ધ ગાઝી અટેક

ઉચ્છલ જલધિ તરંગ

***

ભારતના સૈન્ય ઇતિહાસમાં ભુલાયેલી ઘટનાને ફરીથી ઉજાગર કરતી આ થ્રિલિંગ વૉર ફિલ્મ ચૂકવા જેવી નથી.

***

ddddએક સારી થ્રિલર ફિલ્મ કેવી હોય? સાવ ટૂંકમાં કહેવું હોય તો આજે રિલીઝ થયેલી ‘ધ ગાઝી અટેક’ જેવી. કોઈ ખોટી ચરબી નહીં, ફાલતુ ગીતો નહીં, આડી-તેડી ગિમિકરી નહીં, સીધી એક જ મુદ્દાની વાત અને તેને જ વળગીને આગળ વધતી સ્ટોરી, 125 મિનિટનું પ્યોર ઍજ ઑફ ધ સીટ થ્રિલ. આપણે ત્યાં સબમરીનને કેન્દ્રમાં રાખીને કોઈ ફિલ્મ બની હોય તેવું યાદ નથી આવતું. હા. હૉલિવૂડમાં આ લિસ્ટ ખાસ્સું મોટું છે. હિન્દી અને તેલુગુમાં એકસાથે બનેલી ‘ધ ગાઝી અટેક’ એક સારી રીતે લખાયેલી, મસ્ત રીતે એક્ઝિક્યુટ થયેલી અને દેશભક્તિનાં ઇન્જેક્શન મારે તેવી નખશિખ થ્રિલર ફિલ્મ છે.

સારે જહાં સે શૂરવીર

લાંબા ડિસ્ક્લેમર અને અમિતાભ બચ્ચનના વોઇસ ઑવર સાથે શરૂ થતી આ ફિલ્મનું પ્રિમાઇસ ભારત-પાકિસ્તાન વચ્ચેના ત્રીજા યુદ્ધની જસ્ટ પહેલાંનું એટલે કે નવેમ્બર, 1971નું છે. પૂર્વ પાકિસ્તાન (અત્યારના બાંગ્લાદેશ) પર પોતાનો પંજો મજબૂત કરવા પાકિસ્તાને બંગાળની ખાડીમાં પોતાની ખૂફિયાગીરી વધારી. આટલું ઓછું ન હોય, તેમ આપણા એરક્રાફ્ટ કેરિયર ‘INS વિક્રાંત’ને તોડી પાડવાનો નાપાક મનસૂબો બનાવ્યો. પરંતુ આ મનસૂબો પાર પડે તે પહેલાં જ વચ્ચે આપણી સબમરીન ‘S21’ વચ્ચે આવી ગયેલી. INS વિક્રાંતને ઊની આંચ નહોતી આવી તે આપણને ખબર છે. પરંતુ તે કેવી રીતે બચ્યું (અને 1971ના યુદ્ધનો હીરો બન્યું) તેની ‘ફિલ્મી’ દાસ્તાન ‘ધ ગાઝી અટેક’ કહે છે. ‘ફિલ્મી’ એટલા માટે કે પાકિસ્તાની સબમરીન ‘PNS ગાઝી’ કેવી રીતે ડૂબી તેનો ઇતિહાસ વિવાદાસ્પદ છે. ભારત કહે છે કે આપણી નેવીના જાંબાઝ જવાનોએ ગાઝીને પેટાળભેગી કરી, તો પાકિસ્તાન કહે છે કે ઇન્ટર્નલ બ્લાસ્ટને કારણે ગાઝી નાશ પામી. ડિરેક્ટર સંકલ્પ રેડ્ડીએ આ બનાવનું આપણને માફક આવે તેવું ઇન્ટરપ્રિટેશન કરીને ફિલ્મ પેશ કરી છે. હા, ફિલ્મમૅકર્સે કોઈ ચોક્કસ પુસ્તકનો સંદર્ભ લીધો છે કે કેમ તેનો ઉલ્લેખ કર્યો હોત તો વધુ સારું થાત.

જેના માટે ‘વૉર ફિલ્મ’ શબ્દપ્રયોગ કરવો ગમે તેવી આ ‘ધ ગાઝી અટેક’માં પણ દરેક થ્રિલર ફિલ્મની જેમ ધીમે ધીમે થ્રિલ માઉન્ટ થતું જાય છે અને છેલ્લે છેક ચરમસીમાએ પહોંચે છે. તે ઉપરાંત બીજાં ઘણાં સબપ્લોટ્સ-લૅયર્સ-ઘર્ષણ તેમાં સમાંતરે ચાલતાં રહે છે. જેમ કે, ભારત-પાકિસ્તાન અને તેની સબમરીનો વચ્ચેનું ઘર્ષણ, પૂર્વ પાકિસ્તાની શાસકો અને બાંગ્લાદેશની મુક્તિ માટે લડતા વિદ્રોહીઓ વચ્ચેનો સંઘર્ષ, રાજકારણ અને સૈન્ય વચ્ચેનો સંઘર્ષ, યુધિષ્ઠિરની જેમ ધર્મ એટલે કે નિયમોને વળગીને ચાલવાનો અને શ્રીકૃષ્ણની જેમ પરિસ્થિતિ પારખીને વર્તતાં પાત્રો વચ્ચેનો સંઘર્ષ, એક સૈનિકની અંદર ચાલતો દ્વંદ્વ, સિસ્ટમ અને સ્પોન્ટેનિટી વચ્ચેનો સંઘર્ષ, પરિવાર અને દેશની ફરજો વચ્ચે વહેંચાયેલા સૈનિકની વિવશતાનો દ્વંદ્વ, માણસ અને આસપાસની કુદરતી પરિસ્થિતિની વિષમતા વચ્ચેનો સંઘર્ષ, દુશ્મનોનો ખાત્મો બોલાવવાનો અને સિદ્ધિની લાલચ વિના શહીદી વહોરવાનો સંઘર્ષ, છતાં જીવના જોખમે પણ નિર્દોષનો જીવ બચાવવાનો સંઘર્ષ…

આમ તો વર્લ્ડની બેસ્ટ વૉર ફિલ્મો જોવાના-વૉર લિટરેચર વાંચવાના શોખીનો માટે આ ફિલ્મની વોકેબ્યુલરી જરાય નવી ન લાગે. તેમ છતાં ‘ધ ગાઝી અટેક’ જોયા પછી તમારા શબ્દભંડોળમાં INS (ઇન્ડિયન નેવી શિપ), PNS (પાકિસ્તાન નેવી શિપ), સબમરીન, મૅનુવર, ટોરપિડો, ટોરપિડો કી, લોંગિટ્યુડ-લેટિટ્યુડ (અક્ષાંશ-રેખાંશ), ડાઇવ, પૅરિસ્કોપ, મર્ચન્ટ શિપ, બૅટરી રૂમ, સ્ટારબોર્ડ, વૉટરમાઇન જેવા શબ્દો કાયમ માટે સામેલ થઈ જશે. પ્લસ હોલ્ડ ફોર સપોર્ટ, મ્યુટિની, કમાન્ડ, ફાઇરિંગ રેન્જ, સોનાર સિગ્નલ્સ, ઇમર્જન્સી ડ્રિલ, ઍનિમી પોઝિશન, ટ્રેપ, ચેન્જ ઑફ કોર્સ વગેરે શબ્દપ્રયોગો પણ કાને પડશે. ઇવન પારાદીપનું નામ પણ લાંબા સમયે મીડિયામાં સાંભળવા મળ્યું છે.

ડિરેક્ટર સંકલ્પ રેડ્ડીએ આ ફિલ્મ માટે કરેલું રિસર્ચ દેખાઈ આવે છે. એટલે જ ક્યાંય કશું નકલી નથી લાગતું. એક સબમરીન, તેની અંદરના વિભાગો, તેમાં ચાલતું કામકાજ, સબમરીનની અપ-ડાઉન ડાઇવ, દરિયાના પેટાળમાં 350-380 મીટર નીચે ગયા પછી અનુભવાતું પાણીનું પ્રચંડ દબાણ અને તેને કારણે સબમરીન પર થતી અસર, ટોરપિડો ફાયર કરવા માટે કેટલી બૅટરી જોઇએ, સબમરીનની દીવાલ પર થમ્પિંગ-હમિંગ કરવાથી- વાઇબ્રેશન પેદા કરવાથી બહારની માઇન બ્લાસ્ટ થઈ શકે કે કેમ, સોનાર સિગ્નલ્સ સાંભળતાં પહેલાં કાન સાફ કરવાનો પ્રોટોકોલ હોય વગેરેમાં ક્યાંય ફિલ્મી એલિમેન્ટ દેખાતું નથી. અલબત્ત, તેમાં કેટલી ક્રિએટિવ લિબર્ટી લેવાઈ છે તે તો કોઈ ડિફેન્સ એક્સપર્ટ જ કહી શકે. પરંતુ ફિલ્મમાં બધું જ એકદમ રિયલ લાગે છે એ ચોક્કસ છે.

ફિલ્મમાં કે. કે. મેનન જ્યોર્જ પૅટનની ‘વૉર એઝ આઈ ન્યુ ઇટ’ બુક વાંચતો હોય અને હજુ આગલા વર્ષે જ (1970માં) પૅટન પર બનેલી ફિલ્મને ઑસ્કર મળ્યો હોય, તે બધી વાતો ઑથેન્ટિસિટીમાં કરાયેલું બારીક નકશીકામ છે. પાકિસ્તાની સાઇડ પણ આપણી રેગ્યુલર મસાલા ફિલ્મોથી વિપરિત ડફોળ અને કટ્ટર નથી બતાવાઈ. બલકે, પાકિસ્તાની કમાન્ડર મોટેભાગે ખાસ્સા ઇન્ટેલિજન્ટ નિર્ણયો લે છે, સામી ફાઇટ આપે છે અને ટેન્શન બિલ્ડઅપ કરે છે. લગભગ આખી ફિલ્મ સબમરીનની અંદર હોવા છતાં ક્યાંય ક્લસ્ટરોફોબિક-બંધિયારપણું ફીલ નથી થતું તેને આ ફિલ્મની સિનેમેટોગ્રાફીનો એક પ્લસ પોઇન્ટ ગણી શકાય.

સિનેમેટિક દેશભક્તિ

પાકિસ્તાની સાઇડ જોશ જગાવવા પોતાના પોપ્યુલર સોંગ ‘જીવે જીવે પાકિસ્તાન’નો ઉદઘોષ કરે, તો આપણે ત્યાં રાષ્ટ્રગીત ગવાય. જોકે ત્યાં મને સહેજ ખૂંચ્યું. પાણીની અંદર ફટાફટ દોડતી આ થ્રિલર સબમરીન રાઇડમાં ઓલરેડી દેશભક્તિનું એલિમેન્ટ ભરપુર છે. તેમાં આખેઆખું રાષ્ટ્રગીત અને ‘સારે જહાં સે અચ્છા’ નાખીને ફિલ્મનો ફ્લો બ્રેક કરવાની કશી જરૂર નહોતી. ઉપરથી બીજી વખત રાષ્ટ્રગીતનું ઇન્સ્ટ્રુમેન્ટલ વર્ઝન પણ નખાયું છે. ભારત સરકારની સત્તાવાર વેબસાઇટમાં વર્ષોથી લખાયેલું છે અને ત્રણેક દિવસ પહેલાં સુપ્રીમે પણ ફરી પાછું કહ્યું કે ફિલ્મના ભાગરૂપે જો રાષ્ટ્રગીત પ્લે થયું હોય તો અધવચ્ચે ઊભા થવાની જરૂર નથી, કેમ કે આવું કરીને તમે અન્ય લોકો માટે અડચણ પેદા કરો છો. એ વખતે તમે બેઠા રહો તો રાષ્ટ્રગીતનું કોઈ જ અપમાન નથી થતું. છતાં ‘દંગલ’ હોય કે આ ‘ધ ગાઝી અટેક’ લોકો અધવચ્ચે ઊભા થઇને આખો સ્ક્રીન બ્લોક કરી મૂકે છે. થોડા પ્રેક્ટિકલ થવામાં કોઈ દેશદ્રોહ નથી. આશા રાખીએ કે હવે આ મુદ્દે થિયેટરોમાં ક્યાંય બબાલ ન થાય.

અહીં સબમરીનની અંદર ત્રણ મુખ્ય અધિકારીઓ વચ્ચે સર્જાતું ઘર્ષણ, રાણા દગ્ગુબતીની અક્ષય કુમાર સ્ટાઇલની હીરોગીરી વગેરે થોડું વધારે પડતું લાગે છે. ધારો કે દરિયાની અંદર કોઈ સૈનિક શહીદ થાય, તો તેના મૃતદેહ સાથે શું કરવામાં આવે તે સવાલ આ ફિલ્મ જોયા પછી ઉપસ્થિત થશે. હા, ફિલ્મની નબળી સ્પેશ્યલ ઇફેક્ટ્સ આંખને ખૂંચે છે અને કમ્પ્યુટરથી ઉમેરી હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે.

વૉર હીરો

‘ધ ગાઝી અટેક’માં કોઈ ‘ખાન’ કે ‘કુમાર’ નથી, એટલે ‘હીરો’નો રોમેન્ટિક સાઇડ ટ્રેક નાખવાની કે એને ડ્રીમ સિક્વન્સમાં નાખીને ગીત ગવડાવવાની જરૂર પડી નથી. હા, ફિલ્મમાં તાપસી પન્નુ છે, પણ એ બિચારી ડાહીડમરી થઇને લિટરલી એક ખૂણામાં બેસી રહે છે (બાય ધ વે, આજે તાપસીનાં એકસાથે બે મુવી રિલીઝ થયાં છે). બાકી એઝ ઓલ્વેઝ કે.કે. મેનન તો મિસ્ટર ડિપેન્ડેબલ છે જ, પ્લસ અતુલ કુલકર્ણી અને રાણા દગ્ગુબતી (ઉર્ફ ‘ભલ્લાલદેવ’) પણ જરાય ઓવરએક્ટિંગ કર્યા વિના ઇમ્પ્રેસ કરે છે. હા, આ ફિલ્મમાં એક નાનકડી ભૂમિકામાં સ્વર્ગસ્થ ઓમ પુરી દેખાય છે. ઇન ફૅક્ટ, આખી ફિલ્મ એમને જ અર્પણ કરવામાં આવી છે. ફિલ્મમાં અન્ય નાનકડી ભૂમિકાઓમાં દક્ષિણના અભિનેતા નાસર અને ઘણા સમયે દેખાયેલા મિલિંદ ગુણાજી પણ છે. જોકે એમનું પણ મુંહ દિખાઈ સિવાય કોઈ કામ નથી.

ચાલો, પેટાળની સફરે

એક તો આપણે ત્યાં ભાગ્યે જ વૉર ફિલ્મ બને છે અને જે બને તે એકદમ ફિલ્મી હોય છે. ત્યારે થ્રિલના મામલે જરાય મોળી ન પડતી ‘ધ ગાઝી અટેક’ વૉર ફિલ્મોના રસિયાઓએ જરાય ચૂકવા જેવી નથી. બાળકોને પણ ઍજ્યુકેશનના હેતુસર આ ફિલ્મ અવશ્ય બતાવવી જોઇએ.

રેટિંગઃ ***1/2 (સાડા ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

કોચ્ચડયાન (Kochadaiyaan)

નબળા એનિમેશનમાં રજની મેજિકનો કચ્ચરઘાણ

*** 

જો મોશન કેપ્ચર એનિમેશનના ગાજ્યા મેહ વરસ્યા હોત તો આ ફિલ્મ ભારતીય સિનેમાનું નવું સિમાચિહ્ન સાબિત થાત.

***

kochadaiyaan-movie-posters2‘સુપરસ્ટાર રજનીકાંત’ની ફિલ્મ હોય, એ પણ થ્રીડીમાં,  ડિરેક્ટર તરીકે એની જ દીકરી ઐશ્વર્યા હોય, નવ ભાષાઓમાં એકસાથે રિલીઝ થતી હોય અને અબોવ ઓલ, ભારતમાં પહેલીવાર આવેલી ફોટોરિયલિસ્ટિક મોશન કેપ્ચર ટેક્નિકથી બનેલી ભારતની સૌથી મોંઘી એનિમેટેડ ફિલ્મ (આ ટેક્નિક વિશેનો મારો મસ્ત માહિતી લેખ વાંચવા માટે ક્લિક કરો અહીં)… આવું જબરદસ્ત કોમ્બિનેશન હોય તો સમગ્ર દેશમાં જબરદસ્ત ક્રેઝ ઊભો થવો જોઈતો હતો. પરંતુ ચૂંટણીની ધમાલ વચ્ચે એકથી વધુ વાર પાછી ઠેલાયા પછી રિલીઝ થયેલી કોચ્ચડયાન મોઢું પહોળું થઈ જાય એવી અદભુત ફિલ્મ નથી જ.  આ ફિલ્મની વિરુદ્ધમાં જતું મુખ્ય પાસું તેનું નબળું એનિમેશન છે.

ધ લેજન્ડ

અમિતાભ બચ્ચનના વોઈસ ઓવરથી શરૂ થતી કોચ્ચડયાન વાર્તા છે એક અનાથ બાળકની, જે મોટો થઈને પ્રતાપી સૈનિક રાણા રણવિજય (રજનીકાંત) બને છે. ભારતના યુગો પૂર્વેના ઈતિહાસમાં દર્જ થયેલી દંતકથા પ્રમાણે કલિંગપુરી અને કોટ્ટઈપટ્ટનમ નામનાં બે રાજ્યો વચ્ચે દુશ્મની છે. કલિંગપુરીનો રાજા છે રિપુદમન (જેકી શ્રોફ). જ્યારે કોટ્ટઈપટ્ટનમનો રાજા છે મહેન્દ્રરાજ (નાસિર). રાણા એટલે કે રજનીકાંતના કૌશલ્યથી પ્રભાવિત થઈને કલિંગપુરીનો યુવરાજ રાણાને રાજ્યનો મહાસેનાપતિ બનાવે છે. મહાસેનાપતિ બનતાંવેંત રાણા પ્રસ્તાવ મૂકે છે કે આપણા રાજ્યમાં ગુલામ તરીકે મજૂરી કરતા શત્રુરાજ્ય કોટ્ટઈપટ્ટનમના સૈનિકોને આપણી સેનામાં સામેલ કરી લઈએ જેથી યુદ્ધ થાય ત્યારે એ લોકો જ ખપે. આ વાતનો અમલ કરતાંવેંત રાણા શત્રુરાજ્ય સાથે સંધિ કરી લે છે અને ગુલામ સૈનિકોને ત્યાં પાછા મોકલી આપે છે. કલિંગપુરીનો સેનાપતિ થઈને એ શત્રુરાજ્યને મદદ કરીને એની સાથે ભળી જવા બદલ કલિંગપુરીમાં રાણાને દેશદ્રોહી ઘોષિત કરાય છે.

આ બાજુ કોટ્ટઈપટ્ટનમના યુવરાજનો પરમમિત્ર બની ગયેલો રાણા ત્યાં જઈને ત્યાંની રાજકુમારી વંદના (દીપિકા પદુકોણ)ના પ્રેમમાં પડી જાય છે. એમાંય એક દુર્ઘટનામાં રાણા મહારાજા મહેન્દ્રરાજ અને યુવરાજના જીવ બચાવે છે એટલે ત્યાંના લોકોનો વિશ્વાસ ઓર ગાઢ બની જાય છે. પરંતુ છુપાવેશે આવેલો એક હુમલાખોર રાજા મહેન્દ્રરાજની હત્યા કરવાનો પ્રયાસ કરે છે, જે બદલ એને મૃત્યુદંડ ફરમાવાય છે. પરંતુ સૌના આઘાત વચ્ચે એ હુમલાખોર બીજું કોઈ નહીં, રાણા એટલે કે રજનીકાંત પોતે જ નીકળે છે. હવે રાણા બંને રાજ્યનો દ્રોહી બની ચૂક્યો છે. પરંતુ એણે આવું શા માટે કર્યું? અને સૌથી મોટી વાત, કોચ્ચડયાન (લાંબી જટા ધરાવતો પ્રતાપી રાજા) કોણ છે?

રજની મેનિયાની પેલે પાર

થોડી કન્ફ્યુઝિંગ સ્ટોરી ધરાવતી આ ફિલ્મની શરૂઆતમાં તેનું શૂટિંગ કઈ રીતે કરાયું અને શા માટે આ ફિલ્મ ખાસ છે, તેની ટૂંકી ડોક્યુમેન્ટરી પણ બતાવાય છે. આ ફિલ્મ જે ટેક્નિકથી બની છે એ જ ટેક્નિકથી હોલિવૂડમાં જેમ્સ કેમેરોને અવતાર ફિલ્મ બનાવી હતી. એટલે આપણી અપેક્ષાઓ વધી જાય તે સ્વાભાવિક છે. પરંતુ આટલી બધી હો હા કર્યા પછી રિલીઝ થયેલી ફિલ્મનું એનિમેશન ખાસ્સું શીખાઉ કક્ષાનું લાગે છે. રજનીકાંત સહિત મોટા ભાગના કલાકારોના આંખો-ચહેરા પર જીવંતતા દેખાતી નથી. એટલું જ નહીં, ચહેરા અને હાથની મુવમેન્ટ્સમાં સંકલન ખૂટતું હોય એવું લાગે છે. સ્ક્રીન પર જાણે પપેટ શો ચાલતો હોય એવું લાગે છે. જો આ બાબત તમે ઈગ્નોર કરી શકો તો ધીમે ધીમે ફિલ્મની વાર્તામાં ઓતપ્રોત થતા જશો.

ઈન્ટરવલ પહેલાં રજનીકાંત હીરો થઈને આવું શા માટે કરે છે એવા પ્રશ્નો મૂંઝવશે. ઉપરથી દર થોડી વારે આવતાં ગીતો સરસ બન્યાં હોવા છતાં હાઈવે પર આવતાં સ્પીડબ્રેકર જેવાં લાગશે. પરંતુ એકવાર રહસ્યો પરથી એક પછી એક પડદા ઊંચકાતા જશે એટલે ફિલ્મની વાર્તાના પ્રવાહમાં તણાતા જશો.

ફિલ્મનું સૌથી સ્ટ્રોંગ પાસું સ્વાભાવિક પણે જ રજનીકાંત અને એની દક્ષિણ ભારતીય છાંટવાળું હિન્દી છે. ઉપરથી કે. એસ. રવિકુમારના સશક્ત ડાયલોગ્સ રંગ જમાવે છે. સેમ્પલઃ ‘રાજા કભી બંજર ઝમીન પર રાજ નહીં કરતા, અસલી રાજા વો હૈ જો લોગોં કે દિલોં પે રાજ કરે.’ રજનીકાંતની કોઈ જિમ્નાસ્ટને શરમાવે એવી એક્રોબેટિક એક્શન ફેન્સની તાળીઓ ઉઘરાવી જશે.

આમ તો રજનીકાંત હીરો હોય એટલે બાકી બધાં કલાકારો માત્ર ફોર્માલિટી માટે હોય એવી સ્થિતિ સર્જાતી હોય છે. તેમ છતાં વિલન બનતા દક્ષિણના સિનિયર કલાકાર નાસિર હિરો-વિલનનું પલ્લું બેલેન્સ કરતા રહે છે. દીપિકા હિરોઈન છે, પણ એના ભાગે નાચગાના અને એક ફાઈટ સિક્વન્સ સિવાય ઝાઝું કશું કામ આવ્યું નથી. હા, ફિલ્મમાં જેકી શ્રોફ અને ડાન્સર-અભિનેત્રી શોભના પણ છે, પરંતુ એ બંને પણ મહેમાન કલાકાર જેવાં જ છે.

ફિલ્મનાં ગ્રાફિકમાં પણ ખાસ્સી મહેનત કરાઈ છે. વિશાળ મહેલો, પહાડો, દરિયો વગેરે કાળજીથી ક્રિયેટ કરાયાં છે. એટલું જ નહીં, ફાઈટ સિક્વન્સિસમાં પણ ફટાફટ ઘૂમતા કેમેરા એન્ગલ્સ રોમાંચ જગાવતા રહે છે. ખાસ કરીને રજનીકાંતનો જટાધારી અવતાર અને એમાંય શિવતાંડવ તો એકદમ સુપર્બ કેપ્ચર થયું છે.

થલૈવા માટે જોખમ લઈ શકો

આ રજનીકાંતની ફિલ્મ છે એટલે એના ચાહકોમાં સ્વાભાવિકપણે જ ઉન્માદ જગાવશે. પરંતુ આપણે જો એના જોક્સની મજા લેવા જેટલા જ અને મનોરંજન ખાતર જ રજનીકાંતની ફિલ્મો જોતા દર્શક હોઈએ તો ઓવારણાં લેવાની ઈચ્છા થઈ આવે એવી ફિલ્મ કોચ્ચડયાન નથી. તેમ છતાં એક નવા એક્સપિરિયન્સ તરીકે આ ફિલ્મ જોઈ શકાય. પરંતુ સ્ટ્રિક્ટ્લી એને અવતાર જેવી ફિલ્મો સાથે સરખાવશો નહીં.  આ ફિલ્મની સિક્વલની પણ પૂરેપૂરી તૈયારી થઈ ચૂકી છે. આશા રાખીએ કે આ પહેલા ભાગમાં રહેલી એનિમેશનની નબળાઈઓ તેની સિક્વલમાં દૂર થઈ જાય. બાય ધ વે, ફિલ્મના એન્ડ ક્રેડિટ્સમાં ફરીથી ફિલ્મનું મેકિંગ બતાવાયું છે જે જોવા ઊભા રહેશો. એજ્યુકેશનના ભાગરૂપે પણ એ જોવાની મજા પડે એવું છે.

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

P.S. મોશન કેપ્ચર એનિમેશન ટેક્નિક વિશે વધુ જાણવા માટે મારા મસ્ત માહિતી લેખની લિંકઃ https://jayeshadhyaru.wordpress.com/2014/04/18/motion-capture-animation/

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

રમૈયા વસ્તાવૈયા

ખમૈયા! બસ કર ભૈયા!

***

આ એક પ્રોડ્યુસર પપ્પાએ પોતાના દીકરાને લોન્ચ કરવા માટે બનાવેલી ફિલ્મ છે. એમાં આપણે આપણા પૈસા બરબાદ કરવાની જરૂર નહીં.

***

ramaiya-vastavaiya-poster-5આ પ્રોડ્યુસરો પોતાના દીકરાઓને લોન્ચ કરવા માટે કરોડો રૂપિયા વેરતા હશે, ત્યારે ફિલ્મની સ્ક્રિપ્ટ કેવી છે એ જોવા માટે જરા જેટલી પણ તસદી નહીં લેતા હોય?! આ અઠવાડિયે રિલીઝ થયેલી ફિલ્મ ‘રમૈયા વસ્તાવૈયા’ જોઇને પહેલો સવાલ એ જ થાય. ડાન્સરમાંથી હવે ડાયરેક્શન તરફ વળેલા પ્રભુદેવાએ ડિરેક્ટ કરેલી ‘રમૈયા વસ્તાવૈયા’માં પ્રોડ્યુસર કુમાર તૌરાનીના દીકરા ગિરીશ કુમારને લૉન્ચ કરાયો છે. દીકરાની આજુબાજુ શ્રુતિ હાસન, સોનુ સૂદ, રણધીર કપૂર, પુનમ ધિલ્લોં, સતીષ શાહ, નાસિર, ગોવિંદ નામદેવ વગેરે કલાકારોને લિટરલી ભભરાવી દેવામાં આવ્યાં છે.

નવી બાટલી, જૂનો દારૂ, એય ભંગાર

આમ તો તમે સલમાન ખાનની ‘મૈંને પ્યાર કિયા’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ અને ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ જોઇ જ હશે. અને બિલીવ મી, આ ફિલ્મનો એક પણ સીન, આ બંને ફિલ્મોની બહારનો નથી. છતાં ધારો કે તમારો જન્મ આ બંને ફિલ્મો રિલીઝ થયા પછી થયો હોય અથવા તો તમે હમણાં જ મંગળ ગ્રહ પરથી પરત આવ્યા હો અને તમને એ ફિલ્મો વિશે કશી ખબર ન હોય, તો આ રહી રમૈયાની વાર્તાઃ પતિ દ્વારા ત્યજાયાના આઘાતમાં એક માતા પોતાના આઠ-દસ વર્ષના દીકરા અને ધાવણી દીકરીને મૂકીને મૃત્યુ પામે છે. દીકરો રઘુવીર (સોનુ સૂદ) મધર ઈન્ડિયાની જેમ ખેતર ખેડી ખેડીને બહેન સોનાને ભણાવીને મોટી કરે છે. મોટી થઇને શ્રુતિ હાસન બની ગયેલી સોના એક દિવસ બહેનપણીના ઘરે બીજે ગામ લગ્નમાં જાય છે, અને ત્યાં જઇને ઓસ્ટ્રેલિયાથી આવેલા રામ (ગિરીશ કુમાર)ના પ્રેમમાં પડી જાય છે. પરંતુ અબજોપતિ ગિરીશ કુમારની માથાભારે મમ્મી (પૂનમ ધિલ્લોં) અને એક જુવાન દીકરીના અમીર પપ્પા (નાસિર) મળીને નક્કી કરે છે કે આ ગિરીશ અને એની ફુલઝડી છાપ દીકરીનું ચોકઠું ગોઠવી દેવું. ત્યાં જ શ્રુતિ-ગિરીશ કુમારનું છાનુંછપનું પ્રેમપ્રકરણ છડેચોક બહાર આવી જાય છે. શ્રુતિ તો બિચારી ખરીખોટી સાંભળે છે, ઉપરથી એનો ભાઇ સોનુ સૂદ પણ નકામો અંટાઇ જાય છે. એકદમ સચ્ચા પ્યારમાં પડેલા ગિરીશ કુમારને જ્યારે આ ખબર પડે છે, ત્યારે એ પિતા કી ધનદૌલત કો ઠોકર માર કે શ્રુતિના ગામડે આવી જાય છે અને એના ભાઇ સમક્ષ પોતાના શ્રુતિ પ્રત્યેના પ્રેમનો એકરાર કરે છે. સામાન્ય સંજોગોમાં પણ નાળિયેરની જેમ કડક રહેતો ભાઇ અપમાન પછી ઓર ભુરાયો થયેલો હોય છે, એટલે એ સોનાના ઘુઘરે રમેલા ગિરીશ કુમાર સમક્ષ શરત મૂકે છે કે તું મારા કરતાં વધારે અનાજ ઉગાડીને બતાવ તો તને મારી બહેન સાથે પરણાવું…

કંટાળાનું ઠેકાણું

સિરિયસલી, આ ફિલ્મમાં એવું કશું જ નથી જે અત્યારના પ્રેક્ષકોને અપીલ કરી શકે. એક તો 2005માં આવેલી સિદ્ધાર્થ અને તૃષા કૃષ્ણનની તેલુગુ ફિલ્મ ‘નુવ્વોસ્તનન્તે નેનોદ્દનન્તાના’ (અર્થાત્ ‘તું બોલાવે તો મારાથી કેમ ના પડાય!’)ની હિન્દી આવૃત્તિ છે. આ તેલુગુ ફિલ્મથી જ પ્રભુદેવાને ડાયરેક્શનનો ચસકો લાગેલો. સાત વર્ષ પહેલાંની એ ફિલ્મ પોતે જ ‘મૈંને પ્યાર કિયા’ અને ‘પ્યાર કિયા તો ડરના ક્યા’થી પ્રભાવિત હતી. ત્યાં હિટ ગઇ એટલે તમિલ, કન્નડ અને બંગાળીમાં પણ બની. પરંતુ એ ત્યારે જ જો હિંદીમાં બની હોત તો પણ એની એ જ હાલત થાત જે અત્યારે સાત વર્ષ પછી આ રમૈયા..ની થવાની છે.

ખરેખર તો આ ફિલ્મનું નામ ‘ઝૂ’ એટલે કે પ્રાણીસંગ્રહાલય હોવું જોઇએ. કેમ કે, ફિલ્મનાં લગભગ બધાં જ પાત્રો લિટરલી વાંદરાવેડા કરે છે. આપણને હસાવવાના નામે કરાયેલી એ હરકતો એટલી વાહિયાત લાગે છે કે આપણને આપણી બુદ્ધિમતાનું અપમાન લાગે. જેમનો આઇક્યૂ તળિયાઝાટક હોય એમને જ કદાચ આ ફિલ્મમાં મજા આવી શકે. પ્રોડ્યુસરપુત્ર ગિરીશકુમાર પાસે એવું કશું જ નથી જે લોકોને આકર્ષી શકે. નથી એનો ચહેરો આકર્ષક કે નથી બિચારાને એક્ટિંગ આવડતી. હા, એની પાસે સિક્સપેક એબ્સ છે, પણ એ તો બીજા દોઢ ડઝન હીરોલોગ પાસે પણ છે! શ્રુતિ પાસે રમકડાનો ઘોડો લઇને આમથી તેમ કૂદવા સિવાય બીજું કશું કામ નથી લેવાયું ફિલ્મમાં. બાકીના બધા લોકોએ પણ એવા જ ગાંડાવેડા કર્યા છે. ડી-ડે ફિલ્મમાં રૉ ચીફની એકદમ બેલેન્સ્ડ ભૂમિકા કરનારા નાસિરે સાવ સિર પૈર વિનાનો રોલ સ્વીકાર્યો છે. ડબ્બુ રણધીરે જો ભાઇ ચિંટુ રિશિ કપૂરની ડી-ડે ફિલ્મની ભૂમિકા જોઇ હોત તો આવી ચક્રમ જેવી અને છ ઇંચની ફૂટપટ્ટી જેવડી નાનકડી ભૂમિકા એમણે ક્યારેય સ્વીકારી ન હોત! જોકે એમની થોથર બાઝી ગયેલી આંખો અને એકદમ હસ્કી થઇ ગયેલા અવાજને કારણે એ કેવી ભૂમિકાને ન્યાય આપી શકે એ પણ એક સવાલ છે. હા, ફિલ્મનાં બે ગીતો ‘જીને લગા હૂં’ અને ‘રંગ જો લાગ્યો’ સાંભળવાની મજા પડે એવાં છે. જેકલિન ફર્નાન્ડિસ અને પ્રભુદેવાના ઠુમકાવાળું આઇટેમ સોંગ ‘જાદૂ કી ઝપ્પી’ ઓફિસ જતી વખતે કારમાં એફએમ રેડિયો પર વાગતું હોય તો સાંભળી લેવાય.

દિમાગ કી બત્તી બુઝા દે!

પરંતુ ‘રમૈયા વસ્તાવૈયા’ એક હીરોની પહેલી ફિલ્મ છે એટલે આપણે માનવતાના ધોરણે પણ એના વિશે કશુંક પોઝિટિવ કહેવું જોઇએ. એ ન્યાયે આ ફિલ્મ જોતી વખતે તમે થિયેટરમાં શું શું કરી શકો એની એક યાદીઃ ફિલ્મની દરેક ફ્રેમમાં એટલા બધા રંગો ઢોળવામાં આવ્યા છે કે તમે વગર શેડ કાર્ડે પણ તમારા ઘરની દીવાલોનો શેડ પસંદ કરી શકો. તમે એ ચર્ચા કરી શકો કે આ ફિલ્મના પાત્રો દેખાવમાં વધારે ખરાબ લાગે છે કે એમની એક્ટિંગ વધારે ખરાબ છે. આખી ફિલ્મમાં હીરો ગિરીશ કુમારની દાઢીમાં કેમ કંઇ વધારો કે ઘટાડો નથી થતો? કે પછી એના કોલી ફ્લાવર જેવા વાંકડિયા વાળમાં કયા પ્રકારનો કાંસકો વપરાતો હશે? ફિલ્મનું એકેય પાત્ર સાબુ એટલે કે સામાન્ય બુદ્ધિ મીન્સ કોમન સેન્સનો ઉપયોગ કેમ નહીં કરતું હોય? આ ફિલ્મ દરમિયાન તમને એસીની ઠંડી હવા તો ખાવા મળશે જ, ઉપરાંત તમે સજોડે ગયાં હો તો પ્રેમભરી વાતો પણ કરી શકશો અને તમારાં બાળકો પણ આરામથી રમી શકશે. હા, તમે આ બધું જ કરી શકશો અને અન્ય કોઇ પ્રેક્ષકો ડિસ્ટર્બ પણ નહીં થાય કેમ કે ડિસ્ટર્બ થવા માટે કોઇ હશે જ નહીં! અથવા તો જે હશે એ બધાં ઘસઘસાટ ઊંઘી ગયા હશે!

ઇન શોર્ટ, જ્યારે પ્રોડ્યુસર પિતાઓ પોતાના દીકરાને લૉન્ચ કરવા માટે ફિલ્મો બનાવે એનાથી દૂર રહેવું, પછી એ હરમન બવેજા હોય કે જેક્કી ભગનાણી હોય કે પછી આ ગિરીશ કુમાર હોય. આપણે એમાં નાહકના પૈસા અને સમય બરબાદ કરવાની જરૂર નહીં. એ લોકોની આ ‘રમૈયા વસ્તાવૈયા’ જેવી ફિલ્મો જોવી એ આપણી ઈશ્વરે આપેલી બુદ્ધિનું અપમાન છે. જે થિયેટરમાં તે ચાલતી હોય ત્યાંથી નીકળવામાં પણ ધ્યાન રાખવું અને મલ્ટિપ્લેક્સ હોય તો ટિકિટ બે વાર ચેક કરીને જ લેવી, ક્યાંક ભૂલથી પણ આ ફિલ્મની અડફેટમાં ન આવી જવાય!

રેટિંગઃ * (એક સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements