Daddy

રોબિનહૂડ ગવળીઃ ઑપરેશન વ્હાઇટવૉશ

***

અરુણ ગવળીની આ બાયોપિકનું ડિટેલિંગ મસ્ત હોવા છતાં નૈતિક રીતે આ ફિલ્મ અત્યંત ખાડે ગયેલી છે.

***

રેટિંગઃ ** (બે સ્ટાર)

***

daddy_film_posterઆપણે ત્યાં બાયોપિક અને એમાંય અન્ડરવર્લ્ડ સાથે સંકળાયેલા લોકો પર બનેલી ફિલ્મોનું કામકાજ ‘શોલે’ના જય અને મૌસીના સીન જેવું હોય છે. મીન્સ કે…

જયઃ ‘અબ ક્યા બતાયેં મૌસી જી, ઇસ દેસ મેં ગરીબ ઘર મેં પૈદા હોના હી પાપ હૈ!’

મૌસીઃ ‘તો ક્યા લડકા ગરીબ હૈ?’

‘નહીં નહીં, વો તો બહોત પહલે કી બાત થી. લેકિન ભૂખે પેટ સે આદમી કો સહી-ગલત કા કહાં ખયાલ રહતા હૈ?’

‘હાય હાય, તો મતલબ લડકા ઉલટે-સીધે ધંધે ભી કરતા હૈ?’

‘અરે નહીં નહીં મૌસીજી, લેકિન અગર પુલિસ ખુદ સામને સે ગરીબોં કો સતાયે તો કોઈ હથિયાર ઉઠાને સે કબ તક બચ સકતા હૈ?’

‘લે, તો લડકા હથિયાર ભી ચલાતા હૈ?’

‘અરે મૌસીજી, અબ સ્મગલિંગ કરના હો, મુંબઈ પે રાજ ચલાના હો, કિસી કી સુપારી લેની હો, જબ અપને હી દુશ્મન બન જાયે, જાન કા ખતરા હો, તો અપને પ્રોટેક્શન કે લિયે કભી કભાર હથિયાર ચલાને ભી પડતે હૈ. લેકિન મેરા દોસ્ત દિલ કા બહોત અચ્છા હૈ.’

‘હે ભગવાન, લડકા સ્મગલિંગ કરતા હૈ, ગેંગસ્ટર હૈ, ગોલીબારી ભી કરતા હૈ, લેકિન ઉસકા કોઈ દોષ નહીં. વાહ!’

‘અરે અરે, મૌસીજી. આપ તો આપ તો મેરે દોસ્ત કો ગલત સમઝ રહીં હૈ. યે સબ તો કલ કી બાતેં હૈં. અબ તો વો એકદમ સુધર ગયા હૈ. સમાજસેવા ભી કરતા હૈ.’

‘એક બાત કી દાદ દૂંગી, બેટા. ભલે સૌ બુરાઇયાં હો તુમ્હારે દોસ્ત મેં, લેકિન તુમ્હારે મૂંહ સે ઉસકે લિયે તારીફેં હી નીકલતી હૈ!’

‘અબ ક્યા કરું, મૌસી, મેરા તો દિલ હી કુછ ઐસા હૈ! તો હમ યે બાયોપિક પક્કા સમજેં?’

***

આ આખેઆખો પ્રસંગ અર્જુન રામપાલ સ્ટારર ‘ડેડી’ને શબ્દશઃ લાગુ પાડી શકાય તેમ છે. ચારેકોર ઢોલ વગાડીને જાહેર કરવામાં આવ્યું છે તેમ, ડેડી મુંબઈના ગેંગસ્ટર અરુણ ગવળીની બાયોપિક છે. ફિલ્મ એવી છે કે એક્ટિંગ, ડિટેલિંગ, પ્રોડક્શનના મામલે પીઠ થાબડવી પડે, પણ ફિલ્મનો માંહ્યલો એવો હાડોહાડ કરપ્ટ છે કે પીઠ પર જોરથી ધબ્બો મારવો પડે. કેમકે, ‘બેઝ્ડ ઑન અ ટ્રુ સ્ટોરી’ અને ‘બાયોપિક’ના નામે આ ફિલ્મ અરુણ ગવળીના ક્રાઇમને ગ્લોરિફાય કરવાનો અને એને માત્ર પરિસ્થિતિનો શિકાર બતાવીને એનાં કારનામાં જસ્ટિફાય કરવાનો પ્રયત્ન વધારે છે.

હમ પંછી એક ચાલ કે

મુંબઈની દગડી ચાલમાં અમુક બિચારા લુખ્ખાઓ રહે છે (આવું ફિલ્મમાં ગવળીની જ એક નજીકની વ્યક્તિ બોલે છે). એ બિચારાઓના કેન્દ્રમાં છે અરુણ ગુલાબ ગવળી (અર્જુન રામપાલ). કેરમ રમીને અને લુખ્ખાગીરી કરીને થાકે એટલે છૂટક ક્રાઇમ કરી જાણે. એમાં સતત ગોગલ્સ પહેરી રાખતા એક બડે ભાઈનો હાથ પડ્યો એટલે આ લુખ્ખેશોની પ્રગતિ થઈ. એ લોકો કોન્ટ્રાક્ટ કિલર્સ બન્યા, ખંડણીખોર બન્યા. એમાં પાછો દગાખોરીનો, ફાટફૂટનો, ડબલ ક્રોસિંગનો રંગ ભળ્યો. ઉપરથી પોલીસે પણ પોતાના તરફથી યથાશક્તિ લોહીનો લાલ રંગ રેડ્યો.

આમ જુઓ તો ગવળીનો રાઇઝ, દાઉદ સાથેની એની દુશ્મની, શિવસેનાના ધારાસભ્યની હત્યાનો કૅસ, એનું રાજકારણમાં ઝંપલાવવું, ધારાસભ્ય બનવું અને જેલમાં જવું, આમાંથી કશું જ અજાણ્યું નથી. ઇન ફેક્ટ, સાવ નજીકના ભૂતકાળની જ આ ઘટનાઓ છે. એક સિમ્પલ વિકિપીડિયા સર્ચથી પણ તે મળી શકે તેમ છે. અહીં જે અલગ છે તે છે ફિલ્મની ટ્રીટમેન્ટ, તેનું ડિટેલિંગ અને ગવળીને એ જેવા રંગનાં કપડાં પહેરે છે તેવો જ ચીતરવાનો પ્રયાસ.

ઉપર ગાંધી ટોપી, નીચે ગોડસેગીરી

‘ડેડી’ના ડિરેક્ટર અશીમ આહલુવાલિયાએ અગાઉ નવાઝુદ્દીન સિદ્દીકીને લઇને ‘મિસ લવલી’ નામે એક ફિલ્મ બનાવેલી. ઈ.સ. 2012ના ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં સિલેક્ટ થઇને સ્પર્ધાત્મક કેટેગરીમાં સામેલ થયેલી એ ફિલ્મ એંસીના દાયકાની સસ્તી ‘સી ગ્રેડ હોરર-પોર્ન મુવી ઇન્ડસ્ટ્રી પર આધારિત હતી. (એ ફિલ્મની મુખ્ય અભિનેત્રી નિહારિકા સિંઘ FTII ખાતે અમારી ક્લાસમેટ હતી અને ખુદ આહલુવાલિયા પોતાની આ ફિલ્મ બતાવવા આવેલા, એ જસ્ટ ખોંખારો ખાવા સારુ!) ઓછા બજેટમાં બનેલી આવી ફિલ્મોને ‘ઇન્ડી’ મુવી કહે છે. ‘ઇન્ડી’ યાને કે ‘ઇન્ડિપેન્ડન્ટ’, જેને કોઈ મોટા પ્રોડ્યુસર વગેરેનું બૅકિંગ ન હોય તેવી. પરંતુ અસીમભાઈની એ ફિલ્મમાં મુંબઈનો ગંદો-ગોબરો ચહેરો, અંધારિયાં ઘર-દુકાન, ઝાંખી બળતી લાલ-લીલી લાઇટો, મગજમાં જાતભાતની ખુરાફાતો લઇને ફરતા ગ્રે શૅડવાળાં પાત્રો, પૉર્નની કેટેગરીમાં જતું રહે તેવાં સેક્સ સીન, ક્રૂર હત્યાઓ એવી ‘નિઓ નુઆર’ (Neo Noir) પ્રકારની ફિલ્મો જેવી સામગ્રી હોય છે.

અશીમ આહલુવાલિયાની ‘ડેડી’ એમની જ ‘મિસ લવલી’નું બિગ બજેટ વર્ઝન જોતા હોઇએ એવું લાગે છે. એક સોંગ અને કેટલાંય દૃશ્યોમાં ડિટ્ટો ‘મિસ લવલી’ની જ છાંટ વર્તાય છે.

ફિલ્મમાં સૌથી વધુ અપીલ કરે તેવી પહેલી બાબત છે તેનું ડિટેલિંગઃ સિત્તેરના દાયકાથી શરૂ થતી આ સ્ટોરીમાં પાત્રોના દેખાવ, પહેરવેશ અને એમની આસપાસની ચીજો બધું જ સમય સાથે બદલાતું જાય છે. એ વખતની દગડી ચાલ (જોકે એક સીનમાં દગડી ચાલ અને બૅકગ્રાઉન્ડમાં મીલોનાં ભૂંગળાં બિલકુલ કમ્પ્યુટરથી બનાવેલાં લાગે છે), ત્યારની ગાડીઓ, ચલણી નોટો, હથિયારો, દાણચોરીમાં આવતી વસ્તુઓ (જેમાં ટેપ રેકોર્ડર, વીડિયો કેસેટ પ્લેયર, પર્ફ્યુમ જેવી ચીજો હોય), એ વખતનાં પોલીસ થાણાં-તેમાં ફાઇલોનાં થોથાં (એ જોકે હજી ખાસ બદલાયાં નથી), હવાલદારોના યુનિફોર્મ, મટકા-જુગારના અડ્ડા, સિનેમા થિયેટર, ક્યાંક દીવાલો પર દેખાતું ગુજરાતી લખાણ… મુંબઈ પણ એવું કે જેમાં ક્યાંય ગેટ વે ઑફ ઇન્ડિયા, તાજ હોટેલ, મરીન ડ્રાઇવ ન દેખાય, બલકે ગરીબ-ગીચ-ગંદા-અંધારિયા વિસ્તારો જ દેખાય. આ બધાને લીધે એક ઑથેન્ટિક ફીલ ઊભી થાય છે.

બીજો પ્લસ પોઇન્ટ છે અર્જુન રામપાલ સહિત મોટાભાગનાં પાત્રોનું કાસ્ટિંગ અને તેમની એક્ટિંગ. રામપાલે ખાસ કરીને પાછલી ઉંમરમાં (ગાંધી ટોપી આવ્યા પછીના) ગવળીનો લુક અને એની બૉડી લેંગ્વેજ આબાદ પકડી છે. હા, અસલી ગવળી ક્યાંય વધુ ‘આયેલા-ગયેલા’ ટાઇપનું ટપોરી હિન્દી બોલે છે. બીજી સૌથી જબરદસ્ત એક્ટિંગ છે ડિરેક્ટર કમ એક્ટર નિશિકાંત કામતની. એમણે એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પોલીસ અધિકારી વિજયકર (રિયલ લાઇફના વિજય સાળસકર)ની ભૂમિકા ભજવી છે. જોકે, ખેંખલી નિશિકાંત એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કરતાં પાંડુ હવાલદાર વધુ લાગે છે એ જુદી વાત છે. એટલું ખરું કે ખરબચડી-ડાર્ક ચામડી, ચંબુછાપ ચશ્માં, ઠંડી ક્રૂરતા અને થોડી ખોડંગાતી ચાલ એ બધાને કારણે એ અત્યંત ડરામણા અને લગભગ ઓળખી ન શકાય તેવા લાગે છે. ગવળીની ‘B.R.A.’ ગેંગ (બાબુ, રામા, અરુણ)ના અન્ય મેમ્બર્સ રામા નાઇક (રાજેશ શ્રિંગારપુરે) અને બાબુ (ગોળમટોળ આનંદ ઇંગળે) પણ એટલા જ ઇફેક્ટિવ છે. ગવળીની પત્ની બનનારી તમિળ એક્ટ્રેસ ઐશ્વર્યા રાજેશ પણ વલ્નરેબલ છતાં ટફ લાગે છે. પરંતુ કાસ્ટિંગનો સૌથી મોટો લોચો છે, દાઉદની ભૂમિકા કરનારા સરપ્રાઇઝ એક્ટરનો. એ કોણ છે ગુપ્ત રખાયું છે એટલે તમે જાતે જ જાણી લેજો, પરંતુ એટલું ખરું કે એ અત્યાર સુધીનો સૌથી હસ્કી અવાજવાળો દાઉદ છે. (બાય ધ વે, આપણા ફિલમવાળાઓને દાઉદનું ભયંકર ઘેલું છે. અહીં પણ એને લાર્જર ધેન લાઇફ રીતે જ પેશ કરાયો છે, એ જાણે ગોગલ્સ સાથે જ જન્મ્યો હોય એ રીતે ઘરના અંધારામાં પણ ગોગલ્સ પહેરી રાખે, એ સતત સ્લો મોશનમાં જ બોલે-ચાલે… હા, એમનું સાચું નામ ન લેવામાં આવે!)

ક્યાંક સિત્તેરના દાયકાની ફિલ્મોની યાદ અપાવે તેવું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક તો ક્યાંક લોહીના ખાબોચિયામાં પડેલી લાશને કૂતરાં ચાટતા હોય, ગવળી પોતાની ધાવણી દીકરીને એક હાથમાં રિવોલ્વર અને બીજા હાથમાં ઘૂઘરો રાખીને રમાડતો હોય, દાઉદભાઈનું ખાવાનું શા માટે પહેલાં ટેસ્ટ કરાતું હોય, શા માટે અમુક સીન્સમાં નિશિકાંત કામત ખોડંગાતા હોય (જેનું કારણ પછી જાણવા મળે), જે રીતે જેલમાં ગાંજો સપ્લાય થાય, લિફ્ટ પર શૂટઆઉટ થાય… એવી ઘણી સટલ્ટી (Subtlety)વાળી મોમેન્ટ્સ આ ફિલ્મમાં વેરાયેલી પડી છે. લેકિન અફસોસ, મોટાભાગની ફિલ્મ વિશે આવું કહી શકાય તેમ નથી. બાળાસાહેબ ઠાકરેના ‘આમચે મુલે’વાળી વાતને પણ એક અખબારી હેડલાઇનમાં જ પતાવી દેવામાં આવી છે.

ફિલ્મનો સૌથી મોટો માઇનસ પોઇન્ટ છે, તેની પાછળનો ઇરાદો. ફિલ્મના ટ્રેલરથી લઇને સતત આપણને એવું ઠસાવવામાં આવે છે કે અરુણ ગવળી તો બિચારો સંજોગોનો શિકાર હતો, બાકી હતો એ એકદમ 24 કેરેટનું હૃદય ધરાવતો દિલદાર માણસ. બિચારાને પરિસ્થિતિએ ગુનાખોરીમાં ધકેલ્યો. એને તો ગુનાખોરીની દુનિયામાંથી બહાર નીકળવું હતું, પણ હરીફ માફિયાઓ સાથે મળેલી કરપ્ટ પોલીસ-સિસ્ટમે એને ફરી ફરીને ગુનેગાર બનાવ્યો. ફિલ્મમાં એવી લાઇનો પણ મુકાઈ છે કે, ‘મૈં બદલ ગયા પર તુમ લોગ બદલને નહીં દેતે.’ ધારાસભ્ય બનેલો ગવળી જ્યારે વિધાનસભામાં બેસવા જાય ત્યારે અન્ય ધારાસભ્યો એનાથી દૂર જતા રહે એ દૃશ્ય તો એ રીતે શૂટ થયું છે કે ગવળી જાણે ખરેખરી અસ્પૃશ્યતાનો શિકાર હોય! સૅકન્ડ હાફનો મૅજર પોર્શન જે છે અને જેના માટે ગવળી અત્યારે આજીવન કારાવાસમાં છે, તે ખૂનકેસને પણ એ રીતે રજૂ કરાયો છે કે જાણે ગવળીને ખોટો ફસાવી દેવામાં આવ્યો હોય.

મીડિયામાં અર્જુન-અશીમે દાવો કર્યો છે કે એમની આ ફિલ્મ રામ ગોપાલ વર્મા-અનુરાગ કશ્યપથી લઇને ક્વેન્ટિન ટેરેન્ટિનોના ચાહકોને પણ મજા પડે એ રીતે બનાવાઈ છે અને એ ટિપિકલ ગેંગસ્ટર મુવી નથી. પરંતુ યકીન માનો, આ ફિલ્મ પણ અગાઉ આવી ગયેલી ફિલ્મોથી જરાય અલગ નથી. ઊલટું અહીં તો અલગ અલગ પાત્રો (ગવળીની માતા, પત્ની, સાથીદારો વગેરે)ના માધ્યમથી ફ્લૅશબેકમાં વાર્તા કહેવાઈ છે. એટલે સ્ટોરી સતત સિત્તેર-એંસી-2000ના દાયકાઓમાં કૂદાકૂદ કરતી રહે છે અને આપણને કન્ફ્યુઝ કરતી રહે છે કે એક્ઝેક્ટ્લી કયા કાળમાં વાર્તા ચાલી રહી છે! પ્લસ ફિલ્મમાં એટલા બધા અજાણ્યા ચહેરાઓ છે કે કોણ કોના માટે કામ કરે છે ને કોણ કોનું શા માટે ઢીમ ઢાળે છે એ જ ન ખબર ન પડે. ગમે તે હોય, પણ આ ફિલ્મના સાઉન્ડમાં જબ્બર લોચો છે. સંખ્યાબંધ ડાયલોગ્સ સમજાતા નથી ને આપણે ‘હેં? શું બોલ્યો એ?’ એવું જ પૂછતા રહીએ છીએ. એક તરફ ગવળીને ‘રોબિનહૂડ’-લોકોનો નેતા ગણાવાયો છે, પણ બીજી બાજુ લોકો સાથેના એના ઇન્ટરએક્શનના ગણીને બે જ સીન બતાવ્યા છે. આટલું ઓછું હોય તેમ સવા બે કલાકની આ ફિલ્મ અતિશય સ્લો છે. સામાન્ય ફિલ્મોથી વિપરિત આ ફિલ્મનો ફર્સ્ટ હાફ ઠીચુક ઠીચુક ચાલે છે, જ્યારે બીજા હાફમાં યાને કે ઇન્ટરવલ પછી કહેવા માટે ખાસ કંઈ બચ્યું જ નથી. મંજે, ગોલિયાં ચલતી રહતી હૈ, ઔર હમ પકતે રહતે હૈ!

ક્રાઇમ કર, ફિલ્મોં મેં ડાલ

એક ડેડી હતી, મહેશ ભટ્ટની. એકદમ સંવેદનશીલ. અહીં સંવેદનો કરતાં બંદૂકની ગોળીઓ વધુ બોલે છે. કેરિકેચરિશ પાત્રોવાળી. રોબિનહૂડ ગેંગસ્ટર, ગ્લમરવાળા માફિયા ડોન, કરપ્ટ અને માફિયાઓની પંગતમાં બેસી ગયેલી પોલીસ, અપોર્ચ્યુનિસ્ટિક નેતાઓ, વલ્નરેબલ અને ઠેબે ચડતાં સ્ત્રીપાત્રો… નથિંગ ન્યુ. બોલિવુડિયા બાયોપિક્સમાં બનતું આવ્યું છે તેમ તેને જોવી હોય તો ટાઇમપાસ મનોરંજન તરીકે જોવી, તેને ગંભીરતાથી લેવાની કે હિસ્ટોરિકલ ફૅક્ટ તરીકે સાચી માનીને ઑપિનિયન બાંધવાની ભૂલ ક્યારેય ન કરવી.

(Reviewed for divyabhaskar.co.in)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Madaari

6zon09j843j21qiz-d-0-irrfan-khan-movie-madaari-poster-first-look

 • વિજિલાન્ટી ડ્રામાની મજા એ હોય છે કે સ્ક્રીન પર જોવાની જબ્બર મજા આવે. દબાયેલો-કચડાયેલો કોમનમેન કાયદો હાથમાં લે અને આતંકવાદીઓ-ભ્રષ્ટાચારીઓના ભુક્કા કાઢી નાખે. પછી એ ‘શહેનશાહ’માં લોખંડી હાથ સાથે ‘રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈ’ બનીને આવે, ‘હિન્દુસ્તાની’માં ચામડાના મ્યાનમાંથી છરો કાઢીને ભ્રષ્ટ લોકોના પેટમાં અંગ્રેજી આઠડો બનાવી દે, ‘રંગ દે બસંતી’માં રક્ષામંત્રીનું જ ઢિશ્ક્યાંઉ કરી નાખે, ‘ગબ્બર ઇઝ બૅક’માં કરપ્ટ લોકોને સાઉદી અરેબિયન સ્ટાઇલમાં જાહેરમાં ફાંસીએ ચડાવે, ‘ઉંગલી’માં રિક્ષાવાળાને મુંબઈથી દિલ્હી પાર્સલ કરે – પેટે બોમ્બ બાંધીને ભ્રષ્ટ અધિકારીઓને દોડાવે – લિટરલી પૈસા ખવડાવે, ‘અ વૅન્સડે’ની જેમ શહેરમાં બોમ્બ પ્લાન્ટ કરે અથવા પછી ‘મદારી’માં હૉમ મિનિસ્ટરના દીકરાને કિડનૅપ કરી લે. બે ઘડી તો આપણનેય થઈ જાય કે, ‘વાહ, આ હહરીના ભ્રષ્ટ લોકોની સામે તો આવું જ થવું જોઇએ.’ (કો’ક વળી ધરમિન્દર સ્ટાઇલમાં એવુંય બોલી નાખે કે આના કરતાં તો અંગ્રેજોનું શાસન સારું હતું અથવા તો આપણે લોકશાહીને નહીં સરમુખત્યારશાહીને જ લાયક છીએ.)
 • ઠીક છે, બે-અઢી કલાક ટાઢાબોળ થિયેટરમાં દેશનો કૂડોકર્કટ સાફ થતો જોવો ગમે, લેકિન રિયલ લાઇફમાં લોકો કાયદો હાથમાં લે ત્યારે ક્યાં નક્કી જ હોય છે કે એ નખશિખ પ્રામાણિક ‘સ્ટુપિડ કોમનમેન’ કે ‘મદારી’ની જેમ નાચતો પારેવા જેવો આમ આદમી જ હશે? એ તો પછી ધર્મ-કોમ-આરક્ષણના નામે ટ્રેન-બસ-પૉલીસવૅન પણ સળગાવે ને ગોરક્ષાના નામે દલિતોનેય ઢોરમાર મારે. ફિલ્મમાં તો શું છે કે કરપ્શનનો-કરપ્ટ લોકોનો ચહેરો સ્પષ્ટ હોય એટલે ચાલી જાય, પરંતુ રિયલ લાઇફમાં તો બધું ભેળસેળિયું ચિત્ર હોય. ઇવન અરીસામાં પણ જોવાનું આવે. અને ભલે ગમે તેવા જેન્યુઇન કારણોસર, પણ એકના કાયદો હાથમાં લેવાના કામને જસ્ટિફાય કરો પછી ન્યાયતંત્ર તો બાયપાસ જ થઈ ગયું ને? બસ, પછી તો પોલીસ-કૉર્ટની ક્યાં જરૂર છે? માર બૂધું ને કર સીધું! એટલે પર્સનલી ઍઝ અ કન્સેપ્ટ મને આવી વિજિલાન્ટી ડ્રામા ફિલ્મો ગમતી નથી. આમેય એ ‘યુટોપિયન ડિસ્ટોપિયા’થી વધારે કશું હોતી નથી. (હકીકતમાં કોમનમેન વિજિલાન્ટીગીરી કરવા જાય, તો એની હાલત ‘જાને ભી દો યારો’ના નસિર-રવિ બાસવાની જેવી જ થાય!) ઍની વે…
 • ‘મદારી’નું પહેલું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ ક્લિયર હતું કે આ ‘અ વૅન્સડે’ની બાટલીમાં ‘ગબ્બર’નો દારૂ ભરેલી પ્રોડક્ટ જ છે. અને નીકળ્યું પણ એવું જ. ‘મદારી’ ભાગ્યે જ ‘અ વૅન્સડે’ના ફરમામાંથી બહાર નીકળે છે (જ્યારે નીકળે છે ત્યારે ‘હાઇવે’ની બીજી બાટલી રેડી જ હોય છે). ઇવન તમે બંને ફિલ્મોમાં સામસામાં કેરેક્ટર પણ આઇડેન્ટિફાય કરી શકો. આમેય નિશિકાંત કામત મને ગમતા ડિરેક્ટર હોવા છતાં એ પણ હવે રોહિત શેટ્ટીની જેમ રિમેક સ્પેશિયાલિસ્ટ જ બની ગયા છે. (નિશિકાંતની પહેલી અને સરસ ફિલ્મ મરાઠી ‘ડૉમ્બિવલિ ફાસ્ટ’ પણ વિજિલાન્ટી ડ્રામા જ હતી.) ઇન્ટરેસ્ટિંગ વાત પાછી એ હોય કે જે નિશિકાંત કામત ‘મુંબઈ મેરી જાન’માં આંખ સામે આંખની મેન્ટાલિટીનો વિરોધ કરે એ જ પાછા વિજિલાન્ટી જસ્ટિસની વાત પણ કરે!
 • કોઇપણ જાતની ચરબી વિના ‘મદારી’ પર્ફેક્ટ થ્રિલરની નૉટ પર સ્ટાર્ટ થાય છે. સીધી બાત, નો બકવાસ. આ થ્રિલ પહેલા ઓલમોસ્ટ પોણો કલાક સુધી ચાલુ રહે છે. એક તરફ બાળક કિડનૅપ થાય, બીજી બાજુ તંત્ર હરકતમાં આવે અને બાળકને લઇને ચોર-પોલીસની ગૅમ સ્ટાર્ટ થાય.
 • અહીં મજા છે પર્ફોર્મન્સની. ઇરફાન તો કેમેરા સામે દાંત ખોતરે તોય એને માશાઅલ્લાહ ઑસ્કર આપી દેવાનું મન થાય. છતાં મને એની બૅકસ્ટોરીમાં બાપદીકરાના સીનમાં ઇરફાન એટલો અસરકારક ન લાગ્યો, જેટલો એ સૅડ સીનમાં ઇફેક્ટિવ છે. હા, પેલો કિડનૅપ થયેલો ટાબરિયો વિશેષ બંસલ જબરદસ્ત છે. એ જે રીતે મિનિસ્ટરના બગડેલા બચ્ચામાંથી મૅનિપ્યુલેટિવ, ડરેલું બાળક, એની માસુમિયત એ બધા જ કલર વન બાય વન બતાવતો રહે છે, એ જોતાં એ લંબી રેસ કા ઘોડા સાબિત થવાનો.
 • ઇરફાનની બૅકસ્ટોરી દસેક મિનિટમાં પતી જાય એમ હતી, અને સુખવિંદરે ગાયેલા એક નબળા ગીત દરમ્યાન આપણને એ સમજાઈ પણ જાય છે. છતાં મૅલોડ્રામા ઔર દિખાઓ, ઔર દિખાઓ! બબ્બે વાર ગીત પણ ચલાઓ! એ લાંબા ફ્લૅશબૅકમાં અગાઉ બિલ્ડઅપ થયેલી થ્રિલનું પડીકું વળી જાય છે. ‘અ વૅન્સડે’માં જે રૅસ અગેઇન્સ્ટ ટાઇમ ચાલતી હતી એ ઘડિયાળ જ અહીં બંધ પડી જાય છે. સ્ટાર્ટિંગમાં પણ જે રીતે બાળકના કિડનૅપ થવાની પ્રોસેસ બતાવી છે, તે લોજિકની ટૅસ્ટમાંથી માંડ ચઢાવો પાસ થાય છે (જબરદસ્ત સિક્યોરિટી છતાં નાનાં ટેણિયાં ચોકીદારને લાંચ આપીને રોજ રાત્રે એ પણ ૧૨થી ૪ દરમ્યાન હૉસ્ટેલની બહાર કેવી રીતે જઈ શકે?).
 • જિમી શેરગિલના ભાગે ‘અ વેન્સડે’નો રોલ જ રિપીટ થયો છે. અહીં એનો ચહેરો કરડો દેખાય છે, પણ કરવાનું કશું આવ્યું નથી. પરંતુ એ પોલીસ અધિકારી હોય કે નેતાઓ, મીડિયા પર્સન, સરકારી કર્મચારીઓ બધાં જ અહીં ટિપિકલ કૅરિકૅચરિશ અને વન ડાઇમેન્શનલ જ છે.
 • કદાચ રાઇટર રિતેશ શાહ અને ડિરેક્ટર નિશિકાંત કામતને પણ ખબર છે કે પોતાની ફિલ્મ ‘અ વૅન્સડે’ અને ‘હાઈવે’ના ટ્રેક પર જ છે. એટલે જ તે અત્યંત સૅલ્ફ અવૅર છે અને દર થોડીવારે મુખ્ય પાત્રો જ ‘પીડોફિલિયા’, ‘સ્ટૉકહૉમ સિન્ડ્રોમ’, ‘વિજિલાન્ટી’, ‘કાંગારૂ કૉર્ટ’, ‘કોમનમૅન’ની વાત કરે છે (કોઈ કહી જાય એ પહેલાં ડૅલ કાર્નેગી સ્ટાઇલમાં પોતે જ કબૂલી લેવાનું.)
 • ફિલ્મમાં અમુક વનલાઇનરો મસ્ત છે. ‘આઠ સાલ કે બચ્ચે કો ભી પતા હૈ પાવર ક્યા હૈ’, ‘તુમસે પહલે કોઈ કુછ ખરીદ લે તો સમઝો બુરે દિન આ ગયે તુમ્હારે’, ‘(ટ્રેન કે ટોઇલેટ મેં પાની) દેતે કહાં હૈ સેકન્ડ ક્લાસ વાલોં કો?’, ‘જંતર મંતર આના આજકલ ફૅશન બના રખા હૈ’, ‘ભ્રષ્ટાચાર કે લિયે હી સરકાર હૈ યે સચ હૈ’ વગેરે ખરેખર સારી લખાયેલી લાઇન્સ છે. એક જગ્યાએ ‘અચ્છે દિન કિસકે લિયે બુરે દિન લાયે હૈં’ જેવી લાઇન પણ છે (અટૅક!).
 • અહીં હૉમ મિનિસ્ટર પ્રશાંત ગોસ્વામી બનતા એક્ટર તુષાર દળવી સારા એક્ટર છે (મને તો એ ‘ઝી ટીવી’ના શરૂઆતના દિવસોમાં ફાલ્ગુની પરીખ સાથે વાચકોના પત્રો વાંચવાનો પ્રોગ્રામ કરતા ત્યારના એમને જોવા ગમે છે). પરંતુ ‘અ વૅન્સડે’માં નસિરુદ્દીન શાહના મોનોલોગ ટાઇપનો સીન અહીં ઇરફાનને બદલે તુષાર દળવીના ભાગે આવે, તો જનાબ, યે એક્સેપ્ટેબલ નહીં હૈ! આમેય મેસેજમાં આખી વાતનો અડિયોદડિયો દેશની જનતાને માથે જ નાખવાનો હોય (‘રાજા હિન્દુસ્તાની’માં કહે છે એમ ‘ઇસ દેશ મેં સબ હિન્દુ હૈ, મુસલમાન હૈ, બ્રાહ્મન હૈ, હરિજન હૈ, લેકિન હિન્દુસ્તાની કોઈ નહીં હૈ’ અને જેમ ‘ચક દે ઇન્ડિયા’માં કહે છે ‘મુઝે સિર્ફ એક હી નામ સુનાઈ દેતા હૈ, ઇ-ન્ડિ-યા’.) ટૂંકમાં ભ્રષ્ટાચાર પાછળ વાંક આપણો જ છે, કેમ કે આપણે સવાસો કરોડ ભારતીય તો ખાલી પાકિસ્તાન સામેની મૅચ હોય ત્યારે જ છીએ, બાકી તો ધર્મ-કોમમાં વહેંચાયેલા છીએ અને આપણેય તે આપણા નેતાઓ જેટલા જ ભ્રષ્ટ છીએ (અને ‘યથા પ્રજા તથા રાજા’ના ન્યાયે નેતાઓ પણ આપણી વચ્ચેથી જ આવે છેને).
 • ઇન શૉર્ટ, બે સારાં પર્ફોર્મન્સ સાથેની ‘અ વેન્સડે’ની ઠીકઠાક સિક્વલ જોવી હોય, તો આ ફિલ્મ ઇરફાનને લીધે એક વાર જોઈ શકાય. ફિલ્મમાંથી કાયદો હાથમાં લેવાને બદલે એક થવાનો મેસેજ લઇને બહાર નીકળીએ તો ગંગા નાહ્યા. મારા તરફથી આ ફિલ્મને અઢી (**1/2) સ્ટાર. હા, ફિલ્મના અંતે આવતી ફૈઝ અહમદ ફૈઝની ક્લાસિક કવિતા ‘બોલ કિ લબ આઝાદ હૈ તેરે’ ઇરફાનના કંઠે સાંભળવાનું ચૂકશો નહીં.
© Jayesh Adhyaru, Please share with due credits only.

દૃશ્યમ

આંખે દેખ્યું જૂઠ

***

તમારા નખની વસ્તી ઓછી કરી દે, હૃદયના ધબકારા વધારી દે, એવી આ અફલાતૂન સસ્પેન્સ થ્રિલર ફિલ્મ કોઇપણ ભોગે ચૂકવા જેવી નથી.

***

drishyamposter‘બાહુબલિ’ની ગગનચુંબી સફળતાએ સાબિત કરી આપ્યું કે એક એકથી ચડિયાતી ફિલ્મો બનાવવામાં દક્ષિણ ભારતનો ફિલ્મ ઉદ્યોગ આપણા બૉલીવુડ કરતાં દસ ડગલાં આગળ છે. તેમાં વધુ એક ઉમેરો છે ‘દૃશ્યમ.’ વાતના છેડા છેક જપાનમાં અડે છે. ૨૦૦૫માં જપાનમાં ‘ધ ડિવોશન ઑફ સસ્પેક્ટ X’ નામની થ્રિલર નવલકથા એવી સુપરહિટ થઈ કે તેની વીસ લાખથીયે વધુ નકલો વેચાઈ ગઈ. તેના પરથી જપાનમાં જ ‘સસ્પેક્ટ X’ નામની ફિલ્મ બની. તેના પરથી ૨૦૧૨માં દક્ષિણ કોરિયામાં ‘પર્ફેક્ટ નંબર’ નામે ફિલ્મ બની. એ પછી વારો આવ્યો ભારતનો. મૂળ વાર્તા પરથી પ્રેરણા લઇને કેરળના ટેલેન્ટેડ ફિલ્મમેકર જીતુ જોસેફે સુપરસ્ટાર મોહનલાલને લઇને ૨૦૧૩માં ‘દૃશ્યમ’ નામે ફિલ્મ બનાવી. મલયાલમ ફિલ્મોના ઇતિહાસમાં સૌથી વધુ સફળ ફિલ્મોની યાદીમા સ્થાન પામનારી એ ફિલ્મ પછી તો બધી દક્ષિણ ભારતીય ભાષાઓમાં બની. હવે છેક હિન્દીમાં નિશિકાંત કામતે અજય દેવગણ-તબ્બુ-શ્રિયા સરનને લઇને એ જ ‘દૃશ્યમ’ નામથી તેની વધુ એક રિમેક બનાવી છે. બિલોરી કાચ લઇને જોઇએ તો દેખાતા અમુક વાંધાવચકાને બાદ કરતાં આ ફિલ્મ એક અફલાતૂન સસ્પેન્સ થ્રિલર છે, તેમાં કોઈ બેમત નથી.

સચ, જૂઠ અને સાબિતી

વિજય સાળગાંવકર (અજય દેવગણ) ગોવામાં કૅબલ સર્વિસ ચલાવે છે. પ્રેમાળ પત્ની નંદિની (શ્રિયા સરન) અને બે દીકરીઓનો સ્નેહના મજબૂત તાંતણે બંધાયેલો એનો પરિવાર. માંડ ચાર ચોપડી ભણેલા વિજયનો એક ગાંડો શોખ છે, ફિલ્મો જોવાનો. ફિલ્મો જોઈ જોઇને એનું દિમાગ એસીપી પ્રદ્યુમ્ન કરતાં પણ વધારે તેજ થઈ ગયું છે. હવે કરમનું કરવું ને ગોવાના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ મીરાં દેશમુખ (તબ્બુ)નો જુવાન દીકરો ગાયબ થઈ જાય છે. એને ગાયબ કરવાનું આળ આવે છે આ વિજય સાળગાંવકર પર. હવે સવાલ એ છે કે શું ભગવાનના માણસ જેવો દિલેર અને બચરવાળ માણસનું એ કૅસ સાથે કોઈ જોડાણ હોઈ શકે ખરું? અને આમેય કાનૂન તો સબૂત માગે ને? એ સબૂત એટલે કે પુરાવા મળશે ખરા? સવાલો ઘણા છે, જવાબ એક જ છે, ફિલ્મ પોતે.

કિલર થ્રિલર

ફિલ્મ જોતાં જોતાં ભેજાનું દહીં થઈ જાય એવી વાર્તાઓ કહેવાની એક પૅટર્ન હોય છે. શરૂઆતમાં એક ક્રાઇમ થઈ જાય અને બાકીની ફિલ્મ તેના ફોલોઅપ તરીકે આગળ વધ્યા કરે. જ્યારે આ ‘દૃશ્યમ્’નું કામકાજ એના કરતાં ઊંધું છે. શરૂઆતમાં ખાસ્સા પોણો કલાક સુધી આપણને મસ્ત ગોવાદર્શન કરાવવામાં આવે. વિજય સાળગાંવકરની નાનકડી પણ મીઠડી દુનિયા બતાવાય. એનો પરિવાર, એના મિત્રો, કરપ્ટ પોલીસવાળા સાથે એની નોંકઝોંક, એના કૅબલ સર્વિસના આસિસ્ટન્ટ સાથે એની હળવી માથાકૂટો… આપણને થાય કે આ શું ટાઇમની બરબાદી કરે છે? ઝટ મુદ્દા પર આવોને. પરંતુ જેવી એક ઘટના બને કે તરત જ ફિલ્મ સીધી ચોથા ગિયરમાં આવી જાય. એટલું જ નહીં, છેક છેલ્લી ઘડીએ આખા સસ્પેન્સનું પડીકું ખૂલે, ત્યારે આપણા દિમાગમાં અચાનક હેલોજન લેમ્પનો ઉજાસ પથરાઈ જાય કે ભઈ, શરૂઆતમાં આપણને જ્યાં સુસ્તી લાગતી હતી ત્યાં તો કેટલીયે વાતોનાં રહસ્ય છુપાયેલાં હતાં.

ફ્રાન્સમાં રૉબર્ટ બ્રેસોં નામના એક ફિલ્મમૅકર થઈ ગયા. આપણે આપણા હૃદયના ધબકારા સાંભળી શકીએ એવી થ્રિલ ઊભી કરવામાં એમની માસ્ટરી. એમની એક કોમન થીમ એ રહેતી કે વાર્તામાં શું થયું, કોણે કર્યું એ નહીં, પણ કેવી રીતે કરશે એ પ્રશ્ન હવામાં લટકતો રહેતો. બસ, આ ‘દૃશ્યમ’ એવી જ છે. અહીં જે કંઈ બને છે એ બધું જ તમારી સામે છે. છતાં તદ્દન અશક્ય લાગતી એક સ્થિતિમાંથી માણસ કેવી રીતે નીકળી શકે છે એમાં જ બધો રોમાંચ સમાયેલો છે. ખાસ કરીને ઇન્ટરવલ પછી ફિલ્મ એ હદે તમને જકડી લે છે કે દર થોડીવારે તમને છાતીમાં થડકારો થાય કે, ‘હે મા, માતાજી. હવે તો ગયા.’

બહુ ઓછી એવી ફિલ્મો હોય છે, જે થિયેટરમાંથી બહાર નીકળ્યા પછીયે તમારી સાથે રહે. ‘દૃશ્યમ’ તેમાંની એક છે. કલાકો સુધી તમે વિચાર્યા કરો કે પેલાનું શું થયું? ફલાણાનું તેમ શા માટે ન થયું? ઘણા એવીયે ફરિયાદો કરશે કે અજય દેવગણ ફેમિલી મેન છે તો પત્ની અને બે દીકરીઓને એકલાં મૂકીને રાતોની રાતો પોતાની કૅબલની ઑફિસમાં જ કેમ પડ્યો રહે છે? ફિલ્મનો પહેલો ટર્નિંગ પોઇન્ટ જ્યાં આવે છે તે સીન પૂરતો કન્વિન્સિંગ લાગતો નથી. ઉપરથી જે લોકો તેનું ઑરિજિનલ મલયાલમ વર્ઝન જોઇને બેઠા છે, તેઓ અભિનેતા મોહનલાલ (તબ્બુવાળી એમની ‘સઝા-એ-કાલાપાની’ યાદ છેને?)ના નામનો જ જયજયકાર બોલાવશે. કાયદાનાં ચશ્માં પહેરીને ફિલ્મ જોઇએ તો લાગે કે આ તો ખોટું છે યાર. તેમ છતાં તમે છેક સુધી કોનો પક્ષ લેવો તે નક્કી ન કરી શકો, તે આ ફિલ્મની સફળતા છે. ઊલટું, તમે જ્યારે એક નખશિખ થ્રિલર જોયાના સંતોષ સાથે સિનેમા હૉલની બહાર નીકળો ત્યારે તમને એવોય વિચાર આવે કે શરૂઆતમાં જે વિગતો સાવ ધીમી, બોરિંગ અને સામાન્ય જણાતી હતી, તેમાં જ ઘણાં બધાં રહસ્યો છુપાયેલાં હતાં. એ વિગતો રિકૉલ કરવા માટે તમે ફરી પાછી એકવાર ફિલ્મ જોવાનું નક્કી કરી લો.

અંગ્રેજીમાં ‘મૅક-બિલિવ’ નામનો એક શબ્દપ્રયોગ છે. જ્યારે આપણી આંખો સામે એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી જાય કે સત્ય અને છળ વચ્ચે તફાવત કરવો જ અશક્ય બની જાય. આ પ્રકારની થીમ ધરાવતી ‘કત્લ’ (સંજીવ કુમાર), ‘ડાયલ એમ ફોર મર્ડર’ (અલ્ફ્રેડ હિચકોક), ‘ધ પ્રેસ્ટિજ’ (ક્રિસ્ટોફર નોલાન), ‘નાઉ યુ સી મી’, ‘યુઝવલ સસ્પેક્ટ્સ’ (હિન્દીમાં ‘ચોકલેટ’), ‘જ્હોની ગદ્દાર’ વગેરે ક્લાસિક ફિલ્મો આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ. આ હિન્દી ‘દૃશ્યમ’ એટલી મહાન છે કે નહીં તે વિશે મતભેદ હોઈ શકે, પરંતુ તેને આ કેટેગરીમાં મૂકી શકાય તે નિઃશંક વાત છે. આ લિસ્ટમાં અજય દેવગણની જ ૨૦૦૨માં આવેલી હૉલીવુડની ‘પ્રાઇમલ ફિઅર’થી પ્રેરિત ફિલ્મ ‘દીવાનગી’નો પણ સમાવેશ કરી શકાય.

શુભસ્ય શીઘ્રમ દૃશ્યમ

જો પાણીમાંથી પોરા કાઢવા બેસીએ તો ફિલ્મની ધીમી શરૂઆત અને એનર્જી વિનાની એક્ટિંગથી લઇને ગુલઝાર-વિશાલ ભારદ્વાજનાં બે ઠીકઠાક પરંતુ અહીં તદ્દન વણજોઇતાં ગીતો, અજય દેવગણની ઓછી ઇમોશનલ અપીલ, ઇન્સ્પેક્ટર જનરલ તરીકે ઓછી ટફ લાગતી તબ્બુ, વેડફાયેલા રજત કપૂર, ૧૬૩ મિનિટની લંબાઈ વગેરે ઢગલો મુદ્દા મળી શકે. પરંતુ સામે બોચીએથી પકડી લેતું સૅકન્ડ હાફનું ગજબનાક થ્રિલ, કોઈપણ બીબાંઢાળ થ્રિલર ફિલ્મથી અલગ એકદમ ફ્રેશ વાર્તા, ધીમે ધીમે અનફોલ્ડ થતું સત્ય, સબ ઇન્સ્પેક્ટર ગાયતોંડે બનતા એક્ટર કમલેશ સાવંત પર તમને ચડતી દાઝ, તરત જ ટિકિટ કઢાવી લેવાનું મન થાય તેવું (‘મસાન’ ફેમ) અવિનાશ અરુણે ઝીલેલું લીલુંછમ ગોવા જેવા અઢળક પ્લસ પોઇન્ટ્સ પણ દેખાઈ આવશે. સો વાતની એક વાત, વહેલી તકે પર્ફેક્ટ ‘ફેમિલી થ્રિલર’ એવી ‘દૃશ્યમ’ જોઈ આવો. શક્ય હોય, તો ઑરિજિનલ મલયાલમ ‘દૃશ્યમ’ જોશો તો થ્રિલનો ગુણાકાર પણ થશે. સાથોસાથ એ વાતની પ્રતીતિ પણ થશે કે અલ્ટિમેટલી તો ‘સ્ટાર પાવર’ કરતાં ‘સ્ટોરી પાવર’ વધારે મહાન હોય છે.

રેટિંગઃ **** (ચાર સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.