ટ્યુબલાઇટ

લૉ વોલ્ટેજ

***

સલમાનની પ્રામાણિક મહેનત છતાં નબળું રાઇટિંગ અને ઑવર સિમ્પ્લિસ્ટિક ટ્રીટમેન્ટને કારણે ‘ટ્યુબલાઇટ’માં જોઇએ તેટલો સ્પાર્ક નથી.

***

tubelight_posterઆપણે ત્યાં બાળકોની ફિલ્મો શા માટે બનતી નથી? જવાબ છે, તેને બદલે સલમાનભાઈની એમને મેન-ચાઇલ્ડ તરીકે પેશ કરતી ફિલ્મો બને છે એટલે. દુનિયાની કોઇપણ ફિલ્મનું ‘સલમાનીફિકેશન’ કરો એટલે તેનો હીરો આપોઆપ ‘પ્યોર મેન વિથ ગોલ્ડન હાર્ટ’માં કન્વર્ટ થઈ જાય. એ જ ક્રમમાં ‘બજરંગી ભાઈજાન’ના સલમાનને હજી વધુ બાળસહજ બનાવો એટલે ‘ટ્યુબલાઇટ’નો સલમાન મળી આવે. પરંતુ યોગ્ય રીતે લખાઈ ન હોય, તો સલમાનની ક્યુટનેસ પણ ફિલ્મની ટ્યુબલાઇટને ફ્યુઝ થતાં બચાવી શકે નહીં.

વૉર, પીસ એન્ડ યકીન

‘ટ્યુબલાઇટ’ વાર્તા છે કુમાઉંના એક નાનકડા ગામ જગતપુરમાં રહેતા બે ભાઈ લક્ષ્મણ (સલમાન ખાન) અને ભરત (સોહૈલ ખાન)ની. લક્ષ્મણ દિલ સે કમ્પ્લિટલી બચ્ચા હૈ જી, એટલે જ ગામમાં સૌ એને ‘ટ્યુબલાઇટ’ કહીને ઉતારી પાડે છે. ધિંગામસ્તી કરતાં બંને ભાઈ મોટા થાય છે, ત્યાં જ ઈ.સ. ૧૯૬૨માં ભારત-ચીનનું યુદ્ધ છેડાય છે. ભારતમાતાની હાકલ પડે છે એટલે અહીં ભરતને વનવાસ થાય છે. એટલે કે એ યુદ્ધમાં લડવા જાય છે અને ત્યાં જ ફસાઈ જાય છે. આ બાજુ ભાઈની પાદુકા એટલે કે એનાં શૂઝ લઇને ફરતો લક્ષ્મણ ગામના વડીલ બન્ને ચાચા (ઓમ પુરી) પાસેથી યકીન કી તાકત વિશે જાણે છે. પોતાના ભાઈને પાછો લાવવાના યકીનની તાકત કેળવવામાં એ ત્યાં રહેતાં ચાઇનીઝ મૂળનાં મા-દીકરા સાથે દોસ્તી કરે છે અને ‘મુન્નાભાઈ’ની જેમ ગાંધીજીના સિદ્ધાંતો પણ જાણે છે. લેકિન આ બધાથી એનો ભાઈ પાછો આવશે?

(બહોત સારે) સંદેશે આતે હૈ

આપણી હિન્દી ફિલ્મો ક્યાંકથી ઉઠાંતરી કરે અને મૂળ સ્રોતને ક્રેડિટ પણ આપે તે આકાશમાં કોઈ ધૂમકેતુ દેખાય એના જેવી દુર્લભ વાત છે. કબીર ખાનની ‘ટ્યુબલાઇટ’ બે વર્ષ પહેલાં આવેલી ઇંગ્લિશ ફિલ્મ ‘લિટલ બૉય’ની ઑફિશ્યલ રિમેક છે. એટલે તેને યોગ્ય ક્રેડિટ પણ અપાઈ છે. મૂળ ફિલ્મમાં તેના નામ પ્રમાણે નાનો ટાબરિયો કેન્દ્રમાં હતો, જે માત્ર મનથી જ નહીં, તનથી પણ ટેણિયું હતો. ઇંગ્લિશમાંથી હિન્દીમાં આવતાં ફિલ્મની મૂળ એસેન્સ કેવી રીતે ઊડી જાય, તેનું આ ‘ટ્યુબલાઇટ’ પર્ફેક્ટ એક્ઝામ્પલ છે. ‘લિટલ બૉય’માં બીજા વિશ્વયુદ્ધમાં જપાનીઓ સામે લડવા માટે મોરચે ગયેલા પિતાને પાછા લાવવા માટે પેપર નામનો ટેણિયો રીતસર પહાડ હલાવી નાખે છે. પરંતુ એ પહેલાં દીકરામાં આત્મવિશ્વાસ પૂરવા માટે એના પપ્પા એને એક કોમિકબુક હીરોના માધ્યમથી શ્રદ્ધનું માહાત્મ્ય સમજાવે છે. ટ્યુબલાઇટમાં એ વાત સલમાન અને સોહૈલ વચ્ચેના ‘ક્યા તુમ્હે યકીન હૈ?’ ટાઇપનાં વાક્યોમાં જ રહી જાય છે (જ્યારે યકીનની જામગરી ચાંપવા માટે બીજા એક સુપરસ્ટારે અવતરવું પડે છે). મૂળ ફિલ્મમાં ચર્ચના પાદરી નાના બાળકને બાઇબલના સિદ્ધાંતોની મદદથી ફરીથી શ્રદ્ધાનું બળ સમજાવે છે. અહીં બડી સ્માર્ટનેસથી ત્યાં ગાંધીજીના સિદ્ધાંતો મૂકી દેવાયા છે. પરંતુ ફિલ્મનું જ એક પાત્ર કહે છે તેમ આ સિદ્ધાંતો માત્ર ‘ટાઇમપાસ’ માટે જ છે. ફિલ્મની વાર્તાને આગળ વધારવામાં કે સલમાન ‘ટ્યુબલાઇટ’ ખાનમાં ‘યકીન’નું બળ પૂરવામાં કોઈ જ ભાગ ભજવતું નથી. રાધર, સલમાનની પોતાના ભાઈને પાછો લાવવાની ક્વાયત અને આ તરફ એની દોડધામ બંને વચ્ચે કોઈ જ કનેક્શન દેખાતું નથી. બાય ધ વે, ગાંધીજીનો એક મુખ્ય સિદ્ધાંત અહિંસા પણ હતો, પરંતુ સલમાન ભાઇને અહીં એની જરૂર નથી અને એટલે જ એ લાફાવાળી પણ કરી શકે છે.

ફિલ્મના એક સબપ્લોટ તરીકે ત્રણ પેઢીથી ભારતમાં રહેતા ચાઇનીઝ મૂળના એક મા-દીકરાની સ્ટોરી પણ છે (અંગ્રેજી ફિલ્મમાં ત્યાં જૅપનીસ વ્યક્તિ હતી). માત્ર તેમનાં મૂળિયાંને કારણે એમને ધિક્કારાય નહીં અને ‘અલ્ટ્રા નેશનાલિઝમ’થી કેવી રીતે બચી શકાય તે મેસેજ આ સબ પ્લોટમાંથી બરાબર બહાર આવે છે. પરંતુ તેને મૂળ સ્ટોરી સાથે કશી જ લેવાદેવા નથી. વળી, તેમનું ચાઇનીઝ વંશજ હોવું તે ગામલોકોના ધિક્કારનું કારણ બને છે તે વાત પણ બહાર આવતી નથી. કેમ કે, એક વ્યક્તિ સિવાય કોઈ એમને ધિક્કારતું નથી. હકીકતમાં આ આખો ટ્રેક પરાણે ઘુસાડેલો અને થિગડું મારેલો છે. તેમાં ચાઇનીઝ અભિનેત્રી ઝુ ઝુ અને એક ક્યુટ ટેણિયો નામે મતિન રે તાંગુએ મુખ્ય ભૂમિકા ભજવી છે. વક્રતા એ છે કે ‘હિન્દી ચીની ભાઈ ભાઈ’નો મેસેજ આપવા જતાં ફિલ્મ પોતે ચાઇનીઝ નામોની મજાક ઉડાવે છે. બીજું, આપણે ત્યાં ઓલરેડી નોર્થ-ઇસ્ટના લોકોને ‘ચાઇનીઝ’ કહીને હડધૂત કરવાનું કુત્સિત રેસિઝમ ચાલે છે. ત્યારે એક અરુણાચલના બાળકને ચાઇનીઝ તરીકે કાસ્ટ કરવો એ આડકતરું રેસિઝમ નથી તો બીજું શું છે?

સલમાનના બાળકબુદ્ધિ પાત્રના પોઇન્ટ ઑફ વ્યૂથી કહેવાઈ હોવાના કારણે હોય કે ગમે તે, પણ ‘ટ્યુબલાઇટ’ અતિશય સિમ્પ્લિસ્ટિક છે. જાણે ‘એક ગામ હતું’ ટાઇપની બાળવાર્તા જ જોઈ લો. બધાં પાત્રો પણ નિર્દોષ બાળક, આદર્શ ભાઈ, વાહિયાત યુવાન (જેનો ફુલ ટાઇમ બિઝનેસ લોકોને હેરાન કરવાનો હોય) , યુદ્ધનો ભોગ બનેલા નિરાશ્રિત, મૂડ સ્વિંગ કરતો આર્મી ઑફિસર, ફિલોસોફર કાકા, પ્રેમાળ દુકાનદાર એવા સિંગલ રંગે જ રંગાયેલાં છે. કોઇના મનમાં શું ચાલતું હશે કે અમુક અનુભવો પરથી કોઇનામાં કંઇક પરિવર્તન આવે એવું કશું જ ઊંડાણ નહીં. ઇવન આપણને સલમાનના પાત્ર પ્રત્યે સહાનુભૂતિ થાય એ માટે જ કોઈ કારણ વિના અન્ય લોકો સલમાનને હડધૂત કરે છે તેવું લાગ્યા કરે. વાર્તા એક નાનકડા ગામમાં આકાર લેતી હોવાને કારણે એકનાં એક લોકેશન્સ પણ વારંવાર અથડાયા કરે. જેમ કે, પહાડ, ટાવર, દુકાન, બાંકડો, ક્લિફ અને નદી, ગામનો ચોક ધેટ્સ ઇટ.

જાતભાતના સંદેશા આપતી ‘ટ્યુબલાઇટ’નો વધુ એક પ્રોબ્લેમ છે તેની સ્લો પૅસ અને હાઈ મૅલોડ્રામેટિક રડારોળ. સાઇકલ લઇને અહીંથી તહીં ફરતા રહેતા સલમાન પાસે એટલું બધું રડાવ્યું છે એકાદ વખત આપણનેય (કંટાળીને) રડવાની ઇચ્છા થઈ આવે. પરંતુ એક તબક્કે આપણો સલમાનના પાત્ર સાથેનો ઇમોશનલ બંધ તૂટી જાય, એટલે પછીની તમામ રડારોળ ફિઝૂલ લાગવા માંડે. એમના ફૅન્સને દુઃખ થશે, પણ અહીં સલમાન ભાઈ ક્યાંય શર્ટ ઉતારતા નથી કે વિલનલોગની ધોલાઈ કરતા નથી. ચ્યુઇંગ ગમની પેઠે ચીપકી જાય એવું એકેય ગીત પણ ફિલ્મમાં નથી.

છતાં ફિલ્મની કેટલીક પૉઝિટિવ બાબતોને પણ નોંધવી જ પડે. જેમ કે, સલમાન અને નાનકડા ટાબરિયા (મતિનsalman-khan-tubelight-matin-rey-tangu-759 રે તાંગુ) સાથેના મોટાભાગના સીન મસ્ત છે. ખાસ કરીને કોમેડી સીન. સલમાનને મેન ચાઇલ્ડ બનવામાં અને આપણને હસાવવા-રડાવવામાં મહેનત કરવી પડે છે, આઠેક વર્ષનો ટેણિયો  બધું એકદમ સહજતાથી કરી બતાવે છે. સલમાનનો સોહૈલ સાથેનો વિદાયનો ‘સદમા’ની યાદ અપાવે તેવો સીન પણ સરસ બન્યો છે. લદ્દાખમાં શૂટ થયેલાં યુદ્ધનાં દૃશ્યોમાં યુદ્ધની ભયાનકતા કરતાં લદ્દાખનું સૌંદર્ય વધુ ધ્યાન ખેંચે છે.

આ ફિલ્મનો સૌથી મોટો ગુનેગાર તેનું ભંગાર રાઇટિંગ જ છે. તેમ છતાં ‘પિતાજી કો શરાબને માર ડાલા, માં કો ગમ ને ઔર ગાંધીજી કો હમને’ જેવાં ગણ્યાં ગાંઠ્યાં વનલાઇનર્સમાં સ્માર્ટનેસનો ચમકારો દેખાય છે ખરો. એ જ રીતે મોટા અવાજે ‘ભારત માતા કી જય’ બોલવું એ જ દેશભક્ત હોવાની સાબિતી નથી, કે પછી બે-ત્રણ પેઢી પહેલાંનું કનેક્શન કે દેખાવ તમને ઓછા ભારતીય નથી બનાવી દેતો એ મેસેજ પણ ક્યુટ રીતે બહાર આવે છે.

સોહૈલ ખાન, મોહમ્મદ ઝીશન ઐયુબ, યશપાલ શર્મા, બ્રિજેન્દ્ર કાલા કે ચાઇનીઝ ઝુ ઝુ જેવા અદાકારો માત્ર પોતાને ફાળે આવેલું પાત્ર ભજવી ગયા છે. પરંતુ સલમાનની ઍક્ટિંગ કરતાં આપણે વધુ ઇમોશનલ ઓમ પુરી સાહેબને પડદા પર જોઇને થઈ જઇએ, કે હવે તેઓ ફરી ક્યારેય આ રીતે જોવા નહીં મળે.

ફિલ્મની સ્લો પૅસને કારણે આપણને એવા સવાલોય થાય કે, ચાલીસીમાં પહોંચ્યા પછીયે સોહૈલે પણ લગ્ન કેમ નથી કર્યાં? એક શહીદની શબપેટી પર ‘મુરલી પ્રસાદ દત્ત’ લખીને ‘મુન્નાભાઈ’માં સંજય દત્તના પાત્રને સળી શા માટે કરાઈ છે? ઈ.સ. ૧૯૯૩માં બહાર પડેલો ઇન્ડિયન પોસ્ટનો લોગો ઈ.સ. ૧૯૬૨માં શા માટે દેખાય છે? બૉટલથી લઇને પહાડ હલાવવા માટે સલમાન કબજિયાતના દર્દી જેવો અવાજ શા માટે કાઢે છે? કોઈ માણસ અડધી મિનિટની અંદર કોમામાંથી બહાર શી રીતે આવી જાય છે?

ક્યા આપકો યકીન હૈ?

‘ટ્યુબલાઇટ’ની શરૂઆતમાં જ આપણને ખબર પડે છે કે આ ફિલ્મ આગામી દિવસોમાં ‘સ્ટાર ગોલ્ડ’ પર અને ઇન્ટરનેટમાં ‘એમેઝોન પ્રાઇમ’ પર આવવાની છે. સલમાનના નામે અત્યારે ટિકિટના ભાવો વધારી દેવાયા છે. એટલે જો તમે ‘ભાઈ કા ફૅન’ નામની બિનસત્તાવાર ઉપાધિ ન ધરાવતા હો, તો આ રિવ્યુનો મેસેજ શું છે એ બરાબર સમજાઈ ગયું હશે.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Reviewed for Gujarati Mid Day)

******************************************************************************

Extended Reading, Spoilers Ahead

960આપણી હીરો સેન્ટ્રિક ઇન્ડસ્ટ્રીમાં જ્યારે એક વિદેશી કૃતિને અડૅપ્ટ કરવામાં આવે ત્યારે ‘લોસ્ટ ઇન ટ્રાન્સલેશન’ જેવો ઘાટ કઈ રીતે થાય તેનું ‘ટ્યુબલાઇટ’ પર્ફેક્ટ એક્ઝામ્પલ છે. હૉલિવૂડની મૂળ કૃતિ, જેના પરથી ટ્યુબલાઇટ બની છે, તે ‘લિટલ બૉય’ એક એવરેજ ફિલ્મ હોવા છતાં ખાસ્સી સંવેદનશીલ છે. લિટલ બૉયના કેન્દ્રમાં છે આઠ વર્ષનો ટેણિયો પેપર, જેની હાઇટ જોઇએ તેવી વધી રહી નથી. એટલે જ બધા એને ‘લિટલ બૉય’ કહીને ખીજવે છે. આપણે ત્યાં સલમાન ભાઈની હાઇટ વિશે તો કોઈ કમેન્ટ કરી શકાય નહીં, એટલે એમને માનસિક રીતે બાળક બતાવવા પડે. એ રીતે જોકે ‘ટ્યુબલાઇટ’ નામ પર્ફેક્ટ છે. લિટલ બૉયનો લિટલ બૉય (ચાઇલ્ડ એક્ટર જેકબ સેલ્વેટી) પણ છે એવો ક્યુટ કે પરાણે વહાલો લાગે અને એનાં તમામ એક્સપ્રેશન્સ સીધાં આપણી અંદર ઊતરી જાય. એ ટાબરિયાના કિસ્સામાં જે નૅચરલી આવે છે, તેના માટે સલમાને પ્રયાસ કરવો પડે છે અને છતાં એ સ્વાભાવિક નથી લાગતો.

ઓછી હાઇટને કારણે લિટલ બૉય પેપર માથાભારે છોકરાઓના બુલિઇંગનો ભોગ બને છે અને એનો આત્મવિશ્વાસ તળિયે છે. દીકરાનો આત્મવિશ્વાસ બુલંદ કરવા માટે એના પિતા એને ‘બેન ઇગલ’ નામના જાદુગર-સુપરહીરોની કોમિક બુક્સ વંચાવે છે-તેની ફિલ્મો બતાવે છે. એ ‘બેન ઇગલ’નો તકિયાકલામ છે, જે દર વખતે કટોકટીની સ્થિતિમાં પોતાના સાઇડકિકને કહેતો રહે છે કે, ‘ડુ યુ બિલીવ પાર્ટનર, યુ કેન ડુ ધિસ?’ ‘બેન ઇગલ’નું એ પાત્ર આખી ફિલ્મમાં નાનકડા પેપરની સાથે રહે છે. બે હાથ લંબાવીને જાદુ કરવાની સ્ટાઇલ પણ એની જ છે. નાનકડો પેપર બેન ઇગલની કોમિક બુકસ વાંચે, એની ફિલ્મો જોવા જાય અને એના લાઇવ શોમાં પણ હાજરી આપે, એટલે ‘ફેઇથ’ અને ‘બિલીવ’વાળી વાત મૂળ સ્ટોરીમાં એકદમ સ્વાભાવિક રીતે મર્જ થઈ જાય છે. પરંતુ ‘ટ્યુબલાઇટ’માં એવું કશું કર્યું નહીં, એટલે જ ‘કેપ્ટન જૅક સ્પેરો’ જેવા ગેટઅપમાં શાહરુખને મહેમાન કલાકાર બનાવીને લાવવો પડ્યો. એ જાદુગર કમ અને મોટિવેશનલ સ્પીકર વધારે લાગે છે.

‘લિટલ બૉય’ના પેપરને બુલી-હેરાન કરતા જાડિયા છોકરાના ડૉક્ટર પિતા (જેની પાસે પેપરની હાઇટ વધારવાની દવા ચાલી રહી છે), તેનો ડોળો પણ પેપરની મમ્મી પર છે. એટલે પેપરને એ ડૉક્ટર બાપ-બેટામાંથી કોઈ દીઠા નથી ગમતા.

‘લિટલ બૉય’માં પિતા બીજા વિશ્વયુદ્ધમાં લડવા જાય છે. ખરેખર તો પેપરના મોટાભાઈ લંડનને જવું હતું પણ ‘ફ્લૅટ ફીટ’ને કારણે એ જઈ ન શક્યો (‘ટ્યુબલાઇટ’માં મોહમ્મદ ઝીશન અય્યુબને ‘knock knees’ હોય છે).  દરેક પરિવારમાંથી એટલિસ્ટ એક વ્યક્તિ યુદ્ધ લડવા જાય. મોટો દીકરો ન જઈ શક્યો એટલે ૪૦ વર્ષના પિતાએ જવું પડે છે. આ માટે  મોટો દીકરો પોતાની જાતને બ્લૅમ કરતો રહે છે અને ધૂંધવાયેલો ફરતો રહે છે. એના આ ધૂંધવાટનો ભોગ એનો નાનો ભાઈ અને એની માતા પણ બને છે. ‘ટ્યુબલાઇટ’માં એકાવન વર્ષના ‘ભાઈ’ના પિતા તો યુદ્ધમાં જઈ શકે નહીં, એટલે એના ભાઈને લડવા મોકલવો પડે છે. બિગ બ્રધર લંડન અને લિટલ બૉય પેપરના પિતા જપાનીઓ સામે લડવા ગયા છે અને પ્રિઝનર ઑફ વૉર તરીકે કેદ થઈ ગયા છે. એટલે જ જ્યારે નાનો ભાઈ પેપર પોતાનું ‘ફેઇથ’નું લિસ્ટ પૂરું કરવા માટે ગામમાં રહેતા એક જૅપનીસ સાથે દોસ્તી કરે છે ત્યારે મોટો ભાઈ ગુસ્સે થઇને એનું ઘર સળગાવવા પેટ્રોલ બોમ્બ પણ ફેંકે છે (કેમ કે પર્લહાર્બરમાં જૅપનીસોએ કરેલા હુમલામાં પોતાના દીકરાને ગુમાવી ચૂકેલા અન્ય એક આધેડ એને ઉશ્કેરે છે). એક જાહેર કન્ફ્રન્ટેશનમાં નાનો ભાઈ જૅપનીસનો પક્ષ લે એમાં ઇગો પર આવીને મોટો ભાઈ એને આખો પહાડ હલાવી દવા કહે છે અને એ જ વખતે યોગાનુયોગ ધરતીકંપ આવે છે.

ટ્યુબલાઇટમાં આપણા ‘લિટલ બૉય’ સલમાનને હેરાન કરતા બુલી અને મોટાભાઇનો રોલ મર્જ કરીને ગામના એક નવરીબજાર યુવાન નારાયણ (મોહમ્મદ ઝીશન અય્યુબ)નું પાત્ર ઊભું કર્યું. એ જ સલમાનને હેરાન કરે અને એ જ પહાડ હલાવી દેવા માટે પણ ફોર્સ કરે. પરંતુ આવું કરવા માટે એની પાસે કોઈ પર્સનલ રિઝન કે નક્કર મોટિવેશન નથી, સિવાય કે હાઇપર નેશનલિઝમ. ઇવન એના પાત્રમાં યુદ્ધમાં ન જઈ શકવાનો અફસોસ પણ દેખાતો નથી. એટલે જ મોહમ્મદ ઝીશન જ્યારે સલમાનને કે ગામમાં રહેતાં ચાઇનીઝ મા-દીકરાને હેરાન કરે તે વધારે પડતું અને તદ્દન આર્ટિફિશ્યલ લાગે છે. હદ તો એ છે કે ગામમાં એના સિવાય કોઇનેય એ ચાઇનીઝ પરિવાર સામે વાંધો નથી.

એટલે લિટલ બૉયમાં ફેઇથ-યકીન-વિશ્વાસની વાત ઑર્ગેનિકલી જન્મે છે અને સ્ટોરીની સાથે આગળ વધતી રહે છે. પહેલાં એના પિતાએ કહ્યું એટલે પેપરે વિશ્વાસ કર્યો, પછી ખુદ બેન ઇગલે એની પાસે બૉટલ હલાવડાવી એટલે એનો વિશ્વાસ વધુ દૃઢ થયો. પછી સ્થાનિક પાદરીના (જેના રોલમાં અહીં ઓમ પુરી છે) કહેવાથી એ પ્રાચીન વિઝ્ડમના નિયમોનું પાલન કરે છે (ભૂખ્યાને ભોજન આપવું, બેઘરને આશરો આપવો, જેલના કેદીઓને મળવા જવું, નિર્વસ્ત્રને કપડાં આપવાં, બીમારની સેવા કરવી અને મૃત્યુ પામેલાને દફનાવવા), આખું ગામ જેને (અલબત્ત ખોટી રીતે અને માત્ર એના જૅપનીસ હોવાથી) ધિક્કારે છે એ હાશિમોતો સાથે દોસ્તી પણ કરે છે, એક તબક્કે જોગાનુજોગ એેના ફેઇથની કસોટી વખતે (ધરતીકંપથી) પહાડ હલબલી ઊઠે છે, એના વૃદ્ધ જૅપનીસ મિત્ર હાશિમોતો કહે છે કે એ ધરતીકંપ કોઈ ચમત્કારથી નહીં, બલકે કો-ઇન્સિડન્સથી આવેલો, તેમ છતાં નાનકડો પેપર પોતાની ‘શક્તિ’થી યુદ્ધનો અંત લાવવાના પ્રયાસો રોજેરોજ કરતો જ રહે છે. એક તબક્કે તે જૅપનીસ માણસ અને ગામનો પાદરી પાનાંની ગેમ રમતાં રમતાં ચર્ચા કરે છે કે, ‘અત્યારે એ બાળકના પિતાને પાછા લાવવા માટે તમે તમારા કાલ્પનિક મિત્ર (ઈશ્વર)ના નામે વિશ્વાસની લોલીપોપ આપી છે, પણ ધારો કે એના પિતા યુદ્ધમાં ખપી ગયા અને ક્યારેય પાછા ન આવ્યા તો? ત્યારે એના તૂટી ગયેલા વિશ્વાસને કઈ રીતે સાંધશો?’ ત્યારે પાદરી કહે છે, ‘મારો એ ઇમેજિનરી ફ્રેન્ડ જ એને એમાંથી બહાર નીકળવામાં મદદ કરશે.’ જૅપનીસ જવાબ આપે છે, ‘એ બાળકને અટકાવો, નહીંતર એ પોતાની જાતમાંથી વિશ્વાસ કરવાનું બંધ કરી દેશે.’ કહેવાનો અર્થ એ છે કે આખી ફિલ્મમાં વિશ્વાસની તાકાતની વાત સમાંતરે ચાલતી રહે છે અને ક્યાંય આર્ટિફિશ્યલ નથી લાગતી, જેવું ટ્યુબલાઇટમાં થાય છે. ‘ભગવદ્ ગીતા’ના ‘સંશયાત્મા વિનશ્યતિ’વાળા શ્લોકનો પર્ફેક્ટ પડઘો ‘લિટલ બૉય’માં પડે છે, ‘ટ્યુબલાઇટ’માં એ વાત ઊડી ગઈ છે. વળી ફિલ્મની ઘટનાઓ પણ એ રીતે બને છે કે જેથી આપણે સતત એ વિચારતા રહીએ કે જે કંઈ થઈ રહ્યું છે તે ‘લિટલ બૉય’ના વિશ્વાસની તાકાત અને એના બે હાથ લંબાવીને કરાતા પ્રયત્નોને કારણે શક્ય બન્યું છે કે પછી માત્ર જોગાનુજોગ છે? ‘લાઇફ ઑફ પાઇ’ની જેમ આપણને પહેલો વિકલ્પ વધુ પસંદ આવે છે.

‘લિટલ બૉય’ એ ‘ટ્યુબલાઇટ’ કરતાં ક્યાંય વધુ મૅચ્યોર ફિલ્મ છે, તેનાં અન્ય કારણો પણ છે. જેમ કે, અહીં એ વખતે ફિલ્મોની પહેલાં બતાવવામાં આવતી પ્રોપેગન્ડા ફિલ્મોની અસર કેવી થાય તેની પણ ચર્ચા કરાઈ છે. એ ફિલ્મોને કારણે જ લોકો પોતાની આસપાસના જૅપનીસો પર શંકા કરતા થઈ જાય છે. એ પ્રોપેગન્ડા ફિલ્મો અને યુદ્ધની ભયાનકતાની નાનકડા બાળકના મન પર કેવી થાય તેની પણ અહીં ચર્ચા કરાઈ છે. જેમ કે, એ બધું જોઈ-સાંભળીને એ ટેણિયો પણ કહેવા માંડે છે, ‘એ જૅપ્સ (જૅપનીસો માટે વપરાતો તુચ્છકારવાચક શબ્દ) મારા હાથમાં આવે તો હું મારા બે હાથે એમને મસળી નાખું.’ ત્યારે એ જિંદગીમાં કોઈ જૅપનીસને મળ્યો પણ ન હોય. ‘લિટલ બૉય’માં યુદ્ધની સમાપ્તિ વખતનો પ્રાસ બેસાડીને ગામલોકો યુદ્ધનો અંત આણવાનું શ્રેય એ ટાબરિયાને આપે છે. કેમ કે હિરોશિમા પર ફેંકાયેલા પરમાણુ બોમ્બનું નામ હતું ‘લિટલ બૉય’ અને અખબારોની હેડલાઇન બનેલી ‘લિટલ બૉય એન્ડ્સ ધ વૉર’. (અહીં ‘ટ્યુબલાઇટ’માં એ વાતમાં લક્ષ્મણના નામ પરથી ભારત અને ચીન વચ્ચે ‘લક્ષ્મણ રેખા’ અંકિત થઈ એ વાત છે. જોકે આપણે અક્સાઈ ચીન ગુમાવ્યું તેનો કોઈ ઉલ્લેખ નથી.) પરંતુ લિટલ બૉય અખબારો-ન્યુઝ રીલમાં હિરોશિમાની તારાજીનાં દૃશ્યો જોઇને હચમચી ઊઠે છે. અને જ્યારે એને એ કહેવામાં આવે છે કે આખું ગામ સાફ કરી નાખે તેવા બોમ્બમાં કદાચ POW તરીકે રહેલા તારા પિતા પણ માર્યા ગયા હોય, ત્યારે એ આડકતરી રીતે પોતાના વિશ્વાસને પણ બ્લેમ કરે છે.

લિટલ બૉયના વૃદ્ધ જૅપનીસ મિત્ર હાશિમોતો એને જૅપનીસ કલ્ચર વિશે પણ સમજાવે છે, જેના પરથી લિટલ બૉયને સમજાય છે કે યુદ્ધમાં એના પિતા સામે લડનારા અને અહીં એની સાથે રહેતા જૅપનીસમાં ફરક છે. એ માટે એ જ દેશના બધા-નિર્દોષ લોકોને ધિક્કારવાનો કોઈ અર્થ નથી (આ વાત ચીનીઓના સંદર્ભમાં ‘ટ્યુબલાઇટ’માં છે જ નહીં). એ જૅપનીસ હાશિમોતોની પણ એક ટ્રેજિક બૅક સ્ટોરી છે (જેને ‘ટ્યુબલાઇટ’માં બાળવાર્તા જેવી સિમ્પ્લિસ્ટિક બનાવી દેવાઈ છે). એ હાશિમોતો જ લિટલ બૉયને સમજાવે છે કે વિશ્વાસ કરવા માટે પણ હિંમત જોઇએ.

‘લિટલ બૉય’માં પૈસાની તંગીને કારણે પોતાના માટે શૂઝ નહીં લઈ શકેલા પિતા માટે નાનો દીકરો પૈસા એકઠા કરે છે અને તેમાંથી બૂટ ખરીદે છે. એનો ઇરાદો એવો કે પિતા યુદ્ધમાંથી પાછા આવે તો એને એ બૂટ ગિફ્ટમાં આપશે. POW કેમ્પમાંથી ભાગતી વખતે પિતા પોતાનું બૂટ સાથી સૈનિક સાથે બદલાવે છે, જેથી એટલિસ્ટ પોતાની એક નિશાની તો ઘરે પહોંચે. એ બદલાયેલા બૂટને કારણે ઓળખવામાં ઊભી થતી કન્ફ્યુઝન અને લિટલ બૉયે ખરીદી રાખેલાં બૂટના આખા ટ્રેકમાંથી ઇમોશન્સની ‘ટ્યુબલાઇટ’માં બાદબાકી થઈ ગઈ છે. વળી, પઠ્ઠા જેવા બે આધેડ ભાઈ કશું કમાતા ન હોય અને પોતાના માટે બૂટ પણ ખરીદી ન શકે તે વાત ગળે ઊતરે તેવી જ નથી.

‘લિટલ બૉય’ મુવી પણ ખાસ્સું ઇમોશનલ છે, પરંતુ નાનકડા પેપરની સાથે ઇમોશન્સનું પાર્સલ સીધું જ આપણા સુધી પહોંચી જાય છે. આમાંનું લગભગ કશું જ ‘ટ્યુબલાઇટ’માં કનેક્ટ નથી થયું, અને એટલે જ ભાઈ લિટરના હિસાબે આંસુડાં સારતાં હોવા છતાં આપણને તે રડાવતાં નથી.

***

પર્સનલી મને લાગે છે કે સલમાનને લઇને યુદ્ધના બૅકડ્રોપમાં જ ફિલ્મ બનાવવી હતી, તો ‘લિટલ બૉય’ કરતાં ‘હૅકસો રિજ’ જેવી સ્ટોરી પરથી પ્રેરણા લેવાનું વધુ યોગ્ય સાબિત થયું હોત. આ ઑસ્કર વિનર ફિલ્મમાં ડૅસમંડ ડોસ નામના યુદ્ધમાં જતા તબીબી સહાયકની સત્યકથા છે, જે પૅસિફિસ્ટ યાને કે યુદ્ધ વિરોધી હતો અને એણે હથિયારને હાથ સુદ્ધાં ન અડાડવાનું પ્રણ લીધું હતું. તેમ છતાં બીજા વિશ્વયુદ્ધમાં એણે એક પણ ગોળી ચલાવ્યા વિના યુદ્ધમોરચેથી ૭૫ સૈનિકોના જીવ બચાવ્યા હતા. તેના પરથી ઈ.સ. 2004માં ડૉક્યુમેન્ટરી ફિલ્મ પણ બની હતી. જો આ સ્ટોરી પરથી સલમાનને ‘કોન્શિયસ ઓબ્જેક્ટર’ કે ‘પેસિફિસ્ટ’ તરીકે પ્રોજેક્ટ કરીને ફિલ્મ બનાવાઈ હોત તો વધુ અસરકારક ફિલ્મ બની હોત.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

 

 

Advertisements

ફેન્ટમ

દિલ કે બહલાને કો કબીર, યે ખયાલ બચકાના હૈ

***

આ ફિલ્મથી એક વાત સ્પષ્ટ છે, કે ૨૬/૧૧ના હુમલાનો બદલો એટલિસ્ટ આ રીતે તો ન જ લેવાય.

***

phantom-posterઆપણાં બૅડલક જ ખરાબ છે. ઘોરખોદિયા જેવા ત્રાસવાદીઓ આપણે ત્યાં આવીને ભાંગફોડ કરી જાય અને પછી ભારતની બહાર ભાગી જઇને છછુંદરની જેમ સંતાઈ જાય. આપણા કાનૂન કે લંબે હાથ ક્યારેય એમના સુધી પહોંચી શકે નહીં. એટલે હવે આપણા સર્જકો ‘ધારો કે આપણે બદલો લીધો હોય, તો’ ટાઇપની કાલ્પનિક વાર્તાઓ ઘડી કાઢવા માંડ્યા છે. પોતાના સૈનિકો દુશ્મનોના દાંત કેવી રીતે ખાટા કરે છે તે કહેવા માટે અમેરિકા, ઇઝરાયેલ પાસે સાચુકલી વાર્તાઓ છે, જ્યારે આપણે બસ, ફિક્શનનો જ સહારો લેવો પડે છે. પરંતુ આપણને કાલ્પનિક બદલો લેતા પણ સરખી રીતે નથી આવડતું. અગાઉ ‘ડી-ડે’માં દાઉદ ઇબ્રાહિમને ભારત લાવવાની વાત હતી. એ પછી નીરજ પાંડેની ‘બૅબી’માં પણ આવી જ મનોહર કહાનિયાં હતી. આ વખતે ‘ફેન્ટમ’માં ૨૬/૧૧ના માસ્ટરમાઇન્ડ્સને ખતમ કરવાનો ખયાલી પુલાવ છે. યકીન માનો, મોટા ભાગની ફિલ્મ લાંબી, બોરિંગ, બાલિશ અને હાસ્યાસ્પદ છે.

ખૂન કા બદલા ખૂન

૨૬/૧૧ના આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતીય ખૂફિયા એજન્સી RAWના વડા રૉય (સબ્યસાચી ચક્રવર્તી)ને એક નવો નિશાળિયો સમિત (મોહમ્મદ ઝિશન ઐયુબ) આઇડિયા આપે છે કે આપણે આ કારમા ઘાનો જવાબ અમેરિકાની સ્ટાઇલમાં આપવો. આ હુમલાના ચારેય માસ્ટરમાઇન્ડ્સને એમના ઠેકાણે જઈ જઈને એવી રીતે ઠાર કરવા કે જેથી તેમનાં મોત કુદરતી લાગે. આ માટે ભારતીય આર્મીના એક બદનામ સૈનિક દાન્યાલ ખાન (સૈફ અલી ખાન)ની પસંદગી થાય છે. દાન્યાલને મદદ કરવા માટે સોશ્યલ વર્કર ટાઇપનું કંઇક કામ કરતી નવાઝ મિસ્ત્રી (કેટરિના કૈફ)ને પણ ધંધે લગાડવામાં આવે છે. પ્લાન કે મુતાબિક અડધું ઑપરેશન પાર પડ્યા પછી પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIને ગંધ આવી જાય છે. પરંતુ ફિલ્મમૅકર્સને છેક ફિલ્મ રિલીઝ થયા પછીયે ગંધ આવતી નથી કે આ કંસાર કરવા જતાં થૂલું રંધાઈ ગયું છે.

ફેંકમ-FAKE

ડિરેક્ટર કબીર ખાનની ‘ફેન્ટમ’ જેના પરથી બની છે તે ક્રાઇમ રાઇટર એસ. હુસૈન ઝૈદીની નવલકથા ‘મુંબઈ એવેન્જર્સ’ વિશે લોકો એક શબ્દનો જ રિવ્યૂ આપતા ફરે છે, ‘ફિલ્મી.’ એ ફિલ્મી વાર્તા પરથી ખરેખર ફિલ્મ બને, ત્યારે એ ફિલ્મી ન હોય તો જ નવાઈ. એક તો આ ફિલ્મની શરૂઆતમાં ‘બોયાય નથી ને ચાયાય નથી’ ટાઇપનું ‘સમજૌતા એક્સપ્રેસ’ જેટલું લાંબું ડિક્લેરેશન સંભળાવવામાં આવે છે, એ જોઇને જ લાગે કે બસ આ જ કારણોસર આતંકવાદીઓ આપણા સકંજામાં નથી આવતા. રિલીઝ પહેલાં ૨૬/૧૧ના ખરેખરા માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદને ધમકીઓ આપ્યા પછી ફિલ્મમાં તેનું નામ બદલીને ‘હારિસ સઇદ’ કરી દેવાયું છે. આપણે તો ત્રાસવાદીઓની લાગણી ન દુભાય તેનોય ખ્યાલ રાખવાનો ને.

ખેર, પણ સૈફ અલી ખાન સ્ટારર ‘ફેન્ટમ’ એક અભાવગ્રસ્ત ફિલ્મ છે. તેમાં લોજિકનો અભાવ છે, ધારદાર પંચલાઇન્સનો અભાવ છે, કલાકારોનાં એક્સપ્રેશન્સનો અભાવ છે, એડિટિંગનો અભાવ છે અને પરિણામે ફિલ્મને લોકોની ધીરજના અભાવનો સામનો કરવો પડશે એ નક્કી છે. પહેલા વાત લોજિકની. RAWના વડા જે વાતે કન્વિન્સ ન હોય, તે મુદ્દે એક નાનકડું વછેરું લોલીપોપ માગતું હોય એ રીતે જિદ્દ કરે કે, હાલોને સર, આપણેય રિવેન્જ રિવેન્જ રમીએ. આમ હુમલાખોરોને મારવાનું નક્કી થાય. પરંતુ ખૂફિયા ઑપરેશન છે એટલે સૈફ માથે ગમછો બાંધીને કોને મારવા નીકળી પડ્યો છે તે આપણને મીન્સ કે પ્રેક્ષકોને એકેય તબક્કે કહેવામાં ન આવે. એટલે એ હત્યાઓ પાછળનું કનેક્શન પણ આપણને ખબર ન પડે. એક સમજુ પ્રેક્ષક તરીકે આપણે સ્વીકારી લેવાનું કે અમે જે કરીએ છીએ તે દેશના સારા માટે જ કરીએ છીએ. તમારે રોટલાથી કામ કે ટપાકાથી?

આ ફિલ્મમાં સૌથી મોટી ઊણપ વર્તાઈ સૈફના સાઇડકિકની, મતલબ કે સહયોગીની. વિદેશી ધરતી પર માણસો મેનેજ કરવાથી લઇને મર્ડરનું પ્લાનિંગ, બૅકઅપ વગેરે બધું જ બિચારા સૈફે એકલે હાથે જ કરવું પડે. હા, એની મદદ માટે કૅટરિના છે, પણ એ બિચારી પોતાની લિપસ્ટિક ટચઅપ કરે કે ઑપરેશન પાર પાડે? જો આખું મિશન ‘રૉ’એ ડિઝાઇન કર્યું હોય, તો તેનું અગાઉથી ઝીણવટભર્યું પ્લાનિંગ પણ થયું જ હોવું જોઇએ ને? જેમ કે, અહીં શરૂઆતમાં એવું નક્કી થાય છે કે બધી જ હત્યાઓ એક્સિડેન્ટલ ડૅથ લાગવી જોઇએ, પરંતુ અડધે રસ્તેથી ટ્રેક ચૅન્જ અને જેમ બને તેમ જલ્દી કામ પતાવો. શું આપણું ‘રૉ’ કલ્પનામાં પણ ફુલપ્રૂફ આયોજન ન કરી શકે? ભારતના લેવલેથી સૈફનો નકલી ફોટો મૅનેજ ન કરી શકવાથી લઇને પાકિસ્તાનમાંથી પોતાના એજન્ટને બહાર કાઢવા સુધીના કોઈપણ તબક્કે પ્લાનિંગ થયેલું નથી બતાવાયું. આના કરતાં વધુ તૈયારી તો બિહારમાં બૉર્ડની પરીક્ષાઓમાં ચોરી કરાવવા જતા પેરેન્ટ્સલોગ કરે છે. ઇવન ફિલ્મમાં મુખ્ય આરોપીને ઉડાડવા માટે જે બ્લાસ્ટ પ્લાન થાય છે, તે એટલો બધો ફુસ્સ છે કે તેના કરતાં ગઈ દિવાળીના ફટાકડા વધુ જોશભેર ફૂટે.

વધુમાં આ ફિલ્મમાં કેટલીયે વિદેશી ફિલ્મોના વણજોઇતા સંદર્ભો આવે છે. એક તો આખો પ્લોટ અને એકાદો બ્લાસ્ટ સ્ટીવન સ્પીલબર્ગની ‘મ્યુનિક’ની યાદ અપાવે છે. ઊંધા લટકેલા સૈફની એક સિક્વન્સ ટૉમ ક્રૂઝના ‘મિશન ઇમ્પોસિબલ’ની યાદ તાજી કરી દે છે. અરે, લાદેનને પકડવાના મિશન પર બનેલી ‘ઝીરો ડાર્ક થર્ટી’થી લઇને ‘ટાઇટેનિક’ સુધીના રેફરન્સિસ અહીં છે.

તેમ છતાં ફિલ્મને ન્યાય કરવા માટે એટલું કહેવું જોઇએ કે શરૂઆતના બે આતંકીઓને જેર કરવાની સિક્વન્સીસ ખરેખર થ્રિલિંગ છે અને આપણને નખ ચાવવા પર વિવશ કરી દે છે. પરંતુ પછી જ બોરિંગ બૅક સ્ટોરીઝ, વણજોઇતાં પાત્રોની મગજમારી, નક્કામાં ગીતો અને કંગાળ ગતિ આ ઑપરેશન ફેન્ટમને ફેલ કરી નાખે છે. વધુ પડતા દેશો ફરવા બદલ સૈફ અલી ખાન ‘ટ્રાવેલ એજન્ટ વિનોદ’ તરીકે વગોવાયો હતો. અહીં પણ કાશ્મીરથી અમેરિકા, લંડન, બૈરુત, સિરિયા, પાકિસ્તાન વાયા દિલ્હીની અઢળક કન્ડક્ટેડ ટૂર છે. એમાંય સિરિયા અને બૈરુત રખડવા ન ગયા હોત તો ફિલ્મ ક્યાંય વધુ ક્રિસ્પ બની હોત.

એક થ્રિલરને ધારદાર બનાવવા એક પછી એક ફટાફટ આવતી ટેન્શનવાળી સિક્વન્સ અને કાતિલ ડાયલોગ્સનું કિલર કોમ્બિનેશન હોવું જોઇએ. અહીં બેમાંથી એકેય નથી. કદાચ એડિટરનું કમ્પ્યુટર હૅંગ થઈ ગયું હશે. સૈફનું તો સમજ્યા, પણ કૅટરિના જેવું કોઈ સાથે હોવા છતાં આટલું જોખમી ઑપરેશન પાર પડી શકે તે વિચાર જ આશાવાદની ચરમસીમા જેવો લાગે છે. બચાડી માટે એટલું કહી શકાય કે કૅટરિનાના ચહેરા કરતા એક સીનમાં એના પેટે ઘણો સારો અભિનય કર્યો છે. ઘણે ઠેકાણે આ ફિલ્મ અનઇન્ટેન્શનલી ફન્ની બની રહે છે. અહીં એવા તમામ સીન સાવ વેડફાઈ ગયેલા મોહમ્મદ ઝીશન ઐયુબના ફાળે આવ્યા છે. ધારદાર બંગાળી એક્ટર સબ્યસાચી ચક્રવર્તીનો પણ આટલો વેસ્ટેજ તો આપણું બૉલીવુડ જ કરી શકે.

બિનજરૂરી ચરબીને લીધે રોળાઈ ગયેલી આ થ્રિલર ફિલ્મમાં ખરેખર તો ગીતોની જરૂર જ નહોતી. પણ હા, ‘અફઘાન જલેબી’ ‘એજન્ટ વિનોદ’ના ‘પુંગી બજા કે’ જેવું લાગતું હોવા છતાં ચ્યુઇંગ ગમ જેવું મસ્ત ચિપકુ છે.

નિષ્ફળ થ્રિલર

બે સિક્વન્સને બાદ કરતાં સાવ બોરિંગ બની ગયેલી આ ફિલ્મને ટીવી-DVD પર જ જોવાનું રાખો તો વધુ સારું. હા, અહીં જે અંગ્રેજી ફિલ્મોનાં નામ લીધાં છે, એ વહેલી તકે જોઈ પાડો.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

બજરંગી ભાઈજાન

ત્રિરંગી પહચાન

***

હંમેશની જેમ મારફાડ કરવાને બદલે સલમાનભાઈ આ વખતે શાંતિદૂત બનીને આવ્યા છે.

***

cixgrpnukaaapmgજેવી રીતે સલમાન ખાનની ફિલ્મો સ્ટોરી, સ્ક્રિપ્ટ વગેરેની મોહતાજ નથી હોતી, એ જ રીતે તે રિવ્યૂની પણ મોહતાજ નથી હોતી. કારણ કે તે ‘ઑફ ધ સલમાન, બાય ધ સલમાન અને ફોર સલમાન ફૅન્સ’ હોય છે. તેમ છતાં જો તમે સિનેમાની ફૂટપટ્ટી લઇને સલમાનભાઈની ફિલ્મોનું વિવેચન કરવા બેસો, તો તમારી હાલત ‘વ્યાપમ કૌભાંડ’ના સાક્ષી જેવી થાય. દર વર્ષે બૉક્સ ઑફિસ પર ‘બાહુબલિ’ની જેમ ત્રાટકતી સલમાન ફિલ્મો કરતાં આ વખતે આવેલી ‘બજરંગી ભાઈજાન’ ખાસ્સી અલગ છે. ના, અહીં પણ હંમેશની જેમ સલમાન પોતે ‘બીઇંગ હ્યુમન’ જ છે, પરંતુ આ વખતે એણે કોમી એકતા, ભારત-પાકિસ્તાનના ભાઇચારા જેવાં શાંતિનાં કબૂતરો ઉડાડવાની વાતો કરી છે. જેનું ક્રેડિટ ડિરેક્ટર કબીર ખાનને પણ આપવું પડે.

ચાલો પાકિસ્તાન

પવનકુમાર ચતુર્વેદી ઉર્ફ બજરંગી (સલમાન ખાન) એક ગુડ ફોર નથિંગ છતાં પાવિત્ર્ય ઔર ભક્તિરસ સે ભરપુર હનુમાનભક્ત છે. પાકિસ્તાનથી પોતાની માતા સાથે હઝરત નિઝામુદ્દીન ઓલિયાની દરગાહે માથું ટેકવા આવેલી બોલી ન શકતી પાંચ-છ વર્ષની બૅબી શાહિદા (સુપર ક્યુટ હર્ષાલી મલ્હોત્રા) ભૂલી પડી જાય છે અને સ્ક્રિપ્ટની ડિમાન્ડ પ્રમાણે બજરંગી ભાઇજાન સાથે એનો ભેટો થઈ જાય છે. હવે જેનું પોતાનું દિલ્હીની પહેલવાનપુત્રી રસિકા (કરીના કપૂર) સાથે સેટિંગ અધ્ધર લટકે છે, ત્યાં એ આ બૅબીને શું મદદ કરવાનો? લેકિન નો. ભલે પોતાના પાસપોર્ટનાં ઠેકાણાં ન હોય, પણ એકબાર ભાઈને કમિટમેન્ટ કર દિયા તો ફિર વો પાકિસ્તાન એમ્બેસી કી ભી નહીં સૂનતે. ગેરકાયદે બોર્ડર ક્રોસ કરીને એ બૅબી સાથે પાકિસ્તાનમાં ઘૂસે છે. ત્યાં એને સ્થાનિક પત્રકાર ચાંદ નવાબ (નવાઝુદ્દીન સિદ્દીકી)ની મદદ મળે છે. આમ તો ભાઈ માટે કોઈ કામ અશક્ય નથી, પરંતુ પરાયા મુલ્કમાં આ પરાઈ અમાનતને એ એના પરિવાર સાથે મેળવી આપવામાં સફળ જશે?

યે સલમાન ઝરા દુજે કિસમ કે હૈ

સલમાન, શાહરુખને તમે કોઇપણ રોલમાં નાખો, અલ્ટિમેટલી તો એ સુપરસ્ટાર સલમાન ને શાહરુખ જ રહેવાના. એમાંય સલમાનની ફિલ્મોમાં હોય છે શું? એક સુપરહ્યુમન, જેની એક વિચિત્ર સેન્સ ઑફ હ્યુમર છે, સર્વગુણ સંપન્ન છે, આરપાર વીંધી નાખે એવી ધારદાર પંચલાઇન્સ બોલે છે, કોઈ ઉમદા કાર્ય માટે એ નઠારાં તત્ત્વોને ચુન ચુન કે ખતમ કરે છે. પરંતુ આ બજરંગી ભાઈજાન જરા અલગ કિસમનો સલમાન છે. એ એકદમ ભલોભોળો ને ભણવામાં ઢ છે, કોઇના પર હાથ નથી ઉપાડતો, કોઇનું દર્દ એનાથી જોવાતું નથી. ઇન શૉર્ટ, એકદમ ભગવાનનો માણસ છે. એક્ચ્યુઅલી, ‘કિક’ અને ‘બજરંગી ભાઈજાન’ જોઇને એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે રિયલ લાઇફમાં એના પર ચાલી રહેલા કૅસની સામે મજબૂત પુરાવા તરીકે મૂકી શકાય તે માટે સલમાન પોતાની ફિલ્મોમાં વિશ્વશાંતિનાં કબૂતરો ઉડાડી રહ્યો છે. જેથી દેશમાં એના પ્રત્યે એક સિમ્પથીની ફીલિંગ ઊભી થાય કે ભાઈ ક્યારેક પીને ગાડી ફૂટપાથ પર ચડાવી દે અથવા તો બ્લૅકબકનો શિકાર કરી નાખે, પરંતુ એ છે ખુદા કા નેક બંદા.

તેમ છતાં આખી વાતને પોઝિટિવલી લઇએ તો આ ફિલ્મ ખરેખર ભારત-પાકિસ્તાન અને હિન્દુ-મુસ્લિમોને એક કરવાનો જડબેસલાક મેસેજ આપે છે. એ પણ જરાય લાઉડ થયા વિના, પીંછું ફરતું હોય એવી હળવાશથી. આપણને આંખોનો ડાયાબિટીઝ થઈ જાય એટલી હદે સલમાનને મીઠડો (ને હેન્ડસમ) બતાવાયો છે. એટલે એ સામેવાળો કન્ફ્યુઝ થઈ જાય કે ક્યાંથી શ્વાસ લેવો અને ક્યાંથી વધારાનો વાયુ મુક્ત કરવો એવા કોઈ શારીરિક છિદ્રો પાડતો નથી. ઇન ફૅક્ટ, આખી ફિલ્મમાં સલમાનની પહેલી ફાઇટ એક્ઝેક્ટ સવા કલાકે આવે છે. તામસિક રસના શોખીનો માટે અફસોસ કે એ પહેલી અને છેલ્લી ફાઇટ છે.

અન્ય સલમાનફિલ્મોથી તદ્દન વિપરિત આ ફિલ્મ ગોકળગાયની ગતિએ ધીમે ધીમે આગળ વધ્યા કરે છે. એક પછી એક તદ્દન બિનજરૂરી અને અત્યંત કંગાળ ગીતો આવ્યાં કરે છે. હા, અદનાન સમીની કવ્વાલી ખરેખર હૃદયસ્પર્શી છે. સાચું પૂછો તો આ ફિલ્મમાં હિરોઇનની કશી જરૂર હતી જ નહીં. તેમ છતાં ભાઈ એટલિસ્ટ પડદા પર વાંઢો ન રહી જાય એટલા માટે કરીનાને ફિલ્મમાં લેવાઈ છે, જેનું કામ રેડીમેડ કપડાંના શૉરૂમની બહાર મુકાયેલાં મૅનિકિન કરતાં જરાય વિશેષ નથી. ઇવન એની અને સલમાનની લવસ્ટોરી દૂરદર્શનના સમાચાર કરતાંય વધારે બોરિંગ છે.

ઇન્ટવલ પછી જ્યારે સલ્લુભાઈ બૉર્ડર ક્રોસ કરીને પાકિસ્તાન પહોંચે છે અને નવાઝુદ્દીનની એન્ટ્રી પડે છે, ત્યારથી ફિલ્મ ફાસ્ટ ગિયરમાં આવે છે. ઇન્ટરનેટના બાશિંદાઓ તરત જ કહી દેશે કે નવાઝુદ્દીનનું પાત્ર (તેના નામ સહિત) યુટ્યૂબ પર વર્ષોથી ફરતા પાકિસ્તાનની ‘ઇન્ડસ ચેનલ’ના પત્રકારના મહાકોમેડી વીડિયો પરથી જ લેવાયેલું છે. એટલું જ નહીં, એ વીડિયોનો આખેઆખો સીન પણ અહીં રિક્રિએટ કરાયો છે. પરંતુ નવાઝુદ્દીનનું કામકાજ કેસર, વેનિલાની ફ્લેવર જેવું છે. આખી વાનગીમાં બે ટીપાં નાખો તોય પૂરી ડિશમાં એનો જ સ્વાદ આવે. અહીં પણ એવું જ થયું છે. અમુક સીનમાં એક્ટર નવાઝ હીરો સલમાન પર રીતસર છવાઈ ગયો છે.

જેના માટે ભાઈ પાકિસ્તાન લાંબો થાય છે તે બૅબી હર્ષાલી મલ્હોત્રા એટલી બધી ક્યુટ છે કે આખું કાશ્મીર એના પર કુર્બાન કરી દેવાની ઇચ્છા થઈ આવે. પરંતુ એને મૂગી બતાવીને પ્રેક્ષકોની સિમ્પથી ઉઘરાવવાને બદલે મણિરત્નમની ‘અંજલિ’ ફિલ્મની જેમ બાળસહજ ધમાલ બોલાવી હોત, તો સાવ ઝોલ ખાઈ ગયેલો ફર્સ્ટ હાફ ક્યાંય વધારે એન્ટરટેનિંગ બની શક્યો હોત. સલમાનની ફિલ્મોમાં બીજાં પાત્રોનું કામકાજ ખસખસના દાણાથી વિશેષ હોતું નથી. અહીં એવા ખસખસ જેવડા જ રોલમાં ઓમ પુરી, રાજેશ શર્મા, શરત સક્સેના જેવા કલાકારો આવી આવીને જતા રહે છે.

સલમાનની ફિલ્મોમાં લોજિક શોધવા જનારને મેન્ટલ હૉસ્પિટલભેગો કરવો પડે. એટલે જ અહીં પૂછવાનું નહીં કે સલમાનને ગેરકાયદે બૉર્ડર ક્રોસ કરતો જોઇને પણ કોઈ પકડતું કેમ નથી, એ આટલી આસાનીથી પાકિસ્તાનમાં અને ત્યાંથી પછી પાન ખાવા જતો હોય એવી સહેલાઈથી પાછો ભારતમાં કેવી રીતે આવી જાય છે, બધાં પાત્રો આમ દિમાગને બદલે દિલનો જ ઉપયોગ કરીને ઇમોશનલ શા માટે થઈ જાય છે વગેરે. મેલોડ્રામાના ઑવરડોઝવાળી પોણા ત્રણ કલાકની આ ફિલ્મ હજી લંબાયા કરી હોત, જો લોસ્ટ એન્ડ ફાઉન્ડનો ‘મનમોહન દેસાઈ એન્ગલ’ કામે ન લાગ્યો હોત. એમ તો ‘ફિલ્મીસ્તાન’ અને ‘વેલકમ ટુ કરાચી’ પછી પાકિસ્તાનને જીતાડવા ઉતરેલા શાહિદ અફ્રિદીનો સીન સતત ત્રીજીવાર અહીં રિપીટ કરાયો છે.

બૉક્સઑફિસની બૉર્ડર ક્રોસ કરવી કે નહીં?

તમારી જાતને કેટલાક સવાલો પૂછો. જેમ કે, તમે સલમાનભાઈના એકદમ ખૂનખાર ફૅન છો? તમને ભલે ક્યુટ દેખાતો પણ દબંગ સ્ટાઇલમાં કિક મારવાને બદલે બે હાથ જોડીને ‘જય શ્રી રામ’ બોલતો અને રડી પડતો સલમાન જોવો ગમે? આખી ફિલ્મમાં સલમાન એકેય વાર શર્ટ ફગાવી દઇને પોતાનું ગઠીલું બદન ન બતાવે તો ચાલે? ફિલ્મ ભલે ગમે તે સ્પીડે ચાલતી હોય, પડદા પર ભાઈ દેખાય એટલે ભયો ભયો એ ફિલોસોફી સાથે તમે સંમત છો? જો આ બધા સવાલોના જવાબો ‘હા, ભઈ હા’ હોય, તો આ ફિલ્મ એકવાર જોવી જરાય હાનિકારક નથી.

ઊલટું તમને એવાય પવિત્ર વિચારો આવશે કે હિન્દુ હોય કે મુસ્લિમ, ભારતીય હોય કે પાકિસ્તાની, પ્રેમને કોઈ ધર્મ કે સરહદનાં બંધન થોડાં નડે છે? મુઠ્ઠીભર આતંકવાદીઓ ભાંગફોડ કરે એમાં આખા દેશના નાગરિકોનો શો વાંક? બસ, બંને દેશના નાગરિકો આ વિચારો પર અમલ કરે એટલે ભયો ભયો. આ ડિટર્જન્ટથી ધોયેલી સંપૂર્ણ પારિવારિક ફિલ્મમાં એક લોચો એ છે કે સીટીઓ મારવા જેવી મોમેન્ટ્સ અત્યંત ઓછી છે. એની સામે ટિકિટના ભાવો અત્યંત વધારે છે. એટલે અત્યારે બૅન્ક બૅલેન્સ ઓછું કર્યા વિના ટિકિટના ભાવો નોર્મલ થયા પછી નિરાંતે જોવા જશો તોય કંઈ ખાટુંમોળું થવાનું નથી. ઇન ફૅક્ટ, ડીવીડી બહાર પડે ત્યારે જોશો તોય સલમાનભાઈને જરાય ખોટું નહીં લાગે.

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.