Net Neutrality, Facebook & Us

છેલ્લા ઘણા દિવસથી ફેસબુકના નૉટિફિકેશનમાં ‘યોર ફલાણા ફલાણા એન્ડ n અધર્સ સેન્ટ મેસેજિસ ટુ TRAI અબાઉટ ફ્રી બૅઝિક્સ. સૅન્ડ યૉર ઑન મેસેજ’નાં નોટિફિકેશન આવવાના શરુ થયાં, ત્યારે ખાલી ‘ઇત્તુ સુ’ કુતૂહલ થયેલું કે આ છે શું? પણ આજે સવારે ટાઇમ્સમાં આખું બે પાનાંનું જૅકેટ જોયું ત્યારે થયું કે સાલું આ તો મોટી ગેમ છે. થોડુંક ડીપલી ઘુસ કે વાંચ્યું ત્યારે સમજાયું કે હાઇલા, આ તો ‘ઇન્ટરનેટ.ઑર્ગ’ને જ ‘ફ્રી બૅઝિક્સ’ના નવા નામે પેશ કરાયું છે! પછી જરા વધારે વાંચ્યું ત્યારે બધા લોચાલબાચા સામે આવ્યા. અને હવે તો AIBનો વીડિયો પણ આવી ગયો છે.

– સીધી ને સટ વાત છે કે મોબાઇલ-ઇન્ટરનેટ સર્વિસ આપતી કંપનીઓને ઇન્ટરનેટ કે તેના માધ્યમથી ગાડાં ભરીને કમાતી કંપનીઓની જેમ (ઓલરેડી ધૂમ કમાતા હોવા છતાં વધારે) કમાવું છે અને એમની કમાણીમાંથી પણ ભાગ પડાવવો છે.

– બીજી બાજુ, ‘કનેક્ટેડ ઇન્ડિયા’ના નામે ભારતના ગરીબોને ઇન્ટરનેટથી જોડવા નીકળેલા ફેસબુકને પોતે જ ઇન્ટરનેટ બની જવું છે. ઇન્ડોનેશિયામાં ફ્રી બેઝિક્સ અમલમાં છે, અને ત્યાં ઓલરેડી લોકો ફેસબુકને જ ઇન્ટરનેટ સમજવા માંડ્યા છે (સંદર્ભઃ નેટ ન્યુટ્રાલિટીને જાળવી રાખતો ‘ટ્રાઈ’ને મોકલવાનો ૨૮૯૩ શબ્દો લાંબો લેટર). સીધી વાત છે, એકાદી શોપિંગ સાઇટ, એક સોશ્યલ નેટવર્ક, એક ચેટ એપ, એક શો ટાઇમિંગ સાઇટ, એક ન્યુઝ સાઇટ બધું એક જ બુકેમાં ફ્રીમાં મળે તો કોઈ વો (પેઇડ) ક્યું લે? યે (ફ્રી) ન લે?! લેકિન મુદ્દો એ છે કે ફેસબુકના ફ્રી બેઝિક્સનો આ બુકે નેચરલી ફેસબુક પોતે જ નક્કી કરશે અને એમા કોને એન્ટ્રી આપવી એ પણ એ પોતે જ નક્કી કરશે. તો તેમાં સામેલ ન હોય એવા પ્લેયર્સનું શું?

– સૌથી મોટી વાત કે મારા માટે ભલે છદ્મ રીતે આખું ઇન્ટરનેટ ખુલ્લું હોય, પણ દસેક સર્વિસ ફ્રીમાં મળતી હોય તો એક તો એ નેટ ન્યુટ્રાલિટીનો ભંગ થયો. બે, મારે શું સર્ફ કરવું અને શું નહીં એ મોબાઇલ કે ફેસબુક જેવી કંપનીઓ શા માટે નક્કી કરે? ત્રણ, નાની કંપનીઓને અને સ્ટાર્ટઅપ્સને અહીં સીધો અન્યાય થાય છે. ‘ઝોમેટો’વાળા દીપિંદર ગોયલે ‘એરટેલ ઝીરો’ પ્લાન વખતે જ કહેલું કે અગાઉ આવા પ્લાન હોત તો હું આ કંપની ઊભી જ ન કરી શક્યો હોત. આ જ ફેસબુકે અમેરિકામાં ઑપન ન્યુટ્રલ ફેસબુક માટે લેખિતમાં સ્વીકારેલું છે કે, ‘પરમિશન વિનાનું ઑપન ઇન્ટરનેટ જ ઇનોવેશનને પ્રોત્સાહન આપે છે. ઇન્ટરનેટ પર કોને ફાયદો થશે અને કોને નહીં, તેનો હક્ક માત્ર અને માત્ર ગ્રાહકોને જ હોવો જોઇએ. કોમ્પિટિટિવ સર્વિસ અને માહિતીના સોર્સ ફ્રીલી ઉપલબ્ધ નહીં હોય તો નુકસાન ગ્રાહકોને જ છે.’ માત્ર અહીં જ ફેસબુકને મધપુડો દેખાઈ રહ્યો છે. ઝકરબર્ગને કહે, ભાઈ તને જો ભારતના ગરીબોને કનેક્ટ કરવાની આટલી જ ચિંતા હોય, તો પોતાની દાન કરવા ધારેલી ૯૯ ટકા સંપત્તિ ભારતને આપીને ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં મદદ કરને?!

– આજની જાયન્ટ ઍડમાં ફેસબુકે ‘ફ્રી બેઝિક્સ’ની તરફેણમાં ભદ્રંભદ્રીય ભાષામાં જે દસ મુદ્દા કહ્યા છે એમાંથી એકેય સાથે સંમત થઈ શકાય કે વિશ્વાસ મૂકી શકાય એવું નથી. ફોર એક્ઝામ્પલ, એ કહે છે કે તેમાં અમે કોઈ એડ્સ બતાવતા નથી. અચ્છા, ભવિષ્યમાં પણ નહીં બતાવો? તે કહે છે કે ૮૦૦ ડેવલપર્સે ભારતમાં ફ્રી બેઝિક્સની તરફેણમાં સાઇન કર્યું છે. લિસ્ટ ક્યાં? નવમા મુદ્દામાં લખે છે કે ૩૨ લાખ લોકોએ ફ્રી બેઝિક્સની તરફેણમાં ટ્રાઇને પિટિશન મોકલી આપી છે. અમે કેમ માનીએ? ફેસબુકવાળા આપણે લાઇક ન કરેલાં કમર્શિયલ પેજીસમાં પણ આપણું ખોટેખોટું લાઇક બિનધાસ્ત આખા ગામને બતાવે છે, ત્યારે આ બાબતમાં એનો કેટલો વિશ્વાસ કરવો?

– હમણાં ફેસબુક પર જ મેં ક્યાંક કોઈકના સ્ટેટસમાં વાંચેલું કે, ‘ફેસબુકની આ ઇન્ટરનેટ.ઓર્ગ aka ફ્રી બેઝિક્સ સર્વિસ મસ્ત છે. તમને ન ગમે તો પાછા ક્યાં નથી વળાતું?’ એક્ચ્યુઅલી, મને આ ‘ફ્રી ઇન્ટરનેટ’ની આખી મુવમેન્ટમાંથી જ ફૂટ ઇન ધ ડૉરસ્ટેપ પૉલિસીની વાસ આવે છે. એકવાર ઊંટનો ટાંગો તંબુમાં ઘુસાડી દેવાનો, પછી હળવેકથી આખું ઊંટ તંબુમાં અને તમે તંબુની બહાર. ડિટ્ટો, DTHમાં અત્યારે એવું જ થયું છે. સરકાર એક સમયે એવી વ્યવસ્થા કરવાની હતી કે આપણે જે ચેનલો જોઇએ તેના જ પૈસા ચૂકવવાના. પણ આજેય જાહેરાતો થતી હોવા છતાં એવું કશું થયું નહીં અને અત્યારે ફ્રી ટુ એર ચેનલોનો ઓલમોસ્ટ કાંકરો નીકળી ગયો છે અને મહિને ૪૦૦-૫૦૦ રૂપિયા ચૂકવીએ છીએ. ઉપરથી છાશવારે પેઇડ ચેનલોના કે તેના પેકેજના ભાવો વધ્યા કરે છે, તેની કોઈ જ ટોચમર્યાદા બંધાઈ નથી. અને પેકેજમાં પણ અવારનવાર કઈ ચેનલો ચાલુ-બંધ થાય છે એ કોણ જુએ છે?

– ફેસબુક પોતાની એડમાં મેંદીવાળા હાથ બતાવીને આપણને ઇમોશનલ બ્લેકમેલ કરે છે કે, ’ફ્રી બેઝિક્સ એક અબજ લોકોને જોડવાનો પ્રયાસ છે અને અમુક લોકો તેને બૅન કરાવીને, ભારતમાં ડિજિટલ ઇક્વાલિટીને સ્લો પાડવાનું કામ કરે છે.’ એમને જણાવવાનું કે ભારતમાં ૨૦૧૫માં દસ કરોડ લોકો ઇન્ટરનેટથી જોડાયા છે અને એ ફ્રી બેઝિક્સથી નથી જોડાયા.
***
– સો, ટુ કટ ધ લોંગ થિંગ શોર્ટ. નો લંચ ઇઝ ફ્રી. એટલે ફ્રીના ચક્કરમાં તો ફસાવા જેવું જ નથી. બીજું, સમજ્યા-કારવ્યા કે પૂરતું વાંચ્યા વિના ફેસબુકનાં નોટિફિકેશનમાં આવતા મેસેજ પર ક્લિક કરીને ‘TRAI’ને ‘ફ્રી બેઝિક્સ’ના સમર્થનમાં મેલ ન કરવો. જો મેલ કરવો જ હોય તો ‘સેવઇન્ટરનેટ.ઈન’ પર જઇને TRAI (ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા)ને મેલ કરો કે આ અમુક કંપનીઓને ઇન્ટરનેટના ચોકીદાર બનાવવાના ધંધા બંધ કરે (આ સાઇટ પર મેલનો ફરમો રેડી જ છે). યાદ રહે, TRAIને આ મેલ મોકલવાની છેલ્લી તારીખ ૩૦ ડિસેમ્બર, ૨૦૧૫ છે (એટલે જ ફેસબુકે એગ્રેસિવ એડ્સ સ્ટાર્ટ કરી છે. અને આ વખતે તો નેટ ન્યુટ્રાલિટીને બચાવવા નીકળેલા એક્ટિવિસ્ટોનું જ હથિયાર વાપર્યું છે).

– ઇન્ટરનેટ એ લક્ઝરી કે મનોરંજન માત્ર નથી. હવે એ વીજળી, પાણી, રસ્તા, હેલ્થકેર જેવું જ એક જીવનજરૂરિયાતનું માધ્યમ છે. એના પર કોઈ વેપારી હિતોનો કબ્જો હોવો જ ન જોઇએ.

– જો ઉપરની મારી વાતો ન સમજાય કે ગળે ન ઊતરે તો AIBનો આજે જ અપલોડ થયેલો લેટેસ્ટ વીડિયો જોઈ લો. (લિંક: https://www.youtube.com/watch?v=AAQWsTFF0BM)

– સ્ક્રોલ.ઇનમાં ફેસબુકનું ફ્રી બેઝિક્સ કેટલું જોખમી છે એની વાત મુદ્દાસર કરતો લેખ પ્રકાશિત થયો છે એ વાંચી લો. (લિંક: http://scroll.in/article/777599/10-reasons-that-explain-why-you-should-oppose-facebooks-free-basics-campaign)

– અને હા, જો તમારા નોટિફિકેશનમાં ફ્રી બેઝિક્સની તરફેણમાં મેલ મોકલેલા ફ્રેન્ડ્સનાં નામોમાં મારું નામ દેખાય તો મને તરત જાણ કરજો. મેં એ મેઇલ કર્યો પણ નથી અને કરવાનો પણ નથી. અને જો દેખાય, તો સમજજો કે ફેસબુક ફ્રૉડ કરી રહ્યું છે અને તમારે મેઇલ ન જ મોકલવો જોઇએ. બાય ધ વે, સત્ય સમજાયા પછી ફેસબુક દ્વારા ફ્રી બેઝિક્સની તરફેણમાં મોકલેલા મેઇલ પાછા મંગાવી શકવાની કોઈ જોગવાઈ છે ખરી?!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

ઇમોશનલ બ્લેકમેલ કરીને છેતરવાનો ધંધો

છેલ્લા થોડા દિવસથી મને દિલ્હીના કોઈ ‘રિલીફ ઇન્ડિયા ટ્રસ્ટ’માંથી શાલુ નેગી નામની વોલન્ટિયરનો ફોન આવે છે. સામે છેડેથી બોલતી કન્યા કહે છે કે સર, દિલ્હીમાં અંશિકા નામની એક વર્ષની છોકરીને કેન્સરની સારવારની તાત્કાલિક જરૂર છે. હવે મારો નંબર ‘ડુ નોટ ડિસ્ટર્બ’માં રજિસ્ટર કરાવેલો છે. એટલે એ બહેનને પહેલાં તો મેં એ પૂછ્યું કે તમને મારો નંબર ક્યાંથી મળ્યો. તો કહે કે સર, અમારી પાસે ડેટાબેઝ હોય છે અને એ ડેટાબેઝ ક્યાંથી આવે છે એ એમને ખબર ન હોય (આ દેશમાં ધર્મ અને વિજ્ઞાનના નામે તમે કોઇને પણ મુર્ખ બનાવી શકો).

એ પછી મને શંકા ગઈ કે આ કોઈ નવા પ્રકારનો ‘ઇમોશનલ ફ્રોડ’ છે, પણ પેલી શાલુ શાણી હતી. મેં ડિટેલ્સ માગી તો એણે મને ત્રણ મેસેજ કરીને પોતાના એનજીઓનો રજિસ્ટર્ડ નંબર આપીને ભારત સરકારની સાઇટ પર ક્રોસચેક કરી લેવા જણાવ્યું. મેં કર્યું. તો ભારત સરકારની સાઇટ પર આ એનજીઓ રજિસ્ટર થયેલો છે. એટલે થયું કે આ કદાચ ફ્રોડ ન પણ હોય. પણ આજે ફરીથી ફોન આવ્યો અને એણે જિદ્દ પકડી રાખી કે પૈસા આપો ને આપો. એટલે પછી મેં નેટ પર સર્ચ માર્યું. તો ‘કન્ઝ્યુમર કમ્પ્લેઇન્ટ્સ’ સહિતની સાઇટો પર મને આ જ એનજીઓના નામે ટનબંધ ફરિયાદો મળી આવી. ઇવન વિષ્ણુ ગોપાલ નામના કોચી-કેરળના એક ટેક્નોક્રેટે અહીં દાન કરીને ફસાયાની વાત પોતાના બ્લોગ પર પોસ્ટ મૂકી તો એનજીઓએ એને લીગલ નોટિસ મોકલાવી દીધી. ‘ક્વૉરા’ પર પણ ડઝનબંધ લોકોએ આ જ પ્રકારની ફરિયાદો કરી છે. એનજીઓની બેઝિક વેબસાઇટ અને એક્ટિવ ટ્વિટર હેન્ડલ જોઇને સહેજે આપણને તેના પર વિશ્વાસ બેસી જાય. નેટ પર બીજા લોકોનો અનુભવ કહે છે કે આ લોકો કોઇપણ ભોગે તમારો પીછો છોડતા નથી અને તમે ડોનેટ કરવામાં મોડું કરો અથવા ના પાડો તો પણ તેઓ કૉલ અને મેસેજ કર્યા કરે છે. આટલા બધા કેસીસ પછી હવે મને આ એનજીઓ પર વિશ્વાસ બેસતો નથી અને હું તેમને એક રૂપિયાનું પણ દાન આપવાનો નથી.
***
બે એક વર્ષ પહેલાં મારા પર ડિશ ટીવીમાંથી કૉલ આવ્યો અને એકદમ ડિટેલમાં મારા ડિએક્ટિવેટ કરાવેલા ડિશ ટીવી અકાઉન્ટની વિગતો આપી. ‘તમે તમારું બંધ પડેલું સેટ ટૉપ બોક્સ અને રિમોટ કંટ્રોલ પાછું સબમિટ કરાવી દો તો તમારી બાકી રહેલી ૧૦૦૦ રૂ. ડિપોઝિટ એક મહિનાની અંદર તમને પરત આપી દઇશું’ એવી વાત પણ એમણે કરી. મને વિશ્વાસ ન બેઠો અને મેં વાત ઉડાડી દીધી. ફરી થોડા મહિના પછી કૉલ આવવા શરૂ થયા. આખરે કંટાળીને મેં એમની વાત સ્વીકારી લીધી. દરમિયાન આળસમાં ને આળસમાં મેં ડિશટીવીની હેલ્પલાઇનમાં ફોન કરીને ક્રોસ ચેક ન કર્યું (કેમ કે હેલ્પલાઇનમાં ફોન કરવો હોય તો પાછી નોકરીમાંથી અડધા દિવસની રજા લેવી પડે!). આખરે મારા ઘરે બે જણા સેટ ટોપ બૉક્સ લેવા આવ્યા. મેં એમનું આઈ કાર્ડ માગ્યું તો કહે કે, ‘સર, અમે ન્યુ રિક્રુટ છીએ એટલે કાર્ડ હજી નથી આવ્યા, પણ તમે અમારા વર્ટિકલ હેડ સાથે વાત કરી લો.’ વર્ટિકલ હેડે પણ ફોન પર એ જ વાત કરી અને મેં સેટ ટોપ બૉક્સ-રિમોટ આપી દીધાં. એ વાતને છ મહિના ઉપર થયા એટલે એમના નંબર પર ફોન કર્યો, તો રેકોર્ડેડ મેસેજ સંભળાયો કે ‘પ્લીઝ ચેક ધ નંબર યુ હેવ ડાયલ્ડ.’ નેટ પર જોયું તો ગ્રાહક સુરક્ષામાં ‘સિદ્ધ એન્ટરપ્રાઇઝ’ નામની આ જ કંપની સામે આવી સેઇમ ફરિયાદ નોંધાયેલી હતી.
***
વળી, દોઢેક વર્ષ પહેલાં ફાંકડું અંગ્રેજી બોલતા વીસ-બાવીસ વર્ષના બે જુવાનિયા આવ્યા અને કહ્યું કે અમે જસ્ટ એન્જિનિયરિંગ પાસ કર્યું છે. અત્યારે વેકેશનમાં સોશ્યલ કૉઝ માટે હેલ્પેજ ઇન્ડિયા સાથે કામ કરીએ છીએ અને ઓલ્ડ પીપલ માટે ડૉનેશન કલેક્ટ કરીએ છીએ. મેં એમને ઘરમાં બેસાડીને એમનાં ક્રેડેન્શિયલ્સ ચેક કર્યાં. મને જેન્યુઇન લાગ્યું (વળી, સ્કૂલકાળમાં એક વખત હેલ્પેજ ઇન્ડિયા માટે ફાળો ઉઘરાવવા માટે હું પણ આ જ રીતે ઘર ઘર રખડેલો). એટલે મેં કહ્યું કે, ‘સારું, હું તમને ફાઇવ હન્ડ્રેડ રૂપીઝ આપી શકું.’ તો મોંઘી બ્રૅન્ડેડ ઘડિયાળ અને શૂઝ પહેરેલા એ છોકરા કહે કે, ‘સર, તમારે મિનિમમ કંઇક ૧૨૦૦ કે ૩૦૦૦ જેટલી અમાઉન્ટ તો આપવી જ પડે. ફાઇવ હન્ડ્રેડ તો પીનટ્સ કહેવાય.’ મેં કહ્યું કે, ‘એક મિનિટ, ડૉનેશન વૉલન્ટરી હોય, યુ કાન્ટ ફોર્સ મી લાઇક ધીસ.’ તો એ લોકો એજિટેટ થઈને ‘વ્હોટેવર’ બોલીને જતા રહ્યા. છએક મહિના પછી ફરી પાછા બીજા બે રિચ ચાઇલ્ડ પ્રકારના જુવાનિયા ડિટ્ટો આ જ રીતે હેલ્પેજ ઇન્ડિયામાંથી આવ્યા હોવાનું કહીને આ જ પ્રકારની વ્હોટએવરવાળી વાત કરીને જતા રહ્યા. એ છોકરાંવ મને ફ્રોડ તો નહોતા લાગ્યાં, પણ કદાચ ફોરેન વિઝા માટે કોઈ બેલ્ટ્સ મેળવવા માટે આવાં કામ કરતાં હોય કે કદાચ જેન્યુઇન કૉઝ માટે આવ્યાં હોય, પણ એમનો બધા લોકો પૈસાદાર જ હોય એવો દમદાટીવાળો એટિટ્યુડ મને ન ગમ્યો.
***
હજીયે અવારનવાર, ‘સર, અમે LICમાંથી બોલીએ છીએ, તમારી પૉલિસી પર તમને અમુક લાખ રૂપિયાનું બોનસ મળવાપાત્ર છે’ પ્રકારના કૉલ્સ આવતા રહે છે. આપણે કહીએ કે આ ફ્રોડ છે, હું કમ્પ્લેઇન કરીશ, તો તરત જ (અથવા ક્યારેક ગંદી ગાળો બોલીને) ફોન કાપી નાખે છે.
***
ટૂંકમાં વાત એટલી કે નવા નવા ફ્રોડ માર્કેટમાં રિલીઝ થતા જ રહે છે. આપણે ચેતતા રહેવું અને આવું કંઇક ધ્યાનમાં આવે તો શૅર કરતા રહેવું.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.