Sachin: A Billion Dreams

સચિન… સચિન…

***

આ માત્ર બાયોપિક નથી, બલકે ‘સચિન- ધ ફીલિંગ’નું અને આપણી એની સાથે જોડાયેલી જર્નીનું સેલિબ્રેશન છે.

***

sachin-tendulkar-2-1024x789સચિન રમેશ તેંડુલકર. ભારતીય ક્રિકેટનો પોસ્ટરબૉય. ભારતનો બિગેસ્ટ સ્પોર્ટ બ્રૅન્ડ એમ્બેસેડર. એની 24 વર્ષની કરિયર એટલી બધી રોમાંચક રહી છે કે બધાની પોતપોતાની ‘સચિન મોમેન્ટ્સ’ હશે. માત્ર સચિનની બૅટિંગ જોવા માટે જ કોઇએ કોલેજ બંક કરી હશે, કોઇએ ઑફિસમાંથી ગુલ્લી મારી હશે, ક્યાંક દોસ્તોએ ઘરે એકઠા થઇને પાર્ટીના માહોલમાં મૅચ જોઈ હશે, તો ક્યાંક પાનના ગલ્લે સચિન તરફીઓ અને સચિન વિરોધીઓ વચ્ચે વાક્યુદ્ધો પણ ખેલાયાં હશે. સચિનની સેન્ચુરીઓ પર સેલિબ્રેશન થયાં હશે અને એ સસ્તામાં આઉટ થાય તો મૂડ પણ બગડ્યા હશે. પોતાની સુપરહીટ આત્મકથા (‘પ્લેઇંગ ઇટ માય વે’) લખ્યા પછી એ જ્યારે પોતાની લાઇફસ્ટોરી કહેવા બેસે તો એ કેવી હોય? થેન્ક ગોડ, એ ટિપિકલ બોલિવુડિયન બાયોપિક નથી, એમાં આઇટેમ સોંગ્સ નથી, હાઈ પિચ્ડ મૅલોડ્રામા નથી કે તથ્યોને તોડી-મરોડીને પેશ કરાયાં નથી. એને બદલે આ છે ડૉક્યુમેન્ટરી ફિલ્મ. તેમાં સચિન જ હીરો છે અને સચિન જ સૂત્રધાર છે. વળી, એક ડૉક્યુમેન્ટરી ફિલ્મ જોવા માટે થિયેટરો પૅક થતાં હોય તેય કંઈ ઓછા હરખની વાત નથી.

લાઇફ સ્ટોરીઃ સચિનની, ઇન્ડિયાની, આપણી

એક સરસ ડૉક્યુમેન્ટરી ફિલ્મ કોઈ વ્યક્તિ કે મુદ્દાને અલગ અલગ ઍન્ગલેથી તપાસીને આપણી સામે રજૂ કરે.sachin-1 ડિરેક્ટર જૅમ્સ અર્સ્કિન પોતાની આ ડૉક્યુમેન્ટરી ફિલ્મ ‘સચિનઃ અ બિલ્યન ડ્રીમ્સ’ની શરૂઆત સચિનની દીકરી સારાના જન્મથી કરે છે. તાજી જન્મેલી સારાને સચિન પહેલીવાર પોતાના હાથમાં લે છે. ત્યારપછી તરત જ સચિન પોતાના પિતાને ટાંકતાં કહે છે કે, ‘જો હું એક સારો માણસ નહીં બની શકું, તો એક સારો પિતા પણ ક્યારેય નહીં બની શકું.’ બસ, એ જ ઘડીએ સચિન એક સ્ટાર ક્રિકેટર, આઇકન, રૉલમોડલમાંથી બૉય નેક્સ્ટ ડૉર, એક નમ્ર માણસ અને આપણા જેવો જ એક પિતા બની જાય છે. ત્યારપછીની સવા બે કલાકની ફિલ્મમાં ક્યાંય સચિન કેટલો મહાન બેટ્સમેન હતો એ બતાવવાનો પ્રયાસ જ નથી કરાયો. તેને બદલે એના વ્યક્તિત્વની બીજી બાજુઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરાયું છે.

સ્વાભાવિક રીતે જ સચિનની સ્ટોરી એટલે મુંબઈની ‘સાહિત્ય સહવાસ સોસાયટી’માં મરાઠી કવિ રમેશ તેંડુલકરના ઘરે જન્મથી લઇને ‘ભારત રત્ન’ બનવા સુધીની એની સફર. સચિનની આ સફર માત્ર એના એકલાની નથી. બલકે તેની સાથે ભારત પણ બદલાતું જોઈ શકાય છે. કપિલ દેવે લૉર્ડ્સની ગૅલરીમાં વર્લ્ડ કપ હાથમાં ઝાલ્યો ત્યારથી થયેલો એક સપનાનો જન્મ, ભારતનો મિસાઇલ લૉન્ચ કાર્યક્રમ, રાજીવ ગાંધીની હત્યા, ૧૯૯૧માં આપણે અપનાવેલું લિબરલાઇઝેશન અને તેને પગલે કમર્શિયલ બ્રૉડકાસ્ટિંગની શરૂઆત, 26/11નો હુમલો, IPLની સાથે ક્રિકેટનું ગ્લેમરાઇઝેશન વગેરે ઘટનાઓ પણ સચિનની સ્ટોરીના સાથે જ ચાલતી રહે છે. ડૉક્યુડ્રામા સ્ટાઇલમાં પેશ થયેલા સચિનના બાળપણના કિસ્સા પણ સરસ ડિટેઇલિંગ સાથે પેશ થયા છે. એમાં સચિનને મોટી બહેન તરફથી મળેલું ‘કશ્મીર વિલૉ’નું બૅટ હોય, સચિન દેવ બર્મનના નામ પરથી પડેલું એનું નામ હોય, સચિનનાં તોફાન હોય, એની ઍનર્જીને ચેનલાઇઝ કરવા માટે સચિનના ભાઈ અજિતનું કોચ રમાકાંત આચરેકર પાસે લઈ જવાનો પ્રસંગ હોય, આચરેકર સર દ્વારા સચિનને આઉટ કરવા માટે સ્ટમ્પ પર મુકાતો સિક્કો હોય, સમયગાળો બતાવવા માટે દીવાલ પર લાગેલાં ‘સાહેબ’ અને ‘ઉત્સવ’નાં પોસ્ટરો હોય કે એક વડાપાંવના ૫૦ પૈસા હોય, દરેક ઠેકાણે મસ્ત ડિટેલિંગ દેખાય છે. હા, એ વાત અલગ છે કે નેવુંના દાયકાની શરૂઆતમાં લોકોની અગાશીઓ પર DTHની ડિશો નહોતી.

આ ફિલ્મ થકી કેટકેટલા ચહેરા લાંબા સમય પછી આપણી સામે આવ્યા છેઃ ડૉન બ્રેડમેન, બ્રાયન લારા, ઇઆન બોથમ, જ્યોફ્રી બૉયકોટ, શૅન વૉર્ન, વિવિયન રિચર્ડ્સ, ગૅરી કર્સ્ટન, રાજસિંહ ડુંગરપુર, અજીત વાડેકર, જગમોહન દાલમિયા, હેન્સી ક્રોન્યે, સચિનને બ્રાન્ડ બનાવનારા સ્વર્ગસ્થ માર્ક મસ્કરન્હાસ અને યુવાન પ્રણય રોય-રાજદીપ સરદેસાઈ. સચિનની લાઇફના પ્રસંગો, એક પછી એક આવતી મૅચો અને આ બધા ચહેરાઓને જોઇને આપણને પણ એક આખા વીતેલા યુગનો રિકૅપ મળી જાય છે.

સચિન, ધ હ્યુમન બીઇંગ

સચિને આ ફિલ્મમાં પોતાની નિષ્ફળતાઓ, ડર, ડિપ્રેશન વગેરે વિશે પણ ખૂલીને વાતો કરી છે. એની મરજી વિરુદ્ધ કઈ રીતે એને કૅપ્ટન બનાવી દેવાયેલો અને જાણ સુદ્ધાં કર્યા વિના એને હટાવી દેવાયેલો, નિષ્ફળતાના દોરમાં એની રિટાયરમેન્ટની માગ થયેલી, મૅચ ફિક્સિંગનું એ કાળું પ્રકરણ, સચિન પર બોલવા માટેનું પ્રેશર, દર વખતે હાથમાંથી સરી જતા વર્લ્ડ કપનાં સપનાં, અઝહરુદ્દીન વખતે ટીમમાં ઊભાં થયેલાં બે પાવર સેન્ટર, ગ્રેગ ચૅપલ કાળ, એની ઇન્જરીઓ અને એના થકી આવતો સ્ટ્રેસ… સચિન અહીં બધું જ એકસરખી નિઃસ્પૃહતાથી કહી દે છે.

આપણે જે સચિન જોઇએ છીએ તેની પાછળનાં બે મુખ્ય પિલર એટલે અજિત અને અંજલિ. સચિન કહે છે એમ, ‘મેં અને અજિતે એક જ સપનું આખી જિંદગી જોયું છે અને જીવ્યા છીએ.’ જ્યારે અજિત કહે છે, ‘આટલાં વર્ષોમાં એક પણ દિવસ એવો ગયો નથી કે અમે ક્રિકેટની વાત ન કરી હોય કે ક્રિકેટ સિવાય કોઈ વાત કરી હોય.’ કદાચ અંજલિ જેવી વાઇફ ન મળી હોત તો સચિનને કાંબલીમાં પલટાતા વાર પણ ન લાગી હોત. સચિન-બાળકો માટે એણે પોતાનું મૅડિકલ કરિયર છોડ્યું. એટલું જ નહીં, સચિનના સ્ટ્રેસને પણ બરાબર સાચવ્યો. ફિલ્મમાં બહુ નિખાલસતાથી અંજલિ કહી દે છે, ‘અર્જુન એના પિતા જેવો સફળ ન થાય તો એની નિષ્ફળતાનો ભાર પણ એણે એકલાએ જ ઉપાડવો પડશે. હું એ આખો સ્ટ્રેસ નવેસરથી નહીં વેઠી શકું.’ અત્યંત અંગત ફેમિલી વીડિયો ફૂટેજમાં આપણને સચિનનો એક પ્રેમાળ પિતા અને ઝિંદાદિલ દોસ્ત તરીકેનો ચહેરો પણ દેખાય છે. એનો ટિપિકલ સ્ટાઇલનો મેરેજ વીડિયો અને એમાં આવેલી હસ્તીઓ, દોસ્તો માટે ક્યારેય ન બદલાયેલો સચિન પણ જોઈ શકાય છે.

કેવી રીતે સચિન સસ્તામાં આઉટ થાય તો કલાકો સુધી કોઇનીયે સાથે વાત ન કરે, નિષ્ફળતાના દોરમાં અઠવાડિયા સુધી ઘરમાં પુરાઈ રહે, મોટી મૅચના પંદર કલાક અગાઉથી તૈયારી શરૂ કરી દે, એની ક્રિકેટ કિટમાં શું શું હોય, એનું ‘જાદુઈ’ બૅટ, એને કોઈ ગુડ લક વિશ કરે તો એને ન ગમે, સાહેબ ગ્રીન ટી જ પીવે, એકનું એક ગીત આખો દિવસ સાંભળ્યા કરે, ૨૦૧૧ વર્લ્ડ કપની ફાઇનલમાં શું થયેલું… આવા ઝીણા ઝીણા સંખ્યાબંધ એનેક્ડોટ્સ આ ફિલ્મમાં વેરાયેલા છે. સાથે બૅકગ્રાઉન્ડમાં વાગતું એ. આર. રહેમાનનું મ્યુઝિક, મસ્ત.

ઑન્લી સચિન

દેખીતી રીતે જ આ ઇન્સ્પિરેશનલ ફિલ્મ ‘સચિન ધ ફિનોમેનન’નું સેલિબ્રેશન છે. એટલે જ તેમાં એક ટિપિકલ ડૉક્યુમેન્ટરી જેવી આકરી બાબતોનો સમાવેશ નથી કરાયો. સચિનની કરિયરનાં મૅજર અપ-ડાઉન જાણે આપણે એના ‘વિકિપીડિયા’ પૅજનું વીડિયો વર્ઝન જોતા હોઇએ એવાં લાગે છે. આ ડૉક્યુમેન્ટરીમાં સચિનનો એક સમયનો જિગરજાન દોસ્ત વિનોદ કાંબલી નથી, એના કોચ રમાકાંત આચરેકર (કદાચ ઉંમરને લીધે) પણ નથી. સચિનની બૅટિંગમાં એવી તે કઈ ખાસિયતો હતી, એની પર્સનાલિટીનું-સચિન એઝ અ બ્રૅન્ડનું ઍનાલિસીસ વગેરે બાબતો સમાવાઈ નથી. જૂના વીડિયોની નબળી ક્વૉલિટી પણ જેમની તેમ જ રખાઈ છે.

માસ્ટર બ્લાસ્ટર

આ ફિલ્મ રૂંવાડાં ખડાં કરી દે તેવી સંખ્યાબંધ મોમેન્ટ્સ આપે છે. છેક પહેલી સિરીઝમાં સચિનનું નાક તૂટ્યું ત્યારથી લઇને ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની મૅચો, ઑસ્ટ્રેલિયા સામેની અભૂતપૂર્વ સિરીઝ, લૉર્ડ્સમાં ગાંગુલીનું ટૉપલેસ એક્સાઇટમેન્ટ, વૉર્ન વર્સસ સચિન, ૨૦૧૧ વર્લ્ડ કપમાં પાકિસ્તાનને ચટાડેલી ધૂળ, એ પછી ગૅરી કર્સ્ટનની ‘ચક દે ઇન્ડિયા’ના શાહરુખને પણ ઝાંખો પાડી દે એવી મોટિવેશનલ સ્પીચ, ધોનીની વિનિંગ સિક્સ, સચિનની ફેવરેલ સ્પીચ… આ બધું ફરી ફરીને અનુભવવા માટે સચિનના અને ભારતીય ક્રિકેટના ચાહક તરીકે આ ફિલ્મ થિયેટરમાં જ જોવી પડે. એટલું જ નહીં, ‘સચિનઃ અ બિલ્યન ડ્રીમ્સ’ની (ઑરિજિનલ!)  DVD પર્સનલ કલેક્શનમાં પણ રાખવી પડે. કેમ કે આ માત્ર સચિનની જ નહીં, બલકે તેની સાથે જોડાયેલી આપણી ભાવનાઓની પણ સ્ટોરી છે. અને ભવિષ્યમાં આપણાં બાળકો અને તેમનાં બાળકોને પણ બતાવવા માટે, કે આ એ ખેલાડી છે જેને અમે રમતો જોયો છે.

રેટિંગઃ ***1/2 (સાડા ત્રણ સ્ટાર)

(Reviewed for Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Game Of Death – Bruce Lee

gameofdeathમેં ‘બાગી’‘ના મારા રિવ્યૂમાં પણ લખેલું છે કે એક વિદેશી ફિલ્મની આપણે ત્યાં રેપ્લિકા ઉતારવા માટે બે નિર્માતાઓ વચ્ચે ઝૂંટાઝૂંટ થતી હોય તે કેવી ટ્રેજિ-કોમિક વાત કહેવાય! એની વે, અલ્ટિમેટલી તો બિઝનેસ છે.

‘બાગી’નો સૅકન્ડ હાફ ઇન્ડોનેશિયન મુવી ‘રેઇડઃ રિડેમ્પશન’થી ચોખ્ખો ઇન્સ્પાયર્ડ છે એ તો હવે આખો દેશ જાણે છે (બિલ્ડિંગનો દેખાવ, ઇન્ટિરિયર, લાઇટિંગ બધું જ કમ્પૅર કરી લો). પરંતુ જે કનેક્શન મારા વાંચવામાં નથી આવ્યું એ છે બ્રુસ લી-રેઇડઃ રિડેમ્પશન-બાગી. બેઝિક આઇડિયા એવો કે વિલન (કે ટાર્ગેટ) કોઈ મલ્ટિસ્ટોરી બિલ્ડિંગની ટોચે હોય અને દરેક માળે પોતાના ખૂનખાર માણસો પ્લાન્ટ કરી રાખ્યા હોય. ચક્રવ્યૂહની જેમ કોઈ એને વીંધીને ઉપર પહોંચી જ ન શકે. રેઇડમાં ૩૦ માળની બિલ્ડિંગ હતી, બાગીમાં કંઇક દસ માળની છે. પરંતુ આ બંનેની ગંગોત્રી છે બ્રુસ લીની છેલ્લી ફિલ્મ ‘ગેમ ઑફ ડેથ.’

એક્ચ્યુઅલી, બ્રુસ લી લાંબા સમયથી ‘ગેમ ઑફ ડેથ’ પર કામ કરી રહ્યો હતો. એ ફિલ્મનો રાઇટર-ડિરેક્ટર-પ્રોડ્યુસર-સ્ટન્ટ કોરિયોગ્રાફર અને અફ કોર્સ એક્ટર એ પોતે જ હતો. એ ફિલ્મનું કંઇક ૧૦૦ મિનિટ જેટલું શૂટિંગ થયેલું અને લીને ‘વૉર્નર બ્રધર્સ’ની ઑફર મળી, હૉલીવુડની પહેલી કુંગ ફુ ફિલ્મ ‘એન્ટર ધ ડ્રેગન’માં કામ કરવા માટેની. એટલે ‘ગેમ ઑફ ડેથ’ અભેરાઇએ ચડી ગઈ. બ્રુસ લીનો આઇડિયા એવો હતો કે એન્ટર ધ ડ્રેગન પતે પછી ગેમ ઑફ ડેથનું કામ શરૂ કરવું, પણ કમનસીબે એન્ટર ધ ડ્રેગનની રિલીઝ પહેલાં જ લી ગુજરી ગયો અને ગેમ ઑફ ડેથ કાયમ માટે અટકી ગઈ.

એ ગેમ ઑફ ડેથની સ્ટોરી શું હતી? પાંચ માળનો એક પેગોડા છે. તેના દરેક માળ પર અફલાતૂન યુદ્ધ કૌશલ્ય ધરાવતા લડવૈયા ચોકીપહેરો ભરે છે. સૌથી ઉપરના માળે કંઇક વેલ્યુએબલ વસ્તુ છે. એ કીમતી દલ્લો મેળવવા માટે લીને ધાકધમકીથી કામ સોંપાય છે. લી બે સાથીદારો સાથે વન બાય વન માળ ચડે છે અને દરેક માળના લડવૈયાઓને પરાસ્ત કરી કરીને ટૉપ ફ્લૉર પર પહોંચે છે. (હવે થયું ને ‘રેઇડ’ પ્લસ ‘બાગી’નું કનેક્શન ક્લિયર?! આવી બીજી પણ કોઈ ફિલ્મો હોઈ શકે છે. ખ્યાલ હોય તો પ્લીઝ એનલાઇટન મી! પણ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી લીનો આઇડિયા ઓરિજિનલ હતો.)

લી માત્ર ડાયનેમિક ફાઇટર-એક્ટર જ નહોતો. એ આલા દરજ્જાનો ફિલોસોફર, અભ્યાસુ, શિક્ષક અને ગ્રેટ, ગ્રેટ માણસgame-of-death-3 હતો. માર્શલ આર્ટ વિશે એની પોતાની આગવી ફિલોસોફી હતી, જેના પરથી એણે ‘ગંગ ફુ’ નામે નવી જ શાખા વિકસાવેલી. આ ગેમ ઑફ ડેથમાં એ પોતાની માર્શલ આર્ટ પરની એ ફિલોસોફી જ વ્યક્ત કરવા માગતો હતો. માત્ર ફાઇટ કરીને દુશ્મનને પછાડવાને બદલે એણે દરેક માળ પર અલગ અલગ સ્ટાઇલથી ફાઇટ કરતા (કાળજીપૂર્વક પસંદ કરેલા) એક્સપર્ટોને કાસ્ટ કરેલા. જેમ કે, ફર્સ્ટ ફ્લૉર પર એ કિકિંગ સ્ટાઇલના માસ્ટરને પછાડે છે. પછીના એક ફ્લૉર પર એ વાંસની લાકડીથી ફાઇટ કરે છે. પછીના માળે નુનચાકુથી ફાઇટ થાય અને એ પછી સાત ફુટિયા કરીમ અબ્દુલ જબ્બાર સાથે હેન્ડ ટુ હેન્ડ અનઆર્મ્ડ કોમ્બેટ. મતલબ કે તમારે બધી જ કોમ્બેટ સ્ટાઇલમાં ફ્લેક્સિબલ થવું પડે. [એનો ફેમસ ડાયલોગ છે, ‘(ગમે તે પાત્રમાં ઢળી જાય તેવું) બી વૉટર, માય ફ્રેન્ડ!’ (કોઇને ‘TVF પિચર્સ’નો ‘તુ બીયર હૈ’ યાદ આવ્યું?!)]

18364816
ક્વેન્ટિન ટેરેન્ટિનોએ ‘કિલ બિલ’માં ઉમા થર્મનને ‘ગેમ ઑફ ડેથ’ના બ્રુસ લી જેવાં કપડાં પહેરાવીને અંજલિ આપેલી.

પાંચ માળની આખી ફાઇટ દરમ્યાન બ્રુસ લીએ યલ્લો કલરનો સિંગલ પીસ ટ્રેક સૂટ પહેર્યો છે. મતલબ કે તમારે માર્શલ આર્ટ્સથી ફાઇટ કરવા માટે કોઈ ચોક્કસ ટાઇપનાં કપડાં પહેરવાનીયે જરૂર નથી. ક્વેન્ટિન ટેરેન્ટિનોએ આ બ્રુસ લીને અંજલિ આપવા માટે ‘કિલ બિલ’માં ઉમા થર્મનને ડિટ્ટો એવો જ યલ્લો સૂટ પહેરાવ્યો હતો.

 

બ્રુસ ગજ્જબનો પર્ફેક્શનિસ્ટ માણસ હતો. એણે પોતાની ફિલ્મ માટે પ્રચંડ રિસર્ચ કરેલું. ફાઇટ મુવમેન્ટ્સ, કેમેરા એન્ગલ્સ વગેરેના અસંખ્ય સ્કેચ અને નૉટ્સ પણ બનાવેલાં. માંડ પાંચ મિનિટના સીન માટે એ ચાર દિવસ સુધી શૂટ કરે. ઇવન પોતાની પાસેથી પણ એ એવું જ કામ લે. ‘ગેમ ઑફ ડેથ’માં એણે પોતાની નુનચાકુની એક સિક્વન્સ માટે દસ ટેક લીધેલા, જે સ્ક્રીન પર માત્ર ૩.૫ સૅકન્ડ માટે જ આવવાની હતી! વચ્ચે એ જ્યારે કસરતમાં ઇજાને લીધે છ મહિના બૅડરિડન થયેલો, ત્યારે ડૉક્ટરોએ કહી દીધેલું કે આ માણસ હવે ક્યારેય કિક નહીં મારી શકે. પણ લી છ જ મહિનામાં બેઠો થઈ ગયો અને અગાઉ કરતાં વધુ શક્તિશાળી ફાઇટર તરીકે ઊભરી આવ્યો. એ છ મહિના દરમ્યાન એણે પુષ્કળ વાંચેલું. (બાય ધ વે, બ્રુસ લી આપણા ચિંતક જિદ્દુ કૃષ્ણમૂર્તિનો ફૅન હતો એ જસ્ટ જાણ ખાતર.)

d8de3412751ff40fe5d0e2080f72393c
‘ગેમ ઑફ ડેથ’ માટે બ્રુસ લીએ બનાવેલો સ્કૅચ.

૧૯૭૩માં લી અકાળે ગુજરી ગયો, ત્યારે એની આ મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘ગેમ ઑફ ડેથ’નું ૧૦૦ મિનિટ જેટલું ફૂટેજ મળ્યું, પણ ચેક કર્યું ત્યારે ખબર પડી કે લીના પર્ફેક્શનિઝમને કારણે એ ફૂટેજમાંથી પોણા ભાગની તો રિટેક અને આઉટટેક જ હતી. વાપરી શકાય એવું ફૂટેજ તો માત્ર ૧૧ મિનિટનું જ હતું! પ્રોડક્શન કંપનીએ અત્યંત વેપારી નુસખો અપનાવ્યો. એમણે વધ્યું ઘટ્યું ફૂટેજ ભેગું કર્યું, પોતાની રીતે સ્ટોરી જોડી કાઢી, અમુક સીન ડુપ્લિકેટ પાસે કરાવ્યા અને સૌથી ખરાબ, અમુક ઠેકાણે તો લીના ચહેરાના કટ કરેલા ફોટા ચિપકાવીને કામ ચલાવ્યું. આખરે બ્રુસ લીના અવસાનનાં પાંચ વર્ષ પછી ‘ગેમ ઑફ ડેથ’ના નામે જ ફિલ્મ રિલીઝ કરાઈ. બ્રુસ લીના હાડોહાડ ચાહકો આજે પણ એ તોડજોડિયા ફિલ્મને ગાળો ભાંડે છે. જોકે ખરેખર લી કેવી ફિલ્મ બનાવવા માગતો હતો, એની સ્ટોરી શું હતી વગેરે બધું જ લીની સાથે જ કાયમ માટે જતું રહ્યું.
***
બ્રુસ લીની આવી ઢગલાબંધ વાતો અને એની આ છેલ્લી ફિલ્મનું લીએ શૂટ કરેલું ફૂટેજ ભેગું કરીને ‘બ્રુસ લીઃ અ વૉરિયર્સ જર્ની’ નામે એક ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનેલી. બ્રુસ લી, માર્શલ આર્ટ્સ કે ઇવન ફિલ્મોના ચાહકો માટે પણ એ ડૉક્યુમેન્ટરી મસ્ટ વૉચ છે. (તેની લિંક નીચે પેસ્ટ કરી છે.) એ જોયા પછી મેં મનોમન લીને કેટલીયે સલામો ભરી અને ઉપરવાળાને મણમણની ચોપડાવી કે લીને બોલાવ્યા વગર એનું શું ખાટુંમોળું થઈ જતું’તું?!

સલામ બ્રુસ લી! આઈ મિસ યુ!

***

‘બ્રુસ લીઃ અ વૉરિયર્સ જર્ની’ ડૉક્યુમેન્ટરી ફિલ્મ.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.