જોલી LLB-2

વકીલોં કા ખિલાડી

***

સ્ટારકાસ્ટ, રાઇટિંગ, ઍક્ટિંગ બધા મામલે સરસ હોવા છતાં આ કોર્ટરૂમ ડ્રામાની સિક્વલ નવીનતાના અભાવે તેના અગાઉના વર્ઝનની સરખામણીએ થોડી ફિક્કી લાગે છે.

***

jolly-llb-2-poster-1મજબૂત રાઇટિંગ અને ખમતીધર એક્ટિંગ એક એવરેજ ફિલ્મને પણ કેવી રીતે ઊંચકી શકે છે તેનું પર્ફેક્ટ ઉદાહરણ એટલે રાઇટર ડિરેક્ટર સુભાષ કપૂરની સિક્વલ ફિલ્મ ‘(ધ સ્ટેટ વર્સસ) જોલી LLB 2’. આમ જોવા જાઓ તો આ સિક્વલ ૨૦૧૩માં અર્શદ વારસીને જગદીશ ત્યાગી ઉર્ફ ‘જોલી’ તરીકે ચમકાવતી પ્રિક્વલની ઝેરોક્સ કૉપી જેવી જ છે. છતાં ફિલ્મની ઑવરઑલ ટ્રીટમેન્ટ મનોરંજનનું લેવલ ઓછું થવા દેતી નથી.

ઇન્સાફ કૌન કરેગા

મોટા ભાગની કૉર્ટરૂમ ડ્રામા ફિલ્મોમાં હોય છે એવી જ સ્ટોરી અહીં છે. એક તરફ છે પૈસા અને પાવરના હાથીની અંબાડીએ બેઠેલા લોકો. બીજી તરફ છે એ જ હાથી નીચે કચડાઈ જનાર ભારતનો કોઇપણ આમઆદમી. એક જ આશા છે સાડાત્રણ કરોડ કૅસોના ભાર નીચે દબાયેલી આપણી કૉર્ટ. પરંતુ ત્યાં પણ એ જ સ્થિતિ, મની પ્લસ મસલ પાવરથી આરોપી છટકી જાય. તો છે કોઈ એમને બચાવનાર? જી હા. ઍન્ટર, જગદીશ્વર મિશ્રા ઉર્ફ ‘જોલી’ (અક્ષય કુમાર). એક મોટા ઍડવોકેટને ત્યાં પટાવાળો બનીને રહી ગયેલા જોલીને પણ ઇચ્છા છે કે એય તે નામીચો વકીલ બને. પરંતુ એનો સ્વાર્થ એના અંતરાત્મા પર એવો ઘા કરે છે એ અંબાડીએ બેઠેલા લોકોની સામે જીવના જોખમે બાથ ભીડવા તૈયાર થઈ જાય છે. તમને શું લાગે છે એ નિષ્પક્ષ ન્યાય અપાવી શકશે? સોચ લો ઠાકુર, એમના હરીફ વકીલ પ્રમોદ માથુર (અન્નુ કપૂર) પહોંચેલી માયા છે. જ્યારે જસ્ટિસ સુંદરલાલ ત્રિપાઠી (સૌરભ શુક્લા) માટે કહેવાય છે કે એ ભલે ટેડી બૅર જેવા દેખાતા હોય, પણ ખડૂસ આદમી છે. ચુકાદો જાણવા માટે તમારે બસ ૨ કલાક ને ૧૮ મિનિટ જ ઇન્વેસ્ટ કરવાની છે.

મેરે કાબિલ દોસ્ત

‘જોલી LLB’ના સાચા હીરો હતા રાઇટર-ડિરેક્ટર સુભાષ કપૂર. અહીં તેની સિક્વલમાં પણ એમના રાઇટિંગ, ડિટેલિંગ અને તમામ કલાકારો પાસેથી લીધેલી ઍક્ટિંગ બદલ મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ તો સુભાષ કપૂરને જ આપવો પડે. એમણે સર્જેલું જોલી એક એવું પાત્ર છે જે મહત્ત્વાકાંક્ષી છે, ભયંકર પ્રેક્ટિકલ છે અને કોઇનું ‘કરી નાખવામાં’ એનું રૂંવાડુંય ન ફરકે એવો સ્ટ્રીટ સ્માર્ટ લુચ્ચો છે. ફિલ્મની શરૂઆતમાં જ ડિરેક્ટરે આ વાત આપણને બૉર્ડની પરીક્ષાના માસ કૉપીઇંગ સીનમાં બતાવી દીધી છે. જો આપણી અંદર સહેજ પણ પ્રામાણિકતા બચી હોય, તો એ સીન જોઇને ‘હાય હાય’ નીકળી જાય, પરંતુ બે વર્ષ પહેલાં બિહારથી આવેલાં સામુહિક ચોરી કરો અભિયાનનાં દૃશ્યો યાદ કરીએ એટલે થાય કે વાસ્તવિકતા આનાથી કંઈ ખાસ અલગ તો નથી જ.

સુભાષ કપૂરે જે કૉર્ટ અને તેનાં પાત્રો સરજ્યાં છે તે આપણે જોવા ટેવાયેલા છીએ તેનાથી ક્યાંય અલગ અને વધુ રિયલ છે.saurabh-shukla-759 તેમાં ટિપિકલ કૉર્ટરૂમ ટર્મિનોલોજીની ફેંકાફેંક નથી. અત્યંત ગંભીર વાત છતાં એક હળવો ટોન સતત બરકરાર રહે છે. અહીં કૉર્ટ ફાઇલોથી લદાયેલી છે, ખુદ જજ માટે લાઇટિંગની યોગ્ય વ્યવસ્થા નથી. એ જજ (ધ બેસ્ટ સૌરભ શુક્લા) પણ દિલ્હીથી ટ્રાન્સફર થઇને આવ્યા છે. એ સતત મજાકમસ્તીના મૂડમાં હોય છે. દીકરીનાં લગ્નમાં કરવાનો ડાન્સ કરતાં કરતાં કે ક્યારેક જોગિંગ કરતાં કરતાં કૉર્ટમાં પ્રવેશે છે. ડ્રાયફ્રૂટ્સ અને હાર્ટની ગોળીઓ ગળતા રહે છે. દર થોડી વારે ટેબલ પરના છોડને પાણી આપતા રહે છે. દીકરીનાં લગ્નની કંકોતરીનું પ્રૂફરીડિંગ પણ કૉર્ટમાં બેસીને જ કરે છે. પરંતુ ભયંકર અનપ્રીડિક્ટેબલ છે. કોઇની સાડાબારી રાખતા નથી અને પોતાની કૉર્ટમાં પોતાના સિવાય કોઇનેય હાવી થવા દેતા નથી. જસ્ટિસ ત્રિપાઠીનું અત્યંત બારીક ડિટેલિંગથી લખાયેલું પાત્ર અને તેમાં સૌરભ શુક્લાનું ટેરિફિક પર્ફોર્મન્સ આ ફિલ્મનું સૌથી બેસ્ટ પાસું છે.

પહેલી ફિલ્મમાંથી અર્શદ વારસીની જગ્યાએ અક્ષય કુમારને લેવાનો નિર્ણય પૂરેપૂરો માર્કેટ ઑરિએન્ટેડ હોવાનું દેખાઈ આવે છે. નો ડાઉટ, અક્ષય અહીં પણ ફુલ ફોર્મમાં છે અને બરાબરનો ખીલ્યો છે. મારો પર્સનલ ઓપિનિયન અક્ષયના ચાહકોને કદાચ નહીં ગમે, પરંતુ સૌરભ શુક્લા અને બમન ઇરાની જેવાં ધરખમ અદાકારોની વચ્ચે ઘેરાયેલા હોવા છતાં અર્શદે અલગ તરી આવવા માટે પોતાનો અવાજ ઊંચો કરવાની જરૂર નહોતી પડી. અહીં અક્ષયે એ જ સૌરભ શુક્લા અને અન્નુ કપૂરની વચ્ચે પોતે સ્ટાર છે પુરવાર કરવા માટે સતત ઘોંઘાટ કરતા રહેવું પડે છે. જ્યારે એ જ સીનમાં ઊભેલા અન્નુ કપૂર પણ પોતાની સ્ટાઇલમાં ડાયલોગ બોલે છે અને સીન ખાઈ જાય છે.

‘જોલી-૧’માં હિટ એન્ડ રન કૅસ હતો જ્યારે અહીં ફેક એન્કાઉન્ટર છે. એ સિવાય લગભગ સરખા જ રસ્તેથી પસાર થતી આ ફિલ્મ સુભાષ કપૂરના બારીક કોતરણીવાળાં પાત્રોને લીધે જીવંત લાગે છે. અક્ષયનો લુક હોય, સતત પાન ખાવાને લીધે લાલ થયેલા દાંત હોય, દારૂ પીતી વખતે એ જનોઈ કાન ઉપર ચડાવતો હોય, બહાર ગામનું કરી નાખતો હોય પણ ઘરે પત્નીથી થોડો ડરતો હોય અને એને રસોઈ બનાવીને જમાડતો હોય, પત્ની પણ બ્રૅન્ડેડ કપડાંની દીવાની હોય, આલ્કોહોલિક હોય, પહોંચેલા વકીલને ત્યાં ઇન્ટરનેટ-કૅબલની જેમ કૅસ લડવાનાં પણ અલગ અલગ પૅકેજ હોય, કૉર્ટમાં ચૅમ્બરોની સોદાબાજી થતી હોય અને ખર્ચો કાઢવા માટે વકીલો સાઇડમાં પાન બનાવીને પણ વેચતાં હોય, ક્યાંક ઘૂંઘટ ઇલેવન વર્સસ બુરખા ઇલેવનની ક્રિકેટ મૅચ ચાલતી હોય… આ બધાને લીધે ફિલ્મ એકદમ ભરચક લાગે છે, પાત્રો કાર્ડબોડિયાં બની જવામાંથી બચી ગયાં છે અને ફિલ્મની ઘણી ત્રુટિઓ ઢંકાઈ ગઈ છે. જેમ કે, ફિલ્મનાં ગીતો અત્યંત નબળાં છે અને ફિલ્મની ગતિને ભયંકર રીતે બ્રેક મારે છે. કૅસમાં અહીં તહીંથી નવાં નવાં પાત્રો આવતાં રહે છે અને ગાયબ થતાં રહે છે. જેમાં ખાસ ટેન્શન અનુભવાતું નથી. જ્યાં જ્યાં હીરોનો પનો ટૂંકો પડતો લાગે, ત્યાં ત્યાં કોઈ નવું પાત્ર હાજર કરીરીને થીગડું મારી દેવાયું છે. વધુ પડતી હળવાશ ઊભી કરવાની લ્હાયમાં ફિલ્મ ખાસ્સી ઑવર ડ્રામેટિક પણ બની ગઈ છે. ગીતો અને અમુક સીન કાપીને આ ફિલ્મને ચુસ્ત બનાવવા જેવી હતી.

મુખ્ય પાત્રો ઉપરાંત કુમુદ મિશ્રા, માનવ કૌલ, સયાની ગુપ્તા, ઇનામુલ હક, વિનોદ નાગપાલ, બ્રિજેન્દ્ર કલા, ગુરપાલ, રાજીવ ગુપ્તા અને સંજય મિશ્રા જેવા પોણો ડઝન કલાકારો છે. સ્વાભાવિક છે, બધાને યોગ્ય ફૂટેજ મળ્યું નથી. ‘જોલી-૧’માં અર્શદના અંતરાત્માને ઢંઢોળવાનું કામ હિરોઇન અમ્રિતા રાવનું હતું. જ્યારે આ જોલી પાર્ટ ટુ તો સ્ટાર છે, એટલે એમનો અંતરાત્મા જગાડવા માટે કોઈ ડિવાઇન ઇન્ટરવેન્શન જોઇએ. આમાં જ હુમા કુરેશીના ભાગે એક પણ નક્કર સીન નથી આવ્યો. પહોંચેલા વકીલની ભૂમિકામાં અન્નુ કપૂર પર્ફેક્ટ છે, પરંતુ જે ખોફ બમન ઇરાનીએ ઊભો કરેલો એ અન્નુ કપૂરમાં નથી દેખાતો. ઓવરઓલ ભયનો જે ઓથાર ‘પિંક’માં હતો તે પણ અહીં ગાયબ છે. શાહરુખ-સલમાન-સની દેઓલથી લઇને આલિયા ભટ્ટ અને ઑરિજિનલ ‘જોલી’ને પણ ડિરેક્ટર સુભાષ કપૂરે હ્યુમરસ અંજલિઓ આપી છે. જોકે ગનીમત છે કે ‘જોલી-૨’નો કૉર્ટરૂમ ડ્રામા ‘રૂસ્તમ’ની જેમ સાવ ફારસ નથી બની ગયો.

મઝા-એ-મનોરંજન

‘જોલી LLB 2’ એક બુદ્ધુ, શીખાઉ, ચલતા પુર્જા ટાઇપ વકીલનું માનવતાવાદી અને પ્રામાણિક લડવૈયામાં રૂપાંતર બતાવતી સ્ટોરી હોવી જોઇતી હતી. તેને બદલે એક સ્ટાર કેવી રીતે જીવનું જોખમ ખેડીને હીરો બને છે એ વાત જ આ ફિલ્મમાંથી બહાર આવે છે. એટલે આપણા ન્યાયતંત્ર પર અમુક યોગ્ય કમેન્ટ્સ અને હિન્દુ-મુસ્લિમ ભાઈચારાના મેસેજને બાદ કરતાં આ ફિલ્મ મેઇનસ્ટ્રીમ મનોરંજન માટે જ જુઓ તો વધુ બહેતર રહેશે.

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

ડેઢ ઇશ્કિયા

ઢાઇ ઘંટે કા મુશાયરા

***

તબિયતથી લખાયેલી હોવા છતાં આ ફિલ્મ શાયરાના મિજાજી અને ડાર્ક હ્યુમર પસંદ કરતા લોકોને જ વધારે પસંદ આવશે.

***

naseeruddin-shah-madhuri-dixit-arshad-warsi-and-huma-qureshi-in-dedh-ishqiya-movie-posterહઝરાત, એક શેર અર્ઝ કરને જા રહે હૈં, મુલાયઝા ફરમાઇયેગા… કિ ‘વો આયે મુશાયરા-એ-ફિલ્મ લે કર, વિશાલ ભારદ્વાજ કી કુદરત હૈ; કભી હમ માધુરી કો કભી નસીર મિયાં કો દેખતે હૈં..!’ તો જનાબ, વાત એવી છે કે વિશાલ ભારદ્વાજની ઇન્ટેલેક્ચ્યુઅલ મહેફિલમાંથી અભિષેક ચૌબે નામના ફનકાર એમની ‘ઇશ્કિયા’ની જુગલ જોડી નાસિર-અર્શદ સાથે ફરી એકવાર ‘ડેઢ ઇશ્કિયા’ લઇને હાજર થયા છે. પ્રેમ કરતાં છળ કપટ અને દગાખોરીથી ભરેલી આ ફિલ્મ તબિયતથી શાયરાના અને ડાર્ક હ્યુમરના આશિકોને જ પલ્લે પડશે.

બડે ધોખે હૈં ઇસ રાહ મેં

પહેલા ભાગ (ઇશ્કિયા) પરથી આપણે જાણીએ છીએ કે ઇફ્તિખાર હુસૈન ઉર્ફ ખાલુજાન (નસીરુદ્દીન શાહ) અને રઝ્ઝાક હુસૈન ઉર્ફ બબ્બન (અર્શદ વારસી) દોનોં છટે હુએ બદમાસ છે. દુનિયામાં કોઇ એમના પર વિશ્વાસ મૂકે એ વાતમાં માલ નથી. અરે, ખુદ એ બંનેને પણ એકબીજા પર વિશ્વાસ નથી. ફિલ્મ શરૂ થાય છે, અર્શદ માટે ખોદાયેલી કબરથી, જ્યાં બબ્બનના જિજુ મુશ્તાકભાઇ (સલમાન શાહિદ) એના પર બંદૂક તાકીને એની આખરી ખ્વાહિશ પૂછતા ઊભા છે. પરંતુ પોતાની ટ્રેડમાર્ક ચાલાકી વાપરીને બબ્બન ત્યાંથી ભાગી છૂટે છે. એ શોધમાં છે, પોતાના જોડીદાર ખાલુજાનની, જે એક બેશકીમતી હાર લઇને ગાયબ થઇ ગયા છે. ત્યાં બબ્બનને ખબર પડે છે કે ખાલુજાન તો મહારાજા બનીને મહમુદાબાદ અવધની વિધવા મહારાની બેગમ પારા મિરઝાદા (માધુરી દીક્ષિત)ને પરણવા પહોંચી ગયા છે.

બેગમ પારા પણ અજીબ શખ્સિયત છે. પોતાના મરહુમ શૌહરની આખરી ખ્વાહિશ પૂરી કરવા એ સાલાના મુશાયરાનું આયોજન કરે છે, જેમાં એમને જે શાયર પર દિલ આવી જાય, એની સાથે એ નિકાહ પઢવાની જાહેરાત કરે છે. આ શાયરાના સ્વયંવરમાં ભાગ લેવા માટે અન્ય શાયરોની સાથે નસીર તો મહારાજા બનીને આવી પહોંચ્યા છે, સાથોસાથ કરોડપતિ એમએલએ જાન મોહમ્મદ (વિજય રાઝ) પણ આવી પહોંચ્યા છે. શેર-ઓ-શાયરીનો દૌર ચાલે છે અને નસીરમિયાં રદીફ-કાફિયાની જાદુગરીથી બેગમ પારાના દિલમાં ઘૂસણખોરી કરી લે છે અને ઇશ્ક કરી બેસે છે. આ ઇશ્કની આગમાં પોતાની બિરિયાની પકાવવા માટે અર્શદ પણ જોડાઇ જાય છે અને એનું દિલ બેગમ પારાની હસીન સાથીદાર મુનિયા (હુમા કુરેશી) પર આવી જાય છે.

પરંતુ આ શાયરી અને ઇશ્કના પરદાની પાછળ ગદ્દારી અને અહેસાનફરામોશીની ગંદી સાઝિશો રચાઇ રહી છે. ખાલુજાન અને બબ્બન તો સ્વભાવે દગાખોર છે જ, જાન મોહમ્મદ પણ પારા સાથે કોઇપણ ભોગે નિકાહ કરીને મહમુદાબાદનો નવાબ બનવા માગે છે. આ બધા ઉપરાંત બેગમ પારાનું કિડનેપિંગ કરીને પૈસા એંઠવાની પણ એક ચાલબાજી ગોઠવાઇ રહી છે.

ઇશ્ક મિજાજી થ્રિલર

આપણે ત્યાં આમ પણ મેચ્યોરિટીથી લખાયેલી કથાઓની પ્રામાણિક નેતાઓની જેમ તંગી જ રહે છે. ઉપરથી ફ્રેન્ચાઇઝ અને સિક્વલના નામે એવી બાલિશ અને બીબાંઢાળ ફિલ્મો આપણી માથે ઠપકારવામાં આવે છે કે થોડી સારી ફિલ્મ આવે તો કડકડતી ઠંડીમાં ગરમ ધાબળો ઓઢીને ગરમાગરમ મસાલાવાળી ચા પીધા જેવી હૂંફ મળે. અભિષેક ચૌબેની ‘ડેઢ ઇશ્કિયા’ આવી જ ઘણે અંશે હુંફાળી ફિલ્મ છે. વિશાલ ભારદ્વાજ અને અભિષેક ચૌબેએ મળીને લખી છે એટલે ફિલ્મનું રાઇટિંગ ખાસ્સું મેચ્યોર છે. ઉપરથી ખુદ વિશાલબાબુ પોતે શેર-ઓ-શાયરી અને ક્લાસિકલ મ્યુઝિકના શોખીન આદમી છે, એટલે ફિલ્મમાં એ ક્લાસિકલ ટચ પણ સુપેરે ઠલવાયો છે. પરંતુ શરૂઆત કરીએ માધુરી દીક્ષિતથી.

માધુરી દીક્ષિત નેનેએ ઘણા સમય પછી મોટા પડદે પુનરાગમન કર્યું છે, અને આ રોલ બિલકુલ એમને છાજે એવો છે. એમની એક્ટિંગ ફુલમાર્ક્સ આપવા પડે એવી અફલાતુન છે. હા, ચહેરા પર થોડી ઉંમરની અસર વર્તાય છે ખરી, પરંતુ જ્યારે આ મરાઠી મુલગી નાચવાનું શરૂ કરે છે, ત્યારે આપણી આંખો એમના પર લોહચુંબકની જેમ સ્થિર થઇ જાય છે.

નસીરુદ્દીન શાહ પર સાજિદ ખાન જેવા ઘણા લોકો મીઠો આરોપ મૂકે છે કે તેઓ ગમે તેવા ભંગાર રોલ પણ સ્વીકારી લે છે. તાજેતરમાં આવેલું ‘જેકપોટ’ એ વાતની સાબિતી પર આપે છે. પરંતુ ‘ડેઢ ઇશ્કિયા’ જેવી ફિલ્મો પાછી એ ફરિયાદ દૂર પણ કરી દે છે. પડદા પર મિર્ઝા ગાલિબની યાદ અપાવી દે એવા ગેટઅપમાં નસીરસા’બને માધુરી સાથે ઇશ્ક ફરમાવતા જોવા એ લહાવો છે.

આંખમાં સુરમો લગાડીને ફરતા અર્શદની આ બેક ટુ બેક બીજી ફિલ્મ આવી છે. અહીં પણ એ પોતાની ટ્રેકમાર્ક ચલતાપુર્જાની ભૂમિકામાં બરાબર ખીલ્યો છે. હુમા કુરેશીએ પણ પોતાની ‘હમ સે પંગા મત લેના’ ટાઇપની ભૂમિકા જ રિપીટ કરી છે.

પરંતુ સૌથી વધુ મજા કરાવી હોય તો તે છે વિજય રાઝ. એ એક જ સમયે ચક્રમ, ક્રૂર, ખૂનખાર અને ઇશ્કમિજાજી લાગી શકે છે એ પૂરેપૂરી તેની આવડતનો કમાલ છે. પછી એ બંદૂકની અણીએ શાયરને કિડનેપ કરીને શાયરીઓ કઢાવવાની હોય કે પછી ઇટાલિ જઇને પોતાના ડીએનએ બદલાવવાની વાત હોય.

ઇશ્કિયા સિરીઝનું સૌથી યાદગાર પાત્ર એટલે જીજાજી મુશ્તાક બનતા સલમાન શાહિદનું એમના ભાગે તદ્દન ઓછો સ્ક્રીન ટાઇમ અને ગણ્યા ગાંઠ્યા ડાયલોગ આવે છે. પરંતુ એક વાક્ય બોલીને એ છવાઇ જાય છે કે ‘જો જોકર જ ન રહે તો બેટમેન શું કામનો?!’

ધેટ મીન્સ આ ફિલ્મ ક્લાસિક છે? ના રે ના. એક તો ફિલ્મની ગતિ એટલી બધી ધીમી છે કે અઢી કલાકનો સમય આપણને અઢી દિવસ જેટલો લાંબો લાગે. શાયરાના અને અદબથી કરવાની લાલચમાં ટ્વિસ્ટ્સ એન્ડ ટર્ન્સ પણ એટલા સ્લો થઇ ગયા છે કે ત્યાં સુધીમાં આપણા મગજમાં એક-બે ઓપ્શન્સ ફૂટી નીકળ્યા હોય અને એમાંથી જ કશુંક નીકળે. નતીજા? આશ્ચર્યની બાદબાકી અને બગાસાં. ફિલ્મનો ક્લાઇમેક્સ પણ ડેઢ પછી હવે ઢાઇ ઇશ્કિયા કાઢવાની ઇચ્છા હોય એમ પરાણે લટકતો છોડી દેવામાં આવ્યો છે.

આ આખી ફિલ્મ હિન્દીમાં નહીં બલકે ઉર્દૂમાં છે. એટલે જ ડાયલોગ્સ સમજવા માટે તેમાં અંગ્રેજી સબટાઇટલ્સ મુકાયાં છે. એટલે જો તમને ઉર્દૂ સાંભળવામાં મજા પડતી હોય તો આ ફિલ્મ તમને જલસો કરાવશે. કેમ કે, અહીં કોઇ ‘પ્રેમ’માં નથી પડતું, ‘ઇશ્ક’ કરે છે! મોહબ્બતના સાત પડાવ (દિલકશી, ઉન્સ, મોહબ્બત, અકીદત, ઇબાદત, જુનૂન અને મૌત) ઉપરાંત, રક્સ, બઝ્મ, પૈશાની, ઇન્તેકાલ ફરમા ગયે, શમશીર, સુર્ખ, રંજિશ જેવા શબ્દોની ભરમાર છે.

ઇશ્કિયા પાર્ટ વનની જેમ અહીં જીભે ચડી જાય એવું એકેય ગીત નથી, પણ હા, બેગમ અખ્તરની યાદ અપાવી દે તેવું ‘હમરી અટરિયા પે’ જરૂર કાનમાં મધ રેડે એવું કર્ણપ્રિય બન્યું છે. અત્યારના ઘોંઘાટિયાં ગીતોના સમયમાં આવાં શાંત મેલોડિયસ ગીતો ખરેખર આનંદ આપે તેવાં લાગે છે. હા, ફિલ્મના અંતે અનોખો પ્રયોગ કરાયો છે. બેગમ અખ્તરના અવાજમાં ‘વોહ જો તુમ મેં હમ મેં કરાર થા’ ગઝલ વાગે છે અને સાથે ફાઇટિંગની ધબાધબી પણ બોલે છે. એ ખાસ માર્ક કરજો!

તો આ મહેફિલમાં જવું કે નહીં?
જુઓ, તમને યો યો હની સિંઘ કરતાં બેગમ અખ્તરમાં વધારે રસ હોય, માધુરીનો અફલાતૂન ડાન્સ જોવો હોય, નસીરુદ્દીન શાહની એક્ટિંગ માણવી હોય, શેર-ઓ-શાયરી સાંભળીને તમારા મોંમાંથી વાહ વાહ નીકળી જતી હોય, એકદમ ક્રૂર અને ડાર્ક હ્યુમરમાં પણ ‘હાય હાય’ કરવાને બદલે હસવું આવતું હોય હોય અને યશ ચોપરાની ફિલ્મોથી તદ્દન વિપરિત પ્રેમમાં દગાખોરીની વાતોમાં રસ પડતો હોય તો આ ‘ડેઢ ઇશ્કિયા’ તમારા માટે છે. બાકી આવા ઇશ્કમાં પડવાનું દોઢ ડહાપણ કરવું નહીં.

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

D Day

ટ્રિગર ખીંચ, પિક્ચર મત ખીંચ!

***

ફિલ્મમાં ઋષિ કપૂર કહે છે એમ ટાઇમસર ટ્રિગર ખેંચાઇ ગયું હોત, તો પછી ફિલ્મ આટલી બધી ખેંચાઇ ન હોત!

***

final_poster_for_dday_by_metalraj-d6gavy4અંગ્રેજીમાં ‘કેપર’ (Caper) તરીકે ફિલ્મોનો એક પ્રકાર છે. કેપર પ્રકારની ફિલ્મોમાં કેટલાક લોકો ભેગાં મળીને એક ચોક્કસ ઓપરેશન પાર પાડે. આવી જ કેપર ફિલ્મ આ અઠવાડિયે રિલીઝ થઇ છે, ‘ડી-ડે.’ આમ તો ડી-ડેનો અર્થ કરી શકાય ‘ડૂમ્સ ડે’ એટલે કે કયામતનો દિવસ, પરંતુ આપણે આ ફિલ્મ માટે ‘ડી’નો જે બિટવિન ધ લાઇન્સ અર્થ લેવાનો છે, તે છે ‘ડી’ ફોર દાઉદ! જી હા, દાઉદ ઇબ્રાહિમ કાસકર, ભારતનો મોસ્ટ વોન્ટેડ ગુનેગાર, જે આજદિન સુધી ભારતના કબજામાં આવ્યો નથી, એને એટલિસ્ટ ફિલ્મમાં પકડવાનો પ્રયાસ કરાયો છે!

રિયાલિટીના પાયા પર ફિક્શનની ઇમારત

1993ના મુંબઇ બ્લાસ્ટ્સ પછી એક મામુલી ગુંડામાંથી માફિયા ડોન બની ગયેલા દાઉદ માટે આપણે ત્યાં એક ઓપન સિક્રેટ છે કે દુબઇ પછી પાકિસ્તાન તેનું બીજું ઘર છે અને પાકિસ્તાનની ખૂફિયા એજન્સી આઇએસઆઇ સાથે તેને ઘરવટ છે. એટલું જ નહીં, ભારતમાં થયેલા ઘણા બધા આતંકવાદી હુમલાઓમાં એનો હાથ છે. આટલી હકીકતોની ધરતી પર નિખિલ અડવાણીએ ફિલ્મ બનાવી છે ‘ડી-ડે’. આ વર્ષે ફેબ્રુઆરીમાં હૈદરાબાદમાં થયેલા બ્લાસ્ટ્સથી ફિલ્મ શરૂ થાય છે. ફિલ્મની સ્ટોરી કંઇક આવી છેઃ ભારતની ખૂફિયા એજન્સી ‘રૉ’ (RAW-રિસર્ચ એન્ડ એનાલિસીસ વિંગ)ના વડાને ભારતના પ્રધાનમંત્રી અનઓફિશિયલી ‘ગોલ્ડમેન’ (વાંચોઃ દાઉદ) (ફિલ્મમાં ઋષિ કપૂર)ને પકડવાના ઓપરેશનની મંજૂરી આપી દે છે અને શરૂ થાય છે દાઉદને પકડવાનું ‘ઓપરેશન ગોલ્ડમેન’. રૉ માટે ભારતના ચાર જાંબાઝ એજન્ટ (ઇરફાન, અર્જુન રામપાલ, હુમા કુરેશી અને આકાશ દહિયા) કામે લાગે છે. પ્લાન એવો કે જ્યારે ‘ગોલ્ડમેન’ના દીકરાના લગ્ન ચાલતા હોય ત્યારે એક પ્રચંડ બ્લાસ્ટ કરીને એનું કામ તમામ કરી નાખવાનું. પ્લાન કે મુતાબિક બધું જ બરાબર ચાલે છે, પણ છેલ્લી ઘડીએ એવો લોચો વાગે છે કે આખી બાજી પલટાઇ જાય છે.

પેકેજિંગ હોલિવૂડ, મસાલો બોલિવૂડ

‘કલ હો ના હો’ અને ‘સલામ-એ-ઇશ્ક’ જેવી બમ્બૈયા મસાલા ફિલ્મો બનાવવા માટે જાણીતા નિખિલ અડવાણીએ હોલિવૂડ સ્ટાઇલની કેપર મુવી બનાવવાનો પ્રયાસ કર્યો છે, પણ બમ્બૈયા મસાલા નાખવાનો મોહ છોડી શક્યા નથી. પારકા દેશમાં જઇને ભાંગફોડ કરવાનાં કામ અમેરિકાની એફબીઆઇ કરી શકે, ઇંગ્લેન્ડની જેમ્સ બોન્ડ ફેઇમ એમઆઇસિક્સ કરી શકે, ઇઝરાયેલની મોસાદ કરી શકે તો ભારતની રૉ કેમ ન કરી શકે? આપણી નહોર-દાંત વિનાની ખૂફિયા સંસ્થા રૉ પણ કંઇ કમ નથી એવું બતાવવા માટે તાજેતરના ભૂતકાળમાં જ ‘એજન્ટ વિનોદ’ અને ‘એક થા ટાઇગર’ આવેલી. ‘ડી-ડે’ આ સિરીઝમાં વધુ એક ઉમેરો છે. ‘દિલ ચાહતા હૈ’ પછી જેમ સૈફ અલી ખાન કી નિકલ પડી, એ જ રીતે ‘રોક ઓન’ પછી અર્જુન રામપાલને જેક પોટ લાગ્યો છે. એના સનમાઇકા જેવા ચહેરા પર એકેય હાવભાવ આવતો નથી, અને આજે એ જ એનો પ્લસ પોઇન્ટ બની ગયો છે. એને એવા જ રોલ ઓફર થઇ રહ્યા છે જેમાં હાવભાવની નહીં પણ બાવડા બતાવવાની જ જરૂર હોય. ‘ડી-ડે’માં પણ એવું જ છે.

‘બિલ્લુ’ પછી ઇરફાન બીજી વાર વાળંદ બન્યો છે. આમ તો એ જે ફિલ્મમાં હોય એમાં એના અભિનયના વખાણ કરવા એવો નિયમ બની ગયો છે, પરંતુ ખેંખલી કાયા ધરાવતો ઇરફાન પાકિસ્તાનમાં જઇને ધબાધબી બોલાવતો હોય એ જરાય પચે એમ નથી. આમ તો આ ફિલ્મમાં ન પચે એવું ઘણું બધું છે, એટલે જ બહુ બધી હાજમોલાની ગોળીઓ લઇને જ પિક્ચર જોવા જવું! ઇમિગ્રેશન લૉયર બનીને પાકિસ્તાનમાં ઘૂસ મારતી હુમા કુરેશી દેખાવમાં સરસ લાગે છે, પણ કંઇ એનાં ઓવારણાં લેવાનું મન થઇ આવે એવી એની એક્ટિંગ નથી.

ઓવારણાં લઇને પાછા ટચાકા ફોડવાનું પણ મન થાય એવું કામકાજ હોય તો એ છે ઋષિ કપૂરનું. અમિતાભ બચ્ચન પછી સેકન્ડ ઇનિંગ્સમાં જો સૌથી વધુ જામ્યા હોય તો એ છે આ ચિંટુબાબા. અમિતાભની જેમ એમણે પણ હિરોઇનો સાથે પેડોં કે ઇર્દગિર્દ ગીતો ગાવાનો મોહ છોડ્યો અને આજે સૌથી દમદાર ભૂમિકાઓ એમને મળી રહી છે. ‘ડી-ડે’માં એમને દાઉદનો લુક આપવા માટે લાલ ચશ્માં પહેરાવાયાં છે અને બંને બાજુ ઢળેલી ઘટાદાર મૂછો પણ ચોંટાડાઇ છે. ફિલ્મમાં એનો કોઇથીયે ન ડરવાનો એટિટ્યૂડ અને શેતાની હળવાશ પણ ધ્યાન ખેંચે છે. અને એના ભાગે આવેલી ધારદાર લાઇન્સઃ ‘મામલા મત ખીંચ, ટ્રિગર ખીંચ’, ‘દુનિયા મુઝે ટેરરિસ્ટ સમજતી હૈ. જનાબ, મૈં તો બિઝનેસ, કરતા હૂં’. વિશ્વમાં ત્રાસવાદ એ એક સુવ્યવસ્થિત બિઝનેસ છે એ જૂની થિયરી તરફ પણ આ લાઇનમાં ઇશારો છે.

રૉના ચીફ તરીકે દક્ષિણ ભારતીય ઉચ્ચારો કરતા અભિનેતા નાસિર જોવા ગમે એવા લાગે છે. જ્યારે શ્રુતિ હાસન આ જ શુક્રવારે રિલીઝ થયેલી એની બીજી ફિલ્મ ‘રમૈયા વસ્તાવૈયા’ના શૂટિંગની બ્રેકમાંથી ભાગીને આવી હોય એવો એનો અલપઝલપ જ રોલ છે. ફિલ્મની ગતિ ધીમી પાડવા સિવાય એનું બીજું કશું કામ નથી. પણ સૌથી બૂરો હાલ તો ‘કાય પો છે’ ફેઇમ રાજકુમાર યાદવનો થયો છે. આટલો સારો અભિનેતા હોવા છતાં અહીં એ લેપટોપનું વોલપેપર અને ફોન પરનો અવાજ બનીને રહી ગયો છે.

 

આ ફિલ્મવાળાઓને નઠારી જગ્યાઓ ભારતમાં જ આવેલી છે એવું બતાવવામાં શી મજા આવતી હશે? હોલિવૂડની ‘ધ ડાર્ક નાઇટ-રાઇઝિસ’માં રાજસ્થાનમાં નરક ઊભું કરાયેલું, જ્યારે આ ‘ડી-ડે’માં તો અમદાવાદનો એલિસબ્રિજ, સરખેજ રોજા અને અન્ય વિસ્તારો કરાંચીમાં બતાવી દીધાં છે, બોલો!

એક્ચ્યુઅલી, આ ફિલ્મમાં જો ટાઇમસર ટ્રિગર ખેંચી લેવામાં આવ્યું હોત તો ફિલ્મ ઇન્ટરવલમાં જ પૂરી થઇ જાત, પણ ટિપિકલ બોલિવૂડિયન મસાલા ભભરાવવાની લાલચમાં ફિલ્મ ચ્યુઇંગ ગમની જેમ લંબાઇ ગઇ છે. શંકર-એહસાન-લોયનું મ્યુઝિક સારું છે પણ ફિલ્મની ગતિ અને થ્રિલ બંનેની પથારી ફેરવી નાખે છે. લોકો પણ એનો ઉપયોગ એકી-પાણી કરવા અને નાસ્તા લાવવા માટે જ કરે છે! ફિલ્મમાં એક જગ્યાએ પ્રધાનમંત્રીને ‘સર, મેડમ કા ફોન હૈ’ એવું કહીને સળી પણ કરવામાં આવી છે!

લોજિક કિધર હૈ ભીડું?

જ્યારે તમે વાસ્તવિક ઘટનાઓ પરથી ફિલ્મ બનાવતા હો ત્યારે એમાં લોજિક તો હોવું જ જોઇએ. એજન્ટ્સ જ્યારે પાકિસ્તાનમાં ઘુસીને એની વાટ લગાડવા બેઠા હોય ત્યારે કંઇ શાકભાજી લેવા નીકળ્યા હોય એ રીતે તો ફરી જ ન શકે ને! છોકરાંવ કેરી તોડવા વંડી ઠેકતા હોય એ રીતે બોર્ડર ક્રોસ કઇ રીતે થઇ શકે? સાંજે જમવામાં શું બનાવશું એવી ચર્ચા કરતા હોય એમ ખૂફિયા એજન્ટ્સ કંઇ જાહેરમાં પોતાના પ્લાન્સ થોડા ડિસ્કસ કરે?! ડઝનેક હાજમોલાથી પણ ન પચે એવાં ઘણાં ગાબડાં ફિલ્મમાં છે. ખરે ટાણે બંદૂક ખાલી થઇ જાય, હીરો પ્રેમમાં પડીને નબળો પડી જાય એવાં બોલિવૂડિયન ક્લિશેથી દૂર રહ્યા હોત તો ફિલ્મ હજી વધુ સારી બની હોત. અને હા, આ ફિલ્મમાં પણ ‘અ વેન્સ્ડે’ની જેમ ન્યાયતંત્રને બાયપાસ કરીને એક ઘા ને બે કટકા કરવાનો પોપ્યુલર એન્ગલ લેવામાં આવ્યો છે, જે ખરેખર દુઃખદ છે.

એની વે, ફિલ્મમાં ઘણી બધી જેન્યુઇન થ્રિલ મોમેન્ટ્સ છે, જે અઢી કલાકની આ ફિલ્મમાં તમને સાવ બોર નહીં કરે. ઝાઝી અપેક્ષાઓ વિના એક વાર જોઇ નાખવામાં વાંધો નથી.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.