Aiyya (Song Parody)

(રાની મુખર્જી સ્ટારર ‘ઐય્યા’ ફિલ્મના ટાઇટલ સોંગની મેં સપ્ટેમ્બર, 2012માં રચેલી પૅરોડી. તે વખતના પોલિટિકલ-સોશ્યલ માહોલને ધ્યાનમાં રાખીને બનાવેલું. ગીત સાંભળીને પછી પૅરોડી વાંચશો તો ઓર મજા આવશે!)

આપ સુનેંગે મેરા પેરોડી ગાના?
સુનિયે ના, સુનિયે ના, સુનિયે ના મેરા ગાના…
ટેં… ટેં… ટેંટેંટેં… (મ્યુઝિક)

હમેં ગોરે નહીં, કાલે નેતા પસંદ હૈ…
ટેં… ટેં… ટેંટેંટેં…  (મ્યુઝિક)
ઐયૈયૈય્યા…ઐયૈય્યો…

ડ્રીમમ વેકપમ, ક્રિટિકલ કંડિશનમ,
અર્થમ તંત્રમ, હિલડુલ સબ શેકપમ…
ફેસ ટુ ફેસમ, ઘોર કલિયુગમ,
ટોપ ટુ બોટમ, સભી ભ્રષ્ટમ,
પ્રાઇઝમ હાઇકમ, એવરી નાવડેય્ઝમ,
વ્હોટ ટુ ઇટમ, થિંકમ વન્ડરમ,
અવર પીએમ, ઓલ્વેઝ મ્યુટમ,
કોમન મેનમ, ઓન્લી પીસમ,
ઉન રંડ મૂન નાલ…
ટેં… ટેં… ટેંટેંટેં… (મ્યુઝિક)

જીડીપી ગ્રોથમ, ઢોલ પીટનમ,
હાઇક મસ્ટ, ડબલ કષ્ટ, બડા ધીટનમ,
પાર્ટીઝ હીટનમ, હોટ ડિબેટમ,
પુલિંગ સપોર્ટ ભી ડીફીટનમ,
ભારત બંધમ, આઇવોશનમ,
સેમ ટુ સેમમ, ઇટ વિલ રિમેઇનમ,
એવરી નેતા વોન્ટ્સ ઇલેક્શનમ…
ઉન રંડ મૂન નાલ…
ટેં… ટેં… ટેંટેંટેં…

કોમનમેનમ, કીપિંગ મમ,
વેઇટિંગ ફોર, ઇલેક્શનમ,
ઓલ ક્લેવરમ, ઓન ફેસબુકમ,
હોલ ડેયમ, બોલ બચ્ચનમ,
ઉન રંડ મૂન નાલ…
ટેં… ટેં… ટેંટેંટેં… (મ્યુઝિક)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

 

Advertisements

Force 2

ફોર્સ નહીં, આ છે ફાર્સ

***

ઍક્શન પૅક્ડ સ્પાય થ્રિલર બનવા નીકળેલી આ ફિલ્મ એવી જ ફિલ્મોની હાસ્યાસ્પદ પૅરોડી બનીને રહી ગઈ છે.

***

 

force-2-poster-ft-john-sonakshi-tahir-in-intense-looks-1
Btw, આ ફિલ્મનું નામ ‘ફોર્સ 2’ છે કે ‘ફોર્સ સ્ક્વેર’, જે સિગારેટની બ્રાન્ડ યાદ કરાવે છે!

આપણે ત્યાં સ્પૂફ કે પૅરડી પ્રકારની ફિલ્મો બનાવવાનો રિવાજ નથી. જ્યારે હૉલીવુડમાં ‘ઑસ્ટિન પાવર્સ’ કે તાજેતરમાં આવેલી ‘સ્પાય’, ‘મેન ફ્રોમ U.N.C.L.E.’, ‘કિંગ્સમેન’ જેવી ફિલ્મોએ જૅમ્સ બોન્ડની બરાબરની ખિલ્લી ઉડાવી છે. આપણા ફિલ્મમૅકરો એવી સ્પૂફ બનાવવામાં માનતા નથી, એ લોકો માત્ર ફિલ્મ બનાવે છે, જે એની મેળે જ સ્પૂફ બની જાય છે. જ્હોન અબ્રાહમની ‘ફોર્સ 2’માં આવું જ થયું છે, કરવા ગયા થ્રિલ અને થઈ ગયું હાસ્યાસ્પદ થૂલું.

 

હંગેરીમાં સર્જિકલ સ્ટ્રાઇક

ચીનમાં રહેલા ભારતની જાસૂસી સંસ્થા ‘રૉ’ના જાસૂસોની વન બાય વન હત્યા થઈ રહી છે. તેની પાછળ કોણ જવાબદાર છે તેનો એક સંકેત મુંબઈના સટકેલા ACP યશવર્ધન (જ્હોન અબ્રાહમ)ને મળે છે. રૉના હૅડ પાસે પણ ન હોય એવી ખૂફિયા માહિતી લઇને એ સીધો રૉ પાસે પહોંચી જાય છે. રૉ એને જ આ મિશન પર વળગાડી દે છે. સાથે ફાજલ પડેલી એક અધિકારી કમલજિત કૌર ઉર્ફ કે.કે. (સોનાક્ષી સિંહા)ને પણ હંગેરી મોકલી આપે છે. અડધું બુડાપેસ્ટ ઊલેચ્યા પછી અને ત્યાંની મોટાભાગની અગાશીઓ પરથી કૂદકા માર્યા પછી તેની પાછળ જવાબદાર માણસ તો પકડાય છે, પરંતુ ઍજન્ટોની હત્યાઓ ચાલુ જ રહે છે. આખરે કોણ અને શા માટે કરાવી રહ્યું છે આ બધું?

લૉજિકનું ડિમોનેટાઇઝેશન

પ્રધાનમંત્રીની યાત્રા વખતે જ જોવા-સાંભળવા મળે એવા ચીનનાં ચકાચક શાંઘાઈ, બીજિંગ, ગ્વાંગ્ઝુ જેવાં લૉકેશનો સાથે ફિલ્મ સ્ટાર્ટ થાય છે. કેમેરા પણ પોતાની ચીનયાત્રાથી મોજમાં આવીને ઊડાઊડ કરી મૂકે છે. ધડાધડ આપણા સ્પાય લોકોની હત્યાઓ થાય છે. ફિલ્મની પૅસ જોઇને બેઘડી આપણને પણ થઈ જાય છે કે આજે તો આ ફિલ્મ ભુક્કા બોલાવી દેશે. ત્યાં જ સ્પોન્સર કંપનીના સિમેન્ટથી બનેલા XXXL સાઇઝના જ્હોન અબ્રાહમની ઍન્ટ્રી પડે છે. દૈત્ય જેવો એક ગુંડો જ્હોનની છાતીમાં ખીલી ખોડી દે છે, છતાંય એના ચહેરા પર એકેય એક્સપ્રેશન નથી આવતું. વન બાય વન ગુંડાઓની હલત 500-1000ની જૂની નોટ જેવી થઈ જાય છે. પાર્ટ-1માં જ્હોને મૉટરસાઇકલ ઊંચકેલી, પરંતુ હવે એનું શરીર વધ્યું છે, એટલે ઘાયલ હોવા છતાં એ આખેઆખી મર્સિડિઝ કાર ઊંચકી લે છે. લેકિન અફસોસ, એ ફિલ્મ ઊંચકી શકતો નથી. (એ કાર જઇને એક પિલર સાથે અથડાય છે છતાં પિલર અકબંધ રહે છે. એ પિલર પર ફિલ્મના એક સ્પોન્સર એવા ‘બાંગર સિમેન્ટ’નું પ્રોડક્ટ પ્લેસમેન્ટ દેખાય છે. ફાઇન. પરંતુ આખી ફિલ્મમાં બિલકુલ એક્સપ્રેશન લેસ જ્હોનને જોઇને એવું લાગે છે કે એનો મૅકઅપ પણ એ જ બાંગર સિમેન્ટથી કર્યો હોવો જોઇએ!)

કદાચ પહેલીવાર આપણી કોઈ ફિલ્મમાં ચીનને ભારતના દુશ્મન તરીકે ચીતરવામાં આવ્યું છે. એટલે જ ફિલ્મની શરૂઆતમાં ‘અમે તો ખાલી ખોટું ખોટું ફિલમ ફિલમ’ રમીએ છીએ, ડૉન્ટ માઇન્ડ હં’ એવી લાંબી ચોખવટ કરવામાં આવી છે, એ પણ બબ્બે વખત. ‘ફૉર્સ-2’ ગુમનામીમાં કે દેશદ્રોહીમાં ખપી જતા ‘રૉ’ના ભારતીય જાસૂસોની વ્યથાને વાચા આપવાનો પ્રયાસ કરે છે. સારું થયું કે અન્ય ગીતોની સાથે તેમાં જાસૂસો દ્વારા ‘સૂન રહા હૈ ના તૂ, RAW રહા હૂં મૈં’ જેવું દર્દીલું ગીત નથી ગવડાવાયું. પરંતુ જે પ્રકારનું રૉ અને જેવા ઍજન્ટો આ ફિલ્મમાં બતાવાયા છે, એ જોઇને તો એવું લાગે કે જાસૂસી તો દૂરની વાત છે, આ લોકો ATMમાંથી કૅશ વિથડ્રો કરવામાં કે લૉકલ ટ્રેનમાં સીટ મેળવવામાં પણ ચાલે તેમ નથી. જેમ કે, રૉના ચીફને એક પોલીસ અધિકારી મિનિસ્ટરની સામે દબડાવી જાય છે. પોતાના જાસૂસો ડૅન્ગીના મચ્છરની જેમ મરી રહ્યા છે, પણ રૉ ચીફ જાણે ઍગ્રોફોબિયાથી પીડાતા હોય તેમ એક પણ વખત રૂમમાંથી બહાર નીકળતા નથી. એમના ઍજન્ટો કેવા છે તેનું પર્ફેક્ટ એક્ઝામ્પલ છે, સોનાક્ષી સિંહા.

સોનાક્ષી પાસે અહીં પોતાના ‘અકીરા’વાળા રોલના હૅન્ગઑવરમાં હાથ-પગ ઉલાળવાની તક હતી, પણ એને બદલે એ આખો વખત બ્યુટિ પાર્લરમાં જ ગાળતી હોય એવું જ લાગે છે. ગમે તે, રિપીટ ગમે તે સ્થિતિ હોય, ગાડીઓ ઊલળતી હોય, ગોલિયોં કી બૌછાર થતી હોય, ટાઇગર શ્રોફ પણ ડરી જાય એવી કૂદાકૂદ કરવાની હોય, પણ હરામ બરાબર એકપણ વખત એનો પર્ફેક્ટ મૅકઅપ, પર્ફેક્ટ લિપસ્ટિક, પર્ફેક્ટ આઇબ્રો અને સુપર સ્ટ્રેઇટ વાળમાં જરાસરખો પણ ઘસરકો પડે તો. આમ તો એ રૉ ઍજન્ટ છે, પણ આખી રાત કાગળિયાં ઊલેચ્યાં પછીયે એ શકમંદને શોધી શકતી નથી. પરંતુ જ્હોન આખી રાત પાર્ટી-શાર્ટી કરીને આવ્યો હોય, તોય રોકડી પોણા ત્રણ સૅકન્ડમાં કહી દે છે કે, ‘તું જેને ગોતતી’તી એ કાળોતરો આ જ છે.’ દર વખતે સોનાક્ષીનું જજમેન્ટ ખોટું પડે. મૅન્ટલ ટ્રૉમાને કારણે બચાડી બંદૂકની ગોળી પણ ચલાવી શકતી નથી. બસ, એનું કામ એક જ, મોડે મોડેથી આવીને ક્રિકેટના હિન્દી કોમેન્ટેટરની જેમ આપણને જે સ્ક્રીન પર દેખાતું હોય એ જ રિપીટ કરવાનું, ‘યશ, હમારે પાસ અગલે ઍજન્ટ કો બચાને કે લિયે સિર્ફ દસ મિનટ હૈ’, ‘યશ, હમેં યે આદમી ઝિંદા ચાહિયે’, ‘યશ, રિએક્ટ મત કરના’, ‘યશ, નહીં, યશ….’ કોઈ બીજા દેશમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઇક કરવાની હોય ત્યારે આપણી ફિલ્મી ‘રૉ’ને પોતાની સંસ્થામાંથી સારા ઍજન્ટો કેમ નથી મળતા તેનું કારણ આ ફિલ્મમાં સોનાક્ષીને જોયા પછી સમજાયું.

ફિલ્મમાં જ્હોન-સોનાક્ષીની ઍન્ટ્રી સાથે જ લૉજિક રજા પર ઊતરી જાય છે. એટલે જ એક તરફ જે જાસૂસોને મરેલાં જાહેર કરી દેવાયાં હોય, તે બિનધાસ્ત બધે રખડતાં હોય. એ લોકો બધી જ માહિતી મુખ્ય આરોપીની સાથે પણ શૅર કરતા હોય અને એ આરોપી જે કહે તે માની પણ લેતા હોય. ‘દા વિન્ચી કૉડ’વાળા ડૅન બ્રાઉનના સિમ્બોલોજિસ્ટ ‘રૉબર્ટ લૅન્ગડન’ કરતાં પણ વધુ ઝડપથી જ્હોન-સોનાક્ષી ઉખાણાં સોલ્વ કરી લેતાં હોય. અરે, હંગેરિયન ખબરી હંગેરીમાં ‘કાટે નહીં કટતે’ જેવું હિન્દી ગીત ગાતી હોય અને માહિતીના બદલામાં ‘એક રાત જ્હોન સાથે સાથ’ વીતાવવા માગતી હોય. ખૂની શોધવાને બદલે સોનાક્ષીને ખોટી પાડવાના મિશન પર આવ્યો હોય એમ જ્હોન એક તબક્કે એને કહી દે છે કે, ‘ઉસકા પતા મિલે તો વ્હોટ્સએપ કર દેના.’ ભારતના ઍજન્ટો વિદેશમાં ઑપરેશન પાર પાડવા જાય એટલે ત્યાંની સ્થાનિક પોલીસ તો ગાયબ જ થઈ જાય. જાણે કહી દીધું હોય કે, ‘આ ઇન્ડિયનો અહીં સર્જિકલ સ્ટ્રાઇક કરવા આવશે તો અમે નથી રમતા, જાવ.’ આઇ મીન, યે ક્યા હો રહા હૈ?

જ્હોન હવે એવા જ રોલ કરે છે, જેમાં ચહેરાનું કામ બાવડાં પાસેથી લેવાનું હોય. અહીં તો એ ગ્રીન કલર વિનાનો ‘હલ્ક’ અને કપડાં વિનાના ‘જૅમ્સ બૉન્ડ’નું કોમ્બિનેશન છે. ગમે તેટલું દોડે, ગમે ત્યાંથી કૂદે-પડે એને કશું જ ન થાય. જ્યારે સોનાક્ષીનો મૅકઅપ મસ્ત છે. એટલે જ ફિલ્મમાં તાહિર રાજ ભસીન ખાસ્સું ફૂટેજ ખાઈ ગયો છે. અલબત્ત, એણે પોતાનો ‘મર્દાની’નો રોલ પ્લસ ઍક્ટિંગ જ રિપીટ કર્યાં છે. બાકી નરેન્દ્ર ઝા, આદિલ હુસૈન જેવા અચ્છા ઍક્ટરો સાવ કોમેડિયન બનીને રહી ગયા છે. આમ તો આખી ફિલ્મની સિનેમેટોગ્રાફી સરસ છે, પણ છેલ્લે અચાનક તે ફર્સ્ટ પર્સન વીડિયોગેમ જેવી બની જાય છે, જે ભયંકર ઇરિટેટ કરે છે. આ ફિલ્મમાં એક ઇત્તુ સા સસ્પેન્સ પણ છે, જે કન્વિન્સિંગ પણ નથી અને આપણને જાણવામાં રસ પણ પડે તેમ નથી.

ફોર્સ નહીં, ફુસ્સ

ખરેખર જોવા જેવી સ્પાય થ્રિલર ફિલ્મો પાર વિનાની છે, જેની પંગતમાં આ ‘દિલ્હી બેલી’વાળા અભિનય દેવે ડિરેક્ટ કરેલી ‘ફોર્સ-2’ દૂર દૂર સુધી પણ બેસે તેવી નથી. જો સ્પાય ફિલ્મોની મસ્ત પૅરોડી જોવી હોય, તો તેનાં નામ શરૂઆતમાં ગણાવ્યાં જ છે. ટૂંકમાં તમારું ફોર્સ બચાવીને રાખો, ATM-બૅન્કોની બહાર લાઇનો લગાવીને કૅશ લેવાના કામમાં આવશે.

રૅટિંગઃ *1/2 (દોઢ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

મિસ્ટર જો બી કરવાલો (Mr. Joe B Carwalho)

કુછ બી ઠપકારો

***

કોમેડીના નામે પિરસાયેલી કોઇ એબ્સર્ડ વાનગી જેવી આ ફિલ્મમાં ઘૂસી ગયા તો ખુદ ગબ્બર પણ તમને નહીં બચાવી શકે!

***

mr-joe-b-carvalho-poster_138356271400આજની રેસિપીઃ ઇન્ટરનેશનલ હાફ બેક્ડ ભેળપુરી. સૌપ્રથમ એક મોટા વાસણમાં ગઇકાલની વધેલી દાળ લો. તેમાં બે સ્કૂપ ગરમાગરમ બ્રાઉની વિથ ચોકલેટ સોસ ઉમેરો. હવે તેમાં થોડો સોયા સોસ, થોડો ચિલી સોસ અને એક ચમચો વિનેગર નાખો. પછી તેમાં રંગબેરંગી પાસ્તા ઉમેરો. હવે ફ્રિજમાં નજર ફેરવો. ગુલાબજાંબુ કે સ્ટ્રોબેરી કે પછી કોઇપણ સ્વીટ પડી હોય તે ઉમેરો. નોનવેજના શોખીન હો તો એકાદી એવી આઇટેમ પણ ઉમેરી શકાય. ત્યારબાદ આ મિશ્રણને ગેસ પર ધીમા તાપે પકાવવા મૂકો. તેમાં સ્વાદ અનુસાર નમક ઉમેરો. જો તમને તીખું ખાવાની ટેવ હોય તો કાળા મરી પણ ઉમેરી શકાય. જો કબજિયાતનો પ્રોબ્લેમ રહેતો હોય તો થોડું કાયમચૂર્ણ અથવા તો જમાલગોટો પણ ભભરાવો. દસેક મિનિટ પકાવ્યા બાદ આ મિશ્રણને ગેસ પરથી ઉતારીને ઠંડું થવા મૂકો. પછી તેને અવન સેફ બાઉલમાં કાઢો. પછી તેમાં ગાર્નિશિંગ માટે ખાઇ શકાય એવું કશું પણ ઉમેરીને 180 ડિગ્રીએ બે કલાક માટે અવનમાં મૂકી દો. આ રીતે તૈયાર થશે આપણી ઇન્ટરનેશનલ હાફ બેક્ડ ભેળપુરી!

તમને લાગશે કે આ શું ગાંડાઘેલા જેવું ચાલી રહ્યું છે, રાઇટ? એક્ઝેક્ટ્લી આ શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ ‘મિ. જો બી. કરવાલો’ જોતી વખતે અદ્દલ આવું જ ફીલ થાય છે! જથ્થાબંધ કલાકારો અને સ્ક્રિપ્ટના નામે મનમાં જે આવ્યું તે ઢસડી નાખીને બનાવી નખાયેલી આ ફિલ્મ તદ્દન બેસ્વાદ વિચિત્ર વાનગી છે.

પિંક પેન્થર ગોઝ ગંદા ગોબરા

મિ. જો બી. કરવાલો જેવું દ્વિઅર્થી નામ ધરાવતો અર્શદ વારસી જેના નાક પરથી માખી પણ ન ઊડી શકે એવો નક્કામો પ્રાઇવેટ ડિટેક્ટિવ છે. એક દિવસ એને મિસ્ટર ખુરાના (શક્તિ કપૂર) પોતાની નોકર રામલાલ સાથે ભાગી ગયેલી દીકરીને પકડી લાવવાનું કામ સોંપે છે. બીજી બાજુ ફેસબુક ફ્રોડ જનરલ કોપા ભાલેરાવ કબાના (સ્નેહલ ડાભી) પોતાના સાથીદારો એમ.કે. (વિજય રાઝ), વ્રજેશ હીરજી (હીરા) વગેરેને ગેહના (ગીતા બસરા)ને એના પ્રેમી લોહા સાથે પરણતી રોકવા માટે કામે લગાડે છે. આ ભાંજગડમાં ઇન્ટરનેશનલ ટેરરિસ્ટ કાર્લોસ (જાવેદ જાફરી) પણ ઉમેરાય છે અને ખાલીખોટો બધે અથડાતો રહે છે. સતત લોલીપોપ ચૂસતો કાર્લોસ મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડરથી પીડાય છે, જે લોલીપોપ સાથે વાતો કરે છે. કારણ કે એ સમજે છે કે લોલી એની મમ્મી છે અને પોપ એના પોપ યાને કે પપ્પા છે, અને જાવેદ દર થોડીવારે કોમેડી સર્કસમાં ભાગ લેતો હોય એમ ગેટઅપ ચેન્જ કરી કરીને આવતો રહે છે. આ કાર્લોસને પકડવા માટે ઇન્સ્પેક્ટર શાંતિપ્રિયા ફડનિસ (સોહા અલી ખાન) પણ રિવોલ્વર લઇને નીકળી પડે છે. કાયમ શર્ટનાં બે બટન ખૂલ્લાં રાખીને ફરતી શાંતિપ્રિયા ડિટેક્ટિવ જો બી કરવાલોની ભૂતપૂર્વ પ્રેમિકા છે. વર્ષો પહેલાં બંનેનું એક વિચિત્ર એક્સિડેન્ટને કારણે બ્રેકઅપ થઇ ગયેલું. આ બધાં પાત્રો આંધળોપાટો રમતા હોય એમ છેક સુધી એકબીજાં સાથે બાખડ્યા કરે છે અને આપણે માથું ખંજવાળતા રહીએ છીએ કે ‘યે ક્યા હો રહા હૈ, ભાઇ?’

કોમેડી કે નામ પર

જેને દિમાગના નામે ઠળિયો હોય અને દરેક કામમાં કોઇને કોઇ ગરબડો કર્યે રાખતો હોય એવા જાસૂસની ફિલ્મસિરીઝ ‘પિંક પેન્થર’ હોલિવૂડમાં ભારે લોકપ્રિય છે. પીટર સેલર્સ અને સ્ટિવ માર્ટિન (અને એક ફિલ્મમાં ઐશ્વર્યા રાય) જેવાં આલા દરજ્જાના કલાકારોએ આ કોમેડીને એક ઉંચાઇ સુધી પહોંચાડી છે. અગાઉ સંજય દત્તે ‘ચતુર સિંઘ ટુ સ્ટાર’ નામની ગંદી ફિલ્મમાં આ પિંક પેન્થરની કોપી મારેલી. હવે અર્શદ વારસીનો વારો છે. પરંતુ મુર્ખામી કરીને લોકોને હસાવવા માટે પણ બુદ્ધિ જોઇએ, જે આ ફિલ્મમાં ક્યાંય દેખાતી નથી. લેખક મહેશ રામચંદાણી અને નવોદિત દિગ્દર્શક સમીર તિવારી ભૂલી ગયા લાગે છે કે ફિલ્મમાં સ્ક્રિપ્ટ નામની પણ એક વસ્તુ હોય છે.

કલાકારો અને ધડમાથાં વિનાની સ્ટોરીનો ત્રાસ ઓછો ન હોય તેમ આ ફિલ્મમાં ડબલ મીનિંગ જોક્સ ને વલ્ગર ડાયલોગ્સનો પણ છૂટથી ઉમેરો કરવામાં આવ્યો છે. જેમ કે, ફિલ્મનું નામ. એક સીનમાં વરિષ્ઠ અભિનેતા રણજિત પણ આવે છે, પણ એ હોમોસેક્સ્યુઆલિટી તરફ ઇશારા કરતા વલ્ગર ડાયલોગ બોલીને જતા રહે છે.

આ ફિલ્મમાં એટલા બધા કલાકારો છે, કે કોણ શું છે એ જ ભૂલી જઇએ. હજી તો રણજિત આવીને ગયા ન હોય ત્યાં, ગાયક બાબુલ સુપ્રિયો શાર્પ શૂટર બનીને આવે, ત્યાં મનોજ જોશી કમિશનર બનીને ત્રાસ વર્તાવે. અરે, નવની પરિહાર પણ ગંદા ડાયલોગ બોલવા માટે અહીં છે. અરે એક શોટમાં તો કુણાલ ખેમુ પણ કૂદકો મારી જાય છે, બોલો!

ખીચડો કરવા માટે આ ફિલ્મમાં શાહરુખની ‘બાદશાહ’ ફિલ્મની મિસ્ટેકન આઇડેન્ટિટી ઉમેરી છે, હિચકોકની ‘સાઇકો’ ફિલ્મનો બાથરૂમ સીન પણ ઠપકાર્યો છે અને ‘જેમ્સ બોન્ડ’ની બોલપેનની ટકાટકી કરો તો બ્લાસ્ટ થાય એવું ગિમિક પણ ભભરાવ્યું છે, ‘કોઇ મિલ ગયા’નો ‘જાદુ’ પણ છે અને ‘થ્રી ઇડિયટ્સ’નો ‘ઓલ ઇઝ વેલ’ બોલો તો બાળક લાત મારે એ સિક્વન્સ પણ છે.

સોહા અને અર્શદ વચ્ચેની કેમેસ્ટ્રી તો ઝીરો છે, પણ સોહા સતત પોતાનું ફિઝિક્સ અને જ્યોમેટ્રી બતાવવા માટે બિકિની અને એનાં જેવાં ટૂંકાં કપડાં પહેરીને અર્શદને સિડ્યુસ કરવાનો પ્રયાસ કરતી રહે છે. અને સોહા માટે અર્શદ બોલે છે, ‘તુમ તો હવસ કા નંગા નાચ કરનેવાલી બાઝારૂ ઔરત હો…!’

લોકોને હસાવવા માટે અહીં બધાએ એટલી બધી મહેનત કરી છે કે પડદાની બહાર હાથ કાઢીને આપણને ગલીપચી કરવાનું જ બાકી રાખ્યું છે. પરંતુ અમુક વનલાઇનર્સને બાદ કરતાં ક્યાંય હસવું નથી આવતું. આપણને હેરાન કરવામાં ફિલ્મમેકર્સને હજી આટલેથી સંતોષ ન થયો હોય એમ ફિલ્મમાં હિમાની શિવપુરી પણ છે, જેમણે અંધ સ્ત્રીનો રોલ કર્યો છે. અને પ્રજ્ઞાચક્ષુઓ પર એટલી ગંદી, સિક મજાકો કરી છે કે આપણને કોલર પકડી લેવાની ઇચ્છા થાય.

ફિલ્મમાં ત્રણેક ગીતો પણ છે. પરંતુ એના શબ્દો ‘આઇ લવ સૈંયાજી કી લેઇટ નાઇટ પાર્ટી, પર પાર્ટી મેં આઇ હેટ ચુમ્મા ચાટી’ જેવા દિમાગ ચાટી જાય એવા છે.

ઇન શોર્ટ

આ ફિલ્મની સૌથી સારી વાત એ છે કે તે માત્ર બે જ કલાકની છે. આટલો કકળાટ વાંચીને તમે સમજી જ ગયા હશો કે આ ફિલ્મથી પચાસ પચાસ કોસ દૂર રહેવામાં જ સાર છે. જો આ વીકએન્ડ પર ફિલ્મ જોવા જ જવું હોય તો બચ્ચાંપાર્ટીને લઇને ‘શોલે થ્રીડી’માં જવું વધારે હિતાવહ છે! બાકી આ ફિલ્મમાં ઘૂસી ગયા તો તમને ખુદ ગબ્બર પણ નહીં બચાવી શકે!

રેટિંગઃ * (એક સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements