A Death In The Gunj

 • a-death-in-the-gunj-2‘ડૉન્ટ જજ અ બુક બાય ઇટ્સ કવર’ એવું અંગ્રેજીમાં કહે છે. ગુજરાતીમાં કોઇએ કહ્યું નથી એટલે હું કહું છું કે, ‘ડૉન્ટ જજ અ ફેમિલી બાય ઇટ્સ લાફ્ટર’. એક પરિવાર એક છત નીચે એકઠો થઇને સુરજ બડજાત્યાની ફિલ્મની જેમ હસતો હોય તો તેમાં ઑલ ઇઝ વેલ છે એવું માનીને ચાલતા થાઓ તો ઊંધે માથે પટકાઓ એવી શક્યતા છે. જો સપાટી પરના હાસ્યને સહેજ ખોતરો તો અંદર ચાલતાં અન્ડરકરન્ટ્સ મળી આવે. કેટલીયે અધૂરી ઇચ્છાઓ, અપેક્ષાભંગ, ગુસ્સો, ફ્ર્સ્ટ્રેશન, ઇર્ષ્યા, એકલતા, પીડા, દુઃખ અને ડર.
 • હવે કટ ટુ, મૅકક્લુસ્કીગંજ. એક વખતના બિહારમાં અને અત્યારના ઝારખંડમાં આવેલા આ નાનકડા ડુંગરાળ ગામમાં ત્રીસના દાયકામાં ચારસો જેટલા ઍન્ગ્લો ઇન્ડિયન પરિવારો વસતા હતા. બીજા વિશ્વયુદ્ધ પછી તેમાંથી મોટાભાગના જતા રહ્યા અને આજે ત્યાંની લીલોતરી વચ્ચે એકલતા અને સન્નાટાની બહુમતી છે. ઈ.સ. 1979ના ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં આ ગામમાં એક પરિવાર, મિત્રો ન્યુ યરની રજાઓ ગાળવા એકઠા થયેલા. તે અઠવાડિયામાં એમની સાથે જે કંઈ થયું તેની કાલ્પનિક સ્ટોરી એટલે કોંકણા સેન શર્માની બ્યુટિફુલી હૉન્ટિંગ ફિલ્મ ‘અ ડૅથ ઇન ધ ગંજ’. કોંકણા જેવી સુપ્રીમલી ટેલેન્ટેડ ઍક્ટર ડિરેક્ટરની કૅપ પહેરે ત્યારે આનાથી વધુ સારી ફિલ્મ હોઈ જ ન શકે.
 • કોંકણાના પપ્પા મુકુલ શર્મા એને નાનપણમાં એક વાર્તા સંભળાવતા. એ જ વાર્તાને પોતાની રીતે ડૅવલપ કરીને કોંકણાએ ‘અ ડૅથ ઇન ધ ગંજ’ તરીકે આપણી સામે પેશ કરી છે. આ ફિલ્મ ઑલરેડી ‘ટોરોન્ટો’, ‘બુસાન-સાઉથ કોરિયા’, ‘MAMI’ જેવા ફિલ્મ ફેસ્ટિવલોમાં પોતાનું કૌવત બતાવી ચૂકી છે અને હવે આપણે બસ એક ટિકિટ ખર્ચીને જોવા જઇએ એટલી વાર છે.
 • ફિલ્મનું ટાઇટલ જોઇને એટલું તો નક્કી છે કે ‘ગંજ’ એટલે કે અહીં મૅકક્લુસ્કીગંજમાં એક ડૅથ થાય છે તેની વાત છે. પણ એ ડૅથ કોનું છે, કયા સંજોગોમાં થાય છે અને તેના માટે કોણ જવાબદાર છે? ઇન ફૅક્ટ, ટ્રેલરમાં અને ફિલ્મના પહેલા જ સીનમાં કારની ડિકિમાં એક મૃતદેહને પ્રોપર્લી ગોઠવવાની વેતરણમાં પડેલા બે માણસ (ગુલશન દેવૈયા અને ‘નીરજા’, ‘રાબતા’ ફૅમ જિમ સાર્ભ) દેખાય છે.
 • આ ફિલ્મમાં જથ્થાબંધ પાત્રો/કલાકારો છે. ઓમ પુરી, તનુજા, રણવીર શોરી, ગુલશન દેવૈયા, કલ્કિ કેકલાં, તિલોત્તમા શોમ, જિમ સાર્ભ અને અબોવ ઑલ વિક્રાંત મૅસી. એક ક્યુટ ટેણી પણ ખરી. આ બધાં પાત્રોનાં નામ એમની વચ્ચેનાં રિલેશન વગેરેની ગડ બેસાડતાં થોડી વાર લાગે, પણ પહેલા જ સીનથી ફિલ્મ આપણને વૅક્યુમ ક્લીનરની જેમ અંદર ખેંચી લે.
 • આગળ કહ્યું તેમ 1979ના ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં એક પરિવાર-મિત્રો મૅકક્લુસ્કીગંજમાં ન્યુ યર મનાવવા આવે છે. મિસ્ટર એન્ડ મિસિસ બક્ષી (ઓમ પુરી અને તનુજા) મૅકક્લુસ્કીગંજમાં જ રહે છે. એમને ત્યાં મહેમાનોનું ધાડું આવે એટલે ઘર માણસો, અવાજો અને ઍક્ટિવિટીથી ભરાઈ જાય. ખાણી, પીણી, ડાન્સ, તોફાન-મસ્તી, પ્રેતાત્માને બોલાવવાની અને શરીરને શાંત કરવાની પ્રક્રિયાઓ, ખેલકૂદ, પિકનિક બધું જ થાય. આ મહેમાનો પોતાની સાથે સામાન ઉપરાંત ઉપરથી ન દેખાતો ઇમોશનલ બૅગેજ પણ લાવ્યા છે. ક્યાંક જૂનું પ્રેમપ્રકરણ છે જે લગ્ન પછી પણ ચાલુ છે, કો’ક ઇર્ષ્યાથી સળગી રહ્યું છે, કો’કને બીજાને હેરાન કરવામાં સૅડિસ્ટ આનંદ આવે છે, કો’ક વધતી ઉંમરને પકડી રાખવાનાં હવાતિયાં મારે છે, વધતી ઉંમર છતાં કો’કનું મૅલ શોવિનિઝમ ગયું નથી, કો’ક સતત પોતાની જવાબદારીઓ પૂરી કરી હોવાના પ્રયત્નોમાં છે, વડીલો જૂની કટાયેલી બંદૂકોની જેમ નામનાં વડીલ રહી ગયાં છે.
 • આ બધાની વચ્ચે-બધા સામે છતાં અદૃશ્ય એવું એક પાત્ર છે શ્યામલ ઉર્ફ ‘શુટુ’ (વિક્રાંત મૅસી). ૨૩ વર્ષનો59380-remzgmhbeb-1496088236 હૅન્ડસમ યુવાન. સ્માર્ટ, ઍજ્યુકેટેડ, ઇન્ટેલિજન્ટ, પણ ભીની રેતી જેવો સંવેદનશીલ અને સસલાની જેમ ક્યાંક લપાઈ જાય એવો ઇન્ટ્રોવર્ટ. એની અંદર ઇમોશન્સનો આખો જ્વાળામુખી ધખધખી રહ્યો છે. થોડા સમય પહેલાં જ એના પિતાનું અવસાન થયું છે, જેની પીડામાંથી એ બહાર આવ્યો નથી. એનાથીયે ખરાબ, આખા ઘરનું એ ડાર્ટ બૉર્ડ, પંચિંગ બૅગ છે. બધા એને બુલી કરે, કોઈ ફિઝિકલી, તો કોઈ ઇમોશનલી. ઘરનો નોકર પણ એ, ટાઇમપાસનું સાધન પણ એ, જૅલસી કાઢવાનું સાધન પણ એ અને વર્બલ ડાયેરિયા કરવાનું કમોડ પણ એ. એના પર હાથ ઉપાડી લેવામાં, પોતાના દોષનો ટોપલો એના પર ઢોળી દેતાં પણ કોઇને સંકોચ ન થાય. એ ભયંકર ફ્રસ્ટ્રેટ થાય, ગુસ્સે થાય. પણ એ ગુસ્સો એની આંખના ખૂણે આવીને અટકી જાય, ક્યારેય બહાર ન આવે. એટલે જ ઘરના કૅક્ટસ જેવા લોકો કરતાં એને આઠેક વર્ષની ભત્રીજી સાથે વધારે ભળે.
 • શુટુએ પોતાની એક ડાયરી પણ રાખી છે, જેમાં એણે ‘E’ અક્ષરથી શરૂ થતા પોતાના ફેવરિટ શબ્દોની યાદી બનાવી છે. જેમ કે, Eulogy, Esoteric. આ શબ્દો પણ એની પર્સનાલિટીનું પ્રતિબિંબ પાડે છે. Eulogy પરથી ખબર પડે છે કે એ હજી પોતાના પિતાની વિદાયના દુઃખમાંથી નીકળ્યો નથી. એ પોતાને Esoteric માને છે, યાને કે એને ઓળખી-સમજી શકે એવા મુઠ્ઠીભર લોકો જ છે. આમેય એ મૅનિએક મોટાઓની દુનિયામાં શુટુ ફિટ થતો નથી, એટલે જ એમનાથી સતત ભાગતો ફરે છે. શુટુને બાકીના લોકોની દુનિયા સાથે જોડતો એકમાત્ર સેતુ એટલે એની આઠ વર્ષની ભત્રીજી તાની. મોટેરાંની બેદરકારીની એના પર થતી અસર પણ નોટિસ થયા વિના રહેતી નથી.
 • એક મસ્ત ફિલ્મ થિયેટરમાંથી બહાર નીકળ્યા પછી પણ આપણો પીછો છોડતી નથી. ફિલ્મની વાર્તાના અન્ડરટૉન, મૅટાફર, ડાયલોગ્સ વગેરે બધું જ ફિલ્મ જોયાના દિવસો સુધી આપણા મનમાં ગ્રામોફોન રૅકર્ડની જેમ ચાલ્યા કરે. જેમ કે, ફિલ્મનાં પાત્રો જેવા બુલી-મૅન્ટલ-ફિઝિકલ અબ્યુઝર આપણી આસપાસ પણ હોય જ છે. માત્ર એ પોઇન્ટ ઑફ વ્યુથી જોવાની જ વાર હોય છે. ઇન ફેક્ટ, લાઇફના કોઈ ને કોઈ તબક્કે આપણે પણ શુટુ જેવા જ બુલિઇંગના ભોગ બન્યા હોઇએ અને શુટુ જેવા જ વિચારો આવ્યા હોય. આ બે પક્ષમાંથી એકેય સાથે આપણી જાતને આઇડેન્ટિફાય કરીએ એટલે એક સૅકન્ડ માટે થથરી જઇએ.
 • આ આખી ફિલ્મમાં ડૅથ-વિષાદ-પીડા સતત હવામાં તરતી મહેસૂસ થયા કરે. ઇવન શુટુના બિહેવિયરમાંથી પણ એ દેખાઈ આવે. જેમ કે, એ પોતાના સ્વર્ગસ્થ પિતાનું સ્વેટર પહેરીને ફરે, મરી ગયેલું ફૂદું પોતાની ડાયરીમાં રાખે કે પછી સૌની હેરાનગતિ જેવા બિલોરીકાચમાંથી તડકો પાડીને પોતાના જેવા જ એક ફૂદાને બાળી નાખે. આંગણમાં એક ‘ફેમિલી ટ્રી’ છે, જેના પર પરિવારના બધા સભ્યોએ પોતપોતાનાં નામ કોતરી રાખ્યાં છે. માત્ર એક જ સભ્યનું નામ નથી. જાણે એ પરિવારનો હિસ્સો જ નથી. પરંતુ જ્યારે એ ફેમિલી ટ્રી પર એનું નામ ‘લખાય’ છે ત્યારે…
 • 107 મિનિટની આ ફિલ્મમાં ડઝનેક પાત્રો છે, છતાં ક્યાંય ગિર્દી ન લાગે. કુટુંબના સભ્યો ઉપરાંત ઘરના નોકરોની પાસિંગ કમેન્ટ્સ જોઇને બે અલગ અલગ સોશ્યલ સ્ટ્રક્ચર વચ્ચેનો તફાવત પણ દેખાઈ આવે. ફિલ્મ કોઈ જ ઉતાવળ વિના હૉન્ટિંગ બૅકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે હિલ સ્ટેશનના સુસ્ત દિવસની જેમ ધીમે ધીમે આગળ વધતી રહે અને આપણે તેમાં કળણની જેમ ખૂંપતા જઇએ. આ ફિલ્મની સિનેમેટોગ્રાફી પણ એવી ઇફેક્ટિવ છે કે વીતેલા વર્ષોના અવશેષ જેવું એ ઘર, બિહામણું જંગલ, કબ્રસ્તાન, અંધારી રાત, પડછાયા, ગાડીની હૅડલાઇટ બધું જ આપણી સામે ભૂતાવળની જેમ નાચતું રહે.
 • આ ફિલ્મ ક્લિયર્લી ‘ફેસ્ટિવલ સર્કિટ’ની ફિલ્મ છે. એટલે જ એમાં પાત્રો બિહારી-બંગાળી હોવા છતાં ધરાર ઇંગ્લિશ જ બોલે છે. ફિલ્મ સબટાઇટલ્સ સાથે ચાલે છે. કોઈ ગીતો નથી. ક્યાંક આપણે ફ્રસ્ટ્રેટ થઈ જઇએ કે પેલું પાત્ર આમ કેમ બિહેવ કરે છે? શા માટે એ કશું કરતો/કરતી નથી? કેમ ધૂંધવાઇને બેસી રહે છે? શા માટે અન્ય પાત્રો અને શુટુ વચ્ચે બ્લૅક એન્ડ વ્હાઇટ જેવું ક્લિયર ડિમાર્કેશન છે? ઇવન ક્યાંક અન્ય આઇકનિક ફિલ્મોની છાપ પણ દેખાઈ આવે. ફિલ્મની સ્પીડ પણ સ્લો લાગી શકે. પરંતુ એક વાત ચોક્કસ છે કે આવી ફિલ્મો જોવાની ટેવ ન હોય તોય આ ફિલ્મ જરાય બોરિંગ નથી બનતી. જો ઑફ બીટ અને વિચારતા કરી મૂકે તેવી સંવેદનશીલ ફિલ્મો જોવામાં રસ હોય તો આ ફિલ્મ જરાય ચૂકવા જેવી નથી.
 • વિઝ્યુઅલ સ્ટોરીટેલિંગ માટે પણ આ ફિલ્મ જોવા જેવી છે. જે રીતે તેમાં સિત્તેરનો દાયકો જીવંત થયો છે એ પણ મસ્ત છે. એમ્બેસેડર કાર, પોસ્ટ ઑફિસ જઇને ટ્રંક કૉલ બુક કરાવવો, એ વખતની હેરસ્ટાઇલ, કપડાં, નવી નવાઈનું ટૅપ રેકોર્ડર, ઍન્ગ્લો ઇન્ડિયન ક્વિઝિનની વાનગીઓ, એક રૉ ગામઠી ફ્લૅવર… બધું પાણીમાં મીઠું ભળે એ રીતે બ્લૅન્ડ થઈ જાય છે. આ બધું જ જાણે રસ્કિન બોન્ડની કોઈ સસ્પેન્સ-થ્રિલર વાર્તામાંથી સજીવન થયું હોય એવું જ લાગે છે.
 • બે વાત ઉનાળાના તડકા જેવી ક્લિયર છે. એક, કોંકણા સેન શર્મા ઇઝ અ માસ્ટર સ્ટોરીટેલર. બે, વિક્રાંત મૅસી ઍક્ટિંગની રેસમાં બહુ દૂર સુધી જવાનો.
 • ‘અ ડૅથ ઇન ધ ગંજ’ જુઓ તો આખી ફિલ્મને કે ફિલ્મના ક્લાઇમૅક્સના શુટુના મનની ઊપજ તરીકે જોશો તો પણ એક રસપ્રદ ઍન્ગલ મળશે. અને હા, આ ફિલ્મમાં એક ઠેકાણે (ફિલ્મ મૅકર અને કોંકણાની મમ્મી) અપર્ણા સેનની પણ હાજરી છે. ક્યાં એ શોધી કાઢવાનું કામ તમારું.

રેટિંગઃ **** (ચાર સ્ટાર)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

માર્ગરિટા વિથ અ સ્ટ્રો

વ્હીલચેર પર ઇન્દ્રધનુષ

***

બેધડકપણે એવું કહી શકાય કે આ ફિલ્મથી આપણું સિનેમા ગુણવત્તાનાં કેટલાંય પગથિયાં એકસાથે ચડી ગયું છે.

***

kalki-koechlins-inspirational-film-margarita-with-a-straw-launched-its-first-poster-1કેટલીયે બાબતો આપણને કોઈ પણ જાતના સવાલ કર્યા વિના, તેનો બીજો ઍન્ગલ તપાસ્યા વિના જ ગળથૂથીની જેમ ગળાવી દેવામાં આવી હોય છે. જેમ કે, વિકલાંગતા અને સેક્સ્યુઆલિટી. ફિઝિકલી ચેલેન્જ્ડ લોકો પ્રત્યે આપણે સહાનુભૂતિ દાખવીશું, ‘ડિફરન્ટ્લી એબલ્ડ’નો દંભ પણ કરીશું, પણ અંતે તો એમને બાપડા-બિચારાનું લેબલ લગાવીને હાંસિયામાં જ ધકેલી દઇશું. એ પછી એમની શારીરિક-માનસિક ઇચ્છાઓ, એમનાં સંવેદનો, પણ હરકોઈ વ્યક્તિના જેવાં જ હોય છે, એ બધું જ સિફતપૂર્વક અભેરાઈએ ચડાવી દઈશું. અને સેક્સ્યુઆલિટી તો આમેય આપણા માટે કોઈ ચેપીરોગ જેવો જ વિષય બનીને રહી ગયો છે. એમાંય હોમોસેક્સ્યુઆલિટી કે એનાથીયે આગળ વધીને બાયસેક્સ્યુઆલિટીની વાત આવે એટલે તો જાણે મધપુડા પર પથરો ફેંકવો. પરંતુ થૅન્ક ગોડ, આપણી પાસે શોનાલી બોઝ જેવાં ફિલ્મમેકર્સ છે, જે આ બંને વિષયોને ભેગા કરીને પણ એક અફલાતૂન, ભારોભાર સંવેદનશીલ ફિલ્મ બનાવી શકે છે.

સાત રંગ જિંદગીના

ઓગણીસ વર્ષની લૈલા (કલ્કિ કોચલિન) સેરેબ્રલ પાલ્સીથી પીડાય છે. બેટરીથી ચાલતી વ્હીલચેર વિના ક્યાંય જઈ શકતી નથી, અને મોંમાંથી શબ્દો પણ યોગ્ય રીતે નીકળે નહીં. પરંતુ એના વિચારો, સંવેદનો, એનું ટેલેન્ટ વ્હીલચેરનું મોહતાજ નથી. એ કોલેજના રૉક બૅન્ડ માટે ગીતો કમ્પોઝ કરે છે, લેટેસ્ટ ટેક્નોલોજી વાપરે છે. એના જથ્થાબંધ દોસ્તારો છે. મિત્રો બનાવવામાં કે જીવન જીવવામાં એ ક્યારેય પોતાની શારીરિક વિવશતાને વચ્ચે આવવા દેતી નથી. એનું ફેમિલી પણ મજાનું છે. પપ્પા પંજાબી સરદારજી છે, મમ્મી શુભાંગિની દામલે (રેવતી) મરાઠી છે. એક ક્યુટ નાનો ભાઈ છે. ઘરમાં એક વિકલાંગ વ્યક્તિને ઉછેરી રહ્યાં છે એવો કોઈ ભાર ક્યાંય વર્તાતો નથી. બસ, એમની લાઇફસ્ટાઇલ એ રીતે ગોઠવાઈ ગયેલી છે. ક્યાંય કોઈ ફરિયાદ, કડવાશ કે દયાની અપેક્ષા જોવા ન મળે.

પરંતુ ઉંમરને કારણે લૈલા પોતાના શરીરમાં સળવળતી જાતીયતા અંગે ખાસ્સી ઉત્સુક છે. એક છોકરા પ્રત્યેનો ક્રશ-ભંગ થયા પછી એ અમેરિકાની વાટ પકડે છે અને સીધી ન્યુ યૉર્ક યુનિવર્સિટીમાં ક્રિયેટિવ રાઇટિંગના કૉર્સમાં એડમિશન લઈ લે છે. ત્યાં એની મુલાકાત થાય છે બંગલાદેશી-પાકિસ્તાની ખાનુમ (સયાની ગુપ્તા) નામની અંધ યુવતી સાથે. આ સ્માર્ટ સ્વતંત્ર યુવતી સાથેની ગાઢ મિત્રતામાં એને ખ્યાલ આવે છે કે એ તો હોમોસેક્સ્યુઅલ છે. એટલું જ નહીં, પોતાની અંદર પણ લેસ્બિયાનિઝમનાં બી પડેલાં છે. પરંતુ બીજા એક પ્રસંગે એને ખ્યાલ આવે છે કે એ પુરુષો પ્રત્યે પણ એટલું જ આકર્ષણ ધરાવે છે. મતલબ કે લૈલા બાયસેક્સ્યુઅલ છે. ત્યાં જ અમેરિકાથી ભારત આવ્યા પછી લૈલાને ખબર પડે છે કે…

માટીના ચાકડે પોલાદી વિચારો

શોનાલી બોઝની ‘માર્ગરિટા વિથ અ સ્ટ્રો’ માત્ર ૧૦૧ મિનિટની જ ફિલ્મ છે, પણ એમાં ખરલ પર ઘૂંટાતી દવાની જેમ ધીમે ધીમે એક પછી એક વિચારો ઘૂંટાતા જાય છે. એ પણ જરાય મૅલોડ્રામેટિક બન્યા વિના. ‘શમિતાભ’માં શ્રુતિ હાસન કહે છે તેમ અહીં ક્યાંય ‘હેન્ડિકેપ્ડ મશ’ મતલબ કે વિકલાંગતાના નામે ખોટા લાગણીવેડા નથી. ફિલ્મમાં એક કોમ્પિટિશનમાં પોતાના ગીતને એટલા માટે અવૉર્ડ મળે છે કે તે ગીત એક વિકલાંગ યુવતીએ રચ્યું છે, ત્યારે સ્ટેજ પરથી લૈલા પોતે જ નિર્ણાયકને ગુસ્સામાં  ‘મિડલ ફિંગર’ બતાવી દે છે. રોજિંદી લાઇફ હોય કે એકલાં અમેરિકા રહીને ભણવાનું હોય, લૈલા બધી વાતે સ્વાવલંબી છે. એની મમ્મી રેવતી પણ ક્યાંય સમાધાન કર્યા વગર એના ઉછેરમાં ક્યાંય કચાશ રાખતી નથી. ઇવન એને કોલેજે લાવવા-લઈ જવા માટે રેવતી પોતે જ રોજ મેટાડૉર ચલાવે છે. ઇન ફેક્ટ, મેટાડૉર ચલાવતી રેવતીનું દૃશ્ય એટલું પાવરફુલ લાગે છે કે આપણા શરીરમાં શેર લોહી ચડી જાય. ફિઝિકલી ચેલેન્જ્ડ લૈલા પોતાની દયા ખાઇને સહાનુભૂતિ ઉઘરાવતાં કે પોતાને જ ઉતારી પાડતાં વાક્યો બોલે ત્યારે, એને એની મિત્ર ખાનુમ તરત જ ચોપડાવે છે, ‘તુમ હમેશા અપની બેઇઝ્ઝતી ક્યોં કરતી હો? મુઝે મૌકા દો…’

હા, અભિનેત્રી સયાની ગુપ્તાએ ભજવેલું ફિલ્મનું ત્રીજું સશક્ત પાત્ર ખાનુમ. એ છોકરી અંધ છે, પણ દયાની ભીખ માગવાને બદલે એકલી રહે છે, ભણે છે, મ્યુઝિયમમાં-પબમાં જાય છે અને સરકારની સામે વિરોધ પ્રદર્શનોમાં બાંયો પણ ચડાવીને ઊભી રહે છે. પોતાની સેક્સ્યુઆલિટીનો રૂઢિચુસ્ત પરિવારમાં એકરાર કરી ચૂકી છે.

પચરંગી લાગણીઓની વચ્ચે સ્વસ્થતા પણ એટલી જ શિદ્દતથી વહેતી રહે છે. પોતાની દીકરી પૉર્ન સાઇટ્સ જુએ છે, એને કોઈ છોકરો ગમે છે કે બાયસેક્સ્યુઅલ છે તે જાણ્યાની વેળાએ ગુસ્સે થઈ ગયેલી રેવતી થોડા સમય પછી અત્યંત સ્વસ્થતાથી પરિસ્થિતિ સ્વીકારી પણ લે છે. પ્રેમનો અસ્વીકાર હોય કે જાતીયતાનો અનુભવ હોય, સ્વજનને ગંભીર બીમારીનું નિદાન હોય કે તેનું મૃત્યુ હોય, અહીં ક્યાંય  ‘મૈં હી ક્યોં’ ટાઇપની મગજમારી નથી.

શરીરમાં ઈશ્વરે છોડેલી ત્રુટિઓને ટેક્નોલોજી કેવી સરસ રીતે ભરી આપે છે એ પણ અહીં મસ્ત રીતે વ્યક્ત થયું છે. લૈલા જાતે ચલાવી શકાય તેવી બેટરીપાવર્ડ વ્હીલચેર વાપરે છે. ખાનુમ વિઝ્યુઅલને ઑડિયોમાં કન્વર્ટ કરી આપતી ડિવાઇસ વાપરે છે. ટાઇપ કરેલા શબ્દોને ઑડિયોમાં બદલી આપતું લેટેસ્ટ આઇપૅડ ખરીદવા માટે પોતાનાં નાનીએ આપેલી સોનાની ચેન વેચી નાખતાં પણ લૈલા અચકાતી નથી. એક પણ શબ્દ બોલ્યા વિના આપણા અને અમેરિકા જેવા દેશોમાં ટાઉન પ્લાનિંગમાં વિકલાંગ લોકો પ્રત્યેના અપ્રોચમાં કેવો ડિફરન્સ છે, તે પણ સમજાય છે.

પાવરફુલ પર્ફોર્મન્સ

‘લૈલા’ના પાત્રમાં કલ્કિ કોચલિન એટલી સ્વાભાવિક લાગે છે, એક સેકન્ડ માટે પણ એવું લાગતું નથી કે એ એક્ટિંગ કરી રહી છે. બૉડી લૅંગ્વેજ, અસ્પષ્ટ ઉચ્ચારો, ચહેરાના હાવભાવ આ બધામાં કલ્કિનું પરફેક્શન ઑસ્કરવર્ધી છે. આપણે ગર્વ લેવા જેવી વાત છે કે આપણી પાસે રેવતી જેવી સશક્ત અભિનેત્રી છે. કૅરિંગ છતાં સખત મમ્મી, આખા ઘરને એક તાંતણે બાંધી રાખતી ગૃહિણી, પતિની અનિચ્છા છતાં વિદેશી ધરતી પર દીકરીને ભણવા મોકલતી માતા, ત્યાં એને સેટ કરવા માટે એકેએક વસ્તુની ગોઠવણ કરવાની એની ચીવટ, એક વિદેશી પાસે પોતાની અટકના સાચા ઉચ્ચારનો આગ્રહ રાખતી સ્વાભિમાની સ્ત્રી અને જીવલેણ બીમારીમાંય હાર ન માનવાનો અડીખમ એટિટ્યૂડ, તેમ છતાં ક્લાસિકલ મ્યુઝિકના શોખથકી જાળવી રાખેલું પોતીકાપણું… આ બધા જ શૅડ્સ રેવતીએ અત્યંત ઑથોરિટીથી રિફ્લેક્ટ કર્યા છે. ‘ક્વીન’ ફિલ્મમાં જે રીતે લિઝા હેડન યાદ રહી ગયેલી, એમ અહીં બોલકી આંખોવાળી બિનધાસ્ત સયાની ગુપ્તા પ્રભાવિત કરી જાય છે. ફિલ્મની લાગણીઓનો પડઘો પાડતું મ્યુઝિક પણ જસ્ટ પરફેક્ટ છે.

એક સેરેબ્રલ પાલ્સીથી પીડાતા બાળકને ઉછેરવાનો દિગ્દર્શક શોનાલી બોઝનો જાણે પર્સનલ અનુભવ હોય એવી ઑથોરિટીથી એમણે આ આખો વિષય હેન્ડલ કર્યો છે. એક નાની ચમચીની ડિઝાઇનથી લઇને જરાય દૃશ્યો ચોર્યાં વિના વિકલાંગોની સેક્સ્યુઆલિટી સુધીની બાબતો એમણે અત્યંત ચીવટ અને સ્વસ્થતાથી બતાવી છે.

પણ એક સેકન્ડ

‘માર્ગરિટા વિથ અ સ્ટ્રો’ ટિપિકલ બૉલીવુડિયન ફિલ્મ નથી. અહીં યુવાન દીકરીને માતા નવડાવે છે, દીકરી પણ માતાને સાબુ ચોળી આપે છે, બે સ્ત્રી વચ્ચેનાં ઉત્કટ પ્રણયદૃશ્યો છે, યુવતી પોર્ન સાઇટ જુએ છે-હસ્તમૈથુન કરે છે, પોતાના માટે વાઇબ્રેટર નામનું સેક્સ ટૉય ખરીદવા જાય છે… અલબત્ત, આ બધું જ એકદમ ડિગ્નિટીથી ફિલ્માવવામાં આવ્યું છે, તેમ છતાં તમારા મોંમાંથી ‘હાય હાય’ નીકળી જતું હોય, તો જરા સાચવવું. વાર્તા પણ એ રીતે કહેવાઈ છે કે બધી વાતોનું સ્પૂન ફીડિંગ કરી આપવાને બદલે આપણે જાતે સમજી જવું પડે. ૧૦૧ મિનિટની જ હોવા છતાં સામાન્ય ફાસ્ટ પૅસ્ડ ફિલ્મો જોવા ટેવાયેલા લોકોને આ ફિલ્મ સ્લો પણ લાગશે.

ચિયર્સ

કમિંગ ઑફ એજ પ્રકારની આ ફિલ્મ જોઇને સુખદ આશ્ચર્યનો એક ઝટકો એ પણ લાગે કે વાતેવાતે કાતર ચલાવતું આપણું સૅન્સર બૉર્ડ આ ફિલ્મને પાસ કરી દેવા માટે આટલું મૅચ્યોર ક્યારે થઈ ગયું? જે હોય તે, જેમને ખરેખરું સિનેમા જોવાનો શોખ હોય, એમણે તો અઢળક લાગણીઓને સ્વસ્થતાભેર વ્યક્ત કરતી આ ફિલ્મ જરાય મિસ ન જ કરવી જોઇએ.

રેટિંગઃ ***1/2 (સાડા ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.