OK Jaanu

નૉટ ઓકે, મણિ સર

***

તમિળમાંથી હિન્દીમાં આવતાં સુધીમાં આ ફિલ્મમાં રહેલો મણિ રત્નમ અને એ. આર. રહેમાનનો મૅજિકલ ટચ ક્યાંય ખોવાઈ ગયો છે.

***

ok-jaanu-new-posterડિયર મણિ સર,

ભારતમાં ફિલ્મ જોનારાઓની એક આખી પેઢીની જેમ અમે પણ તમારી ફિલ્મો જોઈ જોઈને મોટા થયા છીએ. જે રીતે તમે અઘરામાં અઘરી વાતને પણ હળવાશથી કહી દો છો, જે રીતે 24 ફિલ્મો બનાવ્યા પછીયે તમને ‘ક્રિએટિવ ફટિગ’ નથી લાગ્યો, જેવું પેશન તમારી એકેક ફિલ્મમાં દેખાય છે, એ જોતાં તમને ભારતીય સિનેમાની જીવતી જાગતી ઇન્સ્ટિટ્યુશન કહેવામાં એક ટકોય અતિશયોક્તિ નથી. પરંતુ તમે જ્યારે તમારી પોતાની ફિલ્મને હિન્દીમાં બીજા કોઈ ડિરેક્ટરને બનાવવા સોંપી દો ત્યારે અમને જોનારાઓને તો સગી માએ પોતાનું સંતાન બીજા કોઇને દત્તક આપી દીધું હોય એવું દુઃખ થાય. એવું દુઃખ અમને શાદ અલીએ તમારી ‘અલાઈપાયુથે’ને ‘સાથિયા’ના નામે બનાવેલી ત્યારે થયેલું. હવે એ જ દુઃખનું રિપિટેશન બે વર્ષ પહેલાં તમે જ તમિળમાં બનાવેલી ‘ઓ.કે. કન્મની’ની હિન્દી રિમેક ‘ઓકે જાનુ’ જોઇને અત્યારે થઈ રહ્યું છે. એટલે જ તમને આ ઑપન લૅટર લખવાની નોબત આવી છે.

તમારી ઘણી ફિલ્મોમાં અમે જોયું છે કે હીરો-હિરોઇનને તમે શરૂઆતમાં જ પરણાવી દો. પરંતુ ‘ઓ.કે. કન્મની’ની વાત અલગ હતી. અમને યાદ છે, તેની રિલીઝ વખતે તમે કહેલું કે એ ફિલ્મમાં તમે એવું બતાવવા માગતા હતા કે અત્યારના યુવાનો બહારથી ભલે મૉડર્ન થયા હોય, પરંતુ અંદરથી તો હજીયે એવા જ ટ્રેડિશનલ છે. તેમાં તમે મલયાલમ સુપરસ્ટાર મમૂટીના હોનહાર દીકરા દુલ્કર સલમાન અને નમણી નિત્યા મેનનની એકદમ ફ્રેશ જોડીને કાસ્ટ કરેલી. સ્ક્રીન પર એ બંને ‘મેઇડ ફોર ઇચ અધર’ લાગતાં હતાં. એ બંને ઉપરાંત પોતાની અલ્ઝાઇમર્સ ડિસીઝથી પીડાતી પત્નીની કાળજી લેતા પ્રકાશ રાજ અને યાદદાસ્ત ગુમાવી રહેલાં પરંતુ પ્રેમ અકબંધ રાખીને રહેતાં એમનાં પત્ની તરીકે લીલા સૅમ્સનની જોડીમાં પણ એવી જ ઉષ્મા દેખાતી હતી.

અફ કોર્સ, ‘ઓકે જાનુ’ પણ રિમેક છે એટલે ફ્રેમ બાય ફ્રેમ સરખી છે. અમેરિકા જવાનું સપનું લઇને મુંબઈ આવેલો વીડિયો ગેમ ડિઝાઇનર યુવાન આદિત્ય (આદિત્ય રૉય કપૂર) પૅરિસ જઇને આર્કિટેક્ચર ભણવાનું સપનું લઇને ફરતી યુવતી તારા (શ્રદ્ધા કપૂર)ને મળે. બંનેની કેમેસ્ટ્રી ક્લિક થાય, એકબીજા સાથે ફરે-હરે, ગીતો ગાય અને પ્રેમમાં પડે. લગ્ન અને બાળકોની બબાલમાં ન માનતાં આ બંને છૂટાં પડતાં પહેલાં સાથે રહેવા માટે લિવ ઇનમાં રહે અને ત્યાં જ નસિરુદ્દીન શાહ-લીલા સૅમ્સનનો સંબંધ જોઇને સાથે રહેવાનાં અને એકબીજાની જવાબદારી ઉપાડવાનાં પાઠ શીખે. ફાઇન. વાત સરસ છે, પરંતુ હિન્દી અવતરણની પ્રક્રિયામાં તે મૂળ મૅજિક ક્યાંક વરાળ થઇને ઊડી ગયો છે.

તમિળ વર્ઝનનું નામ તમે કેવું મસ્ત રાખેલું, ‘ઓ કાધલ કન્મની’, એટલે કે ‘ઓ પ્રિયે, આંખ જેવી અ0e09a8adb1855f1820fdf1d42477e131ણમોલ’. જ્યારે
હિન્દીમાં એના જેવું જ નામ રાખવાની લાલચમાં ‘ઓકે જાનુ’ જેવું તદ્દન ફિલ્મી મિનિંગલેસ ટાઇટલ આપી દેવાયું. એ રીતે તો ‘ઓકે ટાટા બાય બાય’ રાખ્યું હોત તોય શું ફરક પડવાનો હતો?

‘આશિકી-2’ની હિટ જોડી આદિત્ય રૉય કપૂર-શ્રદ્ધા કપૂરને રિપીટ કરવાનો આઇડિયા માર્કેટિંગની રીતે પર્ફેક્ટ છે. પરંતુ ‘આશિકી-2’ની સફળતામાં એ બંને વચ્ચેની કેમિસ્ટ્રી કરતાં તેના જબરદસ્ત સંગીતનો ફાળો વધારે હતો. અહીં આ જોડી પોતાનું એ જૂનું બૅગેજ લઇને સાથે આવે છે અને એટલે જ પબ્લિકમાંથી હજીયે ‘આરોહી’ના નામની બૂમો પડે છે. શ્રદ્ધા કપૂર ઍક્ટિંગ કરતાં પોતાની ક્યુટનેસ જ વટાવતી હોય તેવું વધારે લાગે છે. ‘ગૅમર’ લખેલું મોબાઇલનું કવર અને લૅપટોપની ‘સ્ટાર વૉર્સ’ની સ્કીનને બાદ કરતાં આદિત્ય રૉય કપૂર એકેય ઍન્ગલથી વીડિયો ગૅમ ડિઝાઇનર લાગતો નથી. ફિલ્મમાં એનો ‘મુંબઈ 2.0’ ગૅમનો કન્સેપ્ટ પણ તદ્દન ડમ્બ ડાઉન થઈ ગયો છે. ઑરિજિનલ વર્ઝનમાં તમે એસ્ટાબ્લિશ કરેલું કે એક ઝાકઝમાળ, ગ્લેમરથી ભરેલું અપર મુંબઈ હોય અને કોન્ટ્રાક્ટ કિલર્સ, ડ્રગ્સ, હવાલા, બ્લૅક મનીથી ભરેલું બીજું લૉઅર મુંબઈ હોય. અપર મુંબઈથી શરૂ થતી ગૅમ લૉઅર મુંબઈમાં જાય એ કન્સેપ્ટનો છેદ જ અહીં ઊડી ગયો છે. સર, તમે હિન્દી ફિલ્મો જોતા નથી એ અમને ખબર છે, પણ જેમના માટે આ ફિલ્મ છે તે અહીંના યુવાનો દુનિયાભરની વીડિયો ગૅમ્સ રમે છે.

‘ઓ.કે. કન્મની’નું મ્યુઝિક સુપરહીટ હતું અને બે વર્ષ પછી આજેય એટલું જ ફ્રેશ લાગે છે. તમે એ.આર. રહેમાન સાથે મળીને જે કમાલ કરેલો છે તે અમે છેક ‘રોજા’થી અને એમાં ગુલઝાર સાહેબને ઉમેરીએ તો ‘દિલ સે’ અને ‘સાથિયા’ના જમાનાથી જોતા આવ્યા છીએ. કમનસીબે એ જાદુ અહીં દેખાતો નથી. નો ડાઉટ, ઑરિજિનલ ‘ઓ.કે. કન્મની’નાં મૂળ ગીતોનાં હિન્દી વર્ઝન (‘ઓકે જાનુ’, ‘કારા ફનકારા’ અને ‘જી લે’) સાંભળવામાં તો મજા પડે છે, પણ તેના શબ્દોમાં ઑરિજિનલમાં હતું એવું કાવ્યતત્ત્વ ખોવાઈ ગયું છે. ઑરિજિનલમાં અફલાતૂન લવ સોંગ હોવા છતાં તેને બદલે તમારા અને રહેમાનના ‘હમ્મા હમ્મા’નું બાદશાહને લઇને જે અત્યંત કંગાળ રિમિક્સ કર્યું છે એમાંથી માત્ર નાણાંકીય હેતુસર આ રિમેક બનાવાઈ છે તેની બદબૂ આવે છે. નહીંતર આ જ એ. આર. રહેમાન પોતાના ‘ઉર્વશી ઉર્વશી’નું ‘MTV અનપ્લગ્ડ’ માટે જે રિમિક્સ બનાવે તે એટલું જ અદભુત બને અને આમાં આવો દાટ વળે એ કઈ રીતે માની લઇએ? અરિજિતે ગાયેલું ‘ઇન્ના સોણા’ જેવું ઠીકઠાક ગીત પણ ધીમી પડી ગયેલી ફિલ્મની ગતિને ઓર ધીમું પાડે છે.

અહીં સ્ક્રીનપ્લેમાં તમારું નામ છે, પરંતુ અમને ખબર છે કે અમારા તમિળ જેવું જ તમારું હિન્દી છે. ડાયલોગ્સમાં ગુલઝાર સાહેબનું નામ દેખાય છે. નસિરુદ્દીન શાહના મોઢે બોલાયેલા ‘આસ્તિન ચઢા દેના ઝરા મેરી’, ‘હિમાકત-એ-નાઉમ્ર’, ‘મરીઝ-એ-ઇશ્ક’ જેવા શબ્દપ્રયોગોમાં એ દેખાઈ પણ આવે છે. પરંતુ બાલકૃષ્ણ દોશી જેવા દિગ્ગજ ગુજરાતી આર્કિટેક્ટ માટે તમારી ફિલ્મમાં ‘ઠરકી’ જેવો હલકો શબ્દ વપરાય? એમના ગેસ્ટ અપિયરન્સમાં ‘અમદાવાદની ગુફા’ની રચના વિશે બોલાતી બે લાઇન પણ મહત્ત્વની હતી, જ્યારે તે આખો કેમિયો અહીં માત્ર નામનો જ બનીને રહી ગયો છે. ફિલ્મમાં ‘ઇતના તંગ આ ગયે હો તો છોડ ક્યું નહીં દેતે?’ એ લાઇન તો આ જ શાદ અલીવાળી ‘સાથિયા’માં પણ હતી. મતલબ કે ટ્રાન્સલેશન સિવાય ખાસ કોઈ ક્રિએટિવિટી ઉમેરાઈ નથી. ઉપરથી તમારો પૅશનેટ-મૅજિકલ ટચ પણ નથી. એટલે જ દુલ્કર સલમાન-નિત્યા મેનનની જેમ આદિત્ય રૉય કપૂર-શ્રદ્ધા કપૂરના પ્રેમમાં અમે પડી શકતા નથી. વળી, ખોટી જગ્યાએ સ્પોન્સરનું પ્રોડક્ટ પ્લેસમેન્ટ મુકાયું હોય પૈસા કમાવવા માટે આ ફિલ્મ બનાવાઈ હોવાનું વધારે સ્પષ્ટ થાય.

તમારી ઑરિજિનલ ફિલ્મથી વિપરિત અહીં મુંબઈ એક પાત્ર તરીકે ઊપસતું નથી, બસ એક બૅકડ્રોપ બનીને રહી જાય છે. ઑરિજિનલ આદિ-તારાની નિર્દોષતા પણ અહીં ગાયબ છે. મુંબઈને, અમદાવાદને, પોતાની સ્વતંત્રતાને, ખરેખરા પ્રેમને માણતાં ક્યુટ છતાં મૅચ્યોર પ્રેમીઓને બદલે અહીં એમનામાંથી વાસના ટપકતી વધારે દેખાય છે (કર્ટસીઃ ‘હમ્મા હમ્મા’ ગીતનું પિક્ચરાઇઝેશન). શૃંગાર રસને નજાકત અને મર્યાદાથી ફિલ્માવવામાં ન આવે તો તેને વાસનામાં પલટાઈ જતાં વાર નથી લાગતી તે તફાવત ઑરિજિનલ અને આ હિન્દી વર્ઝન જોતાં બરાબર સમજાઈ જાય છે.

અમને ખબર છે કે તમે હિન્દી ફિલ્મો જોતા નથી, પરંતુ જસ્ટ જણાવવાનું કે હમણાં જ અમે આદિત્ય ચોપરાની મહાકંગાળ ‘બેફિક્રે’ જોઈ છે, જેમાં આવી જ સ્ટોરી હતી. તે આ ફિલ્મની રિલીઝનું કમનસીબ ટાઇમિંગ ગણી શકાય. લેકિન અગાઉ પણ આવી જ થીમ ધરાવતી અનેક ફિલ્મો આવી ગઈ છે. તમારો ટચ ‘ઓ.કે. કન્મની’ને એ ફિલ્મોથી અને ‘ઓ.કે. જાનુ’થી અલગ પાડતો હતો. તે અહીં નથી, એટલે અમારા માટે તો તમારા પ્રોડક્શનની આ ફિલ્મ એક સરેરાશ માઇલ્ડ એન્ટરટેનિંગ ફિલ્મ બનીને રહી ગઈ છે.

એટલે પ્લીઝ, તમારી હવે પછીની અદિતી રાવ હૈદરી સ્ટારર ફિલ્મ ‘કાત્રુ વેલિયિદાઈ’ને હિન્દીમાં બનાવો તો ડિરેક્શનનું સુકાન તમારી પાસે જ રાખશો.

બસ એ જ,
તમારા કરોડો ચાહકો પૈકીનો એક.

રેટિંગઃ ** (બે સ્ટાર)

P.S. મણિ રત્નમની ઑરિજિનલ તમિળ ‘ઓ.કે. કન્મની’નો અને દુલ્કર સલમાનની મલયાલમ ફિલ્મ ‘કલિ’નો રિવ્યુ વાંચવા માટે અહીં ક્લિક કરોઃ
https://jayeshadhyaru.wordpress.com/2016/04/11/kali-malayalam/

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Kali (Malayalam)

– એક વર્ષથી જેના વિશે લખવાનું રહી જતું’તું, તેનો મેળ હવે પડ્યો. રીઝન? ગઈ કાલે જોયેલી મલયાલમ ફિલ્મ ‘કલિ.’ રીઝન? એનો સુપર હૉટ ડુપર ક્યુટ હેન્ડસમ હીરો દુલ્કર સલમાન. આપણા સલીમપુત્ર વાંઢા સલમાનનો તો હું જરાય ફૅન નથી, પણ આ મમૂટીપુત્ર દુલ્કર સલમાન માટે મારા દિલમાં એક સ્પેશ્યલ વેલ્વેટ કોર્નર છે. અગેઇન, રીઝન? કરો રિવાઇન્ડ અને ચાલો, મણિ રત્નમની એક્ઝેક્ટ એક વર્ષ પહેલાં આવેલી તમિળ ફિલ્મ ‘ઓકે કન્મની’ જોવા.

મણિ રત્નમની દુલ્કર સલમાન-નિત્યા મેનન સ્ટારર ‘ઓ કાધલ કન્મની’નું પોસ્ટર. હવે આ ફિલ્મની આદિત્ય રોય કપૂર-શ્રદ્ધા કપૂર સ્ટારર હિન્દી રિમેક ‘ઓકે જાનુ’ના નામે બની રહી છે.

– મણિસરની ૨૦૧૩ની મુવી ‘કડલ’ (મીનિંગઃ દરિયો) મેં મિસ કરેલી (ધિક્કાર હૈ!). એટલે પ્રાયશ્ચિત માટે જેવી ‘ઓ કાધલ કન્મની’ (મીનિંગઃ ઓ=O, કાધલ= પ્રેમ, કન્મની= આંખ જેવી અણમોલ) રિલીઝ થઈ એટલે સ્લોમોશનમાં ફાસ્ટ દોડ મૂકી અને PVRમાં હું ને વાઇફી સજોડે થપ્પો કરી આવ્યાં. બૉસ, એ માણસ નામે મણિ રત્નમની એ ૨૪મી ફિલ્મ હતી એ, પણ જરાય ક્રિએટિવ ફટીગ નહીં. એવી યુથફુલ કે આપણા ચેતન ભગત, અયાન મુખર્જી કે અભિષેક કપૂર માથે બબ્બે બેડાં મૂકીને રીતસર પાણી ભરે. મણિસરની ફિલ્મમાં હિરોઇન હોય એના કરતાંય વધુ બ્યુટિફુલ લાગે (ફિલ્મોગ્રાફી જોઈ લો). અહીં હતી નિત્યા મેનન. ‘ક્રાઇમ માસ્ટર ગોગો’નેય રમવાનું મન થઈ જાય એવી મસ્ત ગોળમટોળ લખોટી જેવી આંખો અને દેશી ગોળના દડબા જેવી મીઠડી પર્સનાલિટી. સાથે હતો દુલ્કર સલમાન. આ મારા કીબૉર્ડ કી કસમ, અત્યારે હિન્દીમાં પણ આના જેવો સુપરહૉટ યંગ એક્ટર એકેય નથી. મતલબ કે હિલ સ્ટેશનની સવારની ઠંડક જેવી ફ્રેશ જોડી. આમેય મણિસરની ફિલ્મોની પૅરને જોઇને ઑડિયન્સને એનાં પ્રેમમાં પડવાનું મન થાય, થાય ને થાય જ! (અંગૂઠા લગવા લો!)

અને સ્ટોરી? કમ્પ્લિટલી મુંબઈમાં બૅઝ્ડ. મુંબઈ આ ફિલ્મ જેટલું રોમેન્ટિક છેલ્લે ક્યારે લાગેલું એ મને યાદ નથી. આર્કિટેક્ટ છોકરી અને વીડિયોગેમ ડિઝાઇનર છોકરો. આપણા મોહનિશ બહલે કહેલું કે ‘લડકા-લડકી દોસ્ત નહીં હો સકતે’, એટલે આ બંનેય પ્રેમમાં પડે. લેકિન લગન જેવી ચિપકુ સિસ્ટમમાં કોણ પડે? એટલે ઑવર ટુ લિવ-ઇન. પણ જે ઘરમાં એ બંને PG તરીકે રહે એના માલિક પ્રકાશ રાજ અને (સૅન્સર બૉર્ડ ફેમ) લીલા સૅમ્સનનો પ્રેમ એમની રિલેશનશિપમાં F5 પ્રેસ કરી દે! (આ પ્રકાશ રાજ એકદમ લુચ્ચો છે, પૈસા કમાવા માટે જંક ફૂડ જેવા જોકરિયા રોલ અહીં કરશે અને ખરેખરા ઝન્નાટેદાર-સૅન્સિટિવ-પર્ફોર્મન્સ ઑરિએન્ટેડ રોલ એ ત્યાંની ફિલ્મો માટે અનામત રાખશે!) અહીં એ આધેડ કપલની મૅચ્યોર લવ સ્ટોરી પણ એટલી જ ઇફેક્ટિવ છે.

છેલ્લાં પાંચ વર્ષમાં આવેલી તમામ રોમકોમ નોવેલ્સની હિટલર સ્ટાઇલમાં હોળી કરવાનું મન થાય એવી ફ્રેશ આ ‘ઓ કાધલ કન્મની’માં એક ટ્રેક આપણા અમદાવાદનો પણ છે. એમાં બાલકૃષ્ણ દોશી (યસ, ધ B V Doshi હિમસેલ્ફ) હિરોઇનને અમદાવાદની ગુફા બતાવીને તેનું સ્ટ્રક્ચર સમજાવતા હોય, હિરો-હિરોઇન અડાલજની વાવમાં લોંગ ડિસ્ટન્સ વાતો કરતાં હોય અને રાતે માણેકચોકની પાઉંભાજી ખાતાં હોય… અને બૅકગ્રાઉન્ડમાં રહેમાનનું મ્યુઝિક! ઔર જીને કો ક્યા ચાહિયે?!

– એઝ એક્સપેક્ટેડ હમણાં જ મેં વાંચ્યું કે આ ‘ઓકે કન્મની’ની હિન્દી રિમેક બની રહી છે, આદિત્ય રૉય કપૂર અને શ્રદ્ધા કપૂરને લઇને. બિલિવ મી, મારો જીવ બળીને ઍશટ્રે થઈ ગયો. એક તો એ ઑવરએક્સપોઝ્ડ પૅરને બદલે કોઈ નવા ચહેરા લેવા જેવા હતા, અને બીજું એનું ડિરેક્શન શાદ અલીને અપાયું છે (મને હજી સપનામાં ક્યારેક વિવેક ઓબેરોય પીળો શર્ટ પહેરીને ‘સાથિયાઆઆઆ’ સાથે કૂદતો દેખાય છે ને હું ઝબકીને જાગી જાઉં છું!). ત્યારથી મેં તો એક્સ્ટ્રા બે દીવા કરવાના ચાલુ કરી દીધા છે કે એ હિન્દી રિમેક અભેરાઈ પર ચડી જાય. જોવી હોય તો ઑરિજિનલ જ જુઓ, આવી ઝેરોક્સ કૉપીઓમાં પછી રાતની ઠંડી ખીચડી સવારે વઘારીને ખાતા હોઇએ એવી જ ફીલ આવે છે.

– હવે એક વર્ષનો જમ્પ અને વાત ગઈકાલે (રાજહંસ મલ્ટિપ્લેક્સમાં) જોયેલી દુલ્કર સલમાનની ગરમા ગરમ રિલીઝ ‘કલિ’ (મીનિંગઃ કંટ્રોલ ન થાય એવો કાળઝાળ ગુસ્સાનો જ્વાળામુખી). લોચો શું થયો ખબર છે? એ મલયાલમ ફિલ્મમાં ઇંગ્લિશ સબટાઇટલ્સ જ નહોતાં! અને મજા શું આવી ખબર છે? ક્યાંય કશું મિસ થયું હોય એવું ન લાગ્યું! આ પણ છે તો લવ સ્ટોરી, લેકિન સેન્ટરમાં છે દુલ્કરના હાઇપર એન્ગરનો જ્વાળામુખી. પળવારમાં હિંસક થઈ જતો અતિશય શૉર્ટટેમ્પર્ડ હિરો અને એના પ્રેમમાં પડીને પરણેલી પારેવા જેવી હિરોઇન સાઈ પલ્લવી. આ મલયાલમ ફિલ્મ ‘કલિ’ અંગ્રેજી ‘ઍન્ગર મેનેજમેન્ટ’થી શરૂ થઇને હિન્દી ‘NH10’ને અડીને પસાર થઈ જાય છે. પણ અહીં એકેએક સીનમાંથી પોતીકી ઑથેન્ટિસિટીનો રણકાર સંભળાય છે. આ ફિલ્મની લીડ પૅર પણ ‘પૅર નેક્સ્ટ ડૉર’ જેટલી રિયલિસ્ટિક અને એ બંને જે પણ સિચ્યુએશન્સમાંથી પસાર થાય એય ATMમાંથી નીકળેલી નવી નોટ જેવી ફ્રેશ, ઑથેન્ટિક. અહીં હિરોઇન સાઈ પલ્લવીને બંને ગાલે એકદમ રિયલ લાગે તેવાં પિમ્પલ્સ પણ બતાવાયાં છે, માનશો? (એવી એકાદી હિન્દી ફિલ્મની હિરોઇન યાદ કરો તો?) ઍક્ટિંગ, સિનેમેટોગ્રાફી અને સૂધિંગ મ્યુઝિક ઉપરાંત આ કલિનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક અને સાઉન્ડ ડિઝાઇન ખરેખર ગજ્જબ છે!

– હવે તમે આ બંને ફિલ્મો જુઓ, ન જુઓ, ઇટ્સ અપ ટુ યુ. પણ અસલી ફિલ્મો તો બાકી મરાઠી, બંગાળી ને સાઉથની ચાર ભાષાઓમાં બને છે, બાકી તો…! (અતિશયોક્તિ? હઇમ્જા હવે!)

– હા, ગયા વર્ષે ‘ઓકે કન્મની’ ને ગઇકાલે ‘કલિ’ (રિસ્પેક્ટિવલી, તમિળ અને મલયાલમ ઑડિયન્સ સાથે) જોયાં ત્યારે એક વાત નૉટિસ કરી. બચ્ચાં-કચ્ચાં સાથે આવ્યાં હોવા છતાં એક પણ માણસે વચ્ચે અવાજ નહોતો કર્યો, ફોન પર વાત નહોતી કરી. ઑડિયન્સ તરીકે અને કળાની કદરદાનીમાં પણ આપણે હજી ઘણું શીખવાનું બાકી છે.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.