AdBlock Plus

‘પહલે મૈં બહોત પરેશાન રહતા થા. જબ ભી મૈં કોઈ વેબસાઇટ ખોલતા થા, તબ ન જાને કહાં કહાં સે મુંહાસો કી તરહ એડવર્ટીઝમેન્ટ્સ ફૂટ પડતી થી. એક એક પૅજ પે ચાર-પાંચ ઍડ્સ બંધ કરતે કરતે મેરે હાથ મેં કાર્પલ ટનલ હો ગયા થા. મૈં ઝિંદગી સે નિરાશ હો ચૂકા થા. લેકિન તબ કિસીને મુઝે ઍડ બ્લોક પ્લસ કે બારે મેં બતાયા. ઇસકો અપને બ્રાઉઝર મેં ઇન્સ્ટૉલ કરને કે બાદ સારી ઍડ્સ ઐસે ગાયબ હુઈ જૈસે પહલી બારિશ કે બાદ નયા ડામર રોડ. અબ મેરી ઝિંદગી મેં ફિર સે ખુશિયાં લૌટ આયી હૈ. થેન્ક યુ, ઍડ બ્લૉકર!’ (ટિંગ ટોંગ)
***
બિલીવ મી, થોડા સમય પહેલાં સુધી આ મારી પણ સ્ટોરી હતી (માઇનસ કાર્પલ ટનલ એન્ડ ઝિંદગી સે નિરાશ હોના થિંગ!). ગમે તે વેબસાઇટ ખોલીએ એટલે ચોમા

AdBlocker
જુલાઈ, ૨૦૧૬માં મોટાભાગની ભારતીય ન્યુઝ વેબસાઇટોએ ‘ઍડ બ્લોક પ્લસ’ બંધ કર્યા સિવાય વેબસાઇટ એક્સેસ કરવાનું જ બંધ કરી દીધું.

સાની જીવાતની જેમ ગમે ત્યાંથી પોપઅપ ઍડ્સ ફૂટી નીકળે. ક્યાંક વીડિયો સ્ટાર્ટ થઈ જાય, તો ક્યાંક આખું કન્ટેન્ટ ઢાંકી દે એવી લંબચોરસ બૅનર ઍડ્સ ઉડાઉડ કરી મૂકે. આપણે જાણે એ લોકોની નોકરી લીધી હોય એમ એના ખૂણે આવેલી ચોકડી (x) શોધીને વારાફરતી બંધ કરવાની મજૂરી કરવાની. અડધી ઍડ્સ પાછી ઉડાઉડ કરતી હોય એટલે નાનાં ભાગભાગ કરતા બચ્ચાને જમાડવા માટે એની મમ્મી પાછળ પાછળ ફરે એમ આપણે એ ઍડની પાછળ ફરવાનું.

લેકિન ‘ઍડ બ્લૉક પ્લસ’નો નાનકડો પ્રોગ્રામ ખરેખર સુપર્બ નીકળ્યો. સરકાર કર્ફ્યૂ લાદીને જેમ દંગા દાબી દે, એમ આ પ્રોગ્રામ બધી જ ઍડ્સનો કચરો વાળીચોળીને સાફ કરીનાખે. ઇવન યુટ્યૂબમાં વીડિયોની પહેલાં-વચ્ચે આવતી ઍડ્સ પણ બ્લૅક મનીની જેમ ગાયબ! દરેક પૅજ પર કેટલી ઍડ્સ બ્લૉક કરી તેનો આંકડો ઉપર જોઇએ ત્યારે ખબર પડે કે આપણી જિંદગીમાંથી કેટલાં દુઃખો આ ટચૂકડા પ્રોગ્રામે દૂર કરી દીધાં છે. મેં તો પછી કેટલાયને કાઠિયાવાડી સ્ટાઇલમાં આગ્રહ કરી કરીને આ પ્રોગ્રામ ઇન્સ્ટૉલ કરાવેલો.

લેકિન બકરે કી અમ્મા કબ તક ખૈર મનાયેગી?! ચાર-પાંચ દિવસ પહેલાં NDTVની સાઇટ ખોલી ત્યાં અલાદ્દીનના જિનની જેમ સંદેશો પ્રગટ થયો, ‘ભઈ, અહીંથી આગળ વાંચવું હોય તો આ ઉપર જે ઍડ બ્લોકર બેસાડ્યું છે એને કાઢો અહીંથી.’ મને થયું, ઓત્તારી. અત્યાર સુધી ‘ફોર્બ્સ’ની ઇન્ટરનેશનલ સાઇટને જ ઍડ બ્લોકર સામે વાંધો હતો, પણ ઇન્ડિયન મીડિયાને પણ આ એરુ આભડ્યો? પછી તો ચૅક કર્યું તો એક જ સાથે ટાઇમ્સ ગ્રૂપ, હિન્દુસ્તાન ટાઇમ્સ, ભાસ્કર, જાગરણ, અમર ઉજાલા જેવા લીડિંગ મીડિયા હાઉસની વેબસાઇટોએ પણ ઍડ બ્લોકર સામે સત્તાવાર વાંધો પાડ્યો હતો. ‘ક્વાર્ટ્ઝ’ની વેબસાઇટ પર વાંચ્યું કે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અને ‘હિન્દુ’ પણ આ જ રસ્તો પકડવાના છે. સામાન્ય સંજોગોમાં એકબીજા સાથે સતત બાખડતા રહેતા રાજકીય પક્ષો સાંસદોના પગારવધારાના મુદ્દે સંપી જાય અને છાનામાના તે બિલ પાસ કરી દે એવું જ કંઇક આ કિસ્સામાં થયેલું દેખાઈ આવે છે.

સમજી શકાય તેવી વાત છે કે વેબસાઇટોની મુખ્ય કમાણી ઍડ્વર્ટાઇઝમેન્ટ્સમાંથી જ થાય છે. ગૂગલ, ફેસબુક, ટ્વિટર પોતાની કમાણીનો મોટો ભાગ આવી ઍડ્સમાંથી જ મેળવે છે. એમને આ ઍડ્સને ગાળી નાખતા પ્રોગ્રામ સામે વાંધો પડે તે સ્વાભાવિક છે. આપણને પણ ઍડ્સ સાથે પ્રોબ્લેમ નથી. ઇવન મેં જોયું છે કે ફેસબુક પર ડિસ્પ્લે થતી ઑનલાઇન શૉપિંગની ઍડ્સમાંથી જ પુષ્કળ લોકો ખરીદી કરતા થઈ ગયા છે. વાત પ્રમાણભાનની છે. એકવાર ખબર પડે કે આ ઍડ્સમાંથી તો કમાણી થાય એવું છે. એટલે સાઇટો પછી વાચકોની ઐસીતૈસી કરીને આડેધડ ઍડ્સ ઠોકવા માંડે. અને આવું માત્ર વેબસાઇટોની બાબતમાં જ થયું છે એવું જરાય નથી. છાપાં-મૅગેઝિન્સમાં જાહેરખબરોની વચ્ચે વાચનસામગ્રી આવે, મૅચમાં અગાઉ બે ઑવર વચ્ચે એક ઍડ આવતી, પછી બે થઈ, ત્રણ થઈ. હવે તો છઠ્ઠો દડો પડ્યો નથી કે ઍડ સ્ટાર્ટ થઈ નથી. બે ઓવર વચ્ચેની કોઈ ઍક્ટિવિટી તમને જોવા જ ન મળે. ચાલુ ઑવરે પણ સ્ક્રીન નાનો કરીને ઍડ્સ આવે. ગ્રાઉન્ડની વચ્ચે પણ ચાર-છ ઍડ્સ પાથરેલી હોય. ન્યૂઝ-ઍન્ટરટેનમેન્ટ ચેનલોમાં પણ કેટલી મિનિટના કન્ટેન્ટ વચ્ચે ઍડ્સ આવે છે એ સવાલ છે. અગાઉ PVR જેવા મલ્ટિપ્લેક્સમાં મુવી પહેલાં અને ઇન્ટરવલમાં કેટલી ઍડ્સ આવે છે એ મુદ્દે પણ મેં વિગતે કકળાટ કાઢેલો.

સારી રીતે અને યોગ્ય પ્રપોર્શનમાં પાથરેલી ઍડ્સ હોય તો આપણને જોવીયે ગમે. ઇવન હું તો ક્રિએટિવ ઍડવર્ટાઇઝમેન્ટ્સનો દીવાનો છું. જર્નલિઝમના કોર્સમાં ‘અમૂલ’ની ઍડ્સ પર મેં ડિઝર્ટેશન પણ કરેલું છે. પરંતુ ક્યાંય કોઈ પ્રમાણભાન જેવું હોય જ નહીં? કોઈ અપર લિમિટ જ નહીં? સૂંડલા ભરીને ઠલવાતી એ ઍડ્સમાં કોઇક ભળતી ઍડ્સ પર અકસ્માતે ક્લિક કરવાથી પરાણે આપણા કમ્પ્યુટરમાં ઇન્સ્ટૉલ થઈ જતા ઍડવેર, માલવેર, વાઇરસોની જવાબદારી કોની? મારો અનુભવ છે કે એવા ઍડવેરની સામે તો ક્વીકહીલ અને મૅકએફી જેવા એન્ટિવાઇરસ સોફ્ટવેર પણ હથિયાર હેઠાં મૂકી દે છે.

આપણે કૅબલ કનેક્શન માટે, પૅ ચૅનલો માટે, છાપાં-મૅગેઝિનના લવાજમ માટે, ઇન્ટરનેટના ડૅટા પૅક માટે પૈસા આપીએ તોય અલ્ટિમેટલી અડધા ઉપરાંત જાહેરખબરોનું વણજોઇતું પેઇડ કન્ટેન્ટ જ આપણા માથે મારવામાં આવે, એ કેવું? ક્યારેક BBC, CNN જેવી ચૅનલો કે ગાર્ડિયન, ટેલિગ્રાફ, ટાઇમ, ન્યુઝવીક, ન્યુયૉર્ક ટાઇમ્સ, વૉશિંગ્ટન પોસ્ટ વગેરેની સાઇટ્સ જોજો. ચૅનલોનું પ્રેઝન્ટેશન એકદમ ક્લટર વિનાનું, શાંત અને સીમલેસ દેખાશે. વેબસાઇટો પણ ઍડ્સ વગરની કે આંખને મિનિમમ નડે એ રીતે મુકાયેલી હોય છે.

ધ હૉલ થિંગ ઇઝ ધેટ, કે આમાં આપણી I&B મિનિસ્ટ્રી કેબ્રોડકાસ્ટિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ કશું કરે ખરી? અને એ લોકો કરે ત્યારની વાત ત્યારે, અત્યારે આ ઍડ બ્લોકને બ્લોક કરતી સાઇટોની દાદાગીરીની પણ બોલતી બંધ કરી દે એવો કોઈ બીજો સોફ્ટવેર ખરો? હું તો પ્રાર્થના કરું છું કે એ તમામ સાઇટોના પૅજવ્યૂ ભયંકર રીતે ઘટી જાય અને એ લોકોને જખ મારીને ‘યુ ટર્ન’ મારવાની ફરજ પડે. અગર યુ ટર્ન લેને સે કુછ અચ્છા હોતા હૈ, તો યુ ટર્ન અચ્છે હૈ!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements