એરલિફ્ટ

દેશભક્તિ, હીરોભક્તિ, ફિલ્મીપંતી

***

જો આપણા ટિપિકલ ફિલ્મી મસાલા નાખવાની લાલચ ન રાખી હોત તો આ ફિલ્મ બેજોડ થ્રિલર ફિલ્મ બની શકી હોત.

***

thequint2f2016-012f61767d46-d46e-4178-8077-b89fbfdfc86b2fairlift-poster-2ફિલ્મોનું એક મહત્ત્વનું કામ એ પણ છે કે દેશ જેને વીસરી ગયો હોય, જેના પર સમયની ધૂળ લાગી ગઈ હોય તેવા સાચા હીરોની ગાથાઓ શોધી કાઢીને આપણી સમક્ષ મૂકવી. ‘એરલિફ્ટ’ આવા જ એક બેમિસાલ પરાક્રમની દાસ્તાન છે. આજે પણ જેના વિશે જાણીએ તો વિશ્વાસ ન આવે એવું અશક્યવત્ મિશન આપણા દેશના જાંબાઝોએ અઢી દાયકા પહેલાં પાર પાડેલું. પરંતુ શરત એ છે કે તેની વાત કરવા બેસીએ તો સાચા હીરો પર ફિલ્મી પડદાનો હીરો હાવી ન થવો જોઇએ અને તે પરાક્રમ સાથે સંકળાયેલી કોઇપણ વ્યક્તિને અન્યાય ન થવો જોઇએ. અક્ષય કુમારને ચમકાવતી ‘એરલિફ્ટ’માં જાણ્યે-અજાણ્યે ક્યાંક એવું થઈ ગયું છે.

યે જો દેશ હૈ તેરા

૧ ઑગસ્ટ, ૧૯૯૦. સદ્દામ હુસૈનની ઈરાકી સેના અચાનક પાડોશી દેશ કુવૈત પર ચડી આવી અને તેને ખેદાનમેદાન કરવાનું શરૂ કરી દીધું. કુવૈતીઓને વીણી વીણીને મારવાનું શરૂ કર્યું. પરંતુ જૂની દોસ્તીનો લિહાજ રાખીને ત્યાં વસતા ભારતીયો પર થોડી દયા ખાધી. પરંતુ ગઇકાલ સુધી પોતાને કુવૈતી માનતા ભારતીયો રાતોરાત રેફ્યુજી બનીને રસ્તા પર આવી ગયા. એમાં ત્યાંનો એક બિલ્યનેર બિલ્ડર રંજીત કટિયાલ (અક્ષય કુમાર) પણ અંટાઈ ગયો. કુવૈતમાં એ પત્ની અમ્રિતા (નિમ્રત કૌર) અને એક મીઠડી દીકરી સાથે જલસાથી રહે. કુવૈતનાં મોટાં માથાં સાથે પાર્ટીઓમાં મહાલતા કટિયાલને રાતોરાત આઇડેન્ટિટી ક્રાઇસિસ ઊભા થઈ ગયા કે એ પોતે કુવૈતી છે કે ભારતીય? જેમ જેમ કુવૈત પર સદ્દામનો કબ્જો મજબૂત બનતો ગયો, તેમ તેમ કટિયાલ પરિવાર અને એમના જેવા બીજા હજારો ભારતીયો પાસે કુવૈત છોડવા સિવાય બીજો કોઈ રસ્તો જ ન રહ્યો. પરંતુ નીકળવું કેવી રીતે? આખરે કટિયાલે દિલ્હીમાં ભારતના વિદેશખાતાનો સંપર્ક સાધીને મદદ માગી અને નક્કી કર્યું કે પોતાની શરણમાં આવેલા સેંકડો ભારતીયોને સલામત સ્વદેશ પહોંચાડ્યા વિના કુવૈત છોડવું નહીં.

ઇતિહાસ ગવાહ છે કે બે મહિનાની અંદર ભારતે ‘એર ઇન્ડિયા’ની ૪૮૮ જેટલી ફ્લાઇટો ઉડાડીને ૧.૧૦ લાખથી ૧.૭૦ લાખ જેટલા લોકોને હેમખેમ સ્વદેશ પાછા લાવેલા. ‘ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સ’માં નોંધાયેલું આ ઇતિહાસનું સૌથી મોટું રેસ્ક્યુ ઑપરેશન હતું. તેની ફિલ્મી દાસ્તાન એટલે ‘એરલિફ્ટ’ની બાકીની સ્ટોરી.

ફટા બમ, નિકલા હીરો

સત્યઘટના પરથી બનેલી રેસ્ક્યુ થ્રિલર પ્રકારની ફિલ્મોનો પોતાનો આગવો ચાર્મ હોય છે. ઈ.સ. ૧૯૭૯-૮૦માં ઇરાનના હોસ્ટેજ ક્રાઇસિસ પરથી બનેલી ઑસ્કર વિનિંગ હૉલીવુડ ફિલ્મ ‘આર્ગો’, કે આફ્રિકન દેશ રવાન્ડામાં ચાલેલા ખૂની જીનોસાઇડમાં સેંકડો લોકોને બચાવનારા હૉટેલ મેનેજરની સાચી દાસ્તાન પરથી બનેલી સુપર્બ ફિલ્મ ‘હૉટેલ રવાન્ડા’ તેનાં બેસ્ટ એક્ઝામ્પલ છે. આપણી પાસે આ બંને ઘટનાઓને પણ વટી જાય તેવી અને માનવ ઇતિહાસે ક્યારેય ન જોયું હોય તેવા અભૂતપૂર્વ રેસ્ક્યુ ઑપરેશનની સ્ટોરી હતી. અફસોસ કે આપણે તે અપ્રતિમ સાહસને પૂરતો ન્યાય આપી શક્યા નથી.

માત્ર બે કલાક લાંબી ‘એરલિફ્ટ’ ફિલ્મનો ઇરાદો નેક છે. ફિલ્મની શરૂઆતમાં ઇરાકી આર્મી માતેલા સાંઢની જેમ કુવૈતમાં ધસી આવે અને નિર્દોષ લોકોને મસળવા માંડે એ દૃશ્યો કાળજું કંપાવી દે તેવાં છે. તે વખતે પોતાને કુવૈતી ગણાવતા અને ભારતનું મ્યુઝિક સાંભળવું પણ પસંદ ન કરતા મૅલ શોવિનિસ્ટ ઉદ્યોગપતિ પાસે તમે હીરોગીરીની અપેક્ષા રાખી શકો? પરંતુ આસપાસ બની રહેલી ઘટનાઓ એનું રાતોરાત હૃદય પરિવર્તન કરી નાખે છે. કદાચ એમાંથી જ એનામાં એક એક્સિડેન્ટલ હીરો પેદા થઈ જાય છે. રાતોરાત મૂળસોતાં ઊખડી જવાની પીડા અને માથા પર કોઈ દેશનું છત્ર ન હોય તેવી ભયાવહ સ્થિતિ ફિલ્મના પહેલા અડધા કલાકમાં જ અનુભવી શકાય છે. ઉપરથી મસ્ત એરિયલ શૉટ્સવાળી અફલાતૂન સિનેમેટોગ્રાફી પ્લસ ફિલ્મને વિન્ટેજ લુક આપતો કલર ટૉન ‘એરલિફ્ટ’ને એક ડૉક્યુડ્રામાની ફીલ આપે છે. ફિલ્મમાં ‘તેઝાબ’ ફિલ્મનું ‘એક દો તીન’ ગીત ચાલતું હોય, પાકિસ્તાની આર્ટિસ્ટ ખાલેદના હીટ સોંગ ‘દીદી’ની તર્જ પર બનેલું હિન્દી ગીત હોય (જોકે ‘દીદી’ ગીત ૧૯૯૧માં બહાર પડેલું, ‘એરલિફ્ટ’ના ઘટનાક્રમ પછી) કે પછી ટીવી પર બૅકગ્રાઉન્ડમાં સચિન તેંડુલકર નામના નવા છોકરાને ટીમમાં લેવાના મુદ્દે વાત ચાલતી હોય, એ બધું જ આપણને એક વીતેલા જમાનામાં લઈ જાય છે.

પરંતુ પ્રોબ્લેમ ત્યારપછી શરૂ થાય છે. જે ફિલ્મમાં એકપણ ગીતની જરૂર ન હોય ત્યાં અહીં પાંચેક ગીતો છે, જે બે કલાકની ફિલ્મની વીસેક મિનિટ ખાઈ જાય છે. પરંતુ તેનો મોટો ગુનો એ છે કે તે ફિલ્મની થ્રિલને કિલ કરી નાખે છે. એક તબક્કે શહેરમાં અંધાધૂંધી ચાલતી હોય અને થોડા સમય પછી એ બધું જ આપણી આંખ સામેથી ગાયબ.

ફિલ્મના અંતે ખબર પડે છે કે રિયલ લાઇફની બે વ્યક્તિઓ પરથી અક્ષય કુમારનું પાત્ર બનાવાયું છે. પરંતુ ફિલ્મનો કેટલો બધો સમય અક્ષય કુમાર કેવો મહાન લીડર છે, કેટલો સારો નિગોશિએટર છે, કેટલો ઉમદા ઇન્સાન છે તે બતાવવામાં જ વેડફાઈ ગયો છે. જે બાબતો આપણને ઑલરેડી પડદા પર દેખાય છે, તેને મૅલોડ્રામેટિક રીતે બોલી બોલીને કહેવામાં આવી છે. અક્ષયના પાત્રની આ હીરોગીરી પર એટલું બધું ફોકસ કરાયું છે કે ફિલ્મના બીજા ઇક્વલ હીરો એવી આપણી સરકાર, એર ઇન્ડિયા, આપણું સૈન્ય તેમને ભાગે કશું જ આવ્યું નથી. જ્યારે હકીકતમાં એર ઇન્ડિયાએ જીવસટોસટની કામગીરી ન બજાવી હોત તો મોટા ભાગના લોકોનું ભવિષ્ય અંધકારમય હતું. વળી, આપણી સરકારને દેશના લોકોની કશી પડી જ નહોતી એ ફીલ પણ અહીં ફાંસની જેમ વાગે છે. પ્રકાશ બેલાવાડી જેવા ઉમદા એક્ટરનું અત્યંત ઇરિટેટિંગ પાત્ર ફિલ્મનો મહત્ત્વનો હિસ્સો ખાઈ જાય છે, જેને કારણે દોજખમાંથી હેમખેમ બહાર નીકળ્યાનો કોઈ જ સંતોષ અનુભવાતો નથી. ઇવન અક્ષય કુમારે ખરેખર કેટલા લોકોને બચાવેલા અને બાકીના લોકો કઈ રીતે આવ્યા તે પણ આ ફિલ્મમાંથી જાણવા મળતું નથી.

પડદાના હીરો

આપણે ભુલાવી દીધેલી ગૌરવપ્રદ દાસ્તાન ફરીપાછી બહાર લાવવા બદલ ડિરેક્ટર રાજા ક્રિશ્ન મેનન અને ફિલ્મના જથ્થાબંધ પ્રોડ્યુસરોને અભિનંદન આપવા ઘટે. એકમાત્ર બિનજરૂરી ફાઇટ સીનને બાદ કરતાં અક્ષય કુમાર પર્ફેક્ટ્લી કન્વિન્સિંગ છે. એવી જ કન્વિન્સિંગ ક્યુટ કુડી નિમ્રત કૌર છે (ખાલી એ સમજાયું નહીં કે ધડ ઉપર માથું ન હોય એવી સ્થિતિમાં પણ એ પોતાનો પર્ફેક્ટ્લી ટચઅપ થયેલો મૅકઅપ કેવી રીતે જાળવી શકી હશે?) પરંતુ સૌથી વધુ ધ્યાન ખેંચ્યું દિલ્હીમાં વિદેશ ખાતામાં બેસીને પોતાની ફરજ બજાવનારા બાબુ ‘સંજીવ કોહલી’ના પાત્રમાં કુમુદ મિશ્રાએ. એમણે મિનિમમ ડાયલોગ્સથી પણ પોતાની અસરકારકતા બતાવી દીધી છે. ફિલ્મનું જો સૌથી મોટું અને ખોટું કાસ્ટિંગ હોય છે ઇરાકી મૅજર બનતા ઇનામુલ હક. ‘ફિલ્મિસ્તાન’વાળા ઇનામુલ ભયાનકને બદલે કોમિક લાગે છે. એક્ટર પૂરબ કોહલીનું કેરેક્ટર નાનું છે પણ હૃદયસ્પર્શી છે. સુરેન્દ્ર પાલ અને નિનાદ કામત બહુ દહાડે દેખાયા છે, તો અવતાર ગિલ ‘વઝિર’ પછી ફરી પાછા હાઉકલી કરીને જતા રહ્યા છે.

હિન્દુસ્તાન ઝિંદાબાદ

ઘણા માઇનસ પોઇન્ટ્સ છતાં ‘એરલિફ્ટ’માં બહુ બધી થ્રિલિંગ મોમેન્ટ્સ છે. તિરંગો ઊંચો થતો જોઇને રૂંવાડાં ઊભાં થાય એવી દેશભક્તિની ક્ષણો પણ છે. ભલે બિનજરૂરી, પણ સાંભળવું ગમે તેવું એકદમ સોલફુલ મ્યુઝિક પણ છે. પરંતુ અંતે આ એક વાસ્તવિક ઘટનાનું ફિલ્મી વર્ઝન છે. તેના પરથી એક્ચ્યુઅલ ઘટનાક્રમનો તાગ મેળવવાની અપેક્ષા રાખવી નહીં. આપણે પણ કંઈ કમ બહાદૂર નથી તે દેશભક્તિની ફીલિંગ મળે તો પણ ભયો ભયો.

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

ધ લંચબોક્સ

આને કહેવાય ઓસ્કર વિનર વાનગી

***

રિતેશ બત્રાની ફિલ્મ ધ લંચબોક્સ જો ભારત તરફથી ઓસ્કર માટે પસંદગી પામે તો એ આપણી ઓસ્કરની ભૂખ ભાંગે એવું કૌવત છે એમાં.

***

0ed7a0df9546047cb2fbb4eff7915a81કેટલીક ફિલ્મો માત્ર ફિલ્મ નથી હોતી, એ પ્યોર સિનેમા હોય છે. ડિરેક્ટર રિતેશ બત્રાની ફિલ્મ ‘ધ લંચબોક્સ’ આવી જ એક ફિલ્મ છે. મારધાડ અને માત્ર જંકફૂડ જેવી મસાલા ફિલ્મોના ઢગલા વચ્ચે આવી ફિલ્મો પણ આપણે ત્યાં બને છે એ જોઇને કોઇપણ સિનેમા પ્રેમીને હૈયે ટાઢક થાય.

રોમાન્સ ઓફ ધ એરર

આ ફિલ્મની સ્ટોરી કંઇક અંશે આપણને ‘પત્રમિત્રો’ (અંગ્રેજીમાં ‘લવલેટર્સ’) કે હોલિવૂડની ‘યુ હેવ ગોટ મેઇલ’ કે એના પરથી આપણે ત્યાં બનેલી ‘દિલ હી દિલ મેં’ કે ‘સિર્ફ તુમ’ની યાદ અપાવે, જે દરેકમાં બંને મુખ્ય પાત્રો એક બીજાને મળ્યા વિના જ એકબીજાના પ્રેમમાં પડી જાય છે.

ફિલ્મમાં વાત છે રિટાયરમેન્ટને આરે આવેલા વિધુર સાજન ફર્નાન્ડિસ (ઇરફાન ખાન) અને પતિ અને એક નાનકડી દીકરીની સંભાળમાં પોતાની જાતને ખોઇ બેઠેલી ગૃહિણી ઇલા (નિમ્રત કૌર)ની. આમચી મુંબઇના ક્યારેય ભૂલ ન કરતા હોવાનું કહેવાતા ડબ્બાવાળાઓની મદદથી નિમ્રત રોજ પોતાના પતિની ઓફિસે ટિફિન મોકલાવે. એ જ રીતે સરકારી વીમા કંપનીમાં સાડા ત્રણ દાયકાથી કામ કરતો ઇરફાન પણ એ જ રીતે એક રેસ્ટોરાંમાંથી ટિફિન મંગાવે છે. પરંતુ એક દિવસ ઇલાનું ટિફિન સાજન પાસે અને સાજનનું ટિફિન ઇલાના પતિદેવ (નકુલ વૈદ્ય) પાસે પહોંચી જાય છે. નકુલને પોતાની પત્ની સામે જોવાની પણ ફુરસદ નથી, કહો કે રસ પણ નથી. પરંતુ ટિફિન એક્સચેન્જ થઇ જવાની ભૂલને કારણે બંને વચ્ચે ટિફિનની સાથે રોજ એક ચિઠ્ઠીની આપ-લે કરવાનો વ્યવહાર શરૂ થાય છે.

ફિલ્મમાં બહુ થોડાં પાત્રો છે, પરંતુ દરેક પાત્રની બેક સ્ટોરી છે. જેમ કે, ઇરફાનની જગ્યાએ શેખ (નવાઝુદ્દીન સિદ્દીકી) નામનો કર્મચારી આવે છે, જેને ટ્રેઇન કરવાની જવાબદારી અફ કોર્સ ઇરફાન પર જ આવે છે. શેખ બકબકીયો છે, થોડો ઇરિટેટિંગ છે અને ભારે ચિપકુ છે. એનાં ટૂંક સમયમાં જ લગ્ન થવાનાં છે. આ તરફ નિમ્રત કૌર પોતાની ઉપરના ફ્લેટમાં રહેતાં આન્ટી મિસીસ દેશપાંડે સાથે ઘરમાં રહ્યે રહ્યે જ આખો વખત વાત કર્યા કરે છે. એ આન્ટી એમનાં ફ્રેન્ડ ફિલોસોફર એન્ડ ગાઇડ છે, પરંતુ ફિલ્મમાં એમનો ચહેરો ક્યારેય બતાવતા નથી. માત્ર અવાજ પરથી આપણને ખબર પડે છે કે આ તો (‘વાગલે કી દુનિયા’વાળાં) ભારતી આચરેકર છે. એ આન્ટીના પતિદેવ વર્ષોથી કોમામાં છે. નિમ્રતના પપ્પાને ફેફ્સાંનું કેન્સર છે. ભૂતકાળમાં નિમ્રતના ભાઇએ નાની ઉંમરમાં જ આત્મહત્યા કરેલી. ઇન શોર્ટ, દરેક પાત્રને પોતાનાં દુઃખ છે, પરંતુ જીવ્યે જાય છે.

પત્રોમાં જેમ જેમ નિમ્રત અને ઇરફાન ખૂલતાં જાય છે, એમ એમ એમની વાતો વધુ અંગત થતી જાય છે. બંને પોતાનાં સુખ-દુઃખ ચિઠ્ઠીમાં વહેંચતાં થાય છે. નિવૃત્ત થયા પછી ઇરફાનની ઇચ્છા નાસિકમાં સેટલ થવાની છે, પરંતુ નિમ્રતનો સાથ મળવાની આશાએ એ નિવૃત્તિ પાછી ઠેલે છે. એક દિવસ બંને મળવાનું નક્કી કરે છે, પરંતુ ઇરફાનને અચાનક એક ઝટકા સાથે એક વાતનો ખ્યાલ આવે છે અને એ નિમ્રતને મળતો જ નથી. એ પોતાની નિવૃત્તિ ફરી વાર બહાલ કરાવીને નાસિક જવાની તૈયારી કરી લે છે. આ તરફ ગુસ્સે થયેલી નિમ્રતના જીવનમાં પણ એક સાથે બબ્બે ધરતીકંપ આવે છે.

એકે એક સીનમાં લાગણી

લેખક-દિગ્દર્શક રિતેશ બત્રા આ ફિલ્મ લખતાં અગાઉ ડબ્બા સર્વિસવાળાઓ સાથે એક અઠવાડિયું રહેલા. એ દરમિયાન એમને કેટલીયે રસપ્રદ સ્ટોરીઓ સાંભળવા મળેલી. એમાંથી જ એમને આ ફિલ્મ લખવાનો આઇડિયા આવ્યો. ‘ધ લંચબોક્સ’ ફિલ્મમાં ઘણી બધી જગ્યાએ ડાયલોગ્સ બોલાતા જ નથી. તેમ છતાં એ દૃશ્યો બહુ બધું કહી જાય છે. એનું કારણ છે એક્ટિંગના મહારથીઓ ઇરફાન અને નવાઝુદ્દીનની પરફેક્શનની નજીક પહોંચતી એક્ટિંગ. જેમ કે, વર્ષોથી એકલો રહીને થોડો ચીડિયો થઇ ગયેલો પરફેક્શનિસ્ટ એવો ઇરફાન પોતાના કામમાં ક્યારેય ભૂલ કરતો નથી. પરંતુ એ ચીકણો એવો કે પોતાનાં વાંચવાનાં ચશ્માં ક્યારેય જમીન પર ન મૂકે, બલકે એના કેસમાં જ મૂકે. પાડોશનાં બાળકો ક્રિકેટ રમતાં અવાજ કરે એમનો દડો પોતાને ત્યાં આવે એ એને ન ગમે, પણ પોતે રાત રાત ભર જાગીને એની પત્નીએ રેકોર્ડ કરેલી ‘યે જો હૈ ઝિંદગી’ના એકના એક એપિસોડ્સ જોયે રાખે.

એ જ રીતે એકની એક બીબાંઢાળ જિંદગીમાં ફસાયેલી નિમ્રત માત્ર પતિનું અટેન્શન મેળવવા માટે જ નવી નવી રેસિપી ટ્રાય કરતી રહે છે. એ ઇરફાનને કહે છે કે એના ઉપરવાળાં આન્ટીના કોમામાં રહેલા પતિ આખો વખત ઉપર ફરતા પંખાને જોયે રાખે છે, જ્યારે એનો પતિ સતત મોબાઇલમાં તાક્યા કરે છે, જાણે બંનેમાં કોઇ ફરક જ નથી.

નિમ્રત કૌરની માતા તરીકે લિલેટ દુબે માત્ર બે જ સીનમાં દેખાય છે, પણ એનું પાત્ર તમને છેક સુધી યાદ રહી જાય છે.

માત્ર બતાવે નહીં, વિચારતા કરે

આ પ્રકારની ‘પ્યોર સિનેમા’ની કેટેગરીમાં આવતી ફિલ્મોના દરેકે દરેક સીનને તમે ધ્યાનથી જુઓ તો એમાં કોઇને કોઇ વાત છુપાયેલી હોય છે. આ ફિલ્મમાં પણ એવું જ છે. તમે એના ડાયલોગ્સની, કલાકારોના અભિનયની, કેમેરા એન્ગલ્સની, જે વસ્તુ નથી બોલાતી કે કેમેરામાં નથી બતાવાતી એ પણ કેટલી અસરકારક રીતે કહેવાઇ જાય છે એ તમામ પાસાં ચર્ચા કરી શકો.

પરંતુ આ કમર્શિયલ સિનેમાની ફિલ્મ નથી. અહીં નાચગાના, ફાઇટ સીન, ડાયલોગબાજી, ફોરેન લોકેશન્સ વગેરે કશું જ નથી. એટલે એવી અપેક્ષાએ જશો તો નિરાશ થશો. પરંતુ ક્યારેક ડોક્યુડ્રામા જેવી બની જતી આ ફિલ્મને એક નિતાંત સંવેદનશીલ વાર્તા તરીકે જોશો તો એ તમને વિચારતા કરી મૂકશે કે આપણે કેટલી સહેલાઇથી આપણી આસપાસની દુનિયાને અવગણવા માંડીએ છીએ. આપણે રોજિંદી ઘટમાળમાં કેદ થઇને કેટકેટલું ગુમાવી બેસીએ છીએ એનો આપણને ખ્યાલ સુદ્ધાં નથી આવતો.

અત્યારે ઓસ્કર એવોર્ડ્સ માટે ભારત તરફથી કઇ ફિલ્મ મોકલવી જોઇએ એની ચર્ચા ચાલે છે. આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલોમાં પહેલાં જ વાહવાહી મેળવી ચૂકેલી રિતેશ બત્રાની ‘ધ લંચબોક્સ’ જો ઓસ્કર માટે સિલેક્ટ થાય તો આપણી ઓસ્કરની ભૂખ ભાંગે એવું પૂરેપૂરું કૌવત છે એમાં.

રેટિંગઃ ****1/2 (સાડા ચાર સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.