બદલાપુર

વેદનાનું ઘોડાપુર

***

શ્રીરામ રાઘવનની ‘બદલાપુર’ સીધો સવાલ પૂછે છે કે જો ગુનો ક્યારેય ફળતો ન હોય, તો બદલો-વેર ક્યારેય ફળે ખરું?

***

badlapur_ver2_xxlg‘બદલાપુર’ ફિલ્મની સ્ટોરી ઇટાલિયન ક્રાઇમ કથાઓના લેખક માસિમો કાર્લોત્તોની એક વાર્તા પરથી લેવામાં આવી છે. આ લેખકે એક મુલાકાતમાં કહ્યું છે કે, ‘(વાર્તાને અંતે) સારાં પાત્રો જીતે ને ખરાબ પાત્રો હારે જ એમાં મને જરાય રસ નથી. મને રસ છે વાસ્તવિકતામાં.’ આવી જ ગડમથલમાં મૂકી દે છે અગાઉ ‘એક હસીના થી’, ‘જ્હોની ગદ્દાર’ જેવી અફલાતૂન ફિલ્મો બનાવી ચૂકેલા શ્રીરામ રાઘવનની નવી પેશકશ ‘બદલાપુર’. આ ફિલ્મ જોઇને આપણને પહેલો સવાલ જ એ થાય કે સાચે જ વેરથી વેર શમે ખરું? બદલો લીધા પછી નાયક અને ખલનાયક, સારા અને નરસા વચ્ચે કોઈ ભેદ રહે છે ખરો?

કુહાડી પોતાનો ઘા ભૂલે, પણ ઝાડ ભૂલે ખરું?

પુણેમાં બે ગુનેગાર લાએક (નવાઝુદ્દીન સિદ્દીકી) અને હર્મન (વિનય પાઠક) બંને એક બૅંક લૂંટીને ભાગી રહ્યા છે. એમાં રાઘવ ઉર્ફ રઘુ (વરુણ ધવન)ની પત્ની મીશા (યામી ગૌતમ) અને ટેણિયો દીકરો અડફેટે આવી જાય છે. એક જ પળમાં બધું જ ગુમાવી બેઠેલો રઘુ બદલો લેવા નીકળી પડે છે. મુંબઈની સેન્ટ્રલ લાઇન પરના ‘બદલાપુર’ સ્ટેશન પર ઊતરીને ત્યાં એક ઘર રાખીને રહી પડે છે. આ તરફ નવાઝુદ્દીન પકડાય છે. એને વીસ વર્ષ જેલની સજા થાય છે, પણ રઘુ કશું ભૂલતો નથી કેમકે હિસાબ અધૂરો છે. વર્ષો વીતે છે. નવાઝુદ્દીન જેલમાંથી છૂટે છે અને રઘુના વેરનું તીર પણ પણછમાંથી છૂટે છે. ખૂબ બધું લોહી વહે છે, પણ આખરે કોના હાથમાં શું આવે છે?

દૂઝતો ઘા, ટપકતી વેદના

અગાઉનાં વર્ષોમાં ફિલ્મની જાહેરખબર સાથે એવું લટકણિયું આવતું કે, ‘શરૂઆત ચૂકશો નહીં, ને અંત કોઈને કહેશો નહીં.’ ‘બદલાપુર’ની ટૅગલાઇન પણ એ જ છે, ‘ડૉન્ટ મિસ ધ બિગિનિંગ’. ફિલ્મના પહેલા જ સીનમાં, શરૂ થયાની પહેલી ત્રણેકે મિનિટમાં જ આપણને આખી ફિલ્મનો સૌથી મોટો આઘાત લાગે છે. આ આઘાતની વેદના ફિલ્મના દરેક સીનમાંથી લોહીની જેમ સતત ટપકતી રહે છે. સ્વજનોને ગુમાવવાનો દુઝતો ઘા લઇને હીરો વરુણ આખી ફિલ્મમાં ભટકતો રહે છે, અને એની સાથે ઇમોશનલી જોડાવા માટે આપણે પણ આ ફિલ્મને છેક ‘નંબરિયાં પડે’ ત્યારથી જોવી ફરજિયાત છે.

‘બદલાપુર’ ગુડ વર્સસ ઇવિલનો જંગ હોવા છતાં તેનાથી એક ડગલું આગળ છે. અંત આવતાં સુધીમાં શેતરંજની બાજી પલટાઈ જાય અને આપણે ત્રિશંકુની જેમ કન્ફ્યુઝનમાં રહી જઇએ કે આમાં સારું કોણ ને નઠારું કોણ? હીરો જીતે તો ખુશ થઇએ, પણ વિલન હારે તેનો આપણને આનંદ ન થાય તો? ફ્રેન્ચમાં જેના માટે ‘નિઓ નુઆર’ એટલે કે ‘ન્યૂ બ્લૅક’ શબ્દપ્રયોગ થાય છે, તેવી આ બદલાપુર ફિલ્મ જોવા માટેનાં એકથી વધુ કારણો છે.

કારણ નં. ૧. નવાઝુદ્દીન સિદ્દીકી. આ અદાકાર જો દક્ષિણ ભારતમાં જન્મ્યો હોત તો અત્યાર સુધીમાં એનાં દોઢેક ડઝન જેટલાં મંદિરો બની ચૂક્યાં હોત. એક વિકૃત, અડિયલ, ક્રૂર, સનકી ક્રિમિનલના પાત્રમાં એ એટલો ડીપલી ઘૂસી ગયો છે કે તમારું રોમેરોમ એને ધિક્કારવા માંડે. એને ક્યાંય પોતાના કર્યા પર પસ્તાવો થતો નથી. પોતાની જિદ્દ, પોતાની ટણી એ છેક સુધી છોડતો નથી. ‘શમિતાભ’ ફિલ્મમાં અમિતાભ બચ્ચન કહે છે કે ‘હાથ-પગ, મ્યુઝિક, સ્પેશ્યલ ઇફેક્ટ્સથી તો કોઈ પણ એક્ટિંગ કરી જાણે. માત્ર બોલીને એક્ટિંગ કરે એ સાચો અભિનેતા.’ એ વ્યાખ્યા શબ્દશઃ ‘બદલાપુર’ના નવાઝુદ્દીનને લાગુ પડે છે. ફિલ્મના મોટાભાગના સીનમાં જ્યાં તાળીઓ પડે છે, તે નવાઝુદ્દીનના ખાતે જ જમા થાય છે.

કારણ નં. ૨. શ્રીરામ રાઘવન. આ માણસ પાસે દર વર્ષે કાન પકડીને એકથી એક ચડિયાતી ફિલ્મો બનાવડાવવી જોઇએ. એક સિમ્પલ ક્રાઇમ થ્રિલરમાં બારીક નકશીકામ કરીને તેને મનોવૈજ્ઞાનિક સ્તરે લઈ ગયા છે રાઘવન અન્ના. ગયા વર્ષે આવેલી મોહિત સૂરીની ફિલ્મ ‘એક વિલન’ જે કોરિયન ફિલ્મ પરથી બનેલી તે ‘આઈ સૉ ધ ડેવિલ’ પણ આ જ પ્રકારની રિવેન્જ સાગા હતી. તેમાં વિલનને મારવા માટે મરણિયા થયેલા હીરોને કહેવામાં આવે છે કે, ‘જો ભાઈ, રાક્ષસને મારવા માટે આપણે રાક્ષસ બનવાની જરૂર નહીં.’ પરંતુ ક્રિમિનલની સાઇકોલોજી સમજવા માટે સર્જકે તો વિલનની જેમ વિચારવું જ પડે. ડિરેક્ટરે હીરો પાસે એવાં કામ કરાવ્યાં છે, જે જોઇને આપણું ટ્રેડિશનલ દિમાગ કકળી ઊઠે. ઝાઝી બકબક કર્યા વિના એક માણસ લોહી નિંગળતો છરો ધોતો હોય એ જોઈને આપણને ખબર પડી જાય કે હવે પછી આપણને શું જોવા મળવાનું છે. આવા બોલ્યા વિના કહી જતા ઘણાં દૃશ્યો ફિલ્મમાં વેરાયેલાં પડ્યાં છે. ઉપરાંત દરેક પાત્રની પાછળ રહેલી પોતીકી બૅકસ્ટોરી અને એમનાં આંતરસંબંધો. માશાઅલ્લાહ! ઇવન એમણે ફિલ્મમાં મ્યુઝિક પણ ફિલ્મ વેચવા માટે નહીં, બલકે સચિન-જિગર પાસેથી ફિલ્મની સ્ટોરીને આગળ ધપાવવા માટે લીધું હોય એ રીતે પરફેક્ટ્લી બ્લૅન્ડ કરીને મૂક્યું છે.

કારણ નં. ૩. એક્ટિંગ. સારો ડિરેક્ટર એને જ કહેવાય જે પથ્થર પાસેથી પણ ઈમોશન્સ ઓકાવી શકે. અહીં શ્રીરામ રાઘવને સ્વીટ, ઇનોસન્ટ, ચાર્મિંગ વરુણ ધવનને હળવેકથી એક સાઇકોપેથમાં કન્વર્ટ થતો બતાવ્યો છે. એ પૂરેપૂરો કન્વિન્સિંગ નથી લાગતો છતાં તદ્દન મિસકાસ્ટ પણ નથી જ. ફિલ્મમાં બધાં જ ફીમેલ કેરેક્ટર્સઃ પારેવા જેવી નિર્દોષ ગૃહિણી-મા (યામી ગૌતમ), એક ક્રિમિનલને ગળાડૂબ પ્રેમ કરતી ગણિકા (હુમા કુરેશી), પતિના ભૂતકાળથી અજાણ અને તેમ છતાં એને બચાવવા કોઈ પણ હદ સુધી જતી પત્ની (રાધિકા આપ્ટે), એ જ ક્રિમિનલને બહાર કાઢવા મથતી કાર્યકર (દિવ્યા દત્તા), દીકરો સાવ ખોટો સિક્કો છે એ જાણવા છતાં એને બચાવવા સંઘર્ષ કરતી પ્રૌઢા (પ્રતિમા કાઝ્મી), પોતે આખા દિવસમાં જેટલું કમાય છે એના કરતાં વધારે તો એક ગણિકા બે કલાકમાં કમાઈ લે છે એવું બેધડક સ્વીકારી લેતી ડિટેક્ટિવ (અશ્વિની પાંડે)… આ બધી જ સ્ત્રીઓના એકેએક સીનના હાવભાવ પર નજર રાખવા જેવી છે, જે ક્યાંય નકલી નથી લાગતા. ફિલ્મમાં ઇન્સ્પેક્ટર બનતા કુમુદ મિશ્રાનું સાધારણ લાગતું પાત્ર પણ ફિલ્મના અંતે જે રંગ બદલે છે અને જ્યારે તે ઊંધું વાગે છે ત્યારના તેના એક્સપ્રેશન્સ માર્ક કરજો. ઉમદા અભિનેતા વિનય પાઠકના ભાગે ઝાઝું કામ નથી આવ્યું, પણ એની લાચારી બયાન કરતો એક સીન- જે આપણા માટે બ્લેક કોમેડી સર્જે છે- તેમાં તેની હાજરી વસૂલ થઈ જાય છે.

કારણ નં. ૪. અનિલ મહેતાની સિનેમેટોગ્રાફી. સિનેમેટોગ્રાફી આખી ફિલ્મમાં ક્યાંય વાર્તા પર હાવી નથી થતી. પરંતુ તેને વાસ્તવિક ટચ આપવા માટે હલનચલન વગરના દૂરથી લેવાયેલા લૉ લેવલ લૉંગ શોટ્સ, સીસીટીવી કેમેરાની જેમ રૂમના કોઈ ખૂણેથી નજર રાખતા અને ટૉપ એન્ગલ કેમેરા એન્ગલ્સ ફિલ્મના ભયમાં વધારો કરે છે. ફિલ્મના પહેલા અને એક દૃશ્યમાં જેલમાંથી ભાગતા પાત્રને દૂરથી એક જ પ્રયત્નમાં દીવાલ ચડતો, કૂદતો બતાવ્યો છે, તે આખો સીન પણ એકેય કટ માર્યા વિના સળંગ ફિલ્માવ્યો છે, તે સિનેમેટોગ્રાફર અને ડિરેક્ટર બંનેની હિંમતનો એક પુરાવો માત્ર છે. ઈવન મુંબઈ-પુણે હાઈવેની આસપાસનું ધુમ્મસી-વરસાદી વાતાવરણ પણ ફિલ્મના હીરોની માનસિક સ્થિતિનું જ પ્રતિબિંબ પાડે છે.

કારણ નં. ૫. ડિટેઇલિંગ. બદલાપુર જોવા જાઓ તો માર્ક કરજો કે શરૂઆતની સ્ટોરી આજથી પંદર વર્ષ પહેલાંની છે એટલે ત્યારે વરુણ ધવન પાસે નોકિયાનો પથરાછાપ જૂનો ફીચર ફોન છે. પછી એ જ્યારે ‘બદલાપુર’ રહેવા જાય છે ત્યારે એના રૂમમાં એના જીવન જેવો જ ખાલીપો છે. એની રૂટિન લાઇફની ચાડી ખાતાં લૉન્ડ્રીમાંથી આવેલાં કપડાં પૅક થઇને પડ્યાં છે, બ્રેડનું પેકેટ પડ્યું છે, લાઇટોનાં ઠેકાણાં નથી એટલે મીણબત્તીઓ ટેબલ પર અને વાંચવા કાઢેલી બુક્સ પર ચોંટાડેલી છે. એ પણ એની પત્ની મીશાની જેમ ક્રાઇમ થ્રિલરો વાંચે છે એની એ ચાડી ખાય છે (અને કદાચ ખૂન કરતી વખતે રાખવાની સાવધાનીઓ પણ એ એમાંથી જ શીખ્યો હોઈ શકે). અહીં રાઘવને બ્રિટિશ લેખિકા ડેફની ડુ મોરિયેને અંજલિ આપી છે (પાત્રોને એની બુક ‘ડૉન્ટ લુક નાઉ’ વાંચતાં બતાવીને). ‘જ્હોની ગદ્દાર’માં નીલ નીતિન મુકેશ ‘જેમ્સ હેડલી ચેઝ’ વાંચતો હતો એ તો યાદ છેને?

પહેલીવાર જ્યારે વરુણ ધવન રાધિકા આપ્ટેને રૂમમાં લઈ જાય છે ત્યારે રાધિકા આપ્ટેના ચહેરા પરનાં એક્સપ્રેશન્સ, હુમા કુરેશીને પહેલીવાર ડાન્સ કરાવે છે ત્યારના પરાણે ડાન્સ કરતી વખતે એનાં એક્સપ્રેશન્સ, ઇન્સ્પેક્ટર દિવ્યા દત્તાને ‘આ કામ અઘરું નથી લાગતું?’ પૂછે છે ત્યારનાં દિવ્યાનાં એક્સપ્રેશન્સ અને એ જ ઇન્સ્પેક્ટરના હાથમાંથી જ્યારે એક દલ્લો સરકી જાય છે ત્યારે જીવ પર આવી જતી વખતે એનાં એક્સપ્રેશન્સ… નવાઝના પાત્રના દિમાગમાં આવતું પરિવર્તન, ઝાકિર હુસૈન ગૅલરીમાંથી જવાનું નામ લેતો નથી, જે રીતે વરુણનાં મમ્મી-પપ્પા વરુણનાં ઇન લૉઝ વિશે વાત કરે છે ત્યાં એમનાં પ્રેમલગ્ન પ્રત્યે ડોકાતો છૂપો-હળવો અણગમો, વીતી ગયેલાં વર્ષોને પાછાં વાળવાનાં નવાઝનાં હવાતિયાં… આ બધું જ ડિરેક્ટરની પ્રો-પરફેક્શન નજર જ બતાવે છે.

ટિકિટ ટુ બદલાપુર?

પુખ્ત વયના લોકો માટેનું સેન્સર સર્ટિફિકેટ ધરાવતી ‘બદલાપુર’માં આપણે જે જોવા ટેવાયેલા છીએ, તેવું કશું જ નહીં થાય. પાત્રો આપણા ધાર્યા પ્રમાણે વર્તશે નહીં અને ફિલ્મ જોઇને બહાર નીકળ્યા પછી જંગ જીત્યા જેવો આનંદ પણ નહીં થાય. બીજો એક મુદ્દો એ છે કે ઇન્ટરવલ પછી સ્ટૉરી ‘બદલાપુર’ને બદલે ‘દિલ-બદલાપુર’ તરફ ફંટાઈ જાય છે અને ફિલ્મ થોડી ધીમી પડે એવી ફીલ આવે છે. આ ઉપરાંત લોજિકની એરણે અમુક સવાલો પણ વણઉકલ્યા રહે છે.

તેમ છતાં જો ફિલ્મ જોયા પછી ડિરેક્ટર પર ગુસ્સો આવે (કે હીરો આવું થોડો કરે? વિલનનું આમ કેમ થઈ ગયું?), તો સમજવું કે આપણે પણ ફિલ્મના હીરોની જેમ ‘બદલાપુર’ નામના માનસિક સ્ટેશનમાં કેદ થઈ ગયા છીએ અને આપણે જેને ધિક્કારતા હતા, એ વિલન તો ક્યારનોયે તેમાંથી આઝાદ થઈ ગયો છે. બંને પક્ષે જીત તો ફિલ્મ બનાવનારની જ થાય છે. એટલે સારા-ખરાબનાં લેબલ વગર સંજોગો અને આવેશને વશ થઈ જતાં પાત્રોની ડાર્ક થ્રિલર કથામાં રસ હોય તો આ ‘બદલાપુર’ તમારી રાહ જોઈ રહ્યું છે.

રેટિંગઃ ***1/2 (સાડા ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

ભાગ મિલ્ખા ભાગ

વાહ મિલ્ખા વાહ!

***

જો પાનસિંહ તોમર ડકૈત ન બન્યો હોત તો એ મિલ્ખા સિંઘ બની શકત?

***

bmb2ધોધમાર વરસાદ પડી રહ્યો છે. એક ઉજ્જડ થઇ ચૂકેલા ગામમાં બારેક વર્ષનો છોકરો પોતાનું ઘર ખોળતો ખોળતો પાછો ફરે છે. “માં… માં…” બૂમો પાડે છે પણ જવાબમાં સન્નાટા સિવાય કશું જ નહીં. અચાનક છોકરાનો પગ લપસે છે, જુએ છે તો એ લોહીના ખાબોચિયામાં પડ્યો છે. ડરી ગયેલો એ છોકરો ઊભો થઇને બે ડગલાં પાછો ચાલે છે, ત્યાં એ ફરી ગબડે છે અને આ વખતે એ છોકરાની સાથોસાથ આઘાત પામવાનો વારો આપણો પણ છે. એ પડે છે સીધો લાશોના ઢગલા પર…

***

ઉથ્થે ડૂબે ઇથ્થે નિકલે

આપણે ત્યાં હોલિવૂડની જેમ “બાયોપિક” પ્રકારની ફિલ્મો બહુ બનતી નથી. પરંતુ બને છે ત્યારે શું બને છે, બોસ! બેન્ડિટ ક્વીન, ગાંધી માય ફાધર, બોઝ ધ ફરગોટન હીરો, ગુરુ, ચક દે ઇન્ડિયા, પાન સિંહ તોમર અને હવે આવી છે રાકેશ ઓમપ્રકાશ મેહરાની મિલ્ખા સિંઘના જીવન પર બનેલી “ભાગ મિલ્ખા ભાગ”. પહેલા જ દડે સિક્સ જેવી ‘રંગ દે બસંતી’ બનાવ્યા પછી, ‘દિલ્હી-6’ જેવી કંગાળ ફિલ્મ બનાવ્યા બાદ તેજસ્વી ડાયરેક્ટર રાકેશ મહેરા ચાર વર્ષથી ગાયબ હતા. પરંતુ મોટી માછલી પાણીમાં ડૂબકી મારે તો તે ફરી પાછું માથું ઊંચકવા માટે જ હોય, એમ રાકેશ મેહરા મિલ્ખા સિંઘની કથા લઇને આવવાના હતા.

મિલ્ખા સિંઘઃ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ

કેટલાક લોકો આ દુનિયા નામની સ્કૂલમાંથી જિંદગીના પાઠ શીખે છે. આવો જ એક વિદ્યાર્થી એટલે મિલ્ખા સિંઘ. ભાગલા પહેલાં અત્યારના પાકિસ્તાનમાં જન્મેલા મિલ્ખાના પરિવારને 1947માં ભાગલા વખતે એની નજર સામે જ રહેંસી નખાયેલો. એ કારમો ઘા લઇને બાળક મિલ્ખા દિલ્હી ભાગી આવ્યો. શરણાર્થી શિબિરોમાં એક એક રોટલી માટે સંઘર્ષ કરીને મિલ્ખા મોટો થયો. યુવાનીના ઉંબરે પ્રેમ થયો, પણ રખડુ યુવકનું મહેણું ભાંગવા લશ્કરમાં સામેલ થયો. એક ગ્લાસ દૂધ, બે કાચા ઇંડાં અને પરેડમાં થાકી ગયા તો સજામાંથી મુક્તિ, એ ઇનામની લાલચે મિલ્ખા છ માઇલની રેસ એવી દોડ્યો કે એના પરસેવાના રેલામાં એનું હીર પરખાઇ ગયું. પછી તો આકરી ટ્રેનિંગ અને ઓલિમ્પિક્સથી લઇને કોમનવેલ્થ ગેમ્સ તથા એશિયન ગેમ્સમાં ભાગ લેવાનો સિલસિલો શરૂ થયો. આજે 77 વર્ષના મિલ્ખા સિંઘ કોમનવેલ્થ ગેમ્સમાં ઇન્ડિવિઝ્યુઅલ એથ્લેટિક્સમાં ગોલ્ડમેડલ જીતનારા એકમાત્ર ભારતીય એથ્લિટ છે.

ફિલ્મ છે કે મેરેથોન રેસ?

‘ભાગ મિલ્ખા ભાગ’માં સૌથી વધુ ધ્યાન ખેંચે એવી વસ્તુ છે ફરહાન અખ્તરનું એકદમ એથ્લિટ જેવું ટોન્ડ બોડી, જે સલમાનની જેમ શોઓફ્ફ કરવા માટે નહીં પણ એક ફૌજીનું ફૌલાદી બદન લાગે છે. મિલ્ખાના પાત્રને એણે એકદમ ડીપલી ઘુસ કે આત્મસાત્ કર્યું છે. એણે ફિલ્મની જેમ હકીકતમાં પણ બાલદી ભરીને પરસેવો વહાવ્યો છે, એ પરખાઇ આવે છે! બીજું આશ્ચર્ય છે પ્રસૂન જોશીની કલમ. ગીતકાર પ્રસૂને આ વખતે સ્ક્રીનપ્લે અને ડાયલોગ્સ માટે પણ કલમ ઉપાડી છે. મિલ્ખાના પાત્રને પૂરેપૂરો ન્યાય કરવા માટે પ્રસૂને એમની સાથે સારો એવો સમય ગાળ્યા બાદ સ્ક્રિપ્ટ લખી છે, પણ આ જ લાલચમાં ફિલ્મ ત્રણ કલાક અને દસ મિનિટ જેટલી મેરેથોન લાંબી થઇ ગઇ છે. એક્ટિંગ ડિપાર્ટમેન્ટમાં ફરહાન પછી સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હોય તો તે છે ‘મિલ્ખુ’ની બહેન બનતી દિવ્યા દત્તા અને ‘જવાન’ મિલ્ખાના ગુરુ બનતા પવન મલ્હોત્રાએ. કોચના રોલમાં ક્રિકેટર યુવરાજ સિંહના પપ્પા યોગરાજ સિંહ પહેલીવાર હિન્દી ફિલ્મોમાં દેખાયા છે. પંજાબી ફિલ્મોમાં તો એ જાણીતો ચહેરો છે જ (યોગરાજને જોઇને વિચાર આવે કે બરાબર છે જે માણસ યુવરાજ સિંહને પેદા કરી શકે એના હાથ નીચે મિલ્ખા તો પેદા થાય જ ને!). ફરહાનની સામે સોનમ કપૂર ફિલ્મમાં લિટરલી પાણી ભરે છે, એ પણ એક હાથમાં હાંડો અને બીજા હાથમાં બાલદી લઇને. એ સિવાય ફિલ્મમાં બિચારીનું કશું કામ નથી. ‘જયકાંત શિક્રે’ ટાઇપના રોલ કર્યે રાખતા પ્રકાશ રાજ મુચ્છડ ફૌજી અફ્સરના રોલમાં સારા લાગે છે. પરંતુ સૌથી હાસ્યાસ્પદ કાસ્ટિંગ હોય તો જવાહરલાલ નેહરુ બનતા દિલીપ તાહિલનું. ફિલ્મમાં શંકર એહસાન લોયનું મ્યુઝિક એવું જાનદાર છે કે કારમાં સાંભળતા હોઇએ તો ઉત્તેજનામાં આપણો પગ એક્સલરેટર પર દબાઇ જાય એવું બને.

રેસ જીવનની

રમખાણમાં હોમાતા પહેલાં મિલ્ખાના પિતા એને બૂમ પાડે છે, ‘ભાગ મિલ્ખા… ભાગ’, પરંતુ મિલ્ખાનું દોડવું એ ખરેખર તો એના જીવનનો સંઘર્ષ છે. બાળપણમાં એ જીવ બચાવવા દોડ્યો, પછી જીવતા રહેવા માટે દોડ્યો, પછી કશુંક બનવા માટે દોડ્યો, એ પછી દેશ માટે દોડ્યો અને આ દરેક તબક્કે એના કારમા ભૂતકાળની ભૂતાવળો એની પાછળ દોડતી રહે છે. રાકેશ મેહરાએ વર્તમાન અને ફ્લેશબેક એકસાથે કહેવાની પોતાની ‘રંગ દે બસંતી’ની જ સ્ટાઇલ અહીં વાપરી છે. અહીં તો ફ્લેશબેકમાં પણ ફ્લેશબેક છે. એટલે કોઇ તબક્કે આપણે ભૂલી જઇએ કે આપણે કયા સમયખંડમાં છીએ. એક મોટો લોચો એ છે કે લગભગ ભાગ મિલ્ખા… જેવી જ સ્ટોરી આપણે થોડા સમય પહેલાં ‘પાનસિંહ તોમર’માં જોયેલી, પણ પાનસિંહે હિંસાનો માર્ગ પકડી લીધો જ્યારે મિલ્ખાએ પોતાની ટ્રેક છોડી નહીં. એટલે જ આજે પાનસિંહ ડકૈત છે અને મિલ્ખા હીરો. જોકે પાન સિંહ તોમર જેટલી આ ફિલ્મ રિયલિસ્ટિક નથી લાગતી!

ઇન શોર્ટ, ‘ભાગ મિલ્ખા ભાગ’ આટલાં કારણોસર જોવી જ જોઇએઃ ફરહાનની મહેનત એક્ટિંગ અને બોડી બિલ્ડિંગ બંને માટે (સ્ક્રીન પર એકસાથે પચ્ચીસ-પચ્ચીસ પુશઅપ્સ કરવાં એ નાનીસૂની વાત નથી!), પ્રસૂન જોશીની કવિતા અને સ્ક્રીનપ્લે-ડાયલોગ્સ માટે, શંકર-અહેસાન-લોયના પંજાબી ફીલ આપતા સંગીત માટે અને એના મસ્ત પ્લેસિંગ માટે, 1950-60ના દાયકાનું ભારત જોવા માટે, બાળ મિલ્ખા સિંઘ બનતા બાળકલાકારની તથા દિવ્યા દત્તા અને પવન મલ્હોત્રાની એક્ટિંગ માટે, રાકેશ ઓમપ્રકાશ મેહરાના આ ફિલ્મ બનાવવા પાછળના ડેડિકેશન માટે (અને એક નાનકડા સીનમાં એમના ગેસ્ટ અપિયરન્સ માટે). પરંતુ હા, કકળાટિયા પબ્લિક આવવાની વકી હોય એવો શો પસંદ ના કરશો, નહીંતર તમારી ફિલ્મ જોવાની મજા મરી જશે!

રેટિંગઃ ***1/2 (સાડા ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.