તેરા સુરૂર

– આમ તો આ ફિલ્મની ટૅગલાઇનમાં ‘અ લિથલ લવસ્ટોરી’ જેવી ચેતવણી હતી જ, કે જોવા ગ્યા તો મર્યા સમજજો. અગાઉની હિમેશ સ્ટારર ફિલ્મોનો ઘા હજીયે દર શિયાળે દુખે છે. તોય બોસ, એક બાર અપુનને ભી કમિટમેન્ટ કર દિયા કે, ફિલમ જોવાની એટલે જોવાની. એટલે સવારે વહેલા ઊઠી લાઇફ ઇન્સ્યોરન્સની પૉલિસી ચૅક કરી લીધી. ખિસ્સામાં મંત્રેલું માદળિયું ને હનુમાન ચાલીસા પણ મૂકી દીધી. મારું ‘હિમેશપ્રૂફિંગ’ જોઇને મારાં મમ્મીને પણ દયા આવી ગઈ ને મને દહીં ખવડાવ્યું ને ‘બીક લાગે તો નીકળી જજે. બળ્યો એવો રિવ્યૂ’ એવી સૂચનાય ચિંતાતુર ચહેરે આપી દીધી.

– અંકે તેરમી મિનિટે હું ‘તેરા સુરૂર’માં બેઠો હતો. એક્ટિંગ સાથે તેરનો આંકડો ધરાવતા ખુદ હિમેશભાઇએ પણ ફિલ્મના સ્ટાર્ટિંગમાં શ્રીનાથજીબાવાનો ફોટો આપીને ધરપત આપેલી, કે શ્રીજી બાવા સત્ય છે, ચિંતા ન કરશો. ત્યાં જ આકાશમાંથી ડ્રિલિંગ થતું હોય એવા અવાજે ‘તેરા સુરૂઉઉઉઉઉઉઉઉઉઉઉર…’ શરૂ થયું, જે ઓલમોસ્ટ ફિલ્મની પૂરેપૂરી ૧૦૮ મિનિટ સુધી ચાલુ રહ્યું, તમે માનશો? (રાતે તેલમાં લસણ ગરમ કરીને કાનમાં ટીપાં નાખવાનાં છે!) {આ આખા રિવ્યૂમાં બૅકગ્રાઉન્ડમાં પણ ‘સુરૂઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉર…’ સંભળાય છે એવી કલ્પના કરો. (વ્હાય શુડ આઈ હેવ ઓલ ધ પેઇન?!)}

– આ ફિલ્મની સ્ટોરી, મ્યુઝિક, બૅકગ્રાઉન્ડ મ્યુઝિક, પ્રોડ્યુસિંગ, એક્ટિંગ, વોઇસ ઓવર બધું એમણે પોતે જ કર્યું છે (જોઈ બી એમણે જાતે જ નાખી હોત તો?!). ફિલ્મમાં હિમેશ ગૅન્ગસ્ટર છે (એવું એ જાતે જ કહે છે એટલે આપણે માની લઇએ). પણ એ એવો ગૅન્ગસ્ટર છે, જે દેશી તમંચો લઇને આયર્લેન્ડમાં ભડાકા કરી આવે છે. ‘નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ’ની જેમ કોઈ ગોળી એમને વીંધી શકતી નથી, પોલીસ એમને પકડી શકતી નથી, કોઈ એમની સામે મગજ ચલાવી શકતું નથી ને કોઈ એક્સપ્રેશન એમના ચહેરા પર એન્ટ્રી મારી શકતું નથી (કપિલને કહીએ આમને હસાવી દે તો જાણું કે તું શાણો!).

– જોકે કહેવું તો પડે, બાકી હિમેશભાઇએ મહેનત સખત કરી છે બૉડી બનાવવામાં. અમદાવાદમાં જેટલા ખાડા નથી, એટલા તો એમના બૉડી પર સ્નાયુઓના ગઠ્ઠા જામ્યા છે. પરંતુ એમાં માથું ભુલાઈ ગયું લાગે છે અને ખાલી બૉડીની જ એક્સરસાઇઝ થઈ છે. એટલે આમાં હિમેશભાઈ મોટા માટલા પર નાનું બુઝારુ મૂક્યું હોય એવા લાગે છે. એ કૂદે, દોડે, મર્ડર કરે, ગમ્મે તે કરે, પણ મજાલ છે કે એમના જસ્ટિન બીબરની ફોર્મર હેરસ્ટાઇલ જેવા વાળનો એક ગુચ્છો પણ આમ તેમ થાય?!

– આ તેરા સુરૂરમાં એટલા બધા સ્લો મોશન અને એરિયલ શોટ્સ છે કે સીધા ડ્રોનની જાહેરખબર માટે વાપરી શકાય. (વર્ટિગોની તકલીફવાળાઓએ તો દૂર જ રહેવું!)

– ગઈ સુરૂરમાં વારેઘડીએ બધા બોલતા હતા કે ‘આ જર્મની છે’, આમાં ‘આ આયર્લેન્ડ છે’ એવું સંભળાવે છે (એટલી હદ સુધી કે લખનૌનો એક કાર બ્લાસ્ટ પણ આયર્લેન્ડમાં થાય છે બોલો! ગુનાખોરીનુંય આઉટસોર્સિંગ! યુપી મેં હૈ દમ, જુર્મ હૈ યહાં કમ, હંય!). ઇવન એવુંય બોલે કે, ‘આ આયર્લેન્ડ છે, એટલે જેલમાંથી ભગાય નહીં. ઇન્ડિયા હોત તો…’

– આ ‘મુજિકલ’ ફિલ્મ છે, એટલે બે ગીતની વચ્ચે જરાતરા સ્ટોરી ચાલે છે. ઇવન ગેંગસ્ટરેય વચ્ચે વચ્ચે ગિટાર ખંજવાળી લે. અને ફિલ્મમાં જેવી લાઉડ એક્ટિંગ છે, એવી તો લોકસભામાં પણ નહીં થતી હોય!

– અરે હા, આ ફિલ્મમાં નસિરુદ્દીન શાહ, શેખર કપૂર ને તાજા વરઘોડિયા એવા કબીર બેદી પણ છે. નસિરભાઇને આ ફિલ્મમાં હોવાની શરમ આવતી હોય કે આપણી બે આંખની નડતી હોય કે કેમ, પણ એકેય સીનમાં એ ઊંચું જોતા જ નથી. કાગળ પર કશુંક ચીતર્યા કરે છે (તેમને હિમેશ જેલમાં કૉફીનો મગ લઇને જેટલી વાર મળે છે, એટલું તો કોઈ પંખીડાં CCDમાં પણ મળતાં નહીં હોય). નસિર આ ફિલ્મમાં ભાગવામાં માહેર એસ્કેપ આર્ટિસ્ટ છે (તોય દાઉદ, લલિત મોદી, માલ્યાને ન પહોંચે!) તો એમણે દર્શકોનેય એવી એકાદી ટ્રિક શીખવી હોત તો?! એવું જ શેખર કપૂરનું પણ છે. ચપટીક રોલમાં દેખાતા તેઓશ્રી આયર્લેન્ડ ખાતે ભારતના એમ્બેસેડર છે અને ગુનેગારને ભાગવામાં મદદ પણ કરે છે (કદાચ એવું કે અમારે ત્યાંથી લલિત મોદીઓ અને માલ્યાઓ ભાગી જાય છે તો એકાદું ગુંડું વિદેશથી ભગાડીને ભારત મોકલી આપીએ. વાટકી વહેવાર!).

– આ ફિલ્મમાં ફારાહ કરીમી નામની પાછી કોક ચાઇનીઝ હિન્દી બોલતી નવી છોકરી આવી છે. મને એ સમજાતું નથી કે આવા બતક જેવા હોઠ ધરાવતી છોકરીઓ ઑર્ગેનિકલી જન્મતી હશે કે એની કોઈ સ્પેશ્યલ ‘ચીપિયા પ્રોસેસ’ હશે?!

– હું એકવાર માની લઉં કે માલ્યાસાહેબે કોઇનું એક પૈસાનું ય ફુલેકું ફેરવ્યું નથી, યમુનાને કોઈ નુકસાન પહોંચ્યું નથી ને આ દેશ સહિષ્ણુ છે, પણ આ ફિલ્મ એક ટકોય કન્વિન્સિંગ હોય એવું હું ધોળે ધરમેય માનું નહીં. હિમેશ કોઈ બીજી સ્ત્રી સાથે રાત્રે ડિંગડોંગ સિંગસોંગ કરે, તોય એ સચ્ચો આશિક હોય. રોકડી વીસ મિનિટમાં એને આયર્લેન્ડ છોડી દેવાનું હોય, તોય એ આખો ફ્લૅશબેક કહે, વિલનની સાથે ‘પાગલ-પાગલ’ રમે (ખરેખર), એની ગેમ ઓવર કરે (એમ કે, જવાય છે હવે ઇન્ડિયા, શું ઉતાવળ છે?) ને એમને કોઈ ટચ બી ન કરે (કદાચ એમની અગાઉની ફિલ્મો આયર્લેન્ડની પોલીસે જોઈ હોય તો ખબર નહીં!). આ થ્રિલર પ્રકારની ફિલ્મમાં તમારે થ્રિલ જોઇતી હોય, તો તમારી ગર્લફ્રેન્ડ (કે બૉયફ્રેન્ડ)ને સાથે લઈ જવા સિવાય કોઈ છૂટકો નથી (પરણેલાઓને આ કામમાં ડબલ થ્રિલ મળશે!).

– બટ સિરિયસલી, આ ફિલ્મ અને હિમેશભાઈ નખશિખ દેશપ્રેમી છે. એ ભલે ગેન્ગસ્ટર હોય, લેકિન ગુન્ડાને પણ ‘ભારત માતા કી જય’ બોલાવ્યા પછી જ શૂટ કરે! (એમને વહેલી તકે JNU મોકલી આપો, હેં ને!)

– એટલે આ ફિલ્મને તેની રાષ્ટ્રભક્તિ માટે એક સ્ટારથી નવાજવામાં આવે છે. ‘તેરા સુરૂર’ની હવે પછીની સિક્વલમાં એ માલ્યા, લલિત મોદી કે બ્લૅક મનીને પાછા લઈ આવશે, જોજો તમે! બોલો, ભારત માતા કી…. જય!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

ધ એક્સપોઝે

સિક્સટીઝની મ્યુઝિકલ સસ્પેન્સ ખીચડી

***

સ્ટાઈલના ઓવરડોઝમાં દબાઈ ગયેલી સસ્પેન્સ સ્ટોરીવાળી આ ફિલ્મ એવરેજ મ્યુઝિકલ ફિલ્મ બનીને રહી ગઈ છે.

***

the-xpose-poster_139651188100ઈમેજિન કરો, સાઠના દાયકાની હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી. દસ માળની બિલ્ડિંગના ટેકે જેનું કટઆઉટ મૂક્યું હોય તોય નાનું પડે એવા લાર્જર ધેન લાઈફ હીરોલોગ, હિરોઈનો વચ્ચે ખુલ્લેઆમ ચાલતી કેટફાઈટ્સ, એકબીજાની ફિલ્મ ફ્લોપ કરાવવા માટે ડિરેક્ટરો-પ્રોડ્યુસરો વચ્ચે ચાલતા કાવાદાવા, પૈસા માટે અને આગળ આવવા માટે પોતાનું શરીર વેચતી અભિનેત્રીઓ, પોતે જે બોલે તે સ્ક્રિપ્ટ બની જાય એવો આગ્રહ રાખતા સ્ટાઈલિશ અભિનેતાઓ અને આજની તારીખે પણ પપ્પા-મમ્મીઓ પોતાનાં સંતાનોને ફિલ્મસ્ટાર્સની જે ગોસિપ કરતાં હતાં એ અને ઉપરથી એક ‘હુ ડન ઈટ’ પ્રકારની મર્ડર-મિસ્ટ્રી આ બધાની સ્ટાઈલિશ મ્યુઝિકલ ખીચડી એટલે હિમેશ રેશમિયાની ફિલ્મ ‘ધ એક્સપોઝી’.

સ્ટાર યાર કલાકાર

સમય છે 1967-68ના બોલિવૂડનો. માથાફરેલ પણ સ્ટાઈલિશ પોલીસમેન (હિમેશ રેશમિયા) સાઉથની ફિલ્મોમાં ‘રવિ કુમાર’ તરીકે સુપરહીટ થઈ જાય છે. હવે એને ‘ઉજ્જ્વલ નિર્મલ શીતલ’ નામની ફિલ્મ દ્વારા હિન્દી ફિલ્મોમાં લૉન્ચ કરવાનો છે. પરંતુ સામે બીજો એક કટ્ટર હરીફ ડિરેક્ટર ‘રીના મેરા નામ’ નામની ફિલ્મ બનાવી રહ્યો છે. નસીબજોગે રીના મેરા નામ હીટ થાય છે અને અને ઉજ્જવલ નિર્મલ શીતલ ફ્લોપ. ત્યાં જ આખી કહાનીમાં ટ્વિસ્ટ આવે છે. ઢગલાબંધ એવોર્ડ જીત્યા બાદની પાર્ટીમાં બિલ્ડિંગ પરથી નીચે ફેંકાઈને રીના મેરા નામની હિરોઈન ઝારા ફર્નાન્ડિસની હત્યા થાય છે. એક હત્યા અને અગિયાર શકમંદો. કોણ હશે ઝારાનો હત્યારો?

જલસા પાર્ટી

ધ એક્સપોઝીની સ્ટોરી હિમેશ રેશમિયાએ લખી છે. એટલું જ નહીં, હીરો પણ હિમેશ પોતે છે, પ્રોડ્યુસ પણ એણે કરી છે અને ફિલ્મનું મ્યુઝિક પણ એણે જ આપ્યું છે. હવે આટલા બધા મોરચે એ એકલો પહોંચી વળે નહીં એટલે ડિરેક્ટર તરીકેનું કામ અનંત નારાયણ મહાદેવનને આપ્યું છે. ફિલ્મની શરૂઆતમાં આપણને એવું કહેવામાં આવે છે કે આ ફિલ્મ સાઠના દાયકામાં બનેલી સાચી ઘટનાઓ પરથી પ્રેરિત છે. જે લોકોને આ દાયકામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ગોસિપ ખબર હશે તેઓ આ ફિલ્મની મોટા ભાગની ઘટનાઓને હકીકત સાથે જોડી શકશે. જેમ કે, હિમેશ રેશમિયાનું પાત્ર ફિલ્મસ્ટાર ‘જાની’ રાજકુમાર પરથી પ્રેરિત છે. આ ઉપરાંત સુનીલ દત્તે નરગિસને ફિલ્મ ‘મધર ઈન્ડિયા’ના સેટ પર લાગેલી આગમાંથી બચાવેલી તે, સત્યમ શિવમ સુંદરમ ફિલ્મની ઝીનત અમાન, પરવીન બાબીની જેમ દરિયામાંથી સ્વિમિંગ કોશ્ચ્યુમમાં બહાર આવતી હિરોઈન, જ્હોની મેરા નામ અને મેરા નામ જોકરની રિલીઝ વચ્ચે થયેલી રસાકસી, મીનાકુમારીનું કસમયે થયેલું મૃત્યુ અને એને કારણે પાકિઝાનું હિટ જવું… આ બધી જ વાતો અહીં એક સ્ટોરીમાં વણી લેવાઈ છે.

એક સુપરસ્ટાર દેખાવા માટે હિમેશ રેશમિયાએ પોતે હિરોઈન સાથે કોમ્પિટિશનમાં ઊતરી શકે એટલી ગજબનાક હદે વજન ઉતારી નાખ્યું છે. આખી ફિલ્મને મ્યુઝિકલ મર્ડર મિસ્ટ્રી તરીકે પ્રમોટ કરવામાં આવી છે, એટલે હિમેશે ખરેખર જલસો પડી જાય એવાં ગીતો પણ કમ્પોઝ કર્યાં છે. એટલું જ નહીં, સૂત્રધાર તરીકેની જવાબદારી ઉમદા અભિનેતા ઈરફાન ખાનને સોંપાઈ છે. અત્યારે જુવાનિયાઓ જેની પાછળ ગાંડા છે એ યો યો હની સિંઘે પોતાની આગવી સ્ટાઈલમાં અહીં ગીતડાં તો ગાયા છે ઉપરથી એ અહીં એક્ટિંગ કરવા પણ પહોંચી ગયો છે.

સાઠના દાયકાનો જાદુ, પુરાણી વિન્ટેજ ગાડીઓ, રેડિયો સિલોન, ગણીને બે-ત્રણ ફિલ્મી ગોસિપ મેગેઝિન્સ અને એક જ ફિલ્મ એવોર્ડ, વિશાળ સ્ટુડિયોઝ, મસમોટાં પોસ્ટર્સ, જથ્થાબંધ કલાકારો… આ બધું જ ફિલ્મને એક સ્ટાઈલિશ મ્યુઝિકલ થ્રિલર ફિલ્મની ફીલ આપવા માટે પૂરતું છે.

લોચા લાપસી

ધ એક્સપોઝીમાં મુખ્ય ફોકસ ખુદ હિમેશ પર જ હોઈ, તે ‘ઓફ ધ હિમેશ, ફોર ધ હિમેશ બાય ધ હિમેશ’ બનીને રહી ગઈ છે. ફિલ્મના ચટાકેદાર કેચી સંવાદો પણ એણે પોતાની પાસે જ રાખ્યા છે. એટલે બીજા કલાકારોના ભાગે સ્ટોરીને આગળ ધપાવવા સિવાય ખાસ મસાલો આવ્યો નથી.

જે લોકો સાઠના દાયકાની ફિલ્મોને જીવ્યા નથી અને ખાસ કરીને અત્યારના યંગસ્ટર્સ, એ લોકો આ ફિલ્મમાં બતાવેલી ઘટનાઓ સાથે રિલેટ જ નહીં કરી શકે. એ બચાડાઓ તો સતત ‘યે ક્યા હો રહા હૈ’ બોલતાં બોલતાં આખી ફિલ્મમાં વ્હોટ્સ એપ્પ જ ચેક કર્યા કરશે.

ફિલ્મનું પ્રમોશન મર્ડર મિસ્ટ્રી તરીકે કરાયું છે, પણ એક્ચ્યુઅલ મર્ડર ફિલ્મની અધવચ્ચે થાય છે અને છેક સુધી એની થ્રિલ ઊભી જ નથી થતી. આપણને સતત એવું બતાવવાનો પ્રયાસ કરાય છે કે આટલા શકમંદો છે, પણ એમાંથી ખૂની કોણ હશે એ જાણવાની તાલાવેલી ઊભી જ નથી થતી. વળી, ઘણા શકમંદો પાસે તો ખૂન કરવા માટેનું નક્કર કારણ પણ નથી. હા, ફિલ્મમાં છેલ્લે આવતો ટ્વિસ્ટ મજાનો છે. જોકે જે રીતે હિમેશ પાંચ મિનિટમાં મિસ્ટ્રી સોલ્વ કરી નાખે છે એ હજમ કરવા માટે કાયમચૂર્ણનો હેવી ડોઝ લેવો પડે એવું છે!

ફિલ્મમાં ઈરફાન, આદિલ હુસૈન, દયાશંકર પાંડે, રાજેશ શર્મા જેવા મંજાયેલા કલાકારો છે, પણ એમને પૂરતી સ્ક્રીન સ્પેસ મળતી જ નથી. આંખોમાં આંજણ આંજીને અને હાથમાં લાકડી લઈને અભિનેતા પ્રાણ જેવા ગેટઅપમાં ફરતો યો યો હની સિંઘ જુવાનિયાંવની સીટીઓ મેળવશે, પણ ઝાઝા સીનમાં તો એ પણ નથી. નવી હિરોઈનો સોનાલી રાઉત અને ઝોયા અફરોઝ પણ ઝાઝું ઉકાળી શકી નથી.

એક્સપોઝીને બહુમતી ખરી?

જુઓ, તમે હિમેશ રેશમિયા કે યો યો હની સિંઘના ફેફસાંફાડ ફેન હો, તમને સાઠના દાયકાની હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પડદા પર જીવંત થતી જોવામાં રસ હોય અને કેટલાંક સારાં ગીતો માણવામાં રસ હોય, તો થિયેટર સુધી લાંબું થવું. નહીંતર, હમણાં થોડા દિવસોમાં જ તેની ડીવીડી બહાર પડી જશે, ત્યાં સુધી ધીરજ રાખવામાં જ માલ છે.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.