પિંક

સ્ત્રી વિરુદ્ધ સમાજ

***

આ જબરદસ્ત ફિલ્મ આપણી પછાત પુરુષવાદી મૅન્ટાલિટી અને દેશમાં સ્ત્રીઓની સ્થિતિ વિશે એકદમ બોલ્ડ સ્ટેટમેન્ટ છે.

***

pink-movie-posterપરંપરાગત અર્થમાં જોઇએ તો ‘પિંક’ હૉરર ફિલ્મ નથી. તેમ છતાં ફિલ્મની શરૂઆતથી જ જ્યારે પણ ડૉરબેલ-મોબાઇલની રિંગ વાગે છે, દૂરથી કોઈ ગાડી આવતી દેખાય છે, ફિલ્મની ત્રણ લીડિંગ લૅડીઝમાંથી એક પણ છોકરીને આપણે ધોળે દહાડે પણ ક્યાંય જતા જોઇએ અને આપણને થિયેટરના સલામત વાતાવરણમાં બેઠાં બેઠાં પણ એમના માટે ભય લાગવા માંડે છે. ડિરેક્ટર અનિરુદ્ધ રૉય ચૌધરીએ ‘પિંક’માં એવું વાતાવરણ સરજ્યું છે જે જોઇને આપણને થાય કે આ આપણો જ દેશ છે, જેના માટે આપણે છાતી ફુલાવીને ગૌરવ લઇએ છીએ?

નો કન્ટ્રી ફોર વિમેન

ત્રણ યુવતીઓ મીનલ (તાપસી પન્નુ), ફલક (કીર્તિ કુલ્હારી) અને ઍન્ડ્રિઆ (ઍન્ડ્રિઆ તેરિઆંગ) દિલ્હીમાં ઘર ભાડે રાખીને એકલી રહે છે. પરંતુ એમની સાથે કશુંક અઘટિત થયું છે અને ત્યાર પછી આ ત્રણેય યુવતીઓ ભયંકર ડરેલી છે. એક રૉક શૉ પછી યુવતીઓ કેટલાક યુવાનો સાથે જમવા ગઈ અને એમાંના એક યુવાનને આમાંની એક યુવતીએ માથામાં શરાબની બૉટલ મારી દીધી. યુવક તો બચી ગયો, પરંતુ આ ત્રણેય છોકરીઓની જિંદગી હરામ થઈ ગઈ. એમની સાથે થયેલા અન્યાયની વાત તો દૂર રહી, એમને જ આરોપીના પાંજરામાં ખડી કરી દેવાય છે. જાહેરમાં એમનું ચારિત્ર્ય ઊછળે છે. બધું જ દૂરથી જોયા કરતા એક વયોવૃદ્ધ વકીલ દીપક સહગલ (અમિતાભ બચ્ચન) આખરે એમનો કૅસ હાથમાં લે છે. એ કૅસની દલીલોની સાથોસાથ પ્રેક્ષક તરીકે આપણને પણ એક પછી એક લપડાકો પડતી જાય છે.

મિરર મિરર ઑન ધ વૉલ

એક ઘટના બને, અખબારો-ચેનલોમાં ચર્ચાય, લોકો મીણબત્તીઓ લઇને રસ્તા પર આવે અને ધીમે ધીમે ફરી પાછું જૈસે થે થઈ જાય. ખરેખરો પ્રોબ્લેમ જ્યાં છે, તે આપણી માનસિકતામાં તસુભાર પણ ફરક ન પડે. આપણી એ પછાત પુરુષવાદી માનસિકતા સામે આ ફિલ્મ મીઠાના પાણીમાં બોળીને બરાબરની ચાબુકો ફટકારે છે.

કોઈ જ પ્રકારના સાઉન્ડ વિના એકદમ બ્લૅક બૅકગ્રાઉન્ડ સાથે શરૂ થઈ જતી ‘પિંક’ જ્યારે સ્ટાર્ટ થાય છે ત્યારે આપણને સખત ડરી ગયેલી ત્રણ યુવતીઓ દેખાય છે. એમની સાથે એક્ઝેક્ટ્લી શું થયું છે તે આપણને કહેવામાં આવતું નથી. પરંતુ એમની વચ્ચેની વાતો અને કૉર્ટમાં પેશ કરાતી દલીલોમાંથી આપણને કંઇક અંદાજ આવે છે કે શું બન્યું હશે (અલબત્ત, એ રાત્રે એક્ઝેક્ટ્લી શું થયેલું તે આપણને ફિલ્મ પૂરી થાય છે ત્યારે ઍન્ડ ક્રેડિટ્સ દરમ્યાન બતાવવામાં આવે છે). ઉદ્દેશ એવો કે દર્શક તરીકે આપણે શરૂઆતથી જ કોઈ એક પક્ષ તરફ ઢળી ન જઇએ. ઇવન યુવતીઓને પણ બિચારી-બાપડી કે દયાની ભીખ માગતી બતાવાઈ નથી. એ ઇન્ડિપેન્ડન્ટ છે, એકલી રહે છે, નોકરી કરે છે, પોતાના હક માટે લડી શકે છે. પરંતુ એ જ્યારે કફોડી સ્થિતિમાં મુકાય ત્યારે આપણને ભાન થાય કે આપણા દેશમાં સ્ત્રીઓ સાથે કશું ન થાય ત્યાં સુધી જ તે સલામત છે. મતલબ કે એમની સલામતી ભૂખ્યા વરુઓની મહેરબાની પર જ અવલંબે છે. પાવર, પૈસા કે પપ્પાના કૅફમાં ભાન ભૂલેલા એ વરુઓ ત્રાટકે ત્યારે એમને આડકતરો સપોર્ટ આપવા માટે આપણી સિસ્ટમ અને ‘બિચારી’ કહેવાતી આમ જનતાના પૂર્વગ્રહો પણ હાજર જ હોય છે.

જો નામ પરથી ધર્મ શોધવાની આપણી કુટેવને કામે લગાડીએ તો આ ત્રણેય યુવતીઓ અનુક્રમે હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મ પાળે છે. મતલબ કે ધર્મ માટે દેશમાં ભલે ગમે તેટલું લોહી વહે, પરંતુ સ્ત્રી એકલી હોય તો તે ગમે તે ધર્મની હોય, એ સરખી જ અસલામત હોય છે. એમાંય ત્રીજી છોકરી ઍન્ડ્રિઆ તો નૉર્થ-ઇસ્ટની છે, જેને આપણે ભારતમાં ગણતા નથી કે ઇવન એ રાજ્યોને આપણે એકબીજાથી અલગ પણ પાડી શકતાં નથી. એમના પર થતા અટૅક માટે આપણે બહુ ઇતિહાસ ફંફોસવાની જરૂર નથી જ.

રિતેશ શાહે લખેલી આ ફિલ્મમાં આપણને વીંધી નાખે, અકળાવી મૂકે એવા સીનની ભરમાર છે. સતત હેરેસમેન્ટથી ત્રાસેલી યુવતીઓ જ્યારે પોલીસ કમ્પ્લેઇન કરવા જાય, જ્યારે એમની ધરપકડ થાય, કૉર્ટમાં જ્યારે મહિલા પોલીસ અધિકારીને, ‘આરોપી’ને, સાક્ષીને પેશ કરાય એ બધાં જ દૃશ્યો લાજવાબ બન્યાં છે. ફિલ્મનું રાઇટિંગ એકદમ મૅચ્યોર છે. કેટલાંય વનલાઇનર્સ આપણને ગાલે થપ્પડની જેમ વાગે છે. જેમ કે, ‘ઘડિયાળનો કાંટો આપણે ત્યાં સ્ત્રીઓનું કેરેક્ટર નક્કી કરે છે’, ‘અહીંયા દારૂ ખરાબ ચારિત્ર્યની નિશાની છે, પણ સ્ત્રીઓ માટે. પુરુષો માટે તો એ માત્ર સ્વાસ્થ્યને હાનિકારક છે’ એટ સેટરા. એક મહિલા પોલીસ અધિકારી પણ જ્યારે સિસ્ટમનો હાથો બની જાય ત્યારે એ કેવી રીતે એક સ્ત્રી મટી જાય છે એ (મોસ્ટ્લી મમતા મલિકના નાનકડા પણ ટેરિફિક પર્ફોર્મન્સમાં) ખાસ માર્ક કરજો.

સ્ત્રીઓ વિશે એક વાહિયાત વાત આપણને સતત-મોટેભાગે ફિલ્મો મારફતે-પીવડાવાતી આવેલી છે કે, ‘સ્ત્રીઓની ના એટલે એમની હા હોય.’ ‘પિંક’ અત્યંત વોકલ થઇને એકથી વધુ વખત કહે છે કે, ‘નો મીન્સ નો.’ કોઇપણ સ્ત્રીની મંજૂરી-સહમતિ વગર તમને એને અડકી સુદ્ધાં શકો નહીં. પછી ભલે તે કોઈ ગણિકા હોય કે પછી તમારી પોતાની પત્ની કેમ ન હોય. અહીં કહ્યા વિના ‘મૅરિટલ રેપ’ના મુદ્દે પણ કાન ખેંચવામાં આવ્યા છે.

‘પિંક’માં કેટલીયે મોમેન્ટ્સ સિનેમેટિકલી પર્ફેક્ટ છે અને કશું જ બોલ્યા વગર ઘણું બધું કહી દે છે. જેમ કે, ચાલુ કૉર્ટમાં જજ બોલાવતા હોય ત્યારે પણ બચ્ચન નીચે ફરતા કોક્રોચની સામે જોઈ રહે છે (વાંચોઃ આપણી જ્યુડિશિયલ સિસ્ટમ કેવી જરીપુરાણી થઈ ચૂકી છે). એ જજ (ફૅન્ટાસ્ટિક ઍક્ટર ધૃતિમાન ચૅટર્જી)નું નામ પણ સૂચક છે, ‘સત્યજિત’. કૉર્ટ કેસને કારણે અજાણી વ્યક્તિ આંગળી ચીંધે ત્યારે તાપસી પન્નુ પોતાનું મોઢું ઢાંકી લે છે અને બિગ બી એનું માથું ખુલ્લુ કરી નાખે છે (વાંચોઃ ખરેખર કોણે મોઢું સંતાડવાની જરૂર હોય?). બચ્ચન દિલ્હીની હવામાં બહાર ટ્રેકિંગ માસ્ક પહેરી રાખે છે, જાણે એ દિલ્હીની ‘ગંદી’ હવા અંદર લેવા જ નથી માગતા. ઇલેક્ટ્રોનિક મીડિયા અહીં માત્ર એક સીનમાં બતાવાય છે, એ પણ અવાજ વગર. અહીં પાવરનો મિસયુઝ કરતા નેતાઓને ક્યારેય સામે બતાવવામાં આવતા નથી, માત્ર એના જોરે ફૂટકળિયાઓ નિર્દોષ લોકોને કેવા હેરાન કરી શકે એની ભયાનક ઇફેક્ટ જ બતાવાઈ છે. મોટાભાગની ફિલ્મ આપણને અકળાવી મૂકે તે રીતે મોડી રાત, વહેલી સવાર, સાંજનાં દૃશ્યોથી જ ભરચક છે. અલબત્ત, છેલ્લા શૉટમાં ત્રણેય યુવતીઓની આંખ સામે સૂર્ય ઊગતો બતાવાયો છે. હકીકતમાં સ્ત્રીઓ માટે આશાના એ સૂર્યને ઊગવા દેવો કે કેમ તે એઝ અ સોસાયટી-આપણા હાથમાં છે.

આપણે ત્યાં સ્વતંત્ર મિજાજી, મોડે સુધી બહાર ફરતી, એકલી રહેતી, નોકરી કરતી, હસીને વાત કરતી, વૅસ્ટર્ન કપડાં પહેરતી કે પોતાના હક્કો માટે સજાગ સ્ત્રીઓનું કેરેક્ટર સર્ટિફિકેટ ફાડતા લોકોની કમી નથી. તેમ છતાં અહીં એમના પણ કાન ખેંચવામાં આવ્યા જ છે. બચ્ચન કૅસની બહાર જઇને પણ સ્ત્રીઓ માટે કડવી દવા લાગે તોય એક કમાન્ડમેન્ટ્સનું લિસ્ટ આપે છે, એ ખરેખર યાદ રાખવા જેવું છે.

‘પિંક’નું કાસ્ટિંગ એકદમ પર્ફેક્ટ છે. તાપસી પન્નુ, કીર્તિ કુલ્હારી અને નવોદિત ઍન્ડ્રિયા તૅરિયાંગ એકેક ઇમોશનને પર્ફેક્ટ્લી રિફ્લેક્ટ કરે છે. એમની વચ્ચેની સ્ટ્રોંગ, ઇમોશનલ, કૅરિંગ કેમિસ્ટ્રી આપણને સતત એમના માટે ચિંતા કરતા કરી મૂકે છે. ફિલ્મની વાર્તા અને લાંબા કૉર્ટકેસને કારણે આપણને ‘પિંક’ સહેજે ‘દામિની’ની યાદ અપાવે. પરંતુ દામિનીથી વિપરિત અહીં ત્રણેય છોકરીઓની સામે જે પ્રકારની દલીલો થાય છે, એ જે સ્થિતિમાં મુકાય છે, તે એમને એકદમ રિયલ બનાવી રાખે છે. એમનાં પાત્રોમાં ભારોભાર ડ્રામા હોવા છતાં ક્યાંય ફિલ્મી કે લાઉડ લાગતાં નથી. તમે એમને તબક્કાવાર ભાંગી પડતાં જોઈ-અનુભવી શકો.

ઍન્ડ અમિતાભ બચ્ચન. થોડા વધુ પડતા ઘોઘરા અવાજ અને ગંદી વિગ છતાં અમિતાભ આ ફિલ્મનું સુપર સ્ટ્રોંગ ઍલિમેન્ટ છે. એમની સતત આરપાર વીંધી નાખતી નજર, પર્સનલ ટ્રેજેડી અને કથળેલી તબિયતને સાઇડમાં ધકેલીને પણ પૂરી મહેનતથી કૅસ લડવાનો એમનો ટેમ્પરામેન્ટ, સુપર્બ ટાઇમિંગ અને ટેક્સ્ટ બુક સમાન લાઉડ થયા વિનાના આરોહ-અવરોહથી બોલાયેલા ડાયલોગ્સ બધું જ એકદમ પિચ પર્ફેક્ટ છે. પહેલીવાર જ્યારે એ વકીલના યુનિફોર્મમાં સજ્જ થઇને દરવાજાની બહાર ઊભેલા દેખાય છે એ સીન વખતે તમને થયેલી કેવી ફીલિંગ થયેલી, બાય ધ વે?!

વકીલ (‘દામિની’ના ચઢ્ઢા માઇનસ એમની ઝટકાવાળી લટ)ના રોલમાં પીયૂષ મિશ્રા થોડા લાઉડ અને ઇરિટેટિંગ છે, પરંતુ એમના કૅરેક્ટર માટે યોગ્ય છે (જોકે બધી જ ફિલ્મોમાં હાંફતા હોય એ રીતે ડાયલોગ બોલવાની એમની એકની એક સ્ટાઇલ હવે મોનોટોનસ બનતી જાય છે). બૅડ ગાય્ઝની ટોળકીમાં અંકિતનું પાત્ર ભજવતો વિજય વર્મા ખરેખર ડરામણો લાગે છે.

અલબત્ત, આ ફિલ્મ પણ પર્ફેક્ટ નથી. કેટલીયે કાનૂની દલીલો અને તેના પરથી અપાતો ચુકાદો, અમિતાભનો ભૂતકાળ, અમુક ઠેકાણે એની સતત વીંધી નાખતી નજરો, સ્ટાર્ટિંગમાં એક વણજોઇતું આવતું ગીત વગેરે બાબતો જરાતરા ખૂંચે એવી છે. પરંતુ આ ફિલ્મ એટલી બધી મજબૂત છે કે એ બધું જ અવગણી શકાય. આવી ફિલ્મ બને એ માટે તેના મૅકર્સ અભિનંદનને અધિકારી છે (એ લોકો અભિનંદનને અધિકારી તો એ વાત જણાવવા માટે પણ છે કે સ્ત્રીઓ અને માઇનર્સને નોન-બેઇલેબલ ઑફેન્સ માટે પણ બૅઇલ મળી શકે. અત્યાર સુધી એકપણ ઠેકાણે આ વાત વાંચી-સાંભળી નહોતી).

ફિલ્મ નહીં, હૉમવર્ક

‘પિંક’ એના સ્ટ્રોંગ રાઇટિંગ, ડિરેક્શન અને ઍક્ટિંગને લીધે ‘કાનૂન’, ‘એક રુકા હુઆ ફૈસલા’, ‘મેરી જંગ’, ‘દામિની’, ‘ઓહ માય ગોડ’, ‘જોલી LLB’, ‘તલવાર’ જેવી ફિલ્મોની યાદીમાં આવી શકે તેવી મજબૂત છે. પરંતુ વાત એ છે કે અમુક ફિલ્મો માત્ર મનોરંજન માટે જ નહીં, બલકે હૉમવર્કના ભાગરૂપે પણ જોવા જેવી હોય છે. ‘પિંક’ એમાંની જ એક છે. આ ફિલ્મ ઘરના બધા જ સભ્યોને લઇને થિયેટરમાં ફરજિયાતપણે જોવી જ જોઇએ. ઇવન સરકારોએ પણ આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવી જોઇએ અને થિયેટરમાલિકોએ પોતાની ‘કૉર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી’ના ભાગરૂપે પણ આ ફિલ્મના ટૅક્સ ડિડક્શનનો લાભ લોકો સુધી પહોંચાડીને તેને શક્ય તેટલા વધુ લોકો સુધી પહોંચતી કરવી જોઇએ. આશા રાખીએ કે આવી ફિલ્મો સતત બનતી રહે, જેથી આપણા સમાજમાં એવું પરિવર્તન આવે કે જેનાથી આવી ફિલ્મો બનાવવાની જરૂર જ ન પડે.

રેટિંગઃ **** (ચાર સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements