સમ્રાટ એન્ડ કંપની

દેશી શેરલોક, પરદેશી સ્ટાઈલ

***

શેરલોક હોમ્સની વધુ એક આવૃત્તિ જેવી આ ફિલ્મ આ વીકએન્ડની સૌથી ઓછી ખરાબ ફિલ્મ છે!

***

samrat_26_co_e28094_posterમર્ડર મિસ્ટ્રી, સસ્પેન્સ કથાઓનો એક વફાદાર ચાહકવર્ગ રહ્યો છે. એવી કથાઓ અને કાલ્પનિક જાસૂસોમાં સૌથી જાણીતું નામ એટલે સર આર્થર કોનન ડોયલે રચેલું શેરલોક હોમ્સ. તેની સંખ્યાબંધ એડિશન્સ થતી આવી છે અને તે સિલસિલો ક્યારેય બંધ થવાનો પણ નથી. અભિનેતા રાજીવ ખંડેલવાલને શેરલોક જેવા દેશી પરંતુ સ્ટાઈલિશ જાસૂસ તરીકે રજૂ કરતી ડાયરેક્ટર કૌશિક ઘટકની ફિલ્મ ‘સમ્રાટ એન્ડ કંપની’ એટલી ખરાબ ન હોવા છતાં તેની સ્ટોરીના ડિપાર્ટમેન્ટમાં માર ખાઈ જાય છે.

ઘોસ્ટ, હોસ્ટ અને જાસૂસ

સમ્રાટ તિલકધારી (રાજીવ ખંડેલવાલ) મુંબઈનો એક પ્રાઈવેટ જાસૂસ છે. તેની પાસે એક યુવતી નામે ડિમ્પી (મદાલસા શર્મા) કેસ લઈને આવે છે કે શિમલામાં એના પિતા મહેન્દ્ર પ્રતાપ સિંહ (ગિરીશ કર્નાડ) અત્યંત ડરેલા છે, કેમ કે એમનો બગીચો ભેદી રીતે કરમાઈ ગયો છે, માળી એમને શાપ આપીને મૃત્યુ પામ્યો છે કદાચ એમના બંગલામાં ભૂત પણ થાય છે. સમ્રાટ પોતાના દોસ્તાર ચક્રધર પાંડે (ગોપાલ દત્ત)ને લઈને તપાસ કરવા શિમલા જાય છે, જ્યાં એની મુલાકાત ડિમ્પીના ભાઈઓ (પ્રિયાંશુ ચેટર્જી, ઈન્દ્રનીલ સેનગુપ્તા) અને ઘરના અન્ય સભ્યો સાથે થાય છે. ત્યાં જ એક પાર્ટીમાં પિતા ગિરીશ કર્નાડની હત્યા થાય છે. સમ્રાટ એ ખૂની શોધે ત્યાં એક પછી એક હત્યાઓનો સિલસિલો શરૂ થઈ જાય છે. હવે સમ્રાટ આ હત્યાઓ પાછળનું સિક્રેટ બહાર લાવી શકે છે કે કેમ તે ક્લાઈમેક્સમાં ખબર પડે છે.

ઝેરોક્સની ઝેરોક્સ

સમ્રાટ એન્ડ કંપનીની શરૂઆતમાં શેરલોક હોમ્સના સર્જક સર આર્થર કોનન ડોયલને અંજલિ અપાઈ છે, પરંતુ આપણા આ દેશી શેરલોક પર હોલિવૂડના સર્જક ગાય રિચીના શેરલોક હોમ્સની વધારે અસર દેખાય છે. ફિલ્મના પોસ્ટરથી લઈને શેરલોક એટલે કે વિક્રાંતનો દેખાવ, એની કામ કરવાની પદ્ધતિ, ઝડપથી સંવાદો બોલવાની સ્ટાઈલ, વનલાઈનર્સ વગેરે બધું જ ગાય રિચીના શેરલોક હોમ્સ (અભિનેતા રોબર્ટ ડાઉની જુનિયર) જેવું લાગે છે. એ રીતે આ ફિલ્મ મૂળ શેરલોકની ઝેરોક્સની પણ ઝેરોક્સ કોપી છે.

શેરલોક આઈડિયાઝ ફેંકે અને એનો સાથીદાર (અને વાર્તાનો સૂત્રધાર) ડોક્ટર વોટસન કેસ સોલ્વ કરવાની માથા પચ્ચીમાં એનો સાથ આપે એ બહુ જાણીતી વાત છે. અહીં ડો. વોટસનના પાત્રને તદ્દન હાસ્યાસ્પદ બનાવી નાખ્યું છે. અત્યાર સુધીની શેરલોક હોમ્સ સ્ટોરીઝની સશક્ત આવૃત્તિઓમાં ડો. વોટસનનું પાત્ર બેન કિંગ્સ્લે, જ્યુડ લૉ, અભિનેત્રી લ્યુસી લ્યૂ અને ભારતમાં કે. કે. રૈના, સૌરભ શુક્લા, પરમ્બ્રત ચેટર્જી, શાશ્વત ચેટર્જી જેવાં કલાકારો ભજવતાં આવ્યાં છે. જ્યારે અહીં ડો. વોટસન એક બેવકૂફ ડરપોક જોકરથી વિશેષ કશું જ નથી.

આ ફિલ્મ ક્લાસિક ‘હૂ ડન ઈટ’ પ્રકારની મર્ડર મિસ્ટ્રી છે. આવી કથાઓમાં કાતિલ કોણ હશે એ ડિટેક્ટિવની સાથોસાથ પ્રેક્ષક પણ વિચારતો હોય છે. એ જ તેની મજા છે. પરંતુ આવી કથાઓ જોતાં-વાંચતાં આવેલા પ્રેક્ષકો લગભગ આસાનીથી અહીં કાતિલ કોણ હશે તેનું અનુમાન લગાવી શકે છે. સીધી સાદી મર્ડર મિસ્ટ્રી રાખવા કરતાં કોઈ નવા ટ્વિસ્ટ્સ સાથેની વાર્તા લખાઈ હોત તો રંગ ઓર જામ્યો હોત.

રાજીવ ખંડેલવાલ ડિટેક્ટિવના રોલમાં એકદમ સ્ટાઈલિશ અને સ્માર્ટ લાગે છે. એનું દિમાગ અને અવલોકન કરવાની શક્તિ ચાચા ચૌધરીના દિમાગથી પણ તેજ ચાલતી હોય એ રીતે એ બધું પારખી લે છે એ થોડું વધારે પડતુંલાગે છે. પણ આ સમ્રાટ ભાઈ પોતાની એ શક્તિનું દર થોડી વારે શો ઓફ્ફ કર્યા કરે છે. દર બીજા સીનમાં એ કંઈક નવું ઓબ્ઝર્વ કરે અને એનું રહસ્ય વેરતો ફરે. જો આ રીતે કોઈ જાસૂસ પોતાનાં સિક્રેટ્સ કહેતો ફરે તો બિચારાની દુકાનનાં શટર પડી જતાં વાર ન લાગે.

ફિલ્મમાં ગિરીશ કર્નાડ, પ્રિયાંશુ, ઈન્દ્રનીલ, સ્મિતા જયકર જેવાં કલાકારો છે, પણ સૌથી વધુ ઈમ્પ્રેસ તો અફ કોર્સ રાજીવ ખંડેલવાલ જ કરે છે. પ્રમાણમાં નબળી સ્ટોરી ઉપરાંત ફિલ્મનો લય તોડતું ગીત અને થોડી વધારે લંબાઈ પણ રસભંગનો ગુનો આચરે છે. શિમલાનાં લોકેશન્સ સરસ છે, પણ વધુ પડતી ઠાંસવામાં આવેલી કમ્પ્યુટર જનરેટેડ ઈમેજરી કેમેરાવર્કને હાસ્યાસ્પદ બનાવી દે છે.

ઈસકા મતલબ જાનતે હો, દયા?

સસ્પેન્સ ફિલ્મોની રિપીટ વેલ્યૂ લગભગ ઝીરો હોય છે, તે હકીકતની ખબર હોવા છતાં રાજશ્રી પ્રોડક્શન્સ આવી ફિલ્મ બનાવે છે એ પ્રશંસાને પાત્ર વાત છે. વળી, મહદંશે આ ફિલ્મ પોતાની મૂળ વાર્તાને વળગી રહે છે. એન્ડ જોઈને એવું લાગે છે કે પ્રોડ્યુસરના દિમાગમાં તેની સિરીઝ ચલાવવાનો પ્લાન છે. જો એવું હોય તો આ ભાગની કમજોરીઓ દૂર કરવાનો પ્રયત્ન કરે. બાકી, આ વીકએન્ડ પર રિલીઝ થયેલી બે અતિશય કંગાળ સ્ત્રીકેન્દ્રી ફિલ્મોની સરખામણીએ તો આ સમ્રાટ તિલકધારીની ફિલ્મ અનેકગણી સારી છે. સસ્પેન્સ સ્ટોરીઝના રસિયાઓ નિરાશ નહીં થાય.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

Advertisements