હું ઓફિસમાં હતો

સવારથી સાંજ, દસથી સાત,

આખો દી’, ને મનમાં આખી રાત,

હું ઓફિસમાં હતો
સોમથી શનિ જવાબદારીઓ ઉપાડી,

હસવાની તારીખ રવિવાર પર પાડી,

સાતેય દિવસ,

હું ઓફિસમાં હતો
મમ્મીના ચહેરાની કરચલી, 

પપ્પાના વાળની સફેદી,

દેખાય ક્યાંથી?

હું ઓફિસમાં હતો
દીકરીએ માંડ્યું ડગલું, ને દીકરો ‘પાપા’ બોલ્યો,

એનો તો બસ વીડિયો જ જોયો,

હું ઓફિસમાં હતો
‘મની પ્લાન્ટ’ના ચક્કરમાં,

ઋતુઓનો છેડો છૂટ્યો;

જ્યાં બારેમાસ શિયાળો હતો,

હું ઓફિસમાં હતો
ન હસ્યો, ન રડ્યો, 

ન ખુદનેય મળ્યો,

પ્રેમ પણ સાલ્લો વોટ્સએપથી કર્યો,

હું ઓફિસમાં હતો
નોકરીની ઉમરકેદમાં પેરોલ પર જ છૂટ્યો,

સાવ અધકચરું ઉપરછલ્લું જીવ્યો,

દર વખતે અક્કલમઠ્ઠો, 

ઓફિસમાં હતો!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements