ABCD-2

ડાન્સ ઇન્ડિયા ડાન્સ

***

એક ટિપિકલ ફોર્મ્યૂલાવાળી અન્ડરડૉગ સ્ટોરી, જોવા-સાંભળવાં ગમે એવાં ગીતો અને ખૂબ બધો ડાન્સ રિયાલિટી શૉનો મસાલો. બસ, આ જ છે અઢી કલાકની આ ફિલ્મમાં.

***

cckhoyew8aajjwyબે વર્ષ પહેલાં કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ બીજા જાણીતા ડાન્સ ડિરેક્ટરો અને રિયાલિટી શોઝથી સ્ટાર બની ગયેલા ડાન્સરોને લઇને ‘એબીસીડીઃ એનીબડી કેન ડાન્સ’ ફિલ્મ બનાવેલી ત્યારે એ જોઇને ડાન્સદીવાનાઓ પુલકિત પુલકિત થઈ ગયેલા. કારણ કે ‘એબીસીડી-1’ એ સરપ્રાઇઝિંગલી સારી ફિલ્મ હતી. એક તો અત્યારના યુથને અપીલ કરે તેવી પૂરેપૂરી ડાન્સ ઓરિએન્ટેડ મસ્સાલેદાર અર્બન ફિલ્મ, ઉપરથી પ્રભુદેવા- કે. કે. મેનન જેવા સ્ટાર્સ, હૉલીવુડની આવી જ ફિલ્મ સિરીઝ ‘સ્ટેપ અપ’ જેવી ફીલ અને ઑવરઑલ શરીરની પેચોટી ખસી જાય તેવાં ધમાકેદાર ડાન્સ પરફોર્મન્સ. ઉપરથી યંગસ્ટર્સને આકર્ષવા માટે થ્રીડીનો વઘાર. એટલે જ તો એબીસીડી-1માં બધાને મજા પડી ગયેલી. પરંતુ સિક્વલ બનાવવા માટે કોઇક નવી અને નક્કર સ્ટોરી જોઇએ. બાપડા-બિચારા થઈ પડેલાં પાત્રોને સફળ કરાવવાની ‘અન્ડરડૉગ’ ટાઇપની સ્ટોરીમાં પણ કંઈ નવું ન હોય, તો શું મજા આવે? એકલાં સોંગ એન્ડ ડાન્સથી તો અઢી કલાકનો ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ શૉ જોતા હોઇએ એવું લાગે.

નચ બલિયે

નાલાસોપારાનાં સુરેશ (વરુણ ધવન), વિની (શ્રદ્ધા કપૂર) અને એમના ડાન્સિંગ સાથીદારો એક ડાન્સ રિયાલિટી શૉમાં પરફોર્મ તો મસ્ત કરે છે, પણ જજીઝને ખબર પડે છે કે આ લોકોએ તો ડાન્સનાં સ્ટેપ્સની પેલા સંગીતકાર પ્રીતમની જેમ ઉઠાંતરી કરેલી છે. બસ, શૉમાંથી ટીમ ડિસ્ક્વોલિફાય થયાં અને ચારેકોર ‘ચોર ચોર’ તરીકેની બદનામી થઈ એ અલગ. હવે આ કલંકને ધોવા માટેના ડિટર્જન્ટ જેવો એક શૉ અમેરિકાના લાસ વેગસમાં થવાનો છે, વર્લ્ડ હિપહોપ ડાન્સ કોમ્પિટિશન. હુપાહુપની આ સ્પર્ધામાં નસીબ અજમાવવા માટે એક નવી ટીમ બને છે, જેમાં સૌથી પહેલાં તો ગુરુ પિતામહ વિષ્ણુસર (પ્રભુદેવા)ની વરણી થાય છે. ત્યારબાદ ધર્મેશ ઉર્ફ ‘ડી’(ધર્મેશ યેલન્ડે) તથા વિનોદ (પુનિત પાઠક) જેવા ઇલાસ્ટિક બૉડીવાળા ડાન્સરોની એન્ટ્રી થાય છે. હવે, લાસ વેગસ ગયા પછી એ લોકો જીતે છે કે ત્યાંના જુગારીઓની જેમ ધોતિયું ફાડીને રૂમાલ કરે છે એ જાણવા માટે તમારે થિયેટરનો ધક્કો ખાવો પડે.

ઑન્લી નાચના-ગાના

આ ફિલ્મ થ્રીડીમાં છે, મતલબ કે થ્રીડી ચશ્માં પહેરીને જોવાની ફિલ્મ છે. એટલે આપણે પણ ચશ્માં પહેરીને વાત કરીએ. પહેલા પોઝિટિવિટીનાં ચશ્માં પહેરીને સારી સારી વાતો જોઇએ. રેમો ડિસોઝા પોતે એક અચ્છો ડાન્સર અને કોરિયોગ્રાફર છે. આ ફિલ્મની બધી જ ડાન્સ સિક્વન્સીઝ એણે જાતે જ કોરિયોગ્રાફ કરી છે. અને શું ડાન્સ છે, બોસ? ડાન્સના ઔરંગઝેબોના પગ પણ થિરકવા માંડે. સૌથી પહેલાં એકદમ અંધારામાં માત્ર અલ્ટ્રાવાયોલેટ લાઇટમાં પરફોર્મ કરતા ‘ઇલ્યૂમિનાટી’ ગ્રૂપનું પર્ફોર્મન્સ અને પછી આપણી જુગલજોડીની ધમાલ. જે લોકો ટીવી પરના ડાન્સ શોઝને બ્રશ કરવા જેટલી નિયમિતતાથી જોતા હોય અથવા તો ગલી-કૂંચામાં ચાલતા ડાન્સ ક્લાસિસમાં જતા હોય એમને તો આ બધાં જ પર્ફોર્મન્સીસ પોતાનાં ફેમિલી ફંક્શન્સ જેવાં લાગશે.

આપણી ગુજ્જુ સંગીતકાર જોડી સચિન-જિગરનું મ્યુઝિક તો ફિલ્મ રિલીઝ થઈ એ પહેલાંથી જ હિટ થઇને લોકોના રિંગટોનમાં આવી ગયું છે. એમાંય ‘બેઝુબાં ફિર સે’, ‘નાચ મેરી જાં નાચ’, ‘સૂન સાથિયા’ તો વીડિયો વગર હેડફોનમાં પણ સાંભળવાની મજા પડી જાય તેવાં બન્યાં છે. જ્યારે બાકીનાં ગીતો એનાં પિક્ચરાઇઝેશનને કારણે જોવાં ગમે છે. જેમ કે, ‘વંદે માતરમ’ ગીતમાં મયુર પૂરી (અગેઇન ગુજ્જુ)ના રમતિયાળ શબ્દો તથા એકદમ ક્રિયેટિવ ડાન્સ સ્ટેપ્સને કારણે મજા કરાવે છે (ખાસ કરીને હવામાં છૂટતા રંગોથી તિરંગો બને છે ત્યારે). ‘ઇફ યુ હોલ્ડ માય હૅન્ડ’ ગીત સરસ આંખ ઠરે એવા લોકેશનમાં શૂટ થયું છે. એવા જ રમતિયાળ શબ્દોવાળું ‘હેપ્પી અવર્સ’ સોંગ મીકાએ ગાયેલું હોવા છતાં પ્રભુદેવાના ડાન્સને કારણે જોવું ગમે છે.

બીજી એક મજાની વાત એ છે કે લીડ પૅર એવાં વરુણ અને શ્રદ્ધા આ ફિલ્મમાં નવી એન્ટ્રી છે. પરંતુ પ્રેક્ષકોનો બીજાં પાત્રો સાથેનો ઘરોબો (ટીવી શોઝને કારણે) એબીસીડી-1થીયે જૂનો છે. એટલે જ વરુણ કે શ્રદ્ધાની એન્ટ્રી વખતે શાંત રહેતી પબ્લિક પ્રભુદેવા, (વડોદરાના ડાન્સર) ધર્મેશ, પુનિત પાઠક, રાઘવ જુયાલ, લૉરેન ગોટ્ટલિબની એન્ટ્રીને ચિક્કાર હુરિયો બોલાવીને વધાવે છે. વળી, એ લોકો પ્રોફેશનલ ડાન્સર્સ છે. એટલે વરુણ-શ્રદ્ધા સારાં ડાન્સર હોવા છતાં આપણું ધ્યાન તો પેલા ડાન્સરોનાં ગુરુત્વાકર્ષણની ઐસીતૈસી કરતા ડાન્સ પર જ રહે છે. વળી, ફિલ્મમાં સતત વહેતું કોમેડી-ડ્રામાનું કોમ્બિનેશન પણ આપણો રસ સાવ સુકાવા દેતું નથી.

હવે પહેરીએ નેગેટિવ ચશ્માં. આ ફિલ્મમાં કલાકેકનાં ડાન્સ પરફોર્મન્સીસને બાદ કરો તો એ એકદમ ચવાયેલી અન્ડરડૉગ સ્ટોરી જ બચે છે. અગાઉ આપણે આવી અઢળક ફિલ્મોમાં જોઈ ચૂક્યા છીએ કે એક ટીમ બને એમાં થોડી માથાકૂટો થાય, દગો થાય, કોઈ વળી ટાણે માંદું પડે, ક્યાંકથી જૅલસી-ઇર્ષ્યા ફૂટી નીકળે, અચાનક દેશપ્રેમ જાગ્રત થઈ જાય, કરુણાની સરવાણીઓ ફૂટી નીકળે. અન્ડરડૉગ ફિલ્મોની આ દાદીમાની રૅસિપી જેવી જૂની ફોર્મ્યૂલા છે. પરંતુ એ રૅસિપી પરની આ ફિલ્મમાં આપણી ધારણા બહારનું ખાસ કશું બનતું જ નથી. ઇવન ફિલ્મનાં મુખ્ય પાત્રોની સામે ખરેખર કરો યા મરો ટાઇપની કોઈ ચેલેન્જ પણ ફીલ થતી નથી. ‘એબીસીડી-1’ જેવી શિદ્દત અનુભવાતી નથી. બસ, કલાકારો નાચ્યા કરે છે અને ફિલ્મ ધીમે ધીમે આગળ વધતી રહે છે. અઢી કલાક ઉપરની આ ‘એબીસીડી-2’ જાણે કોઈ લાંબો ડાન્સ રિયાલિટી શૉ જોતા હોઇએ એવું જ લાગવા માંડે છે. ખાસ કરીને ઇન્ટરવલ પછી તો કોઈ જ દેખીતા કારણ વગર ફિલ્મને તાણીતૂસીને લાંબી કરી છે.

રિઝલ્ટ બોલે તો?

આ ફિલ્મ ડાન્સ ઓરિએન્ટેડ છે એટલે વરુણ-શ્રદ્ધાએ પણ ચિત્ર-વિચિત્ર કપડાં પહેરીને ક્યુટ દેખાવાનું અને ડાન્સ કરવાનું જ આવ્યું છે. પ્રભુદેવાની તો આમેય એક્ટિંગ કરતાં લોકોને એનો ડાન્સ જોવામાં જ વધારે રસ હોય છે. એટલે કુલ મિલા કે બાત યે હૈ, કિ તમે ડાન્સ રિયાલિટી શૉઝના ચરસી જેવા વ્યસની હો, પ્રભુદેવાને જોઇને તમારા મોંમાંથી પણ ‘વિષ્ણુ સર’ નીકળી જતું હોય, રેમો-ટેરેન્સ-ધર્મેશ-રાઘવ-પુનિત-લૉરેન ગોટ્ટલિબ-ગણેશ આચાર્ય તમને તમારાં ફેમિલી મેમ્બર્સ જેવાં લાગતાં હોય અથવા તો તમારા હૃદયના કોઈ ખૂણે એક ડાન્સરનો આત્મા સળવળતો હોય, તો જ આ ફિલ્મ તમારા માટે છે. બાકી, હિપહોપ જેવા હાડકાંતોડ ડાન્સ તમને નાચકણાં-કૂદકણાં લાગતાં હોય, તો મહેરબાની કરીને લાંબા ન થતા.

અને હા, આ ફિલ્મને માત્ર એક ગિમિક માટે જ થ્રીડી બનાવવામાં આવી છે. એવી કોઈ મહાન થ્રીડી ઇફેક્ટ આ ફિલ્મમાં છે નહીં. એટલે ટિકિટોના અત્યંત વધી ગયેલા ભાવ જોતાં પ્રમાણમાં ઓછી કિંમતે ટુડીમાં જ જોવાનું રાખજો.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

ખૂબસુરત

બોરિંગ રાજા કો તોફાની રાની સે પ્યાર હો ગયા

 ***

ધમાકેદાર ટેઇક ઓફ્ફ પછી કોઈ રોકેટ અચાનક માથાભેર નીચે પછડાય અને આ ઉર્ધ્વગામી ગતિ દરમિયાન મસ્ત મ્યુઝિક વાગતું હોય, તો સમજી લેજો કે તેની હાલત ફિલ્મ ‘ખૂબસુરત’ જેવી જ છે!

***

check-out-sonam-fawads-brand-new-khoobsurat-poster-2હૃષિકેશ મુખર્જીની રેખા સ્ટારર ‘ખૂબસુરત’ જેવી લાગતી આ ફિલ્મ શરૂ થાય છે કે તરત જ લાફ્ટરનું જાણે વાવાઝોડું સ્ક્રીન પર ફૂંકાય છે. પરંતુ માંડ અડધા કલાક આ વાવાઝોડાની ધમાચકડી ચાલે છે, ત્યાં જ એક બોરિંગ રાજા વર્સસ એક બિનધાસ્ત છોકરીની લવસ્ટોરી ચાલુ થાય છે. બસ, તે સાથે જ વાવાઝોડું શમી જાય છે. પછી આપણે રાહ જોતા રહીએ કે હમણાં મજા આવશે હમણાં મજા આવશે, લેકિન અફસોસ સમય સમાપ્તિ કી ઘોષણાનું ‘હૂટર’ વાગી જાય છે, પરંતુ મજા આવતી જ નથી. હા, હટ કે ગીતો જરૂર સાંભળવા મળે છે.

સારે નિયમ તોડ દો

રાજસ્થાનના સંભલગઢની મહારાણી નિર્મલા દેવી ઉર્ફ રાણી સા (રત્ના પાઠક શાહ) એક ડિસિપ્લિન પ્રિય મહિલા છે. ભોજન માટે પાંચ મિનિટ પણ મોડું કરે તો એ પોતાની સગ્ગી દીકરીને પણ જમવાનું ન આપે એવાં કડક. એમના પતિદેવ- જેમને સૌ ‘હુકુમ’ કહીને બોલાવે છે-તેમના એક્સિડેન્ટમાં નકામા થઈ ગયેલા પગની ફિઝિયોથેરપી માટે એક વાવાઝોડા જેવી ફિઝિયોથેરપિસ્ટ ડૉ. મૃણાલિની ચક્રવર્તી ઉર્ફ મિલી (સોનમ કપૂર) ત્યાં આવે છે. બસ, એના આવતાંની સાથે જ રાણીસાહેબાના બધા નિયમોની ઐસી કી તૈસી થઈ જાય છે. અધૂરામાં પૂરું એમનો જુવાનજોધ દીકરો યુવરાજ વિક્રમ સિંહ રાઠોડ ઉર્ફ વિક્કુ (ફવાદ ખાન) પણ એ લેડી ડૉક્ટર પાછળ લટ્ટુ થઈ જાય છે. વચ્ચે વચ્ચે તોફાનમાં ઘાસલેટ વધારો કરવા માટે મિલિની મમ્મી ‘મંજુ’ (કિરણ ખેર) પણ રૂબરૂ અને વાયા સ્કાઇપ આંટાફેરા કરતાં રહે છે.

સ્પાર્ક વિનાનું સારાભાઈ વર્સસ સારાભાઈ

રસપ્રદ કો-ઇન્સિડન્સ છે કે હૃષિકેશ મુખર્જીની ‘ખૂબસુરત’માં કડક ઠસ્સાદાર સાસુમાનો રોલ આપણાં ગુજરાતી અભિનેત્રી દીના પાઠકે કરેલો. આ ફિલ્મમાં એ ભૂમિકામાં એમનાં જ દીકરી રત્ના પાઠક શાહ દેખાયાં છે. પરંતુ એ બંનેની વચ્ચે ટીવી પર ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ નામની ક્લાસિક કોમેડી સિરિયલ આવી ગઈ. એટલે ટ્રેજિ-કોમેડી એ છે કે શશાંક ઘોષની આ ફિલ્મ ‘સારાભાઈ…’નું જ ફિલ્મી વર્ઝન જોતા હોઈએ એવી ફીલ આવે છે. તેમાં અને અહીં રત્ના પાઠક શાહ હાઈ સોસાયટી ઓબ્સેસ્ડ ‘માયા સારાભાઈ’ના જ રોલમાં છે. આપણને બીક લાગે કે ફિલ્મમાં પણ હમણાં એ બોલી ઊઠશે, ‘ઈટ ઈઝ સો મિડલ ક્લાસ, મોનિશા!’ એક હોલિવૂડ ફિલ્મ ‘પ્રિન્સેસ ડાયરીઝ’ની પણ અસર આ ફિલ્મ પર દેખાય છે.

પરંતુ આ ફિલ્મ સારાભાઈ કે પ્રિન્સેસ ડાયરીઝ જેટલી એન્ટરટેનિંગ નથી. સાંઠીકડા જેવી સોનમ કપૂર પોતાના નાજુક ખભા પર આખી ફિલ્મ ઉપાડવાની મહેનત કરે છે, પણ ફિલ્મમાંથી પેદા થતા કંટાળાનું વજન એના કરતાં ક્યાંય વધારે છે. રત્ના પાઠક શાહની ડિસિપ્લિન અને સોનમ કપૂરનો બિનધાસ્ત એટિટ્યૂડ ટકરાય છે ત્યારે જે ચકમક ઝરે છે એ જોવાની મજા પડે છે, પરંતુ અચાનક એ ચકમકના તિખારા હવાઈ જાય છે. હા, કિરણ ખેર અને આમિર રઝા હુસૈન એ તિખારા પાછા લાવવામાં મહેનત કરે છે, પરંતુ ધબાય નમ: થતી ફિલ્મને કોઈ ઉગારી શકતું નથી. એકવાર બધાં કેરેક્ટર્સ ફિલ્મમાં એનાં સ્થાને ગોઠવાઈ ગયા પછી ફિલ્મમાં કશું નવું બનતું જ નથી. કોઈ કહેતાં કોઈ ટ્વિસ્ટ આવતો જ નથી. નવો પાકિસ્તાની હીરો ફવાદ ખાન દેખાવે કોઈ સૂટિંગ શર્ટિંગની જાહેરખબરના મોડલ જેવો ડેશિંગ લાગે છે, પરંતુ એ બિચારાના દાઢીધારી ચહેરા પર ગણીને એક જ એક્સપ્રેશન આવે છે, ધેટ્સ ઓલ. (જો આ જ ગતિએ પાકિસ્તાની એક્ટરો ભારત આવતા રહેશે તો ભારતની સૌથી મોટી આયાત પાકિસ્તાની એક્ટરોની હશે!) અને હા, અદિતિ રાવ હૈદરી પણ આ ફિલ્મમાં છે, પણ બિચારીના સમ ખાવા પૂરતા માત્ર બે જ સીન છે, એમાંય એ સ્ક્રીન પર સરખી દેખાતી નથી.

લેકિન બાબુમોશાય, આ ફિલ્મનું એક સરપ્રાઇઝ પેકેજ છે સ્નેહા ખાનવલકરનું મ્યુઝિક. ‘ગેંગ્સ ઓફ વસેપુર’માં જલસો કરાવનારી સ્નેહાએ અહીં શિયાળાની સવાર જેવું એકદમ ફ્રેશ મ્યુઝિક પીરસ્યું છે. એમાંય ‘પ્રીત ના કરિયો કોય’ તો મીરાંબાઈની યાદ અપાવી દે એટલું દમદાર બન્યું છે. અન્ય ગીતો ‘માં કા ફોન આયા’, ‘સો જા રે મુનિયા’, ‘બાલ ખડે’, ‘એન્જિન કી સીટી મેં મારો બમ ડોલે’ પણ ફરી ફરીને સાંભળવાની ઈચ્છા થાય એવાં બન્યાં છે. ફિલ્મમાં છેલ્લે આવતું પંજાબી રૅપર બાદશાહે તૈયાર કરેલું ‘અભી તો પાર્ટી શુરુ હુઈ હૈ’ પણ આપણને થિયેટરમાંથી બહાર નીકળતાં રોકે એવું છે.

બોલો, ધક્કો ખવાય?

સીધી વાત છે, અમુક કોમેડી સીન્સ અને સ્નેહા ખાનવલકરનાં સંગીત સિવાય ફિલ્મ સોલ્લિડ પકાઉ છે. હા, સાફસૂથરી ફેમિલી એન્ટરટેનર છે, પરંતુ એમાં મનોરંજન ઓછું અને કંટાળાજનક દુ:ખદર્શન વધારે છે. એના કરતાં હૃષિદાનું ઓરિજિનલ ‘ખૂબસુરત’ સીડી મંગાવીને ફરી એક વાર જોવું વધારે સારું રહેશે.

રેટિંગ: ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.