને કહેવાતી હોય એવા સંદર્ભમાં મૂકી શકાય છે. અલબત્ત, ‘સૈરાટ’ જેવી ફિલ્મમાં કાસ્ટિઝમનો મુદ્દો જે રીતે ઊપસીને આવ્યો હતો એવું અહીં નથી થતું (અહીં રજનીકાંતના સ્ટાર પાવરને પણ સાચવવો પડે ને!). તેમ છતાં રજનીકાંતને બે હાથે સલામ કરવાનું મન થાય કે આટલા મેઇનસ્ટ્રીમ સુપરસ્ટાર હોવા છતાં એ કોઈ હિચકિચાહટ વગર આ મેસેજ આપી શકે છે. (રિતેશ દેશમુખ ભલે ગમે તેવી ગાંડીઘેલી ફિલ્મો કરતો હોય, પણ એની આગામી ફિલ્મ ‘બૅન્જો’માં એને સફાઈ કામદાર તરીકે ગટરમાંથી નીકળતો બતાવાયો છે. એ ફિલ્મ કેટલી પોલિટિકલી કરેક્ટ હશે એ તો જોયા પછી જ ખબર પડશે, પરંતુ અત્યાર સુધીમાં આપણા કયા અભિનેતાએ આવું દૃશ્ય કરવાની પણ હિંમત કરી છે?!) સો, #Respect!
 • મેં કબાલીનું હિન્દી વર્ઝન જોવાની ભૂલ કરી નાખી. અહીંની પબ્લિકને સંદર્ભો સમજવામાં સરળતા રહે એટલા માટે ફિલ્મમાં નામ-ઉદહરણો બદલી નખાયાં છે એ તો ઠીક, પણ ઘણે ઠેકાણે ટ્રાન્સલેટેડ ડાયલોગ સાંભળવામાં લિટરલી ત્રાસ થાય છે. બોલાયેલાં તમિળ વાક્યોની ગતિને પહોંચી વળવા માટે હિન્દી પણ એટલું ફાસ્ટ બોલાયું છે કે દરેક કલાકારને એક-બે નંબર જવાની ઉતાવળ હોય એવું જ લાગે! હા, એટલું ખરું કે ફિલ્મનું માત્ર ડબિંગ જ નથી કરાયું, બલકે ફિલ્મમાં દેખાતી તમિળ સ્ક્રિપ્ટને પણ હિન્દીમાં સુપર ઇમ્પોઝ કરાઈ છે. ફિલ્મ એટલી લાઉડ અને વોકલ છે કે જ્યાં રજનીએ શાંત રહીને ફીલ કરવાનું હોય ત્યાંય એ પોતાની લાગણીઓ બોલીને વ્યક્ત કરે. ‘નેરુપ્પુ ડા’ને બાદ કરતાં ફિલ્મનાં બાકીનાં ગીતો પણ ઠેકાણાં વિનાનાં છે.
 • રજની સા’રનું મુવી હોય એટલે બીજા કલાકારોનો ખાસ ગજ ન વાગે એ સ્વાભાવિક છે. પણ અહીં તો સમ ખાવા પૂરતા એક સપોર્ટિંગ સ્ટારનું પર્ફોર્મન્સ પણ ઠેકાણાસરનું નથી. મોટાભાગના લોકો સતત કોઈ કૅફી દ્રવ્યની અસર હેઠળ ઍક્ટિંગ કરતા હોય એ રીતે વર્તે છે. રાધિકા આપ્ટેના ભાગે પણ કાં તો પ્રેગ્નન્ટ રહેવાનું અથવા તો પતિને દૂરથી જોયા કરવાનું ને સૂટ પહેરાવવાનું કામ જ આવ્યું છે. હા, એક ઇમોશનલ સીનમાં રાધિકા આપ્ટે ઇઝ સુઉઉઉપર! નાસિર જેવા સિનિયર ઍક્ટરને પણ ફ્લૅશબૅકમાં જરાતરા બતાવીને પડીકું વાળી દેવાયું છે. એક સિનિયર ચાઇનીઝ ગૅંગસ્ટરનું નામ ઍન્ગ લી રખાયું છે, જે રિયલ લાઇફમાં પ્રસિદ્ધ ફિલ્મમૅકરનું પણ નામ છે. વિકિપીડિયા ફંફોસતાં એક ઇન્ટરેસ્ટિંગ વાત એ જાણવા મળી કે ફિલ્મના મુખ્ય વિલન ટૉની લી બનતા તાઇવાનીઝ ઍક્ટર વિન્સ્ટન ચાઓએ હકીકતમાં એ જ દિગ્ગજ ડિરેક્ટર ઍન્ગ લીની બે ફિલ્મોમાં કામ કરેલું છે. પરંતુ આ ફિલ્મમાં એ સૂટબૂટ ધારી વિલન કાર્ટૂનથી વિશેષ કંઈ લાગતો નથી. (*Spoiler= ‘એરટેલ ગર્લ’ જેવા લુકમાં ફરતી અભિનેત્રી ધંસિકા જે રીતે રાતોરાત પિતા બદલી નાખે છે અને જે રીતે એ સતત કોઈ વિચિત્ર ઉચ્ચારમાં ‘પપા…પપા’ કર્યા કરે છે એ ઇમોશનલને બદલે હાસ્યાસ્પદ વધારે લાગે છે.)
 • દર થોડીવારે ફ્લૅશબૅકમાં સરી જતું ફિલ્મનું સ્ટોરીટેલિંગ પણ ખાસ્સું ચાઇલ્ડિશ છે. ઇન ફૅક્ટ, કબાલી જે ‘ફ્રી લાઇફ’ નામનું રિહેબિલિટેશન સેન્ટર ચલાવે છે એ જ કંઇક વિચિત્ર છે. એક તરફ ત્યાં ચૅ ગેવારા, ગૌતમ બુદ્ધ, સ્વામી વિવેકાનંદ, ચાર્લી ચૅપ્લિનની તસવીરો ટાંગેલી હોય અને બીજી બાજુ ડ્રગ ઍડિક્ટ લોકો આસાનીથી લઈ શકે એ રીતે હથિયારો ત્યાં ડિસ્પ્લે કરેલાં હોય? સૅન્ટરમાં એક યુવતી પર કબાલીની નજર સામે બળજબરી થતી હોય અને કબાલી કશું જ રિએક્ટ ન કરે? રિહેબ થૅરપી લઇને બહાર પડતી બૅચમાં પણ કોઇનું દિમાગ ઠેકાણે હોય કે થૅરપીની અસર થઈ હોય એવું લાગતું નથી.
 • કબાલીના ઑફિશિયલ એરલાઇન પાર્ટનર એવા ‘એર એશિયા’એ ફિલ્મની પબ્લિસિટી માટે એક આખું પ્લેન કબાલીમય કરી નાખેલું. તેમ છતાં ફિલ્મમાં ક્યાંય એર એશિયાનું બેશરમ પ્રમોશન નથી કરાયું. આ વાત આપણા ફિલ્મમૅકરોએ કાન પકડીને શીખવા જેવી છે.
 • રજની સા’રનો મૂછવાળો-દાઢી વિનાનો વિન્ટેજ લુક જોવો ગમ્યો. એમનો ચાર્મ જરાય ઓસર્યો નથી, પણ તોય હવે એમની બૉડી લૅન્ગ્વેજમાં, ફાઇટ સીનમાં ઉંમર દેખાય છે. દેખીતી રીતે જ રજનીકાંતના કૅલિબરના (સ્ટાર નહીં) એક્ટરને મણિ રત્નમ કે અત્યારના શંકર જેવા ડિરેક્ટર વધુ સારી રીતે પેશ કરી શકે છે, જે એમનો સ્ટારપાવર પણ પર્ફેક્ટ્લી સાચવી લે.
 • રજનીકાંત અને એમનો આસમાની કરિશ્મા ન હોત તો આ ફિલ્મનું શું થયું હોત એ વિચારવા જેવો પ્રશ્ન છે (કંઇક આવું જ માત્ર સ્ટારપાવરને લીધે કરોડો કમાતી સલમાનની તદ્દન બાલિશ, કંગાળ ફિલ્મો વિશે અને એને ફૂલડે વધાવતા વિવેચકો વિશે પણ વિચારવાનું મન થાય). હજી આ ફિલ્મનો ક્રેઝ ચાલી રહ્યો છે, ત્યારે માત્ર એ ક્રેઝના સાક્ષી બનવા એકવાર થિયેટરમાં અને પ્રિફરેબલી ઑરિજિનલ તમિળ વર્ઝનમાં એકવાર જોઈ શકાય.
Advertisements

કોચ્ચડયાન (Kochadaiyaan)

નબળા એનિમેશનમાં રજની મેજિકનો કચ્ચરઘાણ

*** 

જો મોશન કેપ્ચર એનિમેશનના ગાજ્યા મેહ વરસ્યા હોત તો આ ફિલ્મ ભારતીય સિનેમાનું નવું સિમાચિહ્ન સાબિત થાત.

***

kochadaiyaan-movie-posters2‘સુપરસ્ટાર રજનીકાંત’ની ફિલ્મ હોય, એ પણ થ્રીડીમાં,  ડિરેક્ટર તરીકે એની જ દીકરી ઐશ્વર્યા હોય, નવ ભાષાઓમાં એકસાથે રિલીઝ થતી હોય અને અબોવ ઓલ, ભારતમાં પહેલીવાર આવેલી ફોટોરિયલિસ્ટિક મોશન કેપ્ચર ટેક્નિકથી બનેલી ભારતની સૌથી મોંઘી એનિમેટેડ ફિલ્મ (આ ટેક્નિક વિશેનો મારો મસ્ત માહિતી લેખ વાંચવા માટે ક્લિક કરો અહીં)… આવું જબરદસ્ત કોમ્બિનેશન હોય તો સમગ્ર દેશમાં જબરદસ્ત ક્રેઝ ઊભો થવો જોઈતો હતો. પરંતુ ચૂંટણીની ધમાલ વચ્ચે એકથી વધુ વાર પાછી ઠેલાયા પછી રિલીઝ થયેલી કોચ્ચડયાન મોઢું પહોળું થઈ જાય એવી અદભુત ફિલ્મ નથી જ.  આ ફિલ્મની વિરુદ્ધમાં જતું મુખ્ય પાસું તેનું નબળું એનિમેશન છે.

ધ લેજન્ડ

અમિતાભ બચ્ચનના વોઈસ ઓવરથી શરૂ થતી કોચ્ચડયાન વાર્તા છે એક અનાથ બાળકની, જે મોટો થઈને પ્રતાપી સૈનિક રાણા રણવિજય (રજનીકાંત) બને છે. ભારતના યુગો પૂર્વેના ઈતિહાસમાં દર્જ થયેલી દંતકથા પ્રમાણે કલિંગપુરી અને કોટ્ટઈપટ્ટનમ નામનાં બે રાજ્યો વચ્ચે દુશ્મની છે. કલિંગપુરીનો રાજા છે રિપુદમન (જેકી શ્રોફ). જ્યારે કોટ્ટઈપટ્ટનમનો રાજા છે મહેન્દ્રરાજ (નાસિર). રાણા એટલે કે રજનીકાંતના કૌશલ્યથી પ્રભાવિત થઈને કલિંગપુરીનો યુવરાજ રાણાને રાજ્યનો મહાસેનાપતિ બનાવે છે. મહાસેનાપતિ બનતાંવેંત રાણા પ્રસ્તાવ મૂકે છે કે આપણા રાજ્યમાં ગુલામ તરીકે મજૂરી કરતા શત્રુરાજ્ય કોટ્ટઈપટ્ટનમના સૈનિકોને આપણી સેનામાં સામેલ કરી લઈએ જેથી યુદ્ધ થાય ત્યારે એ લોકો જ ખપે. આ વાતનો અમલ કરતાંવેંત રાણા શત્રુરાજ્ય સાથે સંધિ કરી લે છે અને ગુલામ સૈનિકોને ત્યાં પાછા મોકલી આપે છે. કલિંગપુરીનો સેનાપતિ થઈને એ શત્રુરાજ્યને મદદ કરીને એની સાથે ભળી જવા બદલ કલિંગપુરીમાં રાણાને દેશદ્રોહી ઘોષિત કરાય છે.

આ બાજુ કોટ્ટઈપટ્ટનમના યુવરાજનો પરમમિત્ર બની ગયેલો રાણા ત્યાં જઈને ત્યાંની રાજકુમારી વંદના (દીપિકા પદુકોણ)ના પ્રેમમાં પડી જાય છે. એમાંય એક દુર્ઘટનામાં રાણા મહારાજા મહેન્દ્રરાજ અને યુવરાજના જીવ બચાવે છે એટલે ત્યાંના લોકોનો વિશ્વાસ ઓર ગાઢ બની જાય છે. પરંતુ છુપાવેશે આવેલો એક હુમલાખોર રાજા મહેન્દ્રરાજની હત્યા કરવાનો પ્રયાસ કરે છે, જે બદલ એને મૃત્યુદંડ ફરમાવાય છે. પરંતુ સૌના આઘાત વચ્ચે એ હુમલાખોર બીજું કોઈ નહીં, રાણા એટલે કે રજનીકાંત પોતે જ નીકળે છે. હવે રાણા બંને રાજ્યનો દ્રોહી બની ચૂક્યો છે. પરંતુ એણે આવું શા માટે કર્યું? અને સૌથી મોટી વાત, કોચ્ચડયાન (લાંબી જટા ધરાવતો પ્રતાપી રાજા) કોણ છે?

રજની મેનિયાની પેલે પાર

થોડી કન્ફ્યુઝિંગ સ્ટોરી ધરાવતી આ ફિલ્મની શરૂઆતમાં તેનું શૂટિંગ કઈ રીતે કરાયું અને શા માટે આ ફિલ્મ ખાસ છે, તેની ટૂંકી ડોક્યુમેન્ટરી પણ બતાવાય છે. આ ફિલ્મ જે ટેક્નિકથી બની છે એ જ ટેક્નિકથી હોલિવૂડમાં જેમ્સ કેમેરોને અવતાર ફિલ્મ બનાવી હતી. એટલે આપણી અપેક્ષાઓ વધી જાય તે સ્વાભાવિક છે. પરંતુ આટલી બધી હો હા કર્યા પછી રિલીઝ થયેલી ફિલ્મનું એનિમેશન ખાસ્સું શીખાઉ કક્ષાનું લાગે છે. રજનીકાંત સહિત મોટા ભાગના કલાકારોના આંખો-ચહેરા પર જીવંતતા દેખાતી નથી. એટલું જ નહીં, ચહેરા અને હાથની મુવમેન્ટ્સમાં સંકલન ખૂટતું હોય એવું લાગે છે. સ્ક્રીન પર જાણે પપેટ શો ચાલતો હોય એવું લાગે છે. જો આ બાબત તમે ઈગ્નોર કરી શકો તો ધીમે ધીમે ફિલ્મની વાર્તામાં ઓતપ્રોત થતા જશો.

ઈન્ટરવલ પહેલાં રજનીકાંત હીરો થઈને આવું શા માટે કરે છે એવા પ્રશ્નો મૂંઝવશે. ઉપરથી દર થોડી વારે આવતાં ગીતો સરસ બન્યાં હોવા છતાં હાઈવે પર આવતાં સ્પીડબ્રેકર જેવાં લાગશે. પરંતુ એકવાર રહસ્યો પરથી એક પછી એક પડદા ઊંચકાતા જશે એટલે ફિલ્મની વાર્તાના પ્રવાહમાં તણાતા જશો.

ફિલ્મનું સૌથી સ્ટ્રોંગ પાસું સ્વાભાવિક પણે જ રજનીકાંત અને એની દક્ષિણ ભારતીય છાંટવાળું હિન્દી છે. ઉપરથી કે. એસ. રવિકુમારના સશક્ત ડાયલોગ્સ રંગ જમાવે છે. સેમ્પલઃ ‘રાજા કભી બંજર ઝમીન પર રાજ નહીં કરતા, અસલી રાજા વો હૈ જો લોગોં કે દિલોં પે રાજ કરે.’ રજનીકાંતની કોઈ જિમ્નાસ્ટને શરમાવે એવી એક્રોબેટિક એક્શન ફેન્સની તાળીઓ ઉઘરાવી જશે.

આમ તો રજનીકાંત હીરો હોય એટલે બાકી બધાં કલાકારો માત્ર ફોર્માલિટી માટે હોય એવી સ્થિતિ સર્જાતી હોય છે. તેમ છતાં વિલન બનતા દક્ષિણના સિનિયર કલાકાર નાસિર હિરો-વિલનનું પલ્લું બેલેન્સ કરતા રહે છે. દીપિકા હિરોઈન છે, પણ એના ભાગે નાચગાના અને એક ફાઈટ સિક્વન્સ સિવાય ઝાઝું કશું કામ આવ્યું નથી. હા, ફિલ્મમાં જેકી શ્રોફ અને ડાન્સર-અભિનેત્રી શોભના પણ છે, પરંતુ એ બંને પણ મહેમાન કલાકાર જેવાં જ છે.

ફિલ્મનાં ગ્રાફિકમાં પણ ખાસ્સી મહેનત કરાઈ છે. વિશાળ મહેલો, પહાડો, દરિયો વગેરે કાળજીથી ક્રિયેટ કરાયાં છે. એટલું જ નહીં, ફાઈટ સિક્વન્સિસમાં પણ ફટાફટ ઘૂમતા કેમેરા એન્ગલ્સ રોમાંચ જગાવતા રહે છે. ખાસ કરીને રજનીકાંતનો જટાધારી અવતાર અને એમાંય શિવતાંડવ તો એકદમ સુપર્બ કેપ્ચર થયું છે.

થલૈવા માટે જોખમ લઈ શકો

આ રજનીકાંતની ફિલ્મ છે એટલે એના ચાહકોમાં સ્વાભાવિકપણે જ ઉન્માદ જગાવશે. પરંતુ આપણે જો એના જોક્સની મજા લેવા જેટલા જ અને મનોરંજન ખાતર જ રજનીકાંતની ફિલ્મો જોતા દર્શક હોઈએ તો ઓવારણાં લેવાની ઈચ્છા થઈ આવે એવી ફિલ્મ કોચ્ચડયાન નથી. તેમ છતાં એક નવા એક્સપિરિયન્સ તરીકે આ ફિલ્મ જોઈ શકાય. પરંતુ સ્ટ્રિક્ટ્લી એને અવતાર જેવી ફિલ્મો સાથે સરખાવશો નહીં.  આ ફિલ્મની સિક્વલની પણ પૂરેપૂરી તૈયારી થઈ ચૂકી છે. આશા રાખીએ કે આ પહેલા ભાગમાં રહેલી એનિમેશનની નબળાઈઓ તેની સિક્વલમાં દૂર થઈ જાય. બાય ધ વે, ફિલ્મના એન્ડ ક્રેડિટ્સમાં ફરીથી ફિલ્મનું મેકિંગ બતાવાયું છે જે જોવા ઊભા રહેશો. એજ્યુકેશનના ભાગરૂપે પણ એ જોવાની મજા પડે એવું છે.

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

P.S. મોશન કેપ્ચર એનિમેશન ટેક્નિક વિશે વધુ જાણવા માટે મારા મસ્ત માહિતી લેખની લિંકઃ https://jayeshadhyaru.wordpress.com/2014/04/18/motion-capture-animation/

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Motion Capture Animation

મોશન કેપ્ચર એનિમેશનઃ એનિમેશનના રજનીકાંતની ભારતમાં એન્ટ્રી

***

‘દુશ્મનોં કો હરાને કે સૈંકડો તરીકે હૈ. સબસે પહલા હૈ, માફી’… ‘બદલાવ ઝરૂરી હૈ. જો વક્ત કે સાથ બદલેગા, ઝિંદા રહેગા’… ‘સબ્ર કરો, ઈન્તેઝાર કરો. તુમ છલની સે પાની ભર સકતે હો, અગર પાની કે બર્ફ હોને તક ઈન્તેઝાર કર સકતે હો…’ ચારેકોર ગ્રીન કલરના પડદા લગાવેલા એક વિશાળ હૉલમાં એક્ટર ‘ધ રજનીકાંત’ એમની આગામી ફિલ્મ ‘કોચડયાન’ના આ જાનદાર ડાયલોગ્સ બોલી રહ્યા છે. શૂટિંગ વખતે તેઓ એકલા જ છે, એમની આસપાસ કોઈ દેખાતું નથી. પણ જ્યારે આપણે ફિલ્મનો પ્રોમો જોઈએ છીએ ત્યારે એમની આસપાસ સેંકડો લોકો દેખાય છે. એટલું જ નહીં, શૂટિંગ વખતે તો રજનીસરે કોઈપણ પ્રકારનો મેકઅપ, વિગ કે કોશ્ચ્યુમ પહેર્યાં નહોતાં, પરંતુ પડદા પર તો આ 63 વર્ષના અભિનેતા એક જાંબાઝ નવયુવાન યોદ્ધાના ગેટઅપમાં દેખાય છે! શું છે, આ બધું? અને કઈ રીતે થઈ રહ્યા છે આ ચમત્કાર?! જરા માંડીને વાત કરીએ…

kochadaiyaan-new-postersમાની લો કે આ 2012ની સાલનો ઉનાળો ચાલી રહ્યો છે, અને અત્યારે લંડનના વિખ્યાત પાઈનવૂડ સ્ટુડિયોઝમાં રજનીકાંત અને દીપિકા પદુકોણ સ્ટારર થ્રીડી એનિમેશન ફિલ્મ ‘કોચડયાન’ (અર્થાત્ લાંબી, કર્લી કેશવાળી ધરાવતો શેરદિલ રાજા)નું શૂટિંગ ચાલી રહ્યું છે. લંડનના આ પાઈનવૂડ સ્ટુડિયોઝમાં જેમ્સબોન્ડ, સુપરમેનથી લઈને લારાક્રોફ્ટઃ ટોમ્બ રેઈડર, દા વિન્ચી કોડ અને શેરલોક હોમ્સ જેવી સંખ્યાબંધ ફિલ્મોનું શૂટિંગ થઈ ચૂક્યું છે. રજનીકાંતને એનિમેટેડ અવતારમાં ચમકાવતી અને રજનીકાંતની જ દીકરી સૌંદર્યાએ ડિરેક્ટ કરેલી આ પિરિયડ ફિલ્મનું ટ્રેલર થોડાં અઠવાડિયાં પહેલાં અમિતાભ બચ્ચનના હસ્તે રિલીઝ કરાયું અને આવતા મહિને તે રિલીઝ પણ થઈ રહી છે. પરંતુ એવી તે શી ખાસિયત છે આ ફિલ્મમાં કે તેના શૂટિંગ માટે છેક લંડન સુધી લાંબા થવું પડ્યું? વેલ, જવાબ એવો છે કે આ ફિલ્મ ભારતની સૌપ્રથમ સંપૂર્ણપણે ‘મોશન કેપ્ચર’ કે ‘પરફોર્મન્સ કેપ્ચર’ ટેક્નિકથી તૈયાર થનારી એનિમેટેડ ફિલ્મ છે (જોકે બે વર્ષ પહેલાં આવેલી તમિલ એક્શન ફિલ્મ ‘માત્તરાન’માં અમુક ભાગ માટે ભારતમાં સૌપ્રથમવાર આ ટેક્નિકનો ઉપયોગ કરાયો હતો). ભારત માટે આ ટેક્નિક નવી છે, પણ હોલિવૂડમાં લૉર્ડ ઑફ ધ રિંગ્સ, અવતાર, સ્ટિવન સ્પીલબર્ગની ધ એડ્વેન્ચર્સ ઑફ ટિનટિન જેવી ફિલ્મોમાં વર્ષોથી મોશન કેપ્ચર ટેક્નિકનો ઉપયોગ થતો આવ્યો છે. એકદમ રિયલ લાગતી આધુનિક થ્રીડી વીડિયો ગેમ્સનું શૂટિંગ પણ પહેલાં આ જ રીતે થાય છે, પછી એમાં કમ્પ્યુટર ગેમ્સનાં એલિમેન્ટ્સ ઉમેરવામાં આવે છે.

ટ્રેડિશનલ એનિમેશન વર્સસ થ્રીડી એનિમેશન

હવે ભૂતકાળ થઈ ગયેલી ફિલ્મની રીલને હાથમાં લઈને ધ્યાનથી જોઈ હશે તો ખ્યાલ હશે કે તેમાં આસપાસની બે ઈમેજ વચ્ચે સહેજ મુવમેન્ટ સિવાય કશો ફેર હોતો નથી. હવે જરાતરા આગળ વધતી સિક્વન્સવાળી તસવીરોને એક સેકન્ડની ચોવીસ ફ્રેમ (કે તસવીર)ની ઝડપે આપણી આંખ સામેથી ફેરવવામાં આવે, ત્યારે આપણને છૂટક તસવીરોનું કલેક્શન નહીં, બલકે હાલતોચાલતો વીડિયો દેખાય છે! વાસ્તવમાં આપણી આંખની આ મર્યાદા છે, અને આ જ મર્યાદા સિનેમાનો પાયાનો સિદ્ધાંત છે! પરંતુ એ તસવીરોને કેમેરા દ્વારા શૂટ કરેલી હોય છે, તેને બદલે જો હાથેથી ચિત્ર દોરીને આંખ સામેથી એક સેકન્ડની ચોવીસ તસવીરોની સ્પીડે ફેરવવામાં આવે, તો તેને કહેવાય એનિમેશન. આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ તે મિકી માઉસ, ડોનલ્ડ ડક, ટોમ એન્ડ જેરી જેવી એનિમેટેડ કાર્ટૂન ફિલ્મોમાં ડઝનબંધ કલાકારો જે તે પાત્રની દરેકે દરેક હરકતને ડ્રોઈંગ બોર્ડ પર ચિતરતા. સ્ટોરી પ્રમાણે આ રીતે હજારો ચિત્રો તૈયાર કરવામાં આવે, જેના પરથી પછી એનિમેટેડ ફિલ્મ તૈયાર થતી.

જોકે આ જ કારણસર અગાઉ સિને રિસર્ચરો એનિમેટેડ ફિલ્મોને સિનેમા ગણવા તૈયાર જ નહોતા. એમની સીધી વ્યાખ્યા એવી કે જેમાં કેમેરાની સામે કશુંક બનતું હોય અને કેમેરા તેને કેપ્ચર કરતો હોય, તો તે રીતે બનેલી ફિલ્મને સિનેમા કહી શકાય. વળી, મોટે ભાગે ટ્રેડિશનલ એનિમેટેડ ફિલ્મો બાળકોને જ ધ્યાનમાં રાખીને બનતી આવી હોવાથી એક ગેરમાન્યતા એવી બની ગઈ કે એનિમેટેડ ફિલ્મો એટલે કાર્ટૂન ફિલ્મો અને એ માત્ર બાળકો માટે જ હોય. કોચડયાન બનાવનારી રજનીકાંતની દીકરી સૌંદર્યા પણ અકળાઈને કહે છે કે એનિમેટેડ ફિલ્મો એ મેઈનસ્ટ્રીમ સિનેમા જેવો જ સિરીયસ બિઝનેસ છે, જે કોઈ ચોક્કસ ઉંમરના દર્શકો માટે સીમિત નથી.

જ્યારથી સિનેમામાં કમ્પ્યુટર્સ અને લેટેસ્ટ સોફ્ટવેર્સનો પ્રવેશ થયો, ત્યારે પગરણ થયાં, થ્રીડી એનિમેશનનાં. થ્રીડી મુવી મેકર, એડોબી ફ્લેશ, અલાદ્દીન ફોરડી, હુડિની, માયા, ક્લારા, પોઝર, સ્કેચઅપ વગેરે સંખ્યાબંધ થ્રીડી એનિમેશન સોફ્ટવેર્સની મદદથી કાગળ પર હજારો સ્કેચિઝ બનાવવાની ઝંઝટમાંથી છૂટકારો મળ્યો. આર્ટિસ્ટ્સ ફિલ્મ મેકરની કલ્પના પ્રમાણેનાં અમુક સ્કેચ કે કેમેરા એન્ગલ્સ માટેનાં સ્ટોરીબોર્ડ કાગળ પર તૈયાર કરે એટલા પૂરતાં જ સ્કેચ તૈયાર કરવાના થાય, બાકીનું બધું જ કામ આ સોફ્ટવેર ઉપાડી લે. વળી, આ થ્રીડી એનિમેશન સોફ્ટવેરની મદદથી એનિમેશન ફિલ્મોમાં ઊંડાઈનું ત્રીજું પરિમાણ ઉમેરાયું. તેનાથી બે ફાયદા થયા. એક તો એનિમેશન વધું જીવંત અને ડિટેઈલવાળું થયું, અને બીજું થ્રીડી ચશ્માં પહેરીને જોઈ શકાય એવી ખરા અર્થમાં થ્રીડી એનિમેશન ફિલ્મો બનવા લાગી. પરંપરાગત એનિમેશન અને થ્રીડી એનિમેશન વચ્ચે એક તાત્ત્વિક ફરક એ છે કે પરંપરાગત એનિમેશનમાં જે વસ્તુ કે પાત્રના શરીરનો ભાગ બતાવવાનો ન હોય, તે દોરવામાં આવતો નથી. જ્યારે થ્રીડી એનિમેશનમાં આખું પાત્ર કમ્પ્યુટર સ્ક્રીન પર તૈયાર કરી દેવાય છે, પછી તેને જે રીતે ઈચ્છીએ એ રીતે ફેરવી શકાય છે.

એન્ટર ધ મોશન કેપ્ચર

મોશન કેપ્ચર ટેક્નિકની શોધ એક્ઝેક્ટ કયા તબક્કે થઈ એ તો કહેવું મુશ્કેલ છે, પણ હા, છેક 1995માં રિલીઝ થયેલી અતારી કંપનીની વીડિયો ગેમ ‘હાઈલેન્ડર’માં આ ટેક્નિકનો ઉપયોગ કરીને એનિમેશન તૈયાર કરવામાં આવ્યું હતું. હવે કોઈ કહેશે કે અરે ભાઈ, પણ આ ટેક્નિક એટલે એક્ઝેક્ટ્લી કેવી ટેક્નિક? તો જનાબ, એ સમજવા માટે આપણે વાતને થ્રીડી એનિમેશનના તબક્કાથી આગળ વધારવી પડે. થ્રીડી એનિમેશનમાં જ્યાં કાગળ પરથી કે પછી સંપૂર્ણપણે કમ્પ્યુટર પર મોડલ તૈયાર થાય છે, ત્યાં મોશન કેપ્ચર એનિમેશન ટેક્નિકમાં હાડ-ચામનાં જીવતા મનુષ્યોને ખાસ પ્રકારનાં કપડાં પહેરાવીને એમનું શૂટિંગ કરવામાં આવે છે. જરા ડિટેઈલમાં સમજીએ.

નામ જ કહી આપે છે એ રીતે આ પદ્ધતિમાં મોશન એટલે કે હલનચલનને કેપ્ચર કરવામાં આવે છે. એ માટે કલાકારને making203ખાસ પ્રકારનાં શરીર સાથે ચપોચપ ચોંટી જાય તેવાં (સ્વિમિંગ કોશ્ચ્યુમ જેવાં) કપડાં પહેરાવવામાં આવે છે. આ કપડાં પર ઠેકઠેકાણે, ખાસ કરીને જ્યાંથી શરીર વળે છે તે સાંધાઓ પર નાનકડાં ટપકાં જેવાં ઓપ્ટિકલ માર્કર લગાડેલાં હોય છે. આ દરેક માર્કર પર તે સ્ટુડિયોમાં લગાવેલાં એકસાથે ચાલીસ જેટલા કેમેરા નજર રાખતા હોય છે. એટલે ધારો કે રજનીકાંત શૂટિંગમાં ડાન્સ કરતો હોય, તો તે દૃશ્ય એકસાથે ચાલીસ કેમેરાથી શૂટ થતું હોય છે! વળી, આ કેમેરા પણ ગજબ છે. તે માત્ર સેન્સરને જ ઓળખે. મતલબ કે તેમાં માત્ર ઓપ્ટિકલ માર્કરની મુવમેન્ટ્સ જ કેપ્ચર થાય. આ મુવમેન્ટ કમ્પ્યુટર સ્ક્રીન પર એ જ સમયે એક હાલતુંચાલતું હાડપિંજર જેવું સ્ટ્રક્ચર બતાવે છે. જેના પરથી પાછળથી હાડ-ચામનાં વાઘાં પહેરાવવામાં આવે છે. હવે તો મોશન કેપ્ચરની ટેક્નિક એટલી આગળ વધી ગઈ છે કે શૂટિંગ દરમિયાન જ એક્સપર્ટ અને ડાયરેક્ટરને એ જ સમયે જે તે પાત્રના એક્ચ્યુઅલ ગેટઅપમાં તેની મુવમેન્ટ જોવા મળે છે.

એનિમેટેડ ફિલ્મને વધુ વાસ્તવિક બનાવવા માટે પાત્રોના ચહેરા પરના હાવભાવ પણ ડિટેઈલમાં ઝીલાય તે મહત્ત્વનું છે. આ માટે કલાકારના ચહેરા પર (હોઠ, ગાલ, દાઢી, કપાળ, નેણ, આંખનાં પોપચાં, કાન વગેરે પર) પણ વિવિધ માર્કર લગાવવામાં આવે છે. ડિટેઇલિંગની માગ પ્રમાણે એક કલાકારના ચહેરા પર આવાં 32થી લઈને 300 સુધીનાં માર્કર ચોંટાડવામાં આવે છે. હાસ્ય, રૂદન, ક્રોધ, નિરાશા વગેરે હાવભાવ પ્રમાણે ચહેરાની ત્વચા જે રીતે સંકોચાય, તે જ પ્રમાણે માર્કર પણ તેની સાથે ખસે છે. આ પ્રકારનાં માર્કરને ટેક્નિકલ ભાષામાં ‘એક્ટિવ માર્કર’ કહે છે (પેસિવ માર્કર પ્રકાશનું રિફ્લેક્શન કરતા મટિરિયલના બનેલા હોય છે). એક્ટિવ માર્કરની આ મુવમેન્ટ્સને ટ્રેક કરવા માટે કલાકારે માથા પર એક હેલમેટ જેવું ડિવાઈસ પહેરવું પડે છે. આ હેલમેટ સાથે ચહેરાની સામે તકાયેલું રહે તે રીતે ચહેરાથી અમુક ઈંચ છેટે એક કેમેરા અથવા તો લેસર સ્કેનર ફિટ કરેલું હોય છે. ફિલ્મની વાર્તા અને દૃશ્યની ડિમાન્ડ પ્રમાણે કલાકાર ડાયલોગ્સ બોલે અને એક્ટિંગ કરે, તે બધું જ વાયા એક્ટિવ માર્કર, ચાલીસ અને એક માથા સાથે જોડાયેલા ટોટલ એકતાલીસ કેમેરા દ્વારા કેપ્ચર થાય છે. પછીથી કમ્પ્યુટર પર આ કેપ્ચર કરેલી આકૃતિઓનું એક તારની જાળી જેવું વાયર-ફ્રેમ થ્રીડી મોડલ તૈયાર કરવામાં આવે છે. જેમ આપણા હાડકાંના તંત્ર પર ઈશ્વરે માંસ અને ચામડીનું આવરણ મઢીને આપણને એક ચોક્કસ રૂપ આપ્યું છે, એ જ રીતે વાયર-ફ્રેમમાં તૈયાર થયેલી આકૃતિને સ્ટોરીની ડિમાન્ડ પ્રમાણે રંગેરૂપે મઢવામાં આવે છે અને તેને યોગ્ય હાવભાવ આપવામાં આવે છે. ત્યારબાદ મોશન કેપ્ચરના ચાલીસ કેમેરાએ ઝડપેલી મુવમેન્ટ્સની આસપાસ વાર્તાના સીન પ્રમાણે કમ્પ્યુટર જનરેટેડ ઈમેજીસ (સીજીઆઈ) તથા અન્ય સ્પેશિયલ ઈફેક્ટ્સ ઉમેરવામાં આવે છે.

avatar-mo-cap-21રસપ્રદ વાત એ છે કે ફિલ્મની સ્ટોરીમાં ગમે તેટલાં આઉટડોર લોકેશન્સની વાત આવતી હોય, પરંતુ મોશન કેપ્ચર પદ્ધતિથી કરાતું સમગ્ર શૂટિંગ તેના સ્પેશિયલ સ્ટુડિયોની અંદર ઈન્ડૉર જ થાય છે. મતલબ કે કોચડયાનમાં રજનીકાંતનું પાત્ર ઘોડા પર સવાર થઈને જંગલો ખૂંદતું હોય, પણ શૂટિંગ વખતે જંગલ તો ઠીક, ઘોડો પણ હોતો નથી. એક સ્ટેન્ડ સાથે દોરી બાંધીને તેની લગામ બનાવાય છે અને ઘોડેસવારી જેવી એક્ટિંગ કરાય છે, જેમાં પાછળથી રજનીકાંતના બે પગ વચ્ચે સીજીઆઈની મદદથી ઘોડો ફિટ કરી દેવામાં આવે છે! એ જ રીતે ‘અવતાર’ ફિલ્મમાં તો નિબિરુ નામના ગ્રહની વાત હતી, જ્યાં તેનાં પાત્રો એલિયન ‘નાવી’ બનીને નિબિરુનાં જંગલોની ડાળીઓ પર કૂદાકૂદ કરતાં હતાં, પરંતુ શૂટિંગ વેળાએ તેઓ મોશન કેપ્ચરિંગ માર્કરવાળાં કપડાં પહેરીને સ્ટુડિયોમાં રાખેલાં ટેબલ્સ પર જ કૂદતાં હતાં! પાત્રોની આસપાસનું સમગ્ર વાતાવરણ અને સ્ટોરી પ્રમાણેનું ડિટેઈલિંગ સીજીઆઈ સ્વરૂપે પોસ્ટ પ્રોડક્શનના તબક્કે કમ્પ્યુટર સોફ્ટવેર દ્વારા ઉમેરવામાં આવે છે.

એ રીતે જોઈએ તો કલાકારો માટે આ મોશન કેપ્ચર પ્રકારની ફિલ્મોમાં કામ કરવું વધારે અઘરું બની જાય છે. કારણ કે રેગ્યુલર ફિલ્મોથી તદ્દન વિપરિત અહીં એમની આસપાસ કશું જ નથી હોતું. ખીણ પરથી ઘોડો કુદાવવાનો હોય, જાહેર જનતાને સંબોધવાની હોય, દુશ્મનોનો પીછો કરવાનો હોય, દોડીને કોઈ વાહન પર ચડી જવાનું હોય, ઝાડ પર ચડવાનું હોય વગેરે દરેકે દરેક સિચ્યુએશનની કલાકારોએ સંપૂર્ણપણે કલ્પના જ કરવાની હોય છે અને તે પ્રમાણેના હાવભાવ લાવવાના હોય છે. એટલે આ રીતે કામ કરવામાં સ્વાભાવિકતા લાવવાનું કલાકારો માટે અત્યંત અઘરું બની જાય છે.

મોશન કેપ્ચરિંગ ટેક્નિકનાં જમાઉધાર

આ ટેક્નિકનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં એકદમ રિયલ ટાઈમમાં એનિમેશન ક્રિયેટ કરી શકાય છે. મતલબ કે શૂટિંગ વખતે જ કલાકારોના હાવભાવ પ્રમાણે જે તે એનિમેટેડ પાત્ર કેવું લાગશે તે જોઈ શકાય છે. સાથોસાથ જ્યારે મર્યાદિત સમયમાં શૂટિંગ આટોપી લેવાનું હોય, ત્યારે પરંપરાગત એનિમેશન ટેકનિક્સની સરખામણીમાં ઓછા સમયમાં પુષ્કળ માત્રામાં એનિમેટેડ સામગ્રી ઊભી કરી શકાય છે, જેથી ફિલ્મની ડેડલાઈન (સમયમર્યાદા) સાચવવામાં કોઈ તકલીફ પડતી નથી. મોશન કેપ્ચર ટેક્નિકથી એકદમ રિયલ લાગે તેવું એનિમેશન સર્જી શકાય છે. અહીં ઈનડૉર સ્ટુડિયોમાં જ સમગ્ર શૂટિંગ કરવાનું હોઈ કોઈ પ્રકારના સેટની જરૂર પડતી નથી. મતલબ કે જંગલ, દરિયો, મહેલ, પ્રાચીન નગર, આકાશ… જે કંઈ સર્જવાનું હોય, તે એકવાર કલાકારોનું શૂટિંગ થઈ ગયા પછી પાછળથી કમ્પ્યુટર પર જ ક્રિયેટ કરવામાં આવે છે. હા, ક્યારેક થોડી ઘણી બેઝિક ફ્રેમ ટાઈપની પ્રોપર્ટીની જરૂર પડે છે, જે કોઈ નાટકના સેટ કરતાં પણ ઓછી હોય છે. આગળ કહ્યું તેમ અહીં ચાલીસેક જેટલા સ્પેશિયલ મોશન કેપ્ચર કેમેરા એકસાથે શૂટિંગ કરતા હોય છે. આનો અર્થ એ થયો કે સિનેમેટોગ્રાફરને તથા ડાયરેક્ટરને એક જ શોટના ચાલીસ અલગ અલગ એન્ગલ મળે છે, જેથી વિશાળ માત્રામાં પસંદગીને અવકાશ પણ રહે છે. એકવાર મોશન કેપ્ચર્ડ માળખું તૈયાર થઈ જાય, પછી તેના પર તમે ચાહો તે સર્જી શકો. મતલબ કે રજનીકાંતને કેશ્ટો મુખરજી પણ બનાવી શકો અને ઈન્ક્રેડિબલ હલ્ક પણ બનાવી શકો! વળી, કલાકાર ગમે તેવો દેખાતો હોય અથવા તો ગમે તે ઉંમરનો હોય, તેને મેકઅપ કરવાની પણ કોઈ જરૂર રહેતી નથી.

જોકે આ ટેક્નિકનો લોચો એ છે કે તે મોટા પ્રોડ્યસરોને જ પોસાય તેવી અત્યંત ખર્ચાળ છે. વળી, અમુક જ સ્ટુડિયો મોશન કેપ્ચરિંગ ટેક્નિકમાં માસ્ટરી ધરાવે છે. જેમ કે, ભારતમાં હૈદરાબાદમાં ખૂલેલા એપલ આર્ટ્સ સ્ટુડિયો, મોબિલિટી આર્ટ સ્ટુડિયોઝ અને ઈવા મોશન સ્ટુડિયોઝ, મલયાલમ સુપરસ્ટાર મોહનલાલનો તિરુવનંતપુરમ ખાતે આવેલો વિસ્મયાસ મેક્સ સ્ટુડિયો તથા આ જ શહેરમાં આવેલો એક્સેલ એનિમેશન સ્ટુડિયોઝ જેવાં ગણ્યા ગાંઠ્યા ઓપ્શન્સ જ ઉપલબ્ધ છે (બાય ધ વે, કોચડયાનના અમુક હિસ્સાનું શૂટિંગ તિરુવનંતપુરમના એક્સેલ એનિમેશન સ્ટુડિયોમાં પણ થયું છે).

મોશન કેપ્ચરનું લેટેસ્ટ

અત્યારે (આપણે ત્યાં) લેટેસ્ટ ગણાતી મોશન કેપ્ચર એનિમેશન ટેક્નિકમાં પણ હવે અવનવી અપડેટ્સ આવી ગઈ છે. જેમ કે, નવાં એક્ટિવ માર્કર એલઈડીથી સજ્જ હોય છે, જે પ્રકાશ રિફ્લેક્ટ કરવાને બદલે જાતે જ ઉત્પન્ન કરે છે. આવાં એલઈડી અને તેની સાથે રેડિયો સિન્ક્રોનાઈઝેશન પદ્ધતિ સાથેનાં માર્કરની મદદથી આઉટડૉરમાં સૂર્યપ્રકાશમાં પણ મોશન કેપ્ચર કરી શકાય છે. મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (એમઆઈટી)ના ભારતીય વિદ્યાર્થીઓએ ત્યાંના સંશોધકો સાથે મળીને ‘પ્રકાશ’ નામની નવી મોશન કેપ્ચર ટેક્નિક વિકસાવી છે. આ ટેક્નિક અત્યંત સસ્તી છે અને ગજબનાક એક્યુરસી ધરાવે છે. કેમ કે તે મોશન કેપ્ચર કરવા માટે કેમેરાને બદલે ઈન્ફ્રારેડ કિરણોનો ઉપયોગ કરે છે. આ ટેક્નિકથી ગીચ ટ્રાફિકમાં અત્યંત સ્પીડમાં ફરતાં વાહનોને પણ માર્કર લગાવીને કેપ્ચર કરી શકાય છે. ગેમિંગના શોખીનોને ખ્યાલ હશે જ કે 2010માં રિલીઝ થયેલી માઈક્રોસોફ્ટનું ગેમિંગ કોન્સોલ એક્સબોક્સનું કાઈનેક્ટ મોડલ પણ મોશન કેપ્ચર ટેક્નોલોજીથી સજ્જ છે. આ કામ માટે તે અદૃશ્ય એવાં ઈન્ફ્રારેડ વિકિરણોનો ઉપયોગ કરે છે.

સ્ટેનફર્ડ યુનિવર્સિટી, એમઆઈટી તથા અમેરિકાની જ મેક્સપ્લાન્ક યુનિવર્સિટીના સંશોધકોએ મળીને નવી માર્કરલેસ મોશન કેપ્ચર ટેક્નિક પણ વિકસાવી છે, જે મોશન કેપ્ચર કરવા માટે કોઈ માર્કરની મોહતાજ નથી. તેનાં ખાસ પ્રકારનાં કમ્પ્યુટર અલગોરિધમ વ્યક્તિનાં હલનચલનને કારણે પ્રકાશમાં થતા સૂક્ષ્મતમ ફેરફારને પણ માપી લે છે અને તેને આધારે થ્રીડી ઈમેજ બનાવી આપે છે. આ ઉપરાંત પ્રાયોગિક ધોરણે હલનચલનને કારણે થતા વીજચુંબકીય ક્ષેત્રના ફેરફારને માપતી, રડારની જેમ રેડિયો ફ્રિક્વન્સીને આધારે મોશનને કેપ્ચર કરતી વગેરે ટેક્નિક્સ પણ માર્કેટમાં ઉપલબ્ધ છે.

મોશન કેપ્ચર એનિમેશન એ એનિમેટેડ ફિલ્મોની આવતીકાલ છે. તેની મદદથી કોઈ કલાકારને તેના મૃત્યુપર્યંત પણ જીવંત રાખી શકાય છે. આ ટેક્નિકમાં થઈ રહેલાં સંશોધનો તેને વધુ સુલભ બનાવશે. જ્યારે કોચડયાન જેવી ફિલ્મો ભારતમાં પણ એનિમેશન મુવીઝનો નવો યુગ શરૂ કરશે તેવી આશા રાખવી અસ્થાને નથી.

P.S. મોશન કેપ્ચર એનિમેશન ટેક્નિકથી રજનીકાંત સ્ટારર ફિલ્મ ‘કોચ્ચડયાન’ કેવી રીતે બની તેનો સત્તાવાર વીડિયો જોવા માટે ક્લિક કરો અહીંઃ

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.