Breathe (Web Series)

mv5bmtcznjiznjk5n15bml5banbnxkftztgwntaymdk1ndm-_v1_uy1200_cr9006301200_al_ખેર, ‘પદ્માવત’ જોવાનું તો હવે બડે લોગ-પાવરફુલ લોગ નક્કી કરશે ત્યારે જ શક્ય બનશે. આ વીકએન્ડ પર શું જોવું એ વિચારતા હો તો જોવા જેવી એક મસ્ત ચીજ આજે શુક્રવારથી જ રિલીઝ થઈ છે. ના, થિયેટરમાં નહીં, જ્યાં કહેવાતા સંસ્કૃતિ રક્ષકોનાં ટોળાં-એમના પથ્થરો પહોંચી ન શકે તેવી સ્પેસ એટલે કે સાઇબર સ્પેસ પર રિલીઝ થઈ છે. વાત થઈ રહી છે ‘એમેઝોન પ્રાઇમ વીડિયો’ પર રિલીઝ થયેલી નવી વેબ સિરીઝ ‘બ્રીધ’ (Breathe)ની.

મુખ્ય કલાકારો છે આર. માધવન અને ‘કાઈપો છે’ ફૅમ અમિત સાધ. ‘ખામોશિયાં’ નામનું હોરર મુવી જોવાની હિંમત કરી હશે તો કદાચ સપના પબ્બીને પણ ઓળખતા હશો. અત્યારે ચાર એપિસોડની પહેલી સિઝન રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મની ઝોનરા એટલે કે પ્રકાર છે થ્રિલર.

આમ તો આ સિરીઝના ટ્રેલરમાં મોટાભાગની સ્ટોરી રિવીલ કરી દીધી છે. એક તરફ છે એક લાચાર બાપ. બીજી બાજુ છે એક ગિલ્ટી બાપ. એક તરફથી શરૂ થાય છે ‘પર્ફેક્ટ મર્ડર’ લાગતી હત્યાઓનો સિલસિલો. ત્યારપછી કૅટ એન્ડ માઉસ ચેઝ પણ સ્ટાર્ટ થશે.

ઇન્ટરનેશનલ વેબ સિરીઝના બાશિંદાઓને આમાં ‘બ્રેકિંગ બૅડ’ કે ‘24’ જેવી ફીલ આવી શકે. ઇવન આમિર ખાન સ્ટારર ‘તલાશ’ના પણ સહેજ શૅડ્સ છે (ના, આ સ્પોઇલર નથી. ડૉન્ટ વરી!). પરંતુ આ ‘બ્રીધ’ની ટ્રીટમેન્ટ એકદમ સિન્સિયર અને મૅચ્યોર છે. ક્યાંય કોઈ ખોટી ચરબી નહીં, ફાલતુ સીન્સ નહીં. સીધી બાત, નો બકવાસ. કેમેરા વર્ક અને એડિટિંગ પણ એકદમ મસ્ત છે. ડિરેક્ટરે સિનેમાના બેઝિક અને મારા મનપસંદ ‘શૉ, ડોન્ટ ટેલ’ રુલનો પણ મસ્ત ઉપયોગ કર્યો છે. માધવન અને અમિત સાધની એક્ટિંગ માશાઅલ્લાહ શુભાનઅલ્લાહ છે! ખાસ્સી રિયલિસ્ટિક. દર થોડી વારે કંઇક ને કંઇક બનતું રહે એટલે આપણને કંટાળવાનું યાદ પણ ન આવે. એપિસોડ્સને પણ ખોટા ખેંચ્યા નથી એટલે સ્ટોરીની પૅસ પણ જળવાઈ રહી છે. સૌથી વધુ ધ્યાન ખેંચે છે સિરીઝનું રાઇટિંગ. નાનું લાગતું એકેએક કેરેક્ટર સરસ રીતે લખાયું અને ડેવલપ થયું છે. ખાસ કરીને રિપીટેડલી આવતાં પાત્રો. આવું થોડું થાય એવો સવાલ થાય તો વિચારી લેજો કે એના કરતાં ક્યાંય વધુ વિચિત્ર અને એબ્સર્ડ વસ્તુઓ આપણે ત્યાં રિયલ લાઇફમાં થઈ જ રહી છે!

વાંક કહો કે પ્રોબ્લેમ માત્ર એટલો જ છે કે પહેલી સિઝન તરીકે ઓન્લી ચાર એપિસોડ જ રિલીઝ કર્યા છે. સ્ટોરી મસ્ત જામી છે અને આગળ શું થશે તેની ક્યુરિયોસિટીનો પતંગ હવામાં ચડ્યો છે, ત્યાં જ લટકાવી દીધું છે. અધૂરામાં પૂરું બીજી સિઝન ક્યારે આવશે એ પણ જાહેર નથી કર્યું. કંઈ નહીં, આવશે એ તો. તમતમારે આ પહેલા ચાર એપિસોડ્સની જ્યાફત ઉડાવી લો!

ઠેકાણાનું નામ છે, ‘એમેઝોન પ્રાઇમ વીડિયો’, સિરીઝનું નામ છે ‘બ્રીધ’ (Breath)! એન્જોય વૉચિંગ!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

સાલા ખડૂસ

મદ્રાસની મેરી કોમ

***

ટિપિકલ અન્ડરડૉગની સ્ટોરી કહેતી આ ફિલ્મમાં કંઈ કહેતા કંઈ જ નવું નથી.

***

562ac91cd4f68ef5f559332f8b67b4b0આપણે ત્યાં સ્પોર્ટ્સના બૅકડ્રોપમાં કોઈ ફિલ્મ બને એટલે તેમાં સ્વાભાવિક રીતે જ અન્ડરડૉગની વાર્તા આવી જાય છે. અન્ડરડૉગ એટલે એવું પાત્ર જેના સફળ થવાની કોઇએ આશા રાખી ન હોય અને છતાં તે તમામ અવરોધોને ઓળંગીને પણ સફળ થઇને બતાવે. આંગળીને વેઢે ગણવા બેસો એટલે ધડાધડ ‘જો જીતા વોહી સિકંદર’, ‘ચક દે ઇન્ડિયા’, ‘લગાન’, ‘ઇકબાલ’, ‘હવાહવાઈ’, ‘ભાગ મિલ્ખા ભાગ’, ‘મેરી કોમ’ યાદ આવી જાય. આર. માધવન સ્ટારર ‘સાલા ખડૂસ’ પણ આ જ કેટેગરીની ફિલ્મ છે. લોચો એ છે કે દિગ્દર્શિકા સુધા કોંગરાએ જાણે ‘મેરી કોમ’ની રિમેક બનાવી હોય એમ તેમાં કશું જ નવું કરવાનો પ્રયાસ કર્યો નથી.

કડવા લીમડે વઘારેલું કારેલું

એક છે આદિ તોમર (આર. માધવન). વીતેલાં વર્ષોનો બૉક્સર અને અત્યારનો કોચ. એની કરિયરમાં દેવ ખત્રી (ઝાકિર હુસૈન) નામના બીજા એક ખેલાડીએ એવી ફાચર મારી કે આદિ હંમેશ માટે ઇત્યાદિ થઈ ગયો. ત્યારથી એ કાયમ આકરે પાણીએ જ રહે છે. ઇવન એની પત્ની પણ એને છોડીને જતી રહી છે. ફિલ્મી પડદાનો ઝાકિર માધવન પર તબલાની એવી થાપ મારે છે કે માધવન બિચારો હરિયાણાથી સીધો ચેન્નઈ જઇને પડે છે. પરંતુ ત્યાં એને પોતાની જ ઝેરોક્સ કૉપી જેવી એક ટેલેન્ટેડ છોકરી દેખાય છે. એ છોકરી એટલે મદી (રિતિકા સિંઘ). એની મોટી બહેન લક્ષ્મી (મુમતાઝ સરકાર, જાદુગર પી. સી. સરકારની દીકરી) બૉક્સિંગ શીખે અને મદી માછલી વેચે. મદીનો મિજાજ પણ લાલ મરચાં જેવો. એના મુક્કાનો પ્રહાર જોઇને આદિ-ઇત્યાદિને લાગ્યું કે આ છોકરીમાં દમ છે. બસ, બૉક્સિંગનાં ગ્લવ્સ પહેરીને અશક્યને શક્ય બનાવવાની જદ્દો-જહદ શરૂ. પણ ફિલ્મના વિલન એમ કંઈ મંજિરાંની જોડ લઇને થોડાં બેસી રહે?

નયા ક્યા હૈ, બાંગડુ?

આ ફિલ્મની દિગ્દર્શિકા સુધા કોંગરાએ એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે ૨૦૦૬માં જ્યારે ભારતની ટીમ ‘વર્લ્ડ બૉક્સિંગ ચેમ્પિયનશિપ’માં ચાર ગોલ્ડ સહિત આઠ મૅડલ જીત્યું ત્યારથી આ વાર્તા એમના મગજમાં ચામાચીડિયાની જેમ ઘુમરાતી હતી. ફાઇન, પરંતુ લોચો એ છે કે એ પછી તો પ્રિયંકા ચોપરાએ પણ બૉક્સિંગ ગ્લવ્સ પહેરીને ‘મેરી કોમ’ બનીને મુક્કાબાજી કરી લીધી. તેનાં માંડ દોઢ વર્ષ પછી જ તમે ફરી પાછી બૉક્સિંગ પર જ અન્ડરડૉગ ફિલ્મ બનાવો અને તેમાં કશું જ નવું ન હોય, તો તમારો પ્રયાસ ગમે તેટલો પ્રામાણિક હોય, પણ વેજિટેરિયન લોકોય તમારા પર માછલાં જ ધુએ. આર. માધવને આ ફિલ્મ માટે બૉડી બનાવવામાં જેટલો પરસેવો પાડ્યો છે, એટલો જો સુધાબહેને વાર્તા પાછળ પાડ્યો હોત તો આ ફિલ્મ એકદમ નૉકઆઉટ પંચવાળી બની શકી હોત.

હા, એક વાત બંને કાનની બુટ પકડીને સ્વીકારવી પડે કે આ ફિલ્મનો આત્મા એની જગ્યાએ યથાવત્ છે. એટલે જ કૉચ માધવન હોય કે એની શિષ્યા રિતિકા હોય, બધાં જ પાત્રો આપણને ફિલ્મી નહીં બલકે વાસ્તવિક લાગે છે. ઇવન ફિલ્મમાં ‘મેરી કોમ’ જેવો લાર્જર ધેન લાઇફ બનવાનો ભાર પણ વર્તાતો નથી. લાંબા વાળ-દાઢી અને ગઠ્ઠેદાર બૉડીવાળા માધવનનો ક્યુટનેસ ક્વૉશન્ટ દિવસે ને દિવસે વધતો જાય છે. પ્રોબ્લેમ માત્ર એટલો જ છે કે માધવન જ્યારે ગુસ્સામાં આવીને ધાણીફૂટ હિન્દી બોલે છે ત્યારે કેટલાય સંવાદો કાગળના વિમાનની જેમ ઉપરથી જતા રહે છે.

saala-khadoos-unveils-actress-ritika-singh-71ફિલ્મમાં ‘મદી’ બનતી રિતિકા સિંઘને માધવને ફિલ્મમાં શોધી કાઢી હોય, પણ એ રિયલ ટેલેન્ટ છે. એક તો રિતિકા સાચુકલી મિક્સ્ડ માર્શલ આર્ટ્સની ખેલાડી છે, એટલે એ જ્યારે દોડે છે, પંચ મારે છે, ત્યારે તે એકદમ જેન્યુઇન લાગે છે. ફિલ્મમાં તેનો બિનધાસ્ત એટિટ્યૂડ પણ જોવો ગમે છે. આ છોકરીમાં એક રૉ સેક્સઅપીલ છે. આ કોમ્બિનેશન એને ઍક્શનપૅક્ડ રોલ માટે પર્ફેક્ટ કેન્ડિડેટ બનાવી દે છે. બશર્તે એને કોઈ સારો રોલ ઑફર થાય.

ફિલ્મની મોટા ભાગની સ્ટોરી તેના ટ્રેલરમાં જ બતાવી દેવાનું સૌથી મોટું જોખમ એ છે કે તેમાં ખૂટતી કડીઓ સ્માર્ટ દર્શકો જાતે જ જોડી લે છે અને મૅકર્સે પછી તેમાં કંઇક નવું આપવું અનિવાર્ય બની જાય છે. અનફોર્ચ્યુનેટલી, ‘ચક દે ઇન્ડિયા’ અને ‘મૅરી કોમ’એ જે લીટી તાણી છે, તેનાથી બહારનું અનએક્સપેક્ટેડ કશું જ આ ફિલ્મ આપતી નથી. માત્ર બે બહેનો વચ્ચેનો સિબલિંગ રાઇવલરીનો એકમાત્ર ટ્વિસ્ટ અહીં નવો છે (જે અગેઇન આપણે ‘બ્રધર્સ’માં જોયેલો). ઇવન જેમણે બૉક્સિંગ પર જ બનેલી હૉલીવુડની ‘મિલ્યન ડૉલર બૅબી’ ફિલ્મ જોઈ હશે, તેમને અહીં ‘સાલા ખડૂસ’માં માધવન-રિતિકાના આલિંગનના સીનમાં પણ તેની છાયા દેખાશે.

રાજકુમાર હિરાણી અને આર. માધવને મળીને પ્રોડ્યુસ કરેલી ‘સાલા ખડૂસ’ એક અંગ્રેજી ફિલ્મને પણ લઘુતાગ્રંથિ લાવી દે તેવી માત્ર ૧૦૯ મિનિટની જ છે. તેનો ફાયદો એ થયો છે કે આપણે કંટાળીએ ત્યાં તો ફિલ્મ પૂરી થયેલી જાહેર કરી દેવાય છે. વળી, ક્લાઇમૅક્સમાં શું થવાનું છે એ વિશે પણ ઝાઝો વિચારવાને અવકાશ રહેતો નથી (અગેઇન, પ્રીડિક્ટેબલ). હા, અહીં દર બીજી-ત્રીજી ફિલ્મોમાં જોવા મળતાં ટિપિકલ લૉકેશનોને બદલે ચેન્નઈના દરિયાકિનારે આવેલી મચ્છી માર્કેટ, હિમાચલના ધરમશાલાનાં લોકેશન જોવાં ગમે ખરાં.

‘સાલા ખડૂસ’ એકસાથે તમિળ અને હિન્દીમાં બનાવવામાં આવી છે. એટલે જ તેમાં નાસિર જેવા દક્ષિણના સિનિયર કેરેક્ટર એક્ટર દેખાયા છે. ફિલ્મમાં ઝાકિર હુસૈન, એમ. કે. રૈના જેવા મંજાયેલા અને સ્વાનંદ કિરકિરે જેવા શૌકિયા અભિનેતાઓ છે, પરંતુ ફિલ્મ જોઇને જેના નામે પાર્ટી આપી શકાય એવું પર્ફોર્મન્સ એકેયનું નથી. એક તો આ ફિલ્મ એક્સાઇટમેન્ટના લેવલે સરેરાશથી ઉપર જઈ શકતી નથી, ત્યાં ગ્રહણ ટાણે સાપ કાઢતા હોય તેમ દલા તરવાડી સ્ટાઇલમાં એક પછી એક પાંચેક ગીતો ઠપકારી દીધાં છે. તેને કારણે ફિલ્મ સાવ શિયાળાના પાણી જેવી થઈ જાય છે.

ફાઇનલ પંચ

કહે છે કે દરેક વ્યક્તિની અંદર એક અન્ડરડૉગ પડેલો જ હોય છે. એટલે જ આવી લાખ અવરોધોને પાર કરીને સફળ થવાની વાર્તા કહેતી ફિલ્મ નસ નસમાં પ્રેરણાનાં ઇન્જેક્શન આપે તેવી હોવી જોઇએ. અફસોસ કે આવું કોઈ પ્રોત્સાહન કે રોમાંચ આ ફિલ્મ આપી શકી નથી. ફિલ્મના ટ્રેલરમાં સ્પોર્ટ્સમાંથી પોલિટિક્સ હટાવવાની જે વાત કરેલી, તેને પણ માત્ર અડકીને ભૂલી જવામાં આવી છે. આખી ફિલ્મનાં બે જબ્બર પ્લસ પોઇન્ટ હોય તો તે છે કે માધવન અને રિતિકાનાં પર્ફોર્મન્સ. જોકે તેના માટે કંઈ થિયેટર સુધી લાંબા ન થઇએ તો ચાલે.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Annamalai Karu

અન્નામલાઈ કરુ, કોમનમેન જેવા ચેક્સવાળા શર્ટમાં.
અન્નામલાઈ કરુ, કોમનમેન જેવા ચેક્સવાળા શર્ટમાં.

આજની ‘સાલા ખડૂસ’ની રિલીઝે મને થોડાક ફ્લેશબૅકમાં જવા મજબૂર કરી દીધો… (ઇમેજિન કરો આપણે ફ્લૅશબૅકમાં જઈ રહ્યા છીએ…)
***
કટ ટુઃ FTII થિયેટર
ટાઇમઃ જૂન, ૨૦૧૩
ફિલ્મ અપ્રિશિયેશન કોર્સ (FAC)ની પૂર્ણાહૂતિ વખતે (જેમને ભારતમાં ક્યારેક ડર લાગે છે એવાં) કિરણ રાવના હસ્તે અમારા સૌનો ફેલિસિટેશન વિધિ ચાલતો હતો. વન બાય વન સૌનાં નામ બોલાય, સર્ટિફિકેટ મળે અને તાળીઓ પડે એવો ક્રમ. પરંતુ એક નામ એનાઉન્સ થયું કે દસગણું વધારે ચિયર થયું અને સ્ટેન્ડિંગ ઑવેશન પણ અપાયું. એ નામ હતું, અન્નામલાઈ કરુ. ઇવન કિરણ રાવે પણ આશ્ચર્યથી પૂછ્યું કે, ‘આ ભાઈ કોઈ સેલિબ્રિટી છે કે શું?’

એ જાણવા માટે ફ્લૅશબૅકના પણ ફ્લૅશબૅકમાં જવું પડશે.
***
કટ ટુ FTII ક્લાસરૂમ થિયેટર,
ટાઇમઃ અમારા FACના પહેલા દિવસનું એન્ડિંગ
કલ્ચરલ એમાલ્ગામેશન જેવા કોર્સના એ પહેલા દિવસે સૌનાં ઇન્ટ્રો-બિન્ટ્રો થયા, લાંબાં લેક્ચર્સ ભરીને સૌ થાક્યા. પછી રાત્રે બૅક ટુ બૅક બે ફિલ્મો જોઈ. એટલે ઓર ટેં થઈ ગયા. પરંતુ હળવો ટ્વિસ્ટ બીજા દિવસે હતો.

કટ ટુ FTII ક્લાસરૂમ થિયેટર,
ટાઇમઃ FACના બીજા દિવસની સવાર
બધા એક બીજાને પૂછતા હતા કે આ અન્નામલાઈ કરુ કોણ છે? આપણી જ બૅચમાં છે? કે પછી અહીં FTIIના મેનેજમેન્ટનું કોઈ છે?

એનું કારણ એ હતું કે પહેલા દિવસે બધાં લેક્ચર્સમાં જે જે ફિલ્મોનાં નામોનો ઉલ્લેખ થયેલો એ તમામનું મસ્ત લિસ્ટ તે દરેકની યુટ્યુબ લિંક્સ સાથે અમારા FACના ગૂગલ ગ્રૂપમાં મેઇલ થઈ ગયેલું હતું! ઇવન રેફરન્સ બુક્સનાં નામ, લેખક વગેરેની ડિટેલ્સ પણ એમાં હતી!

પછી ખબર પડી કે અન્નામલાઈ કરુ એટલે આપણો બૅચમેટ ફ્રોમ ચેન્નઈ. એકદમ સ્ટુડિયસ બૉય જેવો દેખાવ, સિમ્પલ ડ્રેસિંગ અને જેન્યુઇન સ્માઇલ. અભિમાનનો એકેય છાંટો વર્તાય નહીં. વાતો માંડે તો દૂર તલક જાયે. લોચો માત્ર એક જ, હિન્દીમાં બોલો તો પ્રેમથી કહેશે, ‘સોરી, પ્લીઝ ઇંગ્લિશ!’ (આમેય આપણું તમિળ તો પહેલેથી જ કાચું!)

એ પછી તો FACમાં રોજનો ક્રમ થયો. દિવસ પતે એટલે તે દિવસે મૅન્શન થયેલી તમામ ફિલ્મો, બુક્સ, આર્ટિસ્ટ્સની લિંક્સ સાથેની ડિટેલ્સ લેક્ચરવાઇઝ ગોઠવાઇને અમારાં સૌનાં ઇનબૉક્સમાં પહોંચી જ ગઈ હોય. બધાને એ જ સવાલ થાય કે રાત્રે બાર-એક વાગ્યે અમારા સૌના કિલોમીટર પૂરા થઈ ગયા હોય ત્યારે આ માણસ આટલું બધું કરે છે ક્યારે અને કઈ રીતે?! (અને આવી ખાલીપીલી મજૂરી, કાયકુ?!)

નેચરલી, અન્નામલાઈ કરુ અમારા FACનો મોસ્ટ પોપ્યુલર સ્ટુડન્ટ.
***
પછી તો હું જેટલી વાર IFFI, GOA ગયો ત્યાં પણ એ હાજર હોય, એ પણ પૂરેપૂરા દસેય દિવસ. આ વખતે તો એણે અમારું એક વ્હોટ્સએપ ગ્રૂપ બનાવ્યું અને પોતે જે જે ફિલ્મો જોઈ (અને બહુ બધી જોઈ), એનાં નામ-ઠામ અને ઇમોજી સાથેનો ક્વિક રિવ્યૂ ફટાફટ સેન્ડ કરતો રહે. કોઈ સુપર્બ મુવીનું રિ-સ્ક્રીનિંગ હોય તો એનીયે જાણ કરે.
***
એ બધી અવરજવર દરમ્યાન વાત થયેલી કે એ ચેન્નઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં AD (આસિસ્ટન્ટ ડિરેક્ટર) છે અને ‘ગોલમાલ’ની કોઈ રિમેકમાં અને અમુક અન્ય ફિલ્મોમાં એણે કામ કર્યું છે. પરંતુ આ વખતે IFFIમાં એણે અમને જસ્ટ એમ જ કહેલું કે જાન્યુઆરીમાં અમારી માધવન સ્ટારર ‘સાલા ખડૂસ’ આવે છે (ના, એ એનો ડિરેક્ટર નથી, પણ ચારેક એસોસિએટ ડિરેક્ટર્સમાંનો એક છે). પરંતુ ‘બોસ, આપણે આઈ ગયા છીએ’ એવી કોઈ ગુલબાંગો નહીં. ઇવન એ FB-ટ્વિટર પર ખાસ એક્ટિવ પણ નથી.

પરંતુ આજે મેં ‘સાલા ખડૂસ’ જોયું અને એમાં ટાઇટલ (અને એન્ડ) ક્રેડિટ્સમાં એનું નામ જોયું, તો આમ જરાક પ્રાઉડ જેવી ફીલિંગ આવી. ત્યાં ‘ઝલ્લી પટાખા’ સોંગમાં તો ભાઈ સદેહે એક નાનકડા કેમિયોમાં દેખાયા. એના સ્ક્રીનશોટ્સ મૂક્યા છે, જેમાં એ ‘કોમનમેન’ સ્ટાઇલના શર્ટમાં ચશ્માં સાથે દેખાય છે.

બસ, આટલી અમથી વાત. લાઇફમાં એક મસ્ત માણસને મળ્યાનો આનંદ અને એની પ્રગતિ જોઇને પ્રાઉડ ટાઇપની ફીલિંગ!
Carry on Annamalai Karu!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

તનુ વેડ્સ મનુ રિટર્ન્સ

સુપરહીટ ક્રેઝી શાદી

***

લોજિકના મામલે ઊણી ઊતરતી હોવા છતાં આ ફિલ્મ હિન્દી સિનેમાએ જોયેલી સૌથી પાવરફુલ સિક્વલોમાંની એક છે.

***

tanu-fullsize-story_032315071941સામાન્ય રીતે આપણે ત્યાં હિટ ફિલ્મને બોઘરણાં ભરીને દૂધ આપતી ગાયની જેમ ટ્રીટ કરવામાં આવે છે, જ્યાં સુધી દૂધ આપતી રહે, ત્યાં સુધી દોહ્યા કરો. નવું કશું કહેવાનું હોય કે નહીં, પૈસા બોલતા હૈ તો સિક્વલ બનતા હૈ. પછી એ ‘ક્રિશ’ હોય, ‘સિંઘમ’ હોય કે પછી ‘ગોલમાલ’ કે ‘હેરાફેરી’ હોય. પરંતુ હાફુસ કેરીના ઠંડા રસ જેવી મીઠી-મધુરી વાત એ છે કે ‘રાંઝણા’ બનાવનારા ડિરેક્ટર આનંદ એલ. રાય અલગ મિટ્ટીના બનેલા છે. ૨૦૧૧માં એમણે ‘તનુ વેડ્સ મનુ’ બનાવી, ત્યારે ભાગ્યે જ કોઇને લાગતું હતું કે આ ફિલ્મમાં સિક્વલ મટિરિયલ છે. પરંતુ શુદ્ધ દેશી ઘીની વાનગી જેવી ‘રાંઝણા’ પછી એમની આ સિક્વલ ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ ‘આઈએસઆઈ’ના માર્કા જેવી ઑથેન્ટિક છે. એમાંય પાવરફુલ પંચલાઇન્સ અને પાવરપૅક્ડ પરફોર્મન્સનું એવું મસ્ત કોમ્બિનેશન થયું છે કે આ ફિલ્મ તાકીદે મસ્ટ વૉચની યાદીમાં આવી ગઈ છે.

મેરેજ રિ-અરેન્જ્ડ

તનુજા ત્રિવેદી (કંગના રણૌત) અને મનોજ શર્મા (આર. માધવન)નાં લગનિયાં સાથે પૂરી થયેલી સ્ટોરી હવે ચાર વર્ષ પછી આગળ વધે છે. લગ્નજીવનમાં બોરિયતનું લીંબું નીચોવાઈ ગયું છે અને એમાંથી પ્રેમનું પનીર બનાવવાની કોઈ ગુંજાઇશ રહી નથી. એટલે તલ્લાક તલ્લાકની તાલાવેલી સાથે બંને ઇન્ડિયાભેગાં થાય છે. ત્યાં જ મનુભાઈની નજર પડે છે એક હરિયાણવી એથ્લિટ કુસુમ સાંગવાન ઉર્ફ દત્તો પર. આ દત્તો ડિટ્ટો એની ભૂતપૂર્વ થવા જઈ રહેલી પત્ની તનુ જેવી જ દેખાય છે. ખાલી એ બૉયકટ વાળ રાખે છે અને આશિષ નેહરા જેવા દાંત સાથે મોઢું ખોલે ત્યારે હરિયાણવી બોલીનું પૂર વહાવે છે. તેમ છતાં સ્ક્રિપ્ટની ડિમાન્ડ પ્રમાણે બંને પ્રેમમાં પડે છે. એમના પ્રેમની નૈયા બીચ ભંવર મેં પહોંચે ત્યાં જ ખબર પડે છે કે એનાં લગ્ન તો એક માથાભારે સાથે નક્કી થઈ ગયેલાં છે. એમાં પાછો ચિન્ટુ (મોહમ્મદ ઝીશન ઐયુબ) નામનો એક નારદ મુનિ આવીને બધે ઠેકાણે એકેક સળગતું લાકડું ખોંસી આવે છે એટલે ચારેકોર લોહીઉકાળા શરૂ. બસ, અહીંથી હવે સ્ટોરી ફિલ્મ માટે બાકી રાખીએ.

એન્ટરટેન્મેન્ટનું બુફે ડિનર

આ સિક્વલ એક્ઝેક્ટ બે કલાકની છે, પણ એમાં ક્રિયેટિવિટી એટલી ઠાંસી ઠાંસીને ભરી છે, કે જરાક નજર હટી કે કંઇક ગુમાવી બેસવાની દુર્ઘટના ઘટી. જેમ કે, સૌથી પહેલું તો તમે એ નોટિસ કરો કે હિન્દી ફિલ્મોમાં કેટલા યુગો પછી ફિલ્મનું નામ હિન્દી અને અંગ્રેજી ઉપરાંત ઉર્દૂમાં આવ્યું છે. જેમણે ‘તનુ વેડ્સ મનુ-૧’ ન જોઈ હોય એમના લાભાર્થે ફિલ્મનાં ટાઇટલ ક્રેડિટ્સ (નંબરિયા) સાથે તનુ-મનુની શાદીનો ક્વિક રિકેપ બતાવી દેવાય છે. એ પણ લગ્નની ટિપિકલ વીડિયો કેસેટની સ્ટાઇલમાં ‘સુન સાયબા સુન’ ગીત સાથે.

બસ, પછી શરૂ થાય છે ક્રિયેટિવિટી, કોમેડી અને કમાલની એક્ટિંગથી ફાટફાટ થતા ડાયલોગ્સની થ્રિલ રાઇડ. ખુદ રાઇટર-ડિરેક્ટર આનંદ એલ. રાય અને સહ-લેખક હિમાંશુ શર્માએ એવી તો કઈ ધારદાર બોલપેનથી ડાયલોગ્સ લખ્યા હશે કે દર થોડી વારે એક વનલાઇન ફૂટી નીકળે છે. સૅમ્પલઃ ‘સેન્સ ઑફ હ્યુમર ચાહિયેથી તો રાજુ શ્રીવાસ્તવ સે કરની થી ન શાદી’, ‘આપ ઇસ મોહલ્લે કી બૅટમેન હૈં, જિસ કે બસ કિસ્સે હી સુનાઈ દેતે હૈં’, ‘દિલ્લી કા આધા પોલ્યૂશન તો આશિકોં કી વજહ સે હૈ’, ‘હમ ક્યા સિર્ફ એક લિટર પેટ્રોલ ઔર હીરો હોન્ડા હૈ આપકે લિયે?’, ‘ઐસે જાહિલ લોગ હૈ, જો મર્દાનગી કો સ્પર્મ કાઉન્ટ સે નાપતે હૈ’… આવી બધી જ લાઇન્સ ગણાવવા બેસીએ તો આ રિવ્યૂ એમાં જ પૂરો થઈ જાય. માત્ર વનલાઇનર લખીને કામ પત્યું નથી. એ બધી જ લાઇન્સ એટલી સ્વાભાવિકતાથી, એટલી એનર્જીથી અને એટલા સુપર્બ ટાઇમિંગ સાથે બોલાઈ છે કે એનું સીધું કનેક્શન તમારા અટ્ટહાસ્ય સાથે જોડાઈ જાય. આ લેખકજોડીએ ‘રાંઝણા’ ફિલ્મમાં પણ આવાં વનલાઇનર્સ નાખેલાં, પરંતુ એ અમુક પાત્રો સુધી સીમિત હતાં. જ્યારે અહીં બધાં જ પાત્રોને પૂરી ઉદારતાથી પંચલાઇન્સનો પુરવઠો અપાયો છે. ડિરેક્ટરે મોટાભાગના સીન પર એટલું વર્ક કર્યું છે કે તે દરેક સીન સ્વતંત્ર કોમિક એક્ટ તરીકે ચાલી શકે તેવા પાવરફુલ છે.

ડિરેક્ટર આનંદ એલ. રાય એવા ખીલ્યા છે કે એમણે સરદારજીઓને કેડિયું-ચોરણી પહેરાવીને ગરબા કરાવ્યા છે, મોહમ્મદ ઝીશનના હાથમાં (મોટેભાગે વેદપ્રકાશ શર્માની) હિન્દી પોકેટ બુક ‘ખૂની મંગલસૂત્ર’ પકડાવીને માહોલ સેટ કર્યો છે, (‘બોમ્બે વેલ્વેટ’ પછી સળંગ બીજી વાર) ઓ. પી. નય્યરનું ઓરિજિનલ ગીત વાપર્યું છે, નાટ્યાત્મકતાથી ભરપુર હોવા છતાં માહોલ એકદમ ઑથેન્ટિક રાખ્યો છે… આ બધા માટે એમને ફુલ માર્ક્સ.

પરફોર્મન્સની બારાત

એક સારા ડિરેક્ટરની કાબેલિયત જ ત્યાં આવે છે કે એની ફિલ્મમાં બધા જ એક્ટર્સ ભરપુર ખીલે. અહીં એવું જ થયું છે. એક તો એટલા બધા ટેલેન્ટેડ અભિનેતાઓ એક જ ફિલ્મમાં અને બધા જ ફુલ ફોર્મમાં. શરૂઆત કંગનાથી. બટકબોલી તનુ અને સતત વાળ સરખા કર્યા કરતી હરિયાણવી દત્તો, બંને પાત્રની પર્સનાલિટીમાં મોદી અને કેજરીવાલ જેટલું પ્રચંડ અંતર છે, પરંતુ બેય પાત્રમાં કંગનાએ એકદમ ડીપલી ઘુસ કે એક્ટિંગ કરી છે. કંગનાનો ડબલ રોલ છે, પણ હરિયાણવી કંગનાને જોઇને એક સેકન્ડ માટે પણ વિચાર આવતો નથી કે આ એ જ છોકરી છે, જે કર્લી હેર સાથે તનુ બનીને ફરે છે. આટલી સશક્ત એક્ટિંગ જોઇને બિનધાસ્ત એવું કહી શકાય કે કંગના ખરેખર એક્ટિંગની ‘ક્વીન’ છે.

પરંતુ કંગનાની સાથોસાથ અહીં આપણને જે સૌથી વધુ જલસો કરાવે છે, તે છે દીપક ડોબ્રિયાલ અને મોહમ્મદ ઝીશન અય્યુબ. હીરોના દોસ્તાર તરીકે સતત એની સાથે ફરતો દીપક રીતસર આપણો કૉલર ઝાલીને આપણું ધ્યાન એના પર ચોંટાડી રાખે છે. આવો અફલાતૂન એક્ટર ગણીગાંઠી ફિલ્મો જ શું કામ કરતો હશે એ બર્મ્યુડા ટ્રાયેંગલ જેવું ભેદી રહસ્ય છે. દીપક ડોબ્રિયાલ જેવો જ ખીલ્યો છે, મોહમ્મદ ઝીશન અય્યુબ. ‘રાંઝણા’ ફિલ્મમાં હીરો ધનુષના બટકબોલા દોસ્તાર તરીકે વાહવાહી મેળવી ગયેલો આ અદાકાર અહીં ક્રિસ ગેલની જેમ ખીલ્યો છે. જોકે અડધી ફિલ્મ પછી એ રીતસર ગાયબ થઈ જાય છે. બહુ ઓછી ફિલ્મોમાં એવું બનતું હોય છે કે હીરો કરતાં એની આસપાસ રહેલાં પાત્રો વધારે હાવી થઈ જાય. શરૂઆતના પહેલા સીનને બાદ કરતાં આખી ફિલ્મમાં માધવન બિચારો અર્નબના શોમાં આવેલા ઓછાબોલા એક્સપર્ટની જેમ જેમ ખોવાયેલો જ લાગે છે.

ના, હજી અહીં પરફોર્મન્સની પાવર પરેડ પૂરી નથી થઈ. ડિરેક્ટરનો ફેવરિટ જિમી શેરગિલ છે, પણ એ અહીં પહેલા ભાગ જેવો ખીલ્યો નથી. એક નાનકડા (હરિયાણવી કંગનાના ભાઈના) રોલમાં ટેલેન્ટેડ એક્ટર રાજેશ શર્મા પણ છે, જે મોનોલોગ ટાઇપના એક સીનમાં આખી ‘રાંઝણા’ ફિલ્મના મૅલ શોવિનિઝમની હવા કાઢી નાખે છે. ‘તનુમનુ-૧’ અને ‘રાંઝણા’ની સાપેક્ષે અહીં બીજી ટેલેન્ટેડ અદાકારા સ્વરા ભાસ્કરને ઓછું ફૂટેજ મળ્યું છે, પણ એને તમે ઇગ્નોર તો ન જ કરી શકો. સિનિયર એક્ટર કે. કે. રૈના માત્ર એક સીનમાં સળગતી ટ્યૂબલાઇટ ફોડીને ઝળકી ઊઠે છે. અને હા, ઓ.પી. નૈયરનું જૂનું ‘જા જા જા જા બેવફા’,  અંગ્રેજી ગીત ‘ઑલ્ડ સ્કૂલ ગર્લ’ અને ‘બન્નો તેરા સ્વૅગર’ મજા કરાવે છે. ધેટ્સ ઑલ, મિ. લૉર્ડ.

ફટાણાં

લોજિકનાં ચશ્માં પહેરીને જોશો તો આ ફિલ્મની સ્ટોરીલાઇન ખાસ્સી અવાસ્તવિક અને નાટકીય લાગી શકે. માધવનનું પાત્ર ઇમ્તિયાઝ અલીની ફિલ્મોના હીરો કરતાંય વધારે કન્ફ્યુઝ્ડ લાગે છે. તનુ-મનુ વચ્ચેના ઝઘડા, ડિવોર્સનો નિર્ણય, માધવનનું ફરી પ્રેમમાં પડવું, આમાંથી કશુંય પચતું નથી. એમ તો ક્લાઇમેક્સ આવતાં સુધીમાં બિનજરૂરી ગીતો પણ સ્પીડમાં રોડાં નાખે છે. પરંતુ પાણીમાંથી પોરા કઢાય, કઢેલા દૂધમાંથી નહીં.

ચાંલ્લો કરો ત્યારે

આ ફિલ્મ સત્વરે જોવાનાં તમારી પાસે ઘણાં કારણો છેઃ એક ટિકિટમાં બે કંગના રણૌત, મોહમ્મદ ઝીશન અય્યુબ તથા દિપક ડોબ્રિયાલનાં ધમ્માલ પરફોર્મન્સ અને અબોવ ઑલ, ગાડું નહીં, ટ્રક ભરીને ઠલવાયેલાં એકદમ શાર્પ-હિલેરિયસ વનલાઇનર્સ. આવી અફલાતૂન હિન્દી સિક્વલ આપણે ભાગ્યે જ જોઈ છે.

રેટિંગઃ ***1/2 (સાડા ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits