ફોબિયા

phobia_ver2– જેણે અગાઉ ‘રાગિણી MMS’ અને ‘ડર @ ધ મૉલ’ જેવી ફોર્મ્યૂલા હોરર ફિલ્મો બનાવી હોય એવા ડિરેક્ટર પવન કૃપલાણી ‘ફોબિયા’ લઇને આવે ત્યારે એમની પાસેથી એઝ સચ કોઈ અપેક્ષાઓ ન હોય તે સ્વાભાવિક છે. પણ ઊંડે ઊંડે એવું હતું ખરું કે એક તો મારી વન ઑફ ધ ફેવરિટ ઝોનરા સાઇકોલોજિકલ થ્રિલર અને ઉપરથી સુપ્રીમલી ટેલેન્ટેડ રાધિકા આપ્ટે એટલે જોવાની ચટપટી તો હતી જ.

– હ્યુમન સાઇકોલોજી સાથે રમત કરતી થ્રિલર, કોન મુવી, હોરર મુવીની મજા એ હોય કે એક તો એ મોસ્ટ્લી તમને ફિલ્મના મુખ્ય પાત્ર (પ્રોટાગનિસ્ટ)ના પોઇન્ટ ઑફ વ્યૂથી વાર્તા કહે. એટલે એ જેવું જુએ, જેવું વિચારે, જે કરે કે એની સાથે જે થાય એ જ તમને દેખાય. છેક છેલ્લી ઘડીએ જબરદસ્ત પ્લોટ ટ્વિસ્ટ આવે અને આખી સ્ટોરીનું શીર્ષાસન થઈ જાય. એવી વાર્તાઓ ધરાવતી ફિલ્મો એક કહેતા હજાર છે. એટલે એક એવી આશા પણ ખરી કે આ ફોબિયા એ જ ખાનામાં જઇને પડવાની છે. આવી ફિલ્મોની બીજી મજા એ હોય કે આખુંય સિક્રેટ તમારી સામે પડ્યું હોય, પણ તમને તેનો અણસાર સુદ્ધાં ન આવે. છેક છેલ્લે સિક્રેટ રિવીલ થાય ત્યારે ખબર પડે કે હાયલા, હમ તો મામુ બન ગયે! સિક્રેટ ઑપન થયા પછી તમે ફરીથી એકેએક ચીજ વિશે વિચારો અને જવાબો મેળવતા જાઓ. વળી, આખી ફિલ્મ દરમિયાન તમારું દિમાગ પણ નાના બચ્ચાની જેમ સતત સવાલો પૂછતું રહે.

– પરંતુ ‘ફોબિયા’માં હોરર અને સાઇકોલોજીનાં આ રેગ્યુલર ફીચર્સથી આગળ ઘણું બધું છે. ટ્રેલરમાં જ કહેલું તેમ, ચિત્રકાર રાધિકા આપ્ટેને એક ટ્રોમેટિક એક્સપિરિયન્સ પછી ગંભીર ‘ઍગોરાફોબિયા’ થઈ ગયો છે (ફિલ્મમાં ખબર નહીં કેમ, તેને ‘ઍગ્રોફોબિયા’ જ કહે છે! સાચો ઉચ્ચાર શોધવા મેંય થોડી ‘ખેતી’ કરી, ‘ઍગોરા’ જ નીકળ્યું.). જાહેર સ્થળોનો ભય. એટલે હવે એ ઘરની બહાર પગ મૂકતાં પણ ડરે છે. એક નવા ઘરમાં શિફ્ટ થયા પછી એને ઘરની અંદર પણ ડરામણા અનુભવો થવા માંડે છે.

– ફાઇન. એક તબક્કે એવું પણ લાગે કે આ તો ટિપિકલ ‘હૉન્ટેડ પ્લેસ’ ટાઇપની હોરર ફિલ્મ છે. સતત વિચારતા રહીને મેં ફિલ્મ દરમ્યાન જ સિક્રેટ શું હશે તેનાં એકથી વધારે કન્ક્લુઝન્સ તારવી રાખેલાં. ઉપરથી રાધિકા આપ્ટે અને એના સિવાયની સુપર્બ સસ્પિશિયસ સ્ટારકાસ્ટ જોઇને હું મારી થિયરીઓ પર મુસ્તાક હતો. પણ એમાંનું કશું જ ન નીકળ્યું. બલકે શાંતિથી વિચારતાં જે નવો ઍન્ગલ જડ્યો એ ક્યાંય વધુ ડિસ્ટર્બિંગ અને ડરામણો હતો. જરા ફોડ પાડું.

– ‘ફોબિયા’ ફિલ્મ ફ્રાન્ઝ કાફકાના ‘I am a cage, in search of a bird’ ક્વૉટથી શરૂ થાય છે. એકદમ રિયલિસ્ટિક શરૂઆતની દસેક મિનિટમાં જ રાધિકા આપ્ટેને ખુલ્લા શહેર-વિસ્તાર (‘ઍગોરા’)માં જે અનુભવ થાય છે, તે એને એના ઘરના સલામત લાગતા પાંજરામાં કેદ કરી દે છે. પરંતુ બહારનું શહેર એક એવું મોટું અદૃશ્ય પાંજરું હતું, જે એના માટે, કહો કે કોઇપણ સ્ત્રી માટે સલામત નથી. હવે ઘરની અંદર આવીએ. રાધિકાના પાત્ર મહેકની એક બહેન છે, જે બહેનના આ ફોબિયાથી ત્રાસી ગઈ છે. તક મળ્યે એને હૉસ્પિટલ ટ્રાન્સફર કરી દે તેવી શક્યતા છે. રાધિકા આપ્ટેનો એક બૉયફ્રેન્ડ છે, જે કૅરિંગ છે, પણ સૅક્સ્યુઅલ ઍડ્વાન્ટેજ મેળવીને રાધિકાને પોતાના વર્ચસ્વના-કમિટમેન્ટના પાંજરામાં કેદ કરવા માગે છે, જે એને નથી ગમતું. આખી ફિલ્મમાં રાધિકા આપ્ટેની સ્ટ્રગલ માત્ર તે ઘરની કે ફોબિયાની બહાર નીકળવાની જ નહીં, બલકે તે અદૃશ્ય પાંજરાંને તોડીને બહાર આવવાની પણ છે. જ્યારે રાધિકા આપ્ટેનો ખરેખરો ફોબિયા આ બધાં જ અદૃશ્ય પાંજરાઓથી મુક્ત રહેવાની ઇચ્છામાં ધરબાયેલો છે. આ આઇડિયા મગજમાં ક્લિક થયો ત્યારે ફોબિયા અને તેને બનાવનારા પવન કૃપલાણી પ્રત્યે માન વધી ગયું, કેમ કે એ થિયરી પ્રમાણે આ ફિલ્મ ક્યાંય વધુ મૅચ્યોર બની જાય છે. વળી, આ ફિલ્મનાં મોટાભાગનાં પાત્રોનાં જીવનસાથી સાથેનાં સંબંધોમાં લોચા છે, કહો કે એમનાં પાંજરાંમાં પણ ગાબડાં છે.

– માત્ર એક અંધારિયા ઘરમાં જ આકાર લેતી આ ફિલ્મ ખાસ્સી ‘ક્લસ્ટરોફોબિક’ છે, પણ અદભુત કેમેરા વર્ક અને સુપર્બ ગ્રેટ રાધિકા આપ્ટે ફિલ્મને ક્યાંય ડલ, બોરિંગ, પ્રીડિક્ટેબલ બનવા દેતી નથી. એ એક જ સમયે ડરેલી, પૅનિક્ડ, અનપ્રીડિક્ટેબલ, વલ્નરેબલ, સૅક્સી, ડિઝાયરેબલ, લવેબલ લાગી શકી છે. એનાં એક્સપ્રેશન્સની રૅન્જ એટલી વિશાળ છે કે હવે એને હિચકોક લેવલના રોલ જ મળવા જોઇએ.

– ‘ફોબિયા’ની મજા એ છે કે જેવી એ પ્રીડિક્ટેબલ બનવા જાય, ત્યાં કંઇક નવો ટ્વિસ્ટ આવીને ઊભો રહે. આ ફિલ્મ ડાર્ક છે, ડિસ્ટર્બિંગ છે, ડરામણી છે, ચક્કરબત્તી જેવાં પાત્રોથી ભરેલી છે, છતાં એમાં બ્લૅક કોમેડી પણ છે. ખાસ કરીને ચુલબલી કોલેજિયન પાડોશણ ‘નિક્કી’ (ક્યુટ યશસ્વિની દાયમા)ની ઍન્ટ્રી પડે એ પછી ઠંડા પવનની લહેરખીની જેમ કોમેડીના ચમકારા દેખાવા શરૂ થાય છે.

– ‘ફોબિયા’નાં અમુક સબપ્લોટ્સ, હૅપનિંગ્સ અને કેમેરા ઍન્ગલ્સ જોઇને દેખીતી રીતે જ હિચકોકની ‘રિઅર વિન્ડો’ અને કુબરિકની ‘ધ શાઇનિંગ’ યાદ આવ્યા વિના રહે નહીં. હજીયે અમુક ફિલ્મોની અસર દેખાય છે, પણ છડ્ડોજી.

– રાધિકા આપ્ટેના પાત્રને જે અને સરવાળે આપણને દેખાય છે તે ખરેખર રિયલ છે કે પછી એના મનની ઊપજ છે કે પછી કોઈ સુપરનૅચરલ એલિમેન્ટ છે એ પણ આપણે છેક સુધી નક્કી ન કરી શકીએ. અહીં ટિપિકલ ઘોંઘાટિયું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક નથી અને સામે એક બીજામાં મર્જ થતાં, મૅટાફોરિકલી પ્રેઝન્ટ થતાં, જક્સ્ટાપોઝ થતાં સુપર્બ દૃશ્યો છે, એટલું જ સ્લિક ઍડિટિંગ છે.

– આટલી સરસ ફિલ્મ હોવા છતાં હું જાણે અધૂરે ભાણેથી ઊભો થઈ ગયો હોઉં એવા અસંતોષની ફીલિંગ સાથે બહાર નીકળ્યો. કારણ કે મને કેટલાય સવાલોના જવાબો મળ્યા નહીં. જેમ કે, આટલા ગંભીર ‘ઍગોરાફોબિયા’થી પીડાતી વ્યક્તિને એકલી અને એ પણ આવા અંધારિયા, અજાણ્યા ઘરમાં શા માટે છોડી મૂકવામાં આવી હશે? અમુક ઘટનાઓની રાધિકા આપ્ટેને કેવી રીતે ખબર પડી તેનું કોઈ લોજિકલ, સાયન્ટિફિક કન્ક્લુઝન નથી. એની આસપાસ જોખમી વસ્તુઓ શા માટે રાખવામાં આવે છે? શા માટે સાઇકાયટ્રિસ્ટ બબુચકની જેમ અને વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટ ‘ઑક્યુલસ રિફ્ટ’ના સેલ્સમેન હોય એવી રીતે વર્તે છે? જો આ સવાલોના જવાબો મળ્યા હોત અને હજી થોડાં અનએક્સપેક્ટેડ, શૉકિંગ ઍલિમેન્ટ નાખ્યાં હોત તો આ ફિલ્મ કલ્ટ હિન્દી સાઇકોલોજિકલ થ્રિલર ફિલ્મ બની શકવાની કૅપેસિટી ધરાવતી હતી.

– ડિસ્પાઇટ ઑલ સેઇડ ઍન્ડ ડન, મારી જેમ આ ઝોનરાના દીવાનાઓએ તો આ ‘ફોબિયા’ જરાય ચૂકવા જેવી નથી. ઇન ફૅક્ટ, ચૂકી ગયેલી અમુક બાબતો માટે હું તો ફરી એકવાર જોવાનું વિચારી રહ્યો છું.

P.S. અમદાવાદમાં ગામને છેવાડે એક ‘ઍગોરા મૉલ’ છે. તેના વિશે અફવાઓ સાંભળેલી કે ત્યાંનું મલ્ટિપ્લેક્સ કંઇક રૂપરૂપના અંબાર જેવું છે ને ત્યાં કંઇક છપ્પન પ્રકારનાં ક્વિઝિન પિરસતી રેસ્ટોરાંઓ ધમધમે છે. આ જાણીને ત્રણ-ચાર વર્ષ પહેલાં અમારા એક સ્પેશ્યલ દિવસે અમે શેકાતી ગરમીમાં ત્યાં ગયેલાં. ભુલભુલામણી જેવા એ મૉલમાં પહોંચ્યાં તો અમારા જેવા બે-ચાર અભાગિયા સિવાય કોઈ નહીં. ચારેકોર એ.સી. બંધ. છપ્પન ભોગ પિરસતી રેસ્ટોરાંઓનાં ઉઠમણાં થઈ ગયાં હતાં. મલ્ટિપ્લેક્સ પણ પાંચેક જણા આવે તો શૉ ચાલુ કરીએ એવી છકડા જેવી હાલતમાં ઘોરતું હતું. અને ઑવરઑલ અપ્રોચ એવો જાણે કહેતા હોય કે, ‘બીજો કંઈ કામધંધો નથી, કે અહીં હાલ્યા આવો છો?!’ એ પછી મને એ મૉલનું નામ પડે ને કરોડરજ્જુમાંથી ધ્રુજારી પસાર થઈ જાય છે. તો આને ‘ઍગોરાફોબિયા’ કહી શકાય ખરો?!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements