ઇક્કીસ તોપોં કી સલામી

વી ધ (કોમન) પીપલ ઑફ ઇન્ડિયા

 ***

અતિશય લાંબી અને નક્કામી ચરબીથી ભરેલી હોવા છતાં આ ફિલ્મ ભારતની વર્તમાન સ્થિતિ પર મીઠાના પાણીમાં બોળેલા ચાબખા મારે છે.

***

ekkees-toppon-ki-salaami-posterરાજકારણીઓ પગથી માથા સુધી ભ્રષ્ટાચારના ખાબોચિયામાં ગરકાવ હોય અને મીડિયા ન્યૂઝને નામે કદરૂપું મનોરંજન પીરસતું હોય ત્યારે એક સામાન્ય માણસ ગરીબ રહેવા છતાં પ્રામાણિક રહી શકે? અને ધારો કે એ પ્રામાણિક રહે પણ ખરો, તો એને એની પ્રામાણિકતાનો શિરપાવ મળે ખરો? આવા કડવી દવા જેવા સાત્ત્વિક સવાલો પૂછે છે રવીન્દ્ર ગૌતમે ડિરેક્ટ કરેલી ફિલ્મ ‘ઇક્કીસ તોપોં કી સલામી’. પરંતુ માર્કેટમાં ફિલ્મનો માલ વેચવા માટે એમણે અંદર જે તામસિક મસાલા ઠાલવ્યા છે એમાં આખી ફિલ્મનો સ્વાદ કંઇક વિચિત્ર થઈ ગયો છે. ઉપરથી ફિલ્મ એટલી લાંબી થઈ ગઈ છે કે માલગાડીની જેમ પૂરી જ નથી થતી!

પ્રામાણિકતાની કિંમત

પુરુષોત્તમ નારાયણ જોશી (અનુપમ ખેર) મુંબઈ મહાનગરપાલિકાના નખશિખ પ્રામાણિક કર્મચારી છે. સાડા ત્રણ દાયકાથી એમનું એક જ કામ રહ્યું છે ખભે ફોગિંગ મશીન ઊંચકીને આ મોહમયી નગરીની ગલીઓમાં-ગટરોમાં મચ્છર ભગાડતો ધુમાડો મારવાનું. પરંતુ એમના બે દીકરા શેખર (મનુ ઋષિ ચઢ્ઢા) અને સુભાષ (દિવ્યેન્દુ શર્મા) દીવા તળે અંધારા જેવા છે. એ બંને દૃઢપણે માને છે કે અત્યારે તો ભ્રષ્ટાચારની ચમચીથી જ ઘી નીકળે.

હવે આખી જિંદગી પ્રામાણિકતાનો ધુમાડો ફેંકતા રહેલા જોશીભાઉ એટલે કે અનુપમ ખેરને બરાબર નોકરીના છેલ્લા દિવસે ભ્રષ્ટાચારનો મચ્છર કરડી જાય છે. એમના પર ફોગિંગ મશીન વેચી મારવાનો આરોપ આવે છે અને એમને સસ્પેન્ડ કરાય છે. આઘાતના માર્યા જોશીભાઉ શ્રીજીચરણ પામે છે. લેકિન મરતાં મરતાં દીકરાઓને કહી જાય છે કે મને મારું આત્મસન્માન પાછું અપાવો અને એક-બે નહીં, પૂરી એકવીસ તોપોની સલામી અપાવો. હવે અત્યારના સમયમાં કદાચ બંદૂકડી મળી જાય, પણ તોપ ક્યાંથી કાઢવી? પરંતુ બંને દીકરા ગાંઠ વાળે છે કે બાપુજીને સન્માનભેર આ દુનિયામાંથી વિદાય આપવી. ત્યાં જ રાજકીય ઘટનાક્રમ એવો બને છે કે બાપુજીને તોપોની સલામી આપવાનો એક ચાન્સ મળે છે.

સીધી બાત, બહોત સારા બકવાસ

આ ફિલ્મ એક પોલિટિકલ સટાયર છે. એટલે કે આપણા દેશની તદ્દન ખાડે ગયેલી રાજકીય વ્યવસ્થા પર કરાયેલાં વ્યંગબાણોનો પ્રહાર છે. પરંતુ પહેલી પંદરેક મિનિટમાં બધાં જ પાત્રોની ઓળખપરેડ પૂરી થઈ ગયા પછી છેક ઇન્ટરવલ સુધી નક્કામાં ગીતો અને લાંબા સીન ચાલ્યા જ કરે છે. હીરો દિવ્યેન્દુની લવસ્ટોરી, ભ્રષ્ટ નેતા દયાશંકર પાંડે (બ્રિલિયન્ટ રાજેશ શર્મા)નું એમની પ્રેમિકા જયાપ્રભા (નેહા ધુપિયા) સાથે અફેર અને એ બધાંનાં ગીતો પરાણે ઘુસાડ્યાં છે. ઇવન બાપુજીને એકવીસ તોપોની સલામી અપાવવાની પ્રક્રિયા પણ ઇન્ટરવલ પછી એનાકોન્ડાની જેમ લંબાઈ ગઈ છે. પરિણામે આખી ફિલ્મ અધધધ લાગે એવી 140 મિનિટની લાંબી થઈ ગઈ છે. આ ફિલ્મને એટલિસ્ટ અડધા કલાક જેટલી કાપકૂપ કરીને રિલીઝ કરાઈ હોત તો એક મસ્ત એન્ટરટેનિંગ સટાયરિકલ ફિલ્મ બની શકે તેવો દારૂગોળો ફિલ્મમાં છે.

કલ્ટ બ્લેક કોમેડી ફિલ્મ ‘જાને ભી દો યારો’માં સતીશ શાહના મૃતદેહને લઇને ચાલતી ધમાચકડી બતાવાઈ હતી. અદ્દલ આવું જ કામ અનુપમ ખેર આ અગાઉ પણ એકાદ-બે ફિલ્મમાં કરી ચૂક્યા છે. અહીં પણ એમણે એ જ કર્યું છે. એટલે જ કદાચ આંખો ખુલ્લી રાખીને મૃતદેહનો અભિનય કરવામાં એમને હવે માસ્ટરી આવી ગઈ છે. એક્ટિંગ ડિપાર્ટમેન્ટમાં અનુપમ ખેર ઉપરાંત બીજાં ત્રણ કલાકારો આપણું ધ્યાન ખેંચે છે. એક તો દિવ્યેન્દુ શર્મા, ભ્રષ્ટ નેતા બનેલા રાજેશ શર્મા અને એનાં રાજકીય સ્વાર્થ ધરાવતાં મમ્મી બનેલાં સિનિયર અદાકારા ઉત્તરા બાઓકર.

અગાઉ ‘દો દૂની ચાર’માં મસ્ત રાઇટિંગ કરનારા રાહિલ કાઝીએ આ ફિલ્મનો આખો રાઇટિંગ ડિપાર્ટમેન્ટ સંભાળ્યો છે. તેમાં અમુક અમુક સીન્સ તો ખરેખર સુપર્બ બન્યા છે. જેમ કે, એક રાજકારણી એની ગંદીગોબરી ભાષામાં સ્પીચ લખાવે અને તેના રાઇટર તેને ડાહીડમરી ભાષામાં મઠારીને પેશ કરે. ન્યૂઝના નામે એબ્સર્ડ મનોરંજન પિરસનારા મીડિયા પર પણ રાહિલ કાઝીએ દાઢી કરવાની બ્લેડ જેવા ધારદાર સંવાદો આપ્યા છે. એક ઉલ્લેખ એ પણ કરવો પડે કે ફિલ્મમાં ખરેખરું મુંબઈ પણ મસ્ત રીતે ઝીલાયું છે. અને હા, ફિલ્મમાં એક ન્યૂઝ એન્કર અર્ણવ ગોસ્વામી (એક્ટર આસિફ શેખ) પણ છે!

લેકિન ઓલરેડી લાંબી ફિલ્મમાં એટલો બધો મેલોડ્રામા ઠપકાર્યો છે કે મૂળ વાત હાંસિયામાં ધકેલાઈ જાય છે. એ જ રીતે બાપના મૃતદેહ પર ઝઘડતા દીકરાઓ અને દીકરાના મૃતદેહ પર સ્વાર્થી રાજકારણ ખેલતી માતાનાં દૃશ્યો સીધાં એબ્સર્ડિટીના ખાનામાં ગોઠવાય છે.

આમ તો ફિલ્મમાં રામ સંપતે અમસ્તા જ સંગીત આપ્યું હોય એવું ઓકે ઓકે મ્યુઝિક છે, પરંતુ રાજેશ શર્મા અને નેહા ધુપિયા પર ફિલ્માવાયેલું ગીત ‘યૂં ના દેખો સાંવરિયા ઘૂર ઘૂર કે’નું પિક્ચરાઇઝેશન  ઇન્ટરેસ્ટિંગ છે. એમાં હિન્દી ફિલ્મોનાં સુપરહીટ ગીતોની સિચ્યુએશન્સ લીધી છે. પરંતુ ફિલ્મમાં તો આ ગીતની જરૂર જ નહોતી.

આડી ફાટેલી તોપ

આગળ‌ કહ્યું એમ આ ફિલ્મમાં એક અફલાતૂન પોલિટિકલ સટાયર બનવાનો પૂરેપૂરો દારૂગોળો હતો, પરંતુ પોપ્યુલર બનાવવાની લાલચમાં આ તોપનું સૂરસૂરિયું થઈ ગયું છે. ફિલ્મનો મેસેજ સારો હોવા છતાં તે પૈસા ખર્ચીને જોવા જવા જેવી બની શકી નથી. હા, ટીવી પર અવશ્ય જોવી જોઇએ.

રેટિંગ: ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

ક્યા દિલ્લી ક્યા લાહોર

ફીલિંગ સાચી, પણ ફિલ્મ કાચી

***

માત્ર પ્યાદાં બનીને રહી જતા બે સૈનિકોની વાત કહેતી આ ફિલ્મનો મેસેજ છે કે યુદ્ધથી કોઈનું કલ્યાણ થતું નથી.

***

kya-dilli-kya-lahore-songsભારતના ઈતિહાસનું સૌથી લોહિયાળ પ્રકરણ એટલે 1947ના ભાગલા. રાતોરાત બે દેશો વચ્ચે સરહદ ઊભી થઈ ગઈ. એક તરફ હિન્દુસ્તાન અને બીજી તરફ પાકિસ્તાન. એ સાથે જ બંને બાજુએ લાખો નિર્દોષોની હત્યાનો સિલસિલો ચાલ્યો. ભાગલાની એ પીડાને ખુશવંત સિંઘ, મન્ટો, ઈસ્મત ચુગતાઈ, ગુલઝાર જેવા સર્જકોએ સુપેરે વ્યક્ત કરી છે. ગુલઝારની ભાગલાની વાતને બખુબી બયાન કરતી પંક્તિઓથી શરૂ થતી ફિલ્મ ‘ક્યા દિલ્લી ક્યા લાહોર’નું હૈયું સાબૂત છે, લાગણીઓ નક્કર છે, પરંતુ કોઈ ટ્વિસ્ટ વિનાની એકધારી ચાલતી ફિલ્મ અંતે કંટાળો આપે છે.

67 વર્ષ જૂનો ઘા

વર્ષઃ 1948. સ્થળઃ નોર્થ-વેસ્ટ ફ્રન્ટિયરનો સરહદી વિસ્તાર. ભારત અને પાકિસ્તાન વચ્ચેના ભીષણ ગોળીબારમાં બંને તરફ માત્ર બે જ સૈનિકો સહીસલામત બચ્યા છે. પાકિસ્તાની સૈનિકને એનો ઓફિસર હુકમ કરે છે કે ભારતની સરહદી ચોકીમાં ઘુસીને દિલ્હીથી લાહોર સુધી ખોદાનારી એક સુરંગનો નકશો લઈને આવ, નહીંતર તને ગદ્દાર સાબિત કરી દઈશ. વખાનો માર્યો એ પાકિસ્તાની સૈનિક રહેમત અલી (વિજય રાઝ) ભારતની ચોકી પાસે આવે છે. ત્યાં પણ માત્ર સૈન્યનો રસોઈયો સમર્થ પ્રતાપ શાસ્ત્રી (મનુ રિશી) જ બચ્યો છે. બંને વચ્ચે બંદૂકની ભાષામાં શરૂ થયેલી વાતચીત ગાળોની ભાષામાંથી આગળ વધીને તૂતૂ મૈંમૈંની બોલીમાં અને પછી પ્રેમ-દોસ્તીની ભાષામાં પરિણમે છે. વાત આગળ વધે છે ત્યારે ખબર પડે છે કે પાકિસ્તાનનો સૈનિક તો ત્રણ દાયકાથી દિલ્લીમાં રહેતો હતો. જ્યારે ભારતીય સૈનિકનું ઘર હજી આજની તારીખે પણ લાહોરમાં છે. બે દેશ વચ્ચે કોઈ ખૂફિયા સુરંગ બને છે કે કેમ એ તો ખબર નથી, પણ ભાગલાનો શિકાર બનેલા લોકોની પીડા સરહદની બંને બાજુએ સરખી જ છે. પાકિસ્તાન ગયેલા મુસલમાનોને ‘મુહાજિર’ કહીને ઉતારી પાડવામાં આવ્યા, તો ત્યાંથી અહીં આવેલા હિન્દુઓને ‘રેફ્યુજી’ કહીને બાજુએ બેસાડી દેવામાં આવ્યા. આ પીડા લઈને જ તમે હૉલમાંથી બહાર નીકળો છો.

વાત સાચી, પણ સમય?

ક્યા દિલ્લી ક્યા લાહોરમાં ગણીને ચાર જ પાત્રો છે. એમાંય ફિલ્મની મોટા ભાગની વાર્તા તો બે મુખ્ય પાત્રોની આસપાસ જ ફર્યા કરે છે. ફિલ્મમાં એક પણ ફીમેલ કેરેક્ટર નથી. વળી, લગભગ આખી ફિલ્મ ઘટના આધારિત નહીં, બલકે સંવાદો આધારિત છે. માત્ર બે જ દિવસના સમયગાળામાં આકાર લેતી સમગ્ર ફિલ્મ ભારતની એક ચોકીના જ લોકેશન પર છે. આ બધાને કારણે આપણે ફિલ્મને બદલે કોઈ નાટક જોતા હોઈએ એવી ફીલ આવે છે.

ઉમદા અદાકાર વિજય રાઝ બોલિવૂડના કદાચ સૌથી અંડરરેટડ એક્ટર્સમાંના એક છે. એમણે આ વખતે એક્ટિંગ ઉપરાંત ડિરેક્શનનું સુકાન પણ સંભાળ્યું છે. જ્યારે એમની સાથે ભારતીય સેનાના રસોઈયાના પાત્રમાં ડાયલોગ રાઈટર મનુ રિશી છે, જેમણે અગાઉ ઓયે લક્કી લક્કી ઓયેના ડાયલોગ્સ લખવા માટે ફિલ્મફેર અને આઈફા એવોર્ડ્સ મેળવેલા. અહીં પણ એમણે ડાયલોગ્સ લખવા માટે કલમ ઉપાડી છે. એક્ટિંગ ડિપાર્ટમેન્ટમાં તો બંને જણા પૂરા માર્ક્સ લઈ જાય છે. લાગણીઓ સાચી હોવા છતાં ફિલ્મમાં મોટા કહી શકાય એવા કોઈ ટ્વિસ્ટ છે જ નહીં. જાણે ભાગલાની વ્યથા કહેવા માટે જ આ ફિલ્મ બનાવી હોય એવું લાગે. એને કારણે માત્ર 98 મિનિટ્સની જ હોવા છતાં આ ફિલ્મ લાંબી અને કંટાળાજનક લાગવા માંડે છે.

એક દેશના ઈતિહાસ માટે 67 વર્ષ એ મોટો સમયગાળો નથી, પરંતુ આટલા સમયમાં બે પેઢીઓ પસાર થઈ જાય છે. અત્યારે ભાગલાની પીડાને યાદ કરીને આંસુ સારનારા લોકો કેટલા બચ્યા હશે? વળી, ફિલ્મમાં તો ‘અંતે તો હેમનું હેમ હોયે’ની જેમ ભાગલા છતાં બંને દેશો એક જ છે એવી વાત કરાઈ છે. જ્યારે અત્યારે ક્રિકેટથી લઈને કારગિલ અને 26/11 સુધીના ઘટનાક્રમમાં બંને દેશો વચ્ચે કટ્ટરતા એટલી વધી ગઈ છે કે ‘ભારત-પાકી ભાઈ ભાઈ’ એવો મેસેજ એટલિસ્ટ અત્યારના યુવાનોને તો હજમ થાય જ નહીં. સશક્ત રાઈટર હોવા છતાં ફિલ્મમાં છૂટાછવાયા ચમકારાને બાદ કરતાં સતત પીડા જ વહેતી જોવા મળે છે. કંઈક આ જ વાત કહેતી ફિલ્મ ‘વૉર છોડ ના યાર’એ હળવા ટોનમાં પીડા અને કટાક્ષ બંને ચાબખા માર્યા હતા.

‘ક્યા દિલ્લી…’માં નાનકડા રોલમાં રાજ ઝુત્સી અને વિશ્વજીત પ્રધાન છે, જોકે એમના ભાગે ટિપિકલ વિલનગીરી કરવા સિવાય ખાસ કશું આવ્યું નથી. ગુલઝારે લખેલું અને સંદેશ શાંડિલ્યએ કમ્પોઝ કરેલું  ગીત ‘કિસ્સે લમ્બે ને લકિરાં દે’ સુખવિંદરે અદભુત રીતે ગાયું છે. બીજી એક રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મની ભારત-પાકિસ્તાનની બોર્ડર ફિજીમાં ઊભી કરવામાં આવી હતી. જોકે એ આઉટડૉર લોકેશનને જરા પણ એક્સપ્લોર કરવામાં આવ્યું નથી.

માત્ર ફીલિંગ માટે લાંબા થવું

સરહદ પર લડતા સૈનિકો પણ આખરે માણસ છે અને એમને પણ ઘર-પરિવાર જેવું હોય છે, એ વાત રાષ્ટ્રવાદી નારાઓમાં ક્યાંય દબાઈને રહી જાય છે. જો આ ફીલિંગ ફરી એકવાર મેળવવી હોય, તો જ આ ફિલ્મ જોવા લાંબા થજો. નહીંતર આ ફિલ્મની ડીવીડી રિલીઝ થાય એની રાહ જોવામાં જ સમજદારી છે.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.