દાવત-એ-ઇશ્ક

ઝાયકા-એ-લઝીઝ

***

પાકવામાં વાર લગાડતી મુઘલઈ વાનગી જેવી હબીબ ફૈઝલની આ ફિલ્મ હળવો પરંતુ દાઢે વળગે એવો સ્વાદ આપી જાય છે.

***

daawat-e-ishq-movie-poster_140490139000દિગ્દર્શક હબીબ ફૈઝલ અત્યારના યુગના હૃષિકેશ મુખરજી છે એવું કહીએ તો જરાય અતિશયોક્તિ નહીં લેખાય. કેમ કે, તેઓ જ્યારે ફિલ્મ બનાવે ત્યારે તેની ટ્રીટમેન્ટ કબૂતરની પાંખ જેવી એકદમ હળવી હોય, આપણી જ આસપાસના લોકોની, બલકે આપણી જ વાર્તા હોય અને ઉપરથી ગાંઠે બાંધી રાખવા જેવો મેસેજ પણ હોય. એ મેસેજ પણ એટલો હળવાશથી અપાયો હોય કે આપણને સહેજે ઉપદેશાત્મક ન લાગે. હૈદરાબાદી અને લખનવી ઝાયકામાં ઝબોળીને પેશ કરાયેલી એમની લેટેસ્ટ ફિલ્મ ‘દાવત-એ-ઈશ્ક’ પણ એવી જ છે.

ભારતના કાળજે દહેજનો દાગ

અબ્દુલ કાદિર (અનુપમ ખેર) હૈદરાબાદ ખાતે હાઇકોર્ટમાં ક્લાર્ક છે. પ્રોબ્લેમ એ છે કે એમની દીકરી ગુલરેઝ ઉર્ફ ગુલ્લુ (પરિણીતી ચોપરા) પરણવાલાયક થઈ ગઈ છે, પરંતુ બધા જ સારા મુરતિયા ટ્રક ભરીને દહેજ માગે છે. હવે આઝાદ ખયાલોવાળી ગુલ્લુ કહે છે કે દહેજ માગે એવો મુરતિયો તો મારે જોઇએ જ નહીં. એક શૂઝના શોરૂમમાં કામ કરીને સ્વમાનભેર જીવતી ગુલ્લુનાં અરમાન છે કે આગળ ઉપર ભણવા માટે અમેરિકા જવું છે.

આખરે કંટાળીને એ નક્કી કરે છે કે દહેજના કાંટાને દહેજના કાયદાના જ કાંટાથી કાઢવો. એટલે એ પોતાના પિતાને મનાવીને પ્લાન કરે છે કે આપણે નામ-ઠામ બદલીને બીજા ગામે જવાનું. ત્યાં મુરતિયા જોવાના અને દહેજ માગતી વખતે એમનું સ્ટિંગ ઓપરેશન કરીને કેસ ઠોકવાનો. પછી આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ કરીને પૈસા ભેગા કરી લેવાના. આ પ્લાન હેઠળ લખનઉમાં કબાબનો પુશ્તૈની બિઝનેસ સંભાળતો તારિક હૈદર ઉર્ફ તારુ (આદિત્ય રોય કપૂર) ફસાઈ જાય છે. ગુલ્લુ એટલે કે પરિણીતીને પ્રોબ્લેમ એ થાય છે કે એ તારિકને સો ટચનો સાચો પ્રેમ કરી બેસે છે. ઉપરથી તારિક પણ શુદ્ધ ઘીમાંથી બનાવેલો  હોય એવો સાચા દિલનો છે. તો મૂળ પ્લાન પ્રમાણે તારિકને લૂંટી લેવો કે પછી આખા પ્લાનનું તપેલું ઊંધું વાળી દેવું? આખિર કરે તો ક્યા કરે?

ધીમે ખાઓ, ચાવીને ખાઓ

આપણે જમવા બેસીએ તો પહેલાં દાળમાંથી લીમડો-કોકમ વગેરે કાઢી લઇએ, એ રીતે પહેલાં ફિલ્મનાં નેગેટિવ પાસાંની વાત કરી લઇએ. એક તો ફિલ્મ ખાસ્સી ધીમી છે. આપણી ફિલ્મોમાં સ્ટાર્ટિંગની પાંચ-દસ મિનિટમાં હીરોની ધમાકેદાર એન્ટ્રી ન થાય, તો ઑડિયન્સ અકળાઈ જાય. જ્યારે અહીં તો ફિલ્મ શરૂ થયા પછી લગભગ પોણો કલાક વીતી ગયા પછી છેક હીરોજાન આદિત્ય રોય કપૂરનો પ્રવેશ થાય છે. ત્યાં સુધીમાં તો હિરોઇનજાન પરિણીતી ઓલરેડી એક મુરતિયા જોડે પ્રેમમાં પડીને એક લવસોંગ ગાઈ લે છે. ગુજરાતી થાળીમાં જેમ રોટલી-શાક પછી દાળ-ભાત અને છેલ્લે મુખવાસ આવે એ બધું નક્કી જ હોય, એ રીતે આ ફિલ્મમાં પણ આપણને ખબર પડી જાય કે હવે સ્ટોરીમાં કંઇક આમનું આમ થશે. અને હા, લોજિકની રેસિપી કામે લગાડીએ તો જરાય વિશ્વાસ ન બેસે કે કોઈ મધ્યમવર્ગના ભીરુ માણસો આટલી મોટી છેતરપિંડી કરવા તૈયાર થાય.

પરંતુ બોસ, આ દાવત-એ-ઈશ્કના માસ્ટર શેફ હબીબ ફૈઝલ છે. આપણા સમાજને કેન્સરની જેમ વળગેલું દહેજનું દૂષણ અને સાથોસાથ તેને રોકવાની કાયદાકીય કલમ ‘498એ’નો દુરુપયોગ એ બંનેનું ફૈઝલમિયાંએ પરફેક્ટ ફ્યુઝન કર્યું છે. હસતાં-હસાવતાં એમણે આપણને લવિંગ કેરી લાકડીથી ફટકારીને એ પણ સમજાવી દીધું છે કે દીકરાને બેરર ચેકની જેમ ટ્રીટ કરવાની અને કચકચાવીને દહેજ લેવાની માનસિકતા કોઈ ચોક્કસ વર્ગ કે સમુદાય પૂરતી મર્યાદિત નથી. અને આપણું અત્યારનું કહેવાતું ઉચ્ચ શિક્ષણ એ માનસિકતા દૂર પણ કરી શકતું નથી. બલકે ડૉક્ટર, એન્જિનિયર, આઇએએસ-આઇપીએસ, એમબીએ થયેલા મુરતિયાનો તો દહેજના માર્કેટમાં ઊંચો ‘ભાવ’ બોલાય છે! તો સામે એવું જરાય નથી કે ઓછું ભણેલી વ્યક્તિ માનસિક રીતે પણ પછાત જ હોય. સ્ત્રીઓને પુરુષ સમોવડી ગણવાની પરિપક્વતા કમનસીબે આપણું અત્યારનું એજ્યુકેશન આપી શકતું નથી. આ વાત ફિલ્મના લેખક-દિગ્દર્શક હબીબ ફૈઝલે ગરમાગરમ શીરાની જેમ આપણા ગળે ઉતારી દીધી છે.

આ ફિલ્મમાં હૈદરાબાદી અને લખનવી મિજાજ જે ખૂબીથી ઝીલાયા છે, શુભાનઅલ્લાહ! માત્ર જે તે શહેરનાં જાણીતાં સ્થળોએ શૂટિંગ કરી લેવાથી તેની ઓથેન્ટિક ફ્લેવર ન આવે. તે માટે ત્યાંના કલ્ચરને પણ ઝીણવટપૂર્વક આત્મસાત્ કરવું પડે. હબીબ ફૈઝલે હૈદરાબાદમાં રહેતાં મુસ્લિમ બાપ-બેટીની લાઇફને બખૂબી ઝીલી છે. તો એટલી જ સલુકાઇથી એમણે લખનવી મિજાજ પણ ઝીલ્યો છે. જે નજાકતથી પરિણીતી અને અનુપમ ખેર હૈદરાબાદી ઝબાનમાં ‘બાતાં’ કરે છે, એ જરાય કૃત્રિમ લાગતું નથી. હૈદરાબાદ બાજુના લોકો દહેજને ‘ઝહેઝ’ બોલે છે, એનું પણ હબીબ ફૈઝલે ધ્યાન રાખ્યું છે. અરે, દહેજના ભાવ નક્કી કરવાના એક સીનમાં બેકગ્રાઉન્ડમાં ‘સેલ’ લખેલું બેનર ડિસ્પ્લે થાય છે એ પણ એક દિગ્દર્શકનું જ નકશીકામ બતાવે છે.

જો ડિરેક્ટરે ધાર્યું હોત તો એ સહેલાઇથી ફિલ્મને રોનાધોનાવાળી મેલોડ્રામાની ફ્લેવર આપી શક્યા હોત. પરંતુ છેક છેલ્લે સુધી ફિલ્મ પોતાનો હળવો ટોન જાળવી રાખે છે. બલકે જે હળવાશથી ફિલ્મમાં પંદરથી એંસી લાખ જેટલી મોટી રકમ દહેજ માટે માગવામાં આવતી હોય અને દહેજનાં રેટ કાર્ડ નક્કી થતાં હોય, તે સંવેદનશીલ હૃદયના લોકોને અકળાવી મૂકે તેવું છે.

એક પરફેક્ટ કોકટેઇલની જેમ ફિલ્મનાં ત્રણેય મુખ્ય પાત્રો એકબીજામાં ભળી જાય એવી અદાકારી પેશ કરે છે. કમનસીબે સંગીતનું એવું નથી. ફિલ્મના ટાઇટલ સોંગને બાદ કરતાં સાજિદ-વાજિદનાં બીજાં બધાં જ ગીતો ભાતમાં કાંકરી આવે એ રીતે ખૂંચે છે.

આ દાવતમાં જવા જેવું છે

બોલિવૂડની ટિપિકલ ફિલ્મોથી હટકે ટ્રીટમેન્ટ ધરાવતી અને સાથોસાથ એક નક્કર વિચાર આપી જતી આ ફિલ્મ ‘દાવત-એ-ઈશ્ક’ જરા પણ ચૂકવા જેવી નથી. હા, ફિલ્મ ખાસ્સી સ્લો છે, પરંતુ એક પૌષ્ટિક સાત્ત્વિક વાનગીની જેમ તે (માનસિક) સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. એટલે દવા તરીકે પણ આ ફિલ્મ પૂરા પરિવાર સાથે જોવી જોઇએ.

રેટિંગ: *** (ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

બેવકૂફિયાં

મંદીના માહોલમાં મહોબ્બત

***

હબીબ ફૈઝલની કલમમાંથી નીકળેલી આ એવરેજ ફિલ્મમાંથી યંગસ્ટર્સ બચતનો મેસેજ લે તો પણ ઘણું છે!

***

bewakoofiyaan2જ્યારે ‘દો દૂની ચાર’ અને ‘ઇશકઝાદે’ના લેખક-દિગ્દર્શક અને ‘બેન્ડ બાજા બારાત’ જેવી ફિલ્મોના લેખક જનાબ હબીબ ફૈઝલ ફરી પાછી કલમ ઉપાડે ત્યારે એમની પાસેથી કશુંક નવું, તરોતાજા અને હૃષિકેશ મુખરજી ટાઇપની કૃતિ મળવાની અપેક્ષા હોય એ સ્વાભાવિક છે. પરંતુ હબીબે લખેલી તથા નુપૂર અસ્થાનાએ ડિરેક્ટ કરેલી ફિલ્મ ‘બેવકૂફિયાં’ આપણી અપેક્ષાઓમાં ઊણી ઊતરે છે.

ઇશ્ક-વિશ્કનું ક્રેશલેન્ડિંગ

મોહિત ચઢ્ઢા (આયુષ્માન ખુરાના) અને માયરા સેહગલ (સોનમ કપૂર) અત્યારનું ટિપિકલ વર્કિંગ કપલ છે. મોહિત એક એરલાઇન્સમાં સિનિયર માર્કેટિંગ એક્ઝિક્યુટિવ છે અને એનો પગાર 65 હજાર રૂપિયા છે. જ્યારે માયરા એક બેન્કમાં છે, જેનો પગાર 72 હજાર રૂપિયા છે. આવતીકાલની ચિંતા કર્યા વિના બંને બે હાથે કમાય છે અને ચાર હાથે ખર્ચે છે.

પરંતુ કહાનીમાં એકસાથે બે પ્રોબ્લેમ્સ આવે છે. પ્રોબ્લેમ નંબર વન, માયરાના સૂકા નાળિયેર જેવા કડક પપ્પા મિસ્ટર કે. એસ. સેહગલ (ઋષિ કપૂર). એકદમ ઇમાનદાર એવા સેહગલ સાહેબ દિલ્હીના સચિવાલયમાં રિટાયર થવા જઇ રહેલા આઇએએસ ઓફિસર છે. એમની પાસે એમની દીકરી કા હાથ માગવાની જવાબદારી જ્યારે મોહિત એટલે કે આયુષ્માનના શિરે આવે છે, ત્યારે એની ઇમ્પ્રેશન એકદમ ટાંય ટાંય ફિસ્સ થઇ જાય છે. પરંતુ દીકરી માયરા એ મોહિતને પરણવા માટે મક્કમ છે. એટલે છોકરાને અલગ અલગ પેરામીટર્સથી પરખવા માટે સેહગલ સાહેબ મોહિતને છ મહિનાના પ્રોબેશન પર રાખે છે અને એના છોતરાં કાઢી નાખે છે.

પ્રોબ્લેમ નંબર ટુ, વિશ્વવ્યાપી રિસેશનને પગલે મોહિતની એરલાઇન કંપની ધબાય નમઃ થાય છે અને તે મોહિત સહિત જથ્થાબંધ કર્મચારીઓને છૂટા કરે છે. બેકાર થયેલો મોહિત બેફામ ખર્ચાઓને કારણે થોડા જ દિવસમાં દેવાળિયો પણ થઇ જાય છે.

એક તરફ પપ્પાજીને મનાવવાનું પ્રેશર અને બીજી બાજુ નવી નોકરી શોધવાનું પ્રેશર, આ બંને પ્રેશરમાં કૂકરમાં મૂકેલા ભાતની જેમ બફાઇ રહેલો મોહિત ફ્રસ્ટ્રેટ થઇને માયરા યાને કે સોનમ સાથે પણ બ્રેકઅપ કરી બેસે છે. હવે બંનેના પ્રેમનું પ્લેન ફરી પાછું ટેઇક ઓફ કઇ રીતે થાય છે એ જોવાનું રહે છે.

પપ્પા, પૈસા અને પ્યાર

હબીબ ફૈઝલ અત્યારના સમયના અત્યંત ટેલેન્ટેડ રાઇટર છે. પરંતુ એ પણ જ્યારે હોલિવૂડની ફિલ્મોથી ‘ઇન્સ્પાયર’ થઇને ફિલ્મ લખે ત્યારે આપણને અકળામણ થાય. આ ફિલ્મ ‘બેવકૂફિયાં’ હોલિવૂડમાં 2000ના વર્ષમાં આવેલી રોબર્ટ ડી નિરો-બેન સ્ટિલર સ્ટારર ‘મીટ ધ પેરેન્ટ્સ’નું ભારતીય વર્ઝન હોય એવું દેખાઇ આવે છે. વળી, આખી ફિલ્મમાં ક્યાંય તમે હસી હસીને બેવડ વળી જાઓ એવી એક પણ સિચ્યુએશન નથી. એવું કહી શકાય કે આ ફિલ્મ એક ટાઇમપાસ રોમકોમ છે. હા, એટલું કહેવું પડે કે આપણે ત્યાં કિંગફિશર એરલાઇન્સ પાણીમાં બેસી ગઇ અને એના પાપે બેકાર થયેલા યુવાનોને પાત્ર તરીકે લઇને બનેલી આ પહેલી ફિલ્મ છે.

માંડ બે કલાકની હોવા છતાં આ ફિલ્મ એનાં અત્યંત કંગાળ ગીતોને કારણે લાંબી લાગે છે. અને હિરોઇનના પપ્પાને કન્વિન્સ કરવાનો ટ્રેક આપણે છેક દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગેના જમાનાથી જોતા આવ્યા છીએ. અહીં એમાં નવા એન્ગલ તરીકે પૈસાની એન્ટ્રી થઇ છે, અને એ જ ફિલ્મનો સૌથી સ્ટ્રોંગ પોઇન્ટ છે. એક જમાનામાં સરકારી નોકરીઓમાં આખી જિંદગી કાઢી નાખતા પપ્પાઓએ રિટાયર્મેન્ટ વખતે પણ જેટલો પગાર ન મેળવ્યો હોય, એટલો પગાર બે-પાંચ વર્ષમાં જ મેળવવા લાગેલાં જુવાનિયાંવને પૈસા અને બચતની કદર હોતી નથી. પાર્ટીઓ, બેફામ શોપિંગ, હોલિડેઝ, ગાડીઓ, મોંઘા મોબાઇલ્સ વગેરેમાં આખો સેલરી ક્યાં ઊડી જાય છે એનો એમને ખ્યાલ જ આવતો નથી. હાયર એન્ડ ફાયરના આ જમાનામાં જો યોગ્ય બચત ન કરી હોય તો ગમે તેટલા ગાઢ પ્રેમની વચ્ચે પણ પૈસાની કાંટાળી દીવાલ ઊભી થઇ શકે છે. ક્રેડિટ કાર્ડ ઘસાવવાથી વસ્તુ મળે, પ્રેમ નહીં. બીજું, આ ફિલ્મમાં ઋષિ કપૂર રિટાયર થયા પછી પણ નવરા બેસી રહેવાને બદલે બાકાયદા ઇન્ટરવ્યૂ આપીને એક કંપનીમાં જોબ સ્વીકારે છે. એટલું જ નહીં, એ કમ્પ્યુટર પણ શીખે છે. આ બંને મેસેજ જો અનુક્રમે અત્યારના યંગસ્ટર્સ અને રિટાયર્ડ જનો આ ફિલ્મમાંથી લે તો ફિલ્મ નબળી હોવાના બધા ગુના માફ કરી શકાય.

યંગ એક્ઝિક્યુટિવ અને અર્બન પ્રેમી તરીકે આયુષ્માનની એક્ટિંગ એકદમ પરફેક્ટ છે, પરંતુ સતત બે-ત્રણ દિવસની વધેલી દાઢીવાળા એક્ઝિક્યુટિવને કોઇ કશું કહે નહીં? ઋષિ કપૂરને જોઇને પણ આપણને લાગે કે હા હોં, આ ભાઇ કોઇ આઇએએસ ઓફિસર જેવા લાગે તો છે! જ્યારે સોનમે તો પોતાનો ‘આઇશા’ ફિલ્મવાળો રોલ જ રિપીટ કર્યો હોય એવું લાગે છે. બધી વાતમાં ‘વિથ માય હમ્બલ ઓપિનિયન’થી જ વાત શરૂ કરતા સેક્રેટરીના નાનકડા રોલમાં કોમેડિયન ગુરપાલ પણ જામે છે. એ અદભુત કલાકારને કેમ ઝાઝા રોલ નહીં મળતા હોય?

પ્રીડિક્ટેબલ સ્ટોરી, મોટા ટ્વિસ્ટ્સનો અભાવ અને નબળાં ગીતો આ ફિલ્મને એવરેજ લેવલથી ઊંચી આવવાં જ નથી દેતાં. એક માત્ર ‘જેબોં મેં ભરે ગુલછર્રે’ ગીત ઠીકઠાક છે.

જોવાની બેવકૂફિયાં, કરવા જેવી ખરી?

જો તમે ગયા અઠવાડિયે ક્વીન જોઇ લીધી હોય, અને આ અઠવાડિયે ફરી પાછી ફિલ્મ જોવાની ઇચ્છાઓ સળવળી રહી હોય, તો બેવકૂફિયાં ટ્રાય કરી શકાય. લેકિન, કોઇ પણ જાતની અપેક્ષા રાખ્યા વિના (જેથી પાછળથી પસ્તાવો ન થાય!).

રેટિંગઃ ** ½ (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.