સિમરન

બેન્ડિટ ક્વીન

***

આ ફિલ્મ ક્વીનની ભંગાર સિક્વલ બનીને રહી ગઈ છે.

***

રેટિંગઃ ** (બે સ્ટાર)

***

simranposter‘આર યુ ટાયર્ડ? બિકોઝ યુ આર રનિંગ ઇન માય માઇન્ડ!’ (‘તમે થાકેલા છો? કેમકે, મારા મનમાં તમે જ ચાલી રહ્યા છો!’) ‘લડકી પટાઓ સંહિતા’માં આ પ્રકારનાં વાક્યોને ‘પિકઅપ લાઇન્સ’ કહે છે. આવી એકદમ ચીકણી-ચીઝી લાઇન્સ માત્ર લડકાલોગનો જ ઇજારો રહી છે. આવી લાઇન્સ બોલાયા પછી દાળ ગળે તો મામલો ક્યારેક પ્યાર-ઇશ્ક-મોહબ્બત સુધી પહોંચે અથવા તો તેનું સીધું લક્ષ્ય બૅડરૂમ પણ હોઈ શકે. અહીં ‘સિમરન’ મુવીમાં લક્ષ્ય તો બૅડરૂમ જ છે, લેકિન લાઇન બોલાઈ છે કંગનાના મુખેથી. જે ફિલ્મ માટે કંગનાએ આટલા બધા ધમપછાડા કર્યા, ‘હરિકેન કંગના’ બનીને અડધો ડઝન લોકો પર ત્રાટકી એ ફિલ્મ કમનસીબે ખાસ્સી કંગાળ છે.

ઝિંદગી એક જુઆ

ઇન્ટરનેટના પ્રતાપે આપણને ખબર છે કે ‘સિમરન’ સંદીપ કૌર નામની NRI નર્સની લાઇફ પરથી બની છે. જુગારને રવાડે ચડી. બહુ બધા પૈસા હારી એટલે એ છોકરીએ બૅંકો લૂંટવાની શરૂ કરી અને અત્યારે અમેરિકન જેલમાં છે. નૅચરલી, આ ફિલ્મની સ્ટોરીલાઇન પણ એ જ છે. આપણે સ્ટોરીની ગલીમાં ઝાઝા ઊંડા ઊતર્યા વિના ઑબ્ઝર્વેશન્સના હાઇવે પર આવી જઇએ.

દિલ લે ગઈ કુડી ગુજરાત કી

‘સિમરન’માં કંગના બની છે એટલાન્ટામાં રહેતી ગુજરાતી ગર્લ પ્રફુલ પટેલ. રામ જાણે ત્રીસ વર્ષની યુવતીનું નામ કયા માતાપિતા ‘પ્રફુલ’ રાખે? પ્રફુલ પટેલ બોલો એટલે આંખ સામે NCPના જાડી મૂછોવાળા નેતા દેખાવા લાગે, અને ‘પ્રફુલ’ સાંભળીને ‘ખીચડી’ સિરિયલના ‘બાબુજી’ અનંગ દેસાઈનો અવાજ સંભળાય, ‘પ્રફુલ, તૂ તો ગધા હૈ ગધા!’ (અને એ પ્રફુલ હોય અમેઝિંગ એક્ટર રાજીવ મહેતા.) આપણને આવા કોઈ કુવિચારો ન આવે તે માટે આ ફીમેલ પ્રફુલને ‘પ્રફ’ જેવું ગ્લોસી નિકનેમ આપી દેવાયું છે. અને અડધી ફિલ્મે કંગના પ્રફમાંથી સિમરન બની જાય છે (એનો ઇન્સ્પિરેશન સોર્સ શું હશે એ સમજવા માટે ‘યશરાજ સ્ટુડિયો’ સુધી લાંબા થવાની જરૂર નથી જ!)

આ સિમરન ઉર્ફ પ્રફુલ ઉર્ફ પ્રફ ઉર્ફ ‘હરિકેન કંગના’નું કેરેક્ટર છે એકદમ ઇન્ટરેસ્ટિંગ. એ ડિવોર્સી છે, પણ એ વિશે દુઃખિયારી થઇને નથી ફરતી. લડકાલોગને સામેથી પટાવે છે (શરૂઆતમાં કહી એવી લાઇનો બોલી બોલીને) ને કહે છે કે ‘લડકે પટાના તો એક આર્ટ હૈ!’ મમ્મી-પપ્પા સાથે તડ ને ફડ કરે છે. અમેરિકાનું આકાશ પણ નાનું પડે એવા એના એના આઝાદ ખયાલો છે. એકલી હોવા છતાં પેરેન્ટ્સથી અલગ પોતાનું ઘર લેવાની ફિરાકમાં છે. ઘરમાં દેકારો મચ્યા બાદ રડીને બેસી રહેવાને બદલે કઝિન સાથે લાસ વેગસ ફરવા ઊપડી જાય છે અને ત્યાં બિનધાસ્ત દારૂ પીવે છે, જુગાર રમે છે, અજાણ્યા પુરુષો સાથે દોસ્તી કરે છે-સામેથી રોમેન્ટિક ઍડવાન્સમેન્ટ પણ કરે છે અને આપણા પહેલાજ નિહલાણી સાહેબને જે જોઇને પૅનિક અટેક આવી જાય એવી ક્રિયાઓ પણ કરે છે. એની સેક્સ્યુઅલ પોઝિશન પણ ‘વુમન ઑન ટૉપ’ છે! અને એ પછી પુરુષ નહીં, અહીંયા સ્ત્રી ચાલતી પકડે છે! એ ત્યાંની ‘હિલ્ટન’ હૉટેલમાં રૂમો વાળી-ચોળીને સાફ કરવાનું કામ કરે છે, પણ પોતાના કામની વાત નીકળે તો ગર્વથી કહે છે કે ‘હું તો હાઉસકીપિંગ ડિપાર્ટમેન્ટમાં છું.’ ટૂંકમાં જિંદગીના એકેય કામ માટે એ અપોલોજેટિક નથી, બેંક લૂંટવા માટે પણ નહીં.

ભલભલી સ્ટાર હિરોઇનોને જે પાત્ર વિશે જાણીને ધ્રુજારી છૂટી જાય એવું આ કેરેક્ટર કંગનાએ જે જીવંતતાથી, જે શિદ્દતથી અને જે એક્સપર્ટીઝથી નિભાવ્યું છે એ જોઇને આપણને ઇક્કીસ તોપોં કી સલામી દેવાનું મન થઈ જાય. જ્યારે એ પોતાના પપ્પા (હિતેન કુમાર) સાથે ઝઘડે છે, જે રીતે જુગારમાં હાર્યા પછી દારૂના નશામાં એ (અદ્દલ ‘ક્વીન’ સ્ટાઇલમાં) ભેંકડો તાણે છે, પહેલી ચોરી કર્યા પછી કારમાં એનાં એક્સપ્રેશન્સ ચેન્જ થાય છે, જે રીતે પોતાના પૈસા માટે ઘાંઘી થયા બાદ એ તોફાન મચાવે છે અને પછી અચાનક જ શાંત થઈ જાય છે… આપણને થાય કે બૉસ, એક્ટિંગની ઝાંસી કી રાની તો આ ‘ક્વીન’ કંગના પોતે જ છે. એને લઇને જ એની જ એક બાયોપિક બનાવવી જોઇએ!

125 મિનિટ એટલે કે બે કલાક ને માથે લટકાની પાંચ મિનિટની આ ફિલ્મમાંથી બે ઘડી કંગનાને બાજુ પર મૂકીએ તો બાકીની ફિલ્મ સાવ ખાલીખમ છે. પહેલો અને સૌથી મોટો લોચો છે ફિલ્મનું રાઇટિંગ અને કેરેક્ટરાઇઝેશન. રાઇટિંગ ક્રેડિટના મુદ્દે તો ફિલ્મના લેખક અપૂર્વ અસરાનીએ ફેસબુક પર આવીને કકળાટ કાઢેલો. ફિલ્મના સહ-લેખક અને ડાયલોગ્સમાં ખુદ ગબ્બર બહિન કંગનાએ પણ ક્રેડિટ લીધી છે. લેકિન હરામ બરાબર જો ક્યાંય આપણને મજા પડે એવા ડાયલોગ્સ આવે તો કંગનાનું નામ બદલીને કાયમ માટે ‘પ્રફુલ’ કરી નાખવાની છૂટ! અમદાવાદના ખાડાઓની જેમ એક પછી એક સીન આવ્યા કરે, પણ ન તો બે સીન વચ્ચે કોઈ અનુસંધાન મળે કે ન જથ્થાબંધ સીન-શોટ્સ મૂકવાનું લોજિકલ કારણ જડે. અરે, એ છોકરી વન બાય વન બેંકો લૂંટતી હોય એમાંય કોઈ જ થ્રિલ નહીં-પૅસ નહીં. ગંધિયાણું ખરીદવા જતી હોય એ રીતે લૂંટીને ચાલતી પકડે. કોઈ ઉતાવળ પણ નહીં. બે ઘડી તો આપણનેય થઈ આવે કે કરવા જેવો ખરેખરો ધંધો તો આ છે!

બીજો XXL સાઇઝનો માઇનસ પોઇન્ટ છે, કંગના સિવાય રસપ્રદ પાત્રોનો અભાવ. ફિલ્મમાં કંગનાનાં માતા-પિતા, મિત્રો, પ્રેમી, અગેઇન સમ ખાવા પૂરતું એક પણ પાત્ર એવું નથી કે જેને પડદા પર જોઇને આપણને હાશ થાય કે મજાની ફીલિંગ આવવા લાગે. હા, આપણા જાણીતા ને માનીતા ગુજરાતી એક્ટર હિતેન કુમાર અહીં કંગનાના પિતા તરીકે હાજર થયા છે. પરંતુ ભાગ્યે જ કોઈ એવો સીન છે જેમાં એમણે અતિશય ગુસ્સો ન કર્યો હોય (અને ‘પત્તર ફાડી છે’ શબ્દો ન બોલ્યા હોય!). અગાઉ ‘શિપ ઑફ થિસિયસ’માં દેખાયેલા સોહમ શાહ અહીં કંગનાના મંગેતર બન્યા છે. પરંતુ એક તો કંગના સાથે એમની જોડી તદ્દન મિસફિટ લાગે છે. કોઈ વિચિત્ર કારણોસર એમની ઍક્ટિંગ તદ્દન નકલી લાગે છે (એમનું નકલી હાસ્ય તો એસ્પાયરિંગ એક્ટર્સ માટે કૅસ સ્ટડી છે! કે ભઈ, આમ તો ન જ હસવું!). હજી આગળ વધીને કહીએ તો એમનું પાત્ર કોઈ જ કારણ વગર મિસ્ટિરિયસ લાગે છે. આખી ફિલ્મમાં સારા-સપોર્ટિંગ એક્ટર્સની એવી તાણ છે કે એક અજાણ્યો બાર ટેન્ડર થોડો ચિયરફુલી વર્તે તોય આપણને અમથા અમથા એને ભેટી પડવાનું મન થઈ આવે! હંસલભાઈએ અગાઉ ‘શાહિદ’ જેવી અફલાતૂન અને ‘સિટી લાઇટ્સ’ જેવી નોટ સો અફલાતૂન ફિલ્મો આપી છે, એટલે ગુજરાતી હોવાને નાતે અહીં એમની સામે એક ધોખો એ કરવાનો રહે કે ફિલ્મમાં આટલું નકલી ગુજરાતી શા માટે બોલાય છે? એકમાત્ર હિતેન કુમારનું ગુજરાતી સ્વાભાવિક છે (ઓબ્વિયસલી). બાકી ઇન્ક્લુડિંગ કંગના, જે કોઈ પાત્ર ‘સું કામ?’, ‘મારી સાથે’, ‘એટલે તો આવી છું’ આવાં પરચુરણ વાક્યો ગુજરાતીમાં બોલે એટલે જાણે ચાઇનીઝ પાતરા ખાતા હોઇએ એવી વર્ણસંકર ફીલ આવે છે. અને હંસલભાઈ પ્લીઝ, ગુજરાતીઓ ખાખરા, થેપલાં, ઢોકળાં સિવાય બીજું કશું ખાતા જ નથી એ સ્ટિરિયોટાઇપને એટલિસ્ટ તમે (એક ગુજરાતી તરીકે) શા માટે આગળ ધપાવો છો?

બીજો એક સવાલ એ થાય કે હંસલભાઈ આ ફિલ્મને ડ્રામા બનાવવા ગયા છે, થ્રિલ બનાવી છે કે કોમેડી કરવાની છે? હા, ક્યારેક એકાદી લાઇન પણ સિરિયસ મોમેન્ટમાં લાફ્ટર ઉમેરી દે છે (ચેક આઉટઃ ‘આઈ કેન ગો ટુ અનધર બૅન્ક!’). ફિલ્મની પૅસ પણ અત્યંત સ્લો અને દિશા એટલી બધી પ્રીડિક્ટેબલ છે કે રિયલ લાઇફ પાત્ર એવી સંદીપ કૌરની સ્ટોરી ન ખબર હોય તોય આપણે અંત કળી શકીએ.

આવી ફિલ્મમાં મ્યુઝિક મસ્ત હોવું જોઇતું હતું. લેકિન અફસોસ, ટાઇટલ સોંગને બાદ કરતાં બધાં જ ગીતોનો એકીપાણી-પોપકોર્ન-બગાસાં સિવાય કોઈ જ ઉપયોગ થઈ શકે તેમ નથી.

જા સિમરન જા!

હંસલ મહેતાની ‘સિમરન’ કંગનાનો વન વુમન શૉ છે. કહો કે ‘ઑફ ધ કંગના, ફોર ધ કંગના. બાય ધ કંગના’. કંગના સિવાય ફિલ્મમાં કોઈ જ ઍનર્જી નથી અને આખી મૅચમાં એક બેટ્સમેન ખેંચી ખેંચીને કેટલું ખેંચી શકે? કંગના માટે આ ફિલ્મ ઓબ્વિયસલી ટ્રાય કરી શકાય. પરંતુ જો તમે એનાં તાજેતરનાં તોફાની ઇન્ટરવ્યૂઝથી અજાણ હો તો એ જોઈ લો. આ ફિલ્મ કરતાં એ ક્યાંય વધુ થ્રિલિંગ, ચટાકેદાર છે ને એમાં કંગનાનું પર્ફોર્મન્સ વધુ જેન્યુઇન છે!

(Reviewed for divyabhaskar.co.in)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

સિટીલાઇટ્સ

પેટ કરાવે વેઠ

***

હંસલ મહેતાની સિટીલાઇટ્સ માત્ર મનોરંજન માટે કે ફ્રેશ થવા માટે ફિલ્મો જોવા જતા લોકો માટે નથી.

***

02-citylightsગરીબી આપણી ફિલ્મોનું ‘ગિલ્ટિ પ્લેઝર’ છે. ગરીબો કેવી હાલાકી ભોગવીને જીવે છે એનું ત્રાસ થઈ જાય એ હદે ચિત્રણ કરતી કૃતિઓ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ સર્કિટમાં રાતોરાત હિટ થઈ જાય છે. એનાં ‘દો બીઘા ઝમીન’થી લઈને ‘સલામ બોમ્બે’ અને ‘સ્લમડોગ મિલ્યનેર’ સુધીનાં ઉદાહરણોનો ઢગલો આપણી પાસે પડ્યો છે. હંસલ મહેતાની સિટીલાઇટ્સ એ જ માળાનો વધુ એક મણકો છે. આપણને માત્ર દુઃખી કરવા માટે જ જાણે આ ફિલ્મ બનાવી હોય એમ તેમાં સમ ખાવા પૂરતી હળવાશ સુદ્ધાં હળવાશ ડિરેક્ટરે મૂકી નથી.

રોટલા અને ઓટલાનું વિષચક્ર

દિપક સિંઘ (રાજકુમાર યાદવ) પત્ની રાખી (પત્રલેખા) અને ચારેક વર્ષની દીકરી સાથે રાજસ્થાનના એક નાનકડા ગામડામાં રહે છે. દિપક અગાઉ લશ્કરમાં ડ્રાઈવરની નોકરી કરતો, પણ હવે ગામડામાં સાડીઓની નાનકડી દુકાન ચલાવે છે. આમદની ચવન્ની અને ખર્ચા દસ રૂપિયા જેવા ઘાટને કારણે શાહુકારો એની દુકાન પચાવી પાડે છે. એટલે રોટલાની તલાશમાં દીપકનો પરિવાર મુંબઈની વાટ પકડે છે. પગ મૂકતાંવેંત મુંબઈ પોતાનો પરચો બતાવે છે. હવે આ પરિવાર પાસે નથી રોટલો, નથી ઓટલો કે નથી પૈસા. મજૂરી કરીને પણ કેટલા દિવસ કામ ચાલે?

નછૂટકે રાખી બિયર બારમાં ડાન્સર બને છે. બીજી બાજુ દિપકને પણ એક સિક્યોરિટી કંપનીમાં નોકરી મળી જાય છે. દિપકની હાલત પર દયા ખાઈને વિષ્ણુ (માનવ કૌલ) એને નોકરીએ રખાવી દે છે. એ સિક્યોરિટી એજન્સીનું કામ એવું કે એક પાર્ટી પાસેથી બોક્સ લઈને બીજી પાર્ટીને પહોંચતું કરવાનું. તોડવાની કોશિશ કરો તો બ્લાસ્ટ થાય એ રીતે સીલપેક એવા એ બોક્સમાં પૈસા હોય કે ડ્રગ્સ એની સાથે આ લોકોને કશી લેવાદેવા નહીં. પણ હા, જીવનું જોખમ સતત લટકતું રહે.

ધીમે ધીમે દિપક અને એના બોસ વિષ્ણુ વચ્ચે દોસ્તી જામે છે. વિષ્ણુ પોતાનું ભાડે લીધેલું ઘર પણ વિષ્ણુને આપી દે છે. ત્યાં જ વિષ્ણુ દિપક સામે એવી ઑફર મૂકે છે, જે બધાંની જિંદગી કાયમ માટે બદલી નાખે છે. દિપક સામે તો ઈધર કૂંઆ ઉધર ખાઈ જેવી પરિસ્થિતિ આવીને ઊભી રહે છે.

પીડાનો ઓવરડોઝ

હંસલ મહેતાની સિટીલાઇટ્સ ગયા વર્ષે આવેલી બ્રિટીશ ફિલ્મ ‘મેટ્રો મનિલા’ની રિમેક છે. મેટ્રો મનિલાને દુનિયાભરના વિવેચકોએ વખાણેલી. પરંતુ અહીં આખી ફિલ્મમાંથી સતત પીડા ટપકતી રહે તેનું હંસલ મહેતાએ ખાસ ધ્યાન રાખ્યું છે. ગરીબ હોવા છતાં આ નાનકડો પરિવાર સુખી છે એવું અલપ ઝલપ બતાવ્યાં પછી સતત એમની માથે દુઃખના ડુંગરો તૂટતા રહે છે. વળી, ફિલ્મની ટ્રીટમેન્ટ પણ રિયલિસ્ટિક કહેવાય એ પ્રકારની રખાઈ છે. એટલે બે ટંક ભોજન માટે પણ ટળવળતો પરિવાર ઉકરડે પડી રહે, બિયર બારમાં કામ માગવા જાય ત્યારે યુવતીના આખા શરીરને છેક સુધી ચકાસવામાં આવે, ફરિયાદ નોંધવાને બદલે વીડિયોગેમ રમ્યે રાખતા પોલીસવાળા… આ બધું એટલી સહજતાથી બતાવાય છે કે આપણા મગજની નસો તણાઈ જાય. ઉપરથી ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર્સના ફેવરિટ એવા સતત હલહલ થતા કેમેરા એન્ગલ્સ અને ખાસ્સી વાર સુધી સહેજ પણ બેકગ્રાઉન્ડ મ્યુઝિક વિના ચાલતા સીન આપણી ધીરજની કસોટી કરી લે.

ધીમી ગતિએ લગભગ અનુમાન લગાવી શકાય એવા પાટા પર જતી આ ફિલ્મની સ્ટોરીનું પોત અત્યંત પાતળું છે. 126 મિનિટ્સની સિટી લાઇટ્સમાં ઉદાસીને ખંખેરે એવા હળવા સીન પણ નાખ્યા નથી. મતલબ સાફ છે, આ ફિલ્મ મનોરંજન માટે નહીં બલકે હચમચાવવા માટે જ બનાવાઈ છે. વાર્તામાં એક પછી એક બનતા બનાવો આપણને સતત એ બીકમાં રાખે કે હમણાં કંઈક માઠા સમચાર આવશે. અને મોટે ભાગે આપણે સાચા પડીએ.

કડવી દવાની જેમ ઘૂંટડે ઘૂંટડે હતાશામાં ગરકાવ કરતી જતી સિટીલાઇટ્સ એક સીનમાં ‘દો બીઘા ઝમીન’ની તો અમુક સીનમાં ‘લંચબોક્સ’ની યાદ અપાવે છે. રાજકુમાર રાવ આ ફિલ્મનો ઓક્સિજન છે. જે સહેલાઈથી એણે ગરીબ મજબૂર રાજસ્થાનીના પાત્રને આત્મસાત્ કર્યું છે, એ જોતાં આવતા વર્ષે પણ એ નેશનલ એવોર્ડ ખૂંચવી જાય તો નવાઈ નહીં. રાજકુમારની રિયલ લાઈફ ગર્લફ્રેન્ડ પત્રલેખાનો અભિનય સારો છે, પણ આ જ પ્રકારની એક્ટિંગ કરનારી (કોંકણા સેન, રાઈમા સેન, તનિષ્ઠા ચેટર્જી જેવી) અભિનેત્રીઓથી કશું અલગ તે આપતી નથી. ફિલ્મનું સરપ્રાઈઝ પેકેજ છે, વિષ્ણુ બનતા અભિનેતા માનવ કૌલ (જેને આપણે ‘કાઈપો છે’માં ‘બિટ્ટુ મામા’ના રોલમાં જોયેલા). એમની સતત કડક અને સાથોસાથ ઈમોશનલ એક્ટિંગ એના પાત્રની આસપાસ રહસ્યનું વર્તુળ સતત ફરતું રાખે છે.

પાવરફુલ પરફોર્મન્સ ઉપરાંત બીજું સશક્ત પાસું છે જિત ગાંગુલીનું આહલાદક મ્યુઝિક. ફિલ્મનાં લગભગ બધાં જ ગીતો શાંત રાત્રિએ સાંભળવા ગમે એવાં સોલફુલ બન્યાં છે. ખાસ કરીને, ‘એક ચિરૈયા’ તથા ‘મુસ્કુરાને કી વજહ’. બંનેમાં અરિજિત સિંઘનો અવાજ કમાલ કરે છે. આટલું સારું સંગીત હોવા છતાં તે જ ફિલ્મનું દુશ્મન બન્યું છે. ગીતોની સંખ્યામાં પ્રમાણભાન જળવાયું નથી, અને દર થોડી વારે ટપકી પડતાં ગીતો (સારાં હોવા છતાં) ઓલરેડી સ્લો ફિલ્મને ઓર ધીમી પાડી દે છે.

સિટીલાઇટ્સ ઑન કે ઑફ્ફ?

ખુશ થવાને બદલે દુઃખી દુઃખી કરી મૂકતી આ ફિલ્મ દરેક જણ માટે નથી. જો તમને આર્ટ ફિલ્મો જોવી ગમતી હોય, કારમી ગરીબીમાં જીવતા રહેવાનો સંઘર્ષ કરતા પરિવારની પીડા અનુભવવી હોય, મુંબઈની ચમકદમક પાછળનો કદરૂપો ચહેરો જોવો હોય અથવા તો તમે રાજકુમાર રાવની એક્ટિંગના ફેન હો, તો આ ફિલ્મની ટિકિટ ખરીદજો. આટલી ‘વૈધાનિક ચેતાવની’ વાંચ્યા પછી જ ફિલ્મ જોવાની હિંમત કરશો જેથી બહાર નીકળીને ‘સાલો, મૂડ ઑફ્ફ થઈ ગયો’ એવી ફરિયાદ ન રહે!

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

શાહિદ

સીધી બાત, નો બકવાસ

***

બહુ ઓછી ફિલ્મો જજમેન્ટલ થયા વિના આપણને વિચારતાં કરી મૂકે છે. શાહિદ તેમાંની એક છે.

***

1387367060_shahiddvdfront2010ના ફેબ્રુઆરીમાં કુર્લાની ટેક્સી મેન કોલોનીમાં આવેલી એક વકીલની ઓફિસમાં ચાર બંદૂકધારીઓ ઘુસી આવ્યા અને 32 વર્ષના યુવા વકીલ શાહિદ આઝમી પર પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળીઓ છોડીને ફરાર થઇ ગયા. કોણ હતો શાહિદ આઝમી? શા માટે થઇ એની હત્યા? કોણે કરી એની હત્યા? હંસલ મહેતાની ‘કાય પો છે’ ફેઇમ રાજકુમાર (યાદવ)ને ચમકાવતી ફિલ્મ ‘શાહિદ’ આ સવાલોના જવાબો તો શોધે જ છે, પરંતુ સહેજ પણ જજમેન્ટલ થયા વિના આપણને વિચારતા કરી મૂકે છે.

સવારનો ભૂલેલો

‘શાહિદ’ વાત છે મુંબઇના ગરીબ ઘરના યુવાન શાહિદ આઝમી (રાજકુમાર રાવ)ની. બાબરી ધ્વંસ પછી ફાટી નીકળેલા કોમી રમખાણોમાં દિશા ભૂલેલા ઘણા યુવાનો પૈકી શાહિદ પણ એક હતો. એ કાશ્મીર જાય છે અને બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર (પીઓકે)માં આવેલા ત્રાસવાદી કેમ્પમાં સામેલ થાય છે. પરંતુ ત્યાં ધર્મના નામે થતું બ્રેઇનવોશિંગ અને નિર્દોષની હત્યા જોઇને તે ઘરે પરત ભાગી આવે છે. પણ ત્રાસવાદીની ડાયરીમાં એનું નામ નીકળતાં એને ટાડામાં અંદર ધકેલી દેવાય છે. ભારે ટોર્ચર પછી એને સાત વર્ષની સજા થાય છે. જેલમાં જઇને બધા વધુ રીઢા ગુનેગાર જ થઇને બહાર આવે એવું જરૂરી નથી. જેલવાસ દરમિયાન શાહિદને કે. કે. મેનન જેવા રિફોર્મિસ્ટની સલાહ મળે છે કે આ દેશની સિસ્ટમને ગાળો દેવાથી કશું વળવાનું નથી. સિસ્ટમ બદલવી હોય તો એના ભાગ બનવું પડે. આ માર્ગદર્શનથી એ જેલમાં રહીને કોલેજનું ભણતર પૂરું કરે છે.

બહાર નીકળીને વકીલ બને છે. પરંતુ અનુભવે એ જુએ છે કે ત્રાસવાદના નામે ઘણા બધા નિર્દોષ લોકો પણ જેલમાં સબડી રહ્યા છે. શાહિદ એને છોડાવવાનું બીડું ઝડપે છે. આ દરમિયાન એ મરિયમ નામની એક ડિવોર્સી સ્ત્રીના પ્રેમમાં પડે છે અને પરણે છે. પરંતુ જેમના પર ત્રાસવાદીનું લેબલ લાગી ગયું હોય એવા લોકોને છોડાવવા બદલ એને મારી નાખવાની ધમકીઓ મળવાનું ચાલુ થાય છે, પરંતુ શાહિદ પોતાના રસ્તેથી પાછા વળવાનું મુનાસિબ માનતો નથી. પરિણામે શાહિદને પોતાના જાનથી હાથ ધોવા પડે છે.

સોચતે રહ જાઓગે

એક રિયલ લાઇફ સ્ટોરીનું નાટ્ય રૂપાંતર હોવા છતાં શાહિદમાં બધું જ રિયલિસ્ટિક લાગે તેવી રીતે કથા કહેવામાં ડિરેક્ટર હંસલ મહેતા સફળ થયા છે. પછી તે કોમી રમખાણો હોય કે ટેરરિસ્ટ ટ્રેનિંગ કેમ્પ હોય, પોલીસનું ટોર્ચર હોય કે કોર્ટરૂમ સીન્સ હોય. એક પણ ઠેકાણે આ ફિલ્મ ‘ફિલ્મી’ કે ક્લિશે-ચવાયેલી લાગતી નથી.

‘શાહિદ’ની બીજી અને સૌથી મોટી સફળતા એ છે કે અત્યંત સંવેદનશીલ વિષયની વાત કરતી હોવા છતાં આ ફિલ્મ ક્યાંય જજમેન્ટલ બનતી નથી. ભારે હિંમતભેર આ ફિલ્મ સમાજના એક ભાગ તરીકે આપણું પર્સેપ્શન, આપણા ન્યાયતંત્રની ખૂબી-ખામીઓ, દેશમાં સત્ય બોલવાનું પરિણામ, ઇસ્લામની રૂઢિચુસ્તતા, આપણા મીડિયાની ખામીઓ વગેરે બાબતો પર આપણું ધ્યાન દોરે છે. એક દૃશ્યમાં શાહિદની વાતનો સંદર્ભ સજ્યા વિના ઉશ્કેરાયેલા કેટલાંક તત્ત્વો એના મોઢા પર મેશ ચોપડી જાય છે, પરંતુ ફિલ્મમાં ક્યાંય એ સંગઠનનું (ભલે કાલ્પનિક) નામ લઇને ફિલ્મને કોન્ટ્રોવર્શિયલ બનાવવાનો પ્રયાસ પણ નથી થયો.

મજાની વાત એ છે કે આપણે વાર્તાના પ્રવાહમાં વહેતા રહીએ છીએ અને ફિલ્મમાંથી બહાર નીકળીએ ત્યારે ઘણા બધા પ્રશ્નો આપણા મગજમાં ચકરાવા લેવા માંડે છે. જેમ કે, શું ટાડા (કે પોટા) જેવા કાયદા હેઠળ પોલીસ કોઇની ધરપકડ કરે એટલા માત્રથી વ્યક્તિ ત્રાસવાદી કે ગુનેગાર સાબિત થઇ જાય? એકવાર જેલમાં જઇ આવેલી વ્યક્તિને શા માટે સમાજ કાયમ માટે ગુનેગાર જ માની લે છે? મીડિયાની જવાબદારીઓ શું છે? સમાચારોના નામે શું આડકતરી રીતે લોકોના મનમાં પૂર્વગ્રહો ઠાલવવાનું કામ થઇ રહ્યું છે? શું ઇસ્લામ અને સુધારાવાદી-પ્રગતિવાદી હોવું એ બંને વિરોધી બાબતો છે? શા માટે આપણે દર વખતે વ્યક્તિને એના ભૂતકાળની ફૂટપટ્ટીથી જ માપીએ છીએ?  શા માટે આપણે આપણા કરતાં અલગ ધર્મની વ્યક્તિને માત્ર એના ધર્મને કારણે એને ધિક્કારવા લાગીએ છીએ? આપણા કાયદાની ચક્કી ભલે બારીક દળે, પણ અત્યંત ધીમું દળે છે એના ઉપાય રૂપે શું કરી શકાય? શા માટે આપણા દેશમાં સાચું બોલતા, સત્ય માટે લડતા લોકોને બંદૂકની અણીએ ખામોશ કરી દેવામાં આવે છે?

ફિલ્મના સંવાદો પણ એટલી પરિપક્વ છે કે મેલોડ્રામેટિક થયા વિના સીધાસટ ચાબખા મારી દેવાયા છે. જેમ કે, એઝ અ મીડિયા પર્સન મૈં આપસે યે એક્સપેક્ટ નહીં કરતા કિ આપ કો સચ્ચાઇ પતા હો, લેકિન આપ ઉસકે નઝદીક તો હોની ચાહિયે ના…

અહીં જબરદસ્ત કોર્ટરૂમ ડ્રામા પણ છે, પરંતુ ‘તારીખ પે તારીખ’ ટાઇપના નાટ્યાત્મક સંવાદો ગેરહાજર છે. જ્યાં વાત ‘લાઉડ’ બને ત્યાં તરત જ જજ વકીલોને અટકાવી દે છે. ફિલ્મના દરેક સીનમાં કટ્સ પણ એવી જ રીતે અધવચ્ચે વાગે છે, કે દરેક સીનને અંતે એમાં ખરેખર શું થયું હશે એ આપણે પછીનો સીન જોઇએ ત્યારે જ સમજાય.

બીજાં ડિપાર્ટમેન્ટ્સ

‘શાહિદ’માં લગભગ મહેમાન કલાકાર તરીકેની ભૂમિકામાં કે. કે. મેનન અને તિગ્માંશુ ધુલિયા જેવા ઉમદા કલાકારો છે, પરંતુ આપણું ધ્યાન ખેંચે છે, રાજકુમાર યાદવ, એનો મોટો ભાઇ બનતો મોહમ્મદ ઝિશન અય્યુબ (રાંઝણાનો બોલકો ‘મુરારી’) અને મરિયમની ભૂમિકા ભજવતી પ્રભલિન સંધુ. રાજકુમારે જે આત્મવિશ્વાસથી આખી ફિલ્મ પોતાના ખભે ઉપાડી છે એ જોતાં બિનધાસ્ત કહી શકાય કે એ લાંબી રેસનો ઘોડો છે. ફિલ્મમાં સ્ટોરીને આડા પાટે ચડાવતાં કે ફિલ્મી બનાવી દેતાં ગીતો નથી. જે બે કર્ણપ્રિય ગીતો છે, એ બેકગ્રાઉન્ડમાં શાંતિથી વાગ્યા કરે છે.

કુલ મિલાકે

આપણા ન્યાયતંત્ર માટે કહેવાય છે કે સો દોષી ભલે છૂટી જાય પરંતુ એક નિર્દોષને સજા ન થવી જોઇએ. પરંતુ જ્યારે નિર્દોષ ખોટી રીતે જેલમાં સબડતો હોય, ટોર્ચર સહન કરતો હોય, ત્યારે એને છોડાવવા માટે કામ કરતા શાહિદ જેવા માણસની સ્ટોરી બહાર લાવતી અને આપણને વિચારતા કરી મૂકતી ફિલ્મો બને તે સરાહનીય છે. દરેક વિચારતા ભારતીયે જોવા જેવી ફિલ્મ. બ્રાવો હંસલ મહેતા!

રેટિંગઃ ***1/2 (સાડા ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.