The Note Ban Saga

2000-rs-new-note‘બસ, હવે બહુ થયું.’ હાઉસિંગ બૉર્ડના મકાનની છતમાંથી પોપડા ખરી પડે એવા સ્લૅબભેદી અવાજે અમે ગર્જના કરી.

છેલ્લા એક અઠવાડિયાથી દરેક વાતમાં જેમને કાવતરાની ગંધ આવે છે એવા મૂઢમતિ પત્રકારોનું રિપોર્ટિંગ જોઈ જોઇને અમારો દેશપ્રેમ દો ગઝ ઝમીન કે નીચે જતો રહેલો. પરંતુ થેન્ક્સ ટુ ફેસબુક-વ્હોટ્સએપ, કે જેને પ્રતાપે મને જાણ થઈ કે આ રાષ્ટ્રની ભોમકા હજી દેશભક્તવિહોણી થઈ નથી. સોશ્યલ મીડિયામાં એમણે અપલોડ કરેલા લેખો-સ્ટેટસો વાંચીને અમારા લોહીમાં કામચલાઉ ઊભરો આવી ગયો અને સૅન્ડ માફિયાના ગેરકાયદે ઉત્ખનનથી જેમ રેતીની સાથે દટાયેલા મૃતદેહો બહાર આવે એમ અમારો દેશપ્રેમ પણ બહાર આવી ગયો. ફરી પાછું બે પોપડાનું બલિદાન આપીને અમે ત્રાડ પાડી કે, ‘ન જોઇએ, ઘરમાં 500-1000ની એક પણ નૉટ ન જોઇએ. નાણું તો ઠીક, દાળમાં પણ કંઈ કાળું ન જોઇએ.’

ત્યાં જ બાલ્કનીમાંથી વાઇફીએ સૂકવવા માટેનો ભીનો ટુવાલ ઝાટકીને સામો અર્નબપોકાર કર્યો, ‘બ્લૅકમની જેટલી તોmaxresdefault તારી આવક જ ક્યે દિ’ હતી? હવે અત્યારે જા અને બૅન્કમાંથી છુટ્ટા લઈ આવ, નહીંતર સાંજથી કાળું તો ઠીક, દાળ ખાવાના પણ વાંધા પડી જશે.’ બસ, અમારું દેશાભિમાન જાગ્રત કરવા માટે આટલું મહેણું પૂરતું હતું. પૂરેપૂરો ચાર્જ કરેલો મોબાઇલ, એમાં નાખેલું ‘જિઓ’નું કાર્ડ, બૅન્કની ચૅકબુક ઇત્યાદિ સરંજામ ચૅક કર્યો અને અમે દેશને ખાતર ફના થવા એટલે કે થોડી કૅશ લેવા નીકળી પડ્યા. મનોમન ગાંધીજી જેવો નિર્ધાર પણ કર્યો કે ‘કાગડા કૂતરાના મોતે મરીશ, પણ આજે તો કૅશ લીધા વિના પાછો નહીં ફરું.’ પત્નીએ વ્હોટ્સએપથી ‘વિજયી ભવઃ’ની શુભેચ્છા પણ પાઠવી.

***

વ્હોટ્સએપ-ફેસબુકની બહારની દુનિયામાં ક્યારેક ફરવા નીકળી પડવાની મજા જ કંઈ ઓર હોય છે! એય ને, સતત પેટ્રોલના ભાવ જેવા અપ-ડાઉનનો આહલાદક અનુભવ કરાવતા રસ્તા પરના રમણિય ખાડા, ફેફસાંને તરબતર કરી દે તેવી વાહનોની ધુમ્રસેરો, આધુનિકતા અને પરંપરાના ઐક્યનો અનુભવ કરાવતા બાજુબાજુમાં સહઅસ્તિત્વ માણતા વાઈફાઈના ટાવર અને હિલોળા લેતા ઉકરડા… બસ, આવા જ ચિંતનાત્મક વિચારો કરતાં અમે બૅન્કની કતાર સુધી પહોંચી ગયા. રાધર કહો કે કતાર અમને આલિંગન આપવા માટે સામેથી આવી રહી હતી. જાણે કહેતી હોય કે ચારેકોર દેશસેવાના યજ્ઞો ચાલી રહ્યા છે, બસ, લાઇનમાં ઊભો અને આહુતિ આપવા માંડો.

ઇશ્વર માટે કહેવાય છે કે એ બધે જ છે, ફક્ત એને જોવાની દૃષ્ટિ હોવી જોઇએ. હવે સમજાયું છે કે દેશભક્તિનું પણ એવું જ છે. ફેસબુક પર આગઝરતાં સ્ટેટસો મૂકવાં, અન્ય દેશભક્તોનાં સ્ટેટસો શૅર કરવાં, કોઈ અલગ અભિપ્રાય વ્યક્ત કરે તો તેને ‘રાષ્ટ્રાસ્ત્ર’થી હણી નાખવો, 2000ની નવી નોટ સાથે સેલ્ફી મૂકવા, સવાલો ન પૂછવા, ફરિયાદો ન કરવી, બધું જ ચૂપચાપ સ્વીકારી લેવું એ તમામ બાબતો દેશભક્તિનાં જ અલગ અલગ પાસાં છે. અગાઉ બસના પાસ કઢાવવા, રેલવેની-મલ્ટિપ્લેક્સની ટિકિટ લેવા, મંદિરમાં દર્શન કરવા, છાપાની કુપનોના બદલામાં પ્લાસ્ટિકનું ડબલું લેવા, મફતિયા સુવિધાઓ આપતાં SIM કાર્ડ લેવાની લાઇનોમાં ઊભા રહેવાનો લાહવો લેતા લોકોને ક્યારેય આવી ‘કિક’નો અનુભવ નથી થયો. હસતા મોઢે કલાકો સુધી લાઇનમાં ઊભા રહીએ એવું દેશભક્તિનું યુઝર ફ્રેન્ડ્લી વર્ઝન બીજું કયું હોઈ શકે?

India Living in Lineઍની વે, વિવિધ ઠેકાણેથી નીકળતી નદીઓ જેવી લાઇનોના સરરિયલ પેઇન્ટિંગ ટાઇપના સિનારિયોમાં અમે અમારી બૅન્કની કતાર શોધીને અને તેનો છેડો શોધીને તેમાં ઊભા રહી ગયા. જ્યાં એક જ લાઇનમાં આગળ એક દા’ડિયો મજૂર ઊભો હોય અને પાછળ મોંઘી કારનો માલિક ઊભો હોય, એનાથી વધુ કેવી સમાનતાની તમે અપેક્ષા રાખો છો, બૉસ?! આદિકાળથી ધનવાનોને ધિક્કારતા આવેલા આપણા દેશમાં અત્યારે ગરીબ હોવાનું પણ ગૌરવ ગણાઈ રહ્યું છે, જેમાં લોકો આંખોમાં ગૌરવનું આંજણ આંજીને કહી રહ્યા છે કે, ‘બકા, છેલ્લા દસ રૂપિયા પડ્યા છે ખિસ્સામાં!’ નિર્ધનતાનો પણ વૈભવ હોય છે તે આ બૅન્કની લાઇનમાં ઊભા પછી સમજાયું.

જેમ દરેક કિસ્સામાં બને છે તેમ અત્યારે પણ દેશ બે ભાગમાં વહેંચાઈ ગયો છે. જેણે તાજમહલ જોયો છે અને જેમણે નથી જોયો, જે દેશભક્ત છે (અથવા તો જે માત્ર ભક્ત છે) અને જે દેશદ્રોહી છે, જે દેશપ્રેમી છે અને જે આપટાર્ડ-લિબટાર્ડ-પ્રેસ્ટિટ્યુટ છે, જેની પાસે જૂની 500-1000ની નૉટ છે અને જેની પાસે નથી, જેની પાસે બ્લૅકમની છે અને જેની પાસે નથી, જેણે 2000ની નવી નૉટ સાથે સેલ્ફી અપલોડ કર્યા છે અને જેણે નથી કર્યા, જે કતારમાં ઊભા છે અથવા તો જે નથી ઊભા… લોકોને ઓળખવા માટેનો આનાથી સહેલો લિટમસ ટેસ્ટ બીજો કયો હોઈ શકે?!

લાઇનમાં ઊભાં ઊભાં આવા પચરંગી વિચારો કરવા માટે અમારી પાસે પૂરતો સમય હતો. બાજુમાં સમાંતરે ચાલી રહેલી સિનિયર સિટિઝનની લાઇનમાં અચાનક બે વૃદ્ધો એકબીજાને જોઇને ગદગદિત થઈ ગયા અને ભેટી પડ્યા, ‘અરે, જયવદન ભાઈ તમે? અમેરિકાથી ક્યારે આવ્યા?’ ‘બસ, જો હજી કાલે રાતે જ આવ્યો અને આવીને જૅટલેગ ઉતાર્યા વિના સીધો આ લાઇનમાં લાગી ગયો છું!’ એ જોઇને મને વિચાર આવ્યો કે આ લાઇનો તો મસ્ત ફિલ્મોની સ્ટોરીઓની ખાણ છે. જેમ કે, છોકરો-છોકરી પહેલીવાર બૅન્કની લાઇનમાં મળે, લાઇન આગળ વધે તેમ એમની વચ્ચે દોસ્તી થાય, પ્રેમ થાય અને બૅન્કના દરવાજા પાસે પહોંચતાં સુધીમાં તો છોકરો ઘૂંટણિયે પડીને છોકરીને પ્રપોઝ કરી દે! આ રીતે ‘જબ વી મૅટ’ની સિક્વલ બની શકે, જેમાં ‘ગીત’નો ડાયલોગ હોય, ‘મુઝે ના, બચપન સે હી લાઇન મેં ખડા રહેને કા બડા શૌક થા, બાય ગૉડ!’

આપણા મનમોહન દેસાઈ જીવતા હોત તો પોતાની ‘લૉસ્ટ એન્ડ ફાઉન્ડ’ ફોર્મ્યૂલા પર નવી ફિલ્મ બનાવી શક્યા હોત,sonam-gupta-bewafa-hai જેમાં પાસપાસે ચાલી રહેલી બે બૅન્કોની લાઇનમાં કુંભ કે મેલે મેં બિછડે હુએ દો ભાઈ મળી જાય. વર્ષો પહેલાં એમના બાપાએ બંનેને એકસરખી બે નૉટ આપી રાખી હોય, જેના પર લખેલું હોય, ‘સોનમ ગુપ્તા બેવફા હૈ!’

ઇવન સૂરજ બરજાત્યા પણ પોતાની ‘પ્રેમ રતન ધન પાયો’નું એ જ નામનું નવું વર્ઝન લાવી શકે, જેમાં લાઇનમાં ઊભો રહેલો એક સલમાન આગળની કોઈ બ્લૅક શર્ટ પહેરેલી વ્યક્તિ સાથે મારામારી કરી બેસે. એટલે દેશભક્ત નંબર-1 એવા અનુપમ ખેર સલમાનના જ ડુપ્લિકેટ ડ્રાઇવર એવા પ્રેમ દિલવાલાને ઑરિજિનલ સલમાનની જગ્યાએ પ્લાન્ટ કરી દે. છેલ્લે નિર્દોષ છૂટીને અને 500-1000ની જૂની નૉટો બદલાવીને પાછો આવેલો સલમાન ડાયલોગ ફટકારી દે, ‘મૈં વાપસ આ ગયા!’ અને બૅકગ્રાઉન્ડમાં સોંગ ચાલુ થઈ જાય, ‘પ્રેમ રતન ધન લાયો… લાયો!’

આ બધું જોઇને આપણા ગુજરાતી ફિલ્મમૅકરો થોડા પાછા પડે? એ લોકો પણ આમાંથી નવી ફિલ્મોની પ્રેરણા લઈ શકે. જેમ કે, લાઇનમાં ઊભી ઊભીને સનસ્ટ્રોકથી બેભાન પડેલા મિત્રના દોસ્તારો પોતાના કોલેજનાં તોફાનો યાદ કર્યાં કરે; અમેરિકા જવાનું સપનું જોતો એક અમદાવાદી જુવાનિયો એક NRG યુવતીને 500-1000ની નૉટો બદલી આપવાની ક્વાયતમાં એના પ્રેમમાં પડી જાય; ૫૦ દિવસ સુધીની મહેતલ હોવા છતાં મકાન માલિકણને બતાવી આપવાની ટણીમાં એક યુવાન અબ્બી કે અબ્બી જૂની નૉટોના બદલામાં 2000ની નવી નૉટ લેવા નીકળે; બે કપાતર દીકરા બાપાના કરન્સી નૉટોના કલેક્શનમાંથી ચોક્કસ નંબરવાળી 500-1000ની નૉટની ગેમ કરી નાખે; પોતાના સ્કિનટૉન સાથે મૅચ થાય એવી 2000ની ગુલાબી નૉટોનું કડકડતું બંડલ લઇને બહાર નીકળેલી વિદેશી યુવતીનું પર્સ ચોરાઈ જાય અને કંડક્ટર જેવું પાકિટ લઇને ફરતો એક યુવાન તે પર્સ શોધી આપવા માટે અમદાવાદ ઊલેચી નાખે, જેમાં ખબર પડે કે તે પર્સચોરીમાં દેવદિવાળીએ પણ ગઈ દિવાળીની ફટાકડાની બંદૂકડી લઇને ફરતો એક VRS લીધેલો અને અત્યારે પાર્ટટાઇમમાં એક હેરકટિંગ સલૂનની દુકાનમાં ફોટોશૉપનું કરતો ડૉન સક્રિય છે…

હજી આમાં ‘રિયલ’ ગુજરાતી ફિલ્મો થોડી બાકાત રહી જાય? ગામમાં પોસ્ટરિયાં લાગે ત્યારે ખબર પડે કે ‘છુટ્ટા કરાવે મારો સાયબો’, ‘કૅશિયરિયા તારી રાધા રોકાણી બૅન્કમાં’, ‘કૅશ રે જોયા દાદા ચૅક રે જોયા’, ‘છુટ્ટા કરાવીને આવું છું’, ‘કોણ હલાવે 500ની ને કોણ હલાવે 2000ની’, ‘ગગો કેદા’ડાનો કૅશ બદલું બદલું કરતો’તો’ વગેરે જેવી ફિલ્મો ઑલરેડી ઍનાઉન્સ થઈ ગઈ છે. યુગો યુગો પહેલાં નૉટો બદલવા ગયેલા પોતાના ‘વીરા’ની રાહ જોતી બહેનની વ્યથા પર ‘બેની હું તો બાર બાર વર્ષે આવ્યો’ અને 500-1000ની જૂની નોટો પ્રત્યે બંધાઈ ગયેલી ભવ ભવની પ્રીતની પીડા બયાન કરતી ‘પારકી થાપણ’ જેવી ફિલ્મો એ જ નામે બનશે. ઇવન પોતાનાં ઘરડાં મા-બાપને બૅન્કની લાઇનોમાં મોકલી દેતા નિષ્ઠુર સંતાનોની હૃદયવિદારક વાત કરતી ફિલ્મ ‘વિસામો’ પણ ડિટ્ટો સેઇમ નામે બનશે (ના, એમાં કોઈ રાજકીય ઍન્ગલ નહીં હોય!). ટૂંકમાં આ કતારો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે પણ 2000ની નૉટ જેવી જ ‘તેજી 2.0’ લાવી શકે તેમ છે, જો કોઇને રસ હોય તો!

ત્યાં જ એક જુવાનિયાને અધિકારીઓએ ટિંગાટોળી કરીને બૅન્કની બહાર કાઢ્યો. કાને પડ્યું, ‘અહીંયા ધડ પર માથું નથી, ને આને પાસબુક પ્રિન્ટ કરાવવી છે!’ અમે ‘હરિ હરિ’ બોલીને ફરી પાછી થૉટ સાઇકલનાં પૅડલ મારવા માંડ્યાં.

દરેક મોટી ઘટના દેશમાં નવા સાહિત્યના સર્જનનું ટ્રિગર દબાવે છે. એ જ ક્રમમાં મહાન સાહિત્યકાર ચેતન ભગત પણ પોતાની નવી નવલકથાઓ લઇને માર્કેટમાં આવી જશે. જેનાં નામો કંઇક આવાં હશે, ‘વન ડૅ ઍટ ધ બૅન્ક’, ‘500 રૂપીઝ (ટુ) સમવન’, ‘Two Notes’, ‘હાફ હાર્ટેડ દેશભક્તિ’ (અમને ખાનગીમાં ખબર પડી છે કે તેમાં બંધ પડેલાં ATMની પાછળ અને બૅન્કોનાં લૉકર રૂમની અંદર CCTV કેમેરા બંધ કરીને હીરો-હિરોઇન દ્વારા કરાતા 2000ની નવી નોટ જેવા ગરમાગરમ દૃશ્યો પણ હશે!).

દશેરાએ ખવાતી ફાફડા-જલેબીની પ્લેટોની ગણતરી રાખતા પત્રકારો કંઇક આવી અનોખી સ્ટોરીઝ લઈ આવશેઃ ‘બૅન્કોની લાઇનોમાં ૯,૩૬,૧૬૭ પાણીની બૉટલો પીવાઈ ગઈ’, ‘1-1 રૂપિયામાં ID પ્રૂફની ઝેરોક્સ કરી આપનારે દસ દિવસમાં નવી કાર છોડાવી’, ‘યંગસ્ટર્સમાં બૅન્કોની લાઇનમાં ઊભાં ઊભાં પોકેમોન પકડવાનો ક્રેઝ, જિઓનાં નવા કાર્ડ ખરીદવામાં નવેસરથી ધસારો’…

કતારમાં આવા મસાલેદાર વિચારો કરતા હતા ત્યાં જ અમારા કાને બૅન્કના કર્મચારીના શબ્દો પડ્યા, ‘અરે, સાંજે છ વાગ્યે ખાવા ભેગા થઇએ છીએ. ઘણા તો ત્રણ દિવસથી ઘરે પણ નથી ગયા.’ એ સાંભળીને થયું કે હમણાં કોઈ ચિંતક લખશે કે, ‘બૅન્કમાં કામ કરતા હોય એને ત્યાં દીકરી ન અપાય!’ ‘મિત્રો, આજકાલનો પ્રેમ 500-1000ની નૉટો જેવો થઈ ગયો છે, આજે છે કાલે નથી’ જેવા ચિંતનિયા લેખો પણ આપણા માથે મારવામાં આવશે.

જો આ કતારો લાંબી ચાલશે તો મનોચિકિત્સકો પાસે એવા પણ કૅસ આવશે જેમાં સ્ત્રીઓ ફરિયાદ કરતી હશે કે, ‘અમારા ઈ નૉટું બદલવાના નામે ઘરેથી નીકળે છે ને પછી ક્યાંક ભળતે જ ઠેકાણે જાય છે…’ 500-1000ની કે નવી 2000ની નૉટો જોઇને પૅનિક અટેકનો ભોગ બનતા લોકો માટે ‘કરન્સીફોબિઆ’ અને ‘પિંકફોબિઆ’ જેવા નવા રોગ માર્કેટમાં આવી જાય એવુંય બની શકે! બૅન્કોની કતારમાં ઊભા રહીને 2000ની નવી પિંક નૉટ મેળવવાના નામે બૉસને ગોળી પીવડાવીને ઑફિસમાંથી ગુલ્લી મારતા લોકોને એમના બૉસ ‘પિંક સ્લિપ’ પકડાવી દે એવા બનાવો પણ નોંધાશે, જોજો!

***

selfie-2000ત્યાં જ સાક્ષાત્ ચમત્કારના ભાગરૂપે અમારો વારો આવી ગયો અને કૅશિયરે અમારા અકાઉન્ટમાં પૉસિબલ હતી એટલી તમામ 2000ની ગુલાબી નોટો અમારા હાથમાં પકડાવી દીધી. અમેય તે ભૂમિતિમાં અને રામ ગોપાલ વર્માની ફિલ્મોમાં હોય તેવા તમામ ઍન્ગલેથી તેની સાથેના સૅલ્ફી લીધા. સ્લો મોશનમાં દોડતાં દોડતાં ઘર તરફ પ્રયાણ કર્યું. આશા હતી કે ઘરે માતુશ્રી જયા બચ્ચન સ્ટાઇલમાં હાથમાં થાળી લઇને સ્વાગત માટે ઊભાં હશે.

પરંતુ થયું કે એ પહેલાં જરાક 2000ની કડકડતી નૉટથી એક કડક ચા પીએ. પણ ઘોર કળિયુગ, ચાવાળાએ તેના છુટ્ટા આપવાની ધરાર ના પાડી દીધી. પાનવાળાએ પણ ડચકારો બોલાવ્યો. પેટ્રોલપમ્પવાળો કહે કે કાર્ડ લાવો. આ સ્થિતિમાં ઘરે પહોંચીશું તો શી સ્થિતિ થશે એ વિચારે અમારી સ્થિતિ બ્લૅક મની ધારક જેવી કફોડી થઈ ગઈ. ન છૂટકે અમે મનોમન ‘જંગ જીત્યો રે મારો કાણિયો, 2000ના છુટ્ટા મિલે તબ જાણિયો’ બોલીને નવેસરથી બૅન્કની બહાર લાઇનમાં લાગી ગયા.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Dear Monsoon

(૨૦૧૬ના ચોમાસામાં અમદાવાદમાં વરસાદ ખેંચાયો હતો. તેના પરથી એક સવારે સર્જેલું આ હળવું સ્ટેટસ, એટલે વરસાદને નામ પત્ર. ફેસબુક પર મૂકેલું આ સ્ટેટસ પ્રચંડ હદે વાઇરલ થયું, દિવસો સુધી દેશ-દુનિયાના ગુજરાતીઓમાં ફરતું રહ્યું અને લિટરલી હજારો લોકોએ પોતાના નામે ચડાવ્યું હતું. તમારા ફોનમાં પણ ક્યાંકથી ફરતું ફરતું આવ્યું હોય, તો અમને યાદ કરજો, કેમકે અમે એક આખી સવાર ખર્ચીને સર્જ્યું હતું.)

ડિયર મોન્સૂન,
કેરળ-તમિલનાડુથી ગુજરાત સુધી પહોંચતાં આટલી બધી વાર?
તારી પહેલાં તો અમારી છુક છુક ગાડીઓ પહોંચી જાય છે!
જલ્દી આય ભાઈ, અહીંયા એસીનાં બિલો વધે છે.

કોર્પોરેશનના નવા બનેલા રસ્તાઓ ધોવાઈ જવા માટે બેબાકળા બન્યા છે. કોન્ટ્રાક્ટરોનાં છોકરાં નવી ગાડી માટે કજિયો કરે છે, ને એના પપ્પાઓ ‘એક વરસાદ પડી જવા દે’ એવા વાયદાઓ કરે છે.
ઘણા બધાને સ્વિમિંગ શીખવું છે, પણ તું આવે, રસ્તા કેડ સમાં પાણીથી છલકાય એની રાહમાં છે.

‘સ્ટાર્ટ અપ ઇન્ડિયા’ હેઠળ કેટલાય જુવાનિયાઓએ પલળેલી ગાડીઓ સ્ટાર્ટ કરવાના ક્રેશ કોર્સ કરી રાખ્યા છે. હાડકાંના ડૉક્ટરોની પણ કેટલીયે પ્રોપર્ટીની ખરીદી-ફોરેન ટ્રિપો અટકેલી પડી છે.
રેઇનકોટ-છત્રીઓ માર્કેટમાં ખડકાઈ ગયાં છે, પણ તારા અભાવે વકરો શરુ થવાને વાર છે, ને એમાં જ ચીનનો જીડીપી ઘટી રહ્યો છે (એટલે જ એ NSGમાં કનડે છે).
દાળવડાં-ભજિયાં વગર લોકોની આંતરડી કકળે છે. ફેસબુક પર સેલ્ફીઓ પણ સાવ નપાણિયા થઈ ગયા છે.
ટિટોડીનાં ઈંડાંમાંથી બચ્ચા પણ આવી ગયાં ને સૂકવેલા ગોટલાના મુખવાસ પણ બની ગયા.

તારા વગર ‘અમીછાંટણાં’, ‘ધડાકાભેર’, ‘મેઘસવારી’, ‘સર્વત્ર શ્રીકાર’, ‘નવી આવક’, ‘જળબંબાકાર’, ‘સાંબેલાધાર’, ‘ઓવરફ્લો’, ‘ખતરાના નિશાનથી ઉપર’, ‘ઉપરવાસમાં’, ‘નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ’, ‘ડિઝાસ્ટર મેનેજમેન્ટના દાવા પોકળ’, ‘પ્રિમોન્સૂન પ્લાન ધોવાયો’, ‘ઠેર ઠેર ભૂવા પડ્યા’ જેવા મેઘધનુષી શબ્દપ્રયોગો વિના ગુજરાતી ભાષા નાભિએથી ઑક્સિજન લેવા માંડી છે. હજારો દેડકાઓ અને કરોડો કવિઓ પણ તારા વિના ટળવળે છે. તારા વિના ‘પલળેલાં ભીનાં બદન’નાં વર્ણનોવાળા લેખો સૂકાભઠ ચિંતનાત્મક થઈ ગયાં છે. તું મોડું કરીશ અને અમારી ભાષા મરી પરવારશે તો અમારે પૈસાની ભાષાથી જ ચલાવી લેવું પડશે એનું તને કંઈ ભાન છે?!

અમે તો ઠીક છે કે ‘અચ્છે દિન’ ને ’15 લાખ’ની આશામાં કપિલના શૉ જોતાં જોતાં દા’ડા કાઢી નાખીશું, પણ તું અકોણાઈ કરીશ તો તારા પર ‘દેશદ્રોહી’, ‘રાષ્ટ્રવિરોધી’, ‘માતૃભાષાવિરોધી’, ‘માનવતાવિરોધી’, ‘વિકાસવિરોધી’, ‘ખેડૂતવિરોધી’નાં લેબલો લાગી જશે! ‘સિડીશન’ના ચાર્જિસ લાગશે તો તારા જામીન આપવા કોઈ કાલિદાસ નહીં આવે. અને તું વરસમાં એકવાર આવવામાં પણ તારીખ સાચવતો નથી, કોર્ટની તારીખો કેવી રીતે સાચવીશ? કેજરીવાલ તારી પાસે વરસવાની ડિગ્રી માગશે કે સુબ્રહ્મણ્યમ સ્વામી તારી ભારતીયતા પર સવાલ ઉઠાવશે તો તારી પાસે તો ભારતનો વિઝા પણ નથી.
એટલે ભાઈ, તને પણ વિજય માલ્યાની જેમ ભાગેડુ જાહેર કરાય એ પહેલાં આવી જા.

આ ઝાપટા જેટલું લખ્યું છે, હેલી જેટલું સમજીને વાંચજે.

લિખિતંગ,
ટુવાલથી પરસેવા લૂછતો એક કોરોધાકોર ગુજરાતી.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

વેલકમ ટુ કરાચી

કંટાળાનું ઠેકાણું

***

આ ફિલ્મ તમને એક જ રીતે ખડખડાટ હસાવી શકે, જો થિયેટરમાં લાફિંગ ગૅસ છોડવામાં આવ્યો હોય તો.

***

welcome-to-karachi-first-look-poster-stills-upcoming-movie-of-arshad-warsi-2015પ્રોમો કે ટ્રેલર કહેતા ફિલ્મની જાહેરખબર જોઇને એ ફિલ્મ વિશે મનમાં આશાનાં તોરણિયાં બંધાય અને આપણે જોવા માટે હડી કાઢીએ. આ પ્રક્રિયામાં આંખે પાટા બાંધીને કાર ચલાવવા જેટલું જોખમ છે. પ્રોમો જોઇને લાગતું હોય કે આ ફિલ્મ તો હસાવી હસાવીને આપણા ગાભા કાઢી નાખશે, પણ થિયેટરમાં ઘૂસ્યા પછી ખબર પડે કે ખરેખર તો ટ્રેલરમાં હતું એટલું જ હસવાનું હતું. બાકી આખી ફિલ્મમાં બગાસાં સિવાય કશું જ નથી. બસ, એવી જ મહાબોરિંગ દાસ્તાન છે આ ‘વેલકમ ટુ કરાચી’ની.

મૂર્ખ મીટ્સ મહામૂર્ખ

ઉપરવાળાએ જેમને બનાવીને બીબું તોડી નાખ્યું હોય એવા બે નમૂના શમ્મી ઠાકુર (અર્શદ વારસી) અને કેદાર પટેલ (જૅકી ભગનાણી) બંને દોસ્તાર છે. ભારતીય નૌકાદળમાં પોતાની અક્કલનું પ્રદર્શન કરવા બદલ શમ્મીને કોર્ટમાર્શલ કરી દેવાયો છે. જ્યારે અક્કલનો ઓથમીર કેદાર એક રેગ્યુલર ગુજરાતીની જેમ અમેરિકા જવાનાં સપનાં જુએ છે અને એના પપ્પા મિતેષ પટેલ (દલીપ તાહિલ)નો ઇવેન્ટ મેનેજમેન્ટનો બિઝનેસ ડૂબાડવાના પૂરા પ્રયાસો કરે છે. જામનગરના દરિયામાં બોટપાર્ટી કરવાના આવા જ એક પ્રયાસમાં બંને નમૂના ભૂલથી કરાચી પહોંચી જાય છે. ઘરે પાછા ફરવાના પ્રયાસમાં આ બંને નમૂના કરાચીના ગુંડાઓથી લઇને વઝિરિસ્તાનના તાલિબાનીઓ વાયા અમેરિકન સૈન્ય સુધીના લોકોની અડફેટે ચડી જાય છે. પોતાની સિરિયલ મુર્ખામીઓને લીધે આ બંને એવું કમઠાણ ઊભું કરે છે કે ઠેઠ પાકિસ્તાની સંસદ સુધી પહોંચી જાય છે.

વેલકમ ટુ બોરડમપુર

કોઈપણ સ્ટેન્ડઅપ કોમેડિયન કે હાસ્યકારનું સૌથી મોટું દુઃસ્વપ્ન શું હોય છે ખબર છે? એ સ્ટેજ પરથી એક પછી એક જોક્સ ફેંકતો જાય અને લોકો હસવાને બદલે જાણે બેસણામાં આવ્યા હોય એમ મોં વકાસીને બેઠા રહે. અમુક સીનને બાદ કરતાં ‘વેલકમ ટુ કરાચી’ની હાલત એવી જ છે. ૧૩૧ મિનિટની ફિલ્મમાં પહેલા અડધા કલાક સુધી જેને ખરેખર કોમિક કહી શકાય એવો કોઈ સીન જ નથી. એક પછી એક પાત્રો ઇન્ટ્રોડ્યુસ થતાં જાય  અને હસવાને બદલે આપણે મનમાં બોલતા રહીએ, ‘ઓકે, નેક્સ્ટ’.

જેને આઇક્યૂની ટેસ્ટમાં પણ પાસિંગ માર્ક્સ આવતા હોય એવાં ડફોળ પાત્રોની ફિલ્મો આપણે ‘લૉરેલ એન્ડ હાર્ડી’થી લઇને હૉલીવુડની જિમ કેરી સ્ટારર ‘ડમ્બ એન્ડ ડમ્બર’ વાયા ‘પિંક પેન્થર’માં જોઈ ચૂક્યા છીએ. પરંતુ જો એ પેંગડામાં પગ ઘાલવો હોય તો એકદમ શાર્પ સ્ક્રિપ્ટ અથવા તો સુપર્બ કોમિક ટાઇમિંગ સાથેની સ્લેપસ્ટિક એટલે કે સ્થુળ કોમેડી જોઇએ. અહીં એવું કોમિક ટાઇમિંગ માત્ર અર્શદ વારસી પાસે જ છે, પરંતુ એ કંઈ ક્રિસ ગેલ નથી કે આખી ફિલ્મ પોતાના ખભે ઊંચકી લે. આ ફિલ્મનો રાઇટિંગ ડિપાર્ટમેન્ટ આપણા ગુજરાતી હાસ્ય અભિનેતા વ્રજેશ હિરજીએ સંભાળ્યો છે, પરંતુ એ જો સદેહે ફિલ્મમાં અવતર્યા હોત તો ફિલ્મને કંઇક ફાયદો થાત.

જેના નામે ડફોળનું સર્ટિફિકેટ ફાડી શકાય એવો એક નમૂનો પાકિસ્તાનમાં સલવાઈ જાય, એવી સ્ટોરી ધરાવતી ફિલ્મ ગયા વર્ષે આપણે ‘ફિલ્મીસ્તાન’માં જોઈ ચૂક્યા છીએ. અહીં બે નમૂના છે એટલું જ. પરંતુ ‘ફિલ્મીસ્તાન’માં બે મુખ્ય એક્ટર્સ શારીબ હાશમી અને ઇનામુલ હકની સુપર્બ કેમિસ્ટ્રી અને દમદાર એક્ટિંગે ફિલ્મમાં એન્ટરટેન્મેન્ટના રંગો ભર્યા હતા. અહીંયા બિચારો અર્શદ વારસી એકલો હવામાં એક્ટિંગના પીંછડા ફેરવ્યા કરે છે. જૅકી ભગનાણીને તો ઠીક છે કે એના પપ્પા ફિલ્મના પ્રોડ્યુસર છે એટલે એને ફિલ્મની મુખ્ય ભૂમિકામાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળી જાય, પરંતુ એક્ટિંગનું શું? એ જેવું ગુજરાતી છાંટવાળું હિન્દી બોલવાનો પ્રયત્ન કરે છે, એ કોઈ ગુજ્જુ ચાર પેગ પેટમાં પધરાવીને બોલતો હોય એવું જ સંભળાય છે.

પ્રયત્નપૂર્વક હોય કે જોગાનુજોગ હોય, પણ આ ફિલ્મમાં બીજી કેટલીયે ફિલ્મોની અસર દેખાયા કરે છે. હૉલીવુડની ‘ડમ્બ એન્ડ ડમ્બર’ અને આપણી ‘ફિલ્મીસ્તાન’ તો ગણાવી. પાકિસ્તાનમાં બેસીને ભારતની જીતનો જશ્ન મનાવવાની સિક્વન્સ પણ ડિટ્ટો ‘ફિલ્મીસ્તાન’વાળી છે. પરંતુ જૅકી ભગનાણીનો વિઝા ઇન્ટરવ્યૂવાળો સીન સીધો જ ગુજરાતી ફિલ્મ ‘કેવી રીતે જઈશ’ની યાદ અપાવે છે. પાકિસ્તાની રાજકારણી એક દૃશ્યમાં હૉલીવુડની સુપર સટાયરિકલ ફિલ્મ ‘ડિક્ટેટર’ના હીરો સાચા બૅરન કોહેનની જેમ વર્તે છે. દુશ્મન દેશમાં ભરાઈ ગયેલા બે નવાણિયાને કાઢવાની મથામણ ગયા વર્ષાંતે આવેલી વિવાદાસ્પદ અંગ્રેજી કોમેડી ફિલ્મ ‘ધ ઇન્ટરવ્યૂ’ને ખો આપે છે. જ્યારે ખોટા પાસપોર્ટથી છુપાવેશે પ્લેનમાં બેસીને બહાર નીકળવાનો આખો ટ્રેક આપણે હમણાં જ અક્ષય કુમારની ‘બૅબી’માં જોયેલો, જે મૂળે હૉલીવુડ ફિલ્મ ‘આર્ગો’ પરથી પ્રેરિત હતો. પરંતુ આ જેટલી ફિલ્મોનાં નામ ગણાવ્યાં એ બધી જ એટલી અફલાતૂન છે, કે આ વીકએન્ડમાં જોઈ પાડશો તો ઘરમાં મસ્ત ફિલ્મ ફેસ્ટિવલ જેવો માહોલ થઈ જશે.

વિષમ પરિસ્થિતિઓમાં સમય ધીમો પડી જાય છે, તેના અનુભવમાં આ ‘વેલકમ ટુ કરાચી’ના સેકન્ડ હાફમાં પાકિસ્તાની ઘૂસણખોરોની જેમ ઘૂસી આવતાં ગીતો ઓર ઉમેરો કરે છે. ત્યાં કોઈ કારણ વગર અચાનક ટેલેન્ટેડ એક્ટર પવન મલ્હોત્રા ફૂટી નીકળે છે અને એટલી જ ઝડપથી પાછા ગાયબ થઈ જાય છે. કદાચ હીરોલોગની હસાવવાની કાબેલિયત પર શંકા હોય કે કેમ, પણ પત્રકાર દીપક ચૌરસિયા પણ ન્યૂઝ એન્કર તરીકે યથાશક્તિ કોમેડી કરવાનો (નિષ્ફળ) પ્રયાસ કરે છે.

હા, એટલું કહી શકાય કે ફિલ્મમાં અમુક સિક્વન્સીસ ખરેખર સારી છે. જેમ કે, ઇન્ડિયન એમ્બેસી પાસે એક ગોળીબાર ભારત, પાકિસ્તાન, નેપાળ, ચીન, રશિયા, યુક્રેન, ઇઝરાયેલ, પેલેસ્ટાઇન વચ્ચે જંગ છેડી દે છે. ‘કોક સ્ટુડિયો કી પૈદાઇશ’ અને ‘તાલિબાન સે ખાલિબાન હો ગયા’ જેવાં છૂટક વનલાઇનર્સ પણ ક્રિયેટિવ છે. પરંતુ આ ક્રિયેટિવિટી મ્યુનિસિપાલિટીના નળની જેમ જરા સરખી આવીને જતી રહે છે.

બીજી એક નાનકડી પણ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ફિલ્મમાં સેન્સર બૉર્ડે ‘એર ઇન્ડિયા’નાં વિમાનોનાં ગંદા ટોઇલેટ્સ અને બુઢ્ઢી એરહોસ્ટેસો પરની એક જોકમાં ‘એર ઇન્ડિયા’નું નામ મ્યુટ કરી દીધું છે. સર્વિસ સુધારવાને બદલે સરકાર હર્ટ થઈ જાય, બોલો!

ડૉન્ટ ક્રોસ ધીસ બૉર્ડર

‘વેલકમ ટુ કરાચી’ના  ડિરેક્ટર આશિષ આર. મોહન અગાઉ ‘ખિલાડી ૭૮૬’ જેવી મહા હથોડાછાપ ફિલ્મ બનાવી ચૂક્યા છે. જ્યારે પ્રોડ્યુસર વાશુ ભગનાણી દીકરા જૅકીને લાઇને લગાડવા માટે આ ફિલ્મની સિક્વલ પણ બનાવશે. પરંતુ આપણા પપ્પાની અટક ‘ભગનાણી’ નથી. એટલે આપણે આ ફિલ્મ પાછળ રૂપિયાનું આંધણ કરવાની જરૂર નહીં.

રેટિંગઃ *1/2 (દોઢ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits