રેઇડ

હમ અંગ્રેજો કે ઝમાને કે ઇમાનદાર હૈ!

***

રેટિંગઃ ** (બે સ્ટાર)

 • ajayજે રીતે આપણી ફિલ્મોની શરૂઆતમાં આવતાં ડિસ્ક્લેમર લાંબાં ને લાંબાં થઈ રહ્યાં છે, એ જોતાં એ દિવસ દૂર નથી કે ‘ડિસ્ક્લેમર’ નામની જ એક ફિલ્મ રિલીઝ થશે, જેના ફર્સ્ટ હાફમાં માત્ર ડિસ્ક્લેમર્સ હશે અને ખરેખરી ફિલ્મ સેકન્ડ હાફમાં શરૂ થશે! આ વિચિત્ર વિચારનું ટ્રિગર દબાવાનું કારણ છે આ શુક્રવારે રિલીઝ થયેલી અજય દેવગણ (સ્પેલિંગ પ્રમાણે ‘દેવજ્ઞ’!) સ્ટારર ફિલ્મ ‘રેઇડ’ (Raid). એની શરૂઆતમાં સ્મોકિંગ શા માટે ન કરવું જોઇએ, ફિલ્મમેકર્સ સમગ્ર બ્રહ્માંડમાં કોઈ નાનકડા તણખલાની પણ લાગણી દુભવવા નથી માગતા અને ‘અમો આભારી છીએ’ પ્રકારની લિટરલી જથ્થાબંધ સ્લાઇડ્સ આવ્યા જ કરે છે. આમાં ને આમાં જ બિચારા ‘ઇન્સ્ટા સ્ટોરીઝ’ અને ‘ફેસબુક સ્ટોરીઝ’ શૂટ કરવા માટે મુવી સ્ક્રીન તરફ પોતાના ફોનનો વીડિયો ઑન કરીને બેઠેલા જુવાનિયાઓની લાગણી દુભાઈ જાય છે! ખેર…
 • સો, ફાઇનલી ‘રેઇડ’ (Raid) સ્ટાર્ટ થયું અને આ ફિલ્મે સૌથી મોટી કુસેવા કરી તેના ટાઇટલ સાથે જોડાયેલી બીજી એક ફિલ્મ વિશેની અમારી મેમરીઝનો ડૂચો વાળવાની. ઘણા સમયથી અમારા મગજમાં ‘રેઇડ’ એટલે સુપર્બ ઇન્ડોનેશિયન એક્શન થ્રિલર ફિલ્મ ‘રેઇડઃ રિડેમ્પ્શન’ અને તેની સિક્વલ એવું જ ઇક્વેશન ગોઠવાયેલું હતું. પરંતુ હવે અમે જ્યારે આ શબ્દ સાંભળીશું ત્યારે અમને અજય દેવગણનો જૂની કબજિયાતના દર્દી જેવો કરડો ચહેરો જ દેખાશે (અજય ફૅન્સ, સોરી!).
 • ટ્રેલર જોયા પછી આ ફિલ્મ વિશે એક જ ઑબ્ઝર્વેશન હતું, કે ‘સ્પેશિયલ 26’ના એક નાનકડા સબપ્લોટનેraid-ajay-devgn-ileana-dcruz-0932191001521177610 ખેંચીને આખી ફિલ્મ બનાવી કાઢી લાગે છે (‘રેઇડ’નું તો એક પોસ્ટર પણ ‘સ્પેશિયલ 26’ જેવું લાગે છે!). કહને કો તો આ ફિલ્મ એંસીના દાયકાની શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં અમુક નેતાઓને ત્યાં પડેલી સાચુકલા ઇન્કમ ટેક્સના દરોડાઓ પર બની છે, લેકિન ‘ડિસ્ક્લેમર’ કહે છે કે ફિલ્મમાં દોથા ભરી ભરીને ફિક્શનલ મનોરંજન ભભરાવવામાં આવ્યું છે (મનોરંજન? અમને તો ખાસ મળ્યું નહીં!). આ ફિલ્મ જોવા થિયેટર સુધી લાંબા થવા માટે આકર્ષણનાં બે કારણ હતાં, ડિરેક્ટર
  special-26-story_647_091416040250
  ‘રેઇડ’ અને ‘સ્પેશિયલ 26’નાં પોસ્ટર્સમાં પણ ખાસ્સી સામ્યતા છે!

  રાજકુમાર ગુપ્તા અને સૌરભ શુક્લા. ‘આમિર’ અને ‘નો વન કિલ્ડ જેસિકા’ અમને ગમેલી, એટલે આ ડિરેક્ટર જેવા તેવા પ્રોજેક્ટમાં હાથ ન નાખે એ ન્યાયે પણ ‘ઉજાલા’ સ્કિમ અંતર્ગત આશાની LED ઝગમગતી રાખેલી.

 • નો ડાઉટ, ફિલ્મનું પ્રિમાઇસ સિમ્પલ છે, છતાં સરસ છે. એક તરફ છે અલ્ટ્રા ઓનેસ્ટ ‘IRS’ ઑફિસર અમય પટનાઇક (અજય દેવગણ), જેને દર મહિને પે સ્લિપની પહેલાં ટ્રાન્સફર ઑર્ડર મળી જાય છે. એ પોતે જ ફિલ્મમાં કહે છે કે કે સાત વર્ષમાં એની 49 બદલીઓ થઈ છે. અને આટલી બદલીઓં કે બાવજૂદ વો ખુદ નહીં બદલે. સામે છે ઇન્સાનિયત કે દુશ્મન, ભ્રષ્ટાચારિયોં કે લાલુ યાદવ, બાહુબલિઓં કે ભલ્લાલ દેવ રામેશ્વર સિંહ ઉર્ફ ‘તાઉજી’. ફિલ્મની સિંગલ લાઇન સ્ટોરી ક્લિયર છે કે એક ઓનેસ્ટ રેવન્યુ સર્વિસ ઑફિસર કાફલો લઇને એક ભ્રષ્ટ નેતાના બંગલા પર દરોડો પાડે છે. ફિલ્મના પોસ્ટરમાં અજયને જથ્થાબંધ રૂપિયા, સોનાના સિક્કા-દાગીના પર બેઠેલો બતાવ્યો છે, એટલે નેતાના ઘરેથી જંગી દલ્લો મળે તે એકદમ એક્સપેક્ટેડ છે. જો આવું ન થાય તો દર્શકોને સંતોષ જ ન થાય અને ફિલ્મ ઊંધે માથે પડે.
 • સપાટી પરથી ભલે આ ફિલ્મ પ્રામાણિક અધિકારી વર્સસ ભ્રષ્ટ નેતાની ચોર-પોલીસની ગેમ લાગે, પરંતુ અલ્ટિમેટલી તે છે તો ‘ટ્રેઝર હન્ટ’ ટાઇપની ગેમ. નેતાએ ક્યાંક બેનામી દલ્લો છુપાવ્યો છે, બસ ક્યાં એ જ શોધવાનું છે. અહીંથી જ આ ફિલ્મે મારા માટે શીર્ષાસન કરવાનું શરૂ કરી દીધું. ટ્રેઝર હન્ટ ટાઇપની સ્ટોરીઝમાં એક્સાઇટમેન્ટ બિલ્ડ કરવા માટે થોડો સમય લેવામાં આવે છે. ખજાનો કોનો છે, શા માટે તે શોધવો જરૂરી છે, એક્ઝેક્ટ્લી ક્યાં છુપાવેલો હોઈ શકે છે, ખજાનો કેટલો હશે, તેને શોધવાનું કામ કેટલું અઘરું કે જોખમી છે… આવા સવાલોના જવાબો સ્ટેપ બાય સ્ટેપ પ્લાનિંગ સાથે મળે તો દર્શક તરીકે આપણને ઇન્ટરેસ્ટ જાગે કે ખજાનામાં એવો તે કેવો ચરૂ દાટ્યો છે કે જેના માટે આ લોકો LICની પૉલિસીઓ પકાવવા નીકળી પડ્યા છે! રેઇડમાં આવું કશું જ બનતું નથી. ફિલ્મની શરૂઆતમાં આપણા હીરોની ઓનેસ્ટીની ચાલીસા ગાયા પછી તરત જ એક્ચ્યુઅલ રેઇડ સ્ટાર્ટ થઈ જાય છે. એ પહેલાં વિલન રામેશ્વરનો જુમ્મા જુમ્મા એક જ સીન છે, જે જોઇને એ ખ્યાલ આવતો નથી કે એ મહાશયને ત્યાં રેઇડ પાડવી યાને કે મૌત કે સાથ બ્લાઇન્ડ ડેટ પે જાના.
 • એક્ચ્યુઅલી, આ ફિલ્મને ‘ન્યુટન’ના સુધીર મિશ્રાની જરૂર હતી, જે આપણા હીરોને કહે કે, ‘તારો પ્રોબ્લેમ તારી ઇમાનદારી નહીં, પણ ઇમાનદારીનો ઘમંડ છે.’ (એક સીનમાં ખુલ વિલન તાઉજી જ અજયને કહે છે, ‘બડા ઘમંડ હૈ તુમ્હેં અપની ઇમાનદારી પે…’) ‘હું અણ્ણા હઝારે કરતાં પણ વધુ ઇમાનદાર છું અને મારું ચરિત્ર ટાઇડ કી સફેદી સે ભી ઝ્યાદા સાફ છે’ એવું કહેવાનો આપણો હીરો અમય એટલે કે અજય એકેય મોકો ચૂકતો નથી. પાર્ટીમાં એ પોતાનો સસ્તો દારૂ જાતે લઇને જાય છે (અને પછી ઘરે એલચી ખાઈને પત્ની સાથે રોમાન્સ કરે છે!), શૂઝનો ડ્રેસકોડ હોવા છતાં કેજરીવાલની જેમ ચપ્પલ પહેરીને ગયો હોય તો અંદર આવવાની ના પાડી દે છે (અને પાછળથી જૂતાંના પૈસા ચૂકવે છે), સાત વર્ષમાં 49 બદલીઓને યુનિફોર્મ પરના સ્ટાર્સની જેમ પહેરીને ફરે છે… જોકે પોતે નિયમોની દુહાઈ દે છે અને પાછળથી પોતે જ નિયમોનો ડૂચો વાળીને રિસાઇકલ બિનમાં ફગાવી દે છે. એની આ ‘સિંઘમ’ છાપ ઑવર ધ ટોપ લાઉડ પ્રામાણિકતા ફિલ્મની સટલ્ટીને તડીપાર કરી દે છે. અને બંધાર, IPC કે CrPCની કઈ કલમમાં એવું લખેલું છે કે પ્રામાણિક ઑફિસરે આખો દિવસ તોબરો ચડાવીને જ ફરવું?! એ ક્યારેક તો નોર્મલ માણસની જેમ બિહેવ કરી શકે ને? આમ તો એક્સપ્રેશન્સને અને અજય દેવગણને ઊભે બનતું નથી, છતાં સવા બે કલાકની ફિલ્મમાં માણસને કંઇક તો વેરિએશન જોઇએ કે નહીં? પૂરેપૂરી ફિલ્મમાં અજય ચહેરા પર એક જ ફિક્સ્ડ હાવભાવ ચિપકાવીને ફરે છે. અજય દેવગણે ‘રુસ્તમ’ના નેવી ઑફિસર અક્ષયને રવાડે ચડવાની શી જરૂર પડી?!
 • ભઈ જુઓ, પત્ની તો ‘બૅબી’ના અક્ષયને અને ‘સ્પેશિયલ 26’ના મનોજ બાજપાઈને પણ હતી, પણ એ ‘રેઇડ’ના ઇલિયાનાની જેમ વારેઘડિયે હેરાન કરવા નહોતી આવતી. એકાદ-બે ફોન કર્યા, બે-એક સીન મળ્યા એટલે ખુશ. પણ અહીં તો ઇલિયાના છે, ખુદ ‘ટી સિરીઝ’ પ્રોડયુસર છે અને તનિશ્ક બાગચી જેવો રિસાઇક્લિંગ એક્સપર્ટ મ્યુઝિકમેન છે. એટલે હીરોને (ભલે તોબરો ચડાવેલો રાખીને પણ) રોમાન્સ કરવો પડે છે, જરૂર હોય કે ન હોય- એક બાજુ સિરિયસ દરોડાની કાર્યવાહી ચાલતી હોય, છતાં રિમિક્સ ગીતડાં ગાવાં પડે છે. મને પૂરી ખાતરી છે કે ફિલ્મના રાઇટર રિતેશ શાહ, ડિરેક્ટર રાજકુમાર ગુપ્તાથી લઇને તમામ લોકોને ખબર હશે જ કે આ અનવૉન્ટેડ પોસ્ટ મેરેજ રોમેન્ટિક સિક્વન્સ ફિલ્મના ફ્લોની નર્મદા સૂકવી જ દેવાની છે. પરંતુ ગ્રેવિટેશનલ ફોર્સથી પણ વધુ પાવરફુલ હોય છે માર્કેટ ફોર્સ!
 • આગળ કહ્યું તેમ દરોડા પહેલાં તેનું પ્લાનિંગ બતાવીને અને તાઉજીનો તાપ બતાવીને ટેન્શન બિલ્ડ કરવાની જરૂર હતી. જેથી આપણને પણ ફીલ થાય કે દરોડાની આ કાર્યવાહી ખરેખર કેટલી જોખમી છે. અહીં કાયદે પ્લસ કાનૂન કે પક્કે અજયભાઈ એક અજાણ્યા માણસના નનામા કોલ-ચિઠ્ઠીઓનો ભરોસો કરીને દરોડો પાડવા દોડી જાય છે, કોઈ પ્રકારનું ક્રોસચેકિંગ કર્યા વિના (માની લો કે કોઇએ ‘સિરિયા સે બોલ રહા હૂં, એરપોર્ટ પર બોમ્બ મેક્યો છે’ ટાઇપનો હૉક્સ કૉલ કર્યો હોત તો?!).
 • ખાસ કશા અપ-ડાઉન, ટ્વિસ્ટ-ટર્ન્સ વિના ફિલ્મ એકધારી ચાલતી રહે છે. બોરિયતનો આલમ એ છે કે છિટપૂટ મોમેન્ટ્સને બાદ કરતાં ફિલ્મમાં જ્યારે અને જ્યાંથી ખજાનો મળી આવે છે ત્યારે પણ ખાસ રોમાંચ અનુભવાતો નથી (આપણા હીરોને પણ તેની કશી નવાઈ લાગતી નથી, બોલો!).
 • ‘રેઇડ’નું સૌથી સ્ટ્રોંગ પાસું છે વિલન બનેલા સૌરભ શુક્લા. અલબત્ત, એમણે ખાવા-પીવા અને સૂકી ધમકીઓ આપવા સિવાય ખાસ ખોફ બતાવ્યો નથી, છતાં ભાંગ્યું તોય ભરૂચના ન્યાયે એમની એક્ટિંગ દમદાર જ લાગે છે. અગાઉ ‘તિતલી’માં દેખાયેલા અમિત સિયાલને કેજરીવાલની જેમ માફી માગ્યા કરવા સિવાય ખાસ એક્ટિંગનો સ્કોપ નથી મળ્યો છતાં એમને પણ જોવાની મજા પડે છે. એમનું કેરેક્ટર ભેદી રીતે મોરલ ડાયલેમા વચ્ચે ચલકચલાણું રમ્યા કરે છે. તાઉજીનો તુલસી વિરાણી જેવો વિશાળ પરિવાર ઠીક ઠીક અથડાયા કરે છે, પરંતુ નૅચરલી જ તેમાં તાઉજીનાં બોખાં મમ્મી બનેલાં અદાકારા પુષ્પા જોશીએ બરાબરની બૅટિંગ કરી છે. એમના સીન્સને જ ફિલ્મમાં સૌથી વધુ તાળીઓ મળે છે.
 • સ્ટોરી એંસીના દાયકાની શરૂઆતની છે એટલે એમાં તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની પણ મહેમાન ભૂમિકા છે. જોકે એમને માત્ર અવાજ, એમના ઝિબ્રા ક્રોસિંગ ટાઇપના વાળ, ચશ્માંની ફ્રેમ અને વાઇડ એન્ગલ સાઇડ પૉઝથી જ બતાવવામાં આવ્યાં છે. જે પ્રકારનું સ્ટેન્ડ ઇન્દિરાજી (જેમને ‘મૅડમ PM’ તરીકે સંબોધવામાં આવે છે) લે છે એ જોતાં BJP યુગની ફિલ્મોમાં વધુ એકનો ઉમેરો થયો છે. અહીં એમનો પણ ભદ્રંભદ્રીય રોલ મૂકવામાં આવ્યો છે, જે એક તબક્કે પૉલિટિકલ પ્રેશરને વશ થઈ જાય છે અને ભ્રષ્ટાચારીને છાવરવાનો પ્રયાસ કરે છે.
 • ક્લાઇમેક્સ પર પહોંચતા સુધીમાં તો ફિલ્મ (અને આપણે પણ) લિટરલી હાંફી જઇએ છીએ અને કેઓસ ઊભો કરીને ફિલ્મ પૂરી કરવાની ક્વાયત શરૂ થઈ જાય છે.
 • અલબત્ત, ‘રેઇડ’માં છૂટીછવાઈ મોમેન્ટ્સ છે, જે જોઇને આનંદ આવી શકે. મને જેટલી નિરાશા થઈ એટલી કદાચ ઓછી અપેક્ષાઓ લઇને ગયેલા દર્શકોને ન પણ થાય. અત્યારે હજારો કરોડ રૂપિયાનાં કૌભાંડો કરીને વિદેશોમાં ઐયાશી કરતા માલ્યાઓ અને નીરવ મોદીઓને જોઇને તાઉજી જેવા પ્રાગઐતિહાસિક યુગના કૌભાંડીઓ પર કડવું હસવાનું મન થાય કે, અક્કલમઠ્ઠાઓએ સ્વિસ બેન્કમાં અકાઉન્ટ રાખ્યાં પણ પ્રોપર્લી કૌભાંડ કરતાં પણ ન આવડ્યું!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

બાદશાહો

બાદબાકી દિમાગની

***

મિલન લુથરિયાની બાદશાહો પોપકોર્ન ખાધા પછીના ખાલી ખોખાની જેમ ભૂલી જવા જેવી જ છે.

***

રેટિંગઃ ** (બે સ્ટાર)

***

dcuy4ykvyaa5zdnઆજથી બે દાયકા પહેલાં મિલન લુથરિયાએ ‘કચ્ચે ધાગે’ બનાવી ત્યારે અમે બે વાતોનું અનુમાન કરેલું. એક તો એમને હૉલિવૂડની કાઉબૉય ટાઇપની ‘સ્પઘેટી વેસ્ટર્ન મુવીઝ’ ગમતી હશે અને બીજું, અમારી જેમ એમનેય તે જનાબ નુસરત ફતેહ અલી ખાઁ સાહેબ પ્રત્યે અપાર પ્રેમ છે. આજે રોકડા 21 વર્ષ પછી એમની જ બનાવેલી ‘બાદશાહો’ જોઇએ ત્યારે થાય કે એમના આ બંને પ્રેમમાં ખાસ ઓટ આવી લાગતી નથી. હા, સિરિયસનેસ અને ઇતિહાસ પ્રત્યે વફાદાર રહેવાની પ્રક્રિયામાં જરૂર ઓટ આવી છે.

કોન્સ્પિરસી થિયરી પર કાલ્પનિક ચણતરકામ

એક ક્વિક ગૂગલ સર્ચ મારતાં જાણવા મળે છે કે ઇમર્જન્સી દરમ્યાન ઇન્દિરા ગાંધીએ ખજાનાની લાલચમાં જયપુરનાં રાજમાતા ગાયત્રી દેવીના પેલેસ, જયગઢ ફોર્ટ વગેરે પર આર્મી મોકલીને તેના ચપ્પે ચપ્પાની શોધખોળ કરાવેલી. ત્રણેક મહિના સુધી સર્ચ ચલાવ્યા બાદ કશું મળ્યું નહીં, અને ડકવર્થ લુઇસની મદદ વિના આખી ક્વાયત સંકેલી લેવાઈ. ત્યારપછી વાત સંસદમાં પણ ઊછળી અને એક થિયરી વહેતી થઈ કે તે સર્ચ દરમ્યાન ખરેખર જંગી ખજાનો મળેલો, જેને ટ્રકમાં લાદીને જયપુરથી દિલ્હી ટ્રાન્સપોર્ટ કરાયેલો. થિયરી પ્રમાણે તે ખજાનાને ખૂફિયા રીતે ટ્રાન્સપોર્ટ કરવા માટે જયપુર-દિલ્હી હાઇવે પણ એક દિવસ માટે બંધ કરી દેવાયેલો. એક પેરેગ્રાફમાં લખી શકાય તેવી જાડી કોન્સ્પિરસી થિયરીના પાયા પર મિલન લુથરિયાએ વર્તમાન પોલિટિકલ માહોલને માફક આવે તેવું રંગરોગાન કરીને ટિપિકલ મસાલા સાથે પેશ કરી છે.

સો, ફિલ્મનું મજમૂન કંઇક આવું છેઃ ઇમર્જન્સીમાં સંજય ગાંધી જેવા દેખાતા સંજીવ (પ્રિયાંશુ ચૅટર્જી) નામના નેતા નસબંદી પર બનેલી શૉર્ટ ફિલ્મ જોતાં જોતાં જોધપુરની મહારાણી ગીતાંજલિ (ઇલિયાના ડીક્રુઝ)નો ખજાનો જપ્ત કરવાનું ફરમાન છોડે છે. ખજાનો શોધીને સહીસલામત દિલ્હી પહોંચાડવાની જવાબદારી છે આર્મી ઑફિસર સેહેર સિંઘ (વિદ્યુત જામવાલ)ની. જ્યારે બચાવવાની જવાબદારી છે દિલમાં વફાદારી, ખિસ્સામાં જિંદગીનું રાજીનામું અને ચહેરા પર એક જ એક્સપ્રેશન લઇને ફરતા ભવાની (અજય દેવગણ)ની. આ વરઘોડામાં પછી તો દલિયા (ઇમરાન હાશ્મી), ગુરુજી (સંજય મિશ્રા), સંજના (ઇશા ગુપ્તા), દુર્જન સિંઘ (શરદ કેલકર) જેવા લોકો પણ જોડાય છે. વચ્ચે રણની ગરમીમાં આંખો ઠારવા માટે સની લિયોની પણ એ જેના માટે પ્રખ્યાત છે તે કરી જાય છે.

નો લોજિક, નો મેજિક, ઓન્લી ઝિકઝિક

ફિલ્મસંહિતા મુજબ ‘બાદશાહો’ ‘હાઇસ્ટ’ (Heist) પ્રકારની થ્રિલર ફિલ્મ છે. આવી ફિલ્મોમાં કેટલાંક પાત્રો લૂંટ જેવું એકાદું ભાંગફોડિયું પરાક્રમ કરવા માટે ભેગાં થાય, તેનું ડિટેઇલમાં પ્લાનિંગ કરે અને પછી તે કૃત્યને અંજામ આપે. એમાં પછી કહાની મેં કંઇક ટ્વિસ્ટ પણ આવે. એ દૃષ્ટિએ એટલું માનવું પડે કે લગભગ અડધી ફિલ્મ યાને કે ઇન્ટરવલ સુધી ‘બાદશાહો’ એકદમ થ્રિલચીંધ્યા માર્ગે ચાલે છે. એક પછી એક પાત્રો ઇન્ટ્રોડ્યુસ થતાં જાય, પોતાના મિજાજના પરચા બતાવે અને એક કડક ઑપરેશન હાથ ધરવામાં આવે. એમાં એકાદ-બે ઠેકાણે તો આપણા મોંમાંથી હાયકારો નીકળી જાય એવી મોમેન્ટ્સ પણ છે. પરંતુ મિલનભાઈની આ ફિલ્મમાં એટલા બધા પ્રોબ્લેમ્સ છે કે એમની ફિલ્મની ગાડી ભારતીય રેલવેની જેમ દર થોડી વારે પાટા પરથી ખડી પડે છે.

પ્રોબ્લેમ નં. 1. હિસ્ટ્રી બોલે તો?

આ ફિલ્મને ભલે ‘પિરિયડ ડ્રામા’ કે ‘ઇમર્જન્સી પર આધારિત’ હોવાનું કહીને પ્રમોટ કરવામાં આવી હોય, પરંતુ તેને એક માઇન્ડલેસ ટાઇમપાસ એન્ટરટેનરથી એક ટકોય વધારે ગંભીરતાથી લેવાની ભૂલ કરવા જેવી નથી. શરૂઆતમાં ઇમર્જન્સીના રૅન્ડમ શૉટ્સ નાખીને ભૂતકાળમાં થઈ ગયેલાં વ્યક્તિત્વો કે ઘટનાઓને મનપસંદ રંગ આપી દેવાયો છે. એટલે આ ફિલ્મને આધાર બનાવીને આપણો કોઈ પોલિટિકલ ઑપિનિયન બાંધીએ તો ઊંધે માથે ખાબકીએ એવા પૂરા ચાન્સીસ છે. કટોકટીના કાળ સાથે પણ આ ફિલ્મને જરાતરા જ છેડો અડે છે. ઇમર્જન્સી કે ગાંધી પરિવાર વિશે આપણો એક ચોક્કસ અને પબ્લિકમાં જાણીતો ઑપિનિયન જ ઘૂંટવો હોય એ રીતે સંજય ગાંધી જેવા ગેટઅપમાં રહેલા અભિનેતા (પ્રિયાંશુ ચૅટર્જી)ને ચરિત્રહીન, દારૂબાજ બતાવવામાં આવે અને ફિલ્મમાં ફરી ફરીને આપણને ‘નસબંદી સર્વોત્તમ ઉપાય’ જેવાં બૅનર્સ-ઍડ્સ બતાવવામાં આવે. અરે, રિસર્ચના નામે માત્ર એકાદ પાનાનો જૂનો ન્યુઝ રિપોર્ટ વાંચીને બનાવી હોય તેવી આ ફિલ્મમાં મહારાણી ગાયત્રી દેવીના પાત્રને પણ ભારોભાર અન્યાય થાય-એમની બદનક્ષી થાય તે પ્રકારનું ચિત્રણ કરાયું છે. ટૂંકમાં મનફાવે તે બતાવીને શરૂઆતમાં ‘આ ફિલ્મની વાર્તાને વાસ્તવિકતા સાથે લેશમાત્ર સંબંધ નથી’ એવું ડિસ્ક્લેમર મૂકીને છટકી જવાનું. (ફિલ્મમાં જ અજય દેવગણ બોલે છે એમ, ‘મૈં કહાની બદલ દેતા હૂં!’ બસ, ફિલ્મમાં પણ એવું જ છે.)

પ્રોબ્લેમ નં. 2. કમ્પ્લિટલી નો લોજિક

તમે જો બરાબરની કડક ચા પીને ફિલ્મ જોવા ગયા હો તો ધડાધડ તમને લોજિકનાં બાકોરાં દેખાવા માંડશે. તમારું મગજ ધમપછાડા કરી કરીને પૂછશે કે, આપણા હીરોને ટિયરગેસની પણ કેમ કોઈ અસર થતી નથી? ‘રાની સા’ મહેલની ટોચે ચડીને સૌનું મનોરંજન થાય એ રીતે શા માટે પોતાનું તનોરંજન કરે છે? જે કીમતી સામાન ભરેલા ટ્રકની સિક્યોરિટી ઇન્ડિયન આર્મીના મિલિટરી ઇન્ટેલિજન્સ વિભાગના અધિકારીઓને સોંપાઈ હોય, તેની આગળ પાછળ કવર માટે કોઈ વાહન જ ન હોય? ભારતીય સૈનિકો અમુક ફૂટના અંતરેથી ગોલિયોં કી બૌછાર કરે તોય આપણા હીરોલોગને કશું ન થાય? (આ તો આપણા સૈનિકોની ક્ષમતાનું પણ અપમાન છે!) આખેઆખી ટ્રક ગાયબ થઈ જાય, પણ એક નાનકડા ગામમાં કોઈ કહેતા કોઈ તેને શોધી જ ન શકે? ખાસ કરીને ત્યારે જ્યારે રણપ્રદેશમાં મેઇન રોડ સિવાય ખાસ કશે જવાની શક્યતા જ ન હોય. શા માટે મિલિટરીનો અધિકારી નંગુપંગુ થઇને ટ્રેનમાં પ્રવાસ કરે છે? શા માટે એ શેમ્પૂની ઍડના મૉડલ જેવા લાંબા વાળ રાખીને ફરે છે? હિપોપોટેમસ જેવી ટ્રકને રોકવા માટે પોલીસ સાવ મમરાની ગૂણ જેવાં બેરિકેડ મૂકે? બંદૂકની ગોળી ખાઇને અને પોલીસનું ટૉર્ચર વેઠીને ઊભો થયેલો ઘરડો માણસ એકદમ સ્વસ્થતાથી અને ફિજેટ સ્પિનર ફેરવતો હોય એવી સરળતાથી તિજોરી ખોલી બતાવે? (એ પણ એવી તિજોરી જેના માટે અગાઉ એવું કહેવાયું હોય કે ‘યે ટ્રક નહીં, ચલતા ફિરતા બંકર હૈ!’) શા માટે (ઇમર્જન્સીમાં પણ) અજય દેવગણ ગાર્ડનમાં ટહેલવા જતો હોય તેમ જેલની અંદર-બહાર આવ-જા કરે છે? આખી જીપ રોડ પરથી ઊછળીને તળાવમાં પડે, પણ અંદર બેઠેલા લોકોને લિટરલી ઘસરકો સુદ્ધાં ન પડે!  અમાં યાર, થોડું તો વાજબી રાખો!

એક્ચ્યુઅલી, આ હાઇસ્ટ ફિલ્મમાં સૌથી મોટી લૂંટ લોજિકની જ થઈ છે!

પ્રોબ્લેમ નં. 3. રાઇટર રજત અરોરાનાં સસ્તાં વનલાઇનર્સ

જરા નોશ ફરમાવોઃ ‘આપકે સોને કા કેરેટ, મેરા કેરેક્ટર ખરાબ નહીં કર સકતા’, ‘રજાઈ, લુગાઈ ઔર લડાઈ, તીનોં બરાબર કી હોની ચાહિયે’, ‘ઔરતોં કી વજહ સે જિતને ઘર નહીં બસે, ઉતને પંગે હુએ હૈ’, ‘આંખોં મેં તભી ચમક આતી હૈ જબ ઉનમેં ખતરા હોતા હૈ’, ‘જબ બાત ઝબાન કી હો, તો જાન કી કીમત કમ હો જાતી હૈ’, ‘રાજનીતિ મેં નીતિ સે કુછ નહીં હોતા’… હજી આવાં અનેક વનલાઇનર્સ અમે ગણાવી શકીએ એમ છીએ, પરંતુ પછી તમને થિયેટરમાં ટાઇમપાસ માટે પણ કંઇક જોઇશે ને? રજત અરોરાને માલુમ થાય કે એમનાં આવાં વનલાઇનર્સ એક્સપાયરી ડૅટ વટાવી ચૂક્યાં છે અને હવે માત્ર લાફિંગ ગૅસના સસ્તા વિકલ્પ તરીકે જ તેનો ઉપયોગ થાય છે. આ પ્રોબ્લેમનો પેટા-પ્રોબ્લેમ એ છે કે વનલાઇનર્સનું પ્રમાણભાન જળવાતું નથી. દરેક પાત્ર મોં ખોલે એટલે પહેલી લાઇન તો વનલાઇનર જ ફેંકે! એવું જ લાગે કે આ લોકો પહેલાં વનલાઇનર્સ લખતાં હશે અને પછી તેની આસપાસ સ્ટોરી ગૂંથતા હશે!

પ્રોબ્લેમ નં. 4. સ્ત્રીઓનું ઑબ્જેક્ટિફિકેશન

આમ તો આ ક્રાઇમમાં ‘બાદશાહો’ પહેલી ફિલ્મ નથી, તેના ‘ક્રિમિનલો’ની સંખ્યા બહુ મોટી છે. બાદશાહોમાં જે રીતે સ્ત્રીઓ વર્તે છે, જે રીતે તે માત્ર ગ્લેમર ક્વૉશન્ટ વધારવા માટે જ છે, એ જોતાં એવું જ લાગે કે અહીં સ્ત્રીઓનું કામ પુરુષોને ‘ખુશ’ કરવાથી વિશેષ કશું જ નથી. સ્ટોરીમાં મહત્ત્વની ભૂમિકા તો ઠીક, કૅચી વનલાઇનર્સ પણ માત્ર પુરુષોને જ આપવાનાં. હજી આમાં એકદમ ચીપ ‘અન્ડરગાર્મેન્ટ્સ જોક’ની તો વાત જ નથી કરી.

પરચૂરણ પ્રોબ્લેમ્સ

આ ફિલ્મનાં બધાં જ ગીતો પરાણે અને બિનજરૂરી રીતે ઠૂંસવામાં આવ્યાં છે. સ્ટોરી-કેરેક્ટર ડૅવલપ કરવામાં તેનો કોઈ જ ફાળો નથી. છતાં અમદાવાદના રસ્તાઓ પરના ખાડાની જેમ એક પછી એક ગીતો આવ્યા જ કરે છે. કદાચ સંગીતકારોને પણ આ ખબર છે (આઈ મીન, ગીતો વિશે), એટલે એમણે પણ ખાસ મહેનત કરી હોય એવું લાગતું નથી. હા, ‘રસ્કે કમર’ની વાત અલગ છે, પરંતુ તેની મજા નુસરત ફતેહ અલી ખાઁ સા’બની ઑરિજિનલ રચના સાંભળવામાં જ છે.

ફિલ્મ પ્લોટ ડ્રિવન છે, એટલે તેમાં સારી એક્ટિંગનો છેદ ઉડાડી દેવાયો છે. આમેય ફિલ્મમાં સંજય મિશ્રા અને ક્યારેક અજય દેવગણને બાદ કરતાં કોઈ કલાકાર પોતાની એક્ટિંગ માટે જાણીતો નથી. જેમ ફિલ્મમાં ઇલિયાનાનો મૅકઅપ કે હેરસ્ટાઇલ વીંખાતા નથી, એ જ રીતે અજય દેવગણના ચહેરા પરથી ‘મને કશો જ ફરક પડતો નથી’ એવું એકમાત્ર એક્સપ્રેશન પણ ભૂંસાતું નથી. ઇશા ગુપ્તા બિચારી ફિલ્મમાં માત્ર ઇમરાન હાશ્મીને એકલું ન લાગે એટલા ખાતર જ મુકાઈ હોય એવી હાલત છે એની. હા, સંજય મિશ્રા જેટલા સીનમાં છે એ તમામ સીનને એ રીતસર ખાઈ ગયા છે.

આમ તો બૉલિવૂડમાં હરિયાણવી બોલીનો અતિરેક થઈ રહ્યો છે. છતાં ‘બાદશાહો’ પરથી એટલું કહી શકાય કે તે હરિયાણવી બોલીનો ક્રેશ કૉર્સ છે. કોઇપણ હિન્દી ડાયલોગમાં ‘મારે કો’, ‘થારે કો’, ‘મૈં જાઉં કો ના’ જેવા શબ્દપ્રયોગો અને ‘ન’ને બદલે ‘ણ’ (જેમ કે, સોણા કહાં હૈ?) નાખી દો એટલે થઈ ગયું ફિલ્મનું ‘હરિયાણવીફિકેશન’!

‘બાદશાહો’માં બતાવવામાં આવેલો ટિપિકલ ખજાનો જેટલો હાસ્યાસ્પદ છે, તેના કરતાં ક્યાંય વધુ રિડિક્યુલસ તેની સ્પેશ્યલ ઇફેક્ટ્સ છે!

ખજાનાની બેલેન્સ શીટ

સવા બે કલાકની આ ફિલ્મ ક્લાઇમેક્સ સુધી પહોંચતા સુધીમાં ફુસ્સ થઈ જાય છે. અરે, ફિલ્મનું ઍન્ડિંગ પણ એવું છે કે જાણે પાત્રો કહેતા હોય, ‘હવે બહુ થયું ફિલમ-ફિલમ! મૂકો ને મગજમારી!’ ‘બાદશાહો’ની માઇલ્ડ એન્ટરટેનમેન્ટ વેલ્યૂ, સસ્તી થ્રિલ અપીલ અને સ્ટાર પાવર જોતાં એકાદ વખત ટીવી પર આવતી હોય તો જોઈ શકાય. બાકી નહીં જુઓ તો ખાસ કોઈ ખજાનો ગુમાવવા જેવું નથી.

P.S. નુસરત ફતેહ અલી ખાઁ સા’બના અવાજમાં ‘રસ્કે કમર’નું 17 મિનિટનું ઑરિજિનલ વર્ઝન આ રહ્યુંઃ

(Reviewed for divyabhaskar.co.in)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

મુબારકાં

 દિમાગ દી લસ્સી

***

તાજેતરના વરસાદમાં પાણીથી ફાટ ફાટ થતા ધરોઈ ડૅમ પર ઊંધે માથે લટકાવ્યા પછી માણસની જે હાલત થાય તે કદાચ આ ફિલ્મ જોઇને નીકળેલા દર્શક કરતાં તો સારી જ હશે.

***

mubarakan-title-song-track-lyrics-mp3-hd-video-online-image-1ડિરેક્ટર અનીસ બઝમીની ફિલ્મો પાસેથી આમ તો ગાદી પર બેસતા રાજકારણીઓ જેટલી જ અપેક્ષા હોય, કે ભઈ, આ ખાસ કશું ઉકાળવાના છે નહીં, પરંતુ પ્રથા છે એટલે પાલન કરવું પડે છે. પરંતુ આ લેટેસ્ટ ‘મુબારકાં’ સહનશક્તિના લિટમસ ટેસ્ટ તરીકે વાપરી શકાય તે હદે ત્રાસદાયક છે. ઉપરથી પ્રેક્ષક તરીકે તમે એકલા છો અને સામે પડદા પર હુમલો બોલાવવા માટે આખી કપૂર આર્મી છે.

કમઠાણનો કરામત વિનાનો કસબ

આમ તો આ ફિલ્મની સ્ટોરી સમજાવવી એ ‘વ્યાપમ’ કૅસની આંટીઘૂંટીઓ સમજવા કરતાં પણ અઘરું કામ છે. છતાં વાત એટલી છે કે બે અલગ અલગ સગાં પાસે લંડન અને ચંડીગઢમાં મોટા થયેલા બે ભાઇઓ કરન અને ચરન (બંને અર્જુન કપૂર)ને પૈણ ઊપડ્યું છે. આમ બંને લંબચોરસ થઈ જાય એ હદે પઠ્ઠા જેવા છે, પણ પોતપોતાના વડીલોને કહેવામાં એમની જીભને કાંટા વાગે છે. એટલે એમના ચાચા કમ મામા કરતાર સિંઘ (અનિલ કપૂર)ની મદદથી જાતભાતની ચક્રમ જેવી સ્કીમો વિચારતા રહે છે અને કન્ફ્યુઝનનો કાટમાળ ખડકતા રહે છે.

હાનિકારક હાસ્ય

‘મુબારકાં’નાં ઍન્ડ ક્રેડિટ્સમાં પડદા પાછળનાં દૃશ્યો જોઇને આપણને ખ્યાલ આવે છે કે ફિલ્મના કલાકારોને પણ એકબીજાનાં નામો યાદ રાખવામાં ફેં ફાટતી હતી. ત્રણ અલગ અલગ દિશામાં ફેલાયેલા એટલા બધા લોકો આ ફિલ્મમાં છે કે કોણ કોનું શું થાય અને કોનું લશ્કર ક્યાં શા માટે લડે છે તે સમજવા માટે ફિલ્મની ટિકિટની સાથે એક ફ્લોચાર્ટ આપવા જેવો હતો. અહીંયા અર્જુન કપૂર છે, અનિલ કપૂર છે, છોટે ભૈયા સંજય કપૂર પણ ‘હું રહી ગયો’ એમ કહીને આંટો મારી જાય છે. તો પછી લગે હાથ શ્રીદેવીભાભી અને એમની કુડીનાં પણ કંકુ પગલાં કરાવી નાખ્યાં હોત તો? આ ફિલ્મને સરસ ફેમિલી આલ્બમની જેમ જોઈ શકાત ને?

પહેલી વાત તો એ કે અહીંયા અર્જુન કપૂરના ડબલ રોલની શી જરૂર હતી? એમના ડબલ રોલને છાજે એવી એક પણ સિક્વન્સ નથી. હશે ચાલો, અપના બચ્ચા હૈ, થોડા હસ ખેલ લિયા. કોઈ ગલ નહીં. પરંતુ અનીસ બઝમીની ફિલ્મ પાસે ‘વેલકમ’ જેવી બાય ફ્લૂક સારી બની ગયેલી કોમેડીની અપેક્ષા હોય. પરંતુ અહીં કોમેડીનું બાલિશ સ્તર કેવું છે તેનાં સૅમ્પલ જુઓઃ એક અત્યંત ગંભીર સીનમાં પવન મલ્હોત્રા જેવો દમદાર એક્ટર કહે છે, ‘તેં મને કૂતરો કહ્યો? જા તું કૂતરો.’ આ જ પવન મલ્હોત્રા અન્ય પાત્રો વાત ન કરી શકે એ માટે મોટા અવાજે કોગળા કરીને કોમેડી પેદા કરે છે. બે જોડિયાં બાળકોનાં છૂટા પડવા વિશે (વિજય રાઝ દ્વારા બોલાયેલો) વોઇસ ઑવર કહે છે, ‘ટ્વિન્સ કો ટ્વિન ટાવર કી તરહ અલગ કર દિયા.’ (રિયલી? ૨૧મી સદીની સૌથી ટ્રેજિક ઘટનાનો જસ્ટ પ્રાસ મેળવવા માટે કોમેડીમાં ઉપયોગ?) ‘યે મૂલી હૈ પર મામુલી નહીં.’ જજમેન્ટલ થવા બદલ સોરી, પરંતુ આ સ્તરની કોમેડીમાં ખડખડાટ હસનારા લોકોને શૂન્યથી ત્રણ વર્ષનાં બાળકો માટે બનેલાં રમકડાંથી રમવામાં પણ એટલી જ મજા પડતી હશે.

પંજાબી ક્લિશૅનું તો આ ફિલ્મ શૅડકાર્ડ છે. એટલે જ કોઈ જ કારણ વિના ફિલ્મમાં દર પાંચ મિનિટે ગુરુદ્વારા આવ્યા કરે, પંજાબીઓ હાથમાં વ્હિસ્કીના ગ્લાસ કે એ ન હોય તો લસ્સીના ગ્લાસ વગર વાત ન કરી શકે, પંજાબીઓને કાં તો કારની ડીલરશિપ હોય અથવા તો પાંચ-પચીસ ડઝન ટ્રેક્ટરોના માલિક હોય, એ લોકો વિરામચિહનોની જગ્યાએ ‘પૈરી પૌના’, ‘જિઉંદા રેહ’ વાપરતા હોય, પંજાબમાં દરેક ગલી-દરેક ખેતરમાં લોકો ભાંગડા અને જાતભાતનાં કરતબો જ કરતા હોય વગેરે વગેરે. સ્ટોરી પંજાબમાં ચાલી રહી છે કે લંડનમાં તે જણાવવા માટે બંનેના એટલા બધા ઍરિયલ શૉટ્સ મુકાયા છે જો એ કાઢી નખાય તો ફિલ્મની લંબાઈ કદાચ અડધો કલાક ઘટી જાય.

પરંતુ ખરો પ્રોબ્લેમ છે આ ફિલ્મનો અન્ડરટોન. એક તો તેના પઠ્ઠા જેવા ગભરુ જવાન હીરોલોગમાં એટલી ત્રેવડ નથી કે તે પોતે જેને પ્રેમ કરે છે તેને માતાપિતા સાથે મળાવી શકે. ઉપરથી કોમેડીના નામે ત્રણ યુવતીઓ રીતસર ‘ચલક ચલાણું, ઓલે ઘેર ભાણું’ની જેમ અહીંથી તહીં ફંગોળાતી રહે છે. સૌથી ખરાબ સ્થિતિ થઈ છે નેહા શર્માની. ટ્રેલરમાં ક્યાંય ન દેખાયેલી આ ક્યુટ હિરોઇન ફિલ્મનું એકમાત્ર વર્કિંગ વુમન કેરેક્ટર છે. પરંતુ તેને આપણો મહાન હીરો માત્ર એટલા માટે રિજેક્ટ કરે છે કેમ કે એ મુસ્લિમ છે. યુ નૉ, ‘પાપાજી કો બહુ કે તૌર પર એક શીખની હી ચાહિયે.’ એટલે સચ્ચા પ્યારના કૉટિંગ હેઠળ એના પાત્રને બીજા કોઈ સાથે લિટરલી વળગાડીને ફિલ્મમાંથી રવાના કરી દેવાય છે. જસ્ટ લાઇક ધેટ. કન્યાના પિતા પાસેથી લગ્નના દરેક ખર્ચા બદલ દર થોડી વારે બૅન્ક કાર્ડ માગવામાં આવે એ પણ જસ્ટ કોમેડી સારુ.

આ ફિલ્મની લંબાઈ પૂરા ૨ કલાક ને ૩૬ મિનિટ છે. ફિલ્મની સ્ટોરી એવી છે કે મન પડે ત્યાં સુધી સૌ કન્ફ્યુઝન-કન્ફ્યુઝન રમે અને પછી થાય કે ચાલો હવે પૅક અપ હોં, એટલે ફિલ્મ સંકેલી લેવામાં આવે. થિયેટરમાં નાસ્તાનો કારોબાર ચાલતો રહે એ જ એકમાત્ર હેતુથી અહીં દર થોડી વારે ઘોંઘાટિયાં ગીતો આવે છે. ગીતો અને ફિલ્મની સ્ટોરીને રીતસર કોઈ જ લેવાદેવા નહીં. એટલે સુધી કે ‘હવા હવા’ સોંગની પહેલાં હિરોઇન ઇલિઆના ડીક્રૂઝ કોઈ વાતે રિસાયેલી છે. વચ્ચે એ કમર હલાવીને ગીત ગાઈ લે છે. ગીત પછી ફરી પાછાં રિસામણાં ચાલુ.

ફિલ્મમાં અડધાં પાત્રો તો શા માટે ધક્કામુક્કી કરવા મુકાયાં છે એ જ સમજાય એવું નથી. પરંતુ આશ્ચર્ય એ વાતનું થાય કે પવન મલ્હોત્રા કે રત્ના પાઠક શાહ સરીખા કલાકારો શું માત્ર ગિલ્ટી પ્લેઝર માટે જ આવી ફિલ્મો કરતા હશે? ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’માં ટૉપ ક્લાસ કોમેડી કરનારાં રત્ના પાઠકે અહીં લિટરલી પડી-આખડીને અને કૃત્રિમ પંજાબી બોલીને કોમેડી કરવી પડે? એકમાત્ર અનિલ કપૂરે પોતાની એક્ટિંગની ટચલી આંગળી પર આ ઘોંઘાટિયા ફિલ્મનો ગોવર્ધન ઊંચક્યો છે. પરંતુ એમના કૅલિબરના એક્ટર આના કરતાં હજાર દરજ્જે સારી ફિલ્મો ડિઝર્વ કરે છે. અથિયા શેટ્ટી પણ ફિલ્મમાં માત્ર ‘નૅપોટિઝમ રૉક્સ’ બોલવા માટે જ આવી હોય એવું લાગે છે.

હાસ્યનો આઇડિયા

આખું અઠવાડિયું નોકરી-ધંધાની મગજમારીઓ કરીને કંટાળ્યા છીએ, ગમે તેમ કરીને હસવું છે પછી ભલે ગમે તે સ્તરની કોમેડી હોય અને ફેંકી દેવા માટે ત્રણ કલાક ને બહુ બધા પૈસા ફાજલ પડ્યા હોય, તો આ ફિલ્મ તમારા વીકએન્ડનો એક વિકલ્પ બની શકે. બાકી આ નાયગ્રા ધોધ કરતાં પણ લાઉડ અને મગજ વિનાની ફિલ્મ જોવા કરતાં બૉક્સ ઑફિસ પર બીજા ઘણા સારા વિકલ્પો ઉપલબ્ધ છે.

રેટિંગઃ * (એક સ્ટાર)

(Reviewed for Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Happy Ending

પબ્લિક ખુશ નહીં હુઈ

***

આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ એવી ઘિસીપીટી રોમેન્ટિક કોમેડી ફિલ્મોની પટ્ટી ઉતારતી આ ફિલ્મ પોતે પણ એવી જ છે.

***

pots-happy-ending-1કંગના રનોટની ‘ક્વીન’ ફિલ્મમાં એક રૂપાળો ફ્રેન્ચ રસોઇયો કંગનાને કહે છે કે તમને ભારતીયોને બધી વાનગીઓમાં મુઠા ભરી ભરીને મસાલા જ શું કામ નાખવા જોઇએ છે? બસ, એવું જ કંઈક ‘હેપ્પી એન્ડિંગ’ના ટ્રેલરોમાં ગોવિંદા બોલતો નજરે પડતો હતો, કે હીરો-હિરોઇન મળે, ભેટે, પ્રેમ થાય, પેડોં કે ઇર્દગિર્દ ગીતો ગાય, ગ્લોબલ વોર્મિંગ કરાવી દે એવાં ચુંબનો કરે અને પછી હેપ્પી એન્ડિંગ થઈ જાય… આવા મસાલા હોય તો જ ફિલ્મો જામે. અમેરિકાથી આયાત થયેલી ડિરેક્ટર જોડી રાજ નિદિમોરુ અને ક્રિશ્ના ડીકેએ બોલિવુડની આ જ ફોર્મ્યૂલાઓની મજાક ઉડાવતાં ઉડાવતાં પોતે પાછી એવી જ ફિલ્મ બનાવી નાખી છે.

રાઇટર હીરો, પ્રેમમાં ઝીરો

અમેરિકામાં રહેતો યુદી જેટલી (સૈફ અલી ખાન) એક સક્સેસફુલ સેલિબ્રિટી રાઇટર છે, જે પોતાનાં નામ-દામને વટાવીને ઐયાશીઓ કરતો ફરે છે. છોકરીઓ જોઇને એની દાઢ સળકે છે પણ પ્રેમમાં પડવાની વાત આવે કે એ ઇન્જેક્શનનું નામ સાંભળીને નાનું બાળક ભાગે એ રીતે ભાગી જાય છે. અંગ્રેજીમાં કહીએ તો એ ‘કમિટમેન્ટ ફોબિઆક’ છે. આ જ ચક્કરમાં કરીના કપૂર, પ્રીટિ ઝિન્ટા અને કલ્કિ કોચલિન જેવી ગર્લફ્રેન્ડો સાથે એનું બ્રેકઅપ થઈ ગયું છે. આખરે એના સ્ટારડમની એક્સપાયરી ડેટ આવે છે અને ભાઈ કંગાલિયતને કિનારે આવીને ઊભા રહે છે. છેલ્લે સંકટ સમયની સાંકળ તરીકે એનો લિટરરી એજન્ટ બૉલિવૂડના એક ટિપિકલ હીરો અરમાનજી (ગોવિંદા)ને પકડી લાવે છે. આ અરમાનજી એક ટિપિકલ રોમેડી (રોમેન્સ પ્લસ કોમેડી) ફિલ્મ લખવાનું કામ સૈફને આપે છે. પરંતુ સૈફે છેલ્લાં સાડા પાંચ વર્ષથી એક અક્ષરેય લખ્યો નથી. એટલે કવિઓની ભાષામાં કહીએ તો પ્રેરણા રૂપે એને કોઇકની મદદ જોઇએ છે. એ મદદ એને દેખાય છે એની જ હરીફ લેખિકા આંચલ રેડ્ડી (ઇલિએના ડીક્રૂઝ)માં. ઇલિએના લવસ્ટોરીઓ લખે છે જે ગરમાગરમ ભજિયાની જેમ વેચાઈ જાય છે. પ્રેમની પ્રેરણા લેવાની લાલચમાં સૈફ ઇલિએનાની ભેગોભેગો ફરે છે, પણ એમાં એ પોતે જ પ્રેમમાં પડી જાય છે, અને પછી? વેલ, ફિલ્મનું ટાઇટલ!

વોહી પુરાની, પ્રેમ કહાની

એક જમાનો હતો, જ્યારે માત્ર બંગાળી ફિલ્મોના હીરો જ લેખક બનવા માગતા. પછી તો આપણા બધા જ હીરોલોગ માત્ર એમબીએ જ કરવાના રવાડે ચડી ગયા. આ ફિલ્મથી ફરી એકવાર રાઇટર હીરોની એન્ટ્રી થઈ છે, એ પણ ન્યૂ એજ સેલિબ્રિટી રાઇટર. દોઢેક મહિના પહેલાં આ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થયું ત્યારે એવું લાગતું હતું કે આપણી ટિપિકલ પેમલા-પેમલીની વેવલી વાર્તાઓ કહેતી ફિલ્મોની તો આ ડિરેક્ટર જોડી ધજ્જિયાં ઉડાવી દેશે. પરંતુ ફિલ્મમાં ગોવિંદા કહે છે એમ હટ કે કુછ ભી નહીં હૈ, અને ફિલ્મ એ જ જૂનો મસાલો નવા પેકેટમાં પીરસે છે.

પરંતુ ફિલ્મનો લોચો એ નથી કે એ ચવાયેલી સ્ટોરી કહે છે, મેઇન લોચો એ છે કે એ ખાસ્સી ધીમી કમ ઢીલી છે અને માત્ર અર્બન ઑડિયન્સને જ અપીલ કરી શકે એવી છે. ફિલ્મના રાઇટર-ડિરેક્ટર રાજ નિદિમોરુ-ક્રિશ્ના ડીકે ટેલેન્ટેડ છે અને અગાઉ ૯૯, શોર ઇન ધ સિટી, ગો ગોવા ગોન જેવી સારી કહી શકાય એવી ફિલ્મો આપી ચૂક્યા છે. પરંતુ એમના દિમાગમાં પણ ક્યાંક ને ક્યાંક એ ધમાચકડી ચાલતી હોય એવું લાગે છે કે આપણી ઑડિયન્સ શું સાવ બેવકૂફ છે જેની સામે ગમે તે ફેંકો અને તે ખુશી ખુશી ચાટી જાય? આ ફિલ્મમાં માત્ર ચારેક સીનમાં દેખાતા ગોવિંદાનું પાત્ર એવું જ છે, જે માને છે કે હોલિવૂડની ફિલ્મોમાંથી ઉઠાવીને ઠપકારી દોને, કોને ખબર પડવાની છે? ફિલ્મ સો બસ્સો કરોડ કરોડ કમાઈ લે એટલે ભયો ભયો! જ્યારે સૈફ એવું માને છે કે આવા ધંધા થોડા કરાય? પણ આખરે સર્વાઇવ થવા માટે એ આવી જ એક ટિપિકલ પ્રેમકહાણી લખી આપે છે.

આ ફિલ્મમાં સૈફના અલ્ટર ઇગો એટલે કે અંતરાત્માનું પણ એક પાત્ર છે, જેનું નામ છે યોગી. આખો દિવસ ખા-ખા કરતો દાઢી અને ફાંદવાળો આ બીજો સૈફ-યોગી પેલા રાઇટર સૈફને સાચી સલાહો આપતો રહે છે. પરંતુ આપણે ત્યાં તો આમેય અંતરાત્માને સાંભળવાનો રિવાજ ઓછો છે એટલે આ પાત્ર પણ ફિલ્મમાં બોરિંગ બનીને રેહી જાય છે. ‘હેપ્પી એન્ડિંગ’માં સ્મિતથી લઇને ખડખડાટ હસાવી દે એવી ઘણી બધી મોમેન્ટ્સ છે, પણ તમને ‘આઇ એમ યંગ, ઓકે?… અચ્છા ચલો, યંગ એટ હાર્ટ’ જેવાં અંગ્રેજી નવલકથાઓમાં જોવા મળતાં વનલાઇનર્સમાં અને થોડી એડલ્ટ મજાકોમાં મજા પડતી હોય તો માણવી ગમે એવી છે.

સૈફ પોતાના સલામ નમસ્તે, લવ આજ કલ અને કોકટેઇલ જેવા છેલબટાઉ રોલમાં જ છે. ખાલી વચ્ચે વચ્ચે હાથમાં લેપટોપ લઇને લખવા માંડે છે એટલું જ નવું છે. થેન્ક ગોડ, ઇલિએના આ ફિલ્મમાં બરફીની જેમ સાવ ડોસી જેવી નથી લાગતી. પરંતુ સૌથી વધુ મજા કરાવે છે, ગોવિંદા. માત્ર ચાર જ સીનમાં એ એટલો બધો છવાઈ જાય છે કે બહાર નીકળ્યા પછી આપણને માત્ર એના જ ડાયલોગ્સ યાદ રહે છે. ખરેખર તો બોલિવુડના સુપરસ્ટારના નખરા અને એક રાઇટર વચ્ચેની કોમિક સ્ટ્રગલ પર આખી ફિલ્મ બનાવી હોત તો ખરેખરી મજા આવત. હા, ફિલ્મમાં સેકન્ડ બેસ્ટ પરફોર્મન્સ છે, રણવીર શોરીનું. આ માણસ અદ્ભુત એક્ટિંગ કરી શકે છે, પરંતુ ગોવિંદાની જેમ એનેય કોઈ સારા રોલ આપતું જ નથી. કલ્કિ કોચલિને તો પોતાનો એ જ ‘ઝિંદગી ના મિલેગી દોબારા’વાળો જળોની જેમ ચોંટી રહેતી માથાફરેલી ગર્લફ્રેન્ડનો રોલ જ રિપીટ કર્યો છે. પ્રિટી ઝિન્ટા લાંબા સમય પછી સ્ક્રીન પર દેખાઈ છે. એના ચહેરા પરથી ડિમ્પલ્સ અને એનો ચાર્મ ગાયબ છે, અને ઉંમર પણ દેખાય છે.

ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય અને અમદાવાદી સંગીતકાર જોડી સચિન-જિગરે બે ગીત સારાં બનાવ્યાં છે, જ્યારે બાકીનાં ગીતો વાગતાં હોય ત્યારે બહાર પોપકોર્ન લેવા જવાની ઈચ્છા થઈ આવે છે.

સૅડ એન્ડિંગ

ફિલ્મમાં સુપરસ્ટાર અરમાનજી બનેલા ગોવિંદા એક બ્રહ્મવાક્ય ઉચ્ચારે છે, ‘આપણે ત્રણસો રૂપિયા(ની ટિકિટ)માં લોકોને જીવવાની ફિલોસોફી નથી શીખવવી… પબ્લિક ખુશ હોની ચાહિયે યાર!’ સૅડ વાત એ છે કે ક્રિયેટિવિટીના ચમકારા હોવા છતાં આ હેપ્પી એન્ડિંગમાં પબ્લિક ખુશ થાય એવો ઝાઝો દમ નથી.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

મૈં તેરા હીરો

ધવન કરેંગે, ધવન કરેંગે, ધવન કરેંગે!

***

લોજિકને મારો ગોળી, ફુલ્ટુ વેકેશન એન્ટરટેઇનર ફિલ્મ અને નેક્સ્ટ જનરેશન ગોવિંદા ઇઝ હિઅર!

***

03-main-tera-heroઇતિહાસ ગવાહ છે, જ્યારે હૈયું ભારતમાં પ્રામાણિકતાની જેમ તળિયે જઇને બેઠું હોય, મૂડ દેવદાસ જેવો થઇ ગયો હોય, કે. એલ. સાયગલ કે દર્દભરે નગ્મે ગાવાની ઇચ્છાઓ થતી હોય અને જીવતર રાજકારણીઓની ભાષાની જેમ કડવું ઝેર જેવું લાગતું હોય, ત્યારે તેમાંથી બહાર આવવાનો એક જ રસ્તો હોય છે (ના, માંકડ મારવાની દવા નહીં), ડેવિડ ધવનની કમ્માલ ધમ્માલ કોમેડી એન્ટરટેઇનિંગ ફિલ્મો! અને વક્ત કે સાથ એમની કોમેડી પરની ધાર (વિરોધીઓની અપેક્ષાથી વિપરિત) જરા પણ બુઠ્ઠી થઇ નથી. બલકે હવે તો તેઓ એમના નવા હથિયાર શહેઝાદા વરુણ ધવન સાથે આવ્યા છે!

કિસ કો પ્યાર કરું, કૈસે પ્યાર કરું?!

શ્રીનાથ પ્રસાદ ઉર્ફ ‘સીનુ’ (વરુણ ધવન) ઊટીનો બડો શેતાન જુવાનિયો છે. એ પોતે જ કહે છે કે આમ તો એ સ્વીટ, ઇનોસન્ટ, સ્વામી ટાઇપનો દેખાય છે, પણ અસલમાં છે એકદમ (બીપ!) ટાઇપનો. આમ ભગવાનથી ડરે, પણ પરીક્ષામાં પાસ થવા માટે એ પોતાના પ્રોફેસરની છોકરીને લગ્નમંડપમાંથી કિડનેપ કરી લે એવો ચાલુ કિસમનો માણસ છે. પરંતુ એના પપ્પા (મનોજ પાહવા)નો ટોણો સાંભળીને એ ભરેલી થાળીએ ઊભો થઇ જાય છે અને નક્કી કરે છે કે હવે હું બેંગલુરુ જઇશ અને કાગડા-કૂતરાના મોતે મરીશ પણ ડિગ્રી લીધા વિના પાછો નહીં આવું.

બેંગલુરુ જતી ટ્રેનમાં કેટલાક ગુંડા લડકીઓની છેડતી કરે છે અને એકદમ હીરો સ્ટાઇલમાં સીનુ એ ગુંડાઓનો ભાજીપાલો કરી નાખે છે. બેંગલુરુ પહોંચીને ક્લાસ અટેન્ડ કરે એ પહેલાં તો એને સુનૈના (ઇલિયાના ડી’ક્રૂઝ) મળી જાય છે અને એની સાથે પહલી નજરનો પ્રેમ થઇ જાય છે!  સુનૈનાને પણ આ દિલફેંક આશિક ગમી જાય છે, પણ કબાબમાં હડ્ડી એવી છે કે ઇન્સ્પેક્ટર અંગદ નેગી (અરુણોદય સિંહ) નામનો એક ખૂંટિયો વિલન સુનૈનાની પાછળ નહાઇ-ધોઇને પડી ગયો છે.

સીનુ પોતાના દિમાગથી અંગદ નામના કાંટાને રસ્તામાંથી હટાવે છે, ત્યાં જ કહાનીમાં હેલિકોપ્ટર સાથે નવો ટ્વિસ્ટ આવે છે. ટ્રેનમાં જ્યારે સીનુ ગુંડાલોગને નાળિયેરની જેમ વધેરતો હોય છે, ત્યારે એક છોકરી આયેશા (નરગિસ ફખરી) એ ફાઇટને મોબાઇલમાં શૂટ કરતી કરતી એના પ્રેમમાં પડી ગયેલી હોય છે. એ આયેશા વાસ્તવમાં થાઇલેન્ડના ડોન વિક્રાંત (અનુપમ ખેર)ની દીકરી છે. આયેશા હેલિકોપ્ટરમાં ઇલિયાનાને કિડનેપ કરીને પિત્ઝાની જેમ બેંગકોક મંગાવી લે છે. એની પાછળ વરુણ પણ બેંગકોક પહોંચી જાય છે. હવે વરુણની સામે બે ચેલેન્જ છે, ડોનલ્ડ ડક જેવા હોઠવાળી નરગિસ ફખરીથી છૂટકારો મેળવવો અને એના ગેંગસ્ટર બાપના પંજામાંથી પોતાની ઇલિયાનાને સહીસલામત બહાર કાઢવી.

ધવન એન્ડ ઓન્લી, વરુણ!

પપ્પા ડેવિડ ધવન દીકરા વરુણ માટે કહેતા હશે, ‘વો તો મેરી જાન હૈ!’ (એટલે જ કદાચ પહેલી વાર, ફિલ્મના હીરોને એટલે કે વરુણને શરૂઆતમાં સ્પેશિયલ થેન્ક્સ કહેવાયું છે!) પરંતુ વરુણ લિટરલી ‘મૈં તેરા હીરો’ની જાન છે. એનો ક્યૂટ ચહેરો, ચહેરા પર રમતિયાળ સ્માઇલ, એનું સિક્સપેક એબ્સવાળું ગઠીલું બોડી, કોમિક ટાઇમિંગ, એક્શન સીન્સ કરવાની ફાવટ, એનર્જેટિક પરફોર્મન્સ… આ બધું જ એને એક કમ્પ્લિટ એન્ટરટેનિંગ હીરો મટિરિયલ બનાવે છે. આ ફિલ્મમાં બબ્બે હોટ હિરોઇન્સ છે; અનુપમ ખેર, સૌરભ શુક્લા, રાજપાલ યાદવ, મનોજ પાહવા, અરુણોદય સિંહ જેવી સપોર્ટિંગ સ્ટારકાસ્ટ છે, પણ તમારું ધ્યાન વરુણ ધવન પરથી હટે નહીં. ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’નો આ હોનહાર વિદ્યાર્થી અહીં ફુલ માર્ક્સ સાથે પાસ થયો છે. જો વરુણ આ જ એનર્જીથી ભરપુર, (અને ખાસ તો) વેરાયટીવાળી ફિલ્મો આપતો રહેશે તો રણબીર, રણવીર, અર્જુન અને આદિત્ય રોય જેવા કપૂરો તથા કેટલાક જૂના જોગીઓને બ્લડપ્રેશરની ગોળીઓ ગળવી પડે એવી સિચ્યુએશન આવશે!

પાપા ડેવિડ કે બાકી સિપાહી

કોઇ મસાલેદાર કોમિક્સ જેવા પેકિંગમાં પેશ થયેલી ‘મૈં તેરા હીરો’ વાસ્તવમાં 2011માં આવેલી તેલુગુ ફિલ્મ ‘કન્દિરીગા’ની રિમેક છે. જોકે આખી ફિલ્મમાં પૂરેપૂરી ડેવિડ ધવનની ફિંગરપ્રિન્ટ સ્ટાઇલ વર્તાય છે. હિરોઇન ઇલિયાના એની આ પહેલાંની ફિલ્મ ‘ફટા પોસ્ટર નિકલા હીરો’ કરતાં સારી દેખાય છે, પણ ફસાદ કી જડ બનવા સિવાય એની પાસે ખાસ કશું કામ આવ્યું નથી. નરગિસ ફખરી પાસે હાલ બીજું કશું કામ નથી એ દેખાઇ આવે છે, કેમ કે એણે આવો ડમ્બ જેવો રોલ સ્વીકાર્યો છે.

અનુપમ ખેર, રાજપાલ યાદવ, મનોજ પાહવા એ બધા જે પાત્રો ભજવતા આવ્યા છે, એનું જ અહીં રિપીટેશન કર્યું છે. અરુણોદય ગુસ્સૈલ દિમાગવાળા રોલમાં અને પછીથી બુદ્ધુ બનતા આશિકના રોલમાં પરફેક્ટ લાગે છે. પરંતુ સ્પેશિયલ મેન્શન ફોર, સૌરભ શુક્લા. એ માણસ કોઇપણ રોલ ગજ્જબ સ્વાભાવિકતાથી ભજવી શકે છે. એટલે સુધી કે અહીં એક તબક્કે એણે માત્ર આંખો અને ચહેરાથી એક્ટિંગ કરવાની આવે છે, એ પણ કોઇ આખા રેન્જીપેન્જી એક્ટરને ભારે પડે એવી ધાંસૂ છે! ફિલ્મમાં બે સીન પૂરતા ‘આઉ…’ શક્તિ કપૂર પણ આવે છે, જે માત્ર ફિલ્મોનાં નામ જ બોલે છે. સ્ટાર્ટિંગના સીન પૂરતા અનુપમના ભાઈ રાજૂ ખેર પણ છે. આ બંને સિનિયર એક્ટર્સની હાજરીની નોંધ લેવી ઘટે. અરે હા, આ ફિલ્મમાં સલમાન ખાન પણ છે, પણ એ ફિલ્મમાં શું છે અને ક્યાં છે એ શોધવાનું કામ તમારું!

થેન્ક ગોડ, 128 મિનિટ્સની આ ફિલ્મમાં ફાલતૂ બિનજરૂરી ગીતોનું ટ્રેક્ટર ઠાલવ્યું નથી. સાજિદ-વાજિદે ટાઇટલ ટ્રેક ‘પલટ… તેરા હીરો ઇધર હૈ’ અને ‘બેશર્મી કી હાઇટ’ સારાં બનાવ્યાં છે. ફિલ્મમાં એક મસ્તીભર્યું પેરોડી સોંગ પણ છે! આખી ફિલ્મ વધારે ચટપટી બની છે આપણા ગુજરાતી એવા મિલાપ ઝવેરીના ચબરાકિયા ડાયલોગ્સને લીધે. ફિલ્મ વચ્ચે વચ્ચે ડોલ્ફિનની જેમ ડૂબકીઓ ખાય છે, પણ ધવન એન્ડ ધવન કંપની બાજી સંભાળી લે છે.

એ હીરો, કિતને સ્ટાર?

જુઓ, બચ્ચાંલોગની પરીક્ષા પૂરી થઇ ગઈ છે, આઇપીએલ શરૂ થયું નથી, ટીવી પર ચૂંટણી સિવાય બીજી કોઇ વાત નથી… ઇન શોર્ટ, એક ફુલ્ટુ એન્ટરટેઇનિંગ ફિલ્મ જોવા માટે મૌકા ભી હૈ, દસ્તૂર ભી હૈ; ડેવિડ ભી હૈ, વરુણ ભી હૈ! એક ફિલ્મની રીતે આ કોઇ ગ્રેટ પીસ ઓફ સિનેમા નથી, પણ કમ્પ્લિટ ફેમિલી એન્ટરટેનર છે, જે તમને જરાય નિરાશ નહીં કરે, એની ગેરન્ટી! (અને ડેવિડ ધવનની ફિલ્મ છે એટલે એમાં લોજિક શોધવા જશો તો દિવેલ પીધા જેવું ડાચું કરીને પાછા આવશો, એની પણ ગેરન્ટી!)

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

ફટા પોસ્ટર નિકલા હીરો

સંતોષી બની ગયા શેટ્ટી

***

‘અંદાઝ અપના અપના’ની યાદ અપાવે તેની રાજકુમાર સંતોષીની આ ‘ગૂફી’ ફિલ્મનું પેકેજિંગ અદ્દલ રોહિત શેટ્ટી સ્ટાઇલ છે.

***

14719-phata20poster20nikla20hero202013કળાની દુનિયામાં કહેવાય છે કે સર્જક પાસે જ્યારે સર્જકતા ખૂટી પડે છે, ત્યારે તે પોતાની જાતને જ રિપીટ કરવા માંડે છે. એક સમયે ઘાયલ, દામિની, ઘાતક, પુકાર, લજ્જા અને લેજન્ડ ઓફ ભગતસિંઘ જેવી ફિલ્મો બનાવી ચુકેલા રાજકુમાર હવે ખાસ્સા ‘સંતોષી’ થઇ ગયા લાગે છે. કેમ કે, એક તો એમણે ખાસ્સાં ચાર વર્ષ પછી ફિલ્મ બનાવી અને એ પણ પોતાની જ અંદાઝ અપના અપના અને અજબ પ્રેમ કી ગજબ કહાનીના હેંગઓવર જેવી ફટા પોસ્ટર નિકલા હીરો.

પહેલા વીકએન્ડનો શેટ્ટી ફોર્મ્યૂલા

પાછલાં ચાર વર્ષમાં રાજકુમાર સંતોષીએ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી રહેલી રોહિત શેટ્ટીની ગોલમાલ છાપ અને સલમાનની દબંગ છાપ ફિલ્મો જોઇ જોઇને વિચાર્યું હશે કે બોસ, આવી ફારસ ટાઇપની ફિલ્મ તો આપણે છેક 1994માં જ્યારે સલમાન અને આમિર ‘ઉઇ મા’ અને  ‘હાઇલા’ કરતા હતા ત્યારે જ બનાવી ચૂક્યા છીએ. તો પછી શા માટે સિરિયસ ફિલ્મો પર ખૂબ બધું રિસર્ચ કરવાનું? અને એય પાછું એવી ફિલ્મો હીટ જવાની તો ગેરન્ટી ન જ હોય! આવી ફિલ્મો ભલે એકાદ અઠવાડિયું ખેંચે પણ ત્યાં સુધીમાં ચાલીસેક કરોડ રૂપિયા ઉસેટી લાવે તોય ઘણું! મતલબ કે આમાં ચટ રિલીઝ અને પટ કમાણી એવું લોજિક હોય તો પણ નવાઇ નહીં.

કોમેડી ઓફ એરર્સ

સાવિત્રીબેન (પદ્મિની કોલ્હાપુરે) મહારાષ્ટ્રના એક ગામડામાં રહે છે અને ઓટોરિક્ષા ચલાવીને પોતાના ઇકલૌતા દીકરાને ઉછેરે છે. એનો વર મુકેશ તિવારી એક ભ્રષ્ટ પોલીસ અધિકારી હતો અને એક ગુનામાં અકસ્માતે મૃત્યુ પામેલો. એટલે જ સાવિત્રીબુનને પોતાના દીકરાને એક ઇમાનદાર પુલિસ ઇન્સ્પેક્ટર બનાવવો છે, પણ દીકરા વિશ્વાસ રાવ (શાહિદ કપૂર)ના મગજમાં તો ફિલ્મી હીરો બનવાનું ભૂત ભરાયું છે. એટલે એને જ્યારે મુંબઇ જઇને પોલીસ ખાતામાં ભરતી થવાનો ચાન્સ મળે છે, ત્યારે એ પોલીસ બનવાને બદલે ફિલ્મ સ્ટુડિયોના આંટાફેરા કરતો થઇ જાય છે. એમાં એક દિવસ એને પોલીસના ગેટઅપમાં આંટા મારતો જોઇને એક ફૂટડી સોશિયલ વર્કર કાજલ (ઇલિઆના ડી ક્રૂઝ) એને કહે છે કે એ પોલીસવાળા સાહેબ, ત્યાં એક મોલની બહાર ગુંડાઓ છોકરીયુંની છેડતી કરે છે. આ ભાઇ પણ તાનમાં આવીને દબંગ સ્ટાઇલમાં ઊછળી ઊછળીને ગુંડાઓની હડ્ડીપસલી એક કરી નાખે છે.

હવે એ ગુંડાઓ સ્થાનિક ડોન ગુંડપ્પા (સૌરભ શુક્લા)ના આદમીઓ હોય છે. એ એરિયાનો અસલી પોલીસ ઇન્સ્પેક્ટર ઘોરપડે (ઝાકીર હુસૈન, સરકાર ફિલ્મનો રશીદ) એ ગુંડપ્પા પાસેથી કિલોગ્રામના હિસાબે હજાર હજારની અસલી નોટો લાંચ તરીકે લે છે એટલે એ ગુંડાઓને બદલે શાહિદ કપૂરને પકડવાના કામે લાગી જાય છે. હવે શાહિદે પોતાની મમ્મીને ખોટેખોટું કહી દીધું છે કે પોતે પોલીસ બની ગયો છે. એટલે ખાખીવર્દીમાં પોતાના દીકરાને જોવા માટે પદ્મિનીબેન મુંબઇ આવવાનું નક્કી કરે છે ત્યારે ડરી ગયેલો શાહિદ પોલીસ પોલીસ રમવાનું ચાલુ કરે છે. વચ્ચે પાછા બેત્રણ વાર ગુંડપ્પાના ગુંડાઓની પણ ધોલાઇ કરી લે છે. હવે સાચી પોલીસના કમિશનર શિવાનંદ ખરે (દર્શન જરીવાલા) અને પેલી ગુંડપ્પા-ઘોરપડે એન્ડ કંપની એમ બંને પાર્ટીઓ વિચારમાં પડે છે કે આ વળી કયો નવો પોલીસવાળો આવ્યો છે જેની આપણને પણ ખબર નથી?!

ત્યાં કહાનીમાં એકસાથે બે ટ્વિસ્ટ આવે છે. એક તો પદ્મિની કોલ્હાપુરેને ખબર પડી જાય છે કે એનો દીકરો એને અલીબાગથી આવેલી સમજીને બેવકૂફ બનાવે છે અને બિચારીને સખત આઘાત લાગે છે. બીજી બાજુ ગુંડપ્પાનો પણ બોસ એવો નેપોલિયન વિદેશથી મુંબઇમાં એક મહા ભયંકર એવું ‘ઓપરેશન વ્હાઇટ એલિફન્ટ’ પાર પાડવા આવી રહ્યો છે. પછી ધમાચકડી, ધબાધબી અને હસાહસી…

જૂની રસોઇનું ટેસ્ટી રિસાઇકલિંગ

નસિરુદ્દીન શાહની ફિલ્મ ‘હીરો હિરાલાલ’ના ડાયલોગમાંથી આ ફિલ્મનું નામ ‘ફટા પોસ્ટર નિકલા હીરો’ રાખવામાં આવ્યું છે એ તો સૌ જાણે છે. પરંતુ ફિલ્મ જોયા પછી ખબર પડે છે કે આ ફિલ્મમાં તો બીજી ઘણી બધી ફિલ્મોના સંદર્ભો ઠપકારવામાં આવ્યા છે. જેમ કે, અંદાઝ અપના અપનાના સલમાન ખાનની ફિલ્મી હીરો બનવાની ઘેલછા અહીં છે. તો ખુદ સાચુકલો સલમાન ખાન ગેસ્ટ અપિયરન્સ પણ કરે છે અને આમિર ખાનની ફિરકી પણ લે છે. અજબ પ્રેમ કી ગજબ કહાનીનો કોમિક્સ જેવો લુક અને ગુંચવાડાવાળો ક્લાઇમેક્સ પણ અહીં છે. મુન્નાભાઇ એમબીબીએસના સંજુબાબા જે રીતે નકલી ડોક્ટર બનીને પિતા સુનિલ દત્તને મુરખ બનાવે છે, એ જ રીતે શાહિદ પણ પોતાની મમ્મી પદ્મિનીને નકલી પોલીસ બનીને મુરખ બનાવે છે. જેમ્સ બોન્ડની ફિલ્મો જેવાં ચિત્રવિચિત્ર ગેજેટ્સ પણ અહીં છે, તો હોલિવૂડની કોઇ સુપરહીરો ફિલ્મ જેવાં બાયોલિજકલ વેપનથી હુમલો કરવાની વાત પણ અહીં છે. અને અત્યારની બધી મસાલા ફિલ્મોની જેમ ન્યુટનને પણ ચક્કર આવી જાય એવી ગ્રેવિટીની ઐસી તૈસી કરીને કરાયેલી ફાઇટિંગ પણ છે. પાછા તો શાણા એવા કે બધી ફિલ્મોના પ્લોટ ઉઠાવે અને દોઢ ડાહ્યા થઇને એનો ઉલ્લેખ પણ કરી દે!

‘અજબ પ્રેમ કી…’માં હતાં એવા જ ગીતો સંગીતકાર પ્રીતમે બનાવવાની કોશિશ કરી છે અને ગાયકમાં પણ એ જ આતિફ અસલમનો શરદી થઇ હોય એવો અવાજ સંભળાયે રાખે છે. હા, અત્યારે માર્કેટમાં મિકા ચાલે છે એટલે મિકાનું ‘અગલ બગલ’વાળું સોંગ નખાયું છે, પણ એને બાદ કરતાં બધાં ગીતો તદ્દન કંગાળ અને ફિલ્મની ગતિને સજ્જડ બ્રેક લગાવે એવાં છે.  પેલી ‘રોકસ્ટાર’વાળી નરગિસ ફખરીનું એક આઇટેમસોંગ પણ છે, પરંતુ એ પણ એના કરતાં તો એ ગીત પછી શાહિદ કપૂર જે ગાંડા કાઢે છે એ જોવાની વધારે મજા આવે છે!

ટેલેન્ટથી ભરચક એવા રાજકુમાર સંતોષી જાણે રહી રહીને પોતાના જ પ્રેમમાં પડી ગયા હોય એમ પોતાની જ ફિલ્મોનાં પોસ્ટર ફડાવે, પોતાનાં જ ગીતો વગાડે અને પોતાની જ ફિલ્મોનાં સંદર્ભો ટાંકે એ બધું વધારે પડતું લાગે છે.

બાકી એક્ટિંગ ડિપાર્ટમેન્ટમાં શાહિદ કપૂર, સૌરભ શુક્લા, ઝાકિર હુસૈન, દર્શન જરીવાલા અને સંજય મિશ્રા ખરેખર મજા કરાવી દે છે. જ્યારે છેલ્લે બરફીમાં દેખાયેલી ઇલિનાના ભાગે ગીતો ગાવા સિવાય ખાસ કશું કામ છે નહીં.

દિમાગ ઘરે મૂકીને જજો

ઇન શોર્ટ, આ ફિલ્મમાં કશું જ નવું નથી, પરંતુ ગઇ રાતની ખીચડી લસણ નાખીને ફરીથી વઘારીને ખાઇએ તો મજા આવે. એ રીતે જૂનો માલ ઠપકાર્યો હોવા છતાં લગભગ બધી જ સિચ્યુએશનમાં આ ફિલ્મ હસાવવામાં સફળ જાય છે. બીજું, આ ફિલ્મ કોમેડી ઓફ એરર્સ પ્રકારની ટાઇમપાસ એન્ટરટેનર છે. એટલે એમાં ‘આવું કંઇ થોડું હોય’ એવા પ્રકારનું લોજિક શોધવા જવાની ભૂલ ન કરશો. અહીં ખૂનખાર વિલન પણ સેન્ટિમેન્ટલ થઇ જાય છે અને પોલીસ કમિશનર પણ નાના બચ્ચાની જેમ બેવકુફ બની જાય છે. ફિલ્મમાં બધું જેમ છે તે જ રીતે સ્વીકારી લેશો તો વધારે મજા આવશે. અને સૌથી મહત્ત્વનો પોઇન્ટ, આ ફિલ્મ એકદમ સાફસૂથરી ફેમિલી ફિલ્મ છે. ફિલ્મમાં ગંદા બેડરૂમ સીન કે ડબલ મિનીંગ ડાયલોગ્સ વગેરે કશું જ નથી. એક કિસિંગ સીન છે, પણ એય તદ્દન સાત્ત્વિક આયુર્વેદિક પ્રકારનો. ધેટ્સ ઓલ!

એટલે ફિલ્મ વિવેચકો આ ફિલ્મ બોગસ છે એવું કહીને એના પર માછલાં ધોશે, પરંતુ તમારે જો આખા અઠવાડિયાનો થાક ઉતારવો હોય કે બચ્ચાંલોગને લઇને એક સારી સાંજ પસાર કરવી હોય, તો આ ફિલ્મ ફાયદાનો સોદો છે. જોઇ આવો તમ તમારે!

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements