જબ હૅરી મૅટ સેજલ

Jab They Bore

***

પોતાની જ જૂની ફિલ્મોની એકની એક થીમ પર વધુ એક ફિલ્મ આપણા માથે મારનારા ટેલેન્ટેડ ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીને ખુલ્લો પત્ર.

***

shahrukh-khan-and-anushka-sharmas-jab-harry-met-sejal-2017-trailer-songs-posters-dialogues-scenesમાનનીય ઇમ્તિયાઝભાઈ,

આમ તો અહીં ‘માનનીય’ને બદલે ‘પ્રિય’ લખવું હતું, પરંતુ તમારી લેટેસ્ટ રિલીઝ ‘જબ હૅરી મૅટ સેજલ’ જોઇને હાલપૂરતું તે સંબોધન પાછું ખેંચી લીધું છે. જ્યાં સુધી તમે કશું નવું નહીં પીરસો ત્યાં સુધી આ સંબોધન (તમારા માટે) હાઇબરનેશનમાં રહેશે. અમારે આ ફિલ્મ જોઇને તેનો સીધોસાદો રિવ્યુ જ કરવાનો હતો, પણ થિયેટરની બહાર નીકળ્યા પછી જે આઘાત અને અફસોસની લાગણી થઈ છે, એ પછી આ ઑપન લૅટર લખી રહ્યા છીએ. તમે તમારી વાર્તાની નાયિકાને ગુજરાતી બતાવી છે તો આશા છે કે રિસર્ચ માટે પણ થોડુંઘણું ગુજરાતી શીખી ગયા હશો.

પહેલો ધોખો એ વાતનો કે તમારી ફિલ્મનું નામ આટલું ક્લિશૅ? કદાચ તમારે હૉલીવુડની ક્લાસિક રોમ-કોમ ‘વ્હેન હૅરી મૅટ સૅલી’ને ટ્રિબ્યુટ આપવી હોય કે તમારી જ ‘જબ વી મૅટ’ને યાદ કરીને તમારી અદૃશ્ય મૂછોને તાવ દેવો હોય, પણ આ ટાઇટલ કોઇએ અમસ્તા જ સૂચવ્યું હોય ને સ્વીકારાઈ ગયું હોય એવું ઝોનરા-સૂચક લાગે છે. જૂનાં કપડાંમાંથી આવતી હોય તેવી ભેજ-ફૂગની વાસ આવે છે તેમાંથી. મોટો અફસોસ એ છે કે ટાઇટલ જે મસ્ત રોમ-કોમનો વાયદો કરે છે એ તો દૂર દૂર સુધી જોવા મળતી નથી.

આ ફિલ્મનાં ટાઇટલ, ટ્રેલર, પોસ્ટર બિગેસ્ટ સ્પોઇલર હતાં. ગ્રૂપ ટૂરમાં આવેલી ગુજરાતણ સેજલ (અનુષ્કા શર્મા) પોતાની સગાઈની વીંટી ઍમ્સ્ટર્ડમમાં ક્યાંક ખોઈ નાખે ને એની સાથે વીંટી શોધવાની જવાબદારી ટુરગાઇડ હરિન્દર સિંઘ નેહરા ઉર્ફ ‘હૅરી’ પર આવી પડે છે. બંને કોઈ જ દેખીતા લોજિક વિના ઍમ્સ્ટર્ડમથી પ્રાગ, બુડાપેસ્ટ, લિસ્બન, ફ્રેન્કફર્ટમાં રખડ રખડ કરે છે. અગાઉનું જૂનું માનસિક બૅગેજ લઇને ફરતાં તમારાં પાત્રો એકબીજાનાં પ્રેમમાં ન પડે એવું તો અમે માનીએ જ નહીં ને? અરે, અમને તો ફિલ્મ જોયા પહેલાં જ ગળા સુધીની ખાતરી હતી કે છેક છેલ્લે સુધી બંનેને એકબીજાના પ્રેમમાં પડ્યાં છે એવું ભાન જ નહીં થાય અને છેલ્લે જ્યારે થશે ત્યારે બે-પાંચ સમુંદર પાર કરીને તેનો એકરાર કરવા દોડ્યાં આવશે. એવુંય વિચારી રાખેલું કે એન્ગેજમેન્ટ રિંગની શોધ એ વાસ્તવમાં એક મૅટાફર છે, રૂપક-પ્રતીક છે પોતાની લાઇફમાંથી કશુંક ખોવાયેલું-ખૂટતું શોધવાનું (કદાચ કોઈ રિંગ ખોવાઈ જ નહીં હોય અને પરિવારનાં બંધનોમાં બંધાયેલી એક ગુજરાતી યુવતી સ્વતંત્રતાનો શ્વાસ લેવા માગતી હશે). એટલું કહીએ કે અમે સાવ ખોટા પડ્યા નથી.

પરંતુ અમારી વાંધાઅરજીનો સૌથી મોટો વાંધો એ છે કે ન્યુ મિલેનિયમ બૉલીવુડમાં લવસ્ટોરીઝના બેતાજ બાદશાહ એવા ઇમ્તિયાઝ અલી પાસે કહેવા માટે ગણીને એક જ સ્ટોરી છે? છેક ‘સોચા ના થા’થી લઇને ‘જબ વી મેટ’, ‘લવ આજ કલ’, ‘રૉકસ્ટાર’, ‘કોકટેઇલ’ (લેખક તરીકે), ‘હાઇવે’, ‘તમાશા’ બધામાં એકની એક જ સ્ટોરી રિપીટ થયા કરે? માત્ર કલાકારો અને કલેવર બદલાય, બાકી મૂળ તત્ત્વ તો એ જ રહે. પાત્રોને જોઇએ છે કંઇક ને શોધે છે કંઇક, પ્રેમમાં છે પણ પ્રેમનું ભાન નથી, આખી દુનિયામાં રખડે છે પણ પોતાની અંદર ડોકિયું કરતાં નથી. સવાલ એ છે કે શા માટે આવાં એકસરખાં સ્કીઝોફ્રેનિક પાત્રો જ તમારી તમામ ફિલ્મોમાં હોય છે? અરીસામાં જુએ ત્યારે એમને ખરેખર કોણ દેખાય છે? પોતાની જાત કેમ દેખાતી નથી? ક્યાંક એવું તો નથીને કે તમારું પોતાનું વ્યક્તિત્વ તમારાં પાત્રોમાં ઢોળાયા કરે છે? અને શા માટે તમારી ‘કિડલ્ટ’ નાયિકાઓ રૂટિન લાઇફથી ભાગીને કંઇક નવા અનુભવો લેવા માટે વલખાં મારતી રહે છે? શા માટે નાયકો ફ્રસ્ટ્રેટેડ, સુસાઇડલ, ચીડિયા હોય છે? અમે તો રાહ જોતા હતા કે ક્યારે તમારો ફેવરિટ શબ્દ ‘પાઇલ ઑન’ આવે, થેન્ક ફુલ્લી ન આવ્યો!

જુઓ, સારી રીતે બની હોય તો અમને એકની એક વાર્તાઓ જોવામાંય વાંધો નથી. વર્ષોથી એકસરખી ફિલ્મો જોતા જ આવ્યા છીએ ને? પરંતુ તમે સાવ કશું જ નવું કર્યા વિના એકસરખી ફિલ્મ જ પધરાવી દો, પરંતુ અમારે તો દર વખતે નવેસરથી પૈસા ખર્ચીને ફિલ્મો જોવા જવું પડે છે. એમાંય હવે તો તમે મોટા સ્ટાર્સને લઇને મોટી ફિલ્મ બનાવનારા મોટા ડિરેક્ટર બની ગયા છો. એટલે તમારી ફિલ્મ આવે એટલે ટિકિટોના દર પણ દોઢ-બે ગણા થઈ જાય છે. એ પછીયે જો અમને જૂનો માલ જ પધરાવવામાં આવે તો ચીટિંગ જેવું ફીલ થાય કે નહીં? અને પછી તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો જ દર્શકોને પાઇરસી ન કરવા સમજાવો છો. આ ડબલ સ્ટાન્ડર્ડ નથી?

અમે તો અમારાં બાળકોને પણ ઇંગ્લિશ મીડિયમમાં જ મૂકવાનો આગ્રહ રાખીએ છીએ, એટલે અમને આમ અમારા ગુજરાતીપણાનું કટ્ટર અભિમાન નહીં. છતાંય તમને પૂછવાનું મન થાય કે તમારે ગુજરાતી સ્ટિરિયોટાઇપ પેશ કરવાની જરૂર શું કામ પડી? ગુજરાતીઓ કાયમ થેપલાં, ઢોકળાં, ખાખરા જ ખાય, આખો દિવસ પૈહા-પૈહા જ કરે, એમને રાઇટ-લૅફ્ટમાં પણ સમજ ન પડે અને કંઇક ઍબ્સર્ડ ગુજરાતી છાંટવાળું હિન્દી-ઇંગ્લિશ બોલે, રાઇટ? રોંગ. (ના, ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ગુજરાતીઓનો લિટમસ ટેસ્ટ નથી જ.) ગુજરાતીઓ શું ખાય છે, ક્યાં ફરે છે, કેવું અંગ્રેજી-હિન્દી બોલે છે અને કેટલા રૂપિયા વાપરે છે એ આઈ થિંક તમે જાણો જ છો. તમારી હિરોઇન મુંબઈમાં ઊછરેલી અને વકીલાત ભણેલી છે. તો એની ભાષા મંદિરની ઘંટડી જેવી ક્લિયર હોવી જોઇએ. ‘મફતિયું ફેસટાઇમ’ માત્ર ગુજરાતીઓ જ નહીં, આખી દુનિયા વાપરે છે. જો તમારી ફિલ્મના ગુજરાતી એટલા જ મની માઇન્ડેડ હોત તો એક વીંટી માટે પાંચ દેશ ફરવાનો ખર્ચો ન કરત. ‘JSK’ માત્ર ‘વ્હોટ્સએપ’માં લખાય છે, અને એંસીના દાયકાથી ગુજરાતી દીકરીઓનાં નામ ‘સેજલ’ રાખવાનો ટ્રેન્ડ ઓસરી ગયો છે. જ્યારે તમારી હિરોઇન તો માશાઅલ્લાહ નેવુંના દાયકાનું ફરજંદ લાગે છે. શા માટે કોઈ મોબાઇલ વૉલેટ જેવું નામ ધરાવતો સેજલનો મંગેતર ‘રૂપેન’ એને પારકા દેશમાં એકલી છોડીને જતો રહે છે? (આપણે એના માટે નૅગેટિવ મનીમાઇન્ડેડ હોવાની ઇમ્પ્રેશન ધરાવતા થઈ જઇએ એટલે?) ગુજરાતીઓ સાવ ‘બુરા ન માનો હૉલેન્ડ હૈ!’ જેવા લૅમ જોક્સ પર નથી હસતા. ઇન શૉર્ટ, તમે ગુજરાતીઓ પ્રત્યે આટલા જજમેન્ટલ કેમ છો?

તમારી આ સૉ કોલ્ડ નવી ફિલ્મ, જે હકીકતમાં કોઈ ટ્રાવેલ કંપનીની અઢી કલાકની જાહેરખબર જેવી લાગે છે, તે દેખાવમાં એકદમ ખૂબસૂરત છે, પણ છે પ્લાસ્ટિકનાં ફૂલો જેવી નકલી. વીંટી માટે વિવિધ દેશોનો પ્રવાસ અને ‘ઇન્ડિયાના જોન્સ’ સ્ટાઇલમાં નકશામાં તેનું ચિત્રણ માત્ર ટુરિઝમ કેટલોગ લાગે છે (એમાંય પાત્રો તરીકે શહેર તો ઊપસતાં જ નથી). ફિલ્મનાં બંને પાત્રો પોતાની અંદર કંઇક ભાર લઇને ફરે છે, પરંતુ એ પૂરેપૂરો બહાર આવતો નથી ને આપણી સાથે કનેક્ટ થતો નથી. શા માટે એક ઍજ્યુકેટેડ યુવતીને પોતાના દેખાવ-સેક્સ અપીલના વેલ્યુએશન માટે એક અજાણ્યા ટુર ગાઇડના સર્ટિફિકેટની જરૂર છે? શા માટે સેજલના પરિવારજનોને એમાં કોઈ વાંધો કે ચિંતા સતાવતાં નથી? હૅરી ઘર, પ્રેમ, દેશ છોડીને સિંગર બનવા ગયેલો. તો એ હવે કોને શોધે છે? અગાઉ ‘રૉકસ્ટાર’માં આવા જ અભાવથી પીડાતા નાયકને તમે સિંગર બનાવેલો. અહીં કેમ એણે ગાવાનું છોડી દઇને ‘રાજુ ગાઇડ’વેડા ચાલુ કર્યા છે? હૅરી ભલે કહે, પણ એકેય ઍન્ગલથી એ ‘વુમનાઇઝર’ લાગતો નથી. હજીયે એ DDLJનો ‘રાજ’ જ છે, જે પોતાની હિરોઇન સાથે લગ્ન પહેલાં સૅક્સ નથી કરી શકતો. શાહરુખે કદાચ પહેલી (કે બીજી) જ વાર ઑનસ્ક્રીન લિપ ટુ લિપ કિસ કરી છે. એ કિસ પણ તદ્દન ઑકવર્ડ અને મ્યુઝિયમમાં ફિલ્માવાયેલા એક સીનમાં દેખાતી શાહરુખની દાઢી જેટલી જ નકલી લાગે છે. સેજલના ગુજરાતી જેવું જ નકલી હૅરીનું પંજાબી છે, જેમાં ભાગ્યે જ કંઈ સમજાય છે. તમને કદાચ અમારા અંગ્રેજી પર વિશ્વાસ નહીં હોય, એટલે અંગ્રેજી ડાયલોગ્સના રોમનાઇઝ્ડ હિન્દીમાં સબટાઇટલ્સ આપ્યા છે, હેં ને?

ઠીક છે, પણ તમારી આ ફિલ્મ ‘જબ વી મૅટ’ અને ‘તમાશા’ની વચ્ચે ઝૂલતી રહે છે, જેમાં વચ્ચે વચ્ચે ‘હાઇવે’ના પણ શૅડ્સ આવી જાય છે. તમે ફિલ્મમાં ‘અપ ઇન ધ એર’નું નામ લીધું છે, પરંતુ એ હૉલીવુડ ફિલ્મ જેવી ઘરને ભૂલીને સતત ઊડ્યા કરતા નાયકની ફીલ પણ હૅરીમાં આવતી નથી. તમારી નાયિકા પણ ‘ગીત’ અને ‘તારા’ વચ્ચે ઝૂલ્યા કરે છે. પરંતુ એ ગીત જેટલી ફુલ ઑફ લાઇફ નથી અને એટલી મિસ્ટિરિયસ છે કે ‘તારા’ પણ બની શકતી નથી.

જેટલો તમારો પ્રોટાગનિસ્ટ્સનો ‘સેલ્ફ ડિસ્કવરી ઍન્ગલ’ ક્લિશૅ થઈ ગયો છે, એટલું જ હવે હીરો-હિરોઇનનું ખુલ્લી કારમાં ફરવું, બારીની બહાર રૂમાલ-દુપટ્ટો લહેરાવવો, હાથ વડે હવામાં કાલ્પનિક ડોલ્ફિન્સ કૂદાવવી,  કારના ડૅશબોર્ડ પર પગ લંબાવીને બેસવું, વતનનાં ખેતરોમાં છોડ પર (હાથના ક્લોઝ અપ સાથે) હળવેકથી હાથ (કે દુપટ્ટો) ફેરવવો, કોઈ વિદેશી શહેરમાં બાર-ક્લબ ફાઇટ, હિરોઇનનું અજાણ્યા શહેરનાં અજાણ્યાં લોકેશન્સમાં જવું ને મુશ્કેલીમાં ફસાવું (અને નૅચરલી હીરોનું તેને આવીને બચાવવું)… આવી ઢગલાબંધ બાબતો હવે ક્લિશૅની કેટેગરીમાં ઘૂસી ગઈ છે.

જોકે સાવ એવુંય નથી કે અમે હૅરી-સેજલની લવસ્ટોરીમાંથી સાવ કોરાધાકોર બહાર આવ્યા છીએ. શાહરુખ અને અનુષ્કાની મહેનત અમને દેખાય છે. બંનેનું કોમિક ટાઇમિંગ કે ઇમોશનલ અપીલ અમારા સુધી પહોંચે છે પણ ખરી. પરંતુ કોઈ પંચ, કોઈ સ્માર્ટનેસ વિનાના સિટકોમ બનવાના વ્યર્થ પ્રયત્ન કરતા લાંબા લાંબા સીનમાં કોઈ આર્ટિસ્ટ ક્યાં સુધી ખેંચી શકે? આ ફિલ્મ મ્યુઝિકલ છે એવો દાવો તમે ક્યાંય કર્યો નથી, પણ પ્રીતમ પાસે બનાવીને ડઝનેક ગીતો તો નાખ્યાં જ છે. કોઈ જ ઑર્ગેનિક સિચ્યુએશન વિના પરાણે ગીતો આવ્યાં કરે છે. એટલે અમને એ કન્ફ્યુઝન થઈ જાય છે કે અમે ગીતોના વધુ પડતા પ્રમાણથી કંટાળી રહ્યા છીએ કે બાકીની સ્લો, ટૉકી ફિલ્મથી? હા, એટલું તો અમારે કાનની બુટ પકડીને માનવું પડે કે ‘બીચ બીચ મેં’, ‘સફર’, ‘હવાયેં’, ‘ઘર’ જેવાં ગીતો ખરેખર સરસ બન્યાં છે. એમાંય ઇર્શાદ કામિલના શબ્દોઃ ‘સફર કા હી થા મૈં, સફર કા હી રહા… ઇતના કડવા હો ગયા કિ ઝહર હુઆ’, ‘ખાલી હૈ જો તેરે બિના, મૈં વો ઘર હૂં તેરા’… વલ્લાહ, ક્યા બાત હૈ!

ઇમ્તિયાઝભાઈ, તમે ભલે ‘તમાશા’માં કહેલું કે ‘વોહી કહાની ફિર એક બાર’, પરંતુ તેને સાવ આમ લિટરલી લઈ લો એ તો કેમ ચાલે? ભારત તો વાર્તાઓનો દેશ છે, અને એટલે જ તમે ‘તમાશા’ના ‘વેદ’ને સ્ટોરીટેલર બનાવેલો. તો એ વેદને બનાવનારા તમારી પાસે વાર્તાઓનો દુકાળ હોય અને તમે સાવ આવું આત્મા વિનાનું ખોળિયું પધરાવી દો એ પણ કેમ ચાલે?

બસ, તમારી પાસેથી નવી ફ્રેશ વાર્તાની અપેક્ષા રાખતો,
તમારો એક સમયનો ચાહક અને ગુજરાતી દર્શક.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Reviewed for Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

તમાશા

IFFI-2015, ગોવાથી પાછો ઘરે આવ્યો એ સવારની વાત છે. બૅગ ખોલીને સામાન અનપૅક કરતો’તો. ટૂથબ્રશ-શૅવિંગ કિટ એની જગ્યાએ, ન પહેરાયેલાં કપડાં પાછાં કબાટમાં, પહેરેલાં કપડાં લૉન્ડ્રીમાં, કેમેરા-પાવરબૅન્ક ડ્રૉઅરમાં… આ વખતે-ટચવૂડ-મને એવું લાગ્યું જાણે મારી પાછળ એક કેમેરા ફરે છે અને મારી આ હરકતોને રેકોર્ડ કરે છે. બધી વસ્તુઓ ફરી પાછી એની જગ્યાએ ગોઠવાઈ રહી છે અને સરવાળે હું પણ રુટિન નામના બૉક્સમાં ગોઠવાઈ રહ્યો છું. રુટિનનો રાક્ષસ મારા પર સાઇલન્ટ અટ્ટહાસ્ય કરી રહ્યો હતો કે, કેમ બેટા, થવું પડ્યું ને બૅક ટુ પેવિલિયન? ગમે ત્યાં ગમે તેટલું રખડી લે, અંતે તો હું જ સત્ય છું, હું જ શાશ્વત છું. મારી જ આંખ સામે હું ‘મૉડર્ન ટાઇમ્સ’ના ચાર્લી ચૅપ્લિનની જેમ દિવસોના એસેમ્બલી લાઇન પ્રોડક્શનની બીબાંઢાળ જિંદગીમાં ફરી પાછો ફિક્સ થઈ રહ્યો હતો.

એ વખતે તમાશા નહોતું જોયું. હવે ફાઇનલી જોઈ નાખ્યું છે, પણ અત્યારે હવે ફિલ્મ સારી છે કે ખરાબ, ફાસ્ટ છે કે સ્લો, જોવી કે ન જોવી એ ભાંજગડમાં પડવાનો સમય વીતી ગયો છે. તમાશાએ મારા કયા વિચારોનું ટ્રિગર દબાવ્યું એ જ વાત બાકી રહી જાય છે.

પહેલી વાત તો એ કે મને તમાશા ગમી. ‘રૉકસ્ટાર’ કે ‘જબ વી મેટ’ જેટલી તો નહીં, પણ ઇમ્તિયાઝ અલીની સાથે બેસીને ચર્ચા કરવા જેવી ગમી. ગમી રણબીર-દીપિકાની લગભગ રિયલ ઍક્ટિંગ માટે; ફિલ્મમાં કિસ્સાગો-સ્ટોરી ટેલરનું પાત્ર આવ્યું એટલા માટે; ‘લવ સ્ટોરી હોય કે મિથોલોજી, વાર્તા તો અંતે એ જ હોય છે’ એ વાત કરી એ માટે; શરૂઆતની એ સોહની મહિવાલ- રોમિયો જુલિયેટ- રામાયણની વાર્તાના અત્યારના બૅકડ્રોપવાળા પ્રેઝન્ટેશન માટે; ઇર્શાદ કામિલનાં મીનિંગફુલ શબ્દો માટે અને અબોવ ઑલ ઇમ્તિયાઝે અસંખ્ય લોકોના દિમાગમાં વિચારોના ઘોડા છુટ્ટા મૂકી દે તેવી વાત કરી તે માટે.

ગમી મને એ વાત માટે કે ઇમ્તિયાઝે કહ્યું કે ભાઈ આ બધું એક સ્ટોરી જ છે અને આપણે એ સ્ટોરીના ભાગ છીએ એવું સ્વીકારી લો પછી જુઓ મજા આવવા માંડે છે કે નહીં. શૅક્સપિયરની જેમ ‘ધ હૉલ વર્લ્ડ ઇઝ અ થિયેટર’ અને હમ સબ તો ઇસ રંગમંચ કી કઠપુતલિયાં હૈ એ વાત સ્વીકાર્યા પછી આપણે આપણી અંદરથી બહાર નીકળીને આપણી જ લાઇફના પ્રેક્ષક બની જઇએ. પછી પેલું સુખ-દુઃખ- ફ્રસ્ટ્રેશન- અપેક્ષાઓ ખાસ કશું સ્પર્શે નહીં. આવું લખવા-વાંચવાની બહુ મજા આવે, પણ લોચો એ છે કે આપણી ડોર ઉપરવાળાના હાથમાં તો છે જ, પણ બીજી કેટલીયે દોરીઓ સાથે આપણે પેલા કરોળિયાના જાળામાં ફસાયેલા જંતુની જેમ ફસાયેલા છીએ. એની વાત પર જરા એક પેરેગ્રાફ પછી આવું.

બીજી વાત એ ગમી કે લાઇફમાં એ ‘તારા’ જેવી એક સાથી હોવી જોઇએ. તારા એટલે ધ્રુવતારો સમજી લો ને, ગાઇડિંગ સ્ટાર. એ ગર્લફ્રેન્ડ-પત્ની પણ હોય, મમ્મી-પપ્પા-ભાઈ-બહેન-દોસ્ત-ટીચર-રોલમૉડલ કોઈપણ. પેલી પાકિસ્તાની ફિલ્મ ‘મૂર’માં પણ એ જ હતું. પતિ-દીકરો-પ્રેમી ખોટા રસ્તે ચડે એટલે લડી ઝઘડી કે જીવ આપીને પણ એને સાચા રસ્તે લાવ્યે જ છૂટકો કરે. ઘણી એવી મહાન આત્માઓ હોય છે, જે ખુદ પોતાના ગાઇડિંગ સ્ટાર હોય છે, પણ આપણે વાત ઇમ્તિયાઝ કહે છે એમ ‘મેંગો પીપલ’- ધ આમ આદમીની કરીએ છીએ, જે અત્યાર સુધી તો ઇમ્તિયાઝની ફિલ્મોમાં જ એ કન્ફ્યુઝનમાં હતો કે આ હું જે કરું છું એ પ્રેમ છે કે વહેમ? હવે આ ફિલ્મથી એને એ તો ખબર છે કે એ છે તો પ્રેમ, પણ એ માણસ કોણ છે? અને ‘મૈં જો હૂં, વો મૈં હૂં? યા મૈં ભી વો હૂં, જો મૈં નહીં હૂં? મૈં કૌન હૂં?’

ત્યાં આવે છે મારો ઇમ્તિયાઝને પૂછવાના પ્રશ્નવાળો મુદ્દો. માત્ર ઇમ્તિયાઝને જ નહીં, આ વાત કરનારા અભિજાત-હિરાણી, અયાન, ઝોયા-ફરહાન, અભિષેક કપૂર આણિ મંડળીને પણ. કે તમારી વાત તો જાણે સમજી ગયા કે તમારા અંતરનો સેલ્ફી લો અને શોધી કાઢો કે એક્ઝેક્ટ્લી તમારે શું બનવું છે? તમે શેને માટે સર્જાયેલા છો? મમ્પી-પપ્પા તો કહે છે કે ડૉક્ટર-એન્જિનિયર-એમબીએ બન. પણ આપણે તો એક્ટર બનવું છે, લેખક બનીને લમણે બોલપેનવાળા હાથ મૂકીને ફોટા પડાવવા છે, મોટિવેશનલ વાતો કરીને છવાઈ જવું છે, ક્રિકેટર બનવું છે, આરજે-વીજે-પેઇન્ટર-સિંગર-ટ્રાવેલર… કંઇપણ બનવું છે, બસ, આ રુટિનથી ફાટફાટ થતી બોરિંગ લાઇફ નથી જીવવી. હજારો લોકોને આ ફિલ્મમાંથી બહાર નીકળતાં પહેલો વિચાર એ આવ્યો હશે કે બોસને એક મેઇલ ટાઇપ કરીએ અને લખી નાખીએઃ ‘ડિયર બૉસ, F@#$ યૉર જોબ.’

પણ પછી ફિલ્મનો હૅંગઓવર ઓછો થાય એટલે આફ્ટરથૉટ આવે કે એક મિનિટ, મેડિસિન-ઍન્જિનિયરિંગ છોડીને ક્રિએટિવ ફિલ્ડમાં આવીએ, પણ પછીયે મોનોટોની આવી તો? ફ્ર્સ્ટ્રેશન આવ્યું તો? એક્ચ્યુઅલી, આ રુટિન સાલું પહોંચેલી માયા છે. રુટિન છે તો સવારે છાપું આવે છે, દૂધ આવે છે, ગામમાં શાકભાજી આવે છે, બસ-ટ્રેન-પ્લેન નિયમિત દોડે છે, દેશ-દુનિયા ચાલે છે. મને તો લાગે છે કે આ ઇશ્વરેય ભગવાન બનવાના ખોટા ધંધામાં આવી ગયો હશે, એટલે જ જુઓને, એનું ય બધું સાવ બીબાંઢાળ રુટિનમાં ચાલે છેઃ રાત-દિવસ ઊગે, ઋતુઓ બદલાય, ફળો-ફૂલો ઊગે-કરમાય-ખરી પડે, માણસેય જન્મે-આખી લાઇફ એનું હૃદય સાવ એકધારી બોરિંગ રીતે ધબકતું રહે ને એક દિવસ કંટાળીને બંધ થઈ જાય. ક્યારેક ઈશ્વર કંટાળે તો વાવાઝોડાં-ધરતીકંપો લાવે, માણસ કંટાળે તો ત્રાસવાદનાં તોફાન કરે. ફરી પાછા બંને થાકે અને એ જ રુટિન. ટૂંકમાં, ઉમ્મીદ ઉપરાંત રુટિન પે દુનિયા કાયમ હૈ!

એટલે ઇમ્તિયાઝભાઈ, રુટિન ભલે ગમે તેટલું બોરિંગ, ફ્ર્સ્ટ્રેટિંગ અને બીબાંઢાળ હોય, પણ મને લાગે છે કે એનાથી છટકવું અશક્ય છે. અને એને ધિક્કારવું બેવકૂફી છે. તમારો વેદિયો, આઈ મીન વેદ તો ગળથૂથીથી સ્ટોરીટેલર છે, તો આ વાત કેમ સમજી શકતો નથી? એનો આત્મા માત્ર કોર્સિકામાં જ કેમ જાગે છે? નાઇન ટુ ફાઇવમાં એણે ઝોમ્બી બની જવાની જરૂર નથી. ભલે કામ એને ગમતું નથી, પણ એણે આખો વખત એક્ઝિક્યુટિવ બની રહેવાની પણ જરૂર નથી. વેદ પાસે લક્ઝરી છે નોકરી ફગાવી દેવાની, એણે એની અંદરનો અવાજ સાંભળી લીધો છે, પણ કરોડો લોકો છે જે છેક સુધી એ જ જદ્દોજહદમાં પડ્યા રહે છે કે એક્ઝેક્ટ્લી આપણે અહીં શા માટે મોકલવામાં આવ્યા છીએ. લેકિન એવા લોકોનો આ દુનિયાને સ્મૂધલી ચલાવવામાં બહુ મોટો ફાળો છે. અને આવી ફિલ્મો જોઇને તો એવું જ લાગે કે આવા એક્ઝિસ્ટેન્શિયલ ક્રાઇસિસ ક્રિએટિવ દિમાગના લોકોને કદાચ વધારે હેરાન કરે છે. બધા જો સ્ટોરીટેલર બની જશે તો કાર કોણ રિપેર કરશે? દર્દીઓને કોણ સાજા કરશે? બસ-ટ્રેન કોણ ચલાવશે? અને પ્લીઝ, એવું તો કહો જ નહીં કે એ લોકો તો આત્મા વિનાના સાવ પેલા ‘વર્કર બી’ જેવા હાર્ટલેસ-માઇન્ડલેસ સેકન્ડ ગ્રેડ સિટીઝન્સ છે.

હમણાં જ મેં જોયેલી જૅપનીઝ ફિલ્મ ‘સ્વીટ રેડ બીન પેસ્ટ’માં હીરોને તો પબ ખોલવું છે, ગળપણ ગમતું જ નથી. પણ એ ગળપણની દુકાન છોડીને મધુશાલા ખોલી શકતો નથી. એ નિરાશામાં જ એની વાનગીમાં ટેસ્ટ નથી આવતો. એ ટેસ્ટ એને એક વૃદ્ધ સ્ત્રી લાવતા શીખવે છે, પણ આખરે તો એ પબને બદલે સ્વીટ રેડ બીનમાં જ ટેસ્ટ લાવીને જ છૂટકો કરે છે, કેમ કે એને એક દેવું ચૂકવવાનું છે. એક્ઝેક્ટ્લી, બધા જો નારાજીનું રાજીનામું આપીને કવિતાઓ કરવા માંડશે, તો લોનના હપ્તા કોણ ભરશે? એટલે ક્યારેક એવુંય બતાવો કે તમે જેને રુટિન-મોનોટોનસ ગણો છો એ લોકોય લાઇફ તો એન્જોય કરે છે. અને તમારા ‘વેદ 1.0’ને એક સારા સાઇકાયટ્રિસ્ટને બતાવો, એનામાં ફ્રસ્ટ્રેશન કરતાં મલ્ટિપલ પર્સનાલિટી ડિસઑર્ડરનાં લક્ષણો વધારે દેખાય છે.

અને અંતરનો અવાજ સંભળાઈ પણ ગયો, ઇનર કૉલિંગને અનુસરીને ગમતા ફિલ્ડમાં આવી પણ ગયા, પણ ત્યાં ફિલ્મ પૂરી નથી થતી. પહાડની પેલે પાર ઘાસ વધારે લીલું હશે એ આશાએ ગયા પછી ત્યાં રણપ્રદેશ નીકળે ત્યારે તમારા વેદની શી હાલત થાય છે એય ક્યારેક બતાવો તો પલ્લું બેલેન્સ થાય.

બાય ધ વે, ઇમ્તિયાઝમિયાં, હવે આ ‘પાઇલ ઑન’ શબ્દ બહુ થયો. ‘લવ આજ કલ’ અને ‘કોકટેલ’ પછી ત્રીજીવાર આવ્યો. એકસરખા સીન અને એકસરખી થીમનું રિપિટેશન બંધ કરો, પ્રભુ!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

લેકર હમ દીવાના દિલ

યૂથ એટ કન્ફ્યુઝન ડોટ કોમ

 ***

ઇલાસ્ટિક રબરની જેમ ખેંચાયે જતી આ ફિલ્મમાં એ. આર. રહેમાનનું સંગીત જ આપણને ઊંઘી જતાં બચાવે છે.

***

d291cec5249d49c8126e3b82993e3b9b_p_mગળથૂથીમાં વોડકા-રમ અને બ્રેકફાસ્ટમાં બર્ગર આરોગતી જનરેશનનાં લડકા-લડકી એકબીજાનાં પ્રેમમાં પડે, પછી એ જ પ્રેમ વિશે કન્ફ્યુઝન થાય, પછી લડે-ઝઘડે અને ખાસ્સા એવા તમાશા પછી પ્રેમનો અહેસાસ થાય. આવી ચાર દિવસ રાખી મૂકેલા વાસી પિત્ઝા જેવી પ્લાસ્ટિકિયા ઈમોશન્સથી ભરપુર ફિલ્મ સાથે જોડાયેલાં નામ મોટાં છે, પણ ફિલ્મમાં કંઈ કહેતા કંઈ ભલીવાર નથી.

ક્યા યહી પ્યાર હૈ?

દીનેશ નિગમ ઉર્ફ ‘ડિનો’ (અરમાન જૈન) અર્બન યંગિસ્તાનનો કોલેજિયન નબીરો છે.  કોલેજના પહેલા દિવસથી એ પોતાની બેસ્ટ ફ્રેન્ડ કરિશ્મા શેટ્ટી ઉર્ફ ‘કે’ (દીક્ષા શેઠ) સાથે સ્ટેડી છે. સ્ટેડી એટલે કે બંને બીએફ-જીએફ મીન્સ કે બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ છે. એ બંને સિવાય આખી કોલેજને ખબર છે કે એ બેય એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે. અચાનક કરિશ્માના પપ્પા એની શાદી એક ચંબુછાપ નમૂના સાથે નક્કી કરી નાખે છે. એટલે બંને નક્કી કરે છે કે આ ‘ગ્રેટ શિટ્ટી મર્યાદા’ને મારો ગોલી અને ભાગી છૂટો. બંને પૈસા-સામાન એટસેટરા લઈને નૌ દો ગ્યારહ થઈ જાય છે. આગળ આ પ્રેમી પંખીડાં અને પાછળ એમનાં મમ્મી-પપ્પાલોગ.

ભાગતાં ભાગતાં ‘ડિનો’ અને ‘કે’ને લાગે છે કે લગ્ન કરી નાખીએ, પછી કોઈ આપણું શું બગાડી લેવાનું છે. ઘડિયાં લગ્ન કરી લીધા પછી એ લોકો જ્યાં આશરો લે છે ત્યાં પણ પેરેન્ટ્સલોગ પહોંચી જાય છે. એટલે બંને ત્યાંથી પણ ‘કલ્ટી’ થઈ જાય છે. ભાગતાં ભાગતાં છત્તીસગઢના જંગલમાં માઓવાદીઓની વચ્ચે પહોંચી જાય છે, પરંતુ પેરેન્ટ્સ લોકો એમને ત્યાંથી પણ શોધીને ઘરભેગાં કરે છે.  આ દરમિયાન કહાનીમાં બીજો ટ્વિસ્ટ એ આવે છે કે એકદમ સુંવાળી જિંદગી જીવવા ટેવાયેલાં આ બંને લાઈફનો આ ખરબચડો ચહેરો જીરવી શકતાં નથી અને ભયંકર ઝઘડો કરી બેસે છે. એટલે ઘરે પહોંચ્યાં પછી બંનેનાં પેરેન્ટ્સનો કાળો કકળાટ કરે છે અને લગ્નનું કંટ્રોલ અલ્ટર ડિલીટ કરવાનું શરૂ કરે છે. ત્યાં જ અચાનક બંનેને પોતાની અંદર એકબીજા માટે રહેલો પ્રેમ દેખાઈ જાય છે અને ફરી પાછાં એકબીજાં સાથે ભાગી જાય છે!

કેન્ડી ફ્લોસ ઈમોશન્સ

‘લેકર હમ દીવાના દિલ’ નકલી ફૂલના બુકે જેવી છે. એનું પેકેજિંગ દેખાવમાં સારું લાગે, પરંતુ ઓરિજિનલ ફૂલો જેવી સુગંધ ન આવે. ઉપરથી અનેક વાર જોઈ ચૂક્યા હોઈએ એવી ફીલિંગ તો ખરી જ. આ ફિલ્મથી પાથ બ્રેકિંગ રોમેન્ટિક ફિલ્મોના ડિરેક્ટર ઈમ્તિયાઝ અલીના નાના ભાઈ આરિફ અલીએ પોતાના ફિલ્મમેકિંગ કરિયરની શરૂઆત કરી છે. પરંતુ એમણે કંઈ કહેતાં કંઈ નવું કરવાનો પ્રયત્ન કર્યો નથી. અગાઉ આપણે શાદ અલીની સાથિયા, અબ્બાસ ટાયરવાલાની જાને તૂ યા જાને ના કે ખુદ ઇમ્તિયાઝ અલીની જ સોચા ના થા કે જબ વી મેટમાં જોઈ ગયા છીએ એના એ જ રોમેન્ટિક પ્લોટ્સની ભેળપૂરી ફરીથી પેશ કરાઈ છે. પ્રેમમાં પડેલાં યુવક-યુવતીને પ્રેમ કરતાં વહેમ વધારે હોય અને સાથે રહે તોય ઝઘડ્યાં કરે. આવી ચવાઈને મોળી પડી ગયેલી ચ્યુઇંગ ગમ જેવી સ્ટોરીલાઇનનો ઘિસોપિટો ટ્રેક વધુ એક વાર રિપીટ થયો છે.

ઉપરથી આ ફિલ્મમાં રાજ કપૂરની દીકરી રીમાના દીકરા અરમાને બડે અરમાન સે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કદમ રાખ્યો છે. એટલે કે અરમાન કુમાર રણબીર-કરીનાના કઝિન છે. કદાચ એ કારણ હોય કે કેમ પણ કપૂર ખાનદાનના લેટેસ્ટ જમાઈ એવા સૈફ અલી ખાને આ ફિલ્મ પ્રોડ્યુસ પણ કરી છે. પરંતુ રણબીરના આ ભાઈમાં એની ટૂથબ્રશ છાપ જાડી આઈબ્રો સિવાય કશું જ ધ્યાન ખેંચે એવું નથી.

પોણો ડઝન તેલુગુ-તમિલ ફિલ્મોમાં ઝળકી ચૂકેલી હિરોઈન દીક્ષા શેઠ દેખાવમાં આહલાદક લાગે છે, પરંતુ એક્ટિંગમાં તો એણે પણ દાટ વાળ્યો છે. ફિલ્મમાં રોહિણી હતંગડી, વરુણ બડોલા જેવાં કલાકારો એકાદ-બે સીન પૂરતાં દેખાય છે બાકી બધાં ઈલ્લે. વડીલો તો જાણે જલ્લાદ હોય અને સંતાનો સાથે ક્રિમિનલ્સની જેમ વર્તન કરતાં હોય એ રીતે એમનું ચિત્રણ કરાયું છે.

જો આરિફ અલીની આ ફિલ્મને ન્યાય કરવા ખાતર થોડું પોઝિટિવ કહેવું હોય તો એ. આર. રહેમાને એમની કક્ષાનું તો નહીં, પરંતુ સાંભળવું ગમે એવું સંગીત આપ્યું છે. એમણે કમ્પોઝ કરેલાં ખલીફા, તૂ શાઈનિંગ, અલાહદા, માલૂમ જેવાં ગીતો હેડફોનમાં સાંભળવામાં લિજ્જત આવે એવાં બન્યાં છે. હા, અમિતાભ ભટ્ટાચાર્યે હંમેશની જેમ શબ્દો સાથે મસ્ત કારીગરી કરી છે.

આપણને સવાલ એ થાય કે ઈમ્તિયાઝ અલીએ પોતાના ભાઈની ફિલ્મ શરૂ થયા પહેલાં એની સ્ક્રિપ્ટ નહીં વાંચી હોય? કે વાંચીને કોઈ સલાહસૂચન નહીં કર્યાં હોય? ઈવન સૈફ અલી ખાને તેને પ્રોડ્યુસ કર્યાં પહેલાં પણ સ્ક્રિપ્ટ પર નજર સુદ્ધાં નાખી નહીં હોય (કે પછી એણે પોતાની કપૂરપત્નીનું માન રાખવા આ ફિલ્મ પ્રોડ્યુસ કરી હશે)? બોક્સ ઓફિસ પર અનેક વાર સાબિત થતું આવ્યું છે કે સ્ક્રિપ્ટ ઈઝ ધ ઓન્લી કિંગ. છતાં આપણે ત્યાં એને જ સૌથી ઓછું મહત્ત્વ અપાય છે.

ક્યા આપ ક્રેઝી હૈ?

લેકર હમ દીવાના દિલ આપણા માટે કશું જ નવું ઑફર કરતી નથી. પાછલા દાયકામાં આવેલી હિન્દી રોમકોમ ફિલ્મોના સીન ભેગા કર્યા હોય એ રીતે ફિલ્મ પોતાની રીતે પડદા પર ચાલ્યા કરે છે અને આપણે સીટ પર બગાસાં ખાધાં કરીએ છીએ. ઈમ્તિયાઝ અલીના કે રણબીરના ભાઈઓના નામે કે રહેમાનના નામે પણ આ ફિલ્મ જોવા માટે થિયેટરમાં લાંબા થવા જેવું નથી.

રેટિંગઃ * (એક સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

હાઈવે

સંવેદનોનો રાજમાર્ગ

***

થોડી ધીરજ રાખીને, દિમાગથી નહીં, બલકે દિલથી જોશો તો ઇમ્તિયાઝ અલીની આ ફિલ્મ તમને હચમચાવી જશે.

***

highway-poster-4આપણે ત્યાં બનતી મોટા ભાગની ફિલ્મો મગજ ઘરે મૂકીને જોવા જવું પડે એવી હોય છે, તો અમુક ફિલ્મો મગજનો ઉપયોગ કરવો પડે એવી હોય છે. ઇમ્તિયાઝ અલીની લેટેસ્ટ રિલીઝ ‘હાઇવે’ દિલથી જોવા જેવી ફિલ્મ છે. ધીમે ધીમે આપણાં સંવેદનતંત્ર પર કબ્જો જમાવતી આ ફિલ્મ જેમનું લાગણીતંત્ર હજી સાબૂત છે એવા લોકોએ તો ખાસ જોવા-અનુભવવા જેવી છે.

સિમ્પલ છતાં કોમ્પ્લિકેટેડ વાર્તા

દિલ્હીના એક અતિશ્રીમંત અને પહોંચેલા પરિવારની દીકરી વીરા ત્રિપાઠી (આલિયા ભટ્ટ) લગ્નના થોડા દિવસ પહેલાં અંધારી રાત્રે પોતાનાં મંગેતર સાથે કારમાં ચક્કર મારવા નીકળે છે, ત્યાં જ પેટ્રોલ પમ્પ પર ત્રાટકેલા કેટલાક ગુંડાઓ બંદૂકની અણીએ એનું અપહરણ કરી જાય છે. પોતાનું લોકેશન ટ્રેક ન થાય એટલા માટે તેઓ અલગ અલગ રાજ્યોમાં ફરતા રહે છે. એ ગુંડા ટોળકીનો સરદાર છે મહાબીર ભાટી (રણદીપ હૂડા). એકદમ રુક્ષ અને લગભગ જંગલી જેવો માણસ.

એક તરફ વીરાનો પરિવાર એને શોધવા માટે આકાશ-પાતાળ એક કરી રહ્યો છે, તો બીજી તરફ પરિવારના બંધનોથી આઝાદ થયેલી વીરા પોતાના કિડનેપિંગમાં પણ સ્વતંત્રતાનો અનુભવ કરે છે. નાળિયેરની છાલ જેવા કડક મહાબીર સાથે એને લાગણીનો કૂણો સંબંધ બંધાય છે. સરકતા રસ્તા અને બદલતાં રાજ્યો વચ્ચે ધીમે ધીમે આપણને આ બંને મુખ્ય પાત્રોની બેક સ્ટોરી ખબર પડે છે. જેને પાણી માગે ત્યાં કાયમ કેસરવાળું ગરમ દૂધ મળ્યું હોય એવી શ્રીમંતાઇમાં ઉછરેલી વીરાને શા માટે અહીં મુક્તિનો અહેસાસ થઇ રહ્યો છે? શા માટે તે એક ઘાતકી ક્રિમિનલ તરફ આકર્ષાઇ રહી છે? અને શા માટે એ ક્રિમિનલમાં પણ એક કુમાશનું ઝરણું ફૂટી રહ્યું છે?

માત્ર જોવાની નહીં, અનુભવવાની વાત

ઇમ્તિયાઝ અલીની અત્યાર સુધીની બધી જ ફિલ્મો હાડોહાડ કોમર્શિયલ રહી છે. દરેકમાં સેન્ટ્રલ થીમ તો એવી જ રહી છે કે છોકરો-છોકરી એકબીજાને પ્રેમ કરતાં હોય, પણ પોતાની લાગણીઓ અંગે અત્યંત કન્ફ્યુઝ્ડ હોય. જ્યારે આ વખતે ઇમ્તિયાઝ એકદમ એક્સપરિમેન્ટલ ફિલ્મ લઇને આવ્યા છે. અહીં હીરો અને હિરોઇન એકદમ ઓડ કપલ છે, મતલબ કે બંનેમાં બેકગ્રાઉન્ડ, ઉંમર, રીતભાત વગેરે એકેય વાતનો મેળ નથી ખાતો. આપણે સહેજે એવું માની લઇએ કે જેવું આપણી ફિલ્મોમાં થતું આવ્યું છે એમ, અપોઝિટ એટ્રેક્ટ્સના ન્યાયે આ બંને વચ્ચે પ્રેમનાં અંકુર ફૂટી નીકળે. પણ ના, અહીં જ આ ફિલ્મ જુદી પડે છે. બંને એકબીજા સાથે લાગણીના તંતુએ બંધાય છે, પણ એ માટે બંનેનાં કારણો અલગ છે. ઇવન લાગણી પણ અલગ છે. આ જ ફીલિંગના છેડા બંનેનાં બાળપણમાં જાય છે.

આપણે લોકો દર થોડી વારે એક ગીત, એકાદું આઇટેમ સોંગ, થોડી કોમેડી, રોમેન્સ, લાઉડ ફિલ્મી ડાયલોગ્સ, ગ્રેવિટીની ઐસીતૈસી કરી નાખે એવી ફાઇટિંગ વગેરે મરીમસાલા ધરાવતી ફિલ્મો જ જોવા ટેવાયેલા છીએ. જ્યારે અહીં આપણી એવી તામસિક ઇચ્છાઓને સંતોષે એવું કશું જ બનતું નથી. કેમેરા લો એન્ગલે રહે છે, દરેક પાત્રના ચહેરા પરના હાવભાવ નિરાંતે ઝીલે છે, ખાસ્સા લાંબા સમય સુધી ડાયલોગ્સ બોલાતા નથી, ફિલ્મમાં હાઇવે પર દોડતી ટ્રક બતાવાય છે, પણ ફિલ્મની વાર્તા અત્યંત ધીમી ગતિએ આગળ વધે છે, બધાં ગીતો પણ બેકગ્રાઉન્ડમાં આવે છે… ઇન શોર્ટ, એક સામાન્ય ફિલ્મદર્શક આ ‘હાઇવે’ની સફરમાં અત્યંત બોર થઇ જાય એની પૂરેપૂરી શક્યતા છે.

‘રોડ મુવી’ અને ‘કમિંગ ઓફ એજ મુવી’ જેવા ફિલ્મ પ્રકારના ખાનામાં બેસતી આ ફિલ્મ હકીકતમાં ઇમ્તિયાઝ અલીએ 1999માં ઝી ટીવી માટે ‘રિશ્તે’ ટીવી સિરીઝ માટે બનાવેલી આ જ નામની વાર્તાનું ફિલ્મ સ્વરૂપ છે. ઘણા ડાયલોગ્સ પણ એના એ જ રખાયા છે, પરંતુ ફિલ્મ માટે એ વાર્તાને ઇમ્તિયાઝે વધારે ફાઇન ટ્યૂન કરી છે. વાર્તાનો અંત પણ બદલ્યો છે.

ડાયરેક્ટરની નજરે

હાઇવે ફિલ્મ એક સામાન્ય દર્શકની જેમ મજા કરવા માટે જોવાની ફિલ્મ નથી. તેને એક વિચારશીલ માણસ તરીકે, દિગ્દર્શક શું બતાવવા માગે છે તે રીતે જોઇશું તો વધારે મજા આવશે. એ રીતે એમાં આપણા સમાજનો અન્યાયી, ક્રૂર, સ્વાર્થી, દંભી, કદરૂપો ચહેરો દેખાઇ આવશે. બહુ શાંત રીતે ઇમ્તિયાઝ અલી આપણને ગરીબોની આ સમાજે શી વલે કરી છે એ કહી જાય છે. એ પછી આપણા માથામાં ઘણની જેમ વાગે એ રીતે બાળકોના જાતીય શોષણની વાત કરે છે. કઇ રીતે આપણે સૌ એક સભ્ય સમાજના સંસ્કારી નાગરિક હોવાનું મહોરું પહેરીને જીવીએ છીએ અને એની પાછળ કેવો વિકરાળ ચહેરો છુપાયેલો છે. આપણી આંખ સામે કંઇક ખોટું થતું હોય, છતાં આપણે આપણા માન-મરતબાને આંચ ન આવે એ રીતે બધો કચરો જાજમ તળે છુપાવી દેવાની વૃત્તિ દાખવીએ છીએ. આપણે સીધું એવું ગણિત માંડી બેઠા છીએ કે સારાં કપડાં પહેરતાં લોકોનું ચારિત્ર્ય પણ બગલાની પાંખ જેવું સારું જ હોય, જ્યારે ફાટેલાં કપડાં પહેરતાં લોકો કેરેક્ટરલેસ જ હોય. હકીકતમાં ચારિત્ર્ય કપડાં કે સોશિયલ-ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડનું મોહતાજ નથી.

હાઇવે આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને કશુંક નવું અનુભવવાનો, નવી જગ્યાઓ જોવાનો, નવા લોકોને મળવાનો, નવી નજરે દુનિયાને માણવાનો પણ સંદેશો આપે છે.

સંખ્યાબંધ હિટ ફિલ્મો આપી ચૂકેલા ઇમ્તિયાઝ અલીને સુપેરે ખ્યાલ હશે જ કે આ ફિલ્મ માસ માટેની નહીં, બલકે ક્લાસ માટેની છે. એટલે એણે માસને રિઝવવા માટે કોઇ પ્રયાસ કર્યો નથી. ક્યારેક ડોક્યુમેન્ટરી જેવી ફીલ આપતી હાઇવે દેખીતી રીતે જ દરેકને માફક આવે એવી ફિલ્મ નથી. દરેક શોટને નિરાંતે કેપ્ચર કરવો, ખાસ્સી ક્ષણો સુધી પડદા પર કશું જ ન બને, કે કોઇ કશું બોલે જ નહીં એવી આર્ટ ફિલ્મ ટાઇપની ટ્રીટમેન્ટ ધમાલિયા ફિલ્મોના દર્શકોને ‘હથોડા’ જેવી લાગશે. હા, જોકે ઇન્ટરવલ પહેલાં ફિલ્મને થોડો વેગ આપ્યો હોત, વિવિધ રાજ્યોમાંથી પસાર થતી વખતે દરેક રાજ્યનાં અનોખાં ઓબ્ઝર્વેશન્સ પણ ઉમેર્યાં હોત તો ફિલ્મ વધારે સમૃદ્ધ બનત.

ભારતીય સિનેમાની બાર્બી ડોલ તરીકે વધારે લાગતી આલિયા ભટ્ટ પાસેથી ઇમ્તિયાઝે અફલાતૂન અભિનય કરાવ્યો છે. જોકે હજી પણ ‘જબ વી મેટ’ની ગીતના પાત્રની અસરમાંથી ખુદ ઇમ્તિયાઝ અલી મુક્ત થયા હોય એવું લાગતું નથી. રણદીપ હુડા તો આમેય પોતાના ચહેરા પર એક પણ એક્સપ્રેશન ન આવે એવી એક્ટિંગ(!) માટે જાણીતો છે જ, એટલે એ રીતે કહી શકાય કે આ ફિલ્મમાં એણે નેચરલ એક્ટિંગ કરી છે. અહીં સપોર્ટિંગ કાસ્ટમાં કોઇ જાણીતો ચહેરો છે જ નહીં. બલકે ત્રીજું સૌથી મોટું પાત્ર છે, ખુદ હાઇવે! બે પાત્રો વચ્ચે રચાતા હુંફાળા સંબંધનો સાક્ષી એવો શાંત વહ્યો જતો રોડ.

એ. આર. રહેમાને આ ફિલ્મ માટે રોકસ્ટાર જેવું રોકિંગ મ્યુઝિક તો નથી આપ્યું, પણ ‘પટાખા ગુડ્ડી’ જેવાં અમુક ગીતો ખરેખર સારાં બન્યાં છે. હા, ‘સુના સાહા’થી ફિલ્મ સંગીતમાં ઘણા સમય પછી ફરી પાછું હાલરડું આવ્યું છે.

આ હાઇવે પર જવું કે નહીં?

હાઇવે એવી એક્સપરિમેન્ટલ ફિલ્મ છે જેના એકદમ વિરોધી પ્રતિભાવો મળશે. થોડી હટ કે અને લાગણીથી તરબતર ફિલ્મો જેમને ગમતી હોય એ લોકો આ ફિલ્મ પર ઓવારી જશે, જ્યારે મસાલા ફિલ્મોના શોખીનો અડધી ફિલ્મે બહાર નીકળી જાય એવું પણ બનશે. તેમ છતાં એક નવા પ્રયોગ તરીકે આપણે ત્યાં ભાગ્યે જ બનતી આવી ફિલ્મોને આવકારવી જોઇએ. થોડી ધીરજ માગી લેશે, ફીલિંગ્સના આ હાઇવે પર એક સફર તો દરેકે મારવી જ જોઇએ.

રેટિંગઃ **** (ચાર સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.