ફિતૂર

આગ કા દરિયા, ડૂબ કે જાના

***

‘ફિતૂર’ જોયા પછી ખ્યાલ આવે કે વિશાલ ભારદ્વાજના પેંગડામાં પગ નાખવો પણ આસાન નથી.

***

fitoor_hindi_film_posterકોઈ નાટક, નવલકથા કે લોકવાર્તાને નવા જ સ્થળ-કાળમાં ફિલ્મ તરીકે અડૅપ્ટ કરો, એટલે સર્જકની જવાબદારી જંગી સ્કોર ચૅઝ કરતા બૅટ્સમેન જેવી વધી જાય. અગાઉ ડિરેક્ટર અભિષેક કપૂરે ચેતન ભગતની હાડોહાડ કમર્શિયલ ફિક્શન ‘થ્રી મિસ્ટેક્સ ઑફ માય લાઇફ’ને ‘કાયપો છે’ તરીકે અડૅપ્ટ કરેલી. હવે એમણે ચાર્લ્સ ડિકન્સની ‘ગ્રેટ એક્સપેક્ટેશન્સ’નો વારો કાઢ્યો છે. પરંતુ ક્લાસિકનો આત્મા કાઢીને બૉલીવુડના કમર્શિયલ ખોળિયામાં પૂરવા માટે વિશાલ ભારદ્વાજ જેવો ઇલમ જોઇએ. આ ઇલમમાં મહારત મેળવવામાં અભિષેક કપૂરને હજી છેટું છે. તેમ છતાં ઇશ્કિયા મિજાજના ફકીરની જેમ દિલદાર હૈયું રાખીને જુઓ તો ફિલ્મમાં લુત્ફ ઉઠાવવા જેવી ઘણી બધી બાબતો મળી આવે તેમ છે.

કભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા

આજથી દોઢ દાયકા પહેલાંનું કાશ્મીર. ત્યાંની માલીપા રહે હાથમાં કારીગરી અને કળાનો કસબ લઇને પેદા થયેલો નૂર નામનો ટાબરિયો. એ જ શ્રીનગરમાં એક રાણીસાહેબા બેગમ હઝરત જહાં (તબુ) પણ એમની નાનકડી દીકરી ફિરદૌસ સાથે રહે. ફિરદૌસ હતી જ એવી. જન્નતની હૂર. એક દિવસ બેગમસાહેબાએ નૂરને જોયો અને એ જ દિવસથી ફિરદૌસની સરભરામાં રાખી લીધો. આ બાજુ નૂર ફિરદૌસના ઇશ્કના કળણમાં ધસ્યો તો બીજી બાજુ ફિરદૌસ લંડન રવાના થઈ ગઈ. વર્ષો વીત્યાં. નૂર નિયાઝી (આદિત્ય રૉય કપૂર) હવે કાબેલ ચિત્રકાર અને શિલ્પકાર છે. બૅગમ હઝરત જહાં એને સ્કોલરશિપ પર દિલ્હી મોકલે છે, જ્યાં ભેદી રીતે રાતોરાત નૂરમિયાંના પરચમ લહેરાવા માંડે છે. દિલ્હીમાં જ નૂરને એના દિલનો ફિતૂર એવી ફિરદૌસ (કૅટરિના) મળે છે. બચપન કી મહોબ્બત તો ફિરદૌસને યાદ છે, પણ અત્યારે એની જિંદગી નવો મોડ લઈ ચૂકી છે.

પણ એક મિનિટ, બેગમ સાહેબા નૂર પર આટલાં મહેરબાન શા માટે છે? એ આખો વખત છાતી પર કોઈ ભાર વેંઢારતાં હોય તેમ માયૂસ કેમ રહે છે? નૂર એવો તે કયો કોહિનૂર હતો કે રાતોરાત છવાઈ ગયો? અને સૌથી મહત્ત્વનું, નૂરના ફિરદૌસ સાથેના ઇશ્કનો શિકારા ઝેલમને કાંઠે પહોંચશે ખરો?

દિલ-એ-નાદાં તુઝે હુઆ ક્યા હૈ

જો તમે ચાર્લ્સ ડિકન્સની એ ક્લાસિક નવલકથા ‘ગ્રેટ એક્સપેક્ટેશન્સ’ વાંચી હશે તો ફર્સ્ટ હાફ જોઇને તમારું દિલ મુઘલ ગાર્ડનની જેમ ખીલી ઊઠશે. પરંતુ ઇન્ટરવલ પછી ક્લાસિક કથા પર બૉલીવુડનો કલર ચડતો જોઇને નિરાશાનું એવલેન્ચ આવી જાય. ‘ફિતૂર’ને ધિક્કારવી હોય તો અનેક મુદ્દા મળી રહે તેમ છે. જેમ કે, એક ક્લાસિક નવલકથાનો આખો ધ્વનિ જ બદલાવી નાખ્યો છે. ચટ મંગની અને પટ બ્યાહ ટાઇપની ફાસ્ટફૂડ જેવી ફિલ્મો જોનારાઓને તો આ ફિલ્મ એક સ્કાયસ્ક્રેપર પરથી તરતા મૂકેલા પીંછા જેવી સ્લો લાગશે. બિલોરી કાચને થોડો આગળ પાછળ કરો તો એવુંય દેખાશે કે આ કૅટરિના દેખાય છે જબ્બર, પણ એના ચહેરા પર ક્યારેય કોઈ જેન્યુઇન એક્સપ્રેશન્સ દેખાતાં નથી. ઇવન ટાઇટલ જેવો ઈશ્કનો ફિતૂર પણ મિસિંગ છે. ઇવન કાશ્મીરમાં ફ્રીડમ ઑફ એક્સપ્રેશન અને મિયાંદાદને માફ કરી દેવાની વાત હોય, સંવેદનશીલ દર્શકો ત્યાંય કકળાટ કરી મૂકશે (દાઉદના વેવાઈને અમે શેના માફ કરીએ, હેં?).

કાશ્મીર અને તબુ હોય એટલે બહુ બધા લોકોને ‘હૈદર’ યાદ આવી જશે. કો’કને વળી (ઓ. હેનરીની ‘ધ લાસ્ટ લીફ’ પરથી બનેલી) ‘લૂટેરા’ પણ દેખાશે. અબોવ ઑલ, મિસ્ટર અભિષેક કપૂર એક ક્લાસિકને કચકડે ઉતારવાનું કમઠાણ લઇને બેઠા છે, એનો ભાર આ  ફિલ્મની એકેએક ફ્રેમમાં દેખાય છે. વધુ પડતો સ્લો મોશનનો અને લો એન્ગલ કેમેરાનો ઉપયોગ પણ એની ચાડી ખાય છે.

જનાબ, બધુંય કબૂલ. પરંતુ આપણે ગૌર ફરમાવીએ ફિલ્મની પોઝિટિવ બાબતો પર. એક તો આપણે ત્યાં પુસ્તકો પરથી ફિલ્મો બનાવવાની મજૂરી કરવાની જફામાં સર્જકો મોટે ભાગે પડતા નથી. એટલે માછલાં ધોવાશે જ એવી ખાતરી છતાં સળગતું હાથમાં લેવા બદલ પણ ડિરેક્ટર અભિષેક કપૂર અને એમના રાઇટર સુપાર્તિક સેનને ‘શુક્રિયા જનાબ’ કહેવું પડે. ફિલ્મને બહાને પણ જો ચાર લોકો ઑરિજિનલ કૃતિ વાંચે તો શું ખોટું? ફિલ્મ નબળી હશે તો આમેય ભુલાઈ જવાની છે.

પરંતુ આ ફિલ્મ પાછળ કરેલી મહેનત દેખાઈ આવે છે. એક તો અનય ગોસ્વામીના કેમેરાએ જે કશ્મીર ઝીલ્યું છે એ જોઇને જ ટિકિટના પૈસા વસૂલ થઈ જાય. એ સતત થતી બર્ફબારી, પાનખરની સિઝનમાં ચારેકોર છવાયેલાં ચિનારનાં લાલ રંગનાં સૂકાં પાંદડાં, ગરમાગરમ કાશ્મીરી કાવામાંથી ઊઠતી વરાળની સેરો, ચારેકોર છવાયેલું ડરામણું ધુમ્મસ, ઝેલમમાં હળવે હળવે સેલ્લારા મારતા શિકારા, બૅકગ્રાઉન્ડમાં સંભળાતા રબાબના સૂર, કાશ્મીરી કોતરણી, કાંગડીની ગર્માહટ, કાચનાં વિશાળ ઝુમ્મરો, જોઇને જ ડરની એક સિરહન પસાર થઈ જાય એવાં જમાનો જોઈ ચૂકેલાં મહેલનુમા ઘર વગેરે બધું જ તમને સીધું કાશ્મીરમાં ટેલિપોર્ટ કરી દેવા માટે પૂરતું છે.

કોણજાણે કેટલા સમયે આપણી ફિલ્મમાં આવી ખાલિસ ઉર્દુ ઝબાન સાંભળવા મળી છે. તસવ્વુર, મુખ્તલિફ, જઝબાત, નસીહત, જહન્નમ, ખાક, બરકત, કસીદે, નાકાબિલે બર્દાશ્ત, રફ્તાર, બદસલુક, હમિનસ્તો, યે ઇશ્ક નહીં આસાં… આવું અહીં બરફની જેમ વેરાયેલું પડ્યું છે. ઇવન ફિલ્મના કેટલાય સંવાદો શાયરીની ઝુબાનમાં જ લખાયેલા છે. મસલન, ‘જૂતોં સે આગે જહાં ઔર ભી હૈ’, ‘બૈઠે બૈઠે ખાક હો જાયેગા’, ‘આના પડતા હૈ, ઝિંદગી હૈ’, ‘હાલાત મુશ્કિલ હૈ, નાઉમ્મીદ નહીં’, ‘યે કમઝર્ફ દવાઇયાં જાન ભી તો નહીં લેતી’… આટલું બધું ઉર્દુ બોલાતું સાંભળીને લાગે કે નીચે ‘સ્મોકિંગ કિલ્સ’ની ચેતવણી પણ ઉર્દુમાં હોવી જોઇએ, કે ‘જિગર સે ઉઠતા ધુઆં આપ કો જન્નતનશીન કર સકતા હૈ.’

કળા-સાહિત્યના શોખીનોને ‘અ ટૅલ ઑફ ટુ સિટીઝ’નાં વાક્યો ક્વોટ થતાં સાંભળીને કે નૂરજહાંની ‘હમારી સાંસો મેં આજતક વો, હિના કી ખુશબૂ મહક રહી હૈ’ વાગતી સાંભળીને એમનાં દિલમાં મેઘધનુષ ખીલી ઊઠે.

‘શુભાનઅલ્લાહ’ બોલાવી દે તેવું ‘ફિતૂર’નું સૌથી મસ્ત પાસું છે અમિત ત્રિવેદીનું જબરદસ્ત મ્યુઝિક. જેમ પશ્મીના શૉલ વીંટીમાંથી પસાર થઈ જાય, એવી જ હળવાશથી આ ફિલ્મનું સંગીત કાનવાટે રૂહમાં ઊતરી જાય એવું બન્યું છે. લૂપમાં રાખીને એક શાંત રાતે સાંભળજો.

કૅટરિના કે આદિત્ય રૉય કપૂરની એક્ટિંગનાં વખાણ કરવાં પડે એવો સમય હજી આવ્યો નથી, પણ ફિલ્મમાં તબુ હોય એટલે ઓવારણાંનો અમુક સ્ટોક એના માટે અનામત રાખવો પડે. (હા, આ ફિલ્મ પછી સૂકાં ચિનાર જેવા લાલ રંગના વાળ અને ઉર્દૂમાં ટૅટૂ કરાવવાનો ક્રેઝ આવે તો નવાઈ નહીં.) કૅટરિના કરતાં ક્યાંય વધુ ખૂબસૂરત અને એક્સપ્રેસિવ એના બાળપણનો રોલ કરતી તનિશા શર્મા લાગે છે. અહીં બે સરપ્રાઇઝ ગેસ્ટ અપિયરન્સ પણ છે, પરંતુ દૂરદર્શન જોઇને મોટા થયેલા દર્શકોને એક લાંબા અરસા બાદ પડદા પર તલત અઝીઝને જોઇને વસ્લની રાહતનો અહેસાસ થશે.

આતિશ-એ-ઇશ્ક

શમાની લૌ જેવી એટલે કે દીવા જેવી સ્પષ્ટ વાત છે કે ‘ફિતૂર’ મોટા ભાગના લોકોને ગમવાની નથી. બે કલાકમાં તો બગાસાંની બારાત કાઢે એવું બહુધા લોકોના કિસ્સામાં બનશે. પરંતુ જેઓ ક્લાસિક લિટરેચર અને એના અડૅપ્ટેશનના ખેલા સાથે મહોબ્બત ધરાવતા હોય, જેમને ગાલિબથી ખુસરો સુધીના સર્જકો યાર-દિલદાર લાગતા હોય, જે આપણા ગુજ્જુ અમિત ત્રિવેદીના ફૅન હોય અને અબોવ ઑલ, જે દિલ-ઓ-દિમાગથી ઇશ્કિયાના મિજાજ ધરાવતા હોય એમને આ ફિલ્મ એટલિસ્ટ એકવાર તો અપીલ કરશે જ.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

What I Learnt From Gujarat Literature Festival-2016

ફાઇનલી, જીએલએફ પૂરો. આ વખતે હું પ્યોર વાચક-ભાવક-શ્રાવકના મોડમાં હતો. આ વખતની થીમ પણ મને ગમતી, એટલે કે ફિલ્મોની હતી. એમાંય મારાં ફેવરિટ નામો અંજુમ રજબઅલી, શ્રીરામ રાઘવન અને વરુણ ગ્રોવરના સર્જનને ઇન્સાઈડ આઉટ જાણવાનો મોકો હતો. બોનસમાં પેન નલિન અને મયુર પુરીની સર્જનયાત્રા પણ જાણવા મળવાની હતી. અનફોર્ચ્યુનેટલી, શુક્રવારનું સેશન હું અટેન્ડ ન કરી શક્યો, પણ બાકીના બંને દિવસ ત્યાં અડ્ડો જમાવીને સાટું વાળી દીધું (એટલે જ અત્યારે મને જાણે ઘરમાં લગ્નપ્રસંગ પત્યો હોય એવું ખાલી ખાલી લાગે છે). અત્યંત ઓનેસ્ટીથી કબૂલવા જેવી વાત એ છે કે બધાં સેશન્સમાં-માસ્ટરક્લાસમાં એન્કર-મૉડરેટર રહેલા અભિષેક જૈને અત્યંત સેન્સિબલ સવાલો પૂછયા, જેણે આખા એક્સપિરિયન્સને બહુ જ ફ્રુટફુલ બનાવી દીધો. એટલે જ આ બધાને અંતે હું અમુક ટેક અવેઝ લઇને નીકળ્યો…

– આ બધા જ સર્જકો અત્યંત સારા શ્રોતા પણ છે અને ઓલ્મોસ્ટ તમામ સવાલોના અત્યંત શાંતિથી, એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી, પૂરી ઇમાનદારીથી જવાબો આપતા હતા. એમાંય મયુર પુરી તો મસ્ત મિમિક્રી પણ કરી જાણે છે. એમની એનર્જી ખરેખર ચેપી છે!

– ઉત્તમ રાઇટર-ડિરેક્ટર-ગીતકાર બન્યા પહેલાં (અને હજી પણ) એ લોકો ચિક્કાર વાંચતા આવ્યા છે. કોઈ પણ ભાષા, સાહિત્યપ્રકાર વગેરેની આભડછેટ રાખ્યા વિના બધું જ વાંચે છે. મયુર પુરીએ કહ્યું કે એમણે અમદાવાદની એમ. જે. લાઈબ્રેરીમાંથી કંઇક પાંચેક હાજર બુક્સ વાંચી નાખી હશે. શ્રીરામને એક બુક (મેસિમો કાર્લોતોની ‘ડેથ્સ ડાર્ક અબિસ’) વાંચતાં કેવી રીતે ‘બદલાપુર’નો આઈડિયા આવ્યો, કેવી રીતે વરુણ ગ્રોવરે દિગ્ગજ કવિઓની રચનાઓ પરથી ‘મસાન’નાં ગીતો રચ્યાં, એક સબ્જેક્ટ પર ફિલ્મ બનાવતી વખતે, પેન નલિન તે સબ્જેક્ટમાં કઈ હદે ઊંડા ઊતરે છે… બધાના મૂળમાં છે, જાતભાતનું પુષ્કળ, અનહદ વાંચન. સીધી વાત છે, ઇનપુટ વગર તો આઉટપુટ ક્યાંથી મળે?!

– ઓબ્ઝર્વેશન. ‘…વસેપુર’નાં ગીતો માટે વરુણ-સ્નેહા (ખાનવિલકર) બિહાર અને ત્યાંનું લોકસંગીત ખૂંદી વળેલાં. ‘મસાન’ હોય કે ‘બદલાપુર’ કે ‘જોની ગદ્દાર’, તમે એનાં પાત્રોમાં કરાયેલી કોતરણી જોશો તોય સમજાશે કે આ લોકોએ બધાં કેરેક્ટર્સને અનોખાં બનાવવા એમનામાં કેવી કેવી ખાસિયતો ઉમેરી છે. એ માટે આસપાસની દુનિયાને પણ ખુલ્લી આંખે ઓબ્જેક્ટિવલી જોતા રહેવું પડે.

– ઓપનનેસ અને ધીરજ. જ્યાં સુધી સંતોષ ન થાય ત્યાં સુધી લખતા રહો, સુધારતા રહો, મિત્રો-સ્નેહીઓના ફીડબેક લેતા રહો. છત્તાં નિષ્ફળતા મળે તો એમાંથી શીખીને આગળ વધી જાઓ. તમે માનશો, કેવી પ્રામાણિકતાથી શ્રીરામ રાઘવને ‘એજન્ટ વિનોદ’ની નિષ્ફળતા અને એમાં કરેલી ભૂલો પણ જાહેરમાં સ્વીકારી!

– આજે (રવિવારે) એક ઓપન સેશનમાં ઑડિઅન્સમાં બેઠેલા મિત્ર ગઢવીએ (જે અત્યારે ‘છેલ્લો દિવસ’ના ‘લોય’ તરીકે વધુ ફેમસ છે) એક ખરેખર સેન્સિબલ સવાલ પૂછેલો કે, ‘કંઈ પણ ક્રિએટિવ લખતા હોઈએ અને અંતે કોઈ પંચવાળો એન્ડ ન મળતો હોય તો શું કરવું જોઈએ? અને ક્લિશે અંત લાવવામાંથી કેવી રીતે બચી શકાય?’ પરંતુ ‘આ તો રાઇટિંગ વર્કશોપનો સવાલ છે’ એવું કહીને જવાબ અપાયા પહેલાં જ તેને ઉડાવી દેવાયો. એ ભલે પ્રાદેશિક સાહિત્યનું સેશન હતું પણ જવાબ શેર થયો હોત તો જે કંઈ ફાયદો થાત એ ગુજરાતીમાં નવા સર્જનને પણ મળવાનો જ હતો ને? અને સ્ટેજ પર પણ મોટાભાગના લેખકો જ હતા, એટલે તેઓ ઓથોરિટીથી જવાબ પણ આપી શક્યા હોત. મેં પોતે પણ આ મુશ્કેલી અનુભવી છે, એટલે મને તો આ જવાબ ન અપાયો એટલે જાણે મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયા જેવું લાગ્યું. ગયા વર્ષે ‘ફિલ્મોને સાહિત્ય ગણવું કે નહીં’ એની ચર્ચા માટે એક સેશન હતું, જ્યારે આ વખતે ‘ફિલ્મો એ નવું લિટરેચર છે’ એ આખા ફેસ્ટની થીમ હતી. એટલે ધારો કે આ સવાલ ‘કોર્સ બહારનો’ પણ હોય (જે મારા મતે નહોતો), તોય શું ખાટુંમોળું થવાનું હતું? અવસર તો સાહિત્યનો ને સર્જનનો જ હતો ને! એની વે…

– આપણાથી માંડ બે-ચાર ફીટના અંતરે શ્રીરામ રાઘવન સરીખા સર્જક બેઠા હોય તો આપણને થાય કે એમને સવાલો પૂછી પૂછીને ઠૂસ કાઢી નાખીએ કે એમની ફિલ્મો-વાર્તા-પાત્રો-ગીતો-સંવાદો-ટ્રિટમેન્ટ-ફીલ બધાં પાછળના થૉટ્સ જાણી લઇએ, અરે એમના દિમાગની આખી હાર્ડ ડિસ્ક જ કૉપી કરી લઇએ! પણ પછી? એનાથી કંઈ તમે એમના જેવી ફિલ્મો થોડા બનાવતા થઈ જવાના હતા? અલ્ટિમેટલી તમારી લડાઈ તો તમારે જ લડવાની છે! ઉદ્યોગપતિઓને હજાર સવાલો પૂછો, પણ જ્યાં સુધી એક નાનકડી ચાની કીટલી પણ ન ખોલો ત્યાં સુધી બધા જ સવાલો, માત્ર સવાલો ક્યાંક ને ક્યાંક દિલ બહેલાવ છે, એસ્કેપિઝમ છે. ટૂંકમાં, લખવું હોય તો લખવા માંડો! પછી થશે એ સવાલો વધુ પોતીકા, વધુ જેન્યુઇન હશે. (આ મારી સ્વગતોક્તિ છે!)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.