બાદશાહો

બાદબાકી દિમાગની

***

મિલન લુથરિયાની બાદશાહો પોપકોર્ન ખાધા પછીના ખાલી ખોખાની જેમ ભૂલી જવા જેવી જ છે.

***

રેટિંગઃ ** (બે સ્ટાર)

***

dcuy4ykvyaa5zdnઆજથી બે દાયકા પહેલાં મિલન લુથરિયાએ ‘કચ્ચે ધાગે’ બનાવી ત્યારે અમે બે વાતોનું અનુમાન કરેલું. એક તો એમને હૉલિવૂડની કાઉબૉય ટાઇપની ‘સ્પઘેટી વેસ્ટર્ન મુવીઝ’ ગમતી હશે અને બીજું, અમારી જેમ એમનેય તે જનાબ નુસરત ફતેહ અલી ખાઁ સાહેબ પ્રત્યે અપાર પ્રેમ છે. આજે રોકડા 21 વર્ષ પછી એમની જ બનાવેલી ‘બાદશાહો’ જોઇએ ત્યારે થાય કે એમના આ બંને પ્રેમમાં ખાસ ઓટ આવી લાગતી નથી. હા, સિરિયસનેસ અને ઇતિહાસ પ્રત્યે વફાદાર રહેવાની પ્રક્રિયામાં જરૂર ઓટ આવી છે.

કોન્સ્પિરસી થિયરી પર કાલ્પનિક ચણતરકામ

એક ક્વિક ગૂગલ સર્ચ મારતાં જાણવા મળે છે કે ઇમર્જન્સી દરમ્યાન ઇન્દિરા ગાંધીએ ખજાનાની લાલચમાં જયપુરનાં રાજમાતા ગાયત્રી દેવીના પેલેસ, જયગઢ ફોર્ટ વગેરે પર આર્મી મોકલીને તેના ચપ્પે ચપ્પાની શોધખોળ કરાવેલી. ત્રણેક મહિના સુધી સર્ચ ચલાવ્યા બાદ કશું મળ્યું નહીં, અને ડકવર્થ લુઇસની મદદ વિના આખી ક્વાયત સંકેલી લેવાઈ. ત્યારપછી વાત સંસદમાં પણ ઊછળી અને એક થિયરી વહેતી થઈ કે તે સર્ચ દરમ્યાન ખરેખર જંગી ખજાનો મળેલો, જેને ટ્રકમાં લાદીને જયપુરથી દિલ્હી ટ્રાન્સપોર્ટ કરાયેલો. થિયરી પ્રમાણે તે ખજાનાને ખૂફિયા રીતે ટ્રાન્સપોર્ટ કરવા માટે જયપુર-દિલ્હી હાઇવે પણ એક દિવસ માટે બંધ કરી દેવાયેલો. એક પેરેગ્રાફમાં લખી શકાય તેવી જાડી કોન્સ્પિરસી થિયરીના પાયા પર મિલન લુથરિયાએ વર્તમાન પોલિટિકલ માહોલને માફક આવે તેવું રંગરોગાન કરીને ટિપિકલ મસાલા સાથે પેશ કરી છે.

સો, ફિલ્મનું મજમૂન કંઇક આવું છેઃ ઇમર્જન્સીમાં સંજય ગાંધી જેવા દેખાતા સંજીવ (પ્રિયાંશુ ચૅટર્જી) નામના નેતા નસબંદી પર બનેલી શૉર્ટ ફિલ્મ જોતાં જોતાં જોધપુરની મહારાણી ગીતાંજલિ (ઇલિયાના ડીક્રુઝ)નો ખજાનો જપ્ત કરવાનું ફરમાન છોડે છે. ખજાનો શોધીને સહીસલામત દિલ્હી પહોંચાડવાની જવાબદારી છે આર્મી ઑફિસર સેહેર સિંઘ (વિદ્યુત જામવાલ)ની. જ્યારે બચાવવાની જવાબદારી છે દિલમાં વફાદારી, ખિસ્સામાં જિંદગીનું રાજીનામું અને ચહેરા પર એક જ એક્સપ્રેશન લઇને ફરતા ભવાની (અજય દેવગણ)ની. આ વરઘોડામાં પછી તો દલિયા (ઇમરાન હાશ્મી), ગુરુજી (સંજય મિશ્રા), સંજના (ઇશા ગુપ્તા), દુર્જન સિંઘ (શરદ કેલકર) જેવા લોકો પણ જોડાય છે. વચ્ચે રણની ગરમીમાં આંખો ઠારવા માટે સની લિયોની પણ એ જેના માટે પ્રખ્યાત છે તે કરી જાય છે.

નો લોજિક, નો મેજિક, ઓન્લી ઝિકઝિક

ફિલ્મસંહિતા મુજબ ‘બાદશાહો’ ‘હાઇસ્ટ’ (Heist) પ્રકારની થ્રિલર ફિલ્મ છે. આવી ફિલ્મોમાં કેટલાંક પાત્રો લૂંટ જેવું એકાદું ભાંગફોડિયું પરાક્રમ કરવા માટે ભેગાં થાય, તેનું ડિટેઇલમાં પ્લાનિંગ કરે અને પછી તે કૃત્યને અંજામ આપે. એમાં પછી કહાની મેં કંઇક ટ્વિસ્ટ પણ આવે. એ દૃષ્ટિએ એટલું માનવું પડે કે લગભગ અડધી ફિલ્મ યાને કે ઇન્ટરવલ સુધી ‘બાદશાહો’ એકદમ થ્રિલચીંધ્યા માર્ગે ચાલે છે. એક પછી એક પાત્રો ઇન્ટ્રોડ્યુસ થતાં જાય, પોતાના મિજાજના પરચા બતાવે અને એક કડક ઑપરેશન હાથ ધરવામાં આવે. એમાં એકાદ-બે ઠેકાણે તો આપણા મોંમાંથી હાયકારો નીકળી જાય એવી મોમેન્ટ્સ પણ છે. પરંતુ મિલનભાઈની આ ફિલ્મમાં એટલા બધા પ્રોબ્લેમ્સ છે કે એમની ફિલ્મની ગાડી ભારતીય રેલવેની જેમ દર થોડી વારે પાટા પરથી ખડી પડે છે.

પ્રોબ્લેમ નં. 1. હિસ્ટ્રી બોલે તો?

આ ફિલ્મને ભલે ‘પિરિયડ ડ્રામા’ કે ‘ઇમર્જન્સી પર આધારિત’ હોવાનું કહીને પ્રમોટ કરવામાં આવી હોય, પરંતુ તેને એક માઇન્ડલેસ ટાઇમપાસ એન્ટરટેનરથી એક ટકોય વધારે ગંભીરતાથી લેવાની ભૂલ કરવા જેવી નથી. શરૂઆતમાં ઇમર્જન્સીના રૅન્ડમ શૉટ્સ નાખીને ભૂતકાળમાં થઈ ગયેલાં વ્યક્તિત્વો કે ઘટનાઓને મનપસંદ રંગ આપી દેવાયો છે. એટલે આ ફિલ્મને આધાર બનાવીને આપણો કોઈ પોલિટિકલ ઑપિનિયન બાંધીએ તો ઊંધે માથે ખાબકીએ એવા પૂરા ચાન્સીસ છે. કટોકટીના કાળ સાથે પણ આ ફિલ્મને જરાતરા જ છેડો અડે છે. ઇમર્જન્સી કે ગાંધી પરિવાર વિશે આપણો એક ચોક્કસ અને પબ્લિકમાં જાણીતો ઑપિનિયન જ ઘૂંટવો હોય એ રીતે સંજય ગાંધી જેવા ગેટઅપમાં રહેલા અભિનેતા (પ્રિયાંશુ ચૅટર્જી)ને ચરિત્રહીન, દારૂબાજ બતાવવામાં આવે અને ફિલ્મમાં ફરી ફરીને આપણને ‘નસબંદી સર્વોત્તમ ઉપાય’ જેવાં બૅનર્સ-ઍડ્સ બતાવવામાં આવે. અરે, રિસર્ચના નામે માત્ર એકાદ પાનાનો જૂનો ન્યુઝ રિપોર્ટ વાંચીને બનાવી હોય તેવી આ ફિલ્મમાં મહારાણી ગાયત્રી દેવીના પાત્રને પણ ભારોભાર અન્યાય થાય-એમની બદનક્ષી થાય તે પ્રકારનું ચિત્રણ કરાયું છે. ટૂંકમાં મનફાવે તે બતાવીને શરૂઆતમાં ‘આ ફિલ્મની વાર્તાને વાસ્તવિકતા સાથે લેશમાત્ર સંબંધ નથી’ એવું ડિસ્ક્લેમર મૂકીને છટકી જવાનું. (ફિલ્મમાં જ અજય દેવગણ બોલે છે એમ, ‘મૈં કહાની બદલ દેતા હૂં!’ બસ, ફિલ્મમાં પણ એવું જ છે.)

પ્રોબ્લેમ નં. 2. કમ્પ્લિટલી નો લોજિક

તમે જો બરાબરની કડક ચા પીને ફિલ્મ જોવા ગયા હો તો ધડાધડ તમને લોજિકનાં બાકોરાં દેખાવા માંડશે. તમારું મગજ ધમપછાડા કરી કરીને પૂછશે કે, આપણા હીરોને ટિયરગેસની પણ કેમ કોઈ અસર થતી નથી? ‘રાની સા’ મહેલની ટોચે ચડીને સૌનું મનોરંજન થાય એ રીતે શા માટે પોતાનું તનોરંજન કરે છે? જે કીમતી સામાન ભરેલા ટ્રકની સિક્યોરિટી ઇન્ડિયન આર્મીના મિલિટરી ઇન્ટેલિજન્સ વિભાગના અધિકારીઓને સોંપાઈ હોય, તેની આગળ પાછળ કવર માટે કોઈ વાહન જ ન હોય? ભારતીય સૈનિકો અમુક ફૂટના અંતરેથી ગોલિયોં કી બૌછાર કરે તોય આપણા હીરોલોગને કશું ન થાય? (આ તો આપણા સૈનિકોની ક્ષમતાનું પણ અપમાન છે!) આખેઆખી ટ્રક ગાયબ થઈ જાય, પણ એક નાનકડા ગામમાં કોઈ કહેતા કોઈ તેને શોધી જ ન શકે? ખાસ કરીને ત્યારે જ્યારે રણપ્રદેશમાં મેઇન રોડ સિવાય ખાસ કશે જવાની શક્યતા જ ન હોય. શા માટે મિલિટરીનો અધિકારી નંગુપંગુ થઇને ટ્રેનમાં પ્રવાસ કરે છે? શા માટે એ શેમ્પૂની ઍડના મૉડલ જેવા લાંબા વાળ રાખીને ફરે છે? હિપોપોટેમસ જેવી ટ્રકને રોકવા માટે પોલીસ સાવ મમરાની ગૂણ જેવાં બેરિકેડ મૂકે? બંદૂકની ગોળી ખાઇને અને પોલીસનું ટૉર્ચર વેઠીને ઊભો થયેલો ઘરડો માણસ એકદમ સ્વસ્થતાથી અને ફિજેટ સ્પિનર ફેરવતો હોય એવી સરળતાથી તિજોરી ખોલી બતાવે? (એ પણ એવી તિજોરી જેના માટે અગાઉ એવું કહેવાયું હોય કે ‘યે ટ્રક નહીં, ચલતા ફિરતા બંકર હૈ!’) શા માટે (ઇમર્જન્સીમાં પણ) અજય દેવગણ ગાર્ડનમાં ટહેલવા જતો હોય તેમ જેલની અંદર-બહાર આવ-જા કરે છે? આખી જીપ રોડ પરથી ઊછળીને તળાવમાં પડે, પણ અંદર બેઠેલા લોકોને લિટરલી ઘસરકો સુદ્ધાં ન પડે!  અમાં યાર, થોડું તો વાજબી રાખો!

એક્ચ્યુઅલી, આ હાઇસ્ટ ફિલ્મમાં સૌથી મોટી લૂંટ લોજિકની જ થઈ છે!

પ્રોબ્લેમ નં. 3. રાઇટર રજત અરોરાનાં સસ્તાં વનલાઇનર્સ

જરા નોશ ફરમાવોઃ ‘આપકે સોને કા કેરેટ, મેરા કેરેક્ટર ખરાબ નહીં કર સકતા’, ‘રજાઈ, લુગાઈ ઔર લડાઈ, તીનોં બરાબર કી હોની ચાહિયે’, ‘ઔરતોં કી વજહ સે જિતને ઘર નહીં બસે, ઉતને પંગે હુએ હૈ’, ‘આંખોં મેં તભી ચમક આતી હૈ જબ ઉનમેં ખતરા હોતા હૈ’, ‘જબ બાત ઝબાન કી હો, તો જાન કી કીમત કમ હો જાતી હૈ’, ‘રાજનીતિ મેં નીતિ સે કુછ નહીં હોતા’… હજી આવાં અનેક વનલાઇનર્સ અમે ગણાવી શકીએ એમ છીએ, પરંતુ પછી તમને થિયેટરમાં ટાઇમપાસ માટે પણ કંઇક જોઇશે ને? રજત અરોરાને માલુમ થાય કે એમનાં આવાં વનલાઇનર્સ એક્સપાયરી ડૅટ વટાવી ચૂક્યાં છે અને હવે માત્ર લાફિંગ ગૅસના સસ્તા વિકલ્પ તરીકે જ તેનો ઉપયોગ થાય છે. આ પ્રોબ્લેમનો પેટા-પ્રોબ્લેમ એ છે કે વનલાઇનર્સનું પ્રમાણભાન જળવાતું નથી. દરેક પાત્ર મોં ખોલે એટલે પહેલી લાઇન તો વનલાઇનર જ ફેંકે! એવું જ લાગે કે આ લોકો પહેલાં વનલાઇનર્સ લખતાં હશે અને પછી તેની આસપાસ સ્ટોરી ગૂંથતા હશે!

પ્રોબ્લેમ નં. 4. સ્ત્રીઓનું ઑબ્જેક્ટિફિકેશન

આમ તો આ ક્રાઇમમાં ‘બાદશાહો’ પહેલી ફિલ્મ નથી, તેના ‘ક્રિમિનલો’ની સંખ્યા બહુ મોટી છે. બાદશાહોમાં જે રીતે સ્ત્રીઓ વર્તે છે, જે રીતે તે માત્ર ગ્લેમર ક્વૉશન્ટ વધારવા માટે જ છે, એ જોતાં એવું જ લાગે કે અહીં સ્ત્રીઓનું કામ પુરુષોને ‘ખુશ’ કરવાથી વિશેષ કશું જ નથી. સ્ટોરીમાં મહત્ત્વની ભૂમિકા તો ઠીક, કૅચી વનલાઇનર્સ પણ માત્ર પુરુષોને જ આપવાનાં. હજી આમાં એકદમ ચીપ ‘અન્ડરગાર્મેન્ટ્સ જોક’ની તો વાત જ નથી કરી.

પરચૂરણ પ્રોબ્લેમ્સ

આ ફિલ્મનાં બધાં જ ગીતો પરાણે અને બિનજરૂરી રીતે ઠૂંસવામાં આવ્યાં છે. સ્ટોરી-કેરેક્ટર ડૅવલપ કરવામાં તેનો કોઈ જ ફાળો નથી. છતાં અમદાવાદના રસ્તાઓ પરના ખાડાની જેમ એક પછી એક ગીતો આવ્યા જ કરે છે. કદાચ સંગીતકારોને પણ આ ખબર છે (આઈ મીન, ગીતો વિશે), એટલે એમણે પણ ખાસ મહેનત કરી હોય એવું લાગતું નથી. હા, ‘રસ્કે કમર’ની વાત અલગ છે, પરંતુ તેની મજા નુસરત ફતેહ અલી ખાઁ સા’બની ઑરિજિનલ રચના સાંભળવામાં જ છે.

ફિલ્મ પ્લોટ ડ્રિવન છે, એટલે તેમાં સારી એક્ટિંગનો છેદ ઉડાડી દેવાયો છે. આમેય ફિલ્મમાં સંજય મિશ્રા અને ક્યારેક અજય દેવગણને બાદ કરતાં કોઈ કલાકાર પોતાની એક્ટિંગ માટે જાણીતો નથી. જેમ ફિલ્મમાં ઇલિયાનાનો મૅકઅપ કે હેરસ્ટાઇલ વીંખાતા નથી, એ જ રીતે અજય દેવગણના ચહેરા પરથી ‘મને કશો જ ફરક પડતો નથી’ એવું એકમાત્ર એક્સપ્રેશન પણ ભૂંસાતું નથી. ઇશા ગુપ્તા બિચારી ફિલ્મમાં માત્ર ઇમરાન હાશ્મીને એકલું ન લાગે એટલા ખાતર જ મુકાઈ હોય એવી હાલત છે એની. હા, સંજય મિશ્રા જેટલા સીનમાં છે એ તમામ સીનને એ રીતસર ખાઈ ગયા છે.

આમ તો બૉલિવૂડમાં હરિયાણવી બોલીનો અતિરેક થઈ રહ્યો છે. છતાં ‘બાદશાહો’ પરથી એટલું કહી શકાય કે તે હરિયાણવી બોલીનો ક્રેશ કૉર્સ છે. કોઇપણ હિન્દી ડાયલોગમાં ‘મારે કો’, ‘થારે કો’, ‘મૈં જાઉં કો ના’ જેવા શબ્દપ્રયોગો અને ‘ન’ને બદલે ‘ણ’ (જેમ કે, સોણા કહાં હૈ?) નાખી દો એટલે થઈ ગયું ફિલ્મનું ‘હરિયાણવીફિકેશન’!

‘બાદશાહો’માં બતાવવામાં આવેલો ટિપિકલ ખજાનો જેટલો હાસ્યાસ્પદ છે, તેના કરતાં ક્યાંય વધુ રિડિક્યુલસ તેની સ્પેશ્યલ ઇફેક્ટ્સ છે!

ખજાનાની બેલેન્સ શીટ

સવા બે કલાકની આ ફિલ્મ ક્લાઇમેક્સ સુધી પહોંચતા સુધીમાં ફુસ્સ થઈ જાય છે. અરે, ફિલ્મનું ઍન્ડિંગ પણ એવું છે કે જાણે પાત્રો કહેતા હોય, ‘હવે બહુ થયું ફિલમ-ફિલમ! મૂકો ને મગજમારી!’ ‘બાદશાહો’ની માઇલ્ડ એન્ટરટેનમેન્ટ વેલ્યૂ, સસ્તી થ્રિલ અપીલ અને સ્ટાર પાવર જોતાં એકાદ વખત ટીવી પર આવતી હોય તો જોઈ શકાય. બાકી નહીં જુઓ તો ખાસ કોઈ ખજાનો ગુમાવવા જેવું નથી.

P.S. નુસરત ફતેહ અલી ખાઁ સા’બના અવાજમાં ‘રસ્કે કમર’નું 17 મિનિટનું ઑરિજિનલ વર્ઝન આ રહ્યુંઃ

(Reviewed for divyabhaskar.co.in)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ… દોબારા

દોબારા… દોબારા

***

આ ફિલ્મ નહીં, ભાઇલોગનું કવિ સંમેલન છે. એટલે જ એના નામમાં એક વાર નહીં, બલકે બે વાર દોબારા… દોબારા હોવું જોઇએ.

***

ouatima1જમવાની થાળીમાં નાની ચમચી અથાણું હોય તો ભોજનમાં ચટાકો આવે, પણ આખી થાળી ભરીને અથાણું પિરસી દો તો શું થાય? બસ, આવું જ કંઇક થયું છે મિલન લુથરિયાની સિક્વલ ‘વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ…દોબારા’ સાથે. આ આખી ફિલ્મમાં એટલાં બધાં વનલાઇનર્સ છે કે વનલાઇનર્સની વચ્ચે થોડી થોડી ફિલ્મ આગળ ચાલે છે.

બોરિંગ લવ ટ્રાયેંગલ

કહેવા માટે તો આ ફિલ્મ એની પ્રિક્વલ એટલે કે પહેલો અજય દેવગણ અને ઇમરાન હાશમીવાળો ભાગ જ્યાં અટકેલો ત્યાંથી શરૂ થાય છે, પરંતુ ફિલ્મમાં એ જ ઘિસીપિટી લવ ટ્રાયેંગલની ફોર્મ્યૂલા જ રિપીટ કરાઇ છે. શોએબ (અક્ષય કુમાર) આખા મુંબઇને પોતાના ખિસ્સામાં રાખીને ફરતો હોય એવો ડોન-ગેંગસ્ટર છે. જ્યારે અસલમ (ઇમરાન હાશમી) એનો એકદમ વફાદાર વિશ્વાસુ માણસ છે. હવે સ્ક્રિપ્ટનું કરવું અને બંને ગુરુ-ચેલા એક જ નમણી નાર એવી જેસ્મીન (સોનાક્ષી સિંહા)ના પ્રેમમાં પડી જાય છે. જેસ્મીન કાશ્મીરથી મુંબઇ આવી છે અને એની મા એને હિરોઇન બનાવવા માગે છે. ઇન્ટરવલ પછી જ્યારે અક્ષય કુમારને ખબર પડે છે કે પોતે તો સોનાક્ષીના એકતરફી પ્રેમમાં હતો અને એ સોનાક્ષી તો એના જ ચેલા અસલમ એટલે કે ઇમરાન ખાનને પ્રેમ કરે છે. ત્યારે ડોનની ખોપડી હટી જાય છે અને એ અસલમનાં હાડકાં-પાંસળાં એક કરવા નીકળી પડે છે.

નબળી સિક્વલ

ધારો કે, ‘સંગમ’, ‘સાજન’ કે ‘યે દિલ્લગી’ જેવી હિટ ફિલ્મોમાં બંને મુખ્ય હીરોને ગેંગસ્ટર બનાવી દો એટલે આ વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇની સિક્વલનો કાચો માલ તૈયાર થઇ જાય. આ ફિલ્મની મૂળ કથા એટલી બધી પાતળી છે કે એની સરખામણીમાં પાપડ પણ રોટલા જેવો જાડો લાગે.

તદ્દન પ્રીડિક્ટેબલ એવી આ કંગાળ સ્ટોરીને સ્ટાઇલિશ બનાવવા માટે ફિલ્મના સ્ક્રીનપ્લેમાં એસએમએસમાં ફરતાં કે રિક્ષા-ટ્રકોની પાછળ લખેલાં હોય એવાં વનલાઇનર્સ ઠાલવી દેવામાં આવ્યાં છે. અને એ પણ કેટલાં? બહુ નમ્રપણે એવું કહી શકાય કે ફિલ્મમાં આખા સ્ક્રીનપ્લે કરતાં પણ વનલાઇનર્સની સંખ્યા વધારે હશે! ફિલ્મના કોઇ દૃશ્યમાં નાટ્યાત્મકતા ઉમેરવા માટે કલાકારો સ્ટાઇલથી વનલાઇનર બોલે તો સમજાય, પણ આ તો આખી ફિલ્મમાં કોઇ પણ પાત્ર મોં ખોલે એટલે કંઇક વાયડું વનલાઇનર જ નીકળે. હવે દાખલા તરીકે તમે એક ગ્લાસ પાણી માગવા માટે આવું કંઇક બોલોઃ ‘પ્યાસ પાની કી હો યા પ્યાર કી, દિલ તભી ભરતા હૈ જબ વો હાથ મેં આતા હૈ!’, તો સામેવાળી વ્યક્તિ ગ્લાસનો છુટ્ટો ઘા કરે કે નહીં?! બસ, આખી ફિલ્મમાં એકેએક સીનમાં આવી વાયડાઇ જ ઠાંસી ઠાંસીને ભરી છે. આપણા કાને સતત આવાં જ વાક્યો સંભળાયે રાખેઃ કિસીને કહા થા કિ મેરા ફ્યુચર બહોત બ્રાઇટ હૈ, તબ સે મૈંને ગોગલ્સ પહનના શુરુ કર દિયા; પ્યાર કટિંગ ચાય જૈસા હોતા હૈ, ન પ્યાસ બુઝતી હૈ ન દિલ ભરતા હૈ; પ્યાર વો ગૂગલી હૈ જો હાથ મેં આ જાયે તો બાદામ વર્ના મુંગફલી હૈ; જબ દેવર કી મૌત આતી હૈ તબ ઉસે ભાભી અચ્છી લગને લગતી હૈ; આજકલ પ્યાર નૌકરાની જૈસા હો ગયા હૈ; આતા હૈ, બેલ બજાતા હૈ, કામ કરતા હૈ ઔર ચલા જાતા હૈ; અપની દોસ્તી ટાયર ઔર ટ્યૂબ જૈસી હૈ, હવા તેરી નીકલતી હૈ બૈઠ મૈં જાતા હૂં; યે પ્યાર કે પંગે હૈ, ઇસમેં પ્યાર સે કુછ નહીં હોતા; પહલે ખિલાડી થા, અબ ખુદ ખેલ હૂં; મૈં અગર હીરો બન ગયા તો મેરી પહચાન બુરા માન જાયેગી… સતત લહેકા કરી કરીને બોલાતાં આવાં વનલાઇનર્સ સાંભળીને જાણે હાસ્ય કવિ સંમેલન ચાલતું હોય એવું લાગે છે. અને આપણને પણ ફિલ્મના ટાઇટલની જેમ “દોબારા… દોબારા…” બોલવાની ઇચ્છા થઇ આવે!

હીરો નહીં, અહીં તો વિલન વર્શિપિંગ

છેલ્લા થોડા સમયથી આપણે ત્યાં હીરો વર્શિપિંગ પ્રકારની ફિલ્મો બનવા માગી છે, જેમાં હીરોને લાર્જર ધેન લાઇફ સુપરહીરો ટાઇપનો બતાવવામાં આવે. જ્યારે અહીં તો વિલન વર્શિપિંગ છે. હીરો અહીં ગેંગસ્ટર છે એટલે કે એન્ટિહીરો છે. હવે એને સ્માર્ટ બતાવવા માટે તમારે પોલીસને પણ વેવકૂફ, ફુવડ બતાવવી પડે. અને આવી ફિલ્મો આપણે ત્યાં જબ્બર બિઝનેસ કરી રહી છે, જે દુઃખદ ટ્રેન્ડ છે.

નો લોજિક, નો ઝિકઝિક

ઇસ ફિલ્મ મેં લોજિક ઢૂંઢને જાઓગે તો આપ કી કોમનસેન્સ બુરા માન જાયેગી. આખા મુંબઇને ચિલ્લરની જેમ ખિસ્સામાં રાખવાનો ફાંકો રાખતા શોએબ (અક્ષય કુમાર)ના જ નાક નીચે એનો સાગરિત એના જ લવ ઇન્ટરેસ્ટ સાથે ઇશ્ક ફરમાવતો હોય તોય એને ગંધ ન આવે? જ્યારે આખા ગામને એની ખબર હોય! પેલી ભોળીભટાંક બતાવાયેલી જેસ્મીન (સોનાક્ષી)ને છેક સુધી ખબર ન પડે કે એ જેની સાથે ટાઇમપાસ કરી રહી છે એ મુંબઇનો સૌથી મોટો ડોન છે, અને એ એના પ્રેમમાં પડી ગયો છે! (જો એનું મગજ એટલું પણ ન ચાલતું હોય તો એને બ્રેઇનડેડ જાહેર કરીને એનું અંગદાન કરી દઇને ‘શિપ ઓફ થિસિયસ’ની સિક્વલ બનાવી નાખવી જોઇએ!)

ફિલ્મના પ્રોમોઝમાં અને પોસ્ટરમાં કેચલાઇન હતી કે “ધિસ ટાઇમ ઇટ્સ પર્સનલ”, ત્યારે ઇનડાયરેક્ટ પ્રોમિસ કરાયેલું કે અહીં એક લડકી કે લિયે ગુરુ ઔર ચેલા આપસ મેં ટકરાયેંગે. પણ અહીં એ ટકરાવની રાહ જોતાં જોતાં અડધી ફિલ્મ પતી જાય છે, પછી પણ ટકરાવ છેક ઇન્ટરવલના પણ અડધા કલાક પછી શરૂ થાય છે. અને એ ટકરાવ થાય ન થાય ત્યાં તો પિક્ચર ડકવર્થ લુઇસ પદ્ધતિથી પૂરું જાહેર કરી દેવામાં આવે છે. (અહીં જે રીતે લૂઝ એન્ડ રખાયો છે, એ જોતાં એ લોકો તિબારા, ચોબારા અને પોબારા ગણવા આવવાના જ છે!)

બધા ડિપાર્ટમેન્ટ નબળા

હીરોની વાયડાઇ કે લુખ્ખી હીરોગીરી જેમને ગમતી હોય અથવા તો અક્ષયકુમારના ફેન હોય એ લોકોને એની એક્ટિંગમાં મજા આવી શકે. એના ડાયલોગ સાંભળીને એક ગેંગસ્ટરનો ખોફ ઊભો થવાને બદલે તમને હસવું આવશે. બાકી સોનાક્ષી અને ઇમરાનની એક્ટિંગમાં કશું નોંધપાત્ર નથી. હા, ઇમરાનની એન્ટ્રી વખતની ટ્રેઇન એક્શન સિક્વન્સ સારી છે. સોનાલી બેન્દ્રે ઘણા સમય પછી સ્ક્રીન પર દેખાઇ છે, પણ એના ભાગે ગણીને ત્રણ જ સીન્સ છે. મહેશ માંજરેકર વિલનના પણ વિલન છે, પણ સાવ નબળા વિલન છે. પિત્તોબાશ ત્રિપાઠી અને અભિમન્યુ સિંહ જેવા ટેલેન્ટેડ સ્ટાર્સ બિલકુલ વેડફાયા છે.

પહેલા ભાગની તર્જ પર પ્રીતમે સર્જેલું સંગીત પણ અહીં એવી કોઇ અસર કરી શક્યું નથી. ‘અમર અકબર એન્થોની’ ફિલ્મના ગીત ‘તૈયબ અલી પ્યાર કા દુશ્મન’ને અહીં વાપરીને એના કચરા સિવાય કશું જ નથી કર્યું. વધુમાં ફિલ્મ એટલી લાંબી છે કે તમારી ધીરજ બુરા માન જાયેગી. આ ફિલ્મ માત્ર રાઇટર રજત અરોરાની જ છે, મિલન લુથરિયાની અગાઉની ફિલ્મો જેવો ચાર્મ અહીં દેખાતો નથી.

ઇન શોર્ટ, કેચી વનલાઇનર્સના આશિકો અને હીરોલોગની દોઢ ડહાપણવાળી હુશિયારીના ચાહકોને જ આ ફિલ્મમાં મજા પડશે, બાકીના લોકોએ આ દોબારાથી પોબારા ગણી જવા.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.