સિંઘ ઇઝ બ્લિન્ગ

આ સિંઘ બોરિંગ છે

હે પ્રભુ, હે દેવા, આવી ગાંડીઘેલી ફિલ્મોનો ત્રાસ વર્તાવવાનું બંધ કરો, ભૈસાબ.

***

singh-is-bling-190815કોઈ ફિલ્મના પોસ્ટરમાં ‘અ પ્રભુદેવા ફિલ્મ’ લખેલું હોય એ ક્રેડિટ નથી, વૉર્નિંગ છે કે બચ્ચા, હજી સમય છે, પતલી ગલી સે નિકલ લે. એમાંય એકસાથે હૉલસેલમાં ફિલ્મો કરતો અક્ષય કુમાર ફિલ્મના પોસ્ટરમાં બાપુના ત્રણ વાંદરાના પૉઝમાં હોય એટલે વૉર્નિંગ કન્ફર્મ થઈ જાય કે આ ફિલ્મ પાસેથી શું અપેક્ષા રાખવાની છે. પ્રભુદેવાના ટેસ્ટની સડકછાપ, બાલિશ કોમેડી, પાર વિનાના વાંદરાવેડા, માથા પર ખીલા ખોડાતા હોય એવાં ગીતો અને કપડાંમાં ચોંટેલી ચ્યુઇંગમ જેવા તદ્દન ચપ્પટ સૅકન્ડ હાફને ભેગા કરો એટલે બને આ નવી ફિલ્મ ‘સિંઘ ઇઝ બ્લિંગ.’

પંજાબ દા પાવલી કમ પુત્તર

ટિપિકલ પંજાબી ગામડામાં રફ્તાર સિંઘ (અક્ષય કુમાર) નામનો એક ગભરુ જવાન રહે છે. એની લાઇફમાં અમુક ગણતરીનાં જ કામ છેઃ બાપાનું બૅન્ક બેલેન્સ ઓછું કરવું, કબડ્ડી રમવી, રંગબેરંગી પાઘડીઓ પહેરીને બલ્લે બલ્લેવાળા ડૅન્સ કરવા અને સાંજ પડ્યે બાપાના કોપથી બચવા મમ્મી (રતિ અગ્નિહોત્રી)ની પાછળ સંતાઈ જવું. આવા દીકરાથી કંટાળીને બાપા એને ગોવાના ગજિની (પ્રદીપ રાવત) પાસે મોકલી દે છે. બીજી બાજુ રોમાનિયાથી એક મારફાડ છોકરી સારા (ઍમી જૅક્સન) એક સનકી ગુંડા માર્ક (કે કે મેનન)થી ત્રાસીને ગોવા આવે છે. અહીં એના પ્રોટેક્શનનું કામ રફ્તાર સિંઘને સોંપાય છે. હવે રફ્તારને અંગ્રેજીનો કક્કો અને સારાને હિન્દીની એબીસીડી આવડતી નથી એટલે બંને વચ્ચે ટ્રાન્સલેટર તરીકે એમિલી (લારા દત્તા) નામની ટ્રાન્સલેટર રખાય છે. બસ,અહીં ધમાચકડી પછી બંને વચ્ચે એઝ યુઝવલ પ્રેમ થાય છે. બચેલા ટાઇમમાં સારા પોતાની વિખૂટી પડી ગયેલી મમ્મીને પણ શોધે છે. છેલ્લે વિલનની એન્ટ્રી અને ફરી પાછી ધબાધબી.

એક લાફ્ટર કી કીમત તુમ ક્યા જાનો?

પ્રભુદેવાના હ્યુમરનું સડકછાપ લેવલ અગાઉ ઘણી ફિલ્મોમાં દેશની જનતા જોઈ ચૂકી છે. અહીં એમણે નવેસરથી તેનો પરિચય આપ્યો છે. અહીં ગાયો વાતો કરે છે, પાળતુ આફ્રિકન સિંહ કારમાં સવારી કરે છે અને રૂમમાં આવે છે, લારા દત્તા ઊંઘમાં ચાલે છે અને પુરુષોને ચોક્કસ જગ્યાએ નાળિયેર ફટકારે છે. અક્ષયના પપ્પા એને ધમકી આપે છે કે, તું કામ કરવા માંડ નહીં તો તારાં લગ્ન મારા દોસ્તારની જાડીપાડી દીકરી સાથે કરાવી દઇશ. જેના વિશે રફ્તાર સિંઘ કહે છે કે, ‘પપ્પાય જબરા છે, જે છોકરી સાથે કુસ્તી કરવાની હોય એની સાથે મારાં લગ્ન કરાવે છે.’ અહીં લોકો પડે-આખડે છે, વાતવાતમાં પાણીમાં કૂદી પડે છે, એકબીજાને ઢીકાપાટું મારતા રહે છે. અરે, પ્રભુદેવા ગેસ્ટ અપિયરન્સ કરે છે ત્યારે તે મૂતરડીમાં ચારેકોર પોતાનું સૂસૂ ઉડાડે છે, તમે માનશો? અને આ બધી જ મહેનત કરાઈ છે આપણને હસાવવા માટે. હવે તમને જો આ બધામાં હસવું આવે, તો સમજવું કે કાં તો આપણો આઇક્યૂ પાતાળમાં પેઠો છે અથવા તો નાનપણમાં આયોડિનયુક્ત મીઠું ખાવાનું ભુલાઈ ગયું છે. હા, નવરાબેઠા હાહા-હીહી કરવા ગયા હો, તો પછી જેવા તમારા નસીબ.

પ્રભુદેવાને ક્લિશે એટલે કે સ્ટિરિયોટાઇપ ચિત્રણ સામે પણ કોઈ વાંધો લાગતો નથી. એટલે અહીં સરદારજીઓ જોક્સમાં આવે છે એવા જ છે. બધા સતત બૂમાબૂમ કરે છે, આખો વખત ઢોલ વગાડતાં બલ્લે બલ્લે જ કરે છે, લસ્સીઓ પીવે છે, સરસોંનાં ખેતરોમાં કૂદાકૂદ કરે છે અને એમના વિશેના જાણે બધા જ જોક સાચા છે. અરે, સરદારજીઓ પરની ઘણી જોક તો ફિલ્મમાં જ છે (જેમ કે, ‘દો આદમી ઔર એક સરદાર આ રહે હૈ’).

ના, હજી કકળાટનો સ્ટૉક પત્યો નથી. અહીં ખર્ચો કાઢવા માટે જાહેરખબરો લેવાઈ છે એ તો સમજ્યા, પણ ‘રૅનો ડસ્ટર’ના પ્રોડક્ટ પ્લેસમેન્ટ માટે તો સ્પેશ્યલ ચૅઝ સિક્વન્સ ડિઝાઇન કરાઈ છે. મજાની વાત એ છે કે ચૅઝને અંતે કૉફી રંગની ડસ્ટર ઊંધી પડે ત્યારે તે ચમત્કારિક રીતે બ્લૅક સ્કોર્પિઓમાં કન્વર્ટ થઈ જાય છે (ભઈ, સ્પોન્સરની કાર થોડી ઊંધી વળાય?). ઇન્ટરવલ પછી ખબર નહીં ફિલ્મ કયા ગિયરમાં જતી રહે છે. કોમેડી રીતસર ગાયબ અને ભયંકર બોરિંગ ફેમિલી ડ્રામા સ્ટાર્ટ.

પરંતુ આપણે આ ફિલ્મી કાંકરામાંથી થોડા ઘઉં વીણીએ. ફિલ્મમાં અમુક અમુક ગાંડાવેડામાં હસવું આવી પણ જાય છે. ફિલ્મના સ્ક્રીનના ખૂણા પર જ્યાં ‘સ્મોકિંગ કિલ્સ’ની ચેતવણી આવે છે, ત્યાં ‘શૉટ ઇન આફ્રિકા’, ‘શૉટ ઇન ઝૂ’ જેવી હાસ્યાસ્પદ ચેતવણીઓ પણ તમારા હોઠ મલકાવી દે.  લેકિન બોસ, આપણી આંખો ચુંબકની જેમ ચોંટી રહે છે સુપર્બ ઍમી જૅક્સન પર. હસે કે રડે એનો ચહેરો એકદમ સનમાયકા જેવો સપાટ જ રહે છે, પણ એણે હન્ટરવાલી જેવી જે ઍક્શન સિક્વન્સીસ કરી છે, એના પર તો આખેઆખી સ્વિસ બૅંકો લુટાવી દેવાની ઇચ્છા થઈ આવે.

રોમાનિયા, ગોવા વગેરેનું સાઇટસીઇંગ પણ સરસ છે. એમ તો અહીં ‘દૃશ્યમ’ ફિલ્મનું શૂટિંગ જે ઘરમાં થયેલું એ ઘર પણ મહેમાન ભૂમિકામાં છે, પણ અફસોસ કે આ ફિલ્મ ‘દૃશ્યમ’ નથી. હા, ગોવાનાં દૃશ્યોમાં બૅકગ્રાઉન્ડમાં મારિયો મિરાન્ડાનાં કાર્ટૂન્સ પણ દેખાય છે. જો તમે પઢાકુ ટાઇપની વ્યક્તિ હો તો આ ફિલ્મમાં એટલું બધું અંગ્રેજી અને નીચે તેનાં હિન્દી સબટાઇટલ્સ છે કે ફિલ્મ જોયા પછી તમે કડકડાટ અંગ્રેજીમાં એક પ્રવચન પણ આપી શકો. એક સીનમાં અક્ષય કુમાર બે છોકરીઓને તેમની છેડતી કરી રહેલા મવાલીઓને ધોકાવવાની ટ્રેનિંગ આપે છે તે અને બીજા એક સીનમાં તેઓશ્રી સર્વધર્મ સમભાવનો સંદેશ આપીને આપણું ચિત્ત પાવિત્ર્ય અને ભક્તરસથી તરબતર કરી દે છે.

છૂટક રોલમાં લારા દત્તા, અનિલ માંગે, મુરલી શર્મા, રાજેશ ખેરા, મોહન કપૂર જેવાં કલાકારો સ્ક્રીન પર અથડાયે રાખે છે. જોઇને જ ગલીપચી થતી હોય તો અહીં સની લિયોની પણ એક સીનમાં છે. પરંતુ સૌથી હાસ્યાસ્પદ જો કોઈ હોય, તો કે કે મેનન. લાંબાં જટિયાં રાખીને એણે સાઇકો વિલન તરીકે જે ગાંડા કાઢ્યા છે, એ જોઇને હસવું તો નથી આવતું, રડવું જરૂર આવે છે કે આવા ઉમદા એક્ટરને કોણ સમ આપીને આવી ફિલ્મો કરાવતું હશે?

આ સરદારને દૂરથી જ નમસ્કાર

લગભગ અઢી કલાકની આ ફિલ્મ જો મનોરંજક લાગતી હોય, તો ‘હમશકલ્સ’ને ઑસ્કરમાં મોકલવી જોઇતી હતી. હવે પ્રભુદેવા કે અક્ષય કુમાર તો આવી બાલિશ ફિલ્મો કરવાનું બંધ નહીં કરે. એના કરતાં આપણે આપણો ટેસ્ટ થોડો ઊંચો લાવીએ એ જ બહેતર છે. બાકી પછી બાલિશ કોમેડીમાં જ હસવું હોય તો ટૉમ એન્ડ જૅરીનાં કાર્ટૂન ક્યાં નથી? નહીંતર પછી એકબીજાને જ ગલગલિયાં કરી લોને, આ ફિલ્મ કરતાં તો એમાં વધારે હસવું આવશે.

રેટિંગઃ * (એક સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

ABCD-2

ડાન્સ ઇન્ડિયા ડાન્સ

***

એક ટિપિકલ ફોર્મ્યૂલાવાળી અન્ડરડૉગ સ્ટોરી, જોવા-સાંભળવાં ગમે એવાં ગીતો અને ખૂબ બધો ડાન્સ રિયાલિટી શૉનો મસાલો. બસ, આ જ છે અઢી કલાકની આ ફિલ્મમાં.

***

cckhoyew8aajjwyબે વર્ષ પહેલાં કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ બીજા જાણીતા ડાન્સ ડિરેક્ટરો અને રિયાલિટી શોઝથી સ્ટાર બની ગયેલા ડાન્સરોને લઇને ‘એબીસીડીઃ એનીબડી કેન ડાન્સ’ ફિલ્મ બનાવેલી ત્યારે એ જોઇને ડાન્સદીવાનાઓ પુલકિત પુલકિત થઈ ગયેલા. કારણ કે ‘એબીસીડી-1’ એ સરપ્રાઇઝિંગલી સારી ફિલ્મ હતી. એક તો અત્યારના યુથને અપીલ કરે તેવી પૂરેપૂરી ડાન્સ ઓરિએન્ટેડ મસ્સાલેદાર અર્બન ફિલ્મ, ઉપરથી પ્રભુદેવા- કે. કે. મેનન જેવા સ્ટાર્સ, હૉલીવુડની આવી જ ફિલ્મ સિરીઝ ‘સ્ટેપ અપ’ જેવી ફીલ અને ઑવરઑલ શરીરની પેચોટી ખસી જાય તેવાં ધમાકેદાર ડાન્સ પરફોર્મન્સ. ઉપરથી યંગસ્ટર્સને આકર્ષવા માટે થ્રીડીનો વઘાર. એટલે જ તો એબીસીડી-1માં બધાને મજા પડી ગયેલી. પરંતુ સિક્વલ બનાવવા માટે કોઇક નવી અને નક્કર સ્ટોરી જોઇએ. બાપડા-બિચારા થઈ પડેલાં પાત્રોને સફળ કરાવવાની ‘અન્ડરડૉગ’ ટાઇપની સ્ટોરીમાં પણ કંઈ નવું ન હોય, તો શું મજા આવે? એકલાં સોંગ એન્ડ ડાન્સથી તો અઢી કલાકનો ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ શૉ જોતા હોઇએ એવું લાગે.

નચ બલિયે

નાલાસોપારાનાં સુરેશ (વરુણ ધવન), વિની (શ્રદ્ધા કપૂર) અને એમના ડાન્સિંગ સાથીદારો એક ડાન્સ રિયાલિટી શૉમાં પરફોર્મ તો મસ્ત કરે છે, પણ જજીઝને ખબર પડે છે કે આ લોકોએ તો ડાન્સનાં સ્ટેપ્સની પેલા સંગીતકાર પ્રીતમની જેમ ઉઠાંતરી કરેલી છે. બસ, શૉમાંથી ટીમ ડિસ્ક્વોલિફાય થયાં અને ચારેકોર ‘ચોર ચોર’ તરીકેની બદનામી થઈ એ અલગ. હવે આ કલંકને ધોવા માટેના ડિટર્જન્ટ જેવો એક શૉ અમેરિકાના લાસ વેગસમાં થવાનો છે, વર્લ્ડ હિપહોપ ડાન્સ કોમ્પિટિશન. હુપાહુપની આ સ્પર્ધામાં નસીબ અજમાવવા માટે એક નવી ટીમ બને છે, જેમાં સૌથી પહેલાં તો ગુરુ પિતામહ વિષ્ણુસર (પ્રભુદેવા)ની વરણી થાય છે. ત્યારબાદ ધર્મેશ ઉર્ફ ‘ડી’(ધર્મેશ યેલન્ડે) તથા વિનોદ (પુનિત પાઠક) જેવા ઇલાસ્ટિક બૉડીવાળા ડાન્સરોની એન્ટ્રી થાય છે. હવે, લાસ વેગસ ગયા પછી એ લોકો જીતે છે કે ત્યાંના જુગારીઓની જેમ ધોતિયું ફાડીને રૂમાલ કરે છે એ જાણવા માટે તમારે થિયેટરનો ધક્કો ખાવો પડે.

ઑન્લી નાચના-ગાના

આ ફિલ્મ થ્રીડીમાં છે, મતલબ કે થ્રીડી ચશ્માં પહેરીને જોવાની ફિલ્મ છે. એટલે આપણે પણ ચશ્માં પહેરીને વાત કરીએ. પહેલા પોઝિટિવિટીનાં ચશ્માં પહેરીને સારી સારી વાતો જોઇએ. રેમો ડિસોઝા પોતે એક અચ્છો ડાન્સર અને કોરિયોગ્રાફર છે. આ ફિલ્મની બધી જ ડાન્સ સિક્વન્સીઝ એણે જાતે જ કોરિયોગ્રાફ કરી છે. અને શું ડાન્સ છે, બોસ? ડાન્સના ઔરંગઝેબોના પગ પણ થિરકવા માંડે. સૌથી પહેલાં એકદમ અંધારામાં માત્ર અલ્ટ્રાવાયોલેટ લાઇટમાં પરફોર્મ કરતા ‘ઇલ્યૂમિનાટી’ ગ્રૂપનું પર્ફોર્મન્સ અને પછી આપણી જુગલજોડીની ધમાલ. જે લોકો ટીવી પરના ડાન્સ શોઝને બ્રશ કરવા જેટલી નિયમિતતાથી જોતા હોય અથવા તો ગલી-કૂંચામાં ચાલતા ડાન્સ ક્લાસિસમાં જતા હોય એમને તો આ બધાં જ પર્ફોર્મન્સીસ પોતાનાં ફેમિલી ફંક્શન્સ જેવાં લાગશે.

આપણી ગુજ્જુ સંગીતકાર જોડી સચિન-જિગરનું મ્યુઝિક તો ફિલ્મ રિલીઝ થઈ એ પહેલાંથી જ હિટ થઇને લોકોના રિંગટોનમાં આવી ગયું છે. એમાંય ‘બેઝુબાં ફિર સે’, ‘નાચ મેરી જાં નાચ’, ‘સૂન સાથિયા’ તો વીડિયો વગર હેડફોનમાં પણ સાંભળવાની મજા પડી જાય તેવાં બન્યાં છે. જ્યારે બાકીનાં ગીતો એનાં પિક્ચરાઇઝેશનને કારણે જોવાં ગમે છે. જેમ કે, ‘વંદે માતરમ’ ગીતમાં મયુર પૂરી (અગેઇન ગુજ્જુ)ના રમતિયાળ શબ્દો તથા એકદમ ક્રિયેટિવ ડાન્સ સ્ટેપ્સને કારણે મજા કરાવે છે (ખાસ કરીને હવામાં છૂટતા રંગોથી તિરંગો બને છે ત્યારે). ‘ઇફ યુ હોલ્ડ માય હૅન્ડ’ ગીત સરસ આંખ ઠરે એવા લોકેશનમાં શૂટ થયું છે. એવા જ રમતિયાળ શબ્દોવાળું ‘હેપ્પી અવર્સ’ સોંગ મીકાએ ગાયેલું હોવા છતાં પ્રભુદેવાના ડાન્સને કારણે જોવું ગમે છે.

બીજી એક મજાની વાત એ છે કે લીડ પૅર એવાં વરુણ અને શ્રદ્ધા આ ફિલ્મમાં નવી એન્ટ્રી છે. પરંતુ પ્રેક્ષકોનો બીજાં પાત્રો સાથેનો ઘરોબો (ટીવી શોઝને કારણે) એબીસીડી-1થીયે જૂનો છે. એટલે જ વરુણ કે શ્રદ્ધાની એન્ટ્રી વખતે શાંત રહેતી પબ્લિક પ્રભુદેવા, (વડોદરાના ડાન્સર) ધર્મેશ, પુનિત પાઠક, રાઘવ જુયાલ, લૉરેન ગોટ્ટલિબની એન્ટ્રીને ચિક્કાર હુરિયો બોલાવીને વધાવે છે. વળી, એ લોકો પ્રોફેશનલ ડાન્સર્સ છે. એટલે વરુણ-શ્રદ્ધા સારાં ડાન્સર હોવા છતાં આપણું ધ્યાન તો પેલા ડાન્સરોનાં ગુરુત્વાકર્ષણની ઐસીતૈસી કરતા ડાન્સ પર જ રહે છે. વળી, ફિલ્મમાં સતત વહેતું કોમેડી-ડ્રામાનું કોમ્બિનેશન પણ આપણો રસ સાવ સુકાવા દેતું નથી.

હવે પહેરીએ નેગેટિવ ચશ્માં. આ ફિલ્મમાં કલાકેકનાં ડાન્સ પરફોર્મન્સીસને બાદ કરો તો એ એકદમ ચવાયેલી અન્ડરડૉગ સ્ટોરી જ બચે છે. અગાઉ આપણે આવી અઢળક ફિલ્મોમાં જોઈ ચૂક્યા છીએ કે એક ટીમ બને એમાં થોડી માથાકૂટો થાય, દગો થાય, કોઈ વળી ટાણે માંદું પડે, ક્યાંકથી જૅલસી-ઇર્ષ્યા ફૂટી નીકળે, અચાનક દેશપ્રેમ જાગ્રત થઈ જાય, કરુણાની સરવાણીઓ ફૂટી નીકળે. અન્ડરડૉગ ફિલ્મોની આ દાદીમાની રૅસિપી જેવી જૂની ફોર્મ્યૂલા છે. પરંતુ એ રૅસિપી પરની આ ફિલ્મમાં આપણી ધારણા બહારનું ખાસ કશું બનતું જ નથી. ઇવન ફિલ્મનાં મુખ્ય પાત્રોની સામે ખરેખર કરો યા મરો ટાઇપની કોઈ ચેલેન્જ પણ ફીલ થતી નથી. ‘એબીસીડી-1’ જેવી શિદ્દત અનુભવાતી નથી. બસ, કલાકારો નાચ્યા કરે છે અને ફિલ્મ ધીમે ધીમે આગળ વધતી રહે છે. અઢી કલાક ઉપરની આ ‘એબીસીડી-2’ જાણે કોઈ લાંબો ડાન્સ રિયાલિટી શૉ જોતા હોઇએ એવું જ લાગવા માંડે છે. ખાસ કરીને ઇન્ટરવલ પછી તો કોઈ જ દેખીતા કારણ વગર ફિલ્મને તાણીતૂસીને લાંબી કરી છે.

રિઝલ્ટ બોલે તો?

આ ફિલ્મ ડાન્સ ઓરિએન્ટેડ છે એટલે વરુણ-શ્રદ્ધાએ પણ ચિત્ર-વિચિત્ર કપડાં પહેરીને ક્યુટ દેખાવાનું અને ડાન્સ કરવાનું જ આવ્યું છે. પ્રભુદેવાની તો આમેય એક્ટિંગ કરતાં લોકોને એનો ડાન્સ જોવામાં જ વધારે રસ હોય છે. એટલે કુલ મિલા કે બાત યે હૈ, કિ તમે ડાન્સ રિયાલિટી શૉઝના ચરસી જેવા વ્યસની હો, પ્રભુદેવાને જોઇને તમારા મોંમાંથી પણ ‘વિષ્ણુ સર’ નીકળી જતું હોય, રેમો-ટેરેન્સ-ધર્મેશ-રાઘવ-પુનિત-લૉરેન ગોટ્ટલિબ-ગણેશ આચાર્ય તમને તમારાં ફેમિલી મેમ્બર્સ જેવાં લાગતાં હોય અથવા તો તમારા હૃદયના કોઈ ખૂણે એક ડાન્સરનો આત્મા સળવળતો હોય, તો જ આ ફિલ્મ તમારા માટે છે. બાકી, હિપહોપ જેવા હાડકાંતોડ ડાન્સ તમને નાચકણાં-કૂદકણાં લાગતાં હોય, તો મહેરબાની કરીને લાંબા ન થતા.

અને હા, આ ફિલ્મને માત્ર એક ગિમિક માટે જ થ્રીડી બનાવવામાં આવી છે. એવી કોઈ મહાન થ્રીડી ઇફેક્ટ આ ફિલ્મમાં છે નહીં. એટલે ટિકિટોના અત્યંત વધી ગયેલા ભાવ જોતાં પ્રમાણમાં ઓછી કિંમતે ટુડીમાં જ જોવાનું રાખજો.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

હેપી ન્યૂ યર

શાહરુખ શાહરુખ હોતા હૈ!

***

ત્રણ કલાકની તોતિંગ લંબાઈ ધરાવતી આ ફિલ્મમાં કશું જ નવું નથી, છતાં રજાઓમાં મજા કરાવે એવી ફિલ્મ તો છે જ.

***

10547243_10152631255869596_9046159849784897034_oચોરીની વાર્તાઓમાં એક ‘હાઇસ્ટ’ (Heist) નામનો કથાપ્રકાર છે, જેમાં એક ગુંડાટોળકી ચોરીનો કાંડ કરવા માટે ભેગી મળે, ચોરીનું પ્લાનિંગ કરે અને પછી ચોરીનું ઓપરેશન પાર પાડે. શાહરુખની ફારાહ ખાને ડિરેક્ટ કરેલી લેટેસ્ટ ફિલ્મ ‘હેપ્પી ન્યૂ યર’ આવી જ એક હાઇસ્ટ ફિલ્મ છે. યકીન માનો, આ ફિલ્મમાં સમ ખાવા પૂરતું એક પણ એલિમેન્ટ નવું નથી, તેમ છતાં આ ફિલ્મ પરફેક્ટ દિવાલી એન્ટરટેનર છે.

મ્યુઝિકલ ચોરી

સ્ટાઇલથી ફાટ ફાટ થતો ચંદ્રમોહન શર્મા ઉર્ફ ચાર્લી (શાહરુખ ખાન) એઇટ પેક એબ્સ બનાવીને ચરન ગ્રોવર (જેકી શ્રોફ) નામના માણસની પાછળ પડ્યો છે. શાહરુખનું ટાર્ગેટ છે કે એ ગમે તે ભોગે એ ગ્રોવરની  ગેમ ઓવર કરી નાખવી. ત્યાં એને ખબર પડે છે કે એ ગ્રોવર એક પાર્ટીના ત્રણસો કરોડ રૂપિયાની કિંમતના હીરા દુબઈ ખાતે લાવવાનો છે. જે દિવસે એ હીરા ત્યાં આવશે એ જ દિવસે એક ડાન્સ કોમ્પિટિશન પણ છે. એટલે શાહરુખભાઈ નક્કી કરે છે કે આપણે ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લેવો અને સાથોસાથ એ હીરા પણ સફાચટ કરી લેવા. હવે આ કામ એકલાથી તો થાય નહીં. એટલે એ જેક (સોનુ સૂદ), ટૅમી (બમન ઇરાની), નંદુ ભીડે (અભિષેક બચ્ચન) અને એક કમ્પ્યુટર હેકર રોહન (વિવાન શાહ)ની મદદ લે છે.

પરંતુ આ પાંચેય જણા નાચે તો સાંઢિયો કૂદતો હોય એવું લાગે. એટલે એમને ડાન્સ શીખવવા માટે એક બાર ડાન્સર મોહિની જોશી (દીપિકા પદુકોણ)ની મદદ લેવાય છે. આ છ જણાની ટીમ ભારતમાંથી સિલેક્ટ થઈને ફાઇનલ રાઉન્ડ માટે દુબઈ પહોંચે છે અને ત્યાં હીરાની ચોરીનું પરાક્રમ અમલમાં મૂકે છે.

એક મિનિટ, પણ આ ચાર્લી પેલા ગ્રોવરની પાછળ શું કામ પડ્યો છે? અને બાકીના લોકો પણ એની સાથે શા માટે જોડાય છે? અને સૌથી મોટો સવાલ, એ લોકો સફળ થશે? વેલ, હવે એ માટે તો તમારે આખી ફિલ્મ જ જોવી પડે, અેમાં અમે કશું જ ન કરી શકીએ!

શાહરુખ શૉ

શાહરુખ ખાન માટે એક સનાતન ફરિયાદ એવી છે કે એ કોઈ પણ ફિલ્મમાં શાહરુખ જ હોય છે. મતલબ કે એ ઇરફાન કે આમિરની જેમ પોતાના પાત્રમાં ડૂબી જવાને બદલે પોતે શાહરુખ-ધ સુપરસ્ટાર તરીકે જ વર્તતો હોય છે. અગાઉ ચેન્નઈ એક્સપ્રેસમાં પણ એવું જ હતું અને અહીં હેપ્પી ન્યૂ યરમાં પણ એવું જ થયું છે. શાહરુખ પોતે પોતાની અગાઉની ફિલ્મોના જ ડાયલોગ્સ બોલે છે અને એનો એ જ જૂનો બે હાથ પહોળા કરવાનો ટ્રેડમાર્ક ડાન્સ કરે છે.  ફારાહ ખાને પણ શાહરુખની સુપરસ્ટાર ઇમેજને વટાવવામાં કોઈ કસર છોડી નથી.

ફેમિલી એન્ટરટેનર

અમુક ઠેકાણે ગાલીપ્રયોગને બાદ કરતાં આ ફિલ્મ તહેવારો માટે શ્યોર શોટ ફેમિલી એન્ટરટેનર ફિલ્મ છે. પરંતુ બીજા પોઇન્ટ ઓફ વ્યૂથી પણ આ ફિલ્મને ફેમિલીની વ્યાખ્યામાં મૂકવી પડે એવું છે. એક તો આ ફિલ્મનું પ્રોડક્શન શાહરુખની કંપની રેડ ચિલીઝે અને શાહરુખની પત્ની ગૌરીએ સંભાળ્યું છે. ફારાહ ખાન સાથે શાહરુખ આણિ મંડળીને ફેમિલી જેવા સંબંધો છે. ફિલ્મમાં પણ સાજિદ ખાન પોતે દેખા દે છે. અરે, માત્ર સાજિદ જ નહીં, શાહરુખનો સૌથી નાનો ટેણિયો દીકરો અબરામ અને ફારાહ ખાનનાં ટ્રિપલેટ્સ સંતાનો પણ પડદા પર આંટાં મારી જાય છે. આ ઉપરાંત હેપ્પી ન્યૂ યરના જથ્થાબંધ મહેમાન કલાકારોમાં ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ, સંગીતકાર વિશાલ દદલાણી, મલાઇકા અરોરા, પ્રભુ દેવા, અનુપમ ખેર, ડીનો મોરિયા, કોરિયોગ્રાફર ગીતા કપૂર, ડેઇઝી ઇરાની, એન્કર્સ વિશાલ મલ્હોત્રા અને લોલા કુટ્ટી… ઉફ્ફ ગણતાં થાકો એટલાં મહેમાન કલાકારો છે ફિલ્મમાં. હવે એમાં એવું છે કે ફારાહ ખાન આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પોતાનું ફેમિલ જ ગણે છે. એટલે એ બંને ભાઈ-બહેન પોતાની ફિલ્મોમાં ગમે તેની મજાક ઉડાવતાં ફરે છે. આ વખતે એમણે પીઢ કોરિયોગ્રાફર સરોજ ખાનની મજાક ઉડાવીને લોકોનું લાફ્ટર ઉસેટવાનો પ્રયત્ન કર્યો છે. હા, આ ફિલ્મમાં અન્ય ફિલ્મોના એટલા બધા સંદર્ભો છે કે તમે શોધી શકો તો એ મજા તમારી.

હેપ્પી બાતેં

શરૂઆતથી છેક છેલ્લે સુધી આ ફિલ્મ હળવો ટોન જાળવી રાખે છે. દરેક પાત્રની આગવી લાક્ષણિકતાઓ ફારાહે બખૂબી ઉપસાવી છે. જેમ કે, સોનુ સૂદ એક કાને બહેરો છે અને માનું નામ સાંભળીને ઇમોશનલ થઈ જાય છે. મોહિની એટલે કે દીપિકા પદુકોણ કોઇને ઇંગ્લિશ બોલતાં સાંભળીને એના પર ઓવારી જાય છે. બમન તાળાં ખોલવામાં માસ્ટર છે, પણ એની મમ્મીથી ડરે છે અને એની થેલીમાંથી એ કંઈ પણ વસ્તુ કાઢી શકે છે. ઇન ફેક્ટ, આ ફિલ્મનું સૌથી ધારદાર પરફોર્મન્સ બમન ઈરાનીનું જ છે. લોકોને એન્ટરટેઇન કરવા માટે એને એઇટ પેક એબ્સ બનાવવાની કે કપડાં ઉતારવાની પણ જરૂર પડી નથી. એ માત્ર પોતાની એક્ટિંગથી જ આ કામ કરી બતાવે છે.

અમુક અમુક કોમેડી સીન્સ ખરેખર સારા બન્યા છે. જેમ કે, એક સીનમાં દીપિકા શાહરુખની ચક દે ઇન્ડિયાવાળી સ્પીચ આપે છે, બીજા એક સીનમાં છએ છ પાત્રો એક જ લિફ્ટમાં ભરાઇને કશું બોલ્યાં વગર માત્ર વિચારીને જ એકબીજાં સાથે જીભાજોડી કરે છે, ‘નોનસેન્સ કી નાઇટ’ ગીતનું અનોખું પિક્ચરાઇઝેશન વગેરે. અરે એકે સીનમાં તો મોદીસાહેબ (અલબત્ત ડુપ્લિકેટ તરીકે) પણ દેખાય છે! સારી સિનેમેટોગ્રાફી અને દુબઈદર્શનને કારણે હવે દુબઈ જનારા ભારતીયોમાં ઓર વધારો થવાનો.

સૅડ બાતેં

અત્યારના ફાસ્ટ જમાનામાં ત્રણ કલાકની તોતિંગ લંબાઈ અસહ્ય પુરવાર થઈ પડે છે. અમુક બિનજરૂરી ફાઇટિંગ, ગીતો વગેરે કાપી નખાયાં હોત તો ફિલ્મ હજી ચુસ્ત બની શકી હોત. પહેલા પોણા કલાક સુધી તો બધાં પાત્રોનો પરિચયવિધિ જ ચાલ્યા કરે છે. અરે, ખુદ દીપિકા પદુકોણની એન્ટ્રી પણ ખાસ્સા એક કલાક પછી થાય છે. એ પછી છેક મૂળ વાર્તાનાં મંડાણ થાય છે. વળી, આગળ કહ્યું એમ આ ફિલ્મમાં કશું જ નવું નથી. ઉપરથી આખી સ્ટોરી એટલી પ્રીડિક્ટેબલ છે કે આપણે અનુમાન લગાવતાં જઇએ અને તેવું જ બનતું જાય. વળી, આપણને થાય કે શાહરુખ એટલો બધો સેલ્ફ ઓબ્સેસ્ડ હશે કે દરેક ફિલ્મમાં એને પોતાની  જાતને જ રિપીટ કરવી પડે? અને જો ફિલ્મમાં લોજિક શોધવા ગયા તો દિમાગને ભડાકે દેવાનું મન થઈ આવે. જાણે ફ્રિજમાંથી આઇસક્રીમનો કપ કાઢવાનો હોય એ રીતે નાચતાં નાચતાં હીરા ચોરી લાવવાનું આખું ઓપરેશન તદ્દન ચાઇલ્ડિશ લાગે છે. વચ્ચે વચ્ચે આપણને એવું પણ થાય કે આ ફિલ્મ તો ‘ધૂમ થ્રી’ જોતા હોઇએ એવી કેમ લાગે છે? અને હા, અનુરાગ કશ્યપ અને વિશાલ દદલાણીએ સસ્તા ગે જોક્સ કરવાનું કેમ સ્વીકાર્યું હશે?

મનવા લાગે અને ઇન્ડિયાવાલે ગીતો કંઇક સહ્ય છે, બાકીનાં ગીતો તો ફિલ્મને લાંબી કરવા સિવાય કશા ખપનાં નથી.

શાહરુખ કે નામ પર

આમ તો શાહરુખ ખાનના ભક્તો તો કોઇપણ ભોગે આ ફિલ્મ જોવા ધસી જ જવાના છે. પરંતુ જેમને પૈસા ખર્ચવા કે નહીં તેની અવઢવ હોય એમને એટલું તો કહી શકાય કે ભયંકર લાંબી હોવા છતાં આ ફિલ્મ સાવ ‘હથોડો’ની કેટેગરીમાં મૂકી શકાય એવી નથી. બલકે બચ્ચાંલોગને તો મજા પડે એવી છે. જો પેલી ગંદી ગાળો ન નાખી હોત તો બાળકોને લઈ જવામાં જરાય કચવાટ ન થાત. અને હા, ફિલ્મ પૂરી થયા પછી છેલ્લા ગીત માટે બેસી રહેજો. ફારાહ ખાને એની સ્ટાઇલ પ્રમાણેના અનોખાં એન્ડ ક્રેડિટ્સ અહીં પણ મૂક્યાં છે.

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

આર… રાજકુમાર

અરરર… રાજકુમાર!

***

રંગ રંગ વાદળિયાં જેવી પ્રભુદેવાની વધુ એક બીબાંઢાળ ફિલ્મ જોવા કરતાં ચ્યવનપ્રાશનો એક ડબ્બો ખરીદીને ખાવો વધારે ફાયદાકારક છે!

***

એક જમાનો હતો જ્યારે પ્રભુદેવા ભારતના માઇકલ જેક્સન ગણાતા અને શરીરમાં જાણે હાડકાંને બદલે ઇલાસ્ટિકવાળું રબર ફિટ કરેલું હોય એવો ડાન્સ કરતા. ડાન્સ તો એ હજી કરે છે, પરંતુ પછીથી એમને ફિલ્મો ડિરેક્ટ કરવાનો ચેપ લાગી ગયો. દક્ષિણથી શરૂ થયેલો એમનો ચેપ હવે બોલિવૂડ સુધી પહોંચ્યો છે. જાણે ઝેરોક્સની દુકાન ખોલી હોય એમ એક પછી એક સરખી જ બીબાંઢાળ ફિલ્મો આપ્યે જાય છે. શાહિદ કપૂર અને સોનાક્ષી સિંહા (બીજું તો કોણ હોય!)ને લઇને બનાવેલી ‘આર… રાજકુમાર’ પ્રભુદેવાની વધુ એક રંગ રંગ વાદળિયાં છાપ ઝેરોક્સ કોપી છે, જેમાં કશું જ નવું કે ઇવન જોવા જેવું પણ નથી.

પિક્ચર પ્રભુદેવા સ્ટાઇલ

ધરતીપુર નામનું એક ગામ છે. એ ભારતના કયા ભાગમાં આવેલું છે એ તો ખબર નથી, પણ ત્યાં ખુલ્લેઆમ અફીણની ખેતી અને અફીણનો કારોબાર થાય છે. અહીંનું અફીણ વિદેશ રવાના કરાય છે. અફીણના એ કારોબાર પર કબજો જમાવવા માટે શિવરાજ (સોનુ સૂદ) અને માનિક પરમાર (આશિષ વિદ્યાર્થી) વચ્ચે દુશ્મની ચાલે છે. એ માથાકૂટમાં કોઇ લેવાદેવા વગર રોમિયો રાજકુમાર (શાહિદ કપૂર) સામેલ થઇ જાય છે. શાહિદ સોનુ સૂદનો વિશ્વાસ જીતીને એના માટે કામ કરવા માંડે છે. ત્યાં જ ગામાં જ્યાં ત્યાં આંટાફેરા કરતી અને મવાલીઓનાં માથાં પર બાટલીઓ ફોડતી ચંદા (સોનાક્ષી સિંહા) શાહિદને દેખાઇ જાય છે. શાહિદ ઇન્સ્ટન્ટ્લી એના પ્રેમમાં પડી જાય છે અને બે-ત્રણ ગીતો ગાઇ નાખે છે. એ સોનાક્ષી આશિષ વિદ્યાર્થીની ભત્રીજી નીકળે છે.

પરંતુ કહાનીમાં ટ્વિસ્ટ એવો આવે છે કે સોનુ પણ સોનાક્ષીના પ્રેમમાં પડી જાય છે. એટલે સોનાક્ષી માટે સોનુ અને આશિષ બંને એક થઇ જાય છે. પરંતુ સોનાક્ષી કહે છે કે હું તો શાહિદને જ પરણવાની, જે કરવું હોય તે કરી લો. એટલે શાહિદ અને સોનુ બંને એકબીજાને ખતમ કરવા અને સોનાક્ષીને ખુશ કરવામાં પડી જાય છે. અને આ ભાંજગડમાં જ પિક્ચર પૂરું થઇ જાય છે!

પ્રભુદેવાનાં રોમિયો-જુલિયેટ?

આ ફિલ્મ કંઇક અંશે રોમિયો જુલિયેટની સ્ટોરીનું પ્રભુદેવા સ્ટાઇલનું એડપ્ટેશન લાગે. અહીં શાહિદનું નામ પણ ‘રોમિયો રાજકુમાર’ છે. અને ઇન્ટરવલ પછી તો ફિલ્મ બિલકુલ ‘વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ દોબારા’ જેવી જ બની જાય છે. એમાં પણ સોનાક્ષીને કારણે અક્ષય અને ઇમરાન ઝઘડેલા, જ્યારે અહીં  એ જ સોનાક્ષીને કારણે શાહિદ અને સોનુ એકબીજાના ખૂનના પ્યાસા બની જાય છે.

પ્રભુદેવાની ફિલ્મ હોય એટલે અમુક બાબતો લ.સા.અ.ની જેમ એકસરખી જ રહેવાનીઃ સ્ટોરી એવી હોય કે જો મગજ લઇને થિયેટરમાં ગયા તો મગજ ખરાબ થવાની પૂરેપૂરી શક્યતા, રંગબેરંગી પેન્ટ પહેરીને જ્યાં ત્યાં ડાન્સ કરતા હીરો, નજીવી બાબતે થતી માથાકૂટમાં ગુરુત્વાકર્ષણની ઐસીતૈસી કરીને ફાઇટિંગ કરતા હિરોલોગ, જેને માત્ર સુંદર દેખાવા સિવાય કશું જ ન કરવાનું હોય એવી હિરોઇન (જે મોટેભાગે સોનાક્ષી સિંહા જ હોય!), રાધર આખી ફિલ્મ જ પુરુષોની હોય, એમાં સ્ત્રીઓનું કશું કામ જ ન હોય, અને હા, બે-ચાર કેચી અને સુપર્બ ડાન્સવાળાં ગીતો હોય. આ બધું એક તપેલામાં નાખીને હલાવો એટલે પ્રભુદેવાની કોઇપણ ફિલ્મ તૈયાર થઇ જાય!

નો સ્ટફ, ઓન્લી મસાલા

આર.. રાજકુમારની સ્ટોરી એટલી જરીપુરાણી અને બાલિશ છે કે નાનું બચ્ચું પણ એમાં આગળ શું થશે એ કહી શકે. ઉપરથી આપણને હસાવવા માટે મેકર્સ એટલી બધી મહેનત કરે છે, અરે, એમાં અમુક વર્ગને મજા પડે એટલા માટે ડબલ મીનિંગવાળાં વાક્યો પણ ઠપકારે છે, પણ ભાગ્યે જ હસવું આવે છે.

મોટે ભાગે વચ્ચે વચ્ચે આવતાં ગીતો ફિલ્મની સ્ટોરી અને ગતિમાં પંક્ચર પાડતાં હોય છે, જ્યારે અહીં તદ્દન ઊલટું છે. ફિલ્મ સાવ બોરિંગ છે અને પ્રીતમનાં ગીતો એકદમ કેચી અને ધમ્માલ છે. એટલે ગીતો ફિલ્મને અસહ્ય બનતી અટકાવે છે. એમાંય ‘ગંદી બાત’, ‘સાડી કે ફોલ સા’ અને ‘મત મારી’ તો યંગ ક્રાઉડમાં રીતસર સીટીઓ ઉઘરાવી લાવે તેવાં છે. એટલે ફિલ્મમાં સંગીતકાર પ્રીતમની મહેનત દેખાઇ આવે છે.

બીજો સિન્સિયર પ્રયાસ છે શાહિદ કપૂરનો. આ બંદો એક્ટિંગ સરસ કરે છે, કોમેડી માટે એને ગાંડાવેડા કરતો જોવો પણ ગમે છે, પરંતુ એ ફિલ્મોની પસંદગી કરવામાં માર ખાય છે, અથવા તો નસીબ એનો સાથ આપતું નથી. એટલે પોતાના પાર્ટમાં સેન્ચુરી મારવા છતાં આખું ટીમવર્ક કંગાળ હોઇ, અંતે તો મેચ હારી જ જાય છે. મતલબ કે ફિલ્મ પિટાઇ જાય છે.

અગાઉ ‘બુલેટરાજા’ વખતે કહેલું એમ, સોનાક્ષી જો આવા ગુડ ફોર નથિંગ રોલ જ કરતી રહેશે તો એની એક્ટિંગ ટેલન્ટ (જો હોય તો) ક્યારેય બહાર નહીં આવે, અને એ હાલતીચાલતી મેનિકિન બનીને જ રહી જશે.

હા, ફિલ્મમાં સોનુ સૂદનું કામ સરસ છે, પણ અગેઇન એ પણ દરેક ફિલ્મમાં એકસરખો જ રોલ કરે છે એટલે બીબાંઢાળ થઇ ગયો છે. અહીં ભરત દાભોળકર પણ છે, પરંતુ તદ્દન વેડફાયા છે.

‘ગુસ્સે સે બોલેગી તો નહીં જાઉગા, પ્યાર સે બોલેગી તો મર ભી જાઉગા’, ‘સાયલન્ટ હો જા વરના મૈં વાયલન્ટ હો જાઉગા’ જેવાં છૂટાંછવાયાં વનલાઇનર્સ ઇન્ટરેસ્ટિંગ છે, પણ અફસોસ, એ છૂટાંછવાયાં જ છે!

ઇન શોર્ટ

માત્ર પહેલા વીકએન્ડના ખીલે કૂદવા માટે બનાવાતી આવી એકસરખી બીબાંઢાળ અને બોરિંગ ફિલ્મોનો ટ્રેન્ડ પૂરો થાય તો સારી વાત છે. એક ડાન્સર તરીકે પ્રભુદેવા પ્રત્યે આપણને માન છે, પરંતુ તેનો ગેરલાભ ઉઠાવીને એ આપણી માથે આવી ભંગાર ફિલ્મો મારે એ તો જરાય ન ચલાવી લેવાય. માસ માટેનું મુવી હોય એટલે એમાં જાતભાતના મસાલા ભભરાવેલા હોય એ સમજી શકાય, પરંતુ માસનો પણ એક ક્લાસ હોવો જોઇએ. માત્ર મસાલાથી જ ફિલ્મ ન બને એ પ્રભુજીએ સમજવું જોઇએ. અને હા, શાહિદ અને સોનાક્ષી માટે તો હવે કારકિર્દીમાં મનોમંથનનો સમય પાકી ગયો છે. એટલે જે લોકો ખરેખરા સાહસિકો હોય અથવા તો શાહિદના ફેન હોય કે પછી ટીવી-રેડિયો પર હિટ એવાં બે-ત્રણ ગીતોને મોટા પડદે જોવામાં રસ ધરાવતા લોકોએ જ આ ફિલ્મ જોવા જવાની તસદી લેવી. બાકીના લોકો ટિકિટના પૈસા બચાવીને ચ્યવનપ્રાશ ખરીદીને ખાશે તો આ શિયાળે વધારે ફાયદો થશે.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

રમૈયા વસ્તાવૈયા

ખમૈયા! બસ કર ભૈયા!

***

આ એક પ્રોડ્યુસર પપ્પાએ પોતાના દીકરાને લોન્ચ કરવા માટે બનાવેલી ફિલ્મ છે. એમાં આપણે આપણા પૈસા બરબાદ કરવાની જરૂર નહીં.

***

ramaiya-vastavaiya-poster-5આ પ્રોડ્યુસરો પોતાના દીકરાઓને લોન્ચ કરવા માટે કરોડો રૂપિયા વેરતા હશે, ત્યારે ફિલ્મની સ્ક્રિપ્ટ કેવી છે એ જોવા માટે જરા જેટલી પણ તસદી નહીં લેતા હોય?! આ અઠવાડિયે રિલીઝ થયેલી ફિલ્મ ‘રમૈયા વસ્તાવૈયા’ જોઇને પહેલો સવાલ એ જ થાય. ડાન્સરમાંથી હવે ડાયરેક્શન તરફ વળેલા પ્રભુદેવાએ ડિરેક્ટ કરેલી ‘રમૈયા વસ્તાવૈયા’માં પ્રોડ્યુસર કુમાર તૌરાનીના દીકરા ગિરીશ કુમારને લૉન્ચ કરાયો છે. દીકરાની આજુબાજુ શ્રુતિ હાસન, સોનુ સૂદ, રણધીર કપૂર, પુનમ ધિલ્લોં, સતીષ શાહ, નાસિર, ગોવિંદ નામદેવ વગેરે કલાકારોને લિટરલી ભભરાવી દેવામાં આવ્યાં છે.

નવી બાટલી, જૂનો દારૂ, એય ભંગાર

આમ તો તમે સલમાન ખાનની ‘મૈંને પ્યાર કિયા’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ અને ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ જોઇ જ હશે. અને બિલીવ મી, આ ફિલ્મનો એક પણ સીન, આ બંને ફિલ્મોની બહારનો નથી. છતાં ધારો કે તમારો જન્મ આ બંને ફિલ્મો રિલીઝ થયા પછી થયો હોય અથવા તો તમે હમણાં જ મંગળ ગ્રહ પરથી પરત આવ્યા હો અને તમને એ ફિલ્મો વિશે કશી ખબર ન હોય, તો આ રહી રમૈયાની વાર્તાઃ પતિ દ્વારા ત્યજાયાના આઘાતમાં એક માતા પોતાના આઠ-દસ વર્ષના દીકરા અને ધાવણી દીકરીને મૂકીને મૃત્યુ પામે છે. દીકરો રઘુવીર (સોનુ સૂદ) મધર ઈન્ડિયાની જેમ ખેતર ખેડી ખેડીને બહેન સોનાને ભણાવીને મોટી કરે છે. મોટી થઇને શ્રુતિ હાસન બની ગયેલી સોના એક દિવસ બહેનપણીના ઘરે બીજે ગામ લગ્નમાં જાય છે, અને ત્યાં જઇને ઓસ્ટ્રેલિયાથી આવેલા રામ (ગિરીશ કુમાર)ના પ્રેમમાં પડી જાય છે. પરંતુ અબજોપતિ ગિરીશ કુમારની માથાભારે મમ્મી (પૂનમ ધિલ્લોં) અને એક જુવાન દીકરીના અમીર પપ્પા (નાસિર) મળીને નક્કી કરે છે કે આ ગિરીશ અને એની ફુલઝડી છાપ દીકરીનું ચોકઠું ગોઠવી દેવું. ત્યાં જ શ્રુતિ-ગિરીશ કુમારનું છાનુંછપનું પ્રેમપ્રકરણ છડેચોક બહાર આવી જાય છે. શ્રુતિ તો બિચારી ખરીખોટી સાંભળે છે, ઉપરથી એનો ભાઇ સોનુ સૂદ પણ નકામો અંટાઇ જાય છે. એકદમ સચ્ચા પ્યારમાં પડેલા ગિરીશ કુમારને જ્યારે આ ખબર પડે છે, ત્યારે એ પિતા કી ધનદૌલત કો ઠોકર માર કે શ્રુતિના ગામડે આવી જાય છે અને એના ભાઇ સમક્ષ પોતાના શ્રુતિ પ્રત્યેના પ્રેમનો એકરાર કરે છે. સામાન્ય સંજોગોમાં પણ નાળિયેરની જેમ કડક રહેતો ભાઇ અપમાન પછી ઓર ભુરાયો થયેલો હોય છે, એટલે એ સોનાના ઘુઘરે રમેલા ગિરીશ કુમાર સમક્ષ શરત મૂકે છે કે તું મારા કરતાં વધારે અનાજ ઉગાડીને બતાવ તો તને મારી બહેન સાથે પરણાવું…

કંટાળાનું ઠેકાણું

સિરિયસલી, આ ફિલ્મમાં એવું કશું જ નથી જે અત્યારના પ્રેક્ષકોને અપીલ કરી શકે. એક તો 2005માં આવેલી સિદ્ધાર્થ અને તૃષા કૃષ્ણનની તેલુગુ ફિલ્મ ‘નુવ્વોસ્તનન્તે નેનોદ્દનન્તાના’ (અર્થાત્ ‘તું બોલાવે તો મારાથી કેમ ના પડાય!’)ની હિન્દી આવૃત્તિ છે. આ તેલુગુ ફિલ્મથી જ પ્રભુદેવાને ડાયરેક્શનનો ચસકો લાગેલો. સાત વર્ષ પહેલાંની એ ફિલ્મ પોતે જ ‘મૈંને પ્યાર કિયા’ અને ‘પ્યાર કિયા તો ડરના ક્યા’થી પ્રભાવિત હતી. ત્યાં હિટ ગઇ એટલે તમિલ, કન્નડ અને બંગાળીમાં પણ બની. પરંતુ એ ત્યારે જ જો હિંદીમાં બની હોત તો પણ એની એ જ હાલત થાત જે અત્યારે સાત વર્ષ પછી આ રમૈયા..ની થવાની છે.

ખરેખર તો આ ફિલ્મનું નામ ‘ઝૂ’ એટલે કે પ્રાણીસંગ્રહાલય હોવું જોઇએ. કેમ કે, ફિલ્મનાં લગભગ બધાં જ પાત્રો લિટરલી વાંદરાવેડા કરે છે. આપણને હસાવવાના નામે કરાયેલી એ હરકતો એટલી વાહિયાત લાગે છે કે આપણને આપણી બુદ્ધિમતાનું અપમાન લાગે. જેમનો આઇક્યૂ તળિયાઝાટક હોય એમને જ કદાચ આ ફિલ્મમાં મજા આવી શકે. પ્રોડ્યુસરપુત્ર ગિરીશકુમાર પાસે એવું કશું જ નથી જે લોકોને આકર્ષી શકે. નથી એનો ચહેરો આકર્ષક કે નથી બિચારાને એક્ટિંગ આવડતી. હા, એની પાસે સિક્સપેક એબ્સ છે, પણ એ તો બીજા દોઢ ડઝન હીરોલોગ પાસે પણ છે! શ્રુતિ પાસે રમકડાનો ઘોડો લઇને આમથી તેમ કૂદવા સિવાય બીજું કશું કામ નથી લેવાયું ફિલ્મમાં. બાકીના બધા લોકોએ પણ એવા જ ગાંડાવેડા કર્યા છે. ડી-ડે ફિલ્મમાં રૉ ચીફની એકદમ બેલેન્સ્ડ ભૂમિકા કરનારા નાસિરે સાવ સિર પૈર વિનાનો રોલ સ્વીકાર્યો છે. ડબ્બુ રણધીરે જો ભાઇ ચિંટુ રિશિ કપૂરની ડી-ડે ફિલ્મની ભૂમિકા જોઇ હોત તો આવી ચક્રમ જેવી અને છ ઇંચની ફૂટપટ્ટી જેવડી નાનકડી ભૂમિકા એમણે ક્યારેય સ્વીકારી ન હોત! જોકે એમની થોથર બાઝી ગયેલી આંખો અને એકદમ હસ્કી થઇ ગયેલા અવાજને કારણે એ કેવી ભૂમિકાને ન્યાય આપી શકે એ પણ એક સવાલ છે. હા, ફિલ્મનાં બે ગીતો ‘જીને લગા હૂં’ અને ‘રંગ જો લાગ્યો’ સાંભળવાની મજા પડે એવાં છે. જેકલિન ફર્નાન્ડિસ અને પ્રભુદેવાના ઠુમકાવાળું આઇટેમ સોંગ ‘જાદૂ કી ઝપ્પી’ ઓફિસ જતી વખતે કારમાં એફએમ રેડિયો પર વાગતું હોય તો સાંભળી લેવાય.

દિમાગ કી બત્તી બુઝા દે!

પરંતુ ‘રમૈયા વસ્તાવૈયા’ એક હીરોની પહેલી ફિલ્મ છે એટલે આપણે માનવતાના ધોરણે પણ એના વિશે કશુંક પોઝિટિવ કહેવું જોઇએ. એ ન્યાયે આ ફિલ્મ જોતી વખતે તમે થિયેટરમાં શું શું કરી શકો એની એક યાદીઃ ફિલ્મની દરેક ફ્રેમમાં એટલા બધા રંગો ઢોળવામાં આવ્યા છે કે તમે વગર શેડ કાર્ડે પણ તમારા ઘરની દીવાલોનો શેડ પસંદ કરી શકો. તમે એ ચર્ચા કરી શકો કે આ ફિલ્મના પાત્રો દેખાવમાં વધારે ખરાબ લાગે છે કે એમની એક્ટિંગ વધારે ખરાબ છે. આખી ફિલ્મમાં હીરો ગિરીશ કુમારની દાઢીમાં કેમ કંઇ વધારો કે ઘટાડો નથી થતો? કે પછી એના કોલી ફ્લાવર જેવા વાંકડિયા વાળમાં કયા પ્રકારનો કાંસકો વપરાતો હશે? ફિલ્મનું એકેય પાત્ર સાબુ એટલે કે સામાન્ય બુદ્ધિ મીન્સ કોમન સેન્સનો ઉપયોગ કેમ નહીં કરતું હોય? આ ફિલ્મ દરમિયાન તમને એસીની ઠંડી હવા તો ખાવા મળશે જ, ઉપરાંત તમે સજોડે ગયાં હો તો પ્રેમભરી વાતો પણ કરી શકશો અને તમારાં બાળકો પણ આરામથી રમી શકશે. હા, તમે આ બધું જ કરી શકશો અને અન્ય કોઇ પ્રેક્ષકો ડિસ્ટર્બ પણ નહીં થાય કેમ કે ડિસ્ટર્બ થવા માટે કોઇ હશે જ નહીં! અથવા તો જે હશે એ બધાં ઘસઘસાટ ઊંઘી ગયા હશે!

ઇન શોર્ટ, જ્યારે પ્રોડ્યુસર પિતાઓ પોતાના દીકરાને લૉન્ચ કરવા માટે ફિલ્મો બનાવે એનાથી દૂર રહેવું, પછી એ હરમન બવેજા હોય કે જેક્કી ભગનાણી હોય કે પછી આ ગિરીશ કુમાર હોય. આપણે એમાં નાહકના પૈસા અને સમય બરબાદ કરવાની જરૂર નહીં. એ લોકોની આ ‘રમૈયા વસ્તાવૈયા’ જેવી ફિલ્મો જોવી એ આપણી ઈશ્વરે આપેલી બુદ્ધિનું અપમાન છે. જે થિયેટરમાં તે ચાલતી હોય ત્યાંથી નીકળવામાં પણ ધ્યાન રાખવું અને મલ્ટિપ્લેક્સ હોય તો ટિકિટ બે વાર ચેક કરીને જ લેવી, ક્યાંક ભૂલથી પણ આ ફિલ્મની અડફેટમાં ન આવી જવાય!

રેટિંગઃ * (એક સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements